મમ્મી,
તું બહુ યાદ આવે.
હજુ જાણે કાલની વાત જ લાગે છે કે
હું તારા ખોળામાં માથું મૂકીને સુઈ જતી
અને તું વહાલથી મારા વાળમાં હાથ ફેરવતી.
હું તને ભીંડાનું શાક અને દાળ ભાત બનાવવા માટે કહેતી.
‘મને અને તારા દોહિત્રને બહુ ભાવે છે’
આવું સાંભળતા જ તારું મોઢું ગર્વથી છલકાઈ ઊઠતું,
નેે તું સામેથી, ‘સાંજના દૂધીના મુઠીયા બનાવીશ..જમીને જ જજો’ નો મીઠો પ્રસ્તાવ મૂકી દેતી.
મા ને પોતાના છોકરાઓની રગ રગની માહિતી હોય ને !
તારી કાળજીની, મમતાની આવી તો કેટકેટલી વાતો છે મમ્મી..
આખું આભ ભરાઈ જાય તો ય નાનું પડે !
તને યાદ કરતા કરતા આજે એ સઘળી રગ રગ તૂટી જાય છે.
વળી છેલ્લા કેટલાક સમયથી એક નવું કૌતુક – નવી વાત સાંભળવા મળે છે,
‘સ્નેહા, તારો ચહેરો તો અદ્દલ તારી મમ્મી જેવો થતો જાય છે!’
– સ્નેહા પટેલ.
6-5-2018