લિફ્ટ કરા દે !


ટેક ઈટ ઇઝી –51 -18-8-2013

રાતનો સમય હતો અને બહાર વરસાદ મન મૂકીને વરસી રહેલો. એના કડાકા – ભડાકા સાથે મારા ઘરમાં ચાલતી મહારાણા પ્રતાપ સીરીઅલના યુઘ્ઘનું કોમ્બીનેશન અદભુત હતું. હું લગભગ એના નશામાં ડૂબી ગયેલી, ઓતપ્રોત થઈ ગયેલી ત્યાં જ મારા કાનમાં ઝીણી ઝીણી વ્હીસલ વાગવા લાગી અને મારુ ‘સીરીઅલ ધ્યાન’ ભંગ થયું. માથાને હળવો ઝાટકો મારી જોયો. જગતના બહુ બધા ભ્રમની જેમ આ ‘વ્હીસલ’ પણ કદાચ મારો વહેમ હોઇ શકે ! પણ ના… એ હકીકત જ નીકળી. વરસાદની રીમઝીમ અને સીરીઅલની તલવારોની ઝમઝ્મ વચ્ચેથી રસ્તો કરીને મારા કાનને એ વ્હીસલનું અસલી કારણ જાણવાના રસ્તે લગાડ્યાં.

શોલે મૂવીનો એક અતિપ્રખ્યાત ડાયલોગ છે ને, ‘ સો જા બેટા, નહીં તો ગબ્બર આ જાયેગા.’ એ જ પ્રમાણે મારી શ્રવણશક્તિ માટે પણ અતિપ્રખ્યાત વાતો, કહાનીઓ છે,

‘શ.શ…ધીમેથી બોલ, એ તો દિવાલની આ પારની વાત પણ આસાનીથી સાંભળી જાય છે, એના કાનનો બહુ વિશ્વાસ ના કરવો. જોતી હોય કઈ બાજુ અને કાન કઈ બાજુ…બહુ ખતરનાક છે..વગેરે વગેરે..’’  આમ તો આ એક ગૌરવ લેવા જેવી વાત છે પણ એ જાહેર થઈ ગઈ છે એટલે મને પહેલાં લોકોની ખાનગી વાતો સાંભળી જવાનો પંચાતિયો રસ માણવા મળતો એ બંધ થઈ ગયો એનું દુઃખ થાય છે. પ્રસિધ્ધિ એની સાથે અનેકો તક્લીફો લેતી આવે એ આનું નામ !

વ્હીસલ સંભળાતી હતી, દિશા પકડાતી હતી પણ તકલીફ એ કે એ દિશામાં જોવા માટે મારે ઘરનું બારણું ખોલવું પડે અને બારણું ખોલીને દિશા શોધવામાં ‘ પકડાઈ જાય એ ચોર’ની જેમ  આમાં ‘કોઇ જોઇ જાય એ પંચાતિયણ’ . પંચાત કરવામાં કોઇ મને જોઇ જાય તો મારી ‘પંચાતિયણ’ની છાપ વધુ ગહેરી થઈ જાય. કોઇ ના જોતું હોય એમ ગૂપચૂપ પંચાત કરવાની મજા જ અલગ હોય છે. વ્હીસલનો અવાજ વધુ ને વધુ તીવ્ર થતો જતો હતો હવે મારાથી એ અવાજ સહન નહતો થતો. અવાજ બહુ જાણીતો હતો પણ ખ્યાલ નહતો આવતો. સેન્સીટીવ  કાનની આ મોટી તકલીફ !

ધીરેથી મેં બારણું ખોલ્યું ને દરવાજાની બહાર ડોકાચિયું કર્યું. બહાર કોઇ નહતું. વળતી પળે જ મેઁ મનને ટપાર્યું,’રે જીવ તું કંઇ કોઇનું ખૂન કરવા નથી જતો તો આમ સંકોચાય છે.’ અને મેં બહાદુરીથી ઘરનું બારણું ખોલીને બહારના પેસેજમાં આંટો માર્યો ને તરત મને ખ્યાલ આવી ગયો કે આ તો અમારી લિફ્ટનો અવાજ હતો જે અચાનક ખોટકાઈ ગયેલી અને  અવાજ કરતી હતી. ઓફ્ફો, આ લિફ્ટ પણ. હમણાં જ તો એને રીપેર કરાવી છે ને પાછું શું થઈ ગયું ? આ બાજુવાળાને લિફટના દરવાજા જોરથી બંધ કરવાની બહુ ખરાબ ટેવ છે, વળી ચોથે માળવાળા રોહિણીબેનને ત્યાં પણ લિફટનો કેટલો બધો વપરાશ…હજુ તો મારું મગજ બંધ પડેલ લિફ્ટના યથાયોગ્ય કારણો શોધતું હતું ત્યાં તો ગ્રાઉંડ ફ્લોર પરથી લિફ્ટનો દરવાજો જોરજોરથી ખખડાવવામાં આવ્યો અને સાથે  લિફ્ટની બખોલમાં મોઢું ઘુસાડીને એક ઓર્ડર તરતો મૂકાયો ,’ત્રીજોમાળ…લિફટ બંધ કરો’

‘લે આને તો ખબર જ નથી લાગતી કે લિફ્ટ બગડેલી છે અને લિફ્ટના બારણા ખખડાવીને ડબલ્યુ ડબલ્યુ એફનો રેસલર હોય એમ ‘ફેક’ જોર બતાવતો હતો. વળી એની ધારણાશક્તિ કાચી હતી અને લિફ્ટ ત્રીજા માળે નહતી એથી મેં એને પ્રત્યુત્તરમાં ‘ લિફ્ટ ત્રીજા માળે નથી’નો ટૂંકો ટચ જવાબ વાળ્યો ને પાડોશીધર્મ નિભાવી દીધો. રહસ્ય પરથી પડદો ઉચકાઈ ગયેલો અને મારી અતિજીજ્ઞાસા વ્રુત્તિ શાંત થઈ ગયેલી એથી ઘરમાં પાછા જવાનું જ હિતાવહ માન્યું.

એ પછી તો આખી રાત એ અવાજ ચાલુ જ રહ્યો. કોઇ લિફ્ટની સ્વીચ પણ બંધ નથી કરતું, લિફ્ટ રીપેર કરાવવા માટે લિફ્ટ્વાળાને ફોન પણ નથી કરતું… જેવા ટીપીકલ ટસલીયા વિધાનો અને દોષારોપણો સાથે લિફ્ટની આ હાલત બે દિવસ લાગલગાટ રહી. ત્રીજા દિવસે અચાનક જ લિફ્ટ ચાલુ થઈ ગઈ. કોઇએ લિફ્ટ્વાળાને પોતે ફોન કર્યો અને લિફ્ટ રીપેર કરાવી એ વાતનો જશ ના લેવાની ઇચ્છા સાથે કામ પૂર્ણ કરેલું. ડાબો હાથ દાન કરે અને જમણા હાથને પણ ખ્યાલ ના આવે જેવી મહાન કહેવત મને યાદ આવી ગઈ અને મનોમન એ મહાન માનવીને વંદન થઈ ગયા. બે દિવસ પછી અચાનક લિફ્ટ પાછી બંધ પડી પણ આ વખતે કોઇ તોફાની નવું સંશોધન કરી લાવ્યો કે,

‘લિફ્ટનો દરવાજો ખોલીને તમારે જે માળે જવું હોય એ માળનું બટન દબાવી અને લિફ્ટ બંધ કરી દો એટલે લિફ્ટ એ માળે જઈને ઉભી રહે.’ વન વે ટ્રાફિક – લિફ્ટ અંદરની બાજુથી જ ઓપરેટ થતી હતી. હવે તો નવી નવાઈના પર્સંગોની ઘટમાળ ચાલી. દર બે મીનીટે નીચેથી, ઉપરથી બૂમો સંભળાય,

‘ત્રીજે માળ..જરા લિફ્ટમાં ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવજો તો..ચોથે માળ જરા બીજા માળનું બટન દબાવજો તો..’

દર ફ્લોર પર આઠ ફ્લેટ..અને એ આઠેય ફ્લેટ વચ્ચે એક કોમન નેમ. જે માળ હોય એ બધાનું પેટ્નેમ  ‘જે-તે માળવાળા !’  મતલબ પહેલા માળના આઠ ફ્લેટ્ના લોકોનું પેટનેમ ‘પહેલો માળ’.આવા અજબ – ગજબના પરાણેના સંયુકત સંપની વાતો સાથે બીજા બે દિવસો પસાર થયાં. મારા જેવા હેલ્થ કોંસિયસ લોકો,’ એ બહાને દાદરાની ચડ ઉતર થશે’, તો બીજાઓ ‘આપણે જ દરવખતે લિફ્ટવાળાને ફોન કરવાનો…નથી કરવો..બધા હેરાન થાય છે, જોવા તો દો કેટલું ચાલે છે આ બધું.’, તો અમુક કરકસરીયા ‘ આ બહાને લિફ્ટનો વપરાશ ઘટશે અને ‘મેંટેનન્સ’ ઓછું આવશે’ વિચારીને ‘ ગામનું કામ એ કોઇનું નહીં’ની વાત સાચી પાડી રહેલા. રોજ રોજ બૂમો પાડી પાડીને લિફ્ટ પોતાના માળે બોલાવાતી. દરેક જણે સ્વેચ્છાએ પાર્ટટાઇમ લિફ્ટમેનની સેવા આપવાનું સ્વીકારી લીધેલું.

સ્વેચ્છાની સેવાનું આયુષ્ય કેટલું?

હવે લોકો બૂમો સાંભળીને પણ નાસાંભળ્યું કરી દેતા હતાં. એમના નોકર છીએ કે એ બૂમો પાડે એટલે આપણે બધા કામ પડતા મૂકીને એમના માટે લિફ્ટના બટનો દબાવવા જવાના, મેં કાલે કેટલી બૂમો પાડેલી તો ય કોઇએ લિફ્ટ નીચે ના મોકલી..મારે તો દાદરા ચડીને જ ઉપર આવવું પડ્યું હવે મારે શું કામ બીજાઓની મદદ કરવી..?’ જેવા માણસોના સારપના કોચલામાંથી અતિકોમન સ્વભાવ બહાર આવવા લાગ્યાં. લોકોના પાડોશી સંબંધો તૂટવાના આરે આવીને ઉભા રહ્યાં.

સંદીપ ભાટીયાના ગીત

‘માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ ગયો ,એ જેવી તેવી વાત નથી’ ઉપરથી’

‘એક બે દસકાનો પાડોશી સાવ પારકો થઈ ગયો, એ જેવી તેવી વાત નથી’ જેવી પંક્તિ સૂઝી.

ઘરડાંઓ અને બચ્ચાઓની તક્લીફો જોઇને મારો અંતરાત્મા કકળવા લાગ્યો. આખરે બધી વાતો કોરાણે મૂકીને લોકોનો સંપ બરકરાર રહે એ હેતુથી મોબાઈલમાંથી ફોનનંબર શોધીને મેં લિફ્ટમેનને ફોન કરીને બોલાવી જ લીધો, જાતે ઉભા રહીને લિફ્ટ ચાલુ કરાવી અને છેલ્લે એને ધમકી પણ આપી કે જો હવે લિફ્ટ બંધ થઈને તો આ પછીનો કોંટ્રાક્ટ રીન્યુ જ નહી કરાવીએ. લિફ્ટમેન કશું જ બોલ્યા વગર મારી સામે એક રહસ્યમય સ્મિત રેલાવીને પોતાના ઓજારો સમેટીને ગ્રાઉંડ ફ્લોરનું બટન દબાવીને લિફ્ટમાં નીચે ઉતરી ગયો.

સ્નેહા પટેલ.

ગેજેટ્સ મંથન :


 

ટેક ઈટ ઈઝી – 50

ઘનઘોર કાળી,અંધારી રાત હતી. પવન જોરજોરથી ફૂંકાઈ રહેલો. ટ્રીન..ટ્રીના..ટ્રીન જેવા વિચિત્ર અવાજોના સૂસવાટા સંભળાઈ રહેલા હતાં પણ વાતાવરણમાં આ સ્થિતીને વિરોધાભાસી રીતે નીરવ એકાંત નહતું. માણસોના કીડીઆરા ઉભરાઈ રહેલાં અને એમાં એક અજબ પ્રકારનું સાય્યુજ્ય જોવા મળતું હતું . દરેક માનવીનો જમણો હાથ,જમણો કાન અને બે આંખો એની સામે રહેલા ચોરસ,લંબચોરસ જેવા આકારના વિદ્યુતીય ઉપકરણમાં અટવાયેલા હતાં.માનવીના બેય મગજ બહારથી દેખાય એવી વ્યવ્સ્થા ઉપરવાળાએ નથી આપી એથી મગજનો ખ્યાલ ના આવ્યો.

અચાનક જ આકાશમાંતેજ લિસોટો થયો અને નભમાંથી વીજળી ધરા પર ત્રાટકી એ સાથે જ દરેક માનવીના હાથના ઉપકરણો બંધ થઈ ગયા અને બધાંયના મોઢા નીચોવી કાઢેલા લીંબુની જેમ લટકી ગયા. અતિવ્યસ્ત દુનિયા અચાનક જ બેકાર થઈ ગઈ, રસહીન થઈ ગઈ. દરેક માનવીના મોઢા પર તીવ્ર નિરાશા ઝળકવા લાગી. એમનો ભવોભવનો એક્ઠો કરેલો મૂલ્યવાન ખજાનો ‘વીજળીના ચમકારે’લૂંટાઈ ગયો. આખું વાતાવરણ નિસાસાઓથી ઉભરાવા માંડ્યું. નિસાસાની ગરમીથી વાતાવરણ ગરમ લાહ્ય જેવું થવા લાગ્યું. ગરમી વધતી ગઈ…વધતી ગઈ અને મારાથી રાડ નંખાઈ ગઈ,

’આ કોણે એસી બંધ કરી દીધું છે ? ફાસ્ટ કરો થોડું.’

મારા જ અવાજથી મારી આંખો ખૂલી ગઈ. નિંદ્રાભંગ પછીની ખાસી એક મીનીટ પછી મને ખ્યાલ આવ્યો કે આ બધું મારું સ્વપ્ન હતું. અજબ ગજબનું સ્વપ્ન ! દરેક સ્વપ્ન પાછ્ળ ચોક્ક્સ કોઇ કારણ છુપાયેલા હોય છે એવી સમજ ફેણ ઉઠાવીને મારા મગજમાં ઉંચી થતી હતી પણ મારી બાકી રહેલી ઉંઘે એ ફેણને કચડી કાઢી અને એસી ફાસ્ટ કરીને પાછી હું સૂઈ ગઈ.

સવારે ઉઠીને આદુફુદીના વાળી ચા સાથે છાપાનું મનપસંદ કોમ્બીનેશનવાળું વાતાવરણ રચાયેલું હતું અને ત્યાંજ મારા પાડોશીએ બૂમ પાડી. વાતાવરણ વેરણછેરણ થઈ ગયું, મસ્તીના મૂડની ચામાં કર્કશ અવાજની માખી પડી !

‘સ્નેહા,તારી પાસે પતલી પીનનું ચાર્જર છે ? અમારા ઘરે આ મહેમાન આવ્યાં છે એમના ફોનમાં અમારું ચાર્જર લાગતું નથી.’

‘માસી, મારી પાસે જે છે એ તમે જોઇ લો કદાચ તમને કામ આવી જાય’

ચાનો ટેસ્ટ ચાખી ચૂકેલી જીભ અને સમાચારપત્રોના હેડીંગનો નશો કરી ચૂકેલી આંખો બેયને મહાપરાણે કંટ્રોલમાં રાખી ‘ટાઈમપ્લીઝ’ કહીને હું મારા વાયરોના ખજાના તરફ વળી. નાના-મોટા –ટૂંકા-લાંબા- પતલા – જાડા –સફેદ – કાળા – એક્સ્ટેંશનવાળા- થ્રી પીનના પૂંછ્ડાવાળા- મારા ઘરમાં ચાર્જરોમાં આટલી બધી વૈવિધ્યતા છે એ વાતની મને આજે જ ખબર પડી, અને કરુણતા એ કે જે ફોન માટેચાર્જર શોધતી હતી એ ફોન 5-7 વર્ષ જૂનો પુરાણો હતો. હવે આપણે દર વર્ષે કોઇક્ને કોઇકના મોબાઈલ બદલાતા હોય તો છ વર્ષ પહેલાના ચાર્જર આપણા ખજાનામાં હજુ સુધી સચવાયેલ હોય એની શક્યતા કેટલી! પાડોશીના મહેમાનને ચોક્ક્સપણે કેવા પ્રકારના ફોન ચાર્જરની જરુરિયાત હશે એ મને ખ્યાલ ના આવ્યો એથી મેઁ એમને મારા ખજાનાનો ગુપ્ત રસ્તો બતાવ્યો અને એમાંથી યથામરજી વાયર શોધી લેવા કહ્યું. પાડોશી પાછા ‘પા-અક્કલ’ ધરાવતા ( ચાર આના)! બધા વાયરો અમથી તેમ ફેરવ્યાં અને ફોનમાં નાંખવાના પ્રયત્ન કરવા લાગ્યાં. એમની એ અદભુત ક્રિયાવિધીથી અભિભૂત થઈને મારાથી બોલાઈ ગયું, ‘ તમે વાયર જ્યાં નાંખવાનો પ્રયત્ન કરો છો એ ફોનનો ઇઅયરપ્લ્ગ ભરાવવાનો  ‘હૉલ’ છે. ચાર્જર તો નીચેની બાજુએ મધ્યમાં છે. બે પળની ખિસીયાણી પરિસ્થિતીમાં મૂકાઈને ‘ખિસિયાણી બિલ્લી ખંભા નોંચે’ ની જેમ બધા વાયરો આમથી તેમ ઉંચા નીચા કરી, પ્લગમાં ભરાવવાનો અભિનય કરીને પાડોશીએ , ‘આમાંથી એક પણ કામ નહી લાગે’ ના વાક્ય સાથે વિદાય લીધી.

એમના ગયા પછી મે સૌપ્રથમ મારી ચા પતાવી અને પછી નિરાંતે એ વાયરોના ગૂંચળા તરફ વળી. ઘરમાં આટલા બધા ગેજેટસની – વાયરોની જરુર પડે છે એ મહાગ્યાન મને અત્યારે પ્રાપ્ત થયું. મોબાઇલમાં આવેલો એક મેસેજ મારી આંખો સામે તરવરવા લાગ્યો.

‘આપણે નાના હતાં ત્યારે કાયમ આપણે ચંદ્ર અને તારા નજરે પડે એવી બારી બાજુ સૂવાનું પસંદ કરતાં હતાં જ્યારે આજે ફોનના ચાર્જર લગાવી શકીએ એ તરફ સૂવાનું પસંદ કરીએ છીએ.’

અત્યારે એ મેસેજનો સાક્ષાત્કાર કરી રહી હતી. મારી નજર ઘરના એકે એક ઇલેક્ટ્રીક બોર્ડ પર ફરી વળી. ક્યાંક મારા મોબાઈલનો-લેપટોપનો, ક્યાંક અક્ષતના ટેબનો,ફોનનો, ક્યાંક પતિદેવના લેપટોપનો –ફોનનો વાયર લટકતો હતો. એનાથી પણ વધુ આઘાતની વાત એ કે એમાંથી અડધાની સ્વીચ ચાલુ હતી અને વાયરમાંથી ગેઝેટ કાઢી લેવાયેલું. ચાર્જર એકલા એકલા ઇલેક્ટ્રીક બોર્ડ પર સળગતા હતા. મેં ફટાફટ બધી સ્વીચ બંધ કરી અને વાયરોને વ્યવસ્થિત વાળીને એની નિર્ધારીત જગ્યાએ મૂક્યાં. મનોમન એક વિચાર પણ આવી ગયો કે વસ્તુ વાપરનારા ઉપર જ એની એસેસરીઝ સાચવવાની જવાબદારી કેમ ના હોય ? વળતી જ પળે સુખી દાંપત્યના સપના સેવતી સ્ત્રીઓએ આવી નાની નાની બાબતોએ બહુ વિચારવું કે વિવાદો કરવા નહીં વિચારીને એ વિચારને એક ઝાટકે ખંખેરી કાઢ્યો.

આ સાથે જ મને મારા લેખની શરુઆતમા આવેલ ચિત્ર વિચિત્ર સપનાંનો સંદર્ભ સ્પષ્ટ થઈ ગયો. એ  બધા નિરાશ અને દુ:ખી લોકો આધુનિક ગેજેટસના વ્યસની હતાં અને ગેજેટસ અચાનક ચાલતા બંધ થઈ જતા એ લોકોના અનેકો મહામૂલા – મહત્વના કામકાજ અટકી ગયેલાં. ત્યાં જ મને વિચાર આવ્યો કે નાના હતાં ત્યારે અમારી પાસે મોબાઈલ , કોમ્પ્યુટર જેવી કોઇ સુવિધા નહતી એ વખતે અમે આખો દિવસ બહેનપણીઓના ઘરે , ક્લાસીસમાં –સંબંધીઓના ઘરે – બજારમાં – સ્કુલમાં બધે જતાં હતાં અને નિર્ધારીત સમયની આસપાસ લગભગ ઘરે આવી જ જતાં. હા ઘરઆંગણે રમવાના સમયમાં થોડી અંચઈ કરી દેતાં હતા , જેનાથી કોઇ આભ નહોતું તૂટી પડતું ઉલ્ટાનું આવા બધા વધારાના કામ ના હોવાથી અમને રમવાનો અને ભણવાનો સમય વધારે મળતો. વળી બે હાથમાં ડબલા પકડીને એક ની એક જગ્યા પર બેસીને અદોદળા પણ નહતા થઈ જતા..ઘરની બહાર ખુલ્લા વાતાવરણમાં રમી રમીને ઓર સ્ફૂર્તિલા થતા હતા. મોબાઈલ કે લેપટોપ વગર કોઇના બહેનપણા તૂટયાં કે કામ અટક્યા કે ક્યારેય ખોવાઈ ગયા હોય એવી વાત પણ ધ્યાનમાં ના આવી. એ વાત પણ એટલી જ સત્ય હતી કે આ બધા ગેજેટસના પરિણામે જીવનમાં સહૂલિયતો પણ ખાસી વધી હતી અને અમારી અંદરના આલસુજીવડાઓને પ્રોત્સાહન મળતું હતું.

સૂર્યમંડળના પ્રત્યેક ગ્રહ પરથી જાણે મારા જ ઘર ઉપર ગેજેટસની અક્ષૌહિણી સેનાઓ છોડી મૂકી હોય એવા ભાવ સાથે મેં આજના મારા મહાવિચાર પર ‘અતિ વર્જયતે’ શબ્દો દ્વારા જબરદસ્તી પૂર્ણવિરામ મૂકીને તિલાંજલી આપી.

-સ્નેહા પટેલ.

કેલરી –હાય હાય !


 Gujarat Guardian paper > take it easy column.

ટેક ઈટ ઈઝી 

 

 

૧૦૦ ગ્રામ મગફળી – ૫૬૭ કેલેરી

૧૦૦ ગ્રામ ગોળ – ૩૮૩ કેલેરી

૧૦૦ ગ્રામ માવા સ્વીટ – ૪૨૦ કેલેરી

મકાઈની એક રોટલી – ૧૮૧ કેલેરી

દસ ગ્રામ દેશી ઘી – ૯૦ કેલેરી

દસ ગ્રામ માખણ – ૭૨ કેલેરી  ….વગેરે વગેરે.

 

આજે થોડી નવરાશ મળતાં જ બે મહિનાથી જેને મળી નહતી શકતી, એ મારી સખી અનુજાને મળવા ઉપડી ગઈ, સરસ મજાનું ગુલાબી ઝાંય સાથે  એવરેજથી થોડું વધારે ચમકીલું સૌષ્ઠ્વ ઐશ્વર્ય ધરાવતી અનુજાના રસોડામાં મેં ફ્રીજ ઉપર મીકી માઉસના લાલ –ભૂરા મેગ્નેટથી આવો કેલેરી-ચાર્ટ ચોંટાડેલો જોયો. નાનપણથી મેં એને હસતી રમતી અને આનંદી જોયેલી.  પહેલેથી જ એવરેજ કરતાં થોડું વધારે શરીર ધરાવતી હોવા છતાં એ બાબતે કાયમ દુર્લક્ષ સેવતી તે એના બે સંતાનો પછી વધતા ફુગાવાની જેમ નિરંકુશ વધારો થયા પછી પણ ક્યારેય સીરીઅસ થઈ નહતી. એના ઘરમાં અચાનક આવું વાતાવરણ જોઇને મને થોડી હેરાની થઈ ને કારણ પૂછતાં ઉપર દર્શાવેલા કેલેરીચાર્ટ સિવાય બીજા  ગોખેલા આંકડાની માહિતી મારી સામે પ્રસ્તુત કરીને મારા કેલેરીના સામાન્ય જ્ઞાનમાં ઉમેરણ કર્યું.

સામાન્ય રીતે પુરુષોને ૨૨૦૦ કેલેરી અને સ્ત્રીઓને ૧૮૦૦ કેલેરીની જરૂરિયાત હોય છે.  તમે એક મહિનામાં આઠ વખત વધારે ખાઓ દરેક અઠવાડિયે તમારા શરીરની અંદર ૫૦૦ કેલેરી વધારે જમા થાય છે જેના લીધે તમારું વજન દરેક મહિને અડધો પૌંડ વધી જાય છે.હવે હું રહી નાનપણથી જ સૂકલકડી. મારે આવા બધા આંકડા સાથે નાહવા નિચોવવાનો ય સંબંધ નહીં. એણે કહ્યું ને મેં ચૂપચાપ સાંભળ્યું.

ભરેલી શોપિંગબેગ જેવું થોડું ફૂલેલું શરીર અને ઉપર એક કિલોના સ્ટીલના ડબ્બાના ઢાંકણા જેવડું નાનકડું ગોળમટોળ મોઢું ધરાવતી અનુજાનો જઠરાગ્નિ પહેલેથી જ આશુતોષ ! થોડું ખાય અને તૃપ્તિના ઓડકાર આવી જાય. એથી ખાવાના કારણે એનું શરીર વધતું હોય એવું કમસેકમ મને તો ના જ લાગ્યું. કારણ ખાવાથી જ શરીર વધતું હોય તો એનાથી અડધી સાઈઝની હું ખટરસ ભોજન આરોગવા છતાં મારું શરીર જલકમલવત ખોરાકથી અલિપ્ત રહીને જરાય મેદ ધારણ નહતું કરતું.

‘ગહના કર્મણો ગતિ: ’

આસ્ચ્ર્યના વમળોમાં ગોતા લગાવીને જાત પર થોડો કાબૂ મેળવીને મેં અનુજાને એકાએક આ આવેલા બદલાવ પાછળનું કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે આજકાલ એના ‘યંગ’ થઈ રહેલા સંતાનોને એના અદોદળાપણાથી શરમ આવતી હતી અને એમના સ્કુલના કોઇ પણ પ્રોગ્રામોમાં એને સાથે લઈ જતા અચકાતા હતાં.’ જેને કોઇ ના પહોંચે એને પહોંચે પેટ’ એ કહેવત આવા જ સંજોગોમાં લખાઈ હશે. સંતાનો એને જીન્સ –કુર્તી – સ્કર્ટ જેવા ફેશનેબલ કપડાંમાં જ જોવા ઇચ્છતા હતાં. રોજ રોજ

‘ફ્લાણા મિત્રની મમ્મીએ ફકત ડાયેટીંગ કરી કરીને બે મહિનામાં પંદર કિલો વજન ઉતારી નાંખ્યું, ઢીંકણાની મમ્મીએ જીમ –યોગાથી એક મહિનામાં પાંચ કિલો વજન ઓછું કરી નાંખ્યું. મમ્મી તું પણ એવું કંઈક કર અને થોડું વજન ઉતાર’ કહી કહીને અનુજાનું માથુ ખાઈ જતા હતાં. છેલ્લાં ચાર મહિનાથી સ્ટ્રીક્ટલી બધા ડાયેટ અને કસરતના પ્રોગ્રામોમાં જીવતી અનુજા હજુ કિલો વજન પણ નહતી ઉતારી શકી. થોડી ડીપ્રેસ્ડ અનુજાને મેં સહાનુભૂતિથી સમજાવી.

’જો અનુજા, જન્મજાત જે બાંધો હોય એને ઉતારવું એ આંગળીમાંથી વીંટી ઉતારી કાઢવી કે દિવાલ પરથી પેઈંટીંગ ઉતારવા જેવી સામાન્ય વાત નથી. છોકરાઓ તો બચ્ચા છે હજુ, એ લોકો તને શું કહી રહ્યાં છે એનું ભાન નથી. પ્રભુ એમને માફ કરે એમને! જે વસ્તુ તેં ચઢાવી જ નથી એ તું ઉતારી કઈ રીતે શકવાની ? જન્મથી જ સૂકલકડી એવી મને તું  બે મહિનામાં પાંચ – સાત કિલો  વજન વધારવાનું કહે એટલી જ તકલીફવાળી આ વાત છે.

‘સ્નેહા,એ લોકો કહે છે કે મારે ભાજી, ટામેટા અને ગાજર જેવા સલાડ અને એ પણ એક જ વાર ખાવાના. રોટલી પણ ઘી વગરની એકાદ લેવાય. હવે તું જ કહે એક રોટલીના ઘીથી મારું વજન વધી જવાનું કે..?’

સામે રહેલ ભજિયા, ચકરી અને મારા અતિપ્રિય સમોસાવાળી ડિશમાંથી નાસ્તો લેતો મારો હાથ અટકી ગયો. મેં સમોસું નીચે મૂકીને ‘હમ્મ…’ કહીને ના કૌંસમાં ના કૌંસની બહારની જેમ મારો જવાબ વાળ્યો.

‘હાથ કો આયા મુંહકો ના લગા.’

લગભગ અડધો કલાકથી અવિરતપણે ચાલતા એના સતત કેલેરીના પ્રવાહમાં તણાતી મને હવે લાગ્યું કે એ કોઇ તેલવાળા ખાદ્યપદાર્થનું નામ બોલશે તો પણ એ કેલરિઝ એને ચડી જશે. એની હાલત જોઇને મને થયું કે તાવ આવતો હોય ને દવા લઈ લઈએ તો મટી જાય એમ આ ‘સ્થૂળતા’ના ઇંજેક્શનનો કોર્સ કરી લેવાથી એના ઉપર કાબૂ પામી શકાય તો કેવું સારું…! આજે અનુજા જેવી કેટલીય વ્યક્તિઓ આમ માનસિક તાણથી તો બચી જાત ને !

છાપા,નેટ,મેગેઝિન બધે આજકાલ કેલરી, ડાયેટ-કટ્રોલ જેવા લેખોની ભરમાર ભરી હોય છે ત્યાં કોઇ પણ  છગનિયો મગનિયો આજકાલ જાણે એ પ્રખર આહારશાસ્ત્રી હોય એમ લેકચરઆપતા થઈ જાય છે. અનુજા જેવી વ્યક્તિઓ જમવા બેસે તો ખાવાની વઅસ્તુઓના બદલે કેલરી જ ખાતી જ થઈ જાય છે. વગર વાંકગુનાએ એકાદ કેડબરીનો ટુકડો કે ડાયેટપ્લાનની બહાર ખવાઈ જાય તો વગર વાંકગુનાએ ‘ગિલ્ટી’ ફીલ કરીને માનસિક તાણ અનુભવતી થઈ જાય છે અને એના બદલારુપે હવે ક્યાં – શું ના ખાઈને આ ગુનાનું પ્રાયસ્ચિત કરવું એના વિચારે ચડી જાય છે.આ ટેંશનથી કદાચ શરીર ઘટે કે બગડે એમ ચોકકસ બની શકે બાકી શરીરને જરુર પૂરતો ખોરાક ના ખાઈને શરીરની આ વિસ્તારવાદી પ્રવ્રુતિ અટકે ને કાયમ જળવાઈ રહે એ તો બહુ ‘રેર’વાત છે. મારા અનુભવે તો સૂકલકડી માણસો નિરાંતથી, આસાયેશથી, નિર્ભયતાથી અને અતિશય તૃપ્તિથી ખાઈ શકે છે, જ્યારે સ્થૂળ મનુષ્યો બિચારા એક ચમચી ખાંડની ને ચમચી તેલની કેલરીઓ જ ગણતાં ફરે છે. નવાઈ તો એ કે આ કેલેરી ગણવાના અતિશ્રમ પૂર્ણ કાર્યથી પણ એમનું શરીર નથી ઉતરતું.

અનેક પ્રયોગો અને નિરીક્ષણ પછી મને લાગ્યું કે મોટાભાગે વિજ્ઞાન આ સ્થૂળતાનું કોઇ લાગલું કારણ શોધવામાં નિષ્ફળ જ જાય છે.બાકી કોઇકના દેહમાં ખોરાક કયાં જાય છે તે જ સમજાતું નથી અને કોઇ બિચારો સર્પની જેમ પવન પી ને પણ ‘ન ચા દુર્બલાસ્તે’. માટે કાચું ખાઓ, બાફેલું ખાઓ,ખાંડ મીઠું બંધ, નાળિયેરના પાણી પર જીવો જેવી પરપીડક આજ્ઞાઓ માનવી નહીં. સ્થૂળતાને ખોરાક સાથે કોઇ ખાસ સંબંધ નથી અને હોય તો હજુ શોધાવાની બાકી છે એ જ પરમોસૂત્ર.

-સ્નેહા પટેલ.

વિરોધી કોમ્બીનેશન


Snap1

 

 

gujarat guardian newspaper > Take it easy -43.

વિરોધાભાસોમાં ઘણા હાસ્યના હીરા છુપાયેલા હોય છે. ઘણીવાર આપણે વિરોધાભાસી વાક્યોનો વિરોધ કરીને એ હીરાની ખાણ સમા હાસ્યને સાવ કાચની જેમ હથેળીમાં રમાડીને છોડી દઈએ છીએ. સમયાંતરે આપણને આપણી એ મહાન ભૂલનો ખ્યાલ આવે છે પણ વહી ગયેલી જવાની – સરકતા સમયની જેમ એ અવળચંડા સ્વભાવ ધરાવતું હાસ્ય પણ પાછું નથી આવતું. દરેક સિક્કાની બે સાઈડની જેમ દરેક ઘટનાની બે સાઈડ (અમુક સમયે વધારે સાઈડ પણ હોય એ તો હવે પોતપોતાની સામાન્ય બુધ્ધિ ઉપર આધાર.) હોય છે. મોટાભાગે દરેક ઘટનાની બીજીબાજુ શોધી શકીએ તો મર્માળુ, રમતિયાળ હાસ્ય મળી જ રહે.

ચાલો, હમણાંનો જ મારો એક હાસ્યાસ્પદમાંથી સાનંદાસ્ચ્ર્યની સફર ખેડી આવેલ તાજો પ્રસંગ કહું.

દીકરાને વેકેશન પડી ગયેલું એની જીદને વશ થઈને  હમણાં જ રીલીઝ થયેલ અંગ્રેજી થ્રી ડી મૂવીની ટીકીટ લેવા ગયેલી, ત્યાં ટિકિટબારી પર એક વિરોધીના અંતિમ છેડાની ઉપમા આપી શકાય એવું કોમ્બીનેશન નજરે પડ્યું.

એક લેટેસ્ટ, બ્રાન્ડેડ કપડામાં સજ્જ ૪૦-૪૫ વર્ષની ગોરી ચિટ્ટી સ્ત્રી સાથે પ્રમાણમાં જૂનાપુરાણી લાલ – લીલા ભડક રંગની ‘પહેરેલ કરતાં વીંટાળેલ’ વધુ કહી શકાય એવી સાડીધારી સાધારણ દેખાવવાળી અંદાજે ૪૫ -૫૦ વર્ષની બાઈ હતી.

અતિઆધુનિક સ્ત્રીના કપડાં ‘આધુનિક’ની ઉપમાને વટાવીને ‘અતિઆધુનિક’ સુધી લઈ જઈ શકાય એ હદે ટૂંકા હતાં. સૂર્યપ્રકાશના તેજમાં એના લાંબા લીસા વાળ ઉપર લાલ કલરની ઝાંય સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.વાળ એ હદ સુધી સીધા હતાં કે જાણે ટૂંકા કપડાંમાં ઇસ્ત્રી કરવાનો બચી ગયેલો સમય એણે વાળને ઇસ્ત્રી કરીને પૂરો કર્યો હોય ! કપાળ પર ઝૂલતા  સીધા કેશકલાપની અલકલટો ઉપર હાથ ફેરવી ફેરવીને વારંવાર એને માથાના બીજાવાળ સાથે ગોઠવી દેતી હતી.એ ગોઠવણીની પ્રક્રિયાના સતત પુનરાવર્તન પછી મને ખાત્રી થઈ ગઈ કે એ સ્ત્રી ‘અટેન્શન સીકીંગ’ના રોગથી પીડાય છે. ત્યાં તો ટુંકા અને સ્લીવલેસ પર્પલ કલરના ફ્રોક સાથે મેચીંગ કરીને લટકાવેલી બુટ્ટી એના વાળમાં ભરાઈ અને એને સંભાળવા જતાં એના શિરે બિરાજમાન લેટેસ્ટ બ્રાન્ડેડ ગોગલ્સ પડી ગયાં અને પલકવારમાં તો એનો કાચ હતો ના હતો થઈ ગયો.

‘જેનો જન્મ થયો છે એનો નાશ અવશ્ય છે’

વાત જાણવા છતાં આપણે માનવીઓ એ સ્વીકારી નથી શકતા. બે ઘડી તો પેલી રુપાળી ગોરીચિટ્ટી સ્ત્રીનું મોઢું પડી ગયું. પણ અત્યારે એ જાહેરજનતાની વચ્ચે હતી એ વાતની સભાનતાએ એના મોઢા પર નકલી હાસ્યની લહેરખી પાથરી દીધી. પેલા પગમાં નમી પડેલા, ચરણસ્પર્શતા ગોગલ્સ તરફ એક તુચ્છ્કારભરી નજર નાંખીને મોઢું મચકોડીને ત્યાંથી આગળ વધી ગઈ.મારા પિકચરના શોનો સમય થઈ ગયેલો એટલે મારું અવલોકન કમ નિર્દોષ પારકી પંચાત વૃતિ ત્યાં જ અટકાવી દીધી અને દીકરાને લઈને ફટાફટ થિયેટરમાં પ્રવેશી ગઈ.

બહાર ૪૩ ડિગ્રીની ગરમીમાં પરસેવે રેબઝેબ તનને થિયેટરના એસીની ટાઢકથી પરમ તૃપ્તિ થઈ. ટિકીટના પૈસા જાણે ત્યાં જ વસૂલ થયાની અનુભૂતિ થઈ ગઈ.

ત્યાં તો મારી જમણીબાજુમાંથી એક સુગંધનું ઝોંકું શ્વાસમાં પ્રવેશ્યું…અહાહા, આ તો હમણાં જ ક્યાંક સુગંધેલુ. જોયું તો બહાર ભટકાયેલ અતિઆધુનિક સન્નારી અને પેલી સામાન્યદેખાવવાળી સ્ત્રીનું વિચિત્ર કોમ્બીનેશન ! ઓહોહો, તો આ લોકો આ જ પિકચર જોવા જ આવેલા એમ ?

મૂવી ચાલુ થયું એટલે મેં ધ્યાન ત્યાં પૂરોવ્યું. થોડીવાર થઈ ત્યાં તો મારી બાજુમાં બીજું મૂવી ચાલુ થઈ ગયું.  લાલ- લીલી સાડીધારીની નોનસ્ટોપ રેકોર્ડ્ વાગવા લાગી. પહેલાં તો ધ્યાન ના આપ્યું ને ટીકીટના પૈસા વસૂલવા મહાપરાણે ધ્યાન મૂવીમાં જ પરોવ્યું. પણ એક દર્શક પર એક પંચાતિયા લેખકજીવનો વિજય થઈને જ રહ્યો.

‘બુન, તમને ખબર છે, મારો ભુરિયો બહુ પ્રામાણિક. કાલે એની રીક્ષામાં એક બુનનો અછોડો બટકાઈને પડી ગયેલો. એણે તો હાથ પણ ના લગાડ્યો. બોલો’

અતિઆધુનિક નારી ‘શું બોલું – ના બોલું’ ના ચકકરમાં ફસાઈને આખરે બોલી,

‘હમ્મ્મ..પછી ?’

‘પછી શું, એ બુનનો ફોન આવ્યો મારા ભુરિયા પર :

‘ભુરીયાભાઈ, એ અછોડો મારો છે, હું આવીને લઈ જઊં છું. ત્યાં લગી એને સાચવજો. બીજુ કોઇ આવે તો આપી ના દેતા ‘

લીસાવાળવાળી સ્ત્રીએ એક ફીક્કું મજબૂરીનું હાસ્ય મારી સામે ફેંક્યું અને પેલી સ્ત્રીની વાતચીતમાં પરાણે રસ લેતાં બોલી,

‘એ બુન આઈમીન બેન જોડે ભુરિયાભાઈનો નંબર ક્યાંથી આવ્યો ?’

બે મીનીટની ગહન ચુપ્પી.

‘ઈ તો વાતવાતમાં એણે સાંભળ્યો હશે તે યાદ રહી ગયો હશે. મારો ભુરિયો બહુ મળતાવડો – રસ્તામાં પેસેંજરો જોડે વાત કરવાની ટેવ ખરી ને !’

‘ઓહ…એમકે, સાચ્ચે તમારો દીકરો બહુ ઇમાનદાર ! ‘

‘હોવ રે, મારો ભૂરીયો તો ભૂરીયો જ છે, બહુ બુધ્ધિશાળી. થોડા સમય પહેલાં એની રીક્ષામાં કોઇ પેસેન્જરનું લાલ કલરનું  ચાંદીના ગણપતિ હીંચકાવાળું બોકસ રહી ગયેલુ. આજકાલ પ્રામાણિકતાનો જમાનો જ ક્યાં છે, તે કોણ એના માલિકને શોધવા જાય  ? રાખી લીધા અમે ઘરમાં જ. હેયને, રોજ મારો પોતરો જયેશીયો એને લાડથી ઝુલાવે છે, રમે છે, હવે કોને ખબર એ કોનું બોકસ હશે ? આપણે  ડાહ્યા થઈને કોઇને આપી દઈએ અને બીજુ એની ઉઘરાણી કરતું આવે તો આપણે ક્યાં જવાનું હેં બુન ?’

બુન શું બોલે ?

‘અહ્હ…હ…હા..હા..બરાબર .’

‘પ્રામાણિકતાનો જમાનો જ ક્યાં રહ્યો છે ?  કૉઈનુ સારુ કરવા જતા આપણે જ ક્યાંક ભરાઈ જઇએ..એના કરતા બહુ દોઢ -ડાહ્યુ નહી થવાનું. વળી આપણે ક્યાં કંઈ ચોરી કરવા ગયેલા હે…આપણા મનમાં ક્યાં કંઈ મેલ છે ? નહીં જ ને..તો શું ચિંતા કરવાની’

અંગ્રેજી મૂવી હતું એટલે આટલી વાતચીત થઈ ત્યાં સુધીમાં તો ઇન્ટરવલ પડી ગયો.

‘લાવો બુન, પૈસા આલો એટલે હું બહારથી પેલી ગરમ ગરમ ઘાણી લઈ આવું, બીજું કંઈ લાવવું હોય તંઈ બોલો હેંડો. ‘

‘ના, આટલું જ. લે આ ૫૦૦ની નોટ છે. ધ્યાનથી પૈસા ગણીને પાછા લાવજે.’

પેલી સ્ત્રી બહાર ગઈ અને લીસા ચમકદારવાળ વાળી સ્ત્રી મારી સામે જોઈને મારા માંગ્યા વગર જ સફાઈ આપતા બોલી,

‘મારી કામવાળી છે. મારી દીકરીના લગ્નમાં એણે બહુ મદદ કરેલી એ વખતે મે એને એક મૂવી બતાવવાનો વાયદો કરેલો. બહુ જ ભલી અને માયાળુ બાઈ છે, ક્યારેય થિયેટરનો દાદરો પણ નથી ચડી. કોઇના મોઢે આ અંગ્રેજી ૩-ડી મૂવીના વખાણ સાંભળેલા તો આ જ મૂવી જોવાની જીદ્દ લઈને બેઠેલી. પણ નસીબમાં પથરા હોય એને મૂવી શું ને ટીવી શું…! એને કંઈ ગતાગમ નથી પડવાની, પણ ઠીક છે એના જીવને સંતોષ મળી રહે એ હેતુથી જ આજે એને મૂવી જોવા લઈ આવેલી. સોરી, એ  આમ ધડમાથા વગરની અવિરત વાતો કરીને તમને ડીસ્ટર્બ કરે છે એ બદલ.’

‘ઓહ..ઇટ્સ ઓકે. ડોન્ટ વરી.’

વિરોધી કોમ્બીનેશનનું રહસ્ય છતું થઈ જતાં મારો પંચાતિયો જીવ સંતોષાઈ ગયો અને અતિઆધુનિક સ્ત્રીમાં આવો પરગજુ અને માયાળુ જીવ વસે છે એના સાનંદાસ્ચ્ર્ય સાથે ચાલુ થઈ ગયેલ મૂવીમાં પૂરોવાઈ ગયો.

 

-સ્નેહા પટેલ.

અવસાન અને પ્રસિધ્ધિ.


Snap1

 

gujarat guardian newspaper >  Take it easy column – 42. > 12-05-2013

gujaratguardian.in/E-Paper/05-12-2013Suppliment/index.html

 

ધક..ધક..ધક..માનવીના ધડકતા દિલનું અચાનક કામ કરતું અટકી જવું, ગુજરી જવું – અવસાન પામવું એ બહુ આઘાતજનક વાત છે, પણ  ‘હાસ્યદેખા’ના અતિમૂલ્યવાન વરદાનપ્રાપ્ત એવી ‘હું’ના અનુભવના ભાથામાં એવા કરુણ પ્રસંગે પણ હાસ્ય તીરોનો ઉમેરો થાય છે એમ કહીશ તો તમે બે મીનીટ મોઢું બગાડશો. આ તો ખરી છે કોઇના મ્રુત્યુના પ્રસંગમાં હાસ્ય શોધી લેવાનું ! પણ લેખક થઈએ એટલે અંદરના લેખકજીવડાને દરેક નાની નાની ઘટનામાંથી  આવી હાસ્યની સાઈડ ઇફેક્ટ  ભોગવ્યે જ છૂટકો. આજે  મ્રુત્યુ વેળાના હાસ્યતીર છોડવા જઈ રહી છું. ચિંતા ના કરો – હાસ્યતીર કાયમ સ્વાસ્થ્ય માટે સ્ફૂર્તિવર્ધક  જ હોય છે. એટલે ગમે ત્યારે એ ખાઈ શકાય.

મોટાભાગે મને એવો અનુભવ થાય છે કે માનવી ગુજરી જાય ત્યારે અચાનક જ એ ‘ફેમસ’ થઈ જાય છે !

તમે મારી વાત સાથે એગ્રી નહી જ થાઓ, કહેશો કે ‘મૃત્યુ અને પ્રસિધ્ધિ’ ને વળી શું લેવા દેવા…બરાબર ? તો ચાલો હું તમને મારો તાજો ‘અવસાન અનુભવ’ કહું.

થોડા સમય પહેલાં જ મારા લગભગ એંસી વર્ષની આયુ ધરાવતા સંબંધી અચાનક જ વહેલી સવારે ગુજરી ગયા.એમને ઘરે ખરખરો કરવા ગઈ ત્યારે આવા સમય માટે જ નિયત કરાયેલ પ્રશ્ન મેં એમના કુટંબીજનોને પૂછ્યો,

‘શું થયેલું, બીમાર હતાં કે ?’

‘નાઆઆઆરે..ના !’

એમની વહુએ માથે ઓઢેલ સફેદ સાડલાંથી નાક અને આંખના ખૂણાં લૂછતાં જવાબ વાળ્યો.

‘સવારે એમના નિયત સમય મુજબ છ વાગ્યે તો એ ઉઠ્યાં અને બ્રશ કરીને પરવાર્યા…’

અને મારાથી અચાનક જ બોલાઈ ગયું

‘ભારે કરી હોંકે, આ ઉંમરે પણ મુરબ્બી બ્રશ કરી શકે એટલી બત્રીશી મોઢામાં સાબૂત હતી એમ ! કઈ ટૂથપેસ્ટ વાપરતાં હતાં એ ?’

આટલું બોલ્યાં પછી તરત જ આજુબાજુ નજર ફેરવી લીધી, નજીકમાં કોઇ ના હોવાથી મારો આ સવાલ બીજા કોઇના ધ્યાનમાં ના આવ્યો એટ્લો પ્રભુનો પાડ માની લીધો.

‘અરે, વોલગેટ જેવી વસ્તુની તો એમને કંઈ જ ખબર નહીં બુન.એ તો દાતણ વાપરતા હતાં ને દેશી ઘી પાયેલા દાંત એટલે બત્રીસમાંથી લગભગ સમજોને ચૌદ જેટલાં દાંત તો અડીખમ ઝગમગાટ હાસ્ય સાથે ઉભા હતા.’

વળી આંગળીના વેઢા પર કઈક ગણ્યું ને બોલ્યાં

‘બાકીના ૧૮ દાંત થોડા હાલતા હતાં ને મજબૂરીમાં કઢાવવા પડે એવી હાલત હતી પણ એ કાઢતા તો ડોકટરોને નાકે દમ આવી ગયેલો. એક એક દાંત માટે લગભગ ડોકટર ત્રણવાર બોલાવે ત્યારે એના મૂળિયા હલાવી હલાવીને માંડ કાઢી શકે. ‘

દાંત પાડવા માટેની ‘હેટ્રીક વિઝિટસ’વાળી વાત તો તરત સમજાઈ પણ એમના વાક્યની શરુઆતમાં વપરાયેલ ‘વોલગેટ’ શબ્દની  સમજ પડતાં મને લગભગ એક મીનીટ થઈ અને પછી અંદાજો લગાવ્યો કે આમની સમજ ટૂથપેસ્ટ એટલે વોલગેટ પૂરતી જ મર્યાદીત હતી. હવે બોલો,એમના એક એક દાંત પડાવવા પાછળની આ વિક્રમસર્જક્ લેવલની હેટ્રીકની સિધ્ધિ એમના મરણપછી જ ઉજાગર થઈને !

એ પછી વહુએ ફરીથી નાકને આંખના ખૂણા દબાવીને વાત આગળ ચલાવી,

‘બ્રશ કરીને ચા સાથે બે બ્રેડબટર ખાધા, આ ઝીણકી (મેં નજર કરી તો ઝીણકી લગભગ 75 કિલો વજનની 16-17 વર્ષની છોકરી હતી) સાથે થોડી વાતો કરી અને છાપું લઈને બેઠાં ને થોડીવારમાં જ તો સમાચાર વાંચતા વાંચતા જ એ જ જગ્યાએ ઢળી પડ્યાં. કોઇને કશું જ કહેવા ના રહ્યાં ( આવા વખતે માનવી શું કહીને જાય એ મારી સમજબહારની વાત લાગી પણ આ પ્રસંગ દલીલોનો નહતો. સંવેદનશીલ નાજુક મામલો હતો ને એક્વાર અવળચંડો પ્રશ્ન પૂછાઈ ગયેલો એટલે મેં હોઠ પર હોઠ દબાવીને મોઢું કચકચાવીને બંધ રાખ્યું) ને અમને આમ નોંધારા મૂકીને સાવ જ જતા રહ્યાં.’

અ ને એણે ફરીથી ઠુંઠવો મૂક્યો.

હવે બ્રશ કરવું, ચા પીવી કે પોતાની પૌત્ર્રી સાથે વાત કરવી એ સર્વસાધારણ ક્રિયાઓને એમના મૃત્યુ પછી કેટલું મહત્વ અપાયું બોલો. એ જીવતાં હતાં ત્યારે એ જ ક્રિયાઓનું કોઇ મહત્વ હતું.

ના !

એ તો એમના મૃત્યુએ એમની આ ક્રિયાઓની વ્યંજ્નાઓનો વ્યાપ વધાર્યો હતો. જાણે આખાય વિશ્વમાં આ બધીય ક્રિયાઓ ક્યારેય થતી જ ના હોય એવી અદભુત હતી !  બીજાઓ થકી એ ક્રિયાઓ અશક્ય જ હતી અને પોતે એવી મહાન સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર આ પ્રુથ્વી પર એક માત્ર લાયક માનવી હતા એવા વિચાર સાથે એ મુરબ્બીએ ચેનનો શ્વાસ ભર્યો ને ગુજરી ગયા હશે એવું જ મને લાગ્યું.

કેટલું મહત્વ…અહાહા ! હવે આને પ્રસિધ્ધિ ના કહેવાય તો શું કહેવાય ? જીવતા હતાં ત્યારે રોજ આનાથી કેટલાંય વધુ મહત્વના કામ પાર પાડયાં હશે પણ એની નોંધ સુધ્ધાં ના લેવાઈ અને આવી બ્રશ કર્યા જેવી વાતો જેટલા આવે એટલાં બધાંયને જણાવી દેવાની. ‘માઉથ ટુ માઉથ’ પ્રસિધ્ધિ જ કહેવાય ને બોલો !

ત્યાં તો વહુરાણીએ બીજી એક રસપ્રદ વાત કહી ( આ વખતે એણે નાક કે આંખ લૂછવાના બદ્લે સાડલાંનો એ જ બાજુનો છેડો મોઢા આગળ ધરીને રડવાનું મહાપરાણે અટકાવેલું જે જોઇને મને ઉલ્ટીની ફીલ આવવા લાગી) કે એમના સસરા તો પ્રભુનો જીવ એટલે જ આવી શાંતિથી મરણને શરણ થયાં.કોઇની પાસે પાણીનો ગ્લાસ સુધ્ધાં માંગવા ના રહ્યાં ને છેક સુધી નખમાં ય રોગ નહીઁ, હસતા –હસતાં ભગવાનને પ્યારા થઈ ગયા.

આખું ય જીવન દીકરા, વહુ અને પૌત્ર -પૌત્રીની અવહેલના સહન કરનારા, ‘કટકટીઆ’ના છુપા હુલામણા નામથી પ્રસિધ્ધ મુરબ્બીશ્રી અવસાન પછી  આશ્રર્યજનક રીતે  ગુણોની ખાણ થઈ ગયા હતાં. બે પળ તો મને એ ભગવાનની સમકક્ષ જ લાગ્યાં.

દોસ્તો, તમે ક્યારેય ગમે એટલાં દુષ્ટ માનવીની શોકસભામાં પણ તમે એના ગુણકીર્તન સિવાય બીજું કંઈ સાંભળ્યું છે કે ? તો પછી મૃત્યુ પછી અચાનક જ માનવી ‘પ્રસિધ્ધ’ થઈ જાય છે એવી મારી વાત સાથે સંમત થશો ને !

કેવી વિચિત્ર વાત છે નહીઁ…દુનિયામાં પ્રસિધ્ધિ મેળવવા મરી જતાં લોકોની કોઇ કમી નથી. એમને કોઇ સમજાવો કે,

‘ભાઈ, પ્રસિધ્ધિ તો મર્યા પછી જ મળે છે ને એ પણ વણમાંગી ને છલકાઈ જાઓ એ હદ સુધી !’

-sneha patel

આઇ પી એલ : ઇન્ડીઅન – પરગજુ લોકો !


http://gujaratguardian.in/E-Paper/05-05-2013Suppliment/index.html

gujarat guardian paper > take it easy -41 >  5-5-2013

 

ટેક ઈટ ઇઝી – 41.

આપણાં બધાંના ઘરમાં એવો ઘણો બધો સામાન હોય છે જેનો આપણે એક વર્ષ દરમ્યાન ક્યારેય વપરાશ ના કરતાં હોઇએ પણ એના પ્રત્યેની મમતા આપણને એનો સાથ ના છોડવા દેતાં આપણે એને માળિયાના હવાલે કરી દઈએ છીએ. એક સાંભળેલી કહેવત અનુસાર ‘એક વર્ષ દરમ્યાન તમે એક વાર પણ ના વાપરી હોય એવી વસ્તુઓ ભંગારમાં કાઢી નાંખવી જોઇએ નહીંતો આપણા ઘરની સમ્રુધ્ધિ અવરોધાય.’  આવું જ કંઈક આપણી લાડકી ક્રિકેટની રમત સાથે પણ થાય છે અને એના પરિણામ સ્વરુપે આખુ વર્ષ દેશ -વિદેશના ખૂણે ખાંચરે ભરાઈને બેઠેલા બિયરબાર-કલબોમાં ઝૂમતા – નવા – ઉગતા- જૂના- પુરાણા -થોડાં ઘણાં અંશે તૂટેલા ફૂટેલા – રીપેરેબલનો વિશ્વાસ ધરાવતાં ક્રિકેટરો ‘આઇપીએલ’ની જાહેરાત થતાં જ સજી ધજીને લાઈમલાઈટમાં આવી જાય છે.

 

આઈ પી એલ -ફાસ્ટફૂડની જનરેશનની ફાસ્ટ મેચ. આ દેખે જરા કીસ મેં કિતના હૈ દમ ! ખેલાડીનું પાણી માપવા જ્યાં પહેલાં ચાર પાંચ દિવસોની ટેસ્ટ મેચો રમાડાતી, જેનું કોઇ પરિણામ આવે પણ ખરું કે ના પણ આવે. આજે એ પ્રક્રિયામાં ફક્ત ચાર કલાક લાગે અને પરિણામની તો સો ટકા ગેરંટી. સમયની સાચી કિઁમત તો આ આઈપીએલના આયોજકો જ જાણે છે, માનવું પડે !

 

એક મોટા રુમમાં સામસામે ટેબલો ઉપર ગોઠવાયેલ આયોજકો દ્વારા સામ – સામા ધોકા જેવા નાનકડાં બેટ બતાવીને પોતાનો મનપસંદ પ્લેયર ઓછામાં ઓછી કિંમતે પોતાની ટીમમાં સામેલ કરવાની મંથરાવટી સાથે ‘પ્લેયર્સ-હરાજી’ થાય અને ભાઈચારાના ઉચ્ચત્તમ મૂલ્યોને સ્પર્શતી આઈ પી એલની ટીમો નક્કી થાય છે. એ પછી વારો આવે જાહેરાતો અને ટેલિકાસ્ટના હકોનો. દરેકને પોતપોતાના ભાગનું મળી જ રહે છે – કીડીને કણ તો હાથીને મણ.

 

આઈ પી એલ…આ ત્રણ શબ્દોના નશામાં આજકાલ ભારતનુ દરેક પ્રકારન‌ ધન – બાળધન – યુવાધન – પ્રૌઢ અને બુઢ્ઢા ધન પોતાના અતિમૂલ્યવાન કામના ઢગલો કલાકો એમાં ‘ઓમ સ્વાહાઃ’ કરતાં જોવા મળે છે. આ બધા ધનને સ્ત્રી પુરુષ જેવા કોઇ જાતિબંધનો નથી નડતાં. ‘લાગે વાગે તો લોહીની ધાર’. મેં તો ઇનોસન્ટલી અહીંઆ ‘નાન્યેતર જાતિ’નો ઉલ્લેખ કરેલો છે. આપણાં ક્રિકેટરસિયાઓના જીવનમાં ક્રિકેટ એ હદ સુધી ગઈ છે કે દરેકને સચીન બનવાનું જ સપનું આવે જ છે, પણ વાસ્તવિકતા એવા બધા સપનાંઓની કોઇ જ શેહશરમ નથી રાખતી અને ‘સચીન’માંથી ‘સ’ ક્યારે નીકળી જાય છે ખ્યાલ પણ નથી રહેતો…રહે છે તો ફક્ત ‘ચીન’ની વસ્તુઓ વેચવાનો  ધોરીમાર્ગ.

 

‘ગેમ્બલિંગનુ લીગલાઈઝ – ગ્લેમર સ્વરૂપ !’

 

આ ગ્લેમરથી આકર્ષાઈને લોકો આઈપીએલના રસ – હોજમાં તરબોળ થતાં જોવા મળે છે. આમ તો આ ઉનાળાની સીઝન.મને લાગે છે કે આ સીઝનમાં  ‘સિધ્ધિ’ નામધારી છોકરીઓના લગ્ન સૌથી વધારે થતા હશે .કારણ..? પેલી કહેવત છે ને , ‘ સિધ્ધિ એને જઈને વરે જે પરસેવે ન્હાય.’  હવે કેવી રીતે – કોણે ક્યાં ન્હાવું – પરણવું એ દરેકનો પોતપોતાનો અંગત રસ અને મરજીનો વિષય છે. તકલીફ એ છે કે રસના કુંડા હોય હોજ નહીં પણ આપણે તો બહુ ઉત્સાહી અને નિસ્વાર્થ પ્રજા – ઉત્સાહના અતિરેકમાં લાગણીના હોજમાં ખાબકી જ પડીએ ને ! ગમે એ દેશનો પ્લેયર હોય દરેકની એકે એક સિક્સર પર આપણે આપી જ દઈએ. દાદ તો મફત જ આપવાની હોય ને…આપે રાખો બોસ !

 

એક જ ઘરમાં એક સદસ્ય એક ટીમને સપોર્ટ કરતો હોય તો બીજો બીજી ટીમને. કારણ પૂછીએ તો ખાસ કંઇ ના હોય..બોસ, એમાં સચીન રમે છે..સચીન, પેલી ટીમમાં તો આપણો ધોની સિકસરો પર સિકસરો ફટકારે છે…યુ નો, આપણો ધોની ! જાણે ધોની એટલે એનો બારણાંને અડીને આવેલા ફ્લેટમાં રહેતો પાડોશી !

 

ગેમમાં એક્વખત ભજ્જી જોશના અતિરેકમાં હોશ ખોઈ બેઠો અને નીતા અંબાણીને ઉંચકીને મદમસ્ત હાથીની જેમ ઝૂલવા લાગ્યો હતો. બીજા દિવસે જેવો લોકોના આશ્રર્ય વચ્ચે નીતાબેનનો હાથી -દીકરો જે ખરેખર તો બે સીટમાં બિરાજમાન હોય પણ આપણને એક સીટનો ભ્રમ પેદા થાય એવી સીટ પર દ્રશ્યમાન થાય અને ગોસિપની સટ્ટાબજારી ગરમ. આવી અનેકો ઘટનાઓથી બધાં જ પ્રકારના ‘ઓટલાપંચાતો’ ના માર્કેટ ગરમ થઈ જાય.

બે મિત્રો વચ્ચે આવી ગરમીનો એક કાલ્પનિક સંવાદ ઃ

‘બોલ, મારવી છે શરત ? આ ‘મુકા’ એ…અરે આપણો ‘મુકો’…ના ઓળખ્યો ? હું મુકેશ અંબાણીની વાત કરું છું, શું તમે પણ ! હા તો આ આપણાં ‘મુકા’એ નીતાભાભીની સુરક્ષા માટે ખાસ આ ‘મુક્કેબાજો’ની વ્યવસ્થા કરી છે.

 

‘ઓહોહો, તો એમ કહે ને કે આ તો પેલો આપણાં ગરીબ દેશનો  દુનિયાના અરબોપતિના લિસ્ટમા ૨૨મો નંબર ધરાવતો  મુકેશ અંબાણી છે. જેની સંપત્તિ આશર્રે ૨૧.૫ અરબ ડોલરની છે.  જેના ૪ લાખ સ્ક્વેર ફીટના ૨૭ માળના , ૯ લિફ્ટવાળા, ૩ હેલીપેડ – એક થિયેટર-એક જીમ-એક પાર્ક-૧૬૮ કારપાર્કિંગ – ૬૦૦ રુમ – ૬૦૦ સર્વન્ટ્સવાળું ‘અંતિલા હાઉસ’ ધરાવતા ધીરુભાઈ અંબાણીનો સુપુત્ર -મુકેશ અંબાણી -આ ઘરને બનાવતા સાત વર્ષ નીકળી ગયા અને જેની કિંમત અંકાય આશરે ૪૭૦૦ કરોડ રુપિયા. વળી ઘરનુ એક મહિનાનું લાઈટ બીલ આવે છે – ફક્ત ૭૦ લાખ ! તું તો જાણે એની સાથે ‘લંગોટી પહેરીને લખોટી’ રમી હોય અને એના ખભે હાથ મૂકીને બોલતો હોય એમ આપણો મુકો..આપણો મુકો બોલ્યાં કરે છે !’

‘વારુ હવે તો ખ્યાલ આવી ગયો ને ?’

પેલો મિત્ર જવાબ આપે ત્યાં સુધીમાં આ ગેમની વિશેષતા મુજબ બીજી વિકેટ પડી ગઈ હોય. એટલે આગળની ચર્ચા બાકી રહી જાય અને બધા પાછા મેચ જોવામાં પૂરોવાઈ જાય. વિકેટ પડે એટલે ખુશીનો અતિરેક બોલરના હ્રદયમાંથી સીધો હાથપગમાં ઉતરી આવતો હોય એમ એ જાતજાતની રીતે હવામાં હાથ – પગ ઉછાળતો કૂદકા મારતો દેખાય. એ ઉછળકૂદને પાછુ નામ પણ વિશિષ્ટ અપાયું છે -ગંગમ સ્ટાઈલ. ડાન્સના પણ વિવિધ પ્રકારો હોય છે !

 

આઇ પી એલમાં સૌથી વધુ કેમેરામાં કોણ દેખાય બોલો ?

 

ના ખ્યાલ આવ્યો ને… પેલી ચિયર્સ ગર્લ્સ જ સ્તો. કોઇ પણ દેશના ખેલાડી ચોગ્ગા -છગ્ગાનો વરસાદ કરતાં હોય ત્યારે મોટાભાગે લોકોની નજર બોલ કરતાં એ ચીયર ગર્લ્સના ડાન્સ તરફ જ હોય. કોઇ અમ્પાયર આવી બધી બાબતે ક્યારેક ખોટા ડિસીઝન આપી બેઠો હોય તો પણ ખ્યાલ ના આવે. વળી આવામાં કોમેન્ટ્રેટરોના ભાગે કામ પણ બહુ ઓછું આવે..એમની કોમેન્ટરી સાંભળવા કોણ નવરું હોય. દરેક જણની નજર તો પેલી હસતી બેબી – ડાન્સિંગ ગર્લ્સ પર જ હોય. એના ઠુમકાઓ જોવામાં (બીજા બધાનો ઉલ્લેખ અધ્યાહાર રાખ્યો છે, મિત્રો પૂરતા સમજદાર છે) એકાદ ઓવરની કે એક્શન રીપ્લેની બલિ ચડાવી દેવામાં પણ કોઇને કંઇ ખાસ નુકસાનજનક નથી લાગતું. છેલ્લે બધા આયોજકો ને ખેલાડીઓ નિ:સ્વાર્થ – નિખાલસ મૈત્રીભર્યા શેકહેંડ – હગ કરીને હસી ખુશીથી છૂટા પડે છે. મનોરંજનના રસથી ભરપૂર આ મેચને સરકારે યોગ્ય રીતે જ મનોરંજન કરમાંથી  મુક્તિ આપી છે. ફુલ્લી એંટરટેઈનમેંટ, નો ક્ડવાશ ઓનલી મીઠાશ !

 

અંત ભલા તો સબ ભલા. છેલ્લે જે પણ ટીમ જીતે કોઇ ખાસ દુઃખી થતું નથી. ખીચડી સીરીઅલના પ્રફુલ્લની જેમ ‘ ગેમની ગેમ અને..ટે..ઉં…ટે..ઉં…’. આ મેચોનો અંત ‘ખાધું પીધું ને લીલાલહેર કરી’ જેવો જ હોય છે.

 

આપણે ભારતીયો એટલે આપણે ભારતીયો બોસ – ઇન્ડીઅન પરગજુ લોકો -આઈ પી એલ !

-સ્નેહા પટેલ.

કાગળ, પેન અને લેખ.


http://www.gujaratguardian.in/E-Paper/04-07-2013Suppliment/index.html

guj. guardian  paper > take it easy -37 >7-4-2013

Snap1

Take  it easy – 37

 

નાની હતી ત્યારે એક જોક બહુ સાંભળેલી. ત્રણ મિત્રો એક સ્કુટર ઉપર સવારી કરતા હોય છે. ત્રણ જણાની સવારી કાયદાની વિરુધ્ધમાં હોઇ એલ ટ્રાફિક સિગ્નલ પર પોલીસ એમને રોકે છે. નામ બોલો અને ડાયરી હાથમાં પકડે છે.

પહેલો મિત્ર ઉવાચ, ‘લખો”

પોલીસ લખે છે.

બીજો કહે છે.

‘ભૂંસો’

પેલો થોડી નવાઈથી એની સામે જોઇને આગળનું લખાણ ‘ભૂસી’ કાઢે છે.

ત્રીજાનું નામ પૂછતા એ કહે છે,’ફાડો’. પોલીસ અકળાઈ જાય છે અને આખી ડાયરીના ચૂરેચૂરા કરી નાંખે છે.

મિત્રો આ તો થઈ ત્રીજા ચોથા ધોરણની વાત. આ તો મને અત્યારે એટલા માટે યાદ આવી કે અત્યારે મારી હાલત લખો-છેકો-ફાડો જેવી જ હતી. આજે કેટલા બધા ટોપિક મગજમાં હતા પણ લખવા જતા બધાં અરસ પરસ મિકસ થઈને ‘ઉધિયાના શાક’ જેવા બની જતા હતાં. બે દિવસ પહેલાં જ અક્ષતનો – મારા દીકરા માટે ફૂલસ્કેપ લેવા ગઈ તો મેં મારા માટે પણ એક ફૂલસ્કેપ લઈ લીધેલો. આજના જમાનામાં લેપટોપ પર આર્ટીકલ્સ લખી લખીને થાકી જવાય તો કો’ક વાર કાગળ પેન લઈને પણ લખી શકાય ને એવી દિલની ઇચ્છા એની પાછળ કારણભૂત હતી.

આજે પહેલાં લેપટોપ લઈને બેઠી પણ ઉનાળાની ગરમીમાં એની ગરમી મારી નાજુક કાયાને દઝાડતી હતી અને લખવામાં પૂરતો જીવ નહતો પૂરોવી શકાતો. સર્જનકાર્યમાં મહાવિધ્ન !

ત્યાં યાદ આવ્યું કે પેલો રુપાળો ફુલસ્કેપ કયા દિવસે કામ લાગશે ? મનમાં હરખની હેલી ઉઠી ફટાફટ લેપટોપ બંધ કર્યુઁ અને ફુલસ્કેપ લઈને લખવા બેઠી. બહુ સમયથી પેન પકડવાનો – લાંબું લાંબુ લખવનો અભ્યાસ નહતો રહ્યો. બે ચાર પેનો તો ચેક કરવામાં જ ગઈ. લગભગ 15 મીનીટના એ મહાકાર્ય પછી મુખ્યકાર્યનો શુભારંભ કર્યો. બે પેરેગ્રાફ સુધી તો પેન સડસડાટ ચાલી ત્યાં તો એક ફોન આવ્યો અને લિઁક તૂટી ગઈ. ફોન પતાવીને પાછી લખવા બેઠી તો પેલી ‘બૈરન લિઁક’ મારી સાથે સંતાકૂકડી રમવા લાગી. વળી બહુ વખતે મારા સુંદર મજાના કીડી મંકોડા જેવા હસ્તાક્ષર કાગળમાં અંકાયેલા જોઇને બે પળ હું એની પર મોહિત થઈ ગઈ. કેટલા બધા બદલાઈ ગયા હતા મારા અક્ષર ! દર  વર્ષે ‘હેંન્ડ રાઈટીંગ કોમ્પીટીશન’માં મને પહેલું ઇનામ નિર્વિવદપણે મળતું હતું ..શું આ એ જ મારી સ્કુલની ફ્રેંડસ અને ટીચરોમાં લોકપ્રિય થઈ ગયેલા અક્ષરો હતાં કે ? શોકના એ ધરખમ આંચકા પચતા થોડી વાર લાગી.આજે મને ભાન થયું કે સતત પ્રેકટીસ – કાળજી વગર સુંદર અક્ષરો પણ એની સુંદરતા ગુમાવી બેસે છે. જીવ થોડો ખાટો થઈ જતાં મેઁ એ પેપર ફાડી કાઢ્યું અને એનો ડુચો વાળીને રુમમાં દૂર એનો ઘા કર્યોં. વળતી પળે જ ભાન થયું કે ડસ્ટબીન તો બાજુમાં જ હતું પણ હવે તો તીર બાણમાંથી છૂટી ચૂકેલું ! હિઁમત ભેગી કરી લેખ ફરીથી સ્ટાર્ટ કર્યો. થોડું લખાયું ને ડોરબેલ વાગ્યો. આજે મૂર્હત જોયા વગર જ લખવા બેઠેલી..! બાજુવાળા નયનાબેન હતાં જે ‘કુકર’ માંગવા આવેલા. પડોશી ધર્મ નિભાવી ફરીથી મારું સ્થાનગ્રહણ કર્યું, ફરી તૂટેલી લિઁક બૈરન બની ગઈ. ફરીથી લખો -ફાડો અને ફેઁકોની પ્રક્રિયા રીપીટ થઈ. મગજ હવે એની સહનશક્તિની તીવ્રતમ સપાટી વટાવી ચૂકેલુ અને આવા ગરમાગરમીના માહોલમાં વિચારો પીઘળવા લાગ્યાં..અકળામણમાં બાષ્પીભવન થઈને માથા પરથી પરસેવારુપે ગાલ પર દદડી આવ્યાં અને ધીરે ધીરે એ જમીન પર ટપકવા લાગ્યાં. જમીન પરના ટીપાં પગની પાનીને ભીંજવતા ચાલ્યાં..

શું આને જ ‘પગ તળે રેલો આવ્યો’ કહેવાય કે?

માથું જોરથી હલાવીને આવા ગાંડાઘેલા વિચારોને મગજમાંથી હડસેલીને ફરીથી લખવા બેઠી. રુમમાં એસી ચાલુ કરી દીધું પણ પેલા હાથતાળી આપીને ચાલ્યા ગયેલા વિચારો જાણે આજે બળવો પોકારવાની નેમ લઈને જ બેઠેલા. કાગળ પર શિસ્તબધ્ધતાનું નામોનિશાન નહીઁ. રુમની દસે દિશા કાગળના ‘ડુચિયારું’થી છલકાવા લાગી. ફુલસ્કેપનો છેલ્લો કાગળ આવીને ઉભો રહ્યો અને મને ભાન થયું કે આ તો એક લેખ લખવામાં કમાવા કરતાં ગુમાવાનું વધુ થઈને ઉભુ રહ્યું.સ્વભાવે ખૂબ જ કંજુસ એવી મારો આખો ફુલસ્કેપ ખાલી થઈ ગયો, છેલ્લા કલાકથી એસી રુમના ટેમ્પરેચરને કન્ટ્રોલ કરવાના ચકકરમાં ઘણઘણાટી બોલાવતું હતું અને ગુજરાતી લેખકોની હાલત તો હવે ક્યાં કોઇથી અજાણી છે ? લેખનને લોકો વ્યવસાય જ નથી માનતા. સમાજસેવાનું રુપાળુ ટેગ મારી દેવાનું અને થોડી વાહવાહીના બોલ લેખકના કાનમાં સરકાવી દેવાના,  બહુ બહુ તો એનાથી આગળ વધીને એકાદ ફંકશનમાં લેખકને સ્ટેજ પર બોલાવી ખભા પર શોલ ગોઠવી અને એકાદ પ્રમાણપત્ર જેવું પકડાવી દેવાનું.. હે યને લેખક મહાશય હરખપદુડા થઈ જાય..! મારા જેવા અવ્યવહારુ અને કંજૂસ લેખકોને એમાં કંઈ મજા ના આવે. ‘ઘર બાળીને તીરથ થોડી કરાય ?’

થોડા સમય અગાઉ જ મારા એક નવા નવા નેટ-મિત્ર (આજકાલ મૈત્રી બંધાય પણ જલ્દી અને ભૂલાય પણ જલ્દી. વળી  મિત્ર તરીકે સ્વીકારી લીધા પછી એના વિશે જાણવાની ઉત્સુકતા જાગે. પહેલા  મૈત્રી પછી પરિચયની  શિર્ષાસન જેવી આ પ્રક્રિયાથી મને બહુ કંટાળો આવે, નવા નવા મિત્રો બનતા રોજ રોજ પોતાનો પરિચય આપવાની કંટાળાજનક પ્રવૃતિ ઘણીવાર મારા માથે આવી પડે છે જેનો રીસ્પોનસ તો મૂડ પર આધાર ) એક ફંકશનમાં મળી જતા એમની ઉત્સુકતાને સંતોષવાનુ કામ ચાલુ કર્યું,

‘તમે શું કરો છો ?’

કહેવા ખાતર કહ્યું,

‘હું એક હાઉસવાઈફ છું.’

‘ઓકે..’

એના માટે આ શબ્દનું કોઇ મહત્વ જ નહતું એવા ભાવ સ્પષ્ટપણે દેખાઈ આવ્યાં.

‘એ સિવાય બીજું કંઇ..’

એનો સવાલ પૂછવાનો ભાવાર્થ બરાબર સમજાઈ જતા અધવચ્ચેથી જ સવાલ કાપીને જવાબ વાળ્યો,

‘આ સાથે હું એક જીમ્મેદાર, પ્રેમાળ પત્ની -વ્યક્તિ અને એક દીકરાની મા છું ‘

‘એ તો ઠીક પણ …’

‘હું છાપા અને મેગેઝિનમાં કોલમ લખું છું..’

‘હ્મ્મ્મ…બરાબર.. પણ બીજું શું…આમ ને આમ તમારો બૈરાઓનો આખો દિવસ કેમનો વીતે ? તમારી જેમ અમારે જો કોઇ જ કામ ના હોય તો હું તો સાવ બોર થઈ જઊ !’

મારી આંખના ભવા મારા ધ્યાન બહાર જ ખેંચાઈ ગયા

‘ઓહોહો…બાય ધ વે, તમે શું કરો છો? ‘ સવાલ પૂછવાનો છેડો હવે મેઁ સંભાળી લીધો.

‘ મારી કરિયાણાની દુકાન છે જે સવારે મારા રીટાયર્ડ બાપુજી આવીને સાત વાગ્યામાં ખોલી લે એ પછી હું જમી કરીને બાર વાગ્યે આવું. સાંજે મારી પત્ની રસોઈ કરી અને છોકરાઓને ભણાવી કરીને મને દુકાનમાં બધી વસ્તુઓ ગોઠવવા, મદદ કરવા બે કલાક આવી જાય..તે છે…ક..ક…રાતે નવ વાગ્યે અમે પતિ પત્ની દુકાન બંધ કરીને ઘરે જઈએ. સમય તો પાંખ લગાડીને ક્યાં ઉડી જાય એની સમજ જ ના પડે..રાતે અગિયાર વાગ્યે થાકેલા પાકેલા પથારીમાં પડીએ ત્યારે આખા દિવસનો થાક શરીરને ઘેરી વળે. બાકી મને તો તમારા જેવી કામકાજ વગરની જીંદગીથી કંટાળૉ આવે હોઁકે..’

બે પળ એ અતિ કામઢા મિત્રની આંખોમાં આંખો પૂરાવીને તીક્ષ્ણ નજરે  જોયું..મારી નજરનો અર્થ કદાચ એ પામી ગયો હોય એમ નજર ફેરવી ગયો. આવા માણસોને હું મારા મિત્ર બનાવી બેઠી એ ઘડીને કોસતી હું એની સાથે એક પણ શબ્દ ના બોલવાનું હિતાવહ છે સમજીને ચૂપચાપ ત્યાંથી ખસી ગઈ.

મિત્રાયણમાં થોડી વાત ફંટાઈ ગઈ પણ કહેવાનો મતલબ એમ જ કે આવક કરતા જાવક વધુ હોય એવા કામ કયારેય ના કરાય.આટલું વિચારતી હતી ત્યાં મારા એક ખૂબ જાણીતા હાસ્યલેખક મિત્રનો ફોન આવ્યો. મેઁ એમને મારી વિપદા કહી તો એ હસી પડ્યાં,

‘અરે, આમાં વિચારવાનું શું..? આપણો ગુજરાતીઓનો ઓલ ટાઈમ ફેવરીટ –ઇઝીલી એક્સેપ્ટેડ એવો સબજેક્ટ લઈ લે…પતિ, પત્ની ઔર વો…બસ…એના પર એક લેખ ઘસડી માર. ગમે તે સમયે ગરમાગરમ ફાફડાની જેમ હાસ્ય કે કટાક્ષની ચટણી ના હોય તો પણ વેચાઈ – વંચાઈ જાય..’

‘ના..પતિ -પત્ની ઓર વો જેવા વર્ષોથી ઘસાઈ ગયેલા વિષય હું ક્યારેય હાથમાં નહીં લઉઁ. મેં જ્યારે પણ આ વિષય પર લખવાનું વિચાર્યું ત્યારે નક્કી કરેલું. કેટલું બધું હાસ્ય આપણી ચોમેર વેરાયેલું છે, એમાંથી એક વિષય લેતા આવડવું જોઇએ. બાકી પતિ અને પત્નીનો સડેલો અને કંટાળાજનક વિષય લેવો એના કરતાં તો લેખ ના લખવો વધુ હિતાવહ.’

‘ઓહ..સોરી. હું તો આવા જ લેખ લખીને પ્રખ્યાત થયો છું એટલે મેં તને આ સીધો શોર્ટકટ બતાવ્યો પણ તું બહુ જીદ્દી ..તારી મરજી…શું લખીશ તો બોલ..?’

‘ આજકાલ ભૂતોને દાઢી વધારવાનો શોખ વળગ્યો છે, ડાકણ વેક્સિંગ કરાવવા બ્યુટીપાર્લરમાં ગઈ અને મને ભટકાઈ ગઈ..કાં તો સ્મશાનની એક અંધારી રાતે ભટકતાં ભટકતાં પોતાની સ્ટોરી માટે નવો પ્લોટ શોધતા ‘રામ ગોપાલ વર્મા’ સાથે મુલાકાત થઈ ગઈ..કાં તો ‘વેમ્પાયર’ને છેલ્લા સ્ટેજનો ડેંગ્યુ થાય અને શરીરમાંથી બ્લીડીંગ થવા લાગે તો એને પ્લેટલેસ કઈ રીતે ચડાવવા…વગેરે વગેરે.. આવા તો હજારો આઈડીઆઝ છે આ ફળદ્રુપ મગજમાં. આ વખતે તો ડેડલાઈન એની ભયજનક સપાટી વટાવી ગઈ છે એટલે જવા દે, હવે બધી વાત આવતા અઠવાડીએ !’

-સ્નેહા પટેલ

કુછ ટેન્શન અચ્છે હોતે હૈ..!


gujarat guardian paper > take it easy column > 17-03-2013 – article -34.

http://gujaratguardian.in/E-Paper/03-17-2013Suppliment/index.html

Snap1

આખું અઠવાડીયું આપણા આદરણીય  એડીટરે આપણને( પોતાની જાતને આપણે કહેવાની મારી ટેવ (કુ)થી તો હવે મારા પ્રિય, સુજ્ઞ વાચકો માહિતગાર છે જ) આપ્યું હોય પણ આપણે છીએ કે છેલ્લાં દિવસની છેલ્લી ક્ષણ સુધી લખવાનો મૂડ નથી, ટોપિક નથી, સમય નથી જેવા બહાનાઓમાં ગોળ ગોળ ફર્યા કરીએ. છેવટે નાછૂટકે હવે સમય નથી જ એટલે દુનિયા પર મહેરબાની કરતા હોઇએ એવા ભાવ સાથે લેપટોપ લઈને લખવા બેસીએ…બે ચાર બુક વાંચીને થોડો મૂડ ડેવલોપ થાય એવો યત્ન કરીએ..મગજ પર જમણીબાજુ જમણાહાથની તર્જનીથી થોડા ટકોરા મારીને આંખો બંધ કરીને વિચારોના ધ્યાનમાં ખોવાઈ જઈએ – એક્ધ્યાન થઈએ …બે ચાર કોઇએ લખેલા ના હોય એવા ટૉપિક મગજના બારણા ખડખડ કરે…અને આંખો ખૂલી જાય. આ બે મીનીટથી વધુ ધ્યાન ધરવાની આપણી તાકાત નહીં.મારા સુપરસોનીક વિચારો એનાથી વધારે એક જગ્યાએ રોકાઈ ના શકે ..એને રોકવા જઊ તો બળવો પોકારી ઉઠે અને પછી મારા ભીતરે ઉથલપાથલ મચી જાય, ધરતીકંપ આવી જાય, જવાળામુખીઓ ફાટે અને થોડી ક્ષણોમાં તો વિચારોનો લાવા બનીને વહેવા લાગે…સાવ જ નિરર્થક પ્રોસેસ..એટલે હું બને ત્યાંસુધી મારા વિચારોને બહુ છંછેડું નહીં..નાના બાળકની જેમ લાડ-પ્રેમથી સમજાવીને બીજા રસ્તે વાળવા જેટલી ધીરજ કેળવી છે એના થકી એને સુંદર મજાનો વળાંક આપીને મારી સર્જનક્રિયામાં એનો શક્ય એટલો ઉપયોગ કરી લઉં. એ પણ ખુશ અને આપણે પણ. હા તો વાત હતી કે સાત દિવસ એટલે કે સાત ગુણ્યાં ચોવીસ કલાક ગુણ્યાં સાઈઠ સેકંડ. આટલો સમય હોવા છતાં છેક છેલ્લી ઘડીનું ફરજીયાતપણાનું છૂટકો જ નથીનું ટેન્શન બિલ્ટ અપ ના થાય ત્યાં સુધી હું આળસુની પીર કશું લખી શકતી નથી.

સામાન્યતઃ ટેનશનને રોગોનું દર, રાક્ષસ કહેવાય છે પણ મારા જેવા અમુક મહાન માણસો માટે તો આ ટેન્શન એ આશીર્વાદરુપ છે. ટેન્શનથી, ફરજીયાતપણાથી સર્જનપ્રક્રિયા ઝડપી અને સ્મૂધ બને છે. જોકે ટીવીમાં બતાવાતી અમુક એડવેન્ચરસ પ્રોગ્રામોમાં જેમ ચેતાવણીઓ આપતા હોય છે કે આ એક ખતરનાક સ્ટંટ છે, એમાં જીવ પણ જઈ શકે છે એટલે દર્શકોને ખાસ વિનંતી કે એવા કોઇ અડપલા જાતે કરવા નહી એ જ રીતે મારા અંગત અનુભવોને કોઇએ મહાન વિચારકના કે સુજ્ઞ લેખિકાના મહાન વિચારો માનીને ‘ફોલો’ ના કરવા એવી નમ્ર વિનંતી. ઘણાખરાને આ ટેન્શનનો સમયગાળો માફક નથી આવતો. મારા સર્જન માટે જે થ્રીલનું કામ કરે છે એ તમારા દિલને ઝાટકો આપવાના કામ કરી શકે છે. પછી કહેતા નહી કે ચેતવ્યા નહી !

થોડા સમય પહેલાં અમારા એક સંબંધીને ત્યાં વહેલી સવારે ( લગભગ ૧૦.૩૦ વાગ્યે) મળવા જવાનું થયું. એ આજે થોડા મોડા ( રોજ ૯ વાગ્યે ઉઠનારો મહાનજીવ આજે ૯.૨૦ વાગ્યે ઉઠ્યો) ઉઠવાના કારણે એમની હાર્ટબીટ ૨૦ ગણી રફ્તારમાં કામ કરતી હતી અને એમાં હું જઈને બેઠી હતી એ કામ પણ મહત્વનું હતું એટલે એમાં ઉમેનારી હાર્ટબીટની સ્પીડનું ટેન્શન એના ગુલાબી ચમકતા ચહેરાની ચમક ફીકી પાડીને એના ચહેરાનું તેજ છીનવીને એને ફીક્કી ફસ કરતું હતું. મને એક પળ તો મારા આ સમયે એમના ઘરે જઈ ચડવા બદલ થોડું દુઃખ થયું પણ કામ મહત્વનું હતું. એ ભાઈએ મારા કામના જરુરી કાગળૉ મને આપીને કહ્યું કે ‘આની પર સહેજ નજર નાખતા થાઓ હું પાંચ મિનીટમાં નાહીને આવું ‘ કહીને બાથરુમમાં ભાગ્યાં. હું મારું કામ કરતી થઈ અને બરાબર ૪.૩૦ મિનીટે પેલા ભાઈ બાથરુમની બહાર નીકળીને તૈયાર થઈને બેગ ઝુલાવતા મારી સામે હાજર.

એમને જોઇને ભગવાનના ‘વાણીપ્રભુત્વ’ ના મારા વરદાનને મૌનનું સીલ વાગી ગયું, પણ મારું ‘મૌનસીલ’ કોઇની ઇજજતને સરેઆમ ઉછાળી શકે એમ હોવાથી મહાપ્રયાસે ગળામાંથી ધક્કો મારીને મારા શબ્દોને બહાર ધકેલ્યાં,

‘તમે આવી રીતે જ બહાર જશો..?’

હવે પેલા ભાઈ ચમક્યાં…અને ત્યાં તો મહાપરાણે દબાવી રાખેલ મારો હાસ્યનો ફુવારો છુટી ગયો. હું પણ કાળામાથાની માનવી આખરે..!

સંબંધી બોખલાઈને મને નિહાળી રહ્યાં.એક તો ઉનાળો, એમાં ય ટેન્શન નામનું તત્વ શરીરનું ઉષ્ણતામાન વધારી રહેલું..એમાં મારું આવું અટ્ટહાસ્ય એમને હાર્ટએટેક આવી જશે એ ભીતિએ મેં તરત મારા હાસ્ય પર બ્રેક મારીને મોઢું ગંભીર બનાવી દીધું.

‘ભાઈ, તમે પેન્ટના બદલે ભાભીજીનો….’ આગળનું વાક્ય અધ્યાહાર રાખીને એમને વધુ શરમમાં ના મૂકવાની મારી ઇચ્છા હતી. પણ એ નિખાલસભાઈ તો પોતે ઉતાવળમાં પેન્ટના બદલે પોતાની પત્નીનો ચણિયો પહેરીને બહાર આવી ગયા છે એ જોઇને ‘ભફ્ફાક’ દઈને હસી પડયાં અને બધું ટેન્શન છોડીને મારી સાથે સોફા પર બેસી પડ્યાં.

‘મારું બેટું,  કપડાંના સ્ટેન્ડ પરથી ઝપ્પ કરતું પેન્ટ લીધું – બુશ્કોટ પહેર્યો ને પેન્ટમાં ટાંટીયો આમ લાઈખો ને બીજો ટાંટીયો આમ..ડ્રોઈંગરુમ લગી પોંચતા’ક થયું તો ખરું કે આજે મોકળાશ વધારે છે..!!  ત્યાં લગર તો મેં’કું મને હમજ જ નો પડીકે તમે આટલું કેમ અહો છો..પણ ધ્યાનથી જોતાં ચણિયા અને પેન્ટની મહાન ભૂલ હમજાણી. આજથી કાન પકડું સું’કે હવે ટેન્શન -ઉતાવળમાં કોઇ ‘ઇમ્પોર્ટન્ટ’કામ નહી કરું.’ ત્યાં તો પાછળથી એમના પત્ની સહાસ્ય રુમમાં પ્રવેશ્યા અને બોલ્યાં,

‘આ જનમે તો હુધરવાથી રહ્યા..જાઓ જાઓ…હવે જરા હરખા થઈને આવો..ભૂંડા લાગો’સો..બેન તો સરમમાં તમને કાંઈ બોલતા નથ.. એટલો એમનો આભાર..બીજું શું તંયે..!’

મને થયું કે હવે મારે આ ‘ચણિયા અને પેન્ટ’ના જગતમાંથી વેળાસરતી વિદાય લઈ લેવી જ હિતાવહ રહેશે…ફટાફટ મારું કામ પતાવી અને ત્યાંથી નીકળી અને બસસ્ટેન્ડ પર જઈને ઉભી રહી.

મગજમાંથી હજુ એ પ્રસંગ ખસતો નહતો. મગજને મહાપરાણે ત્યાંથી વાળીને સામેથી આવતી બસ મારા કામની છે કે નહી એના પર કોનસ્નટ્રેટ કર્યું. લકીલી એ મારા જ રુટની બસ હતી. મારી આગળ રહેલા કોલેજીયન છોકરાને ‘એક્સ્યુઝ મી’ કહીને આગળ વધીને બસમાં પ્રવેશી. બસમાંથી બહાર જોતાં પેલો કોલેજીયન છોકરો બેફિકરાઈથી ચ્યુંઈગમ ચાવતો ચાવતો એક હાથમાં મોબાઈલમાં ગેમ રમતો દેખાયો. બસ ધીમે ધીમે ગતિ પકડી અને ત્યાં તો મારા આસ્ચ્ર્ય વચ્ચે પેલો ચ્યુંઈંગમ ચબાઉ છોકરો મોબાઈલ ખીસામાં મૂકીને દોડતો દોડતો બસમાં ચડી ગયો. શૉકનો ઝાટકો પચતાં મેં એને પૂછ્યું,

‘ભાઈ, તારી બસ આવી ત્યારે તું આરામથી ઉભો રહેલો. ઇચ્છ્ત તો આરામથી એમાં ચડી શકત ..આમ ‘બ્રેવડા’ થવાની ક્યાં જરુર હતી?’

પેલાએ મધમીઠું હાસ્ય સામું ફટકારીને કહ્યું,

‘એમ સીધે સીધા સમયસર ચડવા જઉં તો મારું બેલેન્સ કદાચ ગુમાવી બેસત. મને ચાલુ બસમાં ચડવાની ટેવ જ છે. એ માપસરની સ્પીડ પકડે ત્યારે જ હું એમાં ચડી શકું..રીધમ જાળવી શકું..આમ છેલ્લા સમયે દોડીને બસ પકડવાની થ્રિલ જ અલગ છે…મજબૂરી છે શું થાય..?’

અનુત્તર રહ્યા સિવાય કોઇ ચારો નહતો.

બધાના થ્રીલના માધ્યમ અલગ અલગ હોય છે. મારા માટે મારું લખાણ, મારું સર્જન એક થ્રીલ છે. મનગમતું લખાઈ જાય પછી આળસ ડેરો નાંખી જાય..લખેલું વાંચીને આત્મશ્લાધા જેવી નાહકની પ્રવ્રુતિઓમાં રત થઈ જાય, ક્રીએટીવ વિચારોમાંથી મગજને વિરામ આપવાની અસહ્ય સ્થિતીમાંથી પસાર થવું પડે.લખવાનું છે એટલે લખી નાંખવાનું એવું થોડી હોય..થોડું ક્રીએટીવ ટેન્શન બીલ્ટ અપ થાય, કોઇ સુંદર મજાનો પ્રેરણાદાયક પ્રસંગ બને, અનુભવેલું બધું એની જાતે કાગળ પર ઉતરી આવે એટલી હદ સુધી અનુભવોને પ્રેશર આપી આપીને દિમાગમાં ભરી રાખવાનું..અહાહા..કેવી મજા..!

‘ટેન્શન તારા રંગ છે હજાર ‘

લખવાની બાબતમાં તો ટેન્શન મને બહુ જ  મદદરુપ થાય છે. ટેન્શનોના દરિયામાં હું એક્ધ્યાન થઈ શકું છું એનાથી મારો જીવન પ્રત્યેનો લડતનો અભિગમ ડેવલોપ થાય છે. બીજા બધામાં કદાચ ટેન્શન અવોઈડ કરવાનું ગમે પણ લખવામાં ..નેવર..ભલે પધાર્યા ટેન્શન બાપા…આવ્યા છો તો થોડા દી રોકાઈ જ્જો..બીજો લેખ લખવાનો સમય થાય ત્યાં સુધી જ તો…વધારે નહી રોકું બાપલીયા..!’

-sneha patel.

જ્ઞાનનો મહિમા.


Gujarat guardian paper > Take it easy column > 10-03-2013 article no> 33

આજકાલ ઋતુઓને કોઇ ધારાધોરણો નથી નડતા. નાનપણમાં સ્કુલમાં ધ્યાન દઈને ભણતાં ગ્રહણ કરેલું,

‘ભારત ખેતીપ્રધાન દેશ છે અને એની  મુખ્ય ત્રણ ઋતુઓ છે -શિયાળો,ઉનાળૉ અને ચોમાસું.  શિયાળામાં ચાર મહિના ઠંડી પડે, ઉનાળામાં ચાર મહિના ગરમી અને ચોમાસામાં વરસાદ.’

પણ આજે સમજાય છે કે એ સઘળું જ્ઞાન મિથ્યા હતું. રાતે એસી ચાલુ કરવું પડે છે, વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય અને અચાનક બપોરે વરસાદ પડી જાય. ચમત્કારોની હારમાળા ! એટલે આજ કાલ કઈ મોસમ ચાલી રહી છે એના વિશે કોઇ પણ પૂછે તો બહુ મોટી દ્વિધા ઉતપન્ન થાય એવી હાલત હતી.  જોકે મારા આ ‘અતિજ્ઞાન’નો ઉપયોગ લોકોને ઋતુઓની સમજ આપવામાં નિષ્ફળ જતી હતી એની મને કોઇ ચિંતા નહતી. આમે જ્ઞાન એ પોતે જ બહુ દ્વિધાપૂર્ણ – છેતરામણો શબ્દ છે. ‘આપણે અતિ-જ્ઞાની છીએ’ એવી ધારણા મારા જેવા ઘણા અજ્ઞાનીઓ ધરાવતા હોય છે પણ ખરેખર પોતે કેટલા જ્ઞાની કે કેટ્લા અલ્પજ્ઞાની ..એવું ‘સાચું જ્ઞાન’ બહુ ઓછાને હોય છે.

‘સત્ય અને જ્ઞાનને બહુ નજીકનો સંબંધ છે.’

આ મહાન ખોજ અજાણતાં જ – કોઇ જ વિચારવાની લાંબી લાંબી પ્રક્રિયા કર્યા વિના મેં હમણાં કરી નાંખી. એ જ્ઞાનમાં થોડા ઉંડા ઉતરતા મને થયું કે આ જ્ઞાનને સમજી શકનારા, પચાવી શકનારા લોકો આ પૃથ્વી પર બહુ જ ઓછા છે એટ્લે આ વિશે મારે મૌન સેવવું જ યોગ્ય રહેશે. આમે મારા કહેવાથી કોઇ જ માનીતા-જાણીતાઓ વાત માનવાના નથી. એમને હજારો દલીલ સાથે લાંબી લાંબી ચર્ચાઓમાં જ વધુ રસ હોય છે  જ્ઞાન તો આવી ચર્ચા હેતુ લેવામાં આવતો એક પાંગળો સહારો જ છે.માનવીનો ‘અનુભવ એ જ એની સાચી મા બાકી બધા વગડાના વા.’

આ અનુભવજ્ઞાનના આધારે કેલેન્ડરમાં બતાવાતી શિયાળાની ઋતુની એક રાતે ગરમીનો અનુભવ થતા આજે ઉનાળો એવું જાણી-માનીને બહેનપણીઓને ફોન કરીને મારા ઘરના નજીકના આઇસક્રીમ પાર્લર પર ભેગા થવાનું આમંત્રણ પાઠવી દીધું. સ્ત્રીઓ પંચાત કર્યા વગર જીવી ના શકે અને અમારી પંચાતો તો નિર્દોષ – ટાઇમપાસ – ઘણીવખત તો જ્ઞાનવર્ધક મનોરંજન પણ બની જાય છે.

યજમાન હોવાના કારણે આઇસક્રીમ-પાર્લર સૌથી વહેલી પહોંચી ગઈ અને ‘હાઈવે ટચ’ થતો સૌથી વધુ લોકપ્રિય ઓટલો પસંદ કરીને રુમાલ-પર્સ મૂકીને ‘પંચાત હેતુ’ રોકી લીધો. દર બે મિનીટે મારી બાજુમાં આવી, બે પળ થોભીને રુમાલ, પર્સ વગેરે સામાન જોઇ, એની પાછળનો હેતુ સમજીને માણસો નિરાશવદન સાથે આગળ વધી જતા એ જોઇને મને થયું કે હવે ‘આ જગ્યા રોકો આંદોલન’માં ભાગીદારી નોંધાવવામાં કોઈ સખી જલ્દી આવી જાય તો સારું. હજુ તો આ વિચારું જ છું ને એક અવળચંડો રેડ શર્ટ અને ગ્રીન જીન્સધારી જુવાન મારો રુમાલ બાજુમાં હટાવીને આરામથી એ જગ્યાએ બેસીને એની ‘કેન્ડી’ ખાવા લાગ્યો. મેં એની સામે બની શકે એટલી ધારદાર નજરથી જોયું પણ એ મારી સામે જોવાની તસ્દી જ નહતો લેતો એટલે મારી એ બધીય મહેનત પાણીમાં ગઈ.એના ભારેખમ ચહેરાનો ભાર સહન કરીને કાન નીચેની બાજુ લબડી ગયેલા, આજના જમાનામાં લગભગ ગુમ થઈ ગયેલી પાવલી જેવી નાની નાની ગોળમટોળ આંખોની નીચે ભાવનગરી ગાંઠિયા જેવું વાંકુચૂકુ નાક અને એની નીચે કાળી અને ધોળી સ્કેચપેન એક સાથે પકડીને  ગુજરાતીમાં ‘ચોગડો’ લખવાનો પ્રયત્ન કરાયો હોય એવી વિચિત્ર શૅઈપની મૂછોની નીચે સિગરેટ પીને કાળા થઈ ગયેલા હોઠ પર એની ગ્રીન કેન્ડીનો રંગ લાગતા કાળામાં ગ્રીનના મિશ્રણથી કંઈક વિચિત્ર કલરના હોઠ દેખાતા હતા.એ જુગુપ્સાપ્રેરક દ્ર્શ્ય સહન ના થતા મેં તરત એના તરફથી નજર હટાવી દીધી. હમણાં જ મનપસંદ ભાજીપાઉં દબાવી દબાવીને ખાધેલા અને હજુ ગળા સુધી હતા એ આઘાતના ધક્કાથી કયાંક બહાર ના આવી જાય એવો છૂપો ડર મને સતાવી ગયો. એણે મને કંઈ પૂછ્યું હોત તો હું કહી શકત કે આ જગ્યા રોકેલી છે પણ આ ભાઈએ તો એવી કોઇ કર્ટસી દાખવી જ નહી. આનો સામનો કેમનો થાય એ વિચારું ત્યાં તો એ ભાઈ એમનો બીજો ખાલી હાથ હવામાં તલવાર વીંઝતા હોય એમ ડાબેથી જમણે ને જમણેથી ડાબે વીંઝવા માંડ્યા. પળ બે પળ માટે મને મારી નજર- સમજ શક્તિ પર અવિશ્વાસ થઈ ગયો.આ ભાઈને એકાએક એમના પૂર્વજોની યાદ આવી ગઈ કે એમનો કોઇ આત્મા બાત્મા એમનામાં ઘૂસી આવ્યો કે શું ?

એની નજરનો પીછો કરતા કરતાં મારી નજર સામેથી આવી રહેલ એક ‘પીળા કલરના વાંસ’ પર પડી. બે હાથમાં પીળા કલરની બે ડઝન કાચની બંગડીઓ, કાનમાં પીળા રંગના મોટા સ્ટોનવાળી ઇયરીંગ્સ, કપાળમાં મોટો ગોળ પેલાની ‘આંખની સાઈઝ’નો પીળો ચાંદલો, ઉંચી પેન્સિલહીલવાળા પીળા સેન્ડલ અને પીળું પંજાબી અને હાથમાં રહેલી પીળા કલરની કેન્ડી..ઉફ્ફ..!!   મારા અતિજ્ઞાને મને યાદ કરાવ્યું કે ‘કમળો હોય એને બધું પીળું જ દેખાય’ વાત યાદ આવી. ગભરાહટના મારી મેં તરત જ મેં મારી આંખો બરાબર ચોળી તો પણ મને મારી નજીક આવી રહેલી આકુતિ પીળી જ દેખાઈ. ત્યાં મારા સામાન્ય જ્ઞાને મને ચીંટીયો ભર્યો,

‘બાવરી.. બાજુમાં બેઠેલ લબડેલા કાનવાળો જુવાનનું શર્ટ, એની કેન્ડી એ બધાના રંગ તો તારી નજરે બરાબર પકડ્યાં..મતલબ પ્રોબ્લેમ તારી નજર કે તબિયતમાં નહી પણ સામેવાળાની ‘ડ્રેસિંગ સેન્સ’માં છે.

‘હે પરમકૃપાળુ ભગવાન, આમ જ મને અતિજ્ઞાનના શ્રાપથી બચાવીને કાયમ સામાન્યજ્ઞાનની અનરાધાર કૃપા વરસાવતો રહેજે..!’

મનોમન મારાથી બોલાઈ ગયું. અતિજ્ઞાનના મહાસાગરમાં ગોથું ખાઈ જવું, ડૂબી જવું એના કરતાં સામાન્યજ્ઞાનના ઝરણામાં નહાવું વધારે સારું. જોકે અમુક વીરલાઓ કમળપત્રનો ગુણ ધરાવતા હોય છે એમના જેવા અતિજ્ઞાનસાગરમાં ડૂબકીઓ માર્યા કરે તો એકાદ સાચું મોતી ચોક્કસ શોધી આવે એની ના નહી. પણ ક્યાં કમળપત્ર અને ક્યાં આપણે પામરજીવ ! એવા કમળપત્ર હોત તો આ ઋતુચક્રોની ફેરફારના ચકકરોમાંથી જ ના બચી ગયા હોત…ગરમી, ઠંડી, ચોમાસું..બધું ય આપણી પરથી ‘સ..ર..ર…ર’ સરકી ના જાત !

ત્યાં તો મને એક હળવો ધક્કો લાગ્યો ને મારી વિચારયાત્રા ખોટકાઈ. વિચારોની પગદંડી પરથી અચાનક વાસ્તવિકતાના રાષ્ટ્રીય ઘોરી માર્ગ પર ચડી ગઈ અને ‘જે જગ્યાએ હોઇએ એ જ જગ્યા કાયમ હાજર રહેવાનો પ્રયત્ન કરવાનો’ મારો મનપસંદ વ્યાયામ ચાલુ થઈ ગયો.( બહુ પ્રેકટીસ પછી પણ આ વ્યાયામ મને કોઠે નથી પડતો એ વાત અલગ છે.) ધક્કો આવ્યો એ દિશામાં જોયું તો પીળો વાંસ મારી બાજુમાં રહેલ પર્સ મારી નજીક ખસેડીને મારી અડોઅડ બેસી ગયેલો જેના કારણે એનો ખભો મારા ખભાને અથડાઈ ગયેલો. એની સાથે નજર મળતાં જ એણે પોતાની આ ખભાના ધક્કાની ક્રિયા તરફ સાવ જ બેધ્યાનપણું દર્શાવ્યું. હવે મારાથી બોલાઈ ગયું,

‘એક્સ્યુઝ મી, આ જગ્યા મેં મારા ફ્રેન્ડસ માટે રોકેલ છે તમે આમ સાવ કેમના બેસી શકો…?’

પીળો વાંસ ઉવાચ –

‘ બુફે ડીનરમાં કોઇ પીરસે એની રાહ ના જોવાની હોય એ તો આપણી જાતે જ મનપસંદ વાનગી લઈને આરોગવા માંડવાની હોય…એવું જ આ જગ્યા માટે પણ સમજો ને..આમ શું આ રુમાલ -બુમાલ પાથરવાની તસ્દી લેવાની…વહેલા એ પહેલા..’

બેશરમીની સ્પર્ધામાં પીળો વાંસ પહેલા નંબરે આવે કે ગ્રીન -કાળા કોમ્બીનેશનવાળો એનો મિત્ર કે પતિ ? ( આજના જમાનામાં આવી બધી ધારણાઓ મોટાભાગે ખોટી પડે છે એટલે બોય ફ્રેન્ડ – પતિ -પત્ની -ગર્લફ્રેન્ડના તર્ક- વિતર્કોમાં બહુ સમય ના બગાડવો એવું મારું દ્રઢપણે માનવું છે. પંચાત કરવા માટે એવા જુનાપુરાણા વિષય કરતા વધુ સારા બીજા ઘણા બધા સબ્જેક્ટ્સ છે ).

કોઇ જ યોગ શિબિરો કે ગુરુના માર્ગદર્શન વગર ફક્ત આત્મખોજ દ્વારા મારાથી આજે અનાયાસે એક નવી શોધ થઈ ગઈ.

‘સામાન્યજ્ઞાન આત્મજ્ઞાનની વધુ નજીક છે બીજી તરોતાજા ખોજ !’

જ્ઞાનના વમળોમાં ફસાયેલી હતી ત્યાં તો ચારઆનીની સાઈઝની આંખોવાળા યુવાનના સ્ટ્રોંગ પરફ્યુમથી માથું ભમવા લાગ્યું. આ ટીવીવાળાઓ પણ જાતજાતની એડવર્ટાઇઝ બનાવી બનાવીને લોકોને ઉલ્લુ  બનાવે રાખે છે અને આવા નમૂનાઓ વધારે મૂર્ખા બનતા જાય છે, ‘ઇવન એનજ્લ્સ વિલ ફોલ !’ છેક મોઢા સુધી શબ્દો આવી ગયા કે,

‘અલ્યા ભાઈ, આ તારી પીળી એન્જલ ફોલ થઈ જશે તો તૂટી જશે..સાચવજે બાપલિયા..’

ત્યાં તો દૂરથી મારું સખીવૃંદ આવતું  નિહાળીને હું ભાવવિભોર થઈ ગઈ. ‘હાય-હલો’ની ફોર્માલીટી પતાવ્યા પછી પાંચેય સખીઓનું ઘ્યાન અમારી ફેવરીટ જગ્યા પર ગયું. આંખો-આંખોમાં એ લોકોએ મને ઠપકો આપી દીધો જેનો મેં બે ખભા ઉંચકી,હથેળીની બધી આંગળીઓમાં મારી મજબૂરીના સંકેતો ભરી, મોઢા પર ભરપૂર લાચારીના ભાવ આણીને પરબારો જવાબ આપી દીધો.

‘યે નહી ઓર સહી’ના ભાવ સાથે અમે બીજે નજર દોડાવી.એક બાંકડો થોડો દૂર હતો પણ એ આ જગ્યા પછીની નેક્સ્ટ ચોઇસ માટે બેસ્ટ હતો એટ્લે બધાં ત્યાં જઈએ બેઠા. પોતપોતાની મનપસંદ આઇસક્રીમનો ઓર્ડર આપીને સો ટકા કરમુકત પંચાતકર્મ ચાલુ કર્યુ જેમાં સહજ્પણે નંબરવન પર પેલું કપલ જ આવે.

‘એ નંગના હાથમાં બધી આંગળીઓમાં ગ્રહોના નંગની વીંટીઓ છે જો તો..નંગને નંગની આટલી બધી જરુર પડે કે?’

‘પણ જેને આટલું મોટું પીળું ગ્રહણ લાગેલું હોય એને વળી વધારે શું નુકસાન થવાનું એની જ નવાઈ લાગે છે.’

‘હશે હવે, જેવા એના નસીબ. એકાદ બે અનુભવો થશે એટલે આપોઆપ સમજ આવી જશે કે કોઇ નંગ કોઇ ગ્રહણ ક્યારેય બચાવી શકતું નથી. જે સહન કરવાનું હોય એ તો સહન કરવું જ પડે. આપણા નસીબનું કો…ઇ લઈ જઈ શકતું નથી કે જેટલું લખેલુ  હોય છે એનાથી વધારે કોઇ કંઈ આપી શકતું નથી..આ  નંગ-ગ્રહ બધા તો ઢકોસલા છે..’

અમારામાંની એક ફિલોસોફર સખી ઉવાચ. (એની અમુક વાતો હું જીવનમાં ‘ફોલોસફર’ કરું છું અને અમુક્ વાતોને કાનના રસ્તેથી અંદર પેસવા જ નથી દેતી. બધા નિર્ણય સામાન્યજ્ઞાન – સમજશકતિ -અનુભવને આધારિત)

અમારો ઓર્ડર કરાયેલ આઇસ્ક્રીમ આવી ગયો. એ પછી અમારી અલક મલકની વાતો ચાલી..તેં કાલે શું બનાવેલું..આટલા દિવસોમાં શું નવાજૂની..તારી જોબ કેમ ચાલે છે..આજે શું જમીને આવી..કોઇ નવી રૅસીપીની મહાન શોધ કરી કે અનાયાસે થઈ કે નહી..સંતાનો શું કરે છે…પતિદેવે કેટલું શોપિંગ કરાવ્યું, કેટલા મૂવી બતાવ્યા..સાસુ-સસરાના મગજ – તેવર ઠેકાણે છે ને..નણંદ-જેઠાણી બધાંયના હાલચાલ પૂછ્યા…બધાના પાડોશીઓ મજામાં ને..પાણી બરાબર ચોવીસ કલાક આવે છે ને..કામવાળી મોંમાંગ્યો પગાર લઈને પણ તમારા કહ્યામાં છે કે નહીંની ભયંકર ચિંતા ….વગેરે વગેરે..!

એકાએક વાતાવરણમાં પલટૉ આવ્યો અને ધીમા ધીમા વરસાદના છાંટા પડવા લાગ્યાં. અમારો આઇસક્રીમ અને પંચાત બેય પતી ગયેલા એટલે અમે હવે સંતોષપૂર્વક છૂટા પડવાનું વિચાર્યું. જતાં જતાં મારાથી પેલા ઓટલા પર નજર ગઈ. હવે તો એ ખાલી હતો પણ વરસાદના છાંટામાં ભીની થઈને પેલી સ્ટ્રોંગ પરફ્યુમની સ્મેલ વધુ સ્ટ્રોંગ થઈને મહેંકી રહેલી હતી.

આવા બંજર જમીન જેવા માનવીઓમાં  ‘સામાન્ય -અતિ કે આત્મજ્ઞાન’ના બીજ કેવી રીતે વાવી શકાયના ગહન (કોઇ જ મતલબ વગરના – ફક્ત ટાઇમપાસીયા) વિચારમાં હું  મારી કાર જ્યાં પાર્ક કરેલી એ તરફ વળી.

-સ્નેહા પટેલ.

પ્રેમ નામે રોગ


Snap1http://gujaratguardian.in/E-Paper/02-24-2013Suppliment/index.html

gujarat guardian paper >Take it  easy – 31.> 24-02-2012

ગુજરાતી લોકો પોતાનો ‘વેલણ ખાવાનો ટાઈમ’ બચાવવા માટે ‘વેલેન્ટાઈન ડે’ ભરપૂર ઉત્સાહ ( એક્ટીંગના ખાટું પૂરેપૂરા આ લોકો) સાથે મનાવે. એની આગળ આવતા કેડબરી, ચોકલેટ,કીસ, રોઝ,પ્રપોઝ , ટેડી જેવા દિવસોએ સંનિષ્ઠતાથી પોતાની પોકેટમનીમાંથી જેટલો નીકળી શકતો હોય એટલો ફાળો પ્રામાણિકતાથી આપે. આ બધું જોઇને મને થાય છે કે આટલા વર્ષોથી લગભગ દરેક દેશ, દરેક ભાષા, દરેક જાતિએ આ પ્રેમ નામના પ્રદેશને આટઆટલો ખેડયો છે, અગણ્ય સંશોધનો થયા છે, પહેલાં જે લોકો ટીવી, સીડીમાં ફાંફા મારતા એ બધા હવે નેટ પર સર્ફિંગ કરી કરીને આ પ્રેમને સમજવામાં પોતાની એડી ચોટીનું જોર લગાવી દે છે એમ છતાં આ કેમ આટલો રહસ્યમય લાગે છે. લગભગ દરેક માનવીએ એની સંવેદના કેમ ભિન્ન ભિન્ન ! આટાઅટલી સગવડ પછી પણ આવી તકલીફો પડતી હોય તો જો એના વિશે કંઇ જ ના લખાયું હોત તો આ માનવજાતિનું શું થાત…કયા અંધારિયા કુવામાં એ ભટકતી, તરફડતી હોત..?

આ વાત પરથી શેક્સપિયરના નાટકનો એક પ્રસંગ યાદ આવ્યો.

રોસેલીન્ડ નામની એક યુવતી સંજોગવશાત એક જંગલમાં પુરુષવેશ ધારણ કરીને રહેવા આવે છે. એનો એક પ્રેમી હોય છે ઓર્લેન્ડો. એ રોસેલીન્ડની પાછળ પાછળ એ જંગલમાં એને શોધતો શોધતો આવી ચડે છે, પણ એને રોસેલીન્ડના પુરુષવેશ ધારણ કરવા વિશે કંઈ જ ખ્યાલ નથી હોતો. એ તો જંગલના દરેક વૃક્ષના થડ -ડાળીઓ ઉપર પ્રેમકાવ્યો લખતો ફરતો હતો.એકવાર રોસેલીન્ડ અને ઓર્લેન્ડો મળે છે. રોસેલીન્ડના પુરુષવેશને કારણે ઓર્લેન્ડો એને ઓળખી શકતો નથી પણ રોસેલીન્ડ એની પ્રિયા એને તરત જ ઓળખી કાઢે છે.વાતવાતમાં રોસેલીન્ડ એને કહે છે કે’ ‘પ્રેમમાં વિખૂટા પડેલા લોકોની હાલત બહુ ખરાબ હોય છે. આ જંગલમાં ઓર્લેન્ડો નામનો કોઇ પાગલ પ્રેમી પોતાની પ્રિયતમાના વિયોગમાં ઝૂરતો ઝૂરતો ડાળ – ડાળ, પાન – પાન પર એના હ્રદયનીએ વ્યથા લખતો ફરે છે. મને એની બહુ દયા આવે છે. એ જો મને મળી જાય તો એની લવસીકનેસ હું દૂર કરી શકું. હું એનો ઇલાજ સારી રીતે જાણું છું.’

આ સાંભળીને તરત જ ઓર્લેન્ડો કહે છે કે,’એ પ્રેમી તો  હું જ છું.’

નવાઈમાં પોતાની વિશાળ આંખો થોડી વધારે ફેલાવીને એના દેહ પર ઉપરથી નીચે નજર ફેરવીને નવાઇનો સાગર પોતાના અવાજમાં ઠાલવીને બોલે છે ઃ

‘તું..તું ઓર્લેન્ડો..પાગલ પ્રેમી..પણ તું..તું તો એ પ્રેમી જેવો જરાય નથી લાગતો !’

‘પ્રેમી કેવા લાગે વળી?’

‘અરે, સાચા પ્રેમીના ચહેરા પર મહિનાઓની વધેલી દાઢી હોય, પ્રિયાની શોધમાં ભૂખતરસ નેવે મૂકીને રખડ્યા કરવાના કારણે ક્પડાં મેલા -ઘેલા અને ઠેકઠેકાણેથી ફાટેલા તૂટેલા હોય, ઘસાઈને તૂટી ગયેલી ચપ્પલ  પણ ફેંકી દીધી હોય એના કારણે એની પગની પાની આખી ઉંડા ઉંડા વાઢિયાથી ભરાઈ ગયેલી હોય, ગાલ પર વસંતની ગુલાબીને હડસેલીને પીળી પાનખરે કબ્જો જમાવ્યો હોય, આંખોની જગ્યાએ લખોટી રમવાની ગબ્બી જેવા ખાડા દેખાતા હોય..ટૂંકમાં સાવ બિચારો, એકલતાના જંગલોમાં અટવાયેલો શૂન્યમનસ્ક આત્મા જેવો લાગે ..જ્યારે તું તો આવો નથી લાગતો..!!’

રોસેલીન્ડની આ વાર્તાના વિચારોમાં ને વિચારોમાં હું ખૂબ આગળ વધી ગઈ. મારા વિચારો મારા હાથ બહાર તીવ્ર ગતિથી મારા મગજમાં એમનો રાક્ષસી પંજો ફેલાવતા તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ખુલ્લી આંખે દુનિયામાં મશહુર થઈ ગયેલી પ્રણયવાર્તાઓ નજર સમક્ષ તાદ્રશઃ થવા લાગી.રોમિયો – જુલિયેટ. હીર – રાંઝા, રાધા – કૃષ્ણ, લેલા – મજનૂ, સલીમ -અનારકલી…બધા અદભુત પ્રેમીઓ એકબીજાના ગાઢ પ્રેમમાં પડેલા. પડેલા એના કારણે શરીરે ઠેર ઠેરથી ઘવાયેલા. તનના ઘાવ હોય તો ડોકટરો પાટાપીંડી કરી આપે પણ આ મનના ઘાવની પીડા એ ડોકટરો જાડા ગ્લાસના ચશ્મા ઉપર પાવરફુલ દૂરબીન લગાવીને પણ શોધી ના શક્યા, જે રોગ ના દેખાય એનો ઉપચાર કેમનો થાય..? એટલે એમણે જાહેર કર્યું કે ‘પ્રેમ ફેમ જેવું દુનિયામાં કંઈ છે જ નહીં, અને હોય તો પણ એનાથી માનવીને કોઇ પીડા નથી પહોંચતી. આ તો ભગવાનમાં માનવું – ના માનવુંની જેમ શ્રધ્ધાનો વિષય છે. આ બધા હકીકતમાં પડેલા છે જ નહી, હરતા ફરતા ઘોડા જેવા છે માટે અમારા ક્લીનીકમાંથી એમને વિદાય કરો ને બીજા દર્દીઓ માટે જગ્યા ખાલી કરો’

હદ થઈ ગઈ.. આ ડોકટરની અરસિકતા – શુષ્કતા ઉપર મને જબરી ખીજ ચડી..માનવીના શરીરમાં આવેલ લાલના એક્કા જેવા લાલઘૂમ હ્રદયમાં કામદેવે છોડેલ અમોઘ તીર સમો, તીરવાળો પ્રેમ એ ફકત એક કલ્પના જ છે એવું કઈ રીતે માની શકાય..? ચિંતન -મનનનો દોર આગળ ચાલ્યો. મારા વિચારો મારા કંટ્રોલમાં નહતા..હું એમના કંટ્રોલમાં હતી.એ વિચારો મને એના હિંડોળે બહુ જ પ્રેમથી ઝુલાવતા હતા ( હું પ્રેમ નામની લાગણીમાં સ્ટ્રોંગલી માનું છું )

 

પ્રેમનો શરુઆતનો તબકકો કેવો હોઇ શકે.. અને તરત જ મારા સુપરફાસ્ટ મગજે એનો જવાબ મારી પર છુટ્ટો ફેંક્યો..

‘આ પ્રેમ નામનો રોગ થવામાં સૌપ્રથમ આંખો મહત્વનો ભાગ ભજવે છે. આંખ અને હ્રદય ભલે શારિરીક રીતે અલગ હોય પણ માનસિક રીતે એ બહુ જ ગાઢ રીતે જોડાયેલ હોય છે. આંખમાં આ પ્રેમ નામનું ઇન્ફેકશન લાગ્યા પછી આ દર્દીને કોઇનું સમોસા જેવું નાક રોમન નાસિકા જેવું લીસું અને અણીદાર લાગે છે કાં તો સંસ્કૃત સાહિત્યમાં વર્ણવેલ તેલની સીધી ધાર જેવું લાગે..હાથીકાન કોઇ શિલ્પીએ ખૂબ જ જહેમત લઈને કંડારેલ કલાત્મક લાગે અને ઓષ્ડદ્વય અમૃતકુપી જેવી લાગે.આંખનો ચેપ કાન સુધી પ્રસરે અને પ્રિયપાત્રનો ફાટેલા ઢોલ જેવો, તૂટી ગયેલા તંબૂરાના તાર જેવો અવાજ પણ અનાહતનાદની અનુભૂતિ કરાવે છે. પ્રિયપાત્રની આંખમાં કૃષ્ણના મુખમાં દેખાયેલ એવા ચૌદ બ્રહ્માંડ દેખાવા લાગે અને છેલ્લે એનો આંખના રસ્તેથી પેસારો કરી ગયેલ રોગ એના હ્રદય પર કુશળતાથી એની જ જાણ બહાર પોતાનો કોમળ પંજો જમાવી દે છે.

આ માનસિક અને શારિરીક હ્રદયરોગના ઘણા ખરા લક્ષણોમાં અમુક સામ્યતા તો ખરી. બંનેમાં હ્રદયના ધબકારા વધી જાય, બ્લડપ્રેશર હાઈ થઈ ગયું હોય એમ શરીરના પ્રત્યેક નાડી સ્થળો ઘબકવા માંડે. ‘મેરી ગો રાઉન્ડ’માં બેસતી વેળા આપણને નીચે ઉતરતી વખતે પેટમાં જે ગરબડ થઈને ગોટાળા વળવાની લાગણી થાય એવી જ લાગણી પ્રિયપાત્રને જોતી વખતે થાય. આખો દિવસ સ્વપનદુનિયામાં વ્યસ્ત રહેવાના કારણે ખાવા પીવાની ઇચ્છાઓ ઉપર પ્રેમ નામની લાગણી હાવી થઈ જાય અને એ બધાંનુ હનન કરી નાંખે પરિણામે ઉડ્ડિયા નામના યોગાસનમાં પેટ અંદર ખેંચવાની ક્રિયા કરવાની હોય એ વખતે પેટમાં જે ખાડો પડે એવો જ ખાડો ધીમે ધીમે પડતો જાય .

ભૂખ્યા પેટની અસર તળે જીભ પોતાનો સ્વાદ ગુમાવવા લાગે, લાળગ્રંથિઓ પોતાનું મૂળ કાર્ય ભૂલી જાય અને બાઘી બનીને ઠરી જાય. મોઢું ખૂલે ત્યારે એમાંથી એક જ રાગ નીકળે -પ્રેમરાગ. પ્રિયના આરઝૂના ગીતો ગવાય – જોડકણાં જેવી મહાન શાયરીઓ લખાવા લાગે, દરેક પ્રેમી પોતાની માંહ્યલી કોરમાં એક મરીઝ, બેફામ શ્વસતો અનુભવતો થઈ જાય. પ્રેમ થાય એટલે લગભગ દરેક પ્રેમી શાયરીઓ લખતો તો થઈ જ જાય – પ્રેમની એક આડપેદાશ – જે  પ્રક્રિયા થોડા પ્રેમીઓમાં આખી જીંદગી ચાલે તો અમુક પ્રેમીઓમાં પાર્ટટાઇમ ચાલે. ઘણાખરા લોકો એમ માને છે કે કવિઓએ થોડા થોડા સમયે પ્રેમમાં પડતા રહેવું જ જોઇએ તો જ કવિતાઓ લખી શકે. મૂંઝવણ એ થાય છે કે પ્રેમ થાય એટલે કવિ થઈ જવાય કે કવિ થવા માટે પ્રેમ કરવાનો હોય…..હશે હવે..આ તો બહુ ગહન ચર્ચાવિચારણા માંગી લેતો પ્રશ્ન છે એટલે અત્યારે એને બાજુમાં મૂકી દઇએ. પ્રેમ નામનો રોગ અત્યાર સુધીમાં તો એના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકયો હોય છે. એના દિલની સાથે સાથે મગજ પર પણ કબ્જો જમાવી બેઠું હોય છે. પ્રિયપાત્ર જગતના અનંતકોટિ માનવોમાંથી સાવ જ નોખું તરી આવતું અને અદભુત સર્જન છે. બર્નાડ શો એ કહ્યું છે કે -‘લવ ઇઝ અ ગ્રોસ એક્ઝારેઝશન ઓફ ધ ડિફરન્સ બીટવીન વન પર્સન એન્ડ એવરીબડી એલ્સ !’ આ જ ભાવ પર મગજ કેન્દ્રિત થાય છે. મગજ પૂર્ણતયા એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થતાં પ્રણય સિવાયના કોઇ પણ કાર્ય માટે મગજ કાર્યરત નથી રહી શકતું. બુધ્ધિ વાપરવાના દરેક કાર્યમાં એ સાવ જ નાકારા જેવો થઈ જાય છે. શારિરીક અને માનસિક ક્રિયાઓ શિથિલ થઈ જાય છે. ઘરની દરેક દિવાલો, પિકચર – ટીવી સીરીયલની દરેક હીરોઇનમાં એને ફકત અને ફક્ત પોતાના પ્રિય વ્યકિતના જ દર્શન થાય છે. આ મતિભ્રમ જેવી સ્થિતી લખતાં લખતાં મારું મગજ થોડું હેવી થઈ ગયું. મને પ્રેમમાં પડનારાઓની દયા આવવા લાગી. આ પડનારાઓને સહારો કેવી રીતે મળે, કેવી રીતે ઉભા કરી શકાય એ અંગે વિચારવા મગજને થૉડો બ્રેક આપવાનું વિચાર્યું.

કોઇ પણ ગંભીર રોગની દવા શોધવા માટે મગજ બરાબર ફ્રેશ હોય તો જ કામનું નહીંતર ગરબડ ગોટાળા કરી નાંખીએ તો રોગ વધુ વકરે…તો દોસ્તો…આવતા અઠવાડીએ આ પ્રેમ વિશે વધુ કંઈક નવી જાણકારી પીરસવાની ઇચ્છા સાથે અત્યારે તો વિરમું છું.

તમે પણ આ પ્રેમ નામની બિમારીના તમારા અનુભવો શૅર કરજો. કદાચ મારા સંશોધનમાં મને હેલ્પફુલ થઈ પણ શકે.

-સ્નેહા પટેલ.

‘લાલજીને ગમે એ રાણી’


Snap1

Take it easy -30

શિયાળાની રવિવારની વહેલી સવાર !  આટલું લખું એટલે બધાની નજર સામે પોતાનો બેડ, પીલૉ, રજાઈ અને અલાર્મ બંધ કરીને મૂકેલા ટેબલક્લોક -મોબાઈલ યાદ આવી જાય એ નક્કી.આ સવારની એક પોતીકી અદભુત અવિસ્મરણીય અનુભૂતિ, અલગ જ મજા હોય છે . જોકે આ દિવસના વહેલી સવારની કોઇ ‘ સ્પેસીફીક ડેફીનેશન’ નથી હોતી.ઘણાની સવાર ૫ વાગ્યે પડે તો ઘણાની સાત તો ઘણાની ૧૧ વાગ્યે પણ ના પડે..બધાની પોતપોતાની ઘડિયાળ અને પોતપોતાના સમયના રાજા / રાણી ! અરે.. રવિવારની વહેલી સવાર પર લેખ લખવાનો કોઇ વિચાર નથી એટલે તમે ચિંતા ના કરશો આ તો એ સમય મને બહુ પ્રિય એટલે એના પ્રેમમાં થૉડી વહી ગઈ.

હા, તો મેઈન વાત એમ હતી કે, શનિવારની રાતે મોડે સુધી ટીવી જોઇને ‘રવિવાર નામની રજાનો પર્વ’ ધામધૂમથી મનાવવાના ઇરાદા સાથે રાતે ૩.૦૦ વાગ્યે સૂઇ ગયેલી પણ વહેલી સવારે   (મારી વહેલી સવાર લગભગ ૫.૩૦ વાગ્યે પડી હતી ) જોરજોરથી કોઇની વાતો કરવાના અવાજો મારા નાજુક કાનના પડદા ચીરીને એમાં જબરદસ્તીથી પ્રવેશી ગયા. મારો ફ્લેટ  ત્રીજા માળે છે અને તો પણ મારી હાલત આવી થઈ તો પહેલે માળે રહેનારની શું હાલત થતી હશે..? પરોપકારી જીવ હોવાથી ઉંઘમાંથી ઉઠતાની સાથે જ મને આ વિચાર પહેલો આવ્યો. એ ખતરનાક ધ્વનિના માલિકને જોવા માટે પડદો હટાવીને નીચે નજર કરી તો મારી અધખુલી – નિંદ્રાદેવીના પ્રભાવ હેઠળ રહેલી આંખો પૂરેપૂરી એની ઓરીજીનલ સાઈઝમાં ખૂલી ગઈ અને સાથે સાથે મોં પણ પહોળું થઈ ગયું જેની પર તરત મેં મારો કંટ્રોલ રાખીને બંધ કરી દીધું.

નીચે લગભગ ૨૦-૨૫ માણસોનું ટોળું હતું જે ધીરે ધીરે મારી બાજુની બિલ્ડીંગના બીજા માળે શિફટ થઈ રહ્યું હતું.

‘મૂયો આ બીજો માળ, જ્યારથી અમે અહીં રહેવા આવ્યા છીએ ત્યારથી દર છ મહિને ત્યાં નવા નવા ભાડૂઆતો બદલાયા જ કરે છે. હજુ તો પહેલા ભાડૂઆતના ચોકઠાથી આપણે માંડ ટેવાયા હોઇએ ત્યાં તો બીજો નમૂનો આવી ગયો હોય..’વિચારીને મેં પડદો બંધ કર્યો અને ફરીથી સૂવાનો પ્રયત્ન કરવા લાગી.

ત્યાં તો  બીજા માળે ખુરશીઓ ખસવાના અવાજ આવવા લાગ્યાં..પ્લાસ્ટીકની ખુરશીઓ હતી એટલે ટર્રર..ર…ર..ચ..જેવા વિચિત્ર સ્વરમાં અવાજ આવતા હતાં.બેડમાં બાજુમાં પડેલો નાનો પીલો લઈને કાન પર દબાવીને હું વિચારવા લાગી કે એવી તો કેટલી ખુરશીઓ સામાનમાં લઈને આ લોકો આવ્યાં હશે…ચોકકસ બહારગામની પાર્ટી લાગે છે નહીંતર અમદાવાદની પાર્ટી પોતાની અને બીજાની ઉંધ આમ સવાર સવારમાં તો ના જ બગાડે નિરાંતે ૧૦ વાગ્યે સવાર પડવાની રાહ જુએ.

મારા જેવા શાંતિપ્રિય માણસોને વસવાટ લાયક આ ધરા પર યોગ્ય સ્થાન જ નથી..મારે હવે પેલા સ્પેસ- એકસ કંપનીવાળા ‘એલન મસ્ક’ માર્સ કોલોની ડેવેલોપમેંટ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાની સરકારની મદદથી મંગળ પર રહેવા માટેનો રેસિડેન્સીયલ પ્લાન વિચારે છે એમાં વહેલી તકે એક ઘરનું બુકિંગ કરાવી દેવું  છે. મંગળ પર રહેવામાં આવા ‘ કચકચીયા પાડોશી’ નામના ગ્રહો તો ના નડે..એ તો અહીં પૃથ્વી પર જ નડે..વહેલી સવારના મારું મગજ એની સુપરસ્પીડમાં વિચાર કરતું હોય…પૂરેપૂરા ફોર્મમાં કાર્યાવિન્ત હોય પણ આ અડધી ઉંઘના ઘેનમાં આજે એ થોડી બહેકી ગયેલું અને વિચારોના આડાઅવળા રસ્તે ચઢી ગયેલું.

ત્યાં તો એ ભાડૂઆત વાળા ફ્લેટમાંથી નાના છોકરાંઓના અવાજ આવવા લાગ્યા..

‘હેય..આ મારી લોલીપોપ છે, મારી મમ્મીએ અપાવેલી’હળન

‘તું મારો ભાઈ નહી’ નાની ૫-૬ વર્ષની છોકરી જેવા અવાજમાં પ્રષ્નના રેપરમાં ઇમોશનલ બ્લેકમેઈલ વિટાળીને ફેંકાયું.

‘તમે બે ય જણ મને મૂકીને લોલીપોપ ખાઓ છો ને..હું કાકીને જઈને કહી આવ્યો..’ આ વળી એક નવો અવાજ..

હવે હું ચમકી..આ કેટલા ફેમિલી એકસાથે રહેવા આવ્યાં છે આ ઘરમાં..! ત્યાં યાદ આવ્યું કે મેં લગભગ ૨૦-૨૫ માણસો જોયેલા એ બધાં કઈ ભાડૂઆત તો ના જ હોય..મારે અડધી ઉંઘમાં એ સીનને સમજવામાં કંઈક લોચા વાગ્યા ચોકક્સ.

આંખો મસળી, રજાઈમાંથી બહાર નીકળવાની હિંમત ભેગી કરીને પીલોને મોઢા પરથી હટાવીને હું ઉભી થઈ. મોઢું ધોઈને હવે પડદા પાછળની બારીના બદલે દરવાજો ખોલીને ગેલેરીમાં જઈને જ એ ઘર તરફ જોવાનો નિર્ણય લીધો અને કડકડતી ઠંડીમાં ગેલેરીમાં જઈને ઉભા રહીને પાલન કર્યું.  ઉતાવળમાં સ્લીપર્સ પહેરવાના ભૂલી ગયેલી તો કાલના માવઠાની અસરમાં આવી ગયેલી ગેલેરીની ટાઇલ્સ પર પગ મૂકતાં જ એક ઠંડું લખલખું શરીરમાંથી પસાર થઈ ગયું.. નીચે એક મસમોટું આશ્ચર્ય મોઢું ફાડીને ઉભેલું જોવા મળ્યું.

ખાલી ઘરની રોડ સાઈડ પડતી ગેલેરીમાં ઠેર ઠેર શેતરંજી પથરાયેલી હતી, ઉપર તકિયા અને કવર થોડા થોડા અંતરે ગોઠવાયેલા, એક બાજુ ગરમ ધાબળાની થપ્પી કરેલી હતી, બારણાની પાસે એક મોટા લોખંડના તગારામાં ચા પીને કરાયેલ કપ – રકાબી અને ફાફડા -ગાંઠીયાની ઉજાણીની ચાડી ખાતા મરચા અને કાચા પપૈયાની છીણની ડીશોનો ખડકલો હતો. બાજુમાં ગોળાકારે બેઠેલા ૬-૭ પુરુષો નજરે પડયાં. આ ટોળું વળીને શું કરતા હશે..સવાર સવારમાં ચાની સાથે પત્તાની મહેફિલ જમાવી હશે કે શું..? આંખો ઝીણી કરીને જોતાં ખ્યાલ આવ્યું કે એક્ ભાઈ એમનો બેલ્ટ લઈને બેઠેલા અને બાકીના એના પર કંઈક સંશોધન કરી રહેલા…એવું તો શું હશે એ રેક્ઝીનના સાદા એવા બેલ્ટમાં..પંચાતિયા મગજે બહુ વિચાર્યુ પણ એનો કોઇ સંતોષજનક ઉત્તર ના મળ્યો.. ત્યાં તો એ ઘરની બીજી અંદરની બાજુ પડતી ગેલેરીમાં નજર પડી તો ત્યાં ૫-૭ સ્ત્રીઓ નજરે પડી. એકના વાળ હમણાં જ ધોઈને બહાર આવેલી એ સ્પષ્ટ દેખાતું હતું..અટલી ઠંડીમાં વાળ ધોવાની કલ્પનાથી જ મને અચાનક વધારે ઠંડી લાગવા માંડી. થોડી બેનો કિંમતી સાડીમાં ફરતી હતી અને બીજી ઘરેણાં પહેરીને તૈયાર થતી હતી. બીજી બે બેન વાતો કરતી હતી એમાંથી એક બેન સતત અંદરના રુમમાં એની નજર ફેરવતી ધીમે ધીમે બોલતી હતી ..કદાચ અંદર રહેલી કોઇ વ્યક્તિની કૂથલીની મજા માણી રહી હશે..એક માજી હાથમાં ખાલી ‘મરુન ડિઝાઈનનું ક્રીમ ‘કલરનું કવર લઈને એમના દીકરા જેવડા છોકરા જોડે ઉભા ઉભા કંઇક મોટી અવઢવમાં પડેલા દેખાતા હતા – દીકરાના હાથમાં પર્સ હતું એ જોઇને મને લાગ્યું કે કદાચ કવરમાં મૂકવાની રકમ નક્કી થઈ રહી હશે..બધી અટક્ળોવાળા પ્રસંગોના ટુકડાં જોડતાં એમાં મને કોઇ શુભ પ્રસંગની એંધાણીઓ વર્તાઈ.

આપણા ભારત દેશમાં ધાર્મિક પ્રસંગોએ રાતના ૩ વાગે પણ જોર જોરથી ઢોલ પીટવા પર પાબંદી નથી. ધર્મના નામે બધું ય ચાલે..ના ચાલે તો ય કોઇની એની સામે ચૂં કે ચા કરવાની હિંમત ના થાય.થોડી બારીકાઈથી આજુબાજુના ઘરોનું ઓબઝર્વેશન કરતાં ધ્યાન પડ્યું કે ડાબી બાજુનો ચોથા માળનો ફ્લેટ પણ આવી જ તૈયારીઓથી ધમધમી રહેલો.ત્યાં તો મારા કર્ણપટલ પર જાણીતા  શબ્દો અથડાયા,

‘નાણાવટી રે સાજન બેઠું માંડવે..’

ઓહ…આ તો કોઇના લગ્ન લાગે છે..પણ કાલે તો કોઇ ચહલ પહલ નહતી અને આજે એકાએક આ બધું..? સસ્પેન્સના વમળોમાં ઘુમરીઓ ખાતી ખાતી હું હવે કડક મજાની ચાના ડોઝ વગર વધારે કંઈ નહી વિચારી શકું એવી પાકી ખાતરી થતાં બ્રશ કરીને ચા મૂકીને પેપર લઈને બેઠી. બહુ વખત પછી મારા ઘરમાં રવિવારે ૭ વાગ્યામાં ચાની સુગંધી ફેલાઈ. ત્યાં તો પતિદેવ ઉઠ્યા અને મારી પાસે આવીને બેઠા..મારા હાથમાંથી પેપર લઈને એમાંથી વચ્ચેના પાના એમણે લઈ લીધા ઃ’તું તારે વાંચ પેપર શાંતિથી…હું પછી વાંચીશ..આ તો જરા વચ્ચેના પાના પર નજર ફેરવી લઉં..’

સામે જવાબ આપવા જવાની ઇચ્છાને તીવ્રપણે રોકીને એમની સામે જોયું..આંખોને આંખોમાં જ ઓલમોસ્ટ બધી વાત પતી ગઈ .

કહેવાતું હાથમાં આવેલું છાપું વાંચીને એક મોટું બગાસું ખાઈને પતિદેવ ઉવાચઃ

‘સ્નેહા..તને ખબર છે..આપણી સામે ચોથા માળે પેલી લબ્ધી રહેતી હતી ને…૧૮-૧૯ વર્ષની છોકરી..?’

‘હા..તો એનું શું ..’

‘આજે એના લગ્ન છે..એણે જાતે કોઇ છોકરો પસંદ કરી લીધેલો અને એના ઘરના માનતા નહતા… કાલે રાતે એનાઘરમાં મોડે સુધી ચર્ચાઓ ચાલેલી..અને આજે એકાએક એના લગ્ન લેવાનો નિર્ણય લેવાઇ ગયો..’

ઓહ..તો વાત એમ હતી.બધી સમસ્યાઓની ગુથ્થી સુલઝી ગઈ અને સસ્પેન્સમાં અટવાતા મારા પંચાતિયા મગજને થોડી રાહત મળી. શરીરે થોડી(!) હેવી કહી શકાય એવા- સ્વભાવ -સ્ટાઈલમાં બિલ્કુલ ગામડીયણ નમૂનાને સહન કરવાની તાકાત કયા માઈના લાલમાં ભગવાને મૂકી હશે..મનોમન મારાથી એ વધેરાઈ જનારા, વણદેખેલ ‘લાલ’ની દયા ખવાઈ ગઈ.

‘લાલજીને ગમે એ રાણી’

આપણે એમાં શું કરી શકવાના હતા અને કોઇ ‘ રાણી’ નું ભલુ થતું હોય તો આપણે દોઢડહાપણ પણ શું કામ કરવું જોઇએ. ભગવાન બે યને સુખી રાખે !

-સ્નેહા પટેલ.

‘હા…ક…છી…!’


Snap2

Gujarat guardian paper > ટેક ઈટ ઈઝી – લેખ નંબર -૨૭

http://www.gujaratguardian.in/E-Paper/01-20-2013Suppliment/index.html

વર્ષના આ છેલ્લા મહિનામાં વહેલી સવારે એકાએક જ મારા નાસિકાયુગ્મમાંથી ‘સી…અ….સ….સી…અ…સ…ટપ..ટપ..ટપાક’  કરતાં જલકણ મંદ ગતિએ ગરવા માંડ્યા. આમ તો છેલ્લાં પંદરે’ક દિવસથી શહેરમાં ચારેબાજુ આ ‘કોમન કોલ્ડ’ જેવી વ્યાધિનો ત્રાસ હતો. પણ હું મારી ‘ઇમ્યુનીટી સિસ્ટમ’ પર ગર્વ કરતી કરતી મારી ચારે બાજુના લોકો એમના નાકને રુમાલથી ફરજીયાત કવર કરવું પડે એવી સ્થિતીમાં મૂકાઈ ગયેલા એમની દયા ખાતી હતી. અભિમાન તો રાજા રાવણનું ય નહોતું ટ્ક્યું.એ જીવતો હોત તો આજે કદાચ એ પણ એના દસે દસ નાકને એના વીસ હાથ વડે રુમાલથી લૂછ્તો હોત, એના દસ માથાને વિકસ લગાવતો હોત અને દસ માથા માટે દસ તપેલીઓ ભેગી કરીને ગરમ પાણીનો નાસ લેતો હોત. મને એક વિચાર એમ પણ આવી ગયો કે એ રાવણભાઈને નાસ લેવો હોય તો દસ સગડીવાળો ગેસ બનાવડાવત કે બે બર્નરવાળા ગેસની સગડી પર પાંચ પાંચ તપેલીઓ વારાફરતી ગરમ કરત…વળી વારાફરતીમાં તો અત્યારે છે એવી ઠંડી છે એવી ઠંડી હોય તો તો છેલ્લી પંગતનો વારો આવતા આવતા તો પહેલી પેરની બે તપેલીઓનું પાણી તો ઠંડુ થઈ ગયું હોત..પછી રાવણ આ  પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા એક સ્પેશિયલ મંત્રીમંડળની મીટીંગ બોલાવત અને આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી આપનારને  જોરદાર ઇનામ જાહેર કરત..ત્યાં તો ‘પર્ણોથીય વાદળકણૉ ટપ ટપ ગરે’ જેવા મારા નાકની હાલતે મને રાવણ-પંચાતમાંથી બહાર આવવાને મજબૂર કરી દીધી.

કડકડતી ઠંડીમાં મારા નીચલા જડબાએ જાણે ઉપરના જડબા જોડે અબોલા લઈ લીધેલા..કેમે કરીને એ બેનો મિલાપ થતો નહતો. એમના અબોલા કેમના છોડાવવા એના વિશે એમના પાડોશી જેવા મારા દાંત અંદરો અંદર ચર્ચા વિચારણા કરતા હોય એમ કકડ કકડ કરતા હતા. અંગે અંગ પર એ ચિબાવલી શરદીએ પોતાની બિહામણી જાળ પાથરી હતી અને એ માયાજાળના પ્રતાપે જોડ્જોડ તૂટતું હતું..દુઃખતું હતું. મારા ગુમાની શરીરે પણ એની સામે બળવો પોકારવામાં બધી તાકાત વાપરી કાઢી હતી અને એ લડાઈના પરિણામરુપે ગુસ્સાથી એ પણ ગરમ લાહ્ય થઈ ગયું હતું. પથારીમાંથી ઉભી થવા ગઈ તો ગરમ લાહ્ય જેવા શરીરના પગ સાવ પાણી પાણી. નાકમાં ગલીપચી થતી હતી. ગલીપચી એટલે લોકોને હસાવવા માટે થતી એક ક્રિયા એવા સામાન્ય જ્ઞાનને આજે આ ગલીપચી ખોટી ઠેરવતી હતી અને નાકમાં કઈ જગ્યાએ કઈ ક્રિયા કરવી તો આ અકળામણ, મીઠી ચળ મારો પીછો છોડે એ નક્કી નહતી કરી શકતી.ત્યાં તો મોબાઈલ રણક્યો.

સવાર સવારમાં આ કોણ નવરું પડી ગયું..મોબાઈલ હાથમાં લીધો અને ખ્યાલ આવ્યો કે મારી સવાર પડતાં આજે ૯.૩૦ થઈ ગયેલી.

ગ્રીન બટન દબાવ્યું

‘હલો..’

અને હું ચમકી…આ મારા ગળામાંથી આટલો આર્દ્ર અને ભીનો-ભીનો અવાજ કોનો નીકળ્યો ! મારા ગળાનું અપહરણ થઈ ગયેલું. કોઇ આસુરી શક્તિ એના પર કબ્જો જમાવીને બેસી ગયેલી અને મારું ગળું દબાવી દબાવીને મારો અવાજ જાડો કરી કાઢ્યો હતો.કોઇ અજાણ્યો જણ સાંભળે તો હું સવાર -સવારના જ કાં’ક પી-બી ને બેઠી હોઇશ એવું ધારી લે. અડધી જાગુ ને અડધી ઉંધુ જેવી હાલતમાં મગજ પૂરેપૂરી ક્ષમતાથી કાર્ય નહતું કરી શકતું..એને એક ગરમ – આદુ ફુદીનાની ચાનો કડક ડોઝ જોઇતો હતો. મોબાઇલમાં રોંગ નંબર હતો એટલે ફટાફટ એને કટ કરી બાજુમાં મૂકી મક્ક્મ નિર્ધાર કરીને રસોડામાં ગઈ અને ઢગલો આદુ -ફુદીનો નાંખીને ચા બનાવવા મૂકી. ત્યાં તો બહાર પેસેજમાંથી બૂમ સંભળાઈ,

‘ભા…ભી…’

અને હું ચમકી. આ ‘ભાભી’ વિશેષણ ખરેખર કયા ‘ભાભી’ માટે વપરાયું હશે ? ભાભી વિશેષણ જોડે ભાભીનું નામ જોડી દેવાયું હોય તો મારા મગજને બહુ વિચારવાની તસ્દી ના લેવી પડત પણ આ વિશેષણે શરદી જેવા મહાન રોગમાં પણ વિચારવંતુ કરી દીધું. આમ તો થોડા ઘણા યોગના અભ્યાસથી હું એટલું તો સમજી શકી હતી કે આપણી બે નાડી હોય છે એક પિંગળા અને બીજી ઈડા અને કાયમ એમાંથી એક જ નાડી કાર્યવંતિ હોય છે પણ શરદીમાં તો બેય નાડી બંધ થઈ જાય એટલે ગરમપાણીની વરાળનો નાસ લેવો પડે અને મહામહેનત કરીને એકાદ નાડી ચાલુ કરવાના મહાન પ્રયત્નો કરવા પડે. એટલે મારો વિચાર ચા મૂકીને બાજુમાં એ મહાઅભિયાન હાથ પર ધરવાનો હતો પણ એ ઓઝોનમાં આ ‘ભાભી’ની બૂમે મોટુંમસ ગાબડું પાડી દીધું હતું.ડ્રોઅરમાંથી વિકસ ઇન્હેલર શોધીને  સૂંઘતા સૂંઘતા ‘એ બૂમ મારા માટે તો નથી ?’ ને એ વિચારતા વિચારતા દરવાજો ખોલીને બૂમ સંભળાયેલી એ દિશામાં નજર દોડાવી.

નીચે સફેદ ઝગારા મારતી સફેદીવાળી પાઘડી બાંધેલ અને ઝભ્ભો અને ધોતિયું પહેરેલ  નજરે પડયાં. એક હાથમાં પતરાની બેગ હતી અને બીજા હાથમાં મોબાઈલનું ડબલું. પાઘડી કરતાં લગભગ ૧/૩ ભાગ જેટલો ત્રિકોણાકાર ચહેરા પર એમના કપડાંની સફેદી જોડે હરિફાઈ કરતી સફેદ મોટી મૂછો હતી જે છેડેથી કળાત્મક રીતે વાળેલી હતી, એક કાનમાં મોટામસ ડાયમંડવાળી બુટ્ટી પહેરેલી હતી. ગોળ ગોળ લખોટી જેવી લાલઘૂમ આંખો, આસ્ચ્ર્યજનક રીતે એ ચહેરા પર સહેજ પણ સૂટ નહોતું થતું એવું નાજુક સુરેખ નાક અને સફેદ જથ્થાબંધ દાઢી મૂછવાળા ચહેરા પર વધેલી જગ્યા પર એક મોટો મસ કોફી કલરનો મસો જગાપૂરણી કરતો હતો. આખો ચહેરો ભરચક..!

મેં નીચે જોઈને ઇશારાથી પૂછ્યું…’કોનું કામ છે?’

બે પળ મારી સામે બીજા ગ્રહના પ્રાણીની દ્વિધાથી મને જોઇ રહ્યાં અને પછી એમણે પણ મને ત્રણ આંગળીઓ ઇશારામાં બતાવી. મારી તો નાકમાંથી નીકળતા જલપ્રવાહની અને બેસી ગયેલા સાદની મજબૂરી હતી પણ એમને શું તકલીફ હતી તે આમ ઇશારાથી વાત કરતા હશે..! કદાચ મને બહેરી મૂંગી ધારી લીધી હશે કે શું…? ફટાફટ મેં ઇન્હેલર બાજુમાં હટાવી અને બને એટલા જોરથી પૂછ્યું, ‘કાકા…કોનું કામ છે?’ આટલું બોલતા બોલતા તો મારો મારી શ્વસનક્રિયા પરનો કંટ્રોલ જતો રહ્યો અને મોઢામાંથી છ્વ્વીસ માઈલની ઝડપે એક છીંક બહાર ધકેલાઈ ગઈ.. મારા હાથમાંથી ઇન્હેલર છ્ટકીને સીધું એ કાકાના માથા પર જઈને એમની પાઘડીમાં સંતાઈ ગયું.

હવે કાકા થોડા બાઘા બનીને માથા પર હાથ ફેરવવા લાગ્યાં..આ મારું બેટું મારા માથામાં કયો બોમ્બ આવીને ઠોકાણો?  એ કોઇ અણુબોમ્બ નહતો પણ એવા જ વિસ્ફોટ્વાળો મારો શરદીના વાયરસનો બોમ્બ હતો એ એમને સમજાવવાની મને કોઇ જ ઇચ્છા સવાર સવારમાં તો નહોતી જ.

‘એ બુન, મારે સવિતાબેનનું કામ છે…એમના ગામનો ભાઈ થાઊં..મારી પાસે એમના ઘરનો નંબર નથી…તમે એમના વિશે કાંઈ જાણો છો કે ?’

અચ્છા, આ તો પેલા  બીજામાળ વાળા સવિતાબેનની વાત કરતા હતા.

‘જુઓ ભાઈ એ બીજા માળે ૨૦૨ નંબરના ફ્લેટમાં રહે છે. લિફટમાં જઈને ૨ નંબરનું બટન દબાવજો અને બહાર નીકળીને ડાબી બાજુથી બીજા નંબરનું ઘર છે..એમના બારણે ચકલી અને પોપટનું લાલ -લીલા રંગનું તોરણ લટકે છે…દ્રવાજાની જમણી બાજુ વાંસનું ચપ્પ્લ મૂકવાનું સ્ટેન્ડ છે પણ ચપ્પલો તો નીચે જ પડી હશે એ લોકો ચપ્પ્લના સ્ટેન્ડને એકદમ ્ચોખ્ખું રાખવામાં જ માને છે…ડાબી બાજુ એક તુલસીનો છોડ છે જેમાં ૧૭-૧૮ પાંદડાવાળૉ તુલસીનો છોડ હમણાં જ વાવ્યો છે અને એમના દરવાજા પર કેસરી કલરનું પગલૂછ્ણિયું છે જેના પર વિશાળ જડબા ફાડેલ વાઘનું ચિત્ર છે…’

સવાર સવારમાં શરદીથી હેરાન પરેશાન એવી મને વધુ હેરાન કરનાર કાકાને સવિતાબેનની મસમોટી ઓળખાણ આપીને એ ભાષણની એમની પર શું અસર થઈ એ જોયા વગર જ બારણું બંધ કરીને અંદર આવી ગઈ અને મનોમન એક નિર્દોષ બદલો વાળી દીધાનો સંતોષ માણી લીધો. અંદર આવીને જોયું તો મારી ચાએ એની ઉકળવાની ક્ષમતાથી વધુ ઉકાળતા ધૈર્ય ગુમાવીને તપેલીમામ્થી બહાર નીકળીને ગેસ પર રેલાઈ ગયેલી. તપેલીના તળિયે એના અવશેષોનું ડાર્ક બ્રાઉન જાડું મલાઈવાળું પડ થઈ ગયેલું…જે થોડીવાર વધુ ગેસ પર રહે તો તપેલીના જન્મોજન્મની સાથીની જેમ ચોંટી જાત અને પછી એને સાફ કરતાં મારા નવના તેર થઈ જાય એટલે ફટાફટ મેં એ ગેસ બંધ કરી બાજુના ગેસ પર પાણીની તપેલીમાં પાણી વિકસ નાંખીને, ગરમ કરી અને માથે ટુવાલ ઢાંકીને  વરાળનો નાસ લીધો. તુલસી, આદુ,ફુદીનાવાળી ચા જેવો જ સહોદરી આનંદ શરદીથી ખળભળતા નસકોરામાં એ વિક્સયુકત વરાળપ્રવેશથી થયો, કુદરતે મફતમાં આપેલ હવા આપણા માટે કેટલી કિંમતી છે એનો અનુભવ કફના પ્રવાહી આવરણે નસકોરા પર જડબેસલાક પહેરો બાંધી દીધો હોય અને જીવ રુંધાતો હોય ત્યારે જ થાય..પરમ શાંતિ…અહાહા…મારી બેય નાડી સાથે જાગ્રુત થઈ ગઈ હતી અને એ સુષુમણા નાડીના ચાલવાથી મને એક અલૌકિક -આદ્યાત્મિક – પરમ શાંતિનો અનુભવ થતો હતો

સુખડું અલ્પ -દુઃખડુ સાગર સમ -2


Snap1

 

Gujarat guardian  paper > ટેક ઈટ ઈઝી – ૨૬. 13-1-2013

http://www.gujaratguardian.in/E-Paper/01-13-2013Suppliment/index.html

તો ગયા રવિવારની મારી કરમ કહાની તરફ આગળ વધીએ મિત્રો..

બીજા દિવસનો સૂર્ય મારા માટે તકલીફોના કાળા ઘનઘોર વાદળો લઈને જ ઉગેલો. વળી ગમે એટલા ઘેરાયા હોઇએ પણ વરસાય નહી –  યેન કેન પ્રકારેણ મગજની સ્થિતી કોઇ પણ સંજોગોમાં કાબૂ બહાર જઈને ગુસ્સામાં હણહણવી ના જ જોઇએ એવી કોઇ જ કરારો વગરની મૂકશરતો તો ખરી જ !

સવારના આઠ વાગ્યામાં ચાંદ જેવા ઉજળા કપડામાં કાળા ડાઘ જેવા વાનની મારી કામવાળી છોકરીએ અધખુલ્લા બારણાંને જોરથી ધક્કો મારીને એની મમ્મી સાથે મારા ઘરમાં પ્રવેશ કર્યોં. હું અને પતિદેવ આદુ-ફુદીનાની કડક મીઠી ચા સાથે છાપુ વાંચવાનો સ્વર્ગીય આનંદ માણતા હતાં એમાં આ ધડાકાએ મારા છ્લોછલ ભરેલ ચા ના કપમાંથી થોડી ચા છ્લકાવી દીધી..બે પળમાં જ મેં મારી જાતને સંતુલિત કરી અને ગુસ્સાને મગજમાંથી છલકાતા રોકી દીધો. મગ ટ્રેમાં પાછો મૂક્યો અને એ બેયને લઈને બાજુના રુમમાં ગઈ જેથી પતિદેવ એમનો ચા – નાસ્તો કોઇ જ વિધ્ન વિના પતાવી શકે.

‘મંજુ, તને ઇલુએ કોઇ વાત કરી’કે ?’

‘હા ભાભી, પણ ચેલ્લાં દહ – દહ વરસથી અમે આ સોસાયટીમાં કોમ કરીએ સ તે અમારી વિરુધમાં યેક પણ વાત જાણવા મળી હોય તો કહો…મેલડી મા ના હમ.. કોઇના ઘરનો એક રુપયો પણ ચ્યારેય આમથી ત્યમ નો કરીએ…એવો અધર્મનો યેક રઉપયો પણ અમને નો પરવડે..તમને તો અમારો આખોય રેકોરડ ખબર્ય જ છ તો પછ કેમ આમ અમારી પૂસપરસ કરવાની..?’

‘મંજુ તને લખતા તો આવડે છે  ?’

‘હા પણ એ મારે બંધ થઈ ગયું છે કારણ હું લખું એ કોઇને સમજમોં જ નહોતુ આવતું તે પછ મેં લખવાનું જ છોડી દીધું..’

‘ઓહ…’આઘાતથી આ બે જ અક્ષર મારા મોઢામાંથી નીકળ્યા. આવો અઘરો કોઠો પાર કરવાનું કામ મારે જ નસીબે કેમ લખાયું ?

‘અરે હા, અમારી બધી બુનને આવા કાગળીયા મલ્યા સે..પણ એ લોકો પાસા ફોટો માંગે સ..તે બુન આ મારી જુવાનજોધ છોડીનો ફોટો પોલીસ ટેશને આપું તો કાલે ઉઠીને એના લગન ચેમના કરી શકાય..?’

એની વાતનો સંદર્ભ સમજતા મને લગભગ બે – ત્રણ મિનીટ થઈ.લોજીક હોય તો કોઇ સમજાવી શકાય પણ આમ લોજીક વગરની વાતમાં મારે શું બોલવું ને શું સમજાવવું એમાં હું ભારે ગૂંચવાણી.

‘જો મંજુ, આમાં કોઇ પોલીસ કેસ ના કહેવાય..આ એક ફોર્માલીટી..મતલબ..મતલબ..’  સવાર સવારના ચા પીધા વગર ફોર્માલીટી જેવો શબ્દ આને કઈ ભાષામાં સમજાવું એ જ નહતું સમજાતું..એટલે મેં ય લારા ચાવવા માંડ્યા.

પેલી બે ય જણી એકધ્યાન થઈને મારા ચહેરાને તાકી રહેલી જાણે મારું કહેલું બધું બરાબર સમજતી હોય એમ.

‘બુન..તમે કહો સો એ સંધુ ય બરોબર્ય…પણ…આમ જુવાન છોડીનો ફોટો ચ્યમનો…?’

‘એક કામ કર મંજુ, તું તારો ફોટો આપી દે તો પણ ચાલશે.’

‘હા એ બરોબર્ય કહો સો…પણ આમ તો અમે ચેટલા ઘરે કામ કરીએ..બધે ફોટા આપવા બેસીએ તો…અને એ પડાવવા જઈએ તો ચેટલા પૈસા…’

હું એની આગળની બધીય વાત સમજી ગઈ. પણ અત્યારે ગરજ મારે હતી.

‘એક કામ કર..આ મારો કેમેરો છે એમાં તારો ફોટો પાડી લઉં અને પછી હું મારી રીતે એની પ્રીન્ટ કઢાવી દઈશ. તું એની ચિંતા ના કર’

મંજુ તો ખુશ ખુશ થઈ ગઈ.

‘બુન..તમારી પેલી ગુલાબી બાંધણીની સાડી આપશો મને પહેરવા…વાત એમ ચે ને કે બહુ વખતથી ફોટા નથ પડાવ્યા…તે…’

‘હા..સારું …સારું…એ પહેરજે અને પછી તું લઈ જજે તને બહુ ગમતી હોય તો..’

‘અને બુન..મને પેલું તમે વાળમાં લાંબા લાંબા મશીનથી કંઈક કરો છો ને..એવું કરી આપશો…’

એનો સંદર્ભ મારા ‘હેર સ્ટ્રેટનર’ વિશે હતો..અને મને આંચકો લાગ્યો..આ વિગતોનું ફોર્મ મારી પાસે હજુ કેટલા ખેલ કરાવશે રામ જાણે..!

મેં તરત મારા કબાટમાંથી એને કપડાં આપીને બદલવા કહ્યું..પતિદેવ આ બધા ડ્રામાથી કંટાળેલા તો મને દૂરથી જ મગજ શાંત રાખીને કામ પતાવી લેજે…ઓલ ધ બેસ્ટ – થમ્સ અપ કરીને વહેલા તૈયાર થઈને ઓફિસે જવા નીકળી ગયા.

એટલામાં તો પેલી તૈયાર થઈને બહાર આવી. મારી પ્રિય ગુલાબી બાંધણીની સાડી પહેરાયા પછી આટલી ગંદી પણ લાગી શકે એ વાત માન્યામાં જ ના આવી. એનું દુઃખ મોઢું હસતું રાખીને ગળા નીચે ઉતાર્યું અને એને થોડા વાળ ભીના કરવાના કહ્યાં. બે મીનીટમાં તો એ આખું માથું ભીનું કરીને મારા ઘરની બધી લાદી પર એની નાજુક પાનીની છાપ પાડતી પાડતી મારી સમક્ષ આવીને ઉભી રહી.મારી સાડીનો છેડો પકડીને શાહજહાં હાથમાં ગુલાબ લઈને સૂંઘતો હોય એમ આંખો બંધ કરીને ઉભી રહી ગઈ. હું અવાચક થઈને એને નિહાળી રહી.આને શું થઈ ગયું..શિયાળામાં માથું ભીનું કરવાથી મગજનો તાવ તો નહી ચડી ગયો હોય ને…છાતીમાં ગભરામણ થવા લાગી ત્યાં તો પેલીએ એની નશાર્ત આંખો અધખુલી કરીને કહ્યું,

‘બુન…આ અત્તર તો બહુ રુપાળું..મને ઉંઘ આવી ગઈ એની ગંધથી…!’

મારા ફેવરીટ વિદેશી પરફ્યુમને ‘ગંધવાળું’ અત્તર કહેનારી આ અણધડ બાઈ પર મને હવે સખત ગુસ્સો આવતો હતો..મગજની નસો બરાબર ખેંચાતી હતી પણ ખેંચાયેલ કમાનમાંથી ગુસ્સાનું તીર છોડવાનું પોષાય એમ નહતું એ બરાબર જાણતી હતી. મન તો થયું કે આવા નમૂનાઓના લીધે જ ‘સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ’ જેવી કહેવતો અસ્તિત્વમાં આવી હશે..એક વાર તો મન થયું કે આની પાનીનો ભાગ ઉપર રાખીને ખાલી યાને મગજનો ભાગ નીચેની તરફ રાખવાની ક્રિયા યાને શિર્ષાસન કરાવી દઉં..વળતી પળે એક ખતરનાક આશંકા મગજમાં ઉદભવી ઃ’આની પાનીમાં પણ અક્કલ હશે કે ?’

‘બેન..તમે પેલું સોનાક્ષી સિન્હાનું ગીત જોયું છ ને..ઈમાં એના વાળ્ય કેવા સીધ્ધા ને સટ્ટ ચમકતા હોય સ..મને એવી વાળની હેર-ઈસ્ટાઈલ કરી આપજો હોં’કે..!

‘ઓકે’

એક માહિતીપત્રકે મને એક બ્યુટીશીયન બનાવી દીધી અને એ પણ મારી કામવાળીની -એ પણ મફતિયા…સાચ્ચે…એક સરખા દિવસો કોઇના કદી જાતા નથી !  આજના કળયુગમાં કોઇની પણ સાથે કંઈ પણ થઈ શકે છે.અડધા કલાકની શારિરીક અને માનસિક મહેનતના અંતે હું એ ડામરના પીપડાને મારા કેમેરામાં થોડી ઘણી સમાવી શકું એટલી તૈયાર કરી શકી. વચ્ચે વચ્ચે એના રાજાશાહી ફરમાનો છુટતા જતા હતા જેના તરફ મેં સદંતર દુર્લક્ષ જ સેવ્યું હતું.

એ પછી ફટાફટ મેં એના એક સાથે ત્રણ ફ્રી જેવા ફોટા ક્લીક કર્યા..છેલ્લે એણે એની દીકરી સાથે ફોટો પડાવવાનું વધારાનું ડીસ્કાઉન્ટ માંગ્યુ, એ પણ આપ્યું અને ‘ફોર્મ સાંજે ભરાવીને યાદ રાખીને લેતી આવજે’ ની શિખામણ બરાબરની રટાવી રટાવીને વિદાય કર્યાં.

સાંજે ઇલુ ને ખાલી હાથે આવેલી જોઇને મને એટેક આવતા આવતા રહી ગયો..હવે આને શું થયું પાછું..?

‘ભાભી..મમ્મીએ તપાસ કરી તો બીજી કોઇ બેનોએ એમના ફોટા અને ફોરમ નથી આપ્યાં..એ લોકો આપશે પશે જ અમે આપીશું.એમ અમારા એકલાના ફોટા અને ફોરમ થાણામાં જમા કરાવીને ચ્યોં ફાયદો..?અને હા, મમ્મીએ પેલા ફોટા મંગાવ્યા સે..તે પસે યાદ રાખીને આપજો ને…’

આને સમજાવવાની મારી બધી તાકાત ખતમ થઈ ગઈ હતી. હમણાં સુધી તો પોલીસ ચૂંટણીમાં બીઝી હતી પણ હવે જેવી ફ્રી થશે અને આ માહિતીના ફોર્મની વાત યાદ આવશે તો શું થશે..? સામેની બિલ્ડીંગમાં તો એક જણને આ જ વાત માતે એક રાત માટે જેલભેગો કરી દીધેલો..ક્યાંક અમારે પણ…આગળની સ્થિતી વિચારતા મારા રુંવાડા ઉભા થઈ ગયા. બધું ભગવાનને ભરોસે..એ જેમ રાખે એમ રહીશુ બીજું શું…!

-સ્નેહા પટેલ.

સુખડું અલ્પ ને દુઃખ સાગર સમું…


Gujarat guardian paper > Take it easy – 25.

http://www.gujaratguardian.in/E-Paper/01-06-2013Suppliment/index.html

Snap1


‘જાગીને જોઉં તો

જગત દીસે નહીં

ઊંઘમાં અટપટા

ભોગ ભાસે..’

 

નરસિંહ મહેતાએ આ કયા મૂડમાં લખ્યું હશે એની તો મને જાણ નથી..પણ મને આનો આજે જાગી ત્યારથી બરાબર અનુભવ થતો હતો. વાત એમ હતી કે અમારા એરીયામાં  એકલા રહેતા વૃધ્ધ ધનવાન  કપલોને મારીને એમના ઘરમાં ચોરી કરીને ભાગી જનારા ઘરઘાટીઓનો ત્રાસ તો પહેલેથી જ હતો. પણ આજકાલ ‘જન્મીને તરત બાળપણ વિના સીધી મદમસ્ત જુવાનીમાં પહોંચી જતી મોંઘવારી’એ માણસોની હાલત એટલી ખરાબ કરી નાંખી હતી કે દરેક માણસ પોતાનું માનવપણું ભૂલવા લાગ્યો હતો..પહેલાં જીવતા રહેવા દો..! જીવન જરુરિયારતો પૂરી થશે અને જીવીશું તો ‘માનવી માનવ બને તો ય ઘણું’ થઈ શકશે.  બાકી ભૂખ્યા પેટે, ફાટેલા લુગડે અને તૂટતા ડિલ સાથે ફિલોસોફી કે કવિતા કોઇ રંગ આપણી પર ના ચઢી શકે. સમજુ, બિન-ઉપદ્રવી અને માણસો (!)ની કેટેગરીમાં માનવીઓ પણ આજકાલની મોંઘવારીમાં પોતાના મગજ અને અદવિચારો પરનો કંટ્રોલ ખોઇને પૈસા કમાવવાના બદલે મેળવવાના બને એટલા નવા નવા માર્ગો અપનાવતા થઈ ગયેલા. હવે માણસોની આ હાલત હોય તો જે પહેલેથી જ જડસુ ,જનાવરોની કક્ષામાં મૂકાતા હોય એવા ઘરઘાટીઓ કે કામવાળાઓની તો વાત જ શું કરવી..એમની પાસેથી ચારઆનાની અકક્લની અપેક્ષા રખાતી, એ ય હવે તો  અપેક્ષાનો વાડો કુદાવી ગયેલી. પરિણામે રોજ બરોજ છાપાઓમાં ઘરઘાટી દ્વારા એના માલિકની હત્યાના સમાચાર નજરે ચડતા જ સવાર સવારમાં મારી સ્ટ્રોંગ અને મીઠી ચા બ્લેક કોફી જેવી બની જતી.

આજે પણ એવો જ એક કિસ્સો ધ્યાન દોરી રહેલો ત્યાં તો મારા ઘરના દરવાજાની નીચેથી સરરર..કરતું એક ફરફરીયું ઘરમાં પ્રવેશ્યું. એ સ્વછંદી કાગળને બે પળ તો આવકારવાનું મન ના થયું…હશે..જે હશે એ..પછી નિરાંતે એને હાથમાં લઊં..પણ પવનમાં એનો ધીમોધીમો ફડફડાટ મને સતત એના તરફ આકર્ષી રહેલો…નાછૂટકે બધી આળસને ત્યજી મેં એને હાથમાં લીધું..એમાં જે લખેલું એ વાંચીને મારી બધી નિરાંતનો નશો છુ….ઉ…ઉ..થઈ ગયો.

એ એક ફોર્મ હતું જેમાં દરેક ઘરમાલિકે એના ઘરમાં કામ કરવા આવતા દરેક નોકરોની એમાં પૂરતી માહિતી અને એનો ફોટોગ્રાફ આપવાનો હતો અને બે દિવસમાં નજીકના પોલીસસ્ટેશનમાં એ વિગતોવાળું ફોર્મ જમા કરાવી દેવાનું હતું.

અત્યારની સ્થિતી પ્રમાણે આ પગલું અત્યંત આવશ્યક હતું પણ એ કાર્ય દેખાય એટલું સરળ ક્યાં હ્તું..નવના તેર થઈ જવાના હતા, ચોકકસ..!

 

ફરજીયાતપણે – ચોકકસ સમયાવધિમાં પૂર્ણ કરવાના કાનૂની કાર્યમાં મારી આળસ કે બીજા કામોની પ્રાયોરીટીને કોઇ અવકાશ નહતો. મારે ત્યાં આવતી ‘ઇલુ’ (આ મેં એનું કોઇ લાડનું નામ નથી પાડ્યું..એનું નામ જ ઇલુ છે. પણ મને એની ઉદભવકથામાં કોઇ રસ નહતો એટલે એ નામ વિશે મેં ઝાઝી ખણખોદ કરીને મારો અમૂલ્ય સમય એની પાછળ ક્યારેય નહતો બગાડ્યો..) એનો  ગિફ્ટમાં મળેલ નવો નવો ગ્રીન ડ્રેસ ચડાવીને લટક મટક કરતી પધારી. થોડા લાડભર્યા અવાજે મોટેથી સાદ પાડ્યો,

‘ભા….ભી…’ હું સામે જ ઉભી હતી એવું એને સમજાવવાનો કોઇ મતલબ નહતો…ચારઆનામાંથી આને ભગવાને એક આનો આપેલો એ પણ વચ્ચે મોટા કાણા સાથે..હું જે પણ બોલું એ બધું ય પેલા કાણાંમાંથી નીકળી જવાનું..એટલે મેં સામે એકદમ ધીમા અવાજે કહ્યું,

‘બોલ..!’  ( સામેવાળો બરાડતો હોય અને આપણે ધીમા અવાજે પ્રત્યુત્તર આપીએ તો એને પોતાના બૂમબરાડાનું ધ્યાન આવે પણ આ કેસમાં તો મેં એવી કોઇ જ આશા નહોતી રાખી.મારુ મગજ શાંત રહે અને એ મારું કામ શાંતિથી પતાવીને જાય એટલી જ આશા.) આજે તો એક વધારાનું કામ પણ કરાવવાનું હતું એનું ટેન્શન મારા માથે ગોળ ગોળ ચકરાવા લેતું હતું.

‘આ જુઓ, નવો ડ્રેસ…આને પેલું…શું કહે બળ્યું…પતિ…પતી..’

‘આને પતીયાલા કહેવાય ‘

‘અરે હા એ જ..મારી મા બહુ ગુસ્સે થાય આવું  નાનુ નાનું ટોપ પહેરીએ ને તો અને આ પહોળો પહોળો લેંઘો જોઇને મારો નાનો ભાઈ મારી હામે દાંત કાઢતો હતો કે આ શું ભરવાડોની ચોયણી જેવું પહેર્યું ચે તેં..પણ મેં તો એ કો….ઇ..ની ય વાત કાને જ ના ધરી..આ નવી નવી ફેશન છે તે લો અમને મન નો થાય આવુ બધું…તેં પહેરી લીધું..બધા ય કહે ઇલુ તું તો બહુ રુપાળી લાગે છે આમાં…તે..હેં ભાભી તમે કહો ને..કેવી લાગું છુ..?’અને પછી એનું ડોકું જમણીબાજુ ખભાને દબાવી અને ડાબેથી જમણે અર્ધવર્તુળાકારે ઘુમાવ્યું. હવે ટેવાઈ ગયેલી એટલે સમજાઈ ગયું કે આ એની લાડની, શરમાવાની સ્ટાઇલ છે એટલે આઘાત ના લાગ્યો.

દિવસે પણ સફેદ કપડાં પહેરે ત્યારે માંડ દેખાય એવા એના પાકા કાળા કલર ઉપર આ ડાર્ક ગ્રીન ડ્રેસ જોઇ મને લીલા -પીળા પટ્ટા સાથેની અમદાવાદની ઓટોરિક્ષા યાદ આવી ગઈ.

પણ ઉદારદિલે મનને ટપાર્યું..’અંધને અંધ ના કહીએ કદી..’

આમાં મારે કોઇ જ સૌંદર્યપારખુ બનીને જજ નહતું થવાનું…

‘સરસ લાગે છે’

નો દર વખતે બોલાતો એકનો એક ડાયલોગ જ ઘસડી મારવાનો હતો ને મેં એ ફરજ પતાવી દીધી અને ધીરે રહીને મારા કામનો મમરો મૂક્યો ઃ

‘ઇલુ…હું શું કહેતી હતી કે આ એક ફોર્મ આવ્યું છે. એમાં તારા વિશેની બધી વિગત..મતલબ..તારા ઘરનું એડ્રેસ, કેટલા સમયથી તું અહીંઆ રહે છે, તારું ગામ ક્યું જેવી બધી વાત સાથે તારો અત્યારનો એક ફોટો આપવાનો છે…અને મારે એને બને એટલી જલ્દીથી પોલીસ સ્ટેશનમાં પહોંચાડવાનું છે’

‘પોલીસ-સ્ટેશન…હાય રામ..તેં બુન મેં એવું ક્યાં કંઈ કર્યું છે તે મારો ફોટો ત્યાં આપવાનો..’

પત્યું..મારી કવાયત ચાલુ..

‘અરે, આ તો એક ફોર્માલીટી ્છે, બધાંય કામવાળાઓ પાસેથી આ વિગત લેવાશે. ‘ મેં મગજ પર પૂરતો કંટ્રોલ રાખીને બને એટલી સરળ ભાષામાં એને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોડી ઘણી વાત એના ભેજામાં ઉતરી…વળી એની બીજી બહેનપણીઓને પણ આવો અનુભવ થયેલો એટલે થોડી ઘણી વાત એની સમજ મુજબ ખ્યાલમાં હતી.

‘તે બુન..મારી ઉંમર તો મને નથી ખબર…કદાચ સોળ – બાર વર્ષ હશે..!’

ચાર ચાર વર્ષનો ભેદ ઉકેલવામાં મને કોઇ ગાજર ખાતો કરમચંદ જાસૂસ કે કીટી મદદરુપ નહતા થવાના.

‘તારો ભાઈ તારાથી મોટો છે ને..’

‘હા..’

‘એ કયા ધોરણમાં ભણે છે ?’

‘એ તો…આ આપણા અક્ષતભાઈ જેવડો જ..અક્ષતભાઇ ક્યા ધોરણમાં ભણે..?’

‘આઠમામાં’

‘બસ તો એ પણ દસમામાં જ છે !’ હાથની મુઠ્ઠી ભીડાઈ ગઈ..કંટ્રોલ !

‘તું કેટલા વર્ષ નાની એનાથી..?’

‘મને બહુ ખ્યાલ નથી એવો બધો..પણ લગભગ ત્રણ ચાર વર્ષ હોઇશ..’

મનોમન હિસાબ લગાવ્યો..લગભગ બાર – તેર વર્ષ થાય…પણ એ કોઇ પણ સંજોગોમાં એટલી નહતી લાગતી.

‘ઇલુ..મને લાગે કે તું સોળ વર્ષની ઉપરની હોવી જોઇએ.’

‘હોવ રે..તે એટલા તો હશે જ ને મને…શું તમે ય તે..જોકે આ આપણા અક્ષતભાઇ કરતાં નાની..એ તો જુઓ ને તમારાથી ય બેં વેંત ઉંચા છે. અરે હા..મારો નાનો ભાઈ છે એની ઉંમર લગભગ પંદર -સોળ વર્ષની હશે..તમને ખબર..મને અને મારા ભાઈને એક સાથે તાવ આવેલો ને તો હંગાથે હોસ્પિટલમાં દાખલ કરેલા. એ મોટ્ટા મોટ્ટા અંજેક્શનો ઠોકે..એની ને મારી દવા પણ સરખી..હું તો પછી છે ને દવા જીભ નીચે સંતાડી રાખું..અને પાણી પી જતી. બધા જતા રહે પછી મોઢામાંથી કાઢીને બારી મંઈથી બા’ર ફેંકી દેતી..પછી તો અમારી બાજુના પલંગ પર  ‘માસી’ આવેલા..બોલો..!’

આઘાતમાં મારાથી બોલાઈ ગયું..’તારા માસીને પણ તાવ આવેલો કે..?’

અને એ ખડખડાટ હસી પડી.’શું ભાભી તમે ય..માસી એટલે જ હમજતા નથ..માસી એટલે કે..’

અને મને એકદમ એનો સંદર્ભ ખ્યાલ આવ્યો

‘ઓહ ..ઓકે..ઓકે..’

‘તે પછ..અમે તો રુમ બદલાવી કાઢ્યો…એમ માસીઓ જોડે ચ્યમનું ફાવે હે..?’

‘હા ના જ ફાવે..’

મને થયું કે હવે આને વધારે પૂછ પરછ કરીશ તો હું કદાચ મારા દીકરાની ઉંમર ભૂલી જઈશ.

 

‘શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી,

સુખડું અલ્પને

દુઃખ સાગર સમું…’

 

રમ્યા વગર જ હાર માની બેઠેલા યોધ્ધાની પેઠે મેં એને કહ્યું,

‘તું અત્યારે કામ પતાવ..અને સાંજે તારી મમ્મી કે પપ્પાને લઈને આવજે. હું એમની જોડે વાત કરી લઈશ..’

‘એ હારું બુન…’

 

-વધુ આવતા અંકે.

-સ્નેહા પટેલ

સા…રે…ગ…મ…પ..ધ…ની..સા..!


Snap1

ટેક ઈટ ઇઝી – લેખ નંબર – ૨૪.

http://www.gujaratguardian.in/E-Paper/12-30-2012Suppliment/index.html

સંગીત વિશે મને બહુ ખાસ કંઇ જાણકારી નથી પણ સંગીત સાંભળવું મને બહુ ગમે. જો કે એમાં મારા ‘મૂડ સ્વીંગસ’ આગળ પડતો ભાગ ભજવે.જેવો મૂડ એવું મ્યુઝિક..અમુક વખત લાઈટ, રોમેન્ટીક તો અમુક વખતે ધમાલિયું..અમુક વખતે સુગમ તો અમુક વખતે શાસ્ત્રીય સંગીત સાંભળવાના દોરા પણ પડી જાય.  ‘સમ્યક પ્રકારેણ ગીયતે ઈતિ સંગીત’ એટલે કે ઉત્ત્મ રીતે ગાવું એ સંગીત..કે કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમાં કહેલું કે ‘ગીતં, વાધં નર્તન ચ ત્રયં સંગીતમુચ્યતે’  ગીત, વાજિંત્ર અને નૃત્ય એ ત્રણેય મળીને ‘સંગીત’ કહેવાય’ એવી બધી  ઉચ્ચ કક્ષાની અપેક્ષાઓ મને ખાસ કંઈ પજવે નહીં. સુગમ સંગીતમાં આપણી થોડી ઘણી ય ચાંચ ડૂબે – ખબર પડે કોઇ ગાયક મારું બહુ ગમતું ગીત ગાય કે જે મેં કાનમાં આઈપોડના ડટ્ટાઓ મારીને ધ્યાનથી સાંભળેલા હોય તો હું તરત કહી શકું કે ફલાણાએ આ  લય કે તાલમાં કોઇ ફેરફાર કર્યો કે ભૂલ કરી..પણ શાસ્ત્રીય સંગીતમાં રાગની બહુ ઓછી જાણકારી ધરાવતી હોવાથી નાછૂટકે ‘જ્ઞાતા’ના બદલે ફકત ‘ભાવક’ બની રહેવાનું જ  મારા ભાગે આવે. જો કે મારા મતે તો જે  મારા દિલના દ્વારને એક્ધારી આનંદભરી રીધમમાં ટકોરા મારે અને હું એના નશામાં ‘ડીપ બ્રીથીંગ’ સાથે તણાવરહીત હાલતનો અનુભવ કરી શકુ એ સાચું સંગીત.
આમે મારું એવું માનવું છે કે (મારી ધારણાઓ ફક્ત મારા પૂરતી જ અનામત રાખું છું પછી તો જેવી જેની મરજી )  કોઇ પણ વાતને તમે સંપૂર્ણ રીતે જાણી લો તો પછી આખો વખત તમે એનામાં સંપૂર્ણતા જ શોધ્યા કરો…એનો આનંદ તમારાથી જોજનો દૂર જ રહે.એટલે ‘માઇક્રોસ્ક્રોપ’ના બદલે ‘સાદી સમજના ચશ્મા’ પહેરીને જ આવા પ્રોગ્રામ નિહાળવાના અને એમાંથી બેક્ટેરીયા -ફેકટેરીયા શોધવાની ઝંઝટથી દૂર રહેવાનું.

અમદાવાદમાં દર જાન્યુઆરી માસના અંતમાં ‘સપ્તક’ નામનો આખા અઠવાડીઆનો સરસ મજાનો સંગીતનો પ્રોગ્રામ થાય છે. મારા ઘણા મિત્રો અને સખીઓ એ આઅખો પ્રોગ્રામ અચૂક અટેન્ડ કરે જ અને એક આખું અઠવાડીયું લાગલગાટ રાતના ૩-૪ વાગ્યા સુધી ઉજાગરા કરે. નવરાત્રી પછી આ એક બીજો ‘રતજગાનો તહેવાર’ ! મને પણ બહુ મજા આવે પણ મારી પ્રીયા – મારી નીંદ્રા મને એટલા બધા વિરહની રજા ના આપે એટલે ના છૂટકે મારે અમુક સીલેક્ટેડ આર્ટીસ્ટવાળા સિલેક્ટેડ દિવસોએ જ જવાનું શક્ય બને. આ વખતે પણ મારા મનપસંદ આર્ટીસ્ટવાળો એક દિવસ નક્કી કર્યો અને ઉપડી પ્રોગ્રામમાં.

શરુઆતનો અડધો કલાક તો બધાને સરસ જગ્યા શોધીને સેટ થવામાં જ ગઈ. હજુ તો માંડ કાર્યક્રમ  માણવાની શરુઆત જ થઈ ને સંગીતના અતિજ્ઞાની એવા એક મિત્રએ એની જ્ઞાન- વર્ષા ચાલુ કરી..પરીક્ષા આપવા બેઠા હોય એમ એકદમ ધ્યાનથી દરેક રાગ સાંભળે અને પછી તાનમાં આવીને બાજુમાં આપણા હાથ પર હાથ મારીને, ‘અરે.. આ તો આશાવરી..આ તો કેદાર રાગ…!’ દરેક રાગ પારખવાની હરિફાઈ જોઈ લો..ના એ ધ્યાનથી કંઈ સાંભળે કે ના આપણને એક્ધ્યાન થઈને  મજા માણવા દે…પોતાની પાસે જેટલું હોય એનાથીય બમણું લોકોમાં વહેંચી દેવાની એમની ધગશને મારાથી સલામ થઈ ગયા.

થોડીવાર પછી એનાથી તદ્દન વિરોધી મિત્રનો સામનો કરવાનો વારો આવ્યો. સાંધાનીય સમજ ના પડતી હોય પણ એમની જાણ બહાર જ વારે વારે તાનમાં આવી જઈ ને સાવ સીધું સાદું ગવાતું હોય ને ‘વાહ વાહ..ક્યા બાત ક્યા બાત’ કરવા લાગ્યો…એમાં ને એમાં ખુરશીમાંથી લગભગ અડધી વેંત જેવડો ઉભો થઈ જાય..પાછ્ળનો દર્શકવર્ગ એમની અકળામણનો પારો માંડ માંડ કંટ્રોલ કરીને આવા નમૂનાને સાથે લાવીને મોટો ગુનો કર્યો હોય એવી નજરથી અમારી સામે તાક્યા કરતો હતો..અમે પેલાને હાથ ખેંચીને બેસવા કહ્યું તો  ઉપકાર કરતો હોય એવા ભાવ સાથે એક હાથ હવામાં તલવારની જેમ વીંઝતો અતિઉત્સાહના કારણે ખુરશી પર ધમ્મ દઈને પછડાયો..સીટે ‘વિશ્રામમાંથી જૈસે થે’ ની સ્થિતીમાં આવતી વખતે વળી એનો પોતાનો આગવો રાગ આલાપ્યો .. એ જ વખતે સ્ટેજ પરથી પેલો કલાકાર એનો મધુર સ્વરસમૂહ લગાડવા એડી ચોટીનું જોર લગાવતો હતો એ જ ના સાંભળી શકાયું. પાછળવાળા શ્રોતાના ગુસ્સાનો ફરીથી સામનો કરવાનો વારો આવ્યો.. આટલી મોંઘી ટીકીટ લઈ, રાતોના મહામૂલા ઉજાગરા કરીને  કોઇ જ કારણ વિના ગુસ્સો સહન કરવાનું થોડું આકરું લાગ્યું..નાનપણમાં મમ્મીએ શીખવેલું ‘ લાંબા જોડે ટૂંકો જાય, મરે નહી પણ માંદો થાય’ એ વાત આજે બરાબર સમજાણી.

થોડા શાંતિના વિરામ પછી એક્ નવો પ્રોબ્લેમ સામે આવ્યો. અમારી આગળની સીટમાં સંગીતની થોડીઘણી સમજ ધરાવતો અતિઉત્સાહી દર્શક જાહેરમાં કાર્યક્રમ જુએ છે એ વાત ભૂલી ગયો હોય એમ લાગ્યું. પોતાના કારણે બીજાઓ હેરાન થાય છે એની કોઇ ચિંતા કર્યા વગર જ દરેક તાન ઉપર જોરજોરથી પોતાના પગ પર..પોતાની ખુરશી પર..હળવી થપાટો સાથે પોતાનો અલગ આગવો પ્રોગામ ચાલુ કર્યો. જેમાં ક્યારેક એની આજુ બાજુ વાળાનો ખભો અને હાથ પણ થપાટની ઝપટે ચડવા લાગ્યો..આ બધાની સાથે એ મહાશયે આંખો બંધ કરીને ધીરે ધીરે પોતાનું માથું ડાબેથી જમણે..જમણેથી ડાબે હલાવવાનું ચાલુ કર્યું..પછી તો કઈ દિશામાં અને કેટલી ડિગ્રીએ ધુણાવે છે એ  નક્કી કરવો પણ એક અઘરો કોયડો બની ગયો. એના ડોકાની, શરીરના ઊંટ જેવી અઢારે અંગ વાંકા જેવી હલનચલન ક્રિયા સાથે મારી આંખો અને ગળાની દિશા સેટ કરી કરીને અડધો કલાકમાં માથું દુઃખી ગયું..! ત્યાં તો થોડે દૂર એક સીટ ખાલી થઈ અને ભગવાન મળ્યા જેવું અનુભવતી હું એ જગ્યાએ ‘શિફ્ટ’ થઈ ગઈ.’હરી તારા નામ છે હજાર, કીયા નામે તને લખવી કંકોત્રી’ જેવી તીવ્ર લાગણી દિલમાં ઉમટી આવી.

ત્યાં મારી બાજુના કપલમાં પત્નીને સંગીતમાં જરાય રસ ના હતો ( રસ ના હોવો અને ગતાગમ ના પડવી બે ય અલગ વાત છે ) તો પણ ઇમોશનલ બ્લેકમેઈલીંગ કરી કરીને એમના પતિદેવ  પોતાની સાથે પરાણે ઘસડી લાવેલા.એણે ચાલુ પ્રોગ્રામે બગાસાઓ ખાતા ખાતા જાતજાતની કોમેન્ટ્સ કરી કરીને પોતાની અકળામણ કાઢવા માંડી. એક તો માંડ થોડી સમજ પડતી હોય અને એમાં આવું ધ્યાનભંગ..મૂડ સાવ જ મરી ગયો.

મારી સમજમાં આવતા બધા કલાકારોનો વારો આવી ગયો હતો એટલે હવે મેં કાનને આરામ આપીને ફકત આંખો ઉપર  ભાર આપીને નિરીક્ષણ શક્તિ પર વધુ ધ્યાન આપવાનું ચાલુ કર્યું.

સ્ટેજ પરના કલાકારો હવે માત્ર શ્રાવ્યના બદલે મારી દ્ર્શ્યશ્રાવ્યની રેન્જમાં આવી ગયા. એક કલાકાર ગાતા ગાતા વિચિત્ર રીતે ઝભ્ભાની બાંય ચઢાવીને શ્રોતાઓ સામે વિચિત્ર રીતે મોઢું તાણી તાણીને  આલાપ ફટકારતો હતો. મારા જેવી સામાન્ય કક્ષાનું શાસ્ત્રીય નોલેજ ધરાવતી વ્યક્તિને એ કલાકાર જાણે ‘આવી જાઓ મેંદાનમાં’ કહીને લડાઇનું ઇજન આપતો હોય એમ જ લાગ્યો..ત્યાં તો એના સહકલાકારે હવામાં કોઇ જાદુ કરતો હોય એમ હાથ હલાવીને જાણે કોઇ કબૂતરને પકડીને સ્ટેજ પર છોડી દેતો હોય એવી ચેષ્ટા કરી….મને લાગ્યું ચોકકસ આ પેલાને ‘જા..તારાથી થાય એ કરી લેજે…તને તો હું આમ ચપટીમાં મસળી કાઢીશ’ કહીને દિલની દાઝ જ કાઢી હશે.. આ લડાઇમાં તબલચી પણ ગાયક સાથે પૂર્વભવના વેરનો બદલો લેતો હોય એમ જોડાયો. હાથની થપાટો મારી મારીને, માથાના વાળ ઝટકી ઝટકીને ‘તમને પણ આમ જ ઝટકી કાઢીશ બચ્ચુઓ..હદમાં રહો’ની ભાવના વ્યકત કરતો લાગ્યો. ગાયક બિચારો શિયાવિયા થઈ ગયો. હવે એણે થોડું ધ્યાન હાર્મોનિયમ વાળા પર કેન્દ્રિત કર્યું..આલાપ બાંધી…લચકદાર તાન લઈને એકદમ જ થોડા સૂર પેલાની ઉપર ફેંક્યા…’લે, લેતો જા..તું પણ શું યાદ કરીશ કે કોઇ દિલદાર કલાકાર સાથે પનારો પડેલો અને મારા ભાગે થોડા સૂરોની લહાણી આવી ગઈ..’ તો હાર્મોનિયમ વાળાએ ડોળા કાઢી કાઢીને એને તતડાવી કાઢ્યો..એક બાજુની બગલ કચકચાવીને દબાવીને જોર જોરથી આંગળીઓ હાર્મોનિયમ પર પછાડી…ખભાને વિચિત્ર રીતે ઝાટકા માર્યા અને માથું ઝટકીને ‘હાઉક’ કરીને ગાયક તરફ પોતાનો જુસ્સો પાછો ફેંક્યો..બૂમરેંગ..! હવામાં હાથ હલાવી હલાવીને સૂરોની સાથે થપ્પો રમતા,પગની પાનીથી જાતજાતની રીતે સ્ટેજને ઠોકતા , વિચિત્ર રીતે કમર હલાવતા ગાયકે એક હાથ હવામાં વીંઝીને એ સૂરો ફટાક દઈને પકડી લીધા અને ફ્રિજમાં છુપાવેલ આઈસક્રીમ ખાતો બાળક મમ્મીના હાથે ઝડપાઈ જાય અને મમ્મી જે મીઠા ઠપકાથી બાળકનો કાન આમળે એમ ચપટીઓ મારી મારીને મર્માળુ હસતા હસતા વીણાવાદક કલાકારબેન તરફ ઉછાળ્યા…’લો તમેય થોડો પ્રસાદ ચાખી લો..! મને હવે સ્ટેજ પર ‘સંગીત-કાર્યક્રમ’ના બદલે મહાભારતનું યુધ્ધ ખેલાતું હોય એવું ફીલ થવા લાગ્યું.

લગભગ રાતના ત્રણ વાગવા આવ્યા હતા..હવે મારી આંખ -કાન -સમજશક્તિ થાકવા માંડી..આમે ય મેં એ બધાને ગજા બહારનો ઉજાગરો કરીને બેહાલ કરેલા.એટલે મેં એમની દયા ખાઈને કાર્યક્રમમાંથી પ્રસ્થાન કરવાનું જ હિતાવહ સમજયું.

-સ્નેહા પટેલ.

હું કોણ..?


Snap1-edited

Gujarat guardian paper >ટેક ઈટ ઈઝી – લેખ નંબર – ૨૩.

હમણાં જ  એક મોલમા શોપિગ માટે જવાનું થયેલું. ત્યારે બે ટીનેજર છોકરાઓ એમની એક (!) ગર્લફ્રેન્ડના મુદ્દે છુટ્ટા હાથની મારામારી પર આવી ગયેલા દેખાયા.  સારા ઘરના હેન્ડસમ અને બ્રાન્ડેડ કપડાં – એસેસરીઝમાં સજ્જ, સંસ્કારી લાગતા છોકરાઓ આમ ખુલ્લે આમ લડાઈ કરે એ માન્યામાં જ ના આવ્યું. એ વિષ પચાવીને ‘નીલકંઠેશ્વર’ થવાનો પ્રયત્ન કર્યો. કળ વળતા જ પરદુઃખભંજક સ્વભાવને કારણે મેં એમની ચોતરફ ફેલાયેલી ભીડમાંથી થોડા આગળ વધીને  એ બે લબરમૂછીયાઓની વચ્ચે પડવાનું જોખમ સામે ચાલીને સ્વીકાર્યું.

‘જુઓ, તમે બે સારા ઘરના છોકરાંઓ લાગો છો, આમ જાહેરમાં ઝગડો કરવો એ તમને શોભા દે છે ?’

બે પળ તો એ બે સ્માર્ટ -ગુડલુકીંગ જુવાનીયાઓ મારી સામે બીજા ગ્રહમાંથી ઉતરી આવેલા એલીયનના આશ્ચ્રર્યભાવથી મને નિહાળી રહ્યાં.

‘હલો..હુ આર યુ ? આ અમારો અંગત મામલો છે અને અમારી રીતે પતાવી દઈશુ.તમે અમારા ઝગડામમાં ‘બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના’વાળો રોલ ના ભજવો સ્વીટ લેડી..’

‘સ્વીટ લેડી’ વિશેષણનું શીરા જેવું ગળપણ એમના ‘હુ આર યુ’ના પ્રશ્નમાં અટવાઈ ગયું ને મારા મન સુધી પહોંચ્યુ જ નહીં.

હજું થોડા દિવસ પહેલાં જ એક સરકારી ઓફિસમાં પણ આવા પ્રશ્નનો સામનો કરેલો. ત્યાંનો ક્લાર્ક માને જ નહી કે હું ‘સ્નેહા – સ્નેહા પટેલ’ છુ. તમે તમે જ છો એની સાબિતી લાવો..અલ્યા ભાઈ, હું પોતે કહું કે હું હું જ છું તો એ પુરાવો ના કહેવાય ! વળી મારી વાત તને ના સમજાય તો હું હું નથી તો હું કોણ છું એ તું બતાવ. કારણ હું હું જ ના હોવું તો હું બીજું કોઇ પણ કેવી રીતે હોઇ શકું..?

બે પળ તીક્ષ્ણ નજરોથી પેલો મને તાકી રહ્યોઃે

‘તમે મને ગોળ ગોળ ફેરવવાના ધંધા ના કરો ..(મનોમન મારાથી એની ભારી ભરખમ ૯૦ કિલોની અને મારી ૬૦ કિલોની કાયાની સરખામણી થઈ ગઈ. પણ મહામહેનતે કામ શાંતિથી પતાવવાની ગરજે ચૂપ રહી) અમારે તમે તમે જ છો..મતલબ જાતે..પોતે સ્નેહા પટેલ એ કઈ રીતે માની લેવાનું..સાબિતી આપો..?’

પળભર તો મને આ મહાનુભાવ કોઇ મોટા તત્વજ્ઞ સમ જ ભાસેલા. એની પવિત્ર છાયામાં મારો અંદરનો ‘હું’ જાગી ગયો અને સહજ રીતે જ બોલાઈ ગયુ,

‘તમારો સવાલ આમ તો વિચારવા યોગ્ય જ છે. હું આમે ય ઘણાબધા ટુકડાઓમાં વહેંચાયેલ વ્યક્તિત્વ જ છું. ક્યારેક મા, ક્યારેક પત્ની, ક્યારેક દીકરી, તો ક્યારેક કોઇની માલિક, કોઇકની દાસી, કોઇની પાડોશી. કોઇની શિષ્યા, કોઇની શિક્ષક..અને શક્ય ના હોવા છતાં ‘વિશ્વસુંદરી’ બનવાની ઇચ્છા પણ બળવત્તર ! ઘણા બધા મને અનુકૂલ થઈને જીવે અને ઘણા બધાંને હું સહન કરીને ‘ક્ષમયા ધરિત્રી’ બનીને જીવું. ઇન શોર્ટ, આ બધાં ટુકડાંઓને ‘ ઝીગ – શૉ પઝલ’ ને તમે વ્યવસ્થિત ગોઠવી શકો તો મારું અસલી રુપ ભાળી શકો, મને સમજી શકો..બાકી જો એક પણ ટુકડો આડોઅવળો ગોઠવાય તો એમાંથી ઉપસતી તસવીર એ સાચી હું નહીં જ…કારણ હું તો ફક્ત હું છું – સ્નેહા પટેલ !

એ વખતે પેલો ક્લાર્ક મને કોઇ સીઝોફ્રેનિક ની જેમ જ તાકી રહેલો.

‘બેનજી, માફ કરો. તમે તમે જ છો. સમજાઈ ગયું. મારી જ ભૂલ થઈ ગઈ તમને ઓળખવામાં. મહેરબાની કરીને અહીંથી પ્રસ્થાન કરો. મારા લંચ અવરની દસ મિનીટનો ભોગ લેવાઈ ગયો મારી આ ભૂલમાં.આ પામર જીવને માફ કરો અને હવે જીવનમાં મને ક્યારેય નહી ભટકાઓ એવું વરદાન આપો દેવી..’ અને મારા જવાબની રાહ જોયા વગર જ એનું ટીફીન બોકસ લઈને ચાલવા લાગ્યો.

એ તો જતો રહ્યો પણ મારા મગજમાં ઢગલો સવાલોની ફૂલઝડીઓ છોડતો ગયો. આ હું સાચે હું જ છું…એનો પુરાવો શું? આપણે કહીએ એ લોકો કેમ માની લે..અને શું કામ માને.આજના જમાનામાં અમથુંય સત્ય બોલવાનું ચલણ ઘટી ગયું છે. ખપ પૂરતો જ વપરાશ થાય છે. એમાં આપણે આપણે જ એવું ખોટું પણ બોલતા હોઇ શકીએ ને !

ત્યાં પેલા સવારના ટીનેજરી છોકરાઓના સવાલોએ ફરીથી ઉથલો માર્યો.

એમના ઝગડાંવચ્ચે પડનારી ખરેખર ‘હું કોણ છું?’ આધ્યાત્મિક ચોપડીઓમાં તો બહુ લાંબીલાંબી વિધીઓ અને પરીક્ષાઓમાંથી પસાર થઈએ તો પણ આપણે આપણને મળીએ જ એની કોઇ લેખિત ગેરંટી નહી. તો એવા ખાલી ફોગટના સમય કોણ વેડફે ? આટઆટલા સમયથી હું મારી જોડે રહું છું એટલે હું તો મારી જાતને જાણતી જ હોવું ને કે હું કોણ..પણ હકીકતે એમ હતું..? મારી એકલી માટે જ નહી પણ બીજા કોઈ પણ માટે આ યક્ષપ્ર્ષન.. આપણે વર્તમાનમાં જે સ્થિતીમાં છીએ એ આપણે કે આપણે જે બનવા માંગીએ છીએ, તલપાપડ થઈએ છીએ એ આપણે ?…કેટલા જણ આનો વ્યવસ્થિત અને ચોક્કસ ઉત્તર આપી શકે?

હું મારી જાતને ખૂબ આનંદી અને મસ્તરામ માનું છું, પણ દિવસમાં એકાદવાર તો ચોકકસપણે મને નાનો મોટો, જરુરી -બિનજરુરી  ચિંતાનો એટેક આવી જ જાય. બડબડ કરનારી ક્યારેક મને સાવ જ એકલા બેસીને જાત જોડે બબડવાનું મન થઈ જાય..આવું તો તમારી બધાની સાથે પણ થતું જ હશે ને…ત્યારે પ્રશ્ન એ થાય કે આમાંથી સાચી ‘હું’ કઈ..આ કે પેલી ?આ ‘દુનિયા બનાનેવાલો’ પણ બડો સસપેન્સ, થ્રીલર સ્ટોરી રાઈટર છે…..દરેક કૃતિઓમાં અઢળક ચમત્કારીક પાસાઓની ભરમાર..!

મારું માથું હવે ભમવા લાગ્યું. હું વિચારોના વનમાં જાણીજોઇને પ્રવેશેલી પણ હવે એ વિચારવન મારા પર હાવી થઈ જતુ લાગ્યું.  વિચારો આપણી પર રાજ કરે એ તો મને સહેજ પણ ના પોસાય..મને લાગ્યુ કે મારે હવે આ મારી જાતની શોધના નિરર્થક પ્રયાસો છોડીને એને સસપેન્સના વમળોમાં ગોળ ગોળ ફરવા જ દેવી જોઇએ.

ઘરમાં આ જ વિચારમા ને વિચારમાં ડ્રોઈંગરુમની ટીપોઈ જોડે અથડાઈ..’ધડ..ડામ..’

‘અરે, સ્નેહા, સંભાળજે તો. વાગ્યું તો નથી ને..આ શું આખો દિવસ વિ્ચારોમાં ને વિચારોમાં ગુમ હોય છે તું ?’

‘ઓત્તેરી..આ તો  હું સ્નેહા છું એનો સોલિડ પુરાવો..’ અને હું ખુશ થઈ ગયેલી.

મારી આઈડેન્ટીટી સીધી સાદી બે ચાર વાક્યોમાં કેદ્‍ થઈને રહી જાય એમાં આમે કયાં મજા છે? એવા બંધનોમાં બંધાઈ જઈએ તો આખી દુનિયાને ખબર પડી જાય કે હવે આ સ્થિતીમાં આમ જ વર્તન કરીશું, આમ જ બોલીશું..કોઇ અટકળો જ ના થઈ શકે એવા વિશ્વમાં જીવવાની શું મજા..! જીવન એક સીધી સાદી નોવેલ કરતા રહસ્યમય, થ્રીલર, અનપ્રીડક્ટેબલ વાર્તા જેવું હોય એઆં જ મજા છે. હા, કોઇ વાર આપણી ઓળખાણની સાબિતી આપવાની જરુર પડે ત્યારે સરકારનું ‘આધાર કાર્ડ-પાસપોર્ટ’ જેવી ક્ષુલ્લ્ક સાબિતીઓ આપણી જોડે રાખવાની… એમાં એમના ખપ પૂરતી બધી માહિતી આવી જાય.

બાકી આપણા વિશે  કોઇને કશું યે કહેવાની કોઇ જરુર નથી, થોડી દુનિયાને પણ મહેનત કરવા દો આપણને ઓળખવાની !

-સ્નેહા પટેલ.

ધારો કે…


 gujarat guardian paper > ટેક ઈટ ઈઝી કોલમ – લેખ નંબર -22.

મારું વોર્ડરોબ ખોલીને ઉભી હતી અને એક પછી એક ડ્રેસ હાથમાં લઈને પાછા મૂકતી હતી. મૂળે લેખકજીવ !  ઘણીવાર મારી જાણ બહાર જ મારા ‘વિચારોના ઘોડાપૂર’  ધીમે ધીમે ‘જીરાફપૂર’ થઈ જાય . છ્ઠ્ઠી ઇંદ્રિયને એ વાતની જાણ થાય એ પહેલાં તો ઓલમોસ્ટ હું એમાં સડસડાટ વહેવા માંડી હોઉં..આમ તો ઘણીવાર તણાઇ પણ જવાય.અ‍ત્યારે પણ એ પ્રવાહ ગતિમાન થાય એ પહેલાં જ પતિદેવનો અવાજ કાને અથડાયો:

‘શું વિચારે છે આટલું બધું ?’

કડડડભૂસ…વિચારોનો મહેલ કડડભૂસ થઈને તૂટી ગયો.

‘કંઈ નહીં બસ એ તો કયો ડ્રેસ પહેરું એનો વિચાર કરતી હતી.’

‘પેલો કેસરી કલરનો નવો ડ્રેસ -અનારકલી જેવું કંઈક નામ હતું ને..એ ડ્રેસ પહેર ને..’

‘હા., મને પણ એમ જ વિચાર આવેલો પણ અત્યારે કેસરી કલર પહેરું તો લોકો કંઈક ભળતું જ સમજી લે ‘

‘હ..એં..એં..’ મારી વાત સમજમાં ના આવતા ભોળાદેવ મારી સામે તાકી રહયાં. પછી મેં જે કહ્યું હશે એ કંઈક સમજી વિચારીને જ કહ્યું હશે..બધી ના સમજાતી વાતોમાં દર વખતે ડીસ્કશન ના કરાય, એ તો જેમ હોય એમ જ સ્વીકારી લેવાય વિચારીને પતિદેવે એક ફુલગુલાબી ડ્રેસ સજેસ્ટ કર્યો. હવે આ ભોળા પતિદેવને અત્યારે ‘કમળ’ જેવી પ્રીંન્ટના ડ્રેસ પહેરવામાં પણ મારા જેવી પોલીટીકસના સાવ બીજા છેડા જેવી વ્યક્તિને પડતી તકલીફો કેમ સમજાવું !  એમના ભોળપણ પર બહુ પ્રેમ આવી ગયો..એ પ્રેમ એમના ભોળપણને મૂર્ખામી માનવાની હદ સુધી જતો રહે એ પહેલાં જ મેં સાવચેતી રાખીને એમને એ પસંદગીની પ્રક્રિયામાંથી મુક્તિ આપી અને ત્વરાથી સફેદ કલરનો ચીકનનો કુર્તો અને બ્લ્યુ જીંસ સીલેક્ટ કરી લીધો.

આજકાલ ચારેબાજુ ચૂંટણીના પ્રચાર માટે જ્યાં જુઓ ત્યાં જે-તે પક્ષની નારેબાજી,  ખુરશીના પાયા માટે માણસો (!) ની ટાંટીયા ખેંચ, રેડિઓ –નેટ – સડકો – ટીવી..બધ્ધેબધ્ધી જગ્યાએ શાબ્દીક મારો –કાપો ..પોલીટીકસ પોલ્યુશન બહુ એની તીવ્રતમ કક્ષાને પણ વળોટી ગયું હતું. પરિણામે ડિસેમ્બરનો અડધો મહિનો પતવા આવ્યો પણ હજુ શિયાળાની ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ જ નહતો થતો.

સુશિક્ષિત નાગરિક તરીકે મારે વોટીંગ તો કરવું જ પડશે. કોને વોટ આપીશ..આમ તો નક્કી જ છે –ખબર જ છે કે કોણ વધુ યોગ્ય ઉમેદવાર..પણ બીજા પેલા ખાદીધારી જે હંમેશા એના કુરતાથી એનું શેંડાડું નાક લૂછીને ભાષણો કરે છે એ કેટલો માસૂમ લાગે છે..કેટલા બધા સારા સારા વાયદાઓ કરે છે..કદાચ રાજકારણના કાદવમાં એ કમળ જેવો નીકળી પણ જાય..એને એક તક આપી શકાય કે નહીં..ના..ના..આવા તો બહુ આવ્યા ને ગયા..અત્યારે જે નક્કર પરિણામ આપે છે – જે પોતાના બોલેલા વેણ કરતાં પણ વધુ કરી જાણે છે..જે પોતાની જાતને પ્રૂવ કરી શક્યો છે એને જ વોટ કેમ ના આપું..મારી સમજમાં તો એ જ યોગ્ય પગલું છે.. વિચારોનું ‘કીડીપૂર’ ચાલુ થયું.

ત્યાં મારો દીકરો એની ગણિતની નોટબુક હાથમાં લઈને મારી પાસે આવ્યો.

‘મમ્મી, આ બીજગણિતનો એક દાખલો છે. કંઈ સમજાતું નથી. મદદ કરી શકશો.?’

યુનિવર્સીટીની ડીગ્રીઓનો મહાસાગર તરીને પાર ઉતર્યા હોઇએ એટલે એક તકલીફ કે આપણને અમુક નાની નાની વાતો સમજ બહાર છે એ કોઇને કહી ના શકીએ અને કોઇ એના વિશે પૂછે તો એ ના આવડવાની તકલીફ સહી પણ ના શકીએ. ‘પડશે એવા દેવાશે’ કહેવત મારા જીવનમાં બહુ કામ લાગી છે. એના જ આધારે મેં ઘણાંય મોટામોટા કામ લોકોની ઇર્ષ્યા, અદેખાઈ અને સાનંદાસ્ચ્ર્યો સાથે પાર પાડ્યા છે. આજે પણ એનો સહારો લીધો.

‘બોલો, શું તકલીફ છે દીકરા?’

‘મમ્મી, આ જુઓને આ રેખાબેન બહુ હેરાન કરે છે !’ આ આખીય વાતમાં વળી રેખાબેન ક્યાંથી આવ્યા એ વિચારમાં હું ગોટાળે ચડી અને એની બુકમાં નજર કરી.

‘આ રેખાબેન દૂધની તપેલી ગેસ પર મૂકીને એમની ફેવરીટ સાસુ વહુની સીરીઅલ જોવા બેસી ગયા તેમાં એમનું દૂધ ઉભરાઈ ગયું. તે એમના દૂધની ઉભરાઈ જવાની ઝડપ અને ઉભરાઈ ગયેલ દૂધની માત્રા…આ બધાની ચિંતા અમારે માથે..ગણિત જેવો વિષય પણ આ રેખાબેનના સીરીઅલપ્રેમની નોંધ લે છે..એકતાકપૂર તુસ્સી ગ્રેટ હો !

‘હા તો દીકરા ધારો કે,દૂધ ઉભરાવાની ઝડપ ‘ X ‘ અને એની માત્રાને ‘ Y ‘ તરીકે લઈએ..’ વાક્ય પૂરું થાય એ પહેલાં તો મારો સુપરસ્માર્ટ અને જીજ્ઞાસાવૃતિથી ફાટ ફાટ થતો દીકરો બોલ્યો,

‘તે મમ્મી, ગણિતમાં આટલું બધું ધારવાનું  કેમ હોય..અને હોય તો હોય પણ દરેક વખતે એમાં આ  ‘X – Y ‘ જેવા આલ્ફાબેટ જ કેમ ધારવાના..સાવ છેવાડાની ધારણાઓ કરવાની..’A-B-C…..’આમ શરુઆતથી શરુઆત કેમ નહી કરવાની..?’

એક પળ તો હું પણ એના આ ‘સુપર ક્વેશ્ચન’થી વિચારે ચડી ગઈ..વાત તો સાચી છે. વિચારોનું ‘જીરાફપૂર’..ભગવાનનો મહામૂલ્ય આશીર્વાદ..

‘હા.. X તો સાવ કેવો બોરીંગ..એક લીટી ઉપર ક્રોસમાં બીજી લીટી..એના બદલે  ‘A’ કેવો કળાત્મક..બે લીટીઓના ઉચ્ચ છેડાઓને સાચવીને એકબીજાને અડાડીને ત્રાંસમાં ગોઠવી ટોપી જેવો આકાર આપવાનો અને એ બેય લીટીઓને ટેકો આપવા વચ્ચે એક બીજી આડી લીટી દોરવાની…’B’ તો વળી સુપર ડુપર વળાંકોવાળો એકદમ આર્ટીસ્ટીક..C, D, E, F થોડા ઠીક ઠીક …પાછો જી સુંદર મજાનો ડીઝાઈનર..મહાચિંતનમાં ડૂબી ગઈ અને દાખલો એની જગ્યાએ…ત્યાં તો દીકરાએ મને ઝંઝોડીને અસલની દુનિયામાં પાછી પટકી.

અંકગણિતની ગણત્રી મને હંમેશા સીધાસાદા માનવીના સ્વભાવ જેવી લાગે..જે કહેવું હોય તે મોઢામોઢ…સરવાળૉ-બાદબાકી-ભાગાકાર-ગુણાકાર…જે હોય એ સીધે સીધું કહી દેવાનું..ધારવા બારવા જેવી લપ્પન છ્પ્પનમાં નહી પડવાનું..મગજને બહુ વધારે કષ્ટ નહી આપવાનું….વળી નાનપણમાં ‘પાયથાગોરસ’ શબ્દ મને બહુ આકર્ષી ગયેલો. બહુ જ અદ્બભુત ઉચ્ચાર લાગતો અને એના મોહ – આકર્ષણ-પ્રેમમાં પડીને ડીગ્રી, ત્રિજયા, પરિઘ, લઘુ –ગુરુકોણ,વ્યાસ,રેખા, મધ્યબિંદુ, કર્ણધ્યબિંદુ, કર્ણ –વિકર્ણ , કાટકોણ જેવું બધું ફટાફટ ભેજામાં ઉતરીને પ્રમેયોરુપે તાજા તળાયેલા ભજીયાની ફ્રેશનેસ લઈને બહાર આવતું. પણ આ બીજગણિત.. અવયવ..લ.સા.અ..ગુ.સા.અ. શરુઆતથી જ તોડફોડ..આ બધું વિકૃત માનસિકતા જેવું લાગતું એટલે પહેલેથી જ મને એમાં રસ નહતો પડતો..આજે એ જ મારા માથે આવીને તાંડવ નૃત્ય કરી રહેલો. મારા મગજના રસાયણોમાં અકળામણના  તરંગો ઉભા કરી રહેલો.. મારી માનસિક સ્થિતી ડામાડોળ કરતું હતું,  હવે મને સમજાયું કે કાર્લ પોપર નામના બ્રીટીશ પ્રોફેસર કમ ફિલોસોફરે ‘ ગણિતમાં  વિજ્ઞાન સમાયેલુ છે એમ શું કામ કહેલું ?’  વળી કાર્લ ફેડરીક ગાઉસ ‘ગણિતનો રાજકુમાર’ કહેવાય છે એતો એનાથી પણ એક કદમ આગળ વધીને ગણિતને ‘વિજ્ઞાનની રાણી’ કહેતા હતા !

ગણિત અને વિજ્ઞાનના લગ્નપ્રસંગ હોય તો કેવી કંકોત્રી છપાય..અંદર શું શું લખાય..! આ બધા જ પ્રશ્નોના ઉદભવને દીકરાના સુપરફાસ્ટ પ્રશ્નોના મારાએ જન્મતા પહેલાં અધમૂઆ કરી નાંખ્યા..મારું મગજ લગભગ શૂન્યાવકાશની કક્ષાએ પહોંચી ગયેલું.સામાન્ય સંજોગોમાં આ સ્થિતી મારા જેવા ‘વિચારોની હેલી’ વાળા મગજ માટે વરદાનરુપ ગણાય..પણ અત્યારે પોપકોર્નની જેમ ફૂટ ફૂટ થતા દીકરાના શબ્દો કર્ણપટલને અથડાઈને સંભળાયા વિના જ પાછા ફેંકાતા હતા..હું દિગ્મૂઢ થઈને એ પ્રચંડ આઘાતને સહન કરતી’કને ઉભી રહી.

જોરથી માથુ હલાવીને એ સ્માર્ટપ્રશ્નોની સંમોહનજાળને ફગાવીને દીકરાને મેં અચાનક જ એક પ્રશ્ન પૂછ્યો:

‘સત્તર ગુણ્યા છ કેટલાઁ?’

દીકરો બે પળ મારી સામે જોઇ રહયો..આમાં સત્તરનો આંકડો જ ક્યાંથી આવ્યો..?

‘મમ્મી, હજુ તો આપણે ધારવાનો કોઠો પણ પાર નથી કર્યો ને તમે પરિણામ પર…’

‘ચૂપ…મેં પૂછ્યું એનો પહેલો જવાબ આપ…’

હવે આ ‘સત્તર ગુણ્યા છ’ અને ‘અઢાર ગુણ્યા છ’ એ બેયમાં મારો દીકરો પહેલેથી લોચા મારે એની મને બરાબર ખબર..એટલે અત્યારે મેં સંકટ સમયે સાંકળ ખેંચીને એને આ અભિમન્યુ જેવા કોઠામાં ધકેલ્યો અને મારો એ પ્રયાસ લગભગ સફળ પણ થયો. માથું ખંજવાળતો બીજા હાથે આંગળીના વેઢા ગણતો એ પોતાની બુક પણ ત્યાં ભૂલીને ત્યાંથી વિદાય થયો. એને જતો જોઇને મેં ભગવાનનો લાખલાખ પાડ માન્યો કે એ ‘સ્માર્ટકીડ’ ના ભેજામાં મારા હાથમાં રહેલા મોબાઈલનું ધ્યાન ના રહ્યું નહીં તો….

-સ્નેહા પટેલ.

બુક વિમોચન


Snap1

http://www.gujaratguardian.in/E-Paper/12-09-2012Suppliment/index.html

 

ગુજરાત ગાર્ડીઅન પેપર > ટેક ઇટ ઈઝી કોલમ લેખ નંબર – 21.

આજે બહુ દિવસ પછી થોડો ફુરસતનો સમય મળતા “ડ્રોઇંગ’કરવા બેઠી. ડ્રોઈંગ પ્રત્યે મને નાનપણથી જ અદભુત પ્રેમ, પણ પહેલેથી નક્કી કે આ શોખને ફક્ત મજા માટે જ પોસવાનો,’વ્યવસાય નહી બનાવવાનો એટલે આમ ફુરસતના સમયે ડ્રોઇંગ કરવાની બેહદમજા આવે. જોકે આપણને શોખ હોય એ બધામાં આપણી માસ્ટરી હોય એવું સહેજ પણ જરુરી નથી. ડ્રોઇંગમાં પણ એવું જ …વળી એને વ્યવસાય તરીકે તો વિક્સાવવો નહતો એટલે કોઇના વિવેચનો કે વાહ વાહ ની પણ પડી ના હોય  એ સ્વાભાવિક ! પેંસિલથી કાગળ પર જે શેડિંગ જોઇતું હતું એ થતું નહોતું..એટલે ડોકથી ધીમે ધીમે વળતા વળતા અજાણતા જ આખેઆખી પેંસિલ, કાગળમાં ડૂબી ગયેલી. ત્યાં તો મારી એક  કવિયત્રી-સખી બારણે ડોકાઈ,

‘હાય સ્નેહા..’

પત્યું. આમ તો એ મારી સારી સખી હતી પણ અત્યારે મારે સાવ એકલા રહેવું હતું..હુ અને મારું એકાંત..! પણ એ ઇચ્છાને કોઇની નજર લાગી ચૂકી હતી. પરિણામો ભોગવ્યા વગર છુટકો નહતો. સમાધિની સ્થિતી ત્યાગીને સભાનતાની – સામાજીક પરિસ્થિતીમાં પ્રવેશી.

‘હાય ત્યાગી..’

થોડી આડીઅવળી વાતચીત થઈ અને એ મેઈન મુદ્દા પર આવી.

‘સ્નેહા, મારી કવિતાઓની એક બુક બહાર પાડવી છે પણ કોઇ પ્રકાશક જોડે નથી છપાવવી. જાતે જ પબ્લીશ કરવી છે.’

(ઓહ, ભોમિયા વિના કવિયત્રી નીકળી ડુંગરા ભમવા..!)

‘હા, તો કરો કંકુના. એમાં વળી રાહ કોની જોવાની?’

‘તું વાત સમજતી જ નથી. અરે બુક પબ્લીશ તો થઈ જાય પણ ગુર્જરગિરાને ક્ષેત્રે આ મહાનકાર્યને વિખ્યાત કેમ કરી શકાય એનો આઈડીઆ જોઇએ છે.’

બે પળ હું મંદની માફક એ ‘સદ્યોજાત’ કવિયત્રીને નિહાળી રહી.

બે મિનીટ રહીને મારા મોઢામાંથી શબ્દો નીકળ્યા.

’સૌથી ખતરનાક, જાનલેવા બિમારી જેમ કે એઈડસ, કેન્સર એ તને થઈ જાય તો લોકોનું ધ્યાન તારી તરફ આપોઆપ ખેંચાઈ જાય અને એમની સહાનુભૂતિ તને તરત મળી જાય..બસ.. એ જ્ સમયે તારા આ ખાનગી સાહસની એક સભા ભરી દેવાની.લોકો તારું પુસ્તક વાંચે એ પહેલાં જ તું પ્રખ્યાત થઈ જઈશ.’

‘ના, આવું જુઠાણું બહુ ના ચાલે, પકડાઈ જવાય અને માંડ માંડ થોડી પબ્લીસીટી થતી હોય એના કરતા બદનામી વધી જાય..’

હવે આને કેમ સમજાવું કે ‘ડિમાંડ કરતાં ઉત્પાદન વધારે’ એવા આજના જમાનામાં સચ્ચાઈ-, પ્રામાણિકતાની ગાયનું પૂછ્ડું પકડીને વૈતરણી તરવાની વાત કરે છે….જેમાં તરવા કરતા ડૂબવાની શક્યતાઓ વધારે છે.

‘ક્યાં ખોવાણી અલી? ‘પાંદડે પાંદડે વસંત’ નામના કાવ્યસંગ્રહની મહત્વની વાત કરું છું ..મારુ બેટુ સાવ ‘લોચા’નું પડીકું ખોલીને લોકોની સામે સ્ટેજ પરથી પુસ્તક ડાબેથી જમણે અને જમણેથી ડાબે હલાવીને પાછું ટેબલપર મૂકી દે તો કેવું લાગે ની..?’

‘હ્મ્મ્મ…બરાબર’

‘તબેલો બરાબર..’ હવે ત્યાગીએ એની ધીરજનો કેડો ત્યાગી દીધો ને મારી પર બરાબર અકળાઈ. તું આટલી ક્રીએટીવ – સ્માર્ટ છું તો કોઇ સારો આઈડીઆ તો આપ મને .મારી આશા પર આમ ‘બરાબર’નું પાણી ના ફેરવ !’

‘એક કામ કરીએ..પેલી કોઇ ફિલ્મની કંપનીમાં ‘લેસર’થી જેમ કલાકારોના નામ લખાય છે એમ આપણે તારું પુસ્તકનું નામ લખીએ’

“ડ્ચ્ચ…’

‘તો પછી કોઇ સ્ત્રી ઉગતા સૂરજને અર્ધ્ય આપતી હોય એવા પોઝ સાથે તું …’

‘એક સાંભળીશ હો હવે..મશ્કરી છોડ’ રડમસ અવાજ સાથે મને વચ્ચે જ અટકાવી દેવાઈ અને એક મહાન વિચાર જન્મતા પહેલાં જ મ્રુત્યુને શરણ !

‘તો વસંતની સ્પેશિયલ ઇફેક્ટ લાવવા વિમોચન વેળા સ્ટેજની છતમાંથી ફૂલોના હિંડોળા પર પુસ્તક નીચે આવે..ડચ્ચ…!  કાવ્યનું ઝરણું હ્રદયમાંથી સીધું ફૂટીને બહાર આવે છે જે પાનખરને વસંતમાં પલટાવી દે છે એમ બતાવવા કોઇ ડોશીમાના ગેટઅપમાં એક સ્ત્રી આવે અને પુસ્તક સ્ટેજની નીચે એક હોલ પાડીને ત્યાંથી ખેંચે..અને એકાએક એ ડોશીમા યુવાન સ્વરુપવાન સ્ત્રીમાં પલટાઈ જાય…’આવા ઢગલો પ્ર્તીકાત્મક આઈડીઆસ પર એણે “ડચ્ચ..’ની કાતર ફેરવી અને છેલ્લે અકળાઈને માથાના વાળ (એના) એના છેડેથી ચાવવા લાગી. મને થયું આને વધારે કંઈ કહીશ તો આ મારા વાળ ખેંચવાની હાલતમાં આવી જશે એટલે હું ચૂપચાપ દયામણું મોઢું કરીને બેસી રહી.

છેવટે એણે બેહદ હતાશા સાથે મારે ત્યાંથી વિદાય લીધી. મેં ધરેલ ચા- નાસ્તાને પણ ન્યાય ના આપ્યો. મને બહુ દુ:ખ થયું પણ હું લાચાર હતી.

પંદરે’ક દિવસ રહીને એક રુપાળી આમંત્રણપત્રિકા મળી.

’ગુજરાતી સાહિત્યમાં આ પા પા પગીના પ્રથમ આયાસને તમે બિરદાવીને ‘પાંદડે પાંદડે વસંત’ના શબ્દોની સુવાસ જનસમૂહ સમક્ષ વેરીને વાતાવરણને મઘમઘાવવાની એ ક્ષણે તમે પધારીને મારો ઉત્સાહ વધારશો ને?’

છેલ્લે એક નાનકડા કૌંસમાં ‘ સમારંભના અંતે ફેમસ કંપનીના આઇસક્રીમની વ્ય્વસ્થા રખાઈ છે’ શબ્દો ખાસ ધ્યાન ખેંચવાના હેતુથી લાલ ચમકતા અક્ષરે લખાયેલા.

આખરે આઇસક્રીમ તો ઠીક પણ મારી ક્રીએટીવીટી ઉપર રખાયેલા વિશ્વાસને હું સાચવી ના શકીના દુ:ખને હળવું કરવાના હેતુથી નિર્ધારીત સમયે હું શબ્દ-સુગંધથી તરબતર થવાના ઇરાદા સાથે હોલમાં પહોંચી.

પ્રેક્ષકો ઉઘરાવવામાં સારી એવી મહેનત કરેલી એ સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું.છેવટે ઘંટડીના બેલથી વસંત ખીલવાની એંધાણી અપાઈ. સ્ટેજ પર કાળો ધબ , નિબિડ અંધકાર છવાઈ ગયો અને ધીરે ધીરે સ્ટેજની જમણી તરફ  લાલ-લીલા અને થોડા બ્રાઈટ ફ્લોરોસેંટ કલરના લાઈટના શેરડા ફેંકાયા. સ્ટેજ પર થોડી મનુષ્યાક્રુતિઓએ પ્રવેશ કર્યો અને ના ઇચ્છવા છતા એમની સરખામણી કોઇ હોરર પિકચરના ભૂતો જોડે થઈ ગઈ. ત્યાં તો ડાબી તરફથી અચાનક તબલાની થપાટ અને હાર્મોનિયમના ફૂલ મહેંકી ઉઠ્યા અને તારસ્વરમાં સ્ત્રી અવાજમાં ’આ….’નો અવાજ ઉઠ્યો..એ પત્યા પછી ખરજમાં પુરુષોનો ધ્વનિ ઉઠ્યો..

‘ઉંડા અંધારેથી….પ્રભુ પરમ તેજે તું લઈ જા’ ગવાયું અને સ્ટેજ લાઈટના પ્રકાશથી ચકાચોંધ થઈ ગયું. સ્ટેજ પર લાલ લીલા ચાકળા સાથે એબ્સ્ટ્રેક્ટ પેઈંટીગ જેવા ડેકોરેશનનો વિરોધાભાસ સર્જ્યો હતો. જાતજાતના ..લગભગ દુનિયાના દરેક રંગની જાતજાતની ચિત્ર વિચિત્ર વસ્તુઓથી સ્ટેજને બને એટલો ભરચક કરીને ડેકોરેટ કરવાનો મહાન પ્રયત્ન કરાયેલો..એ માનસિકતા મને બહુ સમજાઈતો નહી પણ ‘કોઇને આ ના ગમે તો પેલું તો ગમી જ જાય’ના ભાવથી હશે કદાચ, એમ વિચાર્યુ..

પ્રવકતા બેને ભીના ભીના શક્ય એટલા કોમળ સ્વરે ઉદઘાટકને બે શબ્દો બોલવા વિનંતી કરી. ઉદઘાટક ડેકોરેશનની રંગોની દુનિયામાં (ડેકોરેશનની આગળ જ પ્રાર્થના ગાઈ હતી એ સૂરીલી સુંદર કન્યાઓ બિરાજમાન હતી) ખોવાઈ ગયેલા જેને ત્યાગીએ રીતસરના ઢંઢોળીને જગાડ્યા…

‘અ…હ..હ…યુધ્ધમાં શહીદ થઈ ગયેલ વીર જવાનની પાછળ એની જોડે જ ચિતામાં સળગીને મરી જવાનો નિર્ણય લેનારી સતીઓ ભરવસંતે પાનખરને સ્વીકારે છે. પોતાના  કુંકુંમવિહોણા કપાળ સાથે જીવવા કરતા જાત જ હોમીને  પોતાની જીવનલીલા  હસતા મોઢે સંકેલી લે છે. એ મહાન સતીઓ શહીદ થયેલા જુવાન કરતાં પણ વધારે સન્માનને પાત્ર છે..’

વાહ વાહ…વાહ વાહ…શું મહાન વિચાર છે..શું ચમત્ક્રુતિ સર્જી છે…ત્યાગી પણ પ્રેક્ષકોની એ બધી વાહ વાહમાં ઉછ્ળી ઉછળીને તાળીઓ પાડી રહી હતી. રસ્તા પર મદારીના ડમરુના તાલે ઉછ્ળતી બંદરીયા યાદ આવી ગઈ. આ શહીદ, સતી, આ બધાને કાવ્યના પુસ્તક સાથે શું લેવાદેવા..મારી બુધ્ધિ મારી જોડે કીટ્ટા કરીને મારા મસિત્ષ્કમાંથી ભાગી નીકળી હોય એમ જ લાગ્યું.એ હાલતમાં હું આગળના ગીત – સંગીત કશું જ ના સાંભળી શકી. છેલ્લે હું જેની રાહ જોઇ રહી હતી એ વિમોચન-ક્ષણની પ્રવકતાએ જાહેરાત કરીને ઉદઘાટકને એ વિધિ માટે વિનંતી કરી. મેં આતુર નયન સ્ટેજ પર માંડ્યા. સ્ટેજ પરની છ્તમાંથી એક  ઝાડ નીચે આવ્યું.એની પર કલર કલર(!) ના ફૂલોના બદલે રેપરમાં પુસ્તકો હતા. ઉદઘાટકે એ ઝાડને નજાકતતાથી ખંખેર્યું અને એ પુસ્તકો સ્ટેજ પર વેરાઈ ગયા..અને પાછ્ળથી મ્યુઝિક કંપનીએ ત્યાગીની એક કવિતા કોમ્પોઝ કરેલી એ ગાઈ. ઉદઘાટકે ત્યાગીને એક પુષ્પગુચ્છ આપ્યો અને પુસ્તકનું રેપર ફાડી પુસ્તકને ધ્વજની જેમ પ્રેક્ષકો સમક્ષ ફરકાવ્યું. એ ક્ષણની રાહ જોઇને માંડ માંડ પોતાની જાતનેકંટ્રોલ રાખીને બેઠેલા પ્રેક્ષકોએ પોતાની તાળીઓના બદલે જેની જેટલી તાકાત એ પ્રમાણે 1-2-3 પ્લેટ આઇસક્રીમ ઝાપટવા લાગ્યા.

છેલ્લે છૂટા પડતી વેળાએ ત્યાગી મારી નજીક સરકી : “ પહેલા તો છ્ટકી ગઈ પણ હવે પુસ્તકના માર્કેટીંગમાં તો મદદ કરજે..નહીં તો મારું પુસ્તક વાંચશે કોણ ? તારો કાકો..!’

હવે મારા એકના એક કાકા તો ક્યારના સ્વર્ગે સંચર્યા હોવાથી એમની યે આશા ઠગારી એવું ત્યાગીને કેમ સમજાવાય?

-સ્નેહા પટેલ

આપ મૂઆ વિના દિવાળી કામ ના થાય :- ભાગ-1.


gujarat guardian paper >  Take it easy column > article no: -19.

નવરાત્રીનો થાક હજુ ઉતરતો નહતો અને દિવાળી માથે આવીને ઉભી રહી, પણ કામ હતા કે  કુબેરનો ખજાનો..! પતતા જ નહોતા. આવા અઢળક કામો મોઢે રાખવા જેટલી યાદશક્તિ પાવરફુલ ના હોવાથી મારે આવી કટોકટીમાં કમ્પલસરી  કામના ટાઈમ-ટેબલો બનાવવા જ પડે.રોજ રાતે ટાઈમટેબલ બનાવું – કાલે ગાદલા- ગોદડાં તડકે નાંખી, પડદાં – બેડશીટ્સ ધોઈ કાઢું, એ પછી  માળિયું લઈ લઊં, પછી દિવાલો, બારીબારણા, પંખા-ટયુબલાઈટનો વારો કાઢી દઉં .એ પછી કીચન..આટલું પત્યા  પછી તો દિવસો જ ક્યાં રહેવાના…નાસ્તા –મિઠાઈની તૈયારીઓ, શોપિંગ, પાર્લર..અને સૌથી મોટું કામ તો દરજીને ત્યાં આંટા મારવાના.

મેં સૌથી પહેલાં દરજીનું કામ પતાવવાનું જ પસંદ કર્યું. દિવાળીના ટાણે આ કામ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું કામ હતું. દુનિયાના ગમે તે ખૂણે કોઇ પણ દરજી હોય (પછી એ ભલે ને મોટા ડ્રેસ ડિઝાઈનરના નામે પંકાયેલ હોય કહેવાય તો દરજી જ) શરત મારી લો એ ક્યારેય સમયસર એના કસ્ટમરના ડ્રેસ સીવીને આપે જ નહીં. મારા દરજીએ  કહેલા દિવસથી રોજ એની દુકાને નિયમીતપણે મારા બે ધકકા થતા હતાં અને બદલામાં એ જ એનો નકાર સાથેનો એનો નિર્લજ્જ ચહેરો જોઇને સમસમી જવાય, પણ પછી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ યાદ કરીને સહેજ પણ ગુસ્સે થયા વિના પરાણે મોઢું હસતું રાખીને અવાજમાં બને એટલું મધ ભેળવીને કહું ’સારું સારું…સાંજે ફરી આંટો મારું છું, હવે ધક્કો ના ખવડાવતો હોં કે ભઈલા (ગરજે દરજીઓને પણ ભાઈ કહેવું પડે છે. હળાહળ કળજુગ ભૈ’સાબ ! ) આ તો શું છે કે તમારી સિલાઈ અને ડિઝાઈન ફાવી ગઈ છે તો તમારા સિવાય હવે કોઇ દરજીને કપડાં સીવવા આપવાનું મન જ નથી થતું’ (પછી ભલે ને મનમાં ને મનમાં એનાથી વિરુધ્ધની વાતોનું ગાળોના ઘોડાપૂર સાથે ધમાસાણ યુધ્ધ ચાલતું હોય) જેવા વાક્યો બોલીને એનો દાદરો ઉતરી જઉં.

હા, તો મારા ટાઈમટેબલ પર પાછી વળું તો આ દરજીના વાયદાબજારીને લીધે મારા ટાઈમટેબલની વાટ લાગતી હતી. પ્રસંગ વેળાએ જ ડ્રેસ તૈયાર ના હોય તો આપણા મૂડની કેવી પથારી ફરી જાય ..એ ડીપ્રેશનના નાના મોટા આઘાતોનો અનુભવ લગભગ બધી બહેનોને હશે જ!

દરજી પછી બીજા નંબરે વારો આવ્યો કામવાળીનો.રોજના એના નવા નાટકો.

‘બેન..તમારું રસોડું કાલે રાખીએ, આજે તો મારે ઘર ધોળાવવાનું છે એ પતી જાય પછી હું નવરી જ..’ બીજા દિવસે: ’અમારા દૂરના  ભાણાની કાકીના દીકરાને તાવ આવે છે તો ખબર જોવા જવાનું છે તો આજે તો રુટીન કામકાજ જ પતશે..આપણે રસોડું કાલે રાખીએ..’ ત્રીજા દિવસે: ‘.અરે પેલા સામેવાળા રેખાબેનને ના પાડી તો પણ એ એમનું રસોડું લઈને બેઠા છે અને સાફ કરાવવા મારી પાછ્ળ પડ્યાં છે..10 વર્ષ જૂનું કામ..ના કેમની પાડું..?  તમારું રસોડું કાલે ચોક્કસ સાફ કરી આપીશ..મારી મેલડી મા ના સમ..! ‘હું રોજ સવારના વહેલી ઉઠીને ધડાધડીમાં રસોઈ પતાવીને એ મહારાણી માટે રસોડું ખાલી કરીને બેસું અને એ રોજ નવા નવા બહાનાની ઓથ હેઠળ સાવ પાણીમાં બેસી જાય. મારા ટાઈમટેબલ અને ‘મહારાણી કમ કામવાળી’ના ટાઈમટેબલના મેળ પડવાના કોઇ લખ્ખણ દૂર દૂર સુધી ના દેખાતા બીજા દિવસે સવારે તો મેં જાતે જ સફાઇનું ‘મહાઅભિયાન’ આદર્યું.

’આપ મૂઆ વિના ઘરની સફાઈ કદી ના થાય !’નું બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.

‘અર્વાચીન’ હોટલમાંથી પંજાબી ‘ફિકસ લંચ’ મંગાવી લેવાનો ઇરાદો કરીને સવારની રસોઈ બનાવવામાં ગુલ્લી મારી. જાતે જ કામ કરવાની ‘દિશા’ પસંદ કરી એટલે મારી ‘દશા’ પણ બદલાઈ ગઈ. જુનો દુપટ્ટો માથે મોઢે બાંધીને ઘરની મહારાણી કામવાળીના રોલમાં આવી ગઈ. દિવાલો પરના જાળા પાડીને પંખા લૂછવાના ઇરાદા સાથે ટેબલ પર ચડી. ત્યાં સામેના ફ્લેટની બારીમાં મારી  જુની કામવાળી નજરે પડી. એણે મારા દીદાર જોઇને મને સ્માઈલ આપ્યું અને ટહુકી,’ કાં ભાભી, દિવાળીની સાફસફાઈ ચાલે છે કે..?’ મારા ઘરે લગભગ બે વર્ષ કામ કરી ચુકેલી એ કામવાળી કામની ચોખ્ખી હતી એનો ટહુકો જોઇને મને થોડી આશા બંધાણી અને મેં સામે બને એટલી મોં ફાડીને સ્માઈલ આપીને કહ્યું,’ હા, જોને. આ રેખાના તો ઠેકાણા નથી પડતાં તો આજે તો મેં જાતે જ કામ શરુ કરવાનું ચાલુ કરી દીધું. હવે દિવાળીને દિવસો પણ કેટલા રહયાં છે જો ને..પછી મારે નાસ્તા બાસ્તા બનાવવાના હોય કે નહીં ? તે….તું શું કરે આજ કાલ..ઘરે બધા મજામાં છે ને?’ મેં સહેતુક વાતમાં મારા મતલબની વાત જોડવાનો પ્રયત્ન કર્યો ‘હોવ’રે…બધાં ય મજા મજા. તમારે ત્યાં?’ ‘મારે ય બધા મજામાં..તો હું શું કહેતી હતી કે તને સમય હોય તો મને થોડી મદદ કરાવને…તું કહીશ એટલા પૈસા આપી દઈશ અને જમવાનું પણ અહીં જ રાખજે આજે.’ પણ મારી બેટી એ કામવાળી પણ ક્યાં કમ હતી..’ના રે બહેન..મને તો મરવાનો ય સમય નથી. મારે હજુ બે ઘરે કપડાં બાકી છે અને મારા ઘરે મહેમાન આવવાના છે..ચાલો ત્યારે આવજો’ સમુદ્રમંથન વેળાએ ભગવાન શિવે વિષપાન કરવું પડેલું એમ વધુ વાતો કરતાં ક્યાંક એને મારા રસોડાનું ‘કચરા મંથન’ ના કરવું પડે એવી બીકમાં મારા ઉત્તરની રાહ જોયા વગર જ ત્વરાથી બારીમાંથી ખસી ગઈ. એ 70 કિલોની કાયામાં માત્ર 7-10 ગ્રામ જેટલી અક્કલ ભરેલી હતી એવો મારો ભ્રમ ભાંગીને ભુક્કો થઈ ગયો. ભગવાન જાણે આજ કાલ કયા ઘરની બદામ અડાવતી હશે એના વિચારોમાં ને વિચારોમાં મેં મારું અધુરું મૂકેલું મહાઅભિયાન ચાલુ કર્યું. જાળા પાડીને પંખા – ટ્યુબલાઈટો લુછીને ચમકાવી. હવે દિવાલોનો વારો ..

થાકી ગયેલી એટલે પહેલાં ચા નામના એનર્જી ડ્રીંક અને બિસ્કીટના નાસ્તાને ન્યાય આપ્યો. ‘તારી જો હાક સુણીને કોઇ ના આવે તો તું એકલો જાજે ને..’વાળી કરવામાં હવે એકલવાયાપણું ખલવા માંડ્યું. એકલા એકલા કામ કરીએ તો સમય બમણો જાય એ મહાન સત્ય મને આજે બરાબર સમજાતું હતું. કામમાં તો ‘સંપ ત્યાં જંપ’જ વધારે સારું. પણ સંપ માટે કોઇ ના મળે ત્યારે શું કરવું? મારી નજર રુપકડી મ્યુઝિક સિસ્ટમ પર ગઈ અને હું ઉત્સાહમાં આવી ગઈ. ચીકણા ફર્શ પર લપસી ના જવાયનું બરાબર ધ્યાન રાખીને હાથ ધોયા અને રેડિયો ચાલુ કર્યો. ‘આજ કલ પાંવ જમીં પર નહી પડતે મેરે’ મારું ફેવરીટ ગીત વાગવા લાગ્યું.. ‘બોલો દેખા હૈ કભી તુમને મુજે ઉડતે હુવે’ વાળી લાઈન હકીકતમાં ના પલટાઈ જાય એ બીકે બરાબર સાચવીને ભીનું ટેબલ કોરું કર્યું, પછી સાચવીને એના પર ચડીને દિવાલને સાબુનો લેપ લગાવતી જ હતી ને બેલ વાગ્યો.”ટીંગટોંગ’. આવા સમયે જ ફોનની રીંગ અને  દરવાજાની ઘંટડીઓ વધારે કેમ વાગતી હશે નો અકળાવનારો પ્રશ્ન મગજમાં લઈને ટેબલ પરથી ઉતરીને દરવાજો ખોલ્યો તો સામે મારા પાડોશી એમની 2 વર્ષની ક્યુટડી ઢીંગલી સાથે મરકતા ઉભા હતાં.મારી ખાસ બહેનપણી-ઢીંગલીને જોઇને હું ખુશ ખુશ થઈ ગઈ..પણ એ ખુશી બહુ ઝાઝી ના ટકી:’સ્નેહાબેન, મારે થોડું શોપિંગ પતાવવાનું છે, મોલમાં જવું છે તો તમે 1-2 કલાક આ ડીકુડીને સાચવી લેશો પ્લીઝ…!’

મોટું ધર્મસંકટ્..! હવે ?

ક્રમશ :

-સ્નેહા પટેલ

જન્મદિવસના વધામણા:


gujarat guardian paper > Take it easy column > artical no>18

 

ટેક ઈટ ઈઝી કોલમ : લેખ નંબર 18.

ઓગણત્રીસ ઓક્ટોબર…2012..રાતના 11.55 મિનીટ…56..57…58…59..60…બસ એ પછી  તો ત્રીસમી ઓકટોબર ચાલુ થઈ ગઈ…હું પથારીમાં પડી પડી ઘડિયાળના સેકંડ કાંટાની મંથર ગતિ એકીટકે નિહાળી રહી હતી. મારી અને ઘડિયાળના કાંટાવચ્ચે એક સરસ મજાનું ‘તારામૈત્રક’ રચાતું જતું હતું. દિવસમાં રોજ બે વાર 12 વાગ્યાનો સમય બતાવે છે પણ આજનો દિવસ સ્પેશિયલ હતો..બાર પછીની એક એક સેકંડ મહામૂલ્યવાન હતી..કારણ તો ..આમ જુઓ તો ‘બહુ ખાસ’ અને આમ જુઓ તો ‘ખાસ કંઈ નહીં.’ ના સમજાયું…રહેવા દો..આમે મારી જીંદગી ‘કૈસી હે પહેલી..હાય…એ…’ જેવી જ છે.! હા તો વાત એમ હતી કે આજે મારો જન્મ-દિવસ હતો !

12.05 પર કાંટો આવ્યો ને મારા ઘરનો બેલ વાગ્યો…આજે તો મારોજન્મદિવસ..આપણે ફુલ રાજાપાઠના મૂડમાં..અને નસીબજોગે ભગવાને મને ‘એક પણ આંગળીએ કોઇ દેવ પૂજ્યા નહતા’ તો પણ ‘હથેળીમાં ફૂલની માફક સાચવીને રાખે ‘ એવા વરજીનું અમૂલ્ય વરદાન આપેલું. હું હજુ કંઇ એક્શનમાં આવું એ પહેલાં જ એક ઝાટકા સાથે વરદાનસમા પતિદેવ ઉભા થઈ ગયા અને બારણું ખોલ્યું..સામે જોયું તો મારું ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ…બધું મળીને ઓલમોસ્ટ 25-27 જણ…!

હવે મારો વારો હતો ઝાટકા સાથે પથારીમાંથી ઉભા થઈ જવાનો…આસ્ચ્ર્યના માર્યા મારી આંખો મટકું ય મારવાનું ભૂલી ગયેલી. મિનીટોમાં ઘડિયાળના કાંટાની ‘બ્લેક એંડ વ્હાઈટ’ દુનિયામાંથી કલરફુલ મોર્ડન ડ્રેસીસની દુનિયામાં આવી ગઈ. બધાએ મને બર્થડે-વિશ કરવા મારા બેડરુમમાં જ હલ્લો કર્યો. મારો રુમ પળની ગણત્રીઓમાં તો સ્પ્રે અને ફ્રેશ ફ્લાવર્સની સુગંધથી મહેંકી ઉઠયો. એક મિત્રએ મને મોટા રુપેરી રંગનું તારાનું કાર્ડ આપ્યું. તરત જ મને યાદ આવ્યું કે હું અવાર-નવાર માધુરીનું ‘મુજ કો ચાંદ-તારે દો…ઓર સારે લાકે દો’ ગીત ગણગણતી હોવું છું તો આ મિત્ર આકાશમાંથી તો મારા માટે સાચો તારો નહી લઈ આવ્યો હોય ને..? આમે ‘નાસા’વાળાએ જાહેરાત કરેલી છે ને કે ‘આજકાલ આકાશમાંથી તારાઓની સંખ્યા ઓછી થઈ રહી છે.’ અને વળતી જ પળે મારી મહાન વિચારધારા પર હોઠના એક ખૂણે કોઇની નજર ના પડે એમ એકલા-એકલા હસી લીધું.

સાચું કહું તો મને હવે મારી જાત પર થોડી શરમ આવવા લાગી. હવે બહુ વિચારો મા કે, આમાં શરમાવા જેવું શું વળી…આ તો ખુશીની વાત..! તમે બધા તો મારા વ્હાલા વાચક મિત્રો..તમારાથી શું છુપાવવાનું? વાત જાણે એમ ને કે મને કદી કોઇની બર્થડે કે મેરેજ એનીવર્સરી જેવી મહત્વની તારીખો યાદ જ ના રહે. ઘણીવાર મેં એવા નિયમિત બનવાના પ્રયત્ન કર્યા છે પણ કાં તો એક દિવસ પહેલા કાં તો એક દિવસ પછી જ મારી વિશ પહોંચે…પણ દશેરાના દિવસે તો આ શુભેચ્છાઓનું ઘોડું ના  દોડે તે ના જ દોડે..! પહેલાં હું સાવ આવી નહોતી..પણ વક્તને કીયા ક્યા હસી સિતમ…ખબર જ ના પડી કે આ બધી ટેવો કયારે બગડવા લાગેલી. પછી તો મારા મહાન મિત્રોએ પણ મને મારી આ મહાન કુટેવ સાથે જ ‘હું જેવી છું એવી જ’ સપ્રેમ સ્વીકારી લીધેલી. એ લોકો એમના ખાસ દિવસોએ મને સામેથી ફોન કરે કે મેસેજ કરી દે…’આજે આ તારીખ છે..આ પ્રસંગ..તો આપશ્રીની શુભેચછાની બહુ જ ઉત્કટતાથી રાહ જોવાય છે.’ અને હું ઉંઘમાંથી સફાળી બેઠી થઈ હોવું એમ એમને મારી શુભેચ્છાઓથી નવડાવીને મારો ગિલ્ટીભાવ થોડો ઓછો કરી દઊં. આમ ને આમ યેન કેન પ્રકારેણ..મારી આ કુટેવ સચવાઈ જતી.

મારી વર્ષગાંઠ પર મારો વિચાર પણ એવો જ હતો કે મારા મિત્રો-સ્વજનોને હું એમની જેમ જ સામેથી મેસેજ કરીશ અને કહીશ કે, ‘અલ્યા જલ્દી મને વિશ કરો…મારો જન્મદિવસ તમારી શુભેચ્છા વગર ખાંડ વગરના કંસાર જેવો ફીક્કોફસ્સ છે’ પણ આ તો ઉલ્ટી ગંગા વહી. એ લોકો કેક- કાર્ડસ – ફ્લાવર્સ –ગિફ્ટસ લઈને સામેથી મારા ઘરે આવીને મને મોટી સરપ્રાઈઝ આપી દીધી. આ પળે દુનિયાની સૌથી ‘બિનવ્યવહારુ માનવી’હું જ હોવું એવી લાગણીએ મારા મન પર સજજ્ડ રીતે કબ્જો જમાવી દીધો.

ડ્રોઈંગરુમમાં અગાઉથી કરાયેલ પ્લાન મુજબ ચોતરફ આકર્ષક કેન્ડલ સળગાવાઈ ગઈ .અને એના ઝાંખા પાંખા સુવર્ણ અજવાશમાં ટીપોઈ પર મારી મોસ્ટ ફેવરીટ ‘સીઝનલ ફ્રૂટસ’ની ઓછા ક્રીમ અને ગળપણવાળી કેક મૂકાઈ ગઈ..કેક કટીંગ..ફોટોગ્રાફની ફ્લેશ પર ફ્લેશ..વ્હાલ ભર્યા આલિંગન સાથે પ્રેમાળ શુભેચ્છાઓનો ધોધ વહેવા  માંડ્યો.

દોસ્તો અને ફેમિલી મેમ્બર્સના પ્રેમભર્યા સેલીબ્રેશનથી હું મારી જાતને કોઇ સ્ટેટની રાજકુમારી જ સમજવા લાગી હતી. બર્થડેની ઉજવણીનો પણ એક નશો હોય છે. જોકે આ નશો નિર્દોષ હોય છે એટલે નશાબંધીની ચિંતા કર્યા વગર જેના પણ ભાગે આવો પ્રસંગ આવે ત્યારે દિલ ખોલીને નશો કરી લેવાનો.. બિંદાસ થઈને ઝૂમી લેવાનું. કોઇ કાકાની પણ હિંમત નથી કે તમને રોકે કે ટોકે. આ નશો ઓલમોસ્ટ રાતના 2 વાગ્યા સુધી મારા પર અવિરતપણે વહેતો રહ્યો…હવે બધાની આંખો ઘેરાવા લાગી એટલે પોતાનું કામ પૂરતી નિષ્ઠાપૂર્વક બજાવ્યાની સંતોષભરી લાગણી સાથે બધા છૂટા પડ્યાં. મારી આખી રાત એ નશામાં જ વીતી.

સવારે મોબાઈલમાં મેસેજીસ, ફોન કોલ્સ, ઇમેલ, ફેસબુક…બધ્ધે બધી જગ્યાએ અધધધ પ્રમાણમાં જન્મદિવસની મુબારકબાદીઓ…ગણ્યા ગણાય નહી, વીણ્યા વીણાય નહી તો ય મારા લેપટોપમાં – મોબાઈલમાં માય ! કોઇ જ જાતની ઓળખાણ વગરના લોકો પણ નિ:સ્વાર્થભાવે કેવી સરસ શુભેચ્છાઓ પાઠવતા હતા અને એક હું કે…

મનોમન એક ગાંઠ વાળીને નક્કી કર્યુ કે હવે પછી હું પણ મારા મિત્રોની જેમ એમની મહત્વની તારીખો યાદ રાખીશ. ‘એમાં મારી પાસે કોઇ જ ઓપ્શન નથી’ જેવું મોણ નાંખીને વિચાર થોડો મજબૂત પણ કર્યો.

મિત્રો, વિચારો છો શું ? મારા જીવનમાંથી લાપરવાહીનું આ એક પાસું ઓછું થાય, પ્રેમભર્યા સંબંધો  વ્યવસ્થિત સચવાય અને હું પણ તમારા જેવી જ એક વ્યવહારુ માનવી બની શકુ એની શુભેચ્છાઓ આપી દો ચાલો.. તમે લોકો પણ ખરા છો…મારે બધું સામેથી કહેવું પડે છે તમને..!

-સ્નેહા પટેલ.

અડધા બિસ્કીટની ગજબ કહાની :


 

http://www.gujaratguardian.in/E-Paper/11-14-2012Suppliment/index.html

ગુજરાત ગાર્ડીઅન પેપર > દિવાળી સ્પેશિયલ વિશેષાંક> ટેક ઈટ ઇઝી કોલમ લેખ નંબર -17.

આજે સવાર-સવારમાં કોલેજમાં જવાનું હતું..ના..ના..બહુ ના વિચારશો મિત્રો, ફરીથી કોલેજમાં જઈને કોઇ નવો – જૂનો કોર્સ કરવાનો મહાન ઇરાદો આ મગજમાં પોપકોર્નની જેમ નહતો ફૂટતો. કોલેજોને એ બધી સજાઓમાંથી ક્યારની મુકત કરી દીધેલી..કોલેજ માટેનો પ્રેમ ,આકર્ષણ ખોદી – ખોદીને આ દિલમાંથી કાઢી નાંખેલા. હું તો મારી સિંગલ ગ્રેજયુએટની ડીગ્રી સાથે જ સંતોષપૂર્ણ જીવન વિતાવતી હતી અને ભવિષ્યમાં એ સિંગલની ડબલ ડીગ્રી કરવાના કોઇ જ ઓરતા હતા નહી. આ તો મારે મારી એક સહેલી જોડે એના દિકરાના કોલેજના એડમીશન માટે જવાનું હતું. એ એકલી હતી ને હું એદિવસે નવરી તે બેયનો મેળ પડી ગયો ને અમે પહોંચ્યા શહેરથી દૂર બે કલાકના અંતરે આવેલ આર્કીટેક્ટની સારામાં સારી કોલેજમાં.

મારા દીકરાની સ્કુલે જવાના પ્રસંગો તો વારંવાર બને પણ આ ‘કોલેજ નામની જગ્યા’એ પગ મૂક્યે વર્ષો થઈ ગયા હતાં. 10-20 વર્ષોમાં દુનિયા કેટલી હદ સુધી બદલાઈ શકે છે ! અમારી વખતની કોલેજ તો જાણે પહેલાંની બ્લેક એંન્ડ વ્હાઈટ મૂંગી ફિલ્મો જેવી જ્યારે આજની કોલેજ એટલે હોલિવુડ –બોલિવુડને પણ ટક્કર મારે એવા બ્રાંડેડ કપડાં-એસેસરીઝ –વાહન – એટીટ્યુડ સોનેરી રેપરોમાં વીંટળાયેલી રુપેરી જુવાનીયાઓની લેટેસ્ટ ટેકનોલોજીવાળી એકશન – કોમેડી- રોમાંસથી ભરપૂર થ્રીડી ફિલ્મો. સાલ્લું..આ રોજ રોજ મારે ‘અમારી વખતે તો આમ ને અમારી વખતે તો તેમ’ બોલ્યા પછી વિચાર આવે કે એમ તો આપણે એવા કેવા જૂના-ભંગાર થઈ ગયા કે દર વખતે ‘અમારી વખતે’ જેવા શબ્દો વાપરવા પડે છે..આંગળીનાવેઢે ગણીએ તો પણ માંડ 10-15 વર્ષનો ગાળો અને તોય આપણે તો સાવ ગમાર….! આ દર પાંચપાંચ વર્ષે ‘અમારા વખતે’ નું નવુનક્કોર પૂંછ્ડું લગાડવાનું..! શું જમાનો આવી ગયો છે..?

કોલેજના ગાર્ડનમાં બેફિકરાઈથી હાથમાં હાથ પરોવીને,  માથામાં માથું ઘસી ઘસીને ચાલતા લવરીયાઓને બિંદાસ કોઇ જ જાતની બીક – શરમ વગર ઘૂમતા જોઇને કોલેજ- કમ – કોઇ પિકચરના શૂટીંગ માટેના સેટ્સ જોતી હોવાની એક અનોખી લાગણી સાથે અમે બંને સખીઓએ એકબીજાની આંખોમાં આંખ નાંખીને જ પોતાના સંતાનોની દશાનો તાગ મેળવી લીધો અને કશું જ ના કરી શકવાની લાચારીનો ઉંડો શ્વાસ ફેફસામાં ભરીને પ્રીન્સીપાલની ઓફિસ શોધવાનો ભગીરથ પ્રયાસ આદર્યો.

ત્યાં મારી નજર એક ક્લાસરુમની બારી પર પડી. બધા જ કોલેજીયનો બેંન્ચીસની ઉપર-નીચે મનફાવે એમ બેઠેલા અને મોટે મોટેથી હા-હા-હી-હી કરી કરીને એક બીજાના ખભે – બરડે ધબ્બાં મારી રહેલાં. મારામાં રહેલી જીજ્ઞાસાવૃતિ સતેજ થઈ ગઈ (જેને તમે ‘પંચાત’ના લુખ્ખા-સૂકા નામથી પણ નવાજી શકો છો) હા, તો મારા આંખ – કાનને બારી વાળી દિશા તરફ પૂરેપૂરી સજાગતાથી વાળ્યાં. મારી સહેલી મને બરાબર જાણતી હતી અને મારી આ કાબેલિયતની મસમોટ્ટી ‘ફેન’ પણ હતી એટલે એણે પણ દીકરાના એડમીશનના કામને થોડું પાછ્ળ હડસેલીને એની તાકાત અનુસાર મારી સાથે એ પ્રક્રિયામાં ભાગ લેવાનો પ્રયત્ન કર્યો.

‘હું જ્યુરીમાં જઈને પાછી આવું ત્યાં સુધી તું મારી રાહ ના જોઇ શકે ?’

બ્લ્યુ જીંસના મીની સ્કર્ટ અને યલો સ્પગેટીધારક 17-18 વર્ષની છોકરી એની સ્લીવલેસ કુર્તી અને ટાઈટ જીંસમાં સજ્જ બહેનપણી પર જોરજોરથી બૂમ – બરાડા પાડી રહી હતી.

‘અરે,પણ એક બિસ્કીટ ખાધું એમાં આટલી બધી બૂમા-બૂમ કેમ કરે છે ?’ કુર્તીધારી યુવતી ઉવાચ…

‘સવાલ એક બિસ્કીટનો નથી. સવાલ તેં મને મૂકીને એકલા એકલા એ બિસ્કીટ ખાઈ લીધું એનો છે..!’

‘ અરે, પણ આ મારું બિસ્કીટ નથી’

‘તો…’

‘આ તો પેલા નિહારે એ ખાતો હતો એમાંથી મને ઓફર કર્યુ અને મેં એમાંથી એક બિસ્કીટ લીધું..બસ.’

‘ઓહ…તો તને ફક્ત તારો જ વિચાર આવ્યો એમ..એવું હોય તો બે બિસ્કીટ ના લેવાય તારાથી?’

‘તું કેવી પાગલ જેવી વાત કરે છે સાવ..’

‘હા, હવે તો હું તને પાગલ જ લાગીશ ને ! ચાલ એક બિસ્કીટ લીધું તો પણ એમાંથી મારા માટે અડધું બાકી ના રખાય,,,હું જ્યુરીમાંથી થોડીવારમાં પાછી જ આવવાની હતી ને..મને પણ ભૂખ લાગી હોય એવો વિચાર પણ ના કર્યો તેં..હુમ્મ…યુ હર્ટ મી અ લોટ..મેં તને એકલી મૂકીને મસાલામાંથી વરિયાળી સુદ્ધાં નથી ખાધી અને તું આખ્…ખું બિસ્કીટ એકલી ખાઈ ગઈ !’

અમેરિકાનું સેંન્ડી  થોડીવાર અહીં વિરામ લઈને ગયું હશે..એના ભયાનક ગોળ ગોળ વંટૉળો ચારે દિશામાં એની માયાજાળ પાથરી રહેલા.

‘વાતનું વતેસર ના કર.’

‘હા..હવે તો તને એમ જ લાગવાનું ને..તારા આવા ખાઉધરા અને એકલપેટા સ્વભાવના લીધે જ તારા બીજા નંબરના બોયફ્રેંડે તારી સાથે બ્રેકઅપ કર્યું.પણ તું હજુ ક્યાં સુધરે છે ? એક તો મંદીના સમયમાં તને માંડ લેટેસ્ટ બાઈકવાળો લલ્લુ  (બોયફ્રેંડ) મળેલો જેને તે આવા જ સ્વભાવથી ગુમાવી દીધો’

હવે પેલી કુર્તીવાળી છોકરીમાં ‘રાઉડી રાઠોડ’નો આત્મા ઘૂસી ગયો હોય એમ એ બોલી ઉઠી..

’ડોંટ એંગ્રી મી..!’.

‘તું તારા બોયફ્રેંડને સાચવીને બેસી રહે ને તો પણ બહુ છે. સમજાવી દે જે એને..જ્યારે જે ત્યારે એ મારી જોડે રોમાંટીક શાયરીઓના મેસેજીસ અને ફેસબુકમાં જાતજાતની પોસ્ટસ મૂકીને  ફ્લર્ટ કરવાના પ્રયત્નો કર્યા કરે છે..આ તો તારા લીધે એને કશું કહેતી નથી…હા…’

‘જા ને હવે…મારો રોહિત એવું કરે જ નહીં.. એ તો તને ઇર્ષ્યા આવે છે એટલે આમ બોલે છે..’

‘આ લે..જો મારા મોબાઈલમાં મેસેજ..’

બ્લ્યુ ચડ્ડીવાળીએ ઘૂઘવાતા મનથી એનો મોબાઈલ હાથમાં લઈને ‘ઇન બોક્સ’ ચેક કર્યુ તો એની સહેલી સાચી ઠરી એવું એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

ગુલાબી ચહેરો રૂની પૂણી જેવો ફીક્કો પડી ગયો..અને રીતસરનો ભેંકડો જ તાણ્યો.

એની બહેનપણીને એની દયા આવી અને એને સમજાવવા બેઠી.

‘આ છોકરાઓની જાત તો આવી જ હોય…છોડ ને હવે બધી રામાયણ..છાની રહે..ચાલ તો..ચાલ હું તને એક ‘ટેમપ્ટેશન’ કેડબરી ખવડાવું..’

ત્યાં એક સીનીયર જેવા લાગતા છોકરાએ રુમમાં એંટ્રી મારી અને એ બેયને ખખડાવ્યાં..

’તમને કંઈ ભાન બાન છે કે…કેટલી જોરજોરથી ઝગડો છો..આ તે કોલેજ છે કે તમારો બેડરુમ..ચૂપ રહો નહીતો કક્ડડ સર હમણાં આવી પહોંચ્યા જ સમજો’

કકડડ સરના નામે બેય છોકરીઓના દિમાગમાં ખતરાની ઘંટડી વગાડી દીધી અને બેય જણ ચૂપચાપ ડાહ્યાં ડમરાં થઈ ગયાં. બેય છોકરીઓ કેંટીનમાં જઈને પાંચ સમોસાની પ્લેટ અને ચા લઈ આવી અને બધાં જ જાણે કશું જ ના થયું હોય એમ ભેગા થઈને ચા – નાસ્તાને ન્યાય આપવા લાગ્યાં.

હું અને મારી સખી 5-10 મીનીટના આ મેલોડ્રામાથી હતપ્રભ થઈને એકબીજાનું મોઢું નીરખતા સ્તબ્ધ  બનીને હસવું કે ચિંતા કરવીની દ્વિધાપૂર્ણ સ્થિતીમાં ઉભા રહી ગયા.

.આ આજની જનરેશન…શું આપણા સુપુત્ર –સુપુત્રીઓ પણ ..?

અમારાથી ઉપર આકાશમાં જોવાઈ ગયું ને મનોમન બોલાઈ ગયું,

‘તારે રે ભરોસે ભવ મૂક્યો અમારો રે…તારે રે ભરોસે….!’

-સ્નેહા પટેલ.

વારાફરતી વારો આવે નાના-મોટા સહુનો :


http://www.gujaratguardian.in/E-Paper/11-04-2012Suppliment/index.html

 

gujarat guardian paper > ટેક ઈટ ઈઝી કોલમ – લેખ નંબર- નંબર-15

અમારા એક સંબંધી નામે રાજુભાઈ. આમ જુઓ તો એ મસ્તમજાના માણસ. આખો દિવસ બડ બડ બડ..કોઇ પણ ઘટના હોય કે નવી વાત તરત એમના જાદુઈ પીટારામાંથી ‘કોમેન્ટ’ નામનો જાદુઈ- ‘ઇન્ટેલીજન્ટ જીન’ નીકળ્યો જ સમજો ને !  સાચું કહું તો ટાઈમપાસ માટે ઘણીવાર મને મજા આવે પણ ઘણી વાર એ કોમેંટ્સની પાછ્ળનો એમનો સાચો ઇરાદો જોઇને ગુસ્સો પણ આવે. મજાકની એક હદ હોય અને એ દરેક માણસે સમજવી જ જોઇએ એવું હું બહુ જ સ્ટ્રીક્ટલી માનું છું.

તમારું હાસ્ય ક્યારેય કોઇનું દિલ દુ:ખાવાની સાથે ભેળસેળ થયું તો એવા સો ટચના સોના જેવા શબ્દો પણ મારે મન તો કથીર બરાબર જ.

સુખ – દુખ વહેંચી શકો તો જ મતલબના હોય એટલે આ તો જસ્ટ મેં પણ મારા અંતરમનની વાત આપ સૌ વિદ્વાન મિત્રો જોડે વહેંચી લીધી.

ચાલો,આપણે પાછા રાજુભાઈ તરફ વળીએ.

રાજુભાઈ એક ભયંકર માનસિક બિમારીના ભોગ હતાં. ભગવાન જાણે કેવા સ્થળ અને સંજોગો હેઠળ એમના મગજમાં એવું ભૂત ભરાઈ ગયેલું કે એક એમને છોડીને આખી દુનિયાના લોકોનું ડ્રાઇવિંગ ખરાબ અને ‘ઇનપરફેક્ટ’ જ છે. પ્રાથમિક લેવલ સમાન એમણે જ્યારે સાયક્લ ચલાવવાની ચાલુ કરેલી ત્યારે એ થોડા હવામાં જ ઉડતા હતાં. પોતાની માલિકીના પહેલાં વાહનની મજા જ અલગ હોય.એ લાગણી નાનપ –મોટાઈ જેવા માણસસહજ અવગુણોથી કાયમ ખાસ્સી દૂર જ હોય. આપણા રાજુભાઈ જે  એ વખતે ‘રાજીયો’ હતાં. નવી નવી કુસ્તી શીખીને આવેલા મલ્લની જેમ એ સાયકલ પર પણ દંડ – બેઠ્ક્વેડા કરતાં. ઘણીવાર   ધીમા-ધીમા પેંડલે ધીમી સીટીઓ મારતા દેવાનંદ સ્ટાઈલમાં સાયકલ ચલાવતા તો ઘણીવાર કઈ માતા માથે સવાર થઈ જાય રામ જાણે…સાયકલ પર વિચિત્ર રીતે અડધા ઉભા થઈને સાયકલ ચલાવવા લાગતા. સાયકલ જમણી બાજુ રાખીને શરીર આખું ડાબી બાજુ ઝૂલતા મિનારાની જેમ ઝૂલતું હોય…શરીર ડાબી બાજુ હોય ત્યારે સાયકલ જમણી બાજુરાખીને બેલેંસ રાખતા..મોઢા પર કોઇ ખૂંખાર યોધ્ધા જેવા જ ચિહ્નો દેખાય. આગળવાળાને ચપટી વગાડતાં’કને પાછળ પાડી દેવાનો બેનમૂન જુસ્સો.  પોતાની ‘હીરો’બ્રાંડની સાયકલ ચલાવતા એ પોતાને જ હીરો સમજી બેઠેલા. આખરે એક વાર રોંગ સાઈડ પર ચાલતા આ ‘ઝૂલતા મિનારા’ ને ટક્કકર મારીને એક સ્કુટરવાળાએ આખ્ખો જ ચત્તોપાટ પાડી દીધો.

બસ..ત્યારથી એ રાજીયાના મનમાં સ્કુટરવાળાઓ પ્રત્યે એક વિચિત્ર અણગમો, ગુસ્સો પેદા થઈ ગયેલો. દરેકે દરેક સ્કુટરચાલક એનો દુશ્મન. જેટલા સ્કુટરવાળા આવે એ બધા ઉપર એક કોમેંટ હોય..હોય ને અચૂક હોય જ. થોડા વર્ષો મમ્મી-પપ્પાનું સતત માથું ખાવાની  સ્ટ્રગલ કરીને એમણે પોતાનું સ્કુટર લીધું ત્યારે આ  ગુસ્સો થોડો શાંત થયો રાજીયા નામના ફુગ્ગામાં થોડી મોટાઈપણાની હવા ભરાઈ.

પોતે સાયકલ ચલાવતા જે સહન કરેલું એ બધાનો બદલો એ હવે રસ્તાના દરેક સાયકલ ચાલકને જાણીજોઇને ખૂણામાં દબાવીને..હેરાન કરી કરીને વસૂલ કરવા લાગ્યો.  કોઇ સાયકલવાળો એનાથી સ્માર્ટ નીકળે ને એને ગાંઠે નહી એટલે આ ભાઈ બરાબરના ફુંગરાય. આ નાના વાહનોવાળા ચલાવતા જ નથી આવડતુંને..રસ્તાની કોઇ પણ સાઈડથી ગમે ત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે..બહુ સાચવવું પડે ભાઈ આમનાથી તો..પોતે તો મરે ને આપણને પણ મારતા જાય પછી તો…સા….થી ચાલુ થઈને આ ગાળોનો રાગ છેલ્લે ‘પ’ પર પણ ના અટકે. આ ફુંગરાયેલા રાજુભાઈ એકવાર આમને આમ જ ગુસ્સામાં સામેથી આવતી એક ગાડીની જોડે અથડાઈ ગયા..કારણ..તો કંઈ જ નહીં. રાજુભાઈને જમણી બાજુ વળવાનું હતું ને એમણે ભૂલથી ડાબી બાજુની  સાઈડલાઈટ ચાલુ કરી દીધી, જેની સામેથી આવતા ગાડીવાળાએ સાડાબારી ના રાખી..અને ધડામ… સ્કુટરવાળા ફુગ્ગાની હવા એક્દમ જ ફુસ્સ…!

‘આ મોટા વાહનોવાળા તો રસ્તો જાણે એમના બાપનો હોય એવું જ સમજે છે’ જેવી નફરતની લાગણી એમના દિલના એક ખૂણે બીજ બનીને રોપાઈ ગઈ…ધીમે ધીમે એનો છોડ બનતો ગયો..મજબૂત બનતો ગયો. આખરે એક દિવસે રાજુભાઈ પોતાની કમાણીમાંથી એક નાની ગાડી ખરીદીને જ જ્પ્યા…છોડ પર વર્ષો પછી સંતોષના ફૂલ ખીલ્યાં.

જોકે એ ફૂલ બારમાસી નહતા. હાઈ-વે પર ગાડી ચલાવતા મોટી મોટી – પાવરસ્ટીઅરીંગ વાળી, લેટેસ્ટ ટેકનોલોજીવાળી ગાડીઓ જ્યારે રાજુભાઈની નાનકડી નાજુક ગાડીને બાજુમાં દબાવીને સ્ટ..ટ..ટાક દઈને આગળ વધી જતી ત્યારે આ ફૂલોને  હારની વેદનાથી કાળઝાળ ગરમી લાગી જતી અને સૂકાઈને ખરી ગયા. ગયા.કોઇ જ જાતની લાગણી હવે એમને ખુશી નહોતી આપી શકતી…’જબ દિલ હી તૂટ ગયા..અબ જી કે ક્યા કરેંગે’નો આલાપ આલાપ્યા કરતાં. રસ્તે આવતા- જતા દરેક જગ્યાએ પાર્ક કરાયેલ મોટ્ટીમોટ્ટી ગાડીઓ ઉપર હસરતભરેલ નજર નાંખીને હળ્વેથી એના પર હાથ  ફેરવી લેતાં. અંદરથી ગાળોનો એક તીવ્ર ઉછાળો આવતો…થોડી મોઢામાંથી ઢોળાઈ – રેલાઈ જતી પરંતુ રાજુભાઈનો પ્રામાણિક માંહ્યલો અંદરો અંદર મોટી ગાડીના ભરપૂર પ્રેમમાં પડી ગયેલાનું સ્વીકારતો..પ્રેમ ધીમેધીમે પાગલપણામાં ફેરવાતો ગયો. એક્વાર આ જ પાગલપણામાં પોતાની બધી બચતનો કચ્ચરઘાણ વાળી દીધો..થોડા રુપિયા મિત્રો જોડેથી ઉછીના-વ્યાજે લીધા અને આખરે એમણે એક લાલચટટ્ક મોટ..ટ…ટ..ટી ગાડી પોતાના આંગણે પાર્ક કરી ત્યારે જ જપ્યા. જાણે બારમાસી ફૂલો ખીલી ગયા..હવે તો કોઇ જ મહેચ્છા માટે જગ્યા નહતી. પ્રૂર્ણ સંતોષ !

પહેલા દિવસે જ રાજુભાઈ સારામાં સારા કપડાં પહેરી- બોડી સપ્રે  કરી મોંઘીદાટ ગાડી લઈને વટભેર પોતાની ઓફિસે જતા હતા ત્યાં તો આગળની ગલીમાંથી એક સાયકલ સવાર ઝૂલતા મિનારા સ્ટાઈલમાં ઝૂલતો ઝૂલતો – મોટી મોટી સીટીઓ મારતો નીકળ્યો. બરાબર રાજુભાઈની ગાડી આગળ જ એનું બેલેંસ ના રહેતા ધડાડામ દઈને એમની ગાડીમાં ઠોકાઈ ગયો. રાજુભાઈને ’ઉહ..આહ.આઉચ’ કરવાનો પણ સમય ના મળ્યો અને એમની ‘પ્રાણાપ્ય્રારી’ લાલ ગાડીમાં મોટો મસ ગોબો પડી ગયો. ટેવવશ મોઢામાંથી ગાળો – ટોન્ટ્સનો મહાસાગર વહેવા લાગ્યો…જેને પેલો ઝૂલતો મિનારો રોડ પર પડ્યા પડ્યાં પહેલાં રોડ પરથી ઉભા થવું કે પહેલાં આમની ગાડીના ગોબા માટે ’સોરી’ કહેવું ની અવઢવમાં બાઘો બનીને ચૂપચાપ સાંભળી જ રહ્યો.

સો વાતની એક વાત અમારા રાજુભાઈ સિવાય દુનિયાના બધા ડ્રાઈવરો નકામા-બેજવાબદાર- રેઢિયાળ…આ બધાને ડ્રાઈવિંગ લાયસન્સ જ કેમ અપાતા  હશે ? નાહક અમારા રાજુભાઈને આખો દિવસ કોમેંટ્સ…ગાળોના કાદવથી ખરડાયેલા જ ફર્યા કરવાનું ને..!

-sneha patel.

સની લિયોન – નામ હી કાફી હૈ !


ગુજરાત ગાર્ડીઅન > ટેક ઇટ ઇઝી કોલમ > લેખ નં – 6 > 26-08-2012

http://www.gujaratguardian.in/26.08.12/magazine/index.html

‘બીગ બોસ’ એની ‘સિઝન 6’ માટે ધામધૂમથી તૈયારી કરી રહ્યું છે..અશ્લીલ ભાષા, ગાળાગાળી, માનસિક વિકૃતિની સરહદો પાર કરી શકવાની  અદભુત ક્ષમતા હોય એવા વાઘ – એનાકોંડાની સામે નવા નવા- ફિલ્મોમાં પગ જમાવવા તનતોડ મહેનત કરી રહેલા હોય,પરાણે નિવૃત્તિ  અપાઈ ગઈ હોય, સાવ નવરાધૂપ હોય અને રોયલ રીતે ‘બદનામીનું ભાથું’ વેચી ‘બેલેન્સ’ બનાવવા માંગતા હોય એવા દુષ્કાળ પીડિત -માયકાંગલા પશુધન જેવા કલાકારો(?)ને ખીલે બાંધી દેવાના ! ‘બીગ બોસ’ એટ્લે એક એવો ‘રીઆલીટી(!) શો ‘-જેની આખે આખી સ્ક્રીપ્ટ પહેલેથી જ લખાઇ ગઈ હોય, વિજેતા કોણ એ પણ પહેલેથી જ નકકી થઈ ગયું હોય છતાં આપણા મૂલ્યવાન વોટ થકી જ વિજેતા નક્કી થશેના ભ્રમ સાથે આપણે મનોરંજન(!) માણવાનું.

કોઇપણ સામાન્ય માનવી ના વિચારી શકે એ અમુક સર્જકો (!)વિચારી શકે.એમાં સારા- નરસા જેવા કોઇ ધારાધોરણ ના હોય, હોય તો ફકત છેવાડાના પરિણામોથી પણ ઉપરનું વિચારી શકવાની, યેન-કેન પ્રકારે સતત ચર્ચાસ્પદ રહેવાની તાકાત.આમ હોય તો તમે ચોકક્સ એક સફળ સર્જક થઈ શકો.આ વાતને મહેશભટ્ટે અનેક વાર સાબિત કરી છે. સાથે એ કહેવતને પણ સાબિત કરી કે ‘ગુરુ કરતા ચેલો સવાયો હોય’! ઓશોએ ‘સંભોગ સે સમાધી તક’ લખ્યું ને શિષ્ય ‘સમાધી સે સંભોગ તક’ની અનંત યાત્રા કચકડાની પટ્ટી પર કંડારે છે.

આ વખતે પણ એમણે પોતાના નવા મૂવી ‘જિસ્મ- ટુ’ વખતે આવો જ ધડાકો કર્યો. એ હિરોઈન તરીકે ‘બિગબોસ’ના ઘરમાંથી ભારતીય મૂળની કેનેડીઅન નાગરિક ‘એડલ્ટ મૂવી સ્ટાર’  સની લિયોન નામની ગોરી બલાને લઈ આવ્યા જેનામાં હજુ ‘દર્શનતત્વ ’ બાકી  છે અને એ પીરસવા અંદરનો સર્જક(!) તરફડી રહયો છે.

‘દેશી બોટલમાં વિલાયતી શરાબ’ એકવીસમી સદીની બોલિવુડ ફિલ્મ ઇંડસ્ટ્રીને મહાન ભેટ !

શું કહ્યું .. ‘કર્મા ફિલ્મના ડોં. ડેન જેવી થપ્પ્ડની ગૂંજ સંભળાઈ !

ફિલ્મ રિલીઝ થવાના સમયે મહેશ ભટ્ટ ચર્ચાનો પતંગ બને એટલી ભારે દોરીએ ચગાવવા માટે જાતજાતના વિધાનો બહાર પાડીને વાવાઝોડા સર્જે જ રાખે છે. જેમ કે, સની લિયોનને ‘લવ મેકિંગ સીન’ કરતી વખતે શરમ આવે છે. જેમ બધી ‘પીળી ધાતુ’ સોનુ નથી હોતી એમ બધી ‘ગોરીચિટ્ટી ‘ એડલ્ટ ફિલ્મની હીરોઇન બેશરમ નથી હોતી

– પોઝિટીવ થીન્કીંગની જય હો.

ઝીરો સાઈઝની બોલિવુડી હીરોઇન બનવાના મરણતોલ પ્રયત્ન સાથે પૂજા ભટ્ટ પાસેથી હિંદી શીખવાની તાલીમ લઈ રહેલા આ સનીબેન આપણા વિદ્યાબેન (ડર્ટી પિકચરના લાલ સાડીવાળા બેન યાદ આવ્યું ? ‘ઉહલાલા..મૈં એન્ટરટેઈમેન્ટ હું’ ની માળા ઝપી ઝપીને મણકા ઘસી કાઢેલા એ જ) ની એક્ટીંગથી બહુ જ પ્રભાવિત છે.

‘હુસ્ન કે લાખો રંગ, કોન સા રંગ .. દેખ..ઓ..ઓ…ઓ…ગે..?’

સની લિયોન પોતાની જેમ જ અતિચર્ચીત ફિલ્મ નિર્માત્રી એકતાકપૂરને મળવા ગયેલી ત્યારે પોતાના ચાહકોની ભીડથી બચવા એ બેનને આખે આખું શરીર ઢંકાય એવો બુરખો પહેરવાની ફરજ પડેલી.

આટલો બધો સમય કપડાંનો ભાર આ બેને કેમનો સહન કર્યો હશે? ઇશ્વર પણ કેવા કેવા સ્વરૂપે પીડા આપે છે !

આ સનીબેન પરણેલા છે( પુરુષવાંચકો માફ કરે, જાણીજોઇને દિલ દુભાવવાનો કોઇ ઇરાદો નહોતો) અને નોર્મલ સ્ત્રીઓની જેમ જ એને પણ એક ડેનિયલ નામનો વફાદાર પતિ  છે. ‘જિસ્મ- 2’ની કહેવાતી સફળતાથી હરખપદુડા થઈને એ લોકો કાયમ માટે ભારતમાં- મુંબઈમાં જ રહેવાનું વિચારે છે.

ભટ્ટ જેવા અન્ય કેમ્પસ માટે આઠેય પ્હોર આનંદના.

મૂવીના શૂટિંગ વખતે પોતાના ચાહકોથી બચવા સની પોતાના પતિની આંગળી પક્ડીને ચાલતી હતી અને ડેનિયલ એ ભારે ભરખમ ભીડમાંથી એનો ‘બોડીગાર્ડ’ બનીને બચાવ કરતો હતો.

ત્રણ કલાકનું *આખુ પિકચર જોઇને બહાર નીકળતી વેળા  દર્શકને પાછું વળીને પોસ્ટરની  ઝલક જોવા પર પાબંદી  !

એક જ પિકચરમાં બાપ -બેટી ભટ્ટે જેને હિંદી અને એક્ટીંગ બરાબર શીખવી દીધી છે એવા સની બેને નક્કી કરી લીધું કે એ હવે ‘પોર્ન ફિલ્મ્સ’ નહી પણ  હીરોઈન તરીકેનું સન્માનજનક  કામ જ કરશે.

એમ.બી.એ થયેલો વિધ્યાર્થી સાવ દસમા ધોરણની પરીક્ષા આપવાની ઇચ્છા વ્યક્ત કરે તો કેવું લાગે ?

હજુ તો સનીબેન ‘બોલીને એક્ટીંગ કરવી પડે’  એ દિશામાં પાપા પગલી માંડી રહ્યા છે ત્યાં તો એક સ્ટ્રોંગ હરીફ એની સામે કમર કસીને ઉભી થઈ ગઈ છે.  ઈન્ટરનેટ પર પોતાના હોટ વીડીઓ અને ફોટોગ્રાફ અપલોડ કરીને ચર્ચા-વિવાદોમાં ‘સમરકંદ-બુખારા’ની સમ્રુધ્ધિનેય માત કરી દે એવી પૂનમ પાંડેની એક કરોડની રકમ સાથે’ આઇ એમ 18’ (પ્રેક્ષકોના હવે પુરા ૧૨ વાગવાના નક્કી ) નામની સાઈન કરેલ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે.

એક તો ગ્લોબલ વોર્મિંગની તકલીફ છે એમાં આવી તીવ્ર હરિફાઈની ગરમીનો ઉમેરો. ઉફ્ફ..કોઇ પંખો ચાલુ કરો પ્લીઝ…

સનીબેનના એક ઇન્ટરવ્યુ પર નજર નાંખતા ખ્યાલ આવ્યો કે આ તો જીવનની જન્મધુટ્ટી પી- પચાવીને બેઠી છે..
– અભિનેતા અને પોર્ન અભિનેતા વચ્ચે મુખ્ય તફાવત શું હોય છે?

આ તો લોકોની મનની મૂંઝવણો હોય છે બાકી આ બે વચ્ચે કંઈ ખાસ તફાવત નથી હોતો.

સાપેક્ષ સમજ ! તમે સ્થિતીને જે પ્રમાણે જુઓ તે એવી હોય છે બરાબર અડધા ભરેલા ગ્લાસની જેમ.
– પોર્ન સ્ટારની ઈમેજમાંથી બહાર આવી શકીશ?
ના, લોકો મને આ જ ઈમેજમાં જોવાનું પસંદ કરે છે. આ ઈમેજમાંથી બહાર આવવું ઘણું મુશ્કેલ છે.-
હકીકતનો સ્વીકાર કરવાની જબરી જીગર !  સલામ એની ‘ડીમાંડ-સપ્લાયની થીયરી વાળી પાક્કી અર્થશાસ્ત્રી સમજને.
-તને ક્યારેય કાસ્ટિંગ કાઉચ (!)નો અનુભવ થયો છે?
ના, ક્યારેય થયો નથી થયો. હકીકતમાં પોર્ન ઇંડસ્ટ્રીમાં સ્ત્રીઓને પ્રેમ અને આદર આપવામાં આવે છે. બોલિવુડમાં આવું કંઈ થશે તો હું ફિલ્મોની ઓફર નહી સ્વીકારું.
હાયલ્લા, કોણ હસ્યું ! તમને ખ્યાલ નથી કે ‘કમળ હંમેશા કાદવમાં જ ઉગે છે.’
-એડલ્ટ ફિલ્મ્સમાં સીન્સ ભજવતા કોઇ મુશ્કેલી નથી અનુભવાતી ?
ના,ફિલ્મ્સમાં હું મારા પતિ સાથે હોવું એવી સાચી લાગણીથી જ સીન ભજવું છું.

લગ્નજીવનમાં દંપતિમાં અન્યોન્ય સાથે પણ બનાવટી લાગણીઓ આચરણમાં હોય ત્યાં કામને પૂરો ન્યાય આપવાના ચક્કરમાં આવી સો ટચના સોના જેવી વફાદારી ! (પાક્કી અભિનેત્રી )

-બોલિવુડની મસાલા ફિલ્મ કરવા માટે તૈયાર છે?
હા, બોલિવુડની એકદમ મસાલા ફિલ્મમાં કામ કરવા આતુર છું.

વિચારો અને વર્તનમાં કેટલું સામ્ય ! શું જોઇએ છે, જીવન કેમ જીવવું – એની દિશા-વિચારસરણી કેટલી કલીઅર કટ !

તો મિત્રો, ગ્લોબલ ભારતમાં આવા મહાન ‘સની દેવી’ પધારી રહ્યા છે. એના બધાય ભગતોનો વારો આવતો જશે એમ ઉધ્ધાર કરી- કરીને મોક્ષ અપાવતા જશે ! આ દેવીની જીવનસરણી – વિચારો પુસ્તક સ્વરૂપે બહાર પડાય તો પ્રકાશકોના ‘ઇકોતેર કુળ’ તરી જાય એ તો નક્કી.

-સ્નેહા પટેલ