ઘણાં લોકોને માન આપતાં નથી આવડતું અને ઘણાંને પોતાને મળતું માન સાચવતાં નથી આવડતું.
-સ્નેહા પટેલ
ઘણાં લોકોને માન આપતાં નથી આવડતું અને ઘણાંને પોતાને મળતું માન સાચવતાં નથી આવડતું.
-સ્નેહા પટેલ
સાહિત્યજગતમાં હોવું એટલે એકબીજાની ખોદણી, પગખેંચાઈ, ઈર્ષ્યા, પગચાટણી, સ્ટેજ – નામ માટે કાવાદાવા કરવાના બદલે નવું લોકોપયોગી સર્જનકાર્ય કરવું એ મુખ્ય કાર્ય /ફરજ સમજુ છું.
થોડાંક જ સ્ટેજ -મેળાવડાંઓના અનુભવો પછી એનો મોહ સાવ ઉતરી ગયો મને. ત્યાં જઈને નેગેટિવિટી ભેગી કરવી એના કરતા ઘરમાં બેસીને સર્જનકાર્ય કરવુ વધુ પ્રિય. મેડલોની ખેવના ય નહીં એટલે આવા પ્રોગ્રામોની કોઈ જ જરૂરિયાત નહીં મારે. વાંચનારા મને શોધીને વાંચી લે જ છે ને ઉમળકા ભર્યો પ્રતિસાદ પણ આપી દે છે..આપણે રાજી રાજી
-સ્નેહા.
મારા લખાણની પ્રોસેસ વિચારતા એવું લાગ્યું કે હું ફટાફટ કોઈને સંભળાવી દેવા કે બતાવી દેવા ઉતાવળમાં બોલવાનું મોટાભાગે પસંદ ન કરું. સામેવાળાને બોલીને ( ઘણી વખત મજાકના નામે ટોન્ટ પણ હોય ) એ બોલીને ખુશ પણ થવા દઉં.. મને એમની એ વિચિત્ર ખુશીથી કોઈ ફરક નથી પડતો…મારું ખરું કામ તો એમના બોલાઈ લીધા પછી એમના વર્તન પર વિચાર આવે ત્યારે ચાલુ થાય છે ને પછી એના પર લખાય છે. બાકી મારી સૌથી મોટી પ્રશંસક કે ટીકાકાર હું પોતે જ છું એ ઘણી વખત કહી ચુકી છું. વળી મારું સત્ય મારા પોતાના માટે જ સત્ય હોય છે, બીજાઓ પણ એવું માને એવો દુરાગ્રહ ક્યારેય નથી સેવ્યો !
Phoolchhab newspaper > Navrash ni pal column >11oct,2017.
દાઢનો દુઃખાવોઃ
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત.
-રમેશ પારેખ.
કૃપા ટીવીની સામે બેઠી બેઠી ચેનલ બદલ બદલ કરી રહી હતી. મન ક્યાંય એક જગ્યાએ ચોંટતું નહતું. અંદરખાને એને થોડી નવાઈ પણ લાગતી હતી કે,’આજે એને શું થઈ ગયું હતું ? આ બધી જ ચેનલો પર અમુક તો એના ખૂબ જ ગમતા પ્રોગ્રામ આવી રહ્યાં હતાં જે ઘણી વખત એ એકલી એકલી જોઇને પણ ખૂબ જોર જોરથી હસતી હતી અને પોતાની જાતની કંપની જ એંજોય કરતી હતી, એ કાર્યક્રમ આજે એના દિલને કેમ અડકતાં પણ નહતાં ?’ મગજમાં ક્યાંક કોઇ મોટું બખડજંતર ચાલી રહેલું, કોઇ પ્રક્રિયા ખોટી થઈ રહી હતી. બાકી એ તો ખૂબ જ ખુશખુશાલ, મિલનસાર વ્યક્તિ હતી. ‘કંટાળો’ એટલે શું વળી? આ શબ્દની એને લગભગ એલર્જી હતી. પણ આજે એ કંટાળાના અજગરે એને પોતાના ભરડામાં લીધી હતી અને એ એ નાગચૂડમાંથી છૂટવા ફાંફાં મારતી હતી.
આખરે ટીવી બંધ કરીને એ પદ્યાસન વાળીને આંખો બંધ કરી, બે હથેળી ગોઠણ પર મૂકી મુદ્રામાં આંગળી વાળીને શાંતિથી બેસી ગઈ. આ એનો છેલ્લો ઉપાય હતો આ ફેલ જાય તો..તો.. ને કૃપાએ નકારાત્મક વિચારોને ઝાટકો મારીને ખંખેરી લીધા.
કૃપા એક આધુનિક, સ્વતંત્ર – પોતાનો નાનો એવો બિઝનેસ કરનારી નારી.
શાંતિથી બેઠા બેઠા એ પોતાની સાચી સમસ્યા સમજ્વા પ્રયાસ કરતી હતી અને અચાનક જ એના મગજમાં ટ્યુબલાઈટ થઈ.
‘ઓહ..તો આ વાત છે.’
વાત જાણે એમ હતી કે કૃપાને છેલ્લાં છ મહિનાથી ડહાપણની દાઢ બહુ જ હેરાન કરતી હતી. એ દાંતના ડોકટર પાસે ્ગઈ તો એમણે એ દાઢને ઓપરેટ્ કરીને કાઢી નાંખવી પડશે એમ કહ્યું હતું અને આ ‘ઓપરેટ’ શબ્દથી કૃપાના મોતિયા મરી ગયા હતાં. એણે ઘરે આવીને પોતાના પતિ વરુણને આ વાત કહી અને સાથે એમ પણ કહ્યું કે,’આવતા મહિનામાં એકાદ દિવસ સેટ કરીને તું મારી સાથે દવાખાને આવજે, કારણકે એકલાં જવાની મારી હિંમત નથી.’
અને વરુણ આ વાત સાંભળીને હસી પડ્યો.
‘અરે મારી વ્હાલુડી, તું આટલી હિંમતવાળી છું ને આજે આવી વાતો કેમ કરે છે?’
‘ઇન શોર્ટ તું મારી સાથે નહીં આવે એમ જ ને?’
‘અરે, એવું ક્યાં કહ્યું છે ?’
ને વાત ત્યાંથી આડા પાટે ફંટાઈ ગઈ. દંપતિ સમજુ હતું એટલે વાત ‘સેચ્યુરેશન પોઈંટ’ પર પહોંચે એ પહેલાં જ સચેત થઈને ચૂપ થઈ ગયાં.
એ પછી કૃપાને અનેક નાની નાની શારીરિક તકલીફ થતી તો પણ વરુણની યાદ આવતી અને વિચારતી કે,’એ કેમ મારી સાથે ના આવે? એ મને પ્રેમ જ નથી કરતો કે? એને મારી કોઇ દરકાર જ નથી ?’ અને એ પછી એની જાણ બહાર જ એના મનમાં એક પછી એક ગાંઠ બંધાતી ચાલી અને એ પોતાની દરેક શારીરિક તકલીફને અવગણવા લાગી હતી. વરુણ સાથે સમસ્યા વિશે વાત કરે અને વરુણ એના કામના ટેન્શનમાં એટલું બધું ધ્યાન ના આપે. હા એ હા કરી લે. આ વાતથી કૃપા વધુ અકળાતી.
‘જ્યાં સુધી વરૂણ મને ડોકટર પાસે લઈ જશે નહીં ત્યાં સુધી હું હવે ડોકટર પાસે જઈશ જ નહીં. જે થવું હોય એ થાય. જોઉં તો ખરી એ ક્યાં સુધી મારી તબિયત સામે આંખ આડા કાન કરે છે ?’
શારીરિક તકલીફો નાની નાની હોય ને ધ્યાન ન અપાતા વધતી ચાલી હતી અને વળી કૃપા’આ જે થાય છે એ બધાનું કારણ વરુણ જ છે’ વિચારી વિચારીને મનોમન વરુણ પર અકળાતી રહેતી. વાત રહી વરુણની તો એને તો આ આખી રામાયણની કશી જ ખબર નહતી. આમ પણ કૃપા અત્યાર સુધી પોતાના દરેક કામ પોતાની રીતે સફળતાથી પૂરા કરી લેતી હતી એટલે એના મગજમાં આવી વાત ‘કલીક’ જ નહતી થતી.
આજકાલ કૃપાને દાઢ વધુ પડ્તી દુખતી હતી, વાંકી ઉગવાના કારણે એને ખોરાક ચાવતાં ચાવતાં એ દાંત જડબાની ચામડી સાથે ઘસાતો અને છોલાઈને ત્યાં ચાંદી પડી ગયેલી હતી. બોલવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હતી. બીજી બાજુ થોડું ઘણું ચાવી ચાવીને કામ ચલાવતી કૃપાને દુકાળમાં અધિક માસની જેમ એ બીજી બાજુનો છેલ્લો દાંત ખોરાકમાં કાંકરો આવવાના કારણે અડધો તૂટી ગયો. ત્યાં પાણી પણ અડતું તો લબકારા મારતાં. ખરી તકલીફ થઈ ગઈ હતી – હવે?
ખાવાનું ખાવું કેવી રીતે ?
ટણી બહુ હતી, વરૂણને કશું કહેવું જ નથી, ભલે બધું સહન કરવું પડે. વરૂણને મોઢેથી બોલીને કહી શકાય એમ નહતું એથી હવે કૃપા છેલ્લાં અઠવાડિયાથી લીકવીડ ખોરાક પર વધુ મારો રાખતી. એને એમ કે એના ડાયેટના આ ફેરફારથી વરુણ ચમકશે અને કારણ પૂછશે. પણ ના…એવું કશું જ ના થયું. બફારામાં ઓર ઉકળાટ ભળ્યો !
બોલાતું નહતું અન સહેવાતું પણ નહતું.
અચાનક ડોરબેલ વાગ્યો અને કૃપાની વિચારધારા અટકી ગઈ. વરુણ જ હતો.
‘હાય ડાર્લિંગ, આજે ઘરે કંઇ ના રાંધીશ, ‘બાબલાં’નું નોનવેજ ખાવા જઈએ.’ સોફામાં લંબાવતા વરુણ બોલ્યો.
‘નોનવેજ !’
અને ક્રુપાના અવાજમાં ના ઇચ્છવા છતાં વ્યંગનો રંગ ભળી ગયો.
‘હા નોનવેજ. કેમ શું થયું? તને તો નોનવેજ બહુ ભાવે છે ને.’
‘હા પણ એ નોનવેજ ચાવ ચાવ કરવાનું હોય ને ?’
‘હા..હા..શું તું પણ. કેવી બાલિશ વાત કરે છે ? ચાવવાનું તો હોય જ ને.’
‘ને મારી બે ય બાજુની દાઢ મને ખૂબ જ હેરાન કરે છે. છેલ્લાં અઠવાડિયાથી હું લગભગ લીકવીડ ડાયેટ પર છું, એ વાતનો સાહેબને ખ્યાલ સુધ્ધાં છે ?’
‘ઓહ..એ તો મને એમ કે આજકાલ ગરમી વધુ છે તો એના કારણે તું લીકવીડ વધારે લે છે. આ દાઢનો દુઃખાવો છે એ વાત તો ખ્યાલ જ નથી. ડોકટર પાસે કેમ નથી ગઈ ?’
અને કૃપાની કમાન છટકી.
‘મેં તને પહેલાં પણ કહેલું કે તું નહીં આવે ત્યાં સુધી હું ડોકટર પાસે નહીં જ જઉં,મારે જાણવું છે કે તું મારી તબિયતની કેટલી ચિંતા કરે છે. તને સમય મળે તો ઠીક નહીં તો હું આમ ને આમ બોખી થઈ જઈશ. એની જાતે એક પછી એક દાંત પડશે એ તો.’
‘કૃપા, આ તું બોલે છે ? મારી મોર્ડન વાઈફ ?’
‘હા. મોર્ડન છું તો શું થયું ? મને મારો વર મારી ચિંતા કરે, ધ્યાન રાખે એ બહુ જ પસંદ છે.’
‘એવું ના કર. તું આટલી મજબૂત થઈને આવું કેમ વિચારે છે ? મારા ધ્યાનમાં જ આ વાત ના આવી કારણ કે તું તારા દરેક કામ તારી રીતે પૂરી સફળતાથી પતાવી જ લે છે. હું મારા મિત્રોને તારું ઉદાહરણ આપું છું કે મારે તારા રહેતાં ઘર, સમાજ કે છોકરાંઓ પ્રત્યે પણ ખાસ ધ્યાન આપવાનું ના રહેતું હોવાથી ધંધામાં પૂરતો સમય આપી શકું છું અને મારી એ મજબૂત પત્ની આવું વિચારે ? આજકાલ સ્ત્રી સશક્તિકરણનો વાયરો ફૂંકાય છે ત્યાં અનેક આધુનિક નારીઓ અનેક લેકચર આપે છે પણ પોતાની જાત પર દરેક પાસાથી નિર્ભર કેવી રીતે રહેવું એ વાત કહેવાય છે પણ ત્યાં પણ આ તેં કહી એ તકલીફવાળી વાત નથી કહેવાઇ. તારામાં આત્મ્વિશ્વાસ, સમજની કોઇ કમી નથી તો પછી આવી નાની શી સમસ્યા માટે તું માર પર નિર્ભર કેમ છે ડીઅર ? કાલે ઉઠીને હું નહીં હોઉં ર્તો તું શું કરીશ ?’
‘આવું ના બોલ વરુણ.’ અને ક્રુપાએ પોતાની ગુલાબી હથેળી વરુણના હોઠ પર મૂકી દીધી ને એક પળમાં તો એની આંખ છલકાઈ પણ ગઈ.
‘હું કાલે જ દાંતના ડોકટરની અપોઈન્ટમેંટ લઈ લઉં છું પગલી ને કાલે સવારે જ આપણે એમને મળી આવીએ. ઓકે.’ એની ભીની પાંપણ પર મ્રુદુતાથી હથેળી ફેરવતાં વરુણ બોલ્યો.
‘ના વરુણ, ચાલશે. યુ નો, મને છેલ્લાં બે વર્ષથી તારા મોઢેથી આ એક જ વાક્ય મકકમ નિર્ણય સાથે સાંભળવું હતું.બાકી ડોકટર પાસે કે દુનિયાના બીજા છેડે પહોંચવા પણ તારી આ બૈરીને કોઇની જરુર નથી એ વાત તું બખૂબી જાણે જ છે.’
‘દુનિયાના બીજા છેડે તું એકલી જજે પણ ડોકટર પાસે તો હું જ લઈ જઈશ’ બાકીનું વાકય,
‘તમને સ્ત્રીઓને ઓળખવામાં ભલભલા થાપ ખાઇ જાય તો મારું શું ગજુ ?’ મનોમન બોલીને જ વરુણ હસી પડ્યો.
‘ઓકે, એવું રાખીએ’ ને બાકીનું વાક્ય,
‘ તમને પુરુષોને પૈસા કમાવામાંથી ફુરસદ જ નથી મળતી એટલે અમારે સ્ત્રીઓને નાછૂટકે આવા નખરાં કરવાં જ પડે છે.’ મનોમન બોલીને પોતાની જીત પર મનોમન ક્રુપા પોરસાઈ.
ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.
અનબીટેબલઃ જીવન નામની વાનગીમાં દરેક ઘટનાના સ્વાદનું પોતાનું એક આગવું મહત્વ જ હોય છે.
સ્નેહા પટેલ
Phulchhab newspaper > 20-9-2017> navrashni pal column
મિસ પરફેક્શનીસ્ટઃ
ક્યાં કહું છું કે દાવ છોડી દો?
ખેલ ખેલો, તણાવ છોડી દો.
-ડો. મનોજ જોશી ‘મન’
શતરુપા એની કોલેજના બસસ્ટોપ પર ઉભી હતી. બસને આવવાને હજુ પાંચ દસ મિનિટની વાર હતી. શતરુપાને સમય કરતાં થોડાં વહેલા જ પહોંચી જવાની ટેવ હતી. છેલ્લી મિનિટ સુધી ઘરમાં પરવાર્યા વિના હાંફ્ળા ફાંફળા ફર્યા કરવાનું એને સહેજ પણ પસંદ નહતું. એના ઘણાં બધા મિત્રોને એવી ટેવ હતી.સવારના ઉઠીને મોબાઈલમાં માથું ઘાલીને બેસી જાય, ટીવી ચાલુ…છેલ્લે જોવા જાવ તો બસને આવવાની દસ પંદર મિનિટ માંડ બાકી હોય અને એ લોકોની બેગ ભરવાની, લંચબોકસ, વોટરબોટલ, કપડાંનું મેચીંગ બધું બાકી હોય. ઘણીવખત વહેલાં ઉઠ્યાં છતાં એ લોકોને નહાવાનું સ્કીપ કરવું પડે. શતરુપાને એવું બધું નહતું પસંદ. એને બધું ટાઈમ ટુ ટાઈમ જોઇએ.
‘મિસ પરફેક્શનીસ્ટ’
રોજ સવારે બસ સ્ટોપ પર આવીને એ વધેલી દસ મિનિટ આજુબાજુનું નિરીક્ષણ કરવામાં પસાર કરતી. એની સાથે બસમાં એક આંટી ચડતાં. તેલ નાંખીને સુવ્યવસ્થિત રીતે ઓળાયેલા વાળ, કપાળ પર બરાબર મધ્યમાં મધ્યમ કદનો ગોળ લાલ ચાંદલો, આર કરેલી અવરગંડીની સાડી, હાથમાં ટીફિન, ફાઈલ ને ખભે મરુન ચોરસ પર્સ, પગમાં કોલ્હાપુરી ચંપલ. બધું જ વ્યવસ્થિત. શતરુપાને એમને જોવાની બહુ મજા આવતી. મનોમન એ સ્ત્રીની એ મોટી ફેન બની ગઈ હતી. ઘણી વખત એ સ્ત્રી ફોન પરથી એની કામવાળી બાઈ સાથે વાત કરતી.
‘રાધા, આજે રસોડાનું કબાટ ખાલી કર્યું છે. તો ત્યાં કચરો વાળી, પોતું કરીને પેપર મૂકીને બધું સરખું પાછું ગોઠવી દેજે. પ્લેટફોર્મ પર કાલનો હાંડવો છે એ લાલ ડબ્બામાં મૂકેલો છે એ તું લઈ જજે. તારા દીકરાને બહુ ભાવે છે ને એટલે થોડો વધુ બનાવેલો.’
‘……..’ સામે છેડેથી કંઈક બોલાય અને એ સ્ત્રી આખી વાત ધ્યાનથી સાંભળે પછી જવાબ વાળે,
‘હોય હવે રાધા, એ ય પુરુષ જાતિ છે, કંટાળે ને ધોલધપાટ કરે તો સહી લેવાનું…તારે થોડું ચલાવી લેવાનું. તારી જાતિમાં તો આવું બધું ચાલ્યા જ કરવાનું બેન. એને સમજાવવાનો પ્રયત્ન કરતા રહેવાનું, અકળાવાનું નહીં.’
ઘણીવખત એ એમની સખીઓ સાથે વાત કરતી.
‘હાય બ્યુટીફુલ, ગુડ મોર્નિંગ.’
‘……’
‘હા. આજે સાંજે ધાત્રીના ઘરે ચોક્કસ મળીએ છીએ. એનો પતિ એને આમ અપશબ્દો બોલે, અપમાન કરે એ કેમનું ચલાવી લેવાય? આપણું મહિલા મંડળ એને બરાબરનો પાઠ શીખવીશું.’
એની વાતોના અમુક અંશો ઘણી વખત શતરુપાના કાને પડતાં. આજે પણ આવા બે ફોન સળ્ંગ આવ્યાં ને એમાં સાવ જ વિરોધાભાસી વાત જોઇને એ ચમકી ગઈ. એનાથી ના રહેવાયું ને એ બોલી,
‘હાય આંટી, એક વાત પૂછી શકું?’
‘બોલ ને બેટા, એક શું બે વાત પૂછ.’
‘આંટી તમે તમારી કામવાળીને એનો પતિ મારપીટ કરે છે તો પણ ચલાવી લેવા કહ્યું અને તમારી બહેનપણીને એનો પતિ અપશબ્દો બોલે છે તો પણ એની ખબર લઈ નાંખવાની વાત કરી. આ બધું મને સમજાયું નહીં. આવું વિરોધાભાસી વલણ કેમ?’
‘હા, તારી વાત સાવ સાચી છે. તને ખબર છે? માનવીના અલગ અલગ સમાજ, રીતિરિવાજો, વિચારસરણી હોય છે. એમની સમસ્યાઓનું સમાધાન આપણે એમના લેવલે જઈને શોધવું પડે. હવે આ કામવાળીને એમ કહું કે તારો વર મારે તો તારે સામે હાથ ઉપાડવાનો કે પોલિસમાં જઈને ફરિયાદ કરી દેવાની તો એ એવું કરી શકવાની નથી. કારણ એમનામાં પુરુષો વર્ષોથી આમ જ વર્તન કરતાં આવ્યાં હોય છે ને એ સ્ત્રીઓને આ બધું સામાન્ય સહજ જ લાગવાનું. એમનું માનસ આ બળવાની વાત એક ઝાટકે સ્વીકારી જ ના શકે. સૌથી પહેલાં તો એની સાથે અન્યાય થાય છે એ વાત એને સમજાવી જોઇએ અને એનો રસ્તો શોધવા આપણી પાસે આવે તો આપણે એને આગળ વધવાનો રસ્તો બતાવાય, બાકી પહેલાં એને સમજાવો કે તારી સાથે અન્યાય થઈ રહ્યો છે ને પછી એની સામે લડવાના રસ્તા બતાવવાના..આ બધા ચકકરોમાં એ કમાવા ધમાવાનું છોડીને આમાં જ પડી પાથરી રહે તો બની શકે એના છોકરાંઓને એક ટંકનો રોટલો ગુમાવવાનો વારો આવે એટલે એમના સંસારને છંછેડવાની આપણે કોઇ જરુર નથી હોતી. આપણાં સમાજમાં આજે ઘણાં ઘરોમાં માસિક ધર્મ દરમ્યાન પણ કોઇ આભડછેટ નથી પળાતી, બધી સ્ત્રીઓ આરામથી રુટિન વર્ક કરે છે, ઘણી તો મંદિરમાં સુધ્ધાં જાય છે. એ દિવસોમાં ખાવાપીવામાં વધારે ન્યુટ્રીશિયનસ ફૂડ લે છે જેથી એમને કામ કરવાની તાકાત મળતી રહે. મહિનાના પાંચ દિવસ આમ અટકી જવાનું આજકાલની નારીને સહેજ પણ ના પોસાય. પણ આ જ વાત હું મારી કામવાળીને કહું તો એની આંખો પહોળી થઈ જાય, જીભ બહાર નીકળી જાય..કદાચ બીજા દિવસથી એ મને પાપી ગણીને મારા ઘરે કામ કરવા આવવાનું જ છોડી દે. દરેકના સામાજીક, માનસિક સમજણના સ્તર અલગ અલગ હોય છે. એમની રહેણી કરણી જોઇને જ આપણાંથી વાત કરાય. હું કામવાળી બાઈ રાધાને પણ પરિવર્તનની વાતો કરું છું પણ એ જે લેવલે છે એનાથી એને એક સ્ટેપ આગળ લઈ જવાય તો એને સ્વીકાર્ય હોય. બાકી હજી એ પરિવર્તનના નામે એબીસી શીખતી, સ્વીકારતી હોય અને આપણે છેક ઝેડ કક્ષાની સલાહ આપીએ તો એને પચે નહીં અને એ સ્વીકારી પણ ના શકે. હું મારા પોતાના ઘરની વાત કરું તો મારા દીકરા અને દીકરીના કામકાજમાં કોઇ જ ફરક નહીં. દરેક માણસે ઇવન મારા પતિદેવ પણ પોતાના ઘણાં ખરા કામ જાતે કરી લે, હું નોકરી કરીને ઘરમાં આર્થિક સહાય કરું છું એટલે એ ઘરકામમાં મારો સાથ આપવાની એમની ફરજ સમજે છે. પણ આ બધું આપણાં જેવા સુશિક્ષિત અને સ્વીકારવા તૈયાર હોય એવા લોકોની વાતો. પણ કોઇનું માનસ ફ્લેક્સીબલ ના હોય તો સમાજના દરેક પરિવર્તન એણે સ્વીકારવા એવી ફરજ પાડીને એનું મગજ ના ખાવાનું હોય. વળી પરિવર્તનના નામે હક જોઇતા હોય તો આપણી સામે ફરજ પણ વધી જાય છે એનું પણ ધ્યાન રાખીને એ ફરજ બજાવવાની માનસિક – શારીરિક તૈયારી રાખવી જોઇએ. આ બધું એક ઝીગ શો પઝલ જેવું હોય છે બેટા, દરેક પીસ એની યોગ્ય જગ્યાએ ગોઠવવાની સમજણ ને આવડત જોઇએ નહીં તો આખું પિકચર બગડી જાય, વેરણ છેરણ થઈ જાય.’
‘માય ગોડ આંટી તમે કેટલી મોટી વાતો કરી દીધી. મને તો સપનામાં પણ આવા વિચાર ના આવે. હું તો કોઇ માણસ બોલે એટલે એના પરથી જ એને જજ કરી લઉં પણ આજે સમજાયું કે દરેક માણસના સમાજ અલગ અલગ હોય છે. આપણે વાત કરવા – સમજવા એ માનવીના માનસિક લેવલ સુધી પહોંચવું પડે તો જ સાચી સ્થિતીનો તાગ કાઢી શકીએ.’
‘સારું ચાલ હવે, આપણી બસ આવી ગઈ.’ અને બે ય જણ સામસામે મીઠું મરકીને બસમાં ચડી.
અનબીટેબલઃ પરિવર્તનનો પવન ધીમો પણ મક્કમ હોય, વાવાઝોડું હંમેશા વિનાશકારી જ નીવડે છે.
-સ્નેહા પટેલ.
Short tempered:
हमने भी सोकर देखा है नये-पुराने शहरों में
जैसा भी है अपने घर का बिस्तर अच्छा लगता है ।
– निदा फ़ाज़ली
કૈરવ નાનપણથી જ બહુ ગુસ્સાવાળો છોકરો હતો. પારણામાં હતો ત્યારથી દૂધની બોટલ આપતાં સહેજ પણ વાર થાય તો બોટલનો ઘા સીધો પારણામાંથી બારણામાં જ જાય. વાળ ઓળતાં એકાદ વાળ પણ ખેંચાય તો પણ પીત્તો જાય ને ભેંકાટવાનું ચાલુ થઈ જાય. સહેજ પણ સહન કરી લેવું એ સ્વભાવમાં નહીં. આખી દુનિયાનો પોતે રાજા – દુનિયા નામની પ્રજા એની મરજી અને સહૂલિયત મુજબ જ ચાલવાનું, વર્તવાનું. પોતાની સહૂલિયત – કમફર્ટ ઝોન એ કૈરવના શોખમાંથી સ્વભાવ બનતો જતો હતો.
નાનપણ તો મા બાપ, બા દાદાના વ્હાલમાં આરામથી વીતી ગયું. હવે એ પારણાની દુનિયામાંથી દુનિયાના ઉંબરે- બારણે આવીને ઉભો હતો. ઘરના વ્હાલભર્યા ને સુરક્ષિત માહોલમાંથી બહાર નીકળ્યે જ છૂટકો હતો. પરિવારજનોએ તો એના ગુસ્સાને સહન કરીને એને છાવરવાનું કામ કરેલું -આ બધું ઘર પૂરતું તો બરાબર હતું પણ ઘરની બહારના લોકોમાં કૈરવનો આ સ્વભાવ સ્વીકાર્ય નહતો થતો. એને વાતવાતમાં દરેક જણ સાથે વાંધાવચકા પડવા લાગ્યાં ને પરિણામે સોસાયટી-સ્કુલ-સમાજ બધે જ એ શોર્ટ ટેમ્પર્ડ-અણસમજુ માણસ તરીકે પંકાવા લાગ્યો.
શરુઆતમં તો લોકોનો વિરોધનો સૂર ધીમો હતો પણ ધીમે ધીમે એ વાવંટોળ બનવા લાગ્યો. લોકો વાતે વાતે કૈરવને ધૂત્કારવા – ટોકવાં લાગ્યા. કોઇ પણ વાતમાં એની કોઇ રાય પૂછાતી નહીં કે એ બોલે તો કોઇ એની વાત માનીને એનો વિશ્વાસ પણ કરતાં નહીં. એના નામનાઅ જોકસ બનાવી બનાવીને ગ્રુપમાં મેસેજીસ બનીને ફરવા લાગ્યાં. આ બધું હવે હદ બહાર થતું જતું હતું. ઘરવાળા સામે ટણીવાળો – મજબૂત બની રહેતો કૈરવ એકાંતમાં ઘણી વખત રડી પડવા લાગ્યો. ગુસ્સાને બાદ કરતાં કૈરવમાં ઘણાં બધા સારા પાસા હતાં. એ એક લાગણીશીલ અને પ્રામાણિક સ્વભાવનો છોકરો હતો. ભણવામાં પણ બહુ જ હોંશિયાર હતો. પણ આ બધા ગુણ પર એનો શોર્ટટેમ્પર્ડનું લેબલ પાણી ફેરવી દેતું. કૈરવને હવે પોતાની આ ખામીના લીધે ભોગવવું પડતું નુકસાન સમજાવા લાગ્યું હતું. ધીમે ધીમે યોગા, પ્રાણાયામ, પોઝીટીવ થીન્કીંગની બુકસ, વીડીઓઝ જોઇ જોઇને પોતાનો ગુસ્સો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સંગતિ માટે દોસ્તો પણ શાંત સ્વભાવના શોધી લીધા જે બહુ જ અસરકારક ઉપાય નીવડ્યો. વાતવાતમાં ગુસ્સે થઈ જનારો કૈરવ ધીમે ધીમે અંદરથી શાંત થતો જતો હતો, દિવસમાં વીસ વાર ગુસ્સે થઈ ને મગજ પર કંટ્રોલ ખોઇ બેસનારો કૈરવ વીસ વીસ દિવસ સુધી એક પણ વાર ગુસ્સે નહતો થતો, વળી કોઇક વાર ગુસ્સે થઈ પણ જાય તો તરત જ શાંત પણ થઈ જતો ને પોતાના શબ્દો – વર્તન પર જબરદસ્ત કંટ્રોલ કરી લેતો હતો.
આ સમયગાળા દરમ્યાન એના જીવનમાં એક ફૂલ જેવી છોકરી ‘પાયલે’ પ્રવેશ કર્યો અને એનું જીવન જ્વાળામુખીમાંથી બરફના ફૂલ જેવું બની ગયું. કાયમ એના મુખ પર એક મીઠું મધુરું સ્મિત ફરકતું રહેતું જે એને ઓર સુંદર બનાવતું હતું.
સ્માર્ટ કૈરવ હવે પોતાના ફોકસ પર વધુ સારી રીતે કોન્સનટ્રેટ કરી શકતો હતો અને પરિણામે એને સારી જોબ મળી ગઈ અને એ પોતાની કારકિર્દીમાં આગળ ને આગળ વધતો ચાલ્યો. માન પાન, નામ પૈસા કમાવા લાગ્યો. આ બધુ હોવા છતાં ક્યારેક કૈરવ ઘણો ઉદાસ થઈ જતો. કોઇક વાત એને અંદરથી ખૂબ જ કોરી ખાતી હતી. એક સલૂણી સાંજે પાયલે કૈરવનો હાથ એના હાથમાં લઈને એની અકળામણનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો,
‘કૈરવ, તું મને કેટલો પ્રેમ કરે છે ?’
‘કેમ આમ પૂછે છે પાયલ ? તું તો જાણે છે કે હું તને બેહદ ચાહું છું.’
‘તો તને મારા સમ છે, તારી આ અકળામણ – ઉદાસીનું કારણ મને કહે. આપણે સાથે મળીને કોઇ રસ્તો કાઢીશું. પ્લીઝ.’
પાયલ – લાઈફમાં બધું છે પણ સાલું કશું નથી એવું જ લાગે છે..’
‘ગોળ ગોળ નહીં ખૂલીને વાત કર.’
‘પાયલ તું મારા જીવનમાં આવી એ પહેલાં મારો સ્વભાવ બહુ જ ગુસ્સેલ હતો. ગુસ્સાએ મારી સમજશક્તિને તાળા મારી દીધેલાં. લોકો મારી પર – મારા શબ્દો પર ક્યારેય વિશ્વાસ ના કરતાં ને મજાકમાં જ ઉડાવી દેતાં. જોકે આ વર્તન યોગ્ય જ હતું , માન્યું. પણ આજે જ્યારે હું સુધરી ગયો છું. મારા પગ પર ઉભો છું, મારી કાબેલિયત પ્રૂવ કરી દીધી છે ત્યારે મારા ઘરનાં – નજીકનાં લોકો જ મને માનતાં કે કશું ગણતાં નથી. એમના માટે તો હું હજુ પહેલાનો કૈરવ જ છું. મારી ગુસ્સેલ, અણસમજુની ઇમેજ બદલાતી જ નથી શું કરું ? કોઇ પણ મહત્વની વાત હોય ત્યારે મારી પર કોઇ વિશ્વાસ કરતાં જ નથી. હું બદલાઈ ગયો છું એવું વારંવાર બોલે છે પણ એ બદલાવ દિલથી સ્વીકારતાં જ નથી. પાયલ – આખી દુનિયાના માનપાન મળે છે પણ મારા ઘરમાં જ આવું…ઘરની મુર્ગી દાલ બરાબર જ છે. આ દુઃખ મારાથી સહન નથી થતું..શું કરું ?’
‘કૈરવ, હું તારી વાત સમજી શકું છું. માણસની જન્મજાત ઇમેજ બદલવી એ ખૂબ જ અઘરું કામ છે પણ અશક્ય તો નથી જ.ઘરનાંને તારી આ વાત સ્વીકાર્તાં થૉડો સમય લાગશે પણ ત્યાં સુધી તારે મગજ શાંત રાખીને ખરાબમાં ખરાબ સ્થિતીમાંથી યોગ્ય રસ્તાઓ શોધી શોધીને તારી જાતને પ્રૂવ કરવાની રહેશે, માન કમાવાનું ચાલુ રાખવું પડશે. એકચ્યુઅલી આપણા ઘરના આગળ આપણે જ હોઇએ એ આપણું કેરેકટર કહેવાય કારણ એ લોકો આપણી બધી જ ખામી ને ખૂબી જાણતાં હોય છે. જ્યારે દુનિયા આગળ જે હોઇએ એ આપણી પર્સનાલીટી. ત્યાં આપણે જે વસ્તુ જેમ બતાવવી હોય એમ જ બતાવી શકીએ છીએ. ઘરના આપણને અણુ અણુથી જાણતાં હોય છે. પણ એક વાત છે..ઘરનાં ભલે તારી વાત ના માને પણ સાચો પ્રેમ તો તને એ લોકો જ કરશે, બહારની દુનિયા ભલે ગમે એટલું માન મરતબો કે પૈસા આપી દેશે પણ ત્યાં એક જાતનું પ્રોફેશનલિઝમ ચોકક્સ વર્તાશે જ.જુવાનીમાં ડગ માંડતા દરેક સંતાનની સાથે આવું થાય જ છે. વડીલો એમને બાળકમાંથી યુવાન ને મેચ્યોર માનતા થૉડો સમય તો લે છે જ. એટલે તું આવી ખોટી ચિંતાઓ ના કર અને મસ્તરામ બનીને તારી કારકિર્દી પર પૂરેપૂરું ધ્યાન આપ. ફેમિલી તારી દુશ્મન નથી ચોકકસ તારા કામની, વર્તનની નોંધ લેશે અને તને માન આપશે જ – મારી આ વાત ગાંઠે બાંધી લે.’
પાયલ સાથેના નાનકડાં સંવાદે કૈરવના દિલ – દિમાગના ઘણાં બધાં દરવાજા ખોલી કાઢ્યાં હતાં અને એ અંદરથી રાહત અનુભવવા લાગ્યો હતો.
અનબીટેબલઃ જે સામે છે એ ‘છે’ અને નથી એ ‘નથી જ’ !
સ્નેહા પટેલ
phulchhab newspaper > navrash ni pal column > 25-5-2016
જોઈ શકાતું હોય જો ધુમ્મસની આરપાર
તો દ્રશ્ય પણ વહી શકે નસનસની આરપાર.
-કુલદીપ કારિયા.
ગ્લોબલ વોર્મિંગનો ખતરનાક પરચો આખી દુનિયાને બહુ સારી રીતે સબક શીખવાડી રહેલો. મોબાઈલ એપમાં ગરમીનો પારો રોજ ૪૪ – ૪૫ ડિગ્રીનું ટેમ્પરેચર બતાવતો હતો પણ સરસ્વતીને ચોક્કસપણે ખબર હતી કે દિવસના અમુક સમયે એ પારો ૪૬-૪૭ સુધી પહોંચતો જ હશે. સવારના ૧૦ વાગ્યાથી શરુ થઈને રાતના ૧૦ સુધી નકરો ગરમ ગરમ પવન ફુંકાવાનો ચાલુ ને ચાલુ રહેતો. એરકન્ડીશન, ફ્રીજ, કુલર, ફ્રુટજ્યુસ એ બધું મોજશોખ કરતાં જરુરિયાતની વસ્તુમાં ગણાવા લાગ્યું હતું. રોડ પર વ્રુક્ષો છાતી કાઢીને રુઆબ સાચવી રાખવાના પ્રયાસોમાં પ્રખર ગરમી સામે ઝઝૂમતા હતાં પણ થોડા સમયમાં એ ય થાકી હારીને માણસો પાસે વધારે પાણી પાય એવી આશામાં નમી પડતાં હતાં. એમાં પાણીની તંગી. અમુક વ્રુક્ષના પર્ણ બળીને ખાખ થઈ જતાં. જોકે એના મૂળથી છુટાં નહતાં પડી જતાં એટલે માણસોને એમને જોઇને આશા બંધાતી કે આ ઇશ્વરના પ્રકોપ સમો સમય થોડાં ઘણા બળી જઈને પણ કાઢી લેવાનો છે, મૂળસોતા સાવ જ અકાળે તો નહીં જ ખરી જઈએ.
આવા સમયમાં રમ્યાના ઘરે દીકરી સરસ્વતીના લગ્નનો પ્રસંગ આવીને ઉભો હતો.સરસ્વતી – ૨૪ વર્ષની કોડભરી નાજુક નમણી યુવતી. જોઇને આંખ ઠરે, જે ઘરમાં જશે એનું નામ ઉજાળશે એવું એના મુખારવિંદ અને બોલચાલ પરથી તરત જ પરખાઈ જતું. રમ્યા અને રમેશ પોતાની એકની એક દીકરીના પ્રસંગને શક્ય એટલી ધામધૂમથી ઉજવવા માંગતા હતાં. ઠંડા પીણા, કુલર, એસી, વિશાળ લોનવાળો એસી હોલ અને શહેરની નામી હોટલમાં લગભગ ૨૫ એક જેટલાં રુમનું બુકિંગ થઈ ચૂકયું હતું. રમ્યાના બધા સગા વ્હાલા વર્ષોથી પરદેશમાં જ રહેતાં હતાં. ભારતીય રીતિરિવાજોની ઝાઝી ગતાગમ નહીં એટલે જે પણ હોય એ બધું રમ્યાના પરિવારના માથે જ આવીને ઉભું રહેતું. દુનિયામાં પૈસા ખર્ચતા જ બધું બરાબર થઈ જાય એવી માન્યતા અહીં સદંતર ખોટી પડતી હતી. પૈસા ઉપરાંત પર્સનલ અટેન્શન અને સમય પણ ખૂબ જ જરુરી હતાં. ૧,૦૦૦ જેટલાં તો ફક્ત વેવાઈપક્ષના જ માણસો હતાં.
લગ્નનો દિવસ માથે આવીને ઉભો. રમ્યા સવારની ગ્રહશાંતિની ને બીજી અનેક વિધીઓમાં પરોવાયેલી. એની બે બહેનપણી અને એક પડોશીને કામની બધી વિગત સમજાવી દીધી હતી પણ તો ય વેવાઈપક્ષના એક ભાઈને ગરમીમાં નાચીને થાકી ગયા પછી સાદા પાણીનો ય ભાવ ના પૂછાયાની ફરિયાદ થઈને જ ઉભી રહી.
હવે ?
રમ્યા અને રમેશના હોશકોશ ઉડી ગયાં. જમાનો ભલે ગમે એટલો મોર્ડન થઈ જાય પણ કન્યાપક્ષના મા બાપે કાયમ વરપક્ષ આગળ નમતું જોખવું જ પડે છે. તેઓ એ ભાઈ પાસે ગયા અને ‘સોરી’ કહ્યું. પણ પેલા ભાઈ ના માન્યાં.
‘તમે લોકો તો લગ્ન કરવા બેઠાં છો કે રમત કરો છો ? જાનૈયાઓને બોલાવીને એમનું ધ્યાન પણ નથી રાખી શકતાં તો શું કામ બોલાવ્યાં? આટલી ગરમીમાં અમે લોકો કંઇ નવરા નથી કે આવા પ્રસંગોમાં હાજરી પૂરાવીએ. શું જોઇને નીકળી પડતાં હશે આવા લોકો લગ્ન કરાવવા?’
‘ભાઈ એવું નથી. અમે જાનૈયાઓના આગમન વેળાએ શરબતની વ્યવસ્થા કરી જ હતી પણ્ કદાચ કોઇ વેઈટરથી ભૂલચૂક થઈ ગઈ હશે. આપ શાંતિથી અહીં બેસો હું જાતે જઈને આપના માટે શરબત લઈને આવું છું, પ્લીઝ.’ રમ્યાએ ભાઈનું મગજ શાંત પાડવાનો પ્રયાસ કર્યો.
‘અરે શું હું જાતે વ્યવસ્થા કરું છું ? વર પક્ષના લોકો છીએ…આમ માંગી માંગીને થોડું શરબત પીવાનું હોય ? અમારી પણ કોઇ ઇજ્જત હોય કે નહીં ? અમે તો આ ચાલ્યાં ઘરે – ચાલ સીમા.’ ભાઈએ એમની પત્નીને આદેશ કર્યો.
‘જુઓ શંકરભાઈ, આપને કોઇ તકલીફ પડી હોય તો અમારા વેવાણ તમારી સામે ક્ષમા માંગે જ છે પછી વાતને શું કામ આટલી બધી ઉછાળો છો? એ શરબત ના મળ્યું એમાં આમ આકરા થઈ જઇએ એ આપણાં સંસ્કાર ન કહેવાય.’
રમ્યા અને રમેશની નવાઈ વચ્ચે એમના વેવાઈ કનુભાઈ એમના પક્ષે આવીને એમનું ઉપરાણું લઈને મહેમાનને સમજાવવા લાગ્યાં. આ જોઇને રમ્યાંનો બધો તણાવ દૂર થઈ ગયો.
‘વેવાઈ, અમારી કોઇ ભૂલચૂક હોય તો અમે માફી માંગીએ છીએ. અમારા કારણે તમે કોઇ સંબંધમાં ખટરાગ ઉભો ના કરતાં પ્લીઝ. લગ્ન પ્રસંગ લઈને બેઠા હૉઇએ એટલે આમ નાનું મોટું તો ચાલ્યાં જ કરે.’
‘વેવાણ, હું પણ એમ જ કહું છું કે આવડા મોટા પ્રસંગમાં ને આવા વાતાવરણમાં થોડું ઘણું આઘુ પાછું થાય જ એને આમ આબરુનો સવાલ ના બનાવી દેવાય. આ તમારી ઉજાગરાથી ભરેલી આંખો, ચિંતાતુર થઈને ચીમળાઇ ગયેલ વદન…એ બધું તો જુઓ…દીકરીના લગ્ન નહીં પણ જાણે એક મોટી જવાબદારી થઈ ગઈ. એવું ના હોય વેવાઈ- વેવાણજી. એમને આ પ્રસંગમાંથી જવું હોય તો જઈ શકે છે પણ તમારી ઇજ્જત સામે આમ કારણ વગર કાદવ ઉછાળવાનો હક એમને કોઇએ નથી આપ્યો. તમારા સ્વમાનને કોઇ જ કારણ વગર આમ ઠેસ પહોંચે એ હું ના ચલાવી શકું.’
‘હું પણ શંકરભાઈઅની વાતમાં હામી ભરાવું છું. માર પતિદેવે એક અતિથિને છાજે એવું વર્તન નથી કર્યું. એમને જવું હોય તો એ એકલા ઘરે જઈ શકે છે. હું તો લગ્નપ્રસંગ પૂરો મહાલીને જ ઘરે આવીશ.’ પેલા ભાઈની પત્નીએ પોતાનો હાથ એમના હાથમાંથી છોડાવીને કહ્યું. વીલા મોઢે પેલાભાઈ ચૂપચાપ ખુરશીમાં બેસીને લગ્નવિધી જોવા લાગ્યાં.
અને રમ્યા – રમેશભાઈના ચહેરા પર અનેરા સંતોષ સાથે સરસ્વતીના ઉજજ્વળ ભાવિના જોયેલા સપના સાચા પડ્યાંનો અહેસાસ તરવરી ઉઠ્યો.
અનબીટેબલઃ માનવીમાં શ્રધ્ધા કાયમ રહે તો બહુ બધી અંધશ્રધ્ધાઓના વિષચક્રથી બચી જવાય છે.
-sneha patel.
ઊગવું…
તું સદા અડચણ – પળોજણ, હાડમારી face કરે છે,
એટલે તો તું તને, always બધે success કરે છે!
– ઇલિયાસ શેખ
પૂનમની રાત્રિએ ચાંદનીનું રુપ પૂરબહારમાં ખીલેલું હતું. મંદ મંદ વહેતો સમીર જ્યારે વૃક્ષોના પર્ણને અથડાઈને આગળ વધતો ત્યારે જમીન પર પથરાયેલ ચાંદરણામાં કોઇ કારીગરે વેલબુટ્ટાની કરેલી કારીગરી હળ્વા થડકાં સાથે જીવંત થઈ જતી. રખે ને કોઇ જ વાહન હવે પસાર ના થાય તો સારું નહીંતર ધૂળનું આછું પાતળું આવરણ એ ચાંદરણાને પલકવારમાં મેલું કરી દેશે… પોતાની રાઈટીંગ ડેસ્ક પરથી આકાશની આ રુપાળી લીલા નિહાળીને એનો આનંદ ઉઠાવતી ધ્વનિના મગજમાં આવા ગાંડાઘેલા વિચારો રમી રહ્યાં હતાં. એને સૂર્યોદય કરતાં રાતની ચાંદની વધુ ગમતી, અનહદ ગમતી. મૂળે સ્વભાવ રોમેન્ટીક ખરો ને ! રોમાન્સના આ નશામાં ટેબલ પર પડેલી ડાયરીમાં એની કલમ વહેવા લાગી.
શબ્દ પાના પર જન્મ લેતાં ચાલ્યાં ને અર્થનું વિશ્વ સજતું ગયું ત્યાં જ મોબાઈલમાં વોટસએપ પર એક મેસેજ ફ્લેશ થયો,
‘મેમ, આ વખતનો તમારો લેખ વાંચ્યો, ખૂબ જ સરસ અને શીખવા જેવું લખો છો આપ.’
ધ્વનિના લખાણના ચાહકનો મેસેજ. ઘણી વખત એ આમ જ એને મેસેજ કરતો. ધ્વનિને પણ આવા ફીડબેક્થી લખવાનું એક નવું જોમ મળતું. એણે એક સ્માઈલી સાથે થેન્ક્સના શબ્દો ટાઇપ કરીને મેસેજ સેન્ડ કરી દીધો.
‘મેમ, મેં પણ એક સ્ટોરી લખી છે. આપનું ગાઈડન્સ આપશો પ્લીઝ.’
‘ચોક્કસ, ઇમેઇલ કરી દો. ઇમેઇલ અડ્રેસ તો છે જ આપની પાસે.’
‘ઓકે.’
ને ધ્વનિના ચાહક રોબીને ઇમેઇલમાં એની ફાઈલ મોકલી દીધી. ધ્વનિની લખવાની લિંક તૂટી ગયેલી એથી એણે ઇમેઇલ ચેક કરીને એ સ્ટોરી વાંચી. સ્ટોરી સાવ જ ચીલાચાલુ અને અસ્પષ્ટ હતી. તકલીફ એ કે હવે જો એ સીધા શબ્દોમાં આ વાત કહે તો સામેવાળાને ખોટું લાગે યા તો ઇગોસ્ટીક લાગે અને ખોટી ખોટી વાહવાહી કરવાની ધ્વનિને આદત નહતી.બહુ જ સાચવીને શબ્દો વાપરીને રોબીનને કહ્યું ,
‘સૌપ્રથમ તો આપને સર્જન કરવાનો વિચાર આવ્યો ત્યાંથી જ આપ અભિનંદનને પાત્ર છો. આપની વિચારશૈલી બહુ જ સરસ છે પણ આપના શબ્દો એને પૂરેપૂરો ન્યાય નથી આપી શક્યાં આપ ફરીથી સ્ટોરી લખવાનો પ્રયત્ન કરો. ઓલ ધ બેસ્ટ !’ અને ફોન બંધ કરીને પલંગની બાજુમાં મૂકીને સૂઈ ગઈ.
સવારે ઉઠીને જોયું તો રોબીનના લગભગ ૧૧ જેટલાં ઇમેઇલ નોટીફીકેશન્સ ! થૉડો કંટાળો આવી ગયો પણ એમ મગજ ગુમાવ્યે ના ચાલે. મોટું બગાસું અને નાની શી આળસ ખાઈને ધ્વનિ કામે વળગી. ઘરકામ – જમવાનું બધું પતાવીને લગભગ બપોરના બે વાગે એ પોતાનું લખાણ લઈને બેઠી અને આગળ લખવા લાગી. ત્યાં જ એના ફોનની રીંગ વાગી. જોયું તો રોબીન ! એક કંટાળાના ભાવ સાથે એણે ફોન ઉપાડ્યો અને બોલી,
‘હલો..’
‘હા મેમ, મેં કાલે ને કાલે જ બીજી ૧૧ વાર્તાઓ લખી કાઢી છે. તમે જોઈ ?’
‘ના, હજી મને સમય નથી મળ્યો પણ નિરાંતે જોઇશ, પ્રોમિસ.’ એનો ઉત્સાહ ના તૂટી જાય એનું ધ્યાન રાખતાં ધ્વનિએ એ જવાબ વાળ્યો.
‘મેમ, પ્લીઝ..જોઇને રીપ્લાય કરશો. મારે પણ તમારી જેમ બુક લખવી છે. બહુ મોટા લેખક બનવું છે. મને થૉડું માર્ગદર્શન જ જોઇએ છે બસ…આપશો ને ?’
‘શ્યોર રોબીનભાઈ. કોઇ નવા સર્જકને હેલ્પ કરવામાં તો મજા જ આવે ને મારી ફરજ પણ ખરી. હું જોઇને રીપ્લાય કરીશ.’ને ધ્વનિએ ફોન મૂકી દીધો.
ચાર દિવસ વીતી ગયા . દરમ્યાન ધ્વનિએ રોબીનની અમુક વાર્તાઓ વાંચી પણ ખરી. હજુ તો એ..બી..સી…ડી પણ નહતી આવડતી અને આ ભાઈ આખી બુક લખી નાંખવા માટે થનગની રહેલાં. આને હવે કેવી રીતે ને કેવા શબ્દોમાં પ્રોત્સાહન કે ગાઈડન્સ આપવું ? સતત લખવાનો મ્હાવરો કરવો પડે, પ્રોપર વેવલેન્થ સાથે પ્રોપર દિશામાં વિચારતા શીખવું પડે ત્યારે એક લેખક બની શકાય. સફળતા તો ત્યાર બાદની વાત છે. હજુ તો વિચારમગ્ન હતી ત્યાં જ રોબીનનો ફોન આવ્યો..અને ધ્વનિએ ફોન કટ કરી દીધો. ‘સુમધુર’ નામના પ્રખ્યાત મેગેઝીનમાં છ મહિનાથી ચાલે રહેલી એની નોવેલ અત્યારે એક ઇન્ટરસ્ટીંગ પોઈંટ પર હતી અને એના માટે એનું પૂરેપૂરું ઇનવોલ્વમેન્ટ જોઇતું હતું.
ત્યાં તો રોબીનનો મેસેજ ટપક્યો,
‘મેમ, ખરા ઘમંડી છો તમે તો ! એક ઉગતા લેખકને સહેજ પણ સપોર્ટ નહીં ?’
‘તમે પહેલાં ૭૦૦ શબ્દોની એક નાની શી વાર્તા લખો, નવલકથા પછીની વાત છે.’
મેસેજમાંથી સીધો ફોન ટપકી પડ્યો ને વાત પતાવવાના ઇરાદાથી ધ્વનિએ એ ઉપાડી લીધો.
‘મેમ, મને સમજાવો તો…મારે લખતા શીખવા માટે શું કરવું જોઇએ ?’
‘સિમ્પલ વાત છે..લખવાનું.’
‘એ તો મેં લખ્યું જ છે ને…તમે કોઇ સારા મેગેઝિનમાં મારા માટે વાત કરશો પ્લીઝ..મને પણ તમારી જેમ કોલમ જોઇએ છે.’
કોન્ફીડન્સ અને ઓવર કોન્ફીડન્સની પાતળી ભેદરેખાને સૂક્ષ્મ નજરે જોઇ – વિચારી શકતી ધ્વનિ મનોમન હસી પડી,
‘ચોકક્સ વાત કરાય પણ તમે પહેલાં પ્રોપર લખતાં તો શીખો.’
‘મેમ, મેં પૂરી ૧૧ વાર્તાઓ તો લખી નાંખી. વળી મારા મિત્રોએ એ વાંચી તો એમને બહુ જ પસંદ પણ પડી…ઢગલો વાહ વાહ પણ કરી. તમારા જેવા લેખકો નવા લેખકોને આગળ આવવા જ નથી દેતાં એની મને જાણ છે, એટલે જ તમે મને મદદ નથી કરતાં.’
હવે ધ્વનિ થોડી અકળાઈ,
‘રોબીનભાઈ, માઈન્ડ યોર લેન્ગવેજ. તમે અને તમારા મિત્રો તમારી જાતને લેખક સમજો છો તો તમે જાતે જ કોઇ છાપામાં જઈને આપની વાર્તાઓ આપી આવો ને..મને શું કામ કહો છો? તમને તમારા લખાણ પર ભરોસો હોવો જોઇએ એના બદલે તમે મારા ખભે ગોળીબાર શું કામ કરો છો ? વળી તમે ગાઈડન્સ ગાઈડન્સનું પૂંછ્ડું પકડીને બેઠા છો પણ તમે એ વાત નથી સમજતાં કે તમે જે કરી રહ્યાં છો એ મારા ગાઈડન્સની નહીં પણ મારી લાગવગની જરુર લઈને બેઠા છો. તમારે શું કરવું જોઇએ એ મેં સમજાવ્યું પણ તમે તો જે કરો છો એ ઓલરેડી શ્રેષ્ઠ જ છે તો ફાઈન…તમારી શ્રેષ્ઠતા પર વિશ્વાસ રાખો અને યા હોમ કરીને કૂદી પડો પેપરની દુનિયામાં. મને શું કામ વચ્ચે ઇનવોલ્વ કરો છો.’
‘મેમ…વાત એમ નથી…આ તો જરા ગુસ્સામાં…’ રોબીનનો અવાજ પીળો પડી ગયો.
‘જે વાત હોય એ ભાઈ પણ તમે ગાઈડન્સ અને માણસનો ફાયદો ઉઠાવવો એ બે વચ્ચેનો ભેદ્ સમજતાં શીખો. કોઇ દોડતું હોય ને તમે માંડ ચાલતા શીખ્યાં હોય અને એની આંગળી પકડવાના હવાતિયા મારો ને ના પકડાય તો એની સ્પીડને દોષ આપો એ યોગ્ય વાત નથી જ. મૂળે તમારામાં સમજણ, નમ્રતા જ નહીં હોય તો તમે ક્યારેય સર્જક બની જ નહીં શકો એ યાદ રાખજો. તમે માંગો એટલું ગાઈડન્સ તમને પૂરું પાડી શકાય શ્યોર, પણ પહેલાં થૉડી લાયકાત તો કેળવો. આવજો.’ ને ધ્વનિએ ફોન મૂકી દીધો.
સામે પક્ષે ફોન પર પડેલા ના દેખાતા તમાચાએ રોબીનને સ્તબ્ધ કરી મૂક્યો હતો. સૌમ્ય એવા એના પ્રિય લેખિકા સાથે ખોટા શબ્દો વપરાઈ ગયાનો અફસોસ એનો જીવ કોરી રહ્યો હતો. પોતાની ભુલ સમજાતી હતી. હિંમત રાખીને એણે ધ્વનિને ‘સોરી,મેમ.’ મેસેજ મોકલ્યો અને એની નવાઇ વચ્ચે ધ્વનિનો ‘ઇટ્સ ઓકે રોબીનભાઈ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફ્યુચર’ નો મેસેજ આવ્યો.
રોબીનના મનનો ભાર હળ્વો થઈ ગયો અને મનોમન કોઇક વિચારની ગાંઠ બાંધી દીધી.
અનબીટેબલઃ તેજોમય બનવા ઊગવું પડે !
પલડું
ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા,
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું !
-ઉર્વીશ વસાવડા.
શરણમે જમણા હાથમાં બાંધેલું કાંડાઘડિયાળ જોયું અને મગજમાં પ્રેશરનો પારો ઉપર જતો રહ્યો. કલાકથી એ એક ડોક્યુમેન્ટની રાહ જોઇને બેઠો હતો અને કોમ્પ્યુટર ઓપરેટર એને જોઇતો ડેટા આપી નહતો શકતો. ક્યારનો, ‘ બસ એક મીનીટ સર, એક મીનીટ.’ કર્યા કરતો હતો. એક મીનીટ કલાકોમાં બદલાઈ ગઈ હતી. આખરે પ્રેશર ભરપૂર થઈ જતા સીટી વાગી,
‘અંજન..એક જ મીનીટમાં અંદર આવ’
વળતી જ મીનીટે અંજન – કોમ્પ્યુટર ઓપરેટર શરણમની કેબિનમાં હતો. મોઢા પરથી જ એ પૂરેપૂરો ડીપ્રેસ્ડ લાગતો હતો. આંખોની નીચે કાળા કાળા કુંડાળા – વાળ અસ્તવ્યસ્ત અને શર્ટમાં ઢગલો કરચલીઓ. શરણમને આવા લઘરાં લોકો સહેજ પણ પસંદ નહતાં એમાં પણ અંજને આજે એને બરાબરની રાહ જોવડાવી હતી.
‘યસ સર.’
‘આ બધું શું છે અંજન – એક મીનીટનો ડેટા શોધવામાં તેં અડધો દિવસ બગાડી કાઢ્યો. હમણાં કલાક રહીને મીટીંગ છે અને મારે પ્રેઝન્ટેશન પણ કમ્પલીટ કરવાનું છે. આવી રીતે કામ કરો એ કેવી રીતે ચાલે ? હું મીટીંગમાં શું વાત કરીશ ? પાર્ટીને શું જવાબ આપીશ ? આપણી ઇમ્પ્રેસન વિશે કશુંક તો વિચાર કરો.’
‘જી..સ..ર…હું ક્યારનો એ માટે પ્રયત્ન કરું જ છું પણ મેં ડેટા બનાવીને તૈયાર જ કરેલો અને લાઈટ્સ જતી રહેલી તો બધો ડેટા ઉડી ગયો એ પછી મારું પીસી બગડ્યું ..આજે મારી સાથે બધુ ઉંધુ ચત્તુ જ થાય છે. ઘરે પણ મારી પત્ની…’અને અચાનક જ અંજન બોલતાં બોલતાં અટકી ગયો. એના ઘરની મેટર – પ્રોબ્લેમને અહીં શું લેવા દેવા ?
શરણમ ધ્યાનથી અંજનના ચહેરાને જોઇ રહ્યો. અંજનના અવાજ – વર્તનમાં હતાશાની છાંટ સ્પષ્ટપણે વર્તાતી હતી. વળી નોકરીએ લાગ્યાના લગભગ ૪ વર્ષથી લઈને અત્યાર સુધીનો અંજનનો રેકોર્ડ બહુ જ સ્માર્ટ ને પ્રામાણિક રહ્યો હતો. આજે અચાનક એને શું થઈ ગયું તો આવું વર્તન કરતો હશે ? કામમાં પણ બેદરકારી – કોમ્પ્યુટર બગડ્યું તો બીજા પીસી પરથી કામ કરી લેવાય. ઓફિસમાં તો બધા કોમ્પ્યુટર લેનસિસ્ટમમાં જ હતાં ને..પણ ના…આજે અંજનનું ધ્યાન બીજી જ કોઇક ‘લેન’માં ભટકી ગયેલું – ભૂલું પડી ગયેલું લાગતું હતું. વળી ઓફિસમાં આ કામ અંજન સિવાય બીજું કોઇ કરી શકે એમ હતું પણ નહીં. શરણમે એક વખત ઘડિયાળમાં જોયું અને મનોમન હિસાબ લગાવ્યો તો પાર્ટીના આવતા પહેલા જરુરી ડેટા ભેગો કરીને ચેક કરીને મીટીંગ માટે પ્રીપેર થવું લગભગ અશક્ય જ લાગ્યું. એણ ત્વરાથી એક નિર્ણય લીધો અને પાર્ટીને ફોન કર્યો,
‘સોરી મિ. હરીશ, આજે મારે થોડુંઇમ્પોર્ટન્ટ અંગત કામ આવી ગયું હોવાથી આપણી આજની મીટીંગ કાલ પર પોસ્ટપોન્ડ રાખીએ તો ચાલશે ?’
‘ઓફકોર્સ મિ. શરણમ, આપણે એકાદ બે દિવસ લેટ થાય તો કોઇ ટ્રેન નથી છૂટી જવાની. આપણે તો આ પ્રોજેક્ટમાં હજુ શરુઆતના તબક્કે જ છીએ . તમતમારે આરામથી કામ પતાવો.’
‘થેન્ક્સ. કાલે સવારે અગિયાર વાગ્યે મળીએ તો.’
‘ડન.’
અને શરણમે ફોન મૂક્યો અને ટેબલની પેલી તરફથી એને બાઘાની જેમ નિહાળી રહેલ અંજન સામે મંદ મંદ સ્મિત ફરકાવતા એને બેસવાનું કહ્યું. પ્યૂનને બેલ મારીને બે થમ્સઅપ લાવવાનો ઓર્ડર આપ્યો.
‘સર, આઇ એમ સોરી..મારા લીધે..’
‘ના…ના..રંજન.તમારી હાલત જોઇને મને ખ્યાલ આવ્યો કે મારી મીટીંગથી વધુ ઇમ્પોર્ટન્ટ તમારો પ્રોબ્લેમ છે. તમારું મગજ ઠેકાણે નહીં હોય તો મારા માટે સારું કામ કેમ કરી શકશો ? વળી તમારો રેકોર્ડ પણ સાફ સુથરો, સ્માર્ટ ને મહેનતુ છે. આટલા વર્ષો મેં તમારી પ્રામાણિક મહેનતનો સ્વાદ ચાખ્યો છે તો હવે તમારી કડવી તકલીફોમાં તમને સાથ આપવો એ મારી ફરજ છે. કહો, હું કોઇ મદદ કરી શકું એમ છું ?’
‘ઓહ્હ….સર, હું શું કહુ આપને…મારી પત્ની પ્રેગનન્ટ છે અને એને અબોર્શન કરાવવું છે પણ મારે ઇચ્છા નથી. મારે આ બાળક જોઇએ છે. આ બાબતે અમારી વચ્ચે છેલ્લાં અઠવાડીઆથી બોલાચાલી થાય છે અને આજે તો એ ઘર છોડીને ચાલી ગઈ છે. મને કંઈ જ સમજાતુ…’
અંજન આટલું બોલ્યો ત્યાં તો એના મોબાઈલની રીંગ વાગી અને એમાં એની પત્નીનો ફોન નંબર જોતાં જ શરણમને આંખોથી જ ‘એક્સક્યુઝ મી’ કહીને ફોન લઈ લીધો. બે મીનીટના વાર્તાલાપ પછી એના મોઢા પર રાહતની લહેરખી દોડી ગઈ.
‘સર, મારી પત્ની ઘરે આવી ગઈ છે અને મારી વાત સાથે એગ્રી છે. હું હવે તરત જ આપનું કામ પતાવી દઉં છું. થેન્ક્સ, થેન્ક્સ અ લોટ.’ ને અંજન કેબીનમાંથી બહાર નીકળી ગયો.
આ બધો ય તમાશો નિહાળી રહેલ શરણમની બાજુમાં બેઠેલી પત્ની શોભા બોલી,
‘શરણમ, તું સાવ જ ઢીલો છું. આમ જ સ્ટાફના પ્રોબ્લેમમાં તું તારી મીટીંગ્સ કેન્સલ કરતો રહીશ તો પહોંચી રહ્યો આગળ.’
‘ડાર્લિંગ, આ બધા મારા મૂળિયાં છે. એ જેટલાં મજબૂત ને શાંત – સ્થિર હશે એટલાં જ મારી કંપની પર મીઠાં ફળ આવશે. વળી આમ જોવા જાવ તો મારી મીટીંગ એક દિવસ પછી થાય તો પણ મારે ફાઇનાન્સીયલી કોઇ માથું પરિણામ ભોગવવાનો વારો નથી આવવાનો. પણ સામે પક્ષે અંજનના લગ્નજીવનનો સવાલ હતો. ભરપૂર ડીપ્રેશન સાથે પલ્લું તો એનું જ ભારે હતું તો આપણે થોડું નમી જવામાં શું વાંધો ? બે પલડાં સરખાં થઈ જાય તો જ સંતોષ બરકરાર રહે. એકલા પૈસાથી ક્યારેય કોઇ કર્મચારી પૂરતી નિષ્ઠા અને મહેનત ના આપી શકે. એ પણ જીવત જાગતાં હાડ્માંસના માનવીઓ છે એમને પણ કાળજી – ધીરજભર્યા વ્યવહારની જરુર પડે છે. કર્મચારીઓ મશીન નથી કે એમને ઇમોશન્સના અપ્સ એન્ડ ડાઉન્સની અસર ના થાય. કર્મચારીને માન આપો- પ્રેમ આપો – થોડું એમના પક્ષે જઈને જોતાં શીખો પછી જુઓ એ લોકો તમને કેવું જબરદસ્ત પરિણામ આપે છે.’
‘હા મારા ભોળા મહાદેવ, તારી કોઇ જ વાતનો મારાથી ક્યારેય વિરોધ થાય…તું કહે એ બધું ય સાચું.’ અને શોભા ખડખડાટ હસી પડી.
અનબીટેબલઃ ખીલતાં પહેલાં જમીનમાં દટાતા શીખવું પડે છે.
સ્નેહા પટેલ
phulchaab newspaper > navrash ni pal column
मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ नजर आती हैं मेरे यार जुलाहे !
– गुलझार.
અવની સી.સી.ડીમાં બેસીને એની કાપુચીનો કોફીનો ટેસ્ટ માણી રહી હતી. કોફીની કડવી તીખી સ્મેલ એને બહુ જ પસંદ હતી. આંખો બંધ કરીને નાકમાં એનો ગરમ ધુમાડો ખેંચીને છેક નાકથી ફેફસાં સુધી ખેંચવાનો પ્રયાસ કરતી હતી. ધુમાડો ફેફસાંથી મગજ સુધી પ્રવાસ કરતો હતો અને એના મગજમાં એક નશો છવાતો જતો હતો.
‘હાશ…હવે માંડ થોડી રીલેક્સ થઈ શકી. નહીંતર આ કરણનું વર્તન તો અસહય જ હતું.’
કરણ – અવનીનો આજની તારીખમાં ચાર વાગ્યાને પચીસ મીનીટ સુધીનો બોયફ્રેન્ડ. અત્યારે ઘડિયાળમાં પાંચને પાંચ થઈ રહી હતી. લગભગ ત્રીસ મીનીટના અંતરાલમાં અવની અને કરણની ચાર ચાર વર્ષની ગાઢ રીલેશનશીપનું સ્ટેટસ બદલાઈ ગયું હતું. ‘ઇન રીલેશનશીપ’ થી ‘સિંગલ’ની સફર ખેડી કાઢી હતી.
‘સાલો સાવ બાયલો છે, આટલા વર્ષોથી પ્રેમના બણગાં ફૂંકી ફૂંકીને પોતાની સાથે એક છેતરપીંડી જ કરી હતી કરણે. કરણના પેરેન્ટે એમના પ્રેમસંબંધને લગ્નના સંબંધમાં પરિવર્તીત કરવા માટેની મંજૂરીનો મજબૂતાઈથી વિરોધ કરતાં જ એ સાવ બદલાઈ ગયો. છેક છેલ્લી પાયરીએ જ જઈને બેસી ગયો. નામર્દ નહીં તો…આમ જ હતું તો પ્રેમ કરવા શું કામ આવેલો ?’ ને ગુસ્સામાં જ ગરમાગરમ કોફીનો લાંબો ઘૂંટ ભરાઈ ગયો. બેધ્યાનીમાં ભરાયેલો એ ઘૂંટ જીભથી ગળા સુધી એક તીખો લિસોટો ખેંચી ગયો ને અવનીના હાથનો કપ પડતાં પડતાં રહી ગયો. પ્રેમ પર નફરતનું લેબલ લાગી જતાં માત્ર ત્રીસ મીનીટ જ થઈ હતી. એને પોતાને પણ આ વાતની નવાઈ લાગતી હતી પણ હકીકત એ જ હતી કે એ આ સમયે – આ ઘડીએ કરણને બેઇન્તહા નફરત કરતી હતી. ત્યાં જ એના કાન પર જૂના પિકચરના જાણીતા ગીતના બોલ અથડાયા,
‘મેરે દુશ્મન તું મેરી દોસ્તી કો તરસે..મુજે ગમ દેને વાલે તું ખુશી કો તરસે ‘ ને અવનીની આંખ આંસુથી છલકાઈ ગઈ.
આ ઘટના ઘટયે દિવસો પર દિવસો વીતતા ગયા. અઠવાડીયું, મહિના ને છેલ્લે વર્ષ !
અવનીને નવાઈ એ વાતની લાગતી હતી કે એ કરણને જ્યારે ખૂબ જ પ્રેમ કરતી હતી ત્યારે જેટલો યાદ કરતી હતી એના કરતાં વધુ એ અત્યારે યાદ આવી રહ્યો હતો. આજે તો એ કરણને બેઇન્તહા નફરત કરતી હતી તો આવું કેમ ? રોજ રોજ આ જ સવાલ એને મૂંઝવ્યા કરતો અને દિલ વલોવ્યાં કરતો. છેવટે ના રહેવાતા એ એની મમ્મી કમ ફ્રેન્ડ સુનીતા પાસે ગઈ અને એના ખોળામાં માથું નાંખીને લાંબી થઈ ગઈ.
‘શું વાત છે બેટા ? કેમ આમ ઉદાસ ?’
‘મમ્મી તું તો મારી અને કરણની રીલેશનશીપ વિશે બધું જાણે જ છે ને ? ‘
‘હા પણ હવે તો એ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ચૂક્યું છે ને. તો ?’
‘મમ્મી, હું એને ખૂબ જ નફરત કરુ છું. હું એને ભૂલવા માંગું છું પણ અફસોસ…ભૂલી જ નથી શકતી. એવું ના માનીશ કે હું હજુ એને પ્રેમ કરું છું ને એની રાહમાં આંખો બીછાવીને ઉભી છું. પણ એને ભૂલીને મારી રુટીન લાઈફમાં સેટ નથી થઈ શક્તી. જ્યાં અટકી છું ત્યાંથી આગળ નથી વધી શકતી. બસ આ અકળામણ જીવ લઈ લે એવી લાગે છે.’
ને સુનીતા હળવું હસી પડી. અવનીના કાળા લીસા રેશમીવાળમાં હાથ ફેરવતાં ફેરવતાં ખૂબ જ હેતાળ અવાજથી બોલી,
‘બેટાં, તું બે સાવ અલગ વાત કરે છે. નફરત અને ભૂલવું.’
‘મતલબ?’
‘ માણસને ભૂલવો હોય તો એને નફરત ના કરાય દીકરા.’
‘તો ?’
‘તો શું ? ભૂલવો હોય તો એની યાદને સહજ બનાવીને ભૂલી જ જવાય. કોઇ પણ માણસને તમે નફરત કરો એટલે દિવસના ચોવીસ કલાક તમે એની યાદમાં, એના વિચારોમાં જ રચ્યાં પચ્યાં રહો અને એ તમને કડવા અનુભવોની ખીણમાં જ પછાડે. કોઇ માણસને ભૂલવો હોય તો પહેલાં મનથી સ્વસ્થ થવું પડે અને એના માટે તારે એની કોઇ પણ વાતોથી પર થવું પડે. એ પર થવા માટે એની નફરતને પણ ભૂલવી પડે. તું કરણને ધીમે ધીમે તારામાંથી બાદ કરતી જા અને એ પણ સભાનતાથી જ. તારું ટોટલ ધ્યાન એને બાદ કરવામાં જ લગાવ એને ધીક્કારવામાં સમય ના વેડફ. નફરતની લાગણી એના સુધી તો પહોંચવાની નથી. એ તો એની લાઈફમાં મસ્ત છે. એની રીત જ જીવે છે પણ હા – તારી નફરત તને છેક તળિયેથી ઝંઝોડીને હલબલાવી કાઢે છે. યાદના વમળમાંથી બહાર નીકળવા દેતી જ નથી. માટે સૌપ્રથમ તો નફરત શબ્દ – લાગણીની તારી ડીક્શનરીમાંથી બાદબાકી કર. નફરત આખરે આપણું પોતાનું જ પતન કરે છે. કરણની યાદને થોડો સમય આપ. એની તરફ એક નિરપેક્ષ લાગણી રાખ અને સમગ્ર ઘટનાઓ જળકમળવત રહીને જોતી રહે. પછીનું કામ બધું બહુ જ સરળ છે બેટાં. કરણને ભૂલવા માટે તારે આના સિવાય બીજો કોઇ પ્રયાસ જ નથી કરવાનો રહેતો.’
ને અવની વિચારમાં પડી ગઈ.
‘મમ્મીની વાત સાચી હતી. એ કરણને પ્રેમ કરતી હતી ત્યારે એક અદભુત લાગણીથી ભરાઈ જતી હતી. કરણને યાદ નહતો કરવો પડતો એની જાતે યાદ આવતો હતો.જ્યારે આજે એ મારી મચડીને એ લાગણી કચડવાનો પ્રયત્ન કરે છે તો યાદો ફેણ ચઢાવીને સામી થાય છે. મમ્મી કહે છે એમ મારે કરણને ભુલાવવા એની નફરતની લાગણીમાંથી બહાર આવવું જ પડશે. જે માનવી પ્રેમને છેહ આપે એ મારી નફરતને ય કાબિલ નથી.’ ને આ નિર્ણય લેતાં જ એ અંદરથી શાંત થવા લાગી ને નિંદ્રામાં સરી પડી.
અનબીટેબલ ઃ પ્રેમનું વિરોધી નફરત તો નથી જ !
phulchhab newspaper > navrash ni pal column
ના ગમે- હું આદરું તારી સ્પર્ધા,
ના બનું સંપૂર્ણ, કૈં ક્ષતિ આપજે !
-હર્ષદ ચંદારાણા.
‘જૈનમ, આ શું વિચિત્ર કોમ્બીનેશન કર્યું છે તે ? બ્રાઉન ટ્રાઉઝર પર યલો શર્ટ ! સાવ કાર્ટુન લાગે છે. ચેન્જ કર પ્લીઝ. પેલું બ્રાઉન શર્ટ છે એ પહેર. એ બહુ જ સરસ સેટ થાય છે અને તને એ કલર પણ બહુ સરસ લાગે છે. અભિનવભાઈ પર તારી ફર્સ્ટ ઇમ્ર્પેશન ‘ઝક્કાસ’ પડશે.’
ગ્રીવાનો આદેશ થયો એટલે જૈનમે તરત જ શર્ટ બદલ્યું. આમ પણ એને ખબર હતી કે એની ડ્રેસિંગ સેન્સ સાવ ઝીરો હતી. મોટાભાગે એના કપડાનું શોપિંગ ગ્રીવા જ કરતી હતી અને એના થકી જૈનમને એના ફ્રેન્ડસ, રીલેટીવ્સ તરફથી કોમ્લીમેન્ટ્સ પણ મળતાં હતાં. આજે જૈનમ અને ગ્રીવા એમની એકની એક દીકરી વસુના માટે કરોડપતિ એવા અભિગમભાઈ અને રુપાબેનને – છોકરાપક્ષના લોકોને મળવાના હતાં. એમનો દીકરો અમિત અત્યારે ઓસ્ટ્રેલિયામાં હતો પણ વસુ અને અમિતે ફેસબુકમાં એક બીજાની વોલ પર ફોટા અને પોસ્ટ્સ જોઇ જ હતી. એક બીજાને થોડાં ઘણાં જાણતાં હતાં. અમિતને ગ્રીવા ગમી જતાં એણે એના મમ્મી પપ્પાને વાત કરી હતી અને એના મમ્મી પપ્પાએ પોતાના લાડલાની ઇચ્છા ગ્રીવા અને જૈનમને ફોન પર કહી હતી.
અમિત આવતા મહિને ઇન્ડીઆ આવવાનો જ હતો પણ ગ્રીવાની ખાસ ઇચ્છા હતી કે એ લોકો એક વાર પહેલાં છોકરાંના માતા પિતાને મળીને એમના વિશે થોડી જાણકારી મેળવે, ઓળખાણ વિકસાવે. આમ તો જૈનમને આવું પસંદ ના પડયું પણ ઠીક છે, ગ્રીવા એક દીકરીની મા છે એટલે આવી વાતો એના મગજમાં આવે વિચારીને એણે ધર્મપત્નીને સહકાર આપવાનું પસંદ કરી લીધું. પણ આ મેળાપમાં ગ્રીવા વારંવાર ફર્સ્ટ ઇમ્પ્રેશનનો રાગ આલાપતી હતી એનાથી જૈનમને થોડી તકલીફ થતી હતી.શાંત સ્વભાવના જૈનમે મગજને બીજા કામકાજમાં વાળી લીધું.
તૈયાર થઈને એ લોકો નક્કી કરેલ રેસ્ટોરાંમાં અભિગમભાઈ અને રુપાબેનને મળવા ગયાં.
ઓફવ્હાઈટ સિલ્કની સાડી અને રેડ ભરતવાળી બોર્ડર, ગળામાં હીરાનો ઝગમગતો હાર, આઠમાંથી છ આંગળીમાં વ્હાઈટ, ગોલ્ડ કલરની જાતજાતના રંગોના નંગમાં શોભતી વીંટીંઓ, કાનમાં લટકતાં ઝુમ્મર, હાથમાં ડાયમંડ બ્રેસલેટ અને ગોલ્ડ – સિલ્વરના કોમ્બીનેશન સાથેની ડાયમંડ જડેલી ઘડિયાળ…ગ્રીવા તો રુપાબેનના ઠસ્સાંથી અભિભૂત જ થઈ ગઈ. એણે પણ સરસ મજાની સિલ્કની લેટેસ્ટ ડિઝાઈનની સાડીને લાઈટ ડાયમંડના ઘરેણાં પહેરેલાં હતાં પણ રુપાબેનના વૈભવ આગળ તો એનું રજવાડું તો ચકલી જેવું જ હતું. સામે પક્ષે જૈનમને તો અભિનવભાઈના મોંઘા સૂટ બૂટ કશાંયથી કોઇ જ ફર્ક નહતો પડતો એ તો બિન્દાસ થઈને પોતાની નેચરલ સ્ટાઈલમાં જ વર્તન કરતો હતો.અંદરખાને તો એને આ લોકોને જોવા – મળવામાં કોઇ ખાસ રસ પણ નહતો. આખરે એની છોકરીને એમના દીકરા અમિત સાથે જીવન વીતાવવાનું હતું. એ આવ્યો હોત તો હા – વાત અલગ બનતી હતી. પણ…
ડીનર લેતાં લેતાં બે ય પરિવાર એક બીજા વિશે શક્ય એટલું વધુ જાણવાનો યત્ન કરતાં હતાં.વસુ અને અમિત વિશેની જાતજાતની ભાતભાતની વાતો કરી. ગ્રીવા તો પૂરેપૂરી ચકાચોંધ જ હતી એટલે એને તો બધું રુડું રુપાળું જ લાગતું હતું. એની દીકરીનું જો આ ઘરમાં ગોઠવાઈ જશે તો એનું જીવન ધન્ય થઈ જશે એવા વિચાર જ એના મનમાં આવતાં રહ્યાં. ઘરે આવીને કપડાં બદલીને બેડમાં લંબાવતા જ ગ્રીવા બોલી,
‘જૈનુ, તને શું લાગે છે ? ‘
‘ગ્રીવા, આમ જલ્દબાજી ના કરાય.આપણી દીકરીએ પણ અમિતને માત્ર ફોટામાં જ જોયો છે. ખાસ વાતચીત નથી કરી. વળી આમ એક જ મુલાકાતમાં આ લોકો વિશે હું શું કહી શકું ?’
‘તું છે ને સાવ જૂનવાણી જ છું. અરે એમની ફર્સ્ટ ઇમ્ર્પેશન જ જો..કેવી ધમાકેદાર રહી. એમના બોલવા-ચાલવા- ઉઠવા-બેસવા-ખાવા-પીવા બધામાં એક રજવાડી ઠસ્સો છે. વળી વાત ચીત પણ કેવી વિવેકપૂર્ણ, નક્કી એમના દીકરામાં પણ આવા જ ગુણ ને સંસ્કાર હશે. મને તો સગપણ મંજૂર છે. ‘
‘ગ્રીવુ, હદ કરે છે તું તો…ફર્સ્ટ ઇમ્પ્રેશનને શું ધોઈ પીવાની છે ? હું એવું કશું નથી માનતો. આજે એ ઇમ્પ્રેશન હોય એ કાલે બદલાઈ પણ શકે. કોઇ માઈનો લાલ એકના એક જેવું વર્તન કાયમ ના જ કરી શકે અને મને એમ કોઇ એક વખતની મીટીંગથી ઇમ્પ્રેશનમાં આવી જવું કે કોઇ માન્યતાઓ બાંધી લેવાનું ના ફાવે. હું તો ચા ય ફૂંકી ફૂંકીને પીવું છું જેથી દઝાઈ ના જવાય ને એનો ટેસ્ટ પણ સરસ રીતે માણી શકું. તો આ તો મારી એકની એક દીકરીના જીવનનો સવાલ છે. આમ ફટાફટ વિચારવાનું, ડીસીઝન લેવાનું ના ફાવે. હા, વસુ અમિતના પ્રેમમાં હોત તો વાત અલગ હતી આપણે કશું વિચારવાનું જ ના રહેત પણ એવું કશું નથી. આપણી ડાહી દીકરીએ એના જીવનના મૂલ્યવાન નિર્ણયની જવાબદારી પ્રેમ અને વિશ્વાસપૂર્વક આપણને સોંપી છે તો આપણે એનો પૂરેપૂરી સમજણથી પૂરી કરવી જોઇએ.’
‘જૈનમ, આખી દુનિયા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશનમાં માને છે પણ તું રહ્યો..જવા દે. કેવા જાજરમાન લોકો સામેથી દીકરી માટે માંગુ લઈને આવ્યાં છે ને તું છે કે મોઢું ધોવા જવાની વાત કરે છે..હ્મ્મ….’અને ગ્રીવા નારાજગીમાં લાઈટ બંધ કરી બીજી બાજુ મોઢું કરીને સૂઈ ગઈ.
મહિના પછી અમિત ઇન્ડીઆ આવ્યો અને બધા ફરીથી મળ્યાં.છોકરાપક્ષના લોકોને લગ્ન માટે ઉતાવળ હતી એથી એ વારંવાર ફોર્સ કર્યા કરતાં હતાં. ગ્રીવાને તો છોકરો મા બાપ કરતાં ય વધુ ગમી ગયો પણ જૈનમે પોતાનો મત રજૂ ના જ કર્યો. એણે વસુને થોડો સમય અમિતને મળવાંની અને એને વધુ નજીકથી જાણવાની સલાહ આપી. વસુને માણસ ઓળખવાની બાબતમાં મમ્મી કરતાં પપ્પા પર વધુ વિશ્વાસ હતો. એને આમ તો અમિત જોતાંવેંત જ ગમી ગયેલો પણ એક બાહ્યરુપને એ વધુ મહત્વ નહતી આપતી એથી અમિતને મળીને એના વિશે વધુ જાણવાની ઇચ્છા હતી.
પંદરે’ક દિવસ વીત્યાં અને એક સાંજે ગ્રીવાના ઘરમાં જાણે આભ તૂટી પડ્યું.
‘મમ્મી, મને આ લગ્ન પસંદ નથી.’
‘શું વાત કરે છે વસુ ? પાગલ છે કે ?’
‘ના મમ્મી, મને અમિત અને એના ઘરનાં દરેક સભ્યોનું વર્તન શંકાસ્પદ લાગે છે. એ લોકો નક્કી કોઇ વાત છુપાવે છે. બોલે છે કંઇક ને વર્તન કંઇક હોય છે. અમિત તો ઠીક પણ એનાં પપ્પા ય ઘણી વખત મારી વધુ નજીક આવવાનો…’ અને વસુ એક્દમ જ બોલતાં બોલતાં અટકી ગઈ. શરમથી એનું ગોરું મુખ લાલચોળ થઈ ગયું. એના શબ્દોનો મતલબ સમજતાં જ ગ્રીવા અને જૈનમ બે ય સ્તબ્ધ રહી ગયાં.
‘વસુ …દીકરાં આ તું શું બોલે છે ? એ લોકો તો કેવા સંસ્કારી અને ખાનદાની..’
‘ડેડ – પ્લીઝ. એ લોકો સાવ બનાવટી છે. મારી બહેનપણી ક્રુતિના પપ્પા પોલિસ ઇન્સ્પેક્ટર છે. એમણે મને બે દિવસ પહેલાં અમિત સાથે જોઇ ત્યારે એ ચોંકી ગયેલા અને પછી ક્રુતિ દ્વારા મને મેસેજ મોક્લાવ્યાં કે, ‘ અમિત એક મોટો હીસ્ટ્રીશીટર છે અને એ કોઇ ઓસ્ટ્રેલિયા – ફોસ્ટ્રેલિયા નહીં પણ પોલીસથી બચવા અંડરગ્રાઉન્ડ થઈને રહે છે. વળી એને તો કોઇ મા બાપ છે જ નહીં. આ બધું તો એણે ઉપજાવી કાઢેલ વાર્તાઓ છે.’
અને ગ્રીવા અને જૈનમ બે ય માથું પકડીને સોફા પર બેસી ગયાં. અમિત વિશે વધુ જાણકારી ભેગી કરવાનો યત્ન કરતા એમને કોઇ જ વિશ્વાસ લાયક માહિતી ના મળી. ક્રુતિના પપ્પાને મળતાં એમણે વસુની વાતને સમર્થન આપ્યું અને છેલ્લે વસુ કહે છે એ વાત જ સાચી એવા તારણ પર એ લોકો પહોંચ્યાં. અમિતને ફોન કરીને કોઇ જ કારણ આપ્યાં વિના ‘ વસુને આ સંબંધ મંજૂર નથી.’ કહીને વાત પતાવી કાઢી અને સમય રહેતાં બચી ગયા વિચારીને એક હાશકારાનો શ્વાસ લેતાં ફેમિલી ઘરમાં બેઠું હતું
‘ગ્રીવુ, તારી ફર્સ્ટ ઇમ્પ્રેશનનો અનુભવ કેવો રહ્યો ?’ જૈનમે ધીમેથી મમરો મૂક્યો.
‘પ્લીઝ, મને શરમિંદા ના કરો..હવેથી હું કદી ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન’ પર આંધળો ભરોસો નહીં કરું.તમારી વાત સાથે , વિચારો સાથે હું પૂર્ણ રીતે સહમત છું કે માણસને ક્યારેય એક ઝાટકે પહેલા મુલાકાતથી જ ના ઓળખી શકાય. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશનનો હું ધરાર વિરોધ કરું છું.’
ને ઘરના ડ્રોઇંગરુમમાં હાસ્ય ખળભળી ઉઠ્યું.
અનબીટેબલ ઃ દરેક કહેવત દરેક સંજોગોમાં સાચી હોય એવું જરુરી નથી.
-sneha patel
phoolchhab newspaper > 26-11-2-15 > navrash ni pal column.
એ પછી માત્ર હોય અજવાળું,
તું પ્રથમ સહેજ ભેદ અંધારું !
-અશોક ચાવડા.
‘આરતી, જરા કપાળ પર બામ લગાવી આપને પ્લીઝ. બહુ દુખે છે અને હા, જો તું ના જ વાંચતી હોય તો આ લાઈટ બંધ કરી દેજે ને, એની રોશની સહન નથી થતી મને.’
આરતી કંઈક બોલવા જતી હતી પણ ચૂપ રહી અને હાથમાં રહેલી બુકનું પાનું કોર્નર પરથી વાળીને બુક બંધ કરી અને ફર્સ્ટ એઈડના બોકસમાંથી વીક્સ કાઢીને મિરાજના માથા આગળ બેઠી. તર્જનીથી વીક્સ કાઢીને ધીમેથી મીરાજના કપાળ પર એ લગાવ્યું અને ધીમે ધીમે રબ કરવા લાગી. બે મીનીટમાં તો કપાળ પરથી વીક્સ બધું મીરાજની સ્કીનમાં ઉતરી ગયું તો પણ મીરાજના મોઢામાંથી ‘બસ’ એવો શબ્દ ના નીકળતા આરતીએ ધીમે ધીમે હથેળી પર વજન આપીને એનું માથું દબાવવાનું ચાલુ કર્યુ.
‘મીરાજ, આજકાલ તને આ માથાનો દુઃખાવો બહુ થાય છે. ચાલ કોઇ ડોકટરને મળીને બતાવી જોઇએ. આમ વારંવાર માથું દુઃખવું સારી વાત ના કહેવાય.’
‘ના આરતી, એમાં કંઈ ડોકટરને બતાવવાની જરુર નથી.આજકાલ કામનું પ્રેશર વધુ રહે છે એટલે આ તકલીફ વધી ગઈ છે.’
‘કામનું પ્રેશર અને તને…કેમ એમ ? તારે વળી ક્યાં માર્કેટીંગની જોબ છે કે ટારગેટ પૂરાં કરવાના હોય કે તારો પોતાનો ધંધો ય કયાં છે કે સેલ્સ – પરચેસના આંકડાનું ટેન્શન હોય !’
‘ના વાત એવી કોઇ નથી. મારું કામ તો સીધું સાદું કોમ્પ્યુટર ઓપરેટીંગનું જ છે. પણ આજકાલ સરે મને ઢગલો કામ એક સાથે આપી દીધું છે. એ જોઇ જોઇને મને ટેન્શન રહ્યાં કરે છે.’
‘અરે, એ તો આપે પણ તું તારી રીતે શાંતિથી કામ કરને. તને કોઇ સમયની મર્યાદા આપી છે કે તારે આટલા સમયમાં આટલું કામ પતાવી દેવાનું ?’
‘ના..ના..એવું કંઈ નથી. પણ એ ઢગલો કામ જોઇ જોઇને મારું પ્રેશર વધી જાય છે કે આ ક્યારે પતાવીશ ? તને તો ખબર છે કે હું કેટલો ‘પનચ્યુઅલ’ છું. રોજનું કામ રોજ પતાવી દેનારો. મને આવી રીતે કામ કરવાનો બહુ અનુભવ નથી આરતી.’
‘સાવ પાગલ છે તું મીરુ, ખાલી ખાલી સ્ટ્રેસ લઈને તબિયત બગાડવાના ધંધા કરે છે ને ? મારી સહેલી ધીરા પણ આવી જ છે. કોઇ પણ કામ કરવાનું હોય…નાનું – મોટું – જલ્દી – ધીમે..પણ એને એ કામ પતાવવાનું સતત ટેન્શન રહ્યાં કરે ને કામ પત્યાં પછી પાછી એ બીજું કામ શોધી લે. મીન્સ કે તમને લોકોને સ્ટ્રેસને પ્રેમ કરવાની – ચાહવાની ટેવ પડી ગઈ છે. મોટાં મોટાં ભારી ભરખમ કામ પણ તમે શાંત મગજથી કરો તો બહુ સરળતાથી પાર પડી જાય છે પણ તમે લોકો તો…ના, આમ સરળતાથી પતે એ કામની મજા શું ? સ્ટ્રેસલવર્સ !’
‘આરતી , મારે તને ખૂબ સુખી કરવી છે. આપણાં લગ્નને છ મહિના થઈ ગયા પણ પૈસાની પૂરતી સગવડ ના થતા હું તને ક્યાંય ફરવા નથી લઈ જઈ શક્યો.આવી બધી નાની નાની બાબતોથી મને દિલમાં સતત દુઃખ થયા કરે છે. હું આ કામ ઓવરટાઈમ કરીને પતાવીશ તો સરને થોડા ઇમ્પ્રેસ કરી શકીશ ને થોડા વધુ પૈસા મળી શકશે એવો એક વિચાર પણ મને આવી ગયો એટલે હું કચકચાવીને મારા કામની પાછળ લાગી ગયો એમાં આ તકલીફ થઈ.’
‘ઓહ મીરુ, શું તું પણ ? મેં તને ક્યારેય કોઇ ફરિયાદ કરી છે કે તું મને કેમ ક્યાંય ફરવા નથી લઈ ગયો? તો પછી કેમ આવું વિચારે છે. મારા માટે તો શું બહારગામ કે શું આપણું ઘર – જ્યાં હું ને તું શાંતિથી રહી શકીએ એ બધો જ સમય સુંદર – આહલાદક છે. જો હું તને કદી થાકેલી, કંટાળેલી કે અકળાયેલી લાગું છું ? નહીં ને ? જો મને તારા વર્તનથી અસંતોષ હોત તો હું આવી ફ્રેશ કેમ રહી શકત ડીઅર ? પૈસા ને બધું તો શું છે…આજે આવે ને કાલે જાય. એ તો સમયની વાતો. તું એ બધી ચિંતા છોડ અને મારી હળવાશને તારામાં સમાવી લે. તું આમ જ સ્ટ્રેસફુલ રહીશ તો હું મારી હળવાશ ખોઇને તારા સ્ટ્રેસના જંગલોમાં ભટકવા લાગીશ. એ તને ગમશે ? કામ છે એને કામની જેમ જ લે – કોઇ આફતના પોટલાંની કે ચેલેન્જીસની જેમ નહીં. આફટરઓલ તું એક પ્રામાણિક અને મહેનતુ એમ્પ્લોઈ છે તને કોઇ શું કહેવાનું હતું ? કામ છે યાર..મજ્જાથી કર. કઈ ગાડી છૂટી જાય છે કે કયો બોસ તને ખખડાવી કાઢવાનો છે ? રીલેક્સ થતા શીખ ડીઅર પ્લીઝ. નહીંતો આમ ને આમ તો આપણે વીસ વર્ષ વહેલાં બુઢ્ઢા થઈ જઈશું. કાલે ઉઠીને તું ઢગલો પૈસા કમાઈશ તો પણ તારી તબિયત લથડી ચૂકી હશે તો એ શું કામના ? કામના સ્ટ્રેસના ઓથા હેઠળ તબિયત સાથે ચેડાં ના કર. રહી મારી વાત તો હું તો તારી સાથે રાતે જમીને ‘વોક’ લેવા જઈએ અને આઇસક્રીમ ખાઈએ એમાં પણ બેહદ ખુશ છું. મારી ચિંતા ના કર. વળી મને તારી પર પૂરતો વિશ્વાસ છે કે તું ધીમે ધીમે તારા કામમાં વધુ ને વધુ નિપુણ થતો જઇશ ને પ્રમોશન પર પ્રમોશન મેળવી શકીશ ને આપણાં આવનારા બાળકનું ભવિષ્ય…’ને આરતી એક્દમ ચૂપ થઈ ગઈ. છેલ્લાં બે મહિનાથી એને માસિક નહતું આવતું અને આજે જ એ લેડીડોકટરને મળીને આવી હતી ત્યારે એમણે એને પ્રેગનન્સીના ખુશીના મીઠા સમાચાર આપેલા હતાં જે અચાનક જ વાતવાતમાં એનાથી મીરાજ સામે બોલાઈ ગયું. શું બોલાઈ ગયું એનું ભાન થતાં જ એનું ગોરું મોઢું લાલઘૂમ થઈ ગયું.
‘આપણું બાળક…યુ મીન…યુ મીન..’ અને મીરાજે પથારીમાંથી બેઠા થઈને આરતીનો હાથ પકડી લીધો. આરતીએ ઝુકેલાં નયનો સાથે માથું હકારમાં હલાવીને વાતને સંમતિ આપી અને મીરાજનું દિલ ખુશીથી નાચી ઉઠ્યું.
અનબીટેબલઃ બીજાને આકર્ષિત કરવા કે બીજાથી આકર્ષિત થઈને જીવવાનું છોડી દેવાથી બીજું તો કંઇ નહીં પણ શાંતિ જીવનમાં સ્થાયી જરુર થાય છે.
-સ્નેહા પટેલ
phoolchhab newspaper > navrash ni pal column > 12-11-2015
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલિલ’,
જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી ડાળી છે.
– ખલિલ ધનતેજવી
‘સુરમઈને શું સમજ પડવાની બા એમાં…સવાર સવારમાં તમે પણ શું નકામી કચકચ લઈને બેસી જાઓ છો ! ચૂપચાપ તમારા પૂજાપાઠમાં ધ્યાન પૂરોવો ને .’ આરુષનો ઝુંઝવાયેલો અવાજ ડ્રોઇંગરુમની ચાર દિવાલો વચ્ચે ગૂંજી ઉઠ્યો.
‘દીકરા, તું મારી વાત સમજતો કેમ નથી ? આજની સુરમઈ એ આજથી ચાર વર્ષ પહેલાં તું મૂકીને મુંબઈ જતો ગયેલો એ સુરમઈ નથી રહી. આ નાના ગામડાના અનેક મીઠા – કડવા અનુભવોએ સુરમઈને બહુ જ ઘડી છે. એની ઉઠવા બેસવાની- બોલવા ચાલવાની – વિચારવાની સ્ટાઈલ બહુ જ બદલાઇ ગઈ છે. એની સમજણનો પારો સમય સાથે ખસતો ખસતો ખાસો ઉપર જતો રહ્યો છે.તું મારી વાતમાં વિશ્વાસ રાખ બેટા.’ સમજુબા ધીર ગંભીર ને પ્રભાવશાળી અવાજમાં બોલી ઉઠ્યા.
‘બા, તું રહી ભોળી ભાળી. તને વળી માણસોની શું ઓળખ ! કોઇ બે ચાર મીઠા મીઠા લાગણીવાળા વાક્યો બોલે એટલે તું તો એના સો ખૂન પણ માફ કરી દે એવી છું. આજથી ચાર વર્ષ પહેલાંનો એ પ્રસંગ મને હજુ બરાબર યાદ છે જ્યારે સુરમઈ સોળ વર્ષની હતી અને બાજુના ગામનો લબરમૂછિયો એને પટાવી – ભોળવીને પ્રેમના સપના બતાવી બતાવીને એની સાથે બે વર્ષ સુધી મજા કરી ગયો હતો. બે ચાર ફાલતૂની ગિફ્ટ આપીને આને ફોસલાવતો અને આ પાગલ છોકરી એના માટે આપણી પણ સામે થઈએ ઉભી રહી ગયેલી. ના એની પોતાની અક્કલ કે ના આપણી અકકલ પર એને વિશ્વાસ, ઉફ્ફ..યાદ ના કરાવીશ એ સમય બા મને ! ના..ના…આવી બેવકૂફ છોકરી સમજણના ફૂલ ઉગી જાય એ માન્યામાં આવે એવી વાત જ નથી બા. સાવ બુધ્ધુ- સાવ ડોબી – સાવ ગમાર જ….જવા દે ને બા, નાહકનો તું મારું મગજ ના ખા. તું તારે સુખેથી તારા ગોપાલને ભજ. હું આ ચાલ્યો બજારમાં. થોડો આંટો મારતો આવું ને તારા માટે શાકભાજી જેવું લેતો આવું ચાલ.’ ને આરુષ સ્કુટરને કીક મારીને માર્કેટમાં જવા નીકળી ગયો.
મગજમાં રોષનો લાવા ખદબદતો હતો. કાનની બૂટ લાલ થઈ ગઈ હતી. ભ્રમરો કપાળની વચ્ચે ઉંચી થઈને બેમાંથી એક લાઈનમાં ખેંચાઈ ગયેલી, નાકનું ટોચકું પણ થૉડું ચડી ગયેલું. આરુષ -વીસ વર્ષની રુપાળી યુવતી સુરમઈનો કાકો. મુંબઈમાં સારા હોદ્દાની – પૈસાવાળી નોકરી મળતાં એ ગામ ને કુટુંબ છોડીને મુંબઈ જઈને વસી ગયેલો. ત્યાં જઈને વસ્યો તો વસ્યો પછી મુંબઈ એનાથી ના છૂટયું કે મુંબઈની મોહમાયા એ તો રામજાણે પણ સમય નથી કહીને ઘરનાંને ચાર ચાર વર્ષ સુધી સતત ટટળાવ્યાં હતાં. નાછૂટકે સુરમઈના બાપા એટલે કે એના સગાભાઈનું આકસ્મિક મોત થઈ જતાં એણે ગામડે આવવું જ પડેલું. સુરમઈની માતાને જબરદસ્ત આઘાત લાગતાં એ એના મગજનું બેલેન્સ ખોઇ બેઠી અને સાવ પાગલ જ થઈ ગઈ હતી. સમજુબાને ઘરડે ઘડપણ આવા દિવસો જોવાનો વારો આવ્યો હતો. નસીબ – જે સમય વહુ દીકરો એમની ચાકરી કરે એવો આવ્યો હતો ત્યારે એમણે વહુની અને પોતાના બાર વર્ષના પૌત્ર અને વીસ વર્ષની પૌત્રીની જવાબદારી વહન કરવી પડતી હતી. બીજું બધું તો ઠીક પણ હવે ધીમે ધીમે ઘરના ખર્ચા માઝા મૂકી રહ્યાં હતાં. જુવાનજોધ કમાઉ દીકરો તો ભગવાને છીનવી લીધો હતો પણ એની પાછળ એની પાગલ વહુની સારવારમાં ખાસો એવો પૈસો ખર્ચાઈ જતો હતો. એથી સમજુબાએ એના મુંબઈવાસી દીકરાને બોલાવી અને પોતાની પૌત્રી સુરમઈને સાથે લઈ જવા અને ત્યાં કોઇ નોકરી શોધીને એને ત્યાં સેટ કરવા કહ્યું જેના જવાબમાં આરુષને સુરમઈનો ભવ્ય ભૂતકાળ યાદ આવી જતાં ધૂંઆપૂંઆ થઈ ગયો.
‘બા ને ય સમજ નથી પડતી, જે વિચાર આવે એમ બોલ્યાં કરે છે. એમને શું ખબર કે મુંબઈ એટલે શું ચીજ છે ? આપાધાપીના એ શહેરમાં તમે સહેજ પણ મૂર્ખામી કરી તો મુંબઈગરાઓ તમને આખે આખા વેચી આવે ને ડકાર પણ ના લે. પણ બા ને કેમ સમજાવવું આ બધું ? સુરમઈ જેવી ભોટ છોકરીને એના પનારે ક્યાં પાડે છે ? નોકરી તો ઠીક પણ એ તો ત્યાં સામાન્ય ગૃહિણીની જેમ પણ રહી ના શકે. ને રખે ને કોઇ ગુંડો ભટકાઈ ગયો તો બીજા દિવસે તો સીધી કોઇ કોઠા પર જ …ના..ના…આવી આફતની પુડિયાને સાથે લઈ જઉં તો હું પણ નોકરીમાં પૂરતું ધ્યાન ના આપી શકું. કામ ઓફિસમાં કરતો હોઉં ને જીવ તો સાવ ઘરમાં જ રહ્યાં કરે ને પછી તો માંડ માંડ મળેલી ને ટકેલી નોકરીથી હાથ ધોવાનો વારો આવી જાય.વળી હજી તો હું માંડ માંડ સેટ થયો છું. થોડાં વર્ષ આમ જ પૈસા ભેગા કરી શકીશ તો ત્યાંની કોઇ સારી છોકરી મારી સાથે પરણવા પણ તૈયાર થશે એમાં આ બલાને સાથે લઈ જઈને નાહકની ઉપાધી શીદ વહોરવી ! ‘
અચાનક જ સામેથી એક યુવાન દોડતો દોડતો આવીને આરુષના સ્કુટર સાથે આવીને અથડાઈ ગયો ને આરુષના વિચારોને બ્રેક વાગી.
‘ઓ ભાઈ, શું તકલીફ છે ? મરવું જ હોય તો ગામના કુવે જા ને…આમ મારા સ્કુટર સાથે કાં અથડાઈ મરે છે ભૂંડાં..’
‘સોરી, સોરી..’ ને એ હાંફ્ળૉ ફાંફળો યુવાન પાછળ નજર નાંખતો આરુષની બાજુમાંથી નીકળીને આગળની બાજુ દોડી ગયો. એના વિચિત્ર વર્તનથી સ્તબ્ધ થઈ ગયેલો આરુષ સામેની દિશામાં જોઇ રહ્યો અને એની નજરે જે પડયું એના પર વિશ્વાસ ના કરી શક્યો. સામેથી સુરમઈ – એની ભોટ ને પારેવા જેવી ભત્રીજી સાક્ષાત રણચંડીનો અવતાર ધારણ કરીને એક હાથમાં ચંપલ લઈને એ યુવાનની પાછળ દોડી રહી હતી. ચાર વર્ષમાં સુરમઈના દેખાવમાં ખાસો ફરક પડી ગયેલો. એક તો જુવાનીનો સમય અને એમાં ય સુરમઈને થયેલા કડવા અનુભવો પછી સુરમઈના પહેરવેશ – બોલચાલ બધામાંથી પરિવર્તન ટપકી રહેલું દેખાતું હતું. આરુષ તો આસ્ચ્ર્યચક્તિ થઈને એને બાઘાની માફક નિહાળી જ રહ્યો.
‘અરે કાકા, તમે…તમે પેલા મવાલીને કેમ જવા દીધો ? હું મારી સાઈકલ પર જતી હતી અને એ નપાવટ મારું પર્સ ખેંચીને ભાગતો હતો પણ પર્સનો પટ્ટો મારા હાથમાં ફસાઈ ગયો અને પછી તો મેં એ પકડી જ રાખ્યો – એક હાથે સાઇકલનું ગવંડર અને બીજા હાથે પર્સ…બેલેન્સ જતાં સાઇક્લ આડી પડી – થૉડું ઘણું વાગ્યું પણ પર્સનો પટ્ટો ના છોડ્યો તે ના જ છોડ્યો. એટલું જ નહીં પણ છેલ્લાં બે વર્ષથી હું કરાટે શીખું છું એટલે એક ઉંધા હાથની ચોપ મારી તો એ તો સાવ જ મિયાંની મીંદડી થઈ ગયો ને પર્સ છોડીને માડંયો ભાગવા. હાથથી નીકળી ગયો એના નસીબ નહીં તો આજે એનું કચુંબર જ બનાવી કાઢત સાચ્ચે.’
અને આરુષ ફાટી નજરે ગુલાબી સલવાર ને વ્હાઈટ કુર્તામાં વીંટળાયેલી એક છોકરી નામે – સુરમઈ- અર્થાત એની સગી ભત્રીજીના ગોરા રતાશ પકડી રહેલા ગાલને જોઇ રહ્યો. ઢીંચણ પાસેથી એની સલવાર થોડી ફાટી ગયેલી અને એમાંથી લોહી બહાર ડોકાચિર્યાં કરી રહેલું પણ સુરમઈને તો એ ઘાવની કોઇ પડી જ નહતી. એના માટે પર્સ એ જીવન મરણનો સવાલ હતો જાણે. સગી આંખે જોયેલું પણ હજુ માન્યામાં નહતું આવતું કે આ એજ મૂર્ખ, ગભરુ સુરમઈ છે જેને એ ચાર વર્ષ પહેલાં ગામમાં છોડીને ગયેલો. એણે પોતાના જમણાં હાથ વડે ડાબા હાથના કાંડા પર ચૂંટલી ખણી અને ખાત્રી કરી કે એ જે જોઇ રહ્યો હતો એ સત્ય જ હતું. એ આજથી ચાર વર્ષ પહેલાંના અનુભવને આધારે સુરમઈ માટે જે પૂર્વગ્રહો બાંધીને બેઠો હતો એના સમીકરણો તો ઠેઠથી જ ખોટા પડતાં હતાં. આ સામે ઉભેલી સુરમઈ રુપ રંગ અને હિંમતમાં ભલભલી મુંબઈની યુવતીને પણ શરમાવે એવી થઈ ગઈ હતી. બા સાચું જ કહેતાં હતાં પણ પોતે મગજમાં બાંધી દીધેલી અનુભવોની ગ્રંથીથી પીડાતો રહ્યો અને બા ને પણ પીડતો રહ્યો. બાની સમજુ અને પરિપકવ નજરે સુરમઈના જે સુધારા નોંધ્યા હતાં આરુષને તો સુરમઈ એનાથી પણ ક્યાંય આગળ લાગી. આજના પ્રસંગના નજરે સાક્ષી બન્યાં પછી એને સુરમઈ પોતાની ભત્રીજી છે એમ વિચારીને ગર્વ થવા લાગ્યો હતો. મનોમન એ બે ઘડી પોતાના ઘરસંસારના વિચારમાં સ્વાર્થી બની ગયેલો એ વાત પર શરમ પણ આવી ગઈ ને બાની માફી માંગી લીધી અને સુરમઈને મુંબઈ લઈ જઈને નોકરી અપાવવાનો, સેટ કરી દેવાનો નિર્ણય કરી દીધો.
અનબીટેબલ ઃ ધસમસતા નીરના વહેણ જોઇને હાથમાં ટમટમતાં દીવાની જાત પરથી વિશ્વાસ ખોઇ ના બેસાય.
-સ્નેહા પટેલ.
આધુનિક વાલિયો
શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
આ હવા પણ બહુ ભયાનક છે !
-લેખિકાના કાવ્ય સંગ્રહ ‘અક્ષિતારક’માંથી.
રાતના દોઢ વાગ્યો હતો. વોલ કલોકની ટકટક આખા રુમની નીરવ શાંતિનો ભંગ કરી રહી હતી. બે વર્ષ પહેલાં જ વિધુર થયેલો અને બે દીકરીનો પિતા એવા શિશિરે થોડો સમય એ ટકટક સાથે તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન કર્યો પણ વિફળ રહ્યો. એકાગ્રતા ના સાધી શકાતા એનું બેચેન મન વધુ બેચેન બની ગયું. અડધા બેઠા થઈને બાજુમાં પડેલી પાણીની બોટલ ઉઠાવી અને બે ઘૂંટડાં પાણી પીધું. મનનું વંટોળિયું જપવા નહીં જ દે અને તરત ઉંઘ નહીં જ આવેની ખાતરી હતી એટલે લેપટોપ ઓન કરીને નેટ ખોલ્યું અને સર્ફીગ કરવા લાગ્યો. ફેસબુકમાં એની મનગમતી છોકરીઓ સાથેની ચેટીંગની રમત ચાલુ કરી. બીજા દેશમાં હજુ બપોર હતી એટલે એવી ત્રણ ચાર સ્ત્રીમિત્ર મળી પણ ગઈ વાતો કરવા. સુંદર સ્ત્રીઓ સાથે વાત કરવામાં શિશિરને એક અનોખો આનંદ મળતો. ત્યાં જ અચાનક એના જ શહેરની અને એક પ્રોગ્રામમાં એક વખત મળીને એની મિત્ર બની ગયેલી સાડત્રીસ વર્ષની નિશા નામની સ્ત્રી ઓનલાઈન આવી. ખબર નહીં કેમ પણ શિશિરને એક જ મુલાકાતમાં આ નિશા માટે અદમ્ય આકર્ષણ ઉભુ થઈ ગયેલું.
નાજુક પાતળો બાંધો, ગોરી ત્વચા, લાંબા કાળા લીસા વાળ અને કાળી મોટી મોટી પાણીદાર આંખો ..જ્યારે શિશિરે એ જાણ્યું કે નિશાના પતિનું પાંચ વર્ષ પહેલાં જ એક રોડઅકસ્માતમાં અવસાન થયું છે અને નિશા એના વીસ વર્ષના દીકરા સાથે એકલી રહે છે ત્યારે આ અદમ્ય આકર્ષણ તીવ્ર ખેંચાણમાં બદલાઈ ગયેલું પણ મનને સંયમમાં રાખેલું. સમાજમાં એની છાપ એક સમજુ, ઠરેલ અને સંયમશીલ વ્યક્તિની, જવાબદાર – લાગણીશીલ બાપની હતી એ છબી ખરડાય એ ના ચાલે. આખરે બે જુવાનજોધ દીકરીઓનો પિતા હતો એ !
પણ આજે અચાનક આમ રાતે નિશાને ઓનલાઈન જોઇને શિશિરનું મન મચલી ગયું અને એની સાથે વાત કરવા લાગ્યો. થોડી હાય હલો પછી નિશા પણ ખૂલી ગઈ અને ભરપૂર વાતો કરવા લાગી. એ પછી તો આ રોજનું થયું. વાતોનો સિલસિલો મુલાકાત સુધી પહોંચી ગયો. બે ય પક્ષે કોઇ બોલનારું – ટોકનારું નહતું. બે ય વ્યક્તિ ભરપૂર સમજુ હતી. એકલા મળવા માટેના બહાના શોધવાની ય જરુર નહતી. મુલાકાતો નિરંકુશ બનતી ગઈ અને નિશા શિશિરના ગળાડૂબ પ્રેમમાં પડી ગઈ . પ્રેમમાં ગળાડૂબ સ્ત્રી જે માંગણી કરે એવી જ માંગ એણે પણ કરી.
‘શિશિર, ચાલને હવે આપણે પરણી જઈએ. તારા ઘરના બધા મને ઓળખે જ છે ને અંદરખાને મેં ફીલ કર્યું છે કે એ મને અને મારા દીકરા અરમાનને પસંદ પણ કરે છે.’
‘નિશા,શું સાવ નાના છોકરાંઓ જેવી વાત કરે છે. મેં તને પરણવાનું વચન ક્યાં આપ્યું જ છે કદી? વળી મારે બે જુવાનજોધ દીકરીઓ છે. હું લગ્ન કરું તો એમને અરમાન માતા આવે અને એની સાથે કેવું વર્તન કરે એ મને શું ખબર ? ના…આ તો શક્ય જ નથી.’
‘તો..તો…આ બધી મુલાકાતો, શારિરીક મિલન …આ બધું શું ? શું માત્ર એક શરીરની જરુરિયાત પૂર્ણ કરવાના બહાના માત્ર કે ?’
‘ઓહ કમઓન નિશા, બી મેચ્યોર ડીઅર.’
‘શું મેચ્યોર….હું તારા બાળકની મા બનવાની છું ઇડીઅટ, હવે તો તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે અને એ પણ વહેલી તકે !’
‘શું…શું વાત કરે છે ? બાળક…ના ના…આ તો શક્ય જ નથી. તું આ બાળકને પડાવી કાઢ ને વળી આપણા લગ્ન તો શક્ય જ નથી.’
‘શિશિર શું સાવ આવી બાયલા જેવી વાતો કરે છે ? સાવ પાણીમાં બેસી જવાનું કે ?તું લગ્ન નહી કરે તો હું આત્મહત્યા કરી લઈશ. હું તારા વગર નહીં જીવી શકું..પ્લીઝ મારી મજબૂરી સમજ..’
‘નો વૅ…આ કોઇ કાળે શક્ય જ નથી. તું હવે મને ક્યારેય ના મળીશ. તારા ને મારા રસ્તા હવે સાવ અલગ છે. બે પળ મન બહેલાવવાની વાતો હતી. તેં પણ મારી સાથે સાથે ઘણી મજા માણી જ છે ને ! ગુડબાય.’
ને નિશા પાછળ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતી બેસી રહી ગઈ.
થોડા દિવસ રહીને શિશિરના કાને નિશાની આત્મહત્યાની ખબર પડી. બે પળનું મૌન પાળીને એ પોતાના કામે વળગી ગયો.
આખી ય ઘટનાને છ મહિના વીતી ગયા અને એક દિવસ એની મોટી દીકરી પ્રિયાના બેડરુમમાંથી કોઇક અવાજ આવતો હતો. શિશિરે કાન સરવા કર્યા તો એ અવાજ એની વ્હાલુડીના રુદનનો હતો. શિશિર સન્નાટામાં ઉભો રહી ગયો. એને પોતાની દિકરી માટે અનહદ વ્હાલ હતું. એ દુનિયાની કોઇ પણ તકલીફ સહન કરી શકે એમ હતો પણ એના સંતાનની વાત આવે એટલે એ સાવ ઢીલો ઢફ થઈજતો. હળ્વેથી એણે બેડરુમનો દરવાજો ખોલ્યો અને પ્રિયાની નજીક જઈને ઉભો રહ્યો. ધીમેથી એના વાળમાં હાથ ફેરવીને બોલ્યો,
‘શું વાત છે બેટા, આમ આટલું બધું રડવાનું કોઇ કારણ..?’
પહેલાં તો પ્રિયાએ ગલ્લાં તલ્લાં કર્યા પણ પછી જ્યારે પ્રિયાના રડવાનું સાચું કારણ એના ધ્યાનમાં આવ્યું ત્યારે એ હક્કો બક્કો રહી ગયો. આ એનું લોહી…ના..ના…એ આવું કરી જ કેમ શકે…જે પોતે હજુ બાળકી હતી એ આજે કોઇ છોકરાંના પ્રેમમાં પાગલ થઈને એના બાળકની ‘કુંવારી મા’ બનવાની હતી…આવું સાંભળતા પહેલાં એનો જીવ કેમ ના જતો રહ્યો ? થોડી પળ વીતી અને શિશિરે પોતાના મનને સ્થિર કર્યું.
‘પ્રિયા, કાલે એ છોકરાંને મળવા બોલાવી લે ઘરે.’ ને એ પોતાના બેડરુમમાં જતો રહ્યો.
બીજા દિવસના બપોરના બાર વાગ્યે જમી કરીને બેઠા જ હતાં ને શિશિરના દરવાજે એક હેન્ડસમ ફૂટડો જુવાનિયો આવીને ઉભો રહી ગયો.
‘હાય અંકલ. આઈ એમ અરમાન. પ્રિયાનો ફ્રેન્ડ ‘, સહેજ અટકીને એણે ઉમેર્યુ, ‘ ખાસ ફ્રેન્ડ’ ને હસ્યો.
ખબર નહીં કેમ પણ શિશિરને એના હાસ્યમાં થોડી ખંધાઈ લાગી પણ કદાચ…મનનો વહેમ હશે વિચારીને એણે અરમાનને પગથી માથા સુધી નિહાળ્યો. છોકરો બહુ જ સરસ હતો. ઉઠવા, બેસવા, બોલવા ચાલવા કપડામ પહેરવાની – વાળની સ્ટાઈલ…બધું ય આકર્ષક હતું. શિશિરને એક નજરે જ છોકરો ગમી ગયો. પૂછપરછ કરતાં છોકરો સારી કંપનીમાં છ આંકડાના પગારથી કામ કરતો હતો. પોતાનો બંગલો હતો અને મેઈન વાત કે આ દુનિયામાં એ સાવ એકલો જ હતો. મા બાપ બે ય ભગવાનને પ્યારા થઈ ગયેલા હતાં. શિશિરને તો ભાવતું હતું ને વૈદ્યે બતાવ્યું થયું. આધુનિક જમાનો છે…ભલે ને છોકરાં છોકરી જાતે એક બીજાને પસંદ કરી લે…પાત્ર સારું હોય પછી શું વાંધો હોય ? વિચારીને એણે ધીમે રહીને અરમાનને કહ્યું,
‘બેટા, અમે બધા ઇચ્છીએ છીએ કે તું અને પ્રિયા બને એટલી વહેલી તકે પરણી જાઓ. કારણની તો તને ખબર જ છે ને ?’
‘લગ્ન..શું અંકલ ..તમે પણ સારી મજાક કરો છો . મેં અને પ્રિયાએ તો ફકત મોજમજા માટે જ આવી દોસ્તી બાંધેલી છે બાકી પ્રિયાને મેં ક્યારેય કોઇ જ વચન નથી આપ્યું કે હું એની સાથે લગ્ન કરીશ…હું તો રહ્યો મુકતજીવ…લગ્નના બંધનમાં બંધાઈ જવાનું મને ના ફાવે…’ અને અચાનક જ એની આંખોમાં ખુન્ન્સ ઉતરી આવ્યું ને બોલ્યો,
‘જેમ તમને નહતું ફાવ્યું…મારી મા નિશા સાથે લગ્ન કરવાનું અને એના કારણે મેં મારી માતાથી હાથ ધોઈ કાઢવા પડ્યાં.’
‘શું……શું…’
‘હા મિ.શિશિર ઉપાધ્યાય. હું એ જ નિશાનો દીકરો છું જેને તમે પ્રેગનન્ટ કરીને તરછોડી દીધી ને એણે આત્મહત્યા કરી લીધી. મેં તમને એ પાછું વાળ્યું. પ્રિયાને કહેજો હવે પછી મને મળે નહીં હું કંઈ એને પ્રેમ બ્રેમ નથી કરતો. આ તો એક સોદો હતો…ગુડ બાય.’
હાથમાં પાણીની ટ્રે લઈને આવતી ને બારણા પાસે જ અટકી ગયેલી પ્રિયાએ અરમાન અને એના પપ્પાની બધી વાતો સાંભળી લીધી અને એનું દિલ ધક્ક થઈ ગયું, આંખમાં ઝળઝળિયાં આવી ગયા. નાનપણમાં દાદીએ કહેલી વાલિયા લૂંટારાની વાર્તા યાદ આવી ગઈકે જે એ એના કુંટુંબીજનોને પૂછતો હતો,
‘મારા પાપની કમાણીમાં તો તમે સૌ ભાગીદાર છો પણ એ કમાણી ભેગી કરતાં કરેલાં મારા પાપમાં – કુકર્મોમાં તમે કેટલા ટકાના ભાગીદાર ?’
અનબીટેબલ ઃ નાનપણથી ગોખાઈ ગયેલી અનેક કહેવત, શીખ સંજોગો અનુસાર અર્થ બદલી શકે છે ને ખોટી પણ પડી શકે છે.
-સ્નેહા પટેલ.
article of My ‘navrash ni pal’ column in Phoolchhab newspaper >2-9-2015
હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.
-અનિલ ચાવડા.
અતિઆધુનિકતાની ચાડી ખાતા મસમોટા રસોડામાં કાચના ષટકોણ આકારના ગ્લાસમાં સ્ટીલની નાની નાજુક ચમચી ગોળ ગોળ ફરી રહી હતી અને ગ્લાસમાં રહેલ આછા પીળાશ પડતા પાણીમાં ગોળ ગોળ ચક્રો પેદા થઈ રહ્યાં હતાં. એ ચક્કરના વમળોમાં સરલાની નજર સ્થિર થઈ ગઈ અને એ વમળના ચકરાવામાં ઉંડી ને ઉંડી ઉતરતી ચાલી અને ડૂબતાં ડૂબતાં એ પોતાના જીવનના સાડા ત્રણ દાયકાના ભૂતકાળમાં ઉતરી ગઈ.
લગ્નના માંડ એક મહિનો થયો હતો. સરલા સાસરીની રીતભાત પ્રમાણે પોતાની જાતને સેટ કરતા શીખી રહી હતી. જો કે પિયરીયા અને સાસરીની જીવનશૈલીમાં આભજમીનનો ફરક હતો. બધી જ રીતભાત સાવ અલગ જ હતી એથી એને થોડું અઘરુ પણ પડી રહ્યું હતું. પણ સેટ થવું એ એક જ રસ્તો હતો એની પાસે, બીજુ કોઇ જ ઓપ્શન નહતું. સરલાએ અને રાકેશે એમના જમાનામાં ‘લવમેરેજ’ જેવું પરાક્રમ કરવાનું સાહસ કરેલું. ત્રણ વર્ષની અઘરઈ કવાયત પછી માંડ માંડ સાસરીયાઓ રાજી થયા હતાં અને એમના લગ્ન શક્ય બન્યા હતાં. હવે તો સરલા માટે સાસરીયાઓની રહેણી કરણીને સેટ થઈને એમના દિલ જીતવા એ એક જ મુખ્ય ઉદ્દેશ થઈ ગયેલો અને એના માટે એ જરુરી બધા જ પ્રયત્નો કરી છૂટતી હતી. કામગરી સરલા આમ તો એના સાસુ-સસરાને ગમવા પણ લાગેલી પણ એ લોકો હજુ ખૂલીને એ ‘ગમ્યાં’નો એકરાર નહતા કરતાં.
એક દિવસ અચાનક બપોરના સમયે સરલાને ઠંડી લાગવા લાગી અને શરીર તૂટવા લાગ્યું. બધા જમીને પોતપોતાના રુમમાં આરામ કરી રહેલા અને રાકેશ નોકરીએ હતો. કોઇને બૂમ પાડીને બોલાવવામાં સરલાને થોડો સંકોચ થતો હતો. હજી સાસરીયાઓ સાથે એના લાખ પ્રયત્ન છતાં એટલી બધી આત્મીયતા નહતી સધાઈ એટલે એણે ચૂપચાપ મોઢે માથે ઓઢીને ઉંધી રહેવામાં જ ભલાઈ માની. ઉંઘ નહતી આવતી એટલે બેચેનીમાં આમથી તેમ પડખાં ફેરવ્યાં કરતી હતી. મોઢું સૂકાતું હતું પણ ફ્રીજ ખોલીને પાણીની બોટલ કાઢવા જેટલી તાકાત એના પગમાં નહતી. ધીમે ધીમે એને ચક્કર આવવાના પણ ચાલુ થઈ ગયાં. આંખો ખુલ્લી રાખવામાં પણ તકલીફ થવા લાગી હતી ત્યાં જ એના કાને એના સાસુ રમીલાબેનનો અવાજ અથડાયો,
‘સરલા, ચાલો તો ચા બનાવો . ચા નો સમય થઈ ગયો છે.’
અને સરલા માંડ માંડ પલંગનો ટેકો દઈને ઉભી થઈ અને ભીંતનો સહારો લઈ લઇને ડ્રોઇંગરુમમાં ગઈ. સામે ઉભેલા રમીલાબેનના મોઢા સામુ નજર નાંખી તો એમના મોઢાની જગ્યાએ એને લાલપીળા ચકરડાં જ દેખાયા અને એ ભ..ફ..ફ દઈને નીચે બેસી પડી.
‘અરે…અરે શું થયું તને ? ઓહ..તારું શરીર તો ધખે છે. ચાલ તને પલંગ પર સુવાડી દઉં.’ અને રમીલાબેન સરલાને પલંગ પર બેસાડીને બોલ્યાં,
‘તાવ આવ્યો લાગે છે, એક કામ કર. ફ્રીજમાં લીંબુ છે થોડું પાણી બનાવીને પી લે એટલે સારું લાગશે.’ અને સરલા રમીલાબેનને જોતી જ રહી ગઈ. એને અચાનક એની મમ્મી યાદ આવી ગઈ. એને જરા સરખી છીંક પણ આવે તો એ આખું ઘર માથે લઈ લેતી અને સરલા પણ એની પર આડેધડ હુકમો ઠોક્યાં કરતી.તાવ આવ્યો હોય ત્યારે મમ્મી ઓફિસનું કામ છોડીને અડધી રજા મૂકીને ય ઘરે આવી જતી અને એને ડોકટર પાસે લઈ જતી. ફૂટ જ્યુસીસ બનાવી આપતી અને કાચના રમકડાંની જેમ એની સારસંભાળ લેતી. એને પલંગમાંથી નીચે પગ સુધ્ધાં મૂકવા ના દે અને આજે જ્યારે એનાથી ઉભા પણ નહતું થવાતું ત્યારે એ લીંબુનું શરબત કેમની બનાવવાની ? હવે તો રાકેશ ઓફિસથી આવે ત્યારે જ કંઈક વાત બને એ વિચારે સરલાએ કચકચાવીને આંખો મીંચી દીધી. એની મીંચાયેલી કાળી લાંબી પાંપણો હેઠેથી બે ઉના લ્હાય જેવા આંસુડા સરી પડ્યાં જે ‘કોઇ જોઇ જશે તો’ ની બીકમાં એણે ઝડપથી લૂછી કાઢ્યાં.
પછી તો બે કલાક રહીને રાકેશ ઘરે આવ્યો અને એને લઈને ડોકટર પાસે ગયો.ડોકટરે બધા રીપોર્ટ્સ કઢાવ્યા અને ટાઇફોઈડનું નિદાન કર્યું. રાકેશની પ્રેમાળ સારવારથી સરલા સાજી તો થઈ ગઈ પણ દિલના એક ખૂણે તીખા, વેધક ઘાના ઘસરકા રહી ગયાં હતાં.
આજે સરલા પોતે બે છોકરાંઓની મા હતી. મોટો દીકરો રાહુલ ઓફિસે હતો અને એની વહુની તબિયત સારી નહતી. થોડું શરીર ધીખતું લાગ્યું એટલે સરલા લીંબુનું શરબત બનાવી રહી હતી. અચાનક ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગઈ અને સરલા લીંબુના શરબતનો ગ્લાસ અને સાથે એક પેરાસીટ્રામોલ લઈને એ એની વહુના બેડરુમ ભણી વધી.
અનબીટેબલઃ માંદા , અશકત માણસોને શીખામણ નહીં પણ પ્રેમાળ અને કાળજીભર્યા વર્તનની જરુર હોય છે.
#fulchhab newspaper > 1-07-2015 > #navrash ni pal column
ભૂલ વારંવાર નરબંકા ન કર !
તું અયોધ્યામાં ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ જેવો રામ થઈ શંકા ન કર !
– ‘પંથી’ પાલનપુરી
‘આજે બફારો વધારે છે કે એસી બરાબર કામ નથી કરતું ? સમજાતું નથી પણ ઉકળાટ બહુ છે, પરસેવે રેબઝેબ નીતરતા શરીરે મગજ પણ બંધ થઈ જાય છે, એક પણ કામ ઢંગથી નથી કરી શકતો ને અધૂરા કામ જોઇ જોઇને ભયંકર કંટાળો આવે છે. આવુ તો થોડું ચાલે ? ચાલ એસી ચેક કરી જોઉં.’
વિચારીને અર્હમ ઉભો થયો. પંખાની સ્પીડ વધારીને એસી બંધ કર્યું ને એનું કવર ખોલીને અંદરની ફિલ્ટરની જાળી બહાર કાઢીને જોઈ તો આખી ધૂળથી ભરાઈ ગયેલી.
‘ઓહોહો..પછી એસીની ઠંડક ના જ થાય ને !’ વિચારીને અર્હમ એ જાળીને બેઝિનમાં લઈ જઈને સાબુથી સાફ કરવા બેઠો. જાળી સાફ કરતા કરતા એનો હાથ અનાયાસે જ બેઝિનની બાજુમાં રહેલ કપરકાબીના સ્ટેન્ડ પર અથડાયો અને આખું સ્ટેન્ડ ‘ઓમ ધબાય નમઃ’! અર્હમ અવાચક થઈને સ્ટેન્ડની અંદરના આકૃતિના મનગમતા કપરકાબીનો કચ્ચરઘાણ વળતો જોઇ જ રહ્યો. એ કશું પણ વિચારે, કરી શકે એ પહેલાં તો એક મીની વાવાઝોડું જ ફૂંકાઈ ગયુ હતું ને વાવાઝોડાની અસરના પડઘાં પણ ત્વરિત જ પડ્યાં.
‘અર્હુ, તારા કામમાં ક્યારેય કોઇ ઠેકાણા જ ના હોય. આ કપરકાબી કેટલા કિંમતી હતા તને ખબર છે ને ? નટુમામા કેટલા પ્રેમથી અમેરિકાથી મારા માટે લાવેલા. મારા અતિપ્રિય ને તેં એક મીનીટમાં હતા – નાહતા કરી દીધા. તને શું કહેવું મારે ? કોઇ જાતના વેતા જ નહીં ને..’
‘આકૃતિ, બસ કર હવે. મેં કંઇ જાણી જોઇને આ કપરકાબી નથી ફોડ્યાં. હકીકતે તો તારે આ સ્ટેન્ડને સિંકની આટલી નજીક ના રાખતા થોડું છેટું રાખવાની જરુર હતી. મેં તને પહેલાં પણ આ વાત કહી હતી યાદ કર, પણ ના – પોતાની ભૂલ કબૂલે એ તો આકૃતિ કેમ કહેવાય ? ભૂલો તો મારાથી જ થાય. તું તો મહાન છું.’
‘એક તો ચોરી ઉપરથી સીનાજોરી ..’
ને વાત વાતમાં વાત લડાઈના સ્વરુપ સુધી પહોંચી ગઈ. ભૂતકાળની નાની નાની બેદરકારીઓ યાદ કરી કરીને એક બીજાના મોઢા પર – દિલ પર સટાસટ મરાતી હતી. વાતાવરણમાં બાફનું પ્રમાણ વધી ગયું અને શ્વાસ ગૂંગળાતો હોવાનો અનુભવ થતાં અર્હમ ઘરની બહાર નીકળી ગયો.નીકળીને એ સીધો એની મનપસંદ જગ્યા ‘પાનના ગલ્લે’ જઈને ઉભો રહ્યો અને એની ફેવરીટ બ્રાન્ડની સિગારેટ માંગી.
‘ઓહો અર્હમ, અત્યારે સિગારેટ પીવે છે ? તારા સિગારેટના ટાઈમને તો હજુ ત્રણ કલાકની વાર છે ને લ્યા !’
અર્હમના દોસ્ત વિશાલે એના કાંડાઘડિયાળમાં નજર નાંખતા પૂછ્યું. એને ખબર હતી કે અર્હમ દિવસની બે જ સિગારેટ પીવે છે અને એ પણ બહુ જ નિયમિત સમયે જ. એના એ શિડ્યુલમાં માંડ જ કોઇક વાર નજીવો ફેરફાર થાય. એટલે આજે કટાણે અર્હમને પાનના ગલ્લે જોઇને વિશાલને નવાઇ લાગી.
‘કંઈ નહી યાર, ઘરમાં આકૃતિ સાથે થોડી કચકચ થઈ ગઈ તો ઘરની બહાર નીકળી ગયો.’
‘એટલે ભાગી આવ્યો એમ ?’
‘ના..ના. એ વાતાવરણ છોડી આવ્યો.’
‘તું ગમે એ કહે હું તો તને ભાગેડું જ કહીશ.’
‘ભાગેડું તો શું પણ જ્યારે પણ આમ ઝગડો થાય ત્યારે હું થોડો સમય ઘરની બહાર નીકળી જઉં છું. થોડો રીલેક્સ થઈને પછી ઘરે જઉં.’
‘ઓકે..તો આમ કરવાથી વાતનું સમાધાન થઈ જાય કે ?’
‘ના, એવું નહીં. ઉલ્ટાનું આકૃતિ તો વાતની ચર્ચા ના થાય અને એનો અંત ના આવે ત્યાં સુધી ધૂંઆપૂંઆ જ રહે. જ્યારે બોલાચાલી થાય ને હું ઘરની બહાર નીકળી જઉં ત્યારે એ મારા આવવાની રાહ જોઇને જ બેસી રહે. હું આમ નીકળી જઉં એટલે એ પોતાની જાતને નિગ્લેક્ટેડ ફીલ કરે અને એનો ગુસ્સો વધુ આકરો થઈ જાય. પણ મને ઝગડો થયા પછી વાત કરવાનું મન જ ના થાય. એમ ચર્ચાઓ શું કરવાની ? આટલા વર્ષથી સાથે રહે છે તો એ મને બરાબર જાણતી જ હોય ને. હું કદી વાતની ચર્ચાઓ ના કરું ને ચર્ચા ના થાય ત્યાં સુધી આકૃતિ ઉંચી નીચી થઈ જાય. એને ઝગડો થાય એટલે બને એટલી જલ્દીથી વાત પતાવવાની ઇચ્છા હોય. ઘણી વખત તો મારી ભૂલ હોય તો પણ એ વળતી સોરી કહીને વાત પતાવવાની ઉદારતા ધરાવે પણ મને એવું બધું ના ફાવે. હું મારું મગજ ઠંડું ના થાય ત્યાં સુધી એક પણ અક્ષર ના બોલું, એમાં ને એમાં તો ઘણી વાર મારે ચાર પાંચ દિવસના અબોલા ય રહે. એટલા દિવસઓ આકૃતિ વળી બમણા જોરથી મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે એટલે મને વધારે ગુસ્સો આવે. યાર, મગજને એની જાતે ઠંડું પડવા દો ને. એ ઠંડું થાય એટલે હું તો આખો ઝગડો ભૂલી જાઉં છું ને એકદમ નોર્મલ થઈ જાઉં છું’
‘વાત પતાવવાનો આકૃતિનો ઇરાદો ખોટો ક્યાં છે પણ દોસ્ત ? વાતના વતેસર એ આનું નામ. આકૃતિભાભી ખોટા ક્યાં છે એ સમજાવ તો. ઝગડાં તો કયા કપલને ના થાય? થાય એ તો. દરેક માનવી પોતાની સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે,નોખી નોખી જીવન જીવવાની આદતો ધરાવે છે તે ટકારવ તો થાય. પણ મુખ્ય વાત કે એ ટકરાવ પછી વાતને કેવી સિફતથી અને ધીરજથી સંભાળી લો છો અને એની પતાવટ કરો છો, તમે જેને પ્રેમ કરતા હો એના માટે તમારો ઇગો ભૂલીને ય એની ખુશી સાચવવાનો પ્રયત્ન કરો એ છે. જોકે આ બહુ જ મહેનત માંગી લેતી માનસિક કસરત છે પણ તમે થોડી સજજતા કેળવો તો એ તમારા સ્વભાવમાં જરુર આવી શકે. પ્રેમ માણસને બધું શીખવી દે છે,જ્યારે તું તો તારો ઇગો સંતોષવા ઘરની બહાર આવીને સિગારેટો પીને કાળજું બાળે ને ઘરમાં તારી પ્રિયાનું વગર સિગારેટે પણ એનાથી ડબલ બળે ! આ પણ એક જાતનું ‘પેસીવ સ્મોકિંગ’ જ ને ! તમારા સહજીવનને લગભગ પચીસ વર્ષ થયા અને હજુ આજે પણ તું સાવ આવું બાલિશ વર્તન કરે છે એ વિચારીને મને નવાઈ લાગે છે.’
‘હા વિશાલ, આ વધારાની સિગારેટ પી ને મારું અને આકૃતિ બે ય નું કાળજું બાળવું એના બદલે તું કહે છે એ રસ્તે ચાલવાનું વધુ હિતાવહ લાગે છે.’
અનબીટેબલ ઃ પ્રેમના પ્રિઝમમાં રીસામણા પછી મનામણાંના કિરણો પસાર કરવાથી સતરંગી આકર્ષણના મેઘધનુષ્ય રચાય છે.
સ્નેહા પટેલ
અમે ભોગવી છે એ દશકાઓ પહેલાં,
તને જે અવસ્થાએ ચુંબન કર્યું છે.
-સ્નેહી પરમાર.
અનુષ્કા ધુંઆપુંઆ થઈ રહી હતી.નાકનું ટૉચકું લાલ લાલ થઈ ગયું હતું અને આંખમાંથી વરાળ નીકળી રહી હતી. ધડા..મ દઈને એ સોફા પર બેઠી અને પીઠ પર લટકતી બેગ કાઢીને એક બાજુ ફંગોળી.
‘એ મગતરી એના મનમાં સમજે છે શું ? સરની આગળ ચાંપલી ચાંપલી વાતો કરીને મારા વિરુધ્ધ કાન ભંભેરે છે અને પોતે એમની લાડકી બનતી જાય છે. વળી સર પણ એવા જ..કાચા કાનના.’
અનુષ્કા એકલી એકલી બબડે જતી હતી. એક પગ બીજા પગના શૂઝમાં ભરાવીને એ કાઢ્યું અને પગથી જ એને ઉછાળ્યું એવું જ બીજા શૂઝનું પણ. એ જ સમયે એની મમ્મી રીતુએ ઘરમાં પ્રવેશ કર્યો અને એ બીજું શૂઝ સીધું એની સાથે અથડાયું. બે પળ તો રીતુ સમસમી ગઈ ને,’ અનુ આ શું પાગલ જેવું વર્તન કરે છે ?’ એવું બોલતા બોલતા પોતાની જીભ પર માંડ કાબૂ રાખ્યો.
હાથમાં રહેલ શોપિંગ બેગ્સ જઈને બેડરુમમાં મૂકી ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને ગ્લાસ ભર્યો અને લઈને અનુની બાજુમાં બેઠી.
‘લે પાણી પી.’
અનુએ રીતુની સામે જોયા વગર જ ગ્લાસ હાથમાં લીધો અને એકશ્વાસે ગટગટાવી ગઈ અને ટી શર્ટની બાંયથી કપાળે વળી ગયેલ પરસેવાની બૂંદો લૂછી અને થોડી સ્વસ્થતા ધારણ કરી.બાજુમાં પડેલ રીમોટ હાથમાં લઈ ટીવી ચાલુ કર્યું અને ચેનલો બદલવા લાગી. ચેનલ બદલવાની ગતિ પરથી રીતુ એના મગજની દશાનો તાગ આસાનીથી મેળવી શક્તી હ્તી. આખરે મા હતી ને ! ધીમે ધીમે એ ગતિ ધીમી પડી અને છેલ્લે એક ચેનલ પર આવીને અટકી એટલે રીતુએ પોતાની વાત ચાલુ કરી.
‘હવે બોલ, શું વાત છે ?’
‘મમ્મી, મારી સખી ઋત્વીએ આજે મારા ટ્યુશન ક્લાસમાં સરને મારી વિરુધ્ધ ચાડી ખાધી કે હું ચાલુ ક્લાસે મોબાઈલમાં મેસેજીસ વાંચું છું. હવે મમ્મી, આખા કલાસમાં ઓલમોસ્ટ દરેક જણ આમ કરે જ છે. એમાં મેં વળી શું મોટો ગુનો કરી દીધો બોલો. વળી ફિઝિક્સનું જે ચેપ્ટર ચાલતું હતું એમાં પણ મારું બરાબર ધ્યાન હતું. અમે આજકાલની જનરેશન તો યુ નો ના..મલ્ટીટાસ્કર (એક સાથે અનેકો કામને પહોંચી વળનારા ). મને ખબર છે કે એને શું પેટમાં દુઃખે છે.’
‘શું ?’
‘મમ્મી, છેલ્લા અઠવાડીએ અમે બધા મિત્રો મેઘાની બર્થડે પાર્ટીમાં ગયેલા ખબર છે ને ? ત્યાં વત્સલ મારી સાથે બહુ જ વાત કરતો હતો અને મને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપતો હતો. હવે ઋત્વીને વત્સલ બહુ જ ગમે છે એ વાત અમારા ગ્રુપમાં મોટા ભાગે બધા જાણે. જોકે એણે પોતાના દિલની વાત વત્સલને નથી કહી અને મમ્મા, મને પણ એવો છોકરા બોકરા સાથે રખડવામાં ને પેમલા પેમલી કરવામાં કોઇ રસ નથી એ તો તું ય બરાબર જાણે ને મારા મિત્રો ય. પન વત્સલ મારી સાથે વધુ કમફ્ર્ટ ફીલ કરે તો હું શું કરું ? એ મારો સારો મિત્ર છે એની સાથે હસીને બે ચાર વાત કરવામાં ખોટું શું?’
‘હ્મ્મ…દીકરા,હું તારી આ અકળામણ સમજી શકું છું. સ્ત્રી જાતિને મળેલો ઇર્ષ્યાનો અભિશ્રાપ ચાંદ પર લાગેલ દાગ સમાન જ છે ને એનો કોઇ જ ઉપાય નથી. કેટલાંય ખુવાર થઈ ગયા ને કેટલાં હજુ થશે રામ જાણે ! પણ એક વાત વિચારીને કહે કે આ તારી જે અકળામણ છે એ કોઇ પણ રીતે ઋત્વીને હેરાન કરે છે ?’
‘શું મમ્મી તમે પણ…મારી અકળામણ મને હેરાન કરે એમાં ઋત્વીને શું લાગે વળગે? એ તો મસ્ત મજાની જલસા કરતી હશે એના ઘરમાં. મારી એક વખતની બેસ્ટ ફ્રેન્ડ આજે મને સૌથી મોટી દુશ્મન લાગે છે.’
‘ઓહ, અચ્છા અચ્છા મતલબ આ ગુસ્સાની ભટ્ઠીમાં તું એકલી જ બળે છે એમ ને ? તો ઋત્વી તારા માટે એટલી બધી મહત્વની કે તું એની પાછળ તારું આટલું દિમાગ બગાડે છે ? એને પ્રેમથી તારી વાત સમજાવ અને તારા દિલમાં એના અને વત્સલ માટે શું ભાવ છે એ ક્લીઅર કહી દે. એમ છતાં પણ એ ના સમજે તો છોડી દે એને . તારે વળી મિત્રોની ક્યાં કમી ? આમ વારંવાર જેને ખુલાસા આપવા પડે એવા લોકોની મૈત્રી ના રખાય, દુઃખી જ થવાય. વળી મુખ્ય વાત તો એ કે તું એની દોસ્તીમાંથી દૂર થાય ત્યારે એના પ્રત્યે ગુસ્સાની, દુશ્મનીના ભાવમાંથી પણ બહાર નીકળી જજે. આ એક વાત જીવનમાં સતત યાદ રાખજે કે દોસ્તી કરતાં દુશ્મની બહુ જ જાળવીને કરવાની. બને તો જીવનમાં કોઇને પણ આપણા દુશ્મનોની યાદીમાં સામેલ ના જ કરવા ને કરવા હોય તો એની સાથે પૂરી તાકાતથી લડવાનું બળ ધરાવવાનું અને એના શક્ય પરિણામો ભોગવી લેવાની તૈયારી રાખી લેવાની. તમે જયારે કોઇ વ્યક્તિને દુશ્મન માની લો છો ત્યારે એ તમારા મનોપ્રદેશ પર વધારે વર્ચસ્વ ધરાવે છે. તમારી ઇચ્છા વિરુધ્ધ જ તમે એની પળે પળની નોંધ લેતા થઈ જાઓ છો, એને કેમ – કેવી રીતે નીચી પાડવી એ જ વિચારોમાં ડૂબેલા રહો છો. પણ જે વ્યક્તિ તમારી તમારી દોસ્તીને ય લાયક નથી એ તમારી દુશ્મનીને તો કેમનો લાયક હોય ? તમારી દુશ્મની તો બહુ જ અમૂલ્ય હોય છે જે બહુ જ ‘રેર’ વ્યક્તિને જ નસીબ થાય. સમજે છે ને મારે શું કહેવું છે એ દીકરા ?’
‘મમ્મી, શું કહું..યુ આર સિમ્પલી સુપર્બ, આઈ લવ યુ.’ અને અનુષ્કાએ રીતુના ગળામાં પોતાની બાહો પૂરોવીને એના ગાલ પર એક મીઠું મધુરું ચુંબન કરી દીધું.
અનબીટેબલ ઃ સ્ત્રીઓની ઇર્ષ્યા અને પુરુષોનો અહમ આ બે ગુણ અસ્તિત્વમાં જ ના હોય તો દુનિયા કેવી ફીકકી હોત !
-સ્નેહા પટેલ
25-03-2015 > Phoolchhab newspaper > Navrash ni pal column
લખીને ભૂંસી પાછું લખવાનું હોય,
પ્રથમ નિજની આંખે ઉકલવાનું હોય.
સ્મિતા ચા નો કપ લઈને ડાયનિંગ ટેબલ પર બેઠી . ટેબલ પર સફેદ પારદર્શક ટેબલક્લોથ પથરાયેલું હતું જેમાંથી નીચેનો લાઈટ ગ્રીન શેઈડવાળો કાચ અદભુત લાગતો હતો. એની ઉપર સરસ મજાનું પેપર નેપકીન સ્ટેન્ડ અને લકી બાંબુનો સાત સ્ટીકવાળો છોડ હતો. ટૂંકમાં ડાયનિંગ ટેબલ પર એક ખુશનુમા ફીલ ઉભી થતી હતી ને એ આહ્લલાદક લાગણી સાથે સ્મિતાએ ચા નો પહેલો ઘૂંટડો ભર્યો ને મોબાઇલનું સ્ક્રીનલોક ખોલ્યું. ચા ના ઘૂંટડા સાથે મોબાઈલમાં મેસેજીસ વાંચવાની સ્મિતાની જૂની ટેવ ! એની નાજુક અને ફ્લોરોસન્ટ આસમાની રંગથી રંગાયેલ નખવાળી આંગળી સ્માર્ટફોનના સ્ક્રીન પર ફરતી હતી. સ્મિતા વારેઘડીએ પોતાના સુંદર મજાના શૅઇપવાળા નખને જોતા જોતા મનોમન ખુશ થતી હતી. સ્ત્રી એટલે સુંદરતા જ્સ્તો, અને પોતે બહુ ભાગ્યવાન હતી કે ભગવાને ખોબે ખોબા ભરીને પોતાની ઉપર એ વરદાન વરસાવેલું. અચાનક સ્મિતાની આંગળી વોટસએપના એક મેસેજ પર અટકી ગઈ. મેસેજ કંઈક આવો હતો,
‘अकसर लोग ये कहते है के औरते अपनी सही उम्र का इजहार नही करती करती ! पर वो क्या करे, मजबूर है ! दरअसल वो अपनी उस उम्र का हिसाब ही नही लगा पाती है जो सहीमें खुद के लिए जी पाती है !’
અને સ્મિતા છેક અંદર સુધી હલી ગઈ. ઓહોહો…આ તે કેવી વિડંબણા ! સ્ત્રીને પોતાના માટે જ સમય ના મળે અને એના મગજમાં એણે અત્યાર સુધી એણે સ્ત્રીઓ પર થયેલા અન્યાય વિશે વાંચેલી, સાંભળેલી, અનુભવેલી અનેકો વાત – વાર્તાઓ પસાર થઈ ગઈ. દિલ ઉદાસીનતાથી છ્લકાઈ ગયું, મૂડ ઑફ ! ને એણે એનો આ મેસેજ એની એક બહુ જ સુલઝેલા અને સ્વસ્થ દિમાગની સખી પારુલને ફોરવર્ડ કરી દીધો અને ચા નો એક લાંબો ઘૂટડો ભરી દીધો. ફુદીના અને આદુવાળી ચા ના સ્વાદથી મગજ પાછું તરબતર થઈ ગયું. સ્ત્રી હોવાનું દુઃખ ઓછું થઈ ગયું !
ત્યાં તો પારુલનો મેસેજ આવ્યો ને સ્મિતાએ મેસેજ ઓપન કર્યો.
‘સ્મિતુ, તું ક્યાં સુધી આવી પાગલ રહીશ..?’
‘મતલબ ?’
‘આ સવાર સવારમાં શું રોત્તલ મેસેજીસ ફોરવર્ડ ?’
‘ઓહ, પણ એ સાચું તો છે જ ને પારુ. વેઈટ, કોલ કરું.’
અને સ્મિતાએ પારુલને ફોન કર્યો.
‘હા, હવે બોલ. મેસેજીસમાં ચર્ચા કરવાની ના ફાવે. તું લખે કંઈક ને હું સમજું કંઇક. વળી એ મેસેજ વાંચી વાંચીને ટાઇપ કરવાનો કંટાળો આવે.’
‘કૂલ ડાઉન ડીઅર. મારે તો ફકત એમ કહેવું હતું કે આપણે ખુદના માટે જીવવાનો સમય કેમ ના કાઢી શકીએ ?’
‘પારુ, આ બધું જેવું બોલાઈ જાય એવું જીવી જવું ઇઝી નથી. આપણે ઇચ્છીએ તો પણ આ જવાબદારીઓ આપણને ક્યાં એમ કરવા દે ?’
‘એવું કશું નથી હોતું. એમાં ય વળી આપણે તો શહેરની, ભણેલી – ગણેલી અને સારા ઘર – વર ધરાવતી સ્ત્રીઓ. આપણે જ આમ વિચારીશું તો આપણાથી નીચું જીવનધોરણ જીવનારી સ્ત્રીઓની માનસિકતાનું તો શું કહેવાનું ?’
‘પારુલ, તારી વાત સાથે સહમત પણ આપણે રહ્યાં લાગણીશીલ અને પૂરેપૂરા સમર્પિત. આમ પોતાના માટે જીવવું એટલે શું વળી ?’
‘જો આપણને ભગવાને સંવેદનશીલતાનું વરદાન આપ્યું છે. આ વરદાનને આપણે આપણી નબળાઇ ના બનાવીએ તો ના ચાલે ? આપણે સ્ત્રીઓ અહીં જ માર ખાઈએ છીએ, વહેવા જ લાગીએ છીએ અને પછી, ‘બધું આપણા હાથ બહાર છે’ કહીને રડતા રડતા ઉભા રહી જઈએ છીએ. આપણે જે ભૂલો કરીએ એના પરિણામો તો આપણે જ ભોગવવા પડે ને ! શું કામ આપણે આપણી સંવેદનશીલતાને આપણી પર હાવી થવા દઈએ ! હું તો એક વાત જાણું કે, ‘યોગ્ય માત્રામાં યોગ્ય લાગણીનું પ્રમાણભાન’ એ મુખ્ય વાત. કોઇની જિંદગી કોઇના પર આધારીત થાય તો એ ક્યારેય ખુશીનું કારણ ના જ બને. શું કામ ઘરનાંને તમારી ટેવ પાડી દો છો ? આમ કરીને તમે તમારી અસલામતતા તો છતી નથી કરતાં ને ? તમે સ્વતંત્ર રહો અને એમને પણ સ્વતંત્ર રહેતા શીખવો. બસ..બાકી બધું જ સરળ સરળ. પુરુષ જે રીતે લાગણીનું બેલેન્સ કરીને ‘પુરુષાર્થ’ કરે છે અને એની કમાવાની જવાબદારી પૂરી કરે છે એમ સ્ત્રીઓએ પણ લાગણી અને દિમાગનું બેલેન્સ કરીને ‘સ્ત્રીઆર્થ’ કરવાનો હોય છે. કેટલી સરળ વાત છે શું કામ આપણે આવા મેસેજોના રોદણાં રડીને એને વારંવાર ગૂંચવતા જઈએ છીએ એ જ નથી સમજાતું ?’
‘પારુ, તું સાચું કહે છે.વાતના આ છેડાં સુધી તો હું ક્યારેય પહોંચી જ નથી. ફકત રોદણાં રડતા રહેવાથી કંઇ નથી વળવાનું. આપણાં વાડાઓમાંથી બહાર નીકળવા આપણે સ્ત્રીઆર્થ કરવો જ પડશે. દુનિયા તો પછી સ્વીકારશે પહેલાં આપણે તો આપણી જાતને સ્વીકારીએ. ચાલ રે, મારે સંજુને સ્કુલે લેવા જવાનો સમય છે. મળ્યા પછી.’ અને સ્મિતાએ ફોન કટ કરવા માટે સ્ક્રીનમાં નીચે આવેલ ‘લાલ રિસીવર’ની નિશાની પર આંગળી દબાવી.
અનબીટેબલ : આપણી જિંદગી ફકત અને ફક્ત આપણે જ બહેતર બનાવી શકીએ !
શિર્ષક પંક્તિ – લેખિકા.
એકલો ઊગે નહીં તો શું કરે?
આ સુરજને કંઈ નથી ઘરબારમાં.
-અંકિત ત્રિવેદી.
‘રીયા, તું કેવી આળસુ છું ! સ્કુલમાંથી ત્રણ દિવસ માટે આબુ ટ્રેકિંગમાં લઈ જાય છે અને તું છે કે જવાની ના પાડે છે ? નસીબવાળી છું કે આમ ફરવા મળે છે બાકી અમારા સમયમાં તો અમને વન ડે પીકનીકમાં ય જવા નહોતું મળતું.’ પરિમીતા હાથમાં કટકો લઈને ઘરનું ફર્નિચર ઝાપટતાં ઝાપટતાં એની દીકરીને ય શાબ્દિક ઝાપટતી જતી હતી.
‘ઓહ કમ ઓન મમ્મા, આ શું પાછા સવાર સવારના ‘અમારો સમય ને તમારો સમય’ની રામાયણ લઈને બેસી ગયા છો ? શાંતિથી ઉંઘવા દ્યો ને. માંડ હમણાં જ ‘હાફ યર એક્ઝામ’ પતી છે થોડો થાક તો ઉતારવા દો.’
‘તું તારે ઉંઘ્યા જ કર આખી જિંદગી. કાલે ઉઠીને સાસરે જઈશ ત્યારે શું થશે કોને ખબર ? આમ ને આમ ઉંઘતી રહી ને તો તારું નસીબ પણ ઉંઘતું જ રહેશે છોકરી, કહું છું હજી સમય છે સુધરી જા.’
હવે રીયાનો પિત્તો ગયો. એક હાથે ઓઢવાનું બાજુમાં ઉછાળીને વાળ ઝાટકતી પથારીમાં બેસી ગઈ.
‘મમ્મી, શું છે તમારે ? હું સોળ વર્ષની સમજદાર છોકરી છું. મારે શું કરવું ને શું નહી એની પૂરેપૂરી સમજ છે મને. જ્યાં નથી સમજ ત્યાં આપને કે ડેડીને જરુરથી પૂછીશ. પણ તમે મતલબ વગર સવાર સવારમાં મને આમ લેકચર ના આપો. સ્કુલમાંથી છેલ્લાં ત્રણ વર્ષથી આબુ લઈ જાય છે અને હું જઉં છું. આ વખતે કોઇ જ મિત્ર નથી જવાના તો મૂડ નથી જવાનો..દેટ્સ ઇટ. આમાં વાતને રબરની જેમ આટલી ખેંચવાની ક્યાં જરુર છે ? ‘
પરિમીતાનો અવાજ થોડો ઢીલો પડી ગયો.
‘દીકરા, તારા જેવડી હતી ત્યારે મને આમ બહારગામ જવાનો બહુ શોખ પણ ઘરની આર્થિક પરિસ્થિતીને વશ થઈને મને આપણા શહેરમાં ય મન મૂકીને ફરવા નહતું મળતું. મારો એ હરવા ફરવાનો શોખ લગ્ન પછી પણ તારા પપ્પાની વારંવાર છૂટતી રહેતી નોકરી અને અનિસ્ચિત આવકના કારણે પૂરો નથી થયો. આમ ને આમ પીસ્તાલીસ તો પૂરા થઈ ગયાં હવે તો એ શોખ પણ જાણે મરી ગયો છે પણ તને જોઇને એમ થાય કે મારી દીકરીને મારે આમ સબડવા નથી દેવી એટલે તો હું ગમે ત્યાંથી પૈસા ભેગા કરી કરીને ય તને આમ પીકનીક અને બહેનપણીઓ સાથે બહાર ફરવાનું પ્રોત્સાહન આપું છું. દરેક મા બાપને પોતાના સપનાની અને ના જીવી શકાયેલ જિંદગી એના સંતાનોને આપવાની ઇચ્છા હોય જ. પણ જવા દે, તું નહીં સમજે આ વાત. તું જ્યારે મા બનીશ ને ત્યારે જ તને એક મા ની લાગણીની કદર થશે.’ ને પરિમીતાની આંખોમાં આંસુ તગતગી ઉઠ્યાં.
વાત ગંભીરતાના પાટે જઈ રહી હોવાની જાણ થતાં જ રીયા પથારીમાંથી ઉઠી પોતાના લાંબા વાળનો અંબોડો વાળીને મોઢું ધોઈ, કોગળા કરીને પરિમીતાની પાસે બેઠી. પરિમીતાનો હાથ હાથમાં લઈને બોલી,
‘મમ્મા, પ્લીઝ કૂલ ડાઉન. હું તમારી લાગણી સમજુ છું પણ તમે આ વાતને જેટલી સંવેદનશીલતાથી લો છો એટલી એ લેવાની જરુર નથી. આ તમારો સ્વભાવ તમારી જિંદગીના દસ વર્ષ ઓછા કરી નાંખશે. તમારી ઉંમર જ શું થઈ છે કે તમે આમ તમારી જિંદગી મારામાં જીવવાનું વિચારો છો ? તમારા શોખ – ઓરતાં પૂરા કરવાને એક ડગલું તો ભરો પછી જુઓ મંઝિલ કેટલી દૂર છે !’
‘હવે આ ઉંમરે પ્રેશર, ઘૂંટણની તકલીફ, ઉંઘની તકલીફ…આ બધા રોગો લઈને ક્યાં ફરવા જઉં બેટા ? વળી તારા ડેડીને તો સહેજ પણ સમય નથી, બહાર જવાનું તો વિચારાય જ કેમ ?’
‘મમ્મી, તમે વર્ષોથી મને આત્મવિશ્વાસની જે ઘુટ્ટી પાઈ છે એ તમે કેમ નથી શીખતા ? દરેક સંજોગો સામે લડવાનું, એકલા બિન્દાસ્ત પોતાની જાતને સુરક્ષિત રાખીને કેમ ફરી શકાય એના બધા પાઠ તમે મને આટલી ઉંમરમાં શીખવ્યા છે તો તમે એ કેમ અમલમાં નથી મૂકતાં? પપ્પા ના આવે તો કંઈ નહીં, મારા માટે જે પૈસા ભેગા કર્યા છે એ તમે તમારા ફરવા માટે વાપરો. મને કોન્ફીડન્સ આપનારી મારી માતામાં આત્મવિશ્વાસની કોઇ કમી હોય એવું હું સહેજ પણ નથી માનતી.મારી સામે તો હજુ આખી જિંદગી પડી છે શકયતાઓની. પણ તમે તમારી શક્ય છે એ જિંદગી જીવવાની શરુઆત ક્યારે કરશો ? મમ્મી, દરેક મા બાપ પોતાના અધૂરા સપના એમના સંતાનોમાં પૂરા કરવા ઇચ્છતાં હોય તો સામે પક્ષે દરેક સંતાન પણ એમના પેરેન્ટ્સને એમના ખુદના સપના સાકાર કરીને ખુશીથી જીવતા જોઇને આનંદ પામી શકે એવું કેમ નથી વિચારતા ? ચાલો હું ઓનલાઈન તમારા માટે શ્રીનાથજીની જવાની ને આવવાની બે ય ટિકિટ બુક કરાવી લઉં છું, તમે બેગ તૈયાર કરો.રહી પપ્પાની વાત. તો પપ્પાને તો તમારા કોઇ જ નિર્ણય માટે કદી કોઇ જ વાંધો નથી હોતો.’
‘રીયુ, હું એકલી તો કેટલાંય વર્ષોથી આપણા શહેરની ય બહાર નથી ગઈ. આમ એકલાં એકલા ટ્રાવેલિંગ , નવું શહેર…ના ના, મને ના ફાવે. વળી મને તો રસ્તા યાદ રાખવાની ય તકલીફ, આપણું શહેર હોય તો ગમે એને પૂછીને પાછી આવી શકું પણ બીજા શહેરમાં કેમનું પહોંચી વળાય ?’
‘મમ્મી, હું તમને ગુગલ પરથી મેપ ડાઉનલોડ કરીને આખા રૂટની પ્રીન્ટ કાઢી આપીશ. તમારી પાસે તમારો એન્ડ્રોઈડ ફોન છે, જવા આવવાની ટિકીટ છે ને પૂરતા પૈસા છે, પ્રોબ્લેમ ક્યાં છે ? મમ્મી, એક ડગલું જ ભરવાનું છે તમારે. જેમ તમને તમારી પરવરીશ પર ગર્વ છે, વિશ્વાસ છે એમ મને પણ મારો આવો તંદુરસ્ત ઉછેર કરનારી મારી મા ઉપર મારા કરતાં ય વધુ વિશ્વાસ છે. કમ ઓન…ચાલો આજે હું ચા બનાવું છું ત્યાં સુધી તમે સોફા પર બેસીને શાંતિથી વિચાર કરો.’
સોફા ઉપર સૂનમૂન થઈને બેઠેલી પરિમીતાના મગજમાં ઢગલો વિચારોના વાવાઝોડાં ફૂંકાઈ ગયા. જીવાઈ ગયેલ જીવનના, અધૂરા રહી ગયેલા ને દબાઈ રાખેલા સપનાંઓમાં આજે એની યુવાન દીકરીએ ફૂંક મારી દીધી હતી અને છેવટે ભય, આશંકાઓ ઉપર સંતાનના વ્હાલનો વિજ્ય થયો અને આગ પ્રજવલ્લિત થઈ ગઈ.
અનબીટેબલ ઃ સપનાં પર બાઝેલાં ઝાંઝવાને દૂર કરવા થોડી હિંમતના શ્વાસ જોઇએ, વધુ કંઇ નહી !
-sneha patel
phoochhab newspaper > 25-02-2015 > navrash ni pal
હું તારાથી ઊંચે ન હોઇ શકું,
પગથિયાં ઊતરવાનું મન થાય છે.
– મારો જ એક શેર આજે અહીં રજૂ કરું છું મિત્રો !
અને પાનિનીના હાથમાંથી ફોન છૂટી ગયો…….
ગનીમત હતી કે જમીન પર પટકાયેલ મજબૂત છાતીવાળો ફોન પછડાયા પછી પણ સહી સલામત હતો.સામે છેડેથી ‘હલો હલો’ પડઘાઈ રહ્યું હતું ..પણ પાનિનીની આંખો શૂન્યમાં કંઇક તાકી રહી હતી..શું એની તો એને પણ નહતી ખબર !
પાનિની એક ગૌરવશાળી પ્રતિભા. એનું મુખારવિંદ કાયમ સ્ત્રીત્વના અનોખા તેજથી ચમકતું રહેતું. નાક પર કાયમ બેઠેલો એ એનો ગર્વ, અહમ કે સ્વાભિમાન એ સરળતાથી નક્કી ના જ કરી શકાય. કુલ મળીને એક સુંદર મજાનું અને તંદુરસ્ત વ્યક્તિત્વ હતું પાનિનીનું. પણ આજે એના ગર્વીલા નાક પર કોઇક અણગમતી વાતનો ગુસ્સો ફરકી રહ્યો હતો.નાજુક નાકના ફણાં રતાશ પકડતા જતા હતા. શું હતી એ અણગમતી વાત ?
વાત જાણે એમ હતી કે પાનિનીના નસીબે એક વધુ વખત એને ધોખો આપેલો. એના પતિ શિવાંશના ધંધાનો સૂરજ બરાબર મધ્યાન્હે તપતો હતો. છેલ્લાં પાંચ વર્ષથી એ જે પ્રોજેક્ટની પાછળ આંખ બંધ કરીને પડેલો હતો એ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થવાના આરે જ હતો અને હમણાં જ શિવાંશની ફેક્ટરી પરથી ન્યૂઝ આવ્યાં કે એમની ફેકટરીમાં શોર્ટશર્કીટના કારણે અચાનક જ આગ ફાટી નીકળી હતી અને પોણા ભાગની ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી. લગ્નજીવનના પચીસ વર્ષની લાંબી પ્રતિક્ષા બાદ પાનિનીના નસીબમાં આર્થિક – માનસિક શાંતિનો સૂર્યોદય થવાનો હતો પણ ક્રૂર કુદરતની લીલા આગળ કોનું ચાલી શક્યું છે ! વર્ષોથી ચાલ્યા આવતાં સંઘર્ષના આરે આવીને ઉભો રહેલો પાનિનીનો મનોરથ અચાનક જ એની મંઝિલની નજીક જ ખોટકાઈ ગયો હતો. પંદર દિવસ પછી તો પાનિની અને શિવાંશ એમના બે ય સંતાન સાથે સિંગાપુર જવાનો પ્લાન બનાવતા હતા ત્યાં આવા ન્યૂઝ ! આવા મૂડમાં તો એ શિવાંશને સાંત્વનાના બે શબ્દો કહેવાના બદલે એની ઉપર અકળાઈ જ જશે એવું લાગતા પાનિનીએ કપડાં બદલી, મોઢું ધોઇ, તૈયાર થઈને ઘરની બહાર નીકળી ગઈ . એની ગાડી એના ઘરના પાર્કિંગમાંથી સીધી જ એના માનેલા ગુરુ આનંદિકાબેનના આશ્રમમાં જઈને ઉભી રહી. આખા રસ્તે એના વિચારોનો વેગ એની ૬૦ -૮૦ ની સ્પીડે ચાલતી ગાડી કરતાં વધુ જ રહેલો. આશ્રમ આવતાં જ ગાડી અને પાનિનીના મગજ બે ય ને વિરામ મળ્યો.
આશ્રમનું શાંત અને રમણીય વાતાવરણ જોઇને જ પાનિનીની અડધી અકળામણ ગાયબ થઈ ગઈ. ધીમા સજાગ ડગ માંડતી એ ગુરુના રુમમાં પ્રવેશી. ૨૦-૨૫ ફૂટના આખાય રુમમાં ખપ પૂરતી વસ્તુઓની હાજરી જ હતી. એક સાદો લાકડાંનો પલંગ- એની પર સ્વચ્છ અને સૌમ્ય કલર- ડિઝાઈનની ચાદર વાળી ગાદી, એક ઓશિકું ને ચાદર, છત પર નાનો શો પંખો, અને ખૂણામાં એક માટલું ને એની પર એક સ્વચ્છ ઝગઝગ કરતો ગ્લાસ, બારી આગળ એક ચોરસ ટેબલ અને એ ટેબલ પર ગુરુમાની એક ડાયરી, પેન, નાઈટ્લેમ્પ ! આખા રુમમાં મોકળાશ મોકળાશ. પાનિનીના નસકોરા વાટે એ મોકળાશની હવા એના દિલ દિમાગ સુધી પહોંચી ગઈ અને સઘળું ય શાંત થઈ ગયું. પાનિની બે પળ આંખ મીંચી ગઈ.
‘કેમ છે બેટા ?’
ગુરુમાનો શાંત, મીઠો અવાજ પાનિનીના કર્ણપટલ પર અથડાયો ને એ તંદ્રામાંથી જાગી.
‘મા,શું કહું ? ખોટું ખોટું શાંતિ છે એમ કહીશ તો આપની સમક્ષ જુઠ્ઠું બોલ્યાનો રંજ થશે. મારી એ જ કહાણી. કિનારે આવીને વહાણ ડૂબી જાય છે. મોઢા આગળ શાંતિનો કોળિયો આવીને ઝૂંટવાઈ ગયો.’ અને પાનિનીએ આખી ય ઘટના ટૂંકાણમાં ગુરુમાને કહી.
‘મા, સાચું કહું હવે ઇશ્વરમાંથી શ્રધ્ધા ખૂટતી જાય છે. જાત પરનો , શિવાંશ પરનો , પ્રામાણિકપણા -નીતિ જેવા ગુણ બધાંયમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. મારે શું જોઇએ ? મારું ઘર ચલાવવા થોડી ઘણી આર્થિક શાંતિ જ સ્તો. એના માટે હું ને શિવાંશ દિન રાત જોયાં વિના, કોઇની ય આંતરડી કકળે નહીં એનું ખાસ ધ્યાન રાખીને ભરપૂર મહેનત કરીએ છીએ પણ ઇશ્વર મને કેટલી ટટળાવે છે જુઓ !’
‘દિકરી, હું તારી હાલત સમજું છું પણ એક વાતનો જવાબ આપ. આજથી પાંચ વર્ષ પહેલાં તારા ઘરનો જીવન જરુરિયાતનો માસિક ખર્ચો કેટલો હતો ?’
‘આશરે વીસ હજાર.’
‘અને અત્યારે ?’
‘આશરે ત્રીસ સમજો ને.’
‘તારે કોઇ દિવસ ભૂખ્યાં સૂવું પડ્યું કે કોઇની પાસે હાથ લંબાવવો પડ્યો એવી ઘટના બની છે કે ?’
‘ના…ના ગુરુમા..એવું તો શું બોલ્યા ! ‘
‘બેટા, તમે આટલા વર્ષોમાં ત્રીસ હજારના માસિક ખર્ચા લગી પહોંચ્યા છો તો એટલું કમાતા હશો ત્યારે જ પહોંચ્યા ને ? બાકી તમે જીવનની શરુઆત તો સાવ ખાલી ખિસ્સે કરેલી. યાદ કર પંદર વર્ષ પહેલાંનો એ સમય દીકરા. ને આટલું કમાઈ લો છો તો પછી તારે તકલીફ શું છે ?’
‘મા, ફકત ખાઈ પીને જ જીવ્યાં એને જીવ્યાં ના જ કહેવાય ને ? અમે હજુ જુવાન છીએ, પહેરવા-ઓઢવા-ફરવાના ઓરતા અમને પણ હોય ને ? અને એ માટે અમે બે ય તનતોડ મહેનત કરીએ છીએ, બંને સ્માર્ટ અને કરકસરીયા પણ છીએ. અમારાથી અડધી મહેનત કરનારા પણ કેવી મજાથી જીવે છે જ્યારે અમે .. અમારો સુખનો સમય આવતો જ નથી. રાહ જોઇ જોઇને આંખના અમી ખૂટી ગયા છે હવે.એક વાર બે વાર ત્રણ વાર હોય તો પહોંચી વળાય પણ આ સતત અને વારંવાર મળતી નિષ્ફળતાઓ હવે મનને અજંપાથી ઘેરી લે છે. અમારા હકની સુખ – શાંતિ અમને કેમ ના મળે ?’ અને પાનિનીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.
‘થોડી ધીરજ રાખ બેટા. તમારો સમય પણ આવશે.’
‘મા, કેટલી ધીરજ ? વસ્તુઓનો, સુખ સગવડોનો મોહ પણ છૂટી જાય પછી જ એ મળે એ ક્યાંનો ન્યાય ? જ્યારે એ વસ્તુ મળે ત્યારે એનો કોઇ આનંદ જ નથી થતો. વર્ષોની પ્રતિક્ષામાં બધો ય ઉત્સાહ જ સુકાઈ જાય છે.’
‘એક વાત કહે બેટા, તમારી સુખ શાંતિનો સમય નક્કી કરનારા તમે કોણ ? ઘરમાં એક છાપું આવતું હતું તે બે કરી નાંખ્યાં ને એક ટીવી હતું તે ત્રણ ! આવા તો કેટલાં વણજોઇતાં ને ઉપાધિયા ખર્ચા કરો છો તમે ? વળી તમે તમારા સમય કરતાં વહેલાં સુખબિંદુની ધારણાં બાંધી દ્યો એમાં ઇશ્વર કે નસીબનો શું વાંક ? તમારો સમય આજે ને અત્યારે જ છે એવો દુરાગ્રહ કેમ ? તમારી સુખ શાંતિની સરહદો તમે બાંધી હોય એ જ નીકળે એ જરુરી તો નથી ને ? ગણિત તમારા ખોટાં ને માર્કસ ઇશ્વરના કાપો એ ક્યાંનો ન્યાય ? બાકી તો ધીરજ તમારી પોતિકી સંપત્તિ. એને વાપરવી હોય ત્યાં સુધી વાપરી શકો છો ક્યાં તો એક ઝાટકે ખૂટાડી પણ શકો છો. બે ય ના સારા – નરસા પરિણામ તમારે જ ભોગવવાના આવશે. શાંતિથી વિચારી લે.’
અને પાનિની વિચારમાં પડી ગઈ ઃ’ ગુરુમાની વાત કેટલી સાચી હતી ! પોતાની જરુરિયાતો આ જ સમયે પૂરી થાય એવો દુરાગ્રહ કેમ ? મારો સમય જ ના આવ્યો હોય અને એ સુખની ખેવના કર્યા કરું છુ એ મ્રુગજળીયા વમળ મને એની અંદર ખેંચતા જ જાય છે ને છેલ્લે હતાશાના સાગરમાં હું ડૂબી જાઉં છું. મારો સારો સમય કદાચ કાલે કે પરમદિવસે લખાયો હશે. એની આજે ને આ જ ઘડીએ આશા રાખવી જ ખોટી છે. સમય નક્કી કરનાર હું કોણ વળી ?’ અને એના અંતરમનમાં છેક અંદર સુધી એક ઠંડક પ્રસરતી ચાલી.
અનબીટેબલ ઃ ખીણમાંથી દેખાતા શિખર પર પહોંચવાની શરુઆત ખીણમાં રહેલા એક એક પગથિયા ચઢીને જ કરવી પડે.
phoolchhab newspaper > navrash ni pal > 4-02-205
કેટલો વરસાદ વરસ્યો આજ સઘળે શહેરમાં,
રંગ ભીંતો પરથી હટતા કાંકરી દેખાઈ ગઈ.
-નીલેશ પટેલ.
જાન્યુઆરી મહિનાની શિયાળાના દિવસોની રુડીરુપાળી હૂંફાળી બપોર હતી. પિસ્તાલીસીની નજીક પહોંચેલું એક તરવરિયું કપલ બાઈક પર પચાસ – સાઈઠ્ની સ્પીડે જઈ રહેલું. આ પીસ્તાલીસી કપલનો બાઈકચાલક સુજલ હળ્વેથી કોઇ ફિલ્મી ગીતની ધૂન ગણગણાવી રહ્યો હતો અને પાછળ બેઠેલી એની પ્રાણપ્રિયા ધારુ બીજી જ કોઇ દુનિયામાં ખોવાયેલી હતી.
‘ધારુ, આ અચાનક જ વાતાવરણમાં ભેજ જેવું નથી લાગતું ? અચાનક જ કાળા ડિબાંગ વાદળો આવી ગયા, પવન પણ જોર જોરથી ફૂંકાય છે અને આ વૃક્ષો તો જો…કેવા બેચેન થઈને ડોલે છે ! આજ કાલ ઋતુઓનો કોઇ ભરોસો જ નથી રહ્યો..વરસાદ ના પડે તો સારું…માંડ માંડ મટેલી શરદી પાછી ઉથલો મારશે..’
સુજલ હજુ તો આટલું બોલી રહે ત્યાં તો વરસાદ ટપકવાં લાગ્યો.
‘ઉફ્ફ…આજ કાલ તો આ સિઝન લોહી પી જાય છે..’ અને સુજલ બોલતાં બોલતાં અચાનક જ અટકી ગયો. એ ક્યારનો આટલું બડબડ કરતો હતો અને વરસાદ પણ પડવા લાગ્યો હતો પણ પાછળ બેઠેલી ધારુ એની વાતનો કોઇ જ રીસ્પોન્સ કેમ નહતી કરતી..એણે હળ્વેકથી સાઈડ મિરર સાફ કરીને પાછળ બેઠેલી ધારુ તરફ જોયું અને જ્યાં ધારુની નજર હતી એ તરફ ધીરેથી એણે પોતાની નજર ફેરવી…ઓહ..આ શું ? છેલ્લી પાંચ મિનિટથી એની બાજુમાં ્ચાલી આવતી કારના વીસે’ક વર્ષના નવયુવાનને તાકી તાકીને જોઇ રહી હતી અને એનામાં સાવ જ ખોવાઈ ગયેલી. સુજલનો પિત્તો છટક્યો અને બાઈકને અચાનક જ બ્રેક મારી. ઝાટકાંથી ધારુનું માથું સુજલના ખભા સાથે અથડાયું અને તંદ્રામાંથી જાગી ગઈ.
‘શું થયું સુજુ ? ઓહ્હ…આ તો વરસાદ પડવા લાગ્યો ..એક કામ કર..સામે પેલા રેસ્ટોરન્ટ બાજુ લઈ લે. ચા નાસ્તો કરીએ .કદાચ ત્યાં સુધીમાં વરસાદ બંધ પણ થઈ જશે.’
એક પણ અક્ષર બોલ્યાં વિના ધુંઆપુંઆ થતા સુજલે બાઈક રેસ્ટોરાં બાજુ લીધું..અને અંદર જઈને ચા અને સેન્ડીવીચીઝ્નો ઓર્ડર આપ્યો.
‘ધારુ, તને શરમ નથી આવતી ?’ ભરાઈ ગયેલ શબ્દોનો ડૂમો આખરે સુજલના મોઢામાંથી બહાર આવી જ ગયો.
‘શરમ..શેની શરમ સુજુ..મેં વળી એવું તો શું કરી કાઢ્યું ?’
‘ધારુ, હવે તું મોઢામાં આંગળા નંખાવીને બોલાવે જ છે તો બોલું છું ..હું ઘણા વખતથી તને માર્ક કરું છું કે કોઇ પણ જુવાન છોકરો હોય તો તું એની સામે તાકી તાકીને જોયા જ કરે છે. હવે ચાલીસ -બેતાલીસ વર્ષની આ ઉંમરે તને અઢાર – વીસ વર્ષના છોકરાંવને જોતા લાજ નથી આવતી ? તું પોતે એક ટીનેજર દીકરાની મા છે. થોડી તો શરમ કર. એવા તો કેવા જુવાનીના ઓરત અધૂરાં રહી ગયાં છે તારે ? મારામાં શું ખૂટે છે તને ? આટ આટલો પ્રેમ આપો તો પણ સ્ત્રીની જાત જ બેવફા…લોકો સાચું જ કહે છે..’
‘ઇનફ….’ અચાનક ધારુનો અવાજ મોટો થઈ ગયો અને આજુબાજુના ટેબલ પર બેઠેલા બધા એમની સામે જોવા લાગ્યાં. બે પળમાં ધારુએ પોતાની જાતને સંયત કરી અને બોલી,
‘સુજલ, તારી સમજશક્તિને સલામ કરવાનું મન થાય છે. બે બે દાયકાં જે સ્ત્રી સાથે વીતાવ્યાં, જેણે તને પોતાની જાતથી વિશેષ ચાહ્યો એના ચારિત્ર્ય પર જ આવું આળ…ઉફ્ફ…શરમ તો હવે મને આવે છે…મારી વીસ વર્ષ પહેલાંની લગ્ન માટેના ફટકિયા મોતી જેવા પાત્રની પસંદગી પર. આટલી માંદલી માનસિકતા!’
‘સતી સાવિત્રીની વંશજ, પેલા કારવાળા છોકરાંને ધારી ધારીને નહતી જોતી…હું શું બોલી ગયો એ વખતે બોલ તો ?’
‘હા, હું સ્વીકારું છું કે હું એ નવયુવાનને ટીકી ટીકીને જોતી હતી. એકચ્યુઅલી આજ કાલ દરેક નવયુવાનને આમ જોવું છું…જોવું છું કરતાં એમ કહેવું વધુ યોગ્ય રહેશે કે મારાથી મારા ધ્યાન બહાર જ એમની સામું જોવાઈ જાય છે, એમના હાવ ભાવ, સ્ટાઈલ, દાઢી – મૂછ – કપડાં – વાળની સ્ટાઈલ નોટિસ થઈ જાય છે.. પણ એ નજર એ નથી જે તું સમજે છે ! તેં ધ્યાનથી જોયું હોત તો એ છોકરો થૉડો થોડો આપણા રીશી જેવો જ લાગતો હતો. આપણો ટીનેજર દીકરો જેને થોડી થોડી દાઢી – મૂછો ઉગવા લાગી છે, જેનો અવાજ ઘેરો થતો ચાલ્યો છે, બોલવા – ચાલવાની, વાળ ઓળવાની – કપડાં પહેરવાની સ્ટાઈલો બદલાતી જાય છે એ પણ કાલે ઉઠીને એ જુવાન જેવો જ લાગશે ને ? મારા મગજમાં આવા વિચાર ચાલતાં હતાં. એ નવજુવાનમાં મને મારો ભાવિ દીકરો દેખાતો હતો. એ પણ આવો હેન્ડસમ અને ચાર્મિંગ બોય થાય એવી ઇચ્છા થઈ ગયેલી તો એમાં ખોટું શું છે ? આ બધી ગંદી વાતો એ તારા સંકડામણીયા દિમાગની ઉપજ છે અને સંકડામણ હોય ત્યાં અથડામણ થતાં સહેજ પણ વાર નથી લાગતી. ‘
અને સુજલ શરમથી પાણી પાણી થઈ ગયો. બે દાયકાના સુખી દાંપત્યજીવન દરમ્યાન સંબંધમાં સમજણ – વિશ્વાસ – પ્રેમનું લુબ્રીકેશન બનવાના બદલે પોતે સાવ રણ જેવો સુક્કો ભઠ્ઠ થઈ ગયો એનો શોક કઈ રીતે મનાવવો ? બોલવા માટે એની પાસે કોઇ શબ્દો નહતાં. સજળ નયનથી બારીની બહાર વરસતા પાણીને જોઇ રહ્યો. અનેકો ચોમાસા જોઇ કાઢયાંનો ગર્વ આ એક માવઠાંએ પળ ભરમાં જ તોડી કાઢ્યો.
અનબીટેબલ : સુગંધી સંબંધોની તો ઉજવણી કરવાની હોય, પજવણી નહીં !
phoolchhab newspaper > navrash ni pal column > 19-11-2014
કેવી રીતે અરીસામાં-
પીઠનો લિસોટો જોઈએ ?
– મેહુલ પટેલ ‘ઈશ’
” ‘સ્વચ્છ ભારત અભિયાન’ અહાહા…મને તો પહેલેથી જ સાફસફાઈ ઘણી ગમે. ઘરના ખૂણામાં સહેજ પણ કચરો હોય, બાથરુમ ભીની કે મેલી હોય, દિવાલો પર – ફર્નિચર પર કરોળિયાના જાળાં -ધૂળ હોય, વાસણ સહેજ પણ ઓગરાળાવાળું હોય કે કપડાંમાં સહેજ પણ ડાઘો હોય..મને એ સહેજ પણ ના ચાલે. મારું ઘર મને ચોખ્ખું ચણાક જોઇએ. બધી ટાઈલ્સો, બારી મને કાચ જેવા પારદર્શક જોઇએ. સ્વચ્છતા વિના જીવન નકામું યાર…”
અને યજ્ઞાએ કોલેજની કેન્ટીનના ટેબલ પર પડેલ કોફીના મગની કિનારીને ટિશ્યુથી બરાબર લૂછીને એમાંથી એક ચૂસ્કી ભરી. એની સામે બેઠેલો નૈવેદ્ય તો યજ્ઞાની ચોખ્ખાઈ પર ફિદા ફિદા થઈ ગયો. મનમાં વિચારવા લાગ્યો કે,
‘ આવી સુંદર ને સુઘડ છોકરી મળી જાય તો એની તો લાઈફ બની જાય’.
થોડું વિચાર કરીને ઘણા સમયથી એના દિલમાં ચાલતી વાતને વાચા આપી જ દીધી ,
‘યજ્ઞા, તું મારી સાથે લગ્ન કરીશ ?’
યજ્ઞા બે મીનીટ નૈવેદ્યને જોઇ જ રહી. ગોરો ચિટ્ટો છ ફૂટીયો, મજબૂત બાંધો ધરાવતો તરવરીયો, ભણવામાં, સ્પોર્ટ્સમાં, ફેશન દરેક ક્ષેત્રે અવ્વલ એવો નૈવેદ્ય એને પણ ગમતો હતો પણ આવી છોકરી આવી વાત સામેથી કેમ કરે …એવા ભાવથી એ કાયમ ચૂપ રહી જતી હતી. આજે જ્યારે ખુદ નૈવેદ્ય જ એના દિલની વાત કરી રહેલો ત્યારે હવે વિચાર કરવામાં સમય બગાડવો એને પણ પોસાય એમ નહતું અને ધીમેથી માથું – નયન નીચા ઝુકાવીને એણે ‘હા’ ભણી જ દીધી. બે ય પક્ષે કોઇ વાંધો નહતો અને થોડા સમયમાં તો યજ્ઞા અને નૈવેદ્યના લગ્ન ધામધૂમથી થઈ ગયા.
‘એક રાજા – એક રાણી અને સુંદર પ્રેમકહાની…’
બે વર્ષ તો નશામાં જ વીતી ગયાં અને એ નશામાં એમના સહજીવનમાં એક નાનકડી પરીનું આગમન પણ થઈ ચૂક્યું હતું. આધુનિક એવી યજ્ઞાને નૈવેદ્યના માતા પિતા સાથે મનમુટાવ થવા લાગ્યા અને છેવટે બે ય પક્ષે સમજદારી વાપરીને અલગ થઈ જવાનું નક્કી કર્યું. ખરું જીવન હવે જ શરુ થતું હતું.
ઘરમાંથી અલગ થતાં જ નૈવેદ્યના ખર્ચા અને આવકના તાલમેલ ખોટકાવા લાગ્યાં. મોજ્શોખના ખર્ચા પર કમ્પ્લસરી કાપ મૂકવો પડે એવી હાલત હતી. ઘરની સાફસફાઈ માટે કામવાળા બેનનો ખર્ચો પણ પોસાય એમ નહતું અને યજ્ઞાએ નાછૂટકે બધું કામ જાતે કરવાની જવાબદારી ઉપાડવી પડી. હવે યજ્ઞા રહી ચોખ્ખી ચણાકની ચાહક. ઘરમાં સહેજ પણ આડું અવળું એને જીવનમાં કદી પોસાયું નહતું પણ તકલીફ એ કે ચોખ્ખાઈ પસંદ એવી યજ્ઞાને જાતે સફાઈ કરવાની આદત સહેજ પણ નહતી. ચોખ્ખાઈ માટે કાયમ એણે એની મમ્મી કે કામવાળાઓ ઉપર જ આધાર રાખેલો હતો. ઓર્ડરો કરી-કરીને કામ કરાવીને ચોખ્ખાઈનો સંતોષ પોસતી હતી પણ હવે …? ચોખ્ખાઈ એટલે શું એની સમજ હતી પણ ચોખ્ખાઈ રાખવી કેમની એની તાકાત કે કામ કરી લેવાની મંશા સહેજ પણ નહીં ! અને ધીમે ધીમે નૈવેદ્ય યજ્ઞાના જે ગુણનો આશિક હતો એ જ એની કમજોરી બની ગઈ.કામ કરવાની આદત ના હોવાથી સંતાનની સારસંભાળ, નૈવેદ્યના ઓફિસના ટાઇમમાંથી પરવારીને યજ્ઞા થાકીને ચૂર થઈ જતી અને ઘરની અસ્ત વ્યસ્તતા સામે તો એનું ધ્યાન પણ ના જતું.
‘જે છે – જેમ છે એમ છે…ઘરને સાફ કરવામાં ને કરવામાં હું મારી જાત ઘસી કાઢું કે ? મારી જાત માટે તો મને સહેજ પણ સમય જ ના મળે તો એવું જીવન શું કામનું ? નથી થતું તો નથી થતું…શું કરું ?’
અને યજ્ઞા ધીમે ધીમે સફાઈ માટે આંખ આડા કાન કરવા લાગી.સફાઈની બાબતમાં સહેજ પણ ચલાવી ના લેનાર યજ્ઞા આજે ખુદ ગોબરી હતી અને એનું ઘર પણ ગોબરું.
અને નૈવેદ્ય વિચારતો રહી ગયો,
‘આ ‘ફુવડ સ્ત્રી’ એની જ યજ્ઞા કે ?જેને સફાઈ ગમે તો છે પણ સફાઈ કરવાની સહેજ પણ નથી પસંદ ! સફાઈ પસંદ વ્યક્તિ સફાઈ કરવાની આળસુ હોય એ કેવી વિરોધાભાસી અને નાટકીય બાબત છે. આવી પરાવલંબી સ્વચ્છતા શું કામની ? પણ હવે પડ્યું પાનું નિભાવી લેવાનું હતું. મન મસોસીને એ ચૂપ રહી ગયો.
અનબીટેબલ : માનવીએ થોડા થોડા સમયાંતરે પોતાના ‘સ્વાવલંબન’ના સેલ્ફી લેતા રહેવું જોઇએ.
-સ્નેહા પટેલ
phoolchhab newspaper > 12-11-2014 > navrash ni pal column
એક વત્તા એકનો ઉત્તર કરો,
બે નહી બેથી જરા સધ્ધર કરો.
કરવા જેવો એક ધંધો ‘ઇશ’નો,
માણસોને ભોળવી ઇશ્વર કરો.
-મેહુલ પટેલ ‘ઇશ’.
દિવાળીના દિવસે રીશીએ પોતાના ભાઈ રોમીને ફટાકડા ફોડવા અને ડીનર સાથે લેવા આમંત્રણ આપેલું. બંગલાની બહાર છોકરાંઓ ફટાકડાં ફોડી રહ્યાં હતાં અને બંગલાના ગાર્ડન એરીઆ પછી ખુલ્લાં પડતા ચોકમાં આભા અને રુપા છાપણી લઈને ડિઝાઈન પાડીને લાલ, લીલો, પીળો, ગુલાબી, પોપટી, દુધિયા, કેશરી, શ્યામ ગુલાબી, જાંબલી, બોટલ ગ્રીન, બ્લુ, કોબી જેવા અનેકો કલર, ઝરી,ફૂલ, આભલા વગેરેથી રંગોળી સજાવી રહી હતી. રીશીની મોટી દીકરી અન્વેષા અને રોમીની દીકરી રુપલ કોડિયામાં તેલ પૂરીને દીવા પ્રગટાવી રહી હતી. ચોતરફ હર્ષ,ઉલ્લાસ અને ખુશીનું વાતાવરણ હતું. અન્વેષાને એકીટશે નિહાળી રહેલ રોમી અચાનક જ બોલ્યો,
‘રીશી, અન્વેષાને ગ્રેજયુએટ તો પતી ગયું કેમ ? શું કરે છે આજકાલ ?’
‘એને આગળ ભણવું છે , કેટની એક્ઝામ આપવી છે એના માટે એ આજકાલ એન્ડેવરના ક્લાસીસ કરી ભરી રહી છે.’
‘ઓહ, એની ફી કેટલી ?’
‘એક વર્ષનો કોર્સ છે આશરે દોઢ લાખ જેટલો ખર્ચો થશે. પણ એ લોકો એની પાછળ બહુ મહેનત કરે છે. આખો દિવસ લર્નિંગ, એક્ઝામ, કમ્પ્લસરી રીડીંગ..અન્વેષાને ઘડીની ય ફુરસત નથી મળતી. વળી મુખ્ય વાત તો એ કે એ આ ભણવાનું એન્જોય કરે છે. એને આ ભણતરનો કોઇ ભાર નથી લાગતો. ભાઈ, બે મહિનામાં તો એની પર્સનાલીટી ડેવલપમેન્ટ જોરદાર થઈ ગઈ છે. તમે એની સાથે બેસશો તો તમને ય નવાઈ લાગશે કે ક્યાં આજની અન્વેષા અને ક્યાં બે ચાર મહિના પહેલાંની કોલેજમાં બંક મારી મારીને દોસ્તારોની સાથે રખડી ખાતી અન્વેષા !’
‘રીશી, એ બધા તારા મનના વહેમ છે.આ મોટી મોટી એજ્યુકેશન સંસ્થાઓ આવા દેખાડા કરી કરીને તમારા જેવા સીધા સાદા વાલીઓને ભોળવી લે છે. આની પહેલાં પણ તેં અન્વેષા માટે એક મલ્ટીમીડિયાના કોર્ષમાં લાખ રુપિયા બગાડ્યા જ છે ને…પરિણામ…તો કંઈ નહીં….બેન બા બે મહિનામાં જ સ્ટ્રીકટ ભણતર અને શિસ્તબધ્ધ ક્લાસીસથી કંટાળી ગયા અને કોર્સ અધવચાળેથી જ પડતો મૂક્યો. સાચું કહું તો તારી અન્વેષામાં ભણવાના કોઇ લખ્ખ્ણ છે જ નહીં. આમ ને આમ એને ભણાવવા પાછ્ળ પૈસા ખર્ચ્યા કરીશ તો તારે દેવાળું ફૂંકવાનો વારો આવશે. હજુ તો તારે એને પરણાવવાની છે, નાનકા પ્રીન્સને ભણાવી ગણાવીને સેટલ કરવાનો છે…મા બાપુજીનું ધ્યાન પણ રાખવાનું એમની તબિયતના નાના મોટા ખર્ચાઓ તો તારે ઉભા જ રહેવાના ને…આમ છોકરીના ભણતર પાછળ જ ખર્ચા કર્યા કરીશ તો બીજી જવાબદારીઓ કેમની પૂરી કરીશ ? એના કરતાં એને કોઇ સારી નોકરી શોધીને જોઇન કરાવી દે.’
‘ના ભાઈ, મારે અન્વેષાની ઇચ્છા વિરુધ્ધ નથી જવું. ભગવાનની દયાથી વધતા ખર્ચાઓને પહોંચી વળવા પૂરતી આવકની જોગવાઈ પણ થઈ જ રહે છે. એને જેટલું ભણવું હોય એટલું ભણવા દઈશ.’
‘જો રીશી, મારી વાત માન…તારા કરતાં મેં દુનિયા વધુ જોઇ છે. તારી દીકરીને ભણવામાં કોઇ રસ જ નથી. તને સાંભળીને ખરાબ લાગશે પણ અંદરખાને તો તું પણ સ્વીકારીશ કે તારી દીકરી સાવ હરામ હાડકાની છે. ગમે એટલું ભણે પણ એ પછીના હાર્ડવર્કની એનામાં કમી છે એથી એ કોઇ જ નોકરીમાં સેટલ નહીં થઈ શકે. એમને તો બેઠા બેઠા લાખો કમાઈ લેવા હોય પણ કેટલા વીસે સો થાય એ તો આપણું જ મન જાણતું હોય..હજુ સમય છે, સમજી જા.’
‘ના ભાઈ, હું મારી વાતમાં મક્કમ છું.ચાલો, પેલા લોકોની રંગોળી પતી ગઈ હોય તો એના થોડા ફોટા બોટા પાડી દઈને ને પછી જમવા બેસીએ.’
લગભગ વર્ષ પછી અન્વેષા કેટની એકઝામમાં થોડા જ માર્કસ માટે ફેઈલ થઈ ગઈ પણ એના પાવરફુલ અંગ્રેજીના કારણે એને એની જ ઇન્સ્ટીટ્યુટમાંથી ૩૦,૦૦૦ રુપિયાના સ્ટાર્ટથી ઇંગ્લીશના કોચીંગ માટેની જોબ ઓફર થઈ જે એણે સહર્ષ સ્વીકારી લીધી. રીશીએ હર્ષમાં આવીને રોમીને ફોન કરીને આ વાત કહી. પોતાનું માણસોને ઓળખવાનું ગણિત ખોટું પડતાં રોમીને થોડી ચચરી અને એણે નવો રાગ આલાપ્યો,
‘ભાઈ, આવી સારી નોકરી મળી છે તો અન્વેષાને કહેજે કે સા્ચવીને રાખે. એની આળસનો પડછાયો ય ન પડવા દે આ નોકરી પર..બાકી અહીં આટલા વર્ષની નોકરી પછી ય માંડ પચીસ હજાર સુધી પહોંચ્યા છીએ.’
રોમીની પત્ની સુધા બહુ જ બારીકાઈથી પોતાના પતિના ચહેરાના હાવભાવ જોઇ રહી હતી. ફોન પત્યા પછી એ રોમીની નજીક ગઈ અને બોલી,
‘તમે ખોટા પડ્યાં એનો વસવસો થાય છે ને ?’
‘ના ..માણસ ઓળખવામાં હું ક્યારેય ખોટો ના પડું. અન્વેષા જિંદગીમાં કદી કોઇ કામ કરી જ નહીં શકે તું જો જે ને. આજે નહીં તો કાલે પણ એ આ નોકરીમાં ટકી જ નહીં શકે ને છોડી દેશે લખી રાખ તું. આ સુંવાળી પ્રજા હરવા ફરવા ને મોજમજામાં ને બાપના પૈસે લીલાલહેર કરવામાં જ માને છે.’
‘રોમી…પ્લીઝ…બંધ કર તારી આ કડવી વાણી…તું સાચો પડે એ માટે અન્વેષાની પ્રગતિને આશીર્વચનોના બદલે બદદુઆઓથી નવાજે છે. આ કેવી માંદલી માનસિક્તા છે તારી ! સંતાનોની પ્રગતિમાં આપણે વડીલોએ કાયમ સંતોષ માનવાનો હોય. એ એમની રીતે એમનો રાહ શોધવા મથતા હોય એને પ્રોત્સાહન જ આપવાનું હોય નહીંકે આવી અવળવાણી બોલીને એમનો ઉત્સાહ તોડી પાડવાનો . તારી ‘માણસોને ઓળખવા’ની શક્તિ સાચી પડે એના માટે અન્વેષાએ એના કેરીયરમાં, એની જિંદગીમાં ફેઈલ જવાનું… આ વાત કેટલી ન્યાયપૂર્ણ છે ? ‘
અને રોમીને એક આંચકો વાગ્યો. જાણ્યે અજાણ્યે પોતાના અભિમાનમાં જ મસ્ત એ કયા રસ્તે જઈ રહયો હતો ? ભીની નજરથી પોતાને ખોટા રસ્તે જતો અટકાવવા બદલ સુધાની સામે જોઇને એનો આભાર માની લીધો.
અનબીટેબલ : તમે સાચા હો એનો મતલબ સામેવાળો ખોટો એવો તો નથી જ !
-સ્નેહા પટેલ
उतना ही उपकार समझ कोई
जितना साथ निभा दे
जनम मरन का मेल है सपना
ये सपना बिसरा दे
कोई न संग मरे |
– સાહિર લુધિયાનવી.
અલાર્મક્લોક્માં નાનો કાંટો છને અને મોટો બારને અડકતાં જ એ રણકી ઉઠ્યો ને વનિતાની આંખ ખૂલી ગઈ. રોજની આદત પ્રમાણે જ હાથ અલાર્મક્લોકની ઉપર આવેલ બટન શોધવા લાગ્યો ને મળી જતાં જ અલાર્મ બંધ કર્યુ. અલાર્મ બંધ કરતાની સાથે જ વનિતાના મગજમાં ઝબકારો થયો,
‘અરે, આજે તો રવિવાર. આજે તો ઓફિસમાં રજા છે પણ એ કાલે અલાર્મક્લોક સેટ કરવાનું ભૂલી ગયેલી..’
માણસથી ભૂલ થાય પણ ઘડિયાળથી નહીં અને એ તો પોતાના કાર્યને નિષ્ઠાપૂર્વક વળગીને પોતાના સમયે રણકી ઉઠી. વિચારોનું ચક્કર ચાલુ થઈ જતા વનિતાની ઉંઘ ઉડી ગઈ ને પથારીમાં બેઠા થઈને બે હાથ ઉંચા કરીને આળસ મરડીને સુસ્તી દૂર કરી. ત્યાં જ એની નજર બારીમાંથી અધિકારથી પ્રવેશી રહેલ રશ્મિકિરણ પર પડી અને મનમાં અચાનક એક બાળક આળસ મરડી ગયું. જાગી ઉઠેલ બાળમનને વશ થઈ વનિતા બે હાથથી એના લાંબા લીસાવાળનો અંબોડો વાળતી ગેલેરી તરફ ગઈ અને શિયાળાની સવારનું એ રમણીય દ્રશ્ય જોઇને એ સંમોહિત થઈ ગઈ. બહાર નીલા આભમાંથી રવિ ધીમે ધીમે ઉપર ઉઠી રહ્યો હતો જાણે નીલા મસ્તક પર લાલ તિલક થઈ રહ્યું હોય એવું અનુભવાતું હતું. આજુ બાજુ લહેરમાં ટહેલતી નાની નાની વાદળીઓ શરારતી હાસ્ય ફેલાવી રહેલી. આજુ બાજુના વૃક્ષના પર્ણ પર આછી ઝાકળ બાઝેલી હતી અને ઠંડીમાં થરથરી રહેલ એ પર્ણને ઉગું ઉગું થઈ રહેલ રશ્મિકિરણ પોતાની હૂંફ આપવાના ઇરાદાથી ઝડપથી આભમાં પ્રસરી રહેલા હતાં. વનિતાનું તન, મન આનંદની છોળોમાં નહાવા લાગ્યું ને મન પ્રફુલ્લિત થઈ ગયું ત્યાં જ એના બેડરુમમાં રહેલ મોબાઈલમાં રીંગ વાગી ને એ બેડરુમમાં ગઈ જોયું તો એની પ્રિય સખી અનુમોદિતા.
‘ગુડ મોર્નિંગ અનુડી, બોલ સવાર સવારમાં કેમ યાદ કરી મને ?’
‘ફટાફટ તૈયાર થઈ જા હું તને લેવા આવું છું. આપણે બરોડાના એકસ્પ્રેસ હાઈ વે પર જવાનું છે. મારા ભાઈ ધ્વનિલની ગાડીને અકસ્માત થયો છે.’ અને ફોન કટ થઈ ગયો. મદમાતી શિયાળાની સવારનો બધો નશો એક જ ઝાટકે ચકનાચૂર થઈ ગયો અને વનિતા દસ મિનિટમાં તો અનુ સાથે એની ગાડીમાં એની બાજુની સીટ પર બિરાજમાન હતી. વનિતાનું ઘર ઘટનાસ્થળથી નજીક જ હતું. ફટાફટ એ લોકો હાઈ વે પર આવેલ ઘટનાસ્થળે પહોંચી ગયાં. આગળની ગાડીએ એકાએક બ્રેક મારતા એની પાછળ રહેલ અનુના ભાઈની ગાડી એને જઈને ટકરાઈ ગયેલ. અનુના ભાભીને સામાન્ય ઇજા જ થયેલી પણ ધ્વનિલના હાથમાં ફ્રેકચર થઈ ગયેલું. આજુ બાજુમાં જમા થઈ ગયેલ ભીડમાંથી કોઇકે ફોન કરી દેતાં ૧૦૮ આવી પહોંચેલી પણ અનુએ ધ્વનિલને પોતાના ફેમિલી ડોકટરને જ બતાવવાની જીદ કરી અને એને પોતાની ગાડીમાં બેસાડી દીધો પણ ભાભી સુચિત્રાની એણે સહેજ પણ દરકાર ના કરી..કોણ જાણે એ ત્યાં હોય જ નહીં એવું વર્તન કર્યું અને ધ્વનિલ સાથે વાતચીત કરવા લાગી. વનિતાને આ બધું થૉડું વિચિત્ર લાગ્યું. એણે સુચિત્રા સામે થોડું સ્માઈલ કરીને એને પોતાની સાથે ગાડીની પાછળની સીટમાં બેસાડી. ઘાયલ અવસ્થા હોવા છતાં ધ્વનિલની નજરે અનુનું આ વર્તન નોંધી જ લીધું અને એની પીડા વધારે વધી ગઈ અને એનું મોઢું પડી ગયું પણ એ કશું બોલ્યો નહીં. ચૂપચાપ બધાના હાવભાવ નીરખી રહેલી વનિતાએ અનુને મેસેજ કર્યો,
‘અનુ, માન્યું કે તારા ભાઈએ તારા પેરેન્ટસની નારમરજી છતાં પ્રેમલગ્ન કરીને પોતાનો અલગ સંસાર વસાવ્યો છે પણ તારું તારા ભાભી સાથેનું આ વર્તન સહેજ પણ યોગ્ય નથી.’
ચાલુ ગાડીએ જ અનુએ એ મેસેજ વાંચ્યો ને દુઃખની એક આછી વાદળી એના ચહેરા પર દોડી ગઈ. આ જ ભાભીના કારણે એનો ભાઈ પપ્પા સાથે ઝગડીને ઘર છોડીને જતો રહેલો અને એના દુઃખમાં એની મમ્મીને એટેક આવી ગયેલો ને એ ઇશ્વરને શરણ થઈ ગઈ હતી. આ વાત એ કેમ કરીને ભૂલે ? ભાઈ તો પોતાનું ખૂન…માફ થઈ જાય પણ સુચિત્રા..ઉફ્ફ…એને તો કેમની માફ કરાય ?
વનિતા અનુની ખાસ સખી હતી એને અનુના જીવનની, ઘરની રજે રજની માહિતી હતી. અનુના દિલની વાત એ સમજી શક્તી હતી. એણે બીજો મેસેજ કર્યો,
‘અનુ, તારા મમ્મીના મૃત્યુ પાછળ તારા પપ્પાની જીદનો હાથ હતો અને એ વાત વીતી ગઈ. આજે ધ્વનિલના એક ફોન પર તું જે રીતે દોડી એ પરથી જ તારો એના પ્રત્યેનો પ્રેમ સાફ દેખાઇ આવે છે. પણ તું ફક્ત એના પ્રત્યે જ પ્રેમભાવ રાખે અને એની પત્નીને સહેજ પણ આવકારીશ નહીં તો તારી અને તારા પપ્પાની વચ્ચે ફર્ક શું રહ્યો ? એમની ભૂલનું પરાવર્તન ના કર ડીઅર. તારે ધ્વનિલ સાથે સંબંધ જોડવો હોય તો પહેલાં એની સાથે જોડાયેલ એની બેટરહાફને સ્વીકારવાની તૈયારી રાખવી જ પડશે. એ સિવાય ધ્વનિલ પર ઓળઘોળ થવું બધું ય નિરર્થક છે. એ કદી તમારી નજીક આવી જ નહી શકે. આ માનવીય સાયકોલોજી છે. થૉડામાં બધું સમજી જા બકા.’
ગાડી હંકારતા મોબાઈલ જોવાની ટેવ ના હોવા છતાં અનુમોદિતાએ વનિતાનો બીજો અને લાંબો મેસેજ વાંચી જ લીધો. થોડા ઘણા શબ્દોમાં વનિતાએ કરેલી ગૂઢાર્થનો મર્મ અનુને બરાબર સમજાઈ ગયો. હોસ્પિટલ આવી અને ધ્વનિલને ટેકો આપીને ગાડીમાંથી ઉતારતી વખતે અચાનક જ અનુમોદિતા બોલી ઉઠી,
‘વનિ, હું ભાઈને અંદર લઈને જઉં છું તું ભાભીને સાચવીને લઈને આવજે ને. થોડું ઘણું છોલાયેલું છે એની પર ડ્રેસિંગ કરાવી દઈએ અને દેખીતી રીતે ભલે એમને કોઇ ઇજા નથી થઈ પણ એમનું ય ચેક અપ કરાવી જ લઈએ જેથી કરીને ભવિષ્યમાં કોઇ ચિંતાનું કારણ ઉભું ના રહે.’
પોતીકાપણાના અહેસાસથી ધ્વનિલની અડધી પીડા તો એમ જ મટી ગઈ અને એના મુખ પર સંતોષનું અને રાહતનું એક સ્મિત ઝળકી ઉઠ્યું.
અનબીટેબલ : પ્રિયના નજીકનાને પણ ચાહવા – આ ક્રિયા અવર્ણનીય અનુભૂતિનો અહેસાસ કરાવે છે.
સ્નેહા પટેલ.
phoolchhab newspaper > navrash ni pal column > 29-10-2014
હું તો ધરાનું હાસ છું,હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી,જુઓ તો આસપાસ છું !
-રાજેન્દ્ર શુકલ.
‘મમ્મી, આજે મારે કોલેજ જવામાં થોડું મોડું થઈ ગયું છે તો હું જમી લઉં ત્યાં સુધીમાં મારા ડ્રેસને ઇસ્ત્રી કરી આપને.’
‘હા, તું તારે નિરાંતે જમ બેટા, ઉતાવળ કરીને જેમ તેમ કોળિયા ગળે ના ઉતારીશ.’
અને નીવાબેન ફટાફટ છેલ્લી રોટલી તવી પરથી ઉતારીને, ઘી લગાવીને ગ્રીવાની થાળીમાં પીરસીને નેપકીનથી હાથ લૂછતાં લૂછતાં એના રુમ તરફ વળ્યાં. દસ મિનીટ પછી નીવાબેન ડ્રેસને ઇસ્ત્રી કરીને એ બહાર આવ્યા ત્યાં સુધીમાં તો ગ્રીવાની કોલેજની સખી રીપલ આવીને સોફા પર બેઠી હતી અને મેગેઝિન વાંચતી હતી.
‘અરે, રીપલ…આવ આવ બેટા. ગ્રીવા તૈયાર થાય છે ત્યાં સુધીમાં આ રવાનો શીરો બનાવ્યો છે એ ખાઈ લે.’ અને નીવાબેન ફટાફટ કાચના બાઉલમાં શીરો કાઢીને લઈ આવ્યાં.
‘વાહ આંટી, તમારા હાથનો શીરો તો મને બહુ જ ભાવે છે.મજ્જા આવી ગઈ.’ શીરામાંથી દ્રાક્ષ શોધી શોધીને ખાતી રીપલ બોલી.
સંતોષસહ આનંદથી નીવાબેન રીપલને શીરો ખાતી જોઇ રહ્યાં. ગ્રીવા તૈયાર થઈને બહાર આવી અને હાથમાં ઘડિયાળનો બેલ્ટ બંધ કરતાં કરતાં નીવાબેનના ગાલ પર મીઠી પપ્પી કરીને ‘થેંક્યુ મમ્મી, લવ યુ, જે શ્રી ક્રિષ્ના’ કહેતી કહેતી બહાર ભાગી.
ગ્રીવાના ફ્લેટની બહાર પાર્ક કરેલ ગાડીના ઇગ્નીશનમાં ચાવી લગાવીને ગાડી ચાલુ કરતાં કરતાં રીપલ અચાનક હસી પડી.
‘અલી, શું થયું…એકલી એકલી કેમ હસે છે ! ક્યાંક છટકી તો નથી ગયું ને તારું ? એક કામ કર તું આ બાજુ આવી જા ગાડી મને ડ્રાઈવ કરવા દે. તારું ઠેકાણું નહી હોય તો ક્યાંક અથડાવી બેસીશ.’
‘ના બાપા ના..મારું કંઈ છટક્યું બટક્યું નથી. આ તો તમારા ઘરના ‘થેંક્યુ- રિવાજ’ પર મને હસવું આવે છે. રોજ તું ઘરની બહાર નીકળતી વેળાએ તારા મમ્મીને ‘થેંક્યુ’ કહે છે એ સાંભળીને મને બહુ જ નવાઈ લાગે છે…ભલા કોઇ પોતાની મમ્મીને ‘થેંકયુ’ થોડી કહે ?’
અને ગ્રીવા ખુલ્લા દિલથી હસી પડી.
‘અરે મારી પાગલ…ફકત હું જ નહીં મારા પપ્પા પણ મમ્મીને ‘થેંક્યુ’ કહે છે. તું જાણે છે આ ‘થેંક્યુ’ કહેવાની ટેવ કેમની પડી ? નાની હતી ત્યારથી હું મમ્મી કે પપ્પાને કોઇ પણ કામ કરી આપુ તો એ બે ય જણ મને થેંક્યુ કહીને આભાર વ્યકત કરે..ધીમે ધીમે મને પણ એ ટેવ પડી ગઈ. સમજણી થઈ ત્યારે આ ‘થેંક્યુ’ માટે મને પણ તારા જેવો જ વિચાર આવેલો ને મેં પપ્પાને આ વાત પૂછેલી, “પપ્પા, આ ઘરના સદસ્ય એકબીજાને થેંક્યુ કહે તો થોડું ઔપચારિક નથી લાગતું ? ”
ત્યારે પપ્પાએ એમનું બધું કામ બાજુમાં મૂકી લગભગ અડધો કલાક મારી સાથે વાતચીત કરેલી.
‘જો બેટા, તારી વાત ખોટી નથી પણ જે વાત સાવ મફતમાં મળે એનું મૂલ્ય માનવીને ક્યારેય નથી લાગતું. તારી મમ્મીની તબિયત સારી હોય કે ના હોય એ આપણા માટે આપણા સમયે નાસ્તો-ચા – જમવાનું બધું રેડી રાખે જ છે અને એ પણ પૂરા પ્રેમથી ! એ જ રીતે મારી તબિયત સારી હોય કે ના હોય, ગમે એવા ટેન્શનોવાળી જોબ હોય તો પણ ઘરને ચેતનવંતુ રાખવા પૈસા કમાવા જ પડે છે. મારા કરતાં મારા કુટુંબનો ખ્યાલ વધારે રાખું છું. જવાબદારી તો જવાબદારી જ હોય છે પણ એને બિરદાવનારું હોય તો એ જવાબદારી પાર કરવાનો થાક અડધો થઈ જાય અને શક્તિ બમણી ! વળી જ્યારે તમે સામી વ્યક્તિનો આભાર માનો છો ત્યારે ત્યારે તમને એનો પ્રેમ અને નિસ્વાર્થભાવ યાદ આવે છે. રોજ રોજ આ વાત યાદ કરીને તાજી રાખવાથી એ સમજણ જિંદગીભર લીલીછમ્મ રહે છે અને લીલાશ એ કોઇ પણ સંબંધનું ખાતર છે. જે પણ સંતાન મા બાપનો આભાર માનતા હશે એ જિંદગીના કોઇ પણ સ્ટેજમાં એમની સાથે દુરવ્યવહાર કરવાનો વિચાર સુધ્ધા નહી કરે કારણ, એમને મા બાપના દરેક કાર્યની, એ કાર્ય પાછળ ખર્ચેલા એમના મહામૂલા સમયની, દુનિયાના સર્વોત્તમ ભાવ ‘પ્રેમ’ની જાણ છે. સંતાનોનો ઉછેર એ મા બાપની મનગમતી ફરજ હોય છે એને અમુક સંતાનો પોતાનો જન્મસિધ્ધ હકક સમજીને મનફાવે એવો વર્તાવ કરીને મા બાપનું દિલ દુઃખાવીને અણગમતી ફરજ બનાવી દે છે. આવી તો ઢગલો બાબત છે આ ત્રણ અક્ષરના શબ્દ ‘થેંક્યુ -આભાર’ પાછળ. પણ રીપલી આ સામે આપણી કોલેજ આવી ગઈ જો….અને આજે પહેલું લેકચર એકાઉન્ટનું છે જે મારે કોઇ પણ સંજોગમાં છોડવું નથી એટલે હું તો આ ભાગી તું ગાડી પાર્ક કરીને આવ..ટા..ટા…’
અને નાજુક રંગબિરંગી પતંગિયાની માફક ગ્રીવા ગાડીમાંથી ઉતરીને હવામાં ઓગળી ગઈ પણ એ પાંચ મીનીટના સંવાદથી રીપલને અવાચક કરતી ગઈ. એણે તો પેરેન્ટ્સના કાર્ય વિશે કદી આ દ્રષ્ટિકોણથી વિચાર્યુ જ નથી ! અચાનક જ રીપલની આંખમાંથી બે મોતીડાં સરી પડ્યાં ને એના પગ ઉપર પડ્યાં અને રીપલને ભીની રેતી પર જાણે ખુલ્લા પગે દોડી રહી હોય એવો અનુભવ થવા લાગ્યો. ભીની ભીની રેતી એની પાનીને મૃદુલતાથી સ્પર્શતુ જતું હતું અને એના આખા તનમાં શીતળ સ્પંદનોનો દરિયો વહી જતો હતો.
અનબીટેબલ : લાગણી-ભિસરણ વિના સંબંધો મરી જાય છે.
સ્નેહા પટેલ
phoolchhab newspaper > Navrash ni pal column > 22-10-2014 – sneha patel.
બસ ચાલતા રહેવું જરૂરી છે છતાં ઓ દોસ્ત,
રાખો જરાક ધ્યાન પણ વચ્ચે પડાવનું.
-અશોક જાની ‘આનંદ’
‘ડેડ, તમે જાણો છો આજકાલ આ ઓનલાઈન શોપિંગની મજા જ કંઈક અલગ થઈ ગઈ છે. સારી સારી બ્રાન્ડની અનેકો વસ્તુ લગભગ અડધી કિંમતે કાં તો એક પર એક ફ્રી જેવી સ્કીમમાં મળી જાય છે અને એ પણ ઘરે બેઠા ! આ વખતની તો દિવાળી સુધરી ગઈ.’
અને વીસ ઋતુઓની ફેરબદલ જોઇ ચૂકેલો સાદ પાછો પોતાના લેપટોપમાં સાઈટ્સ ચેક કરવામાં, સ્ક્રોલિંગમાં વ્યસ્ત થઈ ગયો,
પણ બેતાળાના નંબરના – કાળી હાફરીમના ફ્રેમવાળા ચશ્મા પહેરીને ગરમા ગરમ ચા પીતા પીતા છાપું વાંચવામાં તલ્લીન એવા એના ડેડ સૌરવની વ્યસ્તતા ખિન્ન ભિન્ન કરી ગઈ. સૌરવની નજરે પણ એ જ સમાચાર ચડેલા હતાં. આ વખતના ઓનલાઈનના બિઝનેસે ખરીદીના બધા રેકોર્ડ તોડી કાઢ્યાં હતાં. એમની સાઈટ ક્રેસ થઈ ગઈ એટલી અધધધ..કલીક્સ થઈ ચૂકી હતી. આટલી મોંઘવારીની બૂમો પાડતા લોકો પાસે આટલા બધા પૈસા આવ્યાં કેવી રીતે એની જ એને તો નવાઈ લાગતી હતી ! હજુ તો પોતાના વિચારોના મંથનમાંથી બહાર નીકળે એ પહેલાં તો એના પુત્ર સાદે જ એના કાન આગળ એ સાઈટ્સના વખાણ કરીને જાણે કાનની નજીક બોમ્બ ફોડ્યો. દિવાળીને તો હજુ બાર દિવસ બાકી હતા પણ ફટાકડાનો અવાજ આજથી જ માથું ફોડવા લાગ્યો હતો.
‘સાદ, તમે આજના જુવાનિયાઓ સાવ પાગલ છો…વિચાર્યા વગર દિવસ રાત ખરીદી…ખરીદી ને ખરીદી જ કર્યા કરો છો. પાંચ પૈસા કમાતા થાવ એટલે સમજાશે કે કેટલા વીસે સો થાય છે.’
‘પપ્પા, શું તમે પણ ? આજના સ્ટાઇલીશ જમાનામાં અપડેટ તો રહેવું જ પડે ને નહીં તો આપણે સાવ બુધ્ધુ ને ગમાર લાગીએ. કોઇ આપણી સાથે વાત પણ ના કરે.’
આ વાત સાંભળીને જાતકમાઈથી અને તનતોડ મહેનત દ્વારા ઉપર આવેલા સૌરવની તો આંખો જ ફાટી ગઈ. આ …આ…એનો દિકરો બોલતો હતો..! માનવામાં જ નહોતું આવતું.
‘પૈસા ખર્ચીને સ્માર્ટનેસ બતાવાની ? કેવી પાગલ મેન્ટાલીટીના શિકાર છો તમે લોકો !’
‘ડેડ, જુઓ મારી પાસે સમય નથી …તમે મને વીસ હજાર રુપિયા આપો મારે શોપિંગ કરવું છે. આ સાઈટ પર માત્ર ચાર કલાક માટે જ અમુક ઓફર અવેલેબલ છે અને મારે એ જોઇએ છે તો બરાબર ધ્યાન રાખીને એ સમયે જ ઓર્ડર નોંધાવી દેવો પડશે.’
‘વીસ હજાર…આટલા બધા પૈસાની શું જરુર પડી ગઈ ?’
‘લેટૅસ્ટ સ્માર્ટફોન લેવો છે. આમ તો એની કિંમત ૩૫,૦૦૦ છે પણ આ ઓનલાઈન સાઈટ્સની ઓફરમાં એ મને ૨૦,૦૦૦ માં પડશે.’
‘મો…બા..ઇ…લ’ અને સૌરવનો ઘાંટો જ ફાટી ગયો. ‘હજુ છ મહિના પહેલાં તો તે ફોન લીધો છે એનું શું ?’
‘એકસ્ચેન્જ ઓફર છે ડેડ, ચિંતા નક્કો..’
‘પણ એવી જરુર શું છે ? આમ ને આમ તે લેપટોપ પણ હમણાં બદલ્યું…હવે ફોન…અને બાઈક બદલવાનું તો માથે ઉભું જ છે…તને ખબર પડે છે કે આમ ને આમ શોપિંગના આંધળૂકીયા કર્યા કરીશ તો તારી જિંદગીમાં ક્યારેય ખર્ચાઓમાંથી ઉંચો જ નહી આવે. મેં કોલેજમાં સ્કુટર લીધેલું એ પછી વીસ વર્ષે આ ગાડી લીધી અને તો ય એ જૂના સ્કુટરને કાઢતા જીવ નહતો ચાલતો..ખબર નહીં કેમ..એક અટેચમેન્ટ જેવું થઈ ગયેલું એ સ્કુટર સાથે.’
‘ઉફ્ફ પપ્પા….તમે અને તમારા જુનવાણી વિચારો.’ અને સાદ અકળાઈને ઘરની બહાર નીકળી ગયો.
રસોડામાં રસોઈ કરતાં કરતાં બાપ દીકરાનો સંવાદ સાંભળી રહેલ સુનિતા નેપકીનથી હાથ લૂછતી લૂછતી બહાર આવી અને સૌરવની પાસે સોફામાં બેસી.
‘શું તમે ય નાના છોકરા જેવું વર્તન કરો…પંદર વીસ હજાર રુપિયા તમને શું ભારે પડી જાય છે તો એક ના એક છોકરાનો મૂડ બગાડી કાઢયો ! આમે દિવાળીમાં આટલી બોણી તો આપો જ છો ને એને…તો એ ના આપશો, બસ.’
બે પળ સૌરવ જિંદગીની પચાસી વટાવી ચૂકેલ પત્નીના ગૌર, નમણાં ચહેરાંને જોઇ રહયો.
‘સુનિતા, બાવીસ વર્ષના સહચર્ય પછી પણ તું મારી વાત નથી સમજી શકતી એનું દુઃખ વધારે છે. સાદને હજુ થોડા સમય પહેલાં જ નવો લેટેસ્ટ મોબાઈલ અપાવેલો જે છ મહિના જેવા ટૂંકા ગાળામાં જ જૂનો થઈ ગયો અને એ બદલવાનો વિચાર કરવા લાગ્યો. માન્યું કે આજકાલ ટેકનોલોજી હવાના વેગ કરતાં પણ વધુ ગતિશીલ છે પણ એના કારણે આપણી માનસિકતા નબળી પડતી જાય છે. આપણૅ કોઇ વસ્તુ ખરીદીએ અને એ બગડે તો એને રીપેર કરાવવાનું વિચારીએ છીએ જ્યારે આ લોકો તો વસ્તુ બગડે તો તરત જ નવી વસ્તુ લઈ આવવાનું વિચારે છે. રીપેરીંગ જેવા શબ્દો તો એમની ડીક્શનરીમાંથી જ ભૂંસાઈ ગયા છે જાણે. આ બધાની અસર એમના ભાવિ પર પણ પડશે એની એ નાદાનોને ખબર નથી પડતી.’
‘એ…એ..એ કેવી રીતે સૌરવ..? મને તમારા જેટલું લાંબુ વિચારવાની સમજ નથી. પ્લીઝ સમજાવ..’
‘અરે મારી ભોળુકડી, આ લોકોમાં ઇમોશનલ અટેચમેન્ટ જેવી કોઇ વાત જ જોવા નથી મળતી ….સાવ જ જડ થઈને જીવ્યાં તો શું જીવ્યાં સુનિ ? એમની સ્પીડમાં કોઇ પણ વસ્તુ બાધારુપ લાગે તો ફટાક દઈને એનું ઓપ્શન શોધી કાઢે છે, નવું ખરીદી લે છે. એમની પાસે રાહ જોવાની કે થોડું પોરો ખાવાની સમજ કે ધીરજ જ નથી. ધીરજ વગરના આ જુવાનિયાઓ પ્રગતિ કેમના કરી શકશે ? ચેન્જ કરી લેવાની વૃતિ’ ધરાવતો આપણો સુપુત્ર કાલે ઉઠીને અને એના લગ્નજીવનમાં કોઇ ઉથલપાથલ થશે ત્યારે શું વર્તન કરશે એ તને સમજાય છે કે…?’
સુનિતાને બે મીનીટ તો કંઈ ના સમજાયું અને થોડી બાઘાની જેમ જ સૌરવનું મોઢું તાકયા કર્યુ, પણ જેવું સૌરવની વાતનું ઉંડાણ સમજાયું એવી જ એ અંદર સુધી હાલી ગઈ. પુત્રપ્રેમમાં આંધળી પોતાના જ વ્હાલસોયાની જીદ પૂરી કરવાના ચક્કરમાં કેવા સંસ્કાર સીંચી રહેલી એ વાત સમજાતા જ એ કાંપી ગઈ અને સૌરવનો હાથ પકડીને બોલી,
‘મને માફ કર સૌરવ, તારી વાતનો આ મતલબ પણ નીકળી શકે એવો તો મને અંદાજ સુધ્ધા નહતો. તું તારી જગ્યાએ બરાબર છે. દરેક વસ્તુ બગડે એટલે ફટાક દઈને એને બદલી ના કાઢવાની હોય એ વાત હું સાદને બરાબર સમજાવીશ. ડોન્ટ વરી.’
અને સૌરવ ચાનો પ્યાલો સુનિતાને પકડાવતા બોલ્યો,
‘સુનિ, બહુ મોડું થઈ ગયુ, નહાવા જાઉ છુ. પંદર વર્ષ પહેલાં આપણી મેરેજ એનિવર્સરી પર તેં મને જે શર્ટ ગિફ્ટ કરેલું એ કાઢજે તો…આજે મને એ પહેરવાનું બહુ મન થાય છે.’
અને બે ય જણ ખડખડાટ હસી પડ્યાં.
અનબીટેબલ ઃ જિંદગીનું ‘ઓપ્શન’ ના શોધાય એની તો ‘ટેક કેર’ કરાય.
સ્નેહ પટેલ
phoolchhab newspaper > navrash ni pal column > 8-10-2014
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
-ચીનુ મોદી
મુનિતાને રાતે બરાબર ઉંઘ નહતી આવી એટલે આજે સવારે માથું ભારે ભારે લાગતું હતું. આળસ મરડીને બગાસું ખાતા ખાતા એની નજર બારીની બહાર ગઈ.સરસ મજાની શિયાળાની સવાર હતી અને બારીમાંથી સૂર્યકિરણોની હૂંફ ને ઉજાસ ઉદારતાથી એના ઓરડામાં પ્રવેશી રહ્યાં હતાં.વાતાવરણ ખુશનુમા હતું પણ મુનિતાના તન મનને સુધી એની અસર નહતી પહોંચતી ! કશું ય અઘટિત નહોતું બન્યું પણ તન ને મન બે ય થાકેલાં થાકેલાં હતાં.કારણ….ખાસ તો કંઈ નહી એ જ પંદર વર્ષથી ચાલ્યું આવતું જૂનું પુરાણું એક નું એક જસ્તો…!
‘ચલાવી લેતા શીખવાનું.’
પંદર દિવસ પછી મુનિતાના મોટાભાઈની દીકરીના લગ્ન હતાં. મુનિતાની ભાભી ભારે હોંશીલી. લગ્ન સિવાય સંગીત સંધ્યા, મહેંદી, સત્કાર સમારંભ જેવા પ્રસંગોનું આયોજન પણ કરેલું. મોટાભાઈની આર્થિક સ્થિતી પ્રમાણમાં ઘણી સારી હતી.બે પાંચ લાખ આમથી તેમ..એમને ખાસ કંઈ ફર્ક નહતો પડવાનો પણ મુનિતા…એને આ પ્રસંગોને અનુરુપ શોપિંગ કરવામાં જ હાંજા ગગડી જતાં હતાં અને બધાની પાછળ જવાબદાર હતો એના પતિ સુકેતુનો વર્ષોથી સેટ ના થઈ શકેલો ધંધો !
પોતાના જ બાહુબળે જીવવાની જીદમાં ઘરમાંથી એકપણ પૈસો લીધા વગર સુકેતુ અને મુનિતા પાંચ વર્ષના નીલ અને ત્રણ વર્ષની આશકાને લઈને ઘરમાંથી નીકળી ગયેલાં. થોડી ઘણી મૂડી, મુનિતાના બે દાગીના વેચીને અને બાકીની બેંકની લોન લઈને સુકેતુએ ઘર લીધેલું અને ધંધો વિક્સાવેલો. ધાર્યા પ્રમાણે ધંધો ચાલ્યો નહીં અને નફા કરતાં ખોટ વધારે જતી અને પરિણામે ધંધો આટોપી લેવો પડ્યો.એ પછી સુકેતુએ એક નોકરી શોધી લીધેલી પણ એમાં ઘરના રોજિંદા ખર્ચા, સંતાનોની કેળવણીનો ખર્ચ, સામાજીક વટવ્યવહાર આ બધું પૂરું નહતું થઈ રહેતું અને પરિણામે મુનિતાને એના જીવનમાં વારંવાર ‘આના વગર ચલાવી લેવાનું’ જેવા વાક્યનો સામનો કરવો પડતો.
આજે પણ લગ્નપ્રસંગ માટે શોપિંગ કરવા ગઈ ત્યારે હાથમાં મોટું મસ લિસ્ટ લઈને ગઈ હતી- સુકેતુ માટે નવો કુર્તો, નીલ માટે કોટીવાળો ડ્રેસ, આશકા માટે શરારા, મેચીંગ જ્વેલરી , શૂઝ, લગ્નપસંગે ગિફટમાં આપવાની અનેકો વસ્તુઓ…લિસ્ટ લાંબુ ને બજેટ મર્યાદિત. મોટી મોટી દુકાનોમાં જે ગમી જાય એ વસ્તુઓ બહુ જ મોંઘી હોય. માંડ બે વસ્તુના શોપિંગનો જ મેળ પડ્યો હતો ને પૈસા ખતમ. લગ્નને અનુસાર મોભાદાર વસ્તુઓ ખરીદવાના અનેકો અરમાનો પર ટાઢું બોળ પાણી ફરી પડ્યું ને મુનિતાનો બધો ઉમંગ પડી ભાંગ્યો. ખિન્ન ને નિરાશ વદને વિચારવા લાગી,
‘ શું એની આખી જિંદગી આમ ‘ચલાવી લેવામાં’ જ વીતશે ? ક્યારેય પોતાના અરમાનો પૂરા નહીં થઈ શકે ? કાયમ આમ અભાવોની વચ્ચે જ જીવવાનું નસીબ હશે ? આ બધાની પાછ્ળ કોણ જવાબદાર..?’
અને મુનિતાને પોતાના દરેક અભાવો પાછળ સુકેતુ જ જવાબદાર લાગતો. એ પૂરતા પૈસા કમાતો હોત તો આજે એની આવી હાલત તો ના હોત ને. ‘એની પાસે શું શું વસ્તુઓ નથી-શેનો અભાવ છે ‘ના વિચારોનું વંટોળ મગજમાં ઘૂમરાવા લાગ્યું, ચિત્તનો કબ્જો લેવા લાગ્યું. સૌ પૈસાને માન આપે છે એટલે કાયમ પોતાને બધા સંબંધોમાં નીચું જોવાનો વારો આવે છે. હવે તો કોઇના ઘરે જવાનું ય મન નથી થતું.આ અભાવોમાં મારું વર્તમાન તો ઠીક પણ મારા સંતાનોનું વર્તમાન અને ભાવિ ય બળીને ખાખ થઈ જાય છે’
ત્યાં તો ફોનની ઘંટડી વાગી અને જોયું તો માનસીભાભી..લગ્નને લગતી જ કોઇ વાત હશે વિચારતા મુનિતાએ ફોન ઉપાડયો,
‘હાય મુનિ, શોપિંગ પતી ગયું કે ?’
‘હા, ભાભી આમ તો એવું જ કહેવાય.’
‘કેમ આમ બોલે મુનિ ? ‘આમ તો’ એટ્લે શું વળી ? ચોખ્ખું બોલ કંઈ તકલીફ છે કે ?’
‘ભાભી તમને તો ખબર જ સુકેતુની ટૂંકી આવક. આમાં વળી મારે શું શોપિંગના ઓરતા હોય ? ‘ અને મુનિતાની જીભ પરથી સુકેતુ માટેના મહેણાં ટૉણાનો વરસાદ વરસવા લાગ્યો.
‘મુનિ, તું સાવ પાગલ છે. આ એકની એક વાત સાંભળીને હવે તો હું ય થાકી.લગ્નના આટલા વર્ષ પછી ય તારામાંથી બચપણ નથી ગયું. સુકેતુકુમારે તને કદી કોઇ જ વ્યવહાર કરતા અટકાવી હોય કે કોઇ પણ વાતમાં દખલઅંદાજી કરી હોય એવું મારી જાણમાં નથી આવ્યું. નાનકાના ઘરના વાસ્તામાં અમે બધાએ પાંચસો રુપિયાનું કવર કરેલું અને તેં લાગણીમાં તણાઈને સોનાની ચેઇનનો વ્યવહાર કરેલો. એ વખતે સુકેતુભાઈએ એ વખતે હસીને, ‘તારા મનને સંતોષ થાય એમ કર એવું જ કંઇક કહેલું ને..?’ એ મને હજુ યાદ છે. સુકેતુભાઈ કાયમ પોતાની તંગીમાં કોઇ ને કોઇ રીતે વ્યવસ્થા કરીને દરેક જવાબદારી નિયત સમયે પૂરી કરી જ લે છે ને, કમાલના હિંમત ને ધીરજવાળા છે એ ! તું એના સ્ટ્રેસમેનેજમેન્ટમાં એને સાથ આપવાના બદલે એને આમ મહેણાં મારે છે…તેં કદી એમ વિચાર્યું કે એને તારા બે મીઠા બોલની જરુર હોય ત્યારે તું આમ કડવા બોલના ચાબખા મારે છે એની શું અસર થાય? તું પત્ની થઈને ય આમ કરીશ તો એ માણસ સાંત્વનાના બે બોલ સાંભળવા ક્યાં જશે ? વળી તારું સુંદર મજાનું ત્રણ રુમ રસોડાનું પોતાનું ઘર છે, છોકરાંઓ સારી સ્કુલમાં ભણે છે, તમે ‘હુતો હુતી’ બેયનું શારિરીક, માનસિક સ્વાસ્થ્ય પણ સરસ છે. બેલેન્સડ મગજવાળો, પ્રામાણિક સ્વભાવનો અને મીઠો પ્રેમનો છાંયો આપતો ઘરવાળો હોય આનાથી વધુ સારા ભાગ્ય તો શું હોય ? આપણી અપેક્ષાઓનો કોઇ અંત જ નથી હોતો. આપણી પાસે ‘શું નથી’ કરતાં ‘શું છે’નું લિસ્ટ બનાવવાનું વધુ હિતકારી છે મુનિ. આમ કાલ્પનિક અભાવોના જંગલમાં તારી લીલીછમ્મ સંસારની વાડીને આગ ના લગાડ પ્લીઝ.’
મુનિને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એક પછી એક અનેકો પ્રસંગોનું રીલ ફરીથી એની નજર સામે ઘૂમવા લાગ્યું. આ વખતે એણે હકારાત્મકતા, સમજણ અને પ્રેમનો દ્રષ્ટીકોણ અપનાવ્યો હોવાથી દરેકે દરેક સ્થિતીમાં એને સુકેતુની હિંમત, સમજદારી,પ્રેમ અને ધીરજનો સૂર્ય જ તપતો દેખાયો અને એ પોતાની અણસમજ પર રડી પડી ને ચૂપચાપ ફોન મૂકી દીધો.
અનબીટેબલ ઃ સમજણની નજર કમજોર હોય ત્યારે પ્રેમના ચશ્મા યોગ્ય પરિણામ આપે છે.
-sneha patel
phoolchhab newspaper > navrash ni pal column > 1-10-2014
આ બધા તારા બળાપા વ્યર્થ છે,
કાચ જેવું પણ કશું તૂટ્યું નથી !
રાકેશ હાંસલિયા
‘કોયલ, તમારી કુંડલી તો અતિશ્રેષ્ઠ છે. તમારી સાસરી ખૂબ પૈસાવાળી હશે વળી તમે તમારા સાસુ -સસરાના લાડકા વહુ બનશો. બધા તમને હાથમાં ને હાથમાં રાખશે.’
‘ સાસુ સસરા તો ઠીક પણ મારા સપનાના રાજકુમાર વિશે પણ કંઈક કહો ને…એ કેવો હશે ?’ અને કોયલની કાજળમઢેલી આંખોમાં સપ્તરંગ વેરાઈ ગયા.
‘બેટા, તમારી કુંડળીના સપ્તમ ભાવમાં વૃષભ રાશિ સ્થિત છે એટલે તમને સુંદર અને ગુણવાન પતિની પ્રાપ્તિ થઇ શકે છે. આવી રાશિવાળાનો જીવનસાથી મધુરભાષી અને પત્નીની વાત ધીરજથી સાંભળીને એને માનવા વાળો હોય છે. ‘
અને નયનના સપ્તરંગમાંથી એક રંગ હળ્વેથી કોયલના લીસા ગોરા ગાલ પર ઢોળાઈ ગયો.
વીસવર્ષની ઉંચી કદકાઠી અને પતલો બાંધો ધરાવતી કોયલ અતિસુંદર અને સમજદારયુવતી હતી. સમજણી થઈ ત્યારથી એ પોતાના સપનાના રાજકુમાર અંગે જાતજાતના ખયાલીપુલાવો રાંધતી રહેતી. બાહ્ય દેખાવ અંગે થોડી બાંધ છોડ કરવા માટે કોયલ તૈયાર હતી પણ એક વાત એવી હતી કે જેમાં એની સહેજ પણ બાંધછોડ કરવાની તૈયારી નહતી . એ રાજકુમાર એની દરેક વાત ધીરજપૂર્વક સાંભળનારો, એને સમજનારો હોવો જોઇએ તો જ લગ્ન કરવા, આવો યુવાન ના મળે તો આખી જિંદગી કુંવારી રહેવાની ય એની તૈયારી હતી.
બે દિવસ અગાઉ સવારે એના મમ્મી ઉષાબેન સાથે બેસીને એમનું કબાટ સરખું કરતી હતી અને ત્યાં એમના કબાટના ડ્રોઅર ખેંચતા જ એના હાથમાં પોતાની જન્મકુંડળી આવી ગઈ હતી અને અત્યારે એ પંડિત જાણે એના મનની જ વાત બોલી રહ્યાં હતાં ને કોયલનું રૂંવેરૂંવું રોમાંચિત થઈ ગયું હતું.
થોડો સમય વ્યતીત થયો અને કોયલના મમ્મી પપ્પાએ યોગ્ય મુરતિયો ને ખાનદાન જોઇને કોયલને કવન સાથે પરણાવી દીધી. કોયલને પણ બે મહિનાની વીસ પચીસ મુલાકાત દરમ્યાન કવન પોતાના સપનાના રાજકુમારની પ્રતિકૃતિ જ લાગ્યો. સમયને વીતતા વાર નથી લાગતી અને જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા અને એમના ઘરમાં એક રુપાળી ઢીંગલીનો ઉમેરો થયો. કવનને પોતાની વધતી જવાબદારીઓનું પૂરું ધ્યાન હતું એ પણ કાળામાથાનો માનવી હતો આખરે ! બાપદાદાના વખતથી ચાલ્યા આવતાં ધંધામાં એ હવે ઉંડે ઉતરતો ચાલ્યો પરિણામે એમના લગ્નજીવનમાં સમયની ખેંચ અનુભવાવા લાગી. જો કે અટેન્શન ઓછું થયું હતું , પ્રેમ નહીં. પણ કોયલને તો એની આખી દુનિયા જ બદલાઈ ગયેલી લાગતી હતી. એનો સપનાનો રાજકુમાર હીન્દી પિકચરોના વિલનમાં પરિવર્તીત થઈ રહેલો અનુભવતી હતી. એની નાની નાની વાત સાંભળવાનું કવન માટે શક્ય નહતું. મહિનાના વીસ દિવસ જે બહારગામ હોય એની પાસેથી શું આશા રાખવી અને દિવસે દિવસે ઉદાસીનો અજગર કોયલને ભરડો લેવા લાગ્યો.એનું શરીર સાવ નંખાઈ ગયું, ચહેરાની ચમક ઓછી થવા લાગી, આંખો નીચે કુંડાળા થઈ ગયા, સદા હસતા રમતા રહેતા નાજુક સ્મિતે એના ગુલાબી હોઠથી જાણે નાતો તોડી કાઢેલો..કીટ્ટા કરી નાંખી હતી. કોયલનો આ ફેરફાર એના મમ્મી ઉષાબેનથી જોયો ના ગયો અને એમણે કોયલને શાંતિથી પૂછતાં જ કોયલ પોતાનો ઉભરો ઠાલવી બેઠી.
‘મમ્મી, કવન મને હવે પહેલાં જેવો પ્રેમ નથી કરતો.’
‘કેમ આવું બોલે બેટા ? મને તો કવનકુમાર હજુ એવા ને એવા ઉર્મિશીલ જ લાગે છે. ઉલ્ટાના પહેલાં કરતાં વધુ ઠરેલ ને સમજુ થયા છે. મારી તો આંખ ઠરે છે એમને જોઇને.’
‘મમ્મી, એમની પાસે મારી વાતો સાંભળવાનો સહેજ પણ સમય નથી.એ મને સહેજ પણ અટેન્શન જ નથી આપતાં. બે દિવસ પહેલાં જ એ બોમ્બે ગયેલાં. મેં ત્યાંથી ઢીંગલી માટે થોડા કપડાંનું શોપિંગ કરવા કહેલું તો ભૂલી ગયાં.બોલ, આવું થોડી ચાલે ?’
‘બેટા, આ તો નોર્મલ વાત છે. કવનકુમાર એક સાથે ચીન, યુકે, યુ એસ, ભારત એમ ચાર દેશમાં બિઝનેસ ફેલાવી રહ્યાં છે. કેટલી દોડાદોડ છે એ નથી જોતી તું ? વળી આ બધી મહેનત કોના માટે..તમારા લોકો માટે જ ને !’
‘મમ્મી તમારી વાત સાચી છે. પણ ધંધામાં પોતાની પત્નીની વાત સાંભળવાનો સમય જ ના રહે એ કેવી રીતે પોસાય ? બે રુપિયા ઓછા કમાશે તો ચાલશે પણ આમ મારાથી વાત કરવાનો સમય જ કપાતમાં જતો રહે એ ન ચાલે.લાખ વાતની એક વાત એ મને પહેલાં જેટલો પ્રેમ નથી કરતો. પપ્પા હજુ આજની તારીખે પણ તમારી સાથે બેસીને કેટલી વાતો કરે છે, તમને કેટલા ધીરજપૂર્વક સાંભળે છે. ‘
‘મારી ભોળી દીકરી, તારી દરેક વાત સાંભળવાનો સમય એમની પાસે ના હોય એટલે એ તને પ્રેમ નથી કરતાં એવું અર્થઘટન થોડી કરાય ? જોકે પહેલાં તો ભૂલ મારી જ છે. તારા મનમાં જ્યારે તારા સપનાના રાજકુમાર વિશે રેખાચિત્ર દોરાતું હતું ત્યારે જ મારે તને રોકવાની હતી , સમજાવવાનું હતું કે , ‘બેટા, લગ્નજીવન એ તો બે આત્મા વચ્ચેનો જીવનભરનો સંબંધ કહેવાય.પ્રેમની કોઇ જ વ્યાખ્યાઓ ના હોય કે કોઇ પણ બે લગ્નજીવન પણ કદી સરખાં ના હોય એટલે એમાં કોઇની સાથે સરખામણી કરવી એ તો નર્યું ગાંડપણ જ.પ્રેમ એટલે તો નર્યો પ્રેમ જ .. આલેખી ન શકાય એવી લાગણી, જેમાં તમારે ભરપૂર વિશ્વાસ રેડવાનો હોય અને મનમાં ઉગી નીકળવા અપેક્ષાના જંગલમાં ધીરજ રાખીને દાવાનળથી બચાવવાનો હોય. કોઇ વ્યક્તિ તમને સાંભળે તો જ એને તમારા માટે પ્રેમ છે એવી વાત જ પાયાહીન છે. દરેક માનવીની પોતાની લિમિટેશન હોય જ એને સમજીને સહર્ષ સ્વીકારતા શીખવું એનું નામ પ્રેમ. કલ્પનાની અતિશયોક્તિ જ માનવીના લગ્નજીવનમાં ભંગાણ પડાવે છે. પ્રેમમાં પડવા માટે બહુ વિચારવાની જરુર નથી હોતી, ફક્ત એને ટકાવી રાખવા માટે થૉડા સહનશીલ થવાની જરુર હોય છે. બાકી કોઇ વ્યક્તિ તમારી અપેક્ષાની હદમાં પૂરાઈને તમને સાચો પ્રેમ કદી ના કરી શકે. પ્રેમ તો સ્વતંત્ર.અને વિશ્વાસથી સભર હોય તો જ સ્વસ્થ બને છે.’
અને કોયલ વિચારમાં પડી ગઈ. વાત એણે ધારી લીધી એવી તો સહેજ પણ નહતી. મમ્મી બરાબર કહી રહેલાં. કવન આજે પણ એનો ઘણો ખ્યાલ રાખે જ છે પણ એણે ખુદની અભિવ્યક્તિના વિશ્વમાંથી એ જોવા તરફ પ્રયાસ જ નહતો કર્યો.
અનબીટેબલ : જ્યાં સાંભળવાની જરુરિયાત પૂર્ણ થાય ત્યાં જ સાચો પ્રેમ શ્વસે છે – આ ‘સેલ્ફ સેન્ટર્ડ’ વિચારધારા છે.
Phoolchhab newspaepr > navrash ni pal > 24-9-2014
એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
-હરદ્વાર ગોસ્વામી.
‘અદા, તારામાં સહેજ પણ કરકસરનો ગુણ નથી. હવે એક પાંચ વર્ષની દીકરીની મા થઈ, હવે તો સુધર.’
‘પણ મમ્મી, એવો તો શું મોટો ખર્ચો કરી નાંખ્યો સમજાવશો જરા.’
‘લે તને તારા ખોટા ખર્ચાની પણ ખબર નથી પડતી…રામ રામ…આ છોકરીને શું કહેવું મારે હવે !’ ને ફોનમાં વાત કરી રહેલ રેખાબેનનો અવાજ અ્ચાનક મોટો થઈ ગયો.
‘જો અદા, હજુ તો ગયા અઠવાડીએ જ તું ધૃવી માટે પૂરા પાંચસો રૂપિયાનું નવું ફ્રોક લાવી હતી અને આ અઠવાડીએ પાછા એનેઆ મેચીંગના સાતસોના ફેન્સી શૂઝ. વળી ત્રણ મહિના પહેલાં જ તમે જગતકુમારના મિત્રો સાથે કચ્છ ફરી આવ્યાં. પૂરા પંદર હજારનું આંધણ ! જગતકુમારનો વીસ હજાર અને તારો સાત હજારનો પગાર અને તમે ઘરમાં ખાનારા છ જણાં. વીમો, લેપટોપ – ગાડી -ઘર બધાના હપ્તા, ધૃવીની સ્કુલની ફી, કામવાળા, દવાઓ…અરેરે…તમારી જવાબદારીઓ તો જુઓ બેટા. અત્યારથી પાઈ પાઈ કરીને પૈસો નહીં બચાવો તો આગળ કેમનું નભશે ? તારા પપ્પા પણ તારા માટે કંઇ દલ્લો મૂકીને નથી ગયા. આ વિધવા મા પાસે ય કોઇ મૂડી નથી. આમ તો કેમ જીવાય ? તારી નાની બેન રેવતીને જ જો, કેટલો પૈસો છે પણ કેવી કરકસરથી જીવે છે ! કોઇ જ ખોટો ખર્ચો નહીં. પરણ્યાંને પૂરા બે વરસ થયા પણ હનીમૂન પર પાંચ દહાડા ફરી આવ્યાં એ જ બાકી ક્યાંય નથી ગયા. વળી ઓઢવે પહેરવે પણ તમારા જેવા ખર્ચા નહીં. તું તો તારા કાકાજીની દીકરીના લગ્ન પર પૂરા બે હજારનો ડ્રેસ સીવડાવી લાવી હતી.’
‘મમ્મી, શું તમે ય…આ જ તો અમારી પહેરવા – ઓઢવાની – ફરવાની ઉંમર છે. અત્યારે ય સાદગીથી જીવીને સમય કરતાં વહેલાં બૂઢ્ઢા થઈ જવાનું ? વળી જગત ફરવાના પહેલેથી શોખીન માણસ છે. કમાય છે અને વાપરે છે. કોઇની પાસે હાથ લાંબો તો નથી કરતાં ને ?’
‘લે…નવાઈના તમે જ જુવાન તે…આ તારી નાની બેન બુઢ્ઢી થઈ ગઈ છે કે ? એ તો કદી આવા ખોટા ખર્ચા નથી કરતી. તમે તો શહેરની એક પણ હોટ્લ નથી છોડી. પતંગમાં બેસીને એક વાર ગોળ ફરી આવ્યાં અને પૂરા બે હજારનો ચાંલ્લો કરી આવ્યાં.’
‘મમ્મી, રેવતીના ખર્ચા અલગ છે. અમે કાયમ ઘરે નાસ્તા બનાવીએ છીએ અને એમના ઘરે દર બીજા દિવસે બહારથી નાસ્તા નથી આવતાં ? વળી અમે બહાર હોટલમાં ખાવા જઈએ છીએ તો એ લોકોના ઘરે પણ અઠવાડીઆમાં બે વાર બહારથી જમવાનું નથી આવતું ? વળી હમણાં જ તમારા લાડલા જમાઇએ એમના માટે આઈફોનનો મોટો ખર્ચો કર્યો એ નથી દેખાતું ?’
‘બહારથી જમવાનું આવે છે પણ એ બે ભાજીમાં એ હુતો હુતી અને સાસુ સસરા બધાંયનું પેટ ભરાઈ જાય જ્યારે તમે તો ઇન મીન ને તીન બહાર જમીને આવો અને ઘરે ડોસા ડોસી માટે અલગ બને…વળી આઈફોનની સામે એમણે એમનો જૂનો સ્માર્ટફોન કાઢ્યો તો ખાસા એવા પૈસા ઓછા ના થઈ ગયા ? વળી આઈફોન પણ જ્યારે વેચશે તો એના પણ પૈસા ઉપજશે જ ને…એક જ વારનો ખર્ચો ને..તમારી જેમ વારે તહેવારે તો નહીં જ ને…’
‘મમ્મી, રેવતી અને અમારી લાઈફ સ્ટાઈલ સાવ જ અલગ છે. વળી આપણા ઘરે જેમ કરકસરના પાઠ ભણીને એક સાબુ આટલા દિવસ ચલાવવાનો ને એક ચાનું પેકેટ આટલા દિવસ…એક જ પંખો બળે એ હેતુથી બધા કમપ્લસરી એક જ રુમમાં સૂઇ જવાનું…આ બધી ગણત્રીઓથી હું આમે કંટાળી ગયેલી છું. મારી સાસરીમાં તો મને મારી રીતે જીવવા દો. અહીં અમારી દરેક વાતનું ધ્યાન રાખવા માટે મારા સાસુ સસરા છે અને તેઓ એમની એ કામગીરી બહુ જ સારી રીતે પાર પાડે છે. પ્લીઝ. તમે દરેક વાતમાં મારી અને રેવતીની કમ્પેર કરવાનું છોડો ને..’
ફોનના સામે છેડે અદાના અવાજમાં ચીડ ભળી ગઈ ને ફોન કટ કરીને રડી પડી. વિચાર આવ્યો કે,
‘મમ્મીના પ્રેમની સુગંધ પાછળ કાયમ અધિકારની વાસ આવ્યા કરે છે. મા જ જ્યારે ઉઠીને સંતાનો વચ્ચે આવી સરખામણીઓ કરવા બેસશે તો એ બે બેન વચ્ચેના પ્રેમમાં ભંગાણ ચોકકસ પડાવશે. અમે દીકરીઓ એક વાર ચલાવી લઈશું પણ એમના જમાઇઓ…? આ વાત હવે સાઇઠી વટાવી ગયેલ વિધવા રેખાબેનને કેમ સમજાવવી ? સમયસર એ ચેતી જાય તો ઠીક છે નહીં તો એમના કારણે બે સુંદર સંસારમાં આગ ચંપાઈ જશે અને સંબંધોની વાટ લાગી જશે. પોતાનું કહ્યું જ કરાવવાનો આગ્રહ દુરાગ્રહ બની જાય છે એ વાતની મમ્મીને સમજ કેમ નથી પડતી ? ‘
અનબીટેબલ : ધુમ્રસેરોની વચ્ચેથી આગનું જન્મસ્થાન નહીં પણ અગ્નિથી બળેલો કાટમાળ જ નિહાળી શકાય છે.
-સ્નેહા પટેલ