addal maraa jevi j chhe

અદ્દલ મારા જેવી જ છેઃ

નક્કી ત્યાં તો કૈંક પાછું ઝળહળે છે,
જાત નામે કોડિયું ધીમું બળે છે !
-ભરત પ્રજાપતિ ‘આકાશ’

આરોહી આજે ખૂબ ખુશખુશાલ હતી. એની દીકરી અન્વેષા આજે સ્કુલમાં વાર્ષિક ફંકશનમાં યોજાયેલ દોડની સ્પર્ધામાં ૮૬ સ્પર્ધકોની વચ્ચે પ્રથમ સ્થાન મેળવી શકેલી. એ બદલ એને સ્કુલ તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. અન્વેષાના સફેદ ઝગ ફ્રોક ઉપર એના ગળામાં લાલ સાટીનની રીબીનમાં પીળો ચંદ્રક વીંટીમાં જડેલા હીરા જેવો ચમકી રહયો હતો. બે ગાલ પર હાથ મૂકીને આંખો અહોભાવમાં પહોળી કરીને આરોહી એકીટશે એની લાડકવાયીને જોઇ રહી હતી. આમ જ ભાવાવેશમાં એની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા એની પણ એને ખબર નહતી રહી.
અન્વેષા અચાનક હસી પડી અને એની મમ્મીના આંસુ પોતાની તર્જની પર લઈને રાજકુમારની જેમ ફિલ્મી અદામાં બોલી,
‘ આ બહુ જ મૂલ્યવાન મોતી છે માતા, એને જમીન પર ના પાડો.’
અને આરોહી ભફ્ફાક.. દેતાં’કને હસી પડી. પ્રેમથી અન્વેષાનો કાન ખેંચીને બોલી,
‘ચાલ હવે ચિબાવલી, ચૂપ થઈ જા તો. એ તો તું જ્યારે મા બનીશ અને તારું સંતાન આવી સિધ્ધી પ્રાપ્ત કરશે ત્યારે તને આ લાગણી સમજાશે.’
અને અન્વેષાનું કપાળ પ્રેમથી ચૂમતાં બોલી,
‘સાવ મારી પર જ ગઈ છે, હું પણ સ્કુલમાં કાયમ આમ જ પ્રથમ નંબર લાવતી હતી.’
અને વળતી પળે જ માતાના પ્રેમ ઝરણમાં નહાતી અન્વેષાના મોઢામાં કાંકરો આવી ગયો હોય એવી લાગણી ઉભરાઈ. જો કે એણે પોતાની લાગણી બહુ જ સફળતાથી છુપાવી લીધી એથી આરોહીને એના વિશે કશું જાણ ના થઈ.
થોડા સમય પછી,
અન્વેષા એના મિત્રો સાથે કાશ્મીર બાજુમ ટ્રેકીંગ પર નીકળી પડી હતી. નેટ પર જોઇ જોઇને બધી જ જગ્યાનું પૂરેપૂરું એનાલીસીસ કરીને જોઇતા પૈસા, સામાન અને બધી જ સાવધાનીનો પૂરેપૂરો અભ્યાસ કરી લીધો. માત્ર એક ખભા પર પાછળ લટકાવવાની બેગ લઈને એ સાહસયાત્રા પર નીકળી પડી. લગભગ આઠ દિવસનો પ્રોગ્રામ હતો અને એનું પૂરું સંચાલન અન્વેષાના હાથમાં. મુસાફરીમાં અનેક જગ્યાએ એની અનેક વખત કસોટી થઈ અને આપસૂઝથી અન્વેષા એમાંથી આસાનીથી બહાર પણ નીકળી ગઈ.
સાહસયાત્રા પરથી પાછી આવ્યા પછી થાક ઉતારીને બીજા દિવસે અન્વેષા પૂરાં ઉત્સાહથી પોતાની કહાની મમ્મી પપ્પાને સંભળાવી રહી હતી. કેવી કેવી મુશ્કેલીઓ આવી એનો એ લોકોએ કેવી રીતે સામનો કર્યો, ક્યાં ક્યાં કેવી અગવડ પડી – કેટલી ય જરુરિયાતની વસ્તુઓ વગર પણ ચલાવ્યું અને એ બધી જગ્યાને કેવી રીતે પોતાના એસ. એલ. આરમાં યાદગીરીરુપે કંડાર્યુ એ બધાની માહિતી આપતી હતી અને અચાનક એના પપ્પા અશ્વીન બોલી ઉઠ્યો,
‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. અમે પણ આવી યાત્રાઓ બહુ જ કરતાં હતાં. અસ્સલ મારી પર જ ગઈ છે મારી ઢીંગલી.’
અને અન્વેષાના મોઢામાં ફરીથી ક્વીનાઈનની ટીક્ડી ઘોળાઈ ગઈ. આજે એની સહનશક્તિ એનો સાથ છોડતી જણાઈ અને એના મોઢામાંથી શબ્દો ફૂટી નીકળ્યાં,
‘મમ્મી – પપ્પા, નાનપણથી મારી દરેક સફળતા, હોંશિયારીમાં તમે લોકો તમારી જ સફળતા અને સ્માર્ટનેસ કેમ શોધો છો?’
‘મતલબ ?’ આરોહી અને અશ્વીન અચાનક જ આવા વિચિત્ર અને અણધાર્યા પ્રશ્નથી ચોંકી ગયા.
‘મતલબ એ જ કે મારી કોઇ પણ સિધ્ધી હોય ભલે દોડવાની હોય કે આવી રીતે ટ્રેકીંગની હોય કે પછી કપડાંની પસંદગી હોય કે મેથ્સમાં સૌથી વધુ માર્કસ મેળવવાની – દરેક વાતનો અંત તો ‘અસ્સલ મારી પર ગઈ છે’થી જ હોય છે. માન્યું કે સંતાનોમાં એમના માતા પિતાના અનેક ગુણ હોય જન્મજાત જ હોય પણ એની પાછળ તમે મારી હોંશિયારીની કોઇ કદર ના કરો કાં તો નજરઅંદાજ કરીને બધો જશ પોતાના માથે જ લઈ લો છો એ વાતની તમને ખબર જ નથી હોતી. મારે તમારા મોઢે સાંભળવું હોય છે કે,
‘અન્વેષા બેટા, તું બહુ જ સાહસી છો, હોંશિયાર છું, તાકાતવાન છું. તારી સાથે આટલા બધા મજબૂત હરીફો હોય છે એનાથી ગભરાયા વિના હિંમત રાખીને તું એમનાથી આગળ નીકળી જાય છે એ ખરેખર કાબિલે તારીફ કામ છે, આટલી નાની ઉંમરમાં તેં તારામાં આટલા બધા ગુણ વિક્સાવ્યા છે એ ખરેખર પ્રશંસનીય છે. એના બદલે કાયમ મને તમારા તરફથી ‘તું તો અસ્સલ મારા પર જ ગઈ છું’ જેવી એકની એક રેકોર્ડ જ સાંભળવા મળે છે.માન્યું કે તમારા જીન્સ મને મળ્યાં છે પણે બધાંને સમજીને મેં મારી રીતે મારામાં એ બધાને ડેવલોપ કરવામાં બહુ મહેનત કરી છે.તમારા જેવી ભલે ને વીસ વીસ ટકા માનો અને મને મારી પોતાની જેવી બાકીના સાઈઠ ટકા તો માનો. કાયમ સરખામણી કરવાનો આ સ્વભાવ ત્યજી દો પ્લીઝ.’
‘હા દીકરા , તારી વાત સાચી જ છે. નાનપણથી અમે અમારા સંતાનોમાં અમારા અંશ અને ગુણ જ શોધતા ફરીએ છીએ અને બીજાંઓ અમારી કમજોરી અમારા સંતાનોમાં શોધીને એક વિચિત્ર આનંદ મેળવે છે. પણ આજે તેં જે વાત કહી એ વાત તો અમારા હરખઘેલાં વાલીઓને ખ્યાલ જ માં નથી આવતી કે,’અમારું સંતાન ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે, એના આજુબાજુના વાતાવરણમાંથી જાતે બધું શીખતું થયું છે, એની પોતાની પણ એક આઈન્ડેટીટી છે. અમને માફ કરજે દીકરાં. આજે તેં અમારી આંખો ખોલી દીધી.વી આર રીઅલી પ્રાઉડ ઓફ યુ. અમારું સંતાન આટલું વિચારશીલ છે એનો અમને ખૂબ જ આનંદ છે.’
અને અશ્વીને અન્વેષાના કપાળ પર ચુંબન અંકીત કરી દીધું.
અન્વેષાની આંખમાંથી એની જાણ બહાર આંસુ વહી રહ્યાં હતાં.
-સ્નેહા પટેલ

3 comments on “addal maraa jevi j chhe

 1. ખુબ જ સરસ લેખ અને એટલો જ સરસ વિષય…આ વખતે તમે લેખમાં નવો વિચાર લઈને આવ્યા છો, જે ખુબ ગમ્યો…તમે લેખમાં ખુબ સરસ વાત કરી કે મા-બાપ પોતાના સંતાનની સફળતા જોઈને ખુબ જ રાજી થતા હોય છે અને સાથે-સાથે એમ પણ કહેતા હોય છે કે તું તો બિલકુલ મારા જેવો કે મારા જેવી જ છે, હું પણ નાનો હતો કે નાની હતી ત્યારે આવો જ હતો કે હતી અને આવી રીતે જ ખુબ મહેનત કરીને સફળતા મેળવતો હતો…આ વાત મા-બાપ એકદમ નિખાલસ ભાવે જ કહેતા હોય છે તથા મા-બાપની એક છુપી લાગણી પણ હોય છે કે તેઓ પોતાના સંતાનોના રોલમોડેલ બને, જોકે એમાં કંઈ ખોટું પણ નથી…પણ સંતાનને એમ થતું હોય છે કે અહીં મારા મા-બાપ મારી કાબેલીયત, આવડત, હોશીયારી, સ્માર્ટનેસ અને મહેનતને નજરઅંદાજ કરે છે અને પોતાના વખાણ કરીને મને અવગણે છે, પરંતુ ખરેખર મા-બાપનો એવો કોઈ ઈરાદો હોતો નથી, આ તેમની સંતાન પ્રત્યેની લાગણી હોય છે, આ વાત સંતાનોએ પણ સમજવાની જરૂર છે તથા મા-બાપે પણ સમજવાનું ને યાદ રાખવાનું કે સંતાનની સફળતાને બિરદાવવાની છે કે આ તું તારી કાબેલીયત, આવડત, હોશીયારી, સ્માર્ટનેસ અને મહેનતને કારણે જ આગળ આવ્યો છે અને તારી જીત થઈ છે તથા આગળ પણ આવી રીતે જ સફળતા મેળવતો કે મેળવતી રહેજે તો સંતાનને પણ આગળ આવવાનું ને જીતવાનું નવું જોમ મળે, નવી આશા જન્મે…જો મા-બાપ અને સંતાનો બંને એકબીજાની લાગણી સમજે તો ભયો-ભયો ને મજો-મજો…લેખમાં ફરી પાછી “અનબીટેબલ” ની ગેરહાજરી…

  Liked by 1 person

 2. અદભુત. …અભિનંદન આપને નવા અભિગમ માટે ..કારણ….પારિવારિક અને સામાજિક ઉતકક્રાંતિ સાથે મનો વૈજ્ઞાનિક કારણો ની પ્રસ્તુતિ … Superb.. દરેક માતા પિતા તેવું ઇચ્છતઃહોય કે બાળક તેમની કોપી બને …અને જો થોડું કઇ બદલાતા સમય ની અસર માં અલગ કરે કે વર્તે તો બગડેલા લાગે…..જો બધા કોપી જ બને તો સમજી કે માનવ જાતનો વિકાશ ક્યાંથી થાય…?
  એક અટપટી પરિસ્થિ ને સરળ વાર્તા માં વણી ને કરેલ પ્રસ્તુતી…….. બસ ….No more words…..Loved much….👌🏼👌🏼👌🏼👌🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼

  Liked by 1 person

 3. good ,
  એક અાર્વિભાવ જે ખૂબ સરસ રીતે રજું કર્યો છે . એક ઉદાહરણ રૂપ જે કેટલાય ચિંતકોને વિચારતા કરી મૂકે છે . અહી જે કંઈ નિપજે કે પ્રગટ થાય છે એને થવા દેવું જોઈએ . બંધિયારપણું આજે કોઈ સ્વીકારવા તૈયાર નથી .

  આમ તો મને વાંચવાની ટેવ છે .. પણ ઘણું બધું વાંચવા લાયક નથી હોતું અને જે લખે છે એ પણ મોટા મોટા નામો જ હોય છે . બસ પછી પુછવું શું ?? બસ તાળીઓના પડઘા ..શ્રોતાઓ પણ ક્યાં કંઈ સાંભળે છે ..!! અહી આશ્ર્ચર્ય મુકું છું સમજી લેવું ..

  અહી સ્નેહાનાં વખાણ નથી કરતો .. પણ એના શબ્દોને મારી સમજ મુજબ હળવાશથી પ્રોત્સાહન આપું છું…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s