આજની પેઢી


છેલ્લાં એક વર્ષથી કોરોનાકાળમા લોકોની જે હાલત છે એ જોઈને મને કાયમ અમે student હતા એ સમય યાદ આવે.

અમે ‘અનામત આંદોલન’નો ત્રાસ બહુ વેઠયો છે એ પછી મને અનામત શબ્દથી ચીડ ચડવા લાગેલી જે આજ સુધી બરકરાર છે. એટલે જ હું કાયમ સ્ત્રી છું માત્ર એ કારણથી કોઈ સ્પેશિયલ ફેસિલિટી આપે તો એ નથી સ્વીકારતી…એ અનામત મને અપમાન જેવી લાગે છે.
ખેર, એ એક આડવાત, મુખ્ય તો અમે જીવનનો એ સુંદર સમય થોડા ઘણા આવા સંકટ સિવાય હસતા રમતા પસાર કરી ગયા અને  જીવનના ચાર દસકા ક્યાં વહી ગયા એની ખબર જ ના પડી અને આજે…

આજે અમારા સંતાનો બે બે દસકામાં તો જીવનની કેટલી કટુતા જોઈને , સહન કરીને જીવે છે. જન્મ્યા ત્યારથી જ ભૂકંપ, પછી સુનામી…ડેન્ગ્યુ, કોરોના જેવા અનેકો જીવલેણ જાત જાતના નવા રોગો, ક્વોરેટન્ટાઈન, એકલતા,સાવચેતી, અનેક નજીકના લોકોના ફટાફટ મોત , દર્દ…ઉફ્ફ. . ભયંકર સ્ટ્રેસ વચ્ચે આ પ્રજા ઉછરી રહી છે. મને યાદ છે કે તાવ એટલે માત્ર મેલેરિયા જ હોય એ સિવાય કોઈ રોગનું નામ સુદ્ધા મેં નહોતું સાંભળ્યું અને એ 3 દિવસમાં ફેમિલી ડોકટર હિમતલાલની બે ગુલાબી ને ઘોળી ટિકડીઓ ખાઈએ એટલે મટી જાય.  મેં મારા જીવનમાં પ્રથમ બ્લડ ટેસ્ટ મારી પ્રેગ્નન્સી વખતે કરાવેલો… પ્રેશર પણ એ જ વખતે ને એ પછી પણ ખબર નહિ ક્યારે કરાવ્યો હશે…જ્યારે આજે વાત વાતમાં બ્લડ ટેસ્ટ, એક્સરે વગેરે ચણા મમરા જેટલા સહજ. હા, અમે નાસ્તામાં ચણા મમરા મોજથી ખાતા ને આજની પેઢીને એમા ખાસ રસ નથી હોતો એ વાત અલગ છે.
પણ આટ આટલા માનસિક, શારીરિક પ્રેશરમાં ઉછરતી પેઢીને જોઈને દયા આવે છે. આ સ્માર્ટ પેઢીને બધું ફટાફટ જોઈએ છે, એ મેળવવા ગમે એ પ્રકારની મહેનત કરવા પણ એ લોકો તૈયાર હોય છે પણ આ કુદરત એમાં રોજ નવા નવા હર્ડલ ઉભા કરવામાં માહેર થતી જાય છે.
જોકે નવી પેઢી ખૂબ જ સમજદારીથી આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી જાય છે, પણ આટલી નાજુક ઉંમર આવા અનુભવો માટે થોડી છે ભગવાન !
આ બચુકડાઓએ તો અત્યારે પાંખોમાં પૂરજોશમાં હવા ભરીને આકાશમાં ઉડવાનું હોય, પાણીમાં ડૂબકીઓ લગાવવાની હોય, બિનદાસપને રખડવાનું હોય, સપ્તરંગી સપના જોવાના હોય એ પૂરા કરવા મચી પડવાનું હોય….કેટકેટલું હોય…!

બીજા તો ઠીક પણ કુદરતસર્જિત આ છેલ્લી આફત હોય એમના જીવનની એવી ઈચ્છા રાખું છું.

તરવરિયણ, સ્વપ્નિલ, મસ્તીભરી જુવાની જુવાન રહે,અકાળે ચીમળાઈ ના જાય પ્રભુ…થોડું ધ્યાન રાખજે એમનું હવે..
અસ્તુ.
-સ્નેહા પટેલ.
Https://akshitarak.wordpress.com

#અનામત.


phulchhab newspaper > navrash i pal column > 19-8-2015 #અનામત.

કૈંક જન્મોની પીડાઓ આવ-જા કરતી રહે,
આંખમાં પોલાણમાંનું દર્દ બળિયું હોય છે.
-અશોક ચાવડા ‘બેદિલ’.
‘સાલ્લું…શું વાંચવાનું આ પેપરમાં ? જ્યાં જોઇએ ત્યાં અનામત – ફનામતના સમા્ચારો જ છે. બધું એક ધતિંગ જ છે. નવરા બેઠા …’ ને રવિને ગુસ્સામાં જ પેપરનો રોલ બનાવીને એને જોરથી જમીન પર પછાડ્યું.
સરવાણી બાજુમાં બેઠી બેઠી શાક સમારી રહી હતી. અચાનકના આ ધમાલથી ચપ્પા અને એની આંગળીની વચ્ચેની રીધમ ખોટકાઈ ગઈ અને ચપ્પું શાકના બદલે સીધું એની આંગળીમાં ઘસરકો કરી ગયું. લાલચોળ લોહીની હલ્કી ટશર ફૂટી નીકળી. સરવાણીએ આંગળી મોઢામાં નાંખી દીધી અને લોહી ચૂસતાં જ બોલી,
‘શું છે રવિન, સવાર સવારમાં આટલી ધમાલ શીદને ?’
રવિનનું ધ્યાન સરવાણીની આંગળી પર જતાં જ અચાનક એને પોતે જે કર્યું એના પરિણામનો ખ્યાલ આવ્યો અને થોડો છોભીલો પડી ગયો.
‘ઓહ, આઈ એમ સોરી ડીઅર. આ તો જ્યારે પણ પેપર ખોલીએ એટલે અનામતના સમાચાર જ જોવા મળે છે. આપણે કોલેજમાં હતાં ત્યારથી આ અનામત હેરાન કરતું આવ્યું છે.વારંવાર આના લીધે કોલેજમાં ધમાલ થાય, અડધી પરીક્ષાઓ પછી તોફાન થાય એટલે એ પાછી પોસ્ટપોન્ડ રાખવાની, અમુક સમયે તો આપેલી પરીક્ષાઓ ફરીથી આપવાનો વારો આવે જેવા વારંવારના છબરડાઓથી હું કંટાળી ગયેલો. શું ભણ્યાં ને શું પરીક્ષાઓ આપી એ જ ખબર નથી. આપણા દેશમાં આ અનામતનો કાકડો કાયમથી સળગ્યા જ કરે છે. જનહિતના બદલે એનો ઉપયોગ રાજકારણની જેમ જ વધુ થતો આવ્યો છે. એટલે મને આ શબ્દથી જ નફરત થઈ ગઈ છે.’
‘હા, રવિન. તારી વાત તો સાચી છે. આ અનામતના તોફાનો તો અમે ય સહન કરેલા છે. આપણા સંતાનો ય એની આડઅસર સહન કરે છે જ. આપણે ત્યાં કાયદા બને ત્યારે એનો હેતુ અલગ હોય છે અને જ્યારે એ અમલમાં આવે ત્યારે એને મારી મચડીને સહેતુક અર્થો અલગ રીતે કરાય ને વપરાય છે. ક્યાં અટકશે આ બધું કોને ખબર ? આ અનામત શબ્દથી જ મને ચીડ ચડવા લાગી છે હવે. લાયકાતના ધોરણ એ સર્વોચ્ચ, બાકી બધું ધૂળ ઢેફાં જ છે.’
‘છોડ એ બધી માથાકૂટ, ચાલ તું ગરમાગરમ આદુ ફુદીનાવાળી મસ્ત ચા બનાવી દે ને સાથે થોડા મમરાં વઘારી દેજે.’
‘હા, હું ચા બનાવીને આવું ત્યાં સુધી તમે આ શાક સમારતાં થાઓ.’ને મોઘમ હસતી સરવાણી સોફા પરથી ઉભી થઈ.
‘બદલો વાળ્યાં વિના છોડે નહીં તુ હા..’ અને રવિને હસતાં હ્સતાં છરી હાથમાં લીધી. થોડી જ વારમાં સરવાણી ચા – નાસ્તાની ટ્રે લઈને રવિન સમક્ષ ઉપસ્થિત થઈ ગઈ. ચા પીતાં પીતાં રવિનને અચાનક યાદ આવ્યું,
‘અરે સરવાણી, તારા પેલા ગીતોની કોમ્પીટીશનના પ્રોગ્રામનું શું થયું પછી ?’
‘કંઈ નહીં. મેં એમાં ભાગ લેવાની ના પાડી દીધી .’
‘કેમ એમ ? તું પાગલ થઈ ગઈ છે કે ? આ તો તારા માટે, તારી કેરિયર માટે કેટલી મોટી તક હતી ! વળી તું મોસ્ટ ટેલેન્ટેડ છે. મને એકસો ને દસ ટકા વિશ્વાસ છે કે તું આમાં ભાગ લઈશ તો જીતીશ, જીતીશ ને જીતીશ જ. તો પછી તેં ના કેમ પાડી દીધી એ મને નથી સમજાતું ? એક વાત સાંભળ સરુ, મળતી તક કદી છોડવી નહીં – જીવનમાં આગળ વધવા આ સિધ્ધાંત પર ચાલીશ તો જ સફળ થઈ શકીશ. ‘
‘રવિન, હું સફળતા કોને ગણું છુ એ તું બરાબર જાણે છે ને ! સફળતા એટલે મને મારા કામ થકી મળતો માનસિક સંતોષ અને મારા કામની યોગ્ય કદર થાય તો જ મને સંતોષ મળે. એમાં ભેદભાવની નીતિઓ ના જોઇએ.’
‘મતલબ, તું શું કહેવા માંગે છે મને સમજાયું નહીં.’ ચાનો કપ બાજુમાં મૂકીને રવિન સરવાણીની મૉઢા સામું પ્રશ્ન ઉછાળીને જોઇ રહ્યો.
‘વાતમાં એમ છે ને રવિન કે સંગીત એકેડેમીવાળાઓએ ગાયક અને ગાયિકાઓની હરિફાઈ નોખી પાડી દીધી છે. પહેલાં દિવસે સ્ત્રીઓની અને બીજા દિવસે પુરુષ ગાયકોની.’
‘તો એમાં વાંધો શું છે ?’ રવિનના મોઢા પર અસમંજસના ભાવ પથરાઈ ગયાં.
‘રવિન, હમણાં થોડી વાર પહેલાં આપણે શેની ચર્ચા થઈ યાદ છે?’
‘હાસ્તો…અનામતની. કેમ ?’
‘શું કેમ મારા બુધ્ધુરામ ! અરે, અત્યાર સુધી અમારી એકેડેમીમાં સ્ત્રી પુરુષોની સાથે હરિફાઈ થતી આવી છે. સ્ત્રીઓનો પ્રોગ્રામ અલગ ને પુરુષોનો અલગ એવો વિચાર એમના મગજમાં આવ્યો જ કેમ ? શું તેઓ અમને સ્ત્રીઓને પુરુષો કરતાં નબળી ગણે છે ?’
‘ના..ના..એવું નહીં સરવાણી. આપણા સમાજમાં સ્ત્રીઓનું એક અનોખું સ્થાન જ છે. દરેક ક્ષેત્રમાં તું જો…સ્ત્રીઓને અમુક લાભ – ફાયદા અપાય જ છે ને. એમાં ખોટું શું છે ?’
‘ના રવિન, હું સ્ત્રી છું એટલે જ મારી કળાની નોંધ લેવાય કે અમુક લાભ અપાય એ મને સહેજ પણ પસંદ નથી. આ તો મારી કળા – આવડત સામે સીધો પ્રશ્ન ઉભો થઈને ઉભો છે. પ્રતિયોગિતા કરવી જ હોય તો સ્ત્રી – પુરુષોની બધાયની એક સાથે જ કરો નહીં તો કંઈ નહીં. મને મારી તાકાત પર પૂરો ભરોસો છે કે હું એમાં વિજેતા નીવડીશ જ અને વિજેતા નહીં થાઉં તો ય કયું મોટું આભ તૂટી પડવાનું છે, બીજી વાર વધુ મહેનત કરીશ પણ માત્ર સ્ત્રી હોવાના કારણે મારી નોંધ લેવાય એ મને સહેજ પણ પસંદ નથી. આ અનામનનીતિનો હું વિરોધ કરું છું.’
‘ઓહ.તો આમ વાત છે..સરુ આઈ એમ રીઅલી પ્રાઉડ ઓફ યુ ડીઅર. કીપ ધેટ સ્પીરીટ.’ અને સરવાણીની માખણમાં સિંદુર મેળવેલા રંગની બરોબરી કરતી રાતી ઝાંય ધરાવતી હથેળીને પ્રેમપૂર્વક હળ્વે’કથી દબાવી.
અનબીટેબલઃ ‘જો’ અને ‘તો’ ની શરતોથી મળે એ સફળતા શું કામની ?
-સ્નેહા પટેલ