Achraj – sakhaiyo


દેશ પરદેશ મેગેઝીન, અમેરિકા, નિયમિત કોલમ ‘સખૈયો’, એપ્રિલ 2022.

અચરજ

अहं सर्वस्य प्रभवो मत्तः सर्वं प्रवर्तते ।

इति मत्वा भजन्ते मां बुधा भाव समन्विता ॥

– श्रीमद्‍ भगवद्‍गीता, १०-८

‘હું સમગ્ર સૃષ્ટિનું જન્મસ્થાન છું. સમગ્ર જગત મારા થકી જ પ્રવૃતિમય છે. આ વાત સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને ભાવુક ભક્તજનો મારી, પરમેશ્વરની જ નિત્ય ઉપાસના કરે છે.’

શુભ સવાર સખૈયા,

રોજ સવારે મારી નજરે અનેકો નવા ચહેરા અથડાય છે. નાનપણથી આ નિત્યક્રમ અચૂકપણે જળવાતો આવ્યો છે. લગભગ ચાલીસ વર્ષની મારી જિંદગી (હા હવે,બહુ હસ મા. અમે કાળા માથાના માનવી તો સામાન્ય વાતો જ કરીએ ને ? અમારું જીવન વર્ષોમાં જ ગણાય તારી જેમ યુગોમાં નહીં , વળી અમે તારી જેમ વટથી એમ ના કહી શકીએ કે ‘ જ્યારે ધરતી પર પાપનો ફેલાવો વધી જાય ત્યારે હું ફરીથી અવતરીશ’. અમારે ભાગે તો જ્યારે જે સમય આવે એને માન આપવું પડે, એ રીતે જ ચાલવું પડે ને ! ) હા, તો હું શું કહેતી હતી કે, ‘મારી ચાલીસ વર્ષની જિંદગીમાં રોજ સવારે રસ્તા પર નજર દોડાવતા કાયમ નવા ચહેરા દેખાય, દેખાય ને દેખાય જ’. હવે ચાલીસ વર્ષ એટલે ૩૬૫ ગુણ્યાં ચાલીસ એટલે લગભગ ૧૪,૬૦૦ દિવસ. એમાં આપણે ધારી લઈએ કે મેં રોજના કમ સે કમ ૧૦૦ નવા ચહેરા જોયા હોય તો આજે એની સંખ્યા કેટલી થવા જાય! 

હવે તું ગણ, થોડી તસ્દી લે અને ગણતરી માંડ. આ તો ફકત હું માણસોની જ વાત કરું છું. પશુ, પંખી, ફૂલો એ બધાંની તો કોઇ ગણત્રી જ નથી કરતી. તે હેં સખૈયા, આ મારી આજુબાજુની નાની શી જિંદગીમાં હું રોજેરોજ આ નવા નવા ચહેરાઓના દર્શન કરી શકુ છું, આટલું નાવીન્ય અનુભવી શકું છું એ એક અદભુત વાત નથી ? 

આ પ્રશ્ન કદાચ હું કોઇ કાળા માથાના માનવીને પૂછીશ તો એને હું પાગલ લાગીશ. હકીકતે અજ્ઞાનતાના સમંદરમાં ગોથા લગાવી લગાવીને જીવતા સામાન્ય દ્રષ્ટિવાળા લોકોને પોતાની અજ્ઞાનતા સમજવા, સ્વીકારવાનો સમય જ નથી મળતો. એ તો બસ ડૂબી ના જવાય એના પ્રયાસોમાં તર્યા કરવાના શ્રમમાં જ રચ્યા પચ્યા રહે છે. 

જ્યારે હું રહી સ્વશોધક ! 

માસ્ટરવર્ક ! ડૂબીને ય તરી જવાનું આવડે છે મને!  આ સ્વશોધની પ્રક્રિયામાં થોડી જીદ્દી બની ગઈ છું એવું લોકોને લાગે છે પણ હકીકત તો તું જાણે છે ને ? 

અગ્નિ, જળ, વાયુ,આકાશ અને પૃથ્વીતત્વના ગુણો ધરાવતો વ્યક્તિ મને મળી જાય તો હું તરત એને મારો ગુરુ માની લઉં. પણ ભીતરમાં સતત દીવો પ્રજવલ્લિત રાખી શકે, સતત અમીનીતરતી આંખોથી જ નિહાળે..જેની ચેતના ક્યાંય ના બંધાતી હવા સાથે જોડાયેલી હોય, આકાશની જેમ અફાટ, અસીમ હોય અને ગમે એટલી ઉંચાઈએ પહોંચીને પણ ફકત વિકસવાને જ મૂળકાર્ય સમજીને પણ પોતાના મૂળ તો જમીનમાં જ ખોડી રાખતો હોય એવો ગુરુ મળવો મુશ્કેલ છે અને એથી જ હું કોઇની વાત આસાનીથી માની નથી શકતી કે જે પણ વિચારું એ બધું કોઇને કહી નથી શક્તી. મારે તો હું  ભલી ને મારો સખૈયો તું ભલો. મને તો તું કાયમ મારી આસપાસ સંપૂર્ણપણે ચેતનવંતો જ લાગે છે. તારી એ ચેતનાને કારણે જ આજે હું તને આ પ્રશ્ન પૂછી શકી છું કે, ‘રોજ રોજ નવા નવા ચહેરા દેખાય એ અદભુત વાત નથી ?’

અને પછી આંખો મીંચીને તારા ઉત્તરની રાહ જોવું છું. મને ખબર છે તું મારી વાત પર પહેલાં કાયમની જેમ હસીશ જ પણ પછી મ્રુદુ હાસ્યના ફૂલો વેરીને તું મને ઉત્તર પાઠવીશ જ. તારી પાસે મારી વાત માન્યા સિવાય કોઇ રસ્તો જ ક્યાં છોડું છું હું ! તને બાંધવા માટે મારી પાસે ‘લાગણીપાશ’નું એક અદભુત શસ્ત્ર જે છે .. હા, તો હવે તું શું કહે છે એ સાંભળવામાં ચિત્તને લગાવું છું.

હવાના ઝાંઝર પહેરીને રણઝણ ચાલે તું મારી પાસે આવે છે હું સાંભળી શકું છું. સૂર્યકિરણોની ગરમીમાંથી તારા નેહ-અમી પસાર થઈને આકાશના ફલક પર સતરંગી મેઘધનુ બનાવી દે છે અને એની પાછળથી તારી દિવ્યવાણીના સૂર રેલાય છે. તું પણ પાછો મોટો કલાકાર, તારી વાણીમાંથી મને એક જ જવાબ સંભળાય છે કે,

‘ આ બધી કડાકૂટ રહેવા દે ને સખી, બધી વાતોનો મર્મ જાણી લેવામાં કોઇ જ મજા નથી. જે જેમ છે એને એમ જ સ્વીકારીને શાંતિથી અચરજથી ભરપૂર જિંદગી જીવ ને ! શું કામ દરેક પ્રશ્નોના ઉત્તર શોધવાની પળોજણમાં પડવાનું !’

હા, હવે હું બરાબર સમજી ગઈ, આ સૃષ્ટીના અચરજને દિલ ખોલીને માણીશ અને ફકત માણીશ જ. એના રહસ્યોના તાગ મેળવવાનો પુરુષાર્થ કરીને એની સુંદરતા નહી મારી કાઢું !  

સ્નેહા પટેલ.

ફૂલ નહીં ફૂલની પાંખડી- સખૈયો


ફૂલ નહીં – ફૂલની પાંખડી !

સખૈયા- કેમ છે મારા વ્હાલાં? હું થોડો સમય તારાથી દૂર થઈ ગઈ હતી એના માટે માફી માંગું છું, પણ સખા તારાથી દૂર થવા પાછળનું એક કારણ હતું, શું – એ તો તું જાણે જ છે ને ? તારાથી શું છુપું હોય વળી?

મારા જીવનદાતા – મારા પૂજ્ય પિતાજી- મારા જીવનદાતાનું મૃત્યુ થયું અને હું અંદરથી ભાંગી ગઈ – થોડી હાલી ગઈ. થોડા સમય પહેલાં અચાનક જ તેં મારી માતાને તારી પાસે બોલાવી લીધેલી અને ટૂંકા સમયમાં પિતાજીને પણ.. વારું, હવે બોલાવી જ લીધા છે તો એમનું – એમના આત્માનું ધ્યાન રાખજે, મારી ભલામણોની થોડી લાજ રાખજે હોં કે!

આમ તો હું કદી તારી પાસે કશું માંગવાની ઇચ્છા ના રાખું, પણ આ વાત એવી છે કે એમાં મને તારા સિવાય કોઇ જ મદદ ના કરી શકે. મને એ પણ ખબર છે કે મારા માતા-પિતાને એમના કર્મોને યોગ્ય ફળ જ ભોગવવું પડશે અને પછી તેઓ કોઇક નવા વાઘા પહેરીને નવો જન્મ લઈને આ પૃથ્વી પર પરત ફરશે. વળી મૃત્યુ વિશે – એના પછીની અવસ્થા વિશે નાનપણથી મેં જાત-જાતનું ને ભાત-ભાતનું સાંભળ્યાં જ કર્યું છે એમાં કેટલું સાચું – કેટલું ખોટું મને કશું જ નથી ખબર ! જેટલાં માણસો એટલી કલ્પનાઓ હોય, જેને જે ઠીક લાગ્યું હોય – જેના થકી પોતાના દિલને થોડી શાતા મળતી હોય એ વાતોને એમણે માન્ય રાખી હોય એવું બની શકે. મને પણ આ ‘આત્મા અમર’વાળી વાત જચી ગઈ અને મારા દિલને સમજાવવા માટે આ બહાનું ઠીક લાગ્યું એટલે માની લીધું બાકી સાચું ખોટું તો તું જાણે !

અરે, મૂછમાં હસીશ મા ! મને ખબર છે કે તું શું વિચારે –
એમ જ ને કે, ‘પગલી,એમ તો તેં મને પણ ક્યાં જોયો છે ! ફકત મારી કલ્પનાઓ જ કરી છે ને મારા વિશે વિચારી વિચારીને મારી સંગાથે વાતો જ કર્યા કરી છે ને – હું તો સાવ પગલી જ!’

‘સખૈયા, તું પગલી કહે તો હું પગલી, મંજૂર. હું તને ખૂબ જ ચાહું છું. ઘણી વખત દુનિયા તારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે ને મને સમજાવવા આવે છે કે, ‘તું કદાચ મારા મનનો ભ્રમ પણ હોઈ શકે’. મારા પ્રેમમાં આ ‘કદાચ’ જેવો શબ્દ મને થોડો ખટકે છે. તું છે કે નથી એવા કોઇ જ વિચારોની ઝંઝટમાં હું પડવા નથી માંગતી. મારા માટે તો તું મારો સૌથી અંતરંગ સખૈયો છે બસ, વાત ત્યાં જ પૂર્ણ. અલ્પવિરામ, વિરામચિહ્ન જેવું કશું જ મને ના ખપે – ખપે છે તો ફકત ને ફકત દીર્ઘ સંતોષવાળું પૂર્ણવિરામ ! કારણ, સખૈયા, હું પ્રેમ કરવા માટે જ જન્મી છું. મારી અંદર અનંત પ્રેમની ગંગા વહે છે, એ ગંગા મારે વહાવવી જ પડે – એનો મારી પાસે કોઇ બીજો રસ્તો જ નથી. હું પ્રેમ ના કરું તો કદાચ હું જીવીત નહીં રહી શકું – કદાચ નહીં – ચોકકસપણે જ ! જે ક્ષણોએ એ ‘વહેવું’ બંધ થાય એ ક્ષણે મારા શ્વાસોછવાસ બંધ થઈ ગયા છે એમ સમજી લેજે !

પ્રેમ કરવાથી મને એક અજબ જોમ મળે છે, અદભુત તરંગો મળે છે. ‘પ્રેમ’ ની વ્યાખ્યા કરવા માટે કાયમ શબ્દોની શોધમાં રહેતા લોકો ઘણીવાર મને વામણાં લાગે છે, એમને એક વાર કહેવાનું મન થઈ જાય છે કે, ‘ભલા માણસ, પ્રેમને જીવવાનો હોય, એને જીરવતાં શીખવાનું હોય. એના જેવી પ્રચંડ શક્તિને તમે શબ્દોના ખાબોચિયામાં ક્યાં બાંધવા બેસો છો ? એમાં ક્યાં સમય વેડફો છો !

પ્રેમ કરતાં જે અનુભવ થાય એ તો વર્ણવવું શક્ય જ નથી , આ જે લખ્યું એ બધું તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી સમ જ છે ! એનો સ્પર્શ થાય ત્યારે મારા મનમાં ચોવીસ કલાક મંદ સપ્તકના ઘેરાં ઘેરાં સૂર વહ્યાં કરે છે, એક અનોખી ચેતના મારા રુદિયાને, રોમેરોમને પ્રકાશી દે છે, મનના પેટાળમાં સુસુપ્ત અવસ્થામાં વસેલી સર્વ આહલાદક વીજળીઓ પળભરમાં ચેતનવંતી થઈને ખિલખિલાટ હસીને બીજીવારના પ્રેમભર્યા અનુભવની રાહ જોતી’ક ને પાછી નિંદ્રામાં પોઢી જાય છે , કોઇ કાનમાં આવીને મહામંત્ર ફૂંકી જાય છે અને હું ઘેલી બનીને એનો જાપ કરતી કરતી મારી મસ્તીમાં મસ્ત બની જઉં છું . મારી દુનિયા ત્યાં જ સ્થગિત થઈ જાય છે. હું કોણ – તું કોણ ને દુનિયા શું – બધું ય ભૂલી જઉં છું. કશું જ યાદ નથી રહેતું ને હું યાદ રાખવું – ભૂલી જવું જેવા વ્યર્થ પ્રયત્નોથી મુકત થઈને ઝૂમ્યાં જ કરું છું. ચારેકોર હોય છે તો ફકત શૂન્યતા – પરમ શૂન્યતા જ્યાં હું હળ્વી ફૂલ થઈને મોરપિચ્છની જેમ હવામાં તર્યા કરું છું, વાંસળીના સૂરની જેમ બજ્યાં કરું છું.

હવે અહીં જ અટકવું પડશે સખૈયા – કારણ મારી એ સર્વોચ્ચ આનંદની સ્થિતી વર્ણવતાં હું એ સ્થિતીમાં જ પહોંચી ગઈ અને એ આનંદ જતો કરવા હું સહેજ પણ તૈયાર નથી, તો આવજે – ટા..ટા…!
મળ્યાં પછી આમ જ !
-સ્નેહા પટેલ.

Darshan – sakhaiyo


દર્શન:

મારા ઈશ્વર સાથેના સંવાદો:

સખૈયા..હે સખૈયા…
કેમ છે ? અહીં તો રાતનો સમય છે. અમારા વિશ્વમાં તો તું જાણે ને – રાત પડે એટલે અંધારું જ થઈ જાય.આમ તો માંહ્યલી કોર જાતજાતનાં નૃત્યો થકી અંધારું તાંડવ ખેલતું જ હોય છે, પણ રાત પડે એટલે બહાર પણ અંધારુ થઈ જાય છે.

અત્ર – તત્ર સર્વત્ર અંધકાર.

અંધારામાં સામાન્યતઃ લોકોની આંખોમાં નિંદ્રાદેવી રુમઝુમતા પ્રવેશ કરીને પોતાનું શાસન સ્થાપી રુઆબ સાથે એમનો પ્રભાવ વિખેરવા લાગે ,પણ ખબર નહીં કેમ રાતના અંધારામાં મને તું સતત યાદ આવ્યા કરે છે! હું સતત એ અંધારામાં ઊંડી ઉતરીને તારો પ્રકાશ શોધવા મથામણ કરતી રહું છું. કોઇક વાર સફળ થાઉં છું ને કોઇક વાર નિષ્ફળ પણ જાઉં છું, પણ જ્યારે સફળ થઇ જાઉં ત્યારે જાણે જન્મારો સફળ થઈ ગયો એવું જ અનુભવું છું.
આજે પણ અંધકારમાં મેં મારો એ પ્રયાસ ચાલુ કર્યોં. વિચારો બહુ વિચિત્ર હોય છે. જેટલાં દબાવીએ એટલાં વધુ જોરથી ઉથલા મારે ને મારા મગજમાં પણ આજે સવારે મેં જોયેલું એક દ્રશ્ય ઉથલો મારી ગયું.

સખા…લોકો કહે છે કે તું મંદિરમાં વાસ કરે છે, તે હેં – આ વાત સાચી કે ? અમારા ઘરની નજીક એક નવું મંદિર બન્યું હતું. હું બહુ દિવસથી ત્યાં ‘જઉં જઉં’ કરતી હતી પણ મેળ નહતો પડતો. આજે સવારે એ કામ પૂરું કર્યું. વહેલી સવારના ઊઠીને ઝાકળભીનાં વાતાવરણમાં હું મંદિરે ઉપડી જ ગઈ . સૂર્યદેવતાના કોમળ કિરણોમાં ચોમેર વાતાવરણ પણ પ્રફુલ્લિત જણાતું હતું જાણે આગલા દિવસના ઘોંઘાટનો થાક ઉતારીને આળસ મરડીને ના બેઠું હોય! આસોપાલવ, મોગરો, રાતરાણી જેવા વૃક્ષોના પાંદડાની ઝીણી ઝીણી મર્મર પણ સાંભળી – અનુભવી શકાતી હતી. ઠંડી ને નિર્મળ હવાનો સ્પર્શ થતાં રોમે રોમે ટેકરીઓ ઉપસી આવતી હતી – મનમાં આનંદના ઝરાં ફૂટી નીકળતાં હતાં. હું મારા સખાને મળવા જતી હતી ને !

મંદિરમાં તો તને આ લોકોએ કેદ કરીને રાખ્યો હશે એટલે મૂર્તિરુપે તો તું ત્યાં મળી જ જઈશ એવો વિશ્વાસ હતો. નહીંતર તું તો રહ્યો મારો મનમોજી મિત્ર – લાખ કાલાવાલા કરું તો ય ના આવે અને ફકત આંખ મીંચીને તને વિ્ચારી લઉં તો ય તું સાક્ષાત આવીને ઉભો રહી જાય.

મંદિરનું પ્રવેશદ્વાર અદભુત હતું. આરસમાં ઝીણી ઝીણી કોતરણી અને એમાં લાલ – લીલાં – ભૂરાં રંગો પૂરેલા હતાં. લાકડાંના નકશીકામવાળા મોટાં મસ કમાડમાં પિત્તળના ચકચકીત કડાં લટકતાં હતાં. મંદિરમાં અંદરની બાજુ ચોતરફ આરસ જ આરસ – શ્વેત ધવલ આરસથી સમગ્ર વાતાવરણ નિર્મળ ને પવિત્ર લાગતું હતું. છત પર ષટકોણની ડિઝાઈનમાં કાચ જડેલાં હતાં ને એની ફરતે લાલ ભૂરાં કલરની કોતરણીવાળાં લાકડાં. બે ખૂણામાં બે તોતિંગ ઘંટ લટકતાં હતાં અને સામે જ ભંડારાની પાછળ તું બિરાજમાન હતો..અહાહા.. મારો સખા સાક્ષાત! ગુલાબ, જાસૂદ, મોગરો જેવાં ફૂલોની ચાદર પર ધૂપસળીની ધૂમ્રસેરમાંથી તારા મુખારવિંદની આછી ઝલક જોવા મળી જ ગઈ. તારા મસ્તકની ફરતે અનોખી આભા નિહાળી આંખમાં હર્ષ, સંતોષના આંસુ આવી ગયા.

સખૈયા, એ ક્ષણે મને અફસોસ પણ થયો કે, “હું રોજ તારા દર્શન માટે અહીં મંદિરમાં કેમ નથી આવતી ?” આ વાતાવરણ કેટલું પવિત્ર , અલૌકિક છે અને શ્રધ્ધાથી મારી આંખો બંધ થઈ ગઈ , બે હાથ જોડાઈ ગયાં. મનનો તાર તારા તાર સાથે સંધાન કરવા જ જતો હતો ને મારું ધ્યાન ભંગ થઈ ગયું. બાજુમાં જ એક બેન એમના હાથમાં રહેલા પરચૂરણ સિક્કાં એક એક કરીને ભંડારમાં ખડકતાં જતાં હતાં. સિક્કાં ખલાસ થઈ જતાં એમણે એમના પર્સમાંથી સો સોની થોડી નોટ કાઢી અને મંદિરના એક એક ખૂણે જ્યાં પણ મૂકી શકાય ત્યાં એ નોટ મૂકવા લાગ્યાં. એમની ભક્તિથી દિલ ગદ ગદ થઈ ગયું.

‘દાનવીર કર્ણ.’

ત્યાં તો એ શેઠાણીએ એમની બાજુમાં રહેલાં ડ્રાઈવર જેવા માણસને મોકલીને એમની ગાડીમાંથી પૂજાપાનો મોટો થાળ મંગાવ્યો જેમાં ચુંદડી, પ્રસાદ ને સોના ચાંદીના દાગીના સુધ્ધાં હતાં. મંદિરમાં રહેલાં દરેક માણસની આંખો એ બેન પર સ્થિર થઈ ગઈ હતી. પૂજારી પણ એમના વૈભાવ, રુઆબથી ચકાચોંધ થઈને એમના ભણી દોડી ગયો અને તારા દર્શન માટેની લાઇનમાં ઉભા રહેલા લોકોને તદ્દન અવગણીને શેઠાણીજીને ‘આવો આવો’ કહીને આવકારવા લાગ્યો.

એનું વર્તન જોઇને મને એ ના સમજાયું કે એ પૂજારી માટે તારું સ્થાન ઉંચુ હતું કે પેલા શેઠાણીનું ? મારાથી તારી આ અવહેલના સહન ના થતાં હું તો તરત જ ત્યાંથી નીકળી ગઈ.
એ અકળામણ અત્યારે રાતે મને સૂવા નથી દેતી. સખૈયા, મંદિર – એ દર્શન માટેની જગ્યા છે કે પ્રદર્શન માટેની ? મંદિર તો સ્વચ્છ અને પવિત્ર હોય એટલું જ કાફી છે ને ! વળી સાચા દિલથી જે પણ તારા શરણમાં આવતો હોય એના કપડાં – ઘરેણાં – ગાડીને કેમ પ્રાધાન્ય અપાય છે ? હૈયાનાં અત્તરથી મઘમઘતો માનવી આમ હાંસિયામાં ખસેડાઈ જાય અને ખોટા સિક્કાં જેવા માનવીઓ વૈભવના નકલી અજવાળાથી ચળક ચળક થયા કરે..
ઉફ્ફ..સખૈયા – તારા રાજમાં આવો અન્યાય ! આ બધું તું કેમ ચલાવી લે છે ?
આંખો હવે ઘેરાઈ રહી છે. મગજ થોડું થોડું સૂન્ન થતું જાય છે. લાગે છે સજાગતાનો દોર પૂરો થવાની અણી પર છે. એક કામ કર સખૈયા – હવે તું મને સ્વપ્નમાં જ મળજે અને ત્યાં આવીને મને મારા આ સવાલનો ઉત્તર આપજે. હું રાહ જોઉં છું હાં કે..
સ્નેહા પટેલ.

ઇશ્વર


 

દરેકમાં થોડાઘણા અંશે ઇશ્વર વસેલો છે એવી દ્રઢ માન્યતાના કારણે જ હું માનવીના સો અવગુણો છોડી એક ગુણમાંથી એને શોધી કાઢવા પ્રયત્નશીલ રહું છું.

સ્નેહા પટેલ