Virodhnu vavazodu


વિરોધનું વાવાઝોડું :

નક્શા તો એના એ જ છે ભ્રમણો નવાં નવાં,

રસ્તા તો એનાં એ જ છે ચરણો નવાં નવાં.

-હરિશ્ચંદ્ર જોશી.

‘ચીંટુ, કેવો ગયો બેટા તારો આજનો દિવસ?’

‘જવા દે ને મમ્મી, કંઈ પૂછીશ જ નહીં.’ બોલતાં બોલતાં ચીંટુનો ગોરો ચહેરો લાલ લાલ થઈ ગયો.

‘અરે-અરે…શું થયું મારા દીકરાને?’ ચીંટુની સ્કુલબેગમાંથી વોટરબેગ અને લંચબોકસ કાઢતાં કાઢતાં કૈરવી બોલી.

‘અમારો આજનો ફિઝિકસનો પીરીઅડ હતો, એમાં એક પ્રોજેક્ટ હતો જે અમારે આવતા સોમવારે સબમીટ કરવાનો હતો પણ અચાનક સરના પપ્પા એક્સપાયર થઈ જતાં એમણે એ પ્રોજેક્ટ આજે ને આજે જ મંગાવી લીધો. જોકે, મારે પ્રોજેક્ટ કંપ્લીટ થઈ જ ગયો હતો અને અચાનક આપણું લેપટોપ એની જાતે અપડેટ લઈ લેતાં મારો લગભગ ૩ કલાકનો સમય ખાઇ ગયું અને મારે એ બધું પતાવતાં પતાવતાં રાતના ત્રણ વાગી ગયા.’

‘હા, મેં રાતે એક વાગે તારા રુમની લાઇટ ચાલુ જોયેલી પણ મને એમ કે તું યુટ્યુબ જોતો હોઇશ કે તારા ગીતો સાંભળતો હોઇશ.’

‘ના મમ્મી, આ બધી લમણાકૂટ હતી. એ બધું તો ઠીક પણ મેં પ્રોજેક્ટની પ્રીંટ તો કાઢી લીધી પણ એને સ્પાઈરલ કરાવવા ક્યાં જવું ? રાતના ત્રણ વાગે કયો કાકો દુકાન ખોલીને બેઠો હોય ? એક ૨૪ બાય ૭ વાળી શોપ છે પણ એ અહીંથી કલાકન રસ્તે. રાતે ત્રણ વાગે ત્યાં જઈને પાંચ વા્ગે પાછો આવું અને સવારે છ વાગ્યે સ્કુલે જઉ ..એવું થાય. મનેબહુ જ ઉંઘ આવતી હતી તો બે ત્રણ કલાકની ઉંઘ ખેંચી લેવાના ઇરાદાથી હું લેપટોપ અપડેટ થઈ જતાં મારા કરેલ કામની ફાઈલની પ્રીન્ટ કાઢીને સૂઇ ગયો. સ્પાઇરલના બદલે સ્ટેપ્લરથી કામ ચલાવી લીધું હતું.’

‘હા, તો.એમાં ખોટું શું થયું ? માર્કસ તો તારા લખાણના મળવાના હતાં ને – સ્પાઇરલ તો ખાલી ડેકોરેશન જ ને! ‘

‘ હા મમ્મી, આમ તો એવું જ હોય પણ આજના જમાનાના સર એવું ક્યાં સમજવાના ? જડની જેમ જીદ પર અડી ગયા ને કહે,

‘ લેપટોપ હેરાન કરતું હતું તો બીજાનું વાપરવું હતું કાં તો બીજો કોઇ પણ રસ્તો શોધવો હતો. રાતના ત્રણ વાગે સ્પાઈરલવાળાને ત્યાં જવું પડે તો જવાનું એમાં શું ? તમે આજકાલના છોકરાંઓ જ સાવ માયકાંગલા છો. બે ચાર રાતોના ઉજાગરા ય તમારા જેવા જુવાનિયાઓને ના નડવા જોઇએ. જે હોય એ..તમે કામ કમ્પ્લીટ નથી કર્યુ એટલે હું તને ફુલ માર્ક્સ નહીં જ આપું.’

‘ઓહ..સાવ આવા જડભરત!’

‘હા અને મુખ્ય વાત તો હવે – અમારા ક્લાસની બે ત્રણ છોકરીઓને કોઇ સોશિયલ ફંકશન, ઘરમાં મહેમાન જેવાં કારણૉ હતાં તો સરે એમના પ્રત્યે એકદમ જ કૂણું વલણ અપનાવ્યું. બોલ્યાં,’હા છોકરીઓને બિચારીઓને હજાર જાતનાં કામ હોય.’ અને એમને અધૂરા લખાણ છતાં પૂરા માર્કસ આપી દીધાં. કાયમ અમારા છોકરાંઓ સાથે આમ જ વર્તન થાય છે -જાણે કે અમે ઓરમાયા ના હોઇએ! સ્પોર્ટ્સના પીરીઅડમાં કોર્સ છૂટી જાય તો અમને કહેવાય કે જાતે કરી લેજો, જ્યારે છોકરીઓને નોટ્સ આપે. રીસેસમાં પણ છોકરીઓનો વારો પતે પછી અમારો વારો…ત્યાં સુધીમાં તો રીસેસ પતી જવા આવે છે. મમ્મી, આ છોકરીઓને આમ સ્પેશિયલ અનામત શું કામ આપવાનું ? આજકાલના જમાનામાં છોકરીઓ અમારા છોકરાં જેટલી જ મેન્ટલી અને ફિઝીકલી પણ મજબૂત છે . એ લોકો સામેથી તો આવી બધી ડીમાન્ડ નથી કરતી તો સમાજ એમને આવી ખાસ સગવડો આપીને કૂણી શું કામ બનાવે છે ? એ લોકોને પણ હવે ખબર પડી ગઈ છે પોતાની આ ફેવરની એટલે એ લોકો પણ ઓછી મહેનતે અને માત્ર ‘છોકરી’ હોવાના ફાયદા ઉઠાવવાના નવા નવા રસ્તા શોધતી ફરે છે. આમ ને આમ સમાજ એમની ટેવો બગાડી રહ્યું છે એવું નથી લાગતું. સ્ત્રી સશક્તિકરણના નામે મને તો એમ લાગે છે કે સ્ત્રીઓને પહેલવહેલાં તો એમ જ સમજાવાય છે કે – તમે કમજોર છો એટલે તમારે સશકત થવાનું છે. આટલી બધી ફેવર – ઉફ્ફ. અમે છોકરાંઓ કંટાળી ગયા છીએ આ જાતિભેદથી. સમાજ એ નથી સમજતો કે અમારી સાથે અત્યારથી જ આ ભેદભાવ ઉભા કરવાના ધંધા કરે છે એથી અમારા મગજમાં કિશોરાવસ્થાથી જ છોકરીઓ માટે એક ઇર્ષ્યાનો ભાવ ઉત્પન્ન થાય છે. આ જ છોકરીઓની જાતિ મોટી થઈને સ્ત્રી થશે અને અમે પુરુષ…ત્યારે અમારા લગ્નજીવનમાં આ બધાની શું અસર થશે એ આજના કહેવાતા સમાજ્સુધારકો સહેજ પણ નથી સમજતાં. જ્યાં જરુર છે ત્યાં ચોકકસપણે સ્ત્રીઓને સહાય કરો, સપોર્ટ કરો પણ દરેક વાતમાં સ્ત્રીસશક્તિકરણના નારા લગાવી લગાવીને પોતાની જાતને મોટા સમાજસુધારક કહેવડાવાના મોહથી દૂર રહો. આજની છોકરીઓ કોઇ પણ બાબતે અમારાથી કમ નથી મમ્મા. ઉલ્ટાની માનસિક રીતે તો ઘણી બધી છોકરીઓ છોકરાંઓને પણ ટપી જાય એવી તેજતર્રાર છે. શું કામ આવા ભેદભાવોની દિવાલ ઉભી કરે છે અને અમારા મનમાં અત્યારથી છોકરીઓ માટે એક અલગ જ ભાવ ઉભો કરે છે આ સમાજના ‘સો કોલ્ડ’ ઇંટેલીજન્ટ લોકો ! મને સહેજ પણ નથી સમજાતું આ બધું.’

‘હા બેટા, હું તારી વાતથી બિલકુલ સહમત છું.ધીમે ધીમે છોકરીઓ પોતે જ આ પોતાને ‘સ્ત્રી સશક્તિકરણ’ ના નામે અપાતી આવી સ્પેશિયલ ટ્રીટનો વિરોધ કરશે એવી મને ખાત્રી છે.’

અનબીટેબલઃ વિરોધના વાવાઝોડામાં સમજ અને યોગ્ય દિશા ના હોય તો વિનાશ નોંતરે છે.

સ્નેહા પટેલ