ચાહકઃ
લવારીઓ – શબ્દોનાં ખડકલાં,
ઢગલે ઢગલાં.
અસ્ત વ્યસ્ત બુધ્ધિ,
બુઠ્ઠી લાગણીઓ,
નકરું બોલ બોલ – લખ લખ.
શબ્દોના વેપાર જાણે કે !
આંખ – કાન – દિલ – દિમાગ
સઘળું ય ત્રસ્ત.
શાંતિની શોધમાં પાછા શબ્દો જ ફંફોસવાના !
-સ્નેહા પટેલ-અક્ષિતારક પુસ્તકમાંથી.
શહેરમાં લગભગ છેલ્લાં અઠવાડિયાથી ગીત,સંગીત અને સાહિત્યનો મોટો ઉત્સવ ઊજવાઈ રહ્યો હતો. સવારના અગિયાર વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી વિધ વિધ પ્રોગ્રામથી ઉસ્તવ મજેદાર બની ગયો હતો. લોકો પોતાની સતત ભાગતી જીન્દગીથી થાકી હારીને આવા પ્રોગ્રામમાં જઈને થોડો પોરો ખાતા હતા, મગજ માટે પૌષ્ટિક આહાર મેળવતા હતાં અને ફરીથી દોડવા તૈયાર થઈ જતા હતાં.
ભાર્ગવી, સાહિત્યનો શોખીન જીવડો ! એ લગભગ રોજ આ ઉત્સવમાં હાજર રહેતી અને રોજ પોતાના માનીતા લેખક, કવિ, ગાયક, સંગીતકારને મળીને ખુશ ખુશ થઈ જતી. રોજ પ્રોગ્રામના પાસમાં જોઇ જોઇને આજે કોને કોને સાંભળવા – જોવાના છે એ નકકી કરી લેતી ને પછી શક્ય હોય તો એ કલાકારને રુબરુ મળતી, ઓટોગ્રાફ લેતી, શક્ય હોય તો વાતો પણ કરતી. પોતાની મસ્તીમાં મસ્ત રહેતી ભાર્ગવીએ આજે પાસમાં જોયું અને ખુશ ખુશ થઈ ગઈ.
આજે તો એના ખૂબ ગમતા ગાયક હરિલાલ આવવાના હતાં. એ હરિલાલના ગીતોની દિવાની હતી. લગભગ સાઈઠીએ પહોંચવા આવેલ હરિલાલની સૂર પર પક્કડ જબરદ્સ્ત હતી અને ઘેરો ઘૂંટાઈને આવતો અવાજ ઓડિયન્સને તસુભાર હલવા નહતો દેતો. વર્ષોનો રિયાઝ હતો. યોગ્ય દિશામાં થતી મહેનત અને નિષ્ઠા ભેગાં થાય ત્યારે સફળતા તો ઝખ મારીને કદમ ચૂમવાની જ હતી. આજે હરિલાલની આજુબાજુ ઉભો રહી શકે એવું પણ કોઇ ગાયક નહતો દેખાતો. જોકે હરિલાલને મન આ બધું સહજ હતું. સફ્ળતાએ એમના મગજમાં રાઈ નહતી ભરી. એ ભલા અને એમની ગાયકી ભલી. એમનું તો આખું વિશ્વ જ જાણે અલગ !
હરિલાલનો પ્રોગ્રામ સાંજના સાત વાગ્યે હતો. ભાર્ગવી પાંચ વાગ્યામાં જ રસોઇ પાણીથી પરવારી ગઈ અને તૈયાર થઈ ગઈ. ઘરમાંથી બહાર નીકળતા પર્સ ખોલીને ઓટોગ્રાફની બુક ફરીથી ચેક કરી લીધી. લગભગ અડધો કલાકમાં તો એ પ્રોગ્રામના સ્થળ પર હતી. ત્યાં જઈને અલગ અલગ હોલમાં ચાલતા બે પ્રોગ્રામમાં ઉડતી નજર નાંખી પણ એની નજર તો એના પ્રિય ગાયકને શોધતી હતી અને એક હોલમાં હરિલાલ એને દેખાઈ જ ગયાં. સ્ટેજથી – ભીડભાડથી ખાસી દૂર બેઠાં બેઠાં હરિલાલ સ્ટેજ પર ચાલતી કોઇ ચર્ચાનો આનંદ ઉઠાવી રહ્યાં હતાં. એમની બાજુમાં થોડી ખાલી જગ્યા જોઇને ભાર્ગવી ઓર ખુશ થઈ ગઈ અને એ ફટાફટ ત્યાં પહોચી ગઈ.
‘નમસ્તે સર.’
‘નમસ્તે નમસ્તે.. બેન તમને પહેલાં પણ જોયેલાં છે.’
‘જી સર, હું તમારા બધા જ પ્રોગ્રામ બને ત્યાં સુધી અટેન્ડ કરું જ છું.’
‘હા, મને પણ એવું લાગ્યું જ. આભાર.’
‘અરે સર, એવું ના બોલો. તમને ગાતા સાંભળવા એ તો કોઇનું પણ સદભાગ્ય છે.’
એમની વાત ચાલતી હતી ત્યાં હરિલાલના બીજા ચાહક આવી ગયાં.
‘અરે હરિભાઇ, કેમ છો?’
ભાર્ગવી થોડી ચમકી ગઈ. બોલનારના અવાજમાં એક પ્રકારની બેફિકરાઈ હતી, જાણે હરિભાઇના વર્ષોથી ઓળખીતા હોય એમ. જોકે હરિભાઇના સૌમ્ય ઉમળકાથી બોલાયેલ શબ્દો સાંભળીને ભાર્ગવી સમજી ગઈ કે,’આ ભાઇ તો એમને પ્રથમ વખત જ મળતાં હતાં.’ ભાર્ગવી થોડી હબકી ગઈ. એ પછી તો એ ચાહકભાઈ હરિભાઈની એકદમ જ નજીક બેસી ગયા અને હરિભાઈ સાથે સંગીત વિશે વાતો કરવા લાગ્યાં. શરુઆતમાં તો હરિભાઈએ ખૂબ જ ઉમળકાથી જવાબ આપ્યા પણ ધીમે ધીમે પેલા ચાહકભાઈ હરિલાલની ગાયકી પરથી પોતાની ઘરના બાથરુમમાં ગવાતી ગાયકી પર આવી ગયાં. એમના ધંધા, ઓળખાણો અને સંગીતના અધકચરા જ્ઞાનની વાતો કરીને વાતાવરણમાં શબ્દોનો કચરો ઠાલવવા લાગ્યાં. હરિભાઈ ધીમે ધીમે મૌન થતાં ચાલ્યાં અને ફકત ને ફકત એ ભાઈને સાંભળવા લાગ્યાં. પોતાની ધૂનમાં મસ્ત ચાહકભાઈને હરિભાઈના ચૂપ થઈ જવાની ઘટનાની જાણ સુધ્ધાં ના થઈ એ તો પોતાની બડાઈ હાંકવામાંથી અને પોતાનું મહત્વ બતાવવામાંથી જ ઉંચા ના આવ્યાં. છેવટે હરિલાલના પ્રોગ્રામની જાહેરાત થતાં હરિલાલ ત્યાંથી વિનયસહ રજા લઈને ઉભા થયાં.
એમનો પ્રોગ્રામ અપેક્ષા કરતાં પણ વધુ સારો રહયો. એમણે આ વખતે ગાયકીમાં થોડા પ્ર્યોગો કરેલા જેને એમના ચાહકોએ ‘વન્સ મોર – વન્સ મોર’ના નારાથી વધાવી લીધા. બધાનો આભાર માનીને હરિભાઈ સહજ રીતે ફરીથી આગળનો પ્રોગ્રામ નિહાળવા ઓડિયન્સમાં બેસી ગયાં અને ભાર્ગવીએ ચાન્સ ઝડપીને પોતાની ઓટોગ્રાફ બુક એમની સામે ધરી દીધી. હરિલાલે હસતાં હસતાં એમાં ઓટોગ્રાફ આપ્યાં.
‘સર એક વાત પૂછું?’
‘બોલોને બેન.’
‘પેલો માણસ જે રીતે એની બડાઈ હાંકતો હતો એનાથી તમને કંટાળો ના આવ્યો ? તમે એમને રોક્યાં કેમ નહીં. ‘
‘બેન, આજના જમાનામાં બધા વ્યક્તિને એક સાંભળનારો જોઇએ છે પણ એમને કોઇને સાંભળવાની તસ્દી લેવાની ધીરજ નથી કેળવવી. હું ઇચ્છત તો એને ચૂપ કરી શકત, તમારી વાત સાચી છે. પણ મારે એ વ્યક્તિના લેવલ સુધી જવું પડે અને એને સમજાવવું પડે કે ભાઈ તું સર્વજ્ઞનું અભિમાન લઈને ફરે છે પણ હકીકતે તો કશું સમજતો જ નથી. મારા આટલા વર્ષોની સાધના પછી પણ હું એના જેટલા જ્ઞાનનો દાવો ના કરી શકું તો એ ભાઈ તો એમની વાતો પરથી સાવ જ અધકચરાં લાગ્યાં. પોતે કશું નથી જાણતો એવું સમજતા માણસને કોઇ હકીકત સમજાવી શકે પણ આ તો પોતાની સમજણના આંખ કાન પર દંભના પડદા પાડીને બેઠાં હતાં. બધું જ જાણતાં હોય એવા માણસને સમજાવવું એ સૌથી જોખમી વાત બેના. એટલે હું ચૂપચાપ એને સાંભળતા એ વિચારતો હતો કે,’અધુરુ જ્ઞાન માનવીને કેવું પતનના રસ્તે દોરી જાય છે! એ ભાઈને મને સાંભળવા કરતાં મને સંભળાવવામાં જ વધુ રસ હતો. એવા અનેક કહેવાતા ચાહકો સાથે મારો ભેટો થયા જ કરે છે ,હવે ટેવાઈ ગયો છું. પોતાના બોલાતા શબ્દોનો અર્થ સુધ્ધાં ના સમજતા હોય એ તમારા શબ્દોની ગહેરાઈ શું સમજી શકવાના? તમારા શબ્દોનું માન ના હોય ત્યાં કશું ના બોલવામાં જ માલ છે.’
‘હા સર તમે બહુ જ સાચી વાત કહી. હું પણ હવેથી આ જ વાતનો અમલ કરીશ.’ ને ભાર્ગવી ત્યાંથી ઘર તરફ જવા નીકળી.
અનબીટેબલઃ સાચા જ્ઞાનથી જેટલાં ભરાશો એટલા અંદરથી વધુ શાંત થશો.
સ્નેહા પટેલ.
આનંદ મન ની સ્થિર પ્રકૃતિ છે.પરંતુ તે પરિસ્થિતિ ઓ દ્વારા સતત બદલાયા કરે છે ત્યારે અંતઃકરણ નાં ઉંડાણ માંથી અનુભૂતિ વાસ્તવ ની ભોંય પર હોય અને વાચક ને એમાં પોતાનાં સુખદુખ દેખાય એ કક્ષાએ સર્જન પહોંચે અને જેમાંથી કળા જ સિધ્ધ થતી હોય છતાં કશી કૃતકતા ન હોય એ સ્તરે તમે લખો છો.એવું લખતાં રહો.એવી શુભકામનાઓ પાઠવું છું..તમારું સર્જન માણી ને તીર્થયાત્રા નો પરિતોષ પ્રાપ્ત થાય છે.જય હો.!
LikeLiked by 1 person
No words rameshbhai..thnx a lot
LikeLike
સરસ લેખ અને સરસ વિષય…અમુક લોકો નાની વાત પણ ભારે શબ્દોમાં કહેતા હોય છે અને તમે મોટી વાત પણ સરળ શબ્દોમાં કહી દો છે એ તમારી ખુબી છે અને એટલે જ લોકોને સ્પર્શે છે…તમે લેખમાં ખુબ સરસ વાત કરી કે સમાજમાં ઘણાખરા લોકો પોતાનો કક્કો જ સાચ્ચો અથવા તો પોતે જ જ્ઞાની એવી ડંફાશ ફેંકતા હોય છે કાં’તો એવા વહેમમાં રાચતા હોય છે, જે એક કુટેવ છે…આપણામાં કહેવત છે ને કે “અધુરા ઘડા વધુ છલકાય” એમ પોતાનું અધુરુ જ્ઞાન બીજા લોકો સમક્ષ ઓકતા હોય છે (આને ઓકતા જ કહેવાય ને બીજાને ન ગમે છતા બકવાસ કર્યે રાખવો, આને એમ કહેવાનું મન થાય કે ભલામાણસ જીભડી મોઢામાં ખોસ ને, પણ એવું ન કહે અને મૌન રહે એ ખરો જ્ઞાની કે ડાહ્યો માણસ અને બંનેનાં માન પણ જળવાય રહે…) અને તેવો એમ બતાવવા માંગતા હોય છે કે પોતે કેટલા વિદ્વાન છે પછી ભલે ને પોતાના અજ્ઞાનનું પ્રદર્શન કરતાં હોય…જ્યારે સમજુ વ્યક્તિ પોતે ભલે જ્ઞાની હોય પણ કોઈ પુછે કે જ્યાં જરુર જણાય ત્યાં અને એ પણ જરૂર પુરતું જ બોલતા હોય છે કે જણાવતા હોય છે એ જ તો એમની ખરી સમજણ કહેવાય…લેખની શરૂઆતમાં તમારું અછાંદસ કાવ્ય જે લેખને બિલકુલ અનુરૂપ અને થોડામાં ઘણું કહી જાય છે…સચોટ અનબીટેબલ…
LikeLiked by 1 person
thnx amitbhai.
LikeLike
વાહ સ્નેહા કીપ ઈટ અપ
તારા શબ્દોમાં જે વજન છે …એ એક ભાવકને ખેંચી રાખે છે જો ભાવક શબ્દો પર પકકડ રાખી શકે તો …
LikeLike