ગુસ્સો.


મારો આજનો ’ફ઼ુલછાબ – નવરાશની પળ’નો લેખ

તારે હૈયે વેદનાનાં સોળ ઊઠે છે,

તને ખબર…

લોહીની ટશરો ક્યાં ક્યાં ફુટે છે?

શ્રેયા અને પલક..બેસ્ટ ફ઼્રેન્ડસ.. બેય જણ નાનપણથી સાથે નૃત્યની તાલીમ રહયા હતાં. સાથે ઢગલો’ક સ્ટેજશો પણ કર્યા હતાં. બેયની કે્મિસ્ટ્રી એકબીજા સાથે એટલી સુંદર રીતે  તાલમેલ ધરાવતી હતી કે એકના વિના બીજાની કલ્પના પણ  નહોતી કરી શકાતી. શ્રેયા પલક સામે એનર્જીમાં થોડી નબળી પડતી હતી. પણ પલક બહુ જ ખૂબીથી એની એ નબળાઈ ઢાંકી દેતો હતો જેથી કોઇને એ વાત જલ્દી નજરે નહોતી ચડતી.ઓડીયન્સમાં એમની જબરદસ્ત લોકપ્રિયતા જોઇને એમના ડાન્સ ટીચર પણ શક્ય ત્યાં સુધી ડાન્સમાં એ બે ને જ પાર્ટનર તરીકે રાખતાં.

છેલ્લાં થોડા દિવસથી પલકના ઘરમાં ટેન્શનનું ભારેખમ મોજું ફ઼રી વળેલું હતું. એનું કારણ હતું પલકના પપ્પાના એમની સેક્રેટરી જોડેના દિવસે દિવસે વધતા જતા સંબંધો. પહેલાં પલકના મમ્મી જીજ્ઞાબેન એમના બેડરૂમ સુધી જ આ વાત સીમિત રાખતા હતા. પણ  હવે પલકના પપ્પાએ એને એમની વિરોધ ના કરી શકવાની નબળાઇ સમજીને સમાજમાં ખુલ્લે આમ પોતાની મનમાની કરવા માંડી હતી અને ઊઘાડેછોગ એમની સેક્રેટરીને શહેરના પોશ વિસ્તારમાં એક ફ઼્લેટ અપાવીને એમની બેશરમ રાસલીલાઓ આરંભી દીધી હતી. વળી જીજ્ઞાબેન કોઇ જ વિરોધ નોંધાવાનો પ્રયત્ન કરે તો, આ બધા પાછળ આડકતરી રીતે એમનો સીધો સાદો , ઘરેલુ સ્વભાવ જ જવાબદાર છે એમ પૂરવાર કરીને એક વિકૃત સંતોષ પણ અનુભવી લેતાં.જ્યારે હકીકત એકદમ ઊલ્ટી હતી. જીજ્ઞાબેન એક પ્રેમાળ, વ્યવહારકુશળ, સુંદર મજાનું હસમુખુ વ્યક્તિત્વ ધરાવતા હતા. લગ્ન પછી થોડા વર્ષોમાં ઘરને પોતાની જરૂર વધારે લાગતા પોતાની સુંદર મજાની નોકરી છોડીને ઉજ્વવળ કેરિયરને લાત મારી દેતા એક મિનિટનો પણ વિચાર નહતો કર્યો. પતિની ભ્રમરવૃતિને પોતાના પ્રેમથી જરુર અંકુશમાં લઈ શકશે અને એ પોતાની પાસે પાછો ફ઼રશે જેવી તકલાદી આશાના મિનારો પર શ્વસતું એમનું ૨૫ વર્ષનું લગ્નજીવન એમને હવે ખતરામાં લાગતું હતું. એટલે નાક બંધ થતા જીગિષાબેનનું મોઢું હવે જાહેરમાં ખુલવા માંડેલું. આજે પણ ફ઼રી એ જ વાતનો ઝગડો…પરિણામે ૨૨ વર્ષના પલકને પોતાનું જુવાન ગરમ લોહી હવે ઉછાળા મારીને લમણાંની નસો ફ઼ાડીને બહાર આવી જશે એમ જ લાગતું હતું. અકળાઇને ઘરની બહાર નીકળી ગયો ને પહોંચ્યો પોતાના ડાન્સ કલાસમાં.

મ્યુઝિક સિસ્ટમમાં વાગતા હીપ-હોપના લેટેસ્ટ ગીત પર નૃત્ય કરતાં કરતાં પલકનો ગુસ્સો એને વારંવાર ભુલો કરાવતો હતો. બે વાર તો શ્રેયાના પગ પર જોરથી એનો પગ પડતાં બહુ ખરાબ રીતે શ્રેયાનો પગ કચડાઈ ગયો. આંખમાં ધસી આવેલ આંસુ પર માંડ કાબૂ રાખીને શ્રેયા એક શબ્દ પણ ના બોલી. એક સ્ટેપમાં પલકે શ્રેયાને ઉંચકવાની હતી. ઢીંગલી જેવી શ્રેયાને આગળ પણ પલક પોતાના મજબૂત બાવડા પર આસાનીથી ઊંચકી લેતો હતો. કોઇ નવું સ્ટેપ નહોતું આ એમના માટે. આજે પણ શ્રેયાએ એ જ વિશ્વાસ અને બેફિકરાઈથી પોતાની જાતને પલકના હાથ પર છોડી..પણ આ શું…આટલા વર્ષોમાં ક્યારેય નહોતું બન્યું એ આજે બન્યું ને શ્રેયાને પોતાના હાથમાં સફળતાથી ઊંચકવામાં અસફળ પલકે બેલેન્સ ગુમાવતા શ્રેયા બહુ જ ખરાબ રીતે ભોંય પર પછડાઈ.. પલક બે ઘડી અવાચક થઈ ગયો પણ પછી એક્દમ જ શ્રેયા પર વરસી પડ્યો. “આટલા વર્ષોથી ડાન્સ શીખે છે પણ સાવ ‘ઢ’ની ‘ઢ’ જ રહી હજુ. આ તો હું છું તો તું આટલી આગળ આવી શકી બાકી તો હજુ તું ડાન્સની કે.જી.માં જ ભણવાને લાયક છું.મહેરબાની કરીને મગજને કોન્સન્ટ્રેટ કર અને ભુલો સુધારીને ડાન્સમાં પરફેક્શન લાવવાનો પ્રયત્ન કર.” અને ત્યાંથી બહાર નીકળી ગયો. સિગારેટના ખોખામાંથી એક સિગારેટ કાઢીને ફટાફટ ૪-૫ કશ ઉપરાઉપરી લગાવી દીધા. લગભગ ૧૦એક મિનિટ પછી એનું મગજ શાંત થતા એને પોતાની ભુલ સમજાણી. પોતે આટલા બધાની વચ્ચે શ્રેયાને સાવ આમ ઉતારીને  સારું તો ના જ કર્યુ કહેવાય. પસ્તાવાના ઝરણામાં નહાવા લાગ્યો. પોતાની વાતનો હવે શ્રેયા શું પ્રતિભાવ આપશે એની અવઢવ વચ્ચે એણે બારીમાંથી ઇશારો કરીને બહાર બોલાવી.પણ આ શું? આશ્ચર્યમ.. શ્રેયાએ પળના ય વિલંબ વિના ટોવેલ ઉઠાવી પરસેવો લુછતા લુછતા વોટર બોટલમાંથી ઘુંટડો ભરતી’કને એની આગળ આવીને ઊભી રહી ગઈ.

‘બોલ”

“આઈ એમ સોરી શ્રેયા, મારે..આગળના શબ્દો મોઢામાંથી બહાર આવે એ પહેલાં શ્રેયાએ એની નાજુક આંગળી એના હોઠ પર મૂકીને  ચૂપ કરી દીધો ને  બોલી,

‘પલક,  હું તને વર્ષોથી ઓળખું છું. તે મને હંમેશા સાચા દિલથી  પ્રેમ અને ઇજ્જ્ત આપ્યા છે. તારા દિલમાં મારા માટે સાચી લાગણી છે એ મને ખ્યાલ છે. છેલ્લાં કેટલાંય વખતથી તું અકળાયેલો છે એ પણ તારા વર્તન પરથી ક્યાસ કાઢી શકી છું. તો બની શકે તારું ફ્રસ્ટ્રેશન આજે આમ નીકળી ગયું હશે.ફાઈન. ઓકે..મને કંઇ ફરક કે તકલીફ નથી પડી.આટ્લી જીંદગી અને મારા મમ્મી જોડેથી હું થોડી વાતો શીખી છું કે સામેવાળા માણસને તમારા માટે સાચી લાગણી હોય એ તમને ખ્યાલ હોય તો એ ગુસ્સામાં હોય ત્યારે એના શબ્દો પર બહુ ધ્યાન ના અપાય.એના શબ્દોનો કોઇ અર્થ જ નથી હોતો.બોલનાર વ્યક્તિને પોતાને શું બોલે છે એનું ભાન નથી હોતું. વળી માણસ ક્યારેય ખરાબ નથી હોતો. ખરાબ હોય છે તો માત્ર એના સંજોગો.તો તારા આ સંજોગોમાંથી બને એટલો જલ્દી રસ્તો શોધીને બહાર આવે એની હું આતુરતાથી રાહ હોવું છું.”

અને પલક બાધો બનીને શ્રેયાની નાની ઊંમરની મસમોટી સમજણને મનોમન વંદન કરી રહ્યો. એના મનમાં શ્રેયા માટે લાગણી અને ઇજ્જત ઓર વધી ગયા.મનોમન હવે ભવિષ્યમાં કોઇનો ગુસ્સો કોઇ પર કાઢવાની ભુલો ના થાય એટલો સજાગ રહેવાનું જાતને વચન આપી બેઠો.

અનબીટેબલ :-  જીવનમાં રાગ, દ્રેષ,ગુસ્સો જેવી લાગણીઓ ભલે  સ્થાન પામે, પણ એ તમને અતિક્રમી ના જાય એનું ધ્યાન તો રાખવું જ ઘટે. હંમેશા બધાંયનું  સમતોલન કરીને જીવનને હળ્વું ફ઼ુલ રાખો.

સ્નેહા પટેલ – અક્ષિતારક