આજની પેઢી


છેલ્લાં એક વર્ષથી કોરોનાકાળમા લોકોની જે હાલત છે એ જોઈને મને કાયમ અમે student હતા એ સમય યાદ આવે.

અમે ‘અનામત આંદોલન’નો ત્રાસ બહુ વેઠયો છે એ પછી મને અનામત શબ્દથી ચીડ ચડવા લાગેલી જે આજ સુધી બરકરાર છે. એટલે જ હું કાયમ સ્ત્રી છું માત્ર એ કારણથી કોઈ સ્પેશિયલ ફેસિલિટી આપે તો એ નથી સ્વીકારતી…એ અનામત મને અપમાન જેવી લાગે છે.
ખેર, એ એક આડવાત, મુખ્ય તો અમે જીવનનો એ સુંદર સમય થોડા ઘણા આવા સંકટ સિવાય હસતા રમતા પસાર કરી ગયા અને  જીવનના ચાર દસકા ક્યાં વહી ગયા એની ખબર જ ના પડી અને આજે…

આજે અમારા સંતાનો બે બે દસકામાં તો જીવનની કેટલી કટુતા જોઈને , સહન કરીને જીવે છે. જન્મ્યા ત્યારથી જ ભૂકંપ, પછી સુનામી…ડેન્ગ્યુ, કોરોના જેવા અનેકો જીવલેણ જાત જાતના નવા રોગો, ક્વોરેટન્ટાઈન, એકલતા,સાવચેતી, અનેક નજીકના લોકોના ફટાફટ મોત , દર્દ…ઉફ્ફ. . ભયંકર સ્ટ્રેસ વચ્ચે આ પ્રજા ઉછરી રહી છે. મને યાદ છે કે તાવ એટલે માત્ર મેલેરિયા જ હોય એ સિવાય કોઈ રોગનું નામ સુદ્ધા મેં નહોતું સાંભળ્યું અને એ 3 દિવસમાં ફેમિલી ડોકટર હિમતલાલની બે ગુલાબી ને ઘોળી ટિકડીઓ ખાઈએ એટલે મટી જાય.  મેં મારા જીવનમાં પ્રથમ બ્લડ ટેસ્ટ મારી પ્રેગ્નન્સી વખતે કરાવેલો… પ્રેશર પણ એ જ વખતે ને એ પછી પણ ખબર નહિ ક્યારે કરાવ્યો હશે…જ્યારે આજે વાત વાતમાં બ્લડ ટેસ્ટ, એક્સરે વગેરે ચણા મમરા જેટલા સહજ. હા, અમે નાસ્તામાં ચણા મમરા મોજથી ખાતા ને આજની પેઢીને એમા ખાસ રસ નથી હોતો એ વાત અલગ છે.
પણ આટ આટલા માનસિક, શારીરિક પ્રેશરમાં ઉછરતી પેઢીને જોઈને દયા આવે છે. આ સ્માર્ટ પેઢીને બધું ફટાફટ જોઈએ છે, એ મેળવવા ગમે એ પ્રકારની મહેનત કરવા પણ એ લોકો તૈયાર હોય છે પણ આ કુદરત એમાં રોજ નવા નવા હર્ડલ ઉભા કરવામાં માહેર થતી જાય છે.
જોકે નવી પેઢી ખૂબ જ સમજદારીથી આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી જાય છે, પણ આટલી નાજુક ઉંમર આવા અનુભવો માટે થોડી છે ભગવાન !
આ બચુકડાઓએ તો અત્યારે પાંખોમાં પૂરજોશમાં હવા ભરીને આકાશમાં ઉડવાનું હોય, પાણીમાં ડૂબકીઓ લગાવવાની હોય, બિનદાસપને રખડવાનું હોય, સપ્તરંગી સપના જોવાના હોય એ પૂરા કરવા મચી પડવાનું હોય….કેટકેટલું હોય…!

બીજા તો ઠીક પણ કુદરતસર્જિત આ છેલ્લી આફત હોય એમના જીવનની એવી ઈચ્છા રાખું છું.

તરવરિયણ, સ્વપ્નિલ, મસ્તીભરી જુવાની જુવાન રહે,અકાળે ચીમળાઈ ના જાય પ્રભુ…થોડું ધ્યાન રાખજે એમનું હવે..
અસ્તુ.
-સ્નેહા પટેલ.
Https://akshitarak.wordpress.com

અંધારા પાછળ ઉજળું કિરણ


Phoolchhab newspaper > Navrash ni pal column > 10-07-2014

જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ.

કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે,

અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા ?

અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.

-અખા ભગત

 

હ્રદય ચાલતું હોય એનો ભાર લાગે ? કુંજલને લાગી રહ્યો હતો. સૌરભભાઈએ કહેલી વાતો એકસાથે સેંકડો ભાલા ભોંકાય એમ એના શરીરમાં ભોંકાઈ ગઈ હતી. ૩૦ વર્ષના જીવનમાં આટલી આકળી એ ક્યારેય નહતી થઈ. વીતી ગયેલો એક કલાક એને સો સો અણગમતી સદીઓ જીવ્યાનો થાક આપતો હતો. સદીઓના સમયની છાતી ફાડીને શબ્દોના લીલાછમ ઘા વહેવા લાગ્યાં અને એનો સરળ જીવ રેલના પાટાની જેમ કપાઈને કેટલાંય ભાગમાં વહેંચાઈ ગયો.

‘કુંજલ, તું તો સાવ જ બાજારુ સ્ત્રી છે, તું આટલી આગળ આવી એની પાછળ તારી મહેનત નહીં પણ તારી આ ગોરી ચામડી અને ભરપૂર જુવાનીનો ઉપયોગ કરાયેલ છે એ વાત તો આખી ય દુનિયા જાણે છે. ચામડી વેચીને નામ કમાવાની આ ઘેલછા તને સાવ જ છેલ્લી કક્ષાની પાયરીએ લઈ ગઈ છે કુંજલ તું એક વેશ્યા જ છું એ હું જાણું છું અને એટલે જ આજે તને આ ઓફર કરી છે. રકમ ઓછી પડતી હોય તો સીધેસીધું બોલ ને…શું જોઇએ છે તારે ? ‘

અને કુંજલની માંજરી માછલી જેવી આંખોમાંથી મોટા મોટા બોર જેવા બે આંસુ સરી પડયાં. ડાયવોર્સ પછી પડી ગયેલી સિગારેટ પીવાની ટેવને એણે બહુ જ મહેનતથી પોતાની એકની એક દીકરીના સમ લઈને છોડી દીધેલી. પણ આજે એ સિગારેટ પીવાની તીવ્ર તલપને ના રોકી શકી અને એના ટેબલનું ડ્રોઅર ખોલીને એમાંથી સિગારેટ કાઢીને સળગાવીને ઉપરાઉપરી બે ચાર કશ લગાવી લીધાં. એને હતું કે એક પછી એક કશ ધીમે ધીમે એના તંગ થઈ ગયેલા જ્ઞાનતંતુઓને નિષ્ક્રિય કરી નાખશે અને એને થોડી રાહત થશે પણ આ શું…સૌરભભાઈના શબ્દો વારંવાર એના કાનમાં પડઘાતા હતાં, કાનમાં જાણે ધાક પડી ગઈ હોય એવું જ અનુભવાતું હતું. એ ચીસો પાડવા માંગતી હતી, ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા માગતી હતી પણ એવું કશું જ કરી નહતી શકતી. બે ચાર ટીપાના વરસાદ પછી એની આંખો કોરીધાકોર થઈ ગઈ હતી. મન તરફડતું હોવા છતાં એ રડી નહતી શકતી એક પછી એક સિગારેટ એના ગુલાબી હોઠોની વચ્ચે નિઃશબ્દ સળગતી રહી ને ઓલવાતી રહી. ચોથી સિગારેટ સળગાવી અને આંખો મીચીને એની ઝૂલણખુરશી પર માથું પાછળની બાજુએ ઢાળીને બેઠી. બંધ આંખોના બારણે શબ્દો દેહ લઈને આવી ગયા અને કોઈ રાક્ષસની માફક અટ્ટહાસ્ય વેરવા લાગ્યા ને આહ…સિગારેટ આખેઆખી સળગી ગઈ હતી અને કુંજલ થોડુ દાઝી ગઈ. તરત જ એણે સિગારેટ ટેબલ પર દબાવીને પૂરેપૂરી ઓલવી નાંખીને ફરીથી આંખો બંધ કરી દીધી. થાકેલુ મગજ થોડી વારમાં જ નિંદ્રાની ચપેટમાં આવી ગયુ અને કુંજલ ખુરશી પર જ સૂઈ ગઈ.

બીજા દિવસની સવારે ગેલેરીમાંથી આવતા ઠંડા વાયરાએ વ્હાલથી કુંજલને જગાડી. પથ્થરોના બોજ હેઠળ દબાઈ ગઈ હોય એવા ભારવાળી આંખો ખોલીને કુંજલ ખુરશીમાં જ પડી રહી. બે મિનીટ પછી એણે આળસ મરડી અને ઉઠીને મોઢું ધોયું પછી બ્રશ કરીને કોફી બનાવી અને બારણાંની નીચેની તિરાડમાંથી સરકી આવેલ છાપું લઈને સોફા પર બેઠી. કડક મજાની કોફીને બિસ્કીટ્સના નાસ્તા પછી કુંજલ થોડી સ્વસ્થ થઈ. આટલી અસ્વસ્થ તો એ ગુંજન સાથેના એના ડાયવોર્સ વખતે પણ નહતી થઈ. એના આખા જીવનમાં એણે આવા શબ્દોનો ક્યારેય સામનો કરવાનો નહતો આવ્યો જે કાલે સૌરભભાઇએ કહેલાં. કાયમ ડાહી, હસમુખી, સુંદર , સુશીલ , સંસ્કારી એવા વિશેષણો જ એને મળતાં હતાં. પોતાની દસ વર્ષની દીકરી સોનુ સાથે એકલી રહેતી હોવા છતાં એની સોસાયટીમાં કોઇની હિંમત નહતી કે એના કેરેક્ટર સામે કોઇ આંગળી સુધ્ધાં કરે પણ કાલે એના બોસ સૌરભભાઈએ એનું એ બધું ગુમાન પળભરમાં તોડીને ચકનાચૂર કરી દીધું. કારણમાં તો એ છેલ્લાં ચાર વર્ષથી જે ઓફિસમાં ઇમાનદારી અને ખંતથી કામ કરતી હતી અને તરક્કી કરી રહી હતી એ જ ઓફિસના બોસ સૌરભભાઈએ એની સાથે એક રાત વીતાવવાની અભદ્ર માંગણી કરી જેની એણે ઘસીને ના પાડી દીધી અને પોતાની નોકરી સુધ્ધાં દાવ પર લગાવી દીધી હતી. પણ સૌરભભાઈએ પોતાના મનની મુરાદ પૂરી ના થતાં કુંજલને એલફેલ બોલીને મેન્ટલી ડિસ્ટર્બ કરી દીધી. નોકરી તો એ જ ક્ષણે છોડી દીધી પણ એ શબ્દો એનો પીછો નહતા છોડતાં. થોડી વાર ડીપબ્રીધીંગ કરીને એણે એની અંદરની સ્ટ્રોંગ કુંજલને ઝંઝોડી અને કાયમની જેમ સેલ્ફ મોટીવેટ કરવાનું કામ ચાલુ કર્યું.

‘કુંજલ,અત્યાર સુધી તું તારા ઘરના અને સગા સંબંધીઓથી જ ઘેરાયેલી હતી. એ બધા તારી સાથે લાગણીથી જોડાયેલા અને સંસ્કારી લોકો હતાં. દરેક માનવી પોતાના ઘરના સમક્ષ બને ત્યાં સુધી વાણી પર કાબૂ રાખે જ. આમ તું એક સુરક્ષિત દાયરામાં જ જીવી છું પણ હવેની વાત અલગ છે ડીઅર….હવે તું દુનિયામાં એકલી છું અને જીવવા માટે તારે નોકરી કરવી જ પડે.નોકરી કરવા માટે તારે આવા વાતાવરણમાં પગ મૂકવો જ પડે. દરેક ઓફિસ આપણા ઘર સમાન ના જ હોય ને ! વળી કોઇના બોલવાથી આપણે એ શબ્દો જેવા નથી થઈ જતા. સૌરભને તે એની ઇચ્છાઓને વશ થવાની ના પાડી એટલે એનો ઇગો હર્ટ થયો અને એણે એનું એ ડીપ્રેશન એના શબ્દોમાં વહેતું મૂક્યું. પણ એ બેમતલબની વાતોથી આમ બેચેન થોડા થવાનું હોય ! માન્યું કે તેં તારી આખી જિંદગીમાં આવા શબ્દો નથી સાંભળ્યા એટલે આમ અઘરું લાગ્યું પણ જીવનમાં દરેક વાત પહેલી વખત તો હોય જ છે. આ દુનિયામાં જીવવા માટે આવી હજારો પરિસ્થિતીઓનો સામનો કરવો પડશે, આનાથી યે વધુ કડવા વેણ સહન કરવા પડશે. કદાચ બીજીવાર આવો અનુભવ થશે તો તને આટલું અઘરું નહીં લાગે..અને ધીમે ધીમે તું ટેવાઈ જઈશ આ બધાને સામે સણસણતો જવાબ આપતાં પણ શીખી જઈશ…તારે એ શીખવું જ પડશે નહીં તો દુનિયામાં કઈ રીતે જીવી શકીશ ? તારા માથે તો હજુ એક બાળકીનો સ્વસ્થ ઉછેર કરવાની જવાબદારી પણ છે તું જ આમ અસ્વસ્થ થઈ જઈશ તો એનું શું થશે ? સ્ત્રી હોય કે પુરુષ દરેક ઘરની બહાર નીકળે એટલે દુનિયા એમના માટે તદ્દન નવી જ હોય છે તમને મનગમતી નહીં. એ દુનિયામાં તમારે સ્વસ્થ રહી અને એમાં તમારું મનગમતું સ્થાન મેળવવાનું હોય છે અને એમાં તો આવી નાની નાની અડચણૉ આવ્યાં કરે. ધીમે ધીમે એને હેન્ડલ કરતાં શીખી જવાનું. તારો આજથી એક નવો જન્મ થાય છે એમ જ સમજી લે ને…’

સેલ્ફ કાઉન્સેલિંગ પછી કુંજલે થોડી વાર પદ્યાસનમાં બેસીને અનુલોમ વિલોમ કર્યા અને સ્વસ્થ થઈને સૌરભભાઈને ફોન કર્યો.

‘સર, હું આજે થોડી મોડી આવીશ. અડધા દિવસની રજા કાપી લેજો અને હા, હવે પછી આવી કોઇ પણ માંગણી કે ખરાબ શબ્દો બોલ્યાં છો તો યાદ રાખજો…કાલની બધી ય વાતો મારા ફોનમાં મેં રેકોર્ડ કરી લીધી છે.’ અને ફોન કટ કરી દીધો. બીજી નોકરીની જોગવાઈ થાય ત્યાં સુધી તો આ સૌરભનું મોઢું જોવું જ પડશે પણ હવે એ આવી હિંમત ફરીથી તો નહીં જ કરે.

અનબીટેબલ : આગળ વધવા માટે દિશા નક્કી કરીને જ્યાં ઉભા હોઇએ એ કાંઠો તો છોડવો જ પડે !

-સ્નેહા પટેલ