તાજગી


1.

રોજ સવારે ‘ગુડ મોર્નિંગ’ , ચા પીધી, કામ કર્યું,જમ્યા…આજના માનવીની  આંગળી ને મગજ મોબાઈલમાં સતત આવા  સવાલ – જવાબની ચેટિંગમાં  પૂરોવાતું જાય છે. ધીમે ધીમે એની આદત પડતી જાય છે.આદતો…આદતો
 આદતો.. સિગારેટ હોય, દારૂ હોય કે કોઈ પણ બીજી – એના વર્તુળમાં માનવી ઘેરાઈ જાય તો જીવનના બીજા અનગિનત રંગોથી વંચિત રહી જાય છે, એક દાયરામાં સીમિત થઇ જાય છે.આવા દાયરા માનવીની વિકાસની સીમાઓ અવરોધે છે.તમે  એના ઘેરાવામાં ઉભા રહીને આજુબાજુની અર્થછાયાઓ જોઈને ખુશ થયા કરો છો પણ એ બધું કૂવામાંના દેડકાં, રણના મૃગજળ જેવું છે. તમે જે નિહાળો, સમજો એ જ સત્ય એવું ક્યાં  હોય ? સત્યના રંગ અલગ અલગ હોય છે.સત્ય દાણાદાર હોય છે.સત્ય અને હકીકત પાછા અલગ હા કે !
વિચારો કે પૂર્વગ્રહો કે કોઈ પણ આદતોના દાયરા વિનાનો  દિવસ મુબારક !
-સ્નેહા પટેલ
3-2-2018.
2.
રસ્તો મને દોરતો હશે કે હું રસ્તાને કાપતી હોઈશ ? પૂરા ઝનૂનથી, મારા બે કે ચાર જે પૈડાંવાળું વાહન હાથમાં આવે તે,કઈ નહિ તો આખરેે ‘નાઈકી’ના રૂપાળા, આરામદાયક બુટ પહેરીને દોડતી હોવું -ચાલતી હોઉં..વળી રસ્તાના મૂડ પણ અજીબ -કદી ઉબડ ખાબડ  હોય ત ક્યારેક માખણ જેવા લીસા ! મોટાભાગે અમારા બે ય ની દોસ્તીમાં ‘પંક્ચર’ ઓછા જ પડે..ચોમાસાની ઋતુમાં એના હાડકા પાંસળા તૂટી જાય ત્યારે એની બીમારીની અસર મારી સફર પર પણ થાય જ ને ! કાં તો કોઈ રાક્ષસ રાતોરાત મોટા મોટા ખાડા ખોદીને મારા મિત્ર રસ્તાનું ‘ડિસેકશન’ કરી કાઢે – એ સમયે મારે મન મારીને બીજો રસ્તો પડે – પણ મારા મિત્રનેમારી પર પૂર્ણ વિશ્વાસ. હું બેવફા નથી જ એની ખાતરી સાથે એ બધા  ઘાવ તકલીફો સહીને થોડા સમયમાં તાજોમાજો થઇ મને હસતો રમતો પાછો મળે ને હું પણ મારા મિત્ર સાથે ખુશખુશાલ થઈને મારી રોજિંદી સફરે ઉપડું.
રોજના સંગાથની વાત જ અનેરી.એક એક ઇંચ સાથે પ્રિતી બંધાઈ ગઈ  હોય.
મિત્રોને મનગમતા રસ્તા ને
 મનગમતી મંજિલની શુભકામનાઓ !
– સ્નેહા પટેલ.
5-2-2018
3.
જયારે આપણી કોઈ દાળ બહુ મહેનત પછી  ય ના ગળે ત્યારે આપણને દુનિયાના સઘળા લોકો એમની ખીચડી પકાવવામાં વ્યસ્ત અને સ્વાર્થી લાગે છે. પેલાં મિત્રોની જેમ ટોળે વળીનેે ઉગેલા ઝુમખાંઓમાંની મીઠડી દોસ્તી ય પછી તો કઠે. ‘એ રસથી લચી પડેલી દ્રાક્ષ  તો ભાઈ બહુ ખાટી -લોભામણી. ભૂલે ચૂકે ય એ ના ખવાય હાઁ કે ..!’ જેવી સલાહ પણ લોકોને આપતા થઇ જઈએ છીએ . દ્રાક્ષને નીંદવામાં દાળ બનાવવાની જરૂરિયાતો,મહેનત ક્યારે વિસારે પાડી દઈએ છીએ. એ વાતની આપણને ખબર પણ નથી રહેતી. આપણે વિચારેલા ય સપના જોયેલા અને વિચારેલ કામ  આપણી ઈર્ષ્યાની. ક્રોધની આગમાં બળીનેં ખાખ થઇ જાય છે ને આપણે એ રાખ જીવનભર અફસોસ સાથે શરીર પર ઘસતાં બેસી રહીએ છીએ.
સુમધુર રસથી તરબોળ દિવસ સામો મળે એવી શુભકામનાઓ.
-સ્નેહા પટેલ
7-2-2018
4.

આપણે બધા કાયમ મિત્રતામાં એકબીજાનું બધું જ જાણી લેવાની તાલાવેલી ધરાવીએ છીએ જે ખરેખર તો ‘ઝેર ના પારખા’ જેવી વાત છે. દરેક માણસ નાનપણથી પોતાની અલગ આબોહવા, તડકી છાંયડી લઈને જ ઉછરતો – પાંગરતો હોય છે. એમાં અધરસ્તે આપણે મળીએ અને એ વ્યક્તિના અમુક પ્રથમ નજરના દેખાતા ગુણોથી આકર્ષાઈને એની નજીક જવાનો પ્રયત્ન કરીએ છીએ. ધીમે ધીમે એના બીજા વધુ સારા પાસા જોવાને માટે આપણી સમજની પાંખો વધુ પહોળી કરીએ છીએ..એના ઊંડાણમાં ઊડાન ભરીએ છીએ.માનવીની ભીતરે અંધારામાં નિહાળવા આપણે આપણી આંખો ય મોટી કરવી પડે છે, જે કરવામાં હવે આપણાં દિમાગને શ્રમ પડે છે. અહીં દિલથી આકર્ષાયેલા ગુણોની સીમાની હદ પતી જાય ને શરુ થાય થાય છે એક નવી જ સફર.

આ સફરમાં આપણી માનીતી વ્યક્તિની અમુક આપણા સ્વભાવને અનુરૂપ ના હોય એવી વાતો નજરે ચઢે છે ને બસ…અહીંથી સર્જાયછે છે લાગણીના ચક્રવાત !

લખવું તો બહુ બધું છે પણ ‘શું કામ ગમતી વ્યક્તિને પૂરેપૂરાં જાણી લેવાની અતિશય લાલચ રાખવી,જયારે ખબર જ હોય કે આ બહુ – બધુ ય જાણ્યાનું દુઃખ દિલનો બોજ જ બનશે,જે આપણ નાજુક દિલ નહિ જ ખમી શકે’.
છેલ્લે એક વાત કહીને
આજે અહીં જ અટકું છું,
‘બહુ નજીકના બહુ ઓછા સંબંધ હોય ને જેમાં બે ય પક્ષે બધું ચલાવી લેવાની તૈયારી અને તાકાત હોવી જોઈએ.’
શુદ્ધ સોના જેવી લાગણીમાં તરબોળ દિવસ સામો મળે એ ભાવના.
– સ્નેહા પટેલ.

9-2-2018

5.
શબ્દને તો બસ રમતો મૂકી દેવાનો.નફો ખોટ ..હાર જીત
નહિ વિચારવાનું. શબ્દ એ બધાંથી ઉપરની દિવ્યશક્તિ ધરાવે છે. દિલનો ભાવ પ્રામાણિકતાથી એને અર્પણ કરી દીધા સિવાય બીજું ખાસ સર્જકે કશું કરવાનું નથી હોતું. અર્પણમાં બહુ તાકાત હોય છે..કોઈ પણ જગ્યાએ એના બીજ વેરો  મઘમઘતા બગીચા જ મળશે એ વિશ્વાસ રાખજો.પછી મન સાવ નિર્વિચાર થઈને આનંદના ઝરુખડે બિરાજીને ઠંડા પવન ની થપાટો પોતાના ચહેરા પાર અનુભવી શકે છે.ચોમેર પ્રસન્નતા જ પ્રસન્નતા. શબ્દને ક્યારેય  કઈ ખાસની જરૂર  નથી પડતી..દિલના અમી  સીંચો બસ.
શબ્દોના હિંડોળે ઝૂલો .😊
-સ્નેહા પટેલ.
2 Feb.2018. સવારના8.39.
6.
[28/01, 10:59 AM] Sneha Patel (Akshitarak)
 રવિવાર ઍટલે આખા અઠવાડિયાની મજૂરીમાંથી પોરો ખાવાનો દિવસ. મજાનો ફૂલ ટુ અનુવાદ એટલે રવિવાર. એમાંથી મજા સહજસાધ્ય!
મજાનો અખૂટ ખજાનો એમાંથી વરદાન ની જેમ મળે . મોજ મસ્તીના દરિયે દરિયા ઉલેચાઇ જાય ને અવર્ણનિય આનંદના મોતી હાથ લાગે. બાકીના  6 દિવસનો થાક રવિવારની મોજના ધોધમાર વરસાદમાં ધોવાઈ જાય અને સોમવારે પાછા તાજામાજા થઈને નિપજીએ.
 રવિવારમાં પાસે કોઈ દિ વ્ય મેળવણ છે, જેનાથી એઆ બાકીના અઠવાડીયામાં હળવાશનું ઉત્ત્પાદન કરે છે !
-સ્નેહા પટેલ.😃
7.
શબ્દ સમૂહથી ઘેરાઈ ગયેલો. એ  સમૂહ   નહિ સંધિ   નો જીવ હતો. ભીડ નહીં એકાંત પસંદી ! સમૂહની
 અપેક્ષાઓ એનું ગળું રૂંધતી હતી , ત્યાં એક શીતળ પવનનું ઝોંકુ આવ્યું અને શબ્દનો હાથ પકડી એ ઘેરામાંથી ઊંચકી ગયો. શબ્દને ઋજુતાથી એકાંતના પ્રદેશમાં ઉતાર્યો ને રમવા માટે છૂટો મૂકી દીધો. હવે શબ્દ ફૂલગુલાબી બની ગયો છે..પવનની ધાર પકડીને હિલ્લોળા લે છે !
-સ્નેહા પટેલ.
30-1-2018
8:

મેસેજ ચિતા :

મારાં મોબાઇલમાંથી કમને ‘ડીલીટ’ કરવી પડતી આપણી ચેટિંગના મોત પર હું કાયમ ધોધમાર આંસુ વહાવું છું. હા એ આંસુ કોઈને દેખાવાના નથી, એ તો મારા મુખ પર ઝીણી ઝીણી નાજુક રેખાઓમાં દુઃખનો લસરકો માત્ર મારશે એમાં અનુભવી નજર જ એને નિહાળી – સમજી શકશે. તારા હાથે મારા માટે ટાઈપ થયેલો એ એક એક અક્ષર મારી મોહનગરીનો નિર્માતા ! મારી લાગણીની તાજી લીલીછમ નગરી! જેના ઉપવનમાં વિહરવું એ મારા જીવનનો અંતિમ- એક માત્ર ધ્યેય જાણે! નાની કૂણી કૂંપળો,તાજા તાજા અધખુલ્લાં ફૂલ.. ફડફડ થતા પતંગિયા,આ બધાનો મારે મારા જ હાથ નિર્મમપણેે વિનાશ કરવો પડેછે. એની ચિતાની આગ મારા દિલમાં કાયમ બળ્યાં કરે છે. એની રાખની ભભૂતિ તન પર ઘસતી આ વિરહીણી બીજા મેસેજની રાહમાં અનિમેષ નજરે મોબાઈલ સામે તાક્યાં કરે છે.

– સ્નેહા પટેલ.

 

9.
મને ઉનાળાની ભરબપોરનો તમતમતા તડકા સિવાય બધા તડકા ગમે. વિટામિન ડી ની ગોળીઓ ખાધી છે એટલે એનું બધા પ્રકારનું મહત્વ ખબર.
તડકો મને છેક અંદર સુધી અજવાળે..ઝીણી ઝીણી  શિરાઓમાં એનો સંગાથ પૂરપાટ દોડે અને શરીર તરવરતું થઇ જાય.મગજમાં ચૈતન્યની ઝીણી ઝીણી ઘંટડીઓ વાગે..રૂમઝૂમ..રૂમઝૂમ..ને સમગ્ર વિશ્વમાં એના પડઘા સંભળાય અને એના સંગીતના તાલે મારી દશે દિશાઓ ઝૂમી ઉઠે.
નાની હતી ત્યારે સૂર્યકિરણોમાં મારી ત્વચા મને લાલાશ પડતી દેખાતી ને એ રંગમાં ખુદને ઝબકોળવા હું ઘણીવાર તડકામાં ઉભી રહીને  કાચમાં મારી જાતને નિહાળતી,પછી પોતાની જાત પર જ મોહિત થઇ જતી.
વિચાર આવતો કે, ‘તડકો મન ગમે છે એ કરતા  તડકાને હું વધુ ગમી જઈશ.’
પછી એ ક્યાંક મારી બાજુ પક્ષપાતી થઇ જશે તો દુનિયાના બીજા ખૂણાં અંધારિયા થઇ
 જશે..એટલે પછી મન મારીને ય તડકાથી અલગ થઇ જતી..
-સ્નેહા પટેલ.
27-1-2018.
10.
કોઇ ખાસ કારણ નથી તને મારા ઘરે બોલાવવાનું
હે મારા વ્હાલીડાં..મારા પ્રભુ, તને મારા ઘરે બોલાવવા શું કરું ? પ્રાર્થનાના શબ્દોની તો તને કયારેય જરુર જ  નથી પડતી , નહીં તો શબ્દોના વૈભવથી તને થોડો ચકાચોંધ કરી શકત. તું તો મારા અનેકો ગુમાન ઉગતા પહેલાં જ ડામી દે છે, મને મારી સીમારેખાઓથી સતત સાવચેત કરતો રહે છે.આમ છતાં દિલમાં ઉગતી પ્રાર્થનાના ફૂલો તને અર્પણ કરું છું.
એક રહેમનજર ઇધર ભી જરા…મારા પ્રત્યેક શ્વાસમાં લેવાતા તારા નામની મહેંક તું  ચોક્કસપણે અનુભવી શકીશ.મારા ભીના – પ્રેમરસ ઝરતાં નયનની આરતીની તસવીર તારી નજરમાં ઝીલી શકીશ. મારા ધબકારનાદ તારું નામ કેટલી તીવ્રતાથી પોકારે છે એનો અંદાજ  તને આવશે !  એમાં તારે હા બોલવાનું – હામી ભરવાનું કે ના બોલવાનું -નકારવાનું કશું જ નથી રહેતું. મને મારી ભક્તિ અને તારી શક્તિ પર પૂર્ણ વિશ્વાસ છે.
આ મારું ઘર બારેમાસ, ચારે પ્રહર ખુલ્લું છે. તારી સાનૂકુળતાએ  આવી જજે. હું કદાચ બહાર હોઈશ તો પણ મારું ઘર આપણા બેયની વાતોથી તને ભરચક્ક મળશે. તારે ખાલી હાથે કે નિરાશ હૈયે પાછા નહી વળવું પડે એટલો વિશ્વાસ રાખજે. હું સરળ ને મારો પ્રેમ પણ સરળ !
ચાલ બહુ સમય નથી લેતી તારો, તારે બીજા બહુ વ્હાલાઓને સાચવવાના છે એનો મને ખ્યાલ છે, તારે મારી જેમ એક જ ‘વ્હાલપાત્ર’ થોડી’ છે ! હું તો ફક્ત તારામાં જ એકધ્યાન પણ તારે તો કેટલાં ‘એકધ્યાન’ સાચવવાના ! તારી જીંદગી તો લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં, એમને સાચવવામાં પૂરી થઈ જતી હશે પણ મને તો એવી કોઇ ‘અપેક્ષાબેડી’ નથી સતાવતી. મારો દિલચીર પ્રેમપ્રવાહ કાયમ એક જ દિશામાં વહેતો રહે છે.  આમ જોવા જઈએ તો હું તારા કરતા વધારે નસીબદાર કહેવાઉં કેમ ? શું બોલ્યો..ના..હા..ના…!અરે, સાચી વાતનો સ્વીકાર કરતાં તું ક્યારનો અચકાવા લાગ્યો..સારું, શાંતિથી વિચારી લેજે તું. થોડા સમયના અંતરાલ પછી તને મળીશ. કોઇ’ક નવી વાત  નવા સંવેદનો લઈને !
આવજે ત્યારે..મારી પાસે કોઇ ખાસ કારણ નથી તને મારા ઘરે બોલાવવાનું – મન થાય ત્યારે હાલ્યો આવજે ! હું તો કાયમ તારી રાહમાં જ…
-સ્નેહા પટેલ
11.
આજે મેં ધ્યાનથી કાન માંડયાં તો વૃક્ષની નાજુક ડાળખી,ફૂલ, ફળ, પર્ણ – અરે એ પર્ણ પરની ધૂળ સુદ્ધાં, ડાળખીની બખોલમાં જતનથી બંધાયેલ સુંદર ગુંથળીવાળા માળામાંથી – હજી જેની આંખોમાં નવી દુનિયાનું અફાટ આશ્ચ્ર્ય અંજાયેલું છે એવા બચુકડાંઓ , હમણા j ઉતરાયણ ગઈ હોવાથી તેની ડાળીઓમા ફસાઈનેં – હવાના જોરમાં ફાટીને થોડા અવશેષ બચેલા એવા પતંગના કાગળોની ફરફર, એ ફરફરની નજીકથી પસાર થતો ને પવનમાં આમથી તેમ ઝૂલતો ઓલો કાળુડો વિજળી નો તાર આ બધાં ભેગા થઈને મને પૂછતાં હતા , ‘કેમ છે સ્નેહા ? મોજમાં ને ?’ 😊😊😊😊
– સ્નેહા પટેલ.
10-2-2018
[10/02, 1:58 PM] Sneha Patel (Akshitarak): આ આખું એક જ વાક્ય છે એવું કેટલાના ધ્યાનમાં આવ્યું હશે?😁😁

 

12.

બગીચાના હીંચકે ઝૂલતી,પોતાને ક્યારે પેલાં બે ગુલાબની પાંખડી જેવાં હોઠોનું સાન્નિધ્ય નસીબ થશે ? ના વિચારોમાં ગુમ, કપની ઊની ઊની ચામાંથી એક ધુમ્રસેર ઉઠી. સર્પાકાર ધારણ કરીને એણે ઉપરની તરફ ગમન કર્યું. વચ્ચે પેલાં શ્વેત રમકડાં જેવા લાગતાં ફૂલો આવ્યા..એના પર મોહીને ઘડી બે ઘડી નાજુક પર્ણ પર ધ્રુમસેરે વિરામ લીધો. હમણાં જ ઊની ઊની ચા માંથી દાઝીને નીકળેલ જીવે નાજુકડાં પર્ણમાં અજીબ ભીનાશ અનુભવી. બે ઘડી એનાથી રડી પડાયું..એના આંસુ એ કૂણાં પાંદ પાર હીરાની જેમ ચમકી ઉઠ્યા ને એમા પોતાનુંં પ્રતિબિંબ જોઈને ધ્રુમસેર ખુશ થઇ ગઈ, ખિલખિલાટ હસી પડી ને પછી રડી પડી.જીવ હળવો થઇ ગયો અને એણે વધુ ઉપર જવાનો વિચાર માંડી વાળીને એ પર્ણ પર જ પોતાનું અસ્તિત્વ ઓળઘોળ કરી દીધું.
– સ્નેહા પટેલ.
17-2-2018

13.

એક અઠવાડીઆથી ચાલતા happy valentine dayના પર્વની શુભેચ્છાઓ પરથી મને મારા ગમતાં, ચાહતાં લોકો માટે એક ખાસ વિચાર આવ્યો:

કાલે ઉઠીને આ દુનિયામાં હું ના પણ હોવું…ત્યારે શું?

મને નથી ખબર મારા પછી કોને શું ફરક પડશે, પણ હું જેમને ચાહું છું – જેઓ મને ખરા દિલથી ચાહે છે એ લોકો કદી મને યાદ કરીને દુઃખી થાય એવું નથી ઇચ્છતી. મેં મારી નજીકનાને ગુમાવ્યા પછી એના માટે કરવાના રહી ગયેલા કામોના લિસ્ટની યાદી જોઈને બહુ દુઃખ અનુભવ્યું છે, તેઓના અમુક સપના, ખુશી પૂરી થઈ ના શકી વિચારીને દુઃખ વધુ ઘેરું થતું. હું મારું જીવન દરેક ઘડીમાં જીવવાનું હોય એટલું જે-તે ઘડીએ મનભરીને જીવી જ લઉં છું. મનમાં કોઈ જ મોટા મોટા અશક્ય અભરખાઓના પોટલાં વાળીને નથી જીવતી. મને ક્યારેય કોઈ જ વજન આમ પણ ગમતાં નથી તો નાહકના આવા પોટલાં કોણ ઊંચકે ?એટલે જ મારા ચાહનારાઓના માથે પણ મારી ગેરહાજરી, અધૂરા રહી ગયેલા સપના કે ઈચ્છાઓનું વજન મૂકીને જવાની સહેજ પણ ઈચ્છા નથી.

એમને ખૂબ જ પ્રેમથી કહેવા માગું છું કે,
‘હું ઘરના કપડાંના એકે એક સળમાં, વાસણના ચમકાર – ખણકારમાં, નળનાં ખળખળ વહેતાં પાણીના નાદમાં, ઘરમાં ગુંજતા સંગીતના રણકારમાં, સ્ટોરરૂમના એકે એક ડબ્બા ડબ્બીના સ્પર્શમાં, ઘરની ફરફર, હવાના કણકણમાં, મંદિરમાં દીવાનાં આછાં પીળા ઊજાસમાં, અગરબત્તીની ધૂમ્રસેરના વલયોમાં, ફ્રીજની – એસી ની ઠંડકમાં, ઘડિયાળની ટીકટીક માં, ચાવીઓની ખનખનમાં, ટીવીના સ્ક્રીનમાં પડતા મારા પ્રતિબિંબમાં, જમણાં ખૂણામાં ગોઠવાયેલાં છોડની કુમાશમાં, ‘વિન્ડ ચાઇમ’ની રૂમઝૂમમાં, લેપટોપની કીબોર્ડ પરના મારી આંગળીઓની છાપમાં, મોબાઈલના ‘ટચ સ્ક્રીન’ના ‘ટચ’માં…આ સર્વ જગ્યાએ હું ઠેર ઠેર કાયમ રહું છું ને રહીશ…આ તો માત્ર મારા એક ટૂકડાની વાત થઈ. હજી મારું જીવન ઘરની બહાર પણ ઘણું – ઘણું ફેલાયેલું છે પણ શરત એક જ રહે છે,
‘મને અનુભવવા મારા સ્તર સુધીના સંવેદનશીલ બનવું પડશે, બસ!’
એ સંવેદનશીલતાના અનુભવ માટે જરૂરી એવું પ્રથમ પગથિયું ચડાવવા હું જેને જેને ચાહું છું એ સર્વને એક વ્હાલ ભર્યા hug સાથે એક નાજુક ચુંબન કરું છું ને એમને મારી સંવેદનશીલતાનો થોડો છાંયો કરું છું.
જોકે, મારે હજી તો ઘણું ઘણું જીવવું છે. સદેહે કે અદેહે – એ તો ઈશ્વરની મરજી, પણ આ રીતે હું કાયમ જીવતી રહીશ. દુનિયા કાયમ છે ત્યાં સુધી.
બધાનો દિવસ રોજ રોજ happy બની રહે એવી શુભેચ્છાઓ.
સ્નેહા પટેલ.
13 feb.2020

14.

આપણને બધાને ખુશીની ક્ષણો વારંવાર વાગોળવી ગમે છે. આપણામાં આપોઆપ ‘ગાયપણું’ પ્રવેશી જાય છે. વાગોળતાં વાગોળતાં થોડો સમય ફરી એ જગ્યા,એ સમય,એ અનુભૂતિના હિંડોળે ઝૂલી લેવાય અને આખા શરીરમાં ખુશીના તરંગો ઊછળફૂદ કરતાં અનુભવી શકાય. તરંગો સાથે સાત સમંદર તરી આવ્યાંનો ગજબ આનંદ આવે એને સાચવીને ખીસામાં મૂકી દેવાનો અને આખો દિવસ થોડો થોડો સમય કાઢીને એના પર હાથ ફેરવી દેવાનો – એ ઘડીઓ જાણે આજે ફરીથી જીવતા હોય એવો અનુભવ ચોક્કસ થશે મિત્રો – અદ્દલ મારી જેમ જ સ્તો !
-સ્નેહા પટેલ
31 jan.2020.

15.

પથારી..
શીતળ વાતાવરણમાં વહેલી સવારે જાતને સર્વપ્રકારે અનુકૂળ હોય એવા રજાઈ ઓઢીને રચેલા પોતાના મનગમતા વિશ્વમાં, જયારે મનના દરેક દરવાજા પર આ પથારી અધિકાર ધરાવે..ધરાર કબ્જો કરીને અડિંગો જમાવીને બેસી ગઈ હોય ત્યારે બારીના પડદા પાછળથી રેલાવા તત્પર કૂણાં કૂણાં સોનેરી તડકા તરફ દ્રષ્ટિ જાય છે અને એક ચેતનસંચાર સાથે હું ઉભી થઇ પડદો ખોલી અંદર ને બહારના સઘળા તેજને આવકાર આપું છું !
ઉષ્માભરી સવાર મુબારક !
-સ્નેહા પટેલ.

zatko


ઝાટકોઃ

રાહ ભટકે નહિ અંધકારમાં ગગનદીપ મૂક્યો અટારીએ,
આગંતુક બની દ્વાર ખટકાવે તું તો દિવાળી જેવું લાગે.
-શીતલ ગઢવી ‘શગ’

શોભમનું બારમા ધોરણનું પહેલી ટેસ્ટનું પરિણામ આજે આવી ગયું હતું અને નવાઈજનક રીતે એમાં શોભમ માત્ર ને માત્ર બાવન ટકા ગુણ જ મેળવી શક્યો હતો. રીઝલ્ટકાર્ડ હાથમાં હતું અને શોભમને પોતાને પોતાની આંખો પર વિશ્વાસ નહતો થતો. એ ભણવામાં હોશિયાર હતો, પૂરેપૂરો ‘ડેડીકેટેડ’ ‘ફોકસ્ડ’ અને મહેનતુ છોકરો હતો. સ્માર્ટનેસમાં કોઇ કમી નહતી. અત્યાર સુધી સ્કુલમાં દરેક કક્ષામાં એક્ધારો નંબર વન પકડી રાખ્યો હતો. ૯૦ ટકાની નીચે ક્યારેય ગયો નહતો – તો આજે અચાનક આ શું થઈ ગયું ?
ઘરે જઈને સ્કુલબેગ સોફામાં ફેંકી અને બીજા સોફામાં પોતાની જાતને ફેંકી. ગળાની ટાઈની ગાંઠ ઢીલી કરતો હતો ને મમ્મીનો અવાજ કાનમાં પડ્યો,
‘શું થયું બેટા ? કેમ આટલો થાકેલો ને નિરાશ દેખાય છે ? બહુ ભૂખ લાગી છે કે ? ચાલ થાળી પીરસી દઉં.’
‘ના મમ્મી, રીસેસમાં સેન્ડવીચ અને કોફી પીધેલા તો ભૂખ તો એવી કંઇ ખાસ નથી પણ આજે મારું રીઝ્લ્ટ હતું અને એ બહુ જ ઓછું આવ્યું છે.’
હકીકતથી સહેજ પણ ડર્યા વિના પૂરેપૂરી પ્રામાણિકતાથી શોભમે મમ્મીને કહ્યું.
શોભમની મમ્મી ઋત્વી પણ બે મિનીટ થંભી ગઈ અને વળતી પળે પોતાની જાત પર કાબૂ મેળવીને શોભમના વાળમાં હાથ ફેરવતી બોલી,
‘અરે પણ આ તો પહેલી ટેસ્ટ છે, થાય આવું બધું. ઘણાં વિધ્યાર્થીઓ સાથે આવું થાય જ છે. એમાં આમ નાસીપાસ નહીં થવાનું. શું આવ્યું પરિણામ, બોલ.’
‘બાવન ટકા.’
‘ઓહ…’ વાત બહુ નાજુક હતી એની ગંભીરતા ઋત્વી પૂરેપૂરી સમજતી હતી એટલે આગળ બોલતાં પહેલાં પોતાની જાતને પૂરેપૂરી સંભાળી લીધી.
‘આવું થાય તો નહીં. પણ થયું છે એ હકીકત છે દીકરા. દરેક વાતની પાછળ કોઇક કારણ તો હોય જ ને ! તને શું લાગે છે ? તારા પેપર્સ કેવા ગયેલાં.?’
‘મમ્મી સાચું કહું ને તો મહેનત તો દર વખત જેટલી જ હતી પણ ખબર નહીં પેપર્સ જોઇએ એવા સંતોષકારક નહતા ગયાં. રાતના બે-ત્રણ વાગ્યાં સુધી બેસીને બધો કોર્સ સંપૂર્ણ કંપ્લીટ કરેલો તો પણ પેપર્સ લખતી વખતે જોઇએ એટલું યાદ નહતું આવતું. મગજ થાકી જતું હોય એવું ફીલ થતું હતું.’
‘હમ્મ..તું તો દર વર્ષે રાતના વાંચીને ભણે છે તો આ વખતે જ કેમ આવું થયું? મને કંઈ સમજાતું નથી. કદાચ તારા ઉજાગરાની દિશા ખોટી તો નહતી ને ?’
અને શોભમના મગજમાં લાઈટ થઈ.રાતના લેપટોપ પર પાવરપોઈટ્સ અને ઇબુક્સ વાંચતા વાંચતા વચ્ચે આવતી જાહેરખબરોથી લલચાઈને એ નેટ પર અમુક એવી સાઈટ્સ પર જઈ ચડતો હતો જે એનું ફોકસ ભણવામાંથી હટાવી દેતી હતી અને એના કલાકોના કલાકો એમાં બગડતાં હતાં. ઉંમર નાજુક હતી એટલે આવી લાલચ થવી સ્વાભાવિક હતી. ઋત્વી અને એ મા દીકરો જ નહીં પણ પાકા દોસ્તારો હતાં. એણે પુત્ર તરીકેની મર્યાદા જાળવીને પૂરેપૂરી હકીકત એની મમ્મીને જણાવી દીધી. એને મમ્મીની સમજ અને લાગણી પર પૂર્ણ વિસ્વાસ હતો એટલે એણે એ પણ કબૂલ્યું કે,
‘મમ્મા, આ બધી સાઈટ્સ પર સમય વેડફવાની હવે જાણે કે ટેવ પડી ગઈ હોય એમ લાગે છે. હું હવે એ બધું સંપૂર્ણપણે છોડી દઈશ. ચિંતા ના કરો.’
અને ઋત્વીએ તરત જ શોભમને અટકાવ્યો,
‘દીકરા, મુખ્ય વાત એ છે કે તને તારી કમજોરીની, ટેવની ખબર પડી. હવે કોઇ પણ ટેવ અચાનક છોડી દઈએ તો એનું આકર્ષણ વધારે ઉથલો મારે અને એ તમને તમારું રુટીન કામ પણ સખેથી ના કરવા દે. કોઇ પણ ટેવ ત્યારે જ પડે જ્યારે એનાથી તમને મજા આવતી હોય. અમુક ટેવ બિનહાનિકારક હોય છે એટલે એની ચિંતા નહી પણ અમુક ટેવ તમારી લાઈફ, કારકીર્દીને જોખમી હોય છે એનાથી સમજણપૂર્વક પીછો છોડાવવાનો હોય. તારા કેસમાં તારી ટેવની ખબર પડી ગઈ એ સૌથી મહત્વનું કામ થઈ ગયું. હવે તું એના સ્ટાર્ટીંગ પોઈંટ શોધ. કયા સમય અને કઈ હાલતમાં એની જરુરત ઉદભવે છે એનું નિરીક્ષણ કર. એ ટેવની જરુરત જ્યારે ઉભી થાય ત્યારે જ તું એ જગ્યાએથી, સ્થળેથી અલગ થઈ જા અને મગજને બીજે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર.પણ આ બહુ જ સ્વાભાવિક રીતે થવું જોઇએ. જોરજબરદસ્તી તને એ ટેવોની વધુ નજીક લઈ જશે. એવા સમયે તારે તારા મગજમાં ખેંચી રાખેલી તારા ઉજ્જ્વળ ભવિષ્યની તસ્વીરોને આંખ સમક્ષ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તારા અતિકિંમતી કલાકો બે ઘડીના આનંદની ટેવ પાછળ પાણીની જેમ વેડફાઈ રહ્યાં છે એ મગજને સમજાવું જોઇએ. તારા મગજને આ રીતે રીલેક્શ થવાની આદ્ત પડી ગઈ હશે એટલે એવા સમયે તારે તારા રીલેક્ષેશન માટે બીજો રસ્તો શોધવાનો રહેશે. જેમ કે એ સમયે કોઇ મિત્રને ફોન કર, કાં તો થોડી વાર ગમતું મ્યુઝિક સાંભળ, ગ્રીન ટી બનાવી લે કાં તો બાઈક લઈને ઘરની બહાર ઠંડી હવામાં એક આંટો મારી આવ, ડીપ બ્રીથીંગ કર, એકસરસાઈઝ કર, ના જ બને તો બીજો એક રસ્તો કે બપોરે સૂવાની આદત છોડીને રાતના બદલે બપોરના સમયે ભણવાનું રાખ. બપોરે ઘરમાં ચહલપહલ પણ હોય છે એવા સમયે તારું મગજ આવી કોઇ જ વાત માટે વિચારી જ નહીં શકે. પણ સો વાતની એક વાત – કોઇ પણ ટેવ એક ઝાટકે અને જોરજબરદસ્તીથી છોડવી એ મૂર્ખામીભર્યું અને મહાજોખમી કાર્ય છે. એ ટેવને છોડવા માટેનો એક જ સીધો રસ્તો કે એમાંથી મળતી મજા તમને તમારી હેલ્થને તંદુરસ્ત રાખી શકે એવી કોઇ સારી ટેવમાંથી મેળવવી.બાકી દરેક માણસની નબળાઈઓ હોય જ છે બેટા એટલે તારે કોઇ જ શરમાવાનું કારણ નથી. મને તો તારી ટ્રાન્સપરન્સી પર ખૂબ જ માન છે. એથી પણ વધુ ગૌરવ મારી જાત પર થાય છે કે હું તારી સાથે એવી રીતે વર્તી શકી છું કે તું મારામાં. મારી સમજણમાં આટલો વિશ્વાસ મૂકીને આવી નાજુક વાત મને કહીને શેર કરી શકે છે. આઈ લવ યુ માય સન.’
અને ઋત્વીએ શોભમના કપાળ પર એક ચુંબન ચોડી દીધું.

મમ્મી સાથેની વાતચીત પછી શોભમનું મન ખૂબ જ હલ્કુ થઈ ગયું હતું. હલ્કા મગજમાં એને એની મનગમતી રમત ફૂટબોલ અને ક્રિકેટ દેખાઈ. એણે બપોરે બપોરે ભણવાનું ચાલુ કરીને રાતના મિત્રો સાથે આ બધી ગેમ્સ રમવાનું ચાલુ કરી દીધું- જરુરિયાતનો પોઈંટ ડાયવર્ટ થતો ગયો અને મિત્રો સાથે રમવામાં તન -મનને પૂરતો સંતોષ મળવા લાગ્યો. જીવનમાં ‘મજા’નામનું પરિબળ ઓર મજબૂત બનતું ચાલ્યું. એની જરુરિયાતનો સ્ટાર્ટીંગ પોઈંટ જ ફીનીશ થઈ ગયો, અને ધીમે ધીમે એ પોતાની આદ્ત પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શક્યો. આ બધાથી એનામાં તાજ્ગી વધતી ગઈ, પરિણામે ઓછી મહેનતે વધુ ફોકસ કરી શક્વા લાગ્યો અને ધીમે ધીમે મહેનત કરતાં કરતાં બોર્ડની પરીક્ષામાં એ પોતાના મનવાંછિત પરિણામને મેળવીને જ રહ્યો.
મમ્મી પરના પ્રેમનો રંગ વધુ ગાઢો બની ગયો.

અનબીટેબલઃ જીવનમાં કોઇ ‘મજા’ સ્વાસ્થ્ય કે સમાજને હાનિકારક બની જતી હોય તો તરત જ ચેતી જઈને એના સ્ટાર્ટીંગ પોઈંટને સમજી, ડાયવર્ટ કરીને બીજો તંદુરસ્ત રસ્તો શોધવાનો પરિશ્રમ કરવો જોઇએ.

સ્નેહા પટેલ.