ફૂલ નહીં – ફૂલની પાંખડી !
સખૈયા- કેમ છે મારા વ્હાલાં? હું થોડો સમય તારાથી દૂર થઈ ગઈ હતી એના માટે માફી માંગું છું, પણ સખા તારાથી દૂર થવા પાછળનું એક કારણ હતું, શું – એ તો તું જાણે જ છે ને ? તારાથી શું છુપું હોય વળી?
મારા જીવનદાતા – મારા પૂજ્ય પિતાજી- મારા જીવનદાતાનું મૃત્યુ થયું અને હું અંદરથી ભાંગી ગઈ – થોડી હાલી ગઈ. થોડા સમય પહેલાં અચાનક જ તેં મારી માતાને તારી પાસે બોલાવી લીધેલી અને ટૂંકા સમયમાં પિતાજીને પણ.. વારું, હવે બોલાવી જ લીધા છે તો એમનું – એમના આત્માનું ધ્યાન રાખજે, મારી ભલામણોની થોડી લાજ રાખજે હોં કે!
આમ તો હું કદી તારી પાસે કશું માંગવાની ઇચ્છા ના રાખું, પણ આ વાત એવી છે કે એમાં મને તારા સિવાય કોઇ જ મદદ ના કરી શકે. મને એ પણ ખબર છે કે મારા માતા-પિતાને એમના કર્મોને યોગ્ય ફળ જ ભોગવવું પડશે અને પછી તેઓ કોઇક નવા વાઘા પહેરીને નવો જન્મ લઈને આ પૃથ્વી પર પરત ફરશે. વળી મૃત્યુ વિશે – એના પછીની અવસ્થા વિશે નાનપણથી મેં જાત-જાતનું ને ભાત-ભાતનું સાંભળ્યાં જ કર્યું છે એમાં કેટલું સાચું – કેટલું ખોટું મને કશું જ નથી ખબર ! જેટલાં માણસો એટલી કલ્પનાઓ હોય, જેને જે ઠીક લાગ્યું હોય – જેના થકી પોતાના દિલને થોડી શાતા મળતી હોય એ વાતોને એમણે માન્ય રાખી હોય એવું બની શકે. મને પણ આ ‘આત્મા અમર’વાળી વાત જચી ગઈ અને મારા દિલને સમજાવવા માટે આ બહાનું ઠીક લાગ્યું એટલે માની લીધું બાકી સાચું ખોટું તો તું જાણે !
અરે, મૂછમાં હસીશ મા ! મને ખબર છે કે તું શું વિચારે –
એમ જ ને કે, ‘પગલી,એમ તો તેં મને પણ ક્યાં જોયો છે ! ફકત મારી કલ્પનાઓ જ કરી છે ને મારા વિશે વિચારી વિચારીને મારી સંગાથે વાતો જ કર્યા કરી છે ને – હું તો સાવ પગલી જ!’
‘સખૈયા, તું પગલી કહે તો હું પગલી, મંજૂર. હું તને ખૂબ જ ચાહું છું. ઘણી વખત દુનિયા તારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે ને મને સમજાવવા આવે છે કે, ‘તું કદાચ મારા મનનો ભ્રમ પણ હોઈ શકે’. મારા પ્રેમમાં આ ‘કદાચ’ જેવો શબ્દ મને થોડો ખટકે છે. તું છે કે નથી એવા કોઇ જ વિચારોની ઝંઝટમાં હું પડવા નથી માંગતી. મારા માટે તો તું મારો સૌથી અંતરંગ સખૈયો છે બસ, વાત ત્યાં જ પૂર્ણ. અલ્પવિરામ, વિરામચિહ્ન જેવું કશું જ મને ના ખપે – ખપે છે તો ફકત ને ફકત દીર્ઘ સંતોષવાળું પૂર્ણવિરામ ! કારણ, સખૈયા, હું પ્રેમ કરવા માટે જ જન્મી છું. મારી અંદર અનંત પ્રેમની ગંગા વહે છે, એ ગંગા મારે વહાવવી જ પડે – એનો મારી પાસે કોઇ બીજો રસ્તો જ નથી. હું પ્રેમ ના કરું તો કદાચ હું જીવીત નહીં રહી શકું – કદાચ નહીં – ચોકકસપણે જ ! જે ક્ષણોએ એ ‘વહેવું’ બંધ થાય એ ક્ષણે મારા શ્વાસોછવાસ બંધ થઈ ગયા છે એમ સમજી લેજે !
પ્રેમ કરવાથી મને એક અજબ જોમ મળે છે, અદભુત તરંગો મળે છે. ‘પ્રેમ’ ની વ્યાખ્યા કરવા માટે કાયમ શબ્દોની શોધમાં રહેતા લોકો ઘણીવાર મને વામણાં લાગે છે, એમને એક વાર કહેવાનું મન થઈ જાય છે કે, ‘ભલા માણસ, પ્રેમને જીવવાનો હોય, એને જીરવતાં શીખવાનું હોય. એના જેવી પ્રચંડ શક્તિને તમે શબ્દોના ખાબોચિયામાં ક્યાં બાંધવા બેસો છો ? એમાં ક્યાં સમય વેડફો છો !
પ્રેમ કરતાં જે અનુભવ થાય એ તો વર્ણવવું શક્ય જ નથી , આ જે લખ્યું એ બધું તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી સમ જ છે ! એનો સ્પર્શ થાય ત્યારે મારા મનમાં ચોવીસ કલાક મંદ સપ્તકના ઘેરાં ઘેરાં સૂર વહ્યાં કરે છે, એક અનોખી ચેતના મારા રુદિયાને, રોમેરોમને પ્રકાશી દે છે, મનના પેટાળમાં સુસુપ્ત અવસ્થામાં વસેલી સર્વ આહલાદક વીજળીઓ પળભરમાં ચેતનવંતી થઈને ખિલખિલાટ હસીને બીજીવારના પ્રેમભર્યા અનુભવની રાહ જોતી’ક ને પાછી નિંદ્રામાં પોઢી જાય છે , કોઇ કાનમાં આવીને મહામંત્ર ફૂંકી જાય છે અને હું ઘેલી બનીને એનો જાપ કરતી કરતી મારી મસ્તીમાં મસ્ત બની જઉં છું . મારી દુનિયા ત્યાં જ સ્થગિત થઈ જાય છે. હું કોણ – તું કોણ ને દુનિયા શું – બધું ય ભૂલી જઉં છું. કશું જ યાદ નથી રહેતું ને હું યાદ રાખવું – ભૂલી જવું જેવા વ્યર્થ પ્રયત્નોથી મુકત થઈને ઝૂમ્યાં જ કરું છું. ચારેકોર હોય છે તો ફકત શૂન્યતા – પરમ શૂન્યતા જ્યાં હું હળ્વી ફૂલ થઈને મોરપિચ્છની જેમ હવામાં તર્યા કરું છું, વાંસળીના સૂરની જેમ બજ્યાં કરું છું.
હવે અહીં જ અટકવું પડશે સખૈયા – કારણ મારી એ સર્વોચ્ચ આનંદની સ્થિતી વર્ણવતાં હું એ સ્થિતીમાં જ પહોંચી ગઈ અને એ આનંદ જતો કરવા હું સહેજ પણ તૈયાર નથી, તો આવજે – ટા..ટા…!
મળ્યાં પછી આમ જ !
-સ્નેહા પટેલ.

