
Article in Canada newspaper

ફેસબુક, વોટ્સઅપ ચેટ.. આ બધામાં જેટલી મજા છે એટલો કકળાટ પણ છે. તમે લખો કશુંક ને સામેવાળો સમજે કશું. વળી તમે ય તમારી ક્ષમતા અનુસાર જ લખ્યું હોય એટલે હકીકત શું હોય એની તો કોઈને ખબર જ ના પડે!
આમ ને આમ વાતો ગોળગોળ ફરતી જાય..ફરતી જાય અને લોકોના મગજ વલોવતી જાય અને પરિણામે ઢગલો ગેરસમજોના વમળ સર્જન કરતી જાય છે. રોજ નવા મિત્રો (!) બને અને ઢગલો જૂના મિત્રો સાથે ખટરાગ થાય. કોઈ જ કારણ વિના અનેકો લોકો સાથે ઝગડા થઈ જાય, અહમ છન્છેડાઈ જાય.
સમય પસાર કરવા પસંદ કરેલું માધ્યમ તમને સતત પોતાની મોહજાળમાં વ્યસ્ત રાખતી જાય છે. તમે એના મોહપાશમાં ક્યારે બંધાઈ જાઓ છો એની તમને ખુદને જાણ નથી થતી. વળી આસાનીથી, મરજી અનુસાર જેની સાથે વાત કરવી હોય એ પસંદગી તો હાજર જ હોય એટ્લે મગજમાં આવે ને વિચાર્યા વિના તરત બોલી કાઢવાનું ‘કુ-વરદાન’ મળી જાય છે.
વણજોઈતા વિચારોના ઘોડાપૂર સતત ચાલ્યાં જ કરે છે, ચાલ્યાં જ કરે છે. વળી જ્યાં યોગ્ય વિચારની જરૂર હોય એવા કામ ધંધા કે સામાજીક પ્રસંગો
વખતે મગજ સાવ જ બંધ પડેલી હાલતમાં હોય છે. ચાવીઓ માર્યા જ કરો, માર્યા જ કરો પણ જોઈએ એવી તરવરિયણ ‘kick’ વાગતી જ નથી.
સૃષ્ટિનો ‘સર્કલ’નો નિયમ ખૂબ સરસ છે. હરીફરીને લોકો એના ઉદ્દભવસ્થાને પાછા જરૂર પહોંચે જ છે.
જોઈએ આ બધી મોહમાયાનું પરિણામ આગળ શું આવે છે..
-સ્નેહા પટેલ
હું પુરુષ દાક્ષિણ્ય, માનવ દાક્ષિણ્યથી ભરપૂર આત્મવિશ્વાસી સ્ત્રી છું અને મને મારા નારીત્વ પર ખૂબ જ ગૌરવ છે.
આપણા સમાજમાં કોઈ પણ વર્ગ હોય એના ટોળા બનાવીને જીવવાની, ટેકો લેવાની એક ટેવ પડી ગઈ છે જે મારા સ્વભાવને સહેજ પણ અનુકૂળ નથી આવતું. હું મોટાભાગે મને ફક્ત સ્ત્રી હોવાના કારણે મળતી તક, અનામતનો વિરોધ કરું છું. મારી આવડતથી મળે એ જ મારું પોતાનું. મારી આવડત મને કોઈનો ટેકો લેવા મજબૂર કરે તો હજી પાયો કાચો એવું લાગે. ઈશ્વરની દયાથી ના જોયેલા સપનાઓ પણ પૂરા થઈને મારા ખોળામાં ખીલેલા ફૂલોની માફક આવી પડે છે.
જોકે આનો અર્થ એવો નથી કે જે ભેગા થઈને કામ કરે એ સ્ત્રીઓના કાર્યનું મારે મન કોઈ મૂલ્ય નથી. હું એ દરેકે દરેક સ્ત્રીને ખૂબ જ માન આપું છું. મને એમની સિધ્ધિઓનું પણ ગર્વ અનુભવાય છે. એ બધી સ્ત્રીઓ સમાજ માટે સુંદર ઉદાહરણ પૂરા પાડે છે, પ્રેરણા આપે છે. એ બધી જ સ્ત્રીઓને આજના દિવસે મારા તરફથી ‘ મહિલા દિવસ’ના વધામણાં છે.
ફક્ત મારા સ્વભાવમાં હું માત્ર મહિલા છું એટલે કોઈ તક મળે એ પસંદ નથી,મને એ અનામત સ્વીકાર પણ નથી. એ બાબતે હું બહુ જ સ્પષ્ટ છું.
મને ઘણી ઘણી ઓફરો આવતી હોય છે જેનો મારે અસ્વીકાર કરવો પડે છે એ બાબતે હું મને એ તક આપનારા દરેક મિત્રોની, શુભેચ્છકોની માફી માંગુ છું. આશા છે તેઓ મારી મજબૂરી સમજી શકશે ને મને જેવી છું એવી જ સ્વીકારશે.
ફરીથી, મને મારા નારીત્વનું બેહદ ગૌરવ છે. આવતા જન્મે પણ ઈશ્વર મને સ્ત્રી જ બનાવે અને એ પણ ‘સ્નેહા’ જેવી જ.
મારી બધી જ સહેલીઓને આજનો દિવસ અને આખું જીવન મુબારક મુબારક. ખુશ રહો,સ્વસ્થ રહો અને સફળ રહો.
આ સાથે જ મને આજના દિવસે મારા પ્રકાશક મિત્રએ એક સુંદર સમાચાર આપીને મારો આજનો દિવસ વધારે સુંદર બનાવી દીધો. ફોટો શેર કરું છું. આવા પુસ્તકોની વચ્ચે મારા એક નહિ પણ બે બે પુસ્તકોનું આવું ગૌરવવંતુ સ્થાન… અહાહા….
Thank you god.
-સ્નેહા.