શ્વાસ પર માસ્ક:
“બળ્યું, આ કોરોનાએ તો માસ્કની પાછળ શ્વાસ લેવાનું પણ અઘરું કરી નાંખ્યું છે. એમાં કોઈને મળવામાં 4 ફૂટનું અંતર રાખી રાખીને મળવાનું જાણે આપણે કોઈ પાપી, અધમ, અછૂત હોઈએ એવી લાગણી થઈ આવે છે.”બોલતાં બોલતાં અશ્વિનભાઈની નજર એમના પત્ની મનોરમાબેન ઉપર ગઈ. એમની ભીની આંખો જો તેઓ મૂળથી હાલી ગયા,’એમની પત્ની તો 13 વર્ષની ઉંમરથી દર મહિને આવું અછૂતપણું સહન કરતી હતી!’
-સ્નેહા પટેલ.
Tag Archives: કોરોના
કોરોના કાળ
આજના કપરા સમયમાં શબ્દોની રમતથી નહિ પણ તન-મન અને સમજણ ની સહિયારી તાકાતથી જ જીવવું પડશે.
‘ઓહ, કમ ઓન યાર, કશું જ નહીં થાય…એમ બી ને શુ જીવવાનું? બિન્દાસ થઈ જા અને ચા ફાફડાની જ્યાફત ઉડાવ એવું નહિ ચાલે ‘
તો સામે,
‘મને કશુંક થઈ જશે તો…હું ઘરની બહાર ક્યાંય નહીં નીકળું, ક્યાંય નહીં અડકું, કોઈને નહિ મળું,મારા ઘરના દરવાજા બંધ કરીને એકલા જીવી લઈશ’
એ પણ નહીં ચાલે.
કોરોના, બ્રિટનમાં આવેલો નવો સ્ટ્રેઇન બધાથી જરૂર પૂરતું માહિતગાર રહી અને આપણું જીવન સલાતી,તકેદારી ના ખાના પાડીને જીવવાનું છે. પેનિક તો જરા પણ નથી થવાનું. પેનિક અને સાવચેતીનો મુખ્ય ભેદ સમજતા શીખવાનો આ મહાકાળ છે. કુદરત આપણને આ મહાપાઠ શીખવવા બેઠી છે તો પૂરતી ખુમારીથી એમાં પાસ થવાની હિંમત રાખવાની છે અને પૂરા સો માર્ક્સ સાથે એમાં પાસ થવાનું જ છે એવો સંકલ્પ કરવાનો છે. આ પાઠ કોઈ સ્કુલ કે કોઈ માનવી ક્યારેય નથી શીખવી શકવાનું.
ડિસેમ્બરના અંતની આ કડકડતી ઠંડીમાં ગરમાગરમ ચાનો એક ઘૂંટડો ગળા નીચે ઉતારીને ઊચ્છવાસમાં બધી ચિંતાની ગરમી ચાની વરાળમાં ભેળવીને હવા કરી દેવાની છે. જાન્યુઆરીનો સોનવર્ણી સૂરજ ઉગવાની તૈયારીમાં જ છે. ખાસી એવી સફર તો આપણે ખેડી કાઢી જ છે હવે અંત સમયે થાકી નથી જવાનું. આશાવાદનો છોડ દિલના બગીચામાં મઘમઘતો રાખવાનો છે અને માસ્ક પાછળ છુપાયેલા શ્વાસની ઘેરી આશા એને સીંચતા રહેવાનું છે.
આ કોરોનાનું કોકડું ખાસુ એવું તો ઉકેલાઈ ચૂક્યું છે બસ હવે અંત હાથવેંતમાં જ છે.
તો મિત્રો, ચિંતા વગરની સલામતી સાથે ખૂબ જ સુંદર જીવજો. તમે આ નાવમાં એકલા નથી આખું વિશ્વ એકબીજાની પડખે છે.
God bless you all.
-સ્નેહા પટેલ.