વર્ષો પહેલાં
ડાયરીમાં એક ગુલાબ મૂકેલું
પછી બન્યું એવું કે કશું જ ના બન્યું
અને એ ગુલાબી
ડાયરી કોઈ દિવસ ખૂલી જ નહિ!
- સ્નેહા પટેલ
વર્ષો પહેલાં
ડાયરીમાં એક ગુલાબ મૂકેલું
પછી બન્યું એવું કે કશું જ ના બન્યું
અને એ ગુલાબી
ડાયરી કોઈ દિવસ ખૂલી જ નહિ!
‘એના હૃદયમાંથી નીકળી ગઈ છું ‘
આવું અનુભવતા જ
એની નજર આખી દુનિયામાં ફરવા લાગી
બે બેડરૂમ..ના ના..ત્રણ…આમ તો એકલા માણસને એક રૂમ હોય તો પણ શું ફરક પડે?
બાવીસમો માળ …એના દિલ કરતાં તો ક્યાંય નીચું આસન 😦
સ્વિમિંગ પૂલ..એના દરિયા જેવા દિલ સામે આ ખાબોચિયું..
ટેરેસગાર્ડન…એ સાથે જ નથી તો ફૂલ- પાનની સુંદરતા કેવી રીતે માણવાની?
ખુલ્લી હવાવાળી, હીંચકાવાળી વિશાળ બાલ્કની
વિશાળ પાર્કિંગ, વોક વે..ગાર્ડન..
હાથ પરોવીને ચાલનારું સાથે ના હોય ત્યારે આ
બધી મોકળાશ પણ કેવી સાંકડી લાગે !
..
આમ તો એને આવું બધું ખૂબ ગમતું
કેટલાયે વખતથી આવી ચાહ દિલમાં ઉછરતી હતી
પણ
આજે ખબર નહિ કેમ
નવા રહેઠાણના રૂપ રંગ કે આકાર વિશે
એ કોઈ નિર્ણય જ નહોતી લઈ શકતી !
Global poet – Proud moment !
Rotary club of salem દ્વારા સંપાદિત એંથોલોજીમાં 104 ગ્લોબલ કવિઓમાં મારી ગુજરાતી કવિતા અને એનો અંગ્રેજીમાં અનુવાદ પણ છપાયો છે એ ગૌરવભરી ક્ષણો આપની સાથે વહેંચતા મને ખૂબ આનંદ થાય છે.
શુકનવંતુ:
મારા શ્વાસની માળામાં
તારા નામનું ફૂલ પૂરોવતી હતી
ત્યાં
બારીમાંથી દાદાગીરી કરીને ઘુસી જતી હવા,
એક કાળિયો ભમરો
મારા એ ગૂંથણ ઉપર નજર રાખીને જ બેઠા હતા.
તરાપ મારી જ સમજો
અને
હું ગભરાઈ ગઈ,
શ્વાસને બે હથેળીની આડશ કરી દીધી.
મારી હથેળીમાં તારી ચાહતનો દરિયો છલકતો હતો
એના મોજાં દિલના દરવાજે પછડાવા લાગ્યાં
ધક..ધક…ધક..ધડામ..
મહેંક મહેંક થતાં મારા શ્વાસ
બે ઘડી અસ્થિર –
બેસૂરા થઈ ગયા
હૃદય એની નિયમિત ગતિ ચૂકવા લાગ્યું
ગભરામણ થઈ ગઈ
શ્વાસ ચૂંથાવા લાગ્યો
હોઠ થરથર…
નજર ભેજવાળી થઈ
અને
બંધ થઈ ગઈ
હોઠમાંથી આપોઆપ મારી અતિપ્રિય પ્રાર્થના સરી પડી.
અચાનક ચમત્કાર થઈ ગયો..
ભમરો એનું ગણગણ બંધ કરીને
મારી સામે ધ્યાનસ્થ થઈને બેસી ગયો,
વાવાઝોડાં જેવી હવા
મા ની લોરી જેવી નાજુક ફરફરમાં ફેરવાઈ ગઈ
અને
આખું વાતાવરણ મઘમઘ થઈ ગયું.
હવે તને ખાત્રી થઈને કે
આ દુનિયા તો ઠીક
પણ
પેલી દુનિયા પણ આપણું મિલન
શુકનવંતુ ગણે છે.
-સ્નેહા પટેલ.
I was sewing an exquisite splendour of daffodils
Made of thy name, in my garland of breath,
Just then,
A gust of wind entered through the window tenaciously,
A black bumblebee
Fluttered about gazing fixatedly at my embroidery,
It was almost about to attack,
I was scared stiff!!
I shielded my breath with my palms,
The same palms on which the ocean of your love overflowed,
And its waves began to pound on the door of my heart,
Bang……Bang…..Bang…..Boom!!!!
My breath, which spread fragrance and perfume, started to tremble,
and turned dissonant for a while,
My heart skipped a beat,
My breath started to feel constricted, I was shaken,
My lips quivered, eyes moist,
Began to shut!!!
My heart’s treasured prayer started to spill from my lips,
And suddenly there was a miracle!!!
The bee’s buzzing stopped as it sat before me in a trance,
The monstrous wind turned into
The delicate tune of a mother’s lullaby,
And fragrance filled the atmosphere with its sweetness,
Now did you accept? Not only this world,
But heaven too, believes our rendezvous is a good omen!!!!
Translation credit: Mahesh Bhrahmbhatt, Puja Maheta, Kamlesh Maheta.
ફરી ફરીને
પાછી ત્યાં જ વળું છું-
નક્કી,
એ તરફ જ
મારા દિલનો
કોઈ ટુકડો પડી ગયો હશે !
-સ્નેહા પટેલ
ફરી ફરીને
પાછી ત્યાં જ વળું છું-
નક્કી,
એ તરફ જ
મારા દિલનો
કોઈ ટુકડો પડી ગયો હશે !
-સ્નેહા પટેલ
મમ્મી,
તું બહુ યાદ આવે.
હજુ જાણે કાલની વાત જ લાગે છે કે
હું તારા ખોળામાં માથું મૂકીને સુઈ જતી
અને તું વહાલથી મારા વાળમાં હાથ ફેરવતી.
હું તને ભીંડાનું શાક અને દાળ ભાત બનાવવા માટે કહેતી.
‘મને અને તારા દોહિત્રને બહુ ભાવે છે’
આવું સાંભળતા જ તારું મોઢું ગર્વથી છલકાઈ ઊઠતું,
નેે તું સામેથી, ‘સાંજના દૂધીના મુઠીયા બનાવીશ..જમીને જ જજો’ નો મીઠો પ્રસ્તાવ મૂકી દેતી.
મા ને પોતાના છોકરાઓની રગ રગની માહિતી હોય ને !
તારી કાળજીની, મમતાની આવી તો કેટકેટલી વાતો છે મમ્મી..
આખું આભ ભરાઈ જાય તો ય નાનું પડે !
તને યાદ કરતા કરતા આજે એ સઘળી રગ રગ તૂટી જાય છે.
વળી છેલ્લા કેટલાક સમયથી એક નવું કૌતુક – નવી વાત સાંભળવા મળે છે,
‘સ્નેહા, તારો ચહેરો તો અદ્દલ તારી મમ્મી જેવો થતો જાય છે!’
– સ્નેહા પટેલ.
6-5-2018
રોજ શબ્દોની સભા ભરીને હું બેસું છું,
હું જ રાજા
હું જ પ્રજા.
તો ય આખી દુનિયા પર શાસન કરી લીધાનો ભાવ જન્મે છે.
જોકે..દિલમાં કોઈ રાજપાટ ની આશા ક્યારેય નથી જન્મી,
પણ એક સિંહાસનના માલિકની લાગણી તીવ્રપણે અનુભવાય છે.
કોઈ તલવાર..મુગટ..બખ્તરની મને જરૂર નથી લાગતી,
હું તો મારા વિચારોથી, શબ્દોથી જ સંરક્ષાયેલી છું !
-સ્નેહા પટેલ.
16-11-2017 , બપોરનાં 1.25 મિનિટ
રબને બના દી જોડી !
એને બંધ બારી ઉપર પડદાવાળો રુમ પસંદ છે
મને ખુલ્લી ઓસરીવાળો – મઘમઘતા ફૂલની વેલ લટકતી હોય એવો !
એને કઢી-ભાત પસંદ છે,
મને દાળભાત !
એને બીયરનું ટીન લઈને સિગરેટ પીવાનું પસંદ છે,
મને ફ્રેસ ફ્રુટ જયુસ સાથે સલાડ !
એનું દિમાગ વધારે ચાલે,
મારું દિલ !
એને મોટા મોટા સાહસથી જ એક થ્રીલ મળે છે
મોટી મોટી ખુશીઓનો માણસ,
મને તો કળીમાંથી ફૂલ બને અને એની સુગંધ શ્વાસમાં ભરાઈ જાય તો ય ન્યાલ,
સાવ નાની નાની ખુશીઓની માણસ !
એ મશીનો સાથે માથા ફોડે,
હું શબ્દોના અર્થમાં ડૂબી જઉં !
એ સાવ જ એકાંતપ્રિય,
મને માણસો- માણસો પસંદ !
એને સેન્ડવીચ વધુ પસંદ,
મને ઢોંસા !
કેટલાં વિરોધાભાસ કહું હવે….
માણસમાં પણ
એને હું સૌથી વધુ પસંદ
અને
મને એ !
સ્નેહા પટેલ.
૩૧-૫-૨૦૧૬
અંદર
કોઇક નાજુક ખૂણામાં
કંઇક બહુ જ મજબૂત મજબૂત છુપાયેલું છે.
વિચારોના યુધ્ધમાં સમજણની પ્રત્યંચા પરથી શક્યતા – અશક્યતાના બાણ વછૂટયાં.
આ કંઇક શું હશે ?
દુનિયા બહુ ઉદાર છે.
અમુક લોકો મતલબથી ઉદાર છે
અમુક દિલથી !
હોય હવે..જેવી જેની જરુરિયાત.
એમણે શું અને કેમ કરવું એ એમની માનસિકતા
પણ મારે શું કરવું એ તો મારી સમજણ છે ને!
સમજણના ચક્કર ગોળ ગોળ ફેરવવાના ચાલુ કરુ છું.
ફ્લેશબેક – વર્તમાન – ફાસ્ટ ફોરવર્ડ –
ચક્કરોમાં અમુક જગ્યા સાવ કટાઈ ગઈ છે.
કિચૂડાટ –
કદાચ એ તો મેં ક્યારેય વાપરી જ નથી,
કાં તો બીજાની સમજણનું પાણી ચડી ગયું છે,
ઓરીજીનલ ચળકાટ ક્યાંય નથી દેખાતો !
થોડી વિચારમાં પડી ગઈ…
આ..આવી સ્થિતી કેટલાં વર્ષોથી નિર્માઈ હશે ?
કેટલાં વખતથી હું આમ જ
મારી માની લીધેલી અને લોકોએ એ મનાવી લીધેલી સીમાના વાડાઓમાં
ગૂંચળું બનીને પડી રહી છું ?
ચમક તો મારામાં છે જ…
એના સ્પાર્ક મેં કેટલીય વખત અનુભવ્યાં જ છે.
એ ચમક પાછી કોઇના પ્રતિબીંબ જેવી નથી કે
કાચ જેવી આભાસી પણ નથી
એ તો વીજળીના લિસોટા જેવી ઝંઝાવાતી છે.
જે વરસી પણ જાણે ને ગરજી પણ જાણે છે.
હું બધું જ જાણું છું..સમજુ છું..
કદાચ હવે એ જાણવા, સમજવાથી વાત આગળ વધારીને
બીજા લોકો એ જાણે,માને ત્યાં, સ્વીકારે ત્યાં સુધી મારે જવાનું છે.
જોકે, એ માટે તો સૌપ્રથમ મારે મારી જાતને માનવાની છે.
આ કામ મારે જ કરવું પડશે
કોઇ ઓપ્શન જ નથી.
બીજાઓ બહુ બહુ તો બહારથી ટેકો આપી શકશે
અંદરથી તો મારે જ વિકસવાનું – મજબૂત થવાનું છે.
રસ્તો અજાણ્યો છે, પણ પાંખોમાં ભરપૂર સમજણ ભરી છે,
વળી મંઝિલની પણ જાણ છે,
નીકળવાની શરુઆત તો કરવા દે,
જ્યાં છું એ સ્થાનથી આગળ
ક્યાંક તો પહોંચીશ જ ને..
મારી સમજશક્તિ ક્યાંય ખોટી જગ્યાએ ભટકવા તો નહીં જ દે
એમ તો જાત પર પૂરો વિશ્વાસ છે.
ચાલ જીવ…હામ ભીડ ત્યારે
બીજા તારામાં વિશ્વાસ મૂકી શકે ત્યાં સુધીની સફર ખેડવા !
પેલું કંઈક એટલે શું –
હવે મને પૂરેપૂરું સમજાય છે.
સ્નેહા પટેલ.
હે પ્રભુ!
જો તું કોઈક વાર મને ક્યાંક મળી જાય
અને કહે કે,
‘માગ, માગ, જે માગે તે આપું.’
ત્યારે, હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે.
જેથી હું કાંઈ બોલી ના શકું.
ફક્ત તારી સામે નજર માંડી રહું.
કારણ… તું તો અંતરયામી છે…
અને જો આપણું મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…
– દિનેશ દલાલ
આ અછાંદસ કાવ્યમાં સરળ અને સુંદર મજાની પ્રાર્થના સાથે કવિની ખુમારીના દર્શન થાય છે. પ્રાર્થના ઇશ્વર અને એના ભકત વચ્ચેની અતૂટ સંબંધનાળ છે. ભક્તે એના પરમપ્રિય ઇશ્વરને કદી સદેહે જોયો નથી. એ તો ફકત વિશ્વાસની કોમળ અને નાજુક દોરીથી એની સાથે બંધાયેલો છે. એ સતત સજાગ રહીને પોતાના એકાંતને ઇશ્વરની સ્તુતિ દ્વારા ભરી દે છે. પ્રાર્થના દ્વારા એ સતત પોતાના અંતરમનના શ્રધ્ધા-દીપમાં ઉંજણ કરતો રહે છે અને એ ધ્રુવતારકના ઓજસથી એનો જીવનમાર્ગ સહજ ને સરળ બની ગયેલો અનુભવે છે.
આમ તો આપણે એમ જ માનીએ – અનુભવીએ છીએ કે પ્રાર્થનામાં સુંદર મજાનો લય અને શબ્દો હોય તો એની અસર અલગ જ નીપજે પણ કવિ પાસે તો એ બધાની ઉપરનો અનમોલ અસબાબ છે અને એ છે હ્રદયનો ભાવ! દિલના ઉત્કટ ભાવથી નીકળેલા સાદા શબ્દો અંતરના પરમોચ્ચ ઉચ્ચાર સાથે પ્રગટ થાય તો અનન્ય બની રહે છે.
એક સંત કવિએ કહ્યું છે કે, “મૃગકી નાભિ માંહિ કસ્તુરી, ઢુંઢત ફિરત બન માંહિ !” કવિ પોતાની પ્રાર્થના દ્વારા આવી પતંગિયા વૃતિમાંથી બહાર નીકળી અને જગતનિયંતા સાથે મનનો દોર મેળવવાનો યત્ન કરતા હોય છે અને ત્યાં જ એમના મનમાં એક વિચાર આવી જાય છે કે આ ભાવથી રીઝીને ભગવાન કદાચ એમની સન્મુખ આવીને ઉભા રહેશે અને કહેશે કે, ‘માગ માગ , જે માગે તે આપું’ તો ? એવા સમયે પોતે એક સામાન્ય માણસ શું અનુભવશે ? થોડું વિચારતા એમને લાગે છે કે આ અદભુત તારામૈત્રકનું મહામહેનતે ફળેલું ચોઘડિયું માણવાની વેળા – ઇશ્વરદર્શનના આ લ્હાવાથી એમના લાગણીના આવેગો એમના તાબામાં નહી રહે અને પરમ ચૈતન્ય સાથે સધાયેલો તાર તોડીને એ માનવસહજ સ્વભાવને વશ થઈને કોઇ તુચ્છ માંગણી કરી બેસશે તો કેવી શરમજનક સ્થિતી સર્જાઈ જશે ! પોતાને જે મળવાનું છે એ તો હજાર હાથવાળો એની કૃપા દ્વારા પોતાની સાડાત્રણ ઇંચની હથેળીમાં અવિરતપણે વરસાવ્યા જ કરવાનો છે એમાં એને કશું કહેવાની ક્યાં જરુર જ છે ! આખા જગનું સુપેરે સંચાલન કરનાર એ મહાકાબેલ સંચાલકને એની ફરજ સામે શબ્દનિર્દેશ શું કામ કરવો ? એથી કવિ એવી ઇચ્છા જાહેર કરે છે કે ,’ તું મને મળે ત્યારે મારા સાનભાન હરી લઈને મને મૂઢ કરી દેજે જેથી હું કશું જ બોલી ના શકું અને મારી લાજ સચવાઈ જાય. વળી જો તું મને મૂઢ ના કરી શક્તો હોય તો મહેરબાની કરીને મને દર્શન ના આપીશ, માગ માગ માગે તે આપુ જેવી લલચામણી વાતો ના કરીશ. તું અંતરયામી છે. તને મારી જરુરિયાતો – મારી લાયકાતો – મારી પાચનશક્તિ એ બધાની મારા કરતાં વધુ સમજ અને પરખ છે. ખાલીખોટું શબ્દોમાં માંગણી કરીને તારી સમક્ષ ઉઘાડા પડી જવું અને તારા વિશ્વાસમાં અશ્રધ્ધા દાખવવી એના કરતાં સારું છે કે તું મને મળીશ જ નહીં. હું તો તારી ભક્તિના પ્રસન્નતા, સહજતા, સમતાના ભાવવિશ્વમાં ખુશખુશાલ છું નાહકનું માંગ્યાની નાનમ શીદ વહોરી લેવી !
મનુષ્ય અને આયુષ્ય એ બે ય વચ્ચેનો તું સેતુ છે. મારી પ્રતિક્ષાનો આનંદ અને આનંદની પ્રતીક્ષા એટલે માત્ર તારા દર્શન ! આંખોથી પામી શકાતા ચિરકાલીન આનંદ ઉપર મુખેથી બોલાતા શબ્દોની બેડી બંધાઈ જશે તો મને આખું જીવન પછતાવો થશે . તારી છત્રછાયામાં મારી સઘળી તુચ્છતા, અલ્પતા નાશ પામે એવી આશા સેવું છું મારા પરમાત્મા ! મારી લાજ હવે તારે હાથ !
-sneha patel
અત્ર તત્ર સર્વત્ર
લવારીઓ
ઢગલે ઢગલા
શબ્દોના ખડકલા
અસ્તવયસ્ત બુધ્ધિ
બુઠ્ઠી લાગણીઓ
નકરું
બોલ બોલ – લખ લખ
શબ્દોના વેપાર
આંખ કાન દિલ દિમાગ
સઘળું ય ત્રસ્ત
અહો વૈચિત્ર્યમ,
શાંતિની શોધમાં
પાછા શબ્દો જ
ફંફોસવાના ..!!
-sneha patel
એક રાતીચોળ વાત દિલમાં દુઃખે છે,
નસેનસમાં ધસમસ કરીને વહે છે
નથી બોલી શકાતી
નથી સમજાવી શકાતી
રૂંવે રૂંવે લીલા કાંટાઓ ઉગી નીકળે છે
હાથ – પગ થરથર કાંપે છે
ચોમેર લીલા-પીળા ચકરડાં ગોળ ગોળ ફર્યા કરે છે.
ત્વચા ફાડીને કંઈક હમણાં બહાર ફેંકાઈ જશે
ગળામાં ખારો ખારો દરિયો ઉછાળા મારે છે
અને
આંખેથી એક અશ્રુ
સરકીને ગાલ પર દદડે છે.
-sneha patel
મારી પાનીના ગુલાબી રંગને
સોનેરી ઝાંય આપતી ઝાંઝરીની ઘુઘરીઓમાં મન મોહાયું.
હજુ તો કાલની જ વાત,
મજબૂત હાથની લાંબી આંગળીઓ દ્વારા
એ મારા પગમાં પહેરાવાયેલું !
એના રુણઝુણ અવાજથી દિલમાં નેહ-સંગીત વાગવા લાગ્યું
આંખો બંધ થઈ ગઈ
સમગ્ર સૃષ્ટિમાંથી એક દિવ્યગીત પ્રસરવા લાગ્યું
નશો…
શબ્દ તો બહુ સાંભળેલો
અનુભવ્યો આજે !
બંધ આંખે હું રોજના જાણીતા રસ્તે ચાલી જતી હતી
અને
‘ ખ..ટ..ટ..અ..આ..ક.’
ઓહ…આ શું અથડાયું ?
આંખો ખૂલી ગઈ તો
નજર સામે કોઇ શરાબીએ રાતે પીને ફેંકી દીધેલી શરાબની બોટલ !
શરાબની બોટલ નર્તન કરતી હતી.
એક ઘરની ખુલ્લી બારીમાંથી રેડિયાનો અવાજ સંભળાયો
જાણીતું ગીત વાગી રહેલું,
‘નશા શરાબમેં હોતા તો નાચતી બોટલ !’
-સ્નેહા પટેલ.
લોહીનું સતત પરિભ્રમણ આટલું અનિવાર્ય કેમ ?
એની મનમાનીઓ તો જો,
સાવ બેશરમ, હદપારની જ..
કેમ જાણે
ઉછૃખંલ વહેણની કંઠી ના પહેરી હોય !
ઘણીવાર રક્તપ્રવાહ વિદ્રોહની તલવારો તાણી લે છે.
ધાર ખૂંપાય, માંસ ચિરાઇ જાય
નસે નસ ત્રસ્ત થઈને ફાટું ફાટું કરે,
ત્યારે એમ થાય કે
આ લીલુડી નસો
કાળામેશ લોખંડની બનેલી હોત તો કેવું સારું થાત ?
પ્રચંડ ભ્રમણના વેગથી
એ ફાટી જવાનો ડર તો ના રહેત ને !
પાછો વિચાર બદલાય :
આ વહેણ જ અટકી જાય તો શું ખોટું ?
કેટલી શાંતી…અહાહા !
કાયમ માટે આ ભ્રમણ-ગતિની ચિંતામાંથી તો મુક્તિ…
વળી ખુદ્દારી ઉથલો મારે..
ના..ના એમ પાણીમાં તો ના જ બેસી જવાય…
એના કરતાં
ચાલ ને,
આપણે સંચોડા પ્રવાહી બની જઈએ
જાતે જ વહેવા લાગીએ
તો તો મજ્જો પડી જાય…
કરોળિયા જેવા રાતા – ભૂરાં ઝુમખાંઓને ચૂમતાં ચૂમતાં
સાંકડી-પહોળી લાલ- લીલી ગલીઓમાં વહેવાનું
નિરંકુશ બેપરવા ઉછળકૂદ..
પછી
સાવ અણધારી મનમાની કરીને
અંચઈ કરી લેવાની !
કોઈ જ એંધાણી આપ્યા વગર
એકાએક જ અટકી જવાનું…
આપણા જીવનના આપણે જ માલિક
ऑम शांतिः शांतिः !
-સ્નેહા પટેલ
આજે શાક વિના ચલાવી લો,
કાલે દૂધનો વારો કાઢી લઈશું.
પરમ દિ’એ એકટાણું,
પછી
કોઇ સંબંધીના મહેમાન બની જઇશું.
એકા’દ દિવસ તો ઉપવાસમાં ય નીકળી જાય,
એક દિવસ તું અને છોકરાઓ ભરપેટ જમી લેજો,
એના પછીના દિવસે હું અને છોકરાઓ !
‘દયાવાન-કરુણાનીધિ’
આમ તો નામ પ્રમાણે તારામાં ગુણ ભરપૂર હોંકે…
કેટલા બધા રસ્તા ખુલ્લા રાખ્યા છે જો ને .
હૈયે ભીતિ તો બસ એક જ
કાલે ઉઠીને ‘ગ્લોબલ વોર્મિંગ’ના
નામે ક્યાંક ‘વોર્નિંગ’ ના આપી દે કે :
‘હવે શુધ્ધ હવા પણ રેશનિંગમાં મળશે’
એમાં તો ઉપવાસ- એકટાણા કેમના !
-સ્નેહા પટેલ
લોહી માંસને ત્વચાના વાઘા આપ્યા,
હૈયાના અમી મારે રુદિયે રેડયા.
તારી ભક્તિના બીજ
મારી પ્રાર્થના-ગર્ભમાં રોપ્યા !
તારા સ્મિતથી મારા મનોમસ્તિષ્કમાં
ખુશખુશાલ ઘંટારવ વગાડ્યા.
તારી કરુણાના આચમન જળે
મારા દિમાગને નિર્મળ બનાવ્યું.
પ્રેમનો નશો કરાવી,
પૂર્ણપણે જાગ્રત અવસ્થામાં રાખી,
હવે સકલ વિશ્વ પવિત્ર પવિત્ર
એક મંદિર..!
-સ્નેહા પટેલ
વર્ષોના વર્ષોથી વટ સાથે કિનારે
ઉભેલા તરુના પર્ણ પરથી
એક પક્ષી ઉડે છે અને
શૂન્યમનસ્ક સમયના નીરમાં
વમળો સર્જાય છે.
અંદરની ધરીથી બહારની ધરી સુધી વિસ્તરતા વર્તુળાકાર વમળો,
ગોળ ગોળ ગોળ..
અને એમાં હું અસહાય બનીને ડૂબું છું.
ખેંચાતી જાઉં છું,
ગોળ પ્રવાહી વલયમાં અથડાઈને ફીણ ફીણ થઈ જાઉં છું.
આજુબાજુ કશું જ દેખાતું નથી,
જાણું છું કે દેખાવાનું પણ નથી !
અંદર અંદર- ઊંડે ઊંડે સુધી
અવિરત
ભીષણ વેગથી ખેંચાવાનું જ નસીબમાં છે.
ચોતરફ કંઈ જ નથી
ના દીવાલ
ના તળિયું
ના ધરતી ના આકાશ
દિશાહીન..!
સાંજનો સૂર્ય પાણીની ઉપલી સપાટી પર
એના અનેરા લાલઘૂમ રંગ સાથે સાથ આપવાનો યત્ન કરે છે
પણ બધું ય વિફળ !
એ પણ લાચાર થઈને મને જોયા કરે છે.
હવે મરણતોલ ડચકાં ખાઉં છું.
મારી જીવાદોરી તારે હાથ
બચાવી લે,
હે વમળ
હે મારા કમળ !
-સ્નેહા પટેલ
સામે ક્ષિતીજ પર
સૂર્ય આથમી રહ્યો છે
એ પણ મારી જેમ જ થાકેલો લાગતો હતો.
તન -મનનો આ થાકોડો..
કોઇ સાંભળી શકે..જોઇ શકે..
એક ગ્લાસ પાણી આપે,
ત્રણ ડીગ્રી તાવથી ધખતું માથું દબાવી આપે
‘વિકસ’ની ગરમી સાથે હેતની હૂંફ પણ મળી જાય
કેવું સારું..?
ઇચ્છાઓ..ઇચ્છાઓ…
‘આઊટ ઓફ અપેક્ષાઝોન’ જઈને
કુકર મૂકયું,
ભાત – દાળ બનાવ્યા.
સોફા પર બેસીને સામેની ટીપોઇ પર
પગ લંબાવ્યા.
પહેલો કોળિયો ભર્યો
પણ આ શું ?
ભાતમાં તો મીઠું જ નથી…
મોઢું અને મૂડ બેય બગડ્યાં.
અચાનક
આંખો સામે એક હેતાળ-કરચલીવાળો જાણીતો બોખો ચહેરો તરવર્યો
‘મમ્મી..’
ઓહ…નાની હતી ત્યારે
તારી આ મીઠાની શરતચૂક પર
હું કેટલો દેકારો મચાવી દેતી
અકળાઇ જતી..
રાતા લોચનીયામાંથી એક લીલો ડૂમો ફૂટી નીકળ્યો..
આજે ભાતમાં મીઠું નથી,
મમ્મી, તું બહુ યાદ આવી ગઈ..!!
– સ્નેહા પટેલ
થોડી પંપાળી
થોડી વખાણી
પછી…
અથડામણ
ઠેબે ઠેબાં
આમથી તેમ તેમથી આમ
ફંગોળાઈ
જીર્ણ શીર્ણ
રકતરંજીત
ઓક્સીજનના બાટલાં ચડાવ્યાં
વેન્ટીલેટર પર પણ રાખી
પણ…અફસોસ
લાગણીની જીવનરેખા બહુ ટૂંકી નીકળી.
સ્નેહા પટેલ.
નજીકના સંબંધોમાં માર ખાધેલ, જીંદગીથી હારી ગયેલ માનવી ઓ.એલ.એક્સને જોઇને વિચારે ચડ્યો ઃ
.
.
‘ અહીંઆ વપરાઈને જૂના થઈ ગયેલા સંબંધોની લે-વેચ કરાતી હશે કે ?’
-સ્નેહા
તારી છાતીના વાળમાં
ગોળ ગોળ
ફરતી આંગળીઓ
મનમાં
ઢગલો વમળો પેદા કરે છે
અને
ધીમે …ધીમે…
હું એમાં ડૂબતી જઉં છું !
-સ્નેહા પટેલ
નિયમિત મારી જિંદગીમાં
એક
તારી યાદ
નિયમિત રીતે અનિયમિત !
– સ્નેહા પટેલ.
ઇચ્છાઓ પૂરી ના થાય ને દાનવ થઈએ એવા આપણે માનવ શું કામના ?
-સ્નેહા પટૅલ.
એક પણ સળ વિનાની ચાદર ઉપર
ભારે હૈયે હાથ ફેરવે છે
ઢગલો સળથી ભરેલું વદન !
-સ્નેહા પટેલ
રુંવાડા ઉભા થઈ જવાની ચરમસીમાએ
હ્રદયમાંથી શબ્દો સરે છે
અને
ક..વિ..તા નામની પરીનો જન્મ થાય છે.
-સ્નેહા પટેલ.