નાજુક ગુલાબની કળી
ઢગલો અરમાનો અને સપનાંઓનાં રંગે રંગાયેલી
જાણે ઇશ્વરનું સર્વોત્તમ સર્જન !
અદભુત, રમણીય, મનમોહક ગુલાબની
એક, બે,ત્રણ…
વસંત પર વસંત વીતતી જતી હતી
એનો માળી પણ એને બહુ લાડ લડાવતો હતો.
જીવથી અદકેરું છોડને જતનથી સાચવતો
ખાતરની સાથે સાથે
થોડા થોડા સમયે
છોડને ઝેરીલા જીવજંતુઓથી બચાવવા
કમને રાસાયણીક દવાઓ પણ પાતો.
ગુલાબને ઝેરની થોડી તકલીફ થતી
પણ જીવવા માટે એ જરુરી છે
એવું સમજાતા એ ઝેર સહન કરી લેતું.
માળીના લાડ -જતનનો ઢોળ ચડતા
ગુલાબનો રંગ વધુ ને વધુ ગાઢો થતો જતો હતો.
બેફિકર..પોતાની દુનિયામાં જ મસ્ત ગુલાબ
પોતાની મનગમતી વસંતની બેચેનીથી રાહ જોતું હતું.
હવાની હલકી લહેરખી એના સપનાંઓને
છેડખાની કરતું અને
નાજુક ગુલાબ શરમથી થથરી ઉઠતું.
ગુલાબની મદમસ્ત જુવાની
રસ્તે રઝળતા – આવારા
ભૂખ્યાં ડાંસ ઝેરીલા જનાવરોની નજરે ચડી ગઈ.
ડાળી પર મસ્તીમાં ઝૂલતું -લચકતું
કોમળ સુંદર ફૂલ…
નરાધમોએ બેરહમીથી એ ફૂલને ડાળી પરથી તોડી લીધું
નાખોરે ઘસી ઘસીને સુંઘ્યું..
એક પછી એક પાંદડી તોડી
પિશાચી હાસ્ય કરતા કરતા
ઠંડે કલેજે ગુલાબને
વેરણ છેરણ કરી નાંખ્યું
જૂતાની એડી તળે ઘસી ઘસીને
મસળી કાઢ્યું.
મનગમતી વસંતની રાહ જોતા ગુલાબને
મીઠા સપનાની દુનિયામાંથી બહાર આવે
એટલો સમય પણ ના મળ્યો.
મસળાતા – ચૂંથાતા
છેલ્લા શ્વાસ લેતા
એને
એક જ વિચાર પજવી રહ્યો હતો,
‘એનો મમતાળુ માળી
આ ઝેરી કીડાઓથી બચવા
કોઇ જંતુનાશક દવા કેમ ના શોધી શકયો..
ક્યાં ગફલત થઈ ગઈ..! ‘
-સ્નેહા પટેલ.