Rashtraprem

રાષ્ટ્રપ્રેમઃ

 

ઘણી ઘટ્ટ ભીની હઠીલી એ સોડમ અને કૈંક સાકાર સાકાર થાતું,

નવી ચાક્ડે કોઈ માટી ચડે કે, તરત એક કાગળ તને હું લખું છું !

-સુરેન્દ્ર કડિયા.

 

સુલભા અને અવંતિકા ટ્રેનમાં રોજ સાથે મુસાફરી કરતાં હતાં. કલાકની આ સફરમાં બંને વચ્ચે ગાઢ સખીપણા થઈ ગયાં હતાં. સવારે છાપામાંથી કોઇ ટોપિક મગજમાં ચઢી ગયો હોય તો એ અને સાંજે બંને ઓફિસમાં કોઇ ઘટના બની હોય તો એની ચર્ચા કરતાં. બંનેનું ‘ઇંટેલીજન્ટ લેવલ’ સરખું હતું અને બે ય માનુનિઓ ખુલ્લા દિલની હતી એથી એકબીજાની વાતો સમજતી અને અપનાવતી પણ ખરી. આજે સુલભાના મગજમાં ‘રાષ્ટ્રીય ગાન’ વિશે કોર્ટે આપેલ ચુકાદાના સમાચાર રમતા હતાં ને એ ઉકળાટ સમય મળતાં જ અવંતિકા સામે નીકળી ગયો.

‘આ બાવન સેકંડનું રાષ્ટ્રગીત ગાવામાં, થિયેટરમાં ઉભા થવામાં પણ લોકોને શું જોર પડી જતું હશે? એમાં વળી સુપ્રીમ કોર્ટનો ફેંસલો..લોકો પોપકોર્ન, કોકમાંથી ક્યારેય ઉંચા જ નથી આવવાના.’

‘અરે કૂલ મેડમ, કૂલ. પોણી મિનીટના રાષ્ટ્ર્ગીતમાં ઉભા થવાથી આપણી દેશભક્તિ સાબિત નથી થઈ જતી.  સૌ ઘેટાંની માફક વર્ષોથી આંખો બંધ કરીને આ ગીત વખતે ઉભા થઈ જઇએ છીએ. મુખ્ય તકલીફ શું છે ખ્યાલ છે તને?’

‘શું?’

‘આજના જુવાનિયાઓને હકીકતે ખબર જ નથી કે રાષ્ટ્રભક્તિ એટલે શું ? રસ્તે કોઇ આંધળો માણસ ચાલતો જતો હોય તો એને ચાર રસ્તા ક્રોસ કરાવી આપવા તો બાજુમાં રહ્યા પણ ઝીબ્રા કોસિંગ પર એવા લોકોને ટકકર મારીને ભાગી જાય છે ને પાછુ વળીને પણ નથી જોતાં. જ્યાં ત્યાં પાનની પીચકારીઓ મારે છે, થૂંકે છે, પેશાબ કરે છે, ટ્રાફિકના નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે, દાણચોરી શબ્દ તો હવેના ગોટાળાઓ આગળ વામણો લાગે એવો થઈ ગયો છે.આ પ્રજા સાચી દેશભક્તિ એટલે શું એ જાણતી જ નથી. જો કે અમુક ટકા અપવાદ હોય છે એની ના નહી પણ અપવાદોની તાકાત અપવાદ જેટલી જ રહે છે. સ્વતંત્રતા આપણને જન્મથી જ મફતમાં મળી ગઈ છે એટલે આપણે એનો સાચો અર્થ કે મહત્વ જાણતાં જ નથી.’

‘તું કહે છે એ સાચું હોય તો વાત થોડી ગંભીર છે અવિ.’

‘હા ચોકકસ. શરમ ખાતર થિયેટરમાં પોણી મિનીટ ઉભા થઈ જનારા લોકો દેશભકત નથી બની જતા અને ના ઉભા થનારા પોતાની સ્વછંદતા બતાવે છે.  અજ્ઞાન તો  બે ય જણ ચોકક્સ છે જ, રાષ્ટ્રગીતના શબ્દોનો અર્થ જાણવાની તસ્દી જ કોઇ નથી લેતું. વળી દેશ માટે ખરી રીતે પ્રેમ કેવી રીતે બતાવી શકાય એની પણ લોકોને જાણ નથી. બધા એક કાળાધબ અંધારામાં જ જીવે છે. મોટાભાગના તો દેશે મને શું આપ્યું તો હું દેશ માટે મારો કિંમતી સમય કાઢું જેવી ટણીમાં જ જીવે છે. પેલી કહેવત છે ને કે, “બધાનું કામ એ કોઇનું નહીં”. કોઇ જ પોતાની જવાબદારી સમજવા કે ઉપાડવા તૈયાર નથી. જો કે ખરો વાંક જ સિસ્ટમનો છે. નાનપણથી જ એમણે અંગ્રેજી કે ગુજરાતી જે પણ માધ્યમ હોય એમાં રાષ્ટ્રભક્તિનો વિષય ફરજીયાતપણે  શીખવાડવો જોઇએ અને એમાં પસંદ કરાતા વિષયોને રાજકારણથી દૂર રાખીને ફકત દેશદાઝને ધ્યાનમાં રાખીને જ કામ થવું જોઇએ. એમાં આ બધી વાતો, નૈતિક ફરજો પર સમજાવવું જોઇએ. પણ આપણે ત્યાં તો શિક્ષણપ્રથા પણ ખાડે ગઈ છે. બધા ખીસા ભરવામાં પડ્યાં છે. અમુક અપવાદો છે એમના પર આશા છે. કોઇ તિખારો ચમકી જાય અને ક્યાંક આગ લાગી જાય, રોશની થઈ જાય ને એ આગ દાવાનળ બની જાય ત્યાં સુધીની રાહ જોવી રહી. આપણે આપણાંથી બનતા પ્રયત્નો કરવાના, માચીસની દિવાસળી હાથમાં લઈને ફરવાનું.’

‘આજે મને કશું સમજ નથી પડતી અવિ કે તને શું જવાબ આપું. હું પણ આંખો મીંચીને રાષ્ટ્રગાન વખતે ઉભા થઈ જવું એને મહાન દેશભકતિ માનતી હતી. બાકીના સમયમાં એ ભાવના સાવ મૃતપાય જ પડી રહેતી હતી, એટ્લે મને પણ કોઇ જ શબ્દ બોલવાનો હક નથી. પહેલાં મારે મારી સમજના દ્વાર ખોલીને બદલાવું પડશે પછી જ હું કોઇને કંઈક કહી, સમજાવી શકું એ લેવલે જઈ શકું.’

અને બે ય બહેનપણીઓ પોતપોતાના વિચારોની દુનિયામાં ખોવાઈ ગઈ.

અનબીટેબલઃ રાષ્ટ્રભક્તિ ગાવાની નહીં, જીવી બતાવવાની ભાવના છે.

સ્નેહા પટેલ.

2 comments on “Rashtraprem

  1. ખુબ સરસ લેખ અને એટલો જ સરસ વિષય…તમે લેખમાં ખુબ સરસ વાત કરી કે આપણા દેશમાં દેશભક્તિ/દેશપ્રેમ એ ફક્ત દેખાડો કે ફેશન બની ગઈ છે…જો કે આમા અમુક ટકા અપવાદ હોય છે…બાકી તો મોટાભાગે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, ગંદકી, અશિસ્ત ખદબદે છે…લોકો સ્વયં નક્કી કરે કે હવેથી આપણે ભ્રષ્ટાચાર, ગંદકી, અશિસ્ત નહીં કરીયે અને ખરેખર “ઈમાનદાર” બનીશું, તો એ ખરો રાષ્ટ્રપ્રેમ કે ખરી દેશદાઝ ગણાશે અને ખરા અર્થમાં આપણો દેશ “રામ રાજ્ય” બની શકે ..! તમે લેખમાં બીજી એક સરસ વાત કરી કે, “નાનપણથી જ બાળકોને રાષ્ટ્રભક્તિનો વિષય અને નૈતિક ફરજો ફરજીયાતપણે અભ્યાસમાં (અને ઘરે પણ) શીખવાડવા/સમજાવવા જોઈએ” તથા આ બધી બાબતો અને વિષયોને રાજકારણથી દૂર રાખવા જોઈએ…અને મારું માનવુ છે કે સાથે સાથે “લશ્કરી તાલીમ” (Military Training) પણ આપવી જોઈએ જેથી જીવનમાં “ડિસિપ્લીન” ના પાઠ શીખવા મળે તથા બાળપણથી જ “બોડી ફિટનેશ” નો મંત્ર પણ અપનાવીએ…Best line of the article : “અનબીટેબલ : રાષ્ટ્રભક્તિ ગાવાની નહીં, જીવી બતાવવાની ભાવના છે”…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s