Kachori

https://wp.me/sovbN-kachori

કચોરી:

નાનપણ માં મમ્મી મોટાભાગે માણેકચોકના શાક માર્કેટમાં જઇ – શિયાળુ શાકની સીઝન બરાબરની જામી હોય, સારો ભાવ હોય ત્યારે કૂણી કૂણી તુવેરો શોધીને બે ચાર કિલો ખરીદીને કાપડ ના થેલામાં ભરી લાલ દરવાજા સુધી ચાલતા જઈ ને ઘરે પહોંચાડતી બે બસ 42 અને 48ના બસ સ્ટેન્ડ પર બેસતી. બસને આવવાની વાર હોય તો સ્ટેન્ડ પર બેઠા બેઠા પોતાનું પર્સ, બીજો સામાન સાચવતી’કને થોડી તુવેર ફોલીને દાણા કાઢીને થેલા માં જ નાખી દેતી. લાલ દરવાજાના દૂરનાં વળાંકથી વળતી બસના ડાબી બાજુના મોટા ચોરસમાં લખાયેલ નંબર પર નજર તકાયેલી રહેતી. જેવો ઘરની બસનો નંબર દેખાય એટલે પોતાનો બધો સામાન સાચવીને સમેટીને ચોર..પર્સ કાતરુઓથી બચતી ને લાઈનમાં કોઈ આગળ ના વહયું જાય એ બધું ધ્યાન એકસાથે રાખતી બસ નજીક આવે એટલે ત્વરાથી એમાં ચડી જતી. ઓફીસ અવર…નસીબ હોય તો જગ્યા મળે નહીતો હાથના થેલા પગના આધારે અને એ પોતે માથા પર આવેલ રોડમાં લટકતા ચામડાના પટ્ટાના સહારે. એ વખતે #me too જેવી ચળવળો નહતી ચાલતી, બસની ધક્કા મુક્કીમાં પોતાની જાતને મજબૂતાઈથી બચાવી શકતી – આંખની કડપ માત્રથી સામનો કરી શકતી એ સિંહણ જેવી સ્ત્રીને જોકે એવી ચળવળોની જરૂર પણ નહતી પડતી.

ને આમ એક ચકલી પોતાના માળામાં ચાતક નજરે રાહ જોઈ રહેલા બચ્ચાંઓ વાળા માળામાં પાછી ફરતી. બચ્ચાંઓની નજર મમ્મીના પર્સ ને હાથના થેલામાં કાયમ રહેતી જ હોય.આટલા વજનનો થેલો જોઈને મનોમન ખુશ થઇ જાય,

‘ નક્કી કૈક મોજ થવાની ઘરમાં’

એ પછી ચાલુ થતો તુવેરો ફોલવાનો સિલસિલો !
રાતે ટીવી જોતા જોતા ઘર ના દરેક સદસ્ય પૂરા મનથી તુવેરોના દાણા ફોલવાની ફરજ નિભાવતું. કોઈ જાતની ફરજ પાડવામાં નહોતી આવતી પણ સદસ્યો નો એક અનેરો ઉત્સાહ !

એ પછી તો ‘ મિશન તુવેર’ ની પાછળ આખું ઘર પૂરતી તન્મયતાથી મચી પડતું તે બે દિવસમાં એનો ઝપાટો બોલાવીને જ જપતું. જેટલી વહેલી ફોલાય એટલી જલ્દી મનભાવતી વાનગી ‘કચોરી’ ખાવા મળે એવી લાલચ.

મોટાભાગે તો આવા મોટા (!!) પ્રોગ્રામ રવિવારના દિવસે જ બનતાં કે જ્યારે આખા ઘરને રજા હોય ને સાથે બેસીને બનાવી શકાય ને આરામથી ઘડિયાળના કાંટા જોયા વિના આરોગી શકાય એવો દિવસ જ નક્કી થતો. ફોલાયેલ તુવેરના દાણા વીણવા ની જવાબદારી ઘરના સૌથી નાના સદસ્યની એટલે કે આપણી પોતાની. કોની દાણા ફોલવાની સ્પીડ સૌથી વધુ, કોણ કેટલા દાણા જોયા વિના ફોલે એવી બધી પંચાત કરતા કરતા દાણામાંથી સડેલ દાણા, કચરો કાઢવાનું કામ પૂર્ણ થતું. આપણું મોટાભાગનું કામ પતી ગયું એ પછી આવતો મોટીબેન ધ ગ્રેટનો વારો. એ વખતે કદાચ ઘરમાં મિક્સર નહોતું એટલે એક કાળીગોળ માટીની કુંડીમાં એ ધોયેલ દાણા મોટીબેન લાકડાં ના દસ્તા વડે ઘસી ઘસીને દાણાનો માવો બનાવતી. જોકે આ થોડો સમય જ…એ પછી મિક્સર આવી જતાં એમાં દાણા ક્રશ કરવાનું કામ પણ મોટીબેનનું જ ! મોટીબેન કાયમ જીંદાબાદ!
આપણે આરામથી ટીવીમાં ચિત્રહાર, ચંદ્રકાંતા, તમસ, બુનિયાદ જે આવતું હોય એ પ્રોગ્રામ જોવાના.

ઘરના સૌથી નાના ને સૌથી લાડકાં એવા આપણે !

મોટીબેન નું કામ પતે ત્યાં સુધી બીજી દીદી લોટ બાંધીને લુવા પાડી દેતી ને મમ્મી નાહવા, કપડાં ધોવા સાથે મારા જેવા આળસુઓને નાહી -ધોઇને તૈયાર થવા જેવા મોટા કામ (!) પતાવવાની સૂચના આપતી જતી. મમ્મી બહુ વ્હાલી પણ એ ગુસ્સે થાય તો સાલું બીક તો લાગતી એટલે એ ગુસ્સે થાય એ પહેલાં એની સૂચના મુજબ કામ પતાવી કાઢતી. પછી મુખ્ય કામ આવતું માવાનો મસાલો કરી માવો શેકવાનું ને એમાં મારી માસ્ટર મમ્મી માળીયામાંથી જાડા તળિયાવાળું ને આવા કામ માટેનું સ્પેશિયલ પીત્તળનું તપેલું ઉતરાવડાવતી.
(ઘરના કામ જેવા કે, બહારથી વસ્તુઓ લાવવી મૂકવી કે માળિયામાં ચડીને વસ્તુઓ, અનાજ ઉતારવું એ બધાને કામ કહેવાય એવી સમજ પણ નહોતી , એ સમયથી મારા હતાં. )

એ પછી પિત્તળના તપેલામાં તેલ,માવો, મસાલો મિક્સ કરાતો અને ઘરના દરેક સદસ્ય ત્યાં દિવેટવાલા પ્રાઈમસની આજુબાજુ બેસીને જોતા. એક હાથે રૂમાલ પકડીને એનાથી તપેલું પકડીને માવો હલાવતી મમ્મી ના હાથમાંથી વચ્ચે વચ્ચે બધા તવેથો લઈને પૂરી નિષ્ઠાથી એ કામમાં પોતપોતાનું શક્ય યોગદાન આપતા. પપ્પા…હા…આ મહાયજ્ઞમાં અમે બધા રત હોઈએ ને કોઈના મગજમાં ચા પીવા નો કીડો સળવળે ને ઓર્ડર છૂટે, ‘પપ્પા, ચા મૂકી દો ને..’ અને પપ્પાને પણ ચા ની તલપ લાગી જ હોય એટલે એ પણ બહારનો ચોવીસ કલાક ખુલ્લો રહેતો ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી રસોડામાં આવે.
પાંચ સદસ્યોનું મોટું કુટુંબ નાનકડા રસોડામાં આરામથી જગ્યા કરીને પોતપોતાનું કામ કરતું.
એ પછી ચા પીવા વિરામ લેવાતો અને મારા જેવો અવળચન્ડો જીવ માવો કેવો બન્યો છે? ની ભરપૂર જિજ્ઞાસા સાથે વચ્ચે વચ્ચે એ ચાખી પણ લેતો. જેટલું ચાખીએ એટલી સ્વાદેન્દ્રિય ઓર તેજ થતી જતી. આવા સ્પેશિયલ સમય માટે ફ્રિજમાં મૂકી રખાતા કાજુ, દ્રાક્ષ થી મોઢામાં પાણીના ફુવારા છૂટતાં. જોકે એ પછી નું કામ ફટાફટ થતું. જમવાનો સમય નજીક આવતો જતો હોય ને એટલે.
દીદી પૂરી વળે , કઈ સાઇડ સીધી ને કઈ ઉંધી એની મમ્મી સમજ પાડતી ને બીજી દીદી પૂરીમાં માવો ભરતી. જોકે ભારે ચીવટ વાળી મમ્મી ને એનાથી સંતોષ ના થતા વચ્ચે વચ્ચે કચોરીની કાંગરી બરાબર કેમની પડે, પૂરી નું પડ પાતળું..જાડું… એવી સલાહ આપતી દિવેટવાળા પ્રાઈમસ પરની તેલની તાવડીમાં કચોરી તળવા લાગતી. વચ્ચે વચ્ચે હું પણ કચોરી ભરવાનો પ્રયત્ન કરીને કોઈ મહાન કામ શીખ્યા નો ભરપૂર આનંદ લઈ લેતી અને કોથમીરની ચટણી, છુંદો, ટોમેટો સોસ લઈને બધા પોતપોતાની ડીશ લઈને જમવા બેસતાં.
અહાહા….અદભુત વાતાવરણ !
આ આખી કથા એટલે યાદ આવી કે કાલે હું તૈયાર દાણા લાવીને, માવો બનાવી, પૂરી માં ભરીને તળવા સુધીની દરેક પ્રક્રિયા માં એકલી હતી.ઇનમીન ને તીન ના ફેમિલીમાં બધા બીઝી બીઝી…મિક્સર…દાણા…એ બધું રમત…કાજુ, દ્રાક્ષ પણ હવે રોજ ખવાય. કચોરી સરસ બની હતી , સદસ્યોએ ખાધી પણ પૂરાં પ્રેમથી ને વખાણી પણ દિલના કોઈ ખૂણે બહુ બધી સ્મૃતિઓ ખળભળતી હતી ને એ ખળભળાટથી લાચાર થઈને આ લેખ લખ્યાં વિના ના રહેવાયું .
મારો વ્હાલો પરિવાર…લવ યુ !

સ્નેહા પટેલ.
24 નવેમ્બર,2018

5 comments on “Kachori

  1. એક એક શબ્દ ને વાચક લીટી લીટી સાથે જીવી શકે એવી જીવંત રજુઆત .અભિનંદન સ્નેહાબેન ..ખૂબ જ સરસ પોસ્ટ …

    Liked by 1 person

  2. તુવેરનાં દાણામાંથી માવો ને માવાનો મસાલો બનાવી પુરીમાં ભરીને જેટલા પ્રેમથી કચોરી બનાવી એટલા જ પ્રેમથી કચોરી ઉપર લેખ પણ લખી નાખ્યો, આ જ તો તમારી માસ્ટરી…તમને કચોરી બનાવતા બનાવતા નાનપણનું સંભારણું યાદ આવી ગયું અને એના પરથી કચોરી પુરાણ રચાય ગયું…તમે શબ્દોના જીવ છો એ આના પરથી સાબિત થાય છે કે કચોરી ઉપર પણ લેખ લખી શકાય…થોડુંક વધારે ઉંડાણમાં કચોરી બનાવવા વિશે લખ્યું હોત તો લેખ સાથે રેસીપી પણ કહેવાય જાત જેથી જેને કચોરી બનાવતા ન આવડતું હોય તે લેખ પણ વાંચી લે અને સાથે સાથે કચોરી પણ બનાવી નાખે અને કચોરી ખાઈને ઓડકાર પણ ખાય લે…શું કહેવું છે તમારું..?! પહેલા ઓછી સુવિધા સાથે પણ લોકો ખુશ રહી શકતા હતાં કારણ કે પરિવારનો પ્રેમ મળી રહેતો’તો અને લોકો સોશ્યલ રહેતાં…અને આજે બધી સુવિધા હોવા છતા પણ માણસને એકલતા કે ખાલીપો લાગે છે, કારણ કે સૌ પોત-પોતાનામાં જ વ્યસ્ત રહે છે એટલે માણસ સોશ્યલ રહેવાને બદલે સોશ્યલ નેટવર્ક પર વધુ રહે છે…તમે આપવીતીમાં ખુબ જ જીણી-જીણી બાબતોને વણી લીધી છે અને એટલું જ બારીક વર્ણન પણ કર્યુ છે જેથી આખી ઘટના નજર સમક્ષ તરવરવા લાગે, જેમ કે શાક માર્કેટમાં તુવેર લેતા અને બસ સ્ટોપ પર બસની રાહ જોતા જોતા તુવેર ફોલતા તમારા મમ્મી…એક ઘર છે એ ઘરનાં રસોડામાં ત્રણ છોકરીઓ સાથે એના મમ્મી પ્રાયમસ ઉપર કચોરી બનાવે છે અને એ છોકરીઓનાં પપ્પા ચા બનાવે છે આવું દ્રશ્ય નજર સામે રચાય ગયું…હાલમાં ખુબ ચર્ચાતો વિષય #Metoo નો ઉલ્લેખ કરીને ત્યારની અને હાલની પરિસ્થિતિ અને મહત્વકાંક્ષાનો (મહત્વકાંક્ષા હોવી એ સારી વાત છે પણ આવડત વગરની મહત્વકાંક્ષા ખોટી) ચિતાર પણ આપી દીધો…તમે ટીવીમાં દુરદર્શન ચેનલ પર ચિત્રહાર અને બીજા પ્રોગ્રામ જોવાની વાત કરી તો મને પણ એ નાનપણની વાત યાદ આવી ગઈ…તમે બનાવેલી કચોરી પરિવારે ખાધી ને વખાણી તો અમને કીધું હોત તો અમે પણ કચોરીનો ટેસ્ટ કરવા આવત…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s