Lockdown side effect

1. ‘એ બકા…તને ખબર – જ્યારે ખબર નહોતી કે આ કોરોના એટલે શું? એની સાવચેતી એટલે શું, ત્યારે આપણે બધા બારીબારણાં સુદ્ધા બંધ કરીને ફફડતા જીવે ઘરમાં પૂરાઈ ગયેલા. બહુ ડરી ગયેલા લ્યાં…’
‘હા…હોં, તદ્દન ખરું.
‘જોકે હવે સ્થિતી અલગ છે. બજાર ધીમે ધીમે ખૂલતું જાય છે. જીવન પણ રાબેતા મુજબ ચાલતું થઈ ગયું છે.’
‘હા, એ તો સાચું.’
‘ સૌપ્રથમ ચીનમાં આ રોગ હતો ત્યારે સમાચાર, બિહામણા વીડિઓ જોઈ જોઈને મગજ જ બન્ધ થઈ ગયેલું સાલું કે આ હમણાં આપણાં દેશમાં આવ્યો જ સમજો ને આવ્યો તો તો મર્યા જ સમજો. વુહાનવાળાની હાલત અહીં અમદાવાદમાં મને બીવડાવતી, પેટમાં ગોટાળા વળી જતાં.’
‘બે…હા હો..સાવ એવું જ હતું.’
‘પણ હવે તો એ ધીમે ધીમે આપણા દેશમાં પગપેસારો કરી ચૂક્યો છે અને ઠેર ઠેર એના સંક્રમીતો ફેલાઈ ચૂક્યા છે. જયાં જ્યાં નજર મારી ઠરે… હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી જ..’
‘અબે હા..સાસાચ્ચે જ…’
‘હાશ, હવે તો આપણે સાવચેતી રાખીને બહાર નીકળી શકીએ છીએ. ભગવાનની પૂરતી દયા છે કે જીવન રાબેતા મુજબ ચાલુ થઈ ગયું.’
‘એ હા અલ્યા. .તું તો જબરદસ્ત સ્માર્ટ છું હોં. ચાલો મળ્યાં પછી.’
-સ્નેહા પટેલ.3rd june,2020.#corona #કોરોના #ahmedabad

2.
‘આ A હતો એટલે B નો ખતરો ઓછો છે- સમજ્યા?’
‘ મતલબ A છે એથી B નહીં આવે બરાબર ને?’
‘ ના, એવું નહિ..B નથી એટલે જાનહાનિ નહિ થાય.’
‘મતલબ A આપણું જીવનરક્ષક, જીવનજરૂરી છે!’
‘હાસ્તો..ભગવાનનું અમૂલ્ય વરદાન…જય ભગવાન!’
‘ઓહો…આ A કાયમ આમ જ આપણો જીવ બચાવે…ભગવાન ભગવાન. અચ્છા તો હવે Aના 1,2,3,4..સતત એક પછી એક પડ ચડતાં જાય છે તો આ જડબેસલાક કવચમાં શ્વાસ નથી લેવાતો..બહુ મૂંઝારો થાય છે, તો કોઈ હવાબારી જેવું કશું ના રખાય?’
‘તે રાખી જ છે ને. 5માં નંબરનું પડ છે એમાં અમુક જગ્યાએ તો બધી બારી ખોલી કાઢી છે ને અમુક જગ્યાએ હળવી બંધ રાખી છે.’
‘વાહ, ખૂબ સરસ. ઈશ્વર દયાળુ. પણ આ પાંચમા નમ્બરની બારીમાંથી B અંદર તો નહીં આવી જાય ને?’
‘એવી કોઈ ગેરંટી નહિ ભાઈ. તું નાહક મારું મગજ ખરાબ ના કર ને…B તો અત્ર તત્ર સર્વત્ર આખી દુનિયામાં રાજ કરે છે. આપણો A કયા ખેતીવાડીની મૂળી વળી?’
‘પણ તમે તો કહ્યું હતું કે A છે એટલે Bનો ખતરો ઓછો.’
‘અરે મૂર્ખ..તું યાદ કર. મેં કહેલું કે B નથી તો જાનહાનિ ઓછી થશે.’
‘પણ તમે તો કદાચ જાનહાનિ નહિ થાય એવું કહેલું.’
‘ ભાઈ, તું રહેવા દે ને હવે…તને કશું સમજ જ નથી પડતી. બારીમાંથી શ્વાસ લે અને ચૂપચાપ જે થાય એ જોયા કર.’
-સ્નેહા પટેલ.31મે,2020.

3.
ક ને x જગ્યાએ જરૂરી કામ હતું. રસ્તો ખબર હતો પણ વિચારતો હતો કે, ‘શાંતિથી જઈએ છે, ઉતાવળ તો છે નહીં.’ એ એની મસ્તીમાં ચાલતો ચાલતો જતો હતો ને રસ્તામાં ખ મળ્યો.
‘ક્યાં જાય?’
‘X જગ્યાએ’
‘અચ્છા..તને ખબર છે – ત્યાં જતા રસ્તામાં ખતરનાક માનવભક્ષી પ્રાણીઓ રહે છે. તું એક કામ કર y ના રસ્તે જા.’
‘પણ Y નો રસ્તો તો ખાડાટેકરા, ઝેરી જીવજંતુવાળો, પોચી જમીનવાળો જીવના જોખમ જેવો છે. મંજિલ સુધી પહોંચવા જેટલો હું જીવતો રહીશ.’
‘હા ખતરો તો છે જ. પણ ગમ શૂઝ અને આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરી લેજે અને મોઢું બોઢું પણ બરાબર ઢાંકી લે જે એટલે બહુ વાંધો નહીં આવે.’
‘અચ્છા એટલે આટલી સાવધાની પછી Y રસ્તે વાંધો નહિ આવે એમ ને?’
‘ ના.ના…સાવ એવું નહીં.. આવી તો શકે જ..પણ આપણે આપણી રીતે પૂરાં સાવધ રહેવાનું ને.’
‘એ સાવધાની તો X રસ્તે પણ હતી જ ને..’
‘ના હવે…એ પૂરતી સાવધાની નહોતી. ત્યાં જીવ જવાનું 100 ટકા જોખમ છે.’
‘તો Y ના રસ્તે ?’
‘ત્યાં 80 ટકા જેટલું જ છે.’
‘એટલે જોખમ તો છે જ એમ ને?’
‘હાસ્તો…તું કેવી વાત કરે છે ? જોખમ તો આખી દુનિયામાં છે.’
‘મને થાય કે હું ઘરે પાછો જ જતો રહું.’
‘જોજે એવી ભૂલ કરતો. ઘરે જઈશ તો કામ ધન્ધો કોણ કરશે? પૈસા ક્યાંથી આવશે? ઘરનાં ખાશે પીશે શું? તારે તો લડવાનું છે, તું તો એક બહાદુર લડવૈયો છું ને…’
ક હવે અકળાયો,’અલ્યા, હું મરી જઈશ એનું કશું નહીં.’
‘ ખાવાપીવાનું નહિ મળે તો જીવીને ય શું કરીશ?’
‘હા પણ ઘરે જઈને શાંતિથી વિચારું કે X સારો કે Y..કાં પછી હું કોઈ નવો Z રસ્તો શોધુ.’
‘ ઘરે જઈશ તો પણ જોખમ છે. ઘરમાં પણ A, B, C સાવચેતી તો રાખવી જ પડશે’
‘અલ્યા ઘરમાં તો સખેથી શ્વાસ લેવા દે…અચ્છા ઘરમાં A, B, C જેવી સાવચેતીથી તો અમે બધા સલામત રહીશું એ નક્કી ને?’
‘ ના હોં.. એવી ભ્રમણામાં તો રહીશ જ નહીં. જોખમનું કશું જ નક્કી નથી.’
‘એટલે મારે કરવાનું શું? ઘરમાં રહું કે બહાર કામે જઉં?’
‘ એ તો હવે તારે વિચારવાનું ને? તારે પૂરાં સાવચેત રહેવાનું, તારા જીવનનું તું ધ્યાન નહિ રાખે તો બીજું કોણ રાખશે ? થોડો જાગૃત થા હવે. બુદ્ધિ ફુધ્ધિ ચલાવ, આત્મનિર્ભર બન. ચાલ હવે…ત્યાં ગ મારી રાહ જોવે છે. હું જઉં આવજે.’
ને ખ એ માવો મસળીને હોઠના ખૂણામાં દબાવ્યો અને ત્યાંથી હાલતી પકડી.
-સ્નેહા પટેલ.30મે,2020.

2 comments on “Lockdown side effect

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s