દેશપરદેશ મેગેઝીન, અમેરિકા- માર્ચ 2022, નિયમિત કોલમ ‘ઓટલો’નો લેખ:
ધર્મઃ
‘આ મારા હાથમાં મોટા મસ થોથાં જેવું શું છે જાણે છે સખૈયા ? આ ધર્મનું પુસ્તક છે. મારા દાદીએ મારા મમ્મીને આપેલું ને મારા મમ્મી મને વારસામાં આપીને ગયા. પણ ખબર નહીં કેમ…મને એ પુસ્તકમાં સહેજ પણ રસ નથી પડતો. વાંચવાનું તો ઠીક પણ મને તો એ પુસ્તક ખોલવાનું સુધ્ધાં મન નથી થતું. એવું કેમ હશે મને સમજાવ ને જરા ! હું નાસ્તિક તો નથી એ તું બરાબર જાણે છે. મારું દિલ ના પાડે એવું કોઇ જ કામ હું નથી કરતી.
‘મન હ્રદયનો જ ધર્મ પાળે છે,
હું અહીં ફૂલછાબ પેઠે છું.’
આવો એક શે’ર પણ મેં હમણાં જ મારી ગઝલમાં લખેલો. આ દિલના ધર્મથી વધુ શું હોઇ શકે સખા હેં ?
મને ખબર છે કે મોટા ભાગના લોકો ભયની કે અણગમતી સ્થિતીમાં આવી પડે ત્યારે જ તને યાદ કરે, રાવ નાંખે તો સખા એ નિરાધારની સ્થિતીમાં, ‘તું એક જ મારો તારણહાર’ બોલવાનો – માનવાનો શું અર્થ ? ભયની દુનિયામાં ધર્મના થાંભલાની સ્થાપના કરે છે અને પછી કચકચાવીને, આંખો બંધ કરીને એ થાંભલાને વળગી પડે છે, ઘેટાં-બકરાંની ખાલ પહેરીને ટોળાંઓમાં ચાલ્યાં જ કરે છે. કોણ કોની આંખે કયું સત્ય નિહાળે છે એ જ મને નથી સમજાતું. કોઇની આંખ થોડી ઘણી પણ ખુલ્લી હોય તો વળી એ આ ટોળાંનો માલિક બની બેસે છે – ‘ધર્મગુરુ’ નામનું અલંકાર સજી લે છે અને પછી ઇશ્વરના દૂત બનવાને બદલે પોતે જ સ્વયં ઇશ્વર બનીને બેસી જાય છે.એમના રાજ્યમાં પછી નકરી સંકુચિતતા અડ્ડો જમાવીને બેસી જાય છે અને ધર્મના નામે કીડાઓથી ખદબદતું, વાસ મારતું ખાબોચિયું બની જાય છે. સખૈયા, તારામાં રસ પડ્યાં પછી મને દુનિયાના બધા રસ ફીક્કાં લાગે છે એ તો તું જાણે જ છે ને. તારા સ્મરણ માત્રથી મારું તનબદન, મન, આત્મા સુધ્ધાં પવિત્ર થઈ જાય છે અને હું મહેંક મહેંક થઈ જાઉં છું. તો આ ટોળાંઓ ગંધાઈ ઉઠે ત્યારે એમને એ નહીં સમજાતું હોય એ ગંધાઈ ઉઠવું એ તો માત્ર કચરાંનો જ ગુણધર્મ છે, જો એમની કાર્યશૈલી યોગ્ય અને માનવહિતના રસ્તે હશે તો એમને ચોક્કસ આનંદની અનુભૂતિના અત્તરની પહેચાન થશે જ, મન મોરના પીંછા જેવી હળવાશ અનુભવશે, ચોતરફ સંતોષ..સંતોષ અને દિવ્ય આનંદ જ વહેતો હશે. પણ ના એમને તો આવી કોઇ પડી જ નથી એ તો કાયમ ધર્મના ઇતિહાસની દુહાઈ આપવામાંથી જ ઉંચા નથી આવતા. પરિવર્તનની હવાનો તો એ લોકો કદી શ્વાસમાં સ્વીકાર જ નથી કરતાં પરિણામે એમનું તન જડતામાં જ બંધનમુકત રહે છે. ધર્મનો ઇતિહાસ ચકાસવાની વૃતિને છોડીને એના વર્તમાનમાં રસ કેમ નહીં લેતા હોય ? કાયમ એમની પ્રાર્થનામાં ભૌતિક ચીજવસ્તુઓની માંગણી કરી ને ચૂપચાપ તારી સમક્ષ અપેક્ષાઓના જંગલ ખડકીને ઉભા રહી જાય છે. હાથ પણ હલાવવો નથી અને સિધ્ધીઓની કામના કરે છે -‘सिद्धिमायातु’ ! બધો બોજો તારા પવિત્ર ખભા પર જ તો. બધું ય તું કરી આપ. એની બધી તકલીફો તું લઈ લે….બધું તું..તું ને માત્ર તું જ કર….અમે તો નિર્બળ, પરાધીન, બેબસ, બિચારા..ઉફ્ફ!
સખૈયા, તું આટલી જક્કી , ઢગલાંબંધ,સ્વાર્થી અપેક્ષાઓના બોજાંથી થાકી નથી જતો, તારું મન પણ કોઇ પવિત્ર, નિર્મળ,નિઃસ્વાર્થ,પફુલ્લિત કરી દે એવી પ્રાર્થના નથી ઝંખતું. કદાચ તારે એવી જરુર નહી જ પડતી હોય, મને એવું જ લાગે છે અને એટલે જ તું ભગવાન છું, હું તારી તકલીફો સમજી શકું છું સખા. તું મારી કલ્પના નહીં અનુભવનો , અનુભવની તીવ્રતાનો વિષય છું – તારી પ્રત્યેની મારી આસ્થા એ ફક્ત તારી અને મારી વચ્ચેની વાત છે, આખી દુનિયાને બતાવવા થતા ક્રિયાકાંડ નહીં ! બે હાથ જોડ્યાં વિના ય હું તો તને કાયમ નતમસ્તક જ !
સ્નેહા પટેલ.


