આજની પેઢી


છેલ્લાં એક વર્ષથી કોરોનાકાળમા લોકોની જે હાલત છે એ જોઈને મને કાયમ અમે student હતા એ સમય યાદ આવે.

અમે ‘અનામત આંદોલન’નો ત્રાસ બહુ વેઠયો છે એ પછી મને અનામત શબ્દથી ચીડ ચડવા લાગેલી જે આજ સુધી બરકરાર છે. એટલે જ હું કાયમ સ્ત્રી છું માત્ર એ કારણથી કોઈ સ્પેશિયલ ફેસિલિટી આપે તો એ નથી સ્વીકારતી…એ અનામત મને અપમાન જેવી લાગે છે.
ખેર, એ એક આડવાત, મુખ્ય તો અમે જીવનનો એ સુંદર સમય થોડા ઘણા આવા સંકટ સિવાય હસતા રમતા પસાર કરી ગયા અને  જીવનના ચાર દસકા ક્યાં વહી ગયા એની ખબર જ ના પડી અને આજે…

આજે અમારા સંતાનો બે બે દસકામાં તો જીવનની કેટલી કટુતા જોઈને , સહન કરીને જીવે છે. જન્મ્યા ત્યારથી જ ભૂકંપ, પછી સુનામી…ડેન્ગ્યુ, કોરોના જેવા અનેકો જીવલેણ જાત જાતના નવા રોગો, ક્વોરેટન્ટાઈન, એકલતા,સાવચેતી, અનેક નજીકના લોકોના ફટાફટ મોત , દર્દ…ઉફ્ફ. . ભયંકર સ્ટ્રેસ વચ્ચે આ પ્રજા ઉછરી રહી છે. મને યાદ છે કે તાવ એટલે માત્ર મેલેરિયા જ હોય એ સિવાય કોઈ રોગનું નામ સુદ્ધા મેં નહોતું સાંભળ્યું અને એ 3 દિવસમાં ફેમિલી ડોકટર હિમતલાલની બે ગુલાબી ને ઘોળી ટિકડીઓ ખાઈએ એટલે મટી જાય.  મેં મારા જીવનમાં પ્રથમ બ્લડ ટેસ્ટ મારી પ્રેગ્નન્સી વખતે કરાવેલો… પ્રેશર પણ એ જ વખતે ને એ પછી પણ ખબર નહિ ક્યારે કરાવ્યો હશે…જ્યારે આજે વાત વાતમાં બ્લડ ટેસ્ટ, એક્સરે વગેરે ચણા મમરા જેટલા સહજ. હા, અમે નાસ્તામાં ચણા મમરા મોજથી ખાતા ને આજની પેઢીને એમા ખાસ રસ નથી હોતો એ વાત અલગ છે.
પણ આટ આટલા માનસિક, શારીરિક પ્રેશરમાં ઉછરતી પેઢીને જોઈને દયા આવે છે. આ સ્માર્ટ પેઢીને બધું ફટાફટ જોઈએ છે, એ મેળવવા ગમે એ પ્રકારની મહેનત કરવા પણ એ લોકો તૈયાર હોય છે પણ આ કુદરત એમાં રોજ નવા નવા હર્ડલ ઉભા કરવામાં માહેર થતી જાય છે.
જોકે નવી પેઢી ખૂબ જ સમજદારીથી આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી જાય છે, પણ આટલી નાજુક ઉંમર આવા અનુભવો માટે થોડી છે ભગવાન !
આ બચુકડાઓએ તો અત્યારે પાંખોમાં પૂરજોશમાં હવા ભરીને આકાશમાં ઉડવાનું હોય, પાણીમાં ડૂબકીઓ લગાવવાની હોય, બિનદાસપને રખડવાનું હોય, સપ્તરંગી સપના જોવાના હોય એ પૂરા કરવા મચી પડવાનું હોય….કેટકેટલું હોય…!

બીજા તો ઠીક પણ કુદરતસર્જિત આ છેલ્લી આફત હોય એમના જીવનની એવી ઈચ્છા રાખું છું.

તરવરિયણ, સ્વપ્નિલ, મસ્તીભરી જુવાની જુવાન રહે,અકાળે ચીમળાઈ ના જાય પ્રભુ…થોડું ધ્યાન રાખજે એમનું હવે..
અસ્તુ.
-સ્નેહા પટેલ.
Https://akshitarak.wordpress.com

World Cup 2019


#team India

‘અમે તમારી સાથે છીએ’ ‘keep it up’, ‘જીતેગા ભાઈ જીતેગા ઇન્ડિયા જીતેગા’ જેવા અનેક નારા સાથે આજે વર્લ્ડકપની સેમિફાઇનલમાં સ્ટેડિયમમાં ભારતના અદભુત ક્રિકેટ સમર્થકો નજરે ચડ્યાં.
પહેલી ત્રણ વિકેટ સ્ટાસટ પડી જતાં સર્વત્ર એક સોંપો જ પડી ગયેલો. 
ખેલાડીઓ ધીમે ધીમે  ઠીચુક ઠીચુક રમીને વિકેટ સાચવવાના પ્રયત્ન કરતા હતાં ને એમાં ય સફળ નહતા થતા. એક સમયે તો 6 વિકેટ પડી જતાં લોકો સાવ નિરાશ થઈ ગયા હતા એવા સમયે વોટ્સઅપ ને એફબી બધે નિરાશાજનક મેસેજીસ આવવાના શરૂ થઈ ગયા, લોકો ઘરમાં ટીવી બંધ કરીને બેસી ગયા ત્યારે સ્ટેડિયમમાં આશાભરી નજરે મેચ જોતાં જોતાં આ સમર્થકો પોતાની જગ્યાએ બેસી રહીને ભારતીય ટીમ માટે અદભુત પ્રેમ દર્શાવતા હતાં, વિકટ સમયમાં રમાતા એક એક પ્લેયડ બોલ પર પણ ખેલાડીઓને cheers કરતાં હતાં. એટમોસફિઅર એકદમ લાઈવ રાખતાં હતાં. એમને જોઈને મને લાગ્યું કે એમના મગજમાં ટીવી બન્ધ કરીને ભારતીય ટીમને ગાળો આપનાર અમુક નેગેટિવ પ્રજા જેવો વિચાર સુદ્ધાં નહિ આવ્યો હોય? મેચ ફિક્સિંગ, કોને લીધો..કેમ લીધો..કેમ ના લીધો..ધોની ઘરડો થઈ ગયો જેવા અનેકો નેગેટિવ વિચાર એમના વિશાળ દિલને સહેજ પણ નહીં સ્પર્શ્યા હોય ? 
એ લોકો પૂરી નિષ્ઠાથી ભારતીય ખેલાડીઓને હિંમત આપવાનું કામ કર્યે જતાં હતાં જાણે એમને કહેતાં ના હોય કે, ‘ તમે બધા અમારી જાન છો ને રહેશો, આ તો રમત છે એમાં હાર ને જીત તો થતી જ રહે તમે લોકોએ છેક સુધી તમારાથી બનતા બધા મરણીયા પ્રયાસ કર્યા જ છે અમે એના સાક્ષી છીએ, તમારામાંથી અમુક તો આજે રડ્યા પણ હશો જ અમને ખ્યાલ છે પણ ચિંતા ના કરો . અમે તમને ખૂબ ચાહીએ છીએ, તમારી શક્તિઓમાં પૂરતો વિશ્વાસ છે. આ નહિ તો આવતો વર્લ્ડ કપ આપણો જ હશે ! 
એક વાત અમે તમને કહીશું કે, ‘ જે સ્થિતિ હોય એમાં અમે કાયમ તમારી સાથે જ છીએ.’
આવા સમર્થકોથી રમતો ગમતી  બની રહે છે.
સારા સમયમાં ફટાકડા ફોડનાર, લખલૂટ મજા કરનારા ક્રિકેટ પ્રેમીઓમાંથી ખરાબ સમયમાં પણ ટિમ સાથે રહેનારા સાચા ચાહકોને સો સો સલામ ! 
Troll કરવું બહુ સહેલું છે, ખરી હિંમત કોઈ માનવીના અવળા સમયમાં સવળું બોલવામાં જોઈએ.

સ્નેહા પટે