Name bahu game chhe


ઓસ્ટ્રેલિયાથી પ્રકાશિત એક માત્ર ગુજરાતી અખબાર ‘નમસ્તે ગુજરાત’અખબારમાં છેલ્લાં 4 વર્ષથી અવિરત ચાલતી મારી કોલમનો જૂન2022 નો લેખ.

એક તમારું નામ બહુ ગમે છે મને…

કોલેજની પરિક્ષાઓ નજીક આવી રહી છે.હું વાંચુ છું એના કરતાં થોથાં ઉથલાવી માત્ર રહી છું, કહેવું કદાચ વધુ યોગ્ય રહેશે.

યુનિવર્સિટીની આ છેલ્લી પરીક્ષાઓ..તું છેલ્લાં બે વર્ષથી ‘એટીકેટી’નો ભમરડો ફેરવતો ફેરવતો આખરે આજે મારી સાથે આવીને ઉભો છું..મારી જોડે ગાળવા મળતા આ બે વર્ષની તારી લાલચ હું સમજી શકું છું..પણ હવે આના પછી આપણા જીવનની પરીક્ષાઓ ચાલુ થશે.તો હવેથી બધી પરીક્ષાઓમાં પાસ થવાની ટેવ પાડ્યે જ છૂટકો..એમાં એટીકેટી જેવો કોઇ શબ્દ નથી એ હવે તારે સમજવાનું રહેશે..સમજી જઈશ ને.?

જોકે તારી જોડે આ બે વર્ષનો ગાળો અદભુત રીતે પસાર થઇ ગયેલો. આંખ  બંધ કરીને ખોલું એવા પલકારામાં જ્સ્તો.આહલાદક સાપેક્ષ સમયગાળો..!!

‘પ્રેમ સાપેક્ષતાને અમરત્વ બક્ષી શકે છે.’

મારા જીવનનો ‘સુવર્ણકાળ’. તારી ફેઈલ થવાની ટેવ દિલના એક ખૂણાને બહુ ગમી ગઈ હતી.આવું કેમ…શું હું સ્વાર્થી થઈ ગઈ છું..? તારી હાર, કેરીયરના મહામૂલા સમયના વેડફાટમાં  મને આનંદ આવે એ માની ના શકાય એવી વાત હ્તી..બધું બહુ ગૂંચવાયેલું ગૂંચવાયેલું લગતું  હતું..કંઇ સમજાતું નહોતું.

ત્યાં તો બહારની રુમમાંથી મમ્મી ટહુક્યાં,

‘સુગંધી બેટા, તારી કોફી બની ગઈ છે, બહાર આવે છે કે ત્યાં જ આપી જઉ?’

અને મારી સ્વપ્નસ્રુષ્ટિ કડડડ..ડ ભૂસ. હાથમાં રહેલી પેન પણ વિચારો સાથે એક ઝાટકા સાથે અટકી ગઈ. મારી નજર સામે રહેલાં ફૂલ્સ્કેપનાં પાના પર પડી અને હૈયું ધક્ક..આ શું કરી કાઢ્યું હતું મેં ? વિચારોના જંગલમાં ભૂલી પડેલી એવી મેં બેધ્યાનપણે સામેના કાગળમાં તારું નામ ચીત્તરી કાઢેલું..આખું પાનું ભૂરાં ભૂરાં ટ્રાફિકથી ચક્કાજામ…ત્યાં તો આશ્ચ્રચર્યનો ઝાટકો દિલ -દિમાગને હલબલાવી ગયો.આ તારું નામ ક્યાં હતું..આ તો મેં મારું નામ લખેલું..જે તારા નામમાં સમાઇને સોંસરવું નીકળી ગયેલું..બેમાંથી એક થઈ ગયેલું. આંખો ફાડીને એ ચાડીયા કાગળને નિહાળી રહી હતી ત્યાં  તો મમ્મી કોફી -બિસ્કીટની ટ્રે સાથે બારણામાં દ્રશ્યમાન થયાં અને બધો નશો સબાકા સાથે છૂ…ઉ..ઉ…ઉ.

‘શું થયું બેટાં..?”

અને મારા મુખનો રંગ ઉડી ગયો.આ નાજુક – બિનગુનાકીય ચોરી હમણાં પકડાઈ જ ગઈ સમજો ..પણ મગજે ભયના તરંગોને સમયસૂચકતાથી ઝીલીને ત્વરાથી હાથને સંદેશો પાઠવી દીધેલો અને એ બેયના સાયુજયથી થયેલાં કાર્યના પરિણામરુપે ફુલસ્કેપ આપોઆપ બંધ થઈ ગયેલો.

‘હાશ..બચી ગઈ..!’ છાતીમાં ભરાઈને બહાર નીકળવામાં નિષ્ફળ રહેલો – ગુંગળાઇ ગયેલો શ્વાસ હેઠે બેઠો.

‘લે આ કોફી પી લે એટલે થોડી ફ્રેશ થઈ જઈશ.’

‘હું થોડી વાર રહીને પી લઈશ.મમ્મા તમે જાઓ..’

‘ના તું પી લે એટલે હું ટ્રે પાછી લઈને જ જાઉં. વળી એ એંઠો કપ અહીં જ પડ્યો રહેશે અને એમાં કીડીઓ એમનું ઘર બનાવી લેશે..’

આ મમ્મીઓ સમજતી કેમ નહી હોય કે એમની જુવાન દીકરીઓને થોડું એકાંત જોઇતું હોય છે. એમની લાડકવાયી હવે મોટી થઈ ગયેલી..મનના માનેલા જોડે પ્રણય-પંથ પર ડગ માંડી રહેલી..સામે કોફીના કપની સપાટી પર વરાળના બિંદુઓ બાઝતાં હતાં એવા જ બિંદુઓ મારા તન મનના એકે-એક ખૂણે પ્રણયની આંચથી  બાઝતા હતા..લોહીમાં ભળી જઈને નશો રેલાવતા હતા…દબાયેલી લાગણીઓ મુખ પર પ્રસરવા માટે ઘમપછાડા કરી રહી હતી જેને મહાપરાણે હું દિલમાં સંગોપી રાખતી હતી. એ બધાંને છૂટથી વહેવા માટે મારે મારી જાત જોડે સાવ એકલા રહેવું હતું..પ્રેમ માનવીને થોડો સ્વાર્થી બનાવી દે છે એ તો સનાતન સત્ય.સામે બેઠેલા મમ્મીના મુખમાંથી ઝરતા અસ્ફુટ શબ્દોને આંખથી જોઇ જ શકતી હતી..શું બોલાઇ રહેલું એ સમજની બહાર..બધી ઇન્દ્રિઓએ એકસાથે બળવો પોકારવા માંડેલો..મમ્મીના સતત હાલતા હોઠને જોતા જોતા  ફટાફટ કોફી ગળા નીચે ઉતારીને એમને મહા પરાણે વિદાય કર્યા.

હાશકારાનો ધોધ વછૂટયો. થોડી ગુનાહિત લાગણીનો શિકાર થઈ જવાયું; પણ બે પળમાં બધું ય ભૂલીને પાછી આપણા પ્રણયનગરમાં વિહરવા તૈયાર.

તરત પેલું નામાંલેખનવાળું પેઇજ ખોલ્યું ને શબ્દો પર આંગળીના ટેરવાં ફરવા લાગ્યાં. ચારે બાજુ તારા નામ સાથે લખાયેલું મારું નામ. અત્યાર સુધી તો હું ફક્ત તારું નામ જ લખતી હતી

‘મારી કલમમાંથી વહી રહ્યો છે તું,

શબ્દ બનીને પાને ઉભરી રહ્યો છે તું…’

પણ આજે અચાનક આ શું થઇ ગયેલું મને..!

‘સુગંધી – આશુ..’ ના નામથી આખું પાનું ભરચક. એટલું ઓછું હોય એમ એકની એક જગ્યાએ એને ઢગલો વાર ઘૂંટયા કરેલું..નાનું બાળક કક્કો લખતાં શીખે ને જેમ એકનો એક અક્ષર ઘૂંટે એમ જ સ્તો..

‘એક તમારું નામ બહુ ગમે છે મને,

વારંવાર ઘૂંટવું બહુ ગમે છે મને..’

અમુક જ્ગ્યાએ તો આ ઘૂંટાઇથી પાનું ફાટી ગયેલું..એ પણ કેટલું ઘર્ષણ સહન કરી શકે..! ભૂરી ભૂરી સ્યાહી છેક ચોથા- પાંચમા પાના સુધી રેલાઈ ગયેલી..આટલી બધી પ્રબળતા..નવાઈના સાગરમાં ગોથ મારતા મારતાં વિચાર્યું,

‘આ ઇચ્છાબીજ મનની ધરતીમાં ક્યારે રોપાઈ ગયું ?

તું…ભગવાન તરફથી મળેલ અલભ્ય,. અદ્વિતીય ભેટ..પ્રભુનો આશીર્વાદ..મારો આશુ..

‘સુગંધી – આશીર્વાદ..સુગંધી- આશુ…મારો આશુ’..અહાહા..નામ બોલતાં – બોલતાં તો બે ય કાંઠે છલકાઈ જવાયું..

પ્રીતના પ્રચંડ  વાંસપૂર.. નામ એમાં તણાતા તણાતા આપણા નામ એકમેકમાં સમાઈ ગયેલા.બધું ય ભેળસેળ તઈ ગયેલું…શબ્દોમાં વસંત બેઠી..અને તારી સાથે લખાયેલું મારું નામ માદક થઈને મહેંકી ગયું.

દરેક પ્રેમમાં પડતી છોકરીના મગજમાં આવો જ ચક્રવાત ઘૂમરાતો હશે ને.. અવઢવની આવી જ હેલીઓ આવતી હશે ને..દુનિયામાં આવા કેટલાં ‘મારા–તારા -સંયુકત’ નામના કસુંબા ઘૂંટાયા હશે..! એ બધો નશો ભેગો કરાય તો કદાચ આખી દુનિયા સદીઓ સુધી એના કેફમાં ઝૂમ્યાં કરે..

જે હોય એ..પણ ‘સુગંધી’ જોડે આ ‘આશુ’ નામ બહુ જ દેદીપ્યમાન  લાગતું હતું..હળ્વા હાથે એને સ્પર્શતા હાથના ટેરવામાં વીજળીના કરંટ પસાર થતા લાગ્યાં..અદ્ભુત સંવેગો મગજ પર એનો કાબૂ જમાવતા ગયા..આંખો બંધ થતી ચાલી.વાંચવાનું બાજુમાં રહી ગયું..અને હું તો આ હાલી મારા સપનાના પ્રદેશમાં..મારો આશુ મને ત્યાં મળવા બોલાવતો હતો..આતુર નયને મારી વાટ નીહાળી રહેલો..દુનિયા અને પરીક્ષા બધું ય જાય તેલ પીવા..અમે તો અમારી મસ્તીમાં ગુલતાન..

‘આખી રાત તારી જોડે વાતો કરવી છે,

પ્રણયમાં ચકચૂર મુલાકાતો કરવી છે..’

’ગુડનાઈટ.’

બેડરુમમાં લાઈટ ઓરેંજ રંગ રેલાવતો નાઈટલેમ્પ એક પ્રણયઘેલીની મજા માણતો માણતો મંદ મંદ હાસ્ય સાથે એકલો એકલો મરકી રહ્યો હતો.

-સ્નેહા પટેલ

વંદન


આટલી વિશાળ દુનિયામાં રોજ સવારે ઉઠીને બારીની બહાર જોતાં અજાણ્યાં – નવા નવા ચહેરાંઓ નજરે અથડાય છે અને સવાર સવારમાં ઇશ્વરની હયાતીનો સાક્ષાત્કાર અનુભવાય છે ને મનોમન એને વંદન થઈ જાય છે.
-સ્નેહા પટેલ.

નાજુક નમણી પ્રિયતમા – 3


 

ખેતીની વાત મેગેઝિન > મારી હયાતી તારી આસ-પાસ કોલમ > ઓક્ટોબર મહિનાનો લેખ.

**નાજુક નમણી પ્રિયતમા ભાગ -1 વાંચવા લિંક ક્લીક કરો..

https://akshitarak.wordpress.com/2012/08/08/namani-rupani-priyatama-1/

**નાજુક નમણી પ્રિયતમા ભાગ -2 વાંચવા લિંક ક્લીક કરો..

https://akshitarak.wordpress.com/2012/09/11/najuk-namni-priyatama-2/

ભાગ -3 અને છેલ્લો.

આખો રસ્તો ક્યાં પતી ગયો ખબર જ ના પડી.સાવ બે ચાર શ્વાસનો જ રસ્તો……! આખા રસ્તે સખીઓએ શું ધમાલ મસ્તી કરી એ કંઇ જ સમજ નહતી…તનની હાજરીને આપણી દુન્યવી દુનિયામાં હાજરી ભલે ગણાતી હોય પણ મનથી તો હુ મારા આશુ જોડે…એમની વચ્ચે રહીને પણ ‘હું- સુગંધી’  ત્યાં ક્યાં  હતી ?  આ પ્રેમજગતની વાતો જ નિરાળી હોય છે.

ત્યાં તો ચર્રર્રર…બ્રેક સાથે ગાડી ઉભી રહી ગઈ. સામે જ આસોપાલવ અને રંગબિરંગી ફૂલોથી મહેંકતો લગ્નના હોલનો ગેટ દેખાયો. ગેટની ડાબી બાજુ પર ફુલોની સુંદર મજાની ગોઠવણી કરીને વર-વધૂના નામ લખેલા .મનોમન એ જગ્યાએ ‘મારા અને આશુ – સુગંધી અને આશુ’ ના નામની કલ્પના થઈ ગઈ. નજર ગેટ પર ગઈ તો ત્યાં મહેમાનોને આવકારવા માટે આશુ અને એના મમ્મી ઉભેલા હતા.

હૈયું એક ધબકાર ચૂકી ગયું. ..ઓફ્ફવ્હાઈટ કુર્તો, નાજુક રેશમી દોરાનું વર્ક અને ગળામાં મરુન દુપટ્ટો…જાણીને કે અજાણતાં જ  ખુલ્લા રખાયેલા કુર્તાના પહેલા બે બટનમાંથી થોડા વાળ એના સ્વભાવની જેમ જ બેપરવાઈથી હવામાં ફરફરતા હતા. છ ફૂટની હાઈટ, રેગ્યુલર કસરતની ચાડી ખાતું આશુનું સપ્રમાણ સ્નાયુબધ્ધ શરીર.. પહોળી છાતી-પતલી કમર ..આશુ ઉપર આ ટ્રેડીશનલ ડ્રેસ ગજબનો ઓપતો હતો.

જે આશુને મારા સૌંદર્યથી અભિભૂત કરવાના સપના સેવતી બેઠેલી એ આશુને જોઇને હું પોતે જ બેહોશ થવાની તૈયારીમાં હતી..

ત્યાં મારી સખીએ મને હાથ પર હળ્વેથી ચૂંટીયો ખણ્યો અને હું ભાનમાં આવી. બધાની હાજરી વિસરીને જે રીતે ‘આશુમય ‘ થઈ ગયેલી એ વિચારીને મનોમન શરમાઈ ગઈ. આશુએ એક ભરપૂર નજર મારી તરફ નાંખી ને તરત ફેરવી કાઢી. એની ઇચછાને માન આપીને મેં આજે સાડી પહેરી..સોળ શણગાર સજયા અને  એ સાવ જ અલિપ્ત..મેં એના મોઢા પર જે ‘એક્ષપ્રેશન’ની આશા રાખેલી એમાંથી એક પણ ના દેખાયું. બધી મહેનત પાણીમાં..!!  પ્રસંશાનો એક ભાવ પણ પ્રિયાને અર્પણ નહીં..!

પુરુષોની જાત જ આવી હોય..સાવ નિર્મમ..! નજરની આ સંતાકૂકડી કોઇના ધ્યાનમાં ના આવી હોય એવી આશા રાખતી રાખતી ફટાફટ હોલમાં અંદર જતી રહી.

એરકંડીશન હોલ પણ મારા ધખધખતા ગુસ્સાને ઠંડો નહતો કરી શકતો. લગ્નની ચોરી આગળ ગોઢવાયેલી ખુરશીમાં સખીઓ સાથે ગોઠવાઈ ગઈ..

‘એ મારી સામે ના જુવે તો મને પણ એની કંઇ પરવા નથી,  હું પણ એની સામે નહી જોઊં..એ સમજે છે શું એના મનમાં..’

ઘૂઘવાટ-અકળામણ-

ત્યાંતો આશુનો અવાજ કાને પડ્યો…

’કોલ્ડડ્રીંક….’

અને એક જ મીનીટ પહેલાં લીધેલો દ્રઢ નિર્ણય પાણી થઈને વહી ગયો. નજર ઉઠાવી તો આશુના ચેહરા પર જઈને જ અટકી ગઈ. આના ઉપર તો ગુસ્સે ય  કેમનું થવાય..કેવું નિર્દોષ – નિર્મળ મુખડું છે આનું !’ હું  ખોવાયેલી ખોવાયેલી હતી , આશુની આંગળીઓ એ મોબાઈલમાં કંઇક હરકત કરી ..થોડો ગુસ્સો આવ્યો..આવા વખતે પણ મોબાઈલ છૂટતો નથી એનાથી…ત્યાં તો મારા મોબાઈલમાં મેસેજ ટૉન રણકી ઉઠ્યો.

’ઈડીયટ…જલ્દીથી કોલ્ડડ્રીંક લે અને હોલની પાછ્ળ એક રુમ છે..ત્યાં આવ…જલ્દી…હું રાહ જોવુ છું..’

મંત્રમુગ્ધ જેવી અવસ્થામાં જ ગ્લાસ લીધો અને એક જ ઘૂંટ્માં ગટગટાવી ગઈ. બહેનપણીઓને ‘એક મીનીટમાં આવી’ કહીને બને એટલી ત્વરાથી હોલની પાછ્ળ આવેલા રુમ તરફ ભાગી.

જ્યાં આશુ મારી રાહ જોઇને ઉભો હતો નવવધૂને તૈયાર થવા માટેનો રુમ હતો .  રુમમાં આશુ એકલો હતો એ જોઇને જેટલી અધીરાઈથી દોડતી- દોડતી રુમમાં ગઈ એનાથી બમણી સ્પીડમાં પગમાં બ્રેક પણ વાગી ગઈ. હૈયું કલ્પનાના આકાશમાંથી વાસ્તવિકતાની ધરતી પર પટકાયું..’વિચાર અને હકીકત’ બેયનો ભેદ પાણી અને દૂધની જેમ અલગ થઈને ઊભો રહ્યો.વિચારોમાં એકદમ ‘બોલ્ડ’ એવી હું હકીકતમાં શરમની મારી કોકડું વળી ગઈ. હોઠ ધ્રુજીને રહી ગયા પણ કોઇ શબ્દો બહાર ના નીકળ્યા..આશુ મારી આ હાલતનો દૂર ઊભો ઊભો મજાથી આનંદ માણી રહેલો.ધીરેથી એણે રુમનો દરવાજો અંદરથી બંધ કર્યો .

‘આશુ…આમ….કોઇ આવશે તો કેવું લાગશે…આ થોડું રીસ્કી નથી કે..?’’

‘ના…મારો એક મિત્ર બહારથી રુમ લોક કરીને ત્યાં જ ઓટલા પર બેઠો છે..હું  મોબાઈલથી એને જાણ કરીશ એટલે એ ખોલશે. તું  એ બધી ચિંતા ના કર. ‘ઇનફેક્ટ’  તું કશું જ ના કર..બસ ચૂપ ચાપ મારી સામે ઊભી રહે અને એ ધીમેથી મારી નજીક સરકયો…શરમથી મારી નજર ઊંચી જ નહોતી થતી. આશુએ મારી હડપચી પર એની તર્જની ગોઠવી મારું મોઢુ ઊંચુ કર્યુ. પણ મારામાં હિઁમત નહોતી એની આંખોમાં આંખ નાંખીને જોવાની. અમે આમ સાવ જ એકાંતમાં પહેલી વાર મળતા હતા.

આટલી નજીક…! થોડી બીક લાગતી હતી..કોની…આશુ ની…ના ના..એના પર તો પૂરો વિશ્વાસ હતો….તો શું મને મારી બીક લાગતી હતી કે..?

આશુએ ધીરેથી એનો હાથ મારી ખુલ્લી કમર પર મૂક્યો અને હું આખે આખી ધ્રૂજી ઊઠી…

‘સુગંધી..તું અદભુત લાગે છે આજે..મારી સપનાની પરી…રાજકુમારી…કેટલા વખતથી મારે તને આમ સાડીમાં એક ‘ભારતીય નારી’ના રુપમાં જોવી હતી. મારે જોવું હતું કે મારી દુલ્હન બનીશ ત્યારે તું કેવી લાગીશ. સાચું કહું તો તો તું મારી કલ્પનાથી પણ વધુ સુંદર લાગે છે મારા રુપકડા ચાંદ. ’ આટલું બોલતા તો એનો હાથ મારી કમર પરથી મારી પીઠ પર સરક્યો. મારામાંની પેલી બીક વધુ તીવ્ર બનતી જતી હતી.મારો મારા પર કાબૂ નહી રહે તો..? આવું જોખમ મેં કેમ લીધું..મનો મન જાતને થોડી કોસી પણ ખરી..આ સહેજ પણ હિતાવહ ફેંસલો નહતો..પણ હવે શું….?

’સુગંધી.. તારી આ બેદાગ લીસી લીસી ગોરી ત્વચાવાળી પીઠ, બે મુઠ્ઠીમાં સમાઈ જતી કમર…આ બધું મારું છે..મારું પોતાનું..આ વિચારથી જ હું મારી જાતને આખી દુનિયાનો ધનવાન માણસ સમજુ છું  અને એનો હાથ ચોલીમાંથી ખુલ્લી પડતી પીઠ પર સરક્યો…

‘આશુ…પ્લીઝ…આમ ના કર..’

આશુ મારી વાત સાંભળવાના મૂડમાં જ ક્યાં હતો. એના બાહુપાશમાં મને ચસોચસ જકડી લીધેલી..જેમાં શ્વાસ લેવા માટેની હવા પણ માંડ આવી શકે.. આટલી અધીરાઈ..

અને મનોમન બોલાઇ ગયું

‘તારા બે હાથની વચ્ચે હું..ફક્ત હું.

આનાથી વધુ ના માંગુ કદી હું..’

‘તારા વાળમાંથી એક અનોખી સુગંધ પ્રસરી રહી છે…મારા બધા દુ:ખ – દર્દ એમાં ઓગળી જાય છે’ અને આશુએ એનું  મોઢું મારા રેશમી ખુલ્લા વાળમાં છુપાવી દીધું.

‘આ તારી બિંદી-તારા કાનના ઝુમ્મર..ગળાનો હાર..કમર પર ઝુમતો આ કમરબંધ..તારા પગની પાયલ….જાતને શણગારતી વેળએ મને યાદ કરેલો ને…? સો ટકા કર્યો જ હશે…ખબર છે..પણ બસ..તારા મોઢેથી સાંભળવું છે કે આ બધા શણગાર તેં ફક્ત મારા માટે જ કર્યા છે…  તું અદભુત છે..તારી આ માછ્લી જેવી ઊંડી અને પાણીદાર આંખો…તારું નાજુક અને અત્યારે લાલચોળ  ટેરવાવાળું  નાજુક નાક…એની નીચે બે પરવાળા જેવા હોઠ…તારી લાંબી  પતલી ગ્રીવા..સુગંધી તું દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છું..અને એ પાગલની જેમ મને ચૂમવા માંડ્યો…હું નખશીખ ભીંજાવા માંડી…તીવ્ર ધડકનો વચ્ચે મારા દિલની ગતિ પર કાબૂ રાખવાના સજાગ પ્રયત્નોની કસરત સતત ચાલતી જ હતી…આખરે હું પણ એક સામાન્ય માણસ જ હતી…ઢગલો એષણાઓથી ભરેલી…

‘તારા હોઠ

મારું કપાળ…ગાલ….હોઠ….ડોક…

પછીની વાત મને ના પૂછ..

નશાની ચરમસીમાએ અમથું ય કોને કંઇ યાદ રહે છે…!!’

વાતાવરણ બરાબર ઘેરાઈ ગયેલું..વરસાદ ગમે ત્યારે પડી શકે એવી સંભાવના હતી..અને ત્યાં જ બારણે ટકોરા પડ્યાં,

’સોરી ટુ ડીસ્ટર્બ યુ..પણ આશુ – સુગંધી ભાભી…થોડા લોકો તૈયાર થવા માટે આ બાજુ આવી રહ્યાં છે…’

અને બધો નશો એક ઝાટકે તૂટી ગયો. પળ ભરમાં જાતને સંભાળી લીધી અને વળતી પળે અમે બહાર. સામે ઉભા રહેલા મિત્રની સામે જોવાની મારી હિઁમત નહોતી..આશુને પણ કશું જ કહ્યાં વગર ત્યાંથી ભાગી અને સીધી બહેનપણીઓની જોડે જઈ પહોંચી.

હવેથી આવા એકાંતના રીસ્ક ક્યારેય નહીં લઊં જેવો મનોમન પાક્કો નિર્ધાર કરી લીધો..ભલું થજો પેલા સમયસર આવી પહોંચનારા આશુના સંબંધીઓ અને એના મિત્રનું.

તે રાતે  દિલના એક ખૂણે છાની છ્પની કોઇ ચિનગારી એનો પ્રભાવ બતાવી રહી હતી અને હું એ આગમાં સળગતી જતી હતી..રોમાંચથી ભરપૂર સાંજ હૃદયંગમ હતી..કંઈક અલૌકિક શકયતાના કોમળ ઇશારાઓથી ભરપૂર સાંજ ..એક કાવ્યમય – દિવ્ય ઐક્યનો ગુનો થતાં થતાં રહી ગયો !! આખી રાત એ અતૃપ્તિની જલનમાં પડખાં ઘસી ઘસીને જ વીતી.

-સંપૂર્ણ..

સ્નેહા પટેલ.

નાજુક નમણી પ્રિયતમા -2


ખેતીની વાત > મારી હયાતી તારી આસ-પાસ કોલમ > લેખ નં-11. સપ્ટેમ્બર માસનો લેખ

નાજુક નમણી પ્રિયતમા -ભાગ:1 વાંચવા લિંક ક્લીક કરો.

https://akshitarak.wordpress.com/2012/08/08/namani-rupani-priyatama-1/

ભાગ-2

બંધ આંખોએ મદહોશીના સાગરમાં  ગોતા લગાવીને સપાટી પર આવવા મથતા મનને પરાણે ધક્કો મારીને પાછુ અંદર ડૂબાડવાના વ્યર્થ પ્રયત્નો કરતી હતી, ત્યાં તો મારા કાને મોરનો મધુરો ટહુકાર કાને પડ્યો. મેઁ ચમકીને આંખો ખોલી.અવાજની દિશામાં કાન સરવા કર્યા તો એ અવાજ બેડરુમની ગેલેરીમા ઝુલતા ‘ટુ સીટર’ સંખેડાના હીઁચકા પરથી આવતો હોવાનો ખ્યાલ આવ્યો.

હીચકાની બરાબર ઉપર ‘વિન્ડ ચાઈમ’ બાંધેલું હતું. મંદ મંદ વહેતી હવાની થપાટોથી એમાં નાજુક રણકાર ઉતપન્ન થઈ રહ્યો હતો જે વાતાવરણમાં હળવું સંગીત રેલાવી રહ્યું હતું.  ધીમેથી ‘પર્પલ શાટીન’નો પડદો ખસેડીને બહાર નજર કરી તો સાનંદાશ્રર્યથી આંખો પહોળી થઈ ગઈ. બહાર ત્રણ ઢેલ ગેલેરીની પાળી પર બેઠેલી હતી. આ તો એમના સંવનનકાળની ઋતુ..પોતાના પ્રિયતમને પોકારી પોકારીને ઇજન આપી રહેલી. મારાથી એમની વિરહીણી – બેકરારીની હાલતની અજાણતાં જ મારી હાલત જોડે તુલના થઈ ગઈ. એમની વ્યથા સમદુ:ખિયાભાવે હું પણ અનુભવી શકતી હતી ત્યાં તો એમનો પ્રિયતમ  -પૂરા ત્રણ હાથનો રુપાળા પીંછાથી ભરપૂર – વાદળી ગળાવાળો રુપકડો મોર – પોતાની પ્રિયાઓને (!!) મનાવવા આવી પહોંચ્યો. એક સાથે ત્રણ પ્રિયાઓને રીઝવવાની !  પોતાના સુંદર ભૂરા – ભૂરા પીંછા ફેલાવીને જાણે લાંબી આળસ મરડી. એના ફેલાયેલા પીંછામાં સોનેરી કલરના ગોળ ગોળ ચકતા જેવી ડિઝાઈનમાં ‘હ્રદય; જેવો  આકાર હતો. પોતાની પ્રિયાને મનાવવા મોરે પીંછાને હળ્વો ઝાટકો આપીને પોતાનો લખલૂટ અસબાબ ખુલ્લો મૂકી દીધો અદભુત કળા કરવા માંડી. માનવીઓમાં પુરુષને રીઝવવા માટે નારીને નૃત્ય કરતી આપણે સૌ જોઇએ છીએ. મોર એક જ એવો નર છે જે પોતાની માદાને રીઝવવા કળા કરીને તનતોડ નૃત્ય કરે છે.   આ અવર્ણનીય પ્રેમ – લીલા જોવામાં હું સમયનું ભાન ભૂલી ગઈ. ત્યાં જ વૉલ-ક્લોક્માંથી પેલી અવળચંડી કોયલ બહાર ડોકાઈને 10 વાર ટહુકી ગઇ અને મને સમયનું ભાન કરાવ્યું.

સફાળી’ક બેઠી થઈને મોર-ઢેલની પ્રણય-સૃષ્ટિમાં થી બહાર નીકળી. ફટાફટ મમ્મીનો બેડરુમનો દરવાજો બંધ કર્યો અને ડ્રેસિઁગ ટેબલના ત્રણેય કાચ સેટ કર્યા. મમ્મીનું લોકર ખોલી મને ખૂબ ગમતો મોતી –જડતરનો સેટ કાઢ્યો. આખું ગળું ભરાઈ જાય એવો હાર – કાનમાં ઝુમ્મર –કાનસેર..હાથમાં બે – બે ડઝન બંગડીઓની વચ્ચે થોડા લટકતા ઝુમ્મરવાળા પાટલાં ચડાવ્યાં અને છેક આગળ મસ મોટો રજવાડી ઠ્સ્સાવાળો સેટનો પાટલો..!  મારા નાજુક ફ્લોરોસેંટ નેઈલપોલિશ ઉપર કોમ્પ્યુટરાઇઝ્ડ ડિઝાઇન કરાવેલા લાંબા નખ વાળા હાથમાં આટલી બધી બંગડીઓ જીવનમાં પહેલી વાર ચડાવી હતી . હાથને કોણીએથી વાળી 90 અંશની ડીગ્રીએ આંખોની સમક્ષ રાખીને અચરજથી જોઇ રહી. શું આ મારો જ હાથ હતો..આટલો સુંદર ? નાજુકાઇને સુંદરતાનો ઢોળ..અહાહા…આજે હોશની બધી સીમાઓ તોડીને જાણે હું ખુદ મારા પ્રેમમાં પડતી જતી હતી. બહુ જ નવાઈની વાત હતી. છેલ્લે નાજુક ઘૂઘરીઓના રણકારવાળો કંદોરો કમર પર બાંધ્યો અને પગમાં રુમઝુમ- રુમઝુમ સોનેરી નાજુક પાયલ..!

‘ફેસવોશ’થી મોઢું બરાબર ધોઇને મોઢા પર ‘કોમ્પેક્ટ’ પાઉડર લગાવી કપાળની વચ્ચો વચ્ચ ગોળ સુંદર મજાની ડાયમંડ અને સલમાના વર્કવાળી બેબીપીંક –ગ્રીન કલરના મિશ્રણવાળી બીઁદી લગાવી. આઈ-બ્રોના બે ચાર વાળ થોડા ઊઁચા નીચા લાગતા હતા. આજે તો કોઇ જ કમી ચલાવી લેવાનો મૂડ નહતો.જલ્દીથી પ્લકર – કાતર લઈને આઇબ્રો સેટ કરી. જન્મજાત સુંદર કાળી લાઁબી પાંપણ પર મશ્કરાનો હળ્વો લસરકો માર્યો અને આસમાની ઝાંય ધરાવતી લાઈનર…ઉફ્ફ…લાઈન થોડી જાડી પાતળી થઈ ગઈ..પણ ચાલી જશે..બહુ નાની ભૂલ હતી. સરળતાથી નજરે ચડે એમ નહોતું.. પીંક આઇ શેડો – બ્લશર..ગ્રેપવાઈન અને પીંકીશ શેડ્ના મિક્ષ્ર કલરની લિપસ્ટીક… મનોમન નવાઈ લાગતી હતી…હું પ્રોફેશનલ બ્યુટીશિયન નહોતી પણ આજે બધો મેકઅપ એક્દમ ચીવટતાથી થતો હતો.

આજે મને સમજાતું હતું કે મમ્મીને હંમેશા તૈયાર થતાં આટલી વાર કેમ લાગતી હતી ! જ્યારે બહાર જવાનું હોય ત્યારે હું  હંમેશા પપ્પાની સાથે મળીને એમની મજાક ઉડાવવામાં સાથ આપતી હતી. પણ જ્યારે મમ્મી તૈયાર થઈને રુમની બહાર આવતાત્યારે પપ્પાની આંખમાં એક છૂપો પ્રશંસાનો ભાવ તરતો ચોક્કસ જોઇ શક્તી હતી અને મનોમન એ બેયના પ્રેમને – આકર્ષણને જોઇને હું અનોખો આનંદ અનુભવતી. અચાનક મારા લગ્નના 18 વર્ષ પછી મારો પરણેતર પણ મને આવા જ અદ્મ્ય આકર્ષણથી જ નિહાળે એવી ઇચ્છા મનના એક ખૂણે બળવત્તર થઇ ગઈ !

છેલ્લે વાળ ભીના કરીને ડ્રાયર મારીને વાળના લેયર્સ સેટ કર્યા. મમ્મીના ડ્રેસિઁગ ટેબલના એક ખૂણે પડી રહેલી કંકુની ડ્બ્બી તરફ આપોઆપ નજર વળી. મનમાં અરમાનોનો સમંદર ઉમટવા લાગ્યો. ના રહેવાતા ડબ્બી ખોલીને અંગૂઠા અને આંગળીની ચપટીમાં કંકુ ભરીને વાળમાં થોડી ડાબી બાજુ પડતી પાંથીમાં એને અડાડ્યું અને મનોમન એ જ્ગ્યાએ એની હાજરીની કલ્પના કરવા લાગી. બે પળનો નશો માણ્યા પછી બધું યથાવત પાછું મૂકી દીધું…લાઈટ રોમાંટીક સ્મેલવાળું બોડી સ્પ્રે લઈ બગલ..કાંડું…કાનની બૂટ..બધે સ્પ્રે કર્યું.

ચંપલમાં પગ નાંખતા ધ્યાન ગયું, ‘અરે, પગમાં નેઈલ પોલિશ બગડી ગયેલી.તરત એને રીમુવરથી સાફ કરીને ફરીથી એક હળ્વો નેઇલ-પોલિશનો કોટ લગાવ્યો.

ડ્રેસિઁગ ટેબલના બધા કાચ સેટ કરી મારી જાતને બે ફૂટ દૂર જઈ દરેક એઁગલથી ચેક કરવા લાગી.

એક છોકરી પ્રેમમાં પડે એટલે કેટલી હદ સુધી બદ્લાઇ શકે એના જીવતા- જાગતા નમૂના જેવી હું આંખો ફાડીને મારી જાતને આઈનામાં નિહાળી રહી. શું આ હું જ છું..જિન્સ – શોર્ટસ માં  શોભતી નટખટ ઉછ્ળકૂદ કરતી સુગંધી ! ના…આ તો કોઇ નવપરિણીત સોળ શણગાર સજેલી દુલ્હન હતી. જેને હું મારા જીવનમાં  સૌ પ્રથમ વાર જ મળી રહી હતી. જે છું એનાથી વધારે સુંદર દેખાવાના ..ના..ના..કદાચ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી દેખાવાના અભરખાના અંકુર આજે મનના ખૂણે ફૂટતા જતા હતા.

ત્યાં તો નીચેથી કારનું હોર્ન અને બે પળ પછી મમ્મીનો અવાજ આવ્યો…

‘સુગંધી…બેટા તારી બહેનપણીઓ આવી ગઈ…જલ્દી કર હવે.કેટલું તૈયાર થઈશ હજુ !’

‘આવી મમ્મા..એક મિનીટ..’ અને હું ઝડપથી રુમમાંથી બહાર નીકળવા ગઈ. જીન્સમાં દોડવા ટેવાયેલા પગ આજે સાડીના બંધનમાં અટ્વાઈ ગયા અને હુ એક ગડથોલું ખાતા ખાતા માંડ બચી..ઉફ્ફ…આ બધું આગળના ચાર-પાંચ કલાક કેમનું મેનેજ થશે મારાથી ? ત્યાં ‘આશુ’નો પ્રેમાળ ચહેરો નજર સામે તરવર્યો.

‘આના માટે તો બધું કરી શકાય..’

અચાનક યાદ આવ્યું કે  દાદર ઉતરતી વેળા મમ્મી કળાત્મક રીતે સાડીની પાટલીને થોડી ઊંચી કરીને ચાલતા હતા . મેં પણ હળ્વેથી મમ્મીની સ્ટાઈલમાં ચપટીમાં પાટલીને પકડીને થોડી ઊઁચી કરી. બે-ચાર વારની નિષ્ફળતા પછી થોડી ફાવટ આવી. મમ્મી જેવી નજાકત તો ના આવી પણ કામ ચાલી ગયું અને ધીમે ધીમે દાદરા ઉતરીને નીચે આવી.

મને જોઇને ડ્રોઇઁગ રુમમાં રહેલ પાંચે પાંચ જીવ..મમ્મી અને મારી ચાર સહેલીઓ…બધાંના મોઢા અચરજથી પહોળા થઈ ગયા ! મમ્મીએ તરત કાજળની ડબ્બી લાવીને મારા કાન પાછ્ળ ટીકું કર્યુ, ને બોલ્યા,

’મારીદીકરી આવડી મોટી ક્યારે થઈ ગઈ..ખબર જ ના પડી !’’

અને એને ગળે લાગીને વ્હાલ કરીને હુ ઉતાવળી ઉતાવળી બહેનપણીઓ સાથે ગાડીમાં ગોઠવાઈ.

‘શું વાત છે ..આજે હવામાં રોમાંસ જ રોમાસ ફેલાઇ રહ્યો છે ને કંઇ ! આટલા બધા સાજ શણગાર-એ પણ નેચરલ બ્યુટીની પ્રખર હિમાયતી સુગંધી…હે ય..કોઇ મને ચૂંટી ખણો તો ‘ બોલીને હળ્વેથી મારી સખી સોનમે મને એક આંખ મારી.

‘બસ કર હવે..’ ખોટાગુસ્સા સાથે મેં સખી સામે ડોળા તગતગાવ્યા..

‘સારું..અમે તો બસ કરી લઈશું પણ રુપના આ સાગરથી બીજું કોઇ બચશે કે નહી એની ચિંતા અમને બહુ સતાવે છે.’ એની વાતનો સઁદર્ભ સમજતા ગુલાબી મેકઅપની નીચેથી  કુદરતી રતાશ ગાલ પર છ્લકવા લાગી.આખા શરીરનું લોહી ગરમ થઇ ગયું ને કાનની બૂટ પર ઠોકર મારવા લાગ્યું. એ પણ લાલઘૂમ થઈ ગઈ.

‘ચિબાવલી…હવે સામે જોઇને ગાડી ડ્રાઈવ કરને નહી તો માડ હાથમાં આવેલી ગાડી ક્યાંક અથડાઈ બેસીશ અને પપ્પાની વઢ પડશે નફામાં.’

‘મારા બોલવા પર તો કંટ્રોલ કરી લઈશ પણ આશીર્વાદ આગળ શું કરીશ…’

અને આખી ગાડી જુવાન હાસ્યથી છ્લકાઇ ગઈ.એ પછી આખા રસ્તે  શરમના ભારથી લદાયેલી પાંપણો મારાથી ઉંચી જ ના થઈ શકી.

ક્રમશ:

નમણી રુપાળી પ્રિયતમા – ૧.


 

kheti ni vaat mag. > Mari hayti tari aas-paas-10 > aug. month’s artical

‘આ તને શું ભૂત ભરાયું છે સુગંધી..જીન્સ અને ટી-શર્ટમાં બિન્દાસ રખડતી મારી દીકરી આમ અચાનક સાડી પહેરવાની જીદ્દ કરે છે એ કંઇ સમજાતું નથી..!’

મમ્મી મારી નજીક આવીને મારા કપાળે અને ગળે હાથ મૂકીને શરીરનું ઉષ્ણતામાન ચેક કરવા લાગ્યા..

‘ના આમ તો બધું બરાબર છે..તાવ તો નથી તો આવા લવારા…!’

‘મમ્મી…પ્લીઝ..આમ હેરાન ના કરો..મારે આજે તમારી સૌથી સ્ટાઈલીશ સાડી પહેરવી છે..પેલી ગાજર કલરની જ્યોર્જટ -શિફોન કે ક્રેપ જે મટીરીઅલ કહેવાતું હોય એ સાડી..જેમાં સરસ મજાનું ગોલ્ડન ડાયમંડ અને ટીકીનું વર્ક કરેલું છે ને..એ જ..તમે જ્યારથી એ સાડી લીધી છે ત્યારથી મારા મગજમાં એને એક વાર તો પહેરીશ જ’ એવી ઇચ્છા કાંકરીચાળો કરે છે…તો બસ..આજે તક મળી છે તો હું એ પહેરવા માંગુ છું.. આ તમારી બહુ વિચારવાની ટેવ જ ખરાબ છે..સાવ સીધી સાદી વાતમાં પણ  તમને રહસ્યોના ભંડાર દટાયેલા લાગે છે..હવે તમે મને પહેરાવો છો એ સાડી કે હું બીજા કોઇની જોડે પહેરવા જઊં..?’

‘હાય રામ..મારી દીકરી હવે મને ધમકીઓ આપે એવડી મોટ્ટી થઈ ગઈ છે ને કંઇ…’ અને મમ્મીએ એની માછલી જેવા આંખોની પાંપણો પટપટાવીને પહોળી કરીને પોતાનું મસમોટ્ટું આશ્ચર્ય વ્યકત કર્યું.

હવે મારી ધીરજનો અંત આવવા લાગેલો. જોકે મમ્મીની વાત સાવ પાયાવિહોણી તો નહોતી જ..હું એમની સામે હળાહળ જુઠ્ઠું બોલી રહેલી એનો મનોમન સ્વીકાર કરી લીધો..પણ હકીકત તો મમ્મી સમક્ષ કેમની રજુ થાય..?મમ્મીની જોડે બધીય વાતો શેર કરનારી જુવાન છોકરી એના પ્રેમીની એક ‘માસૂમ ઇચ્છા’ની વાત સાવ આમ નિર્લજ્જપણે કેમની કરી શકે..?

આશિર્વાદ…મારા આશુને હું બધાં જ આઊટફીટમાં હું મનમોહક જ લાગતી..સ્કીન ટાઈટ બ્રાન્ડેડ જીન્સ અને સ્પગેટીના લેટેસ્ટ ડિઝાઈનર ટોપના કારણે જ એ મારી તરફ સૌપ્રથમ આકર્ષાયો હતો..ધીમે ધીમે એ આકર્ષણ દોસ્તી અને દોસ્તીમાંથી પ્રેમના પંથ પર ડગ માંડવા લાગ્યું એ અમારા બેયમાંથી કોઇને ખ્યાલ જ આવ્યો..જીન્સ ટીશર્ટ..મીની સ્કર્ટસ, શોર્ટસ..શોર્ટ સ્લીવ્ઝ કે સ્લીવલેસ ટોપ..આ બધાંથી મારા રુપનો દીવાનો થઈ ગયેલો આશુ હમણાંથી ખબર નહીં કેમ..વારંવાર એક જ જીદ્દ લઈને બેઠેલો,

‘સુગંધી..મારે તને એક વાર સાડીમાં જોવી છે.’

‘અરે કેમ એક્દમ સાડી, એ કેટલી બોરિંગ છે એ તો તને ખ્યાલ છે ને ? હું એને કઈ રીતે મેનેજ કરી શકીશ..કેવી બાલિશ માંગણી છે આ તારી આશુ..’

‘જો સુગંધી..તું આ બધા જ કપડામાં ખૂબ જ સુંદર લાગે છે..પણ આ તારા તનને ઢાંકવા કરવા ઉજાગર વધારે કરતાં કપડામાં આજુબાજુ ફરતા દરેકની નજર તારી પર મંડરાયા કરે છે..એમની નજરમાં રહેલા વાસનાના સળવળ કરતાં સાપોલિયા જોઇને મને મનમાં કંઇક કંઇક થઈ જાય છે..મન થાય છે કે જઈને એની આંખો ફોડી કાઢું..પણ એમ તો કેટલાંની આંખો હું ફોડી શકવાનો..એના કરતાં તું જ હવે કપડાંની બાબતમાં થૉડી સુધરને..શરીરને ઢાંકતા કપડામાં પણ તમે સુંદર દેખાઇ જ શકો છો ને..મને તો તું બુરખામાં પણ સુંદર લાગીશ..વળી મારી ભવિષ્યની પત્ની તરીકે મારે તને જોવી છે..તને ખબર છે ઘણી વાર મારા સપનામાં તું સાડી પહેરીને સોળ શણગારમાં સજ્જ થઈને મારી સામે આવે છે..અને હું એકદમ સફાળો થઈને જાગી જાઊં છું.તું ગમે તે કર પણ મને એક વાર સાડી પહેરીને મારી સ્વપ્નાની સુગંધી થઈને મળ.કેમ.ક્યાં..ક્યારે…એ બધું જ તું નક્કી કરજે..’

અને આજે મને એ તક અનાયાસે જ મળી ગયેલી તો એને કેમની જતી કરાય. આ બધી વાતો મમ્મીને કેમની કરાય..!  યેન-કેન-પ્રકારેણ..મમ્મીને મનાવ્યાં..એમની સૌથી સ્ટાઇલીશ સાડી એમના વોર્ડરોબમાંથી કઢાવી.

મમ્મી ગજબના રુપાળા હતાં..આ ઊમરે પણ રેગ્યુલર જીમ -યોગા કરી કરીને એમણે એમનું શરીર સૌષ્ઠવ બરાબર સાચવી રાખેલું..આ બધાના કારણે મને મમ્મીના ચોલી-બ્લાઉઝના માપના ફીટીંગમાં કોઇ જ તકલીફ ના પડી.

મમ્મીના ડ્રેસિંગ ટેબલના ત્રણેય કાચમાં જમણી-ડાબી-આગળ-પાછલ ફરી ફરીને એનું ફીટીંગ બરાબર ચેક કર્યું.. ઉપરની બાજુએ બરાબર માપ લઈને બંધાયેલ ફુમતું અને છેક નીચે ચોળીના બટન આ બેની વચ્ચે પડતો અદભુત લંબગોળ શેઈપ પડતો હતો..ફુમતાની નીચે લટકતી દોરીમાં લાલ-લીલા -સફેદ ઝીણાં મણકાંની પતલી નાજુક સેર હતી જે મારી પીઠ પર ગલી પચી કરી કરીને મારા તનમાં જાતજાતનાં સંવેદનો ઉભા કરતી હતી.

મમ્મીએ સાડી પહેરાવવાનું ચાલુ કર્યું..મમ્મી એટલે સાડી પહેરાવવામાં માસ્ટર..આખા ગામની છોકરીઓ એમની જોડે સાડી પહેરવા આવે..એમની આંગળીઓ પર ગોઠવાતી ગોઠવાતી સાડીની પાટલી ક્યારે મારા ખભા પર સેટ થઈ ગઈ એનો મને ખ્યાલ પણ ના આવ્યો..નાજુક કલાત્મક વર્ક વાળો પલ્લુ સેટ કરતાં કરતાં છેલ્લે એમણે ખભા પર સુંદર મજાનું ડાયમંડનું બ્રોચ લગાવ્યું અને એમના કામની પૂર્ણાહુતિ કરી..

‘જો સુગંધી…મારે બહુ કામ છે..તું આ મારા વોર્ડરોબમાંથી તારે જે જોઇએ એ ઘરેણાં સાચવીને કાઢીને પહેરી લેજે..કોઇ જગ્યાએ કામ પડે તો મને ‘ઇન્ટરકોમ’ પર ફોન કરીને ઉપર બોલાવી લેજે..!”

‘અહા..મારી પ્યારી મમ્મા…અને મેં મમ્મીના ગળામાં હાથ પૂરોવીને એમના ગાલ પર વ્હાલથી એક ચુંબન કરી લીધું..

‘બસ હવે..મસ્કા ના માર..બધી સ્ટાઈલો ખબર છે મને તારી…અને હસતા હસતા મમ્મી ત્યાંથી વિદાય થયા.

હું પણ એ જ તકની રાહ જોતી હતી. રુમમાં એકલા પડતાં જ હળ્વેકથી મમ્મીના બેડરુમનો દરવાનો અંદરથી લોક કર્યો..સાડીનો થોડો ખુલ્લો રાખેલો પલ્લુ જમણેથી ડાબે અને ડાબેથી જમણે લહેરાવવા લાગી.

સુંદર દેખાવું એ મને પણ પસંદ હતું પણ એના માટે લોકો જે મેકઅપ અને ઘરેણાંના થથેડા કરતાં એની મને સખત ચીડ હતી..પણ આજનો દિવસ જ કંઇક અલગ ઉગેલો લાગતો હતો.

‘નેચરલ બ્યુટી’ની હિમાયતી સુગંધી પર આજે સોળ શણગાર સજીને ‘મેનકા’ બનવાની ઇચ્છા હાવી થતી ચાલી. આંખો મારી પણ એમાં દ્રષ્ટિ આશુની હતી..મારી દરેક ક્રિયામાં એક નવો અર્થ ભળતો – છલકતો જતો હતો..ડ્રેસિંગ ટેબલના ‘કોર્નર’ પર પડેલા લાકડાના સુંદર નકશીકામ વાળા ફ્લાવરવાઝમાં કળાત્મકતાથી ગોઠવાયેલા ગુલાબના ફૂલ પર મારાથી અનાયાસે હાથ ફેરવાઈ ગયો..એની નાજુક પાંદડીઓને સ્પર્શતા જ આંખો બંધ થઈ ગઈ..બંધ આંખોમાં ‘મારો આશુ’ છલકાઇ ગયો…મંદમંદ હસતો હતો..અને કંઇક અસ્ફુટ શબ્દોની ધારા એના મુખમાંથી વહેતી હતી..મેં કાન સરવા કર્યા..

‘નાજુક નાજુક ગુલાબી ગુલાબી

આ તો પ્રિયતમા જાણે નમણી રુપાળી..!’

અને મનોમન હું શરમાઈ ગઈ..બંધ આંખોના પોપચા ઓર બોઝિલ થતા ચાલ્યાં…

ક્રમશઃ

સ્નેહા પટેલ.

Image source : http://sareedreams.com/2011/05/bridesmaids-saree-never-looks-good/

નિર્દોષ વ્યસન


 ખેતીની વાત મેગેઝીન > મારી હયાતી તારી આસપાસ  કોલમ –  ૯ >  જુલાઇ માસનો લેખ

http://issuu.com/kiwipumps/docs/kv_july-2012_issue?mode=window&viewMode=doublePage

ધોમ-ધમતો મે મહિનો ચાલુ થઈ ગયો. છોકરાંઓને સ્કુલમાં વેકેશન પડી ગયું. આખીય સોસાયટી દિવસ રાત નિર્દોષ ધમાલમસ્તીથી ભરચક રહેવા લાગી.રોજ રોજ ચોતરફ અવનવા પ્રસંગોની ભરતી  ચઢવા લાગી હતી.

આજના ધમાલિયા, ઘોંઘાટીયા જીવનમાં આ નિર્દોષ ઘોંઘાટ મને બહુ પસંદ હતો.. મીઠા વ્હાલ સાથે નજર આખીય સોસાયટી પર ફરી વળી..

સોસાયટીના એક ખૂણે થોડા ઢબૂકડાંઓ ટે’સથી ભેરુના ખભે હાથ મૂકીને સ્લીપર ઢસડતા ઢસડતા, બેફિકરાઇથી ચાલતા ચાલતા  મીનરલ વોટરમાં બનતો બરફનો ગોળો ખાવા જવાના મોટ્ટામોટ્ટા પ્લાન બનાવાતા હતા..(મોટ્ટા મોટ્ટા એટલે કે બીજા ૧૦-૧૨ ભેરુઓને શોધીને એમને પણ સાથે કરવાની ઇચ્છાઓના હવામહેલ બંધાતા હતાં..)એમાં કાલે કટ્ટી થયેલ ભાઈબંધને આજે પોતાના પૈસે બરફ ખવડાવીને મનાવી લેવા જેવા માસૂમ કાવત્રાઓ પણ ઘડાતા હતા..એક બાજુ થોડા તરવરીયા, ઝાલ્યા ના ઝલાય જેવા બચ્ચાઓ મમ્મી પપ્પાએ બર્થડે પર કે કોઇને કોઇ સારા પ્રસંગે ‘ગિફ્ટ’ તરીકે અપાવેલ સાઈકલ દોડાવતા હતાં. આખા વર્ષ દરમ્યાન તો સમયની ખેંચાખેંચ,મમ્મીના ટાઈમટેબલોમાં ગોઠવાયેલ પોતાના નામની બૂમ, હોમવર્ક,એક્સ્ટ્રા ક્લાસીસ,ટ્યુશન – વળી પાછું એનું હોમવર્ક..ઘડિયાળના કાંટે ‘પથારીભેગા થવાનું’-આવા ઢગલો ટેન્શનથી હાશકારો અનુભવતું બચપન હવે સ્વતંત્ર હતું..’યહાં કે હમ સિકંદર’ જેવા વટમાં જ આખો વર્ષ સાઇકલ ના ચલાવી શક્યાનો રંજ અત્યારે બમણી સ્પીડમાં, ઉભા ઉભા અનોખી સ્ટાઈલમાં ફુલ સ્પીડમાં ચલાવીને વસૂલ કરાતો હતો. બધો હિસાબ બરાબર સરભર કરી લેવો હતો. ક્યાં છુટ્ટી સાંકળો રમાતી હતી તો ક્યાંક થપ્પો..

એક બાજુ મારી નાનકડી બહેનપણીઓ ‘બેડમિગ્ટન’ રમી રહેલી હતી..એમનો નિત્યક્રમ..બે બહેનપણીઓ સાંજે વહેલાં જમીને નીચે આવીને પોત-પોતાની બેડમિન્ટન માટેની જગ્યા ‘સિક્યોર’ કરી લે..અને બીજી બહેનપણીઓ  ઘરે ઘરે જઈને બીજી સખીઓને ઉઘરાવી લાવે.છેલ્લે અડધા કલાકે માંડ બધાનો સમય સાથ આપે અને રમવા ભેગા થાય.એમાં પણ પાછું કોઇકનું  રેકેટ બરાબર ના હોય..ફૂલ તૂટી ગયું હોય- આજે કોણ એના પૈસા કાઢશે.. ડબલ્સ રમીશુ કે સિંગલ્સ, કોણ કોની સામે અને કોણ  કોની સાથે રમશે..આવી ઢ્ગલો અવઢવો હોય એટલે એ બધાંની નજર અપેક્ષાના હિંડોળે ઝૂલતી ઝૂલતી મારી તરફ વળે..એમની આ અપેક્ષાની મને પહેલેથી મનમાં ખબર જ હોય એટલે હસીને એમના ઇજનને સ્વીકારી લઊં.. બધું બરાબર સેટ કરી આપું. બધાંને મારા માટે બહ જ આદર એટલે પ્રેમ પણ ઢગલો કરે..અને મારી બધી વાત માને પણ ખરા. વચ્ચે વચ્ચે મારે એ લોકો સાથે રમીને એ પ્રેમનો બદલો પણ વાળવો પડે.જો કે આ તો આપવા લેવા જેવા ગણિતથી દૂરના સંબંધો ..એટલે મને બહુ વ્હાલા.

પણ આજે મારું મન બહુ ઉદાસ  હ્તું..કેમ એ નહોતું સમજાતું. નાનકડી સખીઓના ટચુકડાં ઇશારાઓ જોઇને પણ અદેખ્યાં કરી દીધા. મન નહોતૂં થતું.દુનિયાની આઠમી અજાયબી કહી શકાય.. આ ઢબુડીઓ સાથે ટાઈમ પસાર કરવો એટલે મારા માટે દુનિયાનું સૌથી મનપસંદ કાર્ય..

આજે એ ‘લાગણી પક્ષાઘાત’ અનુભવતી હતી. દિવસની દિનચર્યા નજર સામેથી પસાર થતી ચાલી.. રુટીનમાં ધબકતી જીંદગીમાં કંઇક તો અસ્તવયસ્ત હતું ..શું..’કંઈક ખૂટતું હતું’ નો અહેસાસ સતત મગજમાં ઠોકાતો હતો..ખ્યાલ નહતો આવતો ને ત્યાં તો એક ઢીંગલી મારી પાસે આવી..રોજની જેમ ઇશારાઓ કરી કરીને બોલાવતી હતી પણ મેં મચક નહોતી આપી એટલે થાકીને પાસે આવીને મારો હાથ પકડ્યો અને મીઠી રીસ કરતાં બોલી..

‘દીદી..આ શું..આજે કેમ રમવા નથી આવતા..અમારાથી કોઇ ભૂલ થઈ ગઈ છે કે..?’

પણ મને તો એના ‘આ શું..શબ્દો પછી આગળ કંઇ જ ના સંભળાયું..હા..કારણ બરાબર પકડાયું..

‘આશુ..!!’

આજે મારા આશુ – આશીર્વાદ જોડે વાત નહોતી થઈ એટલે મગજ ઠેકાણે નહોતું.

રોજ રોજ એની જોડે વાત કરવાનું -એની દિનચર્યા વિશે, થોડી એની સાંભળવાની- થોડી મારી કહેવાની વાતોનું ધ્યાનબહાર જ તીવ્ર વ્યસન થઈ પડેલું..આ ટેવ તો જબરી..બારણું ખખડાવ્યા વગર પાધરી જ મારામાં સમાવિષ્ટ થઈ ગયેલી..જબરી દાદાગીરી આ ટેવની તો. વ્યસનના આવા પ્રકારો પણ હોય કે..અચરજનો આખેઆખો સાગર મારા દિલમાં ઉફનતો હતો. કોઇ આવી વાત કરત તો કદાચ હું માનવા જ તૈયાર ના થાત પણ આ તો મારી જોડે ઘટી રહેલ એક હકીકત હતી એનાથી ના-નુકર કેમની થાય..?

‘પ્રેમ ટેવોથી બને

કે

ટેવો પ્રેમથી..?’

રોજ રોજ આશુ સાથે નિર્દોષ – લાગણીભીની ઢગલો વાતોનો નશો કરવાનું મને વ્યસન થઈ ગયેલું એ આજે છેક ખ્યાલ આવ્યો. ‘કોઇ પણ વ્યસન બહુ સારા નહી’ એવું તો નાનપણથી જ સાંભળતી આવેલી પણ આવા મીઠડાં વ્યસન વિશે મને કઈ જ ખ્યાલ નહતો. હા એ હકીકત હતી કે આજે એ વ્યસન ના સંતોષાતા દિલ બેચેન હતું અને દિમાગ કામ કરતું અટકી ગયેલું. કોઇ જ વાતમાં ચિત્ત નહોતું પૂરોવી શકતી કે કોઇ જ વસ્તુ મને ખુશ નહોતી કરી શકતી. ‘નિર્દોષ વ્યસન’ પણ ‘હાર્મફુલ’ હોય કે ..! આમ સાન ભાન ભૂલાવે દિનદુનિયાથી બેખબર કરી નાંખે એ તો કેમનું ચાલે..મારે રહેવાનું તો એ જ દુનિયામાં જ છે ને..પછી એક અજીબ સા એલિયનની જેમ જીવવાને મજબૂર કરી દે એવી ટેવ કેમની પોસાય..આમે હું રહી ભારે તોરીલી…પહેલેથી કોઇ પણ વ્યસનની બંધાણી થવાનું મને ના પોષાય..દરેક વ્યસનને થૉડા થોડા સમયે દિલ-દિમાગ નિકાલ કરવાની , જાતને ચકાસતા રહેવાની મને (કુ)ટેવ તો બાળપણથી જ..કશા ય વગર રહી ના શકાય એ વાત જ મારા મગજને સ્વીકાર્ય ના હોય..એવી સાડાબારી કોઇની સહન ના થાય..પણ આ ટેવનું હવે મારે શું કરવું.. આ તો મારી જીવાદોરી.. આજે મને વ્યસનનો સાચો મતલબ ખબર પડતી હતી..દારુડીઆને દારુ ને ચેનસ્મોકરને સિગારેટ છોડતાં કેટલી તકલીફો પડતી હશે એ મને આજે બરાબર સંવેદી શકાતું હતું.એ બધાંની લાચારીને હંમેશા ધૃણા-દ્ર્ષ્ટીથી નિહાળવાની મારી ભૂલ મને સમજાતી હતી..ખરેખર તો એ લોકો દયાને લાયક ગણાવા જોઇએ..જાત પર આવ્યું ત્યારે સત્ય સમજાણું..

ટપ…ટપ…ટપાક

બધો વલવલાટ

આંખેથી વહેવા લાગ્યો

આંસુને પાણીથી ધોઇ કાઢવા

બને  એટલી ત્વરાથી

ઘરની વાટ પકડી

પાછળ’સુગંધી દીદી’ નામ સાથે અચરજી પડઘા પડી રહ્યાં હતાં..માસૂમ મુખ પર ઢગલો પ્રશ્નો રેલાઇ રહેયાં હતાં..પણ એના વિશે વિચારવાનો, જવાબ આપવા જેવી મારી મનોસ્થિતી કયાં હતી…

એક ‘ નિર્દોષ  વ્યસન’ આખરે મારા જીદ્દીપણાને હરાવીને – એની આદત પાડીને જ જંપ્યું…વિજયી થઈ ગયું.

સ્નેહા પટેલ

અહેસાસ રુહ સે મહેસુસ કરો..


kheti ni vaat mag. > mari hayati tari aas-pass – 8 > may-2012.


આ હોઠ પર કંઇક સળવળ..સળવળ થાય છે. .શું છે ..? આખો દિવસ હેરાન કર્યા જ કરે છે.. !! કોઇ પણ કામ કરતાં હો તો પણ હોઠ  પરનો સળવળાટ ભરપૂર અકબંધ..!  દિમાગમાં કોઇ વાત ‘ક્લીક’ થાય, ભૂતકાળનો કોઇ પ્રસંગ તાદ્રશ્ય થાય..અને દિલમાં એક હલકી –  મધુરી ભીનાશ વ્યાપી જાય..ધીમે ધીમે એ ભેજ મુખ તરફ પ્રયાણ કરે, અને હોઠ પર આવીને હળ્વેથી ધીમા સ્મિતમાં ફેરવાઈ જાય – રેલાઈ જાય. રોજ રોજ આ દિમાગથી હોઠ સુધીની સફર અવિરતપણે ચાલ્યા જ કરે છે…કોઇ થાકોડો નથી નડતો એને.!! શું બધા સાથે આવું થતું હશે..? ના..આમ એકલા એકલા મરકવાનું…હસ્યા કરવાનું..આ તો પાગલપણની નિશાનીઓ કહેવાય…પણ માણસ પાગલ ના હોય અને એના આ આપોઆપ ફૂટી નીકળતા હાસ્યના ઝરા પર પોતાનો કંટ્રોલ ના રહે તો..?  આ તો સાવ  બે છેડાંની વિરોધાભાસી વાતો જ લાગે છે ને..પણ હું આ દોરમાંથી જ પસાર થઈ રહી છું..મારા મોઢા પર જ્યારે ને ત્યારે તારી લાગણીની છાપ છોડી જાય છે..આ મારા પ્રેમની ચાડી ખાઈ જતું બોલકું હાસ્ય મને કોઇક દિવસ મરાવી કાઢશે..

હા તો વાત એમ છે..મારા ‘બુદ્ધુરામ’ જેવા તમે..હાસ્તો આમ ‘સ્માર્ટ’ પણ આમ નાની નાની વાતોની પણ સમજ ના પડે એટલે હું તો તને ‘બુધ્ધુરામ’ જ કહીશ ..તો તું જ્યારે પણ મને યાદ આવે છે ત્યારે આપોઆપ હોઠ મારી જાણ બહાર જ મરકી ઊઠે છે. હાથમાં  ચોપડી પકડીને બેઠી હોઉ, આંખો એમાંના કાળા કાળા અક્ષરો પર ફરતી હોય.. પણ મગજ તારી સાથે વિતાવેલ મેધધનુષી યાદોની ગલીઓમાં  ફરવા લાગે ..બધું રંગીન રંગીન.. આંગળીના ટેરવા પાના ફેરવતા હોય, શું વાંચ્યુ શું નહી..કેટલું મગજ સુધી પહોચ્યું એ વિચારવાની પણ કોને પડી હોય છે . તારા અડપલા, તારી શેતાની, તારી પ્રેમસભર નજર, અને તારા હેતાળ શબ્દો વારંવાર કાનના પડદે અથડાય..

‘તારા ગાલના ખાડામાં ડૂબી જઉ

તો આખેઆખો ભવસાગર તરી ગયો એવું લાગે છે…

તારી ગુલાબી-ગુલાબી

ધૂળની ડમરીઓ ઊડાડતી પાની-

બે મુઠ્ઠીમાં સમાઇ જતી અદભુત વળાંકોવાળી કમરને

મદમસ્ત બનાવતી તારી ગર્વીલી ચાલ..

હૈયામાં અકથ્ય સંવેગોના ઝરા ફૂટી નીકળે છે !

તારા કાળા ભમ્મર

સુવ્યવસ્થિત રીતે કપાયેલા કેશ..

એ કેશસાગરની થોડી લહેરો કાન આગળ ઝૂલે છે..

બીજી એનાથી પા વેંત નીચે તારી નાજુક ગ્રીવાની

ભૂરી ભૂરી નસને ચૂમે છે.

બાકીની કેશરાશિ એનાથી પણ નીચે…

મારું દિલ જયાં ચોરીને તેં ગોપવી રાખ્યું છે..

ત્યાં..સાવ જ નફફટપણે નશેડી બનીને ઝૂમે છે.

હોશ કેમ જાળવું..?

કેટલીયે ઇરછાઓ અંગડાઇ લે છે

પ્રીતનો સાગર હિલ્લોળા લે છે..

એ બધી લહેરોને હથેળીના હેતથી

લીંપી દેવાનું મન થઈ જાય છે..

અને જબરદ્સ્ત ઊભરો

ખડકો જોડે અથડાઇને ફીણ ફીણ થઈને પાછો ફેંકાય છે.’

ક્યાં સુધી આ મર્યાદાના પોટલામાં પ્રેમને બાંધવાનો..? તને ખબર છે કે આ બાંધી રાખેલી લાગણીઓ બહુ ખરાબ હોય છે. એને જેટલા વળ ચડાવો એ એનાથી બમણા જોરથી છૂટી પડે છે..વેરાઈને ઢગલો થઈ જાય છે .ધીરે ધીરે એ ઢગલાના ખડકલા માથાસમાણા થઈ જાય છે અને મારો બધોય કાબૂ ભાંગીને ભૂક્કા ! દિલમાં કંઇક તીખો તીખો ચચરાટ થાય છે..આવું કેમ ?મારું પોતાનું, મારું નજીકનુ પણ મારું કેમ ના થાય…

એક અધિકારની ભાવનાનો ઊછાળા મારતો સાગર લઈને તું મારી નજીક આવ્યો હતો..બે પળ તો મારું દિલ ધક્ક રહી ગયું..આ વેગને તો હવે કેમનો ખાળવો. ? આ તો જુવાનીનો વેગ..એમાં પાછો પ્રેમનો લેપ..!  આંધી વંટોળો તો મારા દિલને પણ પજવતા હતા..પણ સાવ આમ મર્યાદા ત્યજીને બેશરમ તો કેમનું થવાય..વળી હું રહી સ્ત્રીની જાત..નાનપણથી જ લોહીમાં વણાયેલા સંસ્કારો કેમના ભૂલાય..?

તારો હેતનો ઊભરો મને દઝાડતો હતો..

દિલમાંથી ‘હા..હા’ ની મહોરવાળી સંમતિ સરકું સરકું થતી હતી.

ઇચ્છાઓની મયુરપંખી નાવ તારા પ્રેમ-સરોવરમાં તરતી હતી…!

ત્યાં જ મગજને એક ઝાટકો લાગ્યો…શું આપણો પ્રેમ ફક્ર્ત તન સુધીને જ મર્યાદીત..મનની ક્ષિતિત્જો સુધી અનંતમાં પ્રસરેલી આ તીવ્રત્તમ લાગણીઓના આકર્ષણ ઉપર આ તનનું આકર્ષણ હાવી કેમ થતું જાય છે..આધુનિક કહેવડાવવાની લાલચ છે કે તનની ભૂખ કે આપણા મનના પવિત્ર પ્રેમની હાર..આ બધું શું છે..? જે પણ હોય આ યોગ્ય તો નથી જ..પ્રેમ કર્યો છે..કોઇ ગુનો કે ચોરી નહી. તો તનની ભૂખ એને ચોરી જેવી લાગણીએ લઈ જવા જેવી તીવ્રત્તમ કેમ બનાવે છે…!!

કોઇ પણ લાગણી  કાબૂ બહાર જાય એટલે નકરી અરાજકતા જ ફેલાય છે..ઇતિહાસ આવા કેટલા પ્રસંગોનો સાક્ષી છે..અને મન મક્ક્મ કરીને મેં તને તરત જ રોક્યો…

’ના..’

આ એક લક્ષ્મણરેખા આપણા પ્રેમની પાવનતાનું ચિહન છે..આની મર્યાદા ના તૂટે એ જ આપણા હિતમાં છે. એ જો તૂટી તો જે પ્રેમ તારા નામની સાથે મને મહેંકાવી દે છે એનાથી કાલે હું કદાચ ગંધાઈ જઈશ.. ચીમળાઈ જઈશ..આ મર્યાદાભંગ એ આપણા નજીકનાનો વિશ્વાસભંગ પણ છે ..પ્રેમ કર્યો છે તો ખુમારીભેર આવ ઘરે અને મારા  માતા પિતા પાસે મારો હાથ માંગી લે..ના માને તો બગાવત કરીને મને એમની સામેથી ઉપાડી જા તો પણ વાધો નથી..એ પછી આપણે લગ્ન કરી લઈશુ..અને પછી તને કોઇ વાતે નહી રોકું…નહીં ટોકું.. પણ આધુનિકતાના નામે, થોડી કાબૂ બહારની લાગણીના નામે મારી મર્યાદા ત્યજવા માટે મજબૂર ના કર..જે તારુ છે એને સમયથી પહેલાં પામવાની આવી હઠીલી જીદ ના કર..દિલ કળીએ કળીએ કપાય છે..તને દુઃખી કરીને દિલ લોહીના આંસુડા સારે છે..મારી લાચારી પર તારી સમજદારીનો, સંયમનો છાંયો કર એમાં જ આપણા પ્રેમની અસ્મિતા છુપાયેલી છે. તારો ઘણો ઉપકાર થશે..

અને તું અવાચક થઈને મને સાંભળી રહેલો..એકદમ જ મારો ચહેરો તારી હથેળીમાં ભરી લીધો અને આંસુભીની આંખે બોલી ઊઠ્યો,

‘સુગંધી, મને માફ કર..મારો ઇરાદો તારો દિલ દુખાવવાનો સહેજ પણ નહતો..વળી તારી ઇજ્જત અને માન મર્યાદા તો મારે આખી જીંદગી સાચવવાના છે..અત્યારથી જ એમાં નબળો પડું એ તો કેમનું ચાલે..ના.આપણા પવિત્ર પ્રેમને હું આમ થૉડા સમયની અવશતાને લઈને આંચ નહી જ આવવા દઉં.મને માફ કર..’

અને તારી બે ભુજાઓમાં સમાઈને તારી છાતી પર મારું નિસ્ચિંત માથું મૂકીને મારી પસંદગીની સમજદારી પર પોરસાઈ રહી હતી અને તારા દિલની ધડકનમાં અવિરતપણે ધબકતું મારું નામ સાંભળી રહી.ક્યાંક દૂર મારું મનપસંદ ગીત વાગી રહ્યું હતું,

‘હમને દેખી હૈ ઇન આંખો મેં મહેંકતી ખુશ્બુ

હાથ સે છૂકે ઇસે રિશ્તો કા ઇલ્જામ ન દો

સિર્ફ અહેસાસ હૈ યે,  રુહ સે મહેસુસ કરો’

આ બધુંય એક ચલચિત્રની જેમ મારી આંખો સામેથી વારંવાર પસાર થતું હતું..તારી બેચેની મને પણ બહુ ગમી હતી..એવા જ તીવ્ર આવેગો મને પણ પજવતા હતા..અત્યારે તો મારી બધી ય તરસ, બેચેની હું ભેગી કરું છું અને યોગ્ય ઋતુ આવે ત્યારે વરસવાની રાહ જોવું છુ..તું પણ તૈયાર રહેજે..

કારણ : ‘ હું રહી હેલીની – ભરપૂર ચોમાસાની વ્યક્તિ..મને માવઠું બનીને વરસવાનું નહી ફાવે ‘

-સ્નેહા પટેલ

ગુલાબી રંગ પર પ્રીતની છાંટ


ખેતીની વાત મેગેઝીન > મારી હયાતી તારી આસપાસ > એપ્રિલ માસ.૨૦૧૨નો લેખ

 

આ પીન્ક કલરમાં નવી પ્રીન્ટ માર્કેટ્માં આવી છે મેડમ..તમને આ ક્યાંય જોવા નહી મળે..અને તમારી ગોરી સ્કીન પર સરસ પણ લાગશે..’

‘પીન્ક કલર…ના..ના…મને તો સ્કાય બ્લ્યુ, પરપલ કે લેમન યલો કલરમાં કોઇ મટીરીઅલ બતાવો..આ બધા મારા ફેવરીટ કલર છે’

‘ઓ.કે. એઝ યુ વીશ’

દુકાનદારે મારી પસંદગીના કલરવાળા કાપડના તાકા મારી સામે ખડકવા માંડયા..

ગમ્યાં તો બહુ બધા પણ નજર વારેઘડીએ પેલા પીન્ક કલરના ડ્રેસ પર જ કેમ સરકતી હતી..!!

દુકાનદારની અનુભવી નજરોએ મારી નજરની આ લસરપટ્ટી પકડી પાડી અને ઉભો થઈને એ પીન્ક ડ્રેસ લઈ આવ્યો અને મેં ચોઈસ કરેલા બીજા બધા મટીરીઅલની બાજુમાં ચૂપચાપ એને ગોઠવી દીધો.

મારી જાણ બહાર જ મારો હાથ એ ગુલાબી ગુલાબી કાપડ પર ફરવા માંડ્યો..આ આજે મનને શું થતું હતું..આંખો બંધ કરીને એ ગુલાબી સ્પર્શ માણી રહી હતી..મગજમાં કંઈક અસંબધ્ધ સંવાદોથી જાણીતું ચિત્ર દોરાતું જતું હતું.અને હા..યાદ આવી ગયુ..આ કલર તો.. આ કલર તો..અને ડ્રેસનો પીન્ક કલર મારા ગાલ પર આવી ચડ્યો..

‘શું સાચે આમ હશે કે..?’

 

અને બે દિવસ પહેલાંની એક રાતી શીતળ સાંજ મારી આંખો સામે તરવરવા લાગી..

બે દિવસ પહેલાં આપણે બેય એકબીજાનો હાથ પકડીને દરિયાકિનારાની લીસી રેતીમાં પગ લાંબા કરીને બેઠા હતાં.હું એકીટશે ડૂબતા સૂરજને જોઇ રહી હતી અને તું મને..!! સૂરજના લાલ..કેસરી..જાંબુડીયા કિરણોથી છવાયેલું આહલાદક વાતાવરણ અને તારો સાથ.. બધું અદભુત-અદભુત એકદમ નશીલું હતું.. પવનમાં ઉડતા મારા કોરા લીસા કેશ તારા ચહેરા પર અથડાતા હતાં..અને તું આંખો બંધ કરીને એનો સ્પર્શ તારા ચહેરા પર ઝીલી રહ્યો હતો..

‘તારા વાળમાંથી કોઇક અજબ સુગંધ આવે છે..મારી સુગંધી..!!’

અને મારું આદિત્યદર્શનનું ધ્યાન એકદમ જ ભંગ થઈ ગયું..હું આજુબાજુ જોવા માંડી.

‘અરે..કોને શોધે છે…?’

‘કોને તે આ સુગંધીને..બીજા કોને..?’

‘હા..હા..હા..અરે એ તો મેં તને કહ્યું..આ વાતાવરણમાં તારો આ સથવાર..તને ખબર છે આ પળે તું દુનિયાની સૌથી અદભુત સ્ત્રી લાગે છે.. તારા વદન પર આ જાંબુડિયા.કેસરી મિક્ષ રંગની ઝાંય પડે છે..અને તારી લીસી લીસી ગૌરવર્ણી ચામડી એકદમ ગુલાબી ગુલાબી લાગે છે, તારા આ લીસા કેશ મારા મોઢા પર પથરાય છે અને હું એની રેશમજાળમાં ઉલ્ઝાઇ જઊં છું.એમાંથી પ્રસરતી આ માદક સુગંધ…અહાહા મગજ નશાથી તરબતર થઈ ગયું છે.. …બાવીસ વર્ષનું આ અછૂતું યૌવન  એના દિલના ખૂણે મારા માટે ઢગલો’ક હેત સંઘરીને મારી આટલી નજીક છે..આ બધુ મને પાગલ કરી નાંખે છે..પણ તું છે કે…છે કે…જવા દે,,તું નાહકની ગુસ્સે થઇ જઇશ પાછી..!’

સંવેદનાનો એક તીવ્ર નશો મારા કાનના રસ્તે થઇને મગજમાં રેલમછેલ થઈ રહ્યો હતો..મારું મગજ જ સુન્ન થઈ ગયું હતું..તારું બોલાયેલું અડધું પડધું તો કંઇ સમજાયું જ નહીં…પણ તારી વણબોલાયેલી બધીય લાગણીઓના સંદર્ભ, ઇચ્છા એકદમ સ્પષ્ટ હતાં.

‘ઇચ્છાને અધૂરી ના છોડ..બોલ..શું હતું..’

‘તું ગુસ્સે નહી થાય ને વચન આપ..’

‘આપ્યું..’

દિલ..કાન..મગજ…બધું ય એકધ્યાન થઈ ગયું..આગળના શબ્દો…ઇચ્છાઓ બધું ય મને ખબર જ હતું..બસ તારા મોઢામાંથી બહાર આવે એટલી જ પળોનો ઇંતજાર હતો.

‘ ‘સુગંધી..’ આજથી હું તને ‘સુગંધી’ જ કહીશ.. હા..તો સુગંધી..આપણી વચ્ચે આટઆટલો પ્રેમ છે..તો એને લક્ષમણરેખાથી ક્યાં સુધી બાંધી રાખીશ.. તારો હાથ પકડવાની જ છૂટ..આનાથી આગળ..’

અને બાકીના શબ્દો તેં જાણી જોઇને અધૂરા એ નશીલા વાતાવરણમાં તરતા મૂકી દીધા..

આખા શરીરનું લોહી જાણે મારા ચહેરા પર ઠોકરો મારવા માંડ્યું હોય એમ જ લાગ્યું.. કાનની બૂટ , ગાલ બધુંય રાતું ચોળ..

‘તને ખબર છે… તું અત્યારે એક્દમ પીન્ક પીન્ક લાગે છે…સામેનો સૂર્ય અસ્ત થઇને જાણે તારા ચહેરા પર ફૂટી નીકળ્યો હોય એમ તું ચમકે છે..’

અને તું મારી વધારે નજીક સરક્યો..

‘હું તારા માટે એક ગુલાબી કલરનો ડ્રેસ લઈ આવીશ..મારી સુગંધીને ગુલાબી રંગ બહુ જ  સ્રરસ લાગે છે..તું અને પીન્ક ડ્રેસ બેય એકબીજામાં ભળી જાઓ..અને મારી દુનિયા ગુલાબી ગુલાબી… અહાહા..’

તારા શબ્દો મને પાગલ કરતા જતા હતા…અને આ જ તકનો લાભ લઈને તું મારી વધારે નજીક સરક્યો..

‘સુગંધી..મારી સુગંધી..હું તને અનહદ પ્રેમ કરું છું.’

‘હું પણ..’

અને તેં મારા હાથ પર તારી હથેળીની ભીંસ વધારી…મારી વધારે નજીક આવ્યો… બીજો હાથ મારા વાળમાં સેરવી દીધો.. ધીમે ધીમે નજીક આવતી આ નજદીકીમાં હું પણ અવશ થતી જતી હતી..દિલના એક ખૂણે સતત કંઇક પીઘળતું જતું હતું..આંખો જાણે કદી આ દુનિયા જોવા જ ના માંગતી હોય એમ સતત બંધ થતી જતી હતી..હોઠ..દિલ..બધે થતો થરથરાટ..ચામડી પર નાની નાની ફોડલી જેવું કંઇક ઉપસી આવ્યું..અને તેં હળવેથી  તારા હોઠ મારા ગાલ પર ચાંપી દીધા..ધગધગતી ધરતી પર વર્ષાના અમીછાંટણા..તારા હોઠની ભીનાશ મારા ચહેરામાં છેદ કરીને છે..ક્ક…દિલ સુધી ઉતરી ગઈ..નાભિમાં કંઇ વિચિત્ર થરથરાટી અનુભવાઇ..સંમોહનની આ સ્થિતીમાં વીતેલી આ નાજુક પળો દિલ-દિમાગ પર પોતાનો કબ્જો જમાવી બેઠી..અને..ખબર નહી શું થયું..પણ આ બધા સંવેદનો આંખના એક છેડેથી આંસુના સ્વરુપે વહેવા લાગ્યાં..અને તું ચમક્યો..

‘સોરી..મારે આમ …તને પૂ્છ્યા વગર…સોરી..માફ કરી દે મને..પ્લીઝ..પણ આમ રડ નહીં…’

અને બધોય નશો તૂટ્યો..આ ‘સોરી’ ક્યાંથી આવી ગયું વચ્ચે …? ઓહ આ તો તું મારી ભીની પાંપણોનો અલગ મતલબ નીકાળી બેઠેલો…પણ હવે તને કઈ રીતે સમજાવું મારા મનની વાત…? મન તો થતું હતું કે હું પણ….

‘મારી હથેળી

તારો ચહેરો

મારા હોઠ

તારુ લલાટ

બસ…

આ જ મારી પ્રાર્થના’

આ તો મારી પણ મનચાહેલી પળો હતી.. બાવીસ વસંતો અનુભવી ચૂકેલ પણ ફૂલો તો આજે જ ખીલ્યા હોય એવું લાગતું હતું.. આ બધું તને કેમ કરીને સમજાવું.. તારી જેમ મારી સંવેદના શબ્દોમાં ઢાળતા મને  મારી શરમ રોકતી હતી..અને મારી ચૂપકીદી તું સમજતો નહતો..

‘મેડમ..શું થયું..આ ગુલાબી કલર અને શિફોનનું મટીરીઅલ..એમાં પણ પાછી આ પ્રિન્ટ.ક્યાંય નહીં મળે..મારી વાત પર વિશ્વાસ રાખો.’

અને મારું ગુલાબી સ્વપ્ન તૂટ્યું..સાતમા આકાશમાંથી પાછી જમીન પર પટકાઇ.

‘અહહહ..હા.શું.. ‘

દુકાનદાર પણ  મારા વિચિત્ર વર્તનથી થોડો ચમક્યો..એને કંઈ જ બોલવાની તક આપ્યાં વગર હું બોલી,

‘હા..તમે સાચું કહો છો..ગુલાબી કલરમાં આ છાંટ ક્યાંય નહી મળે..મને આ જ ડ્રેસ પેક કરી આપો..

અને દુકાનદાર પોતાની માર્કેટીંગ સ્કીલ પર પોરસાતો પોરસાતો ત્યાંથી ઉભો થઈને કાઉન્ટર તરફ વળ્યો..

પાછળ મનોમન શરમાતી હું વિચારતી હતી….

‘ગુલાબી રંગ પર તારી પ્રીતની છાંટ

આવ સાજન

આજે તને જ ઓઢું

તને જ શ્વસું..’

 

– સ્નેહા પટેલ

મનગમતું – ૨ખેતીની વાત > મારી હયાતી તારી આસપાસ, મનગમતું – ૨ > માર્ચ ૨૦૧૨.

https://akshitarak.wordpress.com/2012/02/15/managamatu-1/

ગતાંકથી ચાલુ..

થીયેટરમાંથી પિકચર જોઇને નીકળ્યા બાદ તેં મને ઘર સુધી છોડવા આવવાની વાત કરી અને મેં એના કોઇ જ અર્થઘટનોના ચક્કરમાં પડ્યા વગર સ્વીકારી લીધી.

રસ્તામાં આઇસક્રીમના પાર્લર પર તેં મને આઇસક્રીમ ખાવાની વાત કરી ..એક ઓર મનગમતી વાત.. ના તો કેમની પાડું..અને બેય જણ ટેબલની સામ-સામે આઇસક્રીમ લઈને ગોઠવાયા.

આજે મારી નજર તારી નજરનો સામનો જ નહતી કરી શકતી.. વારંવાર તારું ધ્યાન ના હોય ત્યારે છુપાઇને તને જોઇ લેવાની એ ચેષ્ટા પર મનોમન નવાઇ પણ લાગતી હતી કે તું તો મારો વર્ષો જૂનો મિત્ર..આ બધું મારી સાથે આજે શું થઈ રહ્યું છે..કંઇ જ સમજાતું નથી..

મારા હાથમાંથી આઇસક્રીમ પીગળી પીગળીને મારા ટી-શર્ટ પર પડવા લાગ્યો..પણ દિવાનીને એ ભાન જ ક્યાં..!! એ વિચારતંદ્રા તો તારા હાથના ઉષ્મા ભર્યા સ્પર્શથી તૂટી. તૂટી તો એવી તૂટી કે આઇસક્રીમ પરની પકડ સાવ જ છૂટી ગઇ.અડધો જમીન-દોસ્ત  ને અડ્ધો તેં એને બચાવવા લંબાવેલા હાથ પર પ્રસરી ગયો..તું ખડખડાટ હસી પડ્યો ને તોફાની સ્વરમાં બોલી ઉઠ્યો,

‘ખરી છે તું પણ..લિફ્ટમાં મારા ગાલ તારા ગરમાગરમ, અસ્ત-વયસ્ત શ્વાસોચ્શ્વાસથી ભરી દીધેલા અને અત્યારે મારો હાથ ઠંડા ઠંડા આઇસક્રીમથી..’

અને હું શરમથી રાતીચોળ..પાછું મનમાં એક વિચારે ચૂંટીયો ખણ્યો : ‘તારી આ વાતોનો સંદર્ભ હું સમજું છું એ જ છે કે આમાં પણ હું મારી મચડીને મનગમતો અર્થ શોધુ છું..?’

ત્યાં તો અચાનક તું ઉભો થઈને મારી બાજુની ખુરશી પર બેઠો..મારો હાથ પકડી લીધો અને બોલી ઉઠ્યો,

‘એક મીનીટ મારી આંખોમાં જો મારે તને કંઇક કહેવું છે..’

નજરથી નજરનો તાર સંધાયો..

‘તું મને ગમે છે…બહુ જ ગમે છે… પહેલી મુલાકાતથી ગમે છે.. શું તું મારી જીવનસંગીની બનીશ…? આ પીઘળતા આઇસક્રીમની સાખે તને વચન આપું છું કે તને હું મારા જીવથી પણ અદકેરી સાચવીને રાખીશ.દુનિયાની સર્વ ખુશીઓ તારા દામનમાં ભરી દઈશ..જો કે તારા પક્ષે ના પાડવાની પૂરી છૂટ છે. પણ એ પછી આપણે દોસ્ત નહી રહી શકીએ..કારણ જેને પ્રેમ કરતાં હોઇએ એને દોસ્ત તરીકે સ્વીકાર કરવો એ વાત સાવ જ પાયાહીન છે. તો હવે વિચારીને શાંતિથી જવાબ આપ..”

જવાબની માંગણીએ તારામૈત્રક તૂટી ગયું..

હું શું બોલુ..સાવ જ ચૂપચાપ..મારા દિલની વાત આમ સાવ જ બેશરમ થઈને કેમની કહી દઉં..આ અમૂલ્ય પળો મારા જીવનમાં પ્રથમ વખત અનુભવી રહી હતી.  મારા જીવનબાગમાં આ વસંત પહેલવહેલી વાર ખીલી રહી હતી..ચોતરફ સંવેદનાના નાજુક પુષ્પો ખીલી રહ્યાં હતાં. આ પળોને ભરપેટ માણી રહેલી. આંખોમાં નશીલો ઉન્માદ છવાઇ ગયો..રાતા રાતા ટશિયા એની ચાડી ખાઇ જતા હતા.

પ્રાર્થનાના ફ઼ુલ જેવી  પવિત્ર છે આ પળો,

આંખે અડાડીને  માથે ચડાવું છું આ પળો.

ધડકન ઠેઠ કાનમાં આવીને પડઘાય,

આશકાના સ્પંદનો રોમે-રોમમાં ફ઼ેલાય,

પ્રભુની લગોલગ પહોંચાડી દેતી,

બહુ જ માસૂમ છે પ્રેમની આ પળો…!!

તું પણ સાવ જ નાદાન..મારા દિલમાં પણ તારા માટે પ્રેમના અંકુર ફૂટી નીકળેલા એ વાત સમજી કેમ નહતો શકતો..મને પણ તારો સાથ ગમતો હતો..પણ આ બધું…..નજર નીચી અને પગનો અંગૂઠો સતત જમીન કોતરવામાં વ્યસ્ત…છેલ્લે પગનો નખ પણ થાકીને બેવડ વળી ગયો..તૂટી ગયો….!! આઉચ, શું થયું…અહ્હ..કંઇ નહીં એ તો…

તું પણ સાવ જ નાદાન..મારી પ્રેમોર્મિની ઉષ્મા તને સંવેદાતી કેમ નહતી, બધું ય શબ્દોથી બોલવાનું હોય કે..સમજણને આંખ કાન હોય કે નહી…!!

અશબ્દ..અભિવ્યક્તિ..આ બેય વજનદાર પડની વચ્ચે મારી શરમ મને પીસતી રહી ત્યાં તો તારી ધીરજ ખૂટી ગઈ,

‘એક મીનિટ મારી આંખોમાં આંખો નાંખીને તો જો’

એ આદેશાત્મક ઘેરા અવાજના આકર્ષણમાં ખેંચાઇને મારી નજર તરત તારા ચહેરા તરફ ગઈ, પણ વળતી જ પળે પાંપણો લાજના ભારથી ઝુકી ગઈ.

‘નયન લાજથી ઝુકી-ઝુકી જાય છે,

સાજન હો નયનની સામે અને

દિલ એક ધડકન ચુકી ચુકી જાય છે.

‘તારા શારીરિક હાવભાવ સ્પષ્ટ દર્શાવી રહ્યાં છે કે તારા દિલમાં પણ મારા માટે કંઇક તો છે જ..શું હું ખોટો છું..?’

‘….’

‘તો હું સાચો ને?’

‘……’

અને તું મારી વધારે નજીક આવ્યો.તારા શ્વાસ મારા ચહેરા પર અથડાવા લાગ્યા, મારા રુંવાડા ઉંચા થઈ ગયા, હૈયું એક ધબકાર ચૂકી ગયું, આંખો બંધ થઈ ગઈ ને એની કિનારથી આંસુની એક પતલી ધાર વહી ગઈ, હોઠ થરથરવા લાગ્યા પણ શબ્દો બહાર ના નીકળી શક્યા ને મારાથી મનોમન બોલાઇ ગયું..

આંખ બંધ કરું ને તું દેખાય,

આંખ ખોલું તો તું દેખાય,

મને તો બહુ સમજ નથી પણ,

લોકો કહે છે કે આને પ્રેમ કહેવાય..’

અને તેં નિર્ણયાત્મક રીતે મારો હાથ પકડી લીધો, મક્ક્મ અવાજે બોલ્યો..

‘તો આજથી આ નાજુક હાથ મારો.’

અને હું ના તો કંઇ બોલી શકી કે ના તો હાથ છોડાવી શકી..બસ વિચારી રહી,

‘બે પ્રેમીઓની હથેળી આપસમાં મળે ત્યારે

એ બેયની ભાગ્યરેખાઓ પણ એક

થઇ જતી હશે કે..’

સૃષ્ટિ-નિયંતા તું પણ જબરો કારીગર છે હોંકે.. આંખ, કાન જેવા બાહ્ય આકારના અવયવોના કાર્ય વિશે તો હું પૂર્ણ રીતે જાણકાર હતી.પણ સૌથી મહત્વના અવયવ હ્ર્દયને તેં ગુપ્ત રીતે ચામડીના આવરણો હેઠળ ઢબૂરી દીધું.  આખે આખું તન જેની પર આધારીત એવા સૌથી નાજુક અંગ-હ્રદયમાં જીવન રક્ષક અને પોષક પ્રેમ-પદાર્થ મૂકીને તેં કમાલ જ કરી નાંખી છે.

એક પણ શબ્દ બોલ્યા વગર મારી હસ્તી જોડે જેના તાણાવાણા વણાવા લાગેલા એવી ‘મારી’..’તારી’…ના ના.. ‘આપણી’ નિર્દોષ-નિષ્છલ પ્રેમકહાનીના મંડાણ- અથશ્રી થયા..

‘કોઇ અક્ષત, કંકુના છાંટણે એને વધાવજો રે

રાજીપાના બે ગીતડા કોઇ ગાજો રે..’

સ્નેહા પટેલ – અક્ષિતારક

મનગમતું – ૧


ખેતીની વાત  મેગેઝિન > મારી હયાતી તારી આસપાસ કોલમ – 5 > ફેબ્રુઆરી માસનો લેખ.

કાયમથી આપણે જોતા- સાંભળતા આવ્યાં છીએ કે દરેક પ્રેમકહાની સાથે એક પિકચર, એક ગીત જોડાયેલું હોય છે. જીવાતી કહાનીના હીરો હીરોઇનને એવું લાગે કે આ તો અદ્દ્લ અમારા દિલની જ વાત. આવું જ કંઇક આપણી જોડે પણ થઈ રહ્યું છે, થઈ ચૂક્યું છે.. સંવેદનાને આમ શબ્દે મઢી શકીએ એવી કલા નથી નહીં તો અમે પણ આવું જ કંઈક સર્જન કરી નાંખત..!!

એ અદભુત દિવસ મગજમાં તાજો તાજો..લીલોછમ્મ અકબંધ સચવાઇ ગયેલો છે.

કયો તે .. રેડિયો જોકી ધ્વનીતે જેને ચાર મીર્ચીનો સ્કોર આપી દીધેલો અને સતત ચર્ચાના કેન્દ્રમાં રહેતું રોમાન્ટીક મૂવી જોવા મિત્રો સાથે ગયેલા એ જ તો. શહેરના નવા જ ખુલેલા આધુનિક મલ્ટીપ્લેક્ષમાં મિત્ર-વૃંદ સાથે પહોંચ્યા પછી જાણ થઈ કે થિયેટર તો મલ્ટીપ્લેક્ષમાં છે..ક સાતમા માળે…લિફ્ટમાં જ જવું પડશે.

ખરી વાર્તા અહીંથી જ ચાલુ થઈ.

મલ્ટીપ્લેક્ષની પેલી રુપેરી બારણાવાળી લિફ્ટ જોઇને જ મારી આંખો આગળ લાલ-લીલી-પીળી ધારીઓવાળા ચકકર આવવાના ચાલુ થઇ ગયેલા. મગજમાં ડર ધબાધબ ધોકાવા લાગ્યો.. મેં આડકતરી રીતે બધાની વચ્ચે એકાદ-બે વાર સરકતા દાદરવાળો -એસ્કલેટરનો રસ્તો પસંદ કરવાની વાત કરી જોઇ (જોકે એ પ્રસ્તાવમાં કોઇ જ દમ નહતો એની મને ખબર હતી.) મલ્ટીપ્લેક્ષના ‘પાવર બચાવોના’ વેપારી  ક્રૂર એટીટ્યુડના કારણે પાંચ માળ સુધીની સીડીઓ તો  બંધ જ હતી..!! ૭ માળમાંથી ૫ માળ તો જાતે દાદરા ચડીને જવાના. આ આખી પ્રક્રિયા ખાસી ટાંટીયાતોડ મહેનત માંગી લેનારી હતી. એટલે હવે આપણી જોડે પેલી ભયાવહ લિફ્ટ સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો જ નહતો.

તમે બધા મિત્રો તો આ વાતથી અજાણ પણ એ સજ્જ્ડબંધ દરવાજા જોઇને કાયમ મારા દિલમાં ભયના સાગરો ઉફનવા માંડે છે. કોઇ ફોબિયા જેવું જ કંઇક..!! પેલી કાળી કાળી સળિયાવાળી જૂની સ્ટાઇલની લિફટ્માં તો હવાની અવરજવર થાય, સક્કરપારાના આકારની એની ડિઝાઇનમાંથી બહારની દુનિયા પણ દેખાય અને ભૂલે ચૂકે લાઈટ જાય તો પણ એને સરળતાથી ખોલી શકાય (લિફ્ટ  અટકી જવાના ભયે આ કળા મને હસ્તસિધ્ધ કરાવી દીધેલી ) પણ આ રુપેરી દરવાજાવાળી લિફટની અંદરની દુનિયા તો જબરી ભયાવહ… અંદર સામેની બાજુનો કાચ..પ્રતિબિંબ..જમણાં હાથે  રુપકડી રાતા રંગની ઝાંય ધરાવતી ચોરસ ચોરસ સોફટટચ સ્વીચીસ..મનગમતી મંજિલનો આંકડો દબાવો, નજર ઉચકીને માથા ઉપર ઝબૂકતી પેલી પેનલમાં આપણા મુકામની રાહ જોયા કરવાની..ત્રાસજનક સ્થિતી.. મનમાં ને મનમાં હનુમાન ચાલીસા ચાલુ થઈ ગયા.

અરે.. અચાનક આ શું ? લિફટ ઉપરના બદલે નીચે સરકવા લાગી..!! ‘ગ્રે’  યુનિફોર્મધારી લિફ્ટમેનને  કારણ પૂછ્યું, તો એણે પાર્કિંગના લોકોને પણ આ ફેરામાં જ સાથે લઇ લેવાનો નેક ઇરાદો જાહેર કર્યો.અમારો રસ્તો ઉપરના બદલે નીચેની બાજુ ફંટાણો.ઉર્ધ્વગમન..!!

લિફ્ટમેનની કમાન છટકી તો નથી ગઈને..લિફ્ટમાં સહેજ પણ  જગ્યા શેષ નથી. તો પણ એ એક પછી એકને અંદર સમાવતો જ જાય છે.!! સૌથી પહેલાં લિફટમાં પ્રવેશેલા એવા આપણે, સાવ છેલ્લે ધકેલાયા..છે…ક અંદર..અને આ સંક્ડામણે  મારા ભયની આગને હવા આપવાનું કામ ચાલુ કરી દીધું..વિચારો પરનો કાબૂ ગુમાવી બેઠી. લાખ પ્રયત્નો છતાં મગજમાં નકારાત્મક વિચારોએ ભરડો જમાવવા માંડ્યો..રખે ને આ સમયે લાઈટ જાય, એકાએક આ લિફ્ટ બંધ થઈ જાય તો..!! સિક્યોરીટી,જનરેટર્સ બધાય ઉપાયો કારગત નીવડે ત્યાં સુધીનો આ બંધબારણે પુરાયેલ સજ્જડ સમય કેમનો પસાર કરવાનો..?

મારા માથા પર પસીનાની બૂંદો છલકવા લાગી..કપાળની એક બાજુથી એનો રેલો થઈને નીચે દદડવા માંડ્યો. ઉપર માથે ફરતો ગોળ ગોળ નિઃશબ્દ ચાલી રહેલો પેલો  પંખો જોઇ જોઇને મને ચક્કર આવવા લાગ્યાં.લિફ્ટમાં જમણી બાજુ એક સફેદ કાગળમાં થોડા કોન્ટેકટ નંબર અને સૂચનાઓ જેવું લખેલું એ બધો ‘ડેટા’ મારી આંખો એની જાતે જ મગજમાં ‘ફીડ’ કરવા લાગી. ગમે  ત્યારે એની જરુર પડી શકે.હાથ ટાઈટ જીન્સના આગલા પોકેટમાં સરકયો અને એમાં રહેલા સ્લીમ મોબાઇલ પર હાથની પકડ આપ-મેળે જ વધી ગઈ..એની બેટરી ફુલ ચાર્જ કરીને નીકળવાના નિર્ણય પર ગર્વ થઈ ગયો.

આહ, મારો શ્વાસ જાણે છાતીમાં ભરાઈ ગયો. અંદર ગયા પછી જાણે બહાર આવવાનો રસ્તો જ ભૂલી ગયો હતો. હમણાં જાણે ઉલ્ટી  થઇ જશે.

આ આટલી બધી વાર કેમ લાગી, ૭મા માળે જ તો જવાનું છે..!!  આ આખીય પ્રક્રિયા દરમ્યાન ખબર જ ના રહી કે ક્યારે મેં આ બધા વિચારોથી પીછો છોડાવવાની ગરજે  તારી વધારે નજીક સરકીને, તારા બાવડા પર મારું માથું મૂકીને આંખો કચકચાવીને બંધ કરી દીધેલી. મારા લાંબા અણીયાણા નખ તારા બાવડામાં ખાસા એવા ખૂંપેલા હતા એનું પણ મને ધ્યાન ના રહ્યું. તું  ચૂપચાપ એ બધુંય સહન કરતો રહ્યો. મારા માથા પર તારો હેતાળ હાથ મૂકીને મને આશ્વાસન આપતો હતો અને મારા કાનમાં ધીમેથી કહેતો હતો, ‘આટલી ‘ટેન્શ’ ના થા. હું છું ને તારી સાથે…તને કશું નહીં થવા દઉં, વિશ્વાસ રાખ. થોડું ‘ડીપ બ્રીથ’ કર..!! ખબર નહીં એ શબ્દોમાં શું જાદુ હતો..મારી અંદરનો બધો કોલાહલ એક્દમ શાંત થઈ ગયો.વિચારો સ્થગિત..અને મગજ એક્દમ રીલેક્સ..

અને આપણો સાતમો માળ આવી ગયો. જોકે, આ સમય દરમ્યાન  ભયના ક્રૂર આક્રમણના કારણે તારી એ નજદીકી,અજાણતાં થઈ ગયેલો સ્પર્શ સમજવાની, અનુભવવાની મારી કોઇ તાકાત નહોતા બચી.

પણ આ કેવો યોગાનુયોગ.. પિકચરમાં હીરોઇન અદદ્લ  એવી જ સ્થિતીમાં મૂકાઇ અને એની હાલત પણ મારી જેવી રડમસ થઇ ગઈ, ત્યારે અચાનક જ તું મારી સામે જોઇને મર્માળુ હસી પડ્યો..આ હાસ્ય..એની પાછળના અર્થ..આ બધું મને બે જ પળમાં અંદરથી હચમચાવી ગયું. પળમાં જાણે મારી આખી દુનિયા બદલાઇ ગઇ..હૈયાના પેટાળમાં ‘હું’ માંથી ‘આપણે’ જેવી ભાવનાઓ આકાર લેવા માંડી.  ‘અછડતા સ્પર્શ’ના મર્મ સમજાતા જ લાગણી હેલીએ ચડી.બધી સામાન્ય હાલત અસામાન્ય થતી ચાલી.

તનની સિતાર પર તારા શ્વાસોવાસ અફળાયા

અને

અજાણ્યા સળ ઊખળી ગયા

લપસણું મન

સરરરર…સટ્ટાક

સરક્યું

તારા મનની મેડીના

દરવાજા ખખડાવી બેઠું

જાકારો..આવકારો..?

દિલના ખૂણે આશંકા સેવાય

ધ્રિબાંગ ધ્રિબાંગ

ધડકન-નાદ

સંવેદના રેલમછેલ.

ખુરશીના વેલ્વેટીયા હાથા પર તને બેફિકરાઇથી સ્પર્શેલો હાથ આપમેળે જ પાછો ખેંચાઇ ગયો. કોકડું વળી ગઈ. પણ વાત ત્યાં ક્યાં પતતી હતી.?  આ દિલને શું થતું હતું..વારંવાર  થોડી ત્રાંસી નીકળેલી તારી કોણીને મારી કોણીનો સ્પર્શ કેમ કરાય એની ભાંજગડમાં મગજ ભમવા માંડ્યું ..મન સામે પિકચરમાં શું ચાલી રહ્યું છે એનાથી સાવ બેધ્યાન થઇ ગયું, પડદાની બહાર એક નવી જ વાર્તા આકાર લેવા માંડી. આ બધું કેમ..કારણોની કોઇ જ સમજ, ચિંતા નહીં બસ એક અર્જુનધ્યેય..તારો સ્પર્શ. ત્યાં તો તેં મારા હાથ પર તારો હાથ મૂકી દીધો..બે પળ તો મારું દિલ ગળામાં જ અટકી ગયું. વળતી પળે  મારા કાનમાં તારા શબ્દો રેલાયા : ‘ચાલ,બહારથી કોફી કે પોપકોર્ન લઇ આવીએ, આ બોરીંગ ગીત છે.’

તું તો નિખાલસતાથી મને બહાર જવા માટૅ જ કહી રહેલો પણ મારા દિલમાં ફુટતી લાગણીએ એનો ‘મનગમતો’ અર્થ કાઢી લીધેલો..હું મનોમન થોડી શરમાતી શરમાતી હસી પડી. આખે આખું પિકચર આવી મીઠી મનફાવતા અર્થ કાઢેલી વાતોના સધિયારે પત્યું.

થિયેટરમાંથી નીકળ્યા ત્યારે અંધકારે પોતાનો પ્રભાવ દેખાડવા માંડેલો. એકલી છોકરી અને અંધકાર…આ કોમ્બીનેશન આપણા ભારતીય સમાજમાં ક્યાં ઇરછનીય..! તેં પ્રસ્તાવ મૂક્યોઃ

‘ચાલો મારી બાઇક પર તમને લિફ્ટ આપી દઊં..ઘરે ઉતારી દઊં’

હું થોડી ચમકી..શું આ સહેતુક આમંત્રણ હતું કે..મન ફરી ‘મનગમતા’ અર્થ કાઢવા બેઠું..સાવ અવળચંડુ મર્કટ જસ્તો.

મનગમતી પળો નો અસ્વીકાર તો કેમનો થાય..જોકે તે મિત્રો સામે એક અર્થસૂચક તોફાની હાસ્ય ઉછાળી લીધેલું એ વાત આંખના ખૂણેથી મારા ધ્યાનમાં આવી જ ગઈ.પણ એ વાત ઉખેળવાને બદલે ‘મનગમતા’ સહવાસની લાલસા વધુ તીવ્ર હતી. એટલે અર્થઘટનોની ભાંજગડમાં ના પડી.

ક્રમશ :

–          સ્નેહા પટેલ-અક્ષિતારક

પહેલાં કોળિયાના સમ


ખેતીની વાત મેગેઝિન > મારી હયાતી તારી આસપાસ- ૪ > જાન્યુઆરી,૨૦૧૨.

લાગે છે તું સાવ પાગલ થઈ ગયો છે. તું આવું કહી જ કેમ શકે..!!

તું મને બરાબર જાણે છે, એમ છતાં કહે છે કે ‘ હવેથી મને કાયમ માટે ભૂલી જજે..!’

તો શું આપણો પ્રેમ જેમાં આપણે હજારો કસમો ખાધી, વાયદાની આપ-લે કરી એ સાવ,

‘એક વ્યવસ્થા હતી ?

એક સુવિધા હતી ?

એક ગણિતશાસ્ત્ર હતું ?’

મારી સામે અત્યારે એક બાળક આઇસ્ક્રીમ માટે જીદ કરે છે ત્યારે તું યાદ આવી ગયો. તને પણ  આઇસ્ક્રીમ આમ જ પસંદ છે ને. આપણે મળીએ ત્યારે તું હંમેશા આઇસ્ક્રીમ ખાવાની જ વાત કરે. વળી આઇસ્ક્રીમ ખાતા ખાતા જાણે આજુબાજુની દુનિયાને સાવ જ ભૂલી જઇને આઇસ્ક્રીમમય જ થઈ જાય છે અને હું ઇર્ષ્યાભરી આંખે તારા આઇસ્ક્રીમ સામે જોઇ રહ્યા વગર કંઇ જ ના કરી શકું..!! આ આઇસ્ક્રીમની આ મજાલ..મારા કરતા એ તને વધારે પ્રિય  થઇ જ કેમનો શકે ? મારું ચાલે તો મારી ઇર્ષ્યાની આંચ પર આખી દુનિયાના આઇસ્ક્રીમને એક્સાથે ભેગો કરીને બાળી કાઢું..’ના રહેગા બાંસ ના રહેગી બાંસુરી..’

હવે બોલ..આવી તીખી તમતમતી ઇર્ષ્યા હોય એ પ્રેમ કેવી કક્ષાનો હોય એ મારે તને સમજાવવાનું રહે છે કે…?

શ્વાસ પલળ્યો, શબ્દો પલળ્યા,

આ ચારેકોરની હવા પણ પલળી.

વીજળી પડી જ્યારે જાણ્યું કે બસ

એક લાગણીઓ જ ના પલળી..

પ્રેમ એટલે કંઇ ભુલવા યાદ રાખવાની રમત થોડી છે ? એમાં તો બે વ્યક્તિ આખી દુનિયા ભૂલીને, સંપૂર્ણપણે ઓગળીને એક થઈ જાય…આ તો એક શક્તિ સમાન છે…મને કાયમ જીવતી રાખતી દૈવી શક્તિ અને તું કહે છે કે ‘હું તને ભૂલી જઉં..’ આવા પીગળતા સીસા’ જેવા ચાર શબ્દો….આહ..!! દિલમાં વાંસળી- છેદ પાડીને આરપાર નીકળી જાય છે અને પછી રેલાય છે નકરી વેદનાના સૂર.આંખોમાં દરિયો ઊમટી આવ્યો જો..

સાંભળ્યું છે કે,

પત્થરોમાંથી પણ ઝરણાં ફૂટે છે..

તું તો વ્હાલનો દરિયો..

તારા પાણી આમ કાં સૂકાયા રે સાજન !!!!

મારી આંખોના લાગલગાટ

વહેતા દરિયાને

શેની પાળ બાંધુ..?

બોલ ..

વહેતા શીખવ્યું

તરતાં ના શીખવ્યું,

ભરપૂર લાગણીના મધદરિયે

તારા વિના એકલા કેમનું તરવું હવે..?’

તને તો હું કેમ ભૂલી શકું..?  સારું ચાલ તું મારી વાત છોડ, તું મને ભૂલી શકીશ ?

મને યાદ છે એ રોજ જમતી વેળાએ ‘પહેલો કોળિયો’ મારા હાથે જ ખાવાની તારી જીદ. તું દુનિયાના ગમે તે છેડે હો પણ એ કોળિયો હાથમાં લેતાં વેંત જ આંખો બંધ કરીને મનોમન મને યાદ કરી લેવાની એ અચૂક ટેવ, એ કોળિયાના સ્રર્વ હક તેં રાજીખુશીથી કાયમ માટે મારે નામે કરી દીધેલા…યાદ છે ને..!! તો એ ‘પહેલો કોળિયો’ મને યાદ કર્યા વગર તારા ગળે ઉતરશે કે..? ઘણીવાર તો એ ‘કલ્પના જગતના કોળિયા’થી તારો જીવ ના ભરાતા, મને એ જ ઘડીએ મળવા બોલાવી; મારા હાથે જ એ કોળિયો ખાવાની જીદ કરતો..ઘણીવાર હું આવી શકતી તો તને જાણે કુબેરનો ખજાનો મળી ગયો હોય એમ, નાના બાળકની જેમ ખુશ થઇ જતો. તો ઘણીવાર મારાથી એ ‘આવવાનુ’ શક્ય ના બનતાં તું ગૂમસૂમ થઈને એ કોળિયો પાછો થાળીમાં મૂકીને, અન્નદેવતાની બે હાથ જોડીને માફી માંગીને, ભીના હ્રદયે ઊભો થઈ જતો..આખો દિવસ એમ જ ભૂખ્યા-તરસ્યા નીકળેલા તારા એ દિવસો મને અંદર સુધી હચમચાવી જતાં. એ બધું કેમનું ભૂલી શકાય? એની કોઈ પાઠશાળા કે કોઇ સોફટ્વેર ધ્યાનમાં હોય તો કહેજે ભૂલવાનું શીખી લઈશ. બાકી,

‘હું અને મારી લાગણીઓ તો નકરી અભણ, એક પ્રેમની ભાષા જ સમજાય છે એને તો.’

તારા માટે પણ આ લાગણી એટલી જ તીવ્ર હતીને..પ્રેમની મર્યાદા જાળવવા તું કેટ-કેટલું ધ્યાન રાખતો હતો..

તને યાદ છે, હું જ્યારે તારી પાસેથી ‘આઇ લવ યુ’ સાંભળવાની જીદ્દ કરું, ત્યારે તું હંમેશા  કવિ કાલિદાસની ‘અભિજ્ઞાન શાકુન્તલ’ની વાત કહેતો હતો કે, ‘એણે આટલા વર્ષો પહેલાં એ નાટકમાં ક્યાંય ‘પ્રેમ’ શબ્દનો ઉપયોગ જ નથી કર્યો. એના બદલે એણે રતિ, કામ, શૃંગાર જેવા શબ્દોને જ સ્થાન આપ્યું છે. સાત અંકનું નાટક અને એક પણ વાર પ્રેમ શબ્દ જ નહીં કેટલું અઘરું કામ !! કારણ કે એમણે એ ‘પ્રેમ’ શબ્દને વારંવાર લખીને સાવ છીછરો નહોતો બનાવવો. ચોરે ને ચૌટે બોલાતા પ્રેમ શબ્દના છીછરાપણાને જો આજે ‘શેલી’ જીવતાં હોત તો કેટ્લો આઘાત લાગત. અરે હા..’લવ’ શબ્દ મૂળ અંગ્રેજ કવિ શેલીની શોધ છે એ પણ આ પ્રેમ પ્રેમ લવતાં ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકાંઓને ખ્યાલ નહીં હોય. એટલે જ એ ‘પ્રેમ’ શબ્દની અસ્મિતા જાળવવા માટે હું પણ તને આખો દિવસ ‘આઈ લવ યુ’ નહી જ કહું.. કેટલો જીદ્દી..!!

વળી તારી ભીતરના ચંદનવનને મારી યાદોની ગરમીથી આગ નહીં લાગે ? તારી આજુબાજુની સમગ્ર સૃષ્ટિ, તારી ઇચ્છાઓ, ઓલો તડકો-પવન-વરસાદ…આ બધાયમાં તું મને નહીં સંવેદે ? એકદમ સાચું બોલજે હોંકે, જાત સાથે સંપૂર્ણ પ્રામાણિક રહેવું વધું સારું. ત્યાં પ્રામાણિકતાના ચેડાં પકડાઇ જાય એ તો તને ખબર જ હશે ને..? રોજ રાતના સૂતી વેળાએ પાંપણની ધારે મારી યાદ આવીને તલવાર સમ બેસી જશે. પછી રાતીચોળ આંખ લઈને તારી પથારીના સળોમાં તું મને શોધતો ફરજે. તું પણ મારા વિના નહી જીવી શકે એ વાત સ્વીકારતો કેમ નથી તું ?

‘માંડ તો આ લાગણી લખાણી નસીબમાં

એનો ઓચ્છવ ઊજવ્યા વગર તો કેમ ચાલે ?’

આટઆટલું ઉમેર્યા પછી પણ આપણી બેલેન્સશીટ આમ ઝીરો તો કેમની કરી શકાય મને તો એ જ નથી સમજાતું. મારી જીંદગીના કણકણમાં છવાયેલા તારા અસ્તિત્વને કેમનું સમેટી શકાય..!!

‘वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ!

निर्विध्नम कुरुमे देव सर्व कार्येषु सर्वदा !!

શિવ-પાર્વતી જેવા વિવાહ આદર્શ વિવાહ છે. શિવજી જેવા વરને પામવા પાર્વતી જેવું ચિંતવન કરવું જોઇએ. દરેક સ્ત્રીના હાથમાં એક પાર્વતીરેખા અવશ્ય રહેલી છે.’

આવુ જ કંઇક લખાણ ધરાવતી અને બદામી કલરની રુપકડી ચમકતી, ગણપતિજી-વિધ્નહર્તા (!!)ના ફોટાથી સોહતી કંકોત્રી જોઇને ખબર નહીં દિલના વ્રણ પાછા ખળભળી ઊઠ્યાં. હમણાં જ તું આ કોફીશોપના કાચના દરવાજેથી હવાના ઝોંકાની જેમ મારાથી નજર છુપાવતો બહાર નીકળી ગયેલો એની સાક્ષીરુપે પેલો કાચનો દરવાજો હજુ ધીમો ધીમો ઝુલતો હતો.

તારા ગયા પછી

અડધી કોફી પીને મૂકેલા

કપની આંગળીઓની છાપ પર

હલ્કો અંગુલીસ્પર્શ..

કપની કિનારી હજુ તારા હોઠના

સ્પર્શથી ધગે છે.

તું બેઠેલો એ ખુરશીના હાથા પર

તારા પરસેવાની બે બૂંદ ચમકે છે.

ટેબલ પરની એશ-ટ્રેમાં તારી

સિગારેટના ઠૂંઠા હતા

એક ઠૂંઠું

મેં મારા હોઠ પર મૂક્યું

અદ્દ્લ તારી જ સ્ટાઇલમાં

આખ્ખે- આખી ૭ ઇંચની સિગારેટ ફૂંકી મારી !!

તારા વોલેટ્માંથી કાઢીને મૂકાયેલ

એ એશટ્રેની નીચેના

સિનેમાની બે ટિકિટોના અડધિયા

પંખામાં આમથી તેમ ફરફરતા હતા

અને બાજુમાં

તારા લગ્નની કંકોત્રી

એ બધાંય પર પાણીવાળી નજર ફેરવી લીધી

એ બધુંય તારા જેટલું જ પ્રિય લાગ્યું મને

છેલ્લા બે કલાકમાં

એ બધાંયથી મને તારા જેવો જ પ્રેમ થઈ ગયેલો..!!

વધારે તો શું કહું હવે તને, ક્યારેક મન થાય તો યાદ કરી લેજે

‘તને તારા પહેલાં કોળિયાના સમ..!!’

–          સ્નેહા પટેલ

સાવ અચાનક…


ખેતીની વાત મેગેઝિનમાં ‘મારી હયાતી તારી આસપાસ’ કોલમ.

આમ સાવ અચાનક જ મારી સામે આવી જવાનું..સાવ આવું કરવાનું ? મારા દિલની મજબૂતાઈની પરીક્ષા લે છે કે શું તું ?

પેલું પ્રખ્યાત ગીત યાદ આવી ગયું,

‘મેં તેરે ઇશ્કમેં મર ના જાઉં કહીં,

તું મુજે આજમાને કી કોશિશ ન કર’

બાકી તો ક્યાં મોબાઈલ પર ‘સેન્ટ – રીસીવ – ડીલીટ મેસેજીસ’ ની આંગળીતોડ કસરતો !! વળી એ કર્યા પછી પણ તારા રોજ-બ-રોજના ટાઈમટેબલોમાં ગોઠવાયેલા કામકાજના ઢગલાંઓના ખડકલામાંથી થોડો સમય ચોરવાનું કામ કેટલું કપરું હોય છે એ તો કોઇ મને પૂછે ! રોજ તને મળવાના સ્વપ્નિલ રેશમી તાણાવાણા ગૂંથતી, આ સમયે તું ફ્રી થઈ શકીશ, ચોકકસ તને અનુકૂળતા હશે જ અને ટાઈમટેબલોમાં આપણી મુલાકાતો ગોઠવવાની મથામણો કર્યા કરતી.

‘હા, આજે મને ફાવશે. આટલા વાગ્યે આપણે અહીં મળીશું’

‘ઓ.કે.’

દિલમાં ફૂટી નીકળેલા અઢળક સતરંગી સપનાઓ  સાથે આવનારા સમયની પ્રતિક્ષામાં આંખો બંધ કરીને થોડી પળો વીતી ના વીતી ત્યાં તો,

‘સોરી ડીયર, આજે નહીં ફાવે, અચાનક એક કામ આવી ગયું, એક મિત્ર આવી ગયો..’

કંઇ નહીં તો છેલ્લે છેલ્લે કોઇ અણધાર્યો પ્રોગામ બિલાડીના ટોપની માફક ઉગી નીકળ્યો હોય..

અને મારા પક્ષે તો કંઇ બોલવાનું બાકી રહે જ નહીં ને.

મોબાઈલમાં લખાયેલા તારા મેસેજના શબ્દોને, લાચારીની લાગણી સાથે, ભીના હૈયે હાથ પસવારી પસવારીને સ્ક્રીન પર કલ્પનામાં જ તારું મુખદર્શન કરી લઉં . સ્ક્રીન પર તારા નામને પ્રેમથી એક હળવું  ચુંબન પણ કરી લઉં . એક વાર તો મોબાઇલની સ્ક્રીન તારા કરતા પણ વધુ સંવેદનશીલ નીકળી. ચુંબનની ગરમાહટથી ભેજની જે બૂંદો ઉત્પન્ન થઈ એનાથી ‘ટ્ચ સ્ક્રીન’ પણ પીગળી ગયું. મારો લાગણીભીનો સ્પર્શ એના ઊંડાણમાં ઊતરી ગયો ને ખલ્લાસ..એ તો ત્યાં જ અટકી ગયો.

ના એની ઘડિયાળમાં સમય આગળ વધે કે ના મારી બીજા કોઇને સંપર્ક કરવા માટે નંબર કે મેસેજીસની સુવિધા ઉપલબ્ધ થાય..!! એ સમયને મનભરીને એ માણી લેવા માટે બધું ય કામકાજ – પ્રાયોરીટીઝ  ભુલીને એ લાગણીભૂખ્યું મશીન મારી સાથે એ જ પળમાં સ્થિર થઈ ગયું. મશીનોને પણ સાચી લાગણીની જરૂર પડતી હશે કે..??

‘કાં તો

મને એ પળમાં પાછી લઈ જા

કાં તો

ધડકનને સમજાવ જરા કાબૂમાં રહેતા શીખે

દિલ – દિમાગને સાવ આમ અટકાવી ના દે’

જ્યારે તું અને તારા વેર-વિખેર ટાઇમ – ટેબલો..તોબા એનાથી હવે તો… જેને દિલચીર પ્રેમ  કર્યો એના આવા વાયદાતોડ વર્તન માટે ગુસ્સો તો બહુ આવે પણ શું કરું ? આમે મારાથી શું કરી શકાવાનું હતું !

‘તને ખબર છે..

મારી અધૂરી રહી જતી કવિતાઓના કાગળના ડુચા..

અને

તને મળવાની તીવ્ર ઇચ્છા  છતાં

મિલનની આઘે ઠેલાતી પળો..

નિરર્થક કોશિશો…

હવાતિયાં જેવું જ કશુંક..

એ અધૂરી ઝંખનાઓ વચ્ચે કેટલું સામ્ય છે..!!

એ બેય કાયમ મારા હૈયે

કદી ના પૂરી શકાતો

છાતી પર સો સો મણનાં પથ્થરોનો ઢગ ખડકી દેતો,

સતત પ્રતીક્ષામાં ઝુરવાના શ્રાપ સમો,

કાળો ડિબાંગ

ખાલીપો જ ભરતો જાય છે..’

આ જાત જોડે જાતની આંતરીક મથામણોની કરુણ કહાની હું તને કયા શબ્દોમાં સમજાવી શકવાની પ્રિય..?

કો’કવાર  ચાર્લી-ચેપ્લિન જેવી નાટ્યાત્મક્તાથી, બળજબરી કરીને મોઢામાંથી થોડા શબ્દોને બહાર ધકેલી લઉં :

‘ચાલશે,  ઈટ્સ ઓકે. ફરી ક્યારે…..ક…!!!!!’

આમે, મારી પાસે કોઇ રસ્તો જ ક્યાં બાકી હોય છે આવું બોલ્યા સિવાય.

ક્યારેક મારી ડાયરીમાં તારા આપેલા અને મેં કાળજીથી સુકવીને સાચવી રાખેલા ગુલાબોની કાળી પડી ગયેલી પાંદડીઓ પર હાથ ફેરવતા ફેરવતા ગુલાબ વિશેની સાંભળેલી વાર્તા યાદ  આવી જાય છે.

‘સ્વર્ગલોકની અપ્સરા ઇવાને, સ્વર્ગલોકમાંથી પૃથ્વીલોકમાં જવાનું ફરમાન મળ્યું . પૃથ્વીલોકમાં એકલવાયું ના લાગે એટલે એણે દેવતાઓ સમક્ષ  સ્વર્ગમાંથી એની મનગમતી ચીજ સાથે લઇ જવાની ઇચ્છા પ્રદર્શિત કરી. એ મનગમતી ચીજ એટલે બીજું કંઈ નહીં પણ ‘સફેદ ગુલાબ’. કદાચ આજ કારણ હોઇ શકે કે ગુલાબ આપણને દેવતાઈ સંવેદનોની જાદુઇ અનુભૂતિ કરાવે છે.’

સાંભળ્યું છે કે સંબંધ પ્રમાણે એમાં અપાતા ગુલાબની પસંદગી કરાય છે. જેમકે દોસ્તી માટે પીળું ગુલાબ, સફેદ શાંતિ માટે, લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક ગણાય છે. આ સંબંધોની જાળવણી માટે અપાતા ગુલાબમાં પણ પ્રેમના લાલ ગુલાબના ભાગે પીડાથી તરબતર થવાનો વારો આવ્યો હતો ને.

તું મારા મધુર કંઠ, અદ્વિતીય સંવેદનશીલતાને કારણે કાયમ મને ‘બુલબુલ’ના ઉપનામથી બોલાવતો આવ્યો છે. ઘણીવાર એ નામ સાથેની પીડા પણ હું ભોગવું છું. ઇવાએ પસંદ કરેલા સફેદ ગુલાબ પર બુલબુલનું લાલ લાલ રુધિર ટપકતું રહ્યું અને એટલે એ પૃથ્વીલોક સુધી આવતા આવતા તો  સફેદ ગુલાબ લાલ થઈ ગયું.

પ્રેમ સાથેની પીડાનો અતૂટ નાતો છે – જેમ એક સિક્કાની બે બાજુ. એની પ્રતીતિ કરાવતું લાલ ગુલાબ એટલે જ કદાચ પ્રેમીજનોમાં આટલું લોકપ્રિય છે.

ટાઇમટેબલોની ગડમથલો પછી પણ મુલાકાતનો સમય ના નીકળતા અકળામણની સપાટી એની માઝા મૂકીને ચરમસીમાએ પહોંચી જાય છે. પછી તો આજુ બાજુમાં જે હોય એ બિચ્ચારું તો ગયું જ..વગર વાંકે મારા ગુસ્સાના પ્રેશર કુકરની હડફેટે આવી જાય અને મને પોતાને પણ અમુક વાર ના સમજાય એવું વર્તન કરી બેસું.. પાછળ ભરપેટ પસ્તાઉં…પણ તું..

જોકે તારા કહેવા મુજબ તકલીફ તો  તને પણ થાય છે પણ તું એ દર્દ, તકલીફ તારા વર્તન કે ચહેરા પર પ્રસરવા નથી દેતો. તું તો કમળપત્ર જેવો જ..પોતાની જાતને અદ્દભુત સંયમનો માલિક ગણતો પણ મારી નજરે તો તું સાવ સંવેદનહીન,જડ જ છે. તને આવા ‘પ્રોગ્રામ કેન્સલ’ના વાવાઝોડાથી ખાસ કંઇ તકલીફ નથી થતી  પણ અહીં તો અશ્રુઓની સુનામી સર્જાઇ જાય છે. એક દિવસ આ સુનામીના પૂરમાં તણાઇ ના જાઉં એટલું ધ્યાન રાખજે. નહીંતો પછી આખી જિન્દગી પસ્તાઇશ તું.

આવા પારાવાર ‘ટાઈમટેબલીયા’ મુશ્કેલીના કાળા વાદળો ઘેરાયા કરતાં હોય અને એવામાં અનાયાસે જ તું આજે આમ મારી સામે આવી ગયો..કોઇ જ આગોતરી જાણ કર્યા વિના, કોઇ જ ટાઈમટેબલોના બંધનો વગરની એ સાવ અચાનકની મુલાકાત..મારું હ્રદય એની ગતિ, લય બધુંય વિસરી ગયું. હૈયાના ટાઈમટેબલ પણ અસ્ત વ્યસ્ત થઇ ગયા અને જોરજોરથી ધડકતું એ મારા જ કાનમાં પડઘાવા માંડ્યું. મારી આંખો જાણે પલકારો મારવાનું જ ભૂલી ગઈ. સાનંદાશ્ચર્યના દરિયામાં ગોતા લગાવતા લગાવતા મારી ખુશી પણ આજે  સુધ-બુધ ખોઈને  સ્તબ્ધ બની ગઇ. એ સ્થિતીનું વર્ણન કોઇ પણ કવિ કે લેખકની હાથબહારની વાત જ છે. શબ્દોની સીમારેખાનું અદભુત ઉદાહરણ !!

ચોમેર અથડાઇને પસાર થતી ભરચક જનમેદની, માથે કુમળા સૂરજનો રૂપેરી કિરણોથી સજ્જ તડકો, સામે પથરાયેલા હજ્જારો માનવમેદનીના પગલાંથી ભરચક રોજના આઠ રસ્તા, જે રસ્તાને પાર કરીને સામે પાર જવાનું એટલે મારા માટે માથાનો દુઃખાવો જ.

રોજ વિચારું કે, હવે આ રસ્તેથી ફરી કદી પસાર નહીં થવું. પણ બીજો રસ્તો બહુ લાંબો હોઇ ખાસો સમય ખાઈ જતો એટલે ‘મજબુરી કા નામ મહાત્મા ગાંધી’  જેવા આ અણગમતા આઠ રસ્તા, અચાનક જ આજે મને એક્દમ વ્હાલા લાગવા માંડ્યા. મારા કલ્પના જગતના રંગબેરંગી પતંગિયા  એકદમ જ મનોમસ્તિષ્કમાંથી કૂદીને એ આઠ રસ્તા પર આવી ગયા અને મારી આજુબાજુ ઉડવા માંડ્યા, પારિજાતના ફુલોની મારી મનગમતી ગંધ હવામાં વહેવા માંડી, ફૂટપાથની કોરે ઉગેલા પેલા વૃક્ષની બખોલમાં નિરાંત જીવે બેઠેલું પંખી આપણા મિલનના વધામણા આપતું ગીતો ગાવા માંડ્યું, ચારેકોરના રોજબરોજના વાહનોથી ભરચક રસ્તા પર મને કાયમથી કનડતા આવેલા બેસૂરા અને કર્કશ હોર્નના અવાજો એકદમ સૂરીલા થઇ ગયા અને મિલનરાગ ગાવા માંડયા, માથે તપતો સૂરજ અચાનક જ પ્રેમની હેલી વરસાવવા માંડ્યો, સંવેદનોના ફુવારાની રસતરબોળ છોળો ઉડવા લાગી. કાંડે બાંધેલી મોટા બેલ્ટમાં ચસોચસ બંધાયેલી ઘડિયાળની ટીક ટીક સાંભળીને એને ત્યાં જ અટકાવી દેવાની, સમયને કાંટાના બંધનોથી મુકત કરીને આ પળોને મારી ઓઢણીના છેડે બાંધી દેવાનો એક બાલિશ વિચાર પણ મનના એક ખૂણે ફરકી ગયો ને એકદમ જ મારાથી પોતાની આ નાદાનિયત પર હસી પડાયું. જ્યારે તું…

ચૂપચાપ, હવાની મંદ મંદ  લહેરખીમાં ઊડતા કાળાભમ્મર વાળ સાથે, તારી વિશાળ ભાવવાહી, પાણીદાર આંખોથી મને નિહાળી રહેલો. મન તો થયું કે,

‘કાળા ભમ્મરીયા વાળમાં લાવ હાથ ફેરવવા દે જરા,

હતાશાની આ પળોને થોડી હળવી કરી લેવા દે જરા..’

પણ આમ જાહેરમાં તો એ કેમનું શક્ય બને ?

સાવ અચાનક સામે આવીને મારી વાચા, સૂધ-બૂધ બધુંય હરી લઈને મારી હતપ્રભ સ્થિતીની મજા માણી રહેલો..અને એકદમ હળવેથી તારું મનમોહક સ્મિત રેલાવીને બોલ્યો

‘શુભ સવાર પ્રિયે.’

એક ખાનગી વાત કહું, સાવ અચાનકનું તારું આ મળવું, સરપ્રાઈઝ આપવું મને બહુ  જ ગમ્યું વ્હાલા.

‘સાવ અચાનક તું શુભ-સવાર કહી દે,

એની મજા જ કંઈક અલગ છે.

સાવ અચાનક તું પ્રેમ વરસાવી દે,

એની મજા જ કંઈક અલગ છે.’

તું બહુ ચતુર છે. રુઠેલી પ્રિયાને કેમ મનાવવી એતું બહુ સારી રીતે જાણે છે. મારું આમ પીગળી જવું તને કાયમ મારી નારાજગીથી બચાવી જાય છે.

‘મીણ જેવી લાગણી મારી

તારી આંખોમાં આંખો શું પરોવી

જાત આખી પીગળી જ ગઈ..’

જા, તારા આગળના બધા મુલાકાતી ટાઇમટેબલો, વાયદાભંગ, મજબૂરીના આલાપ…બધે બધું માફ કર્યું. ચાલ હવે આ ‘સાવ અચાનક’ની મુલાકાતની પળો મારા સ્મૃતિપટમાં કંડારી લેવા દે. તારો શું ભરોસો..હવે પછી પાછો મને ક્યારે મળીશ કોને ખબર..જોકે જેવો પણ છે દિલની બહુ નજીકનો છે તું..કારણ..

‘મારામાં રહેલી મને કાયમ જીવંત રાખે છે તું,

લાગણી-સિંચનથી કાયમ લીલીછમ્મ રાખે છે તું.’

સ્નેહા પટેલ .

કીટ્ટા – બીટ્ટા…


‘ખેતીની વાત’ મેગેઝિનમાં કોલમ ‘મારી હયાતી તારી આસ-પાસ’નો નવેમ્બર માસનો મારો લેખ.

હમણાં જ મેં શ્રી હરિશચંદ્ર ભટ્ટનું સરસ કાવ્ય વાંચ્યું. કાવ્યનું નામ  હતું ‘એકો અને નાર્સિસસ’.

નાર્સિસસ અનહદ સુંદર પુરુષ હોય છે. જોકે એ જમાનામાં અરીસાની શોધ ના થઈ હોવાથી નાર્સિસસને પોતાના અપ્રતિમ સૌંદર્યની જાણ નહોતી. એ અત્યંત ઘમંડી હોય છે. એની દેદીપ્યમાન કાંતિથી આકર્ષાઈને પ્રેમથી છલોછલ એવી ‘એકો’ નામની સ્ત્રી પોતાની નાજુકાઈ અને પ્રેમનું પાત્ર લઈને એની નજીક આવવાનો પ્રયત્ન કરે છે. એ તો પોતાના વ્યક્તિત્વ – અસ્તિત્વનું વિલોપન કરીને સંપૂર્ણપણે નાર્સિસસની થઈને રહેવાની તીવ્ર ઝંખના સેવે છે. પણ એના નાજુક પ્રેમનો સામો પડઘો ના પડતા એ નાજુક પરીનું દિલ તૂટી જાય છે,  હૈયું વલોવાઇ જાય છે. છેલ્લે પ્રેમનો આર્તનાદ કરતી કરતી એ અ…નં..ત…માં ડૂબી જાય છે અને રિબાઈ રિબાઈને મરણને શરણ થઈ જાય છે.

નાર્સિસસ વન-વિહાર કરતો કરતો એક દિવસ એક ઝરણાના પાણીમાં પોતાના રૂપને જોઈને પોતાની જ જાત પર મંત્ર-મુગ્ધ થઈ જાય છે. સ્વયંના પ્રેમમાં અંધ બનેલો એ યુવાન પોતાના જ રૂપમાં પીગળતો-ઓગળતો જાય છે અને સાનંદાશ્રર્યની સ્થિતીમાં ત્યાં ઉભો ઉભો જ મૃત્યુને શરણ થઈ જાય છે. ગ્રીક દંતકથામાં એ ફૂલ બની જાય છે. જે ‘નાર્સિસસ’ના નામથી ઓળખાય છે. ફારસીમાં આને ‘નરગીસના ફૂલ’ તરીકે ઓળખવામાં આવે છે.

આ વાત એટલા માટે યાદ આવી કે તું કાયમ મને કહે છે કે, ‘તું મને દુનિયાની સૌથી વધુ વ્હાલી વ્યક્તિ છે’…સાંભળીને હું અતિશય આનંદ પણ પામું છું. પણ બીજી જ ક્ષણે મને તારા વર્તનમાં ‘મારી જાતને હું જ સૌથી વધુ પ્રિય છું’ જેવો આત્મપ્રેમ દેખાય છે. એવું સાંભળવામાં આવ્યું છે કે પુરુષો પ્રેમમાં વધુ આત્મકેન્દ્રી હોય છે. પોતે જ પોતાની જાત પરના અહોભાવથી અભિભૂત – ઓળઘોળ હોય છે. તો શું તું પણ ક્યાંક આવો જ તો નથી ને ?

કાલે જ આપણી વચ્ચે એક નાની શી વાતમાં ઉગ્ર ચર્ચા થઇ હતી. આજે એ વાતને લઈને તું કેટલો દૂર જતો રહ્યો છે. મારી લાગણી-વર્ષા બધીયે વ્યર્થ જ જાય છે , પેલી પ્રેમાળ પરી ‘એકો’ની જેમ જ સ્તો..

રેઈનકોટી સંબંધે

તું

લાગણી-વર્ષા

શીદ કરે…!!!!!

કેવો નિર્દયી છે તું. હું અહીં તારા પર આખે આખી જાત ઓવારીને બેઠી છું, દિલ નિચોવીને વરસી રહી છું ને તું..એક નાની શી વાત પર મારાથી નારાજ થઈને દિલ પર દિમાગનું મીણીયું કવચ ઓઢીને બેસી ગયો છે. મારું બધુંય વરસવું એના પરથી ટપ ટપ કરતું’ક ને નીચે સરકતું જાય છે.

‘બુંદ બુંદ નીચોવાઈ જનાર વાદળી

કાયમ

પોતે તો કોરી ને કોરી જ’

કેવો અભાગિયો જીવ !

તું સમજતો કેમ નથી કે પ્રેમ હોય ત્યાં થોડા ઘણા મતભેદ તો હોય જ. આ તો એકદમ સ્વાભાવિક વાત છે. ‘તું તારા રસ્તે હું મારા રસ્તે’વાળો માનવીય સ્વભાવ ઠેકડાં મારી જાય, પળ બે પળનો અહમ સમગ્ર ચિત્તપ્રદેશ પર છવાઈ જાય. પણ આવા ઝગડાંઓ તો મીઠા ઝગડાં કહેવાય.

‘કેટલી બદનસીબ પળ

મેં કહ્યું કીટ્ટા

અને તેં કહી દીધું

આજથી આપણે છુટ્ટા’

આવું ના કર.

તને ખબર છે આવા ‘કીટ્ટા’ના પ્રસંગો પછી પ્રિયા સાથે ‘બીટ્ટા’ કરવાની લિજ્જત જ કંઇક અલગ હોય છે. એ રિસામણા-મનામણાની જેવી આવડે તેવી, કાલી ઘેલી પ્રેમ પ્રદર્શિત કરવાની ભાષા કેટલી અદ્દભુત હોય છે !! અહાહા..તમારું દિલ તમારા દિમાગ પર હાવી થઇ ગયું હોય અને તમે કશું જ વિચાર્યા વગર મનમાં જે વાત આવે એ વાત સામેવાળાના કાનમાં પ્રેમપૂર્વક, જતનપૂર્વક રેડયા જ કરો..કાનથી દિલ સુધીનો એ રસ્તો બને એટલી ત્વરાથી પાર કરવાની લાલચ દિલમાં ધરી એને રીઝવવાના અવિરત પ્રયાસો કર્યા જ કરો. આ બધી પળોનું વર્ણન કદાચ દુનિયાની કોઇ જ ભાષામાં ના થઈ શકે. આ બધા માટે તો દુનિયાએ એક નવો શબ્દકોશ બહાર પાડવો પડે,

‘પ્રેમનો શબ્દકોશ’.

આ શબ્દકોશ દુનિયાની દરેક યુનિવર્સિટીમાં ભણાવવો ફરજીયાત હોવો જોઇએ. તો શબ્દોના સ્થાને દિલની લિપીમાં લખાયેલા આ અદભુત શબ્દકોશના એ સંકેતો ઉકેલી ઉકેલીને કેટલાય લોકોના જીવન પ્રેમથી મઘમઘી ઉઠે, નીતનવા પ્રસન્ન્તાના ઝરા ફૂટ્યા જ કરે. નફરત જેવી દાહક, ઘાતક લાગણીઓના રાવણદહન થઈ જાય અને પ્રેમની વિજયાદશમીના તહેવારો ઉજવાય.

પણ તું તો જો..કેટલો બેપરવા..મને મનાવવાને બદલે સાવ લાગણીશૂન્ય થઇને બેઠો છે. હું અહીં લળીલળીને વિનવણી કરું છું, માફી માંગુ છું, વારંવાર કહુ છું કે જે ભૂલ થઈ ગઈ એ મને કહે ! પણ છતાં તું એક હરફ નથી ઉચ્ચારતો. જબરો ભેદી…પ્રતિ-ઉત્તરમાં મોઢા પર કોઇ પણ જાતની લાગણી વગરનું કોરુંધબ, રહસ્યમય મૌન જ મૌન. તને ખબર છેને કે, ‘આ તારું મૌન મારો જીવ લઈ જશે’ એમ છતાં આવું વર્તન ! કોઈ પણ વાતે ના તો તું ‘ના’ બોલે છે કે  ના તો ‘હા’. આવું થોડું ચાલે? કંઇક બોલ તો ખબર પડે મને !

એક બાજુ આવી રહસ્યમયતા અને સામે પક્ષે એક ગભરુ, નાદાન દિલ..’બાપડું બિચ્ચારું’ જ બોલાઇ જાય એવી હાલતનું સર્જન શીદને કરે છે ? નથી સહેવાતું હવે આ બધું.

‘એક કાજળઘેરું મૌન તારું,

ઉપરથી નિર્લેપતાના લેપવાળું.

શબ્દોની ધાર ચકાસી લેવા દે,

એ જ આખરી હથિયાર મારું,

વાંચીને પણ તું જો ના પીગળે તો,

લખેલું બધું યે ધૂળ મારું…’

આવું જ કંઇક છે આજે. અત્યારે તો મારા શબ્દો જ મારી મૂડી છે. લાગણીના સાંચામાં ઢાળીને એને તારી સમક્ષ જીવ રેડીને પીરસું છું. સામે પક્ષે તું પણ તારી અહમની મમત છોડી દે. કારણ દિલના દર્દીને દિમાગથી ચાલનારા, એનું માનનારા ચાલબાજ, દુનિયાદારીનો માણસ નહીં સમજી શકે. બાકી તો,

‘જો તું તારો ’અહમ’ ના વહાવી શકતો હોય

તો મારા આ પ્રેમના ’ગંગા – વહેણ’ પણ નકામા…’

આમ સરળતાથી સતત વહેવું એ મારો સ્વભાવ છે, જે બદલવો મારા હાથમાં નથી. આ સરળપણાનું અનમોલ મોતી જે તારે હાથ લાગ્યું છે એનું મહત્વ સમજ. હીરાને કાચ સમજવા જેટલો નાદાન ના બન. મારા ગમા-અણગમા બધાંય તારા એક એક બોલને આધીન હોય છે એની તો તને ખબર છે ને.

‘આ શું થઈ ગયું ? મેં શું મેળવ્યું ?  શું ગુમાવ્યું ?’  આહ..ઓહ..આ લાગણીની લેતી દેતીમાં કેટલો નફો -કેટલી ખોટ..મારી સમક્ષ આવા પ્રશ્નોના ખડકલાં ના કર,  મહેરબાની કર. અરે, પ્રેમના પથ પર ચાલનારાથી આમ કંઇ માપ-તોલના છાબડાં લઈને થોડી બેસાય ?

‘જેને ચાહ્યો ધોધમાર વરસીને, મન મૂકીને,

એ આજે પ્રેમની સાબિતી માંગે છે.

પ્રેમના કોઈ તોલ માપ ધ્યાનમાં હોય તો કહેજો,

આ તો મારા જીવતા હોવાની સાબિતી માંગે છે !’

અહો આશ્ચર્યમ..!!

આ ‘આહ’ની અરેરાટી, ભયજનક સ્થિતીમાંથી મને બહાર કાઢ અને ‘અહા’નો એક હાશકારો ભરેલ શ્વાસ અર્પણ કર. આપણા પ્રેમની પવિત્રતાને વિશ્વાસનું થોડું તર્પણ કર. તારા દિલની સિતાર પર મારા પ્રેમને થોડો ફરકવા દે, મારે પણ તારી ખૂબ ખૂબ જરુર છે, હું પણ તને અનહદ ચાહુ છું જેવા દુનિયાના સૌથી મીઠા સૂરો આલાપવા દે. પ્રેમની લાગણીને આટલી ભારેખમ ના બનાવી દે, બધું ય ભૂલીને ફરીથી પહેલાં જેવો સરળ અને પ્રેમાળ થઈ જા અને એક્વાર ફરીથી વિશ્વાસના હિંડોળે મને બેસાડીને ઝુલાવ. એટલું ઝુલાવ એટલું ઝુલાવ કે ધરતીને અડતા પગ ઉપરનું તન છેક આભને જઈને સ્પર્શી જાય, ક્ષિતીજની રળિયામળી અલૌકીક દુનિયા મારા શ્વાસો-શ્વાસની ગરમીથી ધુંધળાઈ જાય.

તને તો અનુભવ છે ને કે પ્રેમ મળે અને જે ખુશી મળે એના કરતાં પણ પ્રેમ આપીને એક અદ્દભુત ખુશી મળે છે. એ સમયે આપણે પ્રભુની અત્યંત નજીક હોઇએ, એના લાડકવાયા સંતાન હોઈએ એવું લાગે છે. પ્રેમ એક ચમત્કાર જ છે. શ્વાસો-શ્વાસ જેટલી જ જરૂરી સરળ અને સાહજીક પ્રક્રિયા છે. તો આ ચમત્કારીક ઘટનાનો એક હિસ્સો બન, આમ એક એક પળ  ભેગી કરી કરીને રચેલો મારો લાગણીનો માળો સંવેદનોની શૂન્યતાને આધીન થઈને બર્બરતાથી પીંખી ના નાંખ. મારા અસ્તિત્વ- મારી હયાતીને આ કક્ષાની લાચારીએ ના લઈ જા.

અરે…આ કંઇક નવાઈની લાગણી ચિતોપ્રદેશમાં વિહરવા માંડી. શું નામ છે એનું વિચારવા દે જરા. ઓહોહો. આ તો વેદનાના આસવ ઘૂંટી ઘૂંટીને દિલમાં એક ખુમારીએ જન્મ લઈ લીધો છે. એ તને કહ્યા વિના રહી શકતી નથી,

‘પ્રેમ છે તો કબૂલી લે

બાકી તો

ખુમારી ભરી છે મારાંય રોમે-રોમમાં’

મને તારી દયા કે અનુકંપા કદી નહીં ખપે. વેદના જીરવાઈ જશે પણ અનુકંપા ક્યારેય નહીં. આ વાત બરાબર ધ્યાનમાં રાખજે. આવું થાય તો આપણા સંબંધોની પ્રસન્નતા, ઔદાર્ય નહીં જળવાય. પ્રેમ કરવામાં અભિમાન કે અહમ કદી વચ્ચે ના આવવો જોઇએ.

‘શું તારું કે શું મારું,

હવે તો સંધુયે આપણું સહિયારું’

આ ભાવનાને માન આપી સહિયારા સ્વમાનને પોસવાનું, સાચવવાનું એ તો પ્રેમમાં વણબોલાયેલ, વણકહેવાયેલ વચનોની વાત છે એ ખાસ ધ્યાન રાખવું ઘટે.

અરે હા..પેલી ગ્રીક પરીના પ્રેમનો પડઘો પાડવામાં અસફળ એવા નાર્સિસસને એના ફૂલને ઓળખનારું કે જોવાવાળું ભાગ્યે જ મળે છે. ‘એકો’ની નાજુક – પવિત્ર ભાવનાની ઉપેક્ષા કરનાર નરગિસનાં પુષ્પને હજારો વર્ષ પછી પણ કોઈ પારખનારું નથી મળતું. સાવ એકલું અટૂલું કોઇ એની જોડે વાત કરે એના માટે ઝૂર્યા કરે છે. થોડામાં ઘણું સમજી જાને હવે  !!

 

-સ્નેહા પટેલ – અક્ષિતારક.

મિલન હત્યા


ખેતીની વાત મેગેઝિનમાં આજથી શરુ થતી મારી કોલમ

‘મારી હયાતી તારી આસપાસ-1

 મિલન હત્યા


આ હવા હજી હુંફાળી છે,

આ ધડકન હજી તોફાની છે,

આ આંખે શરમની લાલી છે,

તું હજી જાગે છે,

એની આ નિશાની છે…

મારા વ્હાલા,તું અત્યારે મારી સાથે કેમ નથી?  વિયોગનો આવો કપરા સમયનો સામનો કરવાનું મારા જ નસીબમાં કેમ લખાણું ? હજુ તો મારી આ શમણાઘેલી આંખોમાં પાછલી રાતનો નશો અકબંધ છે.  કદાચ તને મારી આ ગાંડીઘેલી વાતો નહીં સમજાય, પણ એ વેળાએ મારું  સઘળુંય તને અર્પીને એ વખતે હું પૂર્ણતાથી છલકાઈ ગઈ હતી.

“ તારા પર

વરસી વરસીને

કાયમ

હું તો છલકાણી સાજન

ખબર નહીં

તું

શું

જાદુ કરે છે..!!!  “

ચેરીના ફ઼ુલ જેવી એ ગુલાબી-ગુલાબી પળોની યાદમાં હજુ પણ મારી ધડકનો નકરી અસ્ત વ્યસ્ત અને બેકાબૂ છે. એક વાત કહું, કદાચ દર વખતની જેમ અત્યારે પણ તું મને એકદમ પાગલ જ કહીશ. પણ આમે આ પ્રેમની દુનિયા જ એવી છે. ભલ ભલા ડાહ્યાંઓને પાગલ કરી દે. હા તો હું શું કહેતી હતી યાદ આવ્યું, કાલે આપણે જે જગ્યાએ મળેલા એ જગ્યાએ જઈને ત્યાંની હવા, રસ્તા, ફ઼ુલો  બધાયને આજે ફ઼રીથી મળી આવી, એમની જોડે થોડી વાતચીત કરી આવી કે,

’તમે તો કાલે મારા આશુને જોયેલો, બહુ નજીકથી એનું સાનિધ્ય માણેલું, તમે તો એને હવે બરાબર જાણી ગયા હશો કેમ ?  તમે બધા પ્રક્રુતિ સંતાનો શું માનો છો – હું એને જેટલો યાદ કરું છું, એના વિરહમાં જેટલી બેચેન  છું શું એ પણ એટલો જ બેચેન હશે, મને યાદ કરતો હશે ?‘

પણ એ બધા તો બહુ જ દગાખોર નીકળ્યા..રહસ્યભર્યુ સ્મિત કરીને ચૂપચાપ બસ મારી સામે જોતા રહ્યાં. કોઇ જ જવાબ ના આપ્યો. છેલ્લે થાકી હારીને કોઇ જ ઉત્તર મેળવ્યા વિના જ હું ત્યાંથી પાછી ફ઼રી. હવે એમ થાય છે કે મેં ત્યાં જઈને  બહુ ખોટું પગલું ભર્યુ. મારા જવાબો મેળવવાની લાલચમાં ઊલ્ટાની બેધ્યાનપણે જ તારી ઢગલો’ક યાદો ફ઼રીથી મારા દામનમાં બાંધતી. શરુઆતમાં તો તને યાદ કરવાનું બહુ ગમ્યુ. હાથે કરીને એનાથી મન ધરાઈ જાય એ ઇપ્સા  સાથે ઝુકાવ્યું. પછી તો અવશપણે એમાં ઊંડી ને ઊંડી ઉતરતી જ ગઇ અને ઇરછાઓના અધિપતિ મનના તળિયાને છેક ઊંડે સુધી સ્પર્શી ગઈ. પહેલા પહેલા તો એના નશામાં ડૂબવું, ઝૂમવું બધુંય બહુ ગમ્યું.પણ પછી તો એ યાદો મારા હોશોહવાસને પોતાના વશમાં કરતી’કને  એની નાગચૂડમાં ક્યારે ફસાવી ગઇ એ ખ્યાલ  જ ના આવ્યો. મારા દિલ પર એ મૂઈએ સાવ બેશરમીથી પોતાનો અડ્ડો જ જમાવી દીધો. હવે લાખ પ્રયત્નો છતાં તારી યાદોથી મુકત નથી થઈ શકતી..ધીમે ધીમે એ યાદો ધારદાર બનતી જાય છે. મારા કાળજે એના તીણા નહોર ભરાવીને ઊઝરડાઓ પાડતી જાય છે.નરી આંખે ના દેખાતા પણ આખે આખી જાતને હલબલાવી જનાર ઊઝરડાઓ..આહ.. મન ને છેક અંદર સુધી ચીરી જાય છે. મિલનની એ ક્ષણોની યાદ વિરહનો અગ્નિ વધારે વધારે પ્રજવલ્લિત કરે છે. ‘બળતામાં જાણે ઘી હોમાયું’ હોય એમ જ્સ્તો.  હવે  કાં તો તું મને આવીને મળ કાં તો મારા મગજમાંથી, મારા વિચારોમાંથી બહાર નીકળી જા. મને શાંતિના થોડા શ્વાસ લેવા દે. મને તો એ જ નથી સમજાતું કે પોતાની જાત કરતાં પણ વધુ ચાહતી વ્યક્તિને આમ તારી યાદોની, વિરહની બેધારી તલવાર પર ચલાવીને તને શું મજા આવે છે?

આવી શકે તો આવીને જો અહીં મારી હાલત. સતત વરસતા વરસાદમાં હવાઓના નીતરતા પગલા, આજુ બાજુ ટપકતા વૃક્ષો અને તારા વિનાની મારી આ સળગતી ક્ષણો.. મારી તારા માટેની તરસને કદાચ એ સમજાવી શકે. આ સૂકી વેરાન પથરાળ આંખોમાંથી હવે તો કોઈ ઝરણું પણ નથી ફુટતું.જાણે છે..ક અંદર સુધી સુકાઈ ગયું છે.

‘હમણાં જ રાતી સાંજ ઢળી તારા વગર

હતી એ પણ મારી જેમ

ચૂપચાપ , ક્ષુબ્ધ, ઉદાસ તારા વગર ‘

હવે તો રાતના ઘેરા પડછાયા ચારેકોર ઉભરાવા માંડ્યા છે અને તારી મનગમતી આ કાળી કામણગારી આંખોની જોડીમાં  ઉજાગરાની આગેકૂચ થઈ રહી છે. લાખ પ્રયત્નો કરવા છતાં નીંદરડી આજે મારાથી કોશો  દૂર ભાગે છે.એ પણ મારી દુશમન થઈ ગઈ છે..સાવ કીટ્ટા જ કરી દીધી છે. તારી જેમ એ પણ નિષ્ઠુર થઈ ગઈ છે . ઉજાગરાના પ્રતાપે જો આંખોમાં રાતોચોળ ગુલમહોર ઉગી નીકળ્યો છે. દિવસ તો જેમ તેમ કરીને મેં કાઢી નાખ્યો, પણ આ રાત..હાય રે..કેમ કરીને આ કાળુડી રાત તારા વિન એકલા એકલા વીતશે..?

પથારીમાં પડ્યાં પડ્યાં, મારી કોરીધાકોર ખાલી ખાલી નજરોમાં  અદમ્ય આશાના રંગ પૂરીને બારીમાંથી દેખાતા આકાશમાં નિહાળું છું. રુપેરી રુપેરી ચમકતા ટમટમતા તારલીયાઓની ગોઠ્વણીમાં બાવરી બાવરી થઈ, એકીટશે તારા નામની  છાંટ શોધુ છું. વિચારું છું, ક્યાંક એ તારલાઓની ભાતમાંથી તારો રુપાળો, ગોરો ગોરો, નીલી નીલી આંખોવાળો ચહેરો રચાઈ જાય તો કેટલું સારું ! મારો આ આખા દિવસના તારા ‘વિરહનો ઉપવાસ’  છુટે અને તારા મુખદર્શનથી એ ઉપવાસના પારણા થઈ જાય..!! વળી હું બહુ જ સાવચેતીથી એક એક તારાની હિલચાલ પર મીટ માંડીને બેઠી છું. કાશ, કોઇ તારાનું આયખું આજે ખતમ થવાની તૈયારીમાં હોય અને મારા નસીબમાં એ પળ જોવાનું સદભાગ્ય સાંપડી જાય, ક્યાંક કોઈ તારો તૂટી પડે ને પળનાય વિલંબ વિના એ વખતે જ ભગવાન જોડે હું આપણા મિલનની ક્ષણો પાછી માંગી લઉ !! પછી તો  પ્રભુજી પણ ’આશીર્વાદ પાલન’ સિવાય મારી મનોકામના પૂર્ણ ના કરવા માટે કોઇ બહાનાબાજી ના કરી શકે. પણ જવા દે..લાગે છે એ બધું આજે મારા નસીબમાં નથી.

મારા સંધાય પ્રયાસો વ્યર્થ જાય છે. થાકી હારીને હવે હું આ વિયોગની સ્થિતી સ્વીકારી લઉ  છું. આમે એના સિવાય મારી પાસે કોઇ  વિકલ્પ  જ ક્યાં છે ?  એક કામ કરવા દે, રુપકડા તારાઓની રોશનીમાં વાદળો જોડે લહેરથી સંતાકૂકડી રમતા પેલા રમતિયાળ ચાંદ સાથે મારા મીઠડા ચાંદને એક સંદેશો મોકલવા દે,

‘હે મારા ચાંદ,હવે જરા ઉતાવળ કર. જલ્દી પાછો આવ. અહીં તારા સંગાથ વિના તારી ચાંદનીના તેજ ઝાંખા પડ્યા છે. એને પૂનમની યુવાનીએ તેજ્દાર રુપના બદલે અમાસના ગ્રહણો લાગવા માંડ્યા છે. ઓ પાગલ નિર્બાંધ વહેતી હવા, તને બે હાથ જોડીને વીનવું  છું. મારો ચાંદ સૂવાની તૈયારીમાં જ હ્શે.  તું મારા વતી હળ્વેથી એના ઘુંઘરાળા કાળા વાળને સહેલાવજે. તારો ઠંડો, મ્રુદુ સ્પર્શ એના થાકેલા ડીલને થોડો આરામ પહોંચાડશે. પછી ધીમેથી એના કાનમાં મેં મોકલેલું પ્રણય ગીત સંભળાવજે કહેજે,

‘મારા વ્હાલીડા,તું હજી જાગે છે અને મને યાદ કરે છે એ વાત આ નાદાન વ્હાલુડીને પણ ખબર છે. મારા દિલની ધડકનની તેજ રફ઼તાર એનો પુરાવો છે. ભલે તું કોસો દુર હોય પણ હું તને અહીં મારી એકદમ નજીક અનુભવી શકુ છું. તારા શ્વાસની મહેંકમાં નહાઇ શકું એ માટે હું આપણા મીઠા સોણલાંઓની દુનિયામાં તારી બેકરારીથી રાહ જોવુ છું.બને એટલી ત્વરાથી ત્યાં આવી પહોંચજે.’

‘ઓ હવારાણી ચોક્કસ, એ ત્યાં મારી જેમ જ બેચેન હશે. મારા સાથ વિના માંડ માંડ ઘેરાતી એની આંખો ને ઘેઘુર કાળી પલકો હેઠળ રાતી રાતી નસોના જાળાથી છલકાતા એના નાજુક, સંવેદનશીલ પોપચા  તમારા પગરવના અવાજથી ભીડાતા પહેલાં જ ખલેલ પામીને ખુલી ના જાય.મહેરબાની કરીને જરા સંભાળીને ચાલજો….રખેને એની સંવેદનશીલ  નીંદર વેરણછેરણ ના થઈ જાય. જો એમ થશે તો એના આગમનની રાહ જોતા મારા સપના અનાથ જ રહી જશે. નીલા નીલા સપનાઓની, સંવેદનોની પ્રેમાળ, સપ્તરંગી દુનિયા…જ્યાં એ ધૈર્યના બધા બંધનો ફગાવીને બેફિકરાઈથી મને આવીને મળશે, એના અનરાધાર સ્નેહથી ભીંજવી દેશે,આકંઠ છલકાવી દેશે એ માદક મિલન અધુરું રહી જશે અને તારે શિરે નાહકનું જ  અમારી  ‘મિલન-હત્યાનું’  ક્યારેય માફ ના કરી શકાય એવું પાપ લાગશે.’

મહેરબાની કરીને આજે મારું આટલું કામ કરી દે ઓ વહેતી હવા..આ વિરહી દિલના તને ઢગલો’ક આશીર્વાદ અને દુવાઓ મળશે. ભગવાન તને સો વરસની કરે,તારા બધા અરમાનો પૂરા કરશે,તું ચીર-યૌવન પામે.. હું તારા માટે સદા ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીશ…ભવિષ્યમાં તારે મારું કોઇ પણ કામ પડે તો બેઝિઝકપણે મને યાદ કરજે. હું તારી ચાકરીમાં ખડેપગે હાજર રહીશ. તારા આ કાર્ય  બદલ જીંદગીભરની તારા નામનું ગુલામીખત લખી આપવા પણ તૈયાર છું. પણ હવે આ વિરહ નથી સહેવાતો..મહેરબાની કરીને આટલો સંદેશો મારા સાજનને પહોંચાડી દેવા આ પ્રણયઘેલીની તને વિનંતી !

 

સ્નેહા પટેલ  – અક્ષિતારક.