Halvu phool


હળવું ફૂલઃ

કાયમ અધૂરા પાઠ રહ્યા ઓમ નમઃ શિવાય,

ના શાંત મન થયું ન થયા ખળભળાટ શાંત.

-લલિત ત્રિવેદી.

‘ધડ..ધડ..ધડા ધડ..’ સાથે સાથે ‘ દ્રુ…ઉ….ઉ….ઉ…’નો તીણો તીખો કાનસોંસરવો નીકળી જતો સ્વરનો સથવારો. શૌર્ય કંટાળી ગયો. એમની નીચેના ફ્લેટમાં બાથરુમ અને રસોડું તોડાવીને સમારકામ કરાવવાનું કામ ચાલતું હતું અને એનો હથોડા- ડ્રીલનો સતત અવાજ એના ભણવામાં ડીસ્ટર્બ કરતાં હતાં. સાત દિવસ પછી એની બારમાની પરીક્ષા હતી. બારમું એનું કારકીર્દીનું વર્ષ. આખા વર્ષની સ્કુલ, ઇન્સ્ટીટ્યુટસની દોડધામ – પરીક્ષાઓ પછી હવે મુખ્ય પરીક્ષા માથે આવીને ઉભી હતી અને એ ટાણે જ આવા વિધ્ન ! આમ તો શૌર્ય ખૂબ જ શાંત, ડાહ્યો અને તેજસ્વી છોકરો હતો. ક્યારેય અકળાય નહીં પણ  છેલ્લાં બે કલાકથી એ એક દાખલામાં અટવાયેલો હતો, જવાબ જ નહતો આવતો, વળી આ તો એનું મનગમતું ચેપ્ટર – આમાં તો રાતે આંખ બંધ કરીને ભણવા બેસે તો પણ પ્રોબ્લેમ સોલ્વ કરી લે એવી માસ્ટરી…પણ અત્યારે પ્રોબ્લેમ મચક નહતો આપતો. ભણવામાં વિધ્ન પડે અને એના ટાઇમટેબલો ખોરવાય એ શૌર્ય ને સહન નહતું થતું.  ઘરની ગેલેરીમાં ગાર્ડન બનાવેલું હતું અને હીંચકો પણ હતો.શૌર્ય પોતાના પુસ્તકો લઈને ત્યાં જઈને બેઠો. નજર સામે નભમાં ગઈ. કાળાં કાળાં વાદળો પાછળ એને ઘેરી નિસ્તબ્ધતા વર્તાઈ. જાણે પોતાના દિલનો પડઘો જ જોઇ લો ને ! એની આંખો બંધ થઈ ગઈ. ગગનની ઉદાસી એની આંખોમાં ઉતરી ગઈ.

‘બેટા, અહીં શું કરે છે?’ સ્મ્રુતિ પોતાના દીકરાના કાળા ઘમ્મર ઘટાદાર વાળમાં વ્હાલભર્યો હાથ પરોવતાં બોલી.

‘કંઇ નહીં મમ્મી, ડ્રોઈંગરુમમાં અવાજ બહુ આવે છે એટલે અહીં આવી ગયો, થયું કે ખુલ્લામાં કદાચ અવાજ ઓછો લાગશે અને ખુલ્લી હવામાં મન હલ્કું થશે. વિચાર્યા મુજબ વાંચી શકીશ.’

ત્યાં જ એક ડમરી ઉડી અને ધૂળ સાથે રજોટાયેલો પવન શૌર્યના તનને હળવો ધક્કો મારીને આગળ વધી ગયો.

‘આ લે ચા અને સાથે પોપકોર્ન. હમણાં જ તાજી તાજી ફોડી છે. તને બહુ ભાવે છે ને? ચોપડાં બાજુમાં મૂક અને મારી સાથે ચા પીતાં પીતાં પેલું નવું કયું મૂવી આવ્યું છે…બળ્યું નામ ભૂલી ગઈ…એની વાતો કર. એકાદ દિવસ થોડો સમય કાઢ આપણે બે જણ જઈને એ જોઇ આવીએ. મને ય બહુ મન થયું છે.’

અને શૌર્ય ચા -પોપકોર્ન – મૂવી અને મમ્મી ના અદભુત વાતાવરણ વચ્ચે ખરેખર અડધો જ કલાકમાં ફ્રેશ થઈ ગયો. એની મમ્મી એની બેસ્ટી ! જરુર પડે ત્યારે ગુસ્સો પણ કરતી, વઢતી પણ ખરી…પણ મોટાભાગે એની બધી જરુરિયાતો સમજનારી, અને દરેક સમસ્યાનો અંત લઈને ઉભી રહેતી એની સૌથી પ્રિય દોસ્ત હતી.

‘મમ્મી,મસ્ત પોપકોર્ન હતી. બીજી હોય તો આપો ને થોડી અને હા, ઉપર થોડો ચાટ મસાલો પણ નાંખતા આવજો.’

‘ઓકે.’ અને સ્મ્રુતિ પોપકોર્નનો બાઉલ ભરીને આવી.

‘મને લાગે છે કે રોજ પાંચ સાડા પાંચે નીચે મજૂરો જતાં રહે છે, હજી સાડા ચાર થયાં છે. તું ચા પી લે પછી આપણે નીચે ગ્રાઉંડમાં  જઈને બેડમીન્ટન રમીએ ચાલ. અત્યારે ગાડીઓની અવર જવર પણ નહીં હોય એટલે મજા આવશે. એ પછી જ ભણવા બેસજે.’

‘ઓકે મમ્મા…એઝ યુ સે..’ અને એ પછીનો કલાક હસતાં રમતાં ક્યાં પસાર થઈ ગયો એની શૌર્ય ને ખબર જ ના પડી.

મજૂરો હવે જતાં રહ્યાં હતાં. સ્મૃતિનો રસોઇનો અને શૌર્ય નો ભણવાનો સમય થઈ ગયો હતો.

લગભગ બે કલાક પછી ઘરના બધા સદસ્ય ડાઇનિંગ ટેબલ પર જમવા માટે ભેગાં થયેલ હતાં.

‘શું થયું બેટા? આજનું ભણવાનું પતી ગયું ?’

‘અરે હા મમ્મી, એક પ્રોબ્લેમ પાછળ સવારે લગભગ ૩ કલાક મહેનત કરેલી એ અત્યારે માત્ર પાંચ જ મીનીટમાં સોલ્વ કરી દીધો અને એ પછી બીજું પણ ખાસું એવું ભણાઈ ગયું.’ શૌર્ય  ઉત્સાહસભર બોલી ઉઠ્યો.

‘હું પણ તને એમ જ કહેતી હતી કે જ્યારે વાતાવરણ બહુ જ અજંપાવાળું હોય ત્યારે આપણે થોડી સમતા રાખતા શીખી લેવાનું. દરેક પ્રવાહમાં સામે તરવા ના જવાનું હોય. જ્યારે પરિસ્થિતી આપણા કાબૂ બહાર હોય ત્યારે તરવા કરવા ટકી જવામાં પણ બહુ મોટી જીત છે. અવાજ્વાળા વાતાવરણમાં તું કલાકોના કલાકો જેની પાછળ મહેનત કરીને મગજ બગાડે એના કરતાં મગજ ફ્રેશ હોય ત્યારે માત્ર કલાક ભણી લે તો પણ બધું સરભર છે બેટાં. દરેક પરિસ્થિતીનો એક શક્ય એવો પોઝીટીવ રસ્તો હોય જ છે એ વાત યાદ રાખીને દરેક સ્થિતીનો સમજણ, ધૈર્યથી મુકાબલો કરવાનો તો તમે ક્યારેય નહીં હારો કે પસ્તાઓ.’

‘યસ મમ્મી, યુ આર ઓલવેઝ રાઈટ!’ અને શૌર્ય એ ઉભા થઈને મમ્મીના ગળામાં હાથ પૂરોવીને વ્હાલ કરી લીધું.

ઘરની પાછળ વિસ્તરેલાં પીપળાનાં પાંદડાં પર ‘ટપ ટપ’ અવાજ સંભળાઈ રહ્યો હતો. આકાશ વરસી ને ચોખ્ખું થઈ રહ્યું હતું. ચોમેર વાતાવરણ હળવું ફૂલ થઈ રહ્યું હતું.

અનબીટેબલઃ સુખ – દુઃખ , ઉત્સાહ – હતાશા, સફળતા – નિષ્ફળતા આપણી સાથે સતત સંતાકૂકડી રમે છે, ક્યારેક પકડાઈ જવાનું હોય અને ક્યારેક પકડી લેવાનું !

-sneha patel

Hash..


હાશ….

જીભના શેઢે ટહુકી ઊઠ્યા કોયલ મોર બપૈયા તેતર,

દલડે દલડે સ્પંદન કરતાં શબ્દોનું વાવેતર !

-મુકેશ દવે (અમરેલી)

લગભગ આઠ વર્ષથી એક મલ્ટીનેશનલ કંપનીમાં  મોભાદાર સ્થાને નોકરી કરનાર  કીર્તનને કંપનીના કામકાજ માટે વારંવાર ચાઈના, યુ.એસ.એ જવાનું થતું. હવે તો એની પત્ની કથા અને દીકરો આઠ-દસ વર્ષનો દીકરો રાગ પણ એની એ ગોઠવણમાં ગોઠવાઈ જવા લાગ્યાં હતાં. આજે  ડીસેમ્બર મહિનાની દસમી તારીખ હતી. કથાએ મોબાઈલમાં કીર્તનને એરપોર્ટ પર લેવા જવાના સમયનું રીમાઈન્ડર મૂકી રાખેલું. કીર્તન આવવાનો હોય એટલે એને મન તહેવાર જેવી જ લાગણી પનપતી હોય. એનું તન અને મન સુધ્ધાં એના આવકારમાં નર્તન કરતાં હોય, ઊલ્લાસથી ભરપૂર હોય. સવારના પાંચ વાગ્યા અને કથાના મોબાઇલનું રીમાઇંડર વાગ્યું. કથા ફટાફટ ઉઠી નિત્યક્રમ પતાવીને તૈયાર થઈને ગાડી લઈને એરપોર્ટ તરફ જવા નીકળી. કીર્તને એને આમ એઅરપોર્ટ પર આવવા માટે ના પાડે. કહે કે,’ હવે તો સરસ મજાની ટેક્ષીની સુવિધા છે હું જાતે આવી જઈશ.’ પણ કથા જેનું નામ. વળતો જવાબ આપે,’તને એરપોર્ટ પર લેવા આવું તો એટલી વહેલી તને મળી શકું , તને જોઇ શકું ને!’ અને કીર્તન એની આવી વાત પર હસી પડતો. બોલતો તો કશું નહી પણ અંદરથી પોતાની લેવાતી સંભાળ, લાગણી માટે મનોમન આનંદ પણ અનુભવતો. વાત નાની શી હતી પણ એનો મર્મ બહુ જ મહત્વનો અને રાજીપાવાળો હતો. કથા એરપોર્ટ પર પહોંચીને ગાડી પાર્ક કરવાનું વિચારતી હતી ત્યાં જ કીર્તન એની બાજુમાં આવીને ઉભો રહી ગયો અને કથા એકદમ જ ચોંકી ગઈ. બે સેકંડ પછી આજુબાજુનું ભાન ભૂલીને કીર્તનને એક મીઠું ‘હગ’ કરી લીધું. સામાન ગોઠવીને બંને જણ ગાડીમાં બેઠાં. કીર્તને સ્ટીઅરીંગ સંભાળી લીધું.

‘કેવી રહી ટ્રીપ?’

‘બહુ જ સરસ રહી. જોકે ચાઈના જઈએ એટલે થોડો ભાષાકીય પ્રોબ્લેમ થાય છે. સામાન્ય વાતચીતમાં વાંધો નથી આવતો પણ મારે ટેકનીકલ ડીસ્કશન કરવા હોય ત્યારે એક ઇન્ટરપ્રીટરની જરુર પડે છે. વળી ત્યાં કોઇને અંગ્રેજી પણ બરાબર ના આવડે એટલે લોકલ માર્કેટમાં પણ બહુ તકલીફ થાય છે. ‘

‘હા કીર્તન, હમણાં જ ‘વિશ્વ માતૃભાષાદિન’ ગયો ત્યારે મેં તને યાદ કરેલો. આપણી સોસાયટીમાં એ દિવસે માતૃભાષાનું ગૌરવ વધારે એવા અનેક પ્રોગ્રામો થયેલા. આપણા દીકરાએ પણ નાટકમાં ભાગ લીધેલો અને નરસિંહ મહેતાનું પાત્ર ભજવેલું. સોસાયટીના લોકોએ એની બહુ જ પ્રસંશા કરી કે.’અંગ્રેજી મીડીઅમમાં ભણતો છોકરો અને ગુજરાતી સાહિત્ય માટે આવી પ્રીતિ. બહુ કહેવાય. ‘

‘લોકો પણ ગજબ છે. અંગ્રેજી મીડીઅમમાં ભણવું એની જરુરિયાત છે જ્યારે ગુજરાતી ભાષા એનો પ્રેમ છે એવું કેમ સમજતા નથી? આપણે ત્યાં તો લોકો ફટ દઈને દરેક વાતને મનફાવે એવા સંબંધોથી જોડી દે છે. ગુજરાતીભાષા ‘મા’ અને અંગ્રેજીભાષા એટલે આપણી ‘માસી’. એવું શું કામ? અંગ્રેજી આજના જમાનામાં ફકત આપણી જરુરિયાતની ભાષા છે એટલે આપણે એ શીખવી જ રહી. મારો જ અનુભવ લે ને..ચાઇનાના લોકો બરાબર અંગ્રેજી સમજતાં હોત તો મારું અને એમનું કામ કેટલું સરળ થઈ ગયું હોત ! આ તો અમારે વાતચીત કરવા એક દુભાષિયાની જરુર પડે અને અમુક વખતે કંપનીની સીક્રેટ વાતો તો એની સામે બોલાય પણ નહીં એટલે પેલો ચીનો મને મેસેજમાં લખીને મોકલે પછી હું એનું ઓનલાઈન અંગ્રેજીમાં રુપાંતરણ કરું અને છેવટે એક બે લીટીનો મર્મ સમજતાં મને કલાક જેટલો સમય લાગી જાય. કંટાળી જવાય.’ અને કીર્તનના મોઢા પર આટલું બોલતાં બોલતાં રીતસરનો કંટાળાનો ભાવ તરવરવા લાગ્યો.

‘હા, કીર્તન. તું સાચું કહે છે. આજકાલ અંગેજીના બહોળા વપરાશને  કારને એની જરુરિયાત નકારી શકાય એમ નથી, પણ એનાથી આપણી માતૃભાષાનો પ્રેમ મરી જાય એવું તો સહેજ પણ નથી હોતું. આજકાલ કેટલાં બધા ગુજરાતી પિકચર આવે છે અને આપણે બધાં ફકત એ ગુજરાતી હોવાના કારણે જ એ જોવા જઈએ છીએને…ગુજરાતી ભાષા પરત્વેનો આપણો પ્રેમ તો નસનસમાં દોડે છે એને તરછોડીએ છીએ એવું વિચારી પણ કેમ શકાય?’

‘સાચી વાત છે કથા. જે આપણી અંદર હોય એ ક્યારેય મરતું નથી. હા, સંજોગોવશાત ક્યારેક એ સૂકાઇ ગયેલું લાગે પણ ફરીથી પ્રેમનો હૂંફાળો સ્પર્શ પામતાં એ લીલોછમ છોડ બનીને ચોકકસ ખીલી જ જાય છે.લોકોને આજકાલ મેસેજ, ચેટીંગમાં વાતો કરવા એક વિષય જોઇએ એનાથી વધુ આ બધી ચિંતાઓનું કંઇ મહત્વ નથી. હું ચાઇનામાં અગડંબગડં ચીની, અંગ્રેજી બોલી બોલીને કંટાળ્યો હતો પણ અત્યારે તારી સાથે ગુજરાતીમાં વાતો કરીને ફકત આપણાં ઘરમાં જ અનુભવી શકાય એવી એક હાશ, નિરાંત અનુભવાય છે. જ્યાં સુધી આ ‘હાશ’ જીવંત છે ત્યાં સુધી માતૃભાષાને કોઇ ખતરો નથી. ખરેખર તો આપણે ખોટા રાગડાં તાણવાનું છોડીને ચિંતામાંથી ચિંતન તરફનો પ્રવાસ કરવાની જરુર છે. આપણાં સંતાનોને સમયે સમયે આપણી ભાષાનું ગૌરવ, આપણાં મૂલ્યો સમજાવતા રહેવાની જરુર છે.બહારથી એ ક્યારે ને શું શીખશે એની તો આપણને ખબર નથી પણ ઘરમાં એ શું શીખી શકે એની તો આપણને ખબર હોવી  જ જોઇએ અને એને એ શીખવવા આપણે પણ સતત શીખતા રહેવું પડે જેથી એના બાળમાનસમાં આપણે આપણા પૂર્વાગ્રહોયુકત વિચારસરણીનું  સિંચન ના કરી દઇએ.’

અને કીર્તન અને કથાના હાશકારાનું સ્થળ, એમનું ઘર આવી પહોંચ્યું અને કીર્તને ગાડી પાર્ક કરીને આળસ મરડી.

અનબીટેબલઃ હોવું અને થવું એમાં બહુ ફરક છે.

સ્નેહા પટેલ.

Moj sokh ni bhukh


​મોજશોખની ભૂખ:

નેટ, સોશિયલ સાઈટ્સ, એપ્લીકેશન્સ

વાહ…

દુનિયા આખી ય એક જ છત નીચે,

કેટલી નાની !

છતની નીચે

દરેક સભ્ય પોતાના

અલાયદા ડિવાઇસીસ સાથે બીઝી

કોઇ અલગ જ દુનિયામાં..

ઓહ,

એક છત નીચેની દુનિયા કેટલી વિશાળ !

-સ્નેહા પટેલ.

સરવાણી જોગીંગ કરીને આવી અને થોડી વાર બેસીને પાછી પોતાના રુમમાં ભરાઈ ગઈ. રેખાબેન રોનેજની આદત પ્રમાણે લીંબુના શરબતનો ગ્લાસ લઈને સરવાણીના રુમમાં ગયા.

‘સરુ બેટા, ચાલ આ જ્યુસ પી લે.’

‘ઓફ્ફોહ મમ્મી, આટલા ‘ક્રન્ચીસ’ મારી લેવા દે ને પછી જ્યુસ લઉં છું.’

‘અરે છોકરી તું પાગલ થઈ ગઈ છું કે ? હમણાં જ જોગીંગ પરથી આવી અને તરત જ આ ‘ક્રન્ચીસ’! બે કસરત વચ્ચે થોડો સમયગાળો તો રાખ દીકરા.’

‘મમ્મી…’ હજુ તો સરવાણી આગળ કંઈ બોલે ત્યાં તો એના ફોનમાં  મેસેજ નોટીફીકેશન આવ્યું અને એણે મોબાઈલ હાથમાં લઈને જોયું તો એના બોસે એને ઓફિસ આવતાં પહેલાં એક જરુરી પ્રેઝનટૅશન બનાવવાનો મેસેજ આપેલો. સરુ ઉભી થઈને લેપટોપનું સ્ટાર્ટનું બટન દબાવીને આવી અને પાછી પાંચ ક્રન્ચીસ લગાવીને શરબતનો ગ્લાસ હાથમાં લીધો. ત્યાં તો એની એક ફ્રેંડનો ફોન આવી ગયો અને એ ફોન પર વાત કરતા કરતાં શરબતના ઘૂંટડા ભરવા લાગી. 

‘પહેલાં શાંતિથી લીંબુ શરબત પી લે, થોડો નાસ્તો કર પછી આ  મોબાઈલ ને લેપટોપ ને બધું હાથમાં લે સરુ.’રેખાબેન એની દીકરીની વણથંભી ગતિવિધીઓથી કંટાળી ગયા. એમને બે મીનીટ એક છોકરાં સાથે એના લગ્ન માટે વાત કરવી હતી પણ એમની દીકરી હાથમાં જ નહતી આવતી.

‘મમ્મી, એક પછી એક કામ કરવા બેસું તો પતી ગયું, હું આખો દિવસ ઘરમાં જ બેસી રહું.એક કામ કરો ને ,જરા બાથરુમમાં ગીઝર ચાલુ કરી દો ને મારું પાણી નીકળતું થાય’ અને તરત જ કાનમાં મોબાઈલના ઇયરપ્લગ ભરાવીને એ પોતાના કપડાં ઇસ્ત્રી કરવા લાગી. ઇસ્ત્રી કરીને એ પાછી થોડાં ક્રનચીસ મારવા બેઠી, એ જોઇને રેખાબેન અકળાઈ જ ગયાં.

‘અલી પાગલ છોકરી, આ કેટલી વખત એકની એક એકસરસાઈઝ કરે છે?’

‘મમ્મી, એમાં એવું છે ને કે મારું થોડું થોડું ‘ટમી’ દેખાય છે. ક્રનચીસથી એ ઓછું થશે. મારા આ ટમીના કારણે મને ફીટીંગવાળા કપડાં પહેરવામાં શરમ આવે છે.’

‘બેટા, તારું ટમી નીકળવાના કારણ તારી અસ્ત વયસ્ત જીવનશૈલી છે. અત્યારે આટલી કસરત કરે છે અને પછી આખો દિવસ પીત્ઝા, બરગર,ચીપ્સ, રોજ રોજ બહારના નાસ્તા,મોબાઈલ,  લેપટોપ..પછી શું થાય? વળી આ રીતે ઓંનલાઈન વીડીઓસ જોઇ જોઇને જાતે જાતે એકધારી કોઇ પણ કસરત કરીશ તો એ તને મદદરુપ થવાને બદલે તને હાનિકારક નીવડશે બેટાં. તારે પહેલાં કોઇ જાણકાર પાસે થોડું ગાઈડન્સ લેવું જોઇએ પણ તમને આજની પેઢીને દરેક વાતમાં ઉતાવળની ટેવ પડી ગઈ છે. એમાં વળી આજની  સુપરસ્માર્ટ ટેકનોલોજી તમને ભરપૂર મદદ કરે છે. દરેક જણ આ ટેકનોલોજીનો સહારો લઈને બીજા બધાથી સ્માર્ટ બની બનીને સૌથી આગળ વધી જવાની નિરર્થક દોડમાં વ્યસત છે. આ આંગળીના ટેરવે ફરી જતી ટેકનોલોજી-ડિવાઇસીસની દુનિયા અજગરની જેમ આપણા ગળે ક્યારે ભરડો લઈ લે છે એની ખબર તો આપણે ડીપ્રેશન અને સ્ટ્રેસના ચકકરોમાં ગળાડૂબ ફસાઈ જઈએ ત્યારે જ ભાન પડે છે. બધાને બધું જ જલ્દી જલ્દી મેળવી લેવું છે. સાઈકલ છે તો બાઈક જોઇએ છે,બાઈક મળી ગઈ તો કાર જોઇએ, એ મળી ગઈ તો હવે મોટી કાર જોઇએ..એ પતે એટલે એલઈડી ટીવી પછી સ્માર્ટ ટીવી.પછી સ્માર્ટ વોચ..મોબાઈલ્…ઉફ્ફ..માણસ ડીવાઈસીસનો ગુલામ બની ગયો છે જાણે ! વધુ..એનાથી વધુ..વધુ થી ય વધુ…બધી લકઝરી આંગળીના વેઢે દસ ગણીએ ત્યાં સુધીમાં તો મળી જ જવીજોઇએ ને માણસ એના માટે ગાંડાની જેમ મજૂરી કે પછી કોઇ પણ ઉપાયો અપનાવે છે, પોતાની માનસિક, શારિરીક તબિયતની કોઇ  જ ચિંતા નથી. આજે ને અબઘડી જ જીવી લેવું છે. કેરીઅરની લાલચમાં તમે લોકો લગ્ન સુધ્ધાં પાછળ ને પાછળ ઠેલે રાખો છો. એક દિવસ એવો આવશે કે કોઇ લગ્ન જ નહીં કરે, એની બધી જ ઇમોશનલ, ફીઝીકલ જરુરિયાતો પૂરી કરવા માટે એવા રોબોટની શોધ થઈ જશે અને માનવી એની આખી જીંદગી એ મશીન સાથે જ વીતાવીને ખુશ થવાનો પ્રયત્ન કરશે. જરુર પડશે તો એ રોબોટ થકી બચ્ચાંઓ પેદા કરવાની ટેકનોલોજી ય શોધાશે. આ બધી માયાજાળનો અંત ક્યાં અને કેમનો આવશે શી ખબર? પણ એક વાત છે,બધું મળશે તો ય માનવીને કંઈક ખૂટે છે ..ખૂટે છે નો અહેસાસ સતત સતાવતો રહેશે, કારણ એ એનો સંતોષ જ ગુમાવી બેઠો છે. એને કોઇ પણ ઉપલબ્ધિ પૂર્ણ નહીં લાગે અને એ કાયમ દોડ્યાં જ કરશે..દોડ્યાં જ કરશે. બેટા, સમય છે ને ચેતી જાઓ…સંતોષની મહામૂડી આમ વેડફાઈ જશે તો આગળ જતાં બહુ પસ્તાશો. કોઇ જ વસ્તુ તમને સાચી ખુશી નહીં આપી શકે.’

‘હા મમ્મી, મને પણ ઘણી વખત એમ જ લાગે છે કે હું આખો દિવસ બસ આમ થી તેમ ને તેમથી આમ ઝૂલ્યાં જ કરું છું, દોડયાં જ કરું છું અને તો ય પરિણામ પારાવાર હતાશા, એની પાછળ આવા બધા કારણો કારણભૂત છે એની ખબર નહતી પડતી. થેંક્સ માય સ્વીટ મમ્મી.મને મારી ખુશીનો સાચો રસ્તો મળી ગયો. તમે વચ્ચે કોઇ છોકરાં માટે વાત કરતાં હતાં ને..શું હતી એ વાત?’

અને રેખાબેનના ચહેરા પર સંતોષની રેખા અંકાઈ ગઈ.

આનબીટેબલઃ મોજશોખની અનંત ભૂખમાં સતત બદલાતી રહેતી ટેકનોલોજીના ચકકરોમાં ફસાઈને  માનવી પોતાની આઝાદી ગુમાવી બેસે છે.

સ્નેહા પટેલ.

Kalmukhi


Phoolchhab – 15th Feb,2017.

​કાળમુખીઃ

સમજથી પર થઈ અપનાવ નહીંતર તો કશા-માંથી,

બધું કરવા છતાં જોજે, મઝા પણ નહીં મળે ત્યાંથી!

-અંકિત ત્રિવેદી

સફેદ અને આગળથી થોડી આછી કેસરી જેવા રંગની લગભગ છ એક ઇંચની પાતળી ગોળ પોલી કાગળની દંડી જેને લોકો સિગારેટ કહે છે, જેને નફરત કરતાં હોવા છતાં એના વગર રહી ના શકે એવો તીવ્ર પ્રેમ કરે છે, એક વાર પ્રિયતમાને છોડી શકાય પણ આની લત લાગે તો એને છોડવી મુશ્કેલ જ નહીં નામુમકિન જ છે એવું વિચારનારાનો આ જગમાં તોટો નથી, રંગ ભેદ જાતિ ધર્મ કશું જ એને નડતું નથી એવી સિગારેટ અત્યારે માનુનીના બે ગુલાબી અધર વચ્ચે સળગી રહી હતી. માનુની એટલે જીવનસભર સુંદર મજાની ત્રીસ બત્રીસ વર્ષની ઉંમર ધરાવતી યુવતી!

ચોમાસાની ઋતુ હતી અને વાતાવરણમાં થોડી ભેજવાળી ઠંડક પ્રસરેલી હતી. રોડની સાઈડમાં એક દાળવડાની લારી લાગેલી હતી જ્યાં અત્યારે જબરી ભીડ હતી. માનુનીપણ દાળવડાં બંધાવવા આવેલી. એણે પોતાનો સાડી સાતસો દાળવડાં બાંધવાનો ઓર્ડર આપીને દુકાનવાળાને રોડને અડીને પાર્ક કરેલી પોતાની ગાડીમાં આપી જવાનું કહ્યું અને પોતે ગાડીમાં બેસીને લાઈટ રોમાન્ટીક મ્યુઝિક ચાલુ કરીને ડેશબોર્ડમાંથી સિગારેટ કાઢીને વિદેશી-ગિફ્ટમાં મળેલ લાઈટરથી એ સળગાવી.પાતળી પાતળી અને ફ્લોરોસેંટ ડીપ બ્લ્યુ રંગની નેઈલપોલિશ લગાવેલી આંગળીઓ સાથે આ સફેદ-કેસરી રંગનું કોંમ્બીનેશન જમાનાની આંખોને રુચિકર તો ના જ લાગે પણ ધીમે ધીમે આવા કોમ્બીનેશનની સંખ્યા વધતી જતી હતી એટલે એમાં સાવ અજુગતુ ય નહતું  લાગતું. માનુનીએ એક લાંબો કશ લઈને હોઠને સાંકડા કરીને દૂર સુધી એનો ધુમાડો ફેંક્યો – એ ધુમાડામાં  પોતે મગજનો શરીરનો બધો થાકોડો ફૂંકી મારતી હોય એવી લાગણી અનુભવતી હતી. આંખો બંધ કરીને એ કશ પર કશ લગાવવા લાગી. લગભગ ચાર મિનીટ અને સાડત્રીસ સેકન્ડમાં તો એણે આખી સિગારેટ ફૂંકી મારી પણ હજુ મનને જોઇએ એવી રાહત નહતી મળતી. પેકેટમાંથી બીજી સિગારેટ કાઢીને એને સળગાવવા જ જતી હતી ત્યાં નજર સામે સત્તર અઢાર વર્ષનો દૂબળો પાતળો, ફાટેલાં તૂટેલાં મેલાંઘેલા કપડાં પહેરેલો છોકરો હાથમાં દાળવડાંનું પેકેટ લઈને આવતો નજરે પડ્યો અને એણે ગાડીનો કાચ આખો ખોલી કાઢ્યો. છોકરાંએ કાચમાંથી દાળવડાંનુ પેકેટ માનુનીના હાથમાં પકડાવ્યું.

‘કેટલાં પૈસા?’

‘ખોટું ના લગાડતાં બેન પણ એક પ્રશ્ન પૂછું ? તમે આ સિગારેટ કેમ પીવો છો?’

સાવ જ અણધાર્યો પ્રતિપ્રશ્ન સાંભળીને માનુનીને પોતાના કાન પર એક સેકંડ વિશ્વાસ જ ના થયો. એણે ધ્યાનથી છોકરાંને નિહાળ્યો. થોડી ભૂરી ભૂરી મૂંછો અને દાઢી એના માસૂમ ચહેરાં પર બહુ જ સુંદર લાગતી હતી. એને સરખો નવડાવી ધોવડાવીને તૈયાર કરાય તો એક હેન્ડસમ છોકરો જરુર નજરે ચડે એમ હતું. ઊભરો આવી રહેલ ગુસ્સાને કંટ્રોલમાં રાખીને એણે છોકરાંને કહ્યું,

‘મજા માટે,બીજું શું? તું નથી પીતો?’

‘ના અને આ કાળમુખીને ક્યારેય હાથ પણ નહીં લગાડું. મારા બાપાને આ ભરજુવાનીમાં ભરખી ગઈ અને અમારા કુટુંબની હાલત ખરાબ થઈ ગઈ. હું સિગારેટને બહુ જ ધિકકારું છું બેન. બે પળની રાહત આપનારી આ આ કાળમુખી સાવ લોભામણી – છેતરામણી છે,  છેવટે તમારો અને તમારા નજીકનાઓનો વિનાશ જ નોંતરે છે. ‘

‘ઓહ, એમ વાત છે. પણ હું સિગારેટ બીજા કારણથી પીવું છું. મને સિગારેટ પીવાથી આજના જમાનામાં પુરુષોના કદમથી કદમ મિલાવીને ચાલી રહી છું, હું એકદમ સ્વતંત્ર છું – સેલ્ફ ડિપેન્ડન્ટ’ એવું લાગે છે. પ્રુરુષો દરેક ક્ષેત્રમાં પોતાનું મહ્ત્વ સ્થાપીને પોતાને મહાન સમજે છે પણ આજકાલ દરેક ક્ષેત્રમાં અમે સ્ત્રીઓ એમને હરાવી રહી છીએ ફકત આ દારુ અને સિગારેટના ક્ષેત્રને છોડીને. બધી બાબતમાં આગળ વધી રહેલી સ્ત્રીઓએ આ ક્ષેત્રમાં પણ પુરુષોને ધોબીપછાડ આપવી જ રહી. થોડીક હિંમત કરવાની જ જરુર છે બસ પછી પુરુષોને ય અમારા ‘વુમન પાવર’ને સમજી લેશે, માની લેશે.’ અને માનુનીની આંખોમાં ગુસ્સાની હલ્કી સી રતાશ ફૂટી નીકળી.

‘બેન, સ્ત્રી-પુરુષની તમારી વાતોમાં હું કંઇ ના સમજુ. મને તો એટલી ખબર કે આ સફેદ કાગળમાં છુપાયેલી કાળમુખી અંતે તો તમારો જીવ લઈ જ લે છે. અચ્છા, મને એક વાતનો જવાબ આપો તો- તમે આ સિગારેટનું વ્યસન ઇચ્છો તો છોડી શકો?’

‘શું પાગલ જેવી વાત કરે છે ?હું દિવસમાં લગભગ આઠથી દસ સિગારેટ આરામથી પીવું છું. એને છોડવું મારા માટે ખૂબ જ અઘરું કદાચ નામુમકિન જ છે.’

‘તો બેન તમે પુરુષોના ક્દમ સાથે કદમ કેવી રીતે મિલાવી શકશો?’

‘મતલબ?’

‘અરે બેન, પુરુષોની દેખાદેખીમાં તમે આ સિગારેટને શોખ ને મજા માટે ચાલુ તો કરી દીધી પણ આજે એ તમારી જરુરિયાત અને તમારી કમજોરી બની ગઈ છે. તમે આ વ્યસનને છોડી શકવાને સક્ષમ જ નથી. આનો મતલબ તો એમ જ ને કે તમે દારુ સિગારેટ અપનાવીને કમજોર બની ગયા છો. એના વગર તમારું એક પણ કામ વ્યવસ્થિતપણે થઈ જ ના શકે.હવે કમજોર શરીર પુરુષોના કદમ સાથે કદમ મિલાવવા જાય તો કેટલાં પાછા પડે…પડે ને બેન?’

અને માનુની વિચારમાં પડી ગઈ. છોકરાંની વાત તો સાચી હતી. એણે ટણીમાં ને ટણીમાં બહેનપણીઓ સાથે મળીને દારુ સિગારેટ ચાલુ તો કરેલી પણ હવે એને એનુ વ્યસન થઈ ગયેલું હતું. દારુ ને સિગારેટની તલપ હોય ત્યારે એનું મગજ સૂન્ન  થઈ જતું હતું. એના વગર એ કોઇ જ વિચાર કરવા કે કામ કરવા પોતાની જાતને અપંગ સમજતી હતી. આના કરતાં તો એ જ્યારે દારુ સિગારેટ નહતી પીતી ત્યારે વધુ કાર્યક્ષમ અને સ્ફૂર્તિવાળી હતી. દેખાદેખીના ચક્કરમાં એ  આજે ક્યાંથી ક્યાં આવી ચડેલી!

અને એનું દિલ પારાવાર અફસોસથી ભરાઈ ગયું. ત્યાં એના કાન પર અવાજ અથડાયો,

‘બેન દાળવડાંના સિત્તેર રુપિયા થયાં છે, મને આપો એટલે હું મારા કામે ચાલ્યો.’

અને માનુનીએ પર્સમાંથી સો રુપિયાની નોટ કાઢીને વધારાના પૈસા એ છોકરાંને રાખી લેવા ઇશારાથી સમજાવ્યું અને એક ક્રુતજ્ઞ નજર એની તરફ ફેંકીને દાળવડાંનુ પેકેટ લઈને ગાડી ચાલુ કરી.રસ્તો કપાતો જતો હતો એમ એમ  એની કારકિર્દીની અમુક આસ્ચ્ર્યજનક હારની ‘ઝીગ શૉ’ જેવી ગૂંચવાડાભરેલ કારણોના પીસીસ એની જગ્યાએ બરાબર ગોઠવાતા જતા હતાં અને મગજમાંથી ગેરસમજના વાદળો  હટતાં જતાં હતાં.

અનબીટેબલઃ પોતાની ખામીઓથી આગળ જવામાં જે મજા છે એ કોઇની બરોબરીમાં ક્યારેય નથી.

-sneha patel

Ashavaad


Today’s article in phulchhab newspaper:

​આશાવાદઃ

પાંદડે પાંદડે રોજ હું ખીલતી,

વાયરા છે વસંતના બધાં મુજમાં.

-જીજ્ઞા મહેતા.

ઠંડી પૂરબહારમાં હતી પણ એક મધ્યમવર્ગી પરિવારના ડ્રોઈંગરુમમાં  ઘરના પાંચ સદસ્યો ના શ્વાસોછ્વાસ ની હરફરથી વાતાવરણ પ્રમાણમાં હુંફાળું હતું. હા, ઘરના બધા દરવાજા જે કાયમ ખુલ્લાં રહેવાની ટેવ ધરાવતા હતાં એ બધા સાવચેતીના પગલાંરુપે બંધ જરુર રખાયેલા અને એથી કાયમ ઘરમાં ફેલાઈને પડ્યા પાથર્યા રહેનારા  સૂરજદાદાનો તડકો  આ ઘરમાં પ્રવેશી નહતો શકતો. પણ ઘરના સદસ્ય પોતપોતાના કામમાં એટલા બીઝી હતાં કે આ તડકાંની ગેરહાજરીની જાણે કોઇ પરવા જ  નહતી.

એક ટીનેજર છોકરો પોતાના મિત્ર સાથે મોબાઇલ પર વાત કરી રહેલો, ‘ અરે યાર, શાહરુખને જોવા લોકોએ પડાપડી કરી અને એમાં કોઇનું મોત થયું તો એમાં શાહરુખને જવાબદાર કેવી રીતે ગણી શકાય? વળી હું તો પિકચર જોવા જવાનો જ. પિકચરમાં શાહરુખ ભલે ગુંડાના જીવનનું પાત્ર ભજવતો હોય ને એને હીરો બનાવી દેતો હોય મારે તો માત્ર ટાઇમપાસ તરીકે જ આ મૂવી જોવું છે. તને ખબર છે મેં તો ફૂલનદેવી પણ જોયેલી, એ લોકો કયા દૂધના ધોયેલા હતાં? એમને તો કોઇએ કશું ના કહ્યું, ઉલ્ટાનું એ મૂવીના તો ઢગલો વખાણ થયાં ને અનેકો અવોર્ડ પણ મળ્યાં. લોકો તો  ‘નોટબંધી’ વખતે બેંકની બહાર ભીડમાં થયેલ મ્રુત્યુ માટે પણ નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવે છે! એમના માટે  આ બધી  ઘડીના ટાઈમપાસની વાતો છે, આપણે મૂવીમાંથી શું શીખવું ને શું વિચારવું એની બાગડોર તો આપણાં જ હાથમાં છે. ‘

સામે પક્ષેથી શું જવાબ આવ્યો એ તો ખબર નહીં પણ એ ટીનેજરના મુખ પર થોડા નિરાશા અને ગુસ્સાના ભાવ છવાઈ ગયા અને અવાજ થોડો મોટો થઈ ગયો,

‘તમારા જેવા મૂર્ખાઓથી જ આ દુનિયા ભરેલી છે. તારે ના આવવું હોય તો કંઇ નહીં હું એકલો જ જઈશ પણ આ મૂવી તો હું જોઇશ જ.બાય’ અને એણે ફોનમાં લાલ બટન પર આંગળી મૂકીને દબાવી અને ફોન કાપી નાંખ્યો.

ઘરના બીજા ખૂણામાં સોફા પર બેસીને એક પિસ્તાલીસ વર્ષનો પુરુષ, જે મોટાભાગે એ ટીનેજરના પપ્પાં જ હશે – તેઓ કડકડતી ઠંડીમાં પોતાના ‘હિમાલયના પ્રવાસો’ નોંધેલી ડાયરી વાંચી રહ્યાં હતાં. એમની બાજુમાં એમની પત્ની શાકની થાળી અને ચપ્પુ લઈને બેઠી હતી જે મનોમન સામે પડેલ ટીપોઇ પરની ચા ફટાફટ પતાવીને રસોડાના કામે વળગવાની અને સમયસર ઘરના સદસ્યોનું ટિફિન બનાવવાની અને હજુ પથારીમાં પડેલા ઘરડાં સાસુ – સસરાના નાસ્તાનો સમય સાચવી લેવાની પેરવીમાં પડેલી હતી. પણ સામે બેઠેલ પતિદેવ તો ડાયરી વાંચતા વાંચતા એમના ભવ્ય ભૂતકાળને માણવામાં પડેલાં.

‘કહું છું, આ સવાર સવારમાં શું આમ વાંચવાનું લઈને બેસી જાઓ છો ? ઓફિસે જવાનું મોડું થશે. વળી મારે રાતની ઉંઘ સરખી પૂરી નથી થઈ, તો વહેલાંસર પરવારીને થોડું સૂઇ જવું છે.ચાલો ને જલ્દી ચા નો કપ હાથમાં પક્ડોને..’

‘કેમ શું થયું ? રાતે ઉંઘ કેમ પૂરી નથી થઈ ?’

‘મૂઇ આ ઠંડી, અડધી રાતે રજાઈ ખસી ગયેલી તો બહુ ઠંડી લાગતી હતી અને એમાં ઉંઘ ઉડી ગઈ એ પછી ઉંઘ જ ના આવી. હવે પહેલાંની જેમ  ઠંડી સહન નથી થતી. આમાં વળી શરદી હેરાન કરે છે. બળી, પહેલાં જેવી માપસરની ઋતુઓ પણ ક્યાં રહી છે! વરસાદની સિઝનમાં ઢગલો વરસાદ પડશે, તો ગરમીમાં પારો પચાસ ડીગ્રીએ પહોંચી જશે..કંટાળ્યાં આ બધા ચક્કરોથી હવે. પહેલાં હું એમ કહેતી હતી કે , ‘હું લગભગ એંસી વર્ષ સુધી તો ચોકક્સ જીવીશ પણ હવેની સ્થિતી જોતાં મને લાગે છે કે આપણી ગાડી સાઈઠનું સ્ટેશન પાર કરે તો ય ભયો ભયો..’

‘અરે આ શું પાગલ જેવી વાતો કરે છે ? આમ સાઈઠ વર્ષમાં ટ્રેન છોડી દેવાની નિરાશાજનક વાતો થોડી કરાય? એના કરતાં એમ વિચારને કે પહેલાં ગરમીમાં આપણે શેકાઇ જતાં હતાં જ્યારે આજે આપણી પાસે દરેક રુમમાં એસી અને એ એસીનું બિલ ભરવા પૂરતાં પૈસા છે.  વરસાદમાં બચવા માટે ટેકરી પરનું ઘર કે જ્યાં કદી પાણી જ નથી ભરાતું એવું સલામત ઘર છે અને જરુર પડે જ તો એ વરસાદમાં ઘરની બહાર નીકળવા સ્કુટરના બદલે ગાડી છે . વળી તું હિટર કેમ ચાલુ નથી કરતી ? હિટરથી રુમ ખાસો એવો ‘વોર્મ’ રહે છે. લગભગ પાંચ વાગ્યા સુધીનો સમય તો નીકળી જ જશે.’

‘આ બધું તો ઘડી બે ઘડી જ ને, કુદરતી વાતાવરણ એ તો કુદરતી જ ને.’

‘હા, એ તો છે પણ જ્યારે આપણી પાસે કોઇ વાતનો ઇલાજ જ ના હોય તો આપણે એ પરિસ્થિતીમાં શક્ય એટલા આશાવાદી રહીએ તો એ સ્થિતી આરામથી અને ઝડપથી પસાર કરી શકીએ છીએ યો’હા, તમારી વાત તો સાચી છે. હકારાત્મક વિચારો જીવનમાં ઘણો મોટો ભાગ ભજવે છે. હું ચોકકસ એ રીતે જીવવાનો પ્રયત્ન કરીશ. ચાલો હવે હું રસોડા ભેગી થઉં નહીંતો તમારે રોટલા વિના દિવસ કાઢવો પડશે.’ અને મુક્ત હાસ્ય વેરતાં ઘરની ગ્રુહિણી રસોઇઘર તરફ વળી.

ગેલેરીના બંધ બારણાંની નીચેની તિરાડમાંથી સૂર્યદેવતા એમના કિરણો સમેત ઘરમાં પ્રવેશીને પોતાના વિજય પર હૂંફાળું મરકી રહેલાં.

અનબીટેબલઃ યોગ્ય આશાવાદ તંદુરસ્ત, સુખી જીવનની ચાવી છે.

સ્નેહા પટેલ.

Sapna


સપનાંઃ

‘कोई तो ढूंढ के मुझ को कहीं से ले आए,

कि खुद को देखा नहीं है बहुत जमानो से!’

-कुमार पाशी.
‘મને નિષ્ફળ માણસોથી સખત નફરત છે, અબઘડી જ તું મારી નજર સામેથી દૂર થઈ જા.’ અને સુમનભાઈએ એમના હાથમાં રહેલ ગોળ પેપરનું ફીંડલું એમના દીકરા સુકરાંત પર ફેંક્યું.

સુકરાંત બિચારો શિયાંવિયાં થઈ ગયો અને બેડરુમમાં જઈને રુમ અંદરથી બંધ કરીને પલંગ પર જઈને પડ્યો. આજે એક કંપનીમાં ઇનટરવ્યુ હતો અને એમાં સુકરાંતને નોકરી નહતી મળી…પતી ગયું. પછી ઉપર પ્રમાણેની ઘટના બની ગઈ હતી. જો કે પપ્પા સુમનભાઈની આવી ઘાંટાઘાંટની સુકરાંતને કોઇ નવાઈ નહતી, નાનપણથી એની સાથે આવી ઘટનાઓ બનતી આવતી હતી. પપ્પાની અપેક્ષાઓનું ધોરણ કાયમથી એની તાકાત કરતાં વધુ પડ્તું જ રહેતું. એમની આશાને પહોંચી વળવા એ જીવ લગાવીને મહેનત કરતો પણ પપ્પાની ધારણા પ્રમાણે કયારેય પરિણામ મેળવી શકતો નહતો. હવે એ થોડો કંટાળ્યો હતો પણ શું કરવું એની એને સમજ નહતી પડતી. એના પપ્પા એને સુપરચાઈલ્ડ સમજતાં હતાં, નાનપણથી એના કાનમાં, ‘બેટા; સપના તો મોટાં જ જોવાનાં અને એ સપના પૂરા કરવા રાતોની ઉંઘ પણ હરામ થઈ જાય તો કરી દેવાની.’ ને એ વખતે એ મનોમન વિચારતો કે,’ જો હું રાતે સૂઇ જ નહી શકુ તો અમને સપના કેવી રીતે આવશે?’ સુકરાંત એક સંતોષી જીવ હતો. જીવન પાસેથી, માતા પિતા – સમાજ – ભગવાન અને છેલ્લે પોતાની જાત પાસેથી પણ એની અપેક્ષાઓ લગભગ બહુ જ ઓછી રહેતી. એણે કદી પોતાના માતા પિતાની પાસે કોઇ જ વસ્તુની જીદ કે માંગણી નહતી કરી, જે સમયે જે મળ્યું એનાથી ચલાવી લીધું હતું અને એ ચલાવી લેવું એ એની મજબૂરી નહી પણ એનો સ્વભાવ હતો. પણ એનો મતલબ એવો નહીં કે એ કોઇ વસ્તુ પાછળ મહેનત નહતો કરતો. એ મહેનતુ પણ એટલો જ હતો પણ નસીબ સાથ નહતું આપતું, શું કરવું એની કશું જ સમજ નહતી પડતી અને સુકરાંતની પાંપણ પર બે મોતી ચમકી ઊઠ્યાં.

સામે પડેલ ટીપોઈ પર બાઈકની ચાવી અને વોલેટ  પડ્યાં હતા એ ઉપાડીને એ ઘરની બહાર નીક્ળી ગયો. મોબાઈલમાંથી પ્રિયાનો ફોન નંબર લગાવીને એને એસ.વી.રોડ પરના નવા બનેલ સી.સી.ડી કાફેમાં આવવા કહ્યું, સામેથી પણ,’ઓકે’ જવાબ મળતાં થોડી રાહતનો શ્વાસ લઈને બાઈક ચાલુ કરી.

સી.સી.ડીમાં પ્રિયા, સુકરાંતની સૌથી સારી મિત્ર પહેલેથી જ આવીને બેઠી હતી. એણે હસીને સુકરાંતનુ સ્વાગત કર્યું. સુકરાંત એની સામેની સીટમાં ગોઠવાયો અને થોડું રીલેક્ષ ફીલ કરવા લાગ્યો. બે કેપુચીનો અને એક બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રીના ઓર્ડર પછી પ્રિયા બોલી,

‘સુક, બોલ..કેમ આમ મળવા બોલાવી? કોઇ ખાસ વાત કે એમ જ ?’

‘ના યાર, આજે ફરીથી એક નોકરીમાં પસંદગી ના થઈ અને એ જ ફરીથી ઘરે પપ્પાની નારાજગીનો આલાપ..હવે કંટાળ્યો છું યાર,ક્યાં ગોથા ખાઉં છું સમજાતું જ નથી.’

અને પ્રિયા ખડખડાટ હસી પડી. સુકરાંત બાઘાની માફક એને જોઇ રહ્યો. એ પોતાના દુઃખની વાત કરી રહ્યો હતો અને આ પાગલ…

‘જો બકા, તારા પપ્પા તારી પાસે તારી તાકાત બહારની આશા રાખી રહ્યાં છે. યુ નો, દુનિયામાં ફકત ૧૨% લોકો મોટા મોટા , ગજા બહારના સપના જોઇને  સ્માર્ટ અને હાર્ડવર્ક દ્વારા એને પૂરા કરવાની ક્ષમતા ધરાવે છે.હું એમ નથી કહેતી કે માનવીએ મોટા મોટા સપના ના જોવા જોઇએ…સપના જુઓ પણ સાથે પોતાની કાર્યક્ષમતા અને બુધ્ધિમત્તાને પણ ધ્યાનમાં રાખવી જોઇએ. આપણને નાનપણથી જ મોટા મોટા સપના જોઇને એને પૂરાં કરવા એની પાછળ લાગી જાઓ એમ શીખવવામાં આવે છે પણ એ પૂરાં કેવી રીતે કરવા એ વિશે કોઇ માર્ગદર્શન નથી અપાતું. દરેક માનવીની માનસિક અને શારિરીક તાકાત તેમજ આઇક્યુ અલગ અલગ હોય છે અને એથી જ દરેક માનવીની સિધ્ધી હાંસલ કરવાની પધ્ધતિ પણ અલગ જ હોવાની. એ વાત એ માનવીના મા બાપ કે એના શિક્ષક જ સમજીને સુધારી શકે પણ એ લોકો તો આપણી પર કહેવાતા જ્ઞાનનો ખજાનો ઠાલવવામાં જ વ્યસ્ત હોય છે. તારા કેસમાં પણ એવું જ છે. તારી તાકાત હાર્ડવર્ક માટે પુષ્કળ છે પણ તું સ્માર્ટ વર્ક નથી કરી શક્તો, મજૂરીયો જ છે સાવ અને હું તને પહેલેથી જ આ વાત કહેતી આવી છું. હવે તું સ્માર્ટવર્ક ના કરી શક્તો હોય તો તું મજૂરી કરીને ધીમે ધીમે આગળ વધનારા બાકીના ૮૮% લોકોમાં આવે છે. તારે જાતે આ વાત સમજી લેવી જોઇએ. બાકી દુનિયા તો શિખામણો આપવા તૈયાર જ ઉભી છે, આપણી વાસ્તવિકતા, તાકાત શું એ તો આપણે  જ જાણતાં હોઇએ. એવા લોકોનું એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાંખવાનું નહીંતો તું અત્યારે જે હાલતમાં છું એવી ડિપ્રેશનની હાલતના કગારે આવીને ઉભા રહી જવાય અને સાવ જ અટકી જવાય.’

‘પ્રિયા, હું સમજુ છું અને માનું પણ છું. વળી મને મારી જાત પ્રત્યે કોઇ જ જાતનો અપરાધભાવ નથી કારણ હું જે કરું છું મારી પૂરી તાકાત અને પ્રામાણિકતાથી કરું છું પણ મારી લીમીટ આ જ છે, શું કરું?’

‘ગુડ, તું જાણે છે -સ્વીકારે છે તો પછી દુનિયાની ચિંતા ના કર અને ધીમે ધીમે પ્રગતિના પથ પર આગળ વધવાનું ચાલુ કર. તું મહેનતુ, પ્રામાણિક અને શક્તિશાળી છે એટલું જ પૂરતું છે. તારા પપ્પાને શાંતિથી બેસીને તારી લિમીટેશન સમજાવ, એમને સીધા ના સમજાવી શકાતા હોય તો તારી મમ્મીને સમજાવ એ તારા ડેડીને એમની રીતે હેન્ડલ કરી લેશે. બાકી પપ્પાના બોલવા પર જઈને પોતાની જાતને નીચી સમજવાની ભૂલ ના કરીશ. દુનિયાના ૮૮% લોકો જેવા તારી જેવા જ છે એ યાદ રાખીને ‘યા હોમ કરીને કૂદી પડો, ફતેહ આગે છે.’

‘ઓહ પ્રિયુ, થેંક્યુ સો મચ.’ અને સુકરાંત સાચે જ  પોતાની જાતને મોરપીચ્છ જેવી હળવીફૂલ અનુભવી રહ્યો.

અનબીટેબલઃ મોટાં મોટાં સપનાની છેતરામણી દુનિયા કરતાં વાસ્તવિકતાની નાની દુનિયા વધુ સારી !

-સ્નેહા પટેલ

Sakhaiyo – darshan_ pradarshan


​22-1-2016

સખૈયા…હે સખૈયા…

કેમ છે ? અહીં તો રાતનો સમય છે.  અમારા વિશ્વમાં તો તું જાણે ને – રાત પડે એટલે અંધારું જ થઈ જાય – માંહ્યલી કોર જાતજાતના નૃત્યો થકી અંધારું તાંડવ ખેલતું જ હોય છે પણ રાત પડે એટલે બહાર પણ અંધારુ થઈ જાય છે. અત્ર – તત્ર સર્વત્ર અંધકાર. અંધારામાં સામાન્યતઃ લોકોની આંખોમાં નિંદ્રાદેવી રુમઝુમતા પ્રવેશ કરીને પોતાનું શાસન ચાલુ કરી દે પણ ખબર નહીં કેમ રાતના અંધારામાં મને તું સતત યાદ આવ્યા કરે છે. હું સતત અંદર ઉંડી ઉતરીને તારો પ્રકાશ શોધવા મથામણ કરતી રહું છું – કોઇક વાર સફળ થાઉં છું ને કોઇક વાર નિષ્ફળ પણ જાઉં છું. પણ જ્યારે સફળ થઈ હોવું ત્યારે જાણે જન્મારો સફળ થઈ ગયો એવું જ અનુભવું છું.

આજે પણ મેં મારો એ પ્રયાસ ચાલુ કર્યોં. વિચારો બહુ વિચિત્ર હોય છે. જેટલાં દબાઈએ એટલાં જોરથી ઉથલા મારે ને મારા મગજમાં પણ આજે સવારે મેં જોયેલું એક દ્રશ્ય ઉથલો મારી ગયું.

સખા…લોકો કહે છે કે તું મંદિરમાં વાસ કરે છે, તે હેં – આ વાત સાચી કે ? અમારા ઘરની નજીક કોઇ મંદિર બન્યું હતું. બહુ દિવસથી ત્યાં ‘જઉં જઉં’ કરતી હતી પણ મેળ નહતો પડતો. આજે સવારે એ કામ પૂરું કર્યું. વહેલી સવારના ઉઠીને ઝાકળભીના વાતાવરણમાં હું મંદિરે ગઈ હતી. આગલા દિવસના ઘોંઘાટનો થાક ઉતારીને સવારે ફ્રેશ થયેલું વાતાવરણ પણ પ્રફુલ્લિત હતું. આસોપાલવ, મોગરો, રાતરાણી જેવા વૃક્ષોના પાંદડાની ઝીણી ઝીણી મર્મર પણ સાંભળી – અનુભવી શકાતી હતી. ઠંડી ને નિર્મળ હવાનો સ્પર્શ થતાં રોમે રોમે ટેકરીઓ ઉપસી આવતી હતી – મનમાં આનંદના ઝરાં ફૂટી નીકળતાં હતાં. હું મારા સખાને મળવા જતી હતી ને !

મંદિરમાં તો  તને આ લોકોએ કેદ કરીને રાખ્યો હશે  એટલે મૂર્તિરુપે તો તું ત્યાં મળી જ જઈશ એવો વિશ્વાસ હતો. નહીંતર તું રહ્યો  મૂડી મિત્ર – લાખ કાલાવાલા કરું તો ય ના આવે અને ફકત આંખ મીંચીને તને વિ્ચારી લઉં તો ય તું સાક્ષાત આવીને ઉભો રહી જાય. 

મંદિરનું પ્રવેશદ્વાર અદભુત હતું. આરસમાં ઝીણી ઝીણી કોતરણી અને એમાં લાલ – લીલાં – ભૂરાં રંગો પૂરેલા હતાં. લાકડાંના નકશીકામવાળા મોટાં મસ કમાડમાં પિત્તળના ચકચકીત કડાં લટકતાં હતાં. મંદિરમાં અંદરની બાજુ ચોતરફ આરસ જ આરસ – શ્વેત ધવલ આરસથી સમગ્ર વાતાવરણ નિર્મળ ને પવિત્ર લાગતું હતું. છત પર ષટકોણની ડિઝાઈનમાં કાચ જડેલાં હતાં ને એની ફરતે લાલ ભૂરાં કલરની કોતરણીવાળાં લાકડાં. બે ખૂણામાં બે તોતિંગ ઘંટ લટકતાં હતાં. સામે જ ભંડારાની પાછળ તું બિરાજમાન હતો અને આગળની બાજુ ગુલાબ,જાસૂદ,મોગરો જેવાં ફૂલોની ચાદર પર ધૂપસળીની ધૂમ્રસેરમાંથી આછી આભા દેખાઈ રહી હતી.

સખૈયા, મને એ ક્ષણે અફસોસ થયો કે હું રોજ તારા દર્શન માટે અહીં મંદિરમાં કેમ નથી આવતી ?  આ વાતાવરણ કેટલું પવિત્ર , અલૌકિક છે અને શ્રધ્ધાથી મારી આંખો બંધ થઈ ગઈ અને બે હાથ જોડાઈ ગયાં. મનનો તાર તારા તાર સાથે સંધાન કરવા જ જતો હતો ને મારું ધ્યાન ભંગ થઈ ગયું. બાજુમાં જ એક બેન એમના હાથમાં રહેલા પરચૂરણ સિક્કાં એક એક કરીને ભંડારમાં ખડકતાં જતાં હતાં. સિક્કાં ખલાસ થઈ જતાં એમણે એમના પર્સમાંથી સો સોની થોડી નોટ કાઢી અને મંદિરના એક એક ખૂણે જ્યાં પણ મૂકી શકાય ત્યાં એ નોટ મૂકવા લાગ્યાં. એમની ભક્તિથી દિલ ગદ ગદ થઈ ગયું.

‘દાનવીર કર્ણ.’

ત્યાં તો એ શેઠાણીએ એમની બાજુમાં રહેલાં ડ્રાઈવર જેવા માણસને મોકલીને એમની ગાડીમાંથી પૂજાપાનો મોટો થાળ મંગાવ્યો જેમાં ચુંદડી, પ્રસાદ ને સોના ચાંદીના દાગીના સુધ્ધાં હતાં. મંદિરમાં ઉપસ્થિત દરેક માણસની આંખો એ બેન પર સ્થિર થઈ ગઈ હતી. પૂજારી પણ એમના વૈભાવ, રુઆબથી ચકાચોંધ થઈને એમના ભણી દોડી ગયો અને તારા દર્શન માટેની લાઇનમાં ઉભા રહેલા લોકોને તદ્દન અવગણીને શેઠાણીજીને ‘આવો આવો’ કહીને લાઈનમાં સર્વપ્રથમ ઉભા કરી દીધાં.

એનું વર્તન જોઇને મને એ ના સમજાયું કે એ પૂજારી માટે તારું સ્થાન ઉંચુ હતું કે પેલા શેઠાણીનું ?

ને મારાથી તારી આ અવહેલના સહન ના થતાં હું ત્યાંથી નીકળી ગઈ.

એ અકળામણ અત્યારે રાતે મને સૂવા નહતી દેતી. સખૈયા, મંદિર – એ દર્શન માટેની જગ્યા છે કે પ્રદર્શન માટેની ? મંદિર તો સ્વચ્છ અને પવિત્ર હોય એટલું જ કાફી છે ને ! વળી સાચા દિલથી જે પણ તારા શરણમાં આવતો હોય એના કપડાં – ઘરેણાં – ગાડીને કેમ પ્રાધાન્ય અપાય છે ? હૈયાનાં અત્તરથી મઘમઘતો માનવી આમ હાંસિયામાં ખસેડાઈ જાય અને ખોટા સિક્કાં જેવા માનવીઓ વૈભવના નકલી અજવાળાથી ચળક ચળક થયા કરે..

ઉફ્ફ..સખૈયા – તારા રાજમાં આવો અન્યાય ! આ બધું તું કેમ ચલાવી લે છે ? 

આંખો હવે ઘેરાઈ રહી છે. મગજ થોડું થોડું સૂન્ન થતું જાય છે. લાગે છે સજાગતાનો દોર પૂરો થવાની અણી પર છે. એક કામ કર સખૈયા – હવે તું મને સ્વપ્નમાં જ મળજે અને ત્યાં આવીને મને મારા આ સવાલનો ઉત્તર આપજે. હું રાહ જોઉં છું હાં કે..

સ્નેહા પટેલ

Self confidence


​આત્મવિશ્વાસઃ

मुझको ख्वाबोंसे जंग लडनी है,

मेरे बिस्तर पे रोशनी रख दो !

– कमर धारवी.

‘તૃપ્તિ, આમ નિરાશ ના થા, આજ નહીં તો કાલે આપણી પાસે પણ જરુર પૂરતો પૈસો હશે, આપણું પોતાનું કહી શકાય એવું મકાન હશે, આપણા સંતાનોને આપણે યોગ્ય અને સંતોષકારક ભણતર ભણાવી શકીએ એવી શક્તિ પણ હશે. આ તો આપણો સમય થોડો ખરાબ ચાલે છે.’

‘હા, નીરજ. હું પણ મારા ભગવાન પાસે રોજ એ જ પ્રાર્થના કરું છું કે આ આર્થિક કટોકટીના આફતના વાદળો આપણાં પરિવાર પરથી જલ્દી હટી જાય. જો કે આપણી હાલત માટે મને કોઇ ફરિયાદ નથી જ, હું તો અમથી ય સંતોષી જીવ, જે આવે એનાથી ચલાવી લેવાનું તો પહેલેથી શીખેલી જ છું, પડ્યું પાનું નિભાવ્યે જ છૂટકો..’

ને એના ‘ છૂટકો..’ શબ્દમાં છુપાયેલ લાચારીની ભાવના નીરજને હચમચાવી ગઈ. ‘સંતોષ’ની સાથે આ ‘છૂટકો’ શબ્દનો પ્રાસ સહેજ પણ નહતો બેસતો. સહજીવનને લગભગ બે દાયકા વીતી ગયેલા હતા અને હજુ પણ એ પોતાની પત્નીની જરુરિયાતો પૂર્ણ કરવાને અસમર્થ હતો. ખાવા પીવા જેવો નજીવો ખર્ચો કરી શકે એટલી કમાણી હતી , અમુક મહિના તો એમાં ય ઉપવાસ થઈ જતા હતાં. વળી મહેનત કરવામાં એ કોઇ જ પ્રકારની પાછી પાની નહતો કરતો, કચાશ નહતો રાખતો પણ હાય રે નસીબ…! સાથ જ નહતું આપતું , અને એ જૈસે થે હાલતમાં જ જીવે રાખતો હતો.

બેડરુમમાં જઈને પલંગ પર પગ લંબાવીને કપાળે હાથ દઈને આંખો બંધ કરી દીધી. એની સાથે કાયમ આવું જ કેમ..અને મોઢામાંથી ફળફળતો એક નિસાસો સરી પડ્યો. એનો જમણો હાથ પલંગની ચાદરમાં બેધ્યાનપણે જ ગોળ ગોળ ફરતો હતો, કદાચ એના મનમાં ચાલતા વિચારોની સાબિતી આપતો હતો. ત્યાં જ એના હાથ સાથે એની દિકરી પારિજાતની નોટબુક અથડાઈ. નોટબુક હાથમાં લઈને અકારણ જ એના પાના ફેરવવા લાગ્યો. નોટબુકની વચ્ચે પેન હતી, કદાચ પારિ ભણતાં ભણતાં ઊભી થઈને ગઈ હશે. પેન હાથમાં લઈને નોટબુકના છેલ્લાં પાને એ ચકરડાં ભમરડાં ચીતરવા લાગ્યો. અચાનક જ એના મનમાં એના કોલેજના પાંંચ મિત્રો યાદ આવી ગયાં. નીરજે એ બધાનાં નામ લખ્યાં અને એમના વિશે વિચાર્યું તો એ બધા આજે  ‘વેલસેટલ્ડ’ હતાં. એવું તો એ લોકોમાં શું હતું કે જે એનામાં નહતું. ઉલ્ટાનું કોલેજકાળમાં તો આ બધા એનાથી પ્રભાવિત હતાં. એનું જનરલ નોલેજ, શારિરીક – માનસિક તાકાત બધું આ લોકો કરતાં ક્યાંય આગળ હતું. આ બધા જ મિત્રો એના વિધાનને બ્રહમવાક્ય માનીને અમલ કરતાં તો એ લોકો શિખર પર અને પોતે હજુ તળેટીમાં જ કેમ હતો ? અને એ અચાનક જ એને ખ્યાલ આવ્યો કે આ લોકોમાં એક ગુણ એવો હતો જેની એનામાં તદ્દન ગેરહાજરી હતી અને  એ હતો પહેલ કરવાનો ગુણ. એણે પોતાના સહારા માટે કાયમ એક છ્ડી તૈયાર રાખેલી હતી, કોઇ પણ નવું કામ સફળતાપૂર્વક પાર પાડી શકવાનો એનામાં આત્મવિશ્વાસ કે શ્રધ્ધા જ નહતી, જે જીવન એ પોતે જીવી રહ્યો છે, પોતાના કુટુંબને જીવાડી રહ્યો છે એનાથી વધુ આગળ જવાના, જીવવાના સપનાં જ એની આંખો જોવા તૈયાર નહતી.આ એક જ વાતથી એ પોતાના જીવનમાં કદાચ આટલો પાછળ – જે જગ્યાએથી ચાલુ કર્યુ  એ જ જગ્યાએ હજુ યથાવત ઉભો હતો. જો કે સચ્ચાઈ સ્વીકારતાં એને થોડી – થોડી નહીં પણ બહુ બધી તકલીફ પડી પણ હકીકત આખરે હકીકત હતી અને આ આઈનો એને બીજા કોઇએ નહીં પણ એની ખુદની જાતે જ બતાવ્યો હતો એટલે એની નિયત સામે કોઇ શંકા કરવાનું કોઇ કારણ જ નહતું. પોતાની જાતમાં રહેલ વિશ્વાસનો અભાવ આજે એની જાત પર હાવી થઈ ગયો હતો. જ્યારે પોતાને જ પોતાની જાતમાં શ્રધ્ધા ના હોય તો દુનિયાના લોકોને તો ક્યાંથી હોય ? 

એ દિવસથી એણે પોતાની યોગ્યતા પર વિશ્વાસ રાખવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે પોતાની ઓફિસમાં બોસને જઈને પોતાનો પગાર ડબલ કરવાનું કહ્યું. બે મીનીટ તો એના બોસ એની સામે આંખો ફાડીને નિહાળી રહ્યાં. એ પણ અંદરખાને જાણતાં હતાં કે છેલ્લાં દસ દસ વર્ષથી એમણે નીરજને એક જ રકમ પર ટકાવી રાખ્યો છે એ ખોટી વાત છે. નીરજની યોગ્યતા સાચે જ એનાથી ક્યાંય વધારે છે પણ જ્યાં સુધી નીરજ મોઢું ખોલે નહીં ત્યાં સુધી પોતાને  દોઢડહાપણ કરવાની કોઇ જરુર ક્યાં હતી ? એમને વિશ્વાસ જ નહતો બેસતો કે આ ચૂપચાપ મોઢું બંધ કરીને એમના આદેશોને માથે ચઢાવીને ગધ્ધા વૈતરું કરનાર નીરજ છે.

‘નીરજ, એક સામટી ડબલ રકમની માંગણી…થૉડું વધારે  નથી થઈ જતું…?’

‘ના સર, આપને યોગ્ય લાગે તો ઠીક નહીંતો હું નોકરી છોડી રહ્યો છું. ‘

‘અરે, ના ના મારો કહેવાનો મતલબ એમ છે કે ધીમે ધીમે આપણે તમારો પગાર વધારીએ તો..?’

‘ના સર, ધીમે ધીમે નહીં. મને પૂરતો વિશ્વાસ છે કે હું આજે જે રકમ પર કામ કરું છું એનાથી ડબલ રકમના પગારને યોગ્ય છું જ. બાકી આપની મરજી.’

‘ઓકે. એવું રાખીએ.’ કોઇ જ ચારો ના રહેતા નીરજના બોસે સઘળાં હથિયાર હેઠાં મૂકી દીધા. એમને નીરજ જેવો સ્માર્ટ, અનુભવી અને તનતોડ મજૂરી કરનારો માણસ ગુમાવવો પોસાય એમ નહતું.

અને નીરજના મોઢા પર પહેલી જીતનું મીઠું સ્મિત ફરકી ગયું.

અનબીટેબલઃ શ્રધ્ધાનું થર્મોસ્ટેટ સતત આગળની બાજુ જ સેટ કરવું જોઇએ.

સ્નેહા પટેલ.

meeting with shree tushar shukla


બહુ સારી ફોટોગ્રાફર નથી, કદાચ આ વિડીઓ મોબાઈલ આડો રાખીને લીઘો હોત તો વધુ સારું રહેત, પણ યાદગીરીની મહેંક તો સરખી જ.

લખીને અભિવ્યક્ત થવું એ આજથી લગભગ આઠ -દસ વર્ષ પહેલાં મારામાં પ્રવેશી ગયેલી દૈવી શક્તિ જેવી અદભુત ઘટના છે. મેં ક્યારેય સભાનપણે એ પથ પર ચાલવાનો યત્ન નથી કર્યો કે નથી મારા ફેમિલીમાં કોઇ જ જાતનું સાહિત્યનું વાતાવરણ!  સાચુ શું ને ખોટું શું એની સમજ આવે એ પહેલાં તો આ જાદુઈ નેટદુનિયાએ બ્લોગ,ફેસબુક પર મને વાહ વાહ મેળવતી કરી દીધી હતી. જો કે હું ક્યારેય આ વાહવાહીની દુનિયાથી છકી નથી જતી. બે ઘડી આ બધું આનંદ આપે અને પછીની પળોમાં હું એનાથી દૂર થઈ શકુ છું. લખાણમાં તીવ્ર આલોચનાનો સામનો હજી સુધી નથી થયો પણ જીવનના જીવાયેલ અનુભવો પરથી એટલું વિચારી શકુ છું કે એ પણ આમ જ પચાવી શકીશ.વિચારેલું બધુ  સાચુ નથી પડતું પણ મારો પ્રયત્ન તો દરેક વાતને એક  પોઝિટીવ એન્ડ આપવાનો રહે છે એ તો તમે લોકો મારી  કોલમ, લેખો વાંચીને  સમજી જ ચૂક્યાં છો.

જોકે આજે વાત કરવાની છે મારા કવિતાના વિશ્વ – મારા પુસ્તક અક્ષિતારકની યાત્રાની.

આજથી લગભગ પાંચ વર્ષ પહેલાં મેં મારા જીવનનો એક યાદગાર અનુભવ મેળવ્યો અને એ હતો ડીડી ગિરનારના ‘કવિ કહે છે’ કાર્યક્રમમાં કાવ્ય પઠન કરવાનો. પ્રથમ વખત કવિતા પઠન અને એ પણ સામે ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી તુષાર શુકલના સંચાલન હેઠળ! જોકે સાથે કવિ મિત્રો બધા જાણીતા હતાં એટલે આમ મજાનો પ્રસંગ હતો. અત્યાર સુધી મેં મારી કોઇ જ કવિતા ક્યારેય કોઇ જાણકારને બતાવી નહતી. બસ મને જે ઠીક લાગી એ જ પસંદ કરેલી. કોન્ફીડન્સ બધો બહાર બહારથી છલકતો હતો અંદરખાને કોઇ ગભરુ વૃતિ કામ કરતી હતી. ધડકનની તેજ ગતિ એની સાક્ષી હતી. પ્રોગ્રામ સારો જ રહ્યો પણ એ કાર્યક્રમ દરમિયાન એક અલગ ઘટના બની.

તુષારભાઈએ એમના સંચાલનમાં જે રીતે મારા જેવી નવી નિશાળિયણની કવિતાને વધાવી એ જોઇને એક જ પળમાં દિમાગમાં સ્પાર્ક થયો કે, ‘ક્યાં આ કવિ કે જે મારી કલમમાંથી આપોઆપ સરી પડેલી કવિતા (જે સાચા અર્થમાં કવિતા છે એ પણ બહુ બધા જાણકાર મિત્રોએ વખાણી ત્યારે ખબર પડી હતી ) વિશે, મારા ત્રણ લાઈનના કાવ્ય,

‘નદી જેવું બિન્દાસ વહુ છું,

હા એટલું ખરું કે

વળાંકોને અનુરુપ થઈ જાઉં છું’

આના વિશે ઊંડાણથી ચર્ચા કરી અને ક્યાં હું? સરખામણી નહીં- મને સરખામણીથી સખત નફરત છે. પણ આ એક જાતની આત્મપરીક્ષણની ઘડી આપોઆપ આવી ચડેલી ને મેં એની પર યોગ્ય મથામણ કરવાની મહેનત કરી. એમણે જે સહજતાથી બે જ સેકંડમાં મારી કવિતાનું મર્મસ્થાન પકડીને અફલાતૂન રીતે વર્ણવ્યું એનાથી હું બે  ઘડી ચૂપ થઈ ગઈ કે મારું લખેલું હતું પણ એની પાછ્ળ આટલી ઉંડી વિચારશક્તિ કદાચ મારી પણ નહતી. એ પછી મેં કવિતા વિશે વાંચવાનું ચાલુ કર્યું. કવિતા એટલે પાઠ્યપુસ્તકની દુનિયાના કાવ્યથી વધીને કોઇ જ જ્ઞાન નહીં. ઉપરની કવિતાની આ પંકતિમાં કવિ શું કહેવા માંગે છે. આ પંક્તિઓનો અર્થ સમજાવો, આ પંક્તિ પૂર્ણ કરો’થી વિશેષ કશું જ નહીં.’ એ પછી નેટ ફંફોસતા ખ્યાલ આવ્યો કે હું જે લખું એ ગઝલ તો ના જ કહેવાય પણ ‘છંદમાં ના લખીએ એ અછાંદસ ‘ એ પ્રકાર પણ નહીં. હા અમુક તીવ્ર સંવેદનો કલમમાંથી સરી પડે અને એમાં અમુક પ્રકારનું કાવ્યતત્વ હોય એટલે લોકોના હ્રદયને સ્પર્શી જાય પણ એ ખરી કવિતા ના જ કહેવાય. જીવનમાં જ્યાં છીએ એનાથી એક કદમ આગળ વધતાં શીખવું એ મારો સ્વભાવ કાં તો એક શોખ પણ કહી શકો. બસ એ ઘડી પછી મેં મહેનત કરીને છંદ શીખવાનો યત્ન ચાલુ કર્યો. શરુઆતમાં ગાલગાના ચકકરોમાં જબરદસ્ત ફસાઈ, લંડન રહેતાં દિલીપભાઈ બિચારા કલાક કલાક ફોન કરીને મને સમજાવે પણ આપણે ઠેરના ઠેર. ક્યાંક અટવાઇ જ્વાય પછી એમાંથી નીક્ળતા મને પહેલેથી વાર લાગે છે. આ મારી એક નબળાઈ છે. જોકે એમાંથી નીકળી ગઈ અને લગભગ બે વર્ષના ગાળામાં મેં ૫૦ એક ગઝલ ભેગી કરી લીધી. એ પછી બ્લોગ,નોટબુક , ફેસબુક બધેથી મારું લખાણ શોધવાનું ચાલુ કર્યુ અને એમાંથી કવિતા જેવું લાગે એ ભેગું કર્યું. છેલ્લે વારો આવ્યો પુસ્તક પબ્લીશ કરવાનો. એમાં પણ જાતે પ્રકાશિત કરીને જાતે વેચવાનો અને સફળ થવાનો સુંદર અનુભવ મેળવ્યો. મારા વાંચકોએ મને ભરપૂર પ્રેમ આપ્યો છે અને એમના પ્રેમે મારી લેખનશક્તિને કાયમ સુંદર સપોર્ટ આપ્યો છે.

આ બધી વાત ઉપરાંત આજે એક બીજી વાત કરવાની કે આજથી ૭-૮ વર્ષ પહેલાં હું સાચે જ બિન્દાસ હતી પણ એ બિન્દાસપણામાં થોડી નાસમજી, થોડું અજ્ઞાન અને થોડી લાપરવાહી હતી.  એ પછી છંદ શીખવા તરફ વળી ને સમજણમાં પણ અનેક વળાંકો આવ્યા. ‘ગુજરાતી સાહિત્યએ મને શું હેલ્પ કરી છે, જે છે એ મેં મારી રીતે, મારી આવડતથી ડેવલપ કર્યું છે. હા, આભાર માનવો હોય તો ભગવાનનો માની શકું પણ સાહિત્યકારોનો નહીં. કારણ મેં કદી કોઇને કંઇ જ પૂછ્યું નથી અને કદી કોઇની મદદ લીધી નથી’ જેવી ભાવના તુષારભાઈ જેવા કવિએ સાવ નવી સવી કવિને આટલો આદર આપ્યો એ ઉપરાંત ગુજરાતી લખાણના કારણે જ દેશવિદેશ દરેક જગ્યાએ અનેક સાહિત્યકારોએ મને સાથ આપ્યો, જેમાં દિલીપ ગજજરે મને સતત આગળ વધવામાં મદદ કરી, મોટા ગજાના કવિ શ્રી અદમભાઈએ કોઇ જ આનાકાની કે કોઇ જ વાત કર્યા વિના ૭ દિવસમાં આખા પુસ્તકના સારરુપી પ્રસ્તાવના લખી આપી, લતા હિરાણી દીદી- નીલેશ પટેલજી એ પણ સરળતાથી પ્રસ્તાવના લખી આપી. ગુજરાતી અને ઉર્દુભાષામાં કવિતા લખતાં કવિ શ્રી હર્ષ બ્રહભટ્ટજી એ મારા પુસ્તકનું વિમોચન કર્યુ અને ઉષાબેને મારા પુસ્તક વિશે સુંદર વિવેચન. આ કોઇ જ મને જાણતાં નહતાં એ લોકોએ મને મદદ કરી તો ફકત શબ્દની સાધનારુપે, ગુજરાતી ભાષાના ઊગતા સર્જકને પ્રોત્સાહન આપવા માટે જ! આ સિવાય ઘણાં બધા ભાવક મિત્રોનો પણ આ પુસ્તક પાછળ પરોક્ષ રીતે ફાળો છે અને આ બધું મારા પુસ્તકને ફકત ગુજરાતી ભાષાના જીવની જેમ રખોપાં કરતાં આદરણીય લોકો તરફથી. કોઇ જ કચ કચ નહીં કે કોઇ જ ઇગો નહીં. આ બધા મને નિસ્વાર્થપણે મદદ કરીને મારું પુસ્તક જોઇને મારા કરતાં ય વધુ ખુશ થયાં છે. તો આ છે ગુજરાતી સાહિત્યનો મારા વિકાસમાં ખરો ફાળો. એ કોઇ જીવંત વ્યક્તિ નથી પણ એનો પ્રભાવ આવો જીવંત ને પ્રેરણાદાયી છે. એ ઘડીથી હું પણ મારી ગુજરાતી ભાષાને સમજણ સાથે વધુ ચાહતી થઇ ગઈ.

આ છે મારું ‘વળાંકોને અનુરુપ થઈ જાઉં છું.’ આજે મારી જે સમજણ, વર્તન છે એ કાયમ સાચું ને યથાવત જ રહેશે એવી ભાવનાને મારું બિન્દાસપણું ઠોકર મારીને ફગાવી દે છે,    દુનિયા  શું   કહેશે ની  ચિંતા ક્યારેય  નહિ , માંહ્યલો કહે  એ જ સાચું !  આ વળાંક  અંદરના ઇગોને સતત કંટ્રોલમાં રાખે છે, પરિવર્તનશીલ રાખે છે. મને આવા વિકાસના પથ  પર લઈ જતાં વળાંકો બહુ જ્ પ્રિય છે. હા, વળાંકની  પસંદગી બહુ સાચવીને કરુ છું કારણ કે  બધા વળાંક પર વળવા જેવું નથી હોતુ. એ સાથે હું આવા મહાનુભાવો પાસેથી એ પણ શીખું છું કે મારી પણ એ નૈતિક ફરજ બને છે કે મને જેમ આ લોકો તરફથી મદદ મળી છે એ જ રીતે નવા નવા સ્પાર્ક ધરાવતા  સર્જકોને  મારે પણ એ વી જ મદદ પૂરી પાડવી રહી.

તો મિત્રો આ છે મારું એકલવ્યપણું ને આ બધા છે મારા ગુરુ!

લગભગ એક વર્ષ થઈ ગયું પણ હું ‘અક્ષિતારક’ થોડી આળસ, થોડી બેજવાબદારી, થોડી વ્યસ્તતા હેઠળ તુષારભાઈ સુધી પહોંચાડી નહતી શકી પણ કાલે તો આ કામ કરવાનું જ છે વિચારીને એમનો સમય લઈને એમને મળી અને મારા જીવનની એક સુંદર ઘડીનું નિર્માણ થઈ ગયું. હું સમય કરતાં થોડી મોડી પહોંચીને તુષારભાઈ એમના નિત્યક્રમ હેઠળ એકસરસાઈઝ કરવા નીકળી ગયેલાં. જોકે એક જ બિલ્ડીંગ હતું એટલે એમને સંદેશો  મળી ગયો અને તેઓ પાંચ મીનીટમાં તો આવી પહોંચ્યાં. એ સમયે એમનું ગ્રે ટી શર્ટ પરસેવાથી રેબઝેબ હતું અને સામે પક્ષે હું સ્વેટર પહેરીને બેઠેલી હતી એ જોઇને બે મીનીટ માટે મને હસવું આવી ગયું અને તુષારભાઈની સ્વાસ્થ્ય માટેની આટલી કાળજી જોઇને બહુ જ મજા! અડધો કલાકની એ મીટીંગમાં ફરીથી એ જ ‘ડાઉન ટુ અર્થ’ સર્જકની પ્રતિતી થઈ. સહેજ પણ આડંબર નહી, એકદમ સરળ અને સહજ વ્યક્તિત્વના માલિક એવા તુષારભાઈની ડ્રેસિંગ સેન્સ જોરદાર. એક વખત મેં એમને કહેલું પણ ખરું કે,’ સર, તમને જોઇને મને નરેન્દ્ર મોદીની યાદ આવે છે.’

આ મુલાકાતની એક સુંદર મેમરી બની રહે એટલે મેં એમને મારા પુસ્તકને શુભેચ્છા  આપતો નાનકડો વીડીઓ ઉતારવાની એમની પરમીશન  માંગી જે એમણે એક પણ પળના વિલંબ વિના સ્વીકારી લીધી. આ વીડીઓ આપની સાથે  પણ શેર કરુ છું મિત્રો.

આ ઉપરાંત મને એમના તરફથી એમના પુસ્તક ‘તારી હથેલીને’ ની સરપ્રાઈઝ ગિફટ પણ મળીimg_20170122_124511706 ને આપણે તો રાજીના રેડ !

સ્નેહા પટેલ.

Bhikhi ni nanand


​ભીખીની નણંદઃ

ધીમો તો ધીમો આ શ્વાસ ચાલે છે,

ત્યાં સુધી આ પ્રવાસ ચાલે છે.

-હર્ષદ ચંદારાણા.

‘બેન, આ મારી નણંદ છે, જુઓને આજે એના સાસરેથી પાછી ફરી છે. એના વર સાથે એને છાશવારે ઝગડો થાય છે અને એ આમ પાછી આવી જાય છે. હળીમળીને, શાંતિથી એના સાસરે કેમ રહેવું એ વિશે મેં એને કેટલી વાર સમજાવી પણ એની ખોપડીમાં કશું જ ઉતરતું નથી. એક તો એ મારા સાટામાં પરણાવાયેલી છે એટલે મારી નણંદ એ મારી ભાભી, મારા ભાઈની જિન્દગી ખરાબ કરવા બેઠી છે આ.. શું કરું આનું સમજાતું નથી ?’

આશાની કામવાળી  ભીખી કામ કરતી જાય અને એની સાથે આવેલી એની નણંદ વિશે આશાને જાણકારી આપતી જાય.

‘કેમ શું થયું અલી તારી સાસરીમાં ?’ આશાએ ભીખીની રુપાળી નણંદને કોમળ અવાજમાં પૂછ્યું.

‘બેન, મારો ધણી આખો દિવસ દારુ પીને એના ભાઇબંધોની સાથે પત્તા રમી ખાય અને રાતે મારું નકરું શરીર ચૂંથી ખાય છે.  મને તો જાણે છોકરાં પેદા કરવાનું મશીન બનાવી દીધી છે. ત્રણ છોકરી ને એક છોકરો એમ ચાર છોકરાં તો છે ને બીજા છોકરાંની લાલચે આ પાંચમું પેટમાં…કમાવા-બમાવાનું તો કંઇ નહીં ને હું લોકોના ઘરના કપડાં – વાસણ કરીને જે થોડાં ઘણાં પૈસા કમાઉં એ પણ એ રાતે ઝૂંટવીને લઈ જાય અને બાજારું ઓરતો પર ઉડાવી મારે છે જ્યારે જાતકમાણી પછી પણ મારે તો ખાવાના સાંસા જ ને…ઘરમાં સાસુ સસરા પણ એમના દીકરાને કશું સમજાવતાં નથી, મરદ માણસ તો આવા જ હોય અસ્ત્રીની જાતે સમજીને રહેતાં શીખવું પડે એવું જ સમજાવે રાખે.  આખો દિવસ ઓર્ડરો છોડયાં કરવાના અને લોકો સાથે ગાળાગાળી, માર ધાડ કરવાની બસ. હવે હું બેજીવી છું, એની મારધાડમાં ક્યાંક એકાદ અડબોટ કે લાત મારા પેટ પર  વાગી જાય તો મારે રોવાનો દા’ડો ના આવે બુન ?’

‘અરે ભીખી, આ સાચું કહે છે?’

‘ના રે આ તો સાવ ખોટ્ટાડી છે.મારો ભાઈ લોકોની ગાડીઓ સાફ કરે છે ને એક બિલ્ડીંગમાં સિક્યોરીટીની નોકરી ય કરે છે. રુપાળા પૈસા ય કમાય છે.’

‘ખોટ્ટાડી શું બેન… છેલ્લાં બે દિવસથી મને લોહી પડે છે તો ય મારો વર ડોકટરબુન પાસે લઈ જવાની  તસ્દી નથી લેતો. આ તો વર્ષોથી ચાલી આવ્યું છે. આ જુઓ એણે મને બે દા’ડા પહેલાં કેવી મારેલી ? ‘

 કહીને એણે પોતાની ઓઢણી થૉડી આઘી કરીને આશાને એની પીઠ પરના લાલચોળ સોળ બતાવ્યાં.

‘ઓહ…’ આશાના દિલમાં અરેરાટી વ્યાપી ગઈ ને બોલી,

‘પણ આ વાત તો ખોટી છે ને.’

‘શું તમે ય બુન ? આ દાધારંગી ય ઓછી નથી, ખોટ્ટાડી છે અને તમે ય એની વાતમાં આવી ગયાં ?મને એમ કે તમે મારી નણંદને બે સમજાવટના બોલ કહેશો એના બદલે તમે તો એનો પક્ષ લઈને બેઠાં. હેંડ મારી બુન, આ વાસણ લુછીને પેલા રમાબેનને ત્યાં આવજે હું ત્યાં જ કચરાં પોતા કરતી થાઉં છું.’ 

કહીને ભીખી ચોકડીમાંથી ઉભી થઈને ઘરની બહાર નીકળી ગઈ.

બીજા દિવસે સવારે ભીખી એકલી જ કામે આવી એ જોઇને આશાને નવાઈ લાગી.

‘અલી તારી નણંદ ક્યાં ?’

‘એને તો મારો ભાઈ આવીને લઈ ગયો કાલે જ..કે હાલ તારા વિના ગમતું નથી..’

‘ને એ જતી પણ રહી ?’

‘હસ્તો…જેવો મારો ભાઈ આવ્યો એટલે એ રાહ જોઇને જ ઉભી હતી ..એનો સામાન પેક કરીને હાલતી પકડી.’ બોલીને ભીખી કામે વળગી.

આશા એના ડોઇંગરુમમાં ટીવી ચાલુ કરીને બેઠી. આશાની પંદર વર્ષની દીકરી શ્રધ્ધા ત્યાં જ બેઠી હતી. એ આ બધું સાંભળી રહેલી ને બોલી,

‘મમ્મા, આ લોકોની જાત આવી જંગલી કેમ હોય ? દરેક ઘરમાં માર-કાપ ને દારુ પત્તાની જ વાતો …આ કામવાળી આટલી રુપાળી ને બોલવામાં પણ કેવી સરળ છે ! એના વરને એની કોઇ જ કદર નહીં હોય ? વળી બેજીવી પર આમ હાથ ઉપાડવો, ડોકટર પાસે વ્યવસ્થિત ચેકીંગ પણ ના કરાવવું…ઉફ્ફ.. આ પ્રજામાં હ્દય જેવું કંઇ હશે જ નહીં કે ? સાવ સંવેદનહીન લોકો ! વળી કાલે તો માર કાપ ને છુટાછેડાં સુધીની વાતો થઈ ગયેલી તો આજે એની નણંદ કેમની પાછી  જતી રહી ? બોલીને કેવા સાવ જ  ફરી જાય છે આ લોકો તો..કોઇ શરમ જ નહીં ?’

‘દીકરા, શરમ એ સંવેદનશીલ લોકોનું ઘરેણું. આ લોકો ગરીબ છે ને એટલે એમણે સંવેદનહીન જ રહેવું પડે. એ લોકો એમની તકલીફોને મૂળથી સમજવા બેસશે, એનું સોલ્યુશન શોધવા બેસશે તો એ લોકો દુઃખી થઈ જશે. જીવવા માટે એમણે એમની આસપાસ જાડી ચામડી ઉગાડવી જ પડે. વળી એની નણંદ પર પણ બહુ વિશ્વાસ ના કરાય કે એ સાચું જ બોલતી હશે. એ લોકો એવું માને છે કે દરેક મનુષ્ય એના કર્મોની સજા ભોગવે છે.એમની માતા જેમ જીવાડે એમ જ અમે જીવીએ છીએ. બાકી એમના પાંચ – છ સંતાનો ધરાવતા વિશાળ પરિવાર પ્રત્યે સંવેદનશીલ થઈ જશે તો એમની સારસંભાળ લેવાનો એમને સમય કે પૈસા ક્યાંથી મળશે? વળી એ નહીં મળે તો એ લોકો વધુ જંગલી થઈ જશે અને વધારે ખૂનામરકી કરશે. એના કરતાં સારું જ છે કે એ લોકો સંવેદના વગર, આંધળા – બહેરાંની માફક જીવે છે, ઉલ્લુના પટ્ઠાની માફક કશું ય જોયાં વિના ચાલ્યાં કરે છે. આપણે એમનાં બોલવા પર વધુ વિચારીએ તો આપણે ગાંડાં થઈ જઈએ પણ એ લોકોને કોઇ જ ફરક ના પડે એટલે બની શકે તો એમની વાતોમાં બહુ વચ્ચે પડવાનું જ નહીં. આપણે ત્યાં કામ કરે એટલી બે ઘડી એમની હા માં હા કરી લેવાની..એ લોકોની આજની હા કાલે ના થઈને ઉભી રહે તો નવાઈ નહીં. એટલે આપણે એમની વાતો બહુ દિલ પર લેવાની નહીં. હા, કોઇ વખત આમાં સાચો કેસ હોય ને આપણે કશું ના કરી શકીએ ત્યારે અફસોસ થઈ જાય પણ એ આપણાં હાથની વાત નથી. આ જાતમાં કોની પર વિશ્વાસ મૂકવો ને કોની પર નહીં એ જ ના સમજાય એની પાછળ આપણો મૂલ્યવાન સમય અને સંવેદનો વેડફવાના ના પોસાય. તું ય આ બધે પંચાત છોડ અને ભણવા બેસ. બે દિવસ પછી તારે ફ્રાઈડે ટૅસ્ટ છે. ચાલ.’

‘હા મમ્મી, સમજી ગઈ. ‘

અનબીટેબલઃ જે માનવીમાં સંવેદના નથી એમની વાતો પર વિશ્વાસ કરવો હિતાવહ નથી.

સ્નેહા પટેલ

Ramat


​રમતઃ

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ,

હોડ શું છે? હાર શું છે ? ઝૂઝવું શી ચીજ છે?

-રમેશ પારેખ.

ધ્રુતિ આજે આઇના સામે કંઇક વિશેષ સમય ગાળી રહી હતી. વાળ ‘સ્ટ્રેઈટ’ કરાવેલા હતાં પણ નાના નાના ટુક્ડાં વાળ પાંથી આગળથી ઉંચા રહી જતા હતાં. એના મગજમાં ક્યારની આ વાળને સરખા સેટ કરવાની વિમાસણ ભમતી હતી. કંઇક તો રસ્તો શોધવો જ પડે કે જેથી આ વાળ નીચા બેસી જાય અને બીજા વાળના જથ્થામાં  ભળીને એકસરખા થઈ જાય જેથી ટ્રીટમેન્ટ કરાવેલા વાળ અસ્સલ કુદરતી સીધા વાળ જેવા જ લાગે. પાણી તો લગાવાય નહીં, એવું કરે તો વાળમાંથી આયર્નીંગ જતું રહે. છેલ્લે નાછૂટકે એના ભાઈ વીરના વાળનું ‘સ્ટાઈલીંગ જેલ’ લીધું અને ટુકડાં વાળ પર લગાવીને થોડાં ચપ્પટ કરીને નીચા બેસાડી દીધા. ખાસ્સો ફરક પડી ગયો હતો…હાશ ! ત્યાં જ બહારના રુમમાંથી એની બહેનપણી રુપાલીની બૂમ સંભળાઈ,

‘કેટલી વાર છે ધ્રુતિ, તું તો જાણે તારા લગન હોય એટલી વાર લગાડી રહી છે.’

‘અરે, આ આવી બાપા.બૂમાબૂમ બંધ કર. બાજુના રુમમાં દાદાજી સૂઇ ગયાં છે, જાગી જશે.’

 જે બીજી જ પળે ધ્રુતિ હેન્ડબેગ ને કારની ચાવી સાથે ડ્રોઈંગરુમમાં દાખલ થઈ.

‘ઓહોને કંઈ, નવી હેરસ્ટાઈલ કરાવી છે ને ! હા ભાઈ હા, સાર્થકભાઈની ફૂટબોલ મેચ જોવા જવાનું છે ને, અને સાર્થકભાઈ એટલે તો..’ ને રુપાલીએ આગળની વાત ઇરાદાપૂર્વક અધૂરી છોડી દીધી.

‘ચાલને હવે ચાંપલી, હજુ તો એણે જ મને પ્રપોઝ કર્યું છે. મેં એની દરખાસ્તનો કોઇ જ જવાબ નથી આપ્યો તને ખબર છે. હું પહેલાં એને થોડો જાણવા માંગુ છું. લગભગ બે મહિનાથી હું એને ચકાસી રહી છું પણ ખબર નહીં કેમ, કોઇ નિર્ણય પર નથી પહોંચી શકતી. એક પળમાં એ મને બહુ જ ‘કેરીંગ’, લાગણીશીલ, સજ્જ્ન લાગે છે તો બીજી પળે સાવ નફ્ફટ કહી શકાય એટલી હદે બેફિકર. હું એને સમજી નથી શકતી. હું ધ્રુતિ મહેતા- સાયકોલોજીની માસ્ટર પણ અસલી જીવનમાં અસલી ને મહત્વપૂર્ણ કેસ સમજવામાં જ કાચી પડું છું.’

‘હોય ડીઅર હોય, એમ મન પર નહીં લેવાનું બધું. મારી વાત માન તો હા જ પાડી દે, મારી નજરે તોબહુ જ સ્માર્ટ, પૈસાદાર ને હેન્ડસમ છોકરો એટલે બેસ્ટ જીવનસાથી ને એ બધું તો સાર્થકમાં પહેલેથી જ છે.’

‘ના, આ બધી જે વાત કરી એમાંથી પૈસા અને હેન્ડસમ જેવી વાતો સાથે મારે કોઇ લેવાદેવા નથી. એ તો આજે છે ને કાલે નથી. રહી સ્માર્ટનેસની વાત તો એ બે રીતે વપરાય. સારી ને ખ્રરાબ. મારે એની એ સ્માર્ટનેસ ચકાસી લેવાય એટલે આખી વાતનો તાગ મળી ગયો જ સમજ ને.’

‘ઓફફોહ, તું ને તારી સાયકોલોજી, ચાલ હવે મોડું કરીશ તો મેચ ચાલુ થઈ જશે ને સાર્થકને બેસ્ટ વીશીસ નહીં આપી શકાય.’

ને થયું પણ એમ જ, એ લોકો સ્ટેડિયમમાં પહોંચ્યા ને  મેચ ચાલુ થઈ ગઈ હતી. ગોરો ચિટ્ટો ને છ ફૂટ ઉપરની હાઈટ ધરાવતો સાર્થક ફૂટબોલના યુનિફોર્મમાં દિલધડક હેન્ડસમ લાગતો હતો. ધ્રુતિને એનું દિલ એક પળ  ધબકારો ચૂકી જતું લાગ્યું. એના લાંબા કસરતી પગ, જીમમાં જઈને સુદ્રઢ કરાયેલું બદન, ઉત્તેજનામાં ગોરામાંથી ગુલાબી થઈ ગયેલ વદન, જાણે ફીફાની મેચ રમતો હોય એવો જુસ્સો- ઝ્નૂન…હાય, આ છોકરાંને ના પાડવા માટે એ કારણો શોધી રહી છે, કેવી મૂર્ખી છે !’ ને ધ્રુતિ મનોમન પોતાની પર હસી પડી. રુપાલીની ચકોર નજરે એનું આ હાસ્ય પકડી લીધું ને શરારતભરી આંખે એને હળ્વી કોણી મારી લીધી. ચોરી પકડાઈ ગઈ હતી એથી ધ્રુતિ મનોમન શરમાઈ ગઈ. મેંદાનમાં ૨૨ ખેલાડીઓ દોડી રહ્યાં હતાં પણ ધ્રુતિની દુનિયા તો એક જ જણથી શરુ થઈને એક જ જણ પર ખતમ થઈ જતી હતી. અચાનક ધ્રુતિની એકટકીને આંચકો લાગ્યો. સમર્થે એના સાથી ખેલાડીના પગમાં બોલ લેવાના બહાને જોરથી ધકકો મારીને પાડી દીધો હતો. જોકે બધાંને આ રમતનો એક ભાગ જ લાગ્યો પણ ધ્રુતિને સચ્ચાઈની જાણ થઈ ગઈ. જો કે સામેની ટીમના ખેલાડીને બહુ વાગ્યુ નહતું. સમર્થની ટીમ ૨-૧ થી પાછળ હતી. એ લોકો સ્કોરને બરોબર કરવા મરણિયાં થઈ રહ્યાં હતાં અને સમર્થે ફરીથી સામેની ટીમના સ્ટાર ખેલાડીને એના મજબૂર પગથી ટક્કર મારી. સામેવાળો ખેલાડી બે ગડથોલિયું ખાઈ ગયો અને એના હાથનું હાડકું તૂટી ગયું. સમર્થના ચહેરાં પર લુચ્ચું સ્મિત રેલાઈ ગયું. જોક આ વખતે રેફરીએ રીપ્લે જોઇને સમર્થને પેન્લ્ટી કાર્ડ આપી જ દીધું. એ પછી પણ ગેમમાં વારંવાર સમર્થની લુચ્ચાઈ અને જડતા જોવા મળી ને ધ્રુતિનું દિલ તૂટી ગયું. અચાનક એણે રુપાલીનો હાથ પકડ્યો અને ઉભી થઈ ગઈ.

‘ચાલ રુપા.’

‘અરે કેમ ? શું થયું ? સાર્થકની ટીમ બરોબરી કરી રહી છે ને તું છે કે જવાની વાતો કરે છે.’

‘ઈટ્સ ઓવર .’

‘શું..?’

‘મતલબ કે જે પ્રેમ કહાની ચાલુ જ નહતી થઈ એનો અંત આવી ગયો.’

‘પણ કેમ ?’

‘એ રમત નથી, અંચઈનો ભંડાર છે. ક્રીડા સાથે પીડાનો પ્રાસ બેસાડીને જીતી જવાના પ્રયાસો છે. જીવનમાં માનવી હળવાશ અનુભવી શકે એ માટે એક સહજતાથી, ખેલદિલીથી રમતો રમવાની હોય. જે માનવી રમતમાં  હાર કે જીત ને સહજતાથી લઈ શકતો નથી એ જીવનના અનેક સહન કરવા પડતાં ડીપ્રેશનોમાં પણ સહજ રહી શક્તો નથી,ઝનૂની થઈ જાય છે. તને ખબર છે, આપણે ત્યાં ‘રમત-ગમત’ એ શબ્દપ્ર્યોગ થાય છે. સાર્થકની રમતમાં ફકત ને ફકત રમત જ છે, ગમતનો સાવ જ લોપ થઈ ગયો છે, ગમતની જગ્યાએ હિંસા, સ્વાર્થીપણું, ઇર્ષા જેવા પાસાં જોડાઈ ગયાં છે, હું આ વ્યક્તિ સાથે કોઇ પણ હિસાબે આખું જીવન પસાર ના કરી શકું.’

ને રુપાલી વિચારમાં પડી ગઈ, સાર્થકની અંચઈ જોઇને એના મનમાં પણ ધ્રુતિના વિચારો જેવા જ પડઘાં  પડેલાં એટલે એની વાત નકારી કાઢવાને કોઇ મજબૂત દલીલ એની પાસે પણ નહતી.

અનબીટેબલઃ રમત ગમત આપણા જીવનનો આઈનો છે.

Sneha patel.

Sachu Shu me khotu shu !


​સાચું શું ને ખોટું શું !
कोइ नहीं जो पता दे दिलो की हालत का,

कि सारे शहर के अखबार है खबर के बगैर !

-सलीम अहमद !

ડિસેમ્બર તો ક્યારનો ચાલુ થઈ ગયેલો હતો પણ આ વખતે શિયાળા જેવું વાતાવરણ જામતું જ નહતું. આખો દિવસ ગરમી અને મોડી રાતે ઠંડી. આમ બેવડી ઋતુમાં લોકોની તબિયતની વાટ લાગી ગઈ હતી અને શિયાળો હતો કે રિસાઈને બેઠેલો તો પૂરી રીતે બેસવાનું નામ જ નહતો લેતો. 

આજે સવારે છ વાગે ઉઠીને ગેલેરીમાં જતાં જ પૂર્ણાને અલગ જ અનુભૂતિ થઈ. બે હાથની હથેળી ગેલેરીની પાળ પર ટેકવીને , પોતાનું નાજુક વદન થોડુંક ઉંચુ કરીને સૂર્ય સામે ધરીને આંખો બંધ કરી લીધી, કરી લીધી એના કરતાં આપોઆપ આંખો ખુશીમાં બંધ થઈ ગઈ એમ કહેવું વધુ  યોગ્ય લાગે જો કે ! પૂર્ણાના ગોરા ચહેરા પર રશ્મિ કિરણો અટકચાળા કરીને રમવા લાગ્યાં અને ગુલાબી ઠંડીમાં એ કિરણો પોતાની દીકરી પરીના મુલાયમ હાથ ફરતો હોય એવી ખુશી આપવા લાગ્યાં. ‘હા, હવે શિયાળો યોગ્ય રીતે બેસી ગયો લાગે છે.’ ને એ મનોમન ખુશ થઈ ગઈ. શિયાળો એટલે એની પ્રિય ઋતુ ! રોજ  કરતાં આજે ચા માં આદુ -ફુદીનો વધારે નાંખ્યા અને ચા બનાવીને સમીરને  બૂમ પાડી. થોડી વારમાં એ સુખી જોડું ડાઇનીંગ ટેબલ પર બેસીને ગરમાગરમ ચા ની ચુસ્કી સાથે સંવાદ કરીને હૂંફાળા દાંપત્યજીવનની મજા માણી રહ્યું હતું.

‘સમીર, આ કર્ણનો કેસ જરા વધારે લાંબો નથી ખેંચાતો ?’

કર્ણ સમીરનો ખાસ મિત્ર !

‘હા પૂર્ણા, પણ અમુક વાતો જ એવી હોય છે કે એને આપણે થોડો સમય આપ્યે જ છૂટકો. સમય ધીમે ધીમે ઘાવ પર મરહમ લગાવે અને વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર સંજોગોને આધીન થાય છે. એમાં આપણે કશું ના કરી શકીએ.’

‘ દુર્ગાને આજે ઘર છોડીને ગયે લગભગ આઠ મહિના જેટલું ના થઈ ગયું. લગભગ ગયા એપ્રિલ મહિનાની છઠ્ઠી તારીખે એ ઘર છોડીને જતી રહેલી. યાદ છે આપણે એ વખતે આબુ ગયેલાં હતાં ને આ બનાવ બન્યો હતો.’

‘હા, લગભગ એટલો જ સમયગાળો.’

‘આટલા સમયથી તમે બધા મિત્રો કર્ણભાઈને સમજાવો છો ક હવે દુર્ગાને સમજાવવાના પ્રયત્નો છોડી દો અને એની પાછળ જે સંસારમાં છોકરાંઓ મૂકીને ગઈ છે એમની પ્રત્યે ધ્યાન આપો. પણ કર્ણભાઈ છે કે કશું સમજવાનો પ્રયત્ન જ નથી કરતાં. વારંવાર એ દુર્ગાને ફોન કરી કરીને પોતે બદલાઈ ગયાં છે, હવેથી ઘરમાં દુર્ગા જે કહેશે એમ જ થશે જેવો રાગ આલાપ્યાં કરે છે. વળી એના માતૃપક્ષના સભ્યો પણ એમની જાણે કોઇ જ જવાબદારી ના હોય એમ બેફિકરાઈથી જીવે છે. પહેલાં મને એમ કે દુર્ગાની વાત સાંભળ્યાં સિવાય આવા કેસમાં આપણે કોઇ જ જાતનું જજમેન્ટ ના લઈ શકીએ. પણ હવે આટલા વખતના અનુભવ પછી તો વાત એકદમ દીવા જેવી ચોખ્ખી નિહાળી શકાય છે કે દુર્ગાને આ સંસારની જવાબદારી એક તકલીફ જેવી લાગતી હતી અને ભગવાનની સેવાના નામે આ બધામાંથી ભાગી જ છૂટવું હતું.’

‘હા પૂર્ણા, કર્ણએ નોનવેજ-શરાબ બધું છોડી દીધું છે તો હવે દુર્ગા એને સિગરેટ છોડવાની વાત કરે છે. એ એનાથી એકદમ છોડાય એમ નથી નહીંતો કર્ણ એ પણ કરવા તૈયાર છે. વળી કર્ણ જેવો સમજદાર પુરુષ તો બહુ નસીબવાળી સ્ત્રીઓને જ મળે. સમજુ, કેરીંગ અને ખાસ્સું કમાતો ધમાતો માણસ છે. એનાથી રિસાવાનું કે એની વિરુધ્ધ કોઇ જ ફરિયાદ કરવાનું કારણ શોધ્યું ય ના જડે. પણ દુર્ગાભાભી…કર્ણ પાગલની જેમ દર અઠવાડીએ એને મનાવવા એના આશ્રમ  ઉપર જાય છે તો ભાભી વધુ ને વધુ નફ્ફટ થતાં જાય છે. આ જેટલું નમતું જોખે છે એટલું પેલાં વધુ દબાવે છે.એના ફોન ઉપાડવાના ય બંધ કરી દીધાં છે ને જરુર હોય ત્યારે ફોન કરીને પૈસા મંગાવે, કપડાં મંગાવે…કર્ણ બિચારો નોકરી ધંધો છોડીને એ બધું આપવા ય જાય છે.’

‘એ જ તો હું કહું છું સમીર, કે હવે જરા વધુ પડતું નથી થઈ રહ્યું. દુર્ગાને પાછું ના જ આવવું હોય તો કર્ણભાઈએ કાયદાકીય પગલાં ના ભરવા જોઇએ.’

‘ભરવાં જ જોઇએ.’

‘લો,તમે મારી વાત સાથે સંમત તો થાઓ છો પણ કર્ણભાઈને સમજાવવાની વાત આવે ત્યારે ચૂપચાપ એમની દરેક કાર્યવાહીમાં સાથ આપો છો, એમની હા માં હા મિલાવો છો. એમને સમજાવતાં કેમ નથી કે, ; એ જે કરી રહ્યાં છે એ ખોટું કરી રહ્યાં છે. હવે બસ – બહુ થયું. એ બાજુનો રસ્તો છોડીને એમના સંતાનો પર ધ્યાન આપે, બે ય છોકરાં બિચારાં કેવા લેવાઈ ગયાં છે મા વિના…’

‘દુર્ગા, હું ય જાણું છું કે કર્ણ હવે ખોટાં વલખાં મારી રહ્યો છે. પણ એની હાલત એવી છે કે એ કોઇના સમજાવ્યે નહીં સમજે. મેં અગાઉ પણ કહું કે એને એના જીવનની આટલી મોટી દુર્ઘટનાને સ્વીકારવા માટે થોડો સમય આપવો જ પડશે. અંદરખાને એ પણ જાણે છે કે એ જે કરી રહ્યો છે એ ખોટું અથવા તો સાવ જ  બેમતલબ વર્તન છે. એક મિત્ર તરીકે મારી ફરજ છે કે આવા સમયે એ તૂટી ના પડે બસ. એ પોતાની જાતને સંભાળી શકવા માટે સજ્જ થાય ત્યાં સુધી મારે એની હા માં હા અને ના માં ના કર્યા સિવાય કોઇ છૂટકો જ નથી ડીઅર. બધા એને સમજાવ સમજાવ કરે છે એનાથી એ ઓર થાકી જાય છે. એણે લોકોની સાથે પોતાના વિચાર શેયર કરવાનું જ છોડી દીધું છે. હું ચૂપચાપ એની વાત સાંભળું છું એટ્લે એ મારી પાસે બધું બોલીને દિલ હલ્કું કરી શકે છે. આવા સમયમાં એને માત્ર એટલી જ જરુર છે, મારે બહુજ સાવચેતીથી વર્તન કરવાનું છે. સમય આવે અને જ્યારે એ મને પૂછશે કે,’સમીરભાઈ, હવે શું લાગે છે ? શું કરવું જોઇએ ?’ ત્યારે મારી પાસે મારો જવાબ તૈયાર જ હશે,’ કે કર્ણ ભાઈ ,આ પાર નથી થવાતું તોહવે પેલે પાર થઈ જાઓ.’પણ એ બધું ત્યારે કે જ્યારે આ ઝાટકામાંથી બહાર નીકળે અને પેલે પાર જઈને તરવા માટે સક્ષમ બને.એના ઉપર એના કુટુંબની જવાબદારીનો બોજ છે, એ અધરસ્તે ડૂબી જાય એ તો કોઇ રીતે ના પોસાય. સવાલ માત્ર કર્ણ અત્યારે સ્ટેબલ થાય એનો જ છે. સાચું શું ને ખોટું શું ? એનો નહીં. ‘

અને પૂર્ણા પોતાના પ્રેમાળ પતિની સમજદારી ઉપર વારી ગઈ. તાજા જ ઝીલેલાં રશ્મિકિરણોની હૂંફ એના નયન વાટે સમીરના વદન પર ફેલાવા લાગી.

અનબીટેબલઃ મિત્રની ઝીણીઝીણી લાગણીનું જતન કરીને રખોપા કરવા એ જ સાચી મિત્રતા !

– સ્નેહા પટેલ