કમાણી


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx

phulchhab paper > Navrash ni pal column > 1-2-2013

 

નવો મારગ મેં કંડાર્યો હતો મારા પગલાંથી

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાઓથી.

-ખલીલ ધનતેજવી.

 

મૃણાલ એક સુંદર મજાની નાજુક અને નમણી 25 વર્ષની યુવતી હતી. એક ખાનગી કંપનીમાં સારી પોસ્ટ ઉપર નોકરી કરતી હતી. એના મધ્યમવર્ગના પરિવારમાં એક નાનો ભાઈ અને મમ્મી પપ્પા હતાં પપ્પાની કમાણીમાંથી ઘરનું પાલનપોષણ આજની મોંઘવારીમાં દુ:ષ્કર હતું. નાનો ભાઈ હજુ  બારમા ધોરણમાં ભણતો હતો. મૃણાલની નોકરી પછી એના ઘરની સ્થિતીમાં ખાસો એવો ફરક પડ્યો હતો.સામાન્ય મધ્યમવર્ગમાંથી એમનો પરિવાર ઉચ્ચ મધ્યમવર્ગની કક્ષાએ પહોંચી શક્યો હતો.

મૃણાલની મા સિવાય બધાંય ઘરમાં હાશકારાનો શ્વાસ ભરતા હતાં. મૃણાલના મમ્મી લતાબેનને મૃણાલની વધતી જતી ઉંમરની ચિંતા થતી હતી. વળી છેલ્લા 5 વર્ષથી એ અને પર્યાંક ગળાડૂબ પ્રેમમાં હતાં તેની લતાબેનને એકલાને જ જાણ હતી. એમની મૃણાલ આજના જમાનાની ઉછાંછ્ળી છોકરીઓ જેવી નહતી પણ જુવાનીનો નશો ભલભલા ડાહ્યા માણસોને પળમાં ભાન ભૂલાવી શકે છે એ લતાબેન બરાબર જાણતા હતાં. એમનો જીવ સતત ઉચાટમાં રહેતો. આખરે એમણે આટલા વર્ષોથી મનમાં ધરબેલી વાત પતિ રમેશભાઈને કહી. રમેશભાઈ બે ઘડી તો સૂન્ન જ થઈ ગયાં.પછી જ્યારે એમને ખબર પડી કે પર્યાંક સારા ઘરનો સંસ્કારી છોકરો છે અને લતાબેન એને સારી રીતે જાણે છે ત્યારે એમને થોડી રાહત થઈ. કમાઉ દીકરીને હવે પરણાવી દેવી પડશે..માંડ માંડ થોડો રાહતનો શ્વાસ લઈને પોરો ખાતા હતા ત્યાં તો ‘દીકરી પારકી થાપણ’ ની ક્રૂર વાસ્તવિકતા વિશાળ અજગર સમી એમની સામે મોઢુ ફાડીને ઉભી રહી. પોતાના મનમાં ઉઠેલ વિચારની ફેણ તરત દબાવીને મનમાં પાછો ધરબી દીધો.

પર્યાંકના ઘરે બધાને મૃણાલ વિશે ખ્યાલ હતો.એ લોકોને તો છોકરી બહુ જ ગમતી હતી. શુભ દિવસ જોઈને ગોળધાણા માટેનો દિવસ નક્કી કર્યો.

મૃણાલના સમૃધ્ધ સાસરાની જાહોજલાલી જોઇને રમેશભાઈ મનોમન મૂંઝાતા હતા. છેવટે એમણે પોતાના મનની વાત લોકો સમક્ષ ઉચ્ચારી :

‘વેવાઈ,તમારી બધી વાત બરાબર પણ તમે લોકો લગ્ન વખતે અમારી જોડેથી…આઈ મીન…અમારી આર્થિક સ્થિતી તો તમે જાણો જ છો…મતલબ…તમારી ઇચ્છા…’ રમેશભાઈ એ લારા ચાવવા માંડ્યા.

મૃણાલના ભાવિ સસરા રાકેશભાઈ તરત બોલ્યા:

‘અરે,રમેશભાઈ…આ શું બોલ્યાં? આજના જમાનામાં તો છોકરા છોકરીના મન મળે એ જ સૌથી મોટું કરિયાવર. એમની વચ્ચે પ્રેમ આવો ને આવો જ તરોતાજા રહે એમાં જ આપણી ખુશી. વળી તમે તમારી દીકરીને આટલા સારા સંસ્કાર આપ્યાં છે..ભણી ગણીને આજે આટલા સારા પગારની નોકરી કરે છે..પોતાના પગ પર ઉભી છે. આવી સ્વનિર્ભર, ખુદ્દાર, સંસ્કારી અને પ્રેમાળ છોકરી સિવાય વધુ શું જોઇએ કોઈ પણ છોકરાના મા-બાપને?’

અને રમેશભાઈની આંખમાંથી આંસુ ચૂઈ પડ્યાં.તરત જ પર્યાંક આગળ આવ્યો અને રમેશભાઈ અને લતાબેનનો હાથ પકડીને બોલ્યો :

‘મમ્મી-પપ્પા, તમે દીકરી આપીને દીકરો મેળવશો..એની ખાત્રી રાખજો. વળી મૃણાલ પહેલાંની જેમ જ પોતાનો પગાર એ ઇચ્છે ત્યાં વાપરી શકે છે.એની ઇચ્છા હોય તો એ પૂરેપૂરો તમારા હાથમાં મૂકે, એની ઇચ્છા હોય તો બચત કરે, શોપિંગ કરે…એને કોઈ કંઈ જ પૂછ્નારું નથી.. મને એની સમજ્શક્તિ પર પૂરો વિશ્વાસ છે.’

‘અરે જમાઈ બાબુ, એમ થોડી હોય…દીકરી પરણી ગયા પછી એની કમાણી અમારાથી ના લેવાય..એ તો મોટું પાપ….’

એમને વચ્ચે જ રોકીને પર્યંક બોલી ઉઠ્યો,

‘એ બધા જમાના ગયા પપ્પા. દીકરો હોય કે દીકરી..દરેક માણસ પોતાની મહેનત, બુધ્ધિ , આવડતથી કમાય છે અને પોતાના પૈસા એણે કયાં વાપરવા એનો એને પૂરતો અધિકાર છે. દીકરીની ને દીકરાની કમાણી એ વળી શું ભેદભાવ..? મારા પૈસા હું મારા મમ્મી પપ્પા પાછ્ળ વાપરું તો મૃણાલ મને રોકવાની છે..? તો એને હું એના માતૃત્વનું ધ્યાન રાખતા કેમ ટોકી શકું..? તમે જરા પણ ચિંતા ના કરશો વડીલ…અમે બેય જુવાનીયા આ બેય ઘરનું બરાબર ધ્યાન રાખી શકીએ એટલા સમજદાર અને કેપેબલ થઈ ગયા છીએ. અમારી સમજશક્તિ અને પ્રેમ પર વિશ્વાસ રાખીને અમને બેયને લગ્ન કરવાની પ્રેમપૂર્વક મંજૂરી આપો,,બસ !’

અને

ત્યાં ઉભેલા દરેક જણની આંખોની કિનારીઓ પલળી ગઈ.

અનબીટેબલ : દરેક નવીન અને સાચી વાત પહેલા મજાક બને છે, પછી તેનો વિરોધ થાય છે અને છેલ્લે તેનો સ્વીકાર થાય છે. – સ્વામી વિવેકાનંદ

જીવ-જોખમી કમાણી..


ઉત્તરાયણની સવારની ધમાલ,
મિત્રોના ઘરે ભેગા થવાના કોલ,
પૂરજોશમાં ભાગતી બાઈક,
અને….
એક્દમ બ્રેક લગાવવી પડી…
એક દેઢ-પસલી છોકરો
રસ્તામાં પતંગ લૂંટવા દોડતો હતો.
અરે,આ તે કોઈ રીત છે?
આમ ને આમ જીવ ખોઈ દઈશ તું.
અને અમને હેરાન કરીશ નાહકમાં.
લાચાર લેંટાળીયું ગરીબડું મુખ
ઘડી-બેઘડી મારી સામે તાકી રહ્યું.
અને બોલ્યું,
“મેડમ,૨૫ રૂપિયામાં ૨૦ નંગ,વેચાતા લેશો…?!!!!”

સ્નેહા-અક્ષિતારક,
૧૮ જાન્યુઆરી,૨૦૧૦
સાંજના ૬.૪૫ વાગ્યાને