માણસ તો યે મળવા જેવો !
લાખ ભલે ને હોય કુટેવો,
માણસ તોયે મળવા જેવો.
-મકરંદ મૂસળે.
કાચો ઉબડખાબડ રસ્તો. એની બે ય બાજુ જંગલી વેલ -ઝાડવા -ફૂલોની વાડ અને એની અંદર શોભતું લીલુંછમ ખેતર. જાણીતાં અને અજાણ્યાં અનેક પક્ષીનાં અવાજોથી ભર્યુ ભર્યું વાતાવરણ. ચોમાસાની ઋતુ હોવાથી આજુબાજુની એકે એક વસ્તુમાં પ્રાણ રેડાઈ ગયા હોય એવું લાગતું હતું. બીજા ખેતરના શેઢા પર લઈ જતી પગદંડીની બે ય બાજુ ભીની ભીની નીક હતી જેમાં વહેતું નીર ધીમા ખળખળ રવ સાથે વહી રહ્યું હતું. થોડે આગળ જતાં પાકી સડક આવતી હતી જેના ઉપર થઈને મોટા વડનું ઝાડ આવતું જેની વડવાઈઓની પાછળ નજર જતાં એક રુપકડું મંદિર, એની ઉપર લહેરાઈ રહેલી ધજાનું મનોરમ્ય દ્ર્શ્ય નજરે પડતું હતું.
એક તરફ કોતરો અને બીજી તરફ ખેતરો. રસ્તા ઉપર થોડો ઢાળ ચડી મંદિર સુધી પહોંચીને ગાર્ગીએ થોડો પોરો ખાધો અને મંદિરના ઓટલા પર બેઠી. એ આવી એ રસ્તા પર નજર જતાં એને ખ્યાલ આવ્યો કે એ જ્યાંથી આવી એ રસ્તો કમાનાકારના મનમોહક શેઈપમાં ઢળેલો હતો.મંદિરની જમણીબાજુ એક સુંદર બગીચો હતો જો કે એની સારસંભાળ નહીવત લેવાતી હોય એવું લાગ્યું. દૂર દૂર નજર ગઈ ત્યાં સુધી ઝાંખા વૃક્ષોથી શોભતી ક્ષિત્તિજરેખા નજરે પડી. મંદિરની બીજી બાજુ એક કૂવો..કૂવા સુધી પહોંચવા માટે થોડાં પગથિયા ઉતરવા પડે એમ હતાં.એની બાજુમાં એક બોરડીનું વૃક્ષ અને ગાર્ગીની મહીં એનું બચપણ હિલ્લોળા લેવા લાગ્યું. અચાનક જ એણે યતીનનો હાથ પકડી લીધો અને બોલી,
‘જતીન, ચાલને પેલી બોરડીના ઝાડ સુધી જઈએ.’
‘શું યાર તું પણ..સાવ બચકાની વાતો ના કર. મારો સહેજ પણ મૂડ નથી એ તું જાણે છે.’
‘યતીન, બે મહિનાથી તારો મૂડ સારો નથી એટલે જ આજે હું તને આવી સરસ મજાની જગ્યા પર લઇ આવી છું. કોલેજમાં હતી ત્યારે અમે મિત્રવર્તુળ અહીં ઘણી વાર આવતાં અને ઘણી ધમાલ મસ્તી કરતાં. આ મારી સૌથી મનપસંદ જગ્યા છે. આ બધા ખેતરોના માલિક અમારી ટોળકીને સારી રીતે જાણતાં..કોઇના ખેતરના ફળ તોડીને અમે નહીં ખાધા હોય એવું નહીં બન્યું હોય. તું જરા તારામાંથી બહાર નીકળીને આ સુંદર વાતાવરણમાં જોડાવાનો પ્રયત્ન તો કર ડીઅર.’
‘બોલવું બહુ સરળ હોય છે પણ જે ખુદ એ સ્થિતીમાં ફસાયેલું હોય છે એને જ એ સમય, વેદનાનો ખ્યાલ હોય છે. આ બધી બોલવાની વાતો છે તું મારી જગ્યાએ હોત તો તું પણ અત્યારે મારા ઘનચક્કર બોસને મનોમન ગાળો જ આપતી હોત. એમાં આપણા દેશના કાયદા કાનૂન – ઉફ્ફ, માનવી ઉંચો જ ક્યાંથી આવે આ બધી ઝંઝાળોમાં? ‘
‘ઓહ, તને કંઇ પણ કહેવું બેકાર છે. એક વાત કહું – સાંભળવાનો મૂડ હોય તો જ.’
‘હા, બોલ.’
‘અમે નાના હતાં ત્યારે એક દિવસ અમે આ જગ્યાએ પીકનીક પર આવેલાં હતાં. એ વખતે અમારી પરીક્ષાનું રીઝલ્ટ આવવાની તૈયારીમાં હતું અને બધાના મગજમાં થોડું ટેંશન હતું. અમે પણ તારી જેમ એના વિચારોમાં જ રમ રહેતાં હતાં ત્યારે અમારા મેથ્સના સરે અમને અમારા એક દુશ્મન અને એક મિત્રની સાથે આ જ જગ્યાએ ભેટો કરાવ્યો હતો, અને સમજાવેલું કે,’ આ બે ય ભૂત એવા છે કે એ તમારો સાથ ક્યારેય નહીં છોડે. તમે જેને વધુ ધ્યાનથી રાખશો, જેને વધુ પ્રેમ કરશો એ કાયમ તમારી સાથે રહેશે એ મારો સ્વાનુભવ છે અને તને ખબર છે યતીન ? નવાઈજનક રીતે એ વાત હજી પણ સાચી પડે છે.’
‘મને કંઈક સમજાય એવી સરખી ભાષામાં વાત કરને બકા..’
‘ઓકે, ચાલ આજે હું તને બે માણસની ઓળખાણ કરાવું છું જે કાયમ તારી સાથે જ રહેશે.’
આટલુંં બોલીને ગાર્ગી યતીનનો હાથ પકડીને કુવાના કાંઠે લઈ ગઈ. ચોમાસાની ઋતુ હોવાથી કુવામાં પાણી સ્વચ્છ અને છલોછલ હતું.
‘આ જો.’
અને ગાર્ગીએ યતીનને કુવાના પાણીમાં જોવા કહ્યું.
‘શું પાગલ જેવી વાત કરે છે ગાર્ગી, આ તો મારો પોતાનો ચહેરો છે.’
‘તો એ જ તો હું કહું છું. આ જ તારો સાચો મિત્ર અને આ જ તારો સૌથી મોટો દુશ્મન. તારા ઘનચક્કર બોસ સામે ફાઈટ આપવી હોય તો આ મિત્ર જ તારા કામમાં આવશે અને એમની સામે હારવું જ નક્કી કરીને બેઠો હોય તો આ દુશ્મન જ તારી પીઠ પંપાળશે.’
અને યતીન અવાચક થઈને ગાર્ગીને જોઈ રહ્યો.
‘તારી તરક્કી, તારી ઉન્નતિમાં ફકત અને ફકત એક જ વ્યક્તિ બાધારુપ બની શકે છે અને એ છે માત્ર અને માત્ર તું યતીન.બીજાઓમાં તારી નિષ્ફળતાઓનું કારણ શોધવા કરતાં તું તારી જાતને બદલવાનું ચાલુ કર. દુનિયા બદલાશે તો હું આગળ વધી શકીશ એવી રાહ જોઇને બેસી રહીશ તો પતી ગયું. તારી પ્રગતિ માટે તારા બોસે બદલાવાની જરુર નથી કે નથી દેશના કાયદા કાનૂને બદલાવાની જરુર. જ્યારે તું નક્કી કરી લઈશ કે બદલાવાની શરુઆત તું જ કરીશ ત્યારથી તું જોજે…તારી આજુબાજુની દુનિયા પણ ધીમે ધીમે બદલાવાની ચાલુ થઈ જશે, દેશ – કાનૂન – શહેર – બોસ કો જ તારું કશું નહીં બગાડી શકે. પણ એ માટે તારામાં ના ‘તું’ પર તારે પૂર્ણ વિશ્વાસ રાખીને એને મિત્ર બનાવવો જ પડશે, જો એ તારો દુશ્મન બની ગયો તો તું ક્યાંય પણ જા – આગળ નહીં જ આવી શકે.’
‘હા ગાર્ગી, તું સાચું કહે છે. મારી માન્યતાઓ, પૂર્વગ્રહો બધું ઓગાળવું જ પડશે અને એક નવેસરથી શરુઆત કરવી પડશે મારે. કુવામાંના પાણીમાં તરવરતા પોતાના પ્રતિબીંબ પર નજર નાંખીને એક આછા હાસ્ય સાથે યતીન બોલ્યો,
‘શું દોસ્ત, મારો સાથ આપીશ ને ?’
વાતાવરણમાં શીતળ પવનની લહેરખી ઉઠી અને કુવાનું સ્થિર પાણી હાલી ઉઠ્યું એ સાથે યતીનનું પ્રતિબીંબ પણ હાલ્યું. જાણે યતીનને વિશ્વાસ આપતું હોય,’હા મિત્ર હું કાયમ તારી સાથે જ છું. તું નિસ્ચીતપણે આગળ વધ.’
અનબીટેબલ ઃ મૂલ્યની કદર કરશો તો મૂલ્યવાન બનશો.
સ્નેહા પટેલ.