મારી વ્હાલી મમ્મી,
આજે તારી bday.
દર વર્ષે તું કેટલી આતુરતાથી રાહ જોતી આ દિવસની…ક્યારે 15 એપ્રિલ આવે અને ક્યારે તું અમને બધાને જમવા બોલાવે, અને અમે પણ બધા ભેગા થઈને તને સરસ મજાની ગિફ્ટ આપીએ ને તારા હાથની રસોઈ ખાઈએ એની રાહમાં જ હોઈએ..
આજે ફરીથી એ સુંદર મજાનો દિવસ આવ્યો છે ને આજે ફરીથી તને બહુ બધા hug and kisses.
એક.. બે…ત્રણ.. ચાર…બસ…હું હવે નથી ગણતી કે તું અમારી વચ્ચે નથી એને કેટલો સમય થયો છે. તારી સાથે વિતાવેલી સરસ મજાની યાદોનું ઓશીકું બનાવીને કાયમ એના પર સૂઈ જાઉં છું ને તારા ખોળા જેવી હૂંફ અનુભવું છું. મારામાં Imaginationની જે તીવ્ર શક્તિ છે એ આ બધામાં મને બહુ જ મદદ કરે છે.
હું તારા વ્હાલથી ભરપૂર સઁતોષ મેળવી અને સ્વસ્થ થઈ જાઉં છું ને પછી હકીકત સ્વીકારવા મજબૂત થઈ જાઉં છું. મનોમન તારો રૂપાળો, ગરવિલો ચહેરો યાદ કરીને મારા દિલના તાર હું તારી સાથે જોડીને તું જ્યાં પણ હોય ત્યાં સુધી મારો પ્રેમ વ્હેવડાવું છું. મને નથી ખબર તું આકાશના કરોડો, ખરબો તારાઓમાં વસેલી છે કે પછી મારી આજુ બાજુના કોઈ સુગંધી ફૂલની ખુશ્બુમાં ..કે પછી કોઈ પણ બીજા જીવમાં…મને ફક્ત એટલું ખબર છે કે તારો ને મારો સ્નેહ- સેતુ મજબૂત,અખંડ અને અમર છે. મારા સ્નેહનું વહેણ કાયમ તારા ને તારા તરફ જ રહેવાનું અને એમાં એટલી તાકાત છે કે ખુદ ઈશ્વર પણ એના કવચની સામે બેબસ થઈ જશે અને તને સુંદર જીવન આપવા મજબૂર થઈ જશે.
બસ ત્યારે …
તમે આમ જ હસતા,રમતા ને ખુશ રહો મમ્મીજી.
લિ.
તારા અણમોલ રતન
અમી,ઝરણાં,સ્નેહા.
15એપ્રિલ,2021.