લખતાં લખતાં મારા વિચારો એની જાતે જ એક વ્યવસ્થિત માળખામાં બંધ બેસતા જાય છે, જાણે એક માળામાં ધીમે ધીમે બધા મોતી પૂરોવાતા જતાં હોય! લખાઈ ગયા પછી વાંચવા બેસું તો મને પોતાને પણ મારા મગજની સુવ્યવસ્થિત ગોઠવણ પર નવાઈ લાગે છે ! લેખક તરીકે તો પછી પણ અભિવ્યક્ત થવાની આ લાલસાએ પણ લખવાનું ચાલુ રહે છે. કદાચ લખવું એ વન-વૅ જેવું ક્ષેત્ર હશે, એક વાર એમાં પ્રવેશ્યાં એટલે સદા એમાં આગળ જ ધપતા રહેવું એ એક મજબૂરી બની જતી હશે. જોકે આ દેખીતી મજબૂરી પણ ખરા અર્થમાં તો દિલની શાંતિ જ હોય છે. લખવું , અભિવ્યક્ત થવું એ મેં કોઈ જ મંદિરમાં ગયા વગર, હાથ લંબાવ્યા વગર ઈશ્વર પાસેથી મેળવી લીધેલો અમૂલ્ય પ્રસાદ છે. વહી શકવાની આ તાકાતમાં હું મારું સઘળું ય વહાવી શકું છું..સાવ તળિયા સુધી ખાલીખમ થઈ શકું છું. અદભુત સમાધિનો અહેસાસ કરી શકુ છું. થેન્કયુ ભગવાન… થેન્કયુ વેરી મચ. -સ્નેહા.
As I write, my thoughts come to rest in a neat structure, as if all the pearls are slowly being filled in one nest! If I sit down to read after writing, I find myself amazed at the well-organized arrangement of my brain! Even as a writer, he continues to write with this desire to express himself. Maybe writing will be a one-way field, once you get into it, it will become a compulsion to keep moving forward. However, even this apparent compulsion is in the true sense a peace of heart. Writing, being expressed is an invaluable offering I have received from God without going to any temple, without extending my hand. In this power of being able to flow, I can do my best .. I can be emptied to the bottom. I can feel wonderful samadhi. Thank you God ... thank you very much. -sneha.
‘હું સમગ્ર સૃષ્ટિનું જન્મસ્થાન છું. સમગ્ર જગત મારા થકી જ પ્રવૃતિમય છે. આ વાત સમજીને શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને ભાવુક ભક્તજનો મારી, પરમેશ્વરની જ નિત્ય ઉપાસના કરે છે.’
શુભ સવાર સખૈયા,
રોજ સવારે મારી નજરે અનેકો નવા ચહેરા અથડાય છે. નાનપણથી આ નિત્યક્રમ અચૂકપણે જળવાતો આવ્યો છે. લગભગ ચાલીસ વર્ષની મારી જિંદગી (હા હવે,બહુ હસ મા. અમે કાળા માથાના માનવી તો સામાન્ય વાતો જ કરીએ ને ? અમારું જીવન વર્ષોમાં જ ગણાય તારી જેમ યુગોમાં નહીં , વળી અમે તારી જેમ વટથી એમ ના કહી શકીએ કે ‘ જ્યારે ધરતી પર પાપનો ફેલાવો વધી જાય ત્યારે હું ફરીથી અવતરીશ’. અમારે ભાગે તો જ્યારે જે સમય આવે એને માન આપવું પડે, એ રીતે જ ચાલવું પડે ને ! ) હા, તો હું શું કહેતી હતી કે, ‘મારી ચાલીસ વર્ષની જિંદગીમાં રોજ સવારે રસ્તા પર નજર દોડાવતા કાયમ નવા ચહેરા દેખાય, દેખાય ને દેખાય જ’. હવે ચાલીસ વર્ષ એટલે ૩૬૫ ગુણ્યાં ચાલીસ એટલે લગભગ ૧૪,૬૦૦ દિવસ. એમાં આપણે ધારી લઈએ કે મેં રોજના કમ સે કમ ૧૦૦ નવા ચહેરા જોયા હોય તો આજે એની સંખ્યા કેટલી થવા જાય!
હવે તું ગણ, થોડી તસ્દી લે અને ગણતરી માંડ. આ તો ફકત હું માણસોની જ વાત કરું છું. પશુ, પંખી, ફૂલો એ બધાંની તો કોઇ ગણત્રી જ નથી કરતી. તે હેં સખૈયા, આ મારી આજુબાજુની નાની શી જિંદગીમાં હું રોજેરોજ આ નવા નવા ચહેરાઓના દર્શન કરી શકુ છું, આટલું નાવીન્ય અનુભવી શકું છું એ એક અદભુત વાત નથી ?
આ પ્રશ્ન કદાચ હું કોઇ કાળા માથાના માનવીને પૂછીશ તો એને હું પાગલ લાગીશ. હકીકતે અજ્ઞાનતાના સમંદરમાં ગોથા લગાવી લગાવીને જીવતા સામાન્ય દ્રષ્ટિવાળા લોકોને પોતાની અજ્ઞાનતા સમજવા, સ્વીકારવાનો સમય જ નથી મળતો. એ તો બસ ડૂબી ના જવાય એના પ્રયાસોમાં તર્યા કરવાના શ્રમમાં જ રચ્યા પચ્યા રહે છે.
જ્યારે હું રહી સ્વશોધક !
માસ્ટરવર્ક ! ડૂબીને ય તરી જવાનું આવડે છે મને! આ સ્વશોધની પ્રક્રિયામાં થોડી જીદ્દી બની ગઈ છું એવું લોકોને લાગે છે પણ હકીકત તો તું જાણે છે ને ?
અગ્નિ, જળ, વાયુ,આકાશ અને પૃથ્વીતત્વના ગુણો ધરાવતો વ્યક્તિ મને મળી જાય તો હું તરત એને મારો ગુરુ માની લઉં. પણ ભીતરમાં સતત દીવો પ્રજવલ્લિત રાખી શકે, સતત અમીનીતરતી આંખોથી જ નિહાળે..જેની ચેતના ક્યાંય ના બંધાતી હવા સાથે જોડાયેલી હોય, આકાશની જેમ અફાટ, અસીમ હોય અને ગમે એટલી ઉંચાઈએ પહોંચીને પણ ફકત વિકસવાને જ મૂળકાર્ય સમજીને પણ પોતાના મૂળ તો જમીનમાં જ ખોડી રાખતો હોય એવો ગુરુ મળવો મુશ્કેલ છે અને એથી જ હું કોઇની વાત આસાનીથી માની નથી શકતી કે જે પણ વિચારું એ બધું કોઇને કહી નથી શક્તી. મારે તો હું ભલી ને મારો સખૈયો તું ભલો. મને તો તું કાયમ મારી આસપાસ સંપૂર્ણપણે ચેતનવંતો જ લાગે છે. તારી એ ચેતનાને કારણે જ આજે હું તને આ પ્રશ્ન પૂછી શકી છું કે, ‘રોજ રોજ નવા નવા ચહેરા દેખાય એ અદભુત વાત નથી ?’
અને પછી આંખો મીંચીને તારા ઉત્તરની રાહ જોવું છું. મને ખબર છે તું મારી વાત પર પહેલાં કાયમની જેમ હસીશ જ પણ પછી મ્રુદુ હાસ્યના ફૂલો વેરીને તું મને ઉત્તર પાઠવીશ જ. તારી પાસે મારી વાત માન્યા સિવાય કોઇ રસ્તો જ ક્યાં છોડું છું હું ! તને બાંધવા માટે મારી પાસે ‘લાગણીપાશ’નું એક અદભુત શસ્ત્ર જે છે .. હા, તો હવે તું શું કહે છે એ સાંભળવામાં ચિત્તને લગાવું છું.
હવાના ઝાંઝર પહેરીને રણઝણ ચાલે તું મારી પાસે આવે છે હું સાંભળી શકું છું. સૂર્યકિરણોની ગરમીમાંથી તારા નેહ-અમી પસાર થઈને આકાશના ફલક પર સતરંગી મેઘધનુ બનાવી દે છે અને એની પાછળથી તારી દિવ્યવાણીના સૂર રેલાય છે. તું પણ પાછો મોટો કલાકાર, તારી વાણીમાંથી મને એક જ જવાબ સંભળાય છે કે,
‘ આ બધી કડાકૂટ રહેવા દે ને સખી, બધી વાતોનો મર્મ જાણી લેવામાં કોઇ જ મજા નથી. જે જેમ છે એને એમ જ સ્વીકારીને શાંતિથી અચરજથી ભરપૂર જિંદગી જીવ ને ! શું કામ દરેક પ્રશ્નોના ઉત્તર શોધવાની પળોજણમાં પડવાનું !’
હા, હવે હું બરાબર સમજી ગઈ, આ સૃષ્ટીના અચરજને દિલ ખોલીને માણીશ અને ફકત માણીશ જ. એના રહસ્યોના તાગ મેળવવાનો પુરુષાર્થ કરીને એની સુંદરતા નહી મારી કાઢું !
‘આ મારા હાથમાં મોટા મસ થોથાં જેવું શું છે જાણે છે સખૈયા ? આ ધર્મનું પુસ્તક છે. મારા દાદીએ મારા મમ્મીને આપેલું ને મારા મમ્મી મને વારસામાં આપીને ગયા. પણ ખબર નહીં કેમ…મને એ પુસ્તકમાં સહેજ પણ રસ નથી પડતો. વાંચવાનું તો ઠીક પણ મને તો એ પુસ્તક ખોલવાનું સુધ્ધાં મન નથી થતું. એવું કેમ હશે મને સમજાવ ને જરા ! હું નાસ્તિક તો નથી એ તું બરાબર જાણે છે. મારું દિલ ના પાડે એવું કોઇ જ કામ હું નથી કરતી.
‘મન હ્રદયનો જ ધર્મ પાળે છે, હું અહીં ફૂલછાબ પેઠે છું.’
આવો એક શે’ર પણ મેં હમણાં જ મારી ગઝલમાં લખેલો. આ દિલના ધર્મથી વધુ શું હોઇ શકે સખા હેં ?
મને ખબર છે કે મોટા ભાગના લોકો ભયની કે અણગમતી સ્થિતીમાં આવી પડે ત્યારે જ તને યાદ કરે, રાવ નાંખે તો સખા એ નિરાધારની સ્થિતીમાં, ‘તું એક જ મારો તારણહાર’ બોલવાનો – માનવાનો શું અર્થ ? ભયની દુનિયામાં ધર્મના થાંભલાની સ્થાપના કરે છે અને પછી કચકચાવીને, આંખો બંધ કરીને એ થાંભલાને વળગી પડે છે, ઘેટાં-બકરાંની ખાલ પહેરીને ટોળાંઓમાં ચાલ્યાં જ કરે છે. કોણ કોની આંખે કયું સત્ય નિહાળે છે એ જ મને નથી સમજાતું. કોઇની આંખ થોડી ઘણી પણ ખુલ્લી હોય તો વળી એ આ ટોળાંનો માલિક બની બેસે છે – ‘ધર્મગુરુ’ નામનું અલંકાર સજી લે છે અને પછી ઇશ્વરના દૂત બનવાને બદલે પોતે જ સ્વયં ઇશ્વર બનીને બેસી જાય છે.એમના રાજ્યમાં પછી નકરી સંકુચિતતા અડ્ડો જમાવીને બેસી જાય છે અને ધર્મના નામે કીડાઓથી ખદબદતું, વાસ મારતું ખાબોચિયું બની જાય છે. સખૈયા, તારામાં રસ પડ્યાં પછી મને દુનિયાના બધા રસ ફીક્કાં લાગે છે એ તો તું જાણે જ છે ને. તારા સ્મરણ માત્રથી મારું તનબદન, મન, આત્મા સુધ્ધાં પવિત્ર થઈ જાય છે અને હું મહેંક મહેંક થઈ જાઉં છું. તો આ ટોળાંઓ ગંધાઈ ઉઠે ત્યારે એમને એ નહીં સમજાતું હોય એ ગંધાઈ ઉઠવું એ તો માત્ર કચરાંનો જ ગુણધર્મ છે, જો એમની કાર્યશૈલી યોગ્ય અને માનવહિતના રસ્તે હશે તો એમને ચોક્કસ આનંદની અનુભૂતિના અત્તરની પહેચાન થશે જ, મન મોરના પીંછા જેવી હળવાશ અનુભવશે, ચોતરફ સંતોષ..સંતોષ અને દિવ્ય આનંદ જ વહેતો હશે. પણ ના એમને તો આવી કોઇ પડી જ નથી એ તો કાયમ ધર્મના ઇતિહાસની દુહાઈ આપવામાંથી જ ઉંચા નથી આવતા. પરિવર્તનની હવાનો તો એ લોકો કદી શ્વાસમાં સ્વીકાર જ નથી કરતાં પરિણામે એમનું તન જડતામાં જ બંધનમુકત રહે છે. ધર્મનો ઇતિહાસ ચકાસવાની વૃતિને છોડીને એના વર્તમાનમાં રસ કેમ નહીં લેતા હોય ? કાયમ એમની પ્રાર્થનામાં ભૌતિક ચીજવસ્તુઓની માંગણી કરી ને ચૂપચાપ તારી સમક્ષ અપેક્ષાઓના જંગલ ખડકીને ઉભા રહી જાય છે. હાથ પણ હલાવવો નથી અને સિધ્ધીઓની કામના કરે છે -‘सिद्धिमायातु’ ! બધો બોજો તારા પવિત્ર ખભા પર જ તો. બધું ય તું કરી આપ. એની બધી તકલીફો તું લઈ લે….બધું તું..તું ને માત્ર તું જ કર….અમે તો નિર્બળ, પરાધીન, બેબસ, બિચારા..ઉફ્ફ!
સખૈયા, તું આટલી જક્કી , ઢગલાંબંધ,સ્વાર્થી અપેક્ષાઓના બોજાંથી થાકી નથી જતો, તારું મન પણ કોઇ પવિત્ર, નિર્મળ,નિઃસ્વાર્થ,પફુલ્લિત કરી દે એવી પ્રાર્થના નથી ઝંખતું. કદાચ તારે એવી જરુર નહી જ પડતી હોય, મને એવું જ લાગે છે અને એટલે જ તું ભગવાન છું, હું તારી તકલીફો સમજી શકું છું સખા. તું મારી કલ્પના નહીં અનુભવનો , અનુભવની તીવ્રતાનો વિષય છું – તારી પ્રત્યેની મારી આસ્થા એ ફક્ત તારી અને મારી વચ્ચેની વાત છે, આખી દુનિયાને બતાવવા થતા ક્રિયાકાંડ નહીં ! બે હાથ જોડ્યાં વિના ય હું તો તને કાયમ નતમસ્તક જ !
સખૈયા- કેમ છે મારા વ્હાલાં? હું થોડો સમય તારાથી દૂર થઈ ગઈ હતી એના માટે માફી માંગું છું, પણ સખા તારાથી દૂર થવા પાછળનું એક કારણ હતું, શું – એ તો તું જાણે જ છે ને ? તારાથી શું છુપું હોય વળી?
મારા જીવનદાતા – મારા પૂજ્ય પિતાજી- મારા જીવનદાતાનું મૃત્યુ થયું અને હું અંદરથી ભાંગી ગઈ – થોડી હાલી ગઈ. થોડા સમય પહેલાં અચાનક જ તેં મારી માતાને તારી પાસે બોલાવી લીધેલી અને ટૂંકા સમયમાં પિતાજીને પણ.. વારું, હવે બોલાવી જ લીધા છે તો એમનું – એમના આત્માનું ધ્યાન રાખજે, મારી ભલામણોની થોડી લાજ રાખજે હોં કે!
આમ તો હું કદી તારી પાસે કશું માંગવાની ઇચ્છા ના રાખું, પણ આ વાત એવી છે કે એમાં મને તારા સિવાય કોઇ જ મદદ ના કરી શકે. મને એ પણ ખબર છે કે મારા માતા-પિતાને એમના કર્મોને યોગ્ય ફળ જ ભોગવવું પડશે અને પછી તેઓ કોઇક નવા વાઘા પહેરીને નવો જન્મ લઈને આ પૃથ્વી પર પરત ફરશે. વળી મૃત્યુ વિશે – એના પછીની અવસ્થા વિશે નાનપણથી મેં જાત-જાતનું ને ભાત-ભાતનું સાંભળ્યાં જ કર્યું છે એમાં કેટલું સાચું – કેટલું ખોટું મને કશું જ નથી ખબર ! જેટલાં માણસો એટલી કલ્પનાઓ હોય, જેને જે ઠીક લાગ્યું હોય – જેના થકી પોતાના દિલને થોડી શાતા મળતી હોય એ વાતોને એમણે માન્ય રાખી હોય એવું બની શકે. મને પણ આ ‘આત્મા અમર’વાળી વાત જચી ગઈ અને મારા દિલને સમજાવવા માટે આ બહાનું ઠીક લાગ્યું એટલે માની લીધું બાકી સાચું ખોટું તો તું જાણે !
અરે, મૂછમાં હસીશ મા ! મને ખબર છે કે તું શું વિચારે – એમ જ ને કે, ‘પગલી,એમ તો તેં મને પણ ક્યાં જોયો છે ! ફકત મારી કલ્પનાઓ જ કરી છે ને મારા વિશે વિચારી વિચારીને મારી સંગાથે વાતો જ કર્યા કરી છે ને – હું તો સાવ પગલી જ!’
‘સખૈયા, તું પગલી કહે તો હું પગલી, મંજૂર. હું તને ખૂબ જ ચાહું છું. ઘણી વખત દુનિયા તારા અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે ને મને સમજાવવા આવે છે કે, ‘તું કદાચ મારા મનનો ભ્રમ પણ હોઈ શકે’. મારા પ્રેમમાં આ ‘કદાચ’ જેવો શબ્દ મને થોડો ખટકે છે. તું છે કે નથી એવા કોઇ જ વિચારોની ઝંઝટમાં હું પડવા નથી માંગતી. મારા માટે તો તું મારો સૌથી અંતરંગ સખૈયો છે બસ, વાત ત્યાં જ પૂર્ણ. અલ્પવિરામ, વિરામચિહ્ન જેવું કશું જ મને ના ખપે – ખપે છે તો ફકત ને ફકત દીર્ઘ સંતોષવાળું પૂર્ણવિરામ ! કારણ, સખૈયા, હું પ્રેમ કરવા માટે જ જન્મી છું. મારી અંદર અનંત પ્રેમની ગંગા વહે છે, એ ગંગા મારે વહાવવી જ પડે – એનો મારી પાસે કોઇ બીજો રસ્તો જ નથી. હું પ્રેમ ના કરું તો કદાચ હું જીવીત નહીં રહી શકું – કદાચ નહીં – ચોકકસપણે જ ! જે ક્ષણોએ એ ‘વહેવું’ બંધ થાય એ ક્ષણે મારા શ્વાસોછવાસ બંધ થઈ ગયા છે એમ સમજી લેજે !
પ્રેમ કરવાથી મને એક અજબ જોમ મળે છે, અદભુત તરંગો મળે છે. ‘પ્રેમ’ ની વ્યાખ્યા કરવા માટે કાયમ શબ્દોની શોધમાં રહેતા લોકો ઘણીવાર મને વામણાં લાગે છે, એમને એક વાર કહેવાનું મન થઈ જાય છે કે, ‘ભલા માણસ, પ્રેમને જીવવાનો હોય, એને જીરવતાં શીખવાનું હોય. એના જેવી પ્રચંડ શક્તિને તમે શબ્દોના ખાબોચિયામાં ક્યાં બાંધવા બેસો છો ? એમાં ક્યાં સમય વેડફો છો !
પ્રેમ કરતાં જે અનુભવ થાય એ તો વર્ણવવું શક્ય જ નથી , આ જે લખ્યું એ બધું તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી સમ જ છે ! એનો સ્પર્શ થાય ત્યારે મારા મનમાં ચોવીસ કલાક મંદ સપ્તકના ઘેરાં ઘેરાં સૂર વહ્યાં કરે છે, એક અનોખી ચેતના મારા રુદિયાને, રોમેરોમને પ્રકાશી દે છે, મનના પેટાળમાં સુસુપ્ત અવસ્થામાં વસેલી સર્વ આહલાદક વીજળીઓ પળભરમાં ચેતનવંતી થઈને ખિલખિલાટ હસીને બીજીવારના પ્રેમભર્યા અનુભવની રાહ જોતી’ક ને પાછી નિંદ્રામાં પોઢી જાય છે , કોઇ કાનમાં આવીને મહામંત્ર ફૂંકી જાય છે અને હું ઘેલી બનીને એનો જાપ કરતી કરતી મારી મસ્તીમાં મસ્ત બની જઉં છું . મારી દુનિયા ત્યાં જ સ્થગિત થઈ જાય છે. હું કોણ – તું કોણ ને દુનિયા શું – બધું ય ભૂલી જઉં છું. કશું જ યાદ નથી રહેતું ને હું યાદ રાખવું – ભૂલી જવું જેવા વ્યર્થ પ્રયત્નોથી મુકત થઈને ઝૂમ્યાં જ કરું છું. ચારેકોર હોય છે તો ફકત શૂન્યતા – પરમ શૂન્યતા જ્યાં હું હળ્વી ફૂલ થઈને મોરપિચ્છની જેમ હવામાં તર્યા કરું છું, વાંસળીના સૂરની જેમ બજ્યાં કરું છું.
હવે અહીં જ અટકવું પડશે સખૈયા – કારણ મારી એ સર્વોચ્ચ આનંદની સ્થિતી વર્ણવતાં હું એ સ્થિતીમાં જ પહોંચી ગઈ અને એ આનંદ જતો કરવા હું સહેજ પણ તૈયાર નથી, તો આવજે – ટા..ટા…! મળ્યાં પછી આમ જ ! -સ્નેહા પટેલ.
સખૈયા..હે સખૈયા… કેમ છે ? અહીં તો રાતનો સમય છે. અમારા વિશ્વમાં તો તું જાણે ને – રાત પડે એટલે અંધારું જ થઈ જાય.આમ તો માંહ્યલી કોર જાતજાતનાં નૃત્યો થકી અંધારું તાંડવ ખેલતું જ હોય છે, પણ રાત પડે એટલે બહાર પણ અંધારુ થઈ જાય છે.
અત્ર – તત્ર સર્વત્ર અંધકાર.
અંધારામાં સામાન્યતઃ લોકોની આંખોમાં નિંદ્રાદેવી રુમઝુમતા પ્રવેશ કરીને પોતાનું શાસન સ્થાપી રુઆબ સાથે એમનો પ્રભાવ વિખેરવા લાગે ,પણ ખબર નહીં કેમ રાતના અંધારામાં મને તું સતત યાદ આવ્યા કરે છે! હું સતત એ અંધારામાં ઊંડી ઉતરીને તારો પ્રકાશ શોધવા મથામણ કરતી રહું છું. કોઇક વાર સફળ થાઉં છું ને કોઇક વાર નિષ્ફળ પણ જાઉં છું, પણ જ્યારે સફળ થઇ જાઉં ત્યારે જાણે જન્મારો સફળ થઈ ગયો એવું જ અનુભવું છું. આજે પણ અંધકારમાં મેં મારો એ પ્રયાસ ચાલુ કર્યોં. વિચારો બહુ વિચિત્ર હોય છે. જેટલાં દબાવીએ એટલાં વધુ જોરથી ઉથલા મારે ને મારા મગજમાં પણ આજે સવારે મેં જોયેલું એક દ્રશ્ય ઉથલો મારી ગયું.
સખા…લોકો કહે છે કે તું મંદિરમાં વાસ કરે છે, તે હેં – આ વાત સાચી કે ? અમારા ઘરની નજીક એક નવું મંદિર બન્યું હતું. હું બહુ દિવસથી ત્યાં ‘જઉં જઉં’ કરતી હતી પણ મેળ નહતો પડતો. આજે સવારે એ કામ પૂરું કર્યું. વહેલી સવારના ઊઠીને ઝાકળભીનાં વાતાવરણમાં હું મંદિરે ઉપડી જ ગઈ . સૂર્યદેવતાના કોમળ કિરણોમાં ચોમેર વાતાવરણ પણ પ્રફુલ્લિત જણાતું હતું જાણે આગલા દિવસના ઘોંઘાટનો થાક ઉતારીને આળસ મરડીને ના બેઠું હોય! આસોપાલવ, મોગરો, રાતરાણી જેવા વૃક્ષોના પાંદડાની ઝીણી ઝીણી મર્મર પણ સાંભળી – અનુભવી શકાતી હતી. ઠંડી ને નિર્મળ હવાનો સ્પર્શ થતાં રોમે રોમે ટેકરીઓ ઉપસી આવતી હતી – મનમાં આનંદના ઝરાં ફૂટી નીકળતાં હતાં. હું મારા સખાને મળવા જતી હતી ને !
મંદિરમાં તો તને આ લોકોએ કેદ કરીને રાખ્યો હશે એટલે મૂર્તિરુપે તો તું ત્યાં મળી જ જઈશ એવો વિશ્વાસ હતો. નહીંતર તું તો રહ્યો મારો મનમોજી મિત્ર – લાખ કાલાવાલા કરું તો ય ના આવે અને ફકત આંખ મીંચીને તને વિ્ચારી લઉં તો ય તું સાક્ષાત આવીને ઉભો રહી જાય.
મંદિરનું પ્રવેશદ્વાર અદભુત હતું. આરસમાં ઝીણી ઝીણી કોતરણી અને એમાં લાલ – લીલાં – ભૂરાં રંગો પૂરેલા હતાં. લાકડાંના નકશીકામવાળા મોટાં મસ કમાડમાં પિત્તળના ચકચકીત કડાં લટકતાં હતાં. મંદિરમાં અંદરની બાજુ ચોતરફ આરસ જ આરસ – શ્વેત ધવલ આરસથી સમગ્ર વાતાવરણ નિર્મળ ને પવિત્ર લાગતું હતું. છત પર ષટકોણની ડિઝાઈનમાં કાચ જડેલાં હતાં ને એની ફરતે લાલ ભૂરાં કલરની કોતરણીવાળાં લાકડાં. બે ખૂણામાં બે તોતિંગ ઘંટ લટકતાં હતાં અને સામે જ ભંડારાની પાછળ તું બિરાજમાન હતો..અહાહા.. મારો સખા સાક્ષાત! ગુલાબ, જાસૂદ, મોગરો જેવાં ફૂલોની ચાદર પર ધૂપસળીની ધૂમ્રસેરમાંથી તારા મુખારવિંદની આછી ઝલક જોવા મળી જ ગઈ. તારા મસ્તકની ફરતે અનોખી આભા નિહાળી આંખમાં હર્ષ, સંતોષના આંસુ આવી ગયા.
સખૈયા, એ ક્ષણે મને અફસોસ પણ થયો કે, “હું રોજ તારા દર્શન માટે અહીં મંદિરમાં કેમ નથી આવતી ?” આ વાતાવરણ કેટલું પવિત્ર , અલૌકિક છે અને શ્રધ્ધાથી મારી આંખો બંધ થઈ ગઈ , બે હાથ જોડાઈ ગયાં. મનનો તાર તારા તાર સાથે સંધાન કરવા જ જતો હતો ને મારું ધ્યાન ભંગ થઈ ગયું. બાજુમાં જ એક બેન એમના હાથમાં રહેલા પરચૂરણ સિક્કાં એક એક કરીને ભંડારમાં ખડકતાં જતાં હતાં. સિક્કાં ખલાસ થઈ જતાં એમણે એમના પર્સમાંથી સો સોની થોડી નોટ કાઢી અને મંદિરના એક એક ખૂણે જ્યાં પણ મૂકી શકાય ત્યાં એ નોટ મૂકવા લાગ્યાં. એમની ભક્તિથી દિલ ગદ ગદ થઈ ગયું.
‘દાનવીર કર્ણ.’
ત્યાં તો એ શેઠાણીએ એમની બાજુમાં રહેલાં ડ્રાઈવર જેવા માણસને મોકલીને એમની ગાડીમાંથી પૂજાપાનો મોટો થાળ મંગાવ્યો જેમાં ચુંદડી, પ્રસાદ ને સોના ચાંદીના દાગીના સુધ્ધાં હતાં. મંદિરમાં રહેલાં દરેક માણસની આંખો એ બેન પર સ્થિર થઈ ગઈ હતી. પૂજારી પણ એમના વૈભાવ, રુઆબથી ચકાચોંધ થઈને એમના ભણી દોડી ગયો અને તારા દર્શન માટેની લાઇનમાં ઉભા રહેલા લોકોને તદ્દન અવગણીને શેઠાણીજીને ‘આવો આવો’ કહીને આવકારવા લાગ્યો.
એનું વર્તન જોઇને મને એ ના સમજાયું કે એ પૂજારી માટે તારું સ્થાન ઉંચુ હતું કે પેલા શેઠાણીનું ? મારાથી તારી આ અવહેલના સહન ના થતાં હું તો તરત જ ત્યાંથી નીકળી ગઈ. એ અકળામણ અત્યારે રાતે મને સૂવા નથી દેતી. સખૈયા, મંદિર – એ દર્શન માટેની જગ્યા છે કે પ્રદર્શન માટેની ? મંદિર તો સ્વચ્છ અને પવિત્ર હોય એટલું જ કાફી છે ને ! વળી સાચા દિલથી જે પણ તારા શરણમાં આવતો હોય એના કપડાં – ઘરેણાં – ગાડીને કેમ પ્રાધાન્ય અપાય છે ? હૈયાનાં અત્તરથી મઘમઘતો માનવી આમ હાંસિયામાં ખસેડાઈ જાય અને ખોટા સિક્કાં જેવા માનવીઓ વૈભવના નકલી અજવાળાથી ચળક ચળક થયા કરે.. ઉફ્ફ..સખૈયા – તારા રાજમાં આવો અન્યાય ! આ બધું તું કેમ ચલાવી લે છે ? આંખો હવે ઘેરાઈ રહી છે. મગજ થોડું થોડું સૂન્ન થતું જાય છે. લાગે છે સજાગતાનો દોર પૂરો થવાની અણી પર છે. એક કામ કર સખૈયા – હવે તું મને સ્વપ્નમાં જ મળજે અને ત્યાં આવીને મને મારા આ સવાલનો ઉત્તર આપજે. હું રાહ જોઉં છું હાં કે.. સ્નેહા પટેલ.
હે પ્રભુ, હું ‘અવિનાશ’ છું. મારી ઉંમર 8 વર્ષ છે. હું એક મોટા ઘરમાં રહું છું. મમ્મી, પપ્પા, મોટીબેન અને દાદી મને બહુ વ્હાલી કરે છે, બહુ બધું સાચવે છે. હું રોજ સ્કુલે જાઉં, ભણું પછી ઘરે આવીને સોનુ, ગોલુ, પરી, ચકુ સાથે ક્રિકેટ, થપ્પો રમું, હોમવર્ક કરું, જમુ, દૂધ પીવું અને ટીવી જોઈને સૂઈ જાઉં છું. નાનપણથી કાયમ આવું જ કરું છું. સ્કૂલના ટાઇમટેબલની જેમ ઘરનું ટાઇમટેબલ પણ આમ ગોઠવાયેલ હતું, પણ છેલ્લાં થોડાં સમયથી આખી દુનિયામાં ‘કોરોના’ નામનું જીવડું ઘુસી ગયુ છે તો આ બધું જ બદલાઈ ગયું છે. ઘરનાં બધાં આખો દિવસ ‘કોરોના’ની જ વાતો કર્યા કરે છે. ટીવીમાં પણ એના જ સમાચારો આવ્યાં કરે છે. મને કશું સમજાતું નથી પણ આ લોકો મને વારંવાર હાથ ધોવાનું કહ્યા કરે છે એનો બહુ જ કંટાળો આવે છે. અમુક સમયે તો હું હાથ ધોવાની એક્ટિંગ કરીને એમને છેતરી દઉં છું. મને ઠંડી કે ગળી વસ્તુઓ ખાવાની સાવ મનાઈ કરી દીધી છે, એસી પણ નથી કરવા દેતાં. મને બહુ ગુસ્સો આવે છે. એક દિવસ આઇસક્રીમ ખાવાનું બહુ મન થતા રાતે બધા સૂઈ ગયા પછી છુપાઈને ફ્રીજમાંથી કાઢીને બે – ત્રણ વાડકી જેટલો ખાઈ જ લીધો, બહુ મજા પડી, પણ બીજા દિવસે તો મારું નાક જામ થઈ જતાં ઘરમાં ભૂકંપ આવી ગયો. હું ડરી ગયો. વિચારતો હતો કે હમણાં આ લોકો મને આવી ચોરી માટે ગુસ્સો કરશે, ખખડાવશે પણ મારી નવાઈ વચ્ચે એવુ કશું જ ના થયું ! એ લોકો મને તાવ છે કે નહીં એ ચેક કરવા લાગ્યાં ને વારંવાર, ‘ તું કાલે ક્યાં રમવા ગયેલો? રમતો હતો ત્યાં કોઈને શરદી ઉધરસ હતાં કે નહીં?’ જેવા વિચિત્ર સવાલો કરવા લાગ્યાં. પાછું એમાં ય પેલું શું હતું…હા…કોરોના નામના જીવડાનું નામ આવ્યું. મને બહુ સમજ ના પડી કે આ બધું શું થઈ રહ્યું છે પણ મનોમન ખુશ થઈ ગયો કે ચાલો, ‘બચી ગયા’. જોકે આજકાલ તો ઘણું બધું મને નથી સમજાતું એવું થઈ રહ્યું છે. પહેલાં તો હું બીમાર હોઉં તો જ મમ્મી પપ્પા મને ઘરની બહાર રમવા જવાની ના પાડતા પણ અત્યારે તો હું સાવ સાજો સમો છું! વળી સ્કૂલમાં ય પરીક્ષા લેવાયા વિના જ વેકેશન પડી ગયું. રજાઓમાં કાયમની જેમ ક્યાંય ફરવા,જમવા ય નહિ જવાનું, બહારથી કશું ખાવાનું ઓર્ડર પણ નહીં કરવાનું, કોઈ મિત્રો ય ઘરે રમવા નથી આવતા. આવું તે કઈ વેકેશન હોય ! અત્યારે બધા જ લોકો આખો દિવસ ઘરમાં હોય છે એની મને ખૂબ નવાઈ લાગે – આવું તો મેં ક્યારેય નથી જોયું ! પપ્પા નોકરી પર નથી જતાં કે કામવાળા લોકો ય ઘરમાં નથી આવતા. દીદી પણ એની કોલેજ, બહેનપણીઓ સાથે ફરવા, પિક્ચર જોવા, શોપિંગ કરવા નથી જતી. અરે હા, કાલે દાદીનું પ્રેશર ખૂબ વધી ગયું હતું, ઊલટીઓ થઈ ને ખૂબ ચક્કર આવતા હતા. દાદી આમ તો બહુ મજબૂત છે. આવું તો એમને દાદાને તું તારા ઘરે લઈ ગયો ત્યારે થયેલું. ખબર નહિ શું થયું છે એ આખો દિવસ ચિંતા ચિંતા કરે છે. મને તો બધું પેલું ગંદા ‘ કોરોના’ જીવડાનું જ કામ લાગે છે. મારા સુનિલકાકા અમેરિકાથી આવે ત્યારે મારા માટે ચોકલેટ, કપડાં ને રમકડાં લાવે પણ આ વખતે તો એમ જ આવી ગયા…આવતાં પહેલાં પૂછ્યું પણ નહીં કે, ‘ અવિ, તારા માટે શું લાવું?’ મને બહુ ખોટું લાગ્યું છે.. હું એમની કિટ્ટી કરી દઈશ એવું જ વિચારેલું પણ મમ્મી પપ્પા તો એમને મળવા જવાનું નામ જ નથી દેતાં કે નથી કાકા મળવા આવતા! આવું તો ક્યારેય નથી બન્યું. બધા બહુ બદલાઈ ગયાં છે! જ્યાં જોઈએ ત્યાં બધાં કોરોના – કોરોના જ કર્યા કરે છે. એનું નામ બોલતાં જ બધા બી જતા હોય એવું લાગે છે. કાલે તો મને સપનામાં પણ એ જીવડું આવેલું. હું ઊંઘમાં બી ગયેલો ને જોર જોરથી રડવા લાગ્યો હતો. મમ્મીએ દર વખતની જેમ tight hug કર્યું તો પણ બીક દૂર નહોતી થઈ. ભગવાન, સાચું કહું મને પણ હવે ‘કોરોના’ નામના જીવડાંની બહુ બીક લાગે છે. બીજા બધા જીવડાં હોય ત્યારે મમ્મી પેલું સ્પ્રે કરીને બધાને ભગાડી દેતી, ડોકટર અંકલ દવા આપીને કોઈ પણ રોગનો ઈલાજ કરી દેતાં.. પણ આ જીવડું બહુ ગંદુ છે, આયર્નમેન જેવી તાકાત છે. એને કોઈ જ અસર થતી નથી. વળી એ દેખાતું જ નથી..દેખાઈ જશે ને તો હું એને મારી બ્રાન્ડેડ ગન લઈને શૂટ કરી દઈશ. મને ‘કોલોના’ ઉપર હવે બહુ જ ગુસ્સો આવ્યો છે – તું મને ‘હલ્ક’ જેવો શક્તિશાળી બનાવી દે અને એ જીવડું ક્યાં છે એ બતાવી દે બસ.. જલ્દી જલ્દી કરજે..પપ્પા કાલે જ કોઈકને કહેતાં હતા કે દુનિયામાં ઠેર ઠેર રોજ રોજ બહુ બધા આ જીવડાંના કારણે મરી જાય છે. મારે બને એટલી જલ્દી આ આખી પૃથ્વીને બચાવવાની છે .. લિ. અવિનાશ -સ્નેહા પટેલ.
phoolchhab newspaper > 23-09-2015 > navrash ni pal column
છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે,
એમ લાગ્યું કે બસ મૄગજળ સુધી ચાલ્યા અમે !
– સુરેશ વિરાણી
‘દિત્સુ, આ સમાચાર વાંચ્યા કે ?’
‘શું છે ચાણક્ય , સવાર સવારમાં કેમ આમ બૂમાબૂમી કરી મૂકી છે તેં?’
‘આ તો તું રહી આધ્યાત્મિક જીવડો અને એ બાબતે મને આ સમાચારમાં કંઇક નવું લાગ્યું એટલે ઉત્સાહ વધી ગયો યાર, તને નહીં ગમતું હોય તો નહીં વાત કરું જા.’
અને ચાણક્યનું મોઢું પડી ગયું.
‘ઓહ મારો ચારુ, સોરી ડાર્લિંગ. મારો કહેવાનો મતલબ આવો નહતો. હું થોડી રસોઇ પતાવવાની ઉતાવળમાં હતી એટલે ‘વૉઇસ ટોન’ તને એવો લાગ્યો હશે. બોલ બોલ શું નવી નવાઈના સમાચાર છે ?’
અને ચાણક્ય એકદમ ઉત્સાહમાં આવી ગયો. પેપર ખોલીને પેજ નંબર પાંચ પર રહેલી ચોથી કોલમના ન્યુઝ દિત્સાને બતાવવા લાગ્યો.
‘આ જો, આ બાબા કેવા મહાન છે ! એ વર્ષોથી એકાંતવાસ ગાળે છે અને ચૂપચાપ સાધના કરે છે. આ સાધનાના પરિણામે એ બાબાને ઝાડ,પાન, ઝરણાં, પક્ષી..અત્ર તત્ર સર્વત્ર..બધ્ધે બધ્ધી જગ્યાએ ભગવાનના દર્શન થાય છે. કેવો ઉચ્ચકોટીનો આત્મા કહેવાય આ કેમ ? આપણે આવા લેવલે ક્યારે પહોંચીશું દિત્સુ ?’
દિત્સાએ ચાણક્ય પાસેથી પેપર લઈને ધ્યાનથી ન્યૂઝ વાંચ્યા. ચાણક્ય સાચું કહી રહ્યો હતો. બે પળ તો એ પણ વિચારમાં પડી ગઈ. દિત્સા બાળપણથી જ આધ્યાત્મમાં ખાસી રુચિ ધરાવતી હતી અને સદા એ આચાર વિચારોને જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ રહેતી હતી. એના એ જ સાદાઈભર્યા સ્વભાવને લઈને ચાણક્યને એ બહુ જ પસંદ હતી. પણ આ જે વાત કરી એવી તો દિત્સાના જીવનમાં ક્યારેય નહતી બની. એ પણ ભગવાનના દર્શનની ઇચ્છા ધરાવતી હતી, એના માટે ચાતક નજરે રાહ પણ જોતી રહેતી હતી. અચાનક એનો પાંચ વર્ષનો મીઠડો -એનો દીકરો એની સામે આવ્યો. એના હાથમાં ‘યૉ યૉ બોલ’ હતો.
‘મમ્મા, આ જુઓ તો આ લાલરંગનો બોલ ગોળ ગોળ ફેરવું છું તો પીળો બની જાય છે કેવું મેજીક છે ને!’
અને મીઠડો યૉ યૉ બોલને સ્પીડમાં હવામાં ગોળ ગોળ ફેરવવા લાગ્યો ને દિત્સા હસી પડી.
‘અરે બેટા, આ તો આપણો ભ્રમ – ઇલ્યુશન છે. બોલ તો હકીકતે લાલ જ છે. એને ઝડપથી ફેરવે એટલે એ પીળો કલરનો લાગે’ આટલું બોલતાં બોલતાં તો દિત્સુના મગજમાં કંઈક નવાઈની ક્લીક થઈ અને એ એક્દમ જ ખુશ થઈ ગઈ.
‘ઓહ મમ્મા, એવું હોય કે ? ‘ ને મીઠડાંના ભોળા મુખ પર અચરજના રંગ લીંપાઈ ગયા.
‘હા દીકરા,એવું જ હોય.’ અને દિત્સાએ મીઠડાંને નજીક ખેંચીને એના ગાલ પર પપ્પી કરીને વ્હાલ કરી લીધું.
‘ચાણક્ય એક કામ કર તો આ બાબાને આપણાં ઘરે આવવા માટે આમંત્રણ આપ તો, છાપામાં એડ્રેસ છે જ. મારે એમની સાથે થૉડી વાત, સત્સંગ કરવો છે.’
‘ઓકે મેડમ, જેવો આપનો હુકમ’ અને ચાણક્ય એ ફોન કરીને બાબાની બે દિવસ પછીની અપોઈન્ટમેન્ટ મેળવી લીધી.
બે દિવસ પછી,
‘અહાહા, શું સુંદર અને પોઝિટીવ વાતાવરણ છે દીકરા તારા ઘરનું , અહાહા… પગ મૂકતાં જ હું તો પ્રસન્ન થઈ ગયો ! ‘ બાબા દિત્સાના ઘરમાં પ્રવેશ કરતાં જ બોલી ઉઠયાં.
‘જી આભાર બાપજી.’દિત્સા સાવ ટૂંકાણમાં જ બોલી. જાતજાતના ફળાહાર કરાવીને શાંતિથી દિત્સા અને ચાણક્ય બાબાની સાથે બેઠાં.
‘બાપજી, એક વાત કહો તો. તમને આ જે વૃક્ષ, પહાડ, નદી બધી જ જગ્યાએ ઇશ્વરનો સાક્ષાત્કાર થાય છે એ વાત સાચી ?’
‘હા બેટા, મેં વર્ષોથી એનો અભ્યાસ કર્યો છે. તપસ્યા કરી છે એટલે આજે હું ઇશ્વરને જોઇ શકવા સક્ષમ થઈ શક્યો છું. બધી ઉપરવાળાની મહેરબાની.’
અને આટલું બોલતાં બોલતાં તો બાપજીનું મોઢું તેજથી, અનોખી આભાથી ભરાઈ ગયું.
‘અચ્છા બાપજી, તમે આજનો દિવસ અહીં મારા ઘરે રોકાશો ? પણ હા એક શરત – તમે ક્યાંય ઇશ્વરને શોધવાનો પ્રયત્ન ના કરતાં.’
દિત્સાએ ખૂબ જ ભાવપૂર્વક બાબાને આમંત્રણ આપ્યું અને બાબા એનો અસ્વીકાર ના કરી શક્યાં. સાંજે જમી કરીને થોડી વાતો કરીને નિત્યક્રમ મુજબ સાડા દસ વાગે બાબા ‘ગેસ્ટરુમ’માં સૂવા ગયાં.
સવારે દિત્સા ઉઠીને રસોડામાં ગઈ તો બાબા ઘરની ગેલેરીમાં ઉદાસ મોઢે બેઠેલાં દેખાયા અને દિત્સા ગભરાઈ ગઈ.
‘શું થયું બાપજી ? કેમ આમ ઉદાસ ?’
‘તમે મારા ઇશ્વર છીનવી લીધાં. કાલથી મેં બધે ભગવાનને શોધવાનો પ્રયત્ન બંધ કરી દીધો તો હવે એ મારાથી રિસાઈ ગયા. મારી વર્ષોની સાધના પર પાણી ફરી વળ્યું.’
અને દિત્સા ધીમું હસી પડી.
‘બાપજી એક વાત કહું. તમે જે ઇશ્વરને જોતાં હતાં એ તો તમારી કલ્પના માત્ર હતી. તમે તમારી નજર, દિમાગને એ રીતે જ ટ્રેઈન કરેલું પણ હકીકત ને કલ્પના બહુ અલગ હોય છે. તમારે નદી, ઝરણામાં ઇશ્વરને શું કામ શોધવાના ?’
‘મતલબ ?’
‘મતલબ એ જ કે તમારે એ લેવલે તમારી સાધનાને લઈ જવાની કે તમને ચોતરફ ફકત ને ફકત ઇશ્વર જ દેખાય. પ્રશ્ન એ થવો જોઇએ કે નદી – ઝરણાં ક્યાં ગયાં ? કારણ – જે છે એ તો બધું જ ભગવાન જ છે ! આ વાત, અનુભવ માણસ જ્યારે પોતાની જાતને ભૂલી જાય અને પોતાની અંદર જ ઇશ્વરને શોધવાનો યત્ન કરે ત્યારે જ શક્ય બને. આટલા વર્ષોના મારા ચિંતન, મનન પછી હું તો આટલું જ જાણી શકી છું. બાકી તો આપ વધુ અભ્યાસુ.’
‘હા દીકરી, અભ્યાસ તો વધારે છે પણ કોર્સ ખોટો હતો. હું તારી વાત સમજી શકું છું અને એની સાથે સર્વથા સહમત પણ થાઉં છું. મને રાહ ચીંધવા બદલ ખૂબ ખૂબ આભાર.’
અનબીટેબલઃ ઘણીવાર પ્રયત્નોથી ના મળે એ સહજતાથી જરુર મળી શકે.
-સ્નેહા પટેલ.
ઇચ્છાઓની પૂર્ણાહુતિના નશામાં ડૂબતાંડૂબતાં અચાનક પગ તળિયે અથડાઈ ગયા ને હું સ્તબ્ધ ! ઓહ, આ તો ઇચ્છાઓનું તળિયું આવી ગયું. મે તો ‘સખૈયા’એ ભરપૂર નિહાળી લીધો, આકંઠ છ્લકાઈ ગઈ. મારી તો દરેક ઇચ્છાનું પરમ રહ્સ્ય ‘સખૈયા’ના દર્શનમાં જ સમાયેલું, પણ હવે તો એ બધું જ ખતમ થઈ ગયું. ઇચ્છા – પૂર્ણાહુતિના ચકકર પતી ગયા તો હવે આગળ શું ?
વાંચો મારી કોલમ સખૈયો, માત્ર હું ગુજરાતીના અંક ૩૧માં.
આ અછાંદસ કાવ્યમાં સરળ અને સુંદર મજાની પ્રાર્થના સાથે કવિની ખુમારીના દર્શન થાય છે. પ્રાર્થના ઇશ્વર અને એના ભકત વચ્ચેની અતૂટ સંબંધનાળ છે. ભક્તે એના પરમપ્રિય ઇશ્વરને કદી સદેહે જોયો નથી. એ તો ફકત વિશ્વાસની કોમળ અને નાજુક દોરીથી એની સાથે બંધાયેલો છે. એ સતત સજાગ રહીને પોતાના એકાંતને ઇશ્વરની સ્તુતિ દ્વારા ભરી દે છે. પ્રાર્થના દ્વારા એ સતત પોતાના અંતરમનના શ્રધ્ધા-દીપમાં ઉંજણ કરતો રહે છે અને એ ધ્રુવતારકના ઓજસથી એનો જીવનમાર્ગ સહજ ને સરળ બની ગયેલો અનુભવે છે.
આમ તો આપણે એમ જ માનીએ – અનુભવીએ છીએ કે પ્રાર્થનામાં સુંદર મજાનો લય અને શબ્દો હોય તો એની અસર અલગ જ નીપજે પણ કવિ પાસે તો એ બધાની ઉપરનો અનમોલ અસબાબ છે અને એ છે હ્રદયનો ભાવ! દિલના ઉત્કટ ભાવથી નીકળેલા સાદા શબ્દો અંતરના પરમોચ્ચ ઉચ્ચાર સાથે પ્રગટ થાય તો અનન્ય બની રહે છે.
એક સંત કવિએ કહ્યું છે કે, “મૃગકી નાભિ માંહિ કસ્તુરી, ઢુંઢત ફિરત બન માંહિ !” કવિ પોતાની પ્રાર્થના દ્વારા આવી પતંગિયા વૃતિમાંથી બહાર નીકળી અને જગતનિયંતા સાથે મનનો દોર મેળવવાનો યત્ન કરતા હોય છે અને ત્યાં જ એમના મનમાં એક વિચાર આવી જાય છે કે આ ભાવથી રીઝીને ભગવાન કદાચ એમની સન્મુખ આવીને ઉભા રહેશે અને કહેશે કે, ‘માગ માગ , જે માગે તે આપું’ તો ? એવા સમયે પોતે એક સામાન્ય માણસ શું અનુભવશે ? થોડું વિચારતા એમને લાગે છે કે આ અદભુત તારામૈત્રકનું મહામહેનતે ફળેલું ચોઘડિયું માણવાની વેળા – ઇશ્વરદર્શનના આ લ્હાવાથી એમના લાગણીના આવેગો એમના તાબામાં નહી રહે અને પરમ ચૈતન્ય સાથે સધાયેલો તાર તોડીને એ માનવસહજ સ્વભાવને વશ થઈને કોઇ તુચ્છ માંગણી કરી બેસશે તો કેવી શરમજનક સ્થિતી સર્જાઈ જશે ! પોતાને જે મળવાનું છે એ તો હજાર હાથવાળો એની કૃપા દ્વારા પોતાની સાડાત્રણ ઇંચની હથેળીમાં અવિરતપણે વરસાવ્યા જ કરવાનો છે એમાં એને કશું કહેવાની ક્યાં જરુર જ છે ! આખા જગનું સુપેરે સંચાલન કરનાર એ મહાકાબેલ સંચાલકને એની ફરજ સામે શબ્દનિર્દેશ શું કામ કરવો ? એથી કવિ એવી ઇચ્છા જાહેર કરે છે કે ,’ તું મને મળે ત્યારે મારા સાનભાન હરી લઈને મને મૂઢ કરી દેજે જેથી હું કશું જ બોલી ના શકું અને મારી લાજ સચવાઈ જાય. વળી જો તું મને મૂઢ ના કરી શક્તો હોય તો મહેરબાની કરીને મને દર્શન ના આપીશ, માગ માગ માગે તે આપુ જેવી લલચામણી વાતો ના કરીશ. તું અંતરયામી છે. તને મારી જરુરિયાતો – મારી લાયકાતો – મારી પાચનશક્તિ એ બધાની મારા કરતાં વધુ સમજ અને પરખ છે. ખાલીખોટું શબ્દોમાં માંગણી કરીને તારી સમક્ષ ઉઘાડા પડી જવું અને તારા વિશ્વાસમાં અશ્રધ્ધા દાખવવી એના કરતાં સારું છે કે તું મને મળીશ જ નહીં. હું તો તારી ભક્તિના પ્રસન્નતા, સહજતા, સમતાના ભાવવિશ્વમાં ખુશખુશાલ છું નાહકનું માંગ્યાની નાનમ શીદ વહોરી લેવી !
મનુષ્ય અને આયુષ્ય એ બે ય વચ્ચેનો તું સેતુ છે. મારી પ્રતિક્ષાનો આનંદ અને આનંદની પ્રતીક્ષા એટલે માત્ર તારા દર્શન ! આંખોથી પામી શકાતા ચિરકાલીન આનંદ ઉપર મુખેથી બોલાતા શબ્દોની બેડી બંધાઈ જશે તો મને આખું જીવન પછતાવો થશે . તારી છત્રછાયામાં મારી સઘળી તુચ્છતા, અલ્પતા નાશ પામે એવી આશા સેવું છું મારા પરમાત્મા ! મારી લાજ હવે તારે હાથ !
phoolchhab newspaper > 10-12-2014 > Navrash ni pal column
ના પહોચી શકું જો મન સુધી ,
તો કરું સ્થાન શું અચળ રાખી !
-પીયૂષ પરમાર
રાત ધીમે ધીમે એનો પ્રભાવ પાથરવા લાગી હતી. નરમ સાંજને હળવેકથી બાજુમાં ખસેડીને એ પગપેસારો કરી રહી હતી. આજે રીના પીયર ગઈ હોવાથી કેદારને જમવાનો કોઇ ખાસ મૂડ નહતો એટલે થોડા ભજીયા અને બિસ્કીટસ સાથે કોફી ખાઈ લેવાનું વિચાર કરેલો. ત્યાં એની નજર સામેના બંગલા પર પડી. સવારના ઉજાસમાં જે બંગલો એની ચોતરફ હરિયાળી ભરીને ઝૂમતો અને જીવંત લાગતો હતો એ અત્યારે આછા અંધારામાં એક કાળા ધબ્બા જેવો જ લાગ્યો. કાળા ધબ્બા સાથે નજરને ના ગોઠતાં કેદારે નજર ફેરવી તો એની જ ગેલેરીમાં રીનાએ નવી વાવેલી ચાંદનીની વેલ પર નજર સ્થાયી થઈ ગઈ.
‘ઓત્તારી, આ નાના નાના નાજુક સા સફેદ ફૂલ કેટલા સુંદર લાગે છે. દૂરની હરિયાળી જોવામાં પોતાને ખુદની જ ગેલેરીની આભાનું ધ્યાન જ નહતું આવ્યું. અજવાશ પછીના અંધકાર પાછળ જગતનિયંતાનું કદાચ આ જ ગણિત હશે કે દૂરનું જોવાનું છોડીને માણસ નજીકનું – પોતીકું વિશ્વ જોવા માટે સમય ફાળવે’ અને મનોમન ચાલતા મનોમંથનથી કેદાર મુકત મને હસી પડ્યો. એ પછી એણે બહુ જ સાવચેતીથી પોતાના મનગમતા ક્રીસ્પી બિસ્કિટસનું ક્રીમ કલરનું લીસું અને ચમકતું રૅપર ખોલ્યું અને દર વખતની જેમ આ વખતે પણ એક તીખી અણગમતી લાગણી એના ચહેરા પર લીંપાઈ ગઈ.
‘આ લોકો બિસ્કીટમાં અંદરનું પેકીંગ ઉંધુ કેમ રાખતા હશે ? ઉપરથી પેકેટ ખોલતા જ એની નીચે રહેલું સફેદ પ્લાસ્ટિકનું કવર આખું કાઢો તો જ બિસ્કીટ લઈ શકાય. આ રીતે તો પેકેટ ખોલો એટલે બધા બિસ્કીટ્સ બહાર જ આવી જાય પછી આપણી પાસે ઓપ્શનમાં કાં તો બધા બિસ્કીટ્સ ખાઈ જાઓ ક્યાં હવાચુસ્ત ડબ્બો શોધીને એમાં આ બિસ્કીટને ટ્ર્રાંસફર કરો. ઉત્પાદકો આટ આટલી કમાણી પછી પણ આવી અવળી નીતિ કેમ અપનાવતા હશે ?’ વિચારતા વિચારતા બિસ્કીટ પેટમાં પધરાવીને ઉપર કોફીનો ઘૂંટડો ભર્યો અને એની મિત્ર ટોળકી દરવાજામાં ડોકાઈ.
‘અલ્યા, એકલો એકલો કોફી પીવે છે ને…અમારી પણ બનાવડાવ હેંડ્ય..અને હા, સાથે થોડો નાસ્તો બાસ્તો પણ ખરો હોંકે..’ ચાર દોસ્તોના વૃંદમાંથી બે ફરમાઈશી અવાજ રેલાયા અને મરકતા મરકતા કેદારે એના નોકરને બોલાવીને કોફી અને ગરમા ગરમ પકોડા બનાવવાનો ઓર્ડર આપ્યો.
વાતોના ગપાટા ચાલુ થયા અને એમાં કોફીને નાસ્તો તો ક્યાં પતી ગયા એનો ખ્યાલ પણ ના રહ્યો. અચાનક જ અવિનાશ નામના મિત્રની નજર કેદારના ડ્રોઈંગરુમની દિવાલ પર લટકતી શ્રીનાથજીબાબાની છબી પર પડી અને એ ચમક્યો,
‘અલ્યા, તું વળી આ ભગવાન બગવાનમાં ક્યાંથી માનતો થઈ ગયો ?’
‘લે, હું તો એ પરમશક્તિમાં પહેલેથી જ શ્રધ્ધા ધરાવું છું.’
‘ઓહ..એ દિવસે આપણે હાઈવે પર આવેલા મંદિરમાં ગયેલા અને ત્યાં પ્રસાદમાં ચરણામૃત લેવાની ના પાડેલી એ પરથી મને એમ કે તું તો સાવ નાસ્તિક છું.’ કવન નામનો મિત્ર અવિનાશના આસ્ચ્ર્યમાં સાથે જોડાયો.
‘કવલા, એ પાણીમાં નકરો કચરો હતો. ભગવાનના નામે આવા ધતિંગમાં હું ના માનું. જુઓ મિત્રો, ભગવાન પ્રત્યેની મારી સમજ એક્દમ કલીઅર ને કટ છે. મારી સમજ પ્રમાણે આપણા સમાજમાં લગભગ ચાર પ્રકારના વ્યક્તિ છો. એક ઃ જે આંખો બંધ કરીને ભગવાનમાં માનતા હોય અને એના નામે બધું જ કરી છૂટે છે. ધર્મના નામે ચાલતા તૂતની પણ એમને સમજ નથી પડતી – સમાજમાં તેઓ આસ્તિક નામનું વિશેષણ ધરાવે છે. બીજો – કંઈ જ સમજ્યા વિના અને વિચાર્યા વિના ધરાર ભગવાનને અવગણી બેસે છે એ નાસ્તિકનામી લોકો. ત્રીજો વર્ગ જે બહુ જ મજબૂતાઈથી ‘પોતે તો સાવ નાસ્તિક છે’ ના બણગાં ફૂંકતા હોય અને જ્યારે પણ એમની પર આપત્તિ આવી પડે ત્યારે જે ‘હાથમાં એ સાથ’માં કરીને એકે એક જાતના ભગવાનમાં – દોરા ધાગામાં સુધ્ધા વિશ્વાસ ધરાવતા થઈ જાય છે એ તકવાદી સાધુ જેવા લોકો અને ચોથા જે કોઇ પણ સ્થિતીને પહેલાં જાણવાનો આગ્રહ રાખે છે, એના ઉંડાણમાં ઉતરીને એને પૂરેપૂરું સમજવાની મથામણ કરે છે અને પોતાને જેટલું યોગ્ય લાગે એટલાનો મજબૂતાઈથી સ્વીકાર કરે છે અને છેક સુધી એને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે છે. આજે નાસ્તિક ને કાલે આસ્તિક જેવી વાતો એને નથી સ્પર્શતી. એ આંધળો અનુનાયી નથી હોતો. એની સમજણના બધા દરવાજા ખુલ્લા રાખીને આ સંસારને એક અદભુત શક્તિ ચલાવી રહી છે અને પોતે એ સંસારનો એક નાનો શો અંશ છે એ વાત સ્વીકારીને રોજ પોતાના જીવન માટે પરમાત્માનો આભાર વ્યકત કરે છે , પોતાના દિલ ને દિમાગમાં એ શક્તિને આધીન રહીને સદા સારું આચરણ કરવાનો આગ્રહ સેવે છે એ વર્ગ એટલે કે મારા જેવા લોકો..જેને શું નામ આપવું એ વિચાર હજુ સુધી મને નથી આવ્યો…કદાચ જાગ્રત ભકત કહી શકાય. હવે બોલો મિત્રો મારી માન્યતા ક્યાં અને કેટલી ખોટી છે ?’
‘સાલા કેદારીયા…તું તો જબરું જબરું વિચારે છે યાર. આમ પણ કાયમ તારી કોઇ પણ વાતને નકારી શકાય એમ ક્યાં હોય છે ! ચાલ આજે રાતે અમે પણ આ વાત પર વિચારીશું ને ફરી મળીએ ત્યારે ચર્ચા કરીશું. તેં જ કહ્યું ને અક્કલના દરવાજા ખુલ્લા રાખીને હરિ ભજવા..’ અને અવિનાશની વાત પર બધા મિત્રો ખડખડાટ હસી પડ્યાં.
અનબીટેબલ : પ્રાર્થના એટલે ફકત હોઠથી નહીં પણ સંપૂર્ણ અસ્તિત્વથી હસવું !