Phoolchhab newspaper > Navrash ni pal column >11oct,2017.
દાઢનો દુઃખાવોઃ
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત.
-રમેશ પારેખ.
કૃપા ટીવીની સામે બેઠી બેઠી ચેનલ બદલ બદલ કરી રહી હતી. મન ક્યાંય એક જગ્યાએ ચોંટતું નહતું. અંદરખાને એને થોડી નવાઈ પણ લાગતી હતી કે,’આજે એને શું થઈ ગયું હતું ? આ બધી જ ચેનલો પર અમુક તો એના ખૂબ જ ગમતા પ્રોગ્રામ આવી રહ્યાં હતાં જે ઘણી વખત એ એકલી એકલી જોઇને પણ ખૂબ જોર જોરથી હસતી હતી અને પોતાની જાતની કંપની જ એંજોય કરતી હતી, એ કાર્યક્રમ આજે એના દિલને કેમ અડકતાં પણ નહતાં ?’ મગજમાં ક્યાંક કોઇ મોટું બખડજંતર ચાલી રહેલું, કોઇ પ્રક્રિયા ખોટી થઈ રહી હતી. બાકી એ તો ખૂબ જ ખુશખુશાલ, મિલનસાર વ્યક્તિ હતી. ‘કંટાળો’ એટલે શું વળી? આ શબ્દની એને લગભગ એલર્જી હતી. પણ આજે એ કંટાળાના અજગરે એને પોતાના ભરડામાં લીધી હતી અને એ એ નાગચૂડમાંથી છૂટવા ફાંફાં મારતી હતી.
આખરે ટીવી બંધ કરીને એ પદ્યાસન વાળીને આંખો બંધ કરી, બે હથેળી ગોઠણ પર મૂકી મુદ્રામાં આંગળી વાળીને શાંતિથી બેસી ગઈ. આ એનો છેલ્લો ઉપાય હતો આ ફેલ જાય તો..તો.. ને કૃપાએ નકારાત્મક વિચારોને ઝાટકો મારીને ખંખેરી લીધા.
કૃપા એક આધુનિક, સ્વતંત્ર – પોતાનો નાનો એવો બિઝનેસ કરનારી નારી.
શાંતિથી બેઠા બેઠા એ પોતાની સાચી સમસ્યા સમજ્વા પ્રયાસ કરતી હતી અને અચાનક જ એના મગજમાં ટ્યુબલાઈટ થઈ.
‘ઓહ..તો આ વાત છે.’
વાત જાણે એમ હતી કે કૃપાને છેલ્લાં છ મહિનાથી ડહાપણની દાઢ બહુ જ હેરાન કરતી હતી. એ દાંતના ડોકટર પાસે ્ગઈ તો એમણે એ દાઢને ઓપરેટ્ કરીને કાઢી નાંખવી પડશે એમ કહ્યું હતું અને આ ‘ઓપરેટ’ શબ્દથી કૃપાના મોતિયા મરી ગયા હતાં. એણે ઘરે આવીને પોતાના પતિ વરુણને આ વાત કહી અને સાથે એમ પણ કહ્યું કે,’આવતા મહિનામાં એકાદ દિવસ સેટ કરીને તું મારી સાથે દવાખાને આવજે, કારણકે એકલાં જવાની મારી હિંમત નથી.’
અને વરુણ આ વાત સાંભળીને હસી પડ્યો.
‘અરે મારી વ્હાલુડી, તું આટલી હિંમતવાળી છું ને આજે આવી વાતો કેમ કરે છે?’
‘ઇન શોર્ટ તું મારી સાથે નહીં આવે એમ જ ને?’
‘અરે, એવું ક્યાં કહ્યું છે ?’
ને વાત ત્યાંથી આડા પાટે ફંટાઈ ગઈ. દંપતિ સમજુ હતું એટલે વાત ‘સેચ્યુરેશન પોઈંટ’ પર પહોંચે એ પહેલાં જ સચેત થઈને ચૂપ થઈ ગયાં.
એ પછી કૃપાને અનેક નાની નાની શારીરિક તકલીફ થતી તો પણ વરુણની યાદ આવતી અને વિચારતી કે,’એ કેમ મારી સાથે ના આવે? એ મને પ્રેમ જ નથી કરતો કે? એને મારી કોઇ દરકાર જ નથી ?’ અને એ પછી એની જાણ બહાર જ એના મનમાં એક પછી એક ગાંઠ બંધાતી ચાલી અને એ પોતાની દરેક શારીરિક તકલીફને અવગણવા લાગી હતી. વરુણ સાથે સમસ્યા વિશે વાત કરે અને વરુણ એના કામના ટેન્શનમાં એટલું બધું ધ્યાન ના આપે. હા એ હા કરી લે. આ વાતથી કૃપા વધુ અકળાતી.
‘જ્યાં સુધી વરૂણ મને ડોકટર પાસે લઈ જશે નહીં ત્યાં સુધી હું હવે ડોકટર પાસે જઈશ જ નહીં. જે થવું હોય એ થાય. જોઉં તો ખરી એ ક્યાં સુધી મારી તબિયત સામે આંખ આડા કાન કરે છે ?’
શારીરિક તકલીફો નાની નાની હોય ને ધ્યાન ન અપાતા વધતી ચાલી હતી અને વળી કૃપા’આ જે થાય છે એ બધાનું કારણ વરુણ જ છે’ વિચારી વિચારીને મનોમન વરુણ પર અકળાતી રહેતી. વાત રહી વરુણની તો એને તો આ આખી રામાયણની કશી જ ખબર નહતી. આમ પણ કૃપા અત્યાર સુધી પોતાના દરેક કામ પોતાની રીતે સફળતાથી પૂરા કરી લેતી હતી એટલે એના મગજમાં આવી વાત ‘કલીક’ જ નહતી થતી.
આજકાલ કૃપાને દાઢ વધુ પડ્તી દુખતી હતી, વાંકી ઉગવાના કારણે એને ખોરાક ચાવતાં ચાવતાં એ દાંત જડબાની ચામડી સાથે ઘસાતો અને છોલાઈને ત્યાં ચાંદી પડી ગયેલી હતી. બોલવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હતી. બીજી બાજુ થોડું ઘણું ચાવી ચાવીને કામ ચલાવતી કૃપાને દુકાળમાં અધિક માસની જેમ એ બીજી બાજુનો છેલ્લો દાંત ખોરાકમાં કાંકરો આવવાના કારણે અડધો તૂટી ગયો. ત્યાં પાણી પણ અડતું તો લબકારા મારતાં. ખરી તકલીફ થઈ ગઈ હતી – હવે?
ખાવાનું ખાવું કેવી રીતે ?
ટણી બહુ હતી, વરૂણને કશું કહેવું જ નથી, ભલે બધું સહન કરવું પડે. વરૂણને મોઢેથી બોલીને કહી શકાય એમ નહતું એથી હવે કૃપા છેલ્લાં અઠવાડિયાથી લીકવીડ ખોરાક પર વધુ મારો રાખતી. એને એમ કે એના ડાયેટના આ ફેરફારથી વરુણ ચમકશે અને કારણ પૂછશે. પણ ના…એવું કશું જ ના થયું. બફારામાં ઓર ઉકળાટ ભળ્યો !
બોલાતું નહતું અન સહેવાતું પણ નહતું.
અચાનક ડોરબેલ વાગ્યો અને કૃપાની વિચારધારા અટકી ગઈ. વરુણ જ હતો.
‘હાય ડાર્લિંગ, આજે ઘરે કંઇ ના રાંધીશ, ‘બાબલાં’નું નોનવેજ ખાવા જઈએ.’ સોફામાં લંબાવતા વરુણ બોલ્યો.
‘નોનવેજ !’
અને ક્રુપાના અવાજમાં ના ઇચ્છવા છતાં વ્યંગનો રંગ ભળી ગયો.
‘હા નોનવેજ. કેમ શું થયું? તને તો નોનવેજ બહુ ભાવે છે ને.’
‘હા પણ એ નોનવેજ ચાવ ચાવ કરવાનું હોય ને ?’
‘હા..હા..શું તું પણ. કેવી બાલિશ વાત કરે છે ? ચાવવાનું તો હોય જ ને.’
‘ને મારી બે ય બાજુની દાઢ મને ખૂબ જ હેરાન કરે છે. છેલ્લાં અઠવાડિયાથી હું લગભગ લીકવીડ ડાયેટ પર છું, એ વાતનો સાહેબને ખ્યાલ સુધ્ધાં છે ?’
‘ઓહ..એ તો મને એમ કે આજકાલ ગરમી વધુ છે તો એના કારણે તું લીકવીડ વધારે લે છે. આ દાઢનો દુઃખાવો છે એ વાત તો ખ્યાલ જ નથી. ડોકટર પાસે કેમ નથી ગઈ ?’
અને કૃપાની કમાન છટકી.
‘મેં તને પહેલાં પણ કહેલું કે તું નહીં આવે ત્યાં સુધી હું ડોકટર પાસે નહીં જ જઉં,મારે જાણવું છે કે તું મારી તબિયતની કેટલી ચિંતા કરે છે. તને સમય મળે તો ઠીક નહીં તો હું આમ ને આમ બોખી થઈ જઈશ. એની જાતે એક પછી એક દાંત પડશે એ તો.’
‘કૃપા, આ તું બોલે છે ? મારી મોર્ડન વાઈફ ?’
‘હા. મોર્ડન છું તો શું થયું ? મને મારો વર મારી ચિંતા કરે, ધ્યાન રાખે એ બહુ જ પસંદ છે.’
‘એવું ના કર. તું આટલી મજબૂત થઈને આવું કેમ વિચારે છે ? મારા ધ્યાનમાં જ આ વાત ના આવી કારણ કે તું તારા દરેક કામ તારી રીતે પૂરી સફળતાથી પતાવી જ લે છે. હું મારા મિત્રોને તારું ઉદાહરણ આપું છું કે મારે તારા રહેતાં ઘર, સમાજ કે છોકરાંઓ પ્રત્યે પણ ખાસ ધ્યાન આપવાનું ના રહેતું હોવાથી ધંધામાં પૂરતો સમય આપી શકું છું અને મારી એ મજબૂત પત્ની આવું વિચારે ? આજકાલ સ્ત્રી સશક્તિકરણનો વાયરો ફૂંકાય છે ત્યાં અનેક આધુનિક નારીઓ અનેક લેકચર આપે છે પણ પોતાની જાત પર દરેક પાસાથી નિર્ભર કેવી રીતે રહેવું એ વાત કહેવાય છે પણ ત્યાં પણ આ તેં કહી એ તકલીફવાળી વાત નથી કહેવાઇ. તારામાં આત્મ્વિશ્વાસ, સમજની કોઇ કમી નથી તો પછી આવી નાની શી સમસ્યા માટે તું માર પર નિર્ભર કેમ છે ડીઅર ? કાલે ઉઠીને હું નહીં હોઉં ર્તો તું શું કરીશ ?’
‘આવું ના બોલ વરુણ.’ અને ક્રુપાએ પોતાની ગુલાબી હથેળી વરુણના હોઠ પર મૂકી દીધી ને એક પળમાં તો એની આંખ છલકાઈ પણ ગઈ.
‘હું કાલે જ દાંતના ડોકટરની અપોઈન્ટમેંટ લઈ લઉં છું પગલી ને કાલે સવારે જ આપણે એમને મળી આવીએ. ઓકે.’ એની ભીની પાંપણ પર મ્રુદુતાથી હથેળી ફેરવતાં વરુણ બોલ્યો.
‘ના વરુણ, ચાલશે. યુ નો, મને છેલ્લાં બે વર્ષથી તારા મોઢેથી આ એક જ વાક્ય મકકમ નિર્ણય સાથે સાંભળવું હતું.બાકી ડોકટર પાસે કે દુનિયાના બીજા છેડે પહોંચવા પણ તારી આ બૈરીને કોઇની જરુર નથી એ વાત તું બખૂબી જાણે જ છે.’
‘દુનિયાના બીજા છેડે તું એકલી જજે પણ ડોકટર પાસે તો હું જ લઈ જઈશ’ બાકીનું વાકય,
‘તમને સ્ત્રીઓને ઓળખવામાં ભલભલા થાપ ખાઇ જાય તો મારું શું ગજુ ?’ મનોમન બોલીને જ વરુણ હસી પડ્યો.
‘ઓકે, એવું રાખીએ’ ને બાકીનું વાક્ય,
‘ તમને પુરુષોને પૈસા કમાવામાંથી ફુરસદ જ નથી મળતી એટલે અમારે સ્ત્રીઓને નાછૂટકે આવા નખરાં કરવાં જ પડે છે.’ મનોમન બોલીને પોતાની જીત પર મનોમન ક્રુપા પોરસાઈ.
ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.
અનબીટેબલઃ જીવન નામની વાનગીમાં દરેક ઘટનાના સ્વાદનું પોતાનું એક આગવું મહત્વ જ હોય છે.
સ્નેહા પટેલ
સરસ લેખ…લેખની શરૂઆતમાં રમેશ પારેખની અદ્ભુત અને અર્થસભર રચના…પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડા ખાટા-મીઠા-તીખા-તુરા હોય ત્યાં સુધી વાંધો નહી, પણ તેમાં કડવાશ ન ભળે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ…(અમુક માત્રામાં કડવાશ શરીર માટે એટલે કે સ્વાસ્થય માટે સારી પણ સંબંધ માટે નહીં…) પતિ એમ સમજે કે પત્ની (સ્ત્રી) ને ક્યારેય ન સમજી શકાય…પત્ની એમ સમજે કે પતિ (પુરૂષ) ને ક્યારેય ન સમજી શકાય…આમ સમજીને બંને રાજી થાય કાંતો અસમંજસ માં પડી જાય…સ્ત્રીઓ ગમે તેટલી આધુનિક (મોર્ડન) ભલે હોય પણ પોતે લાગણીશીલ અને પ્રેમાળ હોય છે…એક સ્ત્રીની પ્રાથમિકતા હંમેશા તેનો પતિ તથા પરીવાર હોય છે, સ્ત્રી હંમેશા પોતાના પતિ અને પરિવારનો સાથ-પ્રેમ ઝંખતી હોય છે અને પોતાના પતિ તથા પરિવાર દ્વારા તેની કાળજી લેવામાં આવે એવું મનોમન હંમેશા ઈચ્છતી હોય છે, એટલી સરળ વાત ઘણીવાર પરિવાર તથા સમાજ નથી સમજી શકતો…”અનબીટેબલ” થોડામાં ઘણું કહી જાય છે…
LikeLiked by 1 person
thank you amitbhai.
LikeLike