
ઓસ્ટ્રેલિયાથી પ્રકાશિત ‘નમસ્કાર ગુજરાત’ છાપાની મારી કોલમ ‘અક્ષિતારક’ની આ મહિનાની વાર્તા.
રાતરાણી:
ઉફ્ફ… આ રાતરાણીની માદક સુગંધ – અને શ્રીની આંખો બંધ થઈ ગઈ. નાકના ફણાં પર જાણે અનેકો રંગીન,નાજુક પતંગિયા નર્તન કરતા હતાં, નાકની અંદરના બારીક વાળની જાળીને આરપાર વીંધીને એ સુગંધ છાતી,ફેફસાં ને મગજ સુધી સડસડાટ વહેતી થઈ ગઈ. બે ઘડી નાભિમાં શ્વાસ અટકી ગયો અને શ્રી ચાલતા ચાલતા એ જ જગ્યાએ અટકી ગયો. પોપચાં ભારે થઈ ગયા અને બંધ આંખોમાં એક ચહેરો ઝળહળ થઈ ગયો.
‘રાણી’.
જુવાનીના રસથી લથપથ,છલકાતી, વહેતી મદમસ્ત યૌવના અને આ રાતરાણી સાથે શ્રીની ઘણી યાદો જોડાયેલી હતી.
લોકડાઉનમાં શ્રીએ ભીડભાડથી બચવા અને ચાલવાની આદતને જીવંત રાખવા રોજ પોતાના ફ્લેટની અગાસીમાં ચાલવા જવાની ટેવ પાડી હતી.
રાતનો સમય અને અગાસીનો કાળો સૂનકાર!
લોકડાઉનના કારણે આખો દિવસ ટ્રાફિક અને જાતજાતના અવાજોથી ઘેરાયેલો રહેતો શહેરનો આ ધનાઢય વિસ્તાર અત્યારે સાવ જ સૂનો થઈ ગયેલો. ક્યાંક રડયું ખડયું માસ્કની અંદર શ્વસતું જીવન આંખે ચડી જતું પણ એનો ય અવાજ તો માસ્કમાં જ અટવાઈ જતો. લોકો કોરોનાના ખોફથી શ્વાસ લેતાં ય ડરતાં હતા અને માસ્કમાં બોલવાની તો હજી ફાવટ પણ નહોતી આવી. શું બોલવું શું નહિ જેટલી સમજ જ નહોતી પડતી. કામની ચાર વાતને પણ એક વાત જેટલી નાની કરીને બોલતાં.
આ બધું શ્રીને અકળાવી મૂકતું. રોજના ઘોંઘાટથી અકળાઈને શાંતિની ઈચ્છા રાખી હતી પણ આવો સનનાટો તો વિચાર્યો પણ નહતો. કાનમાં ઈયરપ્લગ ભરાવી ને યુટ્યુબના ગીતો સાંભળતા સાંભળતા એ પોતાની જાત સાથે ચાલતો રહેતો.
એક દિવસ અચાનક રાતે ચાલતા ચાલતા એના નાકમાં તીવ્ર સુગંધ અથડાઈ અને એ ચમકી ગયો. સુગંધનો પીછો કરતાં કરતાં એનું સરનામું બાજુના ફ્લેટની અગાસીએ મળ્યું.
રાતના અંધકારમાં ચાંદનીના આછા અજવાસમાં એક નવયૌવના એની નાજુક હથેળીમાં રાતરાણીના ફૂલોના ગુચ્છાને રમાડતી રમાડતી, પાયલનો ઝણકાર રેલાવતી એની બહેનપણી સાથે એની મસ્તીમાં હસતી રમતી ચાલતી હતી.
રાતરાણીના ગુચ્છાની સુગંધ વધુ તીવ્ર હતી કે એ યૌવનાના હાસ્યની વણઝાર વધુ રમણીય – શ્રી નક્કી નહતો કરી શકતો.
નજર હતી કે બધું જ ભૂલીને એ નાજૂકડીને જોવામાં જ તલ્લીન થઈ ગયેલી. શ્રી ખૂબ જ મર્યાદાશીલ પુરુષ હતો પણ ખબર નહિ આ કેવું તીવ્ર આકર્ષણ હતું ! ખોબામાં રહેલાં રાતરાણીના બેચાર ગુચ્છાની પોતાની આટલી તાકાત હતી કે આ પરથી પેલી પાર પહોંચતી હતી કે એમાં બીજું પણ કશુંક ભળતું હતું?
ખબર નહિ પણ આખું વાતાવરણ હલકું ફૂલ બની ગયું હતું. કાનમાં ભરાયેલા ઈયરપલગમાં ગીતો વાગતા હતા પણ શ્રીના દિમાગને એ કશું જ સ્પર્શતું જ નહતું. આંખ,કાન,નાક,દિલ બધું એક જ ખીંટીએ ટંગાઈ ચૂક્યું હતું.
અને
શ્રીએ એ યૌવનાનું નામ ‘રાણી’ રાખી લીધું.
રાણી તો એની જ મસ્તીમાં અગાસીમાં આમથી તેમ આંટા મારતી બહેનપણી સાથે મસ્તીમાં ઝૂમતી હતી. એ બે ય સખીઓને કદાચ કોરોનાનો ખૌફ નહતો, બે ય છોકરીઓના નાક પર માસ્ક જેવું કંઈ દેખાયું જ નહીં. સ્વાસ્થ્ય માટે અતિ સાવચેત એવા શ્રીને ઘડીભર પોતાના માસ્કની આદત પર શરમ આવી ગઈ, પણ એ નાક પરથી હટાવવાની હિંમત ના જ કરી શક્યો.
મનોમન એ રાણીની બેફિકરાઈ, હિંમત પર ફિદા થઈ ગયો.
બધો ખેલ માંડ દસ પંદર મિનિટનો જ હતો ને છોકરીઓ ગુમ.
એ પછી તો રોજ રાતના અગિયાર વાગે અગાસીમાં જવાનો શ્રીનો રોજનો નિયમ થઈ ગયો. ચાલવા જવું, સ્વાસ્થ્યની ચિંતા બધું કદાચ એક બહાનું થઈ ગયું હતું.
પાંચ દિવસ રાતરાણી સાથે રાણીની યુવાનીની મહેંકના અદભુત કોમ્બિનેશનની સિલસિલો રાબેતા મુજબ ચાલ્યો , વચ્ચે એક દિવસ તો પેલી તોફાનીઓએ પણ પોતાની નોંધ લીધી હોય એવો ભાસ પણ શ્રીને થતો રહ્યો.
હકીકત તો રામ જાણે !
અને અચાનક એક દિવસ બધું બંધ !
એક..બે..છ.. દસ..પંદર દિવસ. આ શાંતિ તૂટતી જ નહોતી.
શ્રી હવે અધીરિયો થઈ ગયો હતો અને એક દિવસ મન મક્કમ કરીને બાજુની સોસાયટીમાં જઈ પહોંચ્યો. ચોકીદારને એક સિગારેટ આપીને એને વાતોએ વળગાડ્યો.
‘આ રોગ બહુ ફેલાયો છે કેમ ભાઈ? હવે તો થાક્યાં બધા..તારે ઘરે બધા મજામાં ને?’
‘હા સા’બજી. માતાજીની કિરપા છે.’
ધીમે ધીમે વાત પોતાની અધિરાઈના અંત સુધી લઈ જવાના ઈરાદા સાથે શ્રી બોલ્યો,
‘આ સોસાયટીમાં પણ અમુક કેસ થયા છે નહીં ?’
‘હા સા’બજી. હજી ત્રણ દિવસ પહેલાં જ સોસાયટીની બે નાનકડી છોકરીઓ પોઝીટીવ આવેલી બોલો.’
‘હે..!’
શ્રીનું હૃદય એક ધડકન ચુકી ગયું. ગળું સૂકાઈ ગયું.માથામાં સણકા વાગવા લાગ્યાં. આગળ કશું પૂછે એ પહેલાં જ રાણીની બહેનપણી સોસાયટીના ગેટમાંથી અંદર આવતી દેખાઈ અને શ્રીના જીવમાં જીવ આવ્યો. આજે તેણીએ માસ્ક અને હાથમાં ગ્લોવસ પણ પહેરેલાં જોઈને શ્રીને થોડી નવાઈ પણ લાગી. એ હજી કશું બોલે એ પહેલાં જ પેલી નાનકડીની આંખો એને જોઈને ભરાઈ ગઈ. અચાનક જ એ શ્રીની નજીક આવી અને બોલી,
‘તમે રોજ અવાસીમાં ચાલતા હતા એ જોઈને અમને પણ રાતના અંધકારમાં અગાસીમાં ચાલવાની હિંમત આવતી હતી. આખો દિવસ માસ્કમાં ફરીને કંટાળી જતા એથી રોજ રાતે ખુલ્લી હવા લેવા અમે બે ઉપર અગાસીમાં ચાલવા આવતા. અતિસાવધાની છતાં ખબર નહિ કેમ પ..ણ એને કોરોના પોઝીટીવ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. સુગંધની ભૂત એવી એ ગાંડી છોકરીને શ્વાસનો જ રોગ થઈ ગયો અને બે દિવસ પહેલાં જ એ મૃત્યુ પામી.’
અને વધુ બોલવાની, સાંભળવાની હિંમત ના હોય એમ શ્રીને સોસાયટીના ગેટ પાસે આવેલી રાતરાણીના વૃક્ષ પાસે એકલો મૂકીને ચાલી ગઈ.
હવે શ્રીને એ રાતરાણીના વૃક્ષ પાસે જવાનું વ્યસન થઈ ચૂક્યું હતું.
-સ્નેહા પટેલ.