Masikdharma

Fulchhab newspaper > 25th Oct, 2017 > Navrash ni pal column.

 

આજના જમાનમાં આધુનિકા, શહેરી સ્ત્રીઓ બાપડી , બિચારી નથી જ. સમય પસાર કરવા કે નામ બનાવી દેવાના ચક્કરોમાં આ મુદ્દા ને વિવાદાસ્પદ બનાવવા કરતા જ્યાં જરૂર છે એવી ગામડાની સ્ત્રીઓના ઉદ્ધાર માટે કોઈ નક્કર પગલાં લઈને પરિણામ લાવવું વધુ આવકાર્ય.

 

માસિકધર્મઃ

 

પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,

બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.

 

-ખલીલ ધનતેજવી.

 

‘હા યાર, એ દિવસોની તો વાત જ ના કર.’ અને વિવિધાનું સુંદર – નમણું મોઢું જમાના આખાના દુઃખથી ભરાઇ ગયું.

‘આપણને સ્ત્રીઓને જ આવી તકલીફો કેમ પણ ? મને તો ભગવાનનો આ ન્યાય જ નથી સમજાતો. દુનિયા આખીની તાકાત પુરુષોને આપી અને સહન કરવાનું બધું આપણા પક્ષે ! આ કેવું ગણિત ? ઇશ્વર પુરુષ જ ને આખરે ?’

‘ઇશ્વર પુરુષ કે સ્ત્રી એ તો મને નથી ખબર રુપા, પણ આ અન્યાય અને તાકાતવાળી તારી વાત સાથે હું સો ટકા સહેમત. માસિક – ફાસિકના આ ચકરડાંમાં આપણે સ્ત્રીઓ મહિનાના પાંચ દિવસ કેવી હેરાન પરેશાન થઈ જઇએ છીએ. એક તો શરીરમાંથી આટલું લોહી વહી જાય, શારીરિક માનસિક તકલીફો થાય અને માંદા તો ના જ કહેવાઇએ એટલે રોજિંદા કામમાંથી છુટ્ટી પણ ના મળે. એ પાંચ દિવસ તો એવું મન થાય છે ને કે હું ખાટલામાં પડી રહું અને કોઇ મારા બેડમાં જ મને ચા નાસ્તો ને જમવાનું આપી જાય.’

‘તે વિવિધા, તું બહુ હેરાન થાય છે માસિક વખતે ?’

‘ના આમ તો ખાસ નહીં. થોડા પગ ને પેડું ખેંચાય ને દુઃખે.  વળી બે દિવસમાં તો મોટાભાગે બંધ જ થઈ જાય. તો ય આ તો પાંચ દહાડા બોલવાની ટેવ પડી ગઈ છે તે જતી નથી.’ અને ફોનની આ બાજુ વિવિધા અને પેલી બાજુ રુપા બે ય ખડખડાટ હસી પડયાં.

‘જો કે મારે પણ એવું જ છે. એક નિયમિત પ્રક્રિયાથી વધુ ખાસ કંઇ નથી મારા માટે આ. વળી આજકાલ તો આપણને સપોર્ટ કરનારા લોકો પણ વધી ગયા છે. જમાનો આપણી તકલીફો સાંભળતો, વાંચતો અને સમજતો થયો છે એટલે થોડી હમદર્દીનો ડોઝ પણ મળી રહે છે એ નફામાં. બાર તેર વર્ષથી લઈને આજે મને જો ને સાડત્રીસ વર્ષ થવા આવ્યાં. એટલે આટલા વર્ષોની પ્રેકટીસ થઈ ગઈ છે. હવે કંઇ ટેન્શનવાળું ના લાગે. ભગવાનની ક્રુપા બીજું શું?’

‘મારા સાસુને તો શાંતિ થવા આવી છે. લગભગ સાઈઠીએ પહોંચ્યા છે, હમણાં હમણાંનું એમને છ છ મહિને એક વાર માસિક આવે છે. ઇર્ષ્યા થાય એમની મને’ અને વિવિધાના મોઢા પર એ ઝેરીલી ઇર્ષ્યાના ભાવ તરવા લાગ્યાં.

‘ઓહો..એમને હજી માસિક આવે છે ? નવાઈ કહેવાય. બાકી તો આજના જમાનામાં ચાલીસ પચાસે તો બહુ થઈ ગયા.’

‘અરે હા, આપણાં પેલા મહિલામંડળના સદગુણાબેન છે એમને પણ હજી માસિક આવે છે.એમને પણ લગભગ સતાવન અઠ્ઠાવન થવા આવ્યાં છે. જોકે આ માસિક ચાલુ છે એટલે એમના રુપરંગ આ ઉંમરે પણ જળવાઈ રહ્યાં છે યાર. આ માસિક ના હોત તો આપણી સ્ત્રીઓના રુપરંગ  કેવા ઝંખવાઈ જાય નહીં. શરીર અદોદળું થઈ જાય. હે રામ, હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મારે પણ સાઇઠ પાંસઠ સુધી નિયમિત માસિક આવે.  પેલી કન્યાશાળામાં મારે આવતા અઠવાડીએ આ વિષય પર સ્પીચ આપવાની છે તો આમાંથી સારો એવો મસાલો ભેગો થઈ ગયો.’

અને  બે ય બાજુ ફરીથી હાસ્ય રેલાઇ ગયું.

આમ ને આમ માસિક્ચક્ર પર વાત કરતાં કરતાં વિવિધાએ ચા પણ પી લીધી હતી. લગભગ કલાક થવા આવ્યો, આઠ વાગવા આવ્યાં. હમણાં એનો પતિ સમીર ઓફિસેથી ઘરે આવી ચડશે, પણ એને કોઇ વાતની ફિકર નહતી. એ તો એમની વાતોના વડામાં મસ્ત હતી. વળી આજકાલ એને માસિકના દિવસો હતાં એટલે એને કોઇ પણ કામ બાબતે કોઇ કંઈ જ કહી શકે એમ નહતું. માસિકચક્ર એને દરેક બાબતમાં ‘ફેવર’ કરતું હતું. એને પણ સમય ખ્યાલ જ હતો પણ એ મનમાં જાણતી હતી કે એ હજી સુધી ઉભી નથી થઈ એટલે એના સાસુ ઉભા થશે જ અને કંઇક ને કંઇક રાંધી જ કાઢશે. એ બહાને ડોશીમા કંઇક તો હાથ પગ હલાવશે.

વિવિધાના સાસુ કલાકથી બે ય બહેનપણીઓનો બધો વાર્તાલાપ સાંભળી રહ્યાં હતાં. વળી વિવિધાનો તો આ દર મહિનાનો કાર્યક્રમ હતો. માસિકમાં હોય એટલે પલંગ પર લાંબા થઈને ટીવી જોયા કરવું અને બહેનપણીઓ સાથે ગપ્પાં મારવા. નારીશક્તિ કેમ વધારી શકાય એ વિશે ગહન ચર્ચાઓ કરવાની

એમને પણ લગભગ ચાર મહિના પછી આજે માસિક દેખાયું હતું. આ વખતે તો ખૂબ જ બ્લીડીંગ થતું હતું. ગાયનેક્ને બતાવતાં એમણે કહેલું કે જો આમ જ ચાલુ રહ્યું તો ગર્ભાશય કાઢી નાંખવું પડશે. એમના માટે માસિક એટલે ચર્ચા કરવાનો વિષય નહતો, એને એક પ્રાકૃતિક ઘટના સમજીને એની સાથે ચાલતા રહેવાનો અને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવાનો વિષય હતો. એમના વરને પણ એમણે ત્રણ ત્રણ તાવમાં કુટુંબના ભરણપોષણ માટે નોકરીએ જતાં જોયા હતાં અને એ પણ કોઇ જાતની લાચારી કે અહમ વિના. જવાબદારી હતી એ એમની. ઊભા થતાં પણ ચક્કર આવતા હતાં પણ ઉભા તો થવું જ પડશે. એ ઉભા નહીં થાય તો એમના દીકરાને આજે ફરીથી બહારથી ખાવાનું મંગાવીને ખાવું પડશે. આમ પણ એને ટ્રાવેલિંગ રહેતું હોવાથી ઘરનૂં ખાવાનું ખૂબ જ ઓછું નસીબ થતું. એમાં ય આવા ખાડા પાડવા એના કરતાં ધીમે ધીમે ભાખરી ને શાક તો બનાવી જ લેશે.  વાસ્તવિકતા અને ચર્ચાની જમીનનો ભેદ તેઓ બરાબર જાણતાં હતાં. જોકે વહુને આ ભેદ સમજાવવાનો કોઇ મતલબ નહતો. એ નારીવાદી, નારીશક્તિના નામે કાલે ઉઠીને એની સામે મોરચો કાઢે એમાંની હતી.  આ ઉંમરે એક તો શરીરમાં વિટામીન્સ, લોહીની કમી હતી. વળી હોર્મોંસ ‘ઇમબેલેંસ’ થવાના કારણે માનસિક રીતે પણ તેઓ બહુ જ હેરાન થતાં હતં પણ એ બધું બોલવાનો કોઇ મતલબ નહતો સરવાનો. આખરે હિંમત ભેગી કરીને ઉભા થઈને તેઓ રસોડામાં ગયા અને ભાખરીનો લોટ બાંધવા લાગ્યાં.

ફ્લેટની ગેલેરીમાં એક મહિનાનું છોકરું ઘરે રડતું મૂકીને આવેલી રાધા વાસણ ઘસી રહી હતી. એને માસિક વિશે ચર્ચા – બળવો કરવાનો , વિચારવાનો સહેજ પણ સમય નહતો. જીવવા માટે એને અને એના પતિને કામ કરવું અનિવાર્ય હતું. છોકરું રડે કે શરીર બગડે..યેન કેન પ્રકારેણ મહિનાના પંદર હજાર તો એમણે ભેગા કરવા  જ પડે નહીં તો ખોલીવાળો, અનાજ્વાળો, દૂધવાળો બધા વિફરી ઉઠે. માસિક ચાલુ હોય તો પણ મંદિરે જવું, આભડછેટથી દૂર રાખવી, પોતાની એક્સ્ટ્રા કાળજી લેવાવી જેવી વાતો સાથે એનો કોઇ લેવાદેવા નહતી ને એ સમજવા સમય વેડફવો પોસાય એમ પણ નહતો. એ બધામાં એના ઘરના ભૂખે મરી જાય, રસ્તા પર આવી જાય.

 

વિવિધાનો ફોન પતી ગયેલો પણ એણે એના સાસુને રસોડામાં જતા જોયા એને પોતાની જીત સમજીને ટીવીની ચેનલો ફેરવીને ઉત્સવ મનાવી રહી હતી.

 

અનબીટેબલઃ આ વખતે વાંચકો એમના વિચાર મને લખીને મોકલે આ વિષય પર. એ જ મારું આ વખતનું અનબીટેબલ!

ઇમેઇલ આઈડી તો છે જ, તો રાહ કોની જુઓ છો મિત્રો ? ખોલો લેપટોપ ને મોબાઈલ ને કરો ઇમેઇલ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s