આ જમાનાનો વાયરો સ્ત્રીઓને પોતાના હક માટે સચેત કરી રહ્યો છે. ધીમી ધીમી થપકીઓ નહિ પણ સપાટાભેર ઝાપટ મારીને આજ દિન સુધી દરેક સ્ત્રીના ભાગે ભોગવવાની આવેલી માનસિક, શારિરીક બંધનોનો એકસાથે બદલો લેવા પ્રેરિત કરી રહ્યો છે. ઠેર ઠેર સ્ત્રીઓ એકજૂથ થઈને ‘અમારો હક આપો’ની માંગણી કરી રહી છે.
ઘણી જગ્યાએ દ્રશ્ય સાવ ધૂંધળું છે. સ્ત્રીઓ ટોળાં બનાવે , જોમ જુસ્સો બહુ આવે છે પણ બધો વિવેક અતિલાગણીના અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. પોતે શું અને કેમ માંગી રહી છે, મુખ્ય મુદ્દો શું છે ?, વળી કોની પાસે માંગી રહી છે એવી સામાન્ય સમજ પર પાણો પડી ચૂક્યો છે. વળી જે માંગી રહી છે એ વર્ષો જૂની રીતિ રીવાજો, માનસિકતા સામેનો જંગ છે તો એનું પરીણામ ‘ચટ મંગની પટ બ્યાહ’ જેવું તો ના જ હોય એવું એમને સમજાતું નથી. આ બધા માટે બહુ ધીરજ, સમજણ જોઈએ વળી જે માંગી રહયાં છો એ એની પોતાની કિંમત લઈને જ આવશે તો એ કઈ રીતે ને શેનાથી ભરપાઈ થશે એવો દૂરંદેશી વિચાર સુદ્ધાં એમને નથી આવતો.
સમાનતા, એક કદમ આગળ આ બધા વમળો છે જેમાં સૌપ્રથમ તો સ્ત્રીએ પોતે બધી રીતે સશક્ત થવાનું છે, વર્ષોથી જાતે જ પહેરીને બેઠેલી ઘણી બધી જંજીરોમાંથી જાતે જ મુક્ત થવાનું છે એ પછી સમાજને તમને તમે જેને યોગ્ય છો એ આપ્યા સિવાય છૂટકો જ નથી એટલું સમજવાનું છે. પોતાની જાતમાં પૂર્ણ વિશ્વાસ રાખવાનો છે. એ વિશ્વાસ મેળવવા શિક્ષણ, સ્વરક્ષાના પાઠ – તાલીમ, સરકારે આપેલ હકનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એની પૂરતી સમજ આ બધું કેળવવાનું છે.
મુખ્ય સમસ્યા પુરૂષોનું આધિપત્ય નહિ પણ સ્ત્રીઓએ સ્વીકારી લીધેલી ગુલામી છે. જયાં સુધી દરેક સ્ત્રી આ સાંકળો તોડવા મજબૂત રીતે તૈયાર નહિ થાય ત્યાં સુધી કોઈ વિકાસ શક્ય નથી.કોઈ માઈનો લાલ આ ગુલામીમાંથી તમને બહાર નહીં કાઢી શકે.
મુખ્ય મુદ્દો પુરુષોની બરાબરી કે એક કદમ આગળ ને એવું બધુ છે જ નહીં. આપણે બધા ‘ મોટી લીટીને નાની કરવાની’ વાર્તા અને રસ્તો સુપેરે જાણીએ પણ અમલમાં મૂકવાનું આવે ત્યારે કશું યાદ નથી આવતું. જે સ્ત્રીઓ પોતાની લીટી લાંબી કરવાની ઇચ્છા રાખે છે ને એ દિશામાં મન રેડીને કામ કરે જ છે એ ઓલરેડી પોતાના ક્ષેત્રમાં એટલી આગળ વધી ચુકી છે કે સમાજે એની સમર્થતાને સ્વીકાર્યા વિના છૂટકો જ નથી અને એ સ્ત્રીઓને સમાજના કોઈ પણ સ્વીકારની પડી પણ નથી હોતી.
મુખ્ય મુદ્દો સ્ત્રીઓના પોતાના વિકાસનો છે. પુરુષો ભલે એમની રીતે એમના કામ કરે પણ એમની સામે સ્ત્રીઓ એ એક મજબૂત વિશ્વાસ ની ઢાલ લઈને ઉભા રહેવાનું છે જેથી એમના કોઈ જ ઘા એના નાજુક દેહ, તનને નુકસાન ના પહોંચાડી શકે. કોઈએ શુ કરવું એ આપણે બહુ જડતાથી કહીએ એના કરતાં આપણે શું કરી શકીએ ને એ વિચાર પર અમલ કરવાની દિશામાં એક ડગલું આજથી જ આગળ ભરીએ – દરેક સ્ત્રીને મારી આ જ છે સાચી ‘ મહિલા દિનની શુભેચ્છાઓ’
મજબૂત બનવા ઇચ્છતી વિશ્વની દરેક મહિલાને અઢળક વ્હાલ સાથે મારી આ પોસ્ટ સમર્પિત.
સ્નેહા પટેલ.
9 માર્ચ,2019.