
Chhaalak july 2022

તમે મારી ભીતર પધારી જુઓ,
વિચારું છું હું એ વિચારી જુઓ.
ઉકેલી જુઓ મારા મનની લિપિ,
એ વાંચી જુઓ અથવા ધારી જુઓ.
નથી આપણાં હાથની વાત એ,
કદી સ્વપ્નને તો મઠારી જુઓ !
પ્રવેશ્યા વગર કોઈના ક્ષેત્રમાં,
તમારી જ હદને વધારી જુઓ.
હશે એમાં મોતી, કવિતા હશે,
તમે આંસુ ભીતર ઉતારી જુઓ.
-સ્નેહા પટેલ.
અહીં એક શ્વાસમાં ઉચ્છવાસ ગૂંથાઈ ગયો એવો,
છે ઉલઝન એવી કે સુલઝાવવાનું મન નથી થાતું.
સીધા સાદા સવાલોના ઉત્તર હું દઉં, કિન્તુ,
સરળ રીતે જ સમજાઈ જવાનું મન નથી થાતું.
હું કોને ચાહું છું, એ વાત મારી સાવ અંગત છે,
ને એના નામને ઉચ્ચારવાનું મન નથી થાતું.
તમે બોલો ને પ્રત્યુતર માં હું મલકી ઉઠું કેવળ,
હતી એ હા અને હા, બોલવાનું મન નથી થતું !
અહીં આ બે અને બે ચાર નહિ પણ એક લાગે છે,
અને તે કેમ ? એ સમજાવવા નું મન નથી થતું !
-સ્નેહા પટેલ.
મારા પ્રિય મિત્રો,
આટલા વર્ષોથી તમારી શુભેચ્છાઓથી હું મારી લેખનયાત્રામાં આટલી આગળ વધી શકી છુ. મારા દરેક સારા નરસા પ્રસંગોમાં આપને ભાગીદાર કરતી આવી છુ. લો આજે એક વધુ ખુશી આપની સાથે વહેંચુ છુ.
વર્ષોથી તમે લોકો મારા બ્લોગ ‘અક્ષિતારક’ નામથી પરિચીત જ છો. પેપરમાં કોલમ લખતાં પહેલાં તો હું આ બ્લોગ પર નાની નાની રચનાઓ અને લેખ લખતી હતી. તમે મારી એ નાની નાની રચનાઓમાં એમ જ મજા માટે લખતી ઉપનામ ‘અક્ષિતારક’ પર એટલો પ્રેમ વરસાવ્યો કે મને ‘સ્નેહા પટેલ’ના નામથી નહીં પણ ‘સ્નેહા – અક્ષિતારક’ નામથી જ ઓળખવા લાગ્યાં. એ પછી તો પેપર – મેગેઝિનમાં કોલમો લખતાં લખતાં મેં મારું ઓરીજીનલ નામ ‘સ્નેહા પટેલ’ જ લખવાનું રાખેલું. ધીમે ધીમે છંદ શીખતા શીખતા મારી પાસે ઘણી બધી ગઝલો ભેગી થઈ ગઈ અને મને એ રચનાઓને પુસ્તક સ્વરુપે મઢી લેવાનો મોહ થઈ ગયો ને એ વખતે મારા મનમાં આ પુસ્તક માટે એક ને માત્ર એક જ નામ આવ્યું ‘અક્ષિતારક’.
આ નામ આપ સૌને જ આભારી છે. આ બદલ હું દિલથી આપની આભારી છું.
મારી ટૂંકી વાર્તાઓના ત્રણ પુસ્તક પછી લગભગ સાત – આઠ વર્ષોથી લખાતી આવેલી રચનાઓમાંથી સ્ટ્રીકટ – કઠોર સિલેક્ટન કરેલી ગઝલ અને અછાંદસ કવિતાઓનું ચોથું પુસ્તક ‘અક્ષિતારક’ લઈને આવી રહી છું.આશા છે આપ એને પણ અગાઉ વરસાવેલ પ્રેમાળ – હૂંફાળું વાતાવરણ પૂરું પાડશો અને એને વધાવી લેશો.
પુસ્તકના પાના ૧૪૪ અને કિંમત રુપિયા ૧૬૦ છે. પુસ્તક મારી પાસેથી જ મળશે જે મિત્રોને ખરીદવાની ઇચ્છા હોય તેઓ મને મેસેજ કરશો. my email id is sneha_het@yahoo.co.in.u can email too.
આ પુસ્તકના આગમન વખતે મિત્ર હસમુખભાઈ અબોટી – ચંદન (જેમને હું ‘દરિયાના માણસ’ તરીકે ઓળખું છું . કારણ એમના પુસ્તકોમાં મને કાયમ દરિયો દેખાય, દેખાય ને દેખાય જ) એ એમની કેળવાયેલી કલમ દ્વારા ખૂબ જ સુંદર લેખ લખીને આવકાર આપ્યો છે એ બદલ એમની અને કચ્છમિત્ર પેપરની હું ખૂબ જ આભારી છું. હસમુખભાઈની કલમથી મારો પરિચય લખાય એટલે સર્વાંગ સુંદર જ હોય. હું એમની ‘અક્ષરદાત્રી’કોલમની ‘ફેન’ છું. મોટાભાગે હું એમના એ લેખ વાંચીને અનેક સર્જકોનો પરિચય જાણી શકી છું એ હસમુખભાઈની કલમ આમ જ અવિરતપણે વહેતી રહે અને બીજા અનેક સર્જકોને આમ જ ઓળખ આપતી રહે એવી શુભેચ્છાઓ.
-સ્નેહા પટેલ.
તેં નકાર્યું મૂળથી અસ્તિત્વને,
કૂંપળો જો આજ મારામાં ફૂટી !
– સ્નેહા – અક્ષિતારક.
કશુંક આપીને સઘળું ય છીનવી લે છે
મને જગાડીને સપનું ય છીનવી લે છે
ઉભા રહે છે અહીં આવી એક બાજુએ
ને એક બાજુનું પડખું ય છીનવી લે છે.
-sneha patel, akshitarak.
20th dec. 2014- NavGujarat Samay -my sher on page no 10 :-)
એક જણ ધારદાર થઈ જીવે,
ને બીજો તાર તાર થઈ જીવે !
એક સુખની ને બીજી દુઃખની છે,
કઈ કથાનો તુ સાર થઈ જીવે ?
જ્યાં નથી કોઇ પ્રતિક્ષારત,
ત્યાં કોઇ આવનાર થઈ જીવે !
ઘર અને બહાર કંઈ ગણાય નહીં,
આમ શું કામ દ્વાર થઈ જીવે ?
હું ય જીવી શકુ ઘડીક અહીં,
કાશ થોડા ઉદાર થઈ જીવે !
સ્નેહા પટેલ.
એ અમસ્તી વાત પણ છે
પ્રેમની શરુઆત પણ છે
હાથમાં એ હાથ પણ છે
ને ભીતરનો સાથ પણ છે
સમજીને બોલાય નહીં કંઇ
લાગણી ખુદ ઘાત પણ છે
આંખ રાતીચોળ કરતી
એક કાળી રાત પણ છે
વાતની શરુઆત પણ છે
અંતે એ કબૂલાત પણ છે.
– -સ્નેહા પટેલ
વેબગુર્જરી દ્વારા ‘ગુજરાતી બ્લોગજગતનાં કાવ્યપુષ્પો’ નામના ઇપુસ્તકનું વિમોચન થયું છે જેમાં હેમંત પૂણેકરજીએ ગુજરાતી બ્લોગજગતના ૨૮ કવિઓની કાવ્યરચનાઓનું સંપાદન કર્યુ છે અને અશોક મોઢવડીઆજીએ ફોટો એડીટીગનું કામ સંભાળી લીધું છે.
http://webgurjari.in/2014/07/02/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80-%E0%AA%AC%E0%AB%8D%E0%AA%B2%E0%AB%89%E0%AA%97%E0%AA%9C%E0%AA%97%E0%AA%A4%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5/
૧) હિમાંશુ ભટ્ટ – લહરના લહરના પ્રવાહો અલગ છે
૨) પંચમ શુક્લ – વિલાયતી આટીકડું નૈડું, થઈ ઉપાધી
૩) સ્નેહા પટેલ “અક્ષિતારક” – લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે
https://akshitarak.wordpress.com/2013/07/07/lambi-mazal/
૪) સાક્ષર ઠક્કર – આપી આપીને તમે પીંછું આપો સજન !
૫) વિવેક ટેલર – ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ
૬) પ્રવિણ શાહ – એટલો મનને દિલાસો છે
૭) કવિ રાવલ – આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
૮) દક્ષેશ કોન્ટ્રાક્ટર “ચાતક” – અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે
૯) સુનીલ શાહ – કાંટા વચ્ચે રહો છો, જીવા
૧૦) મોના નાયક “ઊર્મિ” – આજનો અંધાર જો, રળિયાત છે !
૧૧) ગુંજન ગાંધી – શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
૧૨) યશવંત ઠક્કર – રાતનો વિસ્તાર બારેમાસ છે
૧૩) દિલીપ ગજ્જર – હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
૧૪) દેવીકા ધ્રૂવ – એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
૧૫) સપના વિજાપુરા – આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
૧૬) મહેશ રાવલ – ભૂલને સ્વીકારવામાં આપણે ટૂંકા પડ્યા
૧૭) હેમંત પુણેકર – જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
૧૮) મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ – ભીડના દરબારમાં કોને મળું ?
૧૯) હિમાંશુ પટેલ – અનુવાદ – કોણ કરે છે આ ફેરફાર?
૨૦) જુગલકિશોર વ્યાસ – કહે
૨૧) ધૈવત શુક્લ – અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
૨૨) જગદીપ નાણાવટી – ન રમેશ હું, ન મનોજ હું
૨૩) ચેતન ફ્રેમવાલા – શબ્દોનાં સથવારે ચાલ્યો.
૨૪) અમિત ત્રીવેદી – તારું હોવાપણું ક્યાંય અડક્યું મને ?
૨૫) હિમલ પંડ્યા “પાર્થ” – ભીતરે અંકાય એવું લખ હવે
૨૬) રમેશ પટેલ “આકાશદીપ” – સંગ્રામે મુક્તતાના, અમર યશ ધરી, ભેટ દીધી સુભાગી
૨૭) વલીભાઈ મુસા – ચંચુ મહીં તૃણ ગ્રહી
૨૮) વિજય જોશી- જન્મ આપી પ્રભાતને
આ ૨૮ રચનાઓમાં મારી રચના પણ સ્થાન પામી છે એનો આનંદ આનંદ.
આભાર વેબગુર્જરી પરિવાર
મહેંદી પર નામ
my another gazal in Gazal vishwa -2014
મહેંદી્માં એક્ નામ લખ્યું છે,
કેવું ખુલ્લે આમ લખ્યું છે!
ચિઠ્ઠીમાં શરુઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.
દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.
પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.
દ્રાક્ષાસવ જેવું જીહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.
જાવું’તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે
-સ્નેહા પટેલ
– તું એવું બાળક છે !
થોડો વરસાદ છે ને ઠંડક છે,
બહાર ભીતર બધું ય માદક છે.
સૂર્ય આડે ધરી હથેળી તેં,
એથી થોડી ઘણી ય ટાઢક છે.
જૂઈની વેલ બારીએ આવી,
એ ય જાણે કોઇની ચાહક છે.
કેમ કહેવું છૂટે નહીં લજ્જા,
કંઇક ઇચ્છા ઓ મનમાં નાહક છે.
ઢોલ યા ને કે એક મરેલી ત્વચા,
ને વગાડે છે કેવો વાદક છે !
શ્વાસ રુંધાય ત્યારે લાગે કે,
આ હવા પણ બહુ ભયાનક છે.
સાવ સીધા સવાલના ઉત્તર.
દઈ શકે છે તું એવું બાળક છે.
-સ્નેહા પટેલ.
એક ટીપું જ એમાં વહી જાય છે
આખે આખું સરોવર ઉલેચાય છે.
સ્પર્શ ખરબચડો ખરબચડો અથડાય છે
આગના કંઈક તણખાં ઝરી જાય છે.
જાણે ક્યારેય છૂટાં ન પડવાનું હો
એવી રીતે હથેળીઓ ભીડાય છે.
છેક જ્વાળામુખીના છું પેટાળમાં
આગ અંદર વહેતી ન દેખાય છે.
એક વમળ પર વમળ ને વમળ પર વમળ
સઘળું નાભિકમળમાં જ ઘૂમરાય છે.
બંધ મુઠ્ઠી ખુલે તો સરે છે બધું
ભૂખરા સ્પર્શને ન ઉતરડાય છે.
-સ્નેહા પટેલ.