To know more on “જ્યારે નાનકા બચ્ચાએ ભગવાનને કરી કોરોનાની ફરિયાદ”, click the link – https://m.gujaratimidday.com/news/articles/an-imaginary-letter-to-god-from-a-young-kid-expressing-what-he-feels-about-the-corona-situation-116356
હે પ્રભુ,
હું ‘અવિનાશ’ છું. મારી ઉંમર 8 વર્ષ છે. હું એક મોટા ઘરમાં રહું છું.
મમ્મી, પપ્પા, મોટીબેન અને દાદી મને બહુ વ્હાલી કરે છે, બહુ બધું સાચવે છે. હું રોજ સ્કુલે જાઉં, ભણું પછી ઘરે આવીને સોનુ, ગોલુ, પરી, ચકુ સાથે ક્રિકેટ, થપ્પો રમું, હોમવર્ક કરું, જમુ, દૂધ પીવું અને ટીવી જોઈને સૂઈ જાઉં છું. નાનપણથી કાયમ આવું જ કરું છું. સ્કૂલના ટાઇમટેબલની જેમ ઘરનું ટાઇમટેબલ પણ આમ ગોઠવાયેલ હતું, પણ છેલ્લાં થોડાં સમયથી આખી દુનિયામાં ‘કોરોના’ નામનું જીવડું ઘુસી ગયુ છે તો આ બધું જ બદલાઈ ગયું છે.
ઘરનાં બધાં આખો દિવસ ‘કોરોના’ની જ વાતો કર્યા કરે છે. ટીવીમાં પણ એના જ સમાચારો આવ્યાં કરે છે. મને કશું સમજાતું નથી પણ આ લોકો મને વારંવાર હાથ ધોવાનું કહ્યા કરે છે એનો બહુ જ કંટાળો આવે છે. અમુક સમયે તો હું હાથ ધોવાની એક્ટિંગ કરીને એમને છેતરી દઉં છું.
મને ઠંડી કે ગળી વસ્તુઓ ખાવાની સાવ મનાઈ કરી દીધી છે, એસી પણ નથી કરવા દેતાં. મને બહુ ગુસ્સો આવે છે. એક દિવસ આઇસક્રીમ ખાવાનું બહુ મન થતા રાતે બધા સૂઈ ગયા પછી છુપાઈને ફ્રીજમાંથી કાઢીને બે – ત્રણ વાડકી જેટલો ખાઈ જ લીધો, બહુ મજા પડી, પણ બીજા દિવસે તો મારું નાક જામ થઈ જતાં ઘરમાં ભૂકંપ આવી ગયો. હું ડરી ગયો. વિચારતો હતો કે હમણાં આ લોકો મને આવી ચોરી માટે ગુસ્સો કરશે, ખખડાવશે પણ મારી નવાઈ વચ્ચે એવુ કશું જ ના થયું ! એ લોકો મને તાવ છે કે નહીં એ ચેક કરવા લાગ્યાં ને વારંવાર, ‘ તું કાલે ક્યાં રમવા ગયેલો? રમતો હતો ત્યાં કોઈને શરદી ઉધરસ હતાં કે નહીં?’ જેવા વિચિત્ર સવાલો કરવા લાગ્યાં. પાછું એમાં ય પેલું શું હતું…હા…કોરોના નામના જીવડાનું નામ આવ્યું. મને બહુ સમજ ના પડી કે આ બધું શું થઈ રહ્યું છે પણ મનોમન ખુશ થઈ ગયો કે ચાલો, ‘બચી ગયા’.
જોકે આજકાલ તો ઘણું બધું મને નથી સમજાતું એવું થઈ રહ્યું છે.
પહેલાં તો હું બીમાર હોઉં તો જ મમ્મી પપ્પા મને ઘરની બહાર રમવા જવાની ના પાડતા પણ અત્યારે તો હું સાવ સાજો સમો છું! વળી સ્કૂલમાં ય પરીક્ષા લેવાયા વિના જ વેકેશન પડી ગયું. રજાઓમાં કાયમની જેમ ક્યાંય ફરવા,જમવા ય નહિ જવાનું, બહારથી કશું ખાવાનું ઓર્ડર પણ નહીં કરવાનું, કોઈ મિત્રો ય ઘરે રમવા નથી આવતા. આવું તે કઈ વેકેશન હોય !
અત્યારે બધા જ લોકો આખો દિવસ ઘરમાં હોય છે એની મને ખૂબ નવાઈ લાગે – આવું તો મેં ક્યારેય નથી જોયું ! પપ્પા નોકરી પર નથી જતાં કે કામવાળા લોકો ય ઘરમાં નથી આવતા. દીદી પણ એની કોલેજ, બહેનપણીઓ સાથે ફરવા, પિક્ચર જોવા, શોપિંગ કરવા નથી જતી. અરે હા, કાલે દાદીનું પ્રેશર ખૂબ વધી ગયું હતું, ઊલટીઓ થઈ ને ખૂબ ચક્કર આવતા હતા. દાદી આમ તો બહુ મજબૂત છે. આવું તો એમને દાદાને તું તારા ઘરે લઈ ગયો ત્યારે થયેલું. ખબર નહિ શું થયું છે એ આખો દિવસ ચિંતા ચિંતા કરે છે. મને તો બધું પેલું ગંદા ‘ કોરોના’ જીવડાનું જ કામ લાગે છે.
મારા સુનિલકાકા અમેરિકાથી આવે ત્યારે મારા માટે ચોકલેટ, કપડાં ને રમકડાં લાવે પણ આ વખતે તો એમ જ આવી ગયા…આવતાં પહેલાં પૂછ્યું પણ નહીં કે, ‘ અવિ, તારા માટે શું લાવું?’ મને બહુ ખોટું લાગ્યું છે.. હું એમની કિટ્ટી કરી દઈશ એવું જ વિચારેલું પણ મમ્મી પપ્પા તો એમને મળવા જવાનું નામ જ નથી દેતાં કે નથી કાકા મળવા આવતા! આવું તો ક્યારેય નથી બન્યું.
બધા બહુ બદલાઈ ગયાં છે!
જ્યાં જોઈએ ત્યાં બધાં કોરોના – કોરોના જ કર્યા કરે છે. એનું નામ બોલતાં જ બધા બી જતા હોય એવું લાગે છે. કાલે તો મને સપનામાં પણ એ જીવડું આવેલું. હું ઊંઘમાં બી ગયેલો ને જોર જોરથી રડવા લાગ્યો હતો. મમ્મીએ દર વખતની જેમ tight hug કર્યું તો પણ બીક દૂર નહોતી થઈ.
ભગવાન, સાચું કહું મને પણ હવે ‘કોરોના’ નામના જીવડાંની બહુ બીક લાગે છે. બીજા બધા જીવડાં હોય ત્યારે મમ્મી પેલું સ્પ્રે કરીને બધાને ભગાડી દેતી, ડોકટર અંકલ દવા આપીને કોઈ પણ રોગનો ઈલાજ કરી દેતાં.. પણ આ જીવડું બહુ ગંદુ છે, આયર્નમેન જેવી તાકાત છે. એને કોઈ જ અસર થતી નથી. વળી એ દેખાતું જ નથી..દેખાઈ જશે ને તો હું એને મારી બ્રાન્ડેડ ગન લઈને શૂટ કરી દઈશ. મને ‘કોલોના’ ઉપર હવે બહુ જ ગુસ્સો આવ્યો છે – તું મને ‘હલ્ક’ જેવો શક્તિશાળી બનાવી દે અને એ જીવડું ક્યાં છે એ બતાવી દે બસ..
જલ્દી જલ્દી કરજે..પપ્પા કાલે જ કોઈકને કહેતાં હતા કે દુનિયામાં ઠેર ઠેર રોજ રોજ બહુ બધા આ જીવડાંના કારણે મરી જાય છે. મારે બને એટલી જલ્દી આ આખી પૃથ્વીને બચાવવાની છે ..
લિ. અવિનાશ
-સ્નેહા પટેલ.
Like this:
Like Loading...