કાચની બારી


કાચની બારી બંધ કરી
‘કોલીન’નું સ્પ્રે કર્યું
છાપાનો ટુકડો લીધો
ઘસી ઘસીને સાફ કરવાનું અભિયાન શરૂ..
કાચની બારી
ડાઘાવાળી હોય તો કેવી ગંદી લાગે
એક પણ ડાઘો ના જોઇએ એના પર આજે
કચ્ચીને થતી મહેનત કપાળના પરસેવાની બુંદો બની ગઈ
કુર્તાની ‘સ્લીવ’થી પરસેવો લુછ્યો
દૂરથી થોડા અલગ અલગ ‘એંગલ’થી કાચ ધ્યાનથી નિહાળ્યો
હાશ..
હવે કોઇ જ ડાઘો નથી દેખાતો
મહેનત વસૂલ
ત્યાં તો એક કબૂતર જોરથી ઉડતું આવ્યું
ખુલ્લાપણાનો ભ્રમ નીપજાવતા ચોખ્ખા ચણાક કાચ
અને એ ગભરું નિર્દોષ પારેવું ભરમાયું
ધડામ..
રામ નામ સત્ય…
કાશ..અતિચોખ્ખાપણાનું ભૂત ના ભરાયું હોત
તો આજે મારા શિરે પારેવાના મોતમાં
આડકતરો હાથ હોવાનો ગુનો તો ના હોતને..

સ્નેહા પટેલ – અક્ષિતારક