પ્રિય સખી નેહા શાહે એના લગ્ન પછી પોતાના પિયરમાં પોતાની જગ્યા ફટાફટ પૂરાઈ જતા તીવ્ર વેદના અનુભવેલી. એ સંવેદના પર વાર્તા લખવાના એના પ્રેમઆગ્રહને આ વાર્તા અર્પણ.
કબાટનું ખાનું :
અનુજા આજે ખૂબ ખુશ હતી. લગભગ પાંચ વર્ષની કઠિન પ્રતીક્ષા, ધીરજ પછી અંતે એના અને પ્રિયલના ઘરવાળાએ એમના લગ્ન ઉપર સંમતિની મહોર મારી હતી. એના સતરંગી સપનાઓ હકીકતમાં પરિવર્તીત થઈ ગયા હતાં. એ ખુદને આસમાનમાં ઉડતી પરી જેવી લાગતી હતી. જોકે પાંચ પાંચ વર્ષના વિરોધ પછી નાછુટકે હા પાડવી પડેલી, એટલે વડીલોનાં મન સાવ કોરી પાટી જેવા તો નહતા જ થઈ શક્યા. પરિણામે લગ્ન બહુ ધામધૂમથી ના થયા. અનુ કે પ્રિયલને એની કોઇ પડી નહતી. એમને તો એક બીજા સાથે જીવનભરનો સંબંધ બંધાતો હતો, સાથે જીવવા મળતું હતું એ જ સૌથી મોટી વાત હતી.
થોડો સમય તો આ ખુશીના નશામાં બધુ સારુ સારું લાગ્યું ને પછી જીવનમાં પરીકથાનો ભાગ પૂરો થયો, જીવન હકીકતની દુનિયામાં પ્રવેશવા લાગ્યું.
અનુ પ્રિયલના જૈન ઘરમાં લસણ, ડુંગળી વગરના શાકભાજી અને રોજ નિયમિત દેવદર્શનના નિયમોમાં બંધાતી ચાલી. ખાવાની શોખીન અનુજાને આ બધું થોડું..ના – કદાચ વધારે પડતું અઘરું પડતું હતું. અત્યાર સુધી એના જીવનમાં એણે પ્રિયલ સાથે સહજીવન જીવવાના સપના સિવાય કશું વિચાર્યું જ નહતું. આ બધા નિયમો તો જાણે ‘ક્વિનાઈનની ગોળી ગળવાની નહીં પણ મોઢામાં મૂકીને ધીમે ધીમે ઓગળવા દેવાની કે ચાવી જવાની’ જેવી હાલત હતી. ક્વિનાઈનના કડવા ઘૂંટ હસતા મોઢે પીતાં પીતાં એ નવાવાતાવરણમાં સેટ થવાનો પ્રયત્ન કરતી હતી. પ્રિયલ એને ખૂબ પ્રેમ કરતો હતો અને બહુ જ ધીરજથી આ બધી સ્થિતી પર એની સાથે વાત કરતો હતો એટલે અનુજાને બહુ તકલીફ નહતે પડતી. આખરે એ લોકો પ્રિયલના પોતાના લોકો હતાં, યેનકેન પ્રકારે એણે ધીરજ રાખીને એમને પોતાના કરવાના જ હતાં. લાગણીના દરિયામાં કદીક ભરતી ને કદીક ઓટ – અનુજા સેટ થવાનો પ્રયત્ન કરતી હતી.
થોડા દિવસ રહીને એને પોતાના પિયરની યાદ આવી. પરણીને આવ્યે મહિનો થયો હતો પણ હજુ સુધી એ એક પણ વાર પોતાના પિયરે ગઈ નહતી. એના સાસરેથી એને ત્યાં જવા દેવા માટે કોઇ અટકાવ પણ નહતો. સાસરીવાળા પણ નવોઢાના મનની સ્થિતી સમજતાં હતા અને શક્ય એટલું એને ખુલ્લું આકાશ આપવાનો પ્રયત્ન કરતાં હતાંં.
અને, એક દિવસ અનુજા એના ઘરે – પિયરે જવા માટે તૈયાર થઈ.
એક્ટીવાને કીક મારતાં જ એના દિલમાં કૂણી કૂણી લાગણી સળવળવા લાગી. એ પોતાના ઘરે જતી હતી…એ ઘર જ્યાંની દિવાલો પર એના ક્રેયોનના રંગની લીટીઓ છે, એની દિવાલો પર એનો મનગમતો ગુલાબી કલર હસે છે, ક્યારામાં વાવેલ પારિજાતના સફેદ નાજુક ફૂલો એની ચાદર પાથરીને જાજમ બનાવીને એની ચાતક નજરે રાહ જોઇ રહ્યાં હશે, હીંચકાના કડાંનો ચીંચૂડાટ પણ એને અવાજ કરી કરીને પોકારી રહ્યો હતો, એનો બેડરુમ, એનો પલંગ એના પર ફૂલોની ભાતવાળી ચાદર, બારી પર સાટીનના પડદાં અને એનું કબાટનું પેલું ખાનું..ઓહ…એ ખાનામાં એણે પોતાની કેટકેટલી યાદગીરી સાચવી રાખી હતી ! ચાર વર્ષની હતી ત્યારે તૂટી ગયેલ હાથવાળી ઢીંગલી જે એને અનહદ પસંદ હતી, પોતાના સંતાન જેટલી વહાલી, સાતમા ધોરણમાં એના મનગમતા ટીચર મધુબેને ‘મારા સપનાની દુનિયા’ નિબંધ ઉપર ઢગલો પ્રેમ ઢોળીને લખેલી રીમાર્કસ સાથેની પાંચ સ્ટાર વાળી નોટબુક, પોતાના સ્કુલડ્રેસની અતિપ્રિય લાલ રંગની બૉ ટાઈ, પહેલવહેલો દાંત તૂટી ગયેલો તો યાદગીરીરુપે એને બધાથી છુપાવીને માચીસના બોકસમાં મૂકીને ત્યાં સાચવી રાખેલો હતો, પ્રિયલે આપેલ પહેલવહેલું ગુલાબનું ફૂલ એની નાનકડી પર્સનલ ડાયરીમાં મૂકીને એ જ ખાનામાં મૂકી રાખેલ હતું ને..કબાટનું એ ખાનું એ એની પોતીકી, અલાયદી દુનિયા હતી. એના ખાનાને લોક કરવાની સુવિધા હતી જેની ચાવી ફકત અને ફકત એના ગળામાં પહેરેલ કાળા દોરામાં પૂરોવાયેલી રહેતી. એના સિવાય કોઇને પણ એ ખાનાને અડવાનો હક નહતો. ઘરનું આંગણું દૂરથી દેખાવા લાગ્યું અને અનુજાની આંખો પાણીથી ભરાવા લાગી. જાતે પસંદ કરેલ પાત્ર સાથે પરણવા માટે એણે કેટ્કેટલાં બલિદાનો આપેલ એનો અહેસાસ અત્યારે થતો હતો. દિલ અંદરથી હચમચવા લાગ્યું હતું.સ્કુટરનું ગવંડર થોડું બેલેન્સ ગુમાવી ગયું અને જમણી બાજુ ખેંચાઈ ગયું તરત જ અનુજા ભાનમાં આવી અને એણે સ્કુટરને બ્રેક મારીને એને ઉભુ રાખી દીધું. લાગણીના ઘોડાપૂરને પણ હાલપૂરતી બ્રેક મારવી જ હિતાવહ લાગી.
વટથી પોતાના ઘરના વરંડાનો દરવાજો ખોલ્યો અને સ્કુટર અંદર લેવા જતી હતી અને મમ્મી બહાર આવ્યાં.
‘અરે, અરે…ઉભી રહે દીકરા. પછી અંદર જઈને આરતીનો દીવો લઈ આવ્યા અને એને કંકુ ચોખાથી પોંખીને ઓવારણા લીધા અને અનુજા વટભેર પોતાના ઘરમાં પ્રવેશી.
‘પોતાનું ઘર – અહાહા….’ ઘરની જાણીતી ખૂશ્બુ આંખો બંધ કરીને ઉંડો શ્વાસ લઈને ફેફસામાં ભરી લીધી. મગજ તરબતર થઈ ગયું અને એ વટભેર સોફામાં પોતાની જગ્યાએ બેસી ગઈ. એના મમ્મી ઋજુતાબેન એના આ પાગલપણ પર હસી પડ્યા અને એના ગાલ પર હલકી વ્હાલભરી ટપલી મારી ને બોલ્યાં,
‘બેસ બેટાં, હું પાણી લેતી આવું.’
અને અનુજા પલાંઠી વાળીને સોફામાં બેસીને આખા ઘરનું નિરીક્ષણ કરવા લાગી. બારી પરના પડદાં બદલાઈ ગયા હતાં. ‘આમ પણ એ જૂના થઈ જ ગયેલાં, સારું થયું.’
પંખો ચકચકિત હતો. ઘરના લાઈટ પંખા સાફ કરવાનું કામ અનુજાનું અને એ બહુ જ પ્રેમથી દર અઠવાડિએ એ કામ પૂરી નિષ્ઠા સાથે પાર પાડતી. પોતાના ગયા પછી પણ એનો ચકચકાટ અકબંધ જોઇને દિલમાં ક્યાંક કંઇક ફડફડયું. ખબર નહીં કેવી લાગણી. એને સમજવા જેટલી પરિપક્વ એ હજુ નહતી કદાચ. હીંચકો કીચૂડાટ નહતો કરતો, કદાચ એમાં હવે સમયસર તેલ પૂરાઈ જતું હશે.
અચાનક એના મગજમાં શું આવ્યું ખબર નહીં ને એ ઉભી થઈને પોતાના કબાટ આગળ પહોંચી અને એક ઝાટકે કબાટનો દરવાજો ખોલી કાઢ્યો.
ત્યાં સામે જ પેલું એના પ્રાણવાયુ સમાન ખાનું હતું અને એ ખુશખુશાલ થઈ ગઈ. એણે એની ચાવી હજુ પોતાના ગળાના કાળા દોરામાં સાચવી રાખી હતી. વળતી પળે અનુજાએ એ ચાવીથી ખાનું ખોલવાનો પ્ર્યત્ન કર્યો પણ આ શું ? એ ખાનાનું લોક તોડી કઢાયેલું. એમાં હવે કોઇ જ ચાવીની જરુર નહતી. અને અનુજાના દિલમાં એક ધ્રાસ્કો પડ્યો. એણે ફટાફટ હેંડલ ખેંચીને એ ખોલ્યું તો અંદરનું દ્રશ્ય જોઇને એનું મન હલબલી ઉઠ્યું.
અંદર એના નાના ભાઈના ઓજારો, બિલના કાગળો અને ઘરનો નકામો સામાન ભરપૂર હતો જે એની ભરપૂર હાંસી ઉડાવી રહેલો.
સાવ પેલા પંખાની ધૂળની સફાઈ જેટલી સહજતાથી આ જગ્યાની પણ સફાઈ થઈ ગયેલી.
અનુજા ચક્કર ખાઈને ત્યાં જ ઢગલો થઈ ગઈ.
-સ્નેહા પટેલ.