સમય તો જશે જ..!


http://phulchhab.janmabhoominewspapers.com/purti.aspx?site_id=2&supp_id=1

phoolchhab paper > Navrashni pal column > 03 -04=2013

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

-રમેશ પારેખ.

 

‘રાધા, એક ગ્લાસ પાણી પીવડાવજે તો.’

‘આ લો મે’મસાબ.’ વળતી જ પળે મીઠા ટહુકા સાથે રાધા પાણી લઈને આવી.

હસીને ગ્લાસ લેતી વેળા સપનાની નજર અનાયાસે જ રાધાના ચહેરા પર અથડાઈ. સુંદર મજાની ચૌદ વર્ષની રાધાનું કોમળ મુખડું થોડું ઝંખવાયેલું લાગ્યું. પોતાના મગજનો વ્હેમ તો નથીના અંદેશા સાથે સપનાએ પેન બાજુમાં મૂકી, ફાઈલ બંધ કરીને રાધાને પોતાની પાસે બેસવાનું કહ્યું. થોડી અચકાતી ખચકાતી રાધા સપનાની ખુરશીની નીચે બેસી ગઈ.

‘કંઈ પ્રોબ્લેમ થયો છે કે શું રાધા..?’

‘ના રે દીદી, એ તો બસ એમ જ..’

‘ના, કંઇક વાત તો જરુરથી છે.’

થોડી જીદ કરતાં રાધાની પીડા બહાર નીકળી જ ગઈ.

‘દીદી, મારું રીઝલ્ટ આવી ગયું. પૂરા ૮૮ ટકા માર્કસ સાથે આખીયે સ્કુલમાં પહેલા નંબરે પાસ થઈ છું. મારે આગળ ભણવું છે પણ મમ્મી, પપ્પા ના પાડે છે. મારો મોટો ભાઈ કોલેજમાં આવ્યો અને નાનો ભાઈ પાંચમા ધોરણમાં. બધાના ખર્ચા તો ક્યાંથી પૂરા થાય એટલે મને ના પાડી. બસ એટલે થોડું મન ઉદાસ છે ખાસ કંઈ બીજી વાત નથી.’

ત્યાં તો ઓફિસમાંથી રાધાના નામની બૂમ પડી અને રાધા એ કેબિન તરફ ભાગી.

ઓછાબોલી અને ગરીબીના કાદવમાં પણ નમ્રતાના કમળ સમી ખીલેલી રાધા માટે સપનાને બહુ મમતા હતી. એણે જ જીદ્દ કરીને પોતાની ઓફિસમાં રાધાને પરચૂરણ કામ અપાવેલું જેનાથી એના ઘરને થોડો ઘણો ટેકો રહેતો હતો અને પોતાના કુટુંબને મદદરુપ થયાના ભાવ સાથે રાધા પણ ખુશ રહેતી. સવારે સ્કુલે જઈને ફટાફટ ઘરે જઈને તરત ઓફિસમાં આવી જતી. પણ આજની વાત પછી સપનાને એના માટે બહુ દુઃખ થયું. ઓફિસ છૂટ્યા પછી એ રાધાને રેસ્ટોરન્ટમાં લઈ ગઈ અને બે સેન્ડવીચ અને કોફીનો ઓર્ડર આપ્યો.

‘હવે બોલ, તારે આગળ ભણવું છે. તો હું મદદ કરીશ.’

‘અરે દીદી, એ વાત તો પતી ગઈ. તમે આટલું બધું ના વિચારો મારા માટે. આમે અમારામાં છોકરીઓને બહુ ભણાવતા નથી. આ તો મારા મમ્મી પપ્પાની મહેરબાની કે મને આટલું પણ ભણાવી. વળી મારે તો સાસરે જ જવાનું ને..ભણેલું શું કામમાં આવવાનું ? એ બધું તો ભાઈઓને વધારે કામ લાગે. તમે ઇચ્છો તો એમને મદદ કરો. બાકી હું રહી સ્ત્રીની જાત, એવા ઓરતા મને થોડીને શોભે..? ભાઈઓ ભણશે તો કાલે ઉઠીને કોઇ કામ કરવામાં મદદ થશે, મમ્મી પપ્પાને મદદરુપ થશે. એમની પાછળ પૈસા ખર્ચાય તો વસૂલ થાય મારી પાછળ નાહકના શું ખર્ચા કરવાના ?’

બે ઘડી સપના સ્તબ્ધ થઈ ગઈ. એકાએક એના મગજમાં કંઈક યાદ આવ્યું,

‘રાધા, મેં તને પરમદિવસે ૨૦૦ રુપિયા આપેલા તને એક સારો ડ્રેસ લઈ આવવા તો તું લાવી કે નહીં?’

‘દીદી, એ તો મેં મારા ભાઈને પિકચર જોવા જવું હતું અને એક ટીશર્ટ લેવી હતી તો એને આપી દીધા. છોકરાઓની ઇચ્છાઓ પહેલી પૂરી કરવી પડે ને..આપણે છોકરીઓને તો શું ઓરતા એવા બધા..જે હોય એ ચાલી જાય.છોકરાની જાતને ગમે તેવું રહેવાનું થોડું પોસાય..સમાજ શું કહે કે જો..આનો ભાઈ કેવા કપડા પહેરે અને આ જો નવા નવા કપડાં ચઢાવીને ફરે છે..ચાલો ચાલો જલ્દી મારે ઘરે જઈને રસોઇ કરવાની છે.’

‘રાધા,  તારા ઘરે તો તારા બે ભાઈઓ છે જ ને…એ તારી મમ્મીને રસોઇમાં મદદ ના કરે ? તું નોકરી પણ કરે અને આમ રસોઇ કરવાની હાયવૉય પણ..એ તો વ્યાજબી ના જ કહેવાય ને?’

‘હાય હાય દીદી, આ શું બોલ્યા…છોકરાંની જાત તે કંઇ રસોઈ કરે..ના રે..એ તો ફકત ભણવાનું જ કામ કરે. એમને એવું બધું થોડું શોભે ?’

એની વાતો સાંભળીને સપનાને બહુ તકલીફ થઈ. પછી વિચાર્યું કે રાધા જે સમાજમાંથી આવે છે એમાં હજુ છોકરા -છોકરીના ભેદ હજુ વર્ષો પહેલાંના હતાં એવા જ છે અને એને સુધરતા હજુ બહુ વાર લાગશે. ત્યાં સુધી રાધાને એના જે હકોની, અસમાનતાની કે ભેદભાવની વાતોની ખબર જ નથી એ વાતો સમજાવીને દુઃખી શું કામ કરવી ? એને સમજ પડશે તો પણ એને એના હક્ક તો મળવાથી રહ્યાં અને નહી મળે તો એ વધુ દુઃખી થશે. એના કરતાં અત્યારે એ જે અજ્ઞાનના કૂવામાં પૂરાઈને જીવે છે એમ જ જીવવા દેવામાં સમજદારી છે. ત્યાં તો રાધા બોલી ઉઠી,

‘દીદી, આ સામેનું કોમ્પ્લેક્ષ દેખાય છે એ તૂટીફૂટીને કેવું ગંદુ થઈ ગયું છે કેમ ? એ બિલ્ડીંગવાળા એને સુધારીને રંગરોગાન કેમ નહી કરાવતા હોય?’

‘રાધા, એ બહુ મગજમારીનું કામ છે. એ કાર્ય માટે એમાં રહેતા દરેક સદસ્યોની મંજૂરી લેવી પડે, બધા તૈયાર થાય , પૈસા આપે ત્યારે એ કામ થાય. હવે આટલી મોટી ૨૦૦ ફ્લેટના બિલ્ડીંગના સદસ્યોને સમજતાં વાર તો લાગે ને. સમજશે ત્યારે થશે.’

‘હા દીદી, એ વાત તો છે. કામ મોટું છે. સમય તો જશે જ..’

અને સપનાને પોતાના જ શબ્દો રાધાની વાતના સંદર્ભમાં પાછા પોતાના કાનમાં પડઘાતા લાગ્યા..

‘ સમય તો જશે જ’

અને હસતા હસતા બિલ ચૂકવીને બે ય જણ ત્યાંથી ઉભા થયા.

અનબીટેબલ : ઘણી વખત અજ્ઞાનતા આશીર્વાદનું કવચ પહેરીને માનવીનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે.