પુરુષ અને ગમગીની


પુરુષ ગમગીન હોય ત્યારે સાવ ચૂપ થઈ જાય છે કાં તો ગુસ્સામાં આવીને હિંસક. કોઈની પાસે સ્પષ્ટપણે વાત કરી દિલ ખોલીને વાત કરવી, જીવ હળવો કરવો એવું બધું એને સામાન્યતઃ નથી ફાવતું. કોઈ વ્યક્તિના સ્પોર્ટ કરતાં એને સફેદ, છાતી – ફેફસાં બાળી કાઢતો કડવો ધુમાડો કે પછી પેટમાં આગનો કૂવો ખોદી કાઢતો દારૂનો સાથ વધુ પસંદ પડે છે. વિચારશીલ પુરુષો વળી ભગવાનમાં બહુ માનતા ના હોય એટલે એમને આવા કડવા સમયે ભગવાન સામે કોઈ ફરિયાદ પણ હોતી નથી. એકલા એકલા જાતમાં ઊંડે ઊંડે ખૂંપીને એ વિચાર્યા જ કરે છે, વિચાર્યા જ કરે છે અને અંતે થાકીને બધી સમસ્યા ભૂલીને બેહોશ થઈ જાય છે. કદાચ બેહોશીનો એ આલમ એને એની સમસ્યાના સમાધાન બતાવતો હશે..રામજાણે…પણ પુરુષોને ફૂંકી કાઢવું, પી જવું, ઠોકી દેવું એ બધું કોઈની સાથે વાત કરવા કરતાં વધુ સરળ લાગે છે.
-સ્નેહા પટેલ.

રાતીચોળ વાત


એક રાતીચોળ વાત દિલમાં દુઃખે છે,
નસેનસમાં ધસમસ કરીને વહે છે
નથી બોલી શકાતી
નથી સમજાવી શકાતી
રૂંવે રૂંવે લીલા કાંટાઓ ઉગી નીકળે છે
હાથ – પગ થરથર કાંપે છે
ચોમેર લીલા-પીળા ચકરડાં ગોળ ગોળ ફર્યા કરે છે.
ત્વચા ફાડીને કંઈક હમણાં બહાર ફેંકાઈ જશે
ગળામાં ખારો ખારો દરિયો ઉછાળા મારે છે
અને
આંખેથી એક અશ્રુ
સરકીને ગાલ પર દદડે છે.

-sneha patel

મીઠડાં જમાનાની કડવી વાતો.


Phoolchhab newspaper > navrash ni pal column > 17-09-2014
The-New-Generation-4ff4d6b476bd4_hires

जलने के किस शौक में पतंगा,

चिरागो को जैसे, रातभर ढूंढता है !

 

अजीब फितरत है उस समंदर की,

जो टकराने के लिए, पत्थर ढूंढता है !

अज्ञात.

 

રચનાના વિશાળ અને વૈભવશાળી, પરદાથી સજાવાયેલ એરકન્ડિશન્ડ બેડરૂમમાં વાયરા, તડકા, આકાશ, રાત દિવસના તફાવત, ધૂળ,અસ્વછતાને કે કોઇ જ ઘોંઘાટ – ખલેલને દાખલ થવાની છૂટ ન હતી. અત્યાધુનિક સગવડો ધરાવતી આ ભવ્યકેદમાં છેલ્લાં અઠવાડિયાથી અસહ્ય લાચારી બળજબરીથી દાખલ થઈ ગઈ હતી. લાચારીથી કોસો દૂર રહીને ઉછરેલ રચનાને આજે જીવનનો આ નવો રંગ સહન નહતો થતો. ગૂંગળામણ હદ વટાવતી જતી હતી અને આંખમાં ચોમાસું બેસું બેસું થઈ રહ્યું હતું. મગજ ડાયવર્ટ કરવા છેવટે રચનાએ ટીવી ચાલુ કર્યું.

ટીવીમાં ચેનલો ફેરવતા ફેરવતા રચનાની નજર એક ચેનલ પર ચોંટી ગઈ અને જાણે શ્વાસ લેવાનું ભૂલી ગઈ હોય એમ સ્થિર થઈને એ પ્રોગ્રામ જોવા લાગી.ટીવીના સ્ક્રીન પર ખોડાયેલી આંખોથી જોવાતા કાર્યક્રમનો એક એક અક્ષર એના જ દિલની હાલત બયાન કરતું હતું. આજની અતિઆધુનિક – સ્વછંદ પેઢીની અને એમની પાસે લાચાર એવા એમના પેરેન્ટસની.

સત્તર અઢાર વર્ષની યુવતી એના મા – બાપને પોતે એની સાથે ભણતા મિત્ર સાથે ‘લીવ ઇન રીલેશનશીપ’માં રહેવા જવાની વાત કરતી હતી. મિત્ર પૈસાવાળો હતો અને પાર્ટટાઈમ જોબ પણ કરતો હતો. કારણ એક જ કે, બંનેને હજુ આગળ ભણવું હતું ને કેરિયર બનાવવી હતી એટલે પરણવાની ઉતાવળ કે બચ્ચા કચ્ચાની ઝંઝટમાં નહતું પડવું.

 

અને માંડ માંડ દબાવી રાખેલ રચાનાના આંસુ ધોધમાર વરસી પડયાં.

 

‘રે એની એકની એક વ્હાલુડી, એની મીઠડી ઢીંગલી ત્વિશા…હજુ તો હમણાં જ જે પા પા પગલી કરતાં શીખી હતી. બા..બા..મા..મા..બોલતા શીખી હતી અને જોતજોતામાં વીસ વર્ષની થઈ ગઈ ખ્યાલ જ ના રહયો અને આજે એ એક છોકરા સાથે લીવ ઇન રીલેશનશીપ…છી..છી…આવો વિચાર પણ કેમ આવતો હશે આ લોકોને ?’

 

ત્યાં જ ધૈવત – એના પતિએ રુમમાં પ્રવેશ કર્યો. ધૈવત પણ ત્વિશાના આકરા નિર્ણયથી પરેશાન હતો. પણ ત્વિશાની જીદ સામે એની કે રચનાની એક પણ ના ચાલી. ત્વિશુ નાનપણથી જ એવી હતી – ધાર્યુ કરીને જ જપે. જોકે ત્વિશા સ્માર્ટ અને મજબૂત મનોબળવાળી હતી. એના નિર્ણયોની જવાબદારી પોતાના માથે લઈને એને સહન કરી લેવાની તાકાત પણ ધરાવતી હતી. પણ આ તો આખા જીવનની – આબરુની વાત હતી. એમાં કોઇ ચાન્સ કે તકને સ્થાન ના હોય. સમજી વિચારીને એક જ વાર નિર્ણય લઈ લેવાનો હોય. પણ વાત સમજવા તૈયાર હોય એને કોઇ સમજાવે ને ! ત્વિશા તો એનો નિર્ણય કહીને એમને એક અઠવાડીઆની મુદ્દત આપીને બેસી ગઈ હતી. આજે ત્વિશાને જવાબ આપવાનો છેલ્લો દિવસ હતો. વળી વન-વે રસ્તાની જેમ પ્રત્યુત્તરમાં ‘ના’ ને તો કોઇ સ્થાન જ નહતું. દિલ કાઠું કરીને ધૈવતે રચનાની સાથે વાત ચાલુ કરી.

‘રચુ, આ આજની પેઢી પ્રમાણમાં પ્રામાણિક તો ખરી કેમ ?’

આગ વરસાવતી નજરે રચનાએ ધૈવત સામે જોયું અને ધૈવતે એને અનદેખી કરીને વાત આગળ ધપાવી.

‘જો ને રચુ, તને તો મારા મમ્મી પપ્પા એમની લવસ્ટોરી આખો દિવસ સંભળાવે છે, તને તો ખબર જ છે ને કે એમણે ભાગીને પ્રેમલગ્ન કરેલા ત્યારે સમાજમાં કેવી હોહા થઈ ગઈ હતી…એ પછી આપણે પ્રેમલગ્ન કર્યા ત્યારે એ વાત સામાન્ય થઈ ગઈ હતી. બે ય પક્ષના વડીલોએ તપાસ કરીને પાત્ર યોગ્ય લાગતા આપણને પરણાવી દીધા હતાં. એમને ખબર જ હતી કે એ લોકો ના પાડશે તો ય આપણે તો પરણવાના જ. એમણે ‘હા’ પાડ્યા વગર છૂટકો જ નહતો. ‘

‘ધૈવત, તું કોની સાથે કોને કમ્પેર કરે છે એ તો જાણે છે ને ? આપણે પરણવા માટે બળવો પોકાર્યો હતો. જ્યારે આપણી લાડલી તો એમાં ય એકસપરીમેન્ટ કરવાની છૂટ માંગે છે. લગ્ન જેવા સંબંધોમાં ય ‘ટ્રાયલ એન્ડ એરર’ થોડી હોય ?’

‘રચના, તને ખ્યાલ છે આપણે ત્વિશાના લગ્ન માટે વિચારતા ત્યારે આપણા થનારા જમાઈની જન્મકુંડળીના બદલે આપણે એની હેલ્થકુંડળી જોવા પર વધુ ફોકસ કરવાનું વિચારતા હતાં.’

‘હા ધૈવત, આજકાલ એઈડ્સ ને બધા જાતજાતના રોગો અસ્તિત્વમાં આવ્યાં છે એટલે થનારા જમાઈની સ્વસ્થતા વિશે થૉડા સજાગ રહેવું જ પડે ને.’

‘તો રચુ, આ પેઢી આપણાંથી ય થોડું આગળ વિચારે છે. એક બે મુલાકાતોમાં મુરતિયો નક્કી કરીને નાની ઉંમરમાં પરણી જવું કે નાની ઉંમરે થયેલ આકર્ષણ એ ખરેખર પ્રેમ છે કે નહીં એ બાબતમાં શ્યોર થવા માંગે છે. આપણે તો પરણ્યાં પછી એક બીજાને સમજતા થઈએ ત્યાં સુધીમાં તો છોકરાંય થઈ જતાં એટલે એના ભાવિ માટે ય મને કે કમને આપણી સંસ્કૃતિ આપણને પડ્યું પાનું નિભાવી લેવાનું રહેતું. જ્યારે આજકાલના છોકરાંઓને પોતાની કેરિયર બનાવવામાં, પોતાના પગ પર ઉભા રહેવામાં વધુ રસ છે. કેરિયરના રસ્તામાં લગ્ન આડે આવે છે. પણ વધતી ઉંમર અને શરીરની માંગ સામે એ લોકોએ પોતાની સમજ મુજબ જ આ ‘લીવ ઇન રીલેશનશીપ’નો રસ્તો કાઢયો છે. પરણ્યાં પહેલાં બે ય એકબીજાને બરાબર રીતે જાણી સમજી લેવા માંગે છે જેથી લગ્ન પછી પસ્તાવાનો કે રોદણાં રડવાનો વારો ના આવે. લગ્ન કરી લીધા પછી તેઓ સંપૂર્ણ રીતે એકબીજાને પ્રામાણિક થઈને રહેવાની ઇચ્છા ધરાવે છે. આપણી આજુબાજુ જીવાતા સેંકડો અણસમજુ લગ્નજીવનમાં લગ્ન પછીના લફરાંઓની ઘટનાથી તું ક્યાં અજાણ છે ? એવી છેતરપીંડી કરતાં ખુલ્લેઆમ પોતાના વિચારો જાહેર કરીને મનગમતા વ્યક્તિ સાથે રહેવાની ઇચ્છા ધરાવનારા લોકો વધુ પ્રામાણિક એવું તને નથી લાગતું ?’

‘ધૈવત, તું આમ વાતો ના કર, ત્વિશાનો પક્ષ ના લે. જે ખોટું છે એ છે…છે ને છે જ…’

‘હા રચુ, એમનો નિર્ણય ખોટો તો છે જ. લગ્ન પહેલાં આવી છૂટછાટો લેવી એ સહેજ પણ યોગ્ય નથી અને મારું દિલ કે સંસ્કાર સહેજ પણ નથી માનતાં. આશા રાખીએ કે એનો કોઇ વચ્ચેનો રસ્તો નીકળે. પણ આ પેઢીની એક વાત બહુ ગમી કે એ અપ્રામાણિક સહેજ પણ નથી. આ પેઢી પોતે પડવા માંગે છે ને પછી જાતે ઉભી થવામાં માને છે. એમને ભૂલો કરીને એમાંથી શીખવું છે. બહુ મજબૂત અને સમજુ છે આ લોકો. વળી આપણી ‘હા’ કે ‘ના’થી એમને કોઇ જ ફર્ક નથી પડવાનો. આપણી જેમ ઇમોશનલ ફૂલ્સ પણ નથી એ. તો પછી આપણી પાસે કોઇ ઓપ્શન જ ક્યાં છે…પડવા દે એને…અને જ્યારે જાતે ઉભી ના થઈ શકે ને આપણી મદદ માંગે ત્યારે આપણો ટેકો દઈ દેવાનો. બાકી આ આઝાદ પંછીઓ આપણા પાંજરામાં પૂરાવાથી રહ્યાં. એમને એમના આકાશમાં ઉડવા દે ઉદાર મને શકયતાની એક તક આપ એમને . બની શકે એની જાતે પોતાની સાચી મંઝિલ શોધી પણ લે..આમ જીવ ના બાળ.’

‘હા ધૈવત, તારી વાત સાચી છે. પંખીને આત્મવિશ્વાસી ને આત્મનિર્ભર બનાવવા એને જાતે જ ઉડવા દેવું પડે. આપણે બહુ બહુ તો રાહ ચીંધી શકીએ પણ ઉડવાનું તો એમણે જાતે જ હોય છે.’

અનબીટેબલ : માનવી સુખી થવાના પ્રયત્નો છોડી દે છે ત્યારે એ ખરેખર સુખી થઈ જાય છે.

તારા વગર..


loneliness

શબ્દો ખોવાઈ ગયા છે
ભાવ રિસાઈ ગયા છે
પ્રાસ પણ ગોટાળે ચડી ગયા છે
તારા વગર…કવિતા શું લખું ?

દિવસો ઉગે છે..આથમે છે
વર્ષોના વર્ષો વહી જાય છે
મારી ઘડિયાળનો કાંટો એક જ જગ્યાએ અટકી ગયો છે.
તારા વગર…એને પુર્નજીવિત કઈ રીતે કરું?

જગત આખું એકબીજા જોડે વાત કરે છે
હાથમાં હાથ મિલાવી મુલાકાત કરે છે
આનંદ- કિલ્લોલ કરી છુટા પડે છે
તારા વગર… ઘરની બહાર નીકળીને કોને મળું ?

ચોમેર હવાની હરફર છે
વૃક્ષો ઝૂમે છે
પંખીઓ ચહેંકે છે
ફૂલો મહેંક વહેતી મૂકે છે
તારા વગર… શ્વાસ ભરીને શું કરું ?

-સ્નેહા પટેલ

ઉદાસીનો સૂરજ


 મિત્રો.આ બ્લોગ જગત નિરાળું છે..કોઈ જ જાણ-પહેચાન વગર આ એક વડીલ મિત્રએ કેટલી સરસ સહિયારી રચના બનાવી કાઢી.(જોકે સહિયારીમાં મારું યોગ-દાન તો ફક્ત એક શેર પૂરતું જ છે)એ તો આ વડીલશ્રીની ખેલદીલી કે એમણે સામેથી ઈમેઈલ કરીને મને જાણ પણ કરી અને મારું નામ આ રચનામાં લખ્યું અને પૂરે પૂરો શ્રેય મને આપ્યો..બાકી મારો તો એક ઘડીનો વિચાર અને એમણે કેટલી મહેનત કરી નાખી આના માટે..ખૂબ ખૂબ આભાર ભજમનજી..કંઈ જ ના ઉમેરતા એ પોસ્ટ એમ ની એમ જ અહીં મારા બ્લોગ પર મૂકુ છું.આવી નાની નાની વાતો લખવા માટે એક પ્રેરણા પૂરી પાડે છે.બસ એ જ તો મજા છે આ બ્લોગ જગતની.

ઉદાસીના સૂરજ આથમે એવી,

આથમણી કોર ક્યાંથી લાવું..??” 

                                                               – સ્નેહા-અક્ષિતારક

મન મોતી ને કાચ સંધાય એવી

પતંગની દોર ક્યાંથી લાવું ??

વેરાન વગડો ને તપતી રેતી
કળાયેલો મોર ક્યાંથી લાવું ??

સૂની છે યમુના, સૂનું વૃંદાવન
માખણનો ચોર ક્યાંથી લાવું ??

સૂમસામ ભાલને ઢાંકે એવી
પાલવની કોર ક્યાંથી લાવું ??
 
ઉદાસીના સૂરજ આથમે એવી,
આથમણી કોર ક્યાંથી લાવું..??” 

                           -ભજમન (21/12/2009)

( આ ગઝલનું સંપૂર્ણ શ્રેય સ્નેહાબહેન-અક્ષિતારકને જાય છે. તેઓએ અક્ષિતારક પર ગઝલ એટેક
શિર્ષક પોસ્ટ નીચે એક શેર  લખ્યો. આ પછી તેઓએ પોતાની લાગણીઓ ગદ્યમાં વ્યક્ત કરી. કોણ જાણે કેમ આ પંક્તિઓ મારા મનઃપટ પર એવી છવાઇ ગઇ કે ત્રણ ચાર દિવસ સુધી સતત ઘુમરાયા કરે. મારા મનમાં આ શેર ઘર કરીને બેસી ગયો ! ખોતરીને બહાર તો કાઢ્યો સાથે બીજા બે-ત્રણ શેર નીકળી પડ્યા કોઇની પંક્તિઓ ધાપીને લખાય તો નહિ પણ સ્નેહાબહેનની ક્ષમાયાચના સાથે આ રચના તેમને અર્પણ.  -ભજમન )

http://bhajman-vartalap.blogspot.com/2010/01/blog-post.html

ગઝલએટેક


જ્યારે કોઈ યાદ સડસડાટ રગ-રગમાં વહેતા રુધિરને સટાક.. દઈને બાજુમાં હડસેલીને પોતાની જગ્યા કરતી બળજોરીથી વહેવા માંડે છે, ત્યારે એક જીવલેણ “અશ્રુએટેક” આવી જાય છે.
  
નીચોવાઈ જવાય છે.રુંવે રુંવે પસીનાની ધારો છૂટી જાય છે.મગજ વિચાર-શ્રમથી થાકીને લોથ-પોથ થઈને સાવ ઢીલું ઢફ થઈ જાય છે.પણ…એ જળ જેવી યાદો પોતાનો જડબેસલાક પીછો નથી છોડતી.એના વશીકરણથી આપણને આખે આખા પોતાના તાબામાં કરી લે છે.મગજ વિચાર વિહીન,દિશાશૂન્ય સાવ જ શૂન્યમનસ્ક જેવી હાલતમાં આવી જાય છે.અને જાણે એક અઘરો સવાલ પૂછી બેસે છે,
 

ઉદાસીના સૂરજ આથમે એવી,
આથમણી કોર ક્યાંથી લાવું..??”
 

 
નાજુક,ખુશ્બુદાર ફુલની સુગંધ પણ નાકને જાણે અંદરથી આરપાર છોલીને,શરીરમાં પ્રવેશીને કાંટાની જેમ ખૂંચ્યા કરે.પક્ષીઓનો મધુરો કલરવ,ઝરણાનું ખળ-ખળ મીઠું સંગીત બધુંયે કાનમાં જાણે ધખધખતું સીસું રેડાતું હોય તેમ કર્ણપટલ બાળી કાઢીને જ જપશે જાણે એવું લાગે.કશું જ નથી ગમતું.ક્યાંય દિલ નથી ચોંટતું.આપણાં નજીકના અંગતોની,પ્રિયજનોની હાજરીથી પણ જાણે આંખો થાકી જાય છે..!!લાગણીમાં ક્યાંક આપણી હાલત બોલાઈ ના જવાય,આપણી નાકામયાબી લોકો સમક્ષ છતી ના થઈ જાય, દિલમાં ગુંગણામણના,લાચારીના પહાડો ખડકાઈ જાય છે.અને દિલ અંતે જાણે એક કાળો ચિત્કાર કરી ઉઠે છે.”મહેરબાની કરીને અહીથી ચાલ્યા જાઓ સૌ કોઈ.મને એકાંત આપો થોડું..”
  
 “તમારી મમત બહુ ભારે પડી ગઈ,
જીવતા રહીને શ્વાસ પણ ના લેવાય,
અમારી હાલત તો જુવો કેવી થઈ ગઈ..!”
 
 
કોઈ જ પરિસ્થિતિ સહનીય નથી હોતી..ના કહી શકાય -ના સહી શકાય..કોઈ જ વિકલ્પ નથી બચતો. જાણે કોઈ ગળે ટૂંપો દેતું હોય, હરડિયો દબાવી દેતો હોય તેમ શ્વાસ ગુંગળાતો હોય, નજર સામેથી જીવ શરીરમાંથી ચાલ્યો જતો હોય અને આપણે બેબસ લાચાર થઈને જોઈ રહ્યાં વગર જાણે કંઈજ કરી નથી શક્તા…!!
ત્યારે નીચોવાઈ ગયેલા ખિન્ન તન અને મનની સ્થિતિ થોડાક શબ્દો,વાક્યો કાગળ પર ટપકી પડે છે..ક્યારેક વાર્તારૂપે,ક્યારેક કવિતારૂપે…
 
“દિલમાંથી થોડી આહ ધીમે ધીમે સરતી ગઈ,
મિત્રોની તાળીઓ ગઝલ માની પડતી ગઈ.”
 

મિત્રો,”ગઝલએટેક” આમ જ આવી જાય છે.

સ્નેહા-અક્ષિતારક,
૭-૧૨-૦૯.

સાંજના ૭.૦૦ વાગ્યાના સમયે