મતદાન


મતદાન નહીં તો પ્રેમ , લગ્ન કરવાનો હક પણ નહી.

તમારા મગજમાં છે આવા કોઇ આઈડીઆ દોસ્તો ?
-સ્નેહા.

સાસુ – માતા -–ઉદારતા


Smruti khoDaldhaam .

‘સાસુ’ આ શબ્દ પ્રત્યે આપણા સમાજમાં કાયમ ‘અણગમાથી નાકનું ટીચકું ચડી જવું’ જેવી ક્રિયાઓ જોડાયેલી છે. જે સ્ત્રી માતા હોય ત્યારે પ્રેમના શિખર ઉપર બિરાજમાન હોય છે, મમતાના ઝૂલે ઝૂલાવતી હોય છે એ સ્ત્રીને ‘સાસુ’ નામી સંબંધનુ છોગું લાગતા જ એ એકાએક તકરાર,કકળાટની તળેટીએ ધકેલાઈ જતી દેખાય છે.  સ્ત્રે એક સ્વરુપ અલગ. એક જ સ્ત્રીના બે સ્વરુપ વચ્ચે આટ્લુ અંતર કેમ ? દરેક સ્ત્રીના બે ફાંટા હોય છે. એક માતા અને બીજો સાસુ. બેયના ઉદગમસ્થાન એક તો પ્રવાસસ્થાન અને મંઝિલ અલગ અલગ કેમ ? કોઇક તો એવું સંગમસ્થાન હોવું જ ઘટે કે જ્યાં આ બે અસ્તિત્વ એક થાય !

 

દરેક માતામાં અમુક અંશે એક સાસુ છુપાયેલી હોય છે. એ પોતાના સંતાનને એના ઘડતર, સારા વિકાસ માટે કડવી જન્મઘુટ્ટીઓ સમ સંસ્કાર જન્મથી જ મક્ક્મતાથી પાતી હોય છે. માતા બાળક પર ગુસ્સો કરે તો પણ એની આંખોમાંથી આંસુ વહેતા હોય છે અદ્દ્લ શિયાળાના તડકાની જેમ. એનો શિયાળી ચહેરો પર્ણ પરના ઝાકળબિંદુથી ગૌરવવંતો – ગુણવંતો -રુપવંતો દીસે છે. શિયાળાની જેમ માતાનો પ્રેમ પણ એના સંતાનોને પ્રમાદની છૂટ નથી આપતો.એ બાળકાને સતત કાર્યશીલ, ગતિશીલ રાખવાના પ્રયાસોમાં રત હોય છે ગુસ્સાના પાલવ તળે હૂંફના ધબકારા સંભળાય છે. માતૃત્વનો આવો શિયાળુ તડકો પણ એક માણવા જેવી આહલાદક ઘટના હોય છે.  એ જ રીતે દરેક સાસુમાં એક માતા છુપાયેલી હોય છે. દરેક માની જેમ એ પોતાની વહુ  પાસેથી અમુક અપેક્ષાઓની પૂર્ણાહુતિની આશા રાખતી હોય છે.જેને પૂરી કરતી એ એની વહુનુ પરમ કર્તવ્ય છે એમ સમજે છે.ખરો પ્રશ્ન તો ત્યાં ઉદભવે છે કે એ જ સાસુને એક દીકરી હોય છે. એ દીકરી જ્યારે એક વહુ બને ત્યારે એ એની સાસુની અપેક્ષાઓમાથી પાર ઉતરે એવી તાલીમ આપવામાં એ સાસુ કમ માતાએ ધ્યાન રાખ્યું હોય છે ખરું ?

 

સાસુ અને માતાનુ સહઅસ્તિત્વ જ્યાં વિશાળતા હોય ત્યાં શ્વસે છે.સાસુના ‘સો કોલ્ડ’ ઇર્ષ્યા – કપટ – વેર ઝેર – તકરાર જેવા અવગુણોની સંકુચિતતા છોડીને માતાના ‘સો કોલ્ડ’ કરુણા -વાત્સલ્ય – મમતા જેવા ગુણની વિશાળતાને જે સ્ત્રી સ્પર્શે છે એ સાસુ માતા સમ બની શકે છે.વિશાળતાને લોકપ્રિયતા મેળવવામાં બાહ્ય સુંદરતાની જરુર નથી પડતી.કદરુપી સાસુઓ પણ માતા સમ વ્હાલુડી લાગી શકે છે. સામે પક્ષે મા પોતાના સંતાનો પ્રત્યે ગમે એટલું કડક વર્તન દાખવે તો પણ એ અણખામણી નથી લાગતી. ‘મા અને સાસુ’ આ બે શબ્દોની માયા અપરંપાર છે. તટસ્થતાથી – પ્રેકટીકલી વિચારીએ તો દરેક સ્ત્રીએ સંકુચિત – ઇર્ષ્યાખોર -ઝગડાળુ માનસ છોડીને વિશાળ – પારદર્શી -મમતાળુ વર્તન અપનાવીને કાયમ ‘માતા’ બની રહેવું જોઇએ. કારણ આ લેખની શરુઆતની લીટીમાં કહ્યા મુજબ ‘સાસુ’ નામનો શબ્દ આપણા સમાજમાં ઓરમાયાપણું જ પામે છે. એથી દરેક સાસુએ વિશાળ બનીને માતાના સ્તર સુધી વિસ્તરવું જ પડે એ સિવાય એ એની વહુ પાસેથી દીકરી સમ પ્રેમ ક્યારેય પ્રાપ્ત ના કરી શકે.

 

આ જ વાતને લિંગભેદની જાતિને ભૂલીને વિચારીએ તો વિશાળતા નામનું તત્વ એટલી જ ઉત્કટતાથી પુરુષોને પણ સ્પર્શે છે. વિશાળતાને જાતિભેદ ક્યારેય નથી નડતો. દરેક હેતાળ – સમજુ પુરુષ માતા સમ છે જ્યારે કર્કશ, તાનાશાહી અને આપખુદ વલણ ધરાવતો પુરુષ સાસુ !

ઘણા પુરુષો પોતાની પત્નીનું સ્વતંત્ર અસ્તિત્વ નથી સ્વીકારી શકતો. પત્નીને પોતીકા અરમાનો હોય છે એ વાત તરફ એ આંખ આડા કાન કરે છે. પત્નીને એ કાયમ પોતાની અપેક્ષાઓ પૂરી કરનારું મશીન જ સમજે છે.આવા મશીન પાસેથી એ રેમની અપેક્ષાઓ કેમની રાખી શકે. એને મળે છે તો ફકત બીક -ડર -ધ્રુણા ના ઓથા નીચે છેતરપીંડીયુક્ત નકલી પ્રેમ. તો અમુક સ્ત્રીઓ પોતાની શંકા – સંકુચિત સ્વભાવ દ્વારા પુરુષોને કનડતી જોવા મળે છે. આવી સ્ત્રીઓનો સ્માય કૂતરાની જેમ પોતાના પતિની ચોકીપહેરામાં જ વ્યતીત થાય છે. આ કવાયતમાં એ પતિનો પ્રેમ પામી નથી શકતી. મેળવે છે તો ફક્ત એક ત્રસ્ત, કાયમ એના ચોકીપહેરાને તોડીને નાસી જવા આતુર એક રીઢો ગુનેગાર. જે લગ્નજીવનમાં વિશાળતા ના હોય ત્યાં બે ગુનેગારો એક બીજા સાથે જાતજાતની રમતો રમવામા જ વ્યસ્ત રહે છે. એ રમતો જ રમી શકે એકબીજાને પ્રેમ ક્યારેય ના કરી શકે. પ્રેમ નામના તત્વનો ત્યાં છેદ ઉડી જાય છે.

 

અપેક્ષાઓની વાત આવે છે ત્યારે એને સકુચિતતાનો નાગ ડંખ મારીને ઝેર ના ચડાવે એ ધ્યાન રાખવું ઘટે. અપેક્ષાઓને ઉદારતાની હદ સુધી વિસ્તારવાથી એની તીવ્રતા પણ ઓછી થઈ જાય છે. આપણી ઓફિસમાં આપણા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ પાસે આપણે કેટલી હદ સુધીની અપેક્ષા રાખીએ છીએ ? એમને ચૂકવવામાં આવતા એક એક પૈસાનું પૂરેપૂરું મૂલ્ય વસૂલવાની આપણી સંકુચિત મંશામાં આપણે એ કર્મચારીઓને કેટલી  હદ સુધી અન્યાય કરીએ છીએ એ વાત એકાંતમાં જાત સામે જાતને રાખીને વિચારતા ચોકકસ સાચો જવાબ મળશે. વળી એ જ અપેક્ષાની પૂર્તિની વાત આવે ત્યારે આપણે કાચા પડીએ છીએ. આપણે જેના હાથ નીચે કામ કરતાં હોઇએ, જેમના કર્મચારી હોઇએ એમની અપેક્ષાઓ સંતોષવામાં આપણે જાતજાતના ગલ્લાં તલ્લાં કરીએ છીએ, કાચા પડીએ છીએ. આપણે જે વર્તન સંતોષકારી રીતે નથી કરી શકતા એ જ વર્તન બીજાઓ પાસેથી રાખાવાનું કેટલું યોગ્ય એ પણ એક વિચારપ્રદ વાત છે !

 

માનવીનું ભીતરી સૌન્દર્ય એના શારીરિક સૌંદર્યમાં ભળે ત્યારે વ્યક્તિ તેજોમય -રુપાળો લાગે છે. બધો ફર્ક ઉદારતાનો – વિશાળતાનો જ હોય છે. ભગવાનનો આશીર્વાદ પામેલી પ્રક્રુતિ વિશાળતા નામના ગુણનો બરાબર પચાવીને બેઠી છે એથી જ એ સુંદર છે અને સુંદર છે એથી એ માતા છે. વિકસવું એ માતૃત્વ-ઘટના છે જ્યારે સંકુચિતતા એ સાસુપદ. દરેક સાસુપણાની અત્યંત નિમ્ન કક્ષાએ એક ખલનાયક કે ખલનાયિકા પેદા થાય છે.

 

આજે  જ્યારે અમુક રાજ્યો પોતાની અલગ ઓળખાણની માંગ કરે છે  ત્યારે વિકાસ માટે એમણે પણ આ ઉદારતા અને વિશાળતાનું મહત્વ સમજવું જ રહ્યું.

 

હવે તમારે નક્કી કરવાનું કે તમારે કઈ ભૂમિકા ભજવવાની છે – સાસુની કે માતાની ? વળી જે ભૂમિકા પસંદ કરો એને સતત વળગીને એને અનુકૂળ થઈને જીવવાની હિંમત પણ કેળવવાની રહેશે. ફકત વિચારોથી કશું નથી સાબિત થતું, વર્તન જ આપણો સાચો આઈનો છે.

 

પૂર્વાકાશમાં  ક્ષિતિજરેખા પર ધીરે ધીરે ખસતાં સૂર્યે પોતાની દિશા બદલી છે કદાચ આપણે પણ એમ જ કરવાનું છે. મીરાં કહે છે, ‘ઉલટ ભઈ મેરે નયનન કી.’

-સ્નેહા પટેલ.

આપણું સંતાન :


સ્મ્રુતિ ખોડલધામ – ઓગસ્ટમાસનો લેખ.

 

‘ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ મમત્વમાં આપણે જે કાયમ આપણી પાસે રહેવાનું હોય એને ‘ ઘર કી મુર્ગી દાલ બરાબર ગણીએ’ એ વાત કેટલી ન્યાયપૂર્ણ ?

મને ખબર છે કે આટલો પેરા વાંચીને જ અનેકો લોકોના નાકના ટીચકાં ચડી જશે, સ્ત્રી –પુરુષોના ભેદભાવમાં બંધાયેલો આપણો સમાજ એક લિમીટથી આગળ જોઈ શકવાની વિચારવાની તસ્દી લેવા જ નથી માંગતો એ બાબતે મને બહુ નવાઈ લાગે છે. હમણાં જો મેઁ અહીં દીકરી ઉપર લેખ લખ્યો હોત તો પ્રસંશાના ઢગલે ઢગલા થઈ જાત,

પણ ના…મારે દીકરા કે દીકરી કોઇ એકની તરફ્દારીમાં લેખ નથી લખવો.

આખો લેખ શાંતિથી ઉદારતાથી વંચાતો જશે એમ એમ ખ્યાલ આવતો જશે કે મેં આ લેખ આપણાં સંતાન ઉપર લખ્યો છે. એક નવા દ્રષ્ટીકોણ સાથે. આજે કદાચ આનો વિરોધ કરનારા લોકો પણ મનોમન આની પર વિચારશે તો જરુર એવો વિશ્વાસ છે.

સંતાનો તો આખરે સંતાનો જ છે. એ પછી છોકરો હોય કે છોકરી, એમના ઉછેરમાં ભેદભાવ રાખીને ઉછેરવાની આપણી સામાજિક કુપ્રથા કયારે બંધ થશે ? છોકરો અને છોકરી બે ય પોતપોતાનામાં અતુલ્ય છે. કોઇ એક માનવીની બીજા માનવી સાથે તુલના કરવી એ જ ધ્રુણાજનક વાત છે. દરેક માનવીના ગુણ –અવગુણ અલગ અલગ હોય છે. એમાં છોકરો ને છોકરી જેવી જાતિ નજરમાં રાખીને નિર્ણય કેમ લેવાય છે એ જ મને સૌથી તકલીફ પહોંચાડે છે ! ‘તમારું સંતાન એટલે તમારું લોહી’ બસ એટલું જ કાફી નથી ?

હવે ,આ લેખની પહેલી લાઈન વાંચો. વારંવાર આ વાત દોહરાવાય છે. આજના જમાનામાં જ્યારે ‘એક દંપતિ અને એક સંતાનનું સૂત્ર’ અપનાવીને ચાલતું હોય ત્યારે એક માત્ર સંતાન છોકરો હોઈ શકે છે. (અહીંઆ સ્ત્રીભ્રૂણ હત્યા જેવી બહુચર્ચિત વાતોથી મહેરબાની કરીનેદૂર રહેવું ) હવે એ દંપતિએ એમની આર્થિક, સામાજીક સ્થિતીને અનુરુપ એક જ સંતાનને જન્મ આપવાનું પસંદ કર્યુ હોય અને એને કોઇ આવીને કહે કે ‘જેણે બહુ પુણ્ય કર્યા હોય એવા નસીબદારને જ ભગવાન છોકરી આપે – કન્યાદાન તો સદભાગીના નસીબમાં જ હોય ‘ ત્યારે પેલા દંપતિના દિલમાં શું ભાવ આવશે એ વિચારો તો..શું અમારે સંતાનમાં છોકરો એટલે અમે કમનસીબ ? અમે પ્રભુને પ્યારા નહીં હોઇએ ? અમારે બીજા સંતાન માટે પ્રયત્ન કરવો જોઇએ કે ? આ બધાથી ય ઉપર પેલું સંતાન –છોકરો  ( છોકરો અને છોકરીની જાતિ છોડીને એક વિશાળ અર્થમાં એમને‘ સંતાન’ની જેમ લેતા આપણે કયારે શીખીશું?) સમજણો થયો હશે તો શું વિચારશે? નાનપણથી એ કાયમ એવી વાતો સાંભળતો હશેકે, ‘ મોટા થઈને એણે મા –બાપનો સહારો બનવાનો છે, એમને સાચવવાના છે, આવનારી પણ એનું માન સન્માન સાચવે એનું ધ્યાન રાખવાનું છે.  જો ભગવાને પોતાને આ ઘરમાં જન્મ આપીને   એના પાલનહારને દીકરીના વરદાનથી દૂર રાખ્યા છે તો પોતે પોતાના પાલનહાર માટે શ્રાપ છે કે ? જવાબદારીઓ પૂરી કરવા સાથે અપજશના ટોપલા પણ માથે લઈને ફરવાના !’

અહીં મુખ્ય ધ્યાન આપણે દીકરા કે દીકરી ના રાખતા  એમના સંસ્કારો પ્રતિ કેમ નથી રાખતા ? દીકરીઓને પારકાનું ઘર પોતાનું કરવાની ટ્રેનિંગ અપાય છે એમ દીકરાઓને પારકીજણી પોતાનાઘરે આવે ત્યારે એને પોતીકી કરીને પોતાના કુંટુંબમાં દૂધમાં સાકરની જેમ કેમ ભેળવી દેવી એવી સમજણ કેમ ના અપાય? ઘણાં ઘરડાં મા બાપ પોતાની દીકરીને પ્રેમથી સાસરે વળાવી દે છે અને પોતાની વહુઓની સાથે દુશ્મનો કે ન્નોકર જેવો વ્યવહાર કરે છે, વળી એ ગમે એટલી સેવા કરે તો પણ રહેવાની તો પારકી જણી જ ! જો દીકરી જાતિ માટે એટલો જ અહોભાવ હોય તો તમારે વહુ પણ કોઈની દીકરી છે એના માટે .’પોતાની જણી’ જેવી લાગણી  કેમ ના ઉદભવી શકે ? દરેક વાતોના હક મારી મચડીને પોતાની બાજુ લેવાની વડીલોની આ રીત ક્યારે બદલાશે ?

થોડા સમય પહેલાં જ મારે સંબંધીની દીકરીના લગ્નપ્રસંગમાં જવાનું થયું હતું. ત્યાં કન્યાવિદાય વખતે આ ની આ જ વાતો…જેમને દીકરી હોય એમને જ આ પ્રસંગની કરુણતાનો ખ્યાલ આવે., દુ:ખના ખારા અને સુખના મીઠા આંસુડાના કોમ્બીનેશનનો સ્વાદ એમને જ ચાખવા મળે પણ જેમને છોકરો હોય એમને શું સમજાય આ બધું? એ સમયે મને પ્રશ્ન થયો કે દીકરાને જન્મ આપનારી જનેતા જનેતા ના કહેવાય ? શું એ  વહુ બનતા પહેલાં કોઇની દીકરી નહી રહી ચૂકી હોય ? એણે પોતાના લગ્નપ્રસંગે આવી તીવ્ર વેદના અને સુખીની લહેરોનો અનુભવ એકસાથે નહી કર્યો હોય ? અને જો એનો જવાબ હા હોય તો પછી એને કેમ એવું કહેવાય કે તમને આ વાત નહી સમજાય – રહેવા દો !

હકીકતે આપણે દીકરીઓની સલામતીને લઈને એટલા બધા લાગણીશીલ થઈ જઈએ છીએ કે એની પ્રસંશામાં, અછો અછો વાના કરવામાં એને વધારે પાંગળી બનાવી દઈએ છીએ. નાનપણથી જ એને આવનારા સુપરસોનિક જમાનામાં એના ભાગે આવનારી સહિયારી જવાબદારીના પાઠો ભણાવીને એને મજબૂત બનાવવાની છે નહીં કે નાની નાની વાતોમાં એની આંગળી પકડીને, સહારો આપી આપીને માયકાંગલી. બાપડી, બિચારી, પુરુષોની સાથે બરોબરી કરીને પોતાની જાતને પુરુષ સમોવડી બનાવવા જેવા શબ્દો – વાતોથી એને દૂર જ રાખો તો વધારે સારું. એ જ વસ્તુ છોકરાઓના ઉછેરમાં પણ ધ્યાન રખાવી જોઇએ. સહિયારી જવાબદારીરુપે એના માથેઘરના કામકાજ રસોઇ, કચરા ,પોતા સાફસફાઈ જેવા કામ આવી શકે છે તો નાનપણથી જ એને સ્વનિર્ભર થવા સાથેસાથે આ બધા કામની નાનપમાંથી દૂર હટાવવાનો છે. દીકરી એટલે સાપનો ભારો જેવી બુધ્ધિના બીજા છેડાને પણ ના અડકતી હોય એવી વાહિયાત વાતો –માન્યતાઓની બને એટલી ત્વરાથી સમાજમાંથી નાબૂદી જરુરી છે.

દીકરો હોય કે દીકરી એ તમારું પોતીકું સંતાન છે. તમે એમાં તમારા વર્તનથી તમારા સંસ્કારો, વિચારો એનામાં આરોપવાના સંનિષ્ઠ પ્રયાસો કરો અને એને પોતાના વિચારો મુજબ જીવવા દેવાની છૂટ પણ આપો. જમાનો ગમે એટલો બદલાય પણ મા બાપની બે આંખની શરમ, પ્રેમ અને લાગણી હશે તો તમારું સંતાન તમારી સાથે અદ્રશ્ય રેશમી તાંતણે બંધાયેલુ જ રહેશે.એ એની જાતે બંધાય એ વધુ મહત્વનું.બાકી એને જવાબદારીઓ –ફરજો સમજાવીને જબરદસ્તી બાંધવાનો પ્રયાસ કરશો હંમેશા નિષ્ફળ જશો. પારકાની દીકરીને પોતાની દીકરી સમજી એના મા બાપની તકલીફોમાં એને સાથ આપવા માટે પ્રેરણા આપતા રહો અને બની શકે તો તમે પોતેપણ તમારા વેવાઈ વેવાણના સંબંધોની વાડમાંથી વિસ્તરીને હમઉમ્ર મિત્રો બનીને રહો. પછી શું દીકરી ને શું દીકરો – શું પારકી જણી ને શું પારકી થાપણ ગણાતી પોતાની જણી..!

આ લેખ પર હજુ તો બહુ બધુ લખી શકાય એમ છે..ફરી ક્યારેક આમ જ મળી જઈશ મારી તટ્સ્થતાભરી લેખની સાથે આવો જ કોઇ વિષય લઈને !

-સ્નેહા પટેલ.

સરખામણી


 

Smruti khodaldhaam –  april month’2013.

સરખામણી- માનવજાતિનો એક અતિપ્રાચીન રોગ. રોગ એથી કહું છું કે એમાં આપણું મગજ જેની સરખામણી કરીએ છીએ એ બે વ્યક્તિઓ વિશે ‘પૂર્વાગ્રહયુકત’ નામના બેકટેરીયાના સકંજામાં જબરદસ્ત રીતે સપડાયેલું હોય છે. દુનિયાનો દરેક માનવી બીજા માનવીથી તદ્દ્ન ભિન્ન અને નોખો છે પણ યેન-કેન-પ્રકારેણ એ વાત આપણે સ્વીકારી જ નથી શકતા. દરેક માનવીને ભગવાને એક સ્પેશિયલ કાર્ય સોંપેલું હોય છે, એને યથાયોગ્ય તાકાત – સમજ પણ આપેલ હોય છે.આ કારણથી એ કાર્ય જે-તે જવાબદાર વ્યક્તિ જેટલી સુંદર રીતે બીજું કોઇ જ વ્યક્તિ અજામ આપી શકે નહી. કામ તો એ વ્યક્તિ કરી જ લેવાનું છે કાં તો ઉપરવાળૉ એને સતત એ દિશા ચીંધી ચીંધીને કરાવશે જ. પણ સમાજ / આપણે બધા એ કામને એ વ્યક્તિની પોતાની કાબેલિયત પ્રમાણે નહી જોઇએ કે કોઇ ન્યાય  નહી આપીએ. એ કાર્યની પૂર્ણાહુતિ સાથે જ આપણા મગજમાં એક બીજો વિચાર તરત જ ઉદભવે કે ‘આવું સર્જન તો આ પહેલાં પણ ક્યાંક જોયેલું છે!’ પછી તો મગજ એ સર્જન કે કાર્યને નિરખવાનું ભૂલીને એને પહેલાં ક્યાં જોયેલું એના વિચારોમાં ગુમ થઈ જાય..આપણી બધાની યાદશક્તિ આમ તો બહુ સારી નથી હોતી પણ આશ્ચર્યજનક રીતે આવી બધી વાતો એકાએક યાદ આવી જ જાય અને એ પણ ખરા સમયે જ ! મારા મતે તો આ હ્યુમન સાયકોલોજીનો સંશોધનનો વિષય થઈ પડે એટલી હદ સુધી સા્ચી અને અચરજવાળી વાત છે. ૧૦૦માંથી ૯૮% આ વાંચતા વાંચતા એમના માથા આપોઆપ હકારમાં ધુણાવી દેશે એની પાકકી ખાતરી.

 

યાદ આવી ગયા પછીનું કામ તો  બહુ જ સરળ.

‘અરે, આમાં શું નવીન છે..આ તો પહેલાં પણ ફલાણા – ઢીંકણાએ કરી દીધેલું કામ છે. વળી આના કરતાં પણ વધુ સફાઈ – સફળતાપૂર્વક. કદાચ એના કામ પરથી જ આમને પ્રેરણા લીધી હોય અને આ કામ હાથમાં લીધું હોય એ વાત પણ નકારી ના શકાય.’

એ પછી તો એ કાર્ય જોવાનો અડધો રસ તો ત્યાં જ ખતમ થઈ જાય અને પછી શરુ થાય આપણો સરખામણીનો રોગ. એ સરખામણીના રોગમાં આપણે એટલા ફસાઈ ગયા હોઇએ છીએ કે આ નવીન કાર્ય છે, એને એક નવીન, એક વર્જીન દ્રષ્ટીથી પણ જોઇ શકાય એવો ખ્યાલ સુધ્ધાં આપણાં મગજમાં નથી આવતો. વનડેમાં વિરાટ કોહલીએ સૌથી ઝડપી ૩,૦૦૦ રન પૂરા કરવાનો રેકોર્ડ કર્યો – પાંચ સદીઓ ફટાફટ એના નામે નોંધાવી દીધી..અને તરત જ આપણે વિચારીશું, ‘અરે, આ તો અદ્દ્લ બીજો સચીન જ પાક્યો છે !’ અરે ભલા માણસ સચીન કરતાં પણ કદાચ વિરાટ કોહલી આગળ જશે તો તમે શું કહેશો..? તો પણ આપણી જોડે જવાબો થોકબંધ -રેડીમેડના હિસાબે જ હોય..અરે, એ વખતે તો વિરાટ ખાસો જૂનો થઈ ગયો હશે અને નવા નવા પ્લેયરો પણ આવી ગયા હશે એ વખતે એમને આપણે એમ કહીશું કે ,’વાહ- અદ્દ્લ બીજો વિરાટ જ પાક્યો છે ને આ તો.’

 

આ તો અસ્સ્લ ચંદ્રકાંત બક્ષી, કાજલ ઓઝા વૈદ્ય, અમ્રિતા પ્રીતમ, હરકિશન મહેતા, અશ્વીની ભટ્ટ..આ તો અદ્દ્લ બચ્ચનની કોપી .આ તો બીજો આમિરખાન..આ તો બીજો મોદી- આ તો બીજા ઇન્દિરા ગાંધી..ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ..આવા ગોખેલા -ભણેલા -સાંભળેલા સરખામણીના લિસ્ટમાં જ આપણે કાયમ જીવતા હોઇએ છીએ અને એના કારણે એ વ્યક્તિની બીજી અદભુત ‘એબીલીટી’ તો આપણા ધ્યાનમાં જ નથી આવતી. બની શકે એ તમે જેની જોડે સરખામણી કરી ભવિષ્યમાં એનાથી પણ વધુ ચડિયાતો બને – કાં તો એના એકાદ બે ગુણની સરખામણીના મોહમાં તમે એ વ્યક્તિને પેલા નામી – પ્રખ્યાત હસ્તી જોડે સરખાવવાની મહાન ભૂલ કરી બેઠા હો.

 

હજુ તો બાળક એનો પ્રથમ શ્વાસ આ દુનિયામાં શ્વસતું હોય અને આપણે એ માસૂમની પણ સરખામણી કરવા લાગીએ છીએ,

‘ અરે આ તો અદ્દ્લ એના બાપા જેવો જ લાગે છે ને કંઈ’

આટલું સાંભળતા જ બાળકની મમ્મીના પક્ષના જે પણ ઉભા હોય એમના મોઢા પડી જાય…તો ઘણી વાર આ તો અદદ્લ એની મમ્મી જેવો જ લાગે છે એમ કહેવાય તો  સામે સાસરીમાંથી સણસણતો વિરોધનો સૂર પણ આલાપાઈ જાય..ઘણીવાર બાળક મા કે બાપ બેમાંથી એકેય જેવું ના લાગતું હોય, મા-બાપના વર્ણ કાળા હોય ને બાળક ગોરુ-ચિટ્ટુ…તો સરખામણી કોની જોડે કરવી એ અવઢવમાં કોઇ નવી શંકાનો ફણગો ફૂટી જાય…આપણું માનવમગજ બહુ વિચિત્ર હોય છે. બાળકના જન્મની ઉજવણી બાજુમાં અને કુટુંબોમાં મનદુઃખ – ખટરાગની સ્થિતી થઈને ઉભી રહે.

ઇશ્વરનું દરેકે દરેક સર્જન એના પોતામાં અદ્વિતીય – બેજોડ જ હોય છે,  પણ આપણે આપણી સરખામણીની આદત છોડવા ક્યારેય તૈયાર નથી થતા. તૈયાર તો ઠીક એ બાબતે વિચાર સુધ્ધાં નથી કરતાં. માનવીઓની માનવી જોડેની સરખામણીની વાત નીકળી તો બીજી જ આપણી દેશ -વિદેશની ‘અમારે ત્યાં તો આમ ને તમારે તો ત્યાં તો તેમ’વાળી સરખામણીની વાત પણ યાદ આવી ગઈ.

 

આપણી, ભારતીયોની જ વાત કરું તો વિદેશ જઈને ત્યાંની ચકાચોંધ, કડકડતા ડોલર – પાઉન્ડની સ્મેલથી, એ દેશના નીતિનિયમો – શિસ્ત -કાયદાપાલન -ચોખ્ખાઈ-વાતાવરણ જોઇને ઘડીના છઠ્ઠા ભાગમાં અંજાઈ જઈએ છીએ. જોકે એ આકર્ષણનો પાયો તો ત્યાં જવાના હોઇએ એના વર્ષો પહેલાંથી જ મનમાં નખાઈ ગયેલો હોય, પછી તો બસ એ દેશની નજરે પડતી નાજોયેલી -માણેલી વસ્તુઓનું આકર્ષણ પાકી ઈંટૉ, સીમેન્ટનું કામ કરે છે. થોડો સમય જાય પછી એ આકર્ષણ જૂનું થવા લાગે છે. હકીકતનું ભાન થાય છે. પૈસા મેળવવા જતા ફેમિલીનું બોન્ડીંગ ગુમાવ્યું, આઝાદીથી જીવવા માટે સગાઓના પ્રેમની – સાદ મારતા ગમે ત્યારે પડખે આવીને ઉભી રહેવાની ઉષ્મા ગુમાવી-આનું લાંબુ લચક લિસ્ટ બનતું જાય છે.  શું મેળવવા માટે શું ગુમાવવું પડ્યું એની સરખામણીઓ ચાલુ થવા લાગે છે, અને અંતે પોતે બહુ મોટા નુકશાનીના ખાડામાં ઉતરી ગયા હોય એવું અનુભવાય, ડીપ્રેશનના ઘેરા વાદળોની છાયા ઘેરી વળે છે. આના કરતાં તો આપણું ભારત સો દરજ્જે સારું અને પોતાના સંતાનોને સારા સંસ્કાર આપવા ઘણા પરિવારો બધું છોડીને પોતાના ફેમિલી સાથે વધુ સમય ગાળી શકવાની તીવ્ર ઝંખના લઈને ઇન્ડિયા પાછા આવી જાય છે.

 

તો ઇન્ડિયામાં જ રહેતા અને રાત દિવસ ફોરેનના સપના જોનારા લોકો અહીંની ગરમી, શ્વાસ રુંધી નાંખે એ હદની સામાજીકતા, પોતાની સ્કીલ પ્રમાણે પૈસા ના કમાઈ શકવાનો અફસોસ, ફોરેનના ડીઝાઈનર કપડાં – નાઈટકલ્બોની મોજમજાને ‘મીસ’ કરતા – કરતાં ‘અમે રહી ગયા’ના ભાવ સાથે ભારતમાં જ રહીને ભારતને ગાળો આપતા રહે છે. આટઆટલા લોકો સાથે સંબંધો સાચવ્યા પણ શું કામના..સંબંધો તો ખાલી નામના જ..આજના જમાનામાં તો બધા મતલબી જ છે જેવા ગાણા ગાઈ ગાઈને પોતાની હતાશા વ્યક્ત કરતા કરતા ફોરેન જવાની તકો શોધતા ફરે છે.

 

બેમાંથી એક પણ પક્ષ ખુશ કે સુખી નથી. તમે જ્યાં રહો છો એ ભૂમિને અનુસાર તમારે તમારી જાતને ઢાળવી પડે, એના ફાયદા સાથે ગેરફાયદા સ્વીકારવાની તૈયારી રાખવી પડે. ભારતનું સામાજીક માળખું – ઉષ્મા અને વિદેશના ડોલરીયા પ્રવાહનું મનગમતું કોમ્બીનેશન મેળવવાની ચાહ  લઈને તમે કોલંબસની માફ્ક કોઇ નવો પ્રદેશ નથી શોધી શકવાના -કારણ..એવો કોઇ જ પ્રદેશ આ પ્રુથ્વી પર હયાત છે જ નહીં તો શોધશો ક્યાંથી ? જે ભૂમિ પર રહો છો એને માન આપો, એને એના સંપૂર્ણરુપે પ્રેમથી અપનાવવાની ઇચ્છા રાખો તો જ તમે શાંતિથી જીવી શકશો. બાકી તો આખી જીંદગી નિરર્થકની સરખામણીઓ કરીકરીને એની પાછળ ઉભા થતા અસંતોષોના પહાડ હેઠળ જ કચડાતા રહેશો.

 

સરખામણી નામનો રોગ આપણા સમાજમાંથી નાબૂદ થાય અને વ્યક્તિઓના વિવિધ પાસા આપણને જોવા મળી શકે એવી ઇચ્છાસહ અત્યારે વિરમુ છું.

 

-સ્નેહા પટેલ.

દિલ્હી ગેંગ રૅપ


smruti khodaldhaam mag. > Aachman column > march2013.

દિલ્હી એટલે  – 159 લાખ રહેવાસીઓ ધરાવતું, વસ્તીની દષ્ટિએ વિશ્વનું આઠમા ક્રમાંકનું સૌથી મોટું મહાનગર કે  શયતાનીયતને  પ્રોત્સાહિત કરીને એને પોસતું શક્યતાઓનું નગર કે ભારતનું સંસદભવન, રાષ્ટ્રપતિભવન અને ભારતનું સર્વોચ્ચ ન્યાયલય જ્યાં આવેલું છે એ શહેર ?

 દિલ્હી ગેંગ રૅપ -આ ત્રણ શબ્દોએ છેલ્લાં કેટલાંય સમયથી ધૂમ મચાવી છે. નેટ હોય, સમાચાર પત્ર હોય, સ્કુલ હોય, દેશ-વિદેશ હોય કે સ્ત્રી -પુરુષ હોય ..બધાએ એક સાથે આ જધન્ય ક્રુત્ય સામે સજ્જ્ડપણે વિરોધ નોંધાવ્યો પણ પરિણામ શું..? સરકારની – પોલીસની નિષ્ક્રિયતા, જડતા, બેશરમી બધું ય એની ચરમ સીમાએ પહોંચી ગયું છે. માનવી પશુથી ય બદતર વર્તન કરે છે.કદાચ પશુઓની મીટીંગ થતી હશે તો એ લોકો પણ આજકાલ આપણા બધા માનવીઓની હાલત જોઇને ચર્ચા વિચારણા કરતા હશે કે સારું છે કે આપણે માણસ નથી. જોકે પશુઓ સુખી છે..એમની ડિક્સનરીમાં રૅપ, સન્માન, મર્યાદા, લક્ષમ્ણરેખા, બિભત્સતા, લગ્ન, સમાજ જેવા શબ્દ જ નથી. પાશવીપણું એટલે શું એની પણ એમને સમજ નથી. મન ફાવે એમ જીવો..હરો..ફરો ને મોજ કરો. જે વસ્તુની સમજ જ ના હોય…જે વાત વિશે બહુ બધી ચર્ચા વિચારણાઓ જ ના થતી હોય એ વાત કેટલી સરળ બની રહે છે એ આ પશુઓની દુનિયામાંથી શીખી શકાય. મને ઘણીવાર અફસોસ થાય છે કે હું એમની ભાષા સમજી શકતી નથી. એમ હોત તો કેટલા બધા સવાલોના જવાબ મળી જાત..!

પશુઓની દુનિયામાં નર – નારીના હક -ફરજો વિશે ક્યાંય વિશેષ ઉલ્લેખ નથી કરાતા.. બેય પક્ષ સમાન ! આ રીતે જોતા તો માણસો કરતાં તો પશુઓનો સમાજ સુધરેલો કહેવાય..આપણે માનવીઓ એમાં આપણી સમજ, સજ્જ્નતા ઉમેરીને સારો સમાજ બનાવવાને બદલે પશુઓથી પણ બદતર સમાજમાં રહીએ છીએ અને કમનસીબે કાયદો, ન્યાય જેવા કાણા પડી પડીને જીર્ણ શીર્ણ બખતરો પહેરીને વાંઝણી સાંત્વના મેળવવાનો નિરર્થક પ્રયાસ કરતા રહીએ છીએ.

પરણેલી સ્ત્રીઓ ગળામાં મંગળસૂત્ર ઝુલાવતી ફરે તો પુરુષોના ભાગે શું..? સ્ત્રીઓના ટુંકા કપડાં પર પ્રતિબંધ હોય તો પુરુષોના કપડાંનુ શું ? પુરુષોને ગુસ્સો આવે કે પોતાની જાત પર કંટ્રોલ ના રહે એટલે સ્ત્રીને નીચી બતાવવા ચાર રસ્તા પર એને જબરદસ્તી પકડીને છેડતી કરવાની, ઇજ્જત લૂંટી લેવાની..! આ પરથી મને વિચાર આવે છે કે ઇજ્જત લૂંટવાની પ્રક્રિયામાં બેય પક્ષ ‘ઇનવોલ્વ છે’ તો જે લૂંટાય એ ઇજ્જત એ માત્ર સ્ત્રીઓની જ..પુરુષોને ઇજ્જત જેવું કંઈ હોય જ નહીં એમ ને..? તો પછી બહુ જ મોટા મોટા અવાજે આપણે બોલીએ છીએ અને સંમત થઈએ છીએ એ ‘ ઇજ્જત આપો તો ઇજ્જત મળે’ એના વિરોધાભાસરુપે ‘ઇજ્જત લૂંટનારની ઇજ્જત જાય’ એવી વાત કેમ નથી બોલાતી કે સર્વસંમતિ સાથે બહાર આવતી..? બહુ કનફ્યુઝીંગ, એકપક્ષી અને સડેલી માનસિકતા છે આ બધી…એક તો સ્ત્રીઓ/ છોકરીઓની ઇચ્છા ના  હોય, અનિચ્છાએ એને એ પાશવી, હેવાનિયત ભરી પ્રવ્રુતિમાં ઘસેડાય, ચૂંથાય અને વિજયી હોવાના ભાવ સાથે પુરુષ એને બસમાંથી ઉછાળીને રસ્તા પર  ફેંકી દે..આ પછી જો એ સ્ત્રી બચી જાય તો પાછી એની સામાજીક, માનસિક સ્થિતી બધીય ડામાડોળ. કોઇના ગુનાની, કોઇની ભૂલોની કિંમત એણે આખી જીંદગી લોકોની આંખના ઢગલો પ્રશ્નો અને ઉપેક્ષા સાથે સહેવાની..આ બધું જોતા તો મને થયું કે આ દામિની (એનું સાચું નામ લેવા સામે પણ કાયદાકીય રીતે મનાઈ…!) મરી ગઈ એ જ સારું થયું. ધારો કે અત્યારે સોલિડ લડત આપીને પેલા છ નરાધમોએ એને જે રીતે શારિરીક, માનસિક સ્તરે ઇજા પહોંચાડી હતી એના ભવિષ્યમાં કદાચ આવા પડઘા કેવા પડત એ વિચારતા વિચારતા શરીરમાંથી ઠંડા લખલખા સાથે એક કાલ્પનિક પણ હકીકતની ખૂબ  જ નજીકનું વાર્તા ચિત્ર મારી આંખો સમક્ષ રજૂ થઈ ગયું એ આપની સાથે વહેંચું છું..

ધારવાની તાકાત નથી એમ છ્તાં ધારો કે…

અત્યારે આખા દેશની જીભે જે છોકરીનું નામ સૌથી વધારે બોલાય છે એ નામ કયું ? દસ વર્ષના બાળકને પૂછીએ તો પણ એના મોઢેથી એક ત્વરિત જવાબ મળી જાય -દામિની.

દિલ્હીની છ – છ રેપીસ્ટ દ્વારા જેના પર બર્બરતાપૂર્વક બળાત્કાર થયો અને જાનવરને પણ શરમાવે એવી હરકતો દ્વારા ઇજાઓ  પામીને  મોત સામે હિંમતપૂર્વક અડધા મહિના જેવું ઝઝૂમીને જીવ ગુમાવનારી બાવીસ- ત્રેવીસ વર્ષની નિર્દોષ યુવતી.

ધારોકે એનો જીવ બચી ગયો હોત અને આંતરડા વગર જીવવાની અઘરી સજા ભોગવવાનું એના શિરે આવ્યું હોત તો શું થાત..?

 કલ્પના કરીએ કે આપણા સમાજે બહુ પ્રગતિ કરી છે અને દામિની સાથે સન્માનપૂર્વક એક સામાન્ય છોકરી જેવું વર્તન જ કરે છે ..!! તો ભાવિના પિકચરનો એક રંગ આવો પણ હોઇ શકે.

‘દામિની…આ તારા માટે આખા દેશમાંથી દરેક જાતિના યુવાનો તરફથી સન્માનપૂર્વક માંગા આવે છે, ક્યાં સુધી આમ એ ઘટનાને મનસપટલ પર રાખીને જીવીશ ? તારો મિત્ર હતો એ તો તારી પાછળ ભૂખ હડતાળ કરીને તને ન્યાય અપાવવા મોતને ભેટ્યો નહીંતર આપણે એની સાથે જ તને પરણાવત. ક્યાં સુધી તું તારા ગુનેગારોને સજા થાય એની રાહ જોયા કરીશ ? મારું ચાલે તો એ બધાને તારી સામે લાવીને મૂકી દઊં ને કહું લે..આ રહ્યાં તારા આરોપી..તારે જે સજા કરવી હોય એ કર. પણ હું એક સામાન્ય માણસ…મા ભગવાનની સમકક્ષ ગણાય પણ એમ માની લેવાથી એ સુપરપાવર ધરાવતી ભગવાન થોડી બની જાય છે..જીદ્દ મૂકી દે અને હવે આમાંથી કોઇ એક યુવાનને પસંદ કરીને નવું જીવન સ્ટાર્ટ કર દીકરા…જીવનને એક બીજી તક આપ..’

 દામિનીના મમ્મીનું મોઢું આટલું બોલતા બોલતા તો સાવ રડમસ થઈ ગયું.

દામિની…ખુલ્લી આંખે છ્ત પર કંઈક શોધ્યા કરતી હતી..આંખ છ્ત પર હતી પણ નજર – મગજ બધે શૂન્યાવકાશનું તીવ્ર વાવાઝોડું ફેલાઈ રહ્યું હતું. થોડી થોડી વારે એ શૂન્યાવકાશ આંખોમાંથી વહી જતો હતો. શિયાળાની ઠંડીમાં એના સૂક્કા ગાલ પર એના રેલા લૂછવાની એને કોઇ દરકાર નહતી…ગાલ પર એ રેલાનું જાળું બનતું  જતું હતું. મમ્મી -પપ્પાની કોઇ પણ વાતનો કંઇ  જ જવાબ નહતી આપતી.કદાચ આપવાને સમર્થ જ નહતી.એમના વાક્યો કાનમાં રેડાતા હતા પણ મગજ સુધી પહોંચતા જ નહતા. થોડો સમય આમનું આમ ચાલ્યું. દામિનીના શોકનું વાતાવરણ થોડું હળ્વું થતું હતું. નિર્ણય લેવાની તાકાત આવતા એણે મક્કમતાપૂર્વક વિ્ચાર્યુ કે મમ્મી પપ્પા જે વિચારશે એ મારા હિતમાં જ હશે…અને હિત ના થાય તો પણ આનાથી મોટું અહિત તો હવે મારી સાથે શું થવાનું..? એમની ખુશી માટે પણ મારે પરણી જવું જોઇએ. છેવટે એક સારા ધરના સંસ્કારી યુવક નામે ‘વિવેક પર એણે પસંદગીનો કળશ ઢોળ્યો. આજના જમાનામાં એના જેવી યુવતીને આવા ‘કળશ’ મળી રહે છે એ વિચારીને પણ એનું માનસિક દુઃખ થોડું હળ્વું થયું. લોકો એને કોઇ પાપી –અસ્પ્રુશ્ય ની જેમ નહી પણ સહાનુભૂતિ અને સન્માનપૂર્વક જોતા હતા. સમાજ ઘણો બદલાઇ રહયો છે..મારા અપરાધીઓને પણ એમના દુશ્ક્રુત્યની સજા ચોકકસ અપાશે જ.

રંગે ચંગે દામિનીને વિવેક સાથે પરણાવામાં આવી.  એના લગ્નનું ટેલીવીઝન પર આખા દેશમાં લાઈવ ટેલીકાસ્ટ રજૂ થયું. ચારેબાજુથી એના લગ્નજીવનની શુભેચ્છાઓના ઢગલા થવા લાગ્યા.દામિનીના સાસરિયામાં પણ એને પૂરતી ઇજ્જત અને માન સન્માન મળતું હતું. કોઇ ભૂલથી પણ એને એના ભૂતકાળને લઈને એક અક્ષર બોલતું નહતું..દામિની એના આઘાતમાંથી ખાસી એવી બહાર આવવા લાગી હતી. પરણી તો ગઈ પણ જ્યારે વિવેક સાથે નિકટતાના પતિ પત્નીના અંતરંગ પ્રસંગો આવતા ત્યારે દામિનીના મગજમાં છ ચહેરા એકબીજામાં ભળી જતાં અને તાંડવ નૃત્ય રમતાં. એના લમણાંની નસો ફૂલી જતી..લાગતું કે આ નિકટતાના પ્રસંગો હમણાં એનો જીવ લઈ લેશે..પણ  વિવેકની લાગણી અને પ્રેમને કારણે આ વિશે એક હરફ  ઉચ્ચારવાનું પણ મન નહોતું થતું.

 લગ્નજીવનના  વર્ષાંતે એને સારા દિવસો રહ્યાંના સમાચાર મળ્યાં.દામિનીના મગજમાં કોઇ દ્વંદયુધ્ધ ચાલવા માંડ્યું. જેની એના સિવાય કોઇને ખબર નહતી. એ યુધ્ધનું પરિણામ પણ ભવિષ્યમાં ભયંકર આવવાનું હતું..કોઇ ભાવિથી ક્યાં જાણકાર હોય છે ?

અંદરથી ફફડતી, જાત જોડે લડતી દામિની બહારથી ખુશ રહેવાના પ્રયાસ કરતી રહેતી. આખરે એ દિવસ આવીને ઉભો  જેની બધા આતુરતાથી રાહ જોતા હતાં. દામિનીને લેબરપેઈન ઉપડતાં જ એને તરત હોસ્પિટલ એડમીટ કરાઈ. એનો કેસ બહુ જ નાજુક – કોમ્પ્લીકેટેડ હતો.. સાચવીને એની ડિલીવરી કરાવવાની હતી. ડોકટરો પણ ટેન્શનમાં હતાં.  સિંગાપુરથી સ્પેશિયલ ડોકટરની ટીમ બોલાવી હતી એ લોકો પણ હથેળી મસળતા હતાં. મોઢા પર માસ્ક, હાથમાં ગ્લોવઝ અને બધા ડોકટરોએ એકબીજા સામે જોઈને નજરથી જ ‘ઓલ ધ બેસ્ટ’ કહીને પોતાનું કામ ચાલુ કર્યું.

પાંચ કલાકની ભારે જહેમત બાદ આખરે દામિનીની ડિલીવરી સારી રીતે થઈ શકી. ડોકટરોના મોઢા પર હર્ષની, સફળતાની લાલિમા છવાઈ ગઈ.ગ્લોવઝ કાઢી એક હાથે કપાળ પર ઝામેલી બૂંદો સાફ કરતા કરતા એકબીજાને ભેટીને કોન્ગ્રેચ્યુલેશન્સ કહેવા લાગ્યાં. દામિની …એના મગજમાં છેલ્લા આઠ આઠ મહિનાથી ઘુમતો ભય શબ્દોના આકારે એના મોઢામાંથી બહાર નીકળ્યો…

“ડોકટર..શું છે..બાબો કે બેબી..?’

‘અરે દીકરો છે બેન દીકરો..અને એ પણ એકદમ  તંદુરસ્ત..તમતમારે કોઇ જ ચિંતા ના કરતા. શાંતિથી આરામ કરો..!’

“ડોકટર..મારે એ સંતાન નથી જોઈતું..’

‘શું..! શું બોલો છો તમે..?’

એકદમ જ દામિનીનો પોતાની જાત પરનો કંટ્રોલ જતો રહ્યો.. એનામાં હિસ્ટીરીયાના લક્ષણો દેખાવા લાગ્યાં..

‘ડોકટર..મને બાળક તરીકે દીકરો નથી જોઇતો..કાલે ઉઠીને એનામાં કોઇ રાક્ષસ પ્રવેશે અને એ પણ..ના…ના…મારે એ સંતાન નથી જોઇતું..એને મારી કાઢો..ફેંકી દો..જે કરવું હોય એ કરો..પણ મને દીકરો નથી જોઇતો…’

‘બેન..રીલેક્ષ થાઓ..પ્લીઝ..’

દામિનીએ એના હાથમાંથી ગ્લુકોઝની બોટલની સોય કાઢી નાંખી અને એકદમ જ ઉભી થઈ ગઈ…અશક્તિના કારણે એ ત્યાં જ્મીન પર જ ફસડાઈ પડી. ડોકટરોએ  એને ઘેનનું ઇન્જેક્શન આપવાનો પ્રયત્ન કર્યો પણ એણે કોઇને મચક ના આપી. લગભગ બે કલાકની જહેમત પછી ડોકટરોએ વિવેકના હાથમાં એનો નવજાત બાળક સોંપવાની સાથે જ સમાચાર આપ્યાં કે,

‘દામિની એનું માનસિક સંતુલન ખોઇ બેઠી છે, એટલે  હવે તમારે માથે બે વ્યક્તિને સાચવવાની જવાબદારી આવી ગઈ’

વિવેકથી નહતું હસી શકાતું કે નહતું રડી શકાતું. આવી ખબર હોત તો પોતે સંતાનની ઇચ્છા જ ના રાખત !

દામિનીના ગુનેગારો હજુ  એમની સજાના ચુકાદાની રાહ જોતા જોતા જેલમાં પત્તા રમતાં હતાં !!

 

આ તો કાલ્પનિક ચિત્રની વાત થઈ પણ સત્યઘટનાઓના ઉલ્લેખ કરું તો..આ ઘટના પછી રોજબરોજના સમાચારમાં ચાલુ બસમાં રેપ કરવાના સમાચાર નજરે વધારે ચડવા લાગ્યા. લોકોને જાણે મનોરંજનનો એક નવો રસ્તો સૂઝી ગયો. આ કઈ કક્ષાનું અધઃપતન !

બળાત્કાર શબ્દ્નો અર્થ જ ‘કોઈક વ્યક્તિની પાસે તેની મરજીથી વિરુદ્ધ બળપૂર્વક પોતાનું ધારેલું કરાવવું’ એવો થાય છે તો સૌ પ્રથમ તો સ્ત્રીઓએ પોતાની મરજી વગરની થતી આ ક્રિયામાં પોતાની જાતને સહેજ પણ દોષી માન્યા વગર જીવવાની હિંમત કેળવવાની જરુર છે. પોતાની ઇજ્જત એ કોઇના લૂંટ્યે લૂંટાઇ જાય એવી ‘ફટકિયા મોતી’ જેવી જણસ નથી. એ બધું તો  રંગરેલિયા મનાવતી, મોજશોખ માટે લાજશરમ નેવે મૂકીને જીવતી પાર્ટનરો બદલતી પ્રજાને મુબારક. કમનસીબે એમને ‘ઇજ્જત’ નામના શબ્દની કોઇ સમજ જ નથી. સમાજે દયા ખાવી હોય તો એવા સ્વચ્છંદી લોકોની ખાવા જેવી છે, એમને ટકોરવા કે વખોડવા જેવા છે..બાકી સીધી સાદી પોતાના કુટુંબના બે છેડા ભેગા કરવા માટે પ્રામાણિકતાથી તનતોડ મહેનત કરતી,કોઇને કનડ્યા વગર પોતાના કામ સાથે કામ રાખીને જીવતી પ્રજા સાથે આવો અકસ્માત થતા ‘ઇજ્જત લૂંટાઈ ગયા’નો કક્કો ઘૂંટીને એને ટોર્ચર કરવાથી શું મતલબ સરવાના…? 

આજની સ્ત્રીએ પોતે પોતાની જાતને આ માનસિકતામાંથી બહાર કાઢવાની છે કે જે થયું એમાં એનો કોઇ જ વાંક નથી કે કોઇ એનું કંઈ  જ લૂંટી શક્યું નથી. પોતે હજુ પણ પહેલાં જેવી જ છે..કોઇ જ ગિલ્ટી ફીલ કરવાની જરુર નથી. એની ઇજ્જત લૂંટાતી બચાવવામાં નાકામયાબ રહેલ કાયદાએ પ્રાયશ્ચિતરુપે એને ગિલ્ટી ફીલ કરાવનાર સામે  સજ્જડ પગલાં લઈને સપોર્ટ કરવો જોઇએ જેથી એ છોકરી માનભેર જીવી શકે..જોકે ફરીથી આવી કોઇ ‘દામિની ઘટના’ ના બને એના માટે સ્ત્રીઓએ પોતે પણ શારિરીક રીતે સજ્જ થતા શીખવું જ રહ્યું. પુરુષોના આધારે જીવશો તો એ લોકો હવામાં જ ઉડવાના..એમના વગર તમે શૂન્ય છો એવું જ ફીલ કરાવતા રહેવાના…એ શૂન્યતામાંથી સ્ત્રીઓએ બહાર આવવાનો સંઘર્ષ કરતી રહી છે અને કરવો જ રહ્યો…આપણી જ ઇજ્જત આપણે ભીખરુપે તો ના જ માંગી શકીએ ને..? એ તો લડીને છીનવી લેવાની હોય..આ લડાઈ સીતા – દ્રૌપદીના સમયથી ચાલતી આવી છે..ત્યારથી અત્યાર સુધીમાં સમાજમાં ઘણા બધા ફેરફાર આવ્યા છે, પણ બધા કીડીપગી સુધારા છે. સ્ત્રીઓએ હવે એ ‘કીડીપગી’ સુધારાઓને ‘હરણફાળ’ કઈ રીતે ભરાવવી એ વિચારવાનું છે. એમાં કોઇ પુરુષના સહયોગની ( ઇવન કોઇ જ સ્ત્રીની પણ જરુર નથી) એમની ‘વોચમેન મેન્ટાલીટી’ને સ્વીકારવાને બદલે પોતાનો આત્મવિશ્વાસ વધારતા શીખવાનું છે, ખુદ્દાર અને સ્વતંત્ર બનતા શીખવાનું છે. પોતાની રક્ષા આપણે જાતે કરી શકીએ એનાથી વધારે રુડું અને મહત્વનું બીજું કશું નથી દોસ્તો.

બાકી દુનિયા તો એની એ જ છે..બોલ્યા કરે..નવા નવા બંધનો ઠોક્યા કરે..દુનિયા છે ચાલ્યા કરશે..એમાંથી આપણો ચીલો આપણે ચાતરવાનો છે ને માનભેર, હિંમતપૂર્વક જીવવાનું છે. કારણ..દામિનીઓ મરી ગયા પછી કોઇ કશું પણ કરે તો મતલબ વગરનું જ લાગે છે…એ બધાથી મરેલી દામિની જીવંત થોડી થઈ જવાની ?

સમાજમાં બીજી કોઇ દામિની સાથે આવું ના બને એવી કામના..!

-સ્નેહા પટેલ

ઝેરના રોપા.


zer na ropa- sneha patel

 

શ્રી સ્મૃતિ ખોડલધામ મેગેઝીનમાં ડીસેમ્બર માસ-2012 નો  ‘આચમન’ કોલમનો લેખ.

આજકાલનો જમાનો એટલે તીવ્ર – ગળા કાપ-શ્વાસરુંધતી હરીફાઇઓનો જમાનો.પહેલાં પણ હરીફાઈઓ થતી હતી.. ના નહી. પણ એની ગતિ ધીમી હતી. એને આજના મોબાઈલ-નેટ યુગનો ‘સ્પાર્કલીંગ સપોર્ટ’  નહતો. એ યુગ એટલે 15 પૈસાનું પોસ્ટકાર્ડ 4-5 દિવસે માંડ પહોંચતો ટપાલ યુગ. જ્યારે આજનો યુગ તો સુપરફાસ્ટ. દુનિયાના કોઈ પણ દેશમાં ઇમેલ થકી મીનીટોમાં વાત થઈ જાય, વીડીઓ ચેટ થઈ જાય, કોમ્પ્યુટરના વિવિધ સોફ્ટવેર દ્વારા નવા નવા પ્રેઝંટેશનો થઈ જાય, 2ડી થ્રી ડી ઇમેજીસ બની જાય, ફોટો..વીડીઓ ડાઊનલોડ –અપલોડ..બધું જ બહુ આંગળીના ટેરવાની કરામતથી ખૂબ જ સરળ અને ફાસ્ટ. ટેકનોલોજીના આ ધરખમ સપોર્ટથી બધા રાતોરાત સ્માર્ટ બની ગયા હોય એવું લાગે છે.જે પણ નવું સોફ્ટ્વેર કે મોબાઈલના નવા નવા એપ્સ હોય લોકો તરત જ એને સાનુકૂળ થઈ જવા લાગ્યા છે, પોતાના જીવનમાં એનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વિચારવા લાગ્યા છે.

પહેલાં દર 20 વર્ષે પેઢી બદલાતી હતી ત્યારે આજે એ 5-5 વર્ષના ગાળામાં ફેરવાઈ ગઈ છે. પહેલાં 40 વર્ષનો બાપો એના દીકરાને કહેતો કે ‘અમારા જમાનામાં તો આમ થતું ને તેમ’ત્યારે આજે 10 વર્ષનો નાનો ભાઈ એના 15 વર્ષના મોટા ભાઈ કે બેનને કહેતો નજરે પડે  છે કે,

‘રહેવા દો, બહુ માથુ ના મારો. તમને અમારી પેઢીની વાતમાં કંઈ સમજ ના પડે.તમારા જમાનાની વાત તો અલગ હતી !!’

આ બધી સ્થિતીમાં માણસ જીવનમાં આગળ વધવા માટે, પોતાના સ્વપ્ના પૂરા કરવા માટે હંમેશા એક ભીડમાં ઉભો હોય એમ અનુભવે છે..ચારેબાજુ એના જેવા ઢગલો માણસોનું ‘માણસિયારું!’ આ બધાને  હરાવીને આગળ કેમ વધી શકાય ? માનવીનું મગજ સતત એના વિચારોમાં જ ગુમ. એને બરાબર ખ્યાલ છે કે આજકાલ વફાદારી અને નિષ્ઠાથી કામ પૂરું કરી લેવું એકલું મહત્વનું નથી..એની સાથે સાથે કામ ‘યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય રીતે’ પ્રેઝન્ટ થાય એ પણ અતિમહત્વપૂર્ણ કાર્ય છે.

આજના લાગણીવિહીન જમાનામાં તમારી પ્રામાણિકતા- નિયમીતતા જેવા મૂલ્યોની કોઇ કદર નથી. થોડા સમયમાં સહેજ પણ વપરાશ ના હોવાના કારને ‘નમકહરામી કે નમક હલાલી’ જેવા શબ્દો ડીક્ષનરીમાંથી નીકળી જાય તો કોઇ નવાઈને સ્થાન નથી. લોકોને  બધ્ધે બધું સ્માર્ટ અને ફ્રેશનેસની ફ્લેવર ધરાવતું વર્ક ગમે છે. થોડું પણ આડુંઅવળુ કામ રેઢિયાળપણામાં ખપી જાય. અણી ચૂક્યા અને તમારું પત્તું કટ. કારણ..માંગ કરતા ઉત્પાદન વધારે.ઇકોનોમિક્સની થીયરી યાદ છે ને ? એક ભૂલ અને આઊટ. કોઈ જ ‘ટાઇમ પ્લીઝ’ ની ફેસીલીટી ના મળે એમાં તરત જ ‘નેક્સ્ટ’ બોલાઈ જાય અને તમારી જગ્યાએ બીજો કોઇ આવીને ઉભો રહી જાય.

પરિણામે માનવીએ સફળ થવા માટે તનતોડ મહેનત ઉપરાંત પોતાનાથી આગળનાની પારાવાર દાદાગીરી..આડોડાઈ  સહન કરવી પડે છે. પાછ્ળનાથી સાચવવાનું – એનાથી વધુ સ્માર્ટ –વધુ અપડેટ રહેવાનું અને આગળનાને ફ્લેક્સીબલ થઈને સહન કરતા જવાનું. ચોતરફથી અથડાતો કૂટાતો કધોણા પોતાની જેમ તાર તાર થઈ જાય છે. પરિણામે માનવીમાં ધીમે પગલે ‘જડતા – મતલબીપણું ‘ જેવા અવગુણો પેદા થતા જાય છે. એની બધી સારાઈ..બધા ગુણો  અકળામણની ભઠ્ઠીમાં શેકાઈને વરાળ બનીને હવામાં છૂ..ઉ..ઉ !

બધીય તકલીફોના પહાડ સફળતાથી પસાર કરીને આખરે હજારોમાં એક માઈનો લાલ સફળતાને ચૂમી શકે છે. માનસિક –શારિરીક પ્રતાડના સહન કરીને મક્કમ મનોબળ સાથે પોતાની મનધારેલ ઊંચાઈએ પહોંચી જાય છે. હવે એને થોડો પોરો ખાવાનો સમય મળે છે. આ જગ્યાએ હરીફાઈ ઓછી હોવાથી એને થોડી સ્પેસ વધારે મળે છે. એની પાછ્ળ એને ધક્કો મારીને એની જગ્યા પચાવી પાડવા એની વિરુધ્ધના કાવાદાવાઓ રચનારું કોઈ હરીફ લગોલગ અડીને નથી  ઉભું હોતું.

હાશ ! પોરો ખાઈને ઉભો થયેલો માણસ હવે સાવ બદલાઈ જાય છે.ફેફસામાં હાશકારાનો શ્વાસ ભરતા ભરતા પોતે ભોગવેલી યાતનાઓની રીલ એની નજર સમક્ષથી પસાર થતી જાય છે..દાંત પર દાંત ભીડાઈ જાય છે. આખી દુનિયા સામે બદલો વાળવાની તીવ્ર ઇચ્છાનું મોજું એના તન–બદનમાં ફરી વળે છે.

પછી..પછી શું ?

એ જ વિષચક્ર ચાલુ..ફક્ત પાત્રો બદલાઈ જાય છે.. હરીફાઈમાં પીસાતો માનવી લાખોની જનમેદનીને વીંધીને મોખરે આવીને ઉભો છે. કાબેલિયત – કવીકનેસ ના બતાવી શકનારને પળનાય વિલંબ વિના એની જગ્યાએથી ખસેડી શકીને ‘નેક્સ્ટવન’ બોલી શકવાની મહાન સત્તા એને મળી ચૂકી હોય છે. પીડાની જે તીવ્રતા પોતે ભોગવી ચૂક્યો છે એનું બધું ય ખુન્નસ અજાણતા સામેવાળા  પર જ નીકળી જાય છે… મેં બહુ સહન કર્યુ છે ત્યારે આ લેવલે પહોંચ્યો છું…હવે મને પણ હક્ક છે કે મારે મારાથી નીચેના જોડે એ જ પ્રમાણે વ્યવહાર કરવો.

અતિબુધ્ધિશાળી અને સફળ માનવી એ નથી વિચારતો કે આમ તો એ પોતાના જેવો જ બીજો ઝેરીલો માનવી ઉભો કરી રહ્યો છે. એને એક સામાન્ય વાત નથી સમજાતી કે એણે જે સહન કર્યુ..જે ઝેર પીધું એનું મંથન કરીને  અમૃત કાઢવાની વિચારસરણી અપનાવવી જોઇએ. પોતે જે ભોગવ્યુ એ તકલીફો બીજાના નસીબમાં લખીને એનો ભાગ્યવિધાતા બનવાની કોશિશ શું કામ કરવાની ?  એની સફળતની દોડમાં ‘હર્ડલ’ઉભા કરવાને બદલે મજબૂત રોલર બનીને એનો રોડ ‘સ્મૂધ’કરવાની હકારાત્મકતા કેમ ના વિકસાવી શકાય? ક્યાં સુધી આમ એક્માંથી બે..બેમાંથી બસો..બસોમાંથી બે હજાર..ઝેરના છોડની વાવણી કર્યા જ કરવાની?  એના બદલે એ ઝેરને પોતાની અંદર જ પચાવીને એમાંથી અમ્રુત બનાવવાની હામ કેમ ના ભીડી શકાય.ઝેર પીને અમીના ઓડકાર કેમ ના ખાઈ શકાય ?

આવું થાય તો આ બધા જ ઝેરના રોપા રોપણી થતા પહેલા જ બળી જશે અને એક સ્વસ્થ –હકારાત્મક સમાજ રચાશે. તંદુરસ્ત વાતાવરણમાં અમૃતના મીઠા સરોવરો રચાશે એવી સમજ – અક્ક્લ આજના કહેવાતા મોર્ડન માનવીઓને ક્યારે આવશે ?

ભગવાન દરેકને સદબુધ્ધિ આપે.

-સ્નેહા પટેલ.

ચંચૂપાત


સ્મ્રુતિખોડલધામ મેગેઝીન > આચમન કોલમ > ઓક્ટોબર મહિનાનો લેખ.

હમણાં જ ‘ફેસબુક’માં એક પોસ્ટ ફરતી જોઇ :

‘આજની ‘જીન્સધારી મા’ સાડલો જ નથી પહેરતી તો પોતાના બાળકને એના આંચલનો છાંયો ક્યાંથી આપી શકવાની ! ખરેખર આજકાલના બચ્ચાઓ બહુ બદનસીબ છે’  આ પોસ્ટનો સીધોસાદો આવો જ કંઈક મતલબ નીપજતો હતો.

આ વાંચીને લોકોની માનસિકતા પર હસવું, ગુસ્સે થવું કે એમની દયા ખાવી એ તો હું બહુ નક્કી ના કરી શકી.આ વાતમાં લોજીક શું ?  હદ તો એ કે  ઘેટાં-બકરાંથી ભરચક દુનિયામાં પોતાના બુધ્ધિધનને ‘સેફ ડીપોઝીટ’ વોલ્ટમાં સાચવીને રાખનારાઓ લોકો પણ એ વાતના હાર્દ સુધી પહોંચ્યા વગર જ એ પોસ્ટને લાઈક પર લાઈકના બટનો દબાવીને કોમેન્ટસ ઠોકે જ રાખતા હતા એને  પોતાની વોલ પર શેર કરતા અને પોતાનો ‘મા’ શબ્દ (!) પ્રત્યેનો ‘અધધ અહોભાવ’ વ્યકત કર્યે જ રાખતા હતા. શબ્દોની કિંમત કે સમજ ઉછીની થોડી મળે?  પોતાના આવા વણવિચાર્યા અને ઉતાવળા ‘રિસપોન્સથી’  પોતાની ગતિવિધિને  ધ્યાનથી નિહાળનાર  વર્ગ પર પોતાની કેવી ઇમ્પ્રેશન પડે છે એ વિચારવવાનો સમય કે શક્તિ બેયની અછ્ત. એમને માટે તો ‘મા’ એક શબ્દ્થી વધુ કંઈ જ નથી એ સ્પ્ષ્ટપણે દેખાઈ આવતું હતું.. એક ફરજ નિભાવી દીધી, ટાઇમ પાસ કરી દીધો બસ !.

આમાંથી  અડધા ઉપરના તો ટીનેજરીયા ! એમને કહેવાનું મન થાય કે પહેલાં તમે ‘મા- બાપ એટલે શું’ એ તો સમજો. એ જવાબદારી તમારી જોડેથી કેટકેટલી સમજ, સમય, ધીરજ માંગે છે એનો માત્ર વિચાર કરવાથી  તમને એની ગંભીરતાનો ક્યારેય અંદાજ નહીં આવે.

ફરીથી આ લાઈન વાંચજો..અહીં મેં ‘મા –બાપ’ બેયનો સમાવેશ કર્યો છે.

એ બેયનો પ્રેમ – જવાબદારી સરખા જ હોય છે. હા ‘હાઈલાઈટ’માં થોડો ફર્ક હોય છે પણ દેખાવથી સચ્ચાઇ નથી બદલાઇ જતી.

હા તો, આપણે જીન્સ પહેરેલી આજની ‘આધુનિકા’ના માથે પહેલાની ‘સાડલાવાળી’ મા ની જેમ જવાબદારી નહીં સંભાળી શકવાનો આરોપ કેમ મૂકાય છે એની વાત કરતાં હતાં એ મુદ્દા પર પાછા વળીએ.

નકરી દોડાદોડ, ધમાલિયણ જીંદગીમાં આજની નારી પોતાના સાડ્લાના છેડાં સંભાળે કે બાળકને કે પોતાના મોબાઈલ ને કે ઢગલો કામકાજના લિસ્ટ સાથે પોતાના વ્હીકલની ચાવીને ? જીન્સ પહેરે તો એના પોકેટ આ બધી સાચવણીમાં ખાસા મદદરુપ થઈ શકે છે. એ પહેલાંના જમાનાની સ્ત્રીઓની જેમ અડધી કમર દેખાય, પાલવના ઠેકાણા ના હોય અને આ બધી વસ્તુઓ બ્લાઉઝ કે કબ્જાની અંદર હાથ નાંખીને સુરક્ષિત (!) જગ્યાએ મૂકીને પુરુષોની નજર અનાયાસે જ પોતાની એ ક્રિયા તરફ આકર્ષવામાં નથી માનતી. એને તો જમાના સાથે દોડવાનું છે, પોતાના બાળકનો શારિરીક, માનસિક, ઇમોશનલ, આર્થિક બધોય બોજો પોતાના ખભે ઉપાડીને જમાનાની ઝડપી ચાલ સાથે તાલ મિલાવવાનો છે. દોટમાં પગમાં ફંટાતી સાડી એને અગવડરુપ લાગે તો એ પોતાને ‘કમફર્ટેબલ’ લાગે એવા જીન્સને પ્રાથમિકતા આપે એમાં શું ખાટું – મોળું થઈ ગયું ? આજની આધુનિકા બાળકને પાલવનો છાંયો કરવા કરતાં  પોતાના બચ્ચાને પોતાની એ.સી ગાડીમાં બેસાડવાની ઇચ્છા ધરાવે છે. વળી  ઈચ્છા-કલ્પના કરીને એ અટકી નથી જતી એને ફળીભૂત કરવા તનતોડ મહેનત, નોકરી-ધંધો કરીને ‘અર્નીંગ’પણ કરી જાણે છે. એના નસીબે તો ત્યાં પણ તકલીફોનો સાગર.  સ્ત્રીઓનું ‘ઇકોનોમિકલી સ્વતંત્ર’ થવાનું, આગળ આવવાનું નથી ખમાતું એવા વર્ગને  પોતાના કામ, સફળતા થકી જડબાતોડ જવાબ આપવાની જવાબદારીની છૂપી તલવાર પણ એના શિરે સતત તોળાતી હોય છે.સહેજ ચૂક્યા કે ખલાસ.

‘ પહેલાં જ કહ્યું  હતું કે તમે બૈરાઓ સ્વતંત્રતા પચાવી જ નથી શકતા. તમારી બુદ્ધિ તો પગની પાનીએ જ.ભલા થઈને હવે  ઘરમાં બેસીને ચૂપચાપ ઘર જ સંભાળો ‘  જેવા સમાજના (જેમાં સ્ત્રીઓ પણ અચૂક્પણે સામેલ હોય જ ) શબ્દ-આરોપોના-કટાક્ષોના તીર હંમેશા એની સામે તકાયેલા જ હોય છે. અહીં તો સમાજના નામે નીચું, ઉંચુ, આડે-અવળું ગમે તેવા  નિશાન તાકનારને બધ્ધે બધું માફ..એમના આરોપોમાં ઉપર જેમ કહ્યું એમ કોઇ જ તર્ક ના હોય પણ ‘સો સફળતાની સામે એક નિષ્ફળતા’  એ બધાં આરોપો સાચા ઠેરવી દેવાય..કોઇ જ ચૂં કે ચા નહીં..જે આરોપ જે રીતે બોલાય એ એ જ રીતે સ્વીકારાઇ પણ જાય.

વર્ષોથી પૈસા કમાવાનું મહાન કાર્ય કરનારો આપણા સમાજનો દરેક પુરુષ ઘરબાર – બૈરા-છોકરા ને ભૂલીને ફક્ત નોકરીની જવાબદારી ઉપાડીને પણ પોતાની મંજિલ મેળવવામાં કેટલી હદ સુધી સફળ થઈ શકે છે, પોતાના કેટલા સપનાઓ પૂરા કરી શકે છે.. એવો વિચાર સમાજમાં કદી કોઇને કનડે છે કે ?

આજની નારી પહેલાંની નારી કરતાં વધુ સ્માર્ટ છે. એને પોતાના દિલ અને દિમાગ બેય ને સંતુલિત કરીને  જીવવાનું હોય છે જે કોઇ પણ માણસ માટે બહુ જ અધરી પરિસ્થિતી છે. વળી સ્ત્રીના તો લોહીમાં જ લાગણી દોડતી હોય, ધમધમતી હોય, કોઇની પણ પર વિશ્વાસ મૂકી દેવો, કોઇની કાળજી લેવી આ બધા ગુણો એની મોટી કમજોરી. આ કમજોરી એ આધુનિકા ઘરની બહાર નીકળે ત્યારે મતલબી સમાજ માટે ફાયદારુપ થઈ જાય છે અને  ઇશ્વરદ્ત્ત આ અમૂલ્ય વરદાન એને શ્રાપ સમા ભાસે છે.આધુનિકાને સતત પોતાની લાગણી કંટ્રોલ કરતા – કરતા જીવવું પડે છે. હવે લાગણી તો વિચિત્ર હોય છે.એને જેમ બાંધો એમ એ વધુ વકરે.રોગ થઇ પ્રસરે.એ તો પાછું કેમ પોષાય ! એણે મન મક્ક્મ કરીને આ બધા માનસિક – શારિરીક ઝંઝાવાતો સામે ઝઝૂમવું પડે છે.

સંઘર્ષ સંઘર્ષ સંઘર્ષ !

પણ તૂટવાની સત્તા નહી .!  પોતાના,સંતાનના, પતિદેવના, ઘરના દરેક સભ્યોના શરીરનું, મનનું બધાંનુ ધ્યાન રાખવાની તોતિંગ જવાબદારી એના નાજુક નમણાં બાવડાં ઉપર હોય છે. પુરુષોના હક્ક – ફરજો બાબતે તો સમાજ એક્દમ સ્પષ્ટ જ રહ્યો છે. એમાં સ્ત્રીઓએ પોતાના હક્કની અરજીઓ પર સમાજની સહી સિકકા કરાવીને મંજૂર કરાવવાનો હોય છે.સ્વીકાર કરાવવાનો હોય છે.વીરાંગના બની એક સાથે બધા ક્ષેત્રે ઝઝૂમવાનુ હોય છે..જીતવાનું હોય છે. કારણ પરાજ્ય તો ‘સમૂળગું અસ્તિત્વ’ મિટાવી દેવાની કગારે મૂકી દેવાનો ! ‘આ પાર કે પેલે પાર’ –યુધ્ધ કર્યે જ છૂટકો !

આ બધી દોડાદોડમાં ‘સ્ત્રી – મા’ પોતાની સગવડ મુજબના કપડાં પણ ન પહેરી શકે ? પહેરે તો બાળકની મમતાનો હક્ક છીનવી લીધાના આક્ષેપો થવા લાગે. એક બાપના કપડાં માટે સમાજમાં કોઇ નિસ્ચિંત ધારાધોરણો છે કે એણે શોર્ટસ નહી પહેરવાની કે જાડા ખડધા જેવા જીંસ નહી પહેરવાના..આ બધાથી કોમળ બાળક્ની નાજુક ત્વચા છોલાઈ જાય !

આજનો સમાજ સ્ત્રીઓ પાસે લાગણી- સુંદરતા ઉપરાંત બુધ્ધિની અપેક્ષા રાખતો હોય તો એણે એને પોતાની બાંધી લીધેલી માન્યતાઓની વાડમાંથી છૂટી કરે જ છૂટકો.

‘વિકાસ માટે સ્વતંત્રતા જરુરી નહી અનિવાર્ય છે’

સ્વતંત્રતાની માંગણી તો પોતે જેને લાયક નથી હોતું એવું નાનું  છોકરું પણ કરે છે..એને પણ પડવાની, આખડવાની સત્તા અપાય છે…પરિણામે પોતાની ભૂલોમાંથી શીખી શીખીને એ પોતાનો રસ્તો શોધતા શીખે છે – વિકાસ સાધે છે.પીંજરામાં પંખીને પૂરી રાખીને દુનિયાની જોડે તાલ મિલાવવાનું કહો એ ક્યાંનો ન્યાય ! વળી એને  બહાર કાઢ્યા પછી પણ સતત દિશાસૂચન કર્યા કરો, એની ગતિના વેગ નોંધ્યા કરો, ઠપકો આપ્યાં કરો- આ બધી ભાંજગડમાં  પંખી પોતાના સપનાની મંઝિલ સુધી ક્યારે અને કઈ રીતે પહોંચવાનું ? પોતાનું મહત્વ પંખીને પોતાને જ સમજવા નથી દેવાતું તો એનો સ્વીકાર એ સમાજ જોડે કઈ રીતે કરાવવાનું !

આમ ને આમ એડીચોટીના જોર પછી પણ ધારી સ્થિતી ના પામી શક્તા આધુનિકાની લાગણીઓ બાંધ તોડીને એક સાથે બળવો પોકારી ઉઠે છે..પોતાના સ્વીકાર માટે એ પછી આંધળૂકીયા કરતાં પણ  નથી અચકાતી.જેને વળી પાછું સ્વછંદતાનું લેબલ લગાવી દેવાય છે.દરેકે દરેક વાત-ક્રિયા-પગલાંઓમાં ચંચૂપાતો !

‘પ્રિય સમાજ’ સ્ત્રીને હાશકારાનો એક શ્વાસ ફેફસામાં ભરવા દો, સ્વતંત્રતાનો ઓક્સિજન માણવા દો. જેવું જીવન મળશે એ મંજૂર પણ  એની મરજી મુજબની બે ઘડીનું જીવન તો જીવવા દો, પ્લીઝ એની દરેક બાબતે ‘ચંચૂપાતો’ કરવાનું છોડો..એને વિકસવા દો.

સ્નેહા પટેલ

સંવેદનાનો ખરખરો


સ્મ્રુતિખોડલધામ મેગેઝિન > આચમન કોલમનો લેખ.

કદાચ પૃથ્વીએ એની ધરી પર ફરવાની સ્પીડ વધારી લીધી લાગે છે.ચારેબાજુ દોડતી જનમેદની પોતાની આયુનો લગભગ પોણો ભાગ તો દોડવામાં જ ગાળતી હશે અને બાકીનો પા ભાગ હાંફતા હાંફતા ઉભા રહીને શ્વાસ લેવામાં !  શ્વાસ – ઉચ્છવાસની આ પળોજળને પહોંચી વળવા માનવીએ એના દિમાગની ધારને સતત તેજ કરતા રહેવું પડે છે. દિમાગના ચાલતા જબરદસ્ત વર્ચસ્વ નીચે એને પોતાના દિલની વાત સાંભળવાનો..સમજવાનો સમય જ નથી મળતો. ‘ખાટલે મોટી ખોટ’ પાછી એ કે દિલ એ ‘ફાસ્ટ ફૂડ’ના ગુણધર્મો નથી ધરાવતું કે જે બે મીનીટમાં સમજાઈ જાય. એના માટે ધીરજ, પ્રેમ, સમજણ બધાં મસાલાની ભરપૂર જરુરિયાત રહેલી છે.

દિલની નાજુક લાગણી એટલે સંવેદના. તકલીફો બધી આ સંવેદનાની જ તો છે. હાડમારીભરેલ ધમાલિયા જીવનમાં આજનો માનવી બેધ્યાનપણે એની સંવેદના ગુમાવતો જાય છે. ‘ફૂલોનું ઉગવું ને ખરી પડવું’ તો હવે જૂનું થયું એક ‘આખે આખો પોતીકો માણસ ઉગી જાય ને ખરી પડે’ તો પણ વર્ષો સુધી જાણ નથી થતી.દુનિયા આખીની ઘડિયાળ પોતાના ઉષ્ણ કાંડે બાંધીને સૂર્ય  રોજ ઉગે છે આથમે છે આવી નાની નાજુક ચમત્કારીક અનુભૂતિ તરફ ધ્યાન આપવાનો એની પાસે સમય જ નથી. જે અનુભવાતું નથી એનો સ્વીકાર તો કેમનો થાય..પરિણામે ‘તર્ક અને અનુભૂતિ’ એક મ્યાનમાં બે તલવાર જેવી વાત થઈ જાય છે. ખાસ તો કંઇ ગુમાવવાનું નથી હોતું  બસ એ ઇશ્વરના નાના નાના ચમત્કારોથી દૂર થતો જાય છે.એને સમજવાની શક્તિ ગુમાવતો જાય છે.

આ બધાંયની અસર તમે આજકાલના પિકચરો, ગીતોમાં બહુ જ સારી રીતે અનુભવી શકશો.

પહેલાંના જમાનામાં પિકચરનો હીરો હીરોઇનનો હાથ પકડે અને એની નજીક જાય, ધીમે ધીમે એના મુખથી નજીક એનું મુખ લઈ જાય અને પછી બે ગુલાબના સરસ મજાના ફૂલો દેખાય. એક ફૂલ બીજા ફૂલની નજીક..ઓર નજીક જાય અને દર્શક સમજી જાય કે આના દ્વારા શું કહેવાઇ રહ્યું છે ! એ સમજ સંવેદનશીલ દર્શકના રુંવાડા ઉભા કરી દે..થૉડા વધુ સેન્સીટીવ લોકો એ હીરો કે હીરોઈનની જગ્યાએ પોતાને મૂકીને કલ્પાના-જગતમાં બે પળ આંટો પણ આવે. અદભુત ફેન્ટ્સી ! ગીતોના શબ્દો પણ કેવા સરળ. કેટલા ઓછા વાદ્ય સાથે સંગીતના ધીમા, મીઠા સૂર સાથે સતત કેળવાયેલા ગાયક -ગાયિકાના કંઠમાંથી રેલાતા એ મીઠા, સરળ શબ્દો સીધા હ્ર્દય સોંસરવા જ ઉતરી જાય. દરેક સંદર્ભો સ્પષ્ટ રીતે પોતાના માનસ પર ઝીલનાર દર્શક પણ એ વખતે બુધ્ધિશાળી જ હતો..કદાચ આજના કરતાં એ વખતે એને વધારે બુદ્ધિ વાપરવાનો વારો આવતો કારણ જે નથી દેખાતું, કહેવાતું એ સમજવાનું છે અને એ જ સમજણ એ દર્શકોની સંવેદનશીલતાને અકબંધ રાખવામાં મદદરુપ થતી.

ધીમે ધીમે દર્શકોની માંગ,સમાજની કડવી સચ્ચાઇ, ટીઆરપીની માથાપચ્ચી, કમરતોડ હરીફાઈઓ, માંગ કરતાં પૂરવઠો વધારે, પોતાની બેલેન્સશીટ બેલેન્સ કરવાની મજબૂરીઓ આ બધા પરિબળો ડીરેક્ટરને શોર્ટકટીઆ રસ્તાઓનું દિશાસૂચન કરતાં દેખાય છે.

અને ચાલુ થાય છે એક સિનેમામાં આવડત, કલાનો નફ્ફટ ઉઘાડેછોગ વ્યાપાર.

હીરોઇનો એકટીંગ કરવાનું મુખ્ય ઉદ્દેશ ભૂલીને વિચારે કે કયા કપડામાં કેટલું શરીર દેખાશે, શરીરના જે વળાંકો દર્શકોને ગલગલિયા કરાવી શકે એ ઉજાગર થાય છે કે નહી અને એ ઉઘાડા અંગોને કોરિયોગ્રાફર એની કલા મારફતે..(!!)વળી ઓર મદદ કરે છે. કયા અંગને કેટલી ડીગ્રીમાં કેટલું ફરકાવવું, થીરકાવવું બધાંય સ્ટેપ્સની રજેરજ સમજૂતી આપીને એમની જોડે ડાન્સ કરાવે છે.એમાં સાથ પૂરાવે છે લેટેસ્ટ મ્યુઝિકલ ઇન્શ્ટ્રુમેન્ટસ..જેનો ફાયદો ઉઠાવીને ગમે તેવા ચીપ -દ્વિઅર્થી શબ્દોવાલી લિરિક્સ પણ ખૂબ સરળતાથી આજકાલની ‘ટેબલેટી – હાઈટેક’ પ્રજાના મુખે રમતી મૂકી શકાય છે..દર્શકો આગળ બધું એકદમ ઉઘાડે ઉઘાડું મૂકી દેવાય છે..વિચારવાનો – કલ્પનાશક્તિને મોકો શાને મળે..એટલી મહેનત એ કરશે તો અમે તો ભૂખે મરી જઈશું ! સત્ય તો નગ્ન હોય છે..કડવું હોય છે. હીરો હીરોઈનને કીસ કરે છે, એને ભેટે છે, એના અંગો સાથે ઉત્તેજક રીતે અડપલા કરે છે..બધ્ધે બધ્ધું દર્શકોની માંગના દબાણમાં આવીને વઘારાઇ જાય છે..પહેલાનાં જમાનામાં હીરો હીરોઇનનો પહેલી વાર હાથ પકડે તો પણ એક નાજુક ગીત આવી જાય..

‘ન જાને ક્યા હુઆ જો તુને છૂ લીયા

ખીલા ગુલાબ કી તરહ બદન.’

જ્યારે આજે તો હીરો હીરોઇનને આખે આખી પકડી લે ઉપરાંત ડાન્સની કોરિયોગ્રાફીની માંગાનુસાર  એની આજુબાજુ ઉછળતા કૂદતાં છછુંદરો પણ એને અડપલાં કરતાં હોય..અંદરખાને બધા એક વિક્રુત આનંદની સરવાણીમાં ભરપૂર નહાતા પણ હોય છે..ધાડધાડ કરતું મ્યુઝિક, બે ચાર ટપોરી ટાઈપના સ્માર્ટ અંગ્રેજી – ઉર્દૂ- ટપોરી – ચિત્ર-વિચિત્ર શબ્દો..અંગોપંગોનું બિભત્સ કામોત્તેજના જગાવવાના ઇરાદાઓ સાથે પીરસાતું નૃત્ય..અને બની જાય એક સુપરહીટ ગીત..વાત આટલેથી જ ક્યાં અટકવાની..પછી તો રોજ એનો રેડિયો પર રીતસરનો મારો થાય..ટીવીના ‘ડેઈલી સોપ’માં પિકચરનો ફેમસ થઈ ગયેલો ડ્રેસ પહેરીને એ જ લટકાં ઝટકાં કરતાં થૉડી કૂદાકૂદ કરી લેવાની..થૉડા વલ્ગર ડાયલોગો  ફટકારીને આંખોના ઇશારાઓ ઉલાળી દેવાના.. ફિલ્મ રીલીઝ થાય ત્યાં સુધીમાં દરેક નાના મોટાના મોઢે ના ઇચ્છવા છતાં અરે શબ્દોનો પૂરતો મતલબ પણ ના સમજાતો હોય તો ય ‘ચીકની ચમેલી, ઉલાલા… ઉલાલા  તૂ હે મેરી ફેન્ટસી..મુન્ની બદનામ હુઇ’ જેવા ગીતો રમતાં થઈ ગયા હોય છે..છેલ્લે પરિણામ એ આવે છે કે પિકચરની વાર્તા કેવી છે, હીરો હીરોઈનની એક્ટીંગ કેવી છે બધું ય બાજુમાં મૂકાઈને દરેક નાનેરા મોટેરા એક વાર તો એ પિકચરના પૈસા ખરચવા તૈયાર થઈ જ જાય છે..જબરદસ્ત માર્કેટીંગ સ્ટ્રેટેજીનો ભોગ બને છે અને એક વીકમાં તો બધી પોલંપોલ બહાર આવી જતા એ પિકચરના પાટીયા બદલવાનો દિવસ આવી જાય છે.પણ નિર્માતાએ તો પોતાના પૈસા અને ઉપરાંત સારો એવો પ્રોફીટ આ એકાદ વીકમાં જ વસૂલી લીધો હોય છે.

દર્શકોને છેતરાયાનો અફસોસ નથી થતો અને નિર્માતાઓને દર્શકોની માંગના ઓથા હેઠળ એમને ઉલ્લુ બનાવીને પોતાનો ઉલ્લુ સીધો કરી લેવાનો અનોખો સંતોષ પણ મળી રહે છે.

લટકામાં છોકરાંઓ આ દ્વિઅર્થી શબ્દોનો મતલબ સમજ્યા વગર આધુનિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ તૈયાર કરીને બનાવાતી ઇનસ્ટંટ  કર્ણપ્રિય ધૂનોના કારણે આખો દિવસ ગણગણ કરતાં જ રહે છે..એમના મોબાઈલની રીંગટોનમાં પણ એ ગમે ત્યાં રણકી ઉઠે. એવા સમયે સંવેદનશીલ, સમજુ મા – બાપની હાલત કફોડી થઈને ઉભી રહે છે..આમાં વાંક કોનો કાઢવો હવે..છોકરાંઓને ક્યાં ક્યાંથી બચાવવા જેવા યક્ષપ્ર્શનો એમની સામે મોઢું ફાડીન ઉભા રહે છે.અંતે તો એ લોકો કશું જ નથી કરી શક્તાં. લાચારીની ચરમસીમા..!

ઘણીવાર વિચાર આવે કે પહેલાંના જમાનામાં માત્ર તબલા, સારંગી, વાંસળી, હાર્મોનિયમ જેવા ગણ્યાં ગાંઠયા વાજિંત્રો મનને જે સકુન આપતા હતા..શાંતિ બક્ષતા એ ઢગલો સુવિધાઓ ધરાવતા આધુનિક ઇનસ્ટ્રુમેન્ટથી કેમ નથી મળતી ?માનસિક તાણના ઉપાય સ્વરુપે જેનો ઉપયોગ કરાય છે એવી મ્યુઝિક થેરાપીને તો કદાચ કોઇ નવી ધૂન મળતી જ નહી હોય. આને ઉર્ધ્વ ગતિ કહેવાય કે..અધોગતિ..?

પહેલાંના જમાનામાં સંગીત ગીતને કર્ણપ્રિય બનાવવામાં મદદરુપ થતું હતું..ગીતો સરળતાથી યાદ રહી જતા..જ્યારે આજે મ્યુઝિકમાંથી શબ્દો ફંફોસીને શોધવા પડે છે..શબ્દોના અર્થ તો વળી બહુ દૂરનો સંબંધી.. આજે આવેલું ગીત બે ચાર અઠવાડીઆમાં તો ચવાઈ જાય..કૂચેકૂચા થઈ જાય..એક મહિના પછી તો યાદ પણ ના રહે.લોકપ્રિય સંગીતની ટીકા કરતાં ગીતોમાં શબ્દોનું મહત્વ ઘટતું જવા અંગે ખેદ વ્યક્ત કરતાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે હમણાં જ  જણાવ્યું હતું કે ‘‘જુના ગીતો હજુયે શ્રોતાઓની સ્મૃતિમાં જળવાઇ રહ્યા છે. તેનું કારણ શબ્દ અને સુમધુર તરજોનું સંયોજન છે. પરંતુ આજે આઇટમ સોંગ્સના જમાનામાં શબ્દોનું ઊંડાણ રહ્યુ નથી.’’

આ બધામાં અજાણતાં જ પેલી સંવેદનશીલ, નાજુક લાગણીનો બલિ ચડાયાની વાત તો કોઇને ધ્યાનમાં જ નથી આવતી.. ! સંવેદનાનું સંતાન અનુભૂતિ ફકત મોઢું વકાસીને રહી જાય છે. પોતાના જન્મ પહેલાંના મરણ માટેની ફરિયાદ કરે છે..

‘થોડો સમય તો આપ

ઓ સંવેદનાની દેવી

હું

અનુભૂતિ.’

-સ્નેહા પટેલ

સ્વપ્નપાત્ર


ખોડલધામ સ્મ્રુતિ મેગેઝિન > આચમન કોલમ > ઓગસ્ટ માસનો લેખ

રાહુલ આજે ઓફિસેથી વહેલો આવી ગયેલો. એ પ્રિયા –એની પ્રાણ-પ્રીયાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. હાથમાં ઓર્ચિડના ઓરેંજ કલરના-પ્રિયાના મનપસંદ કલરના ફુલ..મોટું મ્યુઝિકલ ગ્રીટીંગ કાર્ડ અને એક નાની રુપકડી પિંક કલરની ડબી હતી..જેમાં હમણાં જ ડીબીયર્સની દુકાનમાંથી ખરીદીને લાવેલ સરસ મજાની હીરાની લેટેસ્ટ ડિઝાઈનની વીંટી હતી.નોકરીના કારણે રાહુલને બહારગામ જવાનું વધારે થતું.જેના કારણે એને પ્રિયા સાથે ગાળવાનો સમય બહુ જ ઓછો મળતો. આજે એક પાર્ટીને મળવાનું કેન્સલ થતાં એને દિલ્હી જવાનો પ્રોગ્રામ રદ થયેલો. એટલે રજાનો મૂડ મમળાવતો મમળાવતો પ્રિયાને ખુશ કરી દેવાના ઈરાદા સાથે જ ઘરે આવેલો..

 

પણ આ શું? ઘરે આવ્યો તો ઘરે તો મોટું તાળું !

 

એનો મૂડ એક્દમ જ ઓફથઈ ગયો.

 

આમ કેમ ? હજુ તો મને ઘરેથી નીકળ્યાને માંડ કલાક જ તો થયો છે. વળી પ્રિયાએ કોઈ જ વાત પણ નહોતી કરેલી કે એનો બહાર જવાનો કોઈ પ્રોગ્રામ છે..તો એ અચાનક  ક્યાં જતી રહી હશે?”

અકળાતો અકળાતો તાળું ખોલી ઘરમાં પ્રવેશ્યો.

 

ટાઈની નોટ ઢીલી કરી એ.સી ચાલુ કરીને સોફા પર શરીર લંબાવ્યું..ત્યાં તો પ્રિયાનો સેલ રણક્યો…

પ્રિયા અને પોતાનો ફોન આમ રેઢો મૂકીને બહાર નીકળી જાય એ બહુ નવાઈ કહેવાય..બાકી તો ચોવીસ કલાક એ અને એનો ફોન સાથે ને સાથે જ..

બબડતા બબડતાં સ્ક્રીન પર જોયું તો દર્શન કોઈ અજાણ્યું નામ જ ઝળક્યું.

 

આ વળી કોણ ? દર્શન નામના કોઈ જ વ્યક્તિને તો એ જાણતો જ નથી કોણ હશે એ ?

એણે ફોન ઉપાડ્યો. હજુ તો એ કંઇ બોલે એ પહેલાં જ સામેથી એક અધીર પૌરુષી અવાજ સંભળાયો..

હલો ડીયર..હજુ ઘરે છું ?  હું ક્યારનો અહીં રોયલ પ્લાઝામાં રાહ જોઉં છુ. કંઈ બોલતી કેમ નથી ..હવે બહુ તડપાવ નહી..ચાલ જલ્દી આવ..”

 

અને રાહુલ તો એક્દમ ભોંચક્કો થઈ ગયો !!

 

આ એની પ્રિયાનું અસલી રૂપ..એણે ફોનના ઈન-બોક્સમાં જોયું તો ત્યાં દર્શનના ઢગલોક મેસેજીસ ખડકાયેલા હતા. જે એ બેયના સંબંધોને બહુ સારી રીતે ઊજાગર કરતા હતા..

રાહુલને સમજાયું નહીં કે ક્યાં ખામી રહી ગઈ એના પ્રેમમાં? એ બેય જણે તો લવ-મેરેજ કરેલાં..તો આમ કેમ..?

 

હવે એ ઘટનાની બહુ ડિટેલ્સમાં ના જઈએ અને મુળ મુદ્દા પર આવીએ તો એમ કહી શકાય કે,

 

દરેક સ્ત્રી હોય કે પુરુષ, એમની આંખોમાં પોતાની કલ્પનાનું – સ્વપ્નાનું એક અનોખું પાત્ર રમતું જ હોય છે. પોતાની ક્લ્પનાનું સ્વપ્નપાત્ર‘. બહુ જ ઓછા લોકો કદાચ આ લિસ્ટમાંથી બાકાત રહી શકતા હશે. ગમે તેટલા સુખી કપલ હોય પણ એમના દિલમાં હંમેશા એક કોરોધાકોર ખુણો છુપાયેલો રહેતો જ હોય છે.

 

કોઈ પણ માણસ સર્વગુણ સંપન્ન નથી હોતું. આ એક સર્વસામાન્ય વાત છે. તો  સામેવાળાની દરેક જરુરિયાત કોઈ એક જ માનવી કઈ રીતે સંતોષી શકે?

 

 આપણે જ્યારે કોઈને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણને એની ખૂબીઓ જ ખૂબીઓ દેખાય છે. એની કમીઓ સામે આપણે સહેલાઈથી આંખ આડાકાન કરી દેતા હોઈએ છીએ. કારણ ? બીજું કંઈ જ નહી,ફકત પ્રેમ અને પ્રેમ જ. આ પ્રેમ બહુ જ દિવ્ય, પણ  સમજશક્તિને થોડી પેરેલાઇઝ્ડકરી દેતી અનુભૂતિ છે. કારણ ત્યાં ફક્ત અને ફક્ત દિલની વાતોનો રુઆબ હોય છે. એના રાજમાં દિમાગની એક પણ વાત નથી ચાલતી. પ્રેમ સામાન્ય પ્રેમી કે પ્રેમિકાને રતિઅને કામદેવબનાવી દે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિને પોતાનું પાત્ર સર્વોત્તમ જ દેખાતું હોય છે. એ કહે એ જ અને એટલું જ ખાવાનું..એ કહે તેવી જ હેર-સ્ટાઈલ કરાવાની, એને પસંદ હોય એ જ કપડાં કે દાગીના સુધ્ધાં એ કહે એવા જ પહેરવાના !!!

 

જો તુમકો હો પસંદ વો હી બાત કહેંગે

 

એકબીજાના પ્રેમમાં ગળાડૂબ પંખીડાઓ,’માંગ માંગ માંગે તે આપુજેવા મૂડમાં  ખોબલે ખોબલા ભરીને વચનોની આપ-લે કરી દેતા હોય છે.

 ઓહોહો !!

 કેટલી સરસ મજાની અને સુંદર દુનિયા હોય છે એ. કંઈ જ નહી વિચારવાનું..ફકત સામેના પાત્રની સહુલિયત.એની લાગણી, એની પસંદ-નાપસંદ બસ સતત એના એ જ વિચારો મનમાં કોયલ પેઠે ટહુક્યા કરે. વળી સામે પક્ષેથી એ ટહુકારના પડઘા પણ સતત પડઘાતા રહે..બસ એમ થાય કે,

જીવન જીવી લીધું.આ ક્ષણે મોત આવી જાય તો પણ કોઈ જ ગમ નથી !

 કૂણી કૂણી લાગણીઓ હૈયે સતત મહેંક્યા જ કરે. દિવસોના દિવસો પળવારમાં પસાર થઈ જાય અને ખબર પણ ના પડે..પણ જેમ જેમ સમય પસાર થાય એમ મગજમાંથી પ્રેમાસવની  અસર ઓ્છી  થતી જાય, એટલે સામેવાળા પાત્રની કમીઓ નજરે ચડવા માંડે છે. વાસ્તવિકતાની ધરતી પર પડતાં કદમો હકીકતનું ભાન કરાવવા માંડે છે.

 

પહેલાં એની કપડાં પહેરવાની સ્ટાઈલ તરફ  જે અહોભાવ હોય એ જ હવે જૂનવાણી લાગવા માંડે,,ખટકવા લાગે. ખિલખિલાટ હસતા રમતા તરો-તાજાં ફુલોના ઢગલાં જેવા દંપતિઓ લગ્નના એક દાયકા સુધીમાં તો અપેક્ષાઓ, સતત વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા મુઠ્ઠીઓ વાળીને મુકવી પડતી દોટ અને એ દોટના કારણે વેંઢારવા પડતા માનસિક અને શારીરિક થાકથી ત્રસ્ત થઈને, કાળની ચકકીમાં પિસાઈને ચિમળાઈ જાય છે. એક-બીજા પાછળ ઈચ્છવા છતાં તેઓ સમય ફાળવી શકતા નથી. જવાબદારીઓના પહાડો વધતા ચાલે છે અને આપેલા વચનોનું પોકળપણું છતું થઈ જાય છે.

 

 જોકે કેટલાંક સમજુ અને વિચારશીલ દંપતિઓ સમયાંતરે થોડો સમય ચોરીને પોતાના જીવનસાથી સાથે થોડો સમય ક્યાંક બહારગામ ફરવા ઉપડી જ જાય છે.અગ્નિની સાખે સાત ફેરા ફરેલા અને વચનોની આપ-લે કરેલી એ યાદ કરીને ફરી એક વાક્ય પણ ઉચ્ચારી લે છે કે,

હું તારી સાથે અનહદ ખુશ છું. મને મારું જીવન તારી સાથે વિતાવી  રહ્યાનો અનહદ આનંદ છે. મારે તારી જરુર છે

થોડાક કેસમાં એ કામ કરી પણ જાય છે, પણ અમુક કેસમાં ફરી એ જ કાયમી કામોની ઘરેડમાં જીવન ગોઠવાતા માંડતા એ માણેલા ગુલાબી રોમાન્સનો રંગ પાછો ફીકો પડી જાય છે. પીકચરોમાં આવતા રોમાન્ટીક હીરોને જોઈને, કે કોઈ નવલકથાનું મનપસંદ પાત્ર વાંચતા વાંચતા, કાં તો રીયલ લાઈફમાં કોઇ વિજાતીય પાત્ર એમને પૂરે-પૂરા સમજી શકે છે એવી ભ્રામિક લાગણી ઉતપન્ન થતાં એ પાત્રના પ્રેમમાં પડી જાય છે. મનમાં ને મનમાં સતત એ પાત્રની સરખામણી તેઓ પોતાના જીવનસાથી સાથે કરતા થઈ જાય છે. વિચારોના ફણગા ફટ ફટ ફૂટ્યા કરે છે ને એક અફ્સોસ ભરેલો નિસાસો નીકળી જાય છે,

 “કાશ, મારું પાત્ર પણ આમ જ વર્તન કરતું હોય તો !! આવા જ કપડાં પહેરતું હોય..આવી જ વાક્છ્ટા ધરાવતું હોય !!”

 

પછી તો કલ્પનામાં લાગણીના ઘોડાપૂર વહેવા માંડે.  દિલના એક ખૂણે સતત એ કાલ્પનિક સ્વપ્ન-પુરુષકે સ્વપ્ન-સુંદરીએનો અડ્ડો જમાવી જ દે છે. આંખો બંધ કરો તો પણ એ જ પાત્ર એમની સામે આવી જાય છે. ઘણાં પોતાના જીવનસાથીની ઊણપો આવા સ્વપ્નપાત્રોમાંથી સંતોષવાનો પ્રયત્ન કરે છે અને આંખોના દ્વાર ખોલતાં જ પાછા હકીકતની દુનિયામાં સેટ થઈને જીવવા માંડે છે. તો ઘણાં એ વિજાતીય પાત્ર તરફ અદ્મ્ય ખેંચાણ અનુભવે છે. કેટલીક્વાર એ ખેંચાણ પ્રણયસંબંધમાં પણ પરિવર્તિત થઈ જાય છે. ત્યારે તેઓ જાતને સતત સમજાવતા – છેતરતા રહેતા હોય કે,

હું આને પણ પ્રેમ કરું છું અને મારા જીવનસાથીને પણ. હું એને કોઈ જ દગો કે બેવફાઈ નથી કરવા માંગતો / માંગતી. ઊલ્ટાનું આવી રીતે તો હું થોડો હ્રદયનો ઊભરો અહીં ઠાલવીને, હળવો થઈને, તરોતાજા થઈને મારા જીવનસાથી સમક્ષ જઊ છું, અને એને પણ ખુશ રાખવાના પૂરતા પ્રયત્નો કરીને એને સંતોષ આપવામાં સફળ થાઉ છું.

 

 પણ એક હકીકતથી તેઓ સતત આંખ આડા કાન કરતા આવે છે કે તમારું સ્વપ્નપાત્ર ભલે ગમે તેટલું સરસ અને તમને સમજનારું હોય, પણ હકીકતે માનવી ફકત એક અને એક જ જણને સાચો પ્રેમ કરી શકે છે. બાકી તો બધું દિલને બહેલાવવાની વાતો જ છે.

 સ્વપ્ન પાત્રને પ્રિય પાત્રબનાવવાને બદલે પ્રિય પાત્ર સ્વપ્નપાત્ર બનેએનો વ્યાયામ માનવીએ સતત કરવો જ રહ્યો.

 

હમણાં જ ક્યાંક વાંચ્યું કે કે ,’કેલિફોર્નિઆ યુનિવર્સિટીના ડોકટર જહોન ગોટમેન નામના સંશોધકે ત્રણેક હજાર જેટલા કપલના સહજીવનનો અભ્યાસ કર્યો અને અંતે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે જે લગ્ન સંબંધોમાં પુરુષો પત્નીને ઘરના નાના નાના સાફસૂફીના,કરિયાણું લાવી આપવામાં, શાકભાજી સમારી આપવામાં મદદ કરતા હોય છે તો એમના જીવનમાં એક અનોખું જ ‘એટેચમે ન્ટ’  જોવા મળે છે. પતિને પોતાના કામની પૂરતી કદર છે.પોતે ફકત આ ઘરકામના ધસરડાં કરવા જ આ ઘરમાં નથી આવી. આ બધાની સકારાત્મક અસર એમના સહજીવન પર પડે છે.તો સામે પક્ષે પત્નીએ પણ પોતાના પતિદેવની ધંધાની દરેક વાતો રસપૂર્વક સાંભળીને એને સતત પ્રોત્સાહન આપતા રહેવું જોઈએ. સંતાનોની જવાબદારીઓ નિભાવતા-નિભાવતા બેધ્યાનપણે પતિદેવ તરફ તો ક્યાંક ઉપેક્ષા નથી દાખવતીને એ ધ્યાન રાખવું જ ઘટે. જીવનના દરેક તબક્કે એણે પહેલાંની જેમ જ પતિ માટે સાજ-શણગાર કરીને મનમોહક દેખાવાનો, વાણીમાં મીઠાશના , વર્તનમાં ધીરજ-વ્હાલના  સભાન પ્રયત્ન કરવા જોઈએ.આ બધું સહજીવન સદાને માટે રસદાયક બનાવે છે.

 

બેય પક્ષે જો થોડી બાંધ-છોડ અને ધીરજથી જીવાય તો લગ્નજીવન સ્વર્ગ સમાજ બની જાય છે. સ્વપ્નાની ખોખલી દુનિયાનો અંત ક્યારેક તો આવે જ છે, અને જ્યારે એ  તૂટે છે ત્યારે માનવી ક્યાંયનો નથી રહેતો.. ઘણીવાર એની હાલત ધોબીકા કુત્તાજેવી થઈ જાય છે..સ્વપ્નપાત્ર પણ હાથતાળી આપી જાય અને પતિ કે પત્ની પણ એ સંબંધોના કારણે વિશ્વાસ-ભંગના આઘાતથી તરછોડી દે છે. એના કરતાં વાસ્તવિકતાને સ્વીકારીને, જીવનમાં થોડું સમજદારીથી કામ લઈને, અપેક્ષાઓમાં થોડી બાંધ-છોડ કરીને, એક બીજાની વાતો અને જરૂરિયાતો સાંભળવા માટે પૂરતો સમય ફાળવીને એક તંદુરસ્ત લગ્નજીવન જીવવું એ વધુ હિતાવહ છે. જો બેયના શોખો અલગ અલગ હોય તો બેય જણ એકબીજાની પસંદ અને મરજી સમજીને એને થોડું પ્રોત્સાહન આપવું જોઈએ. જવાબદારીઓમાંથી ભાગી છૂટવાના પ્રયત્નરુપે

તું તારું કરી લે..હું મારું ફોડી લઈશવાળી વૃતિ તો ના જ અપનાવાય ને. એણે કરેલા નાના નાના કાર્યોની પણ કદર કરતા રહેવું જોઈએ..વારેધડી બેય જણે એક-બીજાને સતત એ વાતનો અહેસાસ કરાવતા રહેવું જોઈએ કે,

તું હજુ પણ એના જીવન માટે સૌથી મહત્વની વ્યક્તિ છે. તારા થકી જ મારું જીવન મહેંકે છે.”

 

સ્નેહા પટેલ

 

વેકેશન – મોસાળ – ખંભાત


Smruti khodaldhaam mag.  ‘Aachman’ column – july – 2012.

આજે બહુ વર્ષો પછી ખંભાત – મારા મોસાળ જવાનું થયું.બાળપણના ઘણાખરા ઉનાળુ વેકેશન નાના-નાની, માસીઓના ઘરે જ વીત્યા છે.

વેકેશનનો સમય એટલે ઉનાળાનો સમય. તાપથી બચવા બને એટલા વહેલાં ઉઠીને સવારની પહેલામાં પહેલી બસ જ પકડવાનો આગ્રહ રખાય..એસ ટી સ્ટેન્ડ પર હંમેશા ૨૦-૨૫ મીનીટ તો રાહ જોવી જ પડે..બસ આવે એટલે ભીડમાં ધક્કા મુક્કી કરીને, લોકોના ગંદા સ્પર્શથી બચતા બચતા બસમાં ચડવાનું (જેના માટે ઘૂસ મારી જેવા શબ્દ પણ વાપરી શકાય) અને છેક્ક્ક આગળની સીટ પર જઈને બધાની સીટ રોકવાનું કામ મેં સ્વેચ્છાએ ઉપાડી લીધેલ હોય..એ કામ પતે એટલે હું આજુ બાજુ બધાંને જોયા કરું..જેમને ગમતી સીટ મળી જાય એમની સામે આપોઆપ જ થોડું હસી પડાય અને જે લોકોને બેસવા માટે સમૂળગી જ સીટ ના મળી હોય એ લોકો કરતાં હું કેટલી સ્માર્ટ અને ચપળ એવો છૂપો ગર્વિલો ભાવ મગજમાં નશો ચડાવી દે.

પહેલેથી જ પંચાતીયો જીવ ના હોવાથી બારીની સીટ મને વધુ ગમે. બસની અંદરનું બંધ વાતાવરણ મને બહુ સમય એના મોહપાશમાં બાંધી ના શકે..એસટી ની ઉપરથી ખૂલે કાં તો નીચેથી એવી અધખૂલી બારીમાંથી મારી ઉત્સુક નજર કાયમ બહારની દુનિયાને કૌતુકથી નિહાળ્યા જ કરે.. કાળી કાળી ડામરની સડકો પર ચકરાવો લેતી ઝીણી ઝીણી ધૂળ, વૃક્ષોની હારમાળા, એની પાછળથી ચળાઇને આવતા સોનેરી તડકાની સંતાકૂકડી મારા મોઢા પર ઝીલવાની બહુ મજા આવે.. એ મોઢા પર પડે એટલે મારુ મુખ પણ સોનેરી સોનેરી થઈ જાય..થૉડું રતાશ પકડે અને આપણે જાણે સોનપરી …આપણી જ કલ્પનાની દુનિયા અને આપણે જ રાજકુમારી જેવી ભાવના સાથે ઘણીવાર આંખો બંધ થઈ જાય જાય..પણ એ બહુ લાંબુ ટકે નહી. એસટીનો ડ્રાઈવર પાંચ મીનીટથી વધારે એવા લોચનબંધ કરીને કલ્પનાવિશ્વમાં વિહરવા ના દે…રસ્તાના ખાડા ટેકરાંની ઐસી કી તૈસી કરીને બને એટલો રસ્તો વહેલો કાપવાની વેતરણમાં જ હોય એટલે આપણું માથું પેલી અધખુલ્લી બારીની ગ્રીલ સાથે આગળ પાછળ ઘસાતું ઘસાતું ખટાક-ખટાક અથડાયા જ કરે..અને વાસ્તવિકતાની દુનિયામાં પાછા ધડામ્મ્મ..!

એસટીની ખટારા બસમાં, ડીઝલની અને આજુબાજુમાં ભરચક્ક માનવદેહની પરસેવાની માથું ફેરવી નાંખતી વાસ સહન કરતાં કરતાં લગભગ દોઢેક કલાક વીતે અને છેલ્લે તો ધીરજ હાથમાંથી સરતી જાય. ખેડા-તારાપુર.. એમાં પણ જો બસ ક્યાંક પેટ્રોલ સ્ટેશન પર ઉભી રહે  અને ૧૦ મિનીટ વધી જાય તો તો થઈ રહ્યું..ધીરજનો ઘોડો બેકાબૂ થઈને લગામ તોડીને ભાગી જ નીકળે ને અકળામણના રેલા ઉતરવા લાગે. ત્યાં તો લાંબા લાંબા તાડના ઝાડ નજરે ચડે એટલે મગજમાં છમ્મ કરતુંકને પાણી રેડાય અને બાજુમાંથી મમ્મીના આશાભરેલા વાક્યો ચાલુ થઈ જાય..બસ બેટા..હવે થૉડી ધીરજ.. આ જો નારિયેળી દેખાય ને હવે તો ખંભાત આવ્યું જ સમજ..બસ…

‘કેટલી મીનીટ થશે મમ્મી..?’

‘બસ..૧૦ મીનીટ ..’

જોકે એ વખતે હાથે ઘડિયાળ ના હોય એટલે દસ મીનીટ અને ૨૦ મીનીટનો તફાવત બહુ સમજાય નહી..બધું ય સાપેક્ષ..

પણ આ વખતે તો હાથમાં ઘડિયાળ હતી..સમય અને હોદ્દો બેય બદલાઈ ગયેલું.. પ્રગતિનો પવન..આજે હું એસી ગાડીમાં હતી અને એ પણ મમ્મીના પદ પર બિરાજમાન મારા બાર વર્ષના દીકરાની જોડે.

એસટી સ્ટેશનથી અંદર ઘૂસતાં જ એ જાણીતી સડકો ઉપર બહુ બધું અજાણ્યું ઉગી નીકળેલું હતું. ગાડી દરિયાના રસ્તેથી જમણાં હાથે વળીને એ જ પરિચીત પતલી ઘુમાવદાર સડક પરથી મોસાળની ગલી તરફ વળી..પણ આ વખતે મોસાળમાં નહોતું જવાનું..નાના-નાની જ ક્યાં રહેલા હવે તો મોસાળનું ઘર રહે..  આ વિચાર સાથે જ  દિલમાં પીડાની એક તીખી લહેર પ્રસરી ગઈ..અલીંગ વટાવતા વટાવતા તો એ જ જાણીતી સાંકડી – પતલી સીધી લીટી જેવી ‘ગાંધીની પોળ’ નજરે પડી અને ધ્યાન બહાર જ આપોઆપ ગાડીની બ્રેક પર પગ દબાઈ ગયો.

બે પગથિયા ચડીને પ્રવેશાય એવી ૬-૭ ફૂટ પહોળી ગલી..દૂરથી જોતાં ડાબે જમણે ફેલાયેલા જૂના જમાનાની લાકડાંની બાંધણીવાળા મકાનો ઉપર આધુનિકતાનો થોડો થોડો ઢોળ સ્પષ્ટપણે દેખાતો હતો..કાને  બહેનપણીઓનો સાદ પડ્યો અને  ધૂળીયા જમીનમાં ખાડો ખોદી ખોદીને ગિલ્લી દંડાની રમત રમતી હોઊ એવો ભાસ થયો. જમણાં હાથે ખાલી પ્લોટ હતો જ્યાં અમારી તોફાની મંડળીએ  ઢગલો નાટકો બનાવેલા અને ભજવેલા..જોનારા પણ અમે પોતે જ તો વળી. આ જ જગ્યાએ વીણી વીણીને ભેગી કરેલી માચીસના બોકસની આગળ પાછળનું પૂઠું કાપીને ‘છાપ’ રમતા હતાં, ધૂળિયા જમીનમાં ખાડો જેને અમે ‘ગબ્બી’  કહેતા એ ખોદીને લખોટીઓ રમતા..જમીને કેરમા બોર્ડ…વેપાર- જેવી બધી ‘ઈનડોર ગેમ્સ’ આવી જાય.. રાતના સમયે જમી કરીને  નાના- નાનીની આજ્ઞાનું પાલન કરીને દેરાસર દર્શન કરીને પાઠશાળામાં નવી નવી ધાર્મિક ગાથાઓ શીખી લઈને નવરા ધૂપ થઈ જઈને  અંધારામાં થપ્પો રમતાં.. છેક અંદર અંદર અંધારિયા ખૂણામાં  છુપાઈ જવાનું…થોડી બીક લાગે પણ પકડાઇ જવાની શરમે એ બીક સહન થઈ જાય.

આ બધી ધમાલો પછી બધા ભેગા થઈને અમારી કામવાળી બાઈ જેને ‘ગોલણ’ કહેતા હતા ( ખંભાતમાં આવી ગોલણો ઠેર ઠેર પગના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે લોખંડ્નો પતલો ડંડો ભરાવી અને એના ટોચકા પર બીજા હાથે લાકડાની જાડી સળીના છેડે લોખંડનો ટુકડો ભરાવી હથોડી જેવા શેઈપના ડંડાથી અકીકના પથ્થરો ટાંચી ટાંચીને અકીકને શેઈપ આપતી નજ્રરે પડે..એનું ધ્યાન ચૂકવીને મેં પણ એવા અખતરા કરી લીધેલા છે…એક પણ ટુકડો આંખમાં ગયો તો આંખો ગુમાવવા સુધીની ઇજા પહોંચી શકે.. પણ એવા જોખમોની સામે કંઇક નવા અખતરા –રોમાંચ આ બધાંનુ એ સ્મયે વધુ મહત્વ) એના  ઘરે અડ્ડો જમાવીએ.. ઉનાળાની સિઝનમાં રોજ રસ તો હોય જ…સવારે ખાધેલી કેરીઓના ગોટલાં એ ગોલણને આપી રાખીએ.. જેને એ પોતાની સાંજની રસોઈ પછી ઠરતાં જતાં ચૂલ્હામાં શેકી આપે અને અમે અણીદાર પથ્થરથી એને તોડી ર્તોડીને અંદરથી ગોટલી કાઢીને એનો ઢગલો કરીએ..

બધું ય કામ પતાવી અને નાનાના ત્રણ માળના મોટા ઘરમાં બીજા માળે આવેલા એક વિશાળ રુમમાં વચ્ચે વચ્ચ આવેલા હીંચકા પર આખીય ટોળી મોટા મોટા હીંચકા ખાતા ખાતા એ ગોટલી સરખા ભાગે વેચીને ખાઇએ..કોઇને વધુ જાય તો ઇર્ષ્યા – ગણત્રી નહીં કે ઓછું આવે એનો રંજ નહીં..બસ મજ્જ્જ્જાની લાઈફ..એમાં ય પાછો કોઇના મગજમાં વિચારનો ફણગો ફૂટે તો એક બારકસ હીંચકાની નીચેની બાજુ આમથી તેમ જમીનસરસો થઈને લસરે.. મગરની જેમ ..હીંચકો કોઇ પણ ભોગે ચાલુ રહેવો જ જોઇએ એ શરતે દાવ આપનાર અમારા પગને ના સ્પર્શી જાય એનું ધ્યાન રાખતા રાખતા અમારે અમારા પગ ઉપર લઈ લેવાના..એક હીંચકો..૭- ૮ જણની અમારી ટુલ્લર..હોહા..ઘમાલ મસ્તી …નવાઇની વાત તો આટલી ધમાલો પછી પણ   હીંચકા પર બેલેન્સ રહી જ જાય.. ક્યારેય કોઇ એક્સીડન્ટ નથી થયો..

એવામાં નાનીની બૂમો પડે..

‘ચાલો હવે..બહુ મોડું થયું..સૂવાનો સમય થઈ ગયો.’

એટલે બધાંયના મૉઢા વિલાય..બાળપણી જીવને ક્યારેય રમતથી સંતોષ થયો છે આમે..! આંખો ને આંખોમાં ઈશારાઓ થાય..સળંગ ઘરોના સળંગ ધાબા..વચ્ચે એક નાની શી પાળી જ હોય..બધાં ય ધાબે સૂવાનો પ્લાન ઘડે અને પછી નાનીને સૂવા જવાનું કહીને ધાબે જવાનું..ત્યાં અગાશીની બહાર આવેલ જૂનું લાકડાનું કબાટ ખોલી આપણી મનપસંદ પથારી કાઢી લેવાની. અગાશીમાં ઍ પથારી પહોળી કરી એના પર ચાદર પાથરી ઓશિકુ અને ઓઢવાનું સરખું એની જગ્યાએ મૂકીને આપણી ટુલ્લર ચાતક નજરે રાહ  જોતી હોય એ અગાશીમાં પહોંચી જવાનું. એક ખટપટીયો જીવ ક્યાંકથી બલ્બ સળગાવવાની વ્યવસ્થા કરી લાવે અને પછી ચાલુ થાય અમારી પત્તાની ગેમ…

નાના- નાની પણ પછી તો આવીને અમને રમતાં જોઇને કંઇ બોલે નહીં.

‘બહુ મોડું ના કરતાં દીકરા’ના બે ચાર વાક્યો કહીને સૂઇ જાય..અને આપણે મનના રાજા… ૨-૩ વાગ્યે આંખો બંધ થવા લાગે ત્યારે બીજા દિવસનો પ્રોગ્રામ ઘડીને કમને છૂટા પડીએ..તે સીધી બીજા દિવસની સવાર..!

બંસીકાકા..નાનાની દુકાનમાં કામ કરતા બંસીકાકા હજુ યાદ છે. તાડફળી ખાવાનો મૂડ આવે ત્યારે ખંભાતની સારામાં સારી તાડફળી શોધીને લાવી આપવાની જીદ સાથે ખંભાતની ગલીઓમાં  સાઈકલ પર એમને બહુ દોડાવ્યાં હતાં. એ લાવી આપે એટલે પ્રેમથી પાછા એમાંથી એમના હિસ્સારુપે બે એક તાડફળી શોધીને એમને આપતાં પણ ખરા અને એનો એ બહુ જ પ્રેમથી સ્વીકાર પણ કરતાં..હવે તો એ બંસીકાકા પણ  હયાત નથી.

ખંભાત જઈએ ત્યારે મને પીવના પાણીની બહુ મોટી તકલીફ પડે. ત્યાંનું ખારું ખારું પાણી તો ઉલ્ટી થઈ જાય એટ્લું ખારું..મોટાભાગે દરેક ઘરમાં એક ‘ટાંકું’  જોવા મળે..(આવા ટાંકા તો પિકચરોમાં જ જોયેલા હોય એટલે આપણને તો એની ભારે નવાઈ અને ઉત્સાહ-રોમાંચકારી કામ લાગે ) એમાં પિત્તળનો ચકચકાટ ઘડૉ દોરડું બાંધીને ઉતારીને એમાંથી મીઠા પાણી ખેંચવાની મજા જ અનેરી..પણ તકલીફ એ કે એ પાણે જરા વિચિત્ર રીતે જ મીઠું લાગે….છેલ્લા ઉપાય તરીકે હું ખારુ અને મીઠું બેય પાણી મિક્સ કરીને પી  લઊં..હજુ એ સમયે કુવામાં મોઢું નાંખીને મોટે સાદે અમારા નામ બોલીને એના સાંભળેલા પડઘા કાનમાં ગૂંજે છે..

એ ત્રણ માળનું ઘર અત્યારે  મને આકર્ષી રહેલું..મને ત્યાં જવાની તીવ્ર ઇચ્છા થઈ પણ ત્યાં તો એ ઘરમાંથી હાથમાં દાતણ અને બીજા હાથમાં લોટૉ લઈને બ્રશ કરવાની તૈયારી સાથે એક કાકા ઓટલે ડોકાયા અને મગજમાં એક તીવ્ર સબાકો વાગ્યો..આ ઘર હવે કયાં આપણું..જેની દિવાલે દિવાલે મારા નાજુક ટેરવાંની છાપ પડેલી, લાદી-લાદીએ મારા પગની પાનીના ટહુકા વેરાયેલા…આખે આખું ઘર મારી ધમાલ મસ્તીથી ભરચક, હાસ્યની છોળોથી રંગાયેલુ એ ઘર અમારું ક્યાં ..એ તો નાના નાનીના મૃત્યુ પછી વેચાઈ ગયેલું..મારે તો હવે એને દૂરથી જોઇને જ સંતોષ માનવો રહ્યો.જ્યાં શૈશવની અમૂલ્ય પળો વિતાવેલ હોય એ જગ્યા હવે પારકી થઈ ગઈ હોય એનો રંજ દિલને અંદરોઅંદર કોતરી રહેલો. ઈંટ, માટી, ચૂનાના બનેલા ઘર સાથે પણ માનવીને કેવો  લગાવ થઈ જાય છે એનો અનુભવ કર્યો. ખડકીમાંથી બજાર,સીમંધર સ્વામીનું દે’રું..થુભનું દે’રું..ચોકસીની પોળ, કાછિયાપાડ, લાલ દરવાજા, , સક્કરપુર, દેવાનનગર, માદળાના તળાવની ભૂતાવળી કહાની,હલવાસન- પાપડનું ચવાણું -સુતરફેણી… જેવા નામના પડઘા પડી રહેલા અનુભવ્યા.

અને આંખોમાં આંસુ સાથે જે પગથિયે ઉભા રહીને અનેકો વરઘોડાઓ જોવાનો આનંદ માણેલો એ પગથિયાંને નજરસ્પર્શ કરીને માસીના ઘરની દિશામાં ગાડીને હંકારી.

બાજુમાં બેઠેલો મારો સમજુ દીકરો ચૂપ-ચાપ મને  આશ્ચર્યથી નિહાળી રહ્યો.

સ્નેહા પટેલ

sneha_het@yahoo.co.in

સ્વાભિમાન – અભિમાન


સ્મૃતિ ખોડલધામ મેગેઝીન > આચમન કોલમ > જુન-૨૦૧૨

 

સ્વાભિમાન – અભિમાન

માનવી…એની અવઢવ : ‘ શું હું કંઇ જ નથી – ના-ના, હું બધું જ છું…અત્ર-તત્ર -સર્વત્ર. !.મારાથી કંઇ નથી થઈ શકતું શું કરું..  અરે, આ હું કેમ ના કરી શકું !

આ અવઢવમાં હક, અપેક્ષાઓની રંગપૂરણી થાય – ‘મને પણ શાંતિથી જીવવાનો હક છે..માંડ માંડ મળેલું આ માનવજીવન પાણીની જેમ વેડફી તો ના જ નંખાય ને..મારા ઢગલો સપનાઓ, ઇચ્છાઓ, બધાંનો જન્મ એના પૂર્ણત્વને ભેટવાને પૂરા હકદાર છે. દુનિયાની દરેક સારી વસ્તુ માટે હું સૌથી લાયક વ્યક્તિ છું કારણ, દુનિયાના કોઇ પણ માનવીનું મેં ક્શું જ નથી બગાડયું એટલે તેઓ પણ મારું કશું ના જ બગાડી શકે..એમણે મને કશું  આપ્યું નથી તો મારી પાસેથી કંઇ મેળવવાની આશા નક્કામી જ ઠરે..એ જ પ્રમાણે મેં કોઇને જો મદદ કરી છે તો સામે એનો બદલો મેળવવાની (ચક્રવૃધ્ધિ વ્યાજ કોને વ્હાલું ના હોય ) એષણા એ સહેજ પણ અસ્થાને નથી. હું એક જીવતું જાગતું ઉત્સાહથી છલકાતું ઇશ્વરનું સુંદર મજાનું રમણીય – ગમતીલું સંતાન – સર્જન. આ સર્જનના મિજાગરાઓ સફળતાના તેલથી સતત ઉંજાવાની પ્રક્રિયા ચાલવી જ જોઇએ, જેથી મારું જીવન મારી ઇચ્છા મુજબ્ સરળતાથી મનધાર્યા રસ્તે અવિરત ચાલતું રહે. પ્રૂથ્વીના નાનામાં નાના જીવની જેમ જ મારી સ્વતંત્રતા મને અનહદ પ્રિય છે…જીવથી પણ અદકેરી..એના રખોપા માટે હું મારી એડી ચોટીનું જોર લગાવી શકું છું. સ્વતંત્રતા મારો જન્મસિધ્ધ અધિકાર છે. ‘

આ છે માનવીના મગજમાં આખા જીવન દરમ્યાન ચાલ્યા કરતા જાત જોડેના જાતના સંવાદોની વણથોભી વણઝાર..જાતે જ બોલો..જાતે જ સાંભળો..જાતે જ નિર્ણયો લો..જાતે જ એ નિર્ણયો પર અમલ કરો અને જાતે જ એના ફળ  ભોગવો. જીવનના દરેક સ્ટેજ પર માનવીને વત્તે ઓછે અંશે પોતાની શારીરિક તાકાતનું મહત્વ સમજાતું જ હોય છે. નાના બાળકમાં પણ પોતાનાથી જોરાવર બાળક પરત્વે આછી ઇર્ષાના લસરકા હોય છે, જુવાનિયાઓ ‘ જાકે ના આયેગી યે જુવાની ‘ના સમયગાળા દરમ્યાન પોતાના ઉત્સાહ, સાહસ,સફળતાનો ઝરો સદા ઉભરાતો રહે એની ભાંજગડમાં વ્યસ્ત..તો પોતાની વસંત ગુમાવી બેઠેલા વયસ્કોના પાનખરી નિસાસાઓમાં સૂકા, ખરી ગયેલા અને આંધી સાથે આમથી તેમ ભટકતા..ઉડતા..ખખડતા અનુભવી વર્ષોનો પાકટ કોલાહલ ડરામણી રીતે ભળેલો હોય છે.

માનવીને જ્યારે એનું શરીર સાથ આપતું હોય, એની શારિરીક શક્તિનો પારો ઉચ્ચતમ સપાટીને સ્પર્શતો હોય ત્યારે એના દિમાગમાં બેધ્યાનપણે ‘અહમ’ નામનો  અદ્ર્શ્ય  રાક્ષસ જન્મતો, વિકસતો હોય છે, શારીરિક જોર થકી મળતી સફળતાની દરેક ઇંટ એના ભ્રમ,માન્યતાની દિવાલ વધુ ને વધુ ઉંચી અને મજબૂત કરતી જાય છે. મનુષ્ય તો આખરે મનુષ્ય..એ તો પોતાના ‘અહમ’ને ‘સ્વાભિમાન’ જેવા રેપરમાં વીંટતા રહેવાની ભાંજગડમાં જ રત રહે છે, અભિમાનના હિંડોળે વધુ ને વધુ ઉંચો જઈને ઝૂલતો- ઝૂમતો રહે છે. પોતાનું સ્વાભિમાન લોકોની નજરે અભિમાન બનતું જાય છે એ  ઉંચાઈ પરથી નિહાળવાની સમજ અને દષ્ટી બેય ગુમાવી ચૂક્યો હોય છે. સ્વાભિમાન અભિમાનની પરતો હેઠળ ઢંકાતું જાય છે..ઝાંખુ થતું જાય છે..અભાનપણે માનવીમાં એનાથી ઓછા સમર્થ લોકોમાં એક હીન ભાવના જન્માવવાનો, એને પોસવાનો વિક્રુત શોખ વિકસતો થતો જાય છે. પોતાની સફળતાના તેજમાં ચકાચોંધ કરીને એ લોકોને સતત પોતાની શિખામણો, સ્વસ્તિવચનો સાથે સિધ્ધીઓની ઝાંખી કરાવતો નબળા લોકોને હીન ભાવનાના વમળોમાં વધારે ને વધારે ઉંડા ધકેલી દે છે, કોમ્પ્લેક્ષના કુવામાં ધક્કો મારતો રહે છે…એના અત્મવિશ્વાસના મૂળિયા જડમૂળથી હચમચાવી કાઢે છે…એની માનસિક શક્તિ – વ્હીલપાવરના ફૂરચેફૂરચા ઉડાવી કાઢે છે. એ તૂટતા -વિખરાતા અસમર્થ વ્યક્તિની દશા એના અહમને વધારે ને વધારે સંતોષતી જાય છે. ટેકરો ઉંચો ને ઉંચો બનતો જાય છે. માનવીમાંથી અમાનવી તરફનું પ્રયાણ..!!

 

એ પોતાના ગાણા ગાવાના તાનમાં જ હોય છે…નકરું બોલ બોલ કર્યા જ કરે છે..કોઇની આપવીતી તકલીફો સાંભળવાની ફુરસત પણ નથી હોતી પોતાની મસ્તીમાં જ ગુલતાન. ‘સારી દુનિયા મેરી મુઠ્ઠીમેં, મેં દુનિયા કા સુલતાન..’

 

લોકો મારી સફળતાથી ઇર્ષ્યાની આગમાં બળે છે તેથી જ મારા સ્વાભિમાનને અભિમાનમાં ખપાવે છે. હું આટઆટલી મહેનત કરું છું, તન મન બધીય રીતે પૂરેપૂરો ઘસાઇ જઉં છું ત્યારે સફળતાની દેવી મારા શિરે તાજ પહેરાવે છે જેનો ગર્વ લેવો એ મારો અધિકાર છે.મને મારું સ્વાભિમાન, ખુમારી  અનહ્દ વ્હાલા છે…હોવા જ જોઇએ એ તો…કબૂલ..પછી ધીમે ધીમે સ્વાભિમાન-ખુમારી માણસમાંથી  બહાર છલકાવા લાગે છે..ઢોળાવા લાગે છે..દદડતું દદડતું અંતે એ અભિમાન બની જાય છે. એ અલગ વાત છે કે માનવીને પોતાને એ વાતની ખબર નથી પડતી. એ તો એક પ્રકારના ‘ટ્રાન્સ’માં જ જીવતો હોય છે આ બધું ઢોળાવું – વેડફાટ એ ક્યાં જોઇ સમજી શકવાનો…!

 

એક દિવસ અચાનક એના શરીરનું કોઇ એક અંગ બળવો પોકારે છે.રોકેટ જેવી ગતિને અવરોધક બની જાય કાં તો કાયમ માટે હડતાળ પર ઉતરી જાય છે. ત્યારે સ..ર…ર..સ..ટ..ટા..ક આ બધોય ‘ટ્રાન્સ’ તૂટી જાય છે. માનવી જીવ પર આવી જાય છે, મરણિયો થઈ જાય છે અને પોતાની શારીરિક તાકાતને સાચવી રાખવાના ‘યેન કેન પ્રકારેંણ’ હવાતિયા મારવા લાગે છે.

 

હવે માણસ તો માણસ છે, ભગવાન થોડી છે. અમરપટ્ટો મેળવીને થોડો આવ્યો  છે ..બનવાકાળ જે થવાનું હોય છે એ તો આખરે થઈને જ રહે છે., એના ધમપછાડાથી કંઇ વળતું નથી ઉલ્ટાંનો શારિરીક-માનસિક રીતે એ નીચોવાતો જાય છે. જીવનના રસ્તે ભટકાયેલા તોડેલા-ફોડેલા -વિખરાઈ ગયેલા અસમર્થ માનવીઓ એની આંખ સામેથી એક ચિત્રપટની રીલની જેમ પસાર થવા માંડે છે, એમની વાતોને મજાક માનીને હસી કાઢવાની પોતાની ભૂલ પર ભરપેટ પસ્તાવો થાય છે. હવે એને પોતાનો રોલ બદલાતો દેખાય છે..

 

‘સર્વશક્તિમાન સમર્થ’માંથી ‘અસમર્થ – પરવશ’ લોકોની યાદીમાં પોતાનો સમાવેશ થતો દેખાય છે..સામે પક્ષે નવા ઉભા થયેલા સમર્થોની હાંસી પર હવે એ ગુસ્સે પણ નથી થઈ શકતો. નકરા માનસિક – શારીરિક ઘર્ષણોએ આપેલ ‘ડાયાબિટીસ અને પ્રેશર જેવા રોગોની ભેટ એને ગુસ્સે થવાની પરમીશન પણ નથી આપતાં.. ધીરે ધીરે એણે અપમાન સહન કરવું,ગુસ્સો પી જવો જેવી ટેવ પાડવી પડે છે..શીખવું પડે છે.

 

ધીરેથી સ્વાભિમાન જેવો શબ્દ  ડીક્ષનરીમાંથી કોરાણે મૂકાઈ જાય છે.અને સમતા જેવો શબ્દ પ્રવેશતો જાય છે. પરિણામે માનવી માનસિક રીતે મજબૂત થતાં શીખે છે. સમજણથી છલકાઇ ઊઠે છે. હવે એ ફરીથી સમર્થ થાય છે..પણ શારીરીક રીતે નહી માનસિક રીતે.. જોકે આ બધી સમજ માનવીનું શારીરિક શક્તિનું ગુમાન ઓસર્યા પછી જ આવે છે..

 

એક થીયરી ચોકકસ ઘડી શકાય કે ‘શારિરીક તાકાત અને અહમ બેય એક બીજા જોડે અપ્રત્યક્ષ  રીતે જોડાયેલ હોય છે’

 

-સ્નેહા પટેલ

વહેતા રહો


shree khodaldhaam smruti magazine>aachman column >May-2012


‘સતત વહેતા રહેવુ’

દરેક માનવી માટે આ એક અતિ-અનિવાર્ય  ગતિ છે. આ વહેવું એટલે શું..?

જીવનમાં ડગલે ને પગલે ઉતપન્ન થતી મુશ્કેલીઓ વખતે માનવીની ધીરજ ખૂટી જાય એ બહુ જ સ્વાભાવિક વાત છે. જીંદગી ટેકનીકલરમાંથી કાળી-ધોળી કે કાબરચીતરી બની જાય છે. આવા વખતે વિચારો પર વજ્રઘાત થાય છે.. અને માનવીની બધીય શક્તિ જાણે પેરેલાઈઝ્ડ થઈ જાય છે. પેરેલાઈઝડ તન કરતાં મન વધારે ખરાબ..એવી સ્થિતીમાં માનવી સખત તાણ અનુભવે..

‘આખી દુનિયામાં પોતે સાવ એકલો થઈ ગયો છે..પોતાની કોઇને જરુર નથી…સગા સૌ સ્વાર્થના – પૈસા’ના જેવી માનસિકતા ઉતપન્ન થાય છે, જે એને નેગેટીવીટીના કાળા ભમ્મર કુવામાં ધકેલી દે છે જયાં હતાશાની ભૂતાવળ એને શાંતિથી જીવવા નથી દેતી.

દરેક મનુષ્યની અંદર એક બીજો સ્વ રહેતો હોય છે જે એક્દમ ખાનગી હોય છે, એનો પોતીકો..સાવ અંગત. જે સામાન્ય પણે જાહેરમાં ક્યારેય નથી આવતો સિવાય કે કોઇ પરિસ્થિતી એને લાચારીની હદ સુધી ખેંચી જઈને એને બહાર ખેંચી આવે. જે હંમેશા એની ઇચ્છા મુજબ નથી વર્તી શકતો. એને મુશ્કેટાટ બાંધી રાખવો પડતો હોય છે. બહુ જ ઓછા માણસ આગળ એ પોતાનો અસલી ચહેરો બતાવી શકે છે. પોતે જેવો છે, એવો જ બનીને નિઃસંદેહ, નચીંતપણે વહી શકે છે. બાકી બધે તો ડાહ્યું ડાહ્યું, સમજદારીનું મહોરું ચડાવીને જ વર્તન કરવું પડે છે. ચીની કહેવત યાદ આવ્ફી ગઈ ‘ બળેલો કાચબો પોતાની યંત્રણા છુપાવીને જીવે છે.’

આજના ધમાલિયા અને ટેન્શનીયા જીવનમાં માનવી એવા નચિંતીયા સંબંધોને કારણે જ ટકી જાય છે.દરેક માનવીમાં ક્યાંક ને કયાંક એ ‘વહેણ – સંબંધ’ની ભૂખ તરસ ધખતી જ હોય છે.ઘણા માણસોને પોતે જે કહેવું હોય એ કોઈને ચોકખે ચોકખું કહી – સમજાવી નથી શકતા.. એમની પાસે આસાન અભિવ્યક્તિની ‘ગોડ-ગિફ્ટ’ નથી હોતી. તેથી એમને બહુ તકલીફ પડે છે. એ લોકો મોટાભાગે ચૂપ ચૂપ રહેતા હોય છે. અંદરખાને અકળાતા હોય છે. એમને જરૂર હોય છે એવા સાથીની જે એમના મૌનને સમજી શકે, એમના વર્તનને સમજી શકે. એમની સાથે લાગણીથી જોડાયેલ કોઈ વ્યક્તિ જો રોજ-બરોજના એમના વ્યવહારથી અને સહવાસથી એમને સમજવાની શક્તિ વિક્સાવી શક્યા હોય તો, તેઓને જાણે ‘ગોળનું ગાડું’ મળી ગયું હોય, ‘ખુશીનો સૂરજ હાથમાં ઊગી ગયો’ હોય એમ લાગે.

જરુરી નથી કે એ મોકળાશ તમને જીવનસાથીમાં જ મળી શકે. રોજ-બરોજની સાથે જીવાતી જિંદગી એક-મેકને  ઘણીવાર ‘ટેક્ન ફોર ગ્રાન્ટેડ’ જેવી સમજતી થઈ જાય છે. એવા વખતે કોઈ સારો મિત્ર પણ તમને તમારા આ વહેવાપણામાં મદદરૂપ થાય છે. તમે જેમ ઇચ્છો – વિચારો, તમે જેવા છો તેવા… તમારી ભૂલો, તમારી ખામીઓ, તમારી તકલીફો સહિત એ મિત્ર દ્વારા સંપૂર્ણપણે પ્રેમથી સ્વીકારાઈ જાઓ છો એટલે તમે નફિકરા થઈને વહી શકો છો.

વહેવું એક આહલાદક અનુભવ છે.

માનવીનું મૌન સમજવું એ ખૂબ અઘરી વાત છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે સાચી લાગણીથી જોડાયેલા હો, તો જ તમે એના વર્તનને સમજી શકો, એના ગમા- અણગમા સાચી રીતે પારખી શકો,  બધી વાતો એની આંખો દ્વારા સમજી શકો છો. પ્રેમમાં મોટા ભાગે મૌન સંવાદો થકી જ વાતો થઈ જતી હોય છે. પ્રેમમાં વહેવા માટે માનવીને સ્પર્શ અને આંખોની અલગ જ ભાષાનું વરદાન મળેલું છે. એ વખતે વહેતા રહેવા માટે માનવીને કોઈ જ મીઠા ‘ડાયાબીટીસિયા’ અને ‘ખોખલા’ શબ્દોની જરૂર નથી પડતી. કદાચ પ્રેમની દુનિયા એટલે જ સૌથી નિરાળી અને અલોકિક હોય છે. ત્યાં તમારી લાગણી બોલે છે, તમારું વર્તન બોલે છે.

બની શકે તો જેની સામે તમે વહી શકતા હો એ વ્યક્તિને, મિત્રને ક્યારેય દગો કે મનદુઃખ ના થાય એવી કોશિશ કરજો. એ તમારું મૌન સમજે છે, તમારું વર્તન સમજે છે તો તમારી પણ એક નૈતિક ફરજ થઈ પડે છે કે તમે પણ એને એ સહુલિયતનો અહેસાસ કરાવો. એને પણ તમારી જેમ વહેતા રહેવા માટે ઊત્તેજન આપતા રહો..સહકાર આપતા રહો, ગતિશીલ રાખો.

વહેણમાં એક અલગ જ નશો..એક અલગ જ તાકાત હોય છે.

જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતી આવે કે ગમે તેવા પ્રિય – મનગમતા સંબંધોના અલ્પ-વિરામ, પૂર્ણ-વિરામો આવે એના દુઃખમાં તૂટી જઈને, એના વ્યૂહ-ચક્રોમાં ફસાઈને ગોળ ગોળ ફર્યા વગર એમાંથી જે મળ્યું એનો સંતોષ માણીને એને ત્યાં જ છોડીને હિંમત-પૂર્વક આગળ વધતા રહો. નહીંતો તમે ત્યાં જ અટકીને, પરિસ્થિતીનો ભાર વેંઢારતા વેંઢારતા આખરે તૂટી્ને ચકનાચૂર થઈ જશો. જીવન જો એક જ જગ્યાએ સ્થગિત થઈ જાય તો ત્યાં બિનજરૂરી કચરો ભેગો થઈને સડો ઉત્પન્ન થઈ જાય છે, કોહવાઈ જાય છે અને માણસ ખલાસ થઈ જાય છે. એ અવાંચ્છનીય પરિસ્થિતિથી બચવા માણસે સતત આગળ ને આગળ વધતા રહેવું જોઈએ. .ગતિશીલ રહેવું જોઈએ..અટકયા વગર વહેતા રહેવું જોઈએ. ગમે તે સંજોગોનો હામ ભીડીને સામનો કરવાની તાકાત વિકસાવવી જ જોઇએ..

દરેક અણગમતી સ્થિતીમાંથી બહાર નીકળવાના અવિરત પ્રયત્નો એ જ  તમારું સાર્થક મનુષ્યત્વ

આપણે દર વર્ષના માર્ચથી મે સુધી દરિયાકિનારે જઈ એને પ્રાર્થતા નથી કે,” હે દરિયાદેવ, સૂરજને હંમેશા તમારું નીર અર્પતા રહેજો,જેથી સારો વરસાદ થાય, સંધ્યા સમયે નિત્ય સૂર્યને વિનવતા નથી કે બીજા દિવસના પ્રભાતે જરૂરથી આવજો. વાયુ-પવનને ક્યારેય વિનંતી કરતા નથી કે હું કાયમ શ્વસી શકું એટલે તું સદાય આવતો રહેજે.” કારણ, આપણને ખાતરી છે કે આ બધી ક્રિયાઓ નિયમબદ્ધ – એકધારી ચાલે છે. એમને ગમેતેટલી તકલીફો હોય પણ એ એમનું વહેવાનું કામ ચાલુ રાખવાના જ છે. ક્યાંય અટક્વાના નથી. જ્યારે એ વહેતા અટકી જાય ત્યારે જળ -પ્રલય અને સુનામી જેવી કુદરતી હોનારતો આવી જાય છે..એ જ ઘટનાઓ આપણા જીવનમાં પણ થાય…આ સુનામીઓ અને પ્રલયોને અટકાવાનો એક જ ઊપાય હૈયે હામ રાખી બસ…વહેતા રહો..ભીતરની હિંમત-આત્મવિશ્વાસ હશે એટલે અડચણના પહાડ ઓળંગી જ જવાશે. જીવન સુપેરે ચાલશે. આસ્થા રાખો અને અવિરત વહેતા રહો.

કદાચ એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે,

‘કમળ-કેદમાં ભમરો કેવળ અંધકાર જાણે,

નભે ઊડતું પંખી ઝળહળ અજવાળું માણે’

જીવનના બધાં જ પથરીલા રસ્તાઓ પણ વહેણના કારણે હલ્કાફૂલ  લાગશે. તમે બસ સાહસપૂર્વક, સડસડાટ એ રસ્તા પરથી નદીની જેમ વહેવાનું હૈયે જોમ રાખો. તો અણિયાણા  પથ્થરો પણ તમને કોઈ ઇજા નહી પહોંચાડી શકે. એ પણ હારી-થાકીને તમારી ગતિને અનુરૂપ એની જાતને ઘસીને લીસી બનાવી દેશે કાં તો તૂટી જશે.એના સિવાય એની પાસે કોઇ  ‘ઓપ્શન’ જ ક્યાં બાકી બચે છે આમે.

તમારું વહેવું સમજણ-પૂર્વકનું, નિઃસ્વાર્થ અને નિરંતર હશે, વેર-ઝેરથી મુકત અને પ્રેમભાવથી પૂર્ણ હશે તો એ રસ્તો આખરે તમને એક અદ્વિતીય, અવર્ણનીય આનંદ અપાવશે. ભગવાનનો સાક્ષાત્કાર કરાવશે. જીવનને સંતોષના સોનેરી કિરણોથી ભરી દેશે. જીવનમાં સફળતાની સીડીઓ ચડવામાં, નક્કી કરેલ ધ્યેય સુધી પહોંચવામાં મનનો એ આંતરિક સંતોષ ખૂબ મોટા પાયે મદદરૂપ થશે..

સ્નેહા પટેલ.

શાંતિની પળોજણ:


શ્રી સ્મૃતિ ખોડલધામ મેગેઝીન – આચમન કોલમ – એપ્રિલ – ૨૦૧૨ નો લેખ

અત્યાર સુધી મને એમ લાગતું હતું કે રેસ્ટોરંટમાં આજકાલના લવરમૂછિયાઓ જ ‘કલબલ કલબલ.. કરતા ઘોઘાટીયા હોય  છે. આજુબાજુ થોડું શાંત વાતાવરણ અને સોફ્ટ મ્યુઝિક્ના ઘૂંટ જમવાની સાથે ગળે ઉતારવાની શોખીન એવી મને જો આવી જગ્યાએ જમવાનું આવે તો જાણે મોત જ આવીએ ગયું હોય એમ લાગે..જમતા જમતા આપણે મૃદુ સ્વરે વાતચીત કરવાના પ્રયત્નો કરીએ તો આપણી સામેવાળો જાણે બહેરો હોય એમ બાઘાની જેમ આપણું મોઢું તાકીને બેસી રહે..વળી આપણને પેલા લોકોની જેમ મોટેથી બૂમો પાડીપાડીને બોલવાની આદ્ત પણ નહીં..પરિણામે આપણી વાતો કોરાણે મૂકીને પેલા લોકોની લવારીઓ સાંભળવાની..પેંપેઍપેં..ચે ચે ચે…!!

હમણાં એક મિત્ર દ્વારા જાણવા મળ્યું કે શહેરથી થોડે દૂર શાંત નૈસર્ગિક વાતાવરણમાં એક નવી સાઉથઇન્ડિયન રેસ્ટોરંટ ખૂલી છે. વળી જમવાનું પણ ટેસ્ટી અને ખીસાને પરવડે એવું હતું…અને આપણે તો ખુશ. ફેમિલી સાથે શાંતિથી જમવાની મજા માણવા બરાબર અઠવાડિયાનો મધ્યનો દિવસ પસંદ કર્યો અને ૮.૩૦વાગ્યે પહોંચી ગયા.  આખી હોટલ ખાલીખમ.. હૈયે ટાઢકનો રંગ લીંપાણો. હાશ..!   બરાબર વચ્ચેનું એક ટેબલ પસંદ કર્યું. આખી હોટલના જાણે આપણે એકલા જ ગ્રાહક રાજા/રાણી…પ્રજા !!

ખુશીનો શ્વાસ ભરીને આખી હોટલ પર એક નજર નાંખી..વિહંગાવલોકન.. ઈનટીરીઅરમાં ટીપીકલ સાઉથ ઇન્ડિયનની છાંટવાલી સફેદ કલરની સુંદર ડિઝાઇન હતી..જે ચાલુ ક્યાંથી થાય છે અને એનો અંત ક્યાં આવે છે એ જ ખ્યાલ નહતો આવતો..જબરી પઝલ-ડિઝાઇન હતી..ત્યાંતો  કાળી લુંગી અને પગમાં લાલ મોજાં સાથે કાળા બૂટ પહેરેલો વેઈટર મેનુકાર્ડ આપી ગયો..વાતાવરણમાં ધીમા સાદે પ્રસરી રહેલું અંગ્રેજી સોફ્ટ મ્યુઝિક મૂડ ખુશનુમા કરી ગયો.

કોફી કલરનું સરસ મજાનું મેનુ કાર્ડ ખોલીને જોયું તો મન પ્રફુલ્લિત થઈ ગયું..વાહ..અસ્સ્લ  ઇન્ડીઅન ખાણીપીણીનો ખજાનો..રસમ..વડાઈ..પુરમ…કુરમ… અહીંઆનો પેપર ડોસા જ ખાવો છે..મજા આવી જશે..હજુ તો આ નશો મગજના ખૂણાને તરબતર કરે ના કરે ત્યાં તો ચારે’ક આધેડ વયના કપલે હોટલમાં શાનદાર એન્ટ્રી મારી..અહાહા..શું એમનો ઠ્સ્સો…રુઆબ.

‘એય ..આ ટેબલ પર કકડો મારીને થોડું ચકાચક કર..’ એક ગ્રે સફારીવાળા, કાળાભમ્મર વાળ ધરાવતા કાકાએ ..(કાળા ભમ્મરવાળ હોય એટલાબધા જુવાનીયા  ના હોય એ તો હવે મારા બાર વર્ષના દીકરાને પણ ખબર છે…) ખુરશીને સ્ટાઇલથી પાછી ખેંચીને, કપાળ પર આવી ગયેલા વાળને ઝટકો આપીને પોતાની પત્નીને સલૂકાઇથી બેસાડ્યા અને બાજુની ખુરશીમાં પોતે બિરાજમાન થયા.. ત્યાં તો ઉભા રહેલા કપલમાંથી એક સ્ત્રી ‘ખુરશી એટીકેટ’વાળા જુવાન કાકાની બાજુમાં  બિરાજ્યા અને આંખ લાલ કરી..  આવું જોઇને મને થોડી નવાઇ લાગી પણ બે પળમાં જ ગુત્થી સુલઝાઇ ગઈ.. કાકીની એ કાકાને ધમકીભરેલ નજરથી જોવાની રીત પરથી ખ્યાલ આવી ગયો કે એ એમના ધર્મપત્ની હતા..જુવાનઅંકલે એમના ‘મિત્રપત્ની’ને ખુરશીમાં બેસાડયા પણ પોતાના ‘ધર્મપત્ની’ને તો વિસારી જ બેઠેલા..આવી બન્યું આ જુવાન  કાકાનું ઘરે પહોંચે એટલી જ વાર.. કાકાની જમણી બાજુમાં  ગુલાબી સિલ્કના ડ્રેસમાં સજ્જ, હાથ-કાન-નાકમાં ઘરેણાંની હાલતી ચાલતી દુકાન સજાવેલી અને નવી નવેલી દુલ્હનની જેમ મહેંદીવાળા હાથ..’તૌબા હા નખરા ગૌરી કા..’ જેવા સન્ન્નારી સાથે મોટી ફાંદવાળા ને ચમકતી ટાલવાળા પતિદેવને પરાણે ઘસડીને લાવ્યા હોય એવા હાવભાવ સાથે બેઠા.ચોથું કપલ સીધું સાદું પણ થોડું થાકેલું હતું.કદાચ કામ પરથી થાકેલા પાકેલા સીધા આવીને અહીં જોઇન થઈ ગયા હશે..

એટલામાં મારો મસ મોટો પેપર ડોસા આવી ગયો…એને કઇ બાજુથી કેટલા અંશના ખૂણેથી કેમનો તોડવો એના વિચારોમાં અટવાઈ..ત્યાં તો વાતાવરણમાં ગરમી ફેલાવા લાગી.જાણે ઓઝોનના પડમાંથી છિદ્ર પાડીને શરીરને બાળી દેતી ગરમી. આ અવાજ ક્યાંથી ચાલુ થઈ ગયો..ને હુ ચમકી..આ શુ…આ અવાજ ક્યાંથી..આ તો પેલા બુઢ્ઢાપાર્ટીનો શોરગુલ..ચેંચેંચેં..પેંપેંપેં.. હે ભગવાન..આ તો ફરીથી એની એ જ અવાજોની દુનિયા… એમાં પણ આ તો વળી નકલી દાંતના ચોકઠાના તાલ પર ઘસાઈ ગયેલા પીન જેવા બેસૂરા અવાજો..કોઇની વાતો ચોરીછૂપીથી ના સંભળાય એ એટીકેટનું માન હવે કેવી રીતે જળવાય જ્યારે વાતો ખુદ જ છેક સાતમો સૂર પકડીને બેઠી હોય..!

થોડી વાતચીત-રસ પરાણે કાનમાં રેડાયા પછી ખ્યાલ આવ્યો કે એ એક કીટી પાર્ટીના મેમ્બરો હતાં, જે દર મહિને એકાદ  વાર આવી રીતે કોઇ જગ્યાએ ભેગા થઈને  સુખદુઃખના પોટલાની ગાંઠો ખોલતા ખોલતા દિલનો અને માથે આવી ચડેલ પ્રૌઢાવસ્થાનો અણગમતો ભાર ઉતારી બુઢાપો હસીખુશીથી વિતાવવાની એષણા રાખતા હતા.

હવે આ કાકાઓના-કાકીઓના નામ નથી જાણતા એટલે આપણે એમને અ, બ,ક, ડ એવા નામ આપી દઈએ..

કાળાબૂટ અને લાલમોજા ઉપર લુંગીના યુનિફોર્મવાળો વેઈટર એ ટેબલ પર પહોચ્યો..

‘સાહેબ કેવું પાણી લેશો..રેગ્યુલર કે મિનરલ.’

‘મિનરલ;

પેટાપ્રશ્ન..

‘નોર્મલ કે ઠંડું..?”

આ તો થોડો અવઢવનો..ઇજ્જતનો પ્રશ્ન..

નોર્મલ કહે તો પોતે બુઢ્ઢા થઈ ગયા છે એવું લાગે અને ઠંડુ પાણી પીવાની શરીર ઇજાજત નહોતું આપતું..શું કરવું…વચેટીયો માર્ગ કાઢ્યો..એક ઠંડી અને એક નોર્મલ બોટ્લ લાવ..’

‘ઓકે..’

બોટ્લ આવ્યા પછી ‘અ'(ખુરશી દાક્ષિણ્ય વાળા) કાકાએ બોટલ હાથમાં લીધી ને એકદમ ચમક્યા..અરે આ તો એક્દમ ગરમ પાણી..હેય વેઈટર..આવું પાણી તો કેમ પીવાય..એક કામ કર..આને થોડી વાર ફ્રીજમાં મૂક અને થોડી ઠંડી થાય એટલે લઇને આવ..’

બિચ્ચારો વેઈટર..આજુબાજુના બધાય ટેબલની નજર અને કાન એ પ્રૌઢટેબલ પર જ ખોડાયેલ હતી એટલે એ થોડો ઓઝપાઇ ગયો ને ફટાફટ એ બોટલ લઇને હાલતો થયો

‘બ'(મોટી ફાંદ અને ટાલના માલિક) કાકાએ ચશ્મા થોડા નાક પર સેરવ્યાં ને મેનુમાં નજર નાંખી..બધાંયની ચોઇસથી માહિતગાર હોય એમ ફટાફટ ઓર્ડર આપવા માંડયો…

‘દસ જણ…એટલે એક કામ કર..ચાર રવા મસાલા ઢોસા,,બે ઈડલી,,,બે મેંદુવડા.. અને એક પેપર મસાલા..લઈ આવ..’

એમની તાનાશાહીથી નારાજગીનું એક મોજું ટેબલ પર ફરી વળ્યું ..પાછો શોરબકોર વધી ગયો..

‘અરે..પણ મારે તો જૈન સાદો પેપર ઢોસો ખાવો છે..અને મારે ઉત્ત્તપા.મારે તો ભાજીપાઊં ખાવો છે….મારે પેલું જોઇશે..અને ‘બ’ કાકાના નાક પરના ચશ્મા સરકીને ગળા પર આવી ગયા.

છેલ્લે બધામાં થોડા ઠરેલ અને વિશાળ ભાવવાહી આંખો ધરાવનારા સમજુ લાગતા ‘ડ'(સીધા સાદા થાકેલા) કાકાએ બધાની મરજી પૂછીને ‘વન બાય વન’ બધાની પસંદગીનો ઓર્ડર આપીને વાત પતાવી..

‘અરે..તારો ઢોસો તો સાવ ઠંડો થઈ ગયો મમ્મી..ક્યાં ખોવાઈ ગઈ છું..’

મારા દીકરાએ મને જાણે કોઇ સપનામાંથી ઢંઢોળીને ઉઠાડી દીધી હોય એમ લાગ્યં..કોઇના ટેબલ પર આમ આંખ, કાન ચોંટાડીને પંચાત કરવાની મારી આ વૃતિ પર મને મનોમન થોડી શરમ આવી ગઈ..(જો કે આખી હોટલની આંખ..કાનના આકર્ષણ બિંદુમાં એ ટેબલ મધયવર્તી સ્થાન પર જ હતું..!!)

મગજને થોડું ‘ડાયવર્ટ’ કરીને પાછું અમારા પોતાના ટેબલ અને ડીશો પર સેટ કરીને ‘પારકી પંચાત પાપ…’વાળા ત્રણ ‘પ’ નો નિયમ યાદ કરીને ‘પોતાના’ ‘પ’ પર વધુ ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો.વચ્ચે વચ્ચે પરાણે પતિદેવ અને પુત્ર સાથે થૉડો સંવાદનો સેતુ રચવાનો વિફળ પ્રયત્ન પણ કરતી રહી..!!

ત્યાં તો ફરી એક અવાજનું મોજું જમણીબાજુના પ્રૌઢ ટૅબલ પર ફરી વળ્યું ને મારા હાથમાંથી કાંટો નીચે પડી ગયો..

‘અરે..મારો સંભાર જૈન લાવવાનો હતો ને..’

ખુરશી દાક્ષિણ્યવાળા જુવાનકાકાએ પણ એમના સૂરમાં સાથ પૂરોવીને વેઈટરને બરાબરનો ખખડાવતા હતા..( લાગતું હતું કે  ઘરેથી દીકરા અને વહુ જોડેથી ઝગડીને આવ્યા હશે અને એનું ફ્રસ્ટેશનનો ભોગ પેલો વેઈટર બનતો હતો..) એ ફટાફટ સંભારનો બાઉલ  ઉપાડીને ચાલતો થયો અને વળતી જ પળે જૈન સંભાર અને લટકામાં થોડી ઠંડી થઈ ચૂકેલી બોટલ પણ લેતો આવ્યો..રખે ને ક્યાંક એ વધારે ઠંડી થઈ જાય તો પાછું આ બુઢ્ઢાપારાયણ..આમે આજની સાંજ ખરાબ જ ઉગેલી હતી એના માટે..!!”

ઓર્ડર પ્રમાણે ખાવાનું પહોંચતl લગભગ ૧૦એક મિનિટ થઈ ગઈ..આખી હોટલ પોતાનું ખાવાનું ભૂલીને આ રસપ્રદ ટેબલ પર ટીકી ટીકીને મીટ માંડીને નિહાળી રહ્યું હતુ. એ બધાથી પોરસાતું..’સેન્ટર ઓફ અટ્રેકશન’ના મિજાજમાં રંગાયેલ જુવાન બુઢ્ઢાઓ એમની મસ્તીમાં મસ્ત..

ત્યાં તો ભાજીપાઊંની ડીશ આવી..’ડ’કપલના દેવીજીએ પાઊં ઉપાડયો તો નીચે ‘જન્નત’ લખેલું..એ જોઇને એમની ખેંચવાના પેંતરા સાથે ‘બ’કાકાએ એમને પૂછ્યું, ‘તમારા સરનું નામ ‘ઇશ્ક કી છાંવ’ હતું ને..અને ‘ડ’ દેવીજીનો પાઊં હાથમાં જ રહી ગયો..બધાંય એ વિચિત્ર વાક્ય પર ‘બ’કાકાને ડોળા ફાડીને નિહાળી રહ્યાં..અને ‘બ’કાકા અટ્ઠહાસ્ય કરીને બોલ્યા, ‘અરે, તમે પેલું ગીત નથી સાંભળ્યું..’જીનકે ‘સર’ હો ‘ઇશ્ક કી છાંવ, ‘પાઊ’ કે નીચે ‘જન્નત’ હોગી..’ એમની વાતનો મર્મ સમજતાં જ બધા એકસાથે હો..હો..હો કરીને હસી પડ્યાં..એમાં ને એમાં ‘ડ’ કાકાનો હાથ ટેબલ પરના ગ્લાસ પર અથડાયો અને બધું ય પાણી પેલા ભાજીપાઊંની ડીશમાં..અને બધાના હાસ્યને એક્દમ જ બ્રેક વાગી ગઈ..પળ વળતી જ પળે એ પાણી ઢોળાવાની પ્રક્રિયા પર ફરીથી બધા હાસ્યના હિલ્લોળે ચડ્યા.

હોટલમાં હાસ્યનું સુનામી આવી ગયું.

‘આજે તો તમારી મેરેજ એનીવર્સરી હોય એમ સજી ધજીને આવ્યા છો હોંકે દીપાલી બેન..”અ’કાકાએ વાતને અણધારો જ વળાંક આપી દીધો..અને મને એમ કે પત્યું..હમણાં દિપાલીબેનના પતિદેવ ફુલટોસ બોલ પર સિકસર મારી જ સમજો…

ત્યાં તો,

‘અરે..આજે નહી પણ પાંચ દિવસ પછી તો એમની બર્થ ડે આવે જ છે ને..કેમ દિપાલીબેન ખોટું કહ્યું કે..” ‘ડ’ કાકાએ ટાપસી પુરાવી..

અને પીન્ક સિલ્ક્ધારી દાદીમાના ગાલે શરમના રાતા શેરડા ફૂટી નીકળ્યાં..

અને હું આઘાતની મારી જમણેરી ટેબલ પરની બધીજ ક્રિયા-પ્રતિક્રિયાઓ જોઇને થોડી બ્લેન્ક થઈ ગઈ.

ત્યાં વળી નવો ટોપિક ખુલ્યો..

‘આવતી વખતની પાર્ટી આપણે બગીચામાં રાખીશું.. મેં જગ્યા નક્કી કરી દીધી છે..પણ આ વખતે થોડું જલ્કી હાં કે..આમ આખો મહિનો રાહ નહી જોઇએ..પંદર દિવસનો ગાળો હોય તો સારું રહે છે..’પીન્ક સિલ્કવાળા બેને પોતાનો મત રજૂ કર્યો.

પછી તો બગીચામાં કેટલા વાગે મળીશું..શું નાસ્તો બનાવીને લાવીશું..કેવી કેવી એક્ટીવીટી કરીશુંની ચર્ચાએ આખુંય વાતવરણ ઉત્તેજના અને શોરબકોરથી ભરી દીધું..આજુબાજુના બધાંય પરોક્ષ રીતે મનોમન એમના પ્રોગ્રામમાં ઇનવોલ્વ થતા ચાલ્યા હતાં..

ત્યાં તો પતિદેવે મને કહ્યું..થોડો ગરમ સાંભાર લઈશ કે..આ તો સાવ ઠ્ંડો થઈ ગયો છે..’

અને હું એક્દમ સાતમા આસમાનમાંથી મારા ટેબલ પર પટકાઇ… મારા ટેબલ પર પતિદેવની ડીસ ખાલી .દીકરો પણ ઓલમોસ્ટ જમી રહેલો..જ્યારે હું…હજુ તો અડધે પણ નહોતી પહોંચી..

મન મક્ક્મ કરીને એ કોલાહલ વચ્ચે મારો ઢોસો પૂરો કરવાનો નિર્ધાર કર્યો ત્યારે પેલું રસદાયક ટેબલ એમની વર્ષ પહેલાંની ગોવાની ટ્રીપની વાત કરી રહેલું ધ્યાનમાં ચડ્યું..પણ હવે માથું એના દુઃખાવાની ચરમસીમાએ પહોંચી ગયેલું..કાન કચકચથી આખેઆખા જાણે કે છલકાઇ ગયેલા..બાકીનો ઢોસો ડીશમાં જ રહેવા દઈ પાણીનો ગ્લાસ મોઢે માંડીને બે ધૂંટડા સાથે બધુંય એકઝાટકે ગળા નીચે ઉતારી દીધું. નવો ડેટા સ્ટોર કરવાની કોઇ જ મગજમાં કોઇ જ તાકાત નહોતી બચી એટલે પતિદેવને બીલ ચૂકવીને બહાર આવવાનુ કહીને છેલ્લી એક સરસરી નજર એ મસ્તરામ ટેબલ પર નાંખી.  એક વાર  એ વયસ્કોને જીવનને ખરા અર્થમાં માણી લેવાના અભિનંદન આપવાનું મન થયું ..પણ એ પ્રયાસોએ પરોક્ષ રીતે મારી  સાંજનું સત્યાનાશ કરી નાંખેલુ એટલે મનની મનમાં જ રાખીને શાંતિદેવીએ ફરીથી એક વાર મને ધરાર ઠેંગો બતાવ્યાની લાગણી હૈયામાં ઢબૂરીને હોટલની બહાર નીકળી ગઈ.

– સ્નેહા પટેલ.

મેસેજીયા સંબંધો :


ખોડલધામ સ્મૃતિ મંદિરમેગેઝિન – આચમન કોલમ : માર્ચ, ૨૦૧૨..


એકવીસમી સદી.. ‘સુપર ફાસ્ટ’ જમાનો..

પહેલાં એવું કહેવાતું કે : ‘જે કામ કરો એમાં સો એ સો ટકા ધ્યાન આપો તો જ ‘સફળતા’ નામની દેવી તમને વરશે..!!’ પણ આજના ગળાકાપ હરીફાઇના જમાનામાં એક કામ પકડીને બેસી રહ્યે કંઇ પત્તો ના ખાય…!! જમાના સાથે તાલ મિલાવવા માટે માણસે એના ટાઇમ-જીવન મેનેજમેન્ટ માટે  એક સાથે ૩-૪ જગ્યાએ કામ કરતા શીખવું જ પડે છે. આ માટે માનવીએ પોતાના નાનકડા મગજ પાસેથી કામ લેવાની ક્ષમતામાં વધારો કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડે છે… દુનિયાની દરેકે દરેક નાની નાની માહિતીથી સતત અપડેટ રહેવું પડૅ છે. આજના જમાનામાં આ બધા કાર્ય માટે માણસને ડગલે ને પગલે મોબાઇલ, લેપટોપ, ટેબલેટ, આઇ પેડ જેવા ઇલેક્ટ્રિનિક રમકડાં દ્વારા નેટ, સોશિયલ સાઈટસ વાપરવા અનિવાર્ય થઇ ગયા છે.

એ પછી થાય છે માનવીનો શબ્દોની જાદુઈ-કરામતની દુનિયામાં પ્રવેશ…

શબ્દો… શબ્દો…શબ્દો…નકરા શબ્દોની દુનિયા..

શરુઆતમાં જરુરિયાતના કે ટાઇમપાસના ધોરણે વપરાતા  નેટનો અજગર માણસને એની આદતના સકંજામાં ભરડો લેવાની અદભુત ક્ષમતા ધરાવે છે.વર્ચ્યુઅલ દુનિયા સાથે વાસ્તવિક જીવનમાં તાલ મિલાવવા માટે ના ઉધામામાં માનવીનો એક હાથ કોમપ્યુટરના કે લેપટોપના કી બોર્ડ પર ટક ટક કરતો  હોય તો..બીજો મોબાઇલના કી-પેડ પર…!! સામે જમવાની ડીશ હોય..ટીવી પણ ચાલુ હોય અને એની બાજુમાં સીડી પ્લેયર બિચારું મોઢું વકાસીને એની સામે તાકી રહ્યું હોય..વિચારતું હોય : ‘ફુરસતના સમયે સાંભળવાની મહેચ્છા સાથે ઠેકઠેકાણેથી ભેગી કરાયેલી મનગમતી સીડીના ખજાનાને ક્યારે ન્યાય આપશો..?’ આ બધામાં સતત અટવાયેલ રહેવાના કારણે સામે વધતા રહેતા ઓફિસના કે ઘરના પેન્ડીંગ કામોના ઢગલાઓ દાંત કાઢતા પડ્યાં હોય…!!

વર્ચ્યુઅલ દુનિયાના સંબંધોને મેઈન્ટેન કરવામાં સૌથી મહત્વનું પાસું હોય તો મિત્રોના મેસેજના જવાબ સમયસર કાળજી પૂર્વક આપવાના.

‘વેર આર યુ’

‘શું કરે છે..’

‘મારું ફેસબુકનું (૪-૦૨-૨૦૦૪ ના રોજ સ્થપાયેલ આ ફેસબુકના સ્થાપક ઝુકરબર્ગ એક હેકર હતાં. અત્યારે ફેસબુકની કિંમત લગભગ ૧૦૦ અબજ ડોલર {!!!} જેટલી આંકવામાં આવે છે)  સ્ટેટસ / ટ્વીટર પર ટ્વીટ વાંચ્યું/વાંચી કે…? વાંચીને રીટ્વીટ કે કોમેન્ટ્સ જરુરથી કરજે’

‘મારી રચના/ લેખ/ વાર્તા બરાબર છે કે..એક નજર બ્લોગ પર નાખજે ને…લિંક મોકલું છું અને હા કોમેન્ટ જરુરથી કરજે..’

શબ્દોમાં હસવાનું,રોવાનું,ગુસ્સે થવાનું, ઝગડવાનું, મિત્રતા કરવાની,પ્રેમનો એકરાર કરવાનો, સ્વીકાર કરવાનો, છૂટાછેડા લઇ લેવાના,પેચ અપ કરી લેવાનું..૧૪૦ અક્ષરો સુધીના મેસેજમાં  અભિવ્યક્ત થવાની રજા આપનાર ટ્વીટર હોય,યાહુ કે ગુગલમાં ચેટીંગ હોય, ફેસબુક કે પછી માનવી્ની અંગત ડાયરીનું સ્થાન લઇ લેનાર બ્લોગ..આ બધાએ એકવીસમી સદીમાં શબ્દોનું મહત્વ વધારી દીધું છે એ વાત તો ચોકકસ.

મિત્રોની આ માંગને સમયસર પહોંચી વળવાના પ્રયત્નોમાં એ મોબાઈલમાંથી નેટ ઓપરેટ કરવાના ચકકરોમાં ફસાય છે..ચોવીસ કલાક અવેઇલેબલ…૨૪ x ૩૬૫ ‘એટ યોર સર્વિસ’ જેવી આ ફેશનના ફળસ્વરુપે ભેટમાં મળે છે ટાઇમ – કટાઇમના મેસેજીસ, પ્રશ્નો, પર્સનલ અટેન્શન માંગનારાની અપેક્ષા સંતોષવાની જવાબદારીઓ. સવાર હોય કે બપોર, સાંજ કે રાત..બધાયની આગળ ‘ગુડ-ગુડ’નું ટેગ લગાડી લગાડીને મેસેજીયા દોસ્તારોને શુભેચ્છાઓ પાઠવ્યા રાખવાની..એકના એક શબ્દો-મેસેજીસ ગ્રુપમાં બધાં ફ્રેન્ડસને એકસાથે મોકલે રાખવાના.

આમાં ઘણી વાર મજાની વાત તો એ થાય કે સવારના  ‘ગુડ મોર્નિંગ’ માટે વિશ કરેલો મેસેજ બપોરે ફોરવર્ડ થાય તો પણ એ ‘મોર્નિંગ’ એડીટીંગ રહી જાય અને ભરબપોરે આપણી સવાર પડે.  નેટ ‘મેસેજ સાઈટ’ પરથી આવતા મેસેજ છોગામાં મિત્રનો મોબાઇલ નંબર પણ લખાયેલ લેતો આવે છે. હવે  ઉતાવળમાં એ નંબર એડીટ કરીને કાઢી નાંખ્યા વગર મેસેજ ભૂલથી બીજા મિત્રોને ફોરવર્ડ કરી દઈએ તો…તો આપણો મેસેજ સાઈટવાળા મિત્રના મોબાઇલનંબર સાથે જ બધાંય મિત્રોના મોબાઇલમાં જતો રહે છે..( ના સમજાણું ને..ફરીથી વાંચો..આવા લોચા લાપસી તો  આજ કાલ મેસેજ વર્લ્ડમાં એકદમ કોમન છે..!!) વળી અમુક મિત્રો એક જ ગ્રુપમાં હોય એ જાણી જાય કે ‘ઓહ.રાજુ પણ આને રેગ્યુલર મેસેજ કરે છે એમ ને…અને આ મિત્ર તો આપણને કહેતો હતો કે એ તો રાજુ જોડે બોલતો જ નથી..” ્બધી પોલ ખુલ્લી પડી જાય ..પછી ચાલુ થાય મેસેજયુધ્ધ…ફલાણા – ઢીંકણાને સફાઇઓ આપવામાં ને આપવામાં વચ્ચેનો મિત્ર બિચારો ધોવાઇ ધોવાઇને કધોણો થતો જાય.

અમ્રુત ઘાયલ સાહેબનો એક શેર યાદ આવી ગયો,

‘આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામ નું

છે શબ્દ ચક્ર કૃષ્ણનું, બાણ રામ નું …”

આવું જ કંઇક..

આ ‘મેસેજવર્લ્ડ’માં તો એવું જ સમજી લેવાય છે કે મેસેજના જવાબ સમયસર આપવાના કામ સિવાય દુનિયામાં કોઇ અગત્યનું કામ વધ્યું જ નથી અને વળતા રીપ્લાયની પઠાણી ઉઘરાણી જ કરાય.. મોડું થાય કે ધ્યાન બહાર ગયું તો તો પત્યું..

‘મારા સવારના મેસેજનો રીપ્લાય હજુ સુધી નથી આપ્યો..એવો તો ક્યાં બીઝી છું તું..?’

જાણે આપણો મોબાઇલ નંબર આપ્યો કે સોશિયલ સાઈટ્સ પર મિત્રવર્તુળમાં સામેલ કર્યા એટલે પર્સનલ ડીટૅઇલ્સ માંગવાનો.. દરેક અપેક્ષિત જગ્યાએ રીસ્પોન્સ મેળવવાનો પરવાનો આપી દીધો હોય..!!

‘ધૂની’ માંડલિયા જેવા દિગ્ગજ કવિએ આવી પરિસ્થિતિ નિહાળીને જ લખ્યું હશે કે,

‘શબ્દ જયારે પણ સમજણો થાય છે

અર્થ ત્યારે કંકુવરણો થાય છે ‘

ઘણા મિત્રો ઈમેઇલ દ્વારા પર્સનલ જવાબ માંગવાની ખેવના રાખતા હોય છે. એમાં પણ જે દિવસે મેઈલ થાય એ જ દિવસે જવાબ અપાય તો જ એ તમારો બેસ્ટ ફ્રેન્ડ.વળી એકદમ પરફેક્ટ સંબોધન , વિગતવાર નાની નાની વાતોને પણ ધ્યાનપૂર્વક આવરી લેવો પડે અને એક મોટો મસ ટાઇપીંગ વાળો (ઓછા શબ્દોમાં વધુ સમજનારો વર્ગ કેટલો..?) ઇમેઈલ હોય..થોડો પર્સનલ ટચ આપવા વ્હાલભર્યા બેચાર વાક્યો હોય તો તો અહાહા..એ તમારો મોટૉ ફેન..ના ના એસી થઈ જાય અને પછી ચાલુ થાય રોજના ઇમેઇલના ઢગલાં.

દરેક જગ્યાએ બધાને સતત ‘ પર્સનલ અટેન્શન’ મેળવવાનું એક વ્યસન થઈ ગયું છે.. પછી એ ઘર હોય , બહાર હોય કે નેટ હોય…:

“સાંભળો સાંભળો..ધીરજ રાખીને મને સાંભળો..અમારી તકલીફો સમજો..અમને આશ્વાસન, પ્રેરણા આપો.ભલે તમે પોતે અનેકો તકલીફોમાં સંડોવાયેલા હોવ..તમે ઢગલો કામમાં ફસાયેલ હોવ તો પણ અમારો મેસેજ આવે એટલે તરત તમારો રીસ્પોન્સ તો જોઇએ જ…તમારી રોજી રોટી કે તમારા પરિવારની, સંબંધીઓની અગ્રિમતા કરતાં અમારા જેવા મેસેજીયા મિત્રોનો હક સૌથી પહેલો. અમે તમને મેસેજ કરીએ એટલે અમને ‘યેન કેન પ્રકારેણ..’ તરત જવાબ જોઇએ જ ..એ ના મળે તો અમે તમને ગમે ત્યારે ફોન કરી દઈશું જે તમારે ગમે ત્યાં હો તો પણ ઉપાડવો તો પડશે જ …ભૂલે ચૂકે અમારો ફોન કટ કરો તો પાછા એની ચોખવટ કરતો મેસેજ વળતા જવાબમાં જોઇએ એટલે જોઇએ જ ..નહીં તો અમારું સંવેદનશીલ સ્વમાન- ભંગ થઈ જાય…!!!”

અરે ભલા માણસ..પેલો બિચારો ડ્રાઇવ કરતો હોય તો તમારો ફોન ના ઉપાડી શકે કે મેસેજના રીપ્લાય ના કરી શકે , તો તમે થોડી ધીરજ રાખીને એના ફ્રી થવા સુધીની રાહ ના જોઇ શકો…? એના બદલે એ સંવેદનશીલ સ્વમાનવાળા મિત્રના મગજમાં જાતજાતની શંકાઓના કીડા ખદબદ થવા લાગે.. જે છેલ્લે ગુસ્સામાં પરિવર્તિત થઈ જાય

‘અરે..એ બીઝી છે તો અમે થૉડા નવરાધૂપ છીએ..અમારે પણ હજારો કામ કાજ છે..એવા તો કેવા અભિમાન વળી..’

વાતમાં કંઇ માલ હોય નહીં પણ માનવીની નકારાત્મક વિચારપ્રક્રિયા એને જાતજાતના વમળમાં ધકેલી દે અને એ એમાં ગોળ ગોળ ઘૂમરાયા જ કરે બસ..જે દેખાય, સમજાય..એ જ સચ્ચાઇ..જવાબની અનિયમિતતા પાછળના કારણો સમજવાની તસ્દી લેવા જેટલી ધીરજ આજકાલ બહુ ઓછા માઇના લાલ ધરાવે છે. પરિણામે સંબંધોના ડિસેક્ષન થઈ જાય..તોડફોડ..ચીંથરે ચીંથરા..’તું નહી ઓર સહી’ આજના નેટ, સોશિયલ સાઈટ્સના જમાનામાં મિત્રોની ક્યાં કમી છે..એક કહેતા હજારો મળી રહેશે..પછી બધું નવું જૂનું ફગાવી , મેસેજથી ચાલુ થયેલ સંબંધને ‘ગુડબાય ફોરએવર’ના મેસેજની તિલાંજલિ આપીને એક નવા મેસેજીયા સંબંધની (શિકારની) શોધમાં નીકળી પડે છે..!!

મિત્રોની પળેપળનો હિસાબ માંગ્યા વગર થોડી  સમજણ અને ધીરજ દાખવવામાં આવે તો બે ય પક્ષે આ સંબંધ ખુશી આપનારો છે. બાકી તો આ ‘મેસેજ-સંબંધો’ની આયુ કાયમ અલ્પ જ રહેવાની..!!!

તા.ક.  : હમણાં થોડા સમય પહેલાં ટેલિકોમ સર્વિસવાળાઓએ નવી ટેલિકોમ સર્વીસ લાગુ પાડીને મેસેજપ્રેમીઓના ભાવુક દિલને એક આંચકો આપી દીધેલો. આ પોલિસી અનુસાર રોજના ૫૦૦ ફ્રી મેસેજના સેન્સેક્સનો ગ્રાફ સીધો ૧૦૦ સુધી પહોંચાડી દેવામાં આવ્યો.

-સ્નેહા પટેલ.

માસૂમિયતના વરખ.


શ્રી ખોડલધામ સ્મ્રુતિ >  આચમન – ૪  >  જાન્યુઆરી-૨૦૧૨.

બાળપણ હંમેશા માસૂમ હોય છે અને એટલે જ સુંદર પણ હોય છે.દુનિયાના કોઇ પણ છેડે શ્વસતા ગોરા કે કાળા વર્ણના, ગરમીના કે ઠંડીના પ્રદેશના બાળકને લઇ લો, નિર્વિવાદપણે એનામાં આ માસૂમિયતનો ગુણ દેખાઇ આવશે. એ હંમેશા દિન-દુનિયાથી બેખબર પોતાની મસ્તીમાં જ જીવતું હોય છે.

જન્મતાંની સાથે જ એની સઘળીયે ઇન્દ્રીયો સતત આ દુનિયાની દરેક ગતિવિધીઓનું ઝીણવટપૂર્વક,ચપળતાથી અવલોકન કરતી હોય છે. બગીચામાં પવનની લહેરખી વાય ત્યારે ડાળીએ ઝુલતા,લચી પડેલા ફુલોના ઝુમખાં એ દિશામાં જે રીતે લળી પડે છે, જોઇને એના ગુલાબી કોમળ હોઠ પર નિર્દોષ હાસ્ય ફેલાઇ જાય છે. પક્ષીઓ સુંદર મજાનું ગાયન ગાય ત્યારે એના કાન સરવા કરી લે છે, અને આખેઆખો ગીતરસ એના કાનમાં સમાવી લે છે. નદી, ઝરણાં વગેરેના વહેણને પોતાની ગોળમટોળ કાળી કીકીઓમાં નકરુ કુતૂહલ ભરી નજરથી ‘ક્લીક’ કરી દે છે અને આ બધામાં છુપાયેલો ઇશ્વરનો ગર્ભિત સંદેશો આબેહૂબ પોતાના માનસપટ પર અંકિત કરવાનો પ્રયત્ન કરે છે, ‘વત્સ તું  મારો એક માનીતો અને વ્હાલુડો અંશ છું એટલી વાત બરાબર યાદ રાખજે. ભવિષ્યમાં ક્યારેય પોતાના અસ્તિત્વને ભૂલીને સમગ્રની- મારી -પ્રકૃતિની ઉપરવટ જવાની કોશિશ ના કરીશ.એ નિરર્થક પ્રયાસોમાં તું તારી એકઠી કરેલી બધી તાકાત,માસૂમિયત વેડફી કાઢીશ એનો મને ભય  છે. વળી એ વેડફ્યા પછી પણ તારે માથે કોઇ વિજયપતાકાઓ નથી લહેરાવાની. તારે મારા સમગ્ર અસ્તિત્વની શરણાગતિ સ્વીકાર્યા વગર કોઇ છૂટકો જ નથી. ભવિષ્યમાં પણ તારી શક્તિના સ્ત્રોત તો મર્યાદિત જ હશે, પણ મને એવા કોઇ જ બંધનો કે મર્યાદાઓ નથી નડવાના. ઢગલો મથામણોના અંતે પણ છેવટે પરાજ્ય પામીને મારી સામે વેદનાથી થાકી-હારીને ઝુકી જઈશ. એના કરતાં ‘સમય વર્તે સાવધાન’ રહીને રાજીખુશીથી મારી સાથે જીવતાં શીખજે. મારો વિરોધ કરીને મને પડકારવાના બદલે મારામાં વિશ્વાસ રાખીને પ્રેમ અને શ્રધ્ધાથી મને જીતવાના, સમજવાના પ્રયત્નો કરજે. આમ કરીશ તો છેવટે હારીને પણ તું જીતી જઇશ. અત્યારે તારું મન એકદમ કોરું અને કોઇ જ પક્ષપાતો વગરનું ચોખ્ખું ચણાક છે એટલે આ વાત તને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી એના પર પક્ષપાતોના,અભિપ્રાયોના વરખ લાગવા માંડશે પછી તો તું કોઇનું નથી સાંભળવાનો એ વાત મને ખ્યાલ છે’  અને બાળક ઇશ્વરની બધીયે વાતો મોઘમમાં સમજી જતું હોય એમ બિન્દાસ થઇને સહજતાથી જીવવા લાગે છે. પોતાની પૂરેપૂરી જાત એને સમર્પી દે છે. ‘હેય ને પેલો બેઠો જ છે ને હજાર હાથ વાળો. પછી મારે ક્યાં કોઇ ચિંતા છે. એ સંભાળી લેશે મને.’

પણ, વિધીની ખરી વક્રતા તો હવે ચાલુ થાય છે. બાળક અને ઇશ્વર વચ્ચેનો આ શુધ્ધ અને પ્રેમાળ સંવાદ બાળકની આજુબાજુ વસતી દુનિયા નથી સાંભળી શકતી કે નથી સમજી શકતી.

એના સંસારમાં વસતા એના મા-બાપ,વડીલો,શિક્ષકો વગેરે પોતપોતાની સમજ, અનુભવ અને પૂર્વગ્રહો યુકત શબ્દોથી, વર્તનથી બાળકના ભવિષ્યના લેખ લખવાનું – એના ભાગ્યવિધાતા જેવું  મહાન (!!) કામ કરતાં નજરે પડે છે.  પછી ચાલુ થાય છે બાળકની જીવન જીવવા માટેની મોટેરાંઓ દ્વારા નક્કી કરાયેલી માનસિક અને શારીરિક કવાયતો થી ભરપૂર જીવનપધ્ધતિ.

હંમેશા જોવામાં આવ્યું છે કે ‘ભૂલો ભલે બીજું બધું મા – બાપને ભુલશો નહીં’  જેવી પંકિતઓનો જેટલો સારો ઉપયોગ કરાય છે, એટલો જ આ બાળકોને ‘ઇમોશનલ બ્લેકમેઈલ’ કરવા પણ વપરાય છે. માતા અલગ વિચારો ધરાવતા ભજનો સંભળાવે તો, બાપા કોઇ અલગ જ ગણત્રીવાળો રસ્તો ચીંધે,  સ્કુલના શિક્ષકો  કોઇ બીજી જ સમજના પાઠ ભણાવે. એ કુમળા બાળમાનસમાં દરેક પોતપોતાની તાકાત અને સમજ અનુસાર પોતાના વિષ અને અમ્રુત રેડતું હોય દેખાય. હવે બાળકનું મન રહ્યું કોરી પાટી, એની પર જે ભાષાના જે એકડાં માંડવા  હોય એ માંડી શકાય છે, ઘૂંટાવી શકાય.

સમજદાર અને સંયમી મા-બાપ બાળકના મગજમાં સતત સારા સંસ્કારોનું અમ્રુત સીંચવાના પ્રયત્નો કરતા રહે છે. એનામાં ઇશ્વરની આસ્થા અકબંધ રાખવાના પ્રયાસો કરતા હોય છે. રાત દિવસ મહેનત કરી કરીને સંતાનોના સુખી ભાવિ માટે ઊભી કરેલી સુખ અને સગવડોથી ભરપૂર દુનિયામાં એમને વિપરીત દશામાં અને અભાવો વચ્ચે પણ કેમ જીવી શકાય એની સમજ પણ આપતા જાય છે. વાણી અને વર્તનનો યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યવહાર કરતાં શીખવવાનો પૂરો પ્રયત્ન કરે છે. ભગવાનના આશીર્વાદથી મળેલી તાકાતથી છકી ગયા વગર સાહસથી જીવનને  રોમાંચક બનાવીને તળિયા સુધી માણી લેવાની વાતો પણ શીખવતા જાય છે સાથે ‘બેલેન્સીંગ વર્તનના સ્વામી ભવઃ’ ના આશીર્વાદ સદા એના પર વરસાવતા જાય છે

તો કેટલાંક છીછરા ઘડા જેવા મા-બાપ પોતે જે વર્તન કરતાં હોય એ પોતાનું સંતાન ના જ કરે એવો દુરાગ્રહ રાખે. જેમ કે પોતે ખોટું બોલી શકે (એ તો આ દુનિયામાં જીવવા માટે જરુરી છે. સાચાનો જમાનો જ ક્યાં રહયો છે હવે.!) પણ બાળક સામે : ‘અરે ખોટું ના બોલાય બેટા, એવું કરીએ ને તો ભગવાન આપણી જીભમાં કાંટા ઊગાડે.’ પોતે ગુસ્સે થાય ને સંતાનને બે અડબોથ લગાવી દે, બે ચાર ગાળો બોલી કાઢે તો ચાલે, પણ દીકરાના શિરે તો ‘અપશબ્દો બોલે એવા મિત્રોની સામે પણ નહીં જોવાનું’ની વજનદાર જવાબદારી ઠપકારી દેવાની. પોતે સિગારેટ પીવે, શરાબ પીવે તો ચાલે (હાય રે ઢગલો કામકાજના, સામાજીક વ્યવહારના ટેન્શનો )  પણ દીકરો પોતાનું અનુકરણ કરીને પેન્સિલ મોઢામાં નાંખીને સિગારેટ પીવાનો ડોળ કરે તો પીત્તો જાય,  નાલા….. !! અને બે ધોલધપાટીની તડાતડી.. સાથે વિચારતા જાય કે આવું  કેમ ચલાવી લેવાય આપણે રહ્યાં  ‘ઈન્ડીયન બ્લડ’  આપણે આર્યપ્રજા, અનાડી જેવા થઈએ, એ કેમ પોસાય ?

પેલું ખબર છે ને કે, ‘નાઈન્ટીએઈટ ડીગ્રી ઈઝ ધી નોર્મલ ટેમ્પરેચર ’. ૧૦૦’ એ ‘એબોવ નોર્મલ’ .

એ જ રીતે  ‘એબોવ નોર્મલ’ વિચાર કરવા કે, ‘બીલો નોર્મલ’ વિચાર કરવા તે ય ‘ફીવર’ છે.

સગા-સંબંધીઓ જ્યારે આવા બાળકોને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપે કે  “બેટા બાપથી યે સવાયો થજે” ત્યારે પેલું બાળક પણ આવા ‘વિચારોના ફીવર’માં સપડાય અને આ બધીયે ઘટનાઓનો પોતાની સમજણ મુજબ સરળ અર્થ કાઢે છે કે, ‘આનો મતલબ મારે સવાયું ખોટું બોલવાનું,  એ અડબોથ મારે છે તો મારે ગનથી ગોળીઓ ઝીંકવાની, એ બે ચાર ગાળો બોલે તો મારે ૨૦- ૨૨ સામી ચોપડાવી દેવાની..એ સિગારેટ પીવે તો મારે ચરસ ગાંજો…’

હવે આવા ‘વિચારોના તાવ’ આવે એમાં આવે એમાં બાળકનો શું વાંક? એને તો શ્રાવ્ય કરતાં દ્રશ્ય વધુ અસર કરે. મતલબ એને કહેવાયેલી વાત કરતાં  આંખોએ જોયેલી વાતો પ્રમાણમાં જલ્દી અસર કરે. એના માબાપ એને કહે એના કરતાં એ લોકો જે પ્રમાણે વર્તે એ  માનસપટ પર સ્પષ્ટપણે અને ઘાટી રેખાઓથી  રેખાંકીત થઈ ગયું હોય છે.

વળી અમુક મા – બાપ તો જાણે પોતાના અધૂરા અરમાન પોતાના સંતાનો એ પૂરા કરવા જ જોઇએ જેવું જક્કી વલણ ધરાવતા જોવા મળે છે.. એ લોકોનો તો જન્મ જ એના માટે થયો છે જેવું જક્કી વલણ ધરાવતા હોય. પેલા માસૂમની કોઇ જ ઇચ્છા કે લાગણીને ધ્યાનમાં નથી લેવામાં આવતું. તું કોણ મોટો તારી જાતે નિર્ણયો લેનારો. અમે હજુ જીવતા જાગતા બેઠા છીએ ને.. પોતે એમને જન્મ આપ્યો, મોટો કર્યો એટલે એના ભવિષ્યના રણીધણી…એના માલિક જ.

તારી સરળતા રાખ તારી પાસે,

જે તું સમજે છે રાખ તારી પાસે,

અમે તો પાણીને થીંગડા મારનારા,

સુગંધને પણ બાનમાં લેનારા,

અમારી ચીંધેલી કેડીએ જ ચાલ,

તારી પસંદ બધી રાખ તારી પાસે…

અને એ માસૂમ ફુલ એની વસંત આવતા પહેલાં જ પાનખરનો અનુભવ કરવા લાગે છે. જીવનના બાગમાં ખીલતા પહેલાં જ કરમાવા લાગે છે. ઝાકળના બદલે અશ્રુઓથી ચમકવા લાગે છે.

બસ, જીવન આમ જ ધીમે ધીમે આગળ વધે છે.

હવે બાળકને શીખવનારમાં એના પોતાના અનુભવો અને સમવયસ્ક, એના જેવી જ અધકચરી સમજ ધરાવનારા મિત્રોનો પણ ઊમેરો થાય છે. એના આધારે બાળક પોતાની એક અલાયદી વિચારશક્તિ ધરાવતું થાય છે. મા બાપ, શિક્ષકો સામે બળવો પોકારીને ખુલ્લે આમ, ક્યાં તો છુપાઈ છુપાઈને પણ એ પોતાની મરજી મુજબના થોડા શ્વાસ લેવા લાગે છે. દરેક વાતમાંથી પોતાની સમજણ, અનુકૂળતા મુજબના અર્થ કાઢતું થઈ જાય છે.એ અર્થના રસ્તે ચાલતા ચાલતા લપસે છે, પડે છે-આખડે છે અને એ બધી માનસિક,શારીરિક કસરતોમાંથી પસાર થઈ પોતાના અનુભવોનો કક્કો પોતાના હસ્તાક્ષરમાં પોતાની સમજ -પાટી પર માંડે છે. માણસને પોતાની દરેક ચીજ વ્હાલી જ લાગે છે.પછી એ એનો ગુસ્સો હોય, પ્રેમ હોય કે અનુભવમાંથી શીખેલા પાઠ..એ સંધુયે એને વ્હાલુ વ્હાલુ, સાચુકલું અને પોતીકું જ લાગે.

બસ આમ જ પોતાના અનુભવોના આધારે એ હવે પોતાનું અલગ વિશ્વ રચતો જાય છે, જાતજાતના તરંગો,વિચારો,સપનાઓને પોસવાના ચકકરમાં હવે એક ઓર વ્યક્તિનો ઉમેરો થાય છે !!!

આ એક્દમ અલગ વ્યક્તિ…વિજાતીય વ્યક્તિ…પોતાનાથી સામેના છેડાની વિચારધારા ધરાવનાર વ્યક્તિ.ઘણી બધી વાતોમાં પોતાનાથી અલગ પડનારી આ વ્યક્તિ દિલથી એકદમ નજીકની કેમ લાગે છે ? એનું આકર્ષણ આટલું તીવ્ર કેમ ? એ ‘દિવસને રાત’ કહેવાનું કહે તો એક વાર કુદરત જેવી કુદરતને  પણ ચેલેન્જ કરી દઈને રાત બનાવી દેવાનું ઝનૂન ચડી જાય એવું કેમ ? રાત દિવસ એના જ સપના, વિચારો દુનિયા જાણે એના પરિઘમાં જ ફરતી હોય..કેન્દ્રમાં એ એક વિજાતીય, દિલની ધડકન જેવી વ્યક્તિ. યેન કેન પ્રકારેણ..એને ખુશ રાખવાના ચકકરમાં જ રહેવા લાગે છે.

એ પછી  જીંદગીમાં આવે ગણત્રીઓનો તબક્કો, પૈસા કમાવાની ઘેલછાનો તબક્કો..સુખ-સગવડોનો માયાવી તબક્કો. એવા સમયે એને જીંદગીના સૌપ્રથમ ગુરુ એવા ઇશ્વરના શબ્દો ધ્યાનથી સાંભળ્યા હોય, સમજ્યા હોય અને એનામાં પહેલાં જેવી માસૂમ શ્રધ્ધા અકબંધ હોય તો એને આ ભવસાગર સુખેથી તરી જવામાં કોઇ જ તકલીફ નથી પડતી. સંતોષ અને સાચી સમજથી જીંદગીના દરેક વહેણને અનુરુપ થતો થતો રસ્તામાં આવતા ધૂળ-ઢેફાંઓને પણ પોતાની સાથે ઢસડી જાય છે અને સુખેથી જીવનના રસ્તે વહેતો રહે છે.

પણ યુવાનીની અમર્યાદીત શક્તિ, જોશ જો એની સમજ પર  હાવી થઈ ગઈ અને એના જોશમાં એ હોશ ખોઈ બેઠો તો પછી એ ગયો કામથી..!! ઇશ્વરનો અને એનો જીવનની શરુઆતના તબક્કાનો થયેલો સંવાદ ભુલી જાય અને આ રંગીન દુનિયામાં ચોમેર પથરાયેલી ઝાકમઝોળમાં ફસાઇ સુખ નામના હરણ પાછળ દોડવાનું ચાલુ કરે છે. ધીમે ધીમે એનામાંથી પેલો માસૂમ બાળક ખોવાતો જાય છે અને જન્મે છે એક  આક્રમક, સાહસી,દુનિયાની લેતી દેતીની ગણત્રીઓ શીખવા મથતો યુવાન. એ પોતાની ઇરછાનુસારની જીન્દગી જીવવા માટે હવે કુદરતને ચેલેન્જ કરતો થઈ જાય છે. એમાં એક જાતનું થ્રીલ અનુભવે છે. નસીબ સારા હોય અને પડકારમાં સફળતા મળે તો એની સાહસવૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે, હિંમતના ઝરણાં ફૂટી નીકળે છે. જે એને એ જ દિશામાં આગળ વધવાનું જોમ આપતું રહે છે અને એ આંખો બંધ કરીને એ લપસણા ઢાળ પર મુશ્કેટાટ મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકે છે. આ રહી ગયું ને પેલું રહી ગયું..બધુંય મેળવી લેવું છે, સારી દુનિયા મારી મુઠ્ઠીમાં કરી લેવી છે. બસ આ જ ચકકરોમાં, કવાયતોમાં વર્ષો વીતતા જાય છે અને એની યુવાનીની રેત સરકતી જાય છે.

છેવટે એક એવી ગોઝારી પળ સામે આવીને ઊભી રહે છે કે જે કુદરતને પડકારીને, એની વિરુધ્ધ દિશામાં ચાલતા રહીને ગર્વ અનુભવ્યો હોય, જે કુદરતને પોતાના પગની જૂતીએ કચડી હોય, છેલ્લી આંગળીએ નચાવીને બેજોડ સાહસ અને અદ્ભુત રોમાંચ મેળવ્યો હોય એ જ કુદરતને પડકારવા જતા…સામે થતાં હવે એનું શરીર થાકીને શ્રમાન્તિત થઈ ચૂક્યું હોય છે. તન અને મનના એક એક જોડ દુઃખવા આવી ગયા હોય , કુદરતને હરાવવાની તીવ્ર ઇરછાઓને સાથ આપવામાં એનું શ્રમિત શરીર જવાબ દઈ દે છે.. એડીચોટીના જોર બધાંય નિષ્ફળ જાય છે. ‘બસ હવે ખમૈયા કરો બાપલા…જરા શાનમાં સમજતા હો તો.. ‘ કાનમાં ફૂંક મારી મારીને સમજાવતું જાય છે. આવી વિપરીત સ્થિતીનો સામનો કરવા ના ટેવાયેલો એ ગર્વિલો અંદરોઅંદર અકળાય છે, ક્રોધિત થાય છે પણ અંદરખાને લાચારી અને નબળા શરીર સામે એ હાર માની લે છે… જોકે એણે ‘હાર માનવી પડે છે ‘એમ કહેવું વધુ યોગ્ય રહે. કારણ, કુદરત આગળ કોનું ચાલ્યું છે તે એનું ચાલવાનું હતું. !! એની સામે ઝૂક્યા વગર એની પાસે કોઇ ‘ઓપ્શન’ જ નથી હોતું. ના ઝૂકે તો તૂટીને ચકનાચૂર થઈ જવા સિવાય બીજો કોઇ જ રસ્તો એની પાસે નથી બચતો. માનવીથી આ હાલત સહન નથી થતી… જોકે એને તકલીફ તો બહુ જ પડૅ છે એ સ્વીકારતાં. પણ તમાચો મારીને પણ ગાલ લાલ રાખવો પડે છે …!!!

એના ધ્યાન બહાર જ ધીમે પગલે બુઢાપાની અણગમતી પરિસ્થિતી  જીવનના દરવાજે ટકોરા માર્યા વગર હળ્વેકથી પગપેસારો કરી જાય છે . જીવનપર્યંત એ જે કંઇ શીખ્યો એ બધાંને હવે નિરાંતે બેસીને વાગોળે છે, મેળવેલા અનુભવો પર એક નજર નાંખે છે. શું મેળવ્યું,શું ગુમાવ્યું, કેટલી સિલક ખાતામાં બાકી રહી..આ બધી સિલક કોના હવાલે કરવાની હવે..કે પછી આમ જ અહીં મૂકીને એક દિવસ ભગવાનને શરણ..છાતીએ બાંધીને થોડા ત્યાં લઈ જવાય બધું..આ તો બહુ મોટો અન્યાય..અને એ આકાશમાં એક મીટ માંડે છે. ત્યાં તો સૂર્યના કોમળ કિરણોમાંથી કોઇ આશીર્વાદ વરસતો દેખાય છે..એ ‘આશીર્વાદ- કિરણો’માંથી એક ચહેરો રચાઇ જાય છે.  દિવ્યદર્શન..જીવનની સૌથી સુંદર પળ અને એના ખોળામાં આવી પડે છે એનો પોતાનો અંશ.પોતાનું બાળક.

ઇશ્વર એને એક ‘ઓર ચાન્સ’ આપે છે. પોતાના જીવનમાં કરેલી ભૂલોની સુધારેલી આવ્રુતિ એ બાળકને સુપેરે ભણાવવાની એક મોટી જવાબદારી એના શિરે નાંખે છે. અને ફરીથી એ જ ચકકરો ચાલુ..

એ જ માસૂમિયત પર અનુભવના ઢોળ ચડાવવાની ધમાલો. માણસ પોતે જીંદગીના સાગરમંથનમાંથી ઝેર પામ્યો હોય તો એ માસૂમના મૂળિયા ઝેર નાંખીને પોસે છે અને અમ્રુતના અનુભવો પામ્યો હશે તો અમ્રુતરસ સીંચે છે. ‘જેવું વાવ્યું એવું લણે’ એ તો.

-સ્નેહા પટેલ

વાંચવું એટલે..


શ્રી ખોડલધામ સ્મૃતિ’ મેગેઝિનમાં આ મહિનાનો લેખ..

આચમન-૩ :

થોડા સમય પહેલાં મને એક મેસેજ મળેલો, મેં જે લખ્યું છે એના માટે જ હું જવાબદાર છું,નહીં કે તમે જે સમજ્યાં’ આ વાત મને બહુ જ ગમી. હા, તો મેઈન મુદ્દા પર આવું કે,

વાંચવું એટલે શું? બહુ જ સરળ પ્રશ્ન પણ જવાબો..આના તો જેટલા મુખ એટલા અલગ જવાબો મળે. તમે કહેશો કે એમાં શું વળી વાતને આટલી ગોળ ગોળ ફેરવવાની ! વાંચવું એટલે આંખોની સામે વાંચનસામગ્રી હોય અને એના શબ્દો ઉપર નજર દોડાવવાની એટલે વાંચવાનું. પણ ખરેખર એમ જ હોય છે કે..!!!!

 

નાના છોકરાઓને પૂછશો તો કહેશે કે :

 

‘અમને શબ્દો કરતા રંગીન ચિત્રકથાઓ વધુ સરળ અને સ્પષ્ટ લાગે છે એટલે એ વધુ ગમે. આમ અમે તો ચિત્રો વાંચીએ છીએ !!’

 

થોડા મોટા છોકરાંઓને પૂ્છશો તો જવાબ આવશે,

 

‘વાંચવું એટલે..હ્મ્મ્મ.. રાયમિંગવાળી કવિતાઓ, નાની નાની બોધકથાઓ, રામાયણ-મહાભારતના યુદ્ધવાળી શૌર્યગાથાઓ, અમારા ફેવરીટ કાર્ટુનના મેગેઝિન અને છેલ્લ્લે…વાંચીને દસ દસવાર લખીને ફરજિયાત મોઢે કરવા પડતા ભેજાખાઉ શબ્દોથી છલકતા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોના પાઠ !!’

 

ટીનેજરોની તો દુનિયા જ નિરાળી..રંગબેરંગી સ્વપ્નોની દુનિયામાં વિહરતા વિદ્રોહી પંખીડા.  જેમની ચકળવકળ આંખોમાં કાયમ આખી દુનિયાના રહસ્યો જાણી લેવાની ઉત્સુકતા તરવરતી હોય, આ વાંચી લઉં  ને પેલું પણ વાંચી લઉં પણ સૌથી વધુ આકર્ષણ તો લેટેસ્ટ ફેશન, પ્રેમ, સેક્સ કે વિરુદ્ધ જાતિ વિશે જરુરી જાણકારી પૂરી પાડતી વાંચન-સામગ્રીઓનું હોય. બાકીનું બધું અભ્યાસક્રમમાં હોય એ વાંચવા ખાતર વાંચી જવાનું. જરૂર પૂરતું યાદ રાખીને, ગોખીને પરીક્ષાઓ આપી દેવાની અને પછી એ બધાંયને એક પોટલું વાળીને પસ્તીમાં ધકેલી દેવાનું. પસ્તીના જે પૈસા આવે એ દોસ્તો સાથે કેવી રીતે વાપરવા એમાં ભણી ગયેલા ગણિતના લેસનમાંથી જે લાગુ પડે એ સમીકરણોના સૂત્રો વાપરી લેવાના. જો કે એ સમીકરણો તાકડે યાદ આવવા પણ પાછા એટલા જ જરૂરી હોંકે, કારણ એ તો કેટલા ધ્યાનથી એ સમીકરણો શીખેલા એના ઉપર આધાર. કદાચ એટલે જ ભગવાને એ ઉંમરે યાદશક્તિ ધારદાર આપી હશે !!

 

એ પછી માણસ થોડો કામ ધંધામાં પરોવાય એટલે એની નજર હવે ચેકબુકોના આંકડા, પગારધોરણો, રાજકારણ, સ્પોર્ટસ, રસોઈ-શો વગેરે જેવા વિષયો તરફ ફંટાય. આ બધામાં આજ કાલ નેટની દુનિયામાંથી ફેસબુક, વેબસાઈટ, બ્લોગ, ઇમેલ જેવી જગ્યાએથી પણ વાંચન સરળતાથી અને થોકબંધના હિસાબે ઉપલબ્ધ થાય છે.  લગભગ દરેક વિષયની માહિતી ‘ગુગલ દેવ’ની મહેરબાનીથી આંગળીના ટેરવે રમતી થઈ ગઈ છે. જેમાં દરેક ભાષામાં જાત જાતના વિષયો પરના લેખો, વાર્તાઓ, કોઈ પણ વિષય પર ખુલ્લેઆમ થતી ચર્ચાઓ તેમ જ જે-તે પોસ્ટ પર બીજા વાચક મિત્રોના વિચારો કોમેન્ટ્સરૂપે વાંચી શકાય છે. વળી એની પર કોમેન્ટ કરીને આપણા વિચારો પણ વાંચવા માટે નેટના દરિયામાં તરતા મૂકી શકાય છે.

 

આ તો થઈ અલગ અલગ ઉંમરે રસ પડતા વાચનના વિષયોની વાતો.

 

હવે ગમે તે ઉંમરે માણસમાં છુપાયેલ કલાકાર જીવડા જેવા લેખકો, કવિઓ, પત્રકારો, સાહિત્યકારો, છાપા-મેગેઝિનના એડીટરો કે કોઈ ખાસ વિષય તરફ અદમ્ય આકર્ષણ ધરાવતા લોકોની વાંચન સામગ્રી એકદમ જ અનોખી અને સિલેક્ટેડ જ હોય છે. જે-તે ક્ષેત્રના કલાકારોને તો એમના રસ સિવાયની માહિતીના પુસ્તકો તરફ નજર ભાગ્યે જ પડે.

 

આ જુવો એક  સાહિત્યપ્રેમી અને શબ્દોના પ્રેમમાં પડેલી એક નારી ‘બિંદુ દાણી’ના શબ્દો એની જ ભાષામાં,

‘વાંચન …..

ઘરમાં આવતા અગણિત મેગેઝીનો વાંચવાની ઈચ્છાને કે પછી રોજ સવારનાં ઉઠીને ઢગલાબંધ છાપાઓમાં રહેલી નકારાત્મકતાને વાંચવાને વાંચન ના કહેવાય.’મારા માટે વાંચન એટલે એક હકારાત્મકતાની અનુભૂતિ’. મારી સાથે ઘણીવાર એવું પણ બન્યું છે કે એક જ વાક્ય વાંચ્યા પછી મને એવું લાગ્યું છે કે મેં આખું પુસ્તક વાંચી લીધું.

 

વાંચન એટલે સાગરની ગહેરાઈમાં ડૂબવાની મઝા,

વાંચન એટલે દુકાળગ્રસ્ત ધરતી પર પહેલો વરસાદ,

વાંચન એટલે એજ ધરતી પર વરસાદનો પ્રેમ પથરાયા પછી ઉગેલી એક નાનકડી લીલીછમ કુંપળ,

વાંચન એટલે માના સંસ્કાર,

વાંચન એટલે પિતાનું વાત્સલ્ય…..’ !!!

 

વાંચન સાથે આટલો સંવેદનશીલ નાતો..!!

 

અમદાવાદના એક અતિ સંવેદનશીલ શિક્ષક એવા ‘સાકેત દવે’ના મત મુજબ,

‘મારા વિચાર મુજબ વાંચન એટલે હળવાશથી લઈને તીવ્ર લાગણીઓના અનુભવની ઝંખના હોય એવી વ્યક્તિઓનું શ્રેષ્ઠ માનસિક ભોજન.

હું મોટાભાગે જે હાથમાં આવે એ વાંચું છું  અને વાંચનથી દરેક વખતે ઘણી લાગણીઓ અનુભવું.કોઈવાર આંખ ઉભરાઈ જાય, કોઈવાર સખત ગુસ્સો આવે તો કોઈવાર ખૂબ દયા.ઓતપ્રોત થવામાં કંઈ જ બાકી ના રહે. મોબાઈલ અને ઇન્ટરનેટના કોપી-પેસ્ટના જમાનામાં મૌલિક લેખનની જેમ મૌલિક વાંચનનો ક્યાંક ક્યાંક અભાવ અનુભવાય, તો ક્યાંક બે-ચાર લીટીમાં હૃદયસ્પર્શી શબ્દો વાંચવા મળી જાય તો લેખ વાંચ્યા જેવી તૃપ્તિ અનુભવાય!!’

 

બોલો..વાંચનની આટલી બધી અસર !!  શબ્દો જાણે સામે ચોપડી કે કોમ્પ્યુટરની સ્ક્રીનમાંથી નીકળીને તમારો હાથ પકડીને તમારી જોડે બેઠા બેઠા કોફીના ઘૂંટ ગળે ઉતારતા ઉતારતા રોજબરોજની વાતો કરતા હોય એમ લાગે છે ને. આ શબ્દોની તાકાત નહીં તો શું કહેવાય !!!

 

બીજા એક એનીમેશન પિકચરો બનાવનાર કલાકારજીવ ‘જયેન્દ્ર આશરા’ના કહેવા મુજબ,

 

‘વાંચન એ આપણી ઇન્દ્રિયોના અનુભવનો અર્થ છે. બાળક ત્રણ વર્ષની ઉમરથી જ તેના માતા-પિતાના હાવભાવ અને અવાજ નું વાંચન કરે છે.તેમાંથી શીખે છે અને ક્યારેકતો તે પોતાના માતા-પિતા નો મિજાજ જોઈ ને વર્તન બદલે છે. જેમકે ખબર પડે કે માતા ગુસ્સે છે તો તે વધારે પડતા વ્હાલથી વર્તન કરે છે. ઘણીવાર મને લોકો પૂછે છે કે, ‘ તમે આ બીજી ના સમજાતી દક્ષીણ ભારતીય ભાષા કે વિદેશી ભાષા ની ફિલ્મ કેમ માણી શકો છો?’ તો મારો જવાબ હોય છે કે,’ હું તો એ એકટરો ના હાવભાવ અને કથાવસ્તુ તેમાં ના દ્રશ્યો થી વાંચી લઉં છું.’

 

બોલો આવા ઇન્દ્રીય વાંચનનો અનોખો લહાવો માણ્યો છે તમે કદી ..?

 

ધોરણ ૮ થી ૧૨ ના GSEB, CBSE. ICSE, IGCSEના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવતા ‘રાજેશ શેઠ’ના મત મુજબ,

 

‘To read means to share the views of a writer and try to accept if favorable and try to reject if do not suits to the reader ‘

 

તો વળી એક ખૂબ જ ક્રીએટીવ દોસ્ત છે જે કોપી રાઈટીંગ અને અનુવાદનું કામ કરે છે, જેમણે હોલીવુડના  પિક્ચરો અને ડીસ્કવરી પ્રોગ્રામ્સની ડોક્યુમેન્ટરી, કાર્ટુન સિરીયલોના અનુવાદ કરેલા છે એમને પુછ્યું કે,

‘વાંચન એટલે શું? તો તરત જવાબ આવ્યો કે,

‘I’m college drop out. પણ લોકો માનતા નથી. પણ હકીકત તો એ છે કે ‘વાંચન એટલે હું પોતે’  મતલબ કે હું આજે જે કંઇ છું એ વાંચન થકી જ છું. મારું અસ્તિત્વ એટલે જ વાંચન’

 

વાંચન સાથેનો આવો દૈવી પ્રેમ, તાદાત્મય અનુભવ્યું છે કદી તમે !!

 

અમેરિકાની ‘ડ્રેક્ષલ યુનિવર્સિટી’ના પ્રોફેસર અને ગુજરાતી સાહિત્યના જબરદસ્ત ચાહક એવા જય ભટ્ટ્ના મત મુજબ,

‘વાંચન..એટલે માત્ર શબ્દો, વાક્યો અને પાના વાચી જવા એટલું જ નહી, પણ એ શબ્દો દ્વારા અભિપ્રેત થતી વિવિધ લાગણીઓ, આત્મસાત કરવી એ’

 

વાંચનનું રસપાન..!!

 

જોકે વાંચવું એ તો બરાબર. તમને જે વિષય પર મન થયું એ વાંચી કાઢ્યું તો ખરું પણ એમાંથી ભેજામાં કેટલું ઉતરે એ વિચાર્યુ છે કદી..? આ વાત પર એક વાત યાદ આવી ગઈ.

 

નાનપણમાં સ્કુલની લાઇબ્રેરીમાંથી અને બીજી આજુ-બાજુની ઢગલો લાયબ્રેરીના કાર્ડ કઢાવી કઢાવીને હું એક દિવસમાં એક નવલકથા કે પુસ્તક એકી બેઠકે વાંચી કાઢતી. ઘરમાં વાંચનારા સભ્યો વધારે અને આપણને પહેલા નંબરે રહેવું ગમે એટલે આપણા ભાગે આમે આવી ફટાફટી થોડી વધારે આવે. પુસ્તક વાંચી લીધા પછી મોઢા પર એક છૂપો ગર્વીલો ભાવ તરવરે..અહાહા..મારી વાંચનની સ્પીડ જોઈને..કેટલી ફાસ્ટ છું. હવે આજે જ્યારે યાદ આવે કે આ પુસ્તક તો નાની હતી ત્યારે વાંચેલુ છે પણ એમાંની ડીટેઇલ્સ ખાસ કંઇ યાદ નથી આવતી..લાવ ફરીથી એ જોઇ જવા દે તો. પછી તો પુસ્તક ખરીદાય, શાંતિથી એ પુસ્તકના પાના પર હાથના ટેરવાંનો સ્પર્શ થાય. પણ અત્યારે એ ટેરવા ધીરજ અને વીતેલા વર્ષોની સમજણથી ભરેલા છે એટલે એક પાનું ખોલું..શાંતિથી વાંચુ…બીજું..ત્રીજું…અને આ શું..આમાંનું કશું જ મેં પહેલાં વાંચ્યાનું યાદ નથી !! તો વાત એમ છે મિત્રો કે નાનપણમાં અડધા પડધા પાનાંઓ ગુપચાવીને ઉપરછલ્લા વાંચેલા શબ્દો તો મારા દિલ-દિમાગમાં પૂરેપૂરા ઊતર્યા જ નહોતા. સામે પક્ષે હવે મારો દીકરો મારી સામે હોડ લગાવતો હોય કે , ‘મમ્મી, મેં આજે એક આખી બુક પતાવી કાઢી અને તમે  છેલ્લા અઠવાડીયાથી એક જ બુક વાંચો છો?’ ત્યારે મનોમન એના એ ‘પતાવી કાઢવાના વાંચન’ પર હસી પડાય છે.

 

લેખકે કયા સંદર્ભમાં લખ્યું હોય અને વાંચીને આપણે વાત કયા સંદર્ભમાં સમજીએ એ પણ વિચારવાનો મુદ્દો છે. કોઇ પણ વાંચન વિચાર, મનન અને અધ્યયન વગર અધુરું કે ઉપરછલ્લું જ છે. એક જ વાક્ય આઠ વર્ષનો બાળક વાંચશે કે અઢાર વર્ષનો નવજુવાનિયો વાંચે કે પછી ૪૦ વર્ષની આસપાસની વ્યક્તિ વાંચે કે ૬૦-૭૦ વર્ષના ઘરડાં  બધા પર એ લખાણની અસર એમની સમજશક્તિ અનુસાર અલગ અલગ જોવા મળે છે.

 

આજ કાલ નેટના કારણે લોકો પર વાંચન સમગ્રીનો ઓવરડોઝ ખડકાય છે. લોકોને વાંચવા માટે ઢગલો સાહિત્ય આરામથી ઘરબેઠા લેપટોપના ટચુકડા સ્ક્રીનમાં જોઇએ ત્યારે હાજર થઈ જાય છે. વિદ્યાર્થીઓને  જે પણ મટીરીઅલ જોઇએ એ શબ્દ ‘ગુગલ સર્ચ’માં ટાઈપ કરીને એના વિશેની જરૂરી માહિતી મેળવી કોપી-પેસ્ટ કરો અને પ્રોજેક્ટ પતાવો..આ ‘ઇઝીલી અવેલેબલ’ ઢગલો ઓપ્શન એમની ધીરજ અને આંતરિક સમજશક્તિના ગુણોને ખીલવાની તક જ નથી આપતી. એ વિદ્યાર્થી એના જીવનમાં આમ ને આમ જ ઝડપથી આગળ વધતો રહ્યો તો એની જિન્દગીમાં સમજપૂર્વક, ધીરજ્થી આખે આખા પુસ્તકો  વંચાયાની સંખ્યા કેટલી હશે એ પ્રશ્ન ખરેખર વિચારવાને લાયક છે. આ બધાથી એ લોકો લાઇબ્રેરીમાં જતા ઓછા થઇ ગયા છે. હાથના આંગળાને ચોપડીઓના પાનાનો સ્પર્શ થતો હોય, સાથે એક પેન  કે પેન્સિલ લઇને ચીવટપૂર્વક મનગમતા વાકયો નીચે અન્ડરલાઈન કરાતી હોય, સાથે એક મોટો ચા કે કોફીના મગમાંથી ચુસ્કી લેતા જવાતી હોય અને એ ય ને આરામથી ઝુલણખુરશીને હળ્વી ઠેસે ઝુલાવતા ઝુલાવતા વાંચવાનું હોય આ બધી મજા એમના નસીબમાં ક્યાં?  અરે…નવીનક્ક્કોર ચોપડી ખરીદી હોય અને એનું ઉપરનું પ્લાસ્ટીક રેપર ખોલીને જતનપૂર્વક પહેલું પેજ ખોલી આંખો બંધ કરીને નાકમાં પ્રવેશતી પહેલ-વહેલા ખુલતા પાનાની ‘વર્જીન સુગંધ’ ની અનુભૂતિ પણ એ લોકો ક્યાં માણી શકવાના !

 

 

વળી નેટ પર તો કોપી પેસ્ટ કરનારાનો રાફડો ફૂટયો છે. કોઇ પણ મનગમતું વાંચન શોધો અને પોતાના નામે એ લખાણ ચડાવીને પોતાના ફ્રેન્ડસર્કલમાં કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને એની કોપી કરીને મેઈલ કરો કે ફેસબુકની વોલ પર ચીપકાવીને એના પર લાઇક કે કોમેન્ટ્સના ઢગલા મેળવો. ઘણીવાર તો ઓરીજીનલ લેખકના પોતાના મોબાઈલમાં પોતાનું લખાણ બીજાના નામે ચડીને આવે ક્યાં તો નેટ પર સક્રિય હોય તો બીજાની ફેસબુક વોલ કે બ્લોગ પર પોતાનું લખાણ બીજાના નામે ચઢેલું નજરે ચઢે. વાચકવર્ગની પોતાની પણ એક નૈતિક જવાબદારી હોય છે કે જે-તે કોપી કરાતી રચના કે લખાણનું શ્રેય તમે રચનાની નીચે એના મૂળ રચનાકારનું નામ લખીને જરૂરથી આપો. આના પર તો ‘ગુજરાતી બ્લોગજગત’માં કેટલીયે ચર્ચાઓ થઈ છે. અજાણતા ભુલ કરનારા આસાનીથી એ વાત પર ‘સોરી’ કહીને વાત સમજીને સ્વીકારી લે છે, પણ હજુ અમુક નિર્લજ્જ લોકો પડ્યા છે જે આનો તીવ્ર વિરોધ કરીને એ જ વર્તન કરવાનું ચાલુ રાખે છે.

 

ઘણીવાર અમુક લેખકો, વિચારકો એમના લખાણમાં એટલા ઊંચા ગજાની વાતોના ગાડા હાંકી કાઢે, ડહાપણનાં પોટલે પોટલાં ખુલ્લાં મૂકી દે છે. હવે દરેક વાત દરેક પરિસ્થિતિમાં સાચી ના જ હોય. એ લેખકે પોતાના માનસિક સ્તર મુજબ એ લખાણ લખ્યું હોય પણ સામે  સામાન્ય વાચક્ની માનસિક કક્ષા એટલી બધી મજબૂત ના હોય તો ?  વાચક જો ઇમાનદાર અને લાગણીશીલ હોય તો એ આદર્શ વાંચન અનુસાર પોતાની જાતને ઢાળતા રહેવાના પ્રયત્નોમાં સતત લાગેલો રહેશે અને વાંચ્યા મુજબની આદર્શ સ્થિતિમાં ના પહોંચી શકાતા એક તાણનો અનુભવ પણ કરે. તો એવા વાચકોએ એટલું સમજવું જોઇએ કે જેમ ‘ના બોલ્યામાં નવ ગુણ’ જેવી કહેવત અસ્તિત્વમાં છે એમ’ બોલે એના બોર વેચાય’ જેવી કહેવત પણ પ્રસિદ્ધ છે. સમય અને સંજોગોને અનુસાર આપણી શારીરિક અને માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈને, આપણી સમજ અનુસાર પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરીને પછી જ વાંચેલું જીવનમાં આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાયને એક લાઠીએ ના હંકાય હોં કે..!!

-સ્નેહા પટેલ – અક્ષિતારક

 

તૃષ્ણા


આ મહિનાનો ‘શ્રી ખોડલધામ સ્મ્રુતિ’ મેગેઝિનમાં ‘આચમન’ કોલમનો મારો લેખ.

રાતના ૯-૦૦ વાગે “કૌન બનેગા કરોડપતિ” નામનો સરસ મજાનો પ્રોગ્રામ ચાલુ થાય છે.

અમિતાભજીનો ઘેરો, આખા ભારતને મદહોશ કરનારો અવાજ ઘરના ડ્રોઈંગરૂમના ટી.વી.માંથી રેલાય છે,

‘તમે ધારોકે અહીંથી તમારી મનપસંદ રકમ જીતી જશો, તો એ જીતની રકમનું તમે શું કરશો?’

અને લગભગ ૧૦૦માંથી ૯૦ જવાબ ‘ધરતીનો છેડો ઘર’ની આસપાસ જ ફરતો જોવા મળ્યો છે.

જેમનું પોતાનું ઘર હોય એમને લોનના હપ્તા ભરી દેવાની ઇચ્છા હોય છે. જે નાના ઘરમાં રહેતા હોય એમને મોટા ઘરમાં જવાની ઇચ્છા હોય છે. તો જેમના ઘરના  હપ્તા ઓલરેડી ચૂકવાઈ ગયા હોય એમને ઘરમાં ફર્નિચર વસાવવાની ઇચ્છાઓ હોય છે. જેમનું ઘર ફર્નિચરથી સુસજ્જ હોય એમને વળી એ તોડાવીને નવું લેટેસ્ટ સ્ટાઇલનું ફર્નિચર વસાવવાની ઇચ્છા હોય છે. વળી અમુકને બધાની શાંતિ હોય તો અમુક વહેમ કે અંધશ્રધ્ધાઓના ભૂત મગજમાં ભરાયેલા હોય કે આ ઘરમાં આવ્યા પછી અમારી ધંધામાં ચડતીના બદલે સતત પડતી જ થઈ છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ મકાનનુ પ્રારૂપ આ પ્રકારનુ રાખવુ જોઈએ કે આંગણ વચ્ચે હોય.

આંગણ કેવા પ્રકારનુ હોવું જોઈએ-

આ મધ્યમાં ઉંચુ અને ચારે તરફથી નીચું હોય. જો આ મધ્યમાં નીચુ અને ચારે બાજુથી ઉંચુ હશે તો એ તમારી માટે નુકશાનદાયક છે.

આવુ આંગણ હોય તો તમારી સંપત્તિ નો નાશ થઈ શકે છે. પરિવારમાં વિપદા વધશે.

વાસ્તુ મુજબ આંગણની લંબાઈ અને પહોળાઈના સરવાળાને આઠ થી ગુણીને નવથી ભાગવાથી શેષનુ નામ અને ફળ આ રીતે જાણો – પછી શેષના આંકડા આપીને તેના પરિણામો આપ્યા હોય .

આ બધા ચક્કરોના કારણે આ દિવાળીએ થોડી પૈસાની તડજોડ કરીને પણ બધું તોડીને ઘર ફરીથી વાસ્તુને અનુકૂળ બનાવી દઇએ.

કાં તો અમુક જગ્યા આગળ વધે એવી શક્યતા છે, તો એ પ્રમાણે ઘરને થોડું મોટું કરીએ તો થોડી મોકળાશની જગ્યા ઉમેરાય. આ એરિયા જ રહેવા જેવો નથી, પાડોશી સારા નથી- ઉપરવાળા જેમ તેમ કચરો નાંખ્યા કરે જે આપણા આંગણામાં પડે રાખે છે, છોકરાઓ પણ ટાઈમ કટાઇમ જોયા વગર આખો દિવસ ધમાચકડી મચાવે રાખે છે, કેટલું સમજાવ્યું પણ પથ્થર પર પાણી જ ..વળી બાથરુમ લીકેજ થાય છે એ રીપેર કરાવવા માટે પણ  તૈયાર થતા નથી આખા ઘરની દિવાલો જુવો તો ભેજ ભેજ..આવા ઘરમાં તો કેમ રહેવાય,  નીચે ધીમે ધીમે શોપિંગ સેન્ટર બનતું ગયું છે એ પણ ન્યુસન્સ જ થઇ ગયુ છે..આખો દિવસ માણસોની અવર જવર, કોલાહલ..બપોરના કે રાતના સૂવા માટે શાંતિ જ ના મળે ને.. અહીંટ્રાન્સપોટેશનની ફેસિલીટી પ્રોપર નથી, સગા સંબંધીઓના ઘર બહુ દૂર પડે છે…આવા તો ઢગલો કારણો માણસોને મળી રહે છે.

યેન કેન પ્રકારેણ.. પોતાના ઘરથી માનવીને કોઇ દિવસ સંતોષ થતો જ નથી.

દર વખતે મને એમ થાય કે આ વખતે તો પેલો ‘કન્ટેસ્ટન્ટ’ કંઇક નવી જ ઇચ્છા જાહેર કરશે પણ અફસોસ..મને એ જ જૂનો પુરાણો જવાબ  સાંભળવા મળે. હા અપવાદરુપે કોઇક વીરલો આવી જાય, પણ એ બધું બહુ ઓછા અંશે જોવા મળે.

કેમ આમ..!!!!

હમણાં જ ઘરની સામે તાજી જ વિયાયેલ કૂતરી પોતાના પાંચ ભટોળિયાને પોતાના શરીરની હૂંફ વડે ગરમાવતી નિરાંત જીવે સૂતેલી દીઠી. ચોમાસાનો સમય અને આવી હાલત. કૂતરીપોતાના શરીર વડે શક્ય એટલા ગલૂડીયાઓને ઢાંકવાનો પ્રયત્ન કરતી કરતી પાછી ઝોકે ચડી જતી.

આજકાલની ઋતુઓ હવે પહેલાં જેવી આગોતરી ભાળ મેળવી શકાય એવી સરળ નથી રહી. ભરતડકે વરસાદ પડી જાય અને વાવાઝોડાના અંધકારમાંથી અચાનક તડકો પણ રેલાઇજાય. સાવ જ અકળ. કૂતરી પોતાની તનરુપી છત્રીનું ક્ષેત્રફળ વધારવાના સતત પ્રયાસ કર્યા કરે છે. વરસાદ તો બંધ થયો.  હવે ખાવાનું શોધવા માટે જવાનું થાય તો આ બચ્ચાઓનું શું કરવું એ યક્ષ-પ્રશ્ન ! કૂતરી બાજુમાં માટી ખવરી ખવરીને થોડો ખાડો બનાવી દે છે. બચ્ચાંઓને એમાં ધકેલી દે છે અને પછી તો ઉપરવાળો બેઠો જ છે ને ચાર હાથવાળો..એમના ભરોસે મૂકીને એ ખાવાનું શોધવા ઉપડી જાય છે.

માટી, માતા, મજબૂરી, ઉપરવાળાના  ભરોસે જન્મનારાને રમતા મૂકી દેવાની અલગારીતા. આ બધા આગળ એ કૂતરીને પોતાના ઘર હોવું જોઇએ એવી કોઇ જ જરુરત નથી ઉદ્દભવતી. કેટલી ઓછી વસ્તુઓમાં પણ એનું ગુજરાન સુખેથી ચાલે  છે..!!

ઘર એટલે હૂંફનો માળો જ હોય ને. પરિવારજનોની હૂંફ, પ્રેમ, સંતોષ  હોય તો એવા ઘરને છોડીને માનવીને સ્વર્ગમાં જવાની ઇચ્છા પણ ના થાય. જરુરિયાત અને મોજ શોખ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજી શકો અને સંતોષની નદીમાં નાહી શકો તો એ પછી  અનુભવાતી તાજગી તમને  કોઇ જ જાતના સુગંધી સાબુ, માલિશ, સોના બાથ, સ્ટીમબાથ કે બ્રાન્ડેડ કપડાં થકી નહીં મેળવી શકો. કારણ, એ તાજગી પ્રભુના વરદાન સમ સ્વ્યં-સ્ફુરેલા ઝરા જેવી દિવ્ય હોય છે.

આજકાલનો માનવી વસ્તુનિષ્ઠ બનતો જાય છે. મને  આ જોઇએ, મને તેના વિના નહીં જ ચાલે. પોતાની ખુશીઓને પરાધીન બનાવી મૂકે છે. એની જાણ બહાર એના આનંદનું ગુલામીખત ભૌતિક ચીજવસ્તુઓના નામે લખાઇ જાય છે. કાયમ અસંતોષના હીંચકા પર આગળ પાછળ ઝૂલ્યા જ કરે છે. પણ એ ભૂલી જાય છે કે હીંચકો ભલે ગમે એટલો દૂર લઈ જઈ શકે પણ એણે પોતાની જગ્યાએ પાછો આવવું જ પડે છે. એ દૂરતા તો સીતાના મૃગ જેવી આભાસી હોય છે.

સંવેદનબધીર સમાજની  કરુણતા એ છે કે આપણે ભોળપણને મૂર્ખતામાં ખપાવીએ છીએ અને કપટને સ્માર્ટનેસમાં. સંવેદનાના, માનવતાના મહાન મૂલ્યોની હોળી સળગાવીને મેળવાતામાનવીના રૂપાળા, સુખ-સગવડીયા ઘરના બહારના રૂપરંગથી અંજાઈને ચકાચોંધ થઈ જતી આંખો, એ ઉજાસ પાછળ કેટલાય માનવઅશ્રુઓની નદીઓ વહેલી છે, કેટલીય જુવાનજોધ આંખોના હીર ચૂસી લેતા રાતદિનના ઉજાગરા વણાયેલા છે, કેટલાં પ્રેમાળ પરિવારો તૂટ્યાની વેદનાના ડુસ્કાંનો કોલાહલ પડઘાય છે, લોનોના હપ્તા ભરી ભરીને બેવડ થઈ ગયેલી કમર સાથે કેટલાંય ખમીરવંતોના ખમીર  ધૂળમાં રગદોળાઇને ચકનાચૂર થઈ ગયેલા છે.. આવી ઢગલો હકીકતો નિહાળી જ નથી શકતી.

કુદરતના ખોળે ઊછરવાનું, એને અનુકૂળ થઈને સરળતાથી જીવનાનું, એ બધું ભૂલીને માનવી પોતાના સુખ સગવડોના સાધનો વધારવામાં સતત પ્રકૃતિની સાથે બાથ ભીડતો જ જોવા મળે છે. પોતે શું કામ પ્રકૃતિને અનુરુપ થાય એને મારી અનુરૂપ થવું જોઇએ. હું આખી દુનિયાનેમારી બુદ્ધિ પ્રતિભાથી ઝુકાવી શકું છું, મહા સમર્થ છું , એવા ક્ષણિક વિજયના મદમાં ઝૂમતો થઈ ગયો છે.

આજકાલનો માનવી ધરતીમય, નદીમય, લીલાછમ વ્રુક્ષમયના બદલે સિમેન્ટમય,પ્લાસ્ટિકમય, સ્ટીલમય થતો ચાલ્યો છે. એ બધાના ખપ્પ્પરમાં કુદરતની મૂલ્યવાન ધરોહર જેવા જંગલો, માસૂમ પ્રાણીઓ – પક્ષીઓ  વગેરે હોમતો જાય છે.

કુદરત જેવું મહાન ફાંટાબાજ બીજું કોઇ નથી. આ બધાના બલિદાન એ નિરર્થક નથી જવાદેતી. ‘ગ્લોબલિયા વોર્મિંગ’ નામના રાક્ષસના વિકરાળ પંજામાં એ બધી ઋતુઓના સંતુલન,માનવજાતની પાણી, અનાજ જેવી મૂળભૂત જરૂરિયાતોનો હવાલો સોંપી દે છે. પરિણામે ચાંદ પર જઈને બેઠેલો, મંગળ ગ્રહ પર પણ જીવન શોધી આવનારો મહાન માનવી પોતાની ધરતી પર જ કુદરત સામે વામણો બની જાય છે.

જે ઘર માટે,  સુખસગવડો માટે એણે રાત દિન એક કરીને  ધમપછાડા કર્યા હોય છે, એ જઘર, સુખ સગવડો કુદરતની એક જ લપડાક સમા ધરતીકંપ, અતિવૃષ્ટિ – દુકાળ, સુનામી,વાવાઝોડા સામે પળવારમાં જ ચકનાચૂર થઈ જતું જુવે છે અને એ બધામાંથી જાન સલામત બચે તો દૂર ઉભા ઉભા પોતાના જીવનની આટલી દોડધામની નિરર્થકતા પર બે હાથની હથેળી પરસ્પર મસળતો ઉભો રહ્યા સિવાય કશું નથી કરી શક્તો.

સ્નેહા પટેલ – અક્ષિતારક

 

સંબંધોની ભાંજગડ


શ્રી ખોડલધામ સ્મ્રુતિ’ માસિક મેગેઝિનમાં મારી નવી ચાલુ થતી કોલમ ‘આચમન’નો સૌપ્રથમ લેખ.

હંમેશા મારી સાથે જ કેમ આવું થાય છે? હું લોકોના બધા વ્યવહાર સાચવું છું, એમના ખરાબ સમયે જઈને ઊભી રહું છું,કોઈનું ખરાબ ક્યારેય નથી વિચારતી,વળી પૈસે ટકે ધસાઇને પણ હું લોકોના સમય અને વ્યવહારો સાચવી લઊં છું. એમ છતાં હું કેમ લોકોને ખરાબ લાગું છું? મને મારા આ બધા સામાજીક- કાર્યનો સુયોગ્ય શિરપાવ કેમ નથી મળતો? અનહદ કાળજી, પ્રેમ, સમય બધું ય ખર્ચયા પછી પણ મારે લોકોની જોડે સંબંધો લાંબા સમય સુધી કેમ નથી ટકી શકતા? નથી જૂના- લોહીના સંબંધોમાં જોઈએ એટલી મીઠાશ કે નથી મળતી નવા નવા બાંધવામાં આવતા સંબંધોમાંથી શાંતિ. તો શું મારામાં જ કોઇ કમી હશે? મારો સ્વભાવ કચકચીયો,સમજશક્તિ કાચા કે સંબંધોમાં સામેવાળાની જોડેથી અપેક્ષાઓ વધારે? શું મારા સંબંધો લોકોની જવાબદારી બની જતા હશે જે એમનો જરુર કરતા વધુ સમય અને શક્તિ વેડફતા હશે? પણ મારા કરતા પણ ઓછા ‘ડેડીકેશન’ વાળી પેલી રાધાનો સંબંધ તો બધા જોડે કેટલો સરસ રહે છે? એનું ઘર કાયમ મહેમાનોથી ઉભરાયેલું જ હોય અને એને પણ વારંવાર સામાજીક અર્થે લોકોને ત્યાં જવાનું રહેતું જ હોય છે.આ સંબંધોના ચક્ર્વયૂહમાં ફ઼સાઈને હું ક્યાં ઊણી ઉતરું છું એ જ નથી સમજાતું .

આ હતી અતિસંવેદનશીલ પૂર્વીના મગજમાં ચાલતી રોજે રોજની વિચારોની ખેંચમતાણ. વિચારી વિચારીને માનસિક કસરત કરી કરીને મગજ અને શરીર બેય થાકીને લોથપોથ થઈ જતું.

હવે સાચું બોલજો,

’મારે જ કેમ લોકો સાથે સંબંધો બહુ નથી ટકતા?’ શું ભગવાને નિઃસ્વાર્થ, સાચા અને કાયમી સંબંધો બનાવવાના જ બંધ કરી દીધા છે કે?’

આ જ વિચાર તમારા મગજમાં પણ ક્યારેક ને કયારેક ઉદભવ્યો છે કે નહીં ?

‘પ્રેમ’ પછી કદાચ ‘સંબંધો’ ઉપર સૌથી વધારે લખાતું આવ્યું છે. આ બેય શબ્દો જેટલા સરળ છે આપણે માનવજાત એટલા જ એને ખોતરી ખોતરીને ભુક્કા બોલાવતા આવ્યાં છીએ, જટીલ બનાવતા આવ્યાં છીએ.

નવા-જૂના, પારદર્શક,અકળ, સરળ, મજબૂરીમાં નિભાવવા પડતા સામાજીક સંબંધો,લાગણીના,દુશ્મનીના,આડોશ-પાડોશના, પરપોટા જેવા, દરિયા જેવા, મૃગજળિયા, વાસ્તવિક, રોજ રસ્તે ચાલવા જતા કે બસમાં કે ટ્રેનમાં સાથે બેસનારાની જોડેના મિનિટના સંગાથના સંબંધો.. એક આખો ‘સંબંધકોશ’ બની શકે આનો તો. આના લિસ્ટનો કોઇ પાર નથી. ઓછું હોય એમ આ બધામાં આજકાલ એક નવો સંબંધ ઉમેરાયો છે ’નેટના સંબંધો’. એના વિશે લખવામાં તો પાછું બીજા દસ પાના ભરાય એટ્લે એ ચર્ચા અહીં જ રહેવા દઈએ.

અમુક માણસો સંબંધો બાંધવામાં બહુ ઉતાવળીયા હોય છે. ધીરજ નો ’ધ’ પણ એમનામાં નથી હોતો. સામેવાળાના વ્યક્તિત્વમાં એક પણ આકર્ષક, નવીનતમ પાસું દેખાય એટલે તરત એનાથી અંજાઈ જાય અને વિચારે,

’અરે, આ તો બહુ જ અલગ અને આકર્ષક વ્યક્તિ છે. આ તો મારા મિત્રવર્તુળમાં હોવો જ જોઈએ, એના આ અનોખા વ્યક્તિત્વની પાછળ રહસ્યોના શું ભંડાર દાટ્યાં છે એ પડ તો ઉખેળવા જ પડે, જાણવું જ પડે ‘

પછી ચાલુ થાય એની નજીક જવાની શક્ય એટલી કવાયતો. પણ સંબંધો બાંધવા જેટલા સહેલાં હોય છે એનાથી વધારે છે એને અઘરા સાચવવા, ઉછેરવા. એટલે જ,

‘સમાજમાંધીરજ વગરના અને ઉતાવળે બંધાયેલા સંબંધોના બાળમરણનો દર ખાસો એવો ઊંચો જોવા મળે છે’.

પણ એ અધીરીયા જીવો તો સંબંધોની આવી આવન જાવનથી ટેવાઈ ગયેલા હોય છે. ’તું નહીં ઓર સહી’વાળી કરીને એ ફ઼રીથી ઉપડે છે સમાજ નામના સરોવરમાં પોતાની મનગમતી, આકર્ષક માછલીઓ શોધવા. શાણા માણસો તો આવી જાળથી બચીને રહેવામાં જ ભલાઈ સમજે છે.

માણસ બહુ જ વિચિત્ર પ્રાણી છે. એને જે ના મળે એની પાછળ આંખો બંધ કરીને દોટ મૂકે છે, આકાશ પાતાળ એક કરી નાંખે છે. એમાં ને એમાં એની નજીકના સંબંધીઓને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ જ ગણી નાંખે છે.એની સામે સાવ જ દુર્લક્ષ સેવે છે. છેલ્લે પેલો આકર્ષક દેખાતો મનચાહેલ સંબંધ મેળવી લે છે ત્યારે ભાન પડે કે ઓહ…આમાં તો એની જોડે વર્ષોથી રહેતી, એને પૂરેપૂરી સમર્પિત વ્યકિતઓને એણે સાવ જ નેવે મૂકી દીધેલા. ઠીક મારા ભાઈ..કંઇક મેળવવા માટે કંઇક તો ગુમાવવું પડે..!! પણ આ નવો સરસ મજાનો આકર્ષક સંબંધ તો બંધાયો ને ચાલ રે મનવા, એનો નશો માણીએ..પણ જે માણસની વ્રુતિ આવી હોય એના માટે તો એ નવો સંબંધ પણ થોડા સમયમાં જ આકર્ષણવિહીન બની જાય છે. એ સંબંધમાં પણ ખરા ખોટાની ગણત્રીઓ કરતો થઈ જાય છે. પોતાની શારીરિક કે માનસિક સ્થિતી થોડી પણ ડામાડોળ થાય એટલે તરત યાદ આવે કે,

“અરે મેં એના માટે આટલો સમય,શક્તિ,પૈસા, કાળજીનો ભોગ આપ્યો છે તો હવે એનો વારો છે.”

એ પછી ચાલુ થઈ જાય અપેક્ષાઓના જાળાઓની ઊધેડબુન..એ ના સંતોષાય એટલે પોતાની લાગણી દુભાયાની તીવ્રતાના વિષચક્રો. જ્યારે હકીકતમાં સામેવાળો પક્ષ તો એની મનની આ બધી ભાંજગડથી લગભગ અજાણ જ હોય છે. એ બીજા કોઇ સંબંધોની સાચવણીના ચકકરોમાં પડ્યો હોય છે.

આવી પાયાવિહીન વાતોના મોટાભાગના મૂળિયા આપણા ‘સબકોન્શીયસ માઈન્ડ’માં જ પડ્યા હોય છે. જેનાથી દુનિયાના કોઇ જ વ્યક્તિને લેશમાત્ર પણ ફરક નથી પડતો. એ હકીકત સમજાય તો જીવનમાં બહુ બધા સંબંધોની આવરદા અને મીઠાશ કાયમ જળવાઈ રહે છે..બાકી સંબંધોમાં સાચવવું પડે કે મારું માન ના સચવાયું જેવા વિચારો સાવ જ મહત્વહીન છે. જ્યાં આવા વૈચારીક માન-અપમાનની લેતી દેતી થઈ ત્યાં સંબંધો પર ચોકડીઓ વાગી જીવનમાંથી કાયમ માટે એ સંબંધની બાદબાકી થઇ જ સમજો. સંબંધોમાં તમે જેટલા સરળ અને ઊદાર રહેશો એ એટલા જ સરસ રહેશે. હંમેશા કોઇના માટે કરી છૂટવાની નિઃસ્વાર્થ ભાવના રાખશો આપોઆપ એ સંબંધો વટવ્રુક્ષ બનીને સમયાંતરે તમને એના મીઠા ફળ આપતું જ રહેશે. હમણાં જ અનુભવેલ એક સત્ય ઘટના લખ્યા વગર રહી નથી શકાતું.

અમારા એક સંબંધીને ત્યાં દીકરીનો લગ્ન પ્રસંગ હતો. આજની કાળઝાળ મોંઘવારી, કમાનાર ફકત એક વ્યક્તિ અને દીકરીનો સાસરીપક્ષ પોતાનાથી થોડો વધારે પૈસાદાર. આ બધાના કારણે દીકરીના મા-બાપ છેલ્લાં છ મહિનાથી આ પ્રસંગ સારી અને સંતોષજનક રીતે પાર પડે એની દોડાદોડમાં હતાં. કંકોત્રીથી માંડીને દીકરીના કપડા-લત્તા, આભૂષણ,ઘરવખરીનો સામાન જેવી બધીય નાની નાની વાતોથી ઉભરાતા કાગળ પર લખાયેલ લિસ્ટ પર ચોકડીઓ મારવા જતા બીજું કોઇક કામ યાદ આવી જતા એ લિસ્ટમાં એનો ઊમેરો કરી દેતા. પરિણામે લિસ્ટ ધટવાને બદલે દિવસો દિવસ વધતું જ જતું હતું. આમંત્રિતોની યાદી, સંગીતસંધ્યા, મહેંદીની રસમ,બ્યુટી પાર્લર, જાનૈયાઓના ઊતારા માટેની યોગ્ય વ્યવસ્થા, મેરેજ હોલની, ડેકોરેશનની વ્યવસ્થા, ફોન કરી કરીને લોકોને એમને સોંપેલા કામો ફરી ફરીને યાદ કરાવવાના જેથી બધું સમયસર સમૂસુતરું પાર પડે જેવા કામો પતવાનું નામ જ નહોતા લેતા. છેલ્લે એ દિવસ આવી ગયો જેની આટલી ધમધોકાર તૈયારીઓ ચાલતી હતી. ગજા બહારની માનસિક, શારીરિક અને આર્થિક તાકાત ખર્ચીને કરાયેલ તૈયારીના ફલસ્વરુપે લગ્નની એક પછી એક વિધીઓ સુંદર રીતે પતવા માંડી. ત્યાં કો’ક જાનૈયાને વાંધો પડ્યો,

‘અરે, આટલી ગરમી છે અને આ બાજુનું એ.સી તો ચાલતું જ નથી. વળી તરસે અમારો જીવ જાય છે અને અમને ફકત એક વાર જ કોલ્ડ ડ્રીંક ધરવામાં આવ્યું. કલાક ઉપર થઈ ગયો..કોઇ આ બાજુ ફરકતું પણ નથી”

પત્યું..દીકરીના મા-બાપનો જીવ અધ્ધર. એક તો છેલ્લા ૪-૪ દિવસના સતત ઉજાગરાઓ કરીને કરાયેલ દોડાદોડ, સમયસર વિધિઓ સંકેલવાના ટેન્શનો અને વળી આર્થિક સંક્ડામણનો વારંવાર ગળે ભરડો લેતો અજગર. દીકરીની મમ્મી તો માંડ માંડ માંડવામાં વિધીમાં બેઠેલી હતી. એમાં આવી ઊગ્ર અવાજે થતી બૂમાબૂમથી એમનું પ્રેશર વધવા માંડ્યું. પરસેવાના રેલેરેલા દદડવા માંડ્યા. ત્યાં તો વરરાજા ચોરીમાંથી ઉભા થઈને બહાર આવ્યાં અને પોતાના પક્ષના એ સંબંધીને કહ્યું,

‘કાકા, આપણને આ લોકોએ એમના ગજા બહારની તાકાત ખર્ચીને સાચવ્યા છે એ અહીંનો નાનકડો છોકરો પણ સમજી શકે એવી હકીકત છે. વળી સંબંધોમાં આ બધું શું કે તમે અમારું માન સાચવ્યું કે ના સાચવ્યું? આપણે આપણું માન જાતે સાચવવાનું હોય છે.એને બીજાને હવાલે કરશો તો કાયમ બે કોડીનું જ થઈને રહેશે. વ્યવહાર એટલે શું વળી? એમણે આપણને પ્રેમથી બોલાવ્યા અને આપણે પૂર્વગ્રહો કે ખોટા દેખાડાના રીતિ-રિવાજોનો ધાબળો ફગાવીને આવ્યા..હસી ખુશીથી ગળે મળ્યાં અને કોઇ જ વાંધા વચકા વગર એમનો પ્રસંગ આપણો પોતાનો સમજીને હોંશભેર હાજર રહ્યાં..બસ. ! મને તો આ લગ્નની તૈયારીમાં કોઇ જ ખોટ કે ખામી નથી દેખાતી. જેને આવા ‘ખામીશોધ ચશ્મા’ પહેરવાનો શોખ હોય એ આરામથી પ્રસંગ છોડીને જઈ શકે છે. ચાલો પંડિતજી, વિધી આગળ ધપાવો.’

કન્યાના મા-બાપના દીકરીના ઉજ્જ્વળ ભવિષ્યના અંદેશા પળભરમાં દૂર થઇ ગયા. બધોય થાક પળભરમાં છૂ..દીકરાના મા-બાપનું મસ્તક પણ દીકરાની આવી સુંદર સમજણ અને મક્ક્મતા જોઈને ગર્વથી ઊંચુ થઈ ગયું અને કન્યા પણ પાનેતરની આડમાંથી ત્રાંસી નજરે જાહેરમાં પોતાના મા-બાપની ઇજ્જ્ત આમ સાચવી લેવા બદલ પતિદેવને આંખોથી જ ધન્યવાદ કહેતી રહી..

તો મિત્રો..સાચા સંબંધો આને કહેવાય. જે સાચવવાના ના હોય..જાતે સચવાઈ જતાં હોય છે. બાકી તો ‘તમારા નસીબનું કોઇ ક્યારેય લઈ નથી શકવાનું કે તમારા નસીબમાં જે નહીં હોય એ કયારેય આપી નથી શકવાનું.’ સંબંધોને ખોતરી ખોતરીને દરેક વાતોના કારણો અને એના અર્થ શોધવાના બદલે કે પોતાની જાતને કોસવાના બદલે બને એટલી સહજતાથી, પૂરી ઇજ્જ્ત સાથે સંબંધોની લિજ્જત મનથી માણો. પછી ક્યારેય તમને કોઈ સંબંધો તકલીફ નહી પહોચાડે.

સ્નેહા પટેલ – અક્ષિતારક.