ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,કેનેડા પછી હવે અમેરિકાના અગ્રણી મેગેઝીન ‘દેશપરદેશ’માં આજથી મારી નવી કોલમ ‘ઓટલો’ ચાલુ થઈ રહી છે. ચીફ એફિટર મિત્ર કિશોરભાઈ વ્યાસ ઘણા જાણીતા કોલમિસ્ટ, લેખક, કવિ, ઉમદા વિવેચક છે. મેગેઝીનમાં બીજા ઘણાં બધા જાણીતાં, સિદ્ધહસ્ત લેખકો સાથે કામ કરવાનો એક નોખો અનુભવ મળી રહ્યો છે એનો આનંદ આપ સાથે વહેચું છું.
Monthly Archives: May 2021
આજની પેઢી
છેલ્લાં એક વર્ષથી કોરોનાકાળમા લોકોની જે હાલત છે એ જોઈને મને કાયમ અમે student હતા એ સમય યાદ આવે.
અમે ‘અનામત આંદોલન’નો ત્રાસ બહુ વેઠયો છે એ પછી મને અનામત શબ્દથી ચીડ ચડવા લાગેલી જે આજ સુધી બરકરાર છે. એટલે જ હું કાયમ સ્ત્રી છું માત્ર એ કારણથી કોઈ સ્પેશિયલ ફેસિલિટી આપે તો એ નથી સ્વીકારતી…એ અનામત મને અપમાન જેવી લાગે છે.
ખેર, એ એક આડવાત, મુખ્ય તો અમે જીવનનો એ સુંદર સમય થોડા ઘણા આવા સંકટ સિવાય હસતા રમતા પસાર કરી ગયા અને જીવનના ચાર દસકા ક્યાં વહી ગયા એની ખબર જ ના પડી અને આજે…
આજે અમારા સંતાનો બે બે દસકામાં તો જીવનની કેટલી કટુતા જોઈને , સહન કરીને જીવે છે. જન્મ્યા ત્યારથી જ ભૂકંપ, પછી સુનામી…ડેન્ગ્યુ, કોરોના જેવા અનેકો જીવલેણ જાત જાતના નવા રોગો, ક્વોરેટન્ટાઈન, એકલતા,સાવચેતી, અનેક નજીકના લોકોના ફટાફટ મોત , દર્દ…ઉફ્ફ. . ભયંકર સ્ટ્રેસ વચ્ચે આ પ્રજા ઉછરી રહી છે. મને યાદ છે કે તાવ એટલે માત્ર મેલેરિયા જ હોય એ સિવાય કોઈ રોગનું નામ સુદ્ધા મેં નહોતું સાંભળ્યું અને એ 3 દિવસમાં ફેમિલી ડોકટર હિમતલાલની બે ગુલાબી ને ઘોળી ટિકડીઓ ખાઈએ એટલે મટી જાય. મેં મારા જીવનમાં પ્રથમ બ્લડ ટેસ્ટ મારી પ્રેગ્નન્સી વખતે કરાવેલો… પ્રેશર પણ એ જ વખતે ને એ પછી પણ ખબર નહિ ક્યારે કરાવ્યો હશે…જ્યારે આજે વાત વાતમાં બ્લડ ટેસ્ટ, એક્સરે વગેરે ચણા મમરા જેટલા સહજ. હા, અમે નાસ્તામાં ચણા મમરા મોજથી ખાતા ને આજની પેઢીને એમા ખાસ રસ નથી હોતો એ વાત અલગ છે.
પણ આટ આટલા માનસિક, શારીરિક પ્રેશરમાં ઉછરતી પેઢીને જોઈને દયા આવે છે. આ સ્માર્ટ પેઢીને બધું ફટાફટ જોઈએ છે, એ મેળવવા ગમે એ પ્રકારની મહેનત કરવા પણ એ લોકો તૈયાર હોય છે પણ આ કુદરત એમાં રોજ નવા નવા હર્ડલ ઉભા કરવામાં માહેર થતી જાય છે.
જોકે નવી પેઢી ખૂબ જ સમજદારીથી આ મુશ્કેલીમાંથી માર્ગ કાઢતી જાય છે, પણ આટલી નાજુક ઉંમર આવા અનુભવો માટે થોડી છે ભગવાન !
આ બચુકડાઓએ તો અત્યારે પાંખોમાં પૂરજોશમાં હવા ભરીને આકાશમાં ઉડવાનું હોય, પાણીમાં ડૂબકીઓ લગાવવાની હોય, બિનદાસપને રખડવાનું હોય, સપ્તરંગી સપના જોવાના હોય એ પૂરા કરવા મચી પડવાનું હોય….કેટકેટલું હોય…!
બીજા તો ઠીક પણ કુદરતસર્જિત આ છેલ્લી આફત હોય એમના જીવનની એવી ઈચ્છા રાખું છું.
તરવરિયણ, સ્વપ્નિલ, મસ્તીભરી જુવાની જુવાન રહે,અકાળે ચીમળાઈ ના જાય પ્રભુ…થોડું ધ્યાન રાખજે એમનું હવે..
અસ્તુ.
-સ્નેહા પટેલ.
Https://akshitarak.wordpress.com