નમસ્કાર ગુજરાત માં મારી કોલમ ‘અક્ષિતારક’ની જુલાઈ -2018નીવાર્તા.
Namaskaar gujarat , australia , latest issue link:
http://apnugujaratnews.co.nz/epapers-listing/aus
રેશમી દુપટ્ટાની ગાંઠઃ
‘ટક…ટક…ટક..છ…સાત..આઠ..આઠ ને પાંચ..દસ…’
‘આ આઠ પછી ઘડિયાળ ધીમી પડી જાય છે. હું ક્યારનો નવ વાગે એની રાહ જોવું છું અને આ છે કે સાવ કીડીપગી..!’
જમતાં જમતાં કેતુલ વિચારી રહ્યો હતો.
કેતુલ..અઢાર – ઓગણીસ વર્ષનો સરસ મજાનો રુપાળો છોકરડો. આજકાલ ભરાવદાર દાઢીની જબરી ફેશન ચાલેલી, કેતુલને પણ એનો ચસ્કો હતો એટલે કાપકૂપ કરી – કરીને પણ એ દાઢી ને મૂછના વાળ જેટલાં એક્સાથે લાગી શકે એટલા નજીક દેખાડવાનો પ્રયત્ન કરતો હતો. જોકે, ચહેરા પર પૂરેપૂરી – ભરાવદાર દાઢી આવી નહતી એટલે દાઢી અને મૂછના છેડાં ભેગાં નહતાં થતાં, બરાબર એની અને કથ્થ્ઇ આંખોવાળી છોકરીની વચ્ચે ઊગું ઊગું થઈ રહેલ ‘ગુલાબ’ જેવી વાતની જેમ ! કદાચ એનો સમય પણ હજુ નહતો પાક્યો !
‘કેતુલ, ભાખરી આપું દીકરા?’
જયાબેને કેતુલને પ્રશ્ન પૂછ્યો ને એ અચાનક ઘડિયાળના સંમોહનમાંથી બહાર આવ્યો.
‘અ…હ.. ના મમ્મી. બસ.’
‘પણ તેં તો માત્ર ત્રણ જ ભાખરી લીધી. આમ કેમ ચાલે ? તારે આખો દિવસ કેટલી દોડાદોડ રહે છે, ને સામે ખાવાનું સાવ આવું ચકલી જેવું…’
‘ચકલી…’ ને કેતુલના મોઢા પર હૂંફાળું હાસ્ય રેલાઇ ગયું.
‘એના ઘરે પણ ચકલીનો માળો છે ને..’
એ..ના…કથ્થઈ પાણીદાર આંખોવાળીના ઘરે ! લગભગ અઠવાડીયાથી જ એ લોકો આ સોસાયટીમાં રહેવા આવેલા. સોસાયટીના લોકોને એમનો બહુ પરિચય નહતો.
બળ્યું આ ઘડિયાળમાં ક્યારે નવ વાગે ને ક્યારે એ નીચે ફ્લેટના મેદાનમાં વોલીબોલ રમવા જાય ને ક્યારે વોલીબોલની નેટની ઉપર જોતાં જોતાં એની તદ્દન સામેના ફ્લેટમાં એની રાહમાં આતુર કથ્થઈ આંખની એક જોડ સાથે એની કાળી ભમ્મર આંખોની નજર એક થાય !
એ આંખોમાં એક અદભુત આકર્ષણ હતું, છૂટવા મથો તો પણ ના છૂટી શકાય એવું ખેંચાણ હતું. ઘણી વખત એ બોલકી આંખોની વાતચીતમાં કેતુલ વોલીબોલમાં નેટ પાસે ઉભો રહેનારો સાવધ અને જવાબદારીવાળો પ્લેયર હોવા છતાં અમુક શોટ્સ ચૂકી જતો અને ટીમના મિત્રોની ગાળો ખાતો. વોલીબોલમાં એ જબરદસ્ત ખેલાડી હતો. પણ આજકાલ આવી સામાન્ય ભૂલો કરતો હતો કે મિત્રોને નવાઈ લાગતી હતી અને કેતુલ એવું થાય ત્યારે એની આદત પ્રમાણે જમણાં ખભેથી ટીશર્ટ સહેજ ખેંચીને મોઢું લૂછી લેવાનો પ્રયાસ કરી બધું ખંખેરી નાંખતો ને વળતી પળે પોતાની ‘પોઝીશન’ પર આવી જતો. કથથઈ આંખવાળી ગેલેરીમાં વોલીબોલ પહોંચે એવા જાણી જોઇને પ્રયત્નો પણ કરતો જે ઘણી વખત સક્સેસ પણ જતાં ને વટભેર એ બોલ પાછો એ ઘરમાંથી પાછો લઈ આવવાની જવાબદારી સામેથી જ સ્વીકારી લેતો. ત્યાં જઈને પણ એની નજર ઘરમાં આમથી તેમ ફાંફાં મારતી જેમાં અમુક અમુક સમયે એ સફળ પણ થતો અને ત્યારે કથ્થઈ આંખો સિવાય ગોરું ગુલાબી મુખડું, પતલી નાજુક દેહલતા ને કાળાભમ્મર વાળનો લાંબો ઢીંચણ સુધી પહોંચે એવો ચોટલો પણ નજરે પડી જતો. હોઠમાંથી કોઇ જ શબ્દો બહાર ના નીકળતા પણ ‘એ’ જ્યારે સામે મળે ત્યારે એના રેશમી દુપટ્ટા પર શરમાઈને ગાંઠ મારવાનો પ્રયત્ન કરતી ને કેતુલના દિલમાં પણ એ ચેષ્ટાઓ થકી ‘ક્યારેય ના ખૂલી શકે એવી કોઇ’ ગાંઠ મજબૂત થતી જતી. એક વાર તો ‘તમારું નામ શું?” જેવા પ્ર્શ્નને બળ વાપરીને જ મોઢામાં પાછા ધકેલી દીધેલા.
સદીઓથી યુવાન છોકરા છોકરીઓમાં આવા અટકચાળા થતાં જ રહ્યાં છે ને હજુ થાય છે. આધુનિક – મોબાઈલીયા યુગની આ જુવાન – મસ્તીખોર રમતો પર કોઇ અસર નથી થઈ. એ હજુ એટલી જ લોકપ્રિય છે.
ઘડિયાળમાં નવ વાગ્યાં. કેતુલ ફટાફટ કપડાં બદલી વાળમાં ‘જેલ’ લગાવી બરાબર એની સ્ટાઈલ પ્રમાણે ગોઠવી, વોલીબોલ રમવાના બૂટ પહેરીને બોલ લઈને ઘરની બહાર નીકળ્યો. લિફ્ટ એના માળ પર નહતી અને એને બોલાવે તો સમય બગડે જે એને પોસાય એમ નહતું એટલે તરત જ એણે સીડીઓનો રસ્તો પકડ્યો અને પહોંચ્યો ફ્લેટના મેંદાનમાં.
મેંદાનની લાઈટ ચાલુ કરી, નેટ પોલ પરથી નીચી કરીને બધેથી વ્યવસ્થિત કરી અને મિત્રોને વોટસઅપ કરીને નીચે આવવાનો મેસેજ કરી દીધો ને શાંતિથી મેંદાનની એક બાજુમાં આવેલ બાંકડા પર બેસીને ‘કથ્થઈ કલરની આંખો’વાળા ફ્લેટ પર નજર માંડી. હજુ ત્યાં કોઇ હલચલ થતી નહોતી દેખાતી.
‘શું અહીં જેટલી બેચેની ત્યાં નહીં હોય ? આ બધું કદાચ એનો વ્હેમ હશે કે શું ? ‘
ને તરત જ પોતાના રેશમી કાળાવાળને ઝાટકો મારીને એ વિચારને ઝાટકી માર્યો ને નવેસરની આશા સાથે ફરી એ ગેલેરીમાં મીટ માંડી.
અચાનક એનો જાણીતો રેશમી લાલ દુપટ્ટો લહેરાયો ને કેતુલ પોતાની જગ્યાએથી ઉભો થઈ ગયો, પણ દુપટ્ટો વળતી પળે તો ઓઝલ થઈ ગયો. ચકલીના માળામાંથી બચ્ચાંઓની ‘ચૂં..ચા’ સંભળાતી હતી એ ય કોઇને બોલાવતી હતી, કોઇની રાહ જોતી હતી પણ..
‘ઉફ્ફ..’ મિત્રો આવી ગયેલા અને કેતુલે કમને ય રમવાનું ચાલુ કર્યું. બોલ બનાવીને ગોલ કરવાના પ્રયાસ પણ વ્યર્થ જતા હતાં. હવે વધારે બેધ્યાન રહીશ તો મિત્રો ગુસ્સે થશે વિચારીને કેતુલે બધું ધ્યાન ગેમમાં પૂરોવ્યું. વચ્ચે વચ્ચે નજર ગેલેરીનો આંટો મારી આવતી પણ આજે બધું અર્થહીન લાગતું હતું. કેતુલને પોતાની અંદર કશુંક તૂટતું લાગતું હતું. ઉંમર નાની હતી ને અનુભવો ઓછા એટલે આ શારીરિક અવસ્થાને હકીકતે શું કહેવાય એ નહતું સમજાતું, પણ અકારણ જ થાક લાગતો જતો હતો. જાણે અંદરનું હીર બધું ચૂસાઈ ગયું હતું ..અને અચાનક બોલ સામેના પક્ષેથી ઉછળીને કેતુલની બાજુ આવ્યો, કેતુલે પોતાની હાઈટનો ફાયદો ઉઠાવી ઉંચી છલાંગ લગાવી અને બોલને ફકત તરકીબ અજમાવીને દબાવી દઈને સામેવાળાની બાજુ બોલ નેટ નજીક પછાડીને સીધો ગોલ કરવાનો પ્રયત્ન કર્યો. ગોલ કરવામાં તો સફળ થયો પણ છલાંગ મારીને નીચે આવતાં કેતુલનો પગ વળી ગયો અને એ જમીન પર ઉંધા મોઢે પડ્યો.
‘આહ..’
બધા મિત્રો રમત બાજુમાં મૂકીને કેતુલને સીધો કરવામાં લાગી ગયાં. જો કે કેતુલને મિત્રોને ના દેખાતું ‘પેલું’ દર્દ વધુ પીડતું હતુંને એ દર્દમાં એ પોતાની આંખો મીંચી ગયો.
અચાનક વાતાવરણમાં જાણે ઠંડક પ્રસરી ગઈ હોય એવું લાગ્યું. કેતુલે આંખ ખોલી ને અવાચક થઈ ગયો. કથ્થઈ રંગવાળી આંખોની જોડી હાથમાં ઠંડા પાણીની બોટલ લઈને તદ્દન એની નજીક ઉભી હતી, અને એના છોલાઈ ગયેલા પગ પરની ધૂળ માટી લોહી બધું પહેલાં એ પાણીથી અને પછી એના લાલ દુપટ્ટાથી સાફ કરતી હતી. મિત્રોના મોઢા પર ટીખળી હાસ્ય રમતું હતું. જોકે, આ કાળી ને કથ્થઈ આંખોના તારામૈત્રકને એ બધાની કોઇ અસર નહતી થતી. એ તો બસ પોતાના ‘લાલ રંગની’ દુનિયામાં જ ખોવાયેલા હતાં.
રેશમી લાલ દુપટ્ટાની ગાંઠ આજે ખૂલ્લી હતી અને એમાં કેતુલના લોહીનો લાલ રંગ ધીમે ધીમે ભળી રહ્યો હતો.
પેલા ચકલીના માળામાં હવે કોઇ ચહલ પહલ નહતી, બચ્ચાં શાંતિથી પોઢી ગયા હતાં.
-સ્નેહા પટેલ.
વાહ , શૃગાર રસ ને કામણગારી રીતે વર્ણી લીધો
ખુબ સરસ …..કોઈના દિલમાં પહોચીને તેની અભિવ્યક્તિ ખુબ સરસ રીતે રજુ
કરી છે …..
વેલ ….
LikeLike
ખુબ જ સરસ લેખ…ટીનએજર્સ ના પ્રેમને ખુબ જ પ્રેમાળ રીતે અને એકદમ સરળ શૈલીમાં રજુ કર્યો, જાણે કે એમના પ્રેમને તમે વાચા આપી હોય એવું લાગે…લેખનું ટાઈટલ એકદમ પરફેક્ટ અને રોમેન્ટીક છે, “રેશમી દુપટ્ટાની ગાંઠ”…દર વખતની જેમ લેખમાં એકદમ જીણી-જીણી બાબતોને પણ સરસ રીતે કંડારી લેવામાં આવી છે…પ્રેમમાં પડ્યા પછીની લાગણી, બેચેની, પીડા, તકલીફ, બેધ્યાનપણું, પ્રેમની અલગ દુનિયામાં ખોવાય જવું, ઘણીવખત પ્રેમમાં એમ થાય કે, ‘શું અહીં જેટલી બેચેની ત્યાં નહીં હોય ? આ બધું કદાચ એનો વહેમ હશે કે શું ?’ વગેરે બાબતો અને મીઠી મુંજવણને તમે આબેહુબ રીતે વર્ણવી છે…તમારો અદભુત લેખ “ગુલાબી રંગ પર પ્રીતની છાંટ” અને સાથે તે લેખમાંની રચના, “ગુલાબી રંગ પર તારી પ્રીતની છાંટ, આવ સાજન, આજે તને જ ઓઢું, તને જ શ્વસુ” યાદ આવી ગયો…આ લેખમાં લાલ રંગની વાત કરી છે…જો કે પ્રેમમાં પડવાની કોઈ ઉંમર નથી હોતી, પ્રેમ તો કોઈપણ ઉંમરે થઈ શકે…બસ યુવાનીનો પ્રેમ થોડો ચંચળ, મસ્તીખોર અને જુસ્સાથી ભરપુર હોય છે અને મોટી વયના લોકોનો પ્રેમ થોડો પાકટ અને સમજણ થી ભરેલો હોય છે…!!? જો કે મહોબ્બત તો દરેકની યુવાન જ રહેતી હોય છે, બસ મહેબુબ લોકો જ બુઢ્ઢા થઈ જતા હોય છે..! પ્રેમમાં પડવું એ સારી વાત છે અને એની પણ એક મજા છે…પણ જ્યારે પ્રેમી-પ્રેમિકા એકબીજાને મળી ન શકે, જોઈ ન શકે, વાત ન કરી શકે, એકબીજાથી રીસાઈ જાય/અબોલા લઈ લે ત્યારે બંને તરફ ઘણું દુઃખ થાય છે, પીડા ભોગવવી પડે છે, ઊંઘ હરામ થઈ જાય છે વગેરે બાબતો એ પ્રેમની સાઈડ ઈફેક્ટ પણ છે…પણ જ્યારે કીટ્ટામાંથી બુ્ચ્ચા થઈ જાય, જુદાઈ માંથી ફરી પાછું મિલન થાય ત્યારે જીવનમાં ફરી પાછી રોનક આવી જાય છે…બસ વધુ તો શું કહું (લો બોલો, આટલું બધું કહી દીધા પછી) આ પ્રેમની રંગીન અને બ્લેક એન્ડ વ્હાઈટ દુનિયાને તમે તમારી કલમથી અદભુત રીતે મઠારી છે…
તમે આ લેખમાં “કથ્થઈ પાણીદાર આંખોવાળી છોકરી” ની વાત કરી તો મને હિન્દી ફિલ્મ “ડુપ્લીકેટ” (1998) નું ગીત “કથ્થઈ આંખો વાલી એક લડકી” જે જાવેદ અખ્તર દ્વારા લખાયેલું છે તે યાદ આવી ગયું, જે આ લેખને થોડા-ઘણે અંશે મળતું આવે છે, માટે અહીં મુકુ છું…
कत्थई आँखों वाली एक लड़की
एक ही बात पर बिगड़ती है
तुम मुझे क्यों नहीं मिले पहले
रोज कह कर मुझसे लड़ती है
कत्थई आँखों वाली एक लड़की
ग़ुस्से की वो तेज़ है, लेकिन दिल की बेहद अच्छी है
वो कलियों से भी नाज़ुक है और शहद से मीठी है
चेहरे पर हैं नर्म उजाले, बालों में काली रातें,
हँस दे वो तो मोती बरसें, फूलों जैसी हैं बातें,
कत्थई आँखों वाली एक लड़की
मुझको तुमसे प्यार नहीं है, रूठ के मुझसे कहती है
लेकिन हर कागज़ पर, मेरा नाम वो लिखती रहती है
मैं भी उसका दीवाना हूँ, कैसे उसको समझाऊँ
मुझसे मिलना छोड़ दे वो तो, मैं एक दिन में मर जाऊँ
कत्थई आँखों वाली एक लड़की
एक ही बात पर बिगड़ती है
तुम मुझे क्यों नहीं मिले पहले
रोज कह कर मुझसे लड़ती है
– जावेद अख्तर
LikeLike
ખૂબ જ સરસ hcquotes
LikeLike
ખૂબ જ વિગતમાં આલેખન છેક સુધી જકડી રાખે
LikeLike
અદભુત છો અમિતભાઇ તમે…મારી દરેક વાર્તાના મૂળ સુધી પહોંચીને કોમેન્ટ કરો છો..વળી એમાં મારા જૂનાં લેખોનો સંદર્ભ પણ આપો છો એ બતાવે છે કેટલા ધ્યાનથી તમે મારા લેખ વાંચ્યા છે…પચાવ્યા છે. તમે કહ્યું એમ પહેલા ગુલાબી ને આમાં લાલ રંગની વાત કરી એ બાબત જો કે મને બહુ ધ્યાન નહોતી…સામાન્યતઃ હું રંગપ્રિય માણસ…એટલે કદાચ આવું એની જાતે થતું હશે.. એક કાવ્યમાં પણ રંગોની વાત કરેલી યાદ આવી…પછી મૂકીશ.
LikeLike
Awesome
LikeLike
તમે ઉપરની કોમેન્ટમાં કહ્યું કે “એક કાવ્યમાં પણ રંગોની વાત કરેલી યાદ આવી…પછી મૂકીશ…”
તો તમે જે અછાંદસ કાવ્યમાં રંગોની વાત કરેલી, તે આ રહ્યું…
” લાલ – લીલું ભૂરું ચાઠું
મારી ડાયરીનું
અંગત થી ય અંગત – ખાનગી પાનું !
તે આપેલું ગુલાબ
જમાનાની કાળી નજરથી બચાવીને
બહુ જતનથી
પાલવ તળે સાચવ્યુ છે ! ”
– સ્નેહા પટેલ (અક્ષિતારક)
LikeLike