ખાબોચિયામાંથી સમંદર તરફ..


‘આપણી અરસ – પરસ – રાજકોટ ‘ મેગેઝીનમાં’પ્રથમ વર્ષાબૂંદ ઝીલ્યાની અનુભૂતિ’ પર મારો સ્પેશિયલ લેખ.

વાદળમાંથી તડકો..ઊકળાટ..બફારો..બેરહમીથી ધોધમાર વરસી રહેલો..

‘ગ્લોબલ વોર્મિંગ-તમારું તમને જ અર્પણ !’

રોમેરોમ પસીનાની બૂંદો ફૂટી નીકળતી હતી જે ધીરે ધીરે રેલામાં પરિવર્તીત થઈને નદીધારા  બનતી જતી હતી..રુમાલ – સુગંધીદાર ટીસ્યુસ..બધુંય નક્કામું..એસીની ઉભી કરેલી ‘અકુદરતી -ઠંડક’કમાં પણ મજા નહોતી આવતી..કોઇ જ વાતે મન નહોતું ચોંટતું..અગત્યનાં કામ કરવા પડે એટલે કરી લેતી હતી..પણ મગજ તો અકળામણમાં બટેટાવડાની જેમ ‘ડીપ ફ્રાય’ થતું હતું.

કુદરત તો કુદરત એને આપણાથી કંઇ ન કહેવાય.

ત્યાં તો આભમાંથી ભગવાનનો આશીર્વાદ ટપ..ટપ..ટપાક ટપકવા માંડ્યો. ખરીને શૂન્ય થઈ ગયેલા પર્ણોમાં એક ઓર આશા સંચાર થયો. નવજીવનની લાલસામાં આકાશ સામે આંખો તાણી તાણીને એ ભૂખરી-ઠૂંઠી ડાળીઓ વર્ષાનું  એક એક બૂંદ પોતાની ઉપર ઝીલી લેવાને ઉત્સુક બની ગયેલી દેખાતી હતી. મનુષ્યની જેમ એમનામાં પણ જીજીવિષા અકબંધ સચવાયેલી દેખાતી હતી.

મારા ધ્યાન બહાર જ મારો હાથ બારીમાંથી બહાર નીકળી ગયો..આંખો બંધ અને મારા ખોબામાં વર્ષાબૂંદોની મહેરથી ખાબોચિયું ભરાઈ ગયું..બે આંગળીઓની વચ્ચેથી ટીપું ટીપું હથેળીમાંથી સરકતું અને બીજુ એ ખાલી જગ્યા પૂરી દેતું..મને આ રમત નાનપણથી અતિપ્રિય..ત્યાં એક અવર્ણનીય, મીઠી સુગંધ નાકમાં પ્રવેશવા લાગી..સુગંધ તો જાતજાતની આ ઘ્રાણેન્દ્રીયએ માણેલી પણ આ સુગંધ એ બધાથી અલગ..આ સુગંધ જ્યારે પણ મારા નાકમાં પ્રવેશે ત્યારે ત્યારે એને ખાવાનું તીવ્ર મન થઈ જાય.. ધીમા પવનની લહેરખીઓ તનને સ્પર્શીને મનના દ્વાર ખખડાવવા લાગી અને અચાનક દરેક સ્થિતીએ ભગવાન બુધ્ધની જેમ પ્રસન્ન મુદ્રા ધારણ કરી લીધી.

‘પ્રત્યેક કંટાળામાં એક પ્રસન્નતા છુપાયેલી હોય છે, જરાક પ્રેમાળ આવકાર મળવો જોઇએ બસ’

તરત જ માંહલી કોરમાંથી એક નાદ પડઘાવા લાગ્યો..

‘અરે નાદાન એસી-હીટરમાં જીવવા ટેવાઈ ગયેલા શહેરી- ફ્લેટીયા જીવ..આ હથેળીમાં શું ખાબોચિયા ભરે છે..બધીય ચિંતાઓને કોરાણે મૂકીને વાસ્તવિકતાની ધરા પર  ચાલવા માંડ..આ પ્રથમ વરસાદમાં  બધી અકળામણ ‘છ્મ્મ થઈને’ના ઉડી જાય તો મને ‘ફ્ટ્ટ..’ કહેજે..આહલાદક ક્ષણૉનો સાક્ષાત્કાર કરવો એ આપણો..માનવીઓનો જન્મસિધ્ધ અધિકાર છે..આ અધિકારનો લ્હાવો ઉઠાવી લે…આજના કોરાકટ, સંવેદનવિહીન જમાનામાં દોડાદોડ કરતાં તારા તનને બે ઘડીનો પો’રો ખાવા દે. ‘વર્ષાના જન્મ’ને વધાવ..થોડા સમયકાળ દરમ્યાન એ યૌવનમાં પ્રવેશશે એવા વાવડ છે..તને એના બાળપણથી યૌવન-પ્રવેશની પ્રક્રિયાની સાક્ષી બનવાનો રુડો અવસર મળ્યો છે… પ્રથમ વર્ષામાં ભીંજાવાનો આ અવસર સાવ જ આમ પાણીની જેમ ના વેડફ’.

અચાનક મને ભાન થયું કે આપણે માનવી કેવા પામર હોઈએ છીએ..પ્રથમ વર્ષાનું અદભુત સુખ છેક આપણાં ઘરઆંગણે રમતું હોય છે ને આપણે એને ટીવી..મોબાઈલ…નેટ..રેડિયોના સમાચારોમાં, ફેસબુક – ટ્વીટરના સ્ટેટસ  અપડેટસમાં શોધતા હોઇએ છીએ.આપણી પાસે સુખોનો ભંડાર હોય છે પણ કદાચ આપણી એ સુખ માણવાની તાકાત જ ક્ષીણ થઈ ગઈ છે.પૈસાના જંગલો ખડકવામાં, આપણાંથી આગળ નીકલી ગયેલાની ઇર્ષ્યા અને પાછળ રહી ગયેલાં ઉપર હસવામાં, પારદર્શકતા પર અહમના ધુમ્મસના આવરણ ચડાવવાનાં, સીધ્ધા સટ માણસોમાં વળાંકો શોધી શોધીને સંબંધોમાં દિવાલો ઉભા કરવા જેવા ઢગલો નિરર્થક કામોમાં બધીય તાકાત-સંવેદના વેડફી નાંખીએ છીએ..પરિણામે જ્યારે જીવન માણવાની ઘડીઓ આવે છે ત્યારે એને મજ્જાથી માણી જ નથી શકતા.

‘કુંપણો ફૂટ્યા પહેલાં તો  માનવી  ખરી જાય છે…!’

માથું ખંખેરી, વિચારોના વમળ – મનનો ધખતો સંતાપ બધું ય ધક્કો મારીને દૂર હડસેલી દીધું અને ઘરમાંથી બહાર નીકળી ગઈ. ચાતક-મોર-ટીટોડી બધાંય ભાવ હૈયે ધરીને ઋતુના પહેલાં વરસાદને આવકારો આપ્યો..રોમે રોમ એને ઝીલતી ગઈ.તન..મન..અંદર-બહાર..સઘળુંય રેલમછેલ..!

ખુલ્લા આકાશ નીચે પ્રક્રુતિની અદભુત મહેર માણતા માણતા મારી આંખો બંધ થઈ ગઇ.. ડોક ઉન્ન્ત શિરે આકાશ ભણી તણાઈ..

મારું ‘ખાબોચિયાનું વિશ્વ’ બે હાથ પસારીને જે છે એને એમ જ સ્વીકૃત કરવાની ભાવના સાથે  – પ્રક્રુતિને બાથ ભરવાની ઘેલછા સાથે ‘સમુદ્ર જેવડું’ થઈ ગયું.

સ્નેહા પટેલ.

Email id –   sneha_het@yahoo.co.in