સૌથી પહેલાં એક વાત કહી દઉ કે મને મારી માતૃભાષા અનહદ વ્હાલી છે.એના વિરોધમાં આ લેખ નથી.મહેરબાની કરીને એની નોંધ દરેક મુલાકાતી લે.
આજ કાલ મને ગુજરાતી સાહિત્ય સાથે જરા વધુ રહેવાનો લ્હાવો મળ્યો.ધબકારની સુગમ-સંગીત અને કાવ્ય-પઠનની સૂર-શબ્દોથી ગૂંથેલી યાદગાર બેઠક. એ પણ વળી ખ્યાતનામ કવિઓ શ્રી તુષાર શુકલ અને શ્રી કૃષ્ણ દવે સાથે.વળી બીજા જ દિવસે રજવાડું ખાતે “વિશ્વ માત્રુભાષા દિન”ની ઉજવણી નિમિત્તે શ્યામલ સૌમિલ,આરતી મુનશી અને બીજા બહુ બધા સરસ મજાના કલાકારો સાથે કરી.એ બધામાં બહુ મજા આવી.
ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.
૨ દિવસ રહીને એક ક્ડવી સચ્ચાઈ જે સામે આવે છે, જે નગમ્ય ભાવોથી દિલને બેચેન કરી જાય છે.બહુ બધા ગુણ ગાન સાથે માતૃભાષાની જાળવણી માટે આપણે ગુજરાતી સાહિત્યમાં પૂરી પ્રામાણીકતાથી પદાર્પણ કરવું જ જોઈએ.કારણ એ આપણી ‘મા’ છે.એની જગ્યા ‘માસી’ જેવી અંગ્રેજી ભાષા ના જ લઈ શકે.બહુ ગમ્યું આવું સાંભળીને.વળી દર બીજા દિવસે નેટ પર પણ ગુજરાતી ભાષાના અસ્તિત્વને લઈને જે કુશંકાઓ સેવાય છે એ પણ દિલ દુભાવી જાય છે.ચિત્રલેખા જેવા મેગેઝીને પણ આ વખતે આની પર જ એક આર્ટીક્લ આપ્યો છે.આ બધું વાંચીને મનમાં એક પ્રશ્નનો કીડો સળવળ્યો.
-> આ ગુજરાતી ભાષા પર જે ખતરો તોળાય છે એની પાછળના કારણો શું?
->મને અતિપ્રીય હોવા છતાં મારા દિકરાને અંગ્રેજી ભાષામાં ભણાવવા પાછ્ળ મજબૂર કરી ગઈ, એ માટે જવાબદાર પરિબળો કયા?
->”ધબકાર” ગ્રુપ કોઈ જ નફા ના ઉદ્દેશ વગર આટલી સરસ પ્રવૃતિ કરે છે તો પણ દર વખતે એને ફંડની તકલીફ, પ્રોત્સાહનનો અભાવ,કે કોઈ જ જાતના મીડિયાનો સહકાર કેમ નહી?
મારી સમજણ મુજબ આપણી ભાષા બીજી ભાષાના પ્રમાણમાં થોડી..ના ના..બહુ બધી અઘરી છે.એ શીખવા માટે,એને પૂરે પૂરી આત્મસાત કરવા માટે ખૂબ જ સમય અને ધીરજ અને આકરી ટીકાઓ સહન કરવાની સહનશક્તિ જોઈએ .એમ છતાં તમે પૂરે પૂરી વફાદારી અને લગનથી એ શીખી લો તો પણ એક કડવી સચ્ચાઈ એનું વિકરાળ મોઢું ફાડીને સામે જ ઉભી હોય છે કે,
->” આમાંથી આર્થિક ઊપાર્જન કેટલું”?
આજનો યુવા વર્ગ એનાથી જે રીતે વિમુખ થઈ રહ્યો છે એ ઉપરથી એ તો ફલિત થાય જ છે કે સહેજ પણ સંતોષકારક વળતર નહીં.પોતાનો અઢ્ળક સમય અને મહેનત જો એ બીજી ભાષામાં કોઈ નવો જ નીકળેલ કોર્સ શીખવામાં વાપરે તો એને આરામથી ઘર ચલાવી શકવામાં મદદ થાય એટલી આવક ઉભી તો કરી જ શકે એ. માતૃભાષા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાં પણ આજનો યુવાન એનું ભવિષ્ય તો દાવ પર ના જ લગાવી શકે. એટ્લે નાછૂટકે એ બીજી ભાષાઓનું શરણ મને-કમને પણ સ્વીકારે છે.ભલેને કાલે જ એ ગુજરાતી ભાષાના કાર્યક્રમમાં દિલ ખોલીને તાળીઓ પાડીને ખુશ ખુશ થઈને ઘરે આવ્યો હોય.ઘરે આવીને ટી.વી.માં ચાલતા હિન્દી-અંગ્રેજી પ્રોગ્રામો એનો બધો નશો ઊતારી નાખે છે.આપણે માતૃભાષાને બચાવવા માટે આટલી ચિંતા કરીએ છીએ તો એમાંથી કમાણીનો માર્ગ ઉભો કરવાનો રસ્તો કેમ નથી વિચારતા?કદાચ જો હોય તો માફ કરજો, મારા ધ્યાનમાં તો નથી જ.
->આકર્ષક સરસ મજાનો પગાર મળતો હોય તો મજાલ છે કોઈ ગુજરાતી બચ્ચાની કે એ બીજી ભાષાની શરણાગતી સ્વીકારે?ગુલામી કરે? ગુજરાતી ભાષાના કવિઓ, લેખકો,સંગીતકારોને કે ગાયકોને સંતોષકારક મહેનતાણું મળતું થાય તો કેટલા આશાસ્પદ કલાકારો મળી શકે એમ છે.પણ પેલું કહેલ છે ને કે,
“ભૂખ્યા પેટે ભગવાનની પૂજા ના થાય”,
બસ એવું જ કંઈક.ગુજરાતી સાહિત્યના સમાચાર ગુજરાતમાં જ ગુજરાતી છાપા કે ટી.વી.માં આપવા માટે પણ કેટ-કેટલા પાપડ બેલવા પડે છે.કલાકારોને એક હદ સુધી તોડી કાઢે છે.અનેક ટીકાઓ,સંઘર્ષ સહન કરીને એણે પોતાની કલાને વિકસાવી હોય અને કોઈ જ પ્રતિસાદ ના મળતા છેલ્લે આ તો ખાલી શોખ છે અને બસ દિલ ખુશ થાય છે આવી પ્રવ્રુતિઓથી એમ કહીને મન મારીને ચૂપ ચાપ બેસવું પડે છે. અને આમ જ એક દિવસ એની અંદર-અંદરથી ગુજરાતીપણું ક્યારે મરતું જાય છે એ એને પોતાને જ નથી સમજાતું.
મને તો ગુજરાતી ભાષાના અસ્તિત્વ અંગે નહીં પણ ગરવા ગુજરાતી ના ‘ગુજરાતીપણાના અસ્તિત્વની’ ચીંતા થાય છે.આજના સુપરફાસ્ટ જમાનામાં ભૂખ્યા પેટે એ માંદલો અને તૂટી ગયેલ ગુજરાતી પેટીયું રળવાની ચીંતા પહેલા કરશે કે ગુજરાતી ભાષાને બચાવવાના પ્રયાસો કરશે? અને એ બધા સંજોગો જો એને તોડી કાઢશે તો એ કયાં સુધી પોતાની માતૃભાષા પર મને ગર્વ છે જેવી ખોખલી વાતો કરી શકશે? હકીકતની દુનિયામાં જીવતા અનેક લોકો મારી વાત સાથે સંમત થશે જ, હા અહીં ખુલ્લે આમ લખવાની હિંમત કેટલા કરશે એ મને નથી ખબર.!!
મારે આ પ્રશ્ન કોઈ ગુજરાતી મેગેઝીન કે છાપામાં પણ આપવો છે.દીવા જેવી નજરે ચડતી સળગતી હકીકત તરફ લોકોનું ધ્યાન દોરવું છે.કોઈની ઓળખાણ હોય તો કહેજો.
ગુજરાતી સાહિત્યની માફી સાથે.
સ્નેહા-અક્ષિતારક.
૧૧.૧૦ રાતના
૨૩-૦૨-૨૦૧૦.
બીજી પોસ્ટ:-
કાલે બહુ બધી કોમેન્ટ્સ મળી. જે પ્રમાણે આશા રાખેલ એવું જ થયુઁ એમાં.મેઈન વાત સમજ્યા વગર લોકો પોતાનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ દર્શાવતા જ રહી ગયા..૨-૩ જણ સિવાય કોઈ જ વાતની જડ સુધી પહોંચી ના શક્યું કે મારી વેદના ક્યાં છે…
(1) “ત્યાં એક સ્કુલના ટીચર મળી ગયા.બહુ ખુશ થયા મળીને.સાથે જ એક દુઃખદ સમાચાર આપતા કહ્યું કે,’આપણી શાળા ‘મોહિનાબા” ગુજરાતી માધ્યમ હવે બંધ કરી રહી છે.ફક્ત અંગ્રેજી માધ્યમ જ ચાલુ રાખશે.આંસુ આવી ગયા આંખમા સાચે આ સાંભળીને.”
આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે …….
(2)edit this on February 24, 2010 at 10:37 am tejas
so sneha you to write improper gujarati , y you didnt took care @it ! paapad belwaa pade chhe. y not paapad wanwaa pade chhe.
and don worry language never die.
આવી સલાહ આપનારા ગુજરાતી લેખ ગુજરાતીમાં જ કેમ નથી એની કોમેન્ટ્સ અંગ્રેજીમાં લખીને આપે છે.આવી નાની નાની ક્ષુલ્લક વાતો ધ્યાનમાં આવે છે. પણ મેં જે ચિંતા વ્યક્ત કરી છે કે, “ગુજરાતી ભાષા નહી, પણ ‘ગુજરાતીઓની ગરવાઈ’ જોખમમાં મૂકાઈ છે .”એ વિષય પરથી વિષયાંતર કરીને ‘માતૃભાષા ક્યારેય નહી મરે’ની આજ કાલ રોજ થતી વાત જ સમજયા વગર લોકો ગાય છે.
આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે……
(3)”આપણે અંગ્રેજી નો સ્વીકાર કરીએ છીએ માત્ર અને માત્ર એટલા માટે જ કે એના દ્વારા આપણે સારી નોકરી મેળવી શકીએ
પગભર થઇ શકીએ અને પરિવાર માટે પૈસા કમાઈ શકીએ. બસ..બાકી આપણું દિલ અંગ્રેજી નો સ્વીકાર કદી નહી કરે…”
આ સાહિલભાઈની કોમેન્ટ છે બ્લોગ પર.આપણે આપણી ‘ગરવાઈ’ ખોવી પડે છે કમાણી માટે,
આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે …
(4)કૃણાલભાઈની અમુક વાતો ઘણી હદ સુધી સા્ચી છે, પણ મેં ક્યાંય અંગ્રેજી ભાષાને દોષ નથી આપ્યો.એ તો રોજના જીવનમાં વણાઈ ગઈ ્છે..જુવોને આમાં જ મેં કોમેન્ટ્સ જેવા શબ્દો વાપર્યા જ છે ને..પણ મને એવી નાની નાની વાતોની ચીંતા નથી..
એમની આ વાત…
[A]”2. ગુજરાતી ભાષાની ચિંતા કરવાવાળા ઘણાં છે પણ કોઇ કામ કરવાવાળા નથી. ગુજરાતી ભાષાની જેમને ખરેખર ચિંતા હોય એમણે રીડગુજરાતી સાઇટ ચલાવવાનું ભગીરથ કાર્ય કરનાર મૃગેશભાઇ પાસેથી પ્રેરણા લેવી રહી. કેટલા લોકો પોતાનો સ્વાર્થ મૂકીને ભાષાની સેવામાં મૃગેશભાઇની જેમ લાગી શકે છે? જેટલા લોકોએ એ આ લેખ પર પોતાનો પ્રતિભાવ આપીને ચિંતા વ્યક્ત કરી છે એમને મારે પૂછવું છે કે તેઓએ કદી રીડગુજરાતીને વધૂ મજબૂત બનાવવા માટે કોઇ પ્રવૃત્તિ કરી છે. રૂપિયા પૈસાથી નહીં તો કોઇ લેખોના ટાઇપિંગ કામ કરીને કે પછી કૃતિઓ લખીને પણ મૃગેશભાઇના આ અભિયાનમાં જોડાવવાનો પ્રયત્ન કર્યો છે ખરો?”
ભાઈ,અમે “ધબકાર ગૃપ” જે કામ કરીએ છીએ એ આ સાઈટ પર જોજો.અમારી પ્રવ્રુતિમાં બધુ કામ ગુજરાતી ટાઈપીંગ થકી જ થાય છે..એના માટે મેં પણ ઘણી વાર ટાઈપ કરીને આપ્યું છે..કોઈ જ બદ્લાની અપેક્ષા વિના.
http://www.scribd.com/doc/12739672/Abhivyakti-October-2008
આ રહી એની લિંક.
http://www.dhabkar.com/
અને આ ધબકારની લિંક જયાંથી તમને વધુ માહિતી મળશે.
ફક્ત હું જ નહી, પણ અમે બધા સદસ્યો બહુ બધી રીતે નિઃસ્વાર્થ ભાવે એમાં જોડાયેલ છીએ.ખીસાના ખર્ચે ઘણી વાર ગુજરાતી સુગમ સંગીત અને કવિતાની બેઠકો કરીએ છીએ.એ માટે જ્યારે કોઈ ગુજરાતી સ્કુલ કે ગુજરાતી જ પોતાનો હોલ આપવા પણ તૈયાર નથી થતું..વચનો આપીને છેલ્લે સમયે ફસકી જાય છે..અને અમારી દોડા-દોડ અને ટેન્શન વધારી દે છે.ગુજરાતમાં જ જયારે ગુજરાતી સાહિત્યને સહકાર આપવાને બદ્લે ઘણીવાર ભીખ માંગતા હો તેવી પરિસ્થિતિનો અનુભવ કરાવાય છે.મિડિયાવાળા પણ જાણે મહેરબાની કરતા હોય તેવું વર્તન કરે છે.”તમારો રિપોર્ટ અને ફોટા તો આપી જાઓ..જોઈ લઈશું જગ્યા થશે તો..નહી તો બીજી વાર ચોક્કસ સમાવી લઈશું અનો વાયદો …”!!!!!!!
આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે…
[B] ક્રુણાલભાઈની જ બીજી એક વાત
–> નવોદિતો માટે રીડગુજરાતી જેવું પ્લેટફોર્મ છેૢ બ્લોગ જેવું સશક્ત માધ્યમ છે. પહેલા તમે આ માધ્યમો થકી પોતાની આગવી ઓળખાણ ઉભી કરો અને વાચકગણ બનાવો અને પછી પ્રકાશકનો સંપર્ક સાંધો તો મને નથી લાગતું કે જે તે નવોદિતને કોઇ તક નહીં મળે.
…..તમે કેટલા જણને જાણો છો એ જણાવશો? જેમને બ્લોગ પર લખી લખીને પોતાની આવડત બતાવીને આવી તક મળી હોય.?
[C}નટવર મહેતા(http://natvermehta.wordpress.com) એ પોતાના વાર્તા બ્લોગ થકી ઉત્તતોત્તર પ્રગતિ કરી છે. જો હું ખોટો ના હોઉ તો એમણે એમચ્યોર લખવાની શરૂઆત કરી હતી અને આજે એમની વાર્તાઓ અખંડ આનંદમાં પણ છપાઇ.”
…. આ માટે નટવરભાઈને પૂછ્જો કે એમને આ માટે સંતોષજનક મહેનતાણું મળ્યું કે ગાંઠ્ના ગોપી ચંદન..!!!
આવું થાય ત્યારે દિલને તકલીફ થાય છે.
(5)સૌથી મોટી વાત કે મને તો સપના આજની તારીખમાં પણ ગુજરાતીમાં જ આવે છે..પણ જ્યારે મારી બાજુમાં અંગ્રેજી માધ્યમમાં ફરજિયાતપણે ભણાવવો પડ્તો મારો દિકરો એના સપનામાં મોટે- મોટેથી અંગ્રેજી વાક્યોમાં બબડતો હોય…હું કશું જ નથી કરી શકતી ચૂપ ચાપ એ જોયા વગર..
આવું થાય ને ત્યારે દિલને તકલીફ થાય છે દોસ્તો….
ત્રીજી પોસ્ટઃ-
ધાર્યો પણ નહોતો એટલો બધો પ્રતિસાદ મળ્યો મિત્રો તરફ્થી.કેટ-કેટલા ઈ-મેઈલ,ઓરકુટમાં સ્ક્રેપસ,કોમ્યુનીટીમાં પણ રીપ્લાય મળ્યાં,કેટલાંયે મિત્રો સાથે ફોન પર પણ ચર્ચા થઈ.ખૂબ ખૂબ આભાર એના માટે.ઘણી બધી વાતો જે મારા ધ્યાન બહાર હતી એ પણ જાણી શકી.સુરેશદાદા જેવા વડીલના બ્લોગ પર પણ આટલું બધું લખાઈ ગયું છે એ ધ્યાનમાં આવ્યું.દાદા…ખૂબ ખૂબ આભાર મારા લખાણની લિંક ત્યાં મૂકવા બદલ.
આ બધા પરથી હું ઘણી વાસ્ત્વિકતાઓ સ્વીકારી શકી..જેમકે,
આર્થિક ઊપાર્જન કે કરીઅર કે ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે અંગ્રેજી અત્યંત અનિવાર્ય છે. અંગ્રેજી માધ્યમથી સંતાનોનુ સારૂ કરીઅર બનશે અને માતૃભાષાથી વેલ્યુ શીખશે.આપણે બધા જ ગુજરાતીઓએ તો એ ક્યારનું સ્વીકારી જ લીધું છે.એક કડવી સચ્ચાઈ સમજીને.જોકે મને કોઈ જ વાંધો નથી અંગ્રેજી ભાષા માટે..ગુજરાતમાં જ ગુજરાતી માધ્યમની સ્કુલો બંધ થાય કે બધી ગુજરાત બોર્ડની સ્કુલો બંધ થઈ એ હવે એ સી.બી.એસ.સી લેવલની થઈ રહી છે.ભલે થાય ,
પણ હું એટલું તો દ્રઢપણે જ માનું છું કે ગુજરાતમાં ગુજરાતી ભાષા ફરજીયાત વિષય તરીકે દરેક સ્કુલોમાં ભણાવાવી જ જોઈએ.
બધા કહે છે કે તમારા સંતાનોને તમે ગુજરાતી ઘરે ભણાવી જ શકો છોને.ઓકે..ફાઈન..આમાં કેટલી પોકળતા સમાયેલ છે એવું નથી લાગતું.અરે ભાઈ..સ્કુલનું શિક્ષણ એ અલગ જ છે.ત્યાં ફરજીયાત ભણવું જ પડે. જયારે ઘરે તમારો દીકરો તમારી પાસે બેસવાની ને ભણવાની જ ના પાડીને રમવા ભાગી જશે.વળી એના સ્કુલના હોમવર્ક,એના જાતજાતના કોર્સના ટ્યુશનસ એ બધામાથી માંડ માંડ રમવાનો મળતો સમય એ મારી સાથે ભણવા કેટલો તૈયાર થશે? આજના જમાનામાં જયારે ઘરના બે છેડા ભેગા કરવા માટે જ્યારે બેય વાલીને નોકરી કરવી પડતી હોય તો એ આના માટે કેટ્લો સમય ફાળવી શકે એ પણ મોટો પ્રશ્ન છે.હા તમે પ્રયત્ન ચોકકસ કરી શકો..પણ એ કેટલા લેવલનો?એને જે લેવલે સ્કુલમાં એક વિષય તરીકે ફરજીયાત ભણાવી શકો એ લેવલનું શિક્ષણ તમે આપી શકશો…નાજી..સહેજ પણ નહી..ખાલી દાવાઓ જ છે આ.હું પણ ભણાવું જ છું મારા દીકરાને ગુજરાતી.પણ એ એક અન્ય ભાષાની જેમ ખાલી લખી અને વાંચી શક્શે આપણી માતભાષા, એ મને નહી ગમે.વળી મારે ગુજરાતી એના પર થોપવી નથી.એને મારી માતૃભાષા નું મહત્વ સમજાવીને એના પર એને પોતાને ગર્વ થાય કે ,”આ મારી ગૌરવવંતી માતૃ-ભાષા છે.”એ એનામાં લાવી શકુ તો જ બધુ કામનું..બાકી એ મારા માટેની લાગણીને લીધે ગુજરાતીને પ્રેમ કરે એ મને ના જ ગમે.
હવે બધા મિત્રો ને એક પ્રશ્ન કે..આ માટે આપણે શું નક્કર પગલાં લઈ શકીએ? કયા લેવલે શું કામ કરી શકાય અને એ માટે કોણ કોણ મિત્રો કેટલી રીતે પોતાનો અમૂલ્ય સમય આપવા [કોઈજ બદલાની અપેક્ષા વગર]તૈયાર છે?પ્લીઝ…ગુજરાતીભાષાને બહુ પ્રેમ કરું છુ એ ટોપિક નથી.પણ એનું ગૌરવ વધારવા અને કમ સે કમ ગુજરાતમાં ગુજરાતી શિક્ષણ ફરજીયાત બનાવવા શું કરી શકીએ એ માટેના નક્કર પગલાં જ લખશો.જે હકીકતે લેવા શક્ય હોય.ફકત વિચારો નહી.આપણા ફાજલ સમયનો સદ-ઉપયોગ આપણે એમાં કરીશું.કોઈ પ્રસિદ્ધિ કે પૈસો નહી જ મળે આમાંથી પણ હા…એક આત્મ-સંતોષ જરૂર મળશે.એ વિશ્વાસ રાખજો દોસ્તો.
આપની આભારી,
સ્નેહા-અક્ષિતારક.
૧-૦૩-૨૦૧૦.
Like this:
Like Loading...