Manavman


માનવીનું મન અથાગ ઊંડાણવાળું. ભલભલા મનોચિકિસ્તકો એની ગહેરાઈ માપવા પુસ્તકીયા જ્ઞાનનો ઓક્સિજન લઈને ‘ડાઈવ’ માર્યા જ કરે છે. માણસની નાજુક રગોમાં આવતા ઉછાળા – અવરોહ – શીતલતા -ઉષ્ણતા એ બધાની સચોટ જાણકારી પામવામાં કોઈ જ પૂર્ણ સ્વરૂપે સફળ નથી થઈ શકતું. આમ ને આમ માનવમાનના રહસ્યોની ડાયરી અકબંધ રહે છે.એક કોકડું ખૂલે ને બીજા દસ કોકડાં એ જગ્યા લેવા તૈયાર જ ઉભા હોય છે.

દરેક માનવી જન્મે સમ્પૂર્ણ માસૂમ હોય છે તો પછી વખત જતા બધા અલગ અલગ સ્વભાવના થઈને કેમ મળે છે ? તો એનો જવાબ છે એની આજુબાજુનું વાતાવરણ – એનો અનુભવ – એના સંસ્કાર – એની વાતને સમજવાની દ્રષ્ટિ ને એમાંથી અર્થ કાઢવાની વૃત્તિ – શક્તિ !

અમુક વખત એવું થાય છે કે ઘણાં માણસો ખૂબ જ પ્રેમાળ હોય છે પણ એક દાયકા પછી જો એમને મળવાનું થાય તો આપણે અચંબિત રહી જઈએ એટલી હદે બદલાઈ ચુક્યા હોય છે. કોઈ બહિર્મુખી વ્યક્તિત્વ એમના સારા માઠા અનુભવોને કારણે સાવ જ બંધ થઈ ગયેલું મળે. ખીલેલું પુષ્પ જાણે ફરી કળી બની ગયું હોય એવું ! પણ આ ‘કળીપણું’ મોટાભાગે આવકારદાયક નથી જ હોતું. આ ‘કળી’ સમય જતાં વધુ ને વધુ અંદરની બાજુ ભીડાતી જાય છે, જગ્યા નથી મળતી તો ય જોર કરીને એ ભીડાવાનું ચાલુ રાખે છે જે અમુક હદ પછી ભીંસાવામાં પરિવર્તીત થઈ જાય છે એની એ વ્યક્તિને જાણ સુદ્ધાં નથી થતી. ખુલવાનો સ્વભાવ બંધ થતો જાય છે ને બંધ થવાનો સ્વભાવ ખૂલતો જાય છે. નેચરલ પ્રોસેસથી થતો ઉછેર હવે અનુભવોના જહેરી રસાયણોના હાથમાં પહોંચી જાય છે.

ઝેર તો આખરે ઝેરના ગુણધર્મો જ ધરાવાનું અને જીવ લઈને જ જંપવાનું !

એ ધીમા – અદ્રશ્ય સ્વરૂપે માનવીની નસોમાંથી હળવે હળવે આખા શરીરમાં પ્રવેશતું જાય છે. ધીમી ગતિના કારણે માનવી ખુદ પોતાના કાતીલપણાથી અણજાણ હોય છે. એ સઘળી પ્રક્રિયાને ‘સ્વ બચાવ’ તરીકે જ લે છે ને મનોમન મજબૂત થતો હોવાનું અનુભવી ખુશ થતો રહે છે. જોકે આ ખુશી પેલી માસુમિયાતની ખુશી જેવી લાંબી અસર ધરાવતી નથી જ હોતી પણ માનવી બધું જોઈને ય નજોયું કરવામાં કે ટૂંકા ગાળાનો ફાયદો વિચારવામાં જ હોંશિયાર હોય છે. એની માસુમિયતનો ‘ગુલાબી’ રંગ જોઈ ચૂકનારા હિતેચ્છુઓ એને કદાચ પણ હિંમત કરીને એ સમય – સ્વભાવ ની પળો વાગોળવાની હિંમત કરે તો ઝેરના ‘લીલા’ રંગમાં રંગાઈ ચૂકેલ એ માનવી જાણે મોઢામાં ભૂલથી ‘કવિનાઇન’ ચવાઈ ગઈ હોય એમ મોઢું બગાડીને એ સંસ્મરણો થૂંકી કાઢે છે.

જોકે કુદરતી સ્વભાવ સાવ તો ના જ મરી જાય સિવાય કે જાણીજોઈને એને મારવાના પ્રયાસો ના કરાય. પ્રસંગોપાત ‘લીલા’ રંગ પર ‘ગુલાબી’ રંગના સ્વભાવની હલકી ઝાય જોવા તો મળી જ જાય.

દુનિયા આ ‘ ગુલાબી’ રંગથી રંગાયેલી રહે એવી અભ્યર્થના ! બાકી માનવમનને સમજવાનો દાવો કરતા દરેક ચિકિત્સકને દૂરથી જ મારા સલામ.

-સ્નેહા પટેલ.

20-8-201

#માનસશાસ્ત્ર #સાયકોલોજી

Prayer for kerala


#kerala #કેરળ #પૂર #અતિવરસાદ

પૂરમાં જાન ગુમાવેલ કેરળવાસીઓને શ્રદ્ધાંજલી:

લોકોએ સાચા દિલથી અનેકો વિનંતી – યજ્ઞો કર્યા પછી ભગવાને વરસાવ્યો તો ય વરસાદ ના માથે અપજશ જ ! કહેવાય છે ને કે, , વહુ ને વરસાદ બે ય ને ક્યારેય જશ ના જ હોય’.
ઠીક મારા ભાઈ..આ જશ – અપજશ બધું મનમાં માની લીધેલ અવસ્થાઓ. હકીકત એ જ કે ગમે એટલા અણગમા હોય પણ છોકરો મોટો થાય એટલે એને ‘પૈણ’ ઉપડે અને મા બાપ પણ ‘મૂડી કરતાં વ્યાજ વધુ વ્હાલું’ ની આશાએ વહુનો અણગમો ગયો તેલ પીવા પણ છોકરાને પરણાવી, વહુ લાવીને એક સપનું સેવવા લાગે છે,
‘ બસ, આમના છોકરાંઓને રમાડવા છે ને શક્ય હોય તો એને ય પરણાવવા સુધી ય જીવતા રહેવું છે.’

એવું જ વરસાદનું…નહીં આવે તો ખેતી કેવી રીતે થશે? પીવાનું પાણી ક્યાંથી લાવીશું ? વરસાદનો ગંદવાડ ના ગમતો હોય તો પણ એના થકી મળતાં અનાજ -જળ જેવી મૂળભૂત જીવન જરૂરીયાત માટે ય એને આવકારવો પડે જ…રિસામણે ગયો હોય તો મનામણા ય કરવા પડે – એમાં કાઈ નાના બાપના ના થઇ જવાય..લાંબા ગાળાનો ફાયદો તો જોવો જ પડે ને ! સોબસોની જાન હાનિ કે થોડા રૂપિયા મિલકતની હાનિ પહોંચે તો પણ લાખ વાતની એક વાત , ‘ જળ એ જ જીવન’
(આ વાક્યમાં જળ બોલો કે વહુ.. બધું એકનું એક જ મારા ભાઈ હવે..સમજોને !)

કાયમ આવકારો બાપા બેઉને !

-સ્નેહા પટેલ
18-8-2018.

પૂરમાં જાન ગુમાવેલ કેરાળાવાસીઓને શ્રદ્ધાંજલી:

લોકોએ સાચા દિલથી અનેકો વિનંતી – યજ્ઞો કર્યા પછી વરસાવ્યો તો ય વરસાદ ના માથે અપજશ જ ! કહેવાય છે ને કે, , વહુ ને વરસાદ બે ય ને ક્યારેય જશ ના જ હોય’.
ઠીક મારા ભાઈ..આ જશ – અપજશ બધું મનમાં માની લીધેલ અવસ્થાઓ. હકીકત એ જ કે વમે એટલા અણગમા હોય પણ છોકરો મોટો થાય એટલે એને ‘પૈણ’ ઉપડે અને મા બાપ પણ ‘મૂડી કરતાં વ્યાજ વધુ વ્હાલું’ ની આશાએ વહુનો અણગમો ગયો તેલ પીવા પણ છોકરાને પરણાવી, વહુ એના છોકરાં ઓને રમાડવા છે ને શક્ય હોય તો એને ય પરણાવવા સુધી ય જીવતા રહેવું છે.
એવું જ વરસાદનું…નહીં આવે તો ખેતી કેવી રીતે થશે? પીવાનું પાણી ક્યાંથી લાવીશું ? વરસાદનો ગંદવાડ ના ગમતો હોય તો પણ એના થકી મળતાં અનાજ -જળ જેવી મૂળભૂત જીવન જરૂરીયાત માટે ય એને આવકારવો પડે જ…રિસામણે વાયો હોય તો મનામણા ય કરવા પડે – એમાં કાઈ નાના બાપના ના થઇ જવાય..લાંબા ગાળાનો ફાયદો તો જોવો જ પડે ને ! સોબસોની જાન હાનિ કે થોડા રૂપિયા મિલકતની હાનિ પહોંચે તો પણ લાખ વાતની એક વાત , ‘ જળ એ જ જીવન’
(આ વાક્યમાં જળ બોલો કે વહુ.. બધું એકનું એક જ મારા ભાઈ હવે…સમજોને !)

કાયમ આવકારો બાપા બેઉને !

-સ્નેહા પટેલ
18-8-201