Satmo maal


19 March

જબરું થયું..આ વાતની આમતો મેં મારી સખી મનીષાને ક્રેડિટ આપેલી, કારણ એ ફિલ્મલાઈનની હોવાથી આ વાર્તા મને ફોનમાં બખૂબી ડિસકસ કરીને કહેલી ને આ મને બહુ જ ગમતા મેં એને શબ્દદેહ આપેલો. જોકે એણે પણ નિર્દોષભાવે જ કહેલું ને આજે પોસ્ટમાંથી પોતાનું નામ કાઢી નાંખવા વિનંતી પણ કરી.

આજે 3-4 મિત્રોના મેસેજ ને ફોન આવ્યા ત્યારે ખબર પડી કે આ તો અનુરાગ કશ્યપની 3લાખ લોકો જોઈ ચુક્યા છે એવી શોર્ટ ફિલ્મ છે.

મેં પણ આજે એ ફિલ્મ જોઈ, ને થોડો અફસોસ થયો કે પહેલા જોઈ હોત તો એની છોકરીનું ચિત્ર આખું છૂટી ગયું છે એ પણ વાર્તામાં લઇ લેત,નોડાઉટ 100% ક્રેડિટ એ ફિલ્મને જ..મને ક્રેડિટની કોઈ પડી નથી પણ આ વાર્તામાં જે સ્ત્રીને ,ટીસ્કાને બતાવી છે એવી દરેક સ્ત્રી બને એવી ઈચ્છા. મને બહુ કોમ્પ્લિમેન્ટ્સ મળ્યાં કે અસ્સલ એવી જ વાર્તા લખી છે..જાણે નજર સમક્ષ એ ફિલ્મ જોતા હોઈએ..આ મારી સફળતા, બાકી તો મિત્રો તમે ય આ ફિલ્મ જુવો ને વિચારો..અને હા,કે ઘણા મિત્રો ફોનમાં પોતાની વાત કહીને એના પર લખવાનું કહે છે..તો એમને વિનંતી કે આવી કોઈ મૂવીની વાર્તા ડિસકસ કરો તો મને ચોખ્ખું કહેવું જેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય ક્રેડિટ આપી શકું.

નોર્મલી હું પોતાની રીતે જ વિચારીને, જોઈને વાર્તા જ લખું પણ આ બહુ અપીલ કરી ગઈ ને લખી. તમને ય ગમે તો વધુ ને વધુ share કરી મૂવી, વાર્તા આગળ પહોચાડજો.
બીજું કોઈ બીજી પંચાત સાથે અહીં આવે ઍ પહેલાં જ બધી ક્રેડિટ અનુરાગભાઈની ટીમને આપું છું. 😀

 

સાતમો માળઃ
‘ઠક..ઠક…ઠક..’
હિમાનીના સેંડલની હીલ થોડી નાની હતી પણ દાદર ચડતાં એક લયાત્મક ધ્વનિ ઉતપન્ન કરતી હતી. પરસેવાની બૂંદ એના લમણાંની બે બાજુથી વહેવા લાગી હતી. ‘ટપ..ટપાક..’ અચાનક એક બૂંદ એમાંથી એના આસમાની કલરના કલમકારી કુર્તા પર ટપકી અને હિમાની એની ઠંડકથી છેક અંદર સુધી થરથરી ઉઠી. જોકે વાતાવરણમાં એટલી ઠંડી નહતી કે આમ સાવ થથરી જવાય પણ….

સીડીઓની વચ્ચેથી પડતાં ગોળાકારમાંથી હિમાનીએ છેક ઉપર સુધી જોયું. લગભગ પચીસે’ક માળના ફ્લેટ હતાં, એ હજુ પાંચમા માળે પહોંચી હતી અને એની મંજિલ લગભગ સાતમા માળે હતી. હજી બે માળ આગળ.
‘આ સીડીઓ પણ મારા નસીબ જેવી જ છે – કાયમ બે ડગલાં આગળ’ વિચારતા વિચારતાં હિમાની મનોમન દર્દ અનુભવતી હસી પડી.

હર્ષ સાથે આજથી વીસ વર્ષ પહેલાં એના પ્રેમલગ્ન થયાં હતાં. બે ફૂલ જેવા સંતાન પણ હતાં. હર્ષ એને ખૂબ જ પ્રેમ કરતો હતો પણ છેલ્લાં ચાર પાંચ વર્ષથી હર્ષ થોડો બદલાયેલો બદલાયેલો લાગતો હતો. આખો દિવસ ફોન – મેસેજ – મીટીંગ- બહારગામ જેવી પ્રવ્રુતિઓ વધી ગઈ હતી. આટલા વર્ષોથી ધંધો કરતો હતો પણ આટલું બહારગામ જવાનું એને ક્યારેય નહતું થતું. શરુઆતમાં ઘરમાં બધાને થોડુંક ઓકવર્ડ લાગ્યું પણ પછી બધા ટેવાઈ ગયા હતાં.

‘ઠક …ઠક..ઠક…હાશ…’ ને હિમાનીની મંઝિલ આવી પહોંચી. ‘સાતમો માળ’

દુપટ્ટાથી પરસેવો લૂછીને અસ્ત વયસ્ત થઈ ગયેલ વાળ પર એક હાથ ફેરવીને સરખા કર્યાં અને ડોરબેલ વગાડીને પોતાના આજકાલ કંટ્રોલ બહાર જતાં બ્લ્ડ પ્રેશરના કારણે વધારે ફુલી જતાં શ્વાસ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવા લાગી.
‘ડીંગ ડોંગ.’
ફરી બેલ વગાડી. પણ હજુ દરવાજો ખુલતો નહતો.
‘ચિરાગી ઘરમાં નહીં હોય કે ? ના…ના…ઘરમાં ટીવીનો અવાજ તો આવે જ છે. વળી હમણાં જ એની સાથે વોટસઅપમાં મેસેજમાં વાત થયેલી ત્યારે એ એવું જ કહેતી હતી કે,’ આજે તો ક્યાંય બહાર નથી જવું. બહુ કામ કર્યું છે આખું વીક.આજે ફુલ આરામનો મૂડ છે.’

ફરીથી બેલ વગાડી અને પોરો ખાવા એ દરવાજાની બાજુમાં આવેલી સીડી પર બેસી ગઈ. ત્યાં જ દરવાજો ફટાક દઈને ખૂલી ગયો.
અંદરથી ચિરાગીના દર્શન થયા. અડધો દરવાજો ખોલીને એ હિમાનીને જોઇ રહી.
અસ્ત વયસ્ત ઉતાવળમાં આંતરવસ્ત્ર પર ચડાવેલી પારદર્શક નાઈટી, લીસા સુવ્યવસ્થિત કપાયેલ અને કાયમ સેટ રહેતા વાળની અમુક લટ પણ ડાબેથી જમણે ને જમણેથી ડાબે થઈ ગઈ હતી. એક કાનમાંથી બુટ્ટી પણ ગાયબ હતી.

‘મને એક ગ્લાસ પાણી મળશે કે ? તમારી લિફ્ટ બંધ હતી તો…’

‘હા..હા ચોક્કસ..અને પાણીનો જગ ને ગ્લાસ લાવીને ફટાફટ એણે હિમાનીને પાણીનો ગ્લાસ ભરીને પકડાવી દીધો. પાણી પીધા પછી બે સેકંડે હિમાનીનો શ્વાસ હેઠો બેઠો અને એની નજર ચિરાગીના અધખુલ્લા ઘરમાં ફરી વળી.

‘શું હું થોડી વાર અંદર આવીને બેસી શકુ?’

ચિરાગીનું મોઢું ઉતરી ગયું, કમને પણ એણે હા પાડવી જ પડી.

અચાનક હિમાનીની નજર ચિરાગીના ખૂણામાં પડેલા સુંદર નકશીકામ કરેલા સફેદ સંગેમરમરના ફ્લાવરવાઝ પર પડી.
‘અરે..અદ્દલ આવું જ ફ્લાવરવાઝ હર્ષ ચાઇનાની ટ્રીપ પર ગયેલો ત્યારે લાવેલો.’ને હિમાની ઉભી થઈને એના ઉપર હાથ ફેરવવા લાગી. એની નજર ત્યાં પડદા પાછળથી જરીક જ દેખાતા સોફા નીચે પડેલ કાળા શૂઝ ને મોજા પર પડી.

‘બહુ જ સરસ ઘર સજાવ્યું છે તેં.’

‘હા હમણાં જ ઘરમાં પૂરાં સાત લાખનો ખર્ચો કર્યો છે, આ ફ્લાવરવાઝ તો મેં અહીં કોલબાદેવીની એક દુકાનમાંથી જ લીધેલુઁ સાડા ત્રણસો રુપિયામાં’ ચિરાગી બોલી .

‘સાત લાખ..બહુ કહેવાય. મારે તો ઘરમાં કલર કરાવવો છે પણ એ ત્રીસ ચાલીસ હજારનો મેળ પણ નથી પડતો. પણ ચિરાગી તું તો એ એડ એજન્સીમાં કામ કરે ને..તારો પગાર તો એટલો બધો નહીં હોય તો પછી આ..’ને હિમાની અટકી ગઈ.

ચિરાગીનું મોઢું તમતમી ઉઠ્યુ પણ કશું બોલી ના શકી.

‘ચાલ હવે સીધી વાતના મુદ્દા પર આવું?’
‘મતલબ ?’
ચિરાગી બાઘી બની ગઈ.
‘અઠવાડિઆના બે દિવસ તું એને રાખજે, બાકીના પાંચ દિવસ અમને આપી દે.’
‘હે..એ…એ…!’
‘જો વાતને ગોળ ગોળ ફેરવવાનો અર્થ નથી. આપણે આવી રીતે એક બીજાને એડજસ્ટ કરી લઈશું તો કમ સે કમ રુટીન બની જશે ને લાઈફ સરળ બની જશે, સોમ ને બુધ છોકરાઓને ટ્યુશન હોય છે તો એ બે દિવસ તને આપ્યાં બાકીના પાંચ દિવસ અમારા.’
‘ના.ના….સોમ ને બુધ તો મારે ડાન્સીંગ ક્લસ ને યોગા હોય છે.’
‘ઓહ…એમ વાત છે…તો…એક કામ કર…મંગળ અને શુક્ર તું રાખ.’
‘ના..ના…ંમંગળવાર તો મારે ડાંસ ક્લાસ હોય..’
‘પણ તું તો બુધ્વાર બોલીને હમણાં.’
‘હા પણ એક દિવસ સાલ્સા ને બીજા દિવસે ક્લાસીકલ…કેમ બે ટાઈપના ન્રૂત્ય ના શીખી શકાય?’
‘શનિ…’
‘એ તો સહેજ પણ નહીં ..શનિવાર તો હું અભિનવ..’ ને અચાનક ચિરાગી બોલતાં અટકી ગઈ.
‘ઓહ અભિનવ ..તારી એજન્સીનો માલિક એમ ને…’
‘રવિવાર તો છોકરાંઓ આખો દિવસ ઘરે હોય..એમને એ સમય એમના પપ્પા સાથે વિતાવવો હોય છે એટલે રવિવાર તો તને આપવો બહુ કઠિન પડે..પણ વાંધો નહીં એક રવિવાર તું રાખી લે બાકીના દિવસો અમારા..ચાલ…એમ તો એમ…એક રુટીન તો સેટ થશે.’
‘ના યાર રવિવાર તો હું ટોટલી રીલેક્ષ થાઉં છું. ઘરના અનેકો કામ મારે પતાવવાના હોય. હિમાનીની ઠંડક હવે ચિરાગીની સહનશક્તિની હદ વટાવતી જતી હતી.
‘ઇફ યુ ડોંટ માઈન્ડ હિમાની, મારે કામ પર જવાનું મૉડું થાય છે.’
‘અરે હા..હા..હું તો ભૂલી જ ગઈ કે તારે ઘણાં બધા કામ એકલા હાથે સંભાળવાના હોય છે ! પણ તું મારી પ્રપોઝલ પર વિચારી લે જે શાંતિથી અને પછી મને વોટ્સઅપ પર જ મેસેજ કરી દેજે. અને હા..મહેરબાની કરીને મોજાંની જોડ યાદ કરીને મોકલાવતી રહેજે..શું છે ને કે મારે હવે ઘરમાં મોજાં ખૂટવા લાગ્યાં છે. નાહકનો ખર્ચો કરવો પડશે.’
ને હિમાની ઘરની બહાર નીકળી ગઈ.
એના ગયા પછી લાકડામા વોર્ડરોબમાંથી અડધા વસ્ત્ર ધારણ કરેલો હર્ષ ધૂંઆપૂંઆ થતો બહાર આવ્યો,
‘અભિનવ..હાં…શરમ નથી આવતી તને ?’
નીચે હિમાનીએ ગાડી ચાલુ કરીને ગીયર પાડ્યું અને ત્યાં જ સાતમા માળની ગેલેરીમાંથે એની ગાડીની આગળ હર્ષનું પેંટ્, શર્ટ, મોજા, શૂઝ અને ટાઈ આવીને પડ્યાં. પાતળા ગુલાબી હોઠ પર કાતિલ હાસ્ય ફેલાઈ ગયું અને એ બધાંને ક્રૂરતાથી કચડીને હિમાનીની ગાડી આગળ વધી ગઈ.

-Sneha Patel.

શબ્દોની પલાંઠી


AM

હે પ્રભુ!

જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય

અને કહે કે,

‘માગ, માગ, જે માગે તે આપું.’

ત્યારે, હે પ્રભુ,

મને મૂઢ બનાવી દેજે.

જેથી હું કાંઈ બોલી ના શકું.

ફક્ત તારી સામે નજર માંડી રહું.

કારણ… તું તો અંતરયામી છે…

અને જો આપણું મળવાનું

નિશ્ચિત જ હોય

ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય

તો, હે પ્રભુ,

તું મને ન મળે તે જ બહેતર છે,

…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે

તો હું કેવો ઉઘાડો…

 

– દિનેશ દલાલ

 

આ અછાંદસ કાવ્યમાં સરળ અને સુંદર મજાની પ્રાર્થના સાથે કવિની ખુમારીના દર્શન થાય છે. પ્રાર્થના ઇશ્વર અને એના ભકત વચ્ચેની અતૂટ સંબંધનાળ છે. ભક્તે એના પરમપ્રિય ઇશ્વરને કદી સદેહે જોયો નથી. એ તો ફકત વિશ્વાસની કોમળ અને નાજુક દોરીથી એની સાથે બંધાયેલો છે. એ સતત સજાગ રહીને પોતાના એકાંતને ઇશ્વરની સ્તુતિ દ્વારા ભરી દે છે. પ્રાર્થના દ્વારા એ સતત પોતાના અંતરમનના શ્રધ્ધા-દીપમાં ઉંજણ કરતો રહે છે અને એ ધ્રુવતારકના ઓજસથી એનો જીવનમાર્ગ સહજ ને સરળ બની ગયેલો અનુભવે છે.

 

આમ તો આપણે એમ જ માનીએ – અનુભવીએ છીએ કે પ્રાર્થનામાં સુંદર મજાનો લય અને શબ્દો હોય તો એની અસર અલગ જ નીપજે પણ કવિ પાસે તો એ બધાની ઉપરનો અનમોલ અસબાબ છે અને એ છે હ્રદયનો ભાવ! દિલના ઉત્કટ ભાવથી નીકળેલા સાદા શબ્દો અંતરના પરમોચ્ચ ઉચ્ચાર સાથે પ્રગટ થાય તો અનન્ય બની રહે છે.

 

એક સંત કવિએ કહ્યું છે કે, “મૃગકી નાભિ માંહિ કસ્તુરી, ઢુંઢત ફિરત બન માંહિ !” કવિ પોતાની પ્રાર્થના દ્વારા આવી પતંગિયા વૃતિમાંથી બહાર નીકળી અને જગતનિયંતા સાથે મનનો દોર મેળવવાનો યત્ન કરતા હોય છે અને ત્યાં જ એમના મનમાં એક વિચાર આવી જાય છે કે આ ભાવથી રીઝીને ભગવાન કદાચ એમની સન્મુખ આવીને ઉભા રહેશે અને કહેશે કે, ‘માગ માગ , જે માગે તે આપું’ તો ? એવા સમયે પોતે એક સામાન્ય માણસ શું અનુભવશે ? થોડું વિચારતા એમને લાગે છે કે આ અદભુત તારામૈત્રકનું મહામહેનતે ફળેલું ચોઘડિયું માણવાની વેળા – ઇશ્વરદર્શનના આ લ્હાવાથી એમના લાગણીના આવેગો એમના તાબામાં નહી રહે અને પરમ ચૈતન્ય સાથે સધાયેલો તાર તોડીને એ માનવસહજ સ્વભાવને વશ થઈને કોઇ તુચ્છ માંગણી કરી બેસશે તો કેવી શરમજનક સ્થિતી સર્જાઈ જશે ! પોતાને જે મળવાનું છે એ તો હજાર હાથવાળો એની કૃપા દ્વારા પોતાની સાડાત્રણ ઇંચની હથેળીમાં અવિરતપણે વરસાવ્યા જ કરવાનો છે એમાં એને કશું કહેવાની ક્યાં જરુર જ છે ! આખા જગનું સુપેરે સંચાલન કરનાર એ મહાકાબેલ સંચાલકને એની ફરજ સામે શબ્દનિર્દેશ શું કામ કરવો ? એથી કવિ એવી ઇચ્છા જાહેર કરે છે કે ,’ તું મને મળે ત્યારે મારા સાનભાન હરી લઈને મને મૂઢ કરી દેજે જેથી હું કશું જ બોલી ના શકું અને મારી લાજ સચવાઈ જાય. વળી જો તું મને મૂઢ ના કરી શક્તો હોય તો મહેરબાની કરીને મને દર્શન ના આપીશ, માગ માગ માગે તે આપુ જેવી લલચામણી વાતો ના કરીશ. તું અંતરયામી છે. તને મારી જરુરિયાતો – મારી લાયકાતો – મારી પાચનશક્તિ એ બધાની મારા કરતાં વધુ સમજ અને પરખ છે. ખાલીખોટું શબ્દોમાં માંગણી કરીને તારી સમક્ષ ઉઘાડા પડી જવું અને તારા વિશ્વાસમાં અશ્રધ્ધા દાખવવી એના કરતાં સારું છે કે તું મને મળીશ જ નહીં. હું તો તારી ભક્તિના પ્રસન્નતા, સહજતા, સમતાના ભાવવિશ્વમાં ખુશખુશાલ છું નાહકનું માંગ્યાની નાનમ શીદ વહોરી લેવી !

મનુષ્ય અને આયુષ્ય એ બે ય વચ્ચેનો તું સેતુ છે. મારી પ્રતિક્ષાનો આનંદ અને આનંદની પ્રતીક્ષા એટલે માત્ર તારા દર્શન ! આંખોથી પામી શકાતા ચિરકાલીન આનંદ ઉપર મુખેથી બોલાતા શબ્દોની બેડી બંધાઈ જશે તો મને આખું જીવન પછતાવો થશે . તારી છત્રછાયામાં મારી સઘળી તુચ્છતા, અલ્પતા નાશ પામે એવી આશા સેવું છું મારા પરમાત્મા ! મારી લાજ હવે તારે હાથ !

-sneha patel

my kavya in divya bhaskar


sneha patel

 

એક સ્ત્રી બીજી સ્ત્રીના હ્રદયને કેટલી સરળતાથી અને સુંદર રીતે સમજી શકે છે એનો એક અદભુત દાખલો. હું કદાચ મારી કવિતા પર આખી બુક ભરીને લખી શકું પણ મેં લખેલી ચાર પાંચ લાઈનના અછાંદસ કાવ્યની ગહેરાઈને બીજી સ્ત્રી આટલી કળાત્મક રીતે પોતાના શબ્દોમાં કંડારી શકે એ મારા માન્યામાં આવે એવી વાત નથી. પણ પછી જ્યારે એ નામ લતાબેન હિરાણીનું છે એ વાંચ્યું પછી તો બધા જ શક દૂર થઈ ગયા. આ કવિયત્રી, લેખિકા માટે કશું અશકય નથી. મને જેટલા અભિનંદન મારા કાવ્ય માટે મળ્યા એટલાં જ લતાબેનના કાવ્યના આસ્વાદ માટે પણ મળ્યાં. મારા કાવ્યોથી એમનો લેખ સુંદર બન્યો કે એમના આસ્વાદથી લોકોમાં મારા કાવ્યો પ્રિય બન્યા..આ સવાલને બાજુમાં મૂકી બેય એકસાથે માણતાં અદભુત વાતાવરણ ઉભું થઈ ગયું.
આટલી સુંદર રીતે મારા કાવ્યોને શણગારવા બદલ લતાદીદી આપનો ખૂબ ખૂબ આભાર.
-સ્નેહા.

Click to access 28MAD-PG4-0.PDF

રેઈનકોટી સંબંધ


રેઈનકોટી સંબંધે
તું
લાગણી-વર્ષા
શીદ કરે…!!!!!

મિત્રો,ઘણી વાર એવું થાય છે કે ઈરછવા છતાંય આપણે અમુક સંબંધોથી દૂર નથી થઈ શકતા.આપણને ખબર હોય છે કે તમે ગમે તેટલા જાતને ઓવારીને વરસી પડો તો પણ સામે પક્ષે તો મીણીયું કવચ જ ઓઢીને બેઠેલ સંબંધ છે.સૌથી કરુણાજનક વાત એ છે કે જાણીને પણ આપણે ત્યાં આપણી લાગણી વરસાવતા જ રહીએ છીએ..આપણું હૈયું આપણા કંટ્રોલમાં જ નથી હોતું.ના..ના કહેતા રહીએ તો પણ એ સંબંધનું આકર્ષણ કહો કે એની એક લત કે ટેવ પડી ગઈ છે જેનું વળગણ આપણે છોડી નથી શકતા.કેવી કેવી મોહ-માયાથી ભરેલું છે આ જીવન? હાથે કરીને છેતરાવામાં પણ એક આનંદ મળે છે.સામેનો પક્ષ ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લે તો પણ આપણે એના માટેનો આપણો પ્રેમ ઓછો નથી કરી શકતા.આ પરીસ્થિતિથી વધુ ખરાબ કઈ? લાગણીશીલ સ્વભાવ એક ગુનો લાગે છે જાણે.કોઈ આ બધી સંવેદના લઈ લે અને દિલની ધડકનોને કાબૂમાં રાખવા એક નકેલ નાંખી આપે એવું કહેવાનું મન થઈ જાય છે.ત્યારે ઉપર મુજબના થોડાક શબ્દો કાગળ પર ઊતરી આવે છે..સમજીને પણ નાસમજ્તું આ દિલ…આહ…ક્યાં લઈ જશે આપણને? એની યાત્રા કયાં અટકશે? કેવા કેવા રંગો બતાવશે હજી જીન્દગીના..કોને ખબર…!!!!!!

એક સંબંધનું વળગણ મને એવું,
શ્વાસના બંધારણમાં કોઈ
હવા જ ના રાખે
એ કેવું…??

નવું વર્ષ મુબારક મિત્રો.

સ્નેહા- અક્ષિતારક
31-12-09

 

“મિલન-હત્યાનું” પાપ


આ હવા હજી હુંફાળી છે,
આ ધડકન હજી તોફાની છે,
આ આંખે શરમની લાલી છે,
તું હજી જાગે છે,
એની આ નિશાની છે…

અહીં પ્રિયતમા એના પ્રેમીને યાદ કરે છે અને દિલ પોકારી પોકારીને જાણે ફરિયાદ કરે છે.એનો પ્રિયતમ એનાથી દૂર દૂર જઈને બેઠો છે.દિવસ તો જેમ તેમ કરીને એણે કાઢી નાખ્યો, પણ આ કાળી રાત..હાય રે..કેમ કરીને વીતે..?બસ અંદર અંદરથી અંતર એક સાદ પોકારે છે.આકાશમાં ખાલી કોરી ધાકોર આંખે એકીટશે નિહાળે છે,તારાઓની ગોઠ્વણીથી એના પિયુજીનો ચેહરો દેખાઈ જાય રખેને..!!ક્યાં તો કોઈ તારો તૂટી પડે ને એ પળે વ્હાલાના મિલનની ક્ષણ યાચી લે પ્રભુ પાસે..!!

તારાઓની રોશનીમાં ચાંદ સાથે મીઠડા ચાંદને એક સંદેશો મોકલે છે.. પાગલ વહેતી હવાને થોડી વીનવી લે છે કે મારો ચાંદ સૂવાની તૈયારીમાં છે,જરા ધીરેથી એના ઘુંઘરાળા કાળા વાળને સહેલાવજો અને એના કાનમાં મેં મોકલેલું પ્રણય ગીત સંભળાવજો.કહેજો,તું હજી જાગે છે એ મને ખબર છે હું તારી આપણા મીઠા સપનાઓની દુનિયામાં બેકરારીથી તારી રાહ જોવુ છું.અને હા…જોજો… સંભાળીને…તમારા પગરવના અવાજથી પાછી એની નાજુક,સંવેદનશીલ નીંદર ઊડી ના જાય..ધ્યાન રાખજો.નહીંતર મારા મીઠા સોણલાં એના આગમનની રાહ જોતા જ રહી જશે. એ નીલા સપનાઓની દુનિયા…જ્યાં એ મને એના અનરાધાર સ્નેહથી ભીંજવી દે છે.એના પ્રેમથી આકંઠ છલકાવી દે છે.જ્યાં એનું ધૈર્ય બધા બંધનો ફગાવીને મને એ બેફિકરાઈથી મને મળે છે.એ મિલન અધુરું રહી જશે અને તને “મિલન-હત્યાનું” પાપ લાગશે.

મહેરબાની કરીને મારું આટલું કામ કરી દે ઓ વહેતી હવા..ભગવાન તને સો વરસની કરે,તારા બધા અરમાનો પૂરા કરશે,તું ચીર-યૌવન પામે..બસ હું ઈશ્વર પાસે તારા માટે એવી પ્રાર્થના જ કરી શકું…

સ્નેહા-અક્ષિતારક,
૧૫-૧૨-૦૯,રાતના ૧૦.૩૦ વાગ્યે

તું ના મળે ત્યાં સુધી તારી બાધા


યાદ તારી નજર ધુંધળાવી જાય છે,
મારું વિશ્વ આમ જ ઝંખવાઈ જાય છે.
ચાલ,
આજે એક વ્યવહારીક રસ્તો વિચારી લઉં,
તું ના મળે ત્યાં સુધી તારી બાધા લઈ લઉ..!!!!!

અહીં નાયિકા તેનાં પ્રિયતમને અનહદ યાદ કરે છે…એનાં કરતાં એમ કહેવું વધુ સારું કે પ્રિયતમ બહુ યાદ આવી જાય છે.એટલી હદ સુધી કે એની યાદ આંખમાંથી આંસુ બનીને વહેવા લાગે છે અને ઘેલી પ્રેમિકા ને આખું વિશ્વ ફીકું -ફીકું લાગે છે,રંગવિહિન.કોઈ જ આશાનું કીરણ નથી એની સામે પ્રિયને મળવાનું.ઓહ..લાચારીની ચરમસીમા..!! જ્યાં જ્યાં જોવે છે ત્યાં એમની મુલાકાતોની મીઠી મધુરી યાદો જ ભરેલી છે.ભુલવું એ તો અશક્યતાનો બીજો છેડો છે જાણે.કોઈ જ રસ્તો ન સુઝતાં એ સાવ ગુમસુમ થઈને મનમાં ને મનમાં હિઝરાતી બેઠી છે.છેલ્લે દુનિયાદારી ના વિશ્વમાં પ્રવેશે છે અને અંતિમ ઉપાય તરીકે જાત સાથે એક સમાધાન કરે છે કે જેને ભુલવા અશક્ય હોય ત્યાં એક બાધા લઈ લેવા દે પ્રિયતમને કહે છે કે, ” તું નહી મળે ત્યાં સુધી તારી જ બાધા…!!”
મિત્રો, આ તો દિલની દુનિયા છે.ઇશ્વર પણ ચકરાઈ જાય આવી પ્રેમસભર બાધા સાંભળીને. એ ખુદ પણ નીચે આવવા માટે મજબૂર થઈ જાય આ પ્રેમઘેલાં વ્યવ્હારિક રસ્તાથી……પ્રેમથી કોઈ કામ અસંભવ નથી.


સ્નેહા-અક્ષિતારક.
૩૧,જુલાઈ.૨૦૦૯.
રાત્રિનાં ૯.૦૦

ચાંદ પાસે યાચેલી રાત


raat

૧૦ મિનિટ્ની વાત હતી એ,
પ્રબળ ઝંખનાની વાત હતી એ,
રાતને અલબેલી સજાવવા ચાંદ પાસે,
પૂરાં દિલથી યાચેલી રાત હતી એ.

અહીં એક પ્રેમિકાની મનોઃસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.એને આજે એનાં મનનાં માનેલાંને મળવાનું બહું જ મન થતું હતું.દિલનાં ઊંડાણમાં ક્યાંક કંઈક ખૂટતું હતું કોઈ કમી હતી.ચેન તો જાણે એનાથી જાણે જોજનો દૂર હતું.આ તો પેલું કહ્યું છે ને કે,”ઘાયલ કી ગત ઘાયલ જાણે”…. જે આ પ્રેમ રંગે રંગાયેલ હોય તે જ સમજી શકે કે એ રંગારો અત્યારે દિલ પર કેટલી હદ સુધી કબ્જો જમાવી બેઠો છે.નાયિકા પૂરા દિલથી નારી સહજ બધી લજજા અને એનાં સ્વભાવથી વિરુધ્ધ જઈને એનાં પ્રીતમને ફક્ત ૧૦ મિનિટની મુલાકાત માટે વીનવે છે…..!!!! એ ૧૦ મિનિટમાં તો એ જાણે આખી જીંદગી જીવી લેશે એવો વિચાર છે…એ ઘેલીને એ ૧૦મિનિટમાં એના આંચલમાં બહુ બધી યાદો સમેટી લેવી.પ્રીતમને મન ભરીને જોઈ લેવો છે અને રાતનાં જ્યારે એકલી મકાનની અગાશીમાં ઊભી હોય ત્યારે આકાશના ચાંદને જોઈને પોતાના ચાંદ સાથે કરેલી મીઠી મુલાકાત-વાતો વાગોળવી છે.

 

સ્નેહા-અક્ષિતારક
૨૦-૧૨-૦૮

લખેલું બધું યે ધૂળ મારું….


એક કાજળઘેરું મૌન તારું,
ઉપરથી નિર્લેપતાના લેપવાળું.
શબ્દોની ધાર ચકાસી લેવા દે,
એ જ આખરી હથિયાર મારું,
વાંચીને પણ તું જો ના પીગળે તો,
લખેલું બધું યે ધૂળ મારું….

એક પ્રીતમઘેલી શબ્દોનાં સાંચામાં ઢાળીને પોતાની લાગણી વયક્ત કરે છે. એના પ્રીતમને બીજી કોઈ રીતે એનાં મનની વાત સમજાવી શક્તી નથી કે પ્રીતમના દિલમાં એના માટે શું જગ્યા છે એ એનાં કાળમીંઢ મૌન ના કારણે સમજી નથી શક્તી અમુક જગ્યાએ એની લાજ- શરમ નડે છે..તો અમુક જગ્યાએ પ્રીતમની પ્રણયને સમજવા માટે કાચી સમજશક્તિ..આખરી હથિયાર તરીકે એ એના શબ્દોરુપી શસ્ત્ર અજમાવે છે.એમ છતા પણ જો પ્રીતમ એની વાત ના સમજી શકે તો એને એનું સઘળું યે લખાણ વ્યર્થ લાગે છે.

સ્નેહા-અક્ષિતારક
૧૦ માર્ચ,૨૦૦૯.

સ્વપ્ન-પ્રણય


નજીક રાખીને પણ દૂર-દૂર રાખો છો,
ખરા છો તમે તો..
કોરીધાકોરતાથી વરસી જાઓ છો,
ખરા છો તમે તો..
સ્વપ્ન-પ્રણયની કેડી સુઝાડો છો,
વળી વહેતાં સંવેદનોને પાળ બાંધી દો છો,
ખરા છો તમે તો..

એક પ્રિયતમા પોતાનાં પ્રિયતમને ખૂબ ચાહે છે. એની યાદમાં અડધી થઈને વિહ્વળ બેચેન રહે છે. એના પ્રિયતમને વીનવે છે કે રોજ સપનામાં મળવાનાં વચનો આપો છો, સ્વપ્ન-પ્રણયનાં રસ્તા બતાડો છો .સપનામાં પ્રેમ કરીને મને વધુ બેચેન કરી મુકો છો ,મારા કાબૂમાં રાખેલાં સંવેદનોને બેકાબૂ કરો છો અને પછી કહો છો કે જાતને થોડી કાબૂમાં રાખો.તો હકીકતમાં પણ ક્યારેક મળીને આ બેચેન દિલને થોડી શાંતિ આપો..વીનવે છે…

સ્નેહા-અક્ષિતારક.
૨૭ જાન્યુઆરી,૭.૦૦સવારનાં

પથ્થરોની ભાષા


તમારી સાથે વાત કરતાં આવડી ગયું અમને,
સાંભળ્યું છે કે પથ્થરો સાથે વાત કરવાની
ભાષા અલગ હોય છે….
સ્નેહા-અક્ષિતારક.
૨૬-૧૨-૦૮-૫.૩૦બપોરનાં

 

રોજ એકની એક વાત કહીને થાકી ગઈ હતી તમને.પણ તમે કે કશું જ સમજતાં જ નહોતાં. એક દિવસ વિચાર્યું કે બની શકે કે મારી અભિવ્યક્તિમાં કોઈ ભુલ રહેલી હોય. બસ પછી તો શું? કુદરતનાં ખોળે બેસીને રોજ વિચારતી આનો ઉપાય. નદી-કાંઠે બેસીને પથ્થર સાથે રમતાં રમતાં જ મને મારી સમસ્યાનો જવાબ સૂઝી આવ્યો…ઓહ..ક્યાં-કયાં શોધી આવી અને જવાબ તો રોજ હાથમાં ઉછાળી-ઉછાળીને રમાતા પથ્થરનાં રુપે મારી પાસે જ હતો.હવે ઝરણાંનું ખળ-ખળપણું મળી શક્શે મને…પથ્થરો સાથે વાત કરતાં જે આવડી ગઈ છે મને…