phoolchhab newspaper > navrash ni pal column > 30-04-2014
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે
-રઈશ મનીઆર.
બેંક્ની પાસબુક ભરાઈને આવી ગઈ.અખિલેશે એમાં જમા થયેલ રકમ પર પ્રેમથી આંગળીઓ ફેરવી લીધી. ટેરવાંના સ્પર્શ થકી અખિલેશની આંખોમાં સપનાનાં છોડ ઉગી નીકળ્યાં.સ્માર્ટ એલ ઈ ડી ટીવી ના સપનાંનું એક બીજ એના અંતરમાં બે વર્ષથી ઉંડે ઉંડે ધરબાયેલું હતું. એના ફળ, ફૂલ અને મ્હેંક માણવા માટે અખિલેશે તેના તમામ નાના મોટાં ખર્ચાઓ પર ખૂબ જ અંકુશ રાખેલો હતો. હજારો નાની નાની આશાઓનો કચ્ચરઘાણ બોલાવીને ખુડદો કરી દીધેલો. પણ આ બધી તકલીફો એને ખાસ દુઃખી નહતી કરી શકતી કારણ એની પાછળ એની મહાઆશા જેવું સ્માર્ટ ટીવી ઉભેલું હતું. આજે પાસબુકના આંકડા જોઇને એના દિલમાં સંતોષના ફૂલોની કુંપળો ફૂટી હતી. આવનારી ખુશીના સપના લઈને મદભરી આંખોએ અખિલેશે ઘરમાં પગ મૂકતાં જ એની પત્ની જીજ્ઞાને બૂમ પાડી,
‘જીગુ, ફટાફટ તૈયાર થઈ જા તો…’
‘અરે, પણ તમારી ચા મૂકી છે એ તો પી લો.’
‘ના, ટાઈમ નથી.’
‘ચા પીવાનો સમય નથી !’
‘હા, આજે મારે સ્માર્ટ ટીવી લેવા જવું છે. તને ખબર છે ને મેં કેટલાં વખતથી આ સપનું ઉછેરેલું છે એ. આજે એ પૂરું કરવા જઈ રહ્યો છું. જલ્દી ચાલ.’
આટલું સાંભળતાં જ જીજ્ઞાનું મોઢું પડી ગયું. હજી વર્ષ પહેલાં જ ૨૯ ઇંચનું ટીવી કાઢીને સામે ફ્લેટ ટીવી લીધેલું. હવે એ બદલીને સ્માર્ટ ટીવી…ઉફ્ફ…આ ડિવાઈસીસ બદલવાના ચક્કરો ક્યાં સુધી ચાલશે ? આ ચકકરો એને કોઇ બચત જ નથી કરવા દેતું.
‘અખિલેશ, આ બધું થોડું વધારે થઈ જાય છે એવું નથી લાગતું ? સ્માર્ટ ફોન, ટચ સ્ક્રીન લેપટોપ, સ્માર્ટ ફ્રીજ અને હવે આ સ્માર્ટ ટીવી ?’
‘જીગુ, લેટેસ્ટ ટેકનોલોજીનો વપરાશ તો કરવો જ જોઇએ ને …આપણે એવું ના કરી શકીએ તો બીજાઓ આગળ કેવાં ડોબા લાગીએ ? આજકાલ તો બધા સ્માર્ટ સ્માર્ટનો જમાનો છે.’
‘અખિ, ફોન વાત કરવા માટે હોય છે. એ તો આપણે પેલાં લાલ – કાળા ચકરડાંવાળા ડબલાંથી પણ કરી જ શકતાં હતાં ને ? એ પછી જે જગ્યાએ હોઇએ ત્યાંથી કોન્ટેક્ટમાં રહેવા મોબાઈલ આવ્યાં , એ પાછા કલર વાળા થયાં અને હવે નેટ-એપ્લીકેશન્સ વાપરી શકીએ એવા ટચ સ્ક્રીન. એમાં ય સ્ક્રીનની સાઈઝ, ફોન જાડો – પાતળો.. જેવાં ગતકડાં ચાલ્યાં જ કરે ! વળી એ બધું સ્મૂધ ચાલે એના માટે નેટનું કનેક્શન જોઇએ, એની સ્પીડના સારા પ્લાન જોઇએ. આવું જ ટીવીમાં…ટીવી પાસે કોમ્પ્યુટરનું કામ લઈ શકો એવા સ્માર્ટ ટીવી…આ ચકકરો ક્યાં અટકવાનાં ? ક્યાં સુધી ઉત્પાદકોની માલ વેચવાની, નવું નવું શોધીને નવા નવા ગતકડાં કાઢ્યા કરવાની રીતોના ગુલામ રહીશું ? હવે આપણાં સંતાનો પણ મોટાં થઈ રહ્યાં છે એમના ભાવિ માટે કોઇ બચત જેવું કરવાનું હોય કે નહીં ?
‘જીગુ…એ તો…એ તો…’
અખિલેશ પાસે કોઇ દલીલ નહતી. એની નબળાઈ એને પણ ખ્યાલ હતી અને જીજ્ઞા જે કંઇ બોલી રહી છે એ વાત સાથે એ પણ સહમત જ હતો.
‘અખિ, તું ઇનફ સ્માર્ટ છે જ. આમ ડિવાઈસીસ, અતિઆધુનિક ટેકનોલોજીનો આધાર લઈને તારી સ્માર્ટનેસ બતાવવાના ચક્કરોમાં હતાશા, ડિપ્રેશન, બેફામ ખર્ચા જે કદાચ દેવામાં પણ પલટાઈ શકે એના સિવાય કંઇ જ હાથ નહીં લાગે. હું ટેકનોલોજી કે વિકાસની વિરોધમાં નથી પણ એની પાછળ આંધળૂકિયાં કરવાના વિરોધમાં છું. તમારી લગન, કોમન સેન્સ, મહેનત,પોતાની જાત પર પૂરતો વિશ્વાસ હોય તો દુનિયામાં તમે ક્યાંય પાછા ના પડો. અત્યારનો સમય આપણે કમાઈને બચત કરવાનો સમય છે જેને બચત કરીને સાચવીશું, સંતાનોના ઉછેર પાછળ વાપરીશું તો ભાવિમાં ઉગી નીકળશે બાકી આમ વાંઝણી સ્માર્ટનેસની પાછળ દોડ્યાં કરીશું તો આપણી હાલત ધોબીના કુત્તા જેવી થઈ જશે – ન ઘર કા ન ઘાટ કા. પ્લીઝ આખિ, હવે સંભાળ જાતને, કોઇ પણ વાતનો અતિરેક નહીં સારો.’
અને અખિએ એની બેગ ડોઇંગરુમમાં મૂકીને જીજ્ઞાને કહ્યું.
‘જાવ હવે ચા લઈ આવો, કીચનમાં ઠંડી થઈ રહી છે.’
અનબીટેબલ : જેને વાપરીને પૈસા કમાઈ શકીએ એ ખરી સ્માર્ટનેસ કહેવાય બાકી પૈસા ખર્ચીને સ્માર્ટનેસ નથી ખરીદી શકાતી.
-સ્નેહા પટેલ.