Masikdharma


Fulchhab newspaper > 25th Oct, 2017 > Navrash ni pal column.

 

આજના જમાનમાં આધુનિકા, શહેરી સ્ત્રીઓ બાપડી , બિચારી નથી જ. સમય પસાર કરવા કે નામ બનાવી દેવાના ચક્કરોમાં આ મુદ્દા ને વિવાદાસ્પદ બનાવવા કરતા જ્યાં જરૂર છે એવી ગામડાની સ્ત્રીઓના ઉદ્ધાર માટે કોઈ નક્કર પગલાં લઈને પરિણામ લાવવું વધુ આવકાર્ય.

 

માસિકધર્મઃ

 

પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,

બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.

 

-ખલીલ ધનતેજવી.

 

‘હા યાર, એ દિવસોની તો વાત જ ના કર.’ અને વિવિધાનું સુંદર – નમણું મોઢું જમાના આખાના દુઃખથી ભરાઇ ગયું.

‘આપણને સ્ત્રીઓને જ આવી તકલીફો કેમ પણ ? મને તો ભગવાનનો આ ન્યાય જ નથી સમજાતો. દુનિયા આખીની તાકાત પુરુષોને આપી અને સહન કરવાનું બધું આપણા પક્ષે ! આ કેવું ગણિત ? ઇશ્વર પુરુષ જ ને આખરે ?’

‘ઇશ્વર પુરુષ કે સ્ત્રી એ તો મને નથી ખબર રુપા, પણ આ અન્યાય અને તાકાતવાળી તારી વાત સાથે હું સો ટકા સહેમત. માસિક – ફાસિકના આ ચકરડાંમાં આપણે સ્ત્રીઓ મહિનાના પાંચ દિવસ કેવી હેરાન પરેશાન થઈ જઇએ છીએ. એક તો શરીરમાંથી આટલું લોહી વહી જાય, શારીરિક માનસિક તકલીફો થાય અને માંદા તો ના જ કહેવાઇએ એટલે રોજિંદા કામમાંથી છુટ્ટી પણ ના મળે. એ પાંચ દિવસ તો એવું મન થાય છે ને કે હું ખાટલામાં પડી રહું અને કોઇ મારા બેડમાં જ મને ચા નાસ્તો ને જમવાનું આપી જાય.’

‘તે વિવિધા, તું બહુ હેરાન થાય છે માસિક વખતે ?’

‘ના આમ તો ખાસ નહીં. થોડા પગ ને પેડું ખેંચાય ને દુઃખે.  વળી બે દિવસમાં તો મોટાભાગે બંધ જ થઈ જાય. તો ય આ તો પાંચ દહાડા બોલવાની ટેવ પડી ગઈ છે તે જતી નથી.’ અને ફોનની આ બાજુ વિવિધા અને પેલી બાજુ રુપા બે ય ખડખડાટ હસી પડયાં.

‘જો કે મારે પણ એવું જ છે. એક નિયમિત પ્રક્રિયાથી વધુ ખાસ કંઇ નથી મારા માટે આ. વળી આજકાલ તો આપણને સપોર્ટ કરનારા લોકો પણ વધી ગયા છે. જમાનો આપણી તકલીફો સાંભળતો, વાંચતો અને સમજતો થયો છે એટલે થોડી હમદર્દીનો ડોઝ પણ મળી રહે છે એ નફામાં. બાર તેર વર્ષથી લઈને આજે મને જો ને સાડત્રીસ વર્ષ થવા આવ્યાં. એટલે આટલા વર્ષોની પ્રેકટીસ થઈ ગઈ છે. હવે કંઇ ટેન્શનવાળું ના લાગે. ભગવાનની ક્રુપા બીજું શું?’

‘મારા સાસુને તો શાંતિ થવા આવી છે. લગભગ સાઈઠીએ પહોંચ્યા છે, હમણાં હમણાંનું એમને છ છ મહિને એક વાર માસિક આવે છે. ઇર્ષ્યા થાય એમની મને’ અને વિવિધાના મોઢા પર એ ઝેરીલી ઇર્ષ્યાના ભાવ તરવા લાગ્યાં.

‘ઓહો..એમને હજી માસિક આવે છે ? નવાઈ કહેવાય. બાકી તો આજના જમાનામાં ચાલીસ પચાસે તો બહુ થઈ ગયા.’

‘અરે હા, આપણાં પેલા મહિલામંડળના સદગુણાબેન છે એમને પણ હજી માસિક આવે છે.એમને પણ લગભગ સતાવન અઠ્ઠાવન થવા આવ્યાં છે. જોકે આ માસિક ચાલુ છે એટલે એમના રુપરંગ આ ઉંમરે પણ જળવાઈ રહ્યાં છે યાર. આ માસિક ના હોત તો આપણી સ્ત્રીઓના રુપરંગ  કેવા ઝંખવાઈ જાય નહીં. શરીર અદોદળું થઈ જાય. હે રામ, હું તો ભગવાનને પ્રાર્થના કરીશ કે મારે પણ સાઇઠ પાંસઠ સુધી નિયમિત માસિક આવે.  પેલી કન્યાશાળામાં મારે આવતા અઠવાડીએ આ વિષય પર સ્પીચ આપવાની છે તો આમાંથી સારો એવો મસાલો ભેગો થઈ ગયો.’

અને  બે ય બાજુ ફરીથી હાસ્ય રેલાઇ ગયું.

આમ ને આમ માસિક્ચક્ર પર વાત કરતાં કરતાં વિવિધાએ ચા પણ પી લીધી હતી. લગભગ કલાક થવા આવ્યો, આઠ વાગવા આવ્યાં. હમણાં એનો પતિ સમીર ઓફિસેથી ઘરે આવી ચડશે, પણ એને કોઇ વાતની ફિકર નહતી. એ તો એમની વાતોના વડામાં મસ્ત હતી. વળી આજકાલ એને માસિકના દિવસો હતાં એટલે એને કોઇ પણ કામ બાબતે કોઇ કંઈ જ કહી શકે એમ નહતું. માસિકચક્ર એને દરેક બાબતમાં ‘ફેવર’ કરતું હતું. એને પણ સમય ખ્યાલ જ હતો પણ એ મનમાં જાણતી હતી કે એ હજી સુધી ઉભી નથી થઈ એટલે એના સાસુ ઉભા થશે જ અને કંઇક ને કંઇક રાંધી જ કાઢશે. એ બહાને ડોશીમા કંઇક તો હાથ પગ હલાવશે.

વિવિધાના સાસુ કલાકથી બે ય બહેનપણીઓનો બધો વાર્તાલાપ સાંભળી રહ્યાં હતાં. વળી વિવિધાનો તો આ દર મહિનાનો કાર્યક્રમ હતો. માસિકમાં હોય એટલે પલંગ પર લાંબા થઈને ટીવી જોયા કરવું અને બહેનપણીઓ સાથે ગપ્પાં મારવા. નારીશક્તિ કેમ વધારી શકાય એ વિશે ગહન ચર્ચાઓ કરવાની

એમને પણ લગભગ ચાર મહિના પછી આજે માસિક દેખાયું હતું. આ વખતે તો ખૂબ જ બ્લીડીંગ થતું હતું. ગાયનેક્ને બતાવતાં એમણે કહેલું કે જો આમ જ ચાલુ રહ્યું તો ગર્ભાશય કાઢી નાંખવું પડશે. એમના માટે માસિક એટલે ચર્ચા કરવાનો વિષય નહતો, એને એક પ્રાકૃતિક ઘટના સમજીને એની સાથે ચાલતા રહેવાનો અને પોતાની જવાબદારીઓ પૂર્ણ કરવાનો વિષય હતો. એમના વરને પણ એમણે ત્રણ ત્રણ તાવમાં કુટુંબના ભરણપોષણ માટે નોકરીએ જતાં જોયા હતાં અને એ પણ કોઇ જાતની લાચારી કે અહમ વિના. જવાબદારી હતી એ એમની. ઊભા થતાં પણ ચક્કર આવતા હતાં પણ ઉભા તો થવું જ પડશે. એ ઉભા નહીં થાય તો એમના દીકરાને આજે ફરીથી બહારથી ખાવાનું મંગાવીને ખાવું પડશે. આમ પણ એને ટ્રાવેલિંગ રહેતું હોવાથી ઘરનૂં ખાવાનું ખૂબ જ ઓછું નસીબ થતું. એમાં ય આવા ખાડા પાડવા એના કરતાં ધીમે ધીમે ભાખરી ને શાક તો બનાવી જ લેશે.  વાસ્તવિકતા અને ચર્ચાની જમીનનો ભેદ તેઓ બરાબર જાણતાં હતાં. જોકે વહુને આ ભેદ સમજાવવાનો કોઇ મતલબ નહતો. એ નારીવાદી, નારીશક્તિના નામે કાલે ઉઠીને એની સામે મોરચો કાઢે એમાંની હતી.  આ ઉંમરે એક તો શરીરમાં વિટામીન્સ, લોહીની કમી હતી. વળી હોર્મોંસ ‘ઇમબેલેંસ’ થવાના કારણે માનસિક રીતે પણ તેઓ બહુ જ હેરાન થતાં હતં પણ એ બધું બોલવાનો કોઇ મતલબ નહતો સરવાનો. આખરે હિંમત ભેગી કરીને ઉભા થઈને તેઓ રસોડામાં ગયા અને ભાખરીનો લોટ બાંધવા લાગ્યાં.

ફ્લેટની ગેલેરીમાં એક મહિનાનું છોકરું ઘરે રડતું મૂકીને આવેલી રાધા વાસણ ઘસી રહી હતી. એને માસિક વિશે ચર્ચા – બળવો કરવાનો , વિચારવાનો સહેજ પણ સમય નહતો. જીવવા માટે એને અને એના પતિને કામ કરવું અનિવાર્ય હતું. છોકરું રડે કે શરીર બગડે..યેન કેન પ્રકારેણ મહિનાના પંદર હજાર તો એમણે ભેગા કરવા  જ પડે નહીં તો ખોલીવાળો, અનાજ્વાળો, દૂધવાળો બધા વિફરી ઉઠે. માસિક ચાલુ હોય તો પણ મંદિરે જવું, આભડછેટથી દૂર રાખવી, પોતાની એક્સ્ટ્રા કાળજી લેવાવી જેવી વાતો સાથે એનો કોઇ લેવાદેવા નહતી ને એ સમજવા સમય વેડફવો પોસાય એમ પણ નહતો. એ બધામાં એના ઘરના ભૂખે મરી જાય, રસ્તા પર આવી જાય.

 

વિવિધાનો ફોન પતી ગયેલો પણ એણે એના સાસુને રસોડામાં જતા જોયા એને પોતાની જીત સમજીને ટીવીની ચેનલો ફેરવીને ઉત્સવ મનાવી રહી હતી.

 

અનબીટેબલઃ આ વખતે વાંચકો એમના વિચાર મને લખીને મોકલે આ વિષય પર. એ જ મારું આ વખતનું અનબીટેબલ!

ઇમેઇલ આઈડી તો છે જ, તો રાહ કોની જુઓ છો મિત્રો ? ખોલો લેપટોપ ને મોબાઈલ ને કરો ઇમેઇલ.

Dadh no dukhavo


Phoolchhab newspaper > Navrash ni pal column >11oct,2017.

દાઢનો દુઃખાવોઃ

 

શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?

અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત.

-રમેશ પારેખ.

 

કૃપા ટીવીની સામે બેઠી બેઠી ચેનલ બદલ બદલ કરી રહી હતી. મન ક્યાંય એક જગ્યાએ ચોંટતું નહતું. અંદરખાને એને થોડી નવાઈ પણ લાગતી હતી કે,’આજે એને શું થઈ ગયું હતું ? આ બધી જ ચેનલો પર અમુક તો એના ખૂબ જ ગમતા પ્રોગ્રામ આવી રહ્યાં હતાં જે ઘણી વખત એ એકલી એકલી જોઇને પણ ખૂબ જોર જોરથી હસતી હતી અને પોતાની જાતની કંપની જ એંજોય કરતી હતી, એ કાર્યક્રમ આજે એના દિલને કેમ અડકતાં પણ નહતાં ?’ મગજમાં ક્યાંક કોઇ મોટું બખડજંતર ચાલી રહેલું, કોઇ પ્રક્રિયા ખોટી થઈ રહી હતી. બાકી એ તો ખૂબ જ ખુશખુશાલ, મિલનસાર  વ્યક્તિ હતી. ‘કંટાળો’ એટલે શું વળી? આ શબ્દની એને લગભગ એલર્જી હતી. પણ આજે એ કંટાળાના અજગરે એને પોતાના ભરડામાં લીધી હતી અને એ એ નાગચૂડમાંથી છૂટવા ફાંફાં મારતી હતી.

આખરે ટીવી બંધ કરીને એ પદ્યાસન વાળીને આંખો બંધ કરી, બે હથેળી ગોઠણ પર મૂકી મુદ્રામાં આંગળી વાળીને શાંતિથી બેસી ગઈ. આ એનો છેલ્લો ઉપાય હતો આ ફેલ જાય તો..તો..  ને કૃપાએ નકારાત્મક વિચારોને ઝાટકો મારીને ખંખેરી લીધા.

કૃપા એક આધુનિક, સ્વતંત્ર – પોતાનો નાનો એવો બિઝનેસ કરનારી નારી.

શાંતિથી બેઠા બેઠા એ પોતાની સાચી સમસ્યા સમજ્વા પ્રયાસ કરતી હતી અને અચાનક જ એના મગજમાં ટ્યુબલાઈટ થઈ.

‘ઓહ..તો આ વાત છે.’

વાત જાણે એમ હતી કે કૃપાને છેલ્લાં છ મહિનાથી ડહાપણની દાઢ બહુ જ હેરાન કરતી હતી. એ દાંતના ડોકટર પાસે ્ગઈ તો એમણે એ દાઢને ઓપરેટ્ કરીને કાઢી નાંખવી પડશે એમ કહ્યું હતું અને આ ‘ઓપરેટ’ શબ્દથી કૃપાના મોતિયા મરી ગયા હતાં. એણે ઘરે આવીને પોતાના પતિ વરુણને આ વાત કહી અને સાથે એમ પણ કહ્યું કે,’આવતા મહિનામાં એકાદ દિવસ સેટ કરીને તું મારી સાથે દવાખાને આવજે, કારણકે એકલાં જવાની મારી હિંમત નથી.’

અને વરુણ આ વાત સાંભળીને હસી પડ્યો.

‘અરે મારી વ્હાલુડી, તું આટલી હિંમતવાળી છું ને આજે આવી વાતો કેમ કરે છે?’

‘ઇન શોર્ટ તું મારી સાથે નહીં આવે એમ જ ને?’

‘અરે, એવું ક્યાં કહ્યું છે ?’

ને વાત ત્યાંથી આડા પાટે ફંટાઈ ગઈ. દંપતિ સમજુ હતું એટલે  વાત ‘સેચ્યુરેશન પોઈંટ’ પર પહોંચે એ પહેલાં જ સચેત થઈને ચૂપ થઈ ગયાં.

એ પછી કૃપાને અનેક નાની નાની શારીરિક તકલીફ થતી તો પણ વરુણની યાદ આવતી અને વિચારતી કે,’એ કેમ મારી સાથે ના આવે? એ મને પ્રેમ જ નથી કરતો કે? એને મારી કોઇ દરકાર જ નથી ?’ અને એ પછી એની જાણ બહાર જ એના મનમાં એક પછી એક ગાંઠ બંધાતી ચાલી અને એ પોતાની દરેક શારીરિક તકલીફને અવગણવા લાગી હતી. વરુણ સાથે સમસ્યા વિશે વાત કરે અને વરુણ એના કામના ટેન્શનમાં એટલું બધું ધ્યાન ના આપે. હા એ હા કરી લે. આ વાતથી કૃપા વધુ અકળાતી.

‘જ્યાં સુધી વરૂણ મને ડોકટર પાસે લઈ જશે નહીં ત્યાં સુધી હું હવે ડોકટર પાસે જઈશ જ નહીં. જે થવું હોય એ થાય. જોઉં તો ખરી એ ક્યાં સુધી મારી તબિયત સામે આંખ આડા કાન કરે છે ?’

શારીરિક તકલીફો નાની નાની હોય ને ધ્યાન ન અપાતા વધતી ચાલી હતી અને વળી કૃપા’આ જે થાય છે એ બધાનું કારણ વરુણ જ છે’ વિચારી વિચારીને મનોમન વરુણ પર અકળાતી રહેતી. વાત  રહી વરુણની તો એને તો આ આખી રામાયણની કશી જ ખબર નહતી. આમ પણ કૃપા અત્યાર સુધી પોતાના દરેક કામ પોતાની રીતે સફળતાથી પૂરા કરી લેતી હતી એટલે એના મગજમાં આવી વાત ‘કલીક’ જ નહતી થતી.

આજકાલ કૃપાને દાઢ વધુ પડ્તી દુખતી હતી, વાંકી ઉગવાના કારણે એને ખોરાક ચાવતાં ચાવતાં એ દાંત જડબાની ચામડી સાથે ઘસાતો અને છોલાઈને ત્યાં ચાંદી પડી ગયેલી હતી. બોલવામાં પણ ઘણી વખત તકલીફ પડતી હતી. બીજી બાજુ થોડું ઘણું ચાવી ચાવીને કામ ચલાવતી કૃપાને દુકાળમાં અધિક માસની જેમ એ બીજી બાજુનો છેલ્લો દાંત ખોરાકમાં કાંકરો આવવાના કારણે અડધો તૂટી ગયો. ત્યાં પાણી પણ અડતું તો લબકારા મારતાં. ખરી તકલીફ થઈ ગઈ હતી – હવે?

ખાવાનું ખાવું કેવી રીતે ?

ટણી બહુ હતી, વરૂણને કશું કહેવું જ નથી, ભલે બધું સહન કરવું પડે. વરૂણને મોઢેથી બોલીને કહી શકાય એમ નહતું એથી હવે કૃપા છેલ્લાં અઠવાડિયાથી લીકવીડ ખોરાક પર વધુ મારો રાખતી. એને એમ કે એના ડાયેટના આ ફેરફારથી વરુણ ચમકશે અને કારણ પૂછશે. પણ ના…એવું કશું જ ના થયું. બફારામાં ઓર ઉકળાટ ભળ્યો !

બોલાતું નહતું અન સહેવાતું પણ નહતું.

અચાનક ડોરબેલ વાગ્યો અને કૃપાની વિચારધારા અટકી ગઈ. વરુણ જ હતો.

‘હાય ડાર્લિંગ, આજે ઘરે કંઇ ના રાંધીશ, ‘બાબલાં’નું નોનવેજ ખાવા જઈએ.’ સોફામાં લંબાવતા વરુણ બોલ્યો.

‘નોનવેજ !’

અને ક્રુપાના અવાજમાં ના ઇચ્છવા છતાં વ્યંગનો રંગ ભળી ગયો.

‘હા નોનવેજ. કેમ શું થયું? તને તો નોનવેજ બહુ ભાવે છે ને.’

‘હા પણ એ નોનવેજ ચાવ ચાવ કરવાનું હોય ને ?’

‘હા..હા..શું તું પણ. કેવી બાલિશ વાત કરે છે ? ચાવવાનું તો હોય જ ને.’

‘ને મારી બે ય બાજુની દાઢ મને ખૂબ જ હેરાન કરે છે. છેલ્લાં અઠવાડિયાથી હું લગભગ લીકવીડ ડાયેટ પર છું, એ વાતનો સાહેબને ખ્યાલ સુધ્ધાં છે ?’

‘ઓહ..એ તો મને એમ કે આજકાલ ગરમી વધુ છે તો એના કારણે તું લીકવીડ વધારે લે છે. આ દાઢનો દુઃખાવો છે એ વાત તો ખ્યાલ જ નથી. ડોકટર પાસે કેમ નથી ગઈ ?’

અને કૃપાની કમાન છટકી.

‘મેં તને પહેલાં પણ કહેલું કે તું નહીં આવે ત્યાં સુધી હું ડોકટર પાસે નહીં જ જઉં,મારે જાણવું છે કે તું મારી તબિયતની કેટલી ચિંતા કરે છે. તને સમય મળે તો ઠીક નહીં તો હું આમ ને આમ બોખી થઈ જઈશ. એની જાતે એક પછી એક દાંત પડશે એ તો.’

‘કૃપા, આ તું બોલે છે ? મારી મોર્ડન વાઈફ ?’

‘હા. મોર્ડન છું તો શું થયું ? મને મારો વર મારી ચિંતા કરે, ધ્યાન રાખે એ બહુ જ પસંદ છે.’

‘એવું ના કર. તું આટલી મજબૂત થઈને આવું કેમ વિચારે છે ? મારા ધ્યાનમાં જ આ વાત ના આવી કારણ કે તું તારા દરેક કામ તારી રીતે પૂરી સફળતાથી પતાવી જ લે છે. હું મારા મિત્રોને તારું ઉદાહરણ આપું છું કે મારે તારા રહેતાં ઘર, સમાજ કે છોકરાંઓ પ્રત્યે પણ ખાસ ધ્યાન આપવાનું ના રહેતું હોવાથી ધંધામાં પૂરતો સમય આપી શકું છું અને મારી એ મજબૂત પત્ની આવું વિચારે ? આજકાલ સ્ત્રી સશક્તિકરણનો વાયરો ફૂંકાય છે ત્યાં અનેક આધુનિક નારીઓ અનેક લેકચર આપે છે પણ પોતાની જાત પર દરેક પાસાથી નિર્ભર કેવી રીતે રહેવું એ વાત કહેવાય છે પણ ત્યાં પણ આ તેં કહી એ તકલીફવાળી વાત નથી કહેવાઇ. તારામાં આત્મ્વિશ્વાસ, સમજની કોઇ કમી નથી તો પછી આવી નાની શી સમસ્યા માટે તું માર પર નિર્ભર કેમ છે ડીઅર ? કાલે ઉઠીને હું નહીં હોઉં ર્તો તું શું કરીશ ?’

‘આવું ના બોલ વરુણ.’ અને ક્રુપાએ પોતાની ગુલાબી હથેળી વરુણના હોઠ પર મૂકી દીધી ને એક પળમાં તો એની આંખ છલકાઈ પણ ગઈ.

‘હું કાલે જ દાંતના ડોકટરની અપોઈન્ટમેંટ લઈ લઉં છું પગલી ને કાલે સવારે જ આપણે એમને મળી આવીએ. ઓકે.’ એની ભીની પાંપણ પર મ્રુદુતાથી હથેળી ફેરવતાં વરુણ બોલ્યો.

‘ના વરુણ, ચાલશે. યુ નો, મને છેલ્લાં બે વર્ષથી તારા મોઢેથી આ એક જ વાક્ય મકકમ નિર્ણય સાથે સાંભળવું હતું.બાકી ડોકટર પાસે કે દુનિયાના બીજા છેડે પહોંચવા પણ તારી આ બૈરીને કોઇની જરુર નથી એ વાત તું બખૂબી જાણે જ છે.’

‘દુનિયાના બીજા છેડે તું એકલી જજે પણ ડોકટર પાસે તો હું જ લઈ જઈશ’ બાકીનું વાકય,

‘તમને સ્ત્રીઓને ઓળખવામાં ભલભલા થાપ ખાઇ જાય તો મારું શું ગજુ ?’ મનોમન બોલીને જ વરુણ હસી પડ્યો.

 

‘ઓકે, એવું રાખીએ’ ને બાકીનું વાક્ય,

‘ તમને પુરુષોને પૈસા કમાવામાંથી ફુરસદ જ નથી મળતી એટલે અમારે સ્ત્રીઓને નાછૂટકે આવા નખરાં કરવાં જ પડે છે.’ મનોમન બોલીને પોતાની જીત પર મનોમન ક્રુપા પોરસાઈ.

ઘી ના ઠામમાં ઘી પડી રહ્યું.

અનબીટેબલઃ જીવન નામની વાનગીમાં દરેક ઘટનાના સ્વાદનું પોતાનું એક આગવું મહત્વ જ હોય છે.

સ્નેહા પટેલ

Najar


નજરઃ


अज मौतो हयात चंद पुरसी मन ?

खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।


મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?

સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો.


-રૂમી


આરુષિના ઘરે આજે એનું મિત્ર વર્તુળ ભેગું થયેલું. દરેક જણ પોત પોતાના ફેમિલી સાથે ત્યાં હાજર હતાં અને પાર્ટીની મજા માણી રહ્યાં હતાં. આરુષિ પાર્ટીલવર હતી. એને પાર્ટી આપવાનો અનોખો શોખ હતો. એની આગતા સ્વાગતા એના સર્કલમાં બહુ જ  વખણાતી હતી. એના ઘરની બહાર એના મોટા ગાર્ડનમાં લગભગ વીસ બાવીસ જણ હાજર હતાં. ચોમેર ચહલપહલ મચી રહી હતી. એમાં લગભગ સાત આઠ બાળકો પણ હતાં. આરુષિની સખી અરુંધતીનો દસ વર્ષનો દીકરો અદ્વૈત આ બધા ટોળામાં જરા અલગ પડતો હતો. એના હાથમાં ક્યાંકથી થોડી બોલપેન આવી ગઈ હતી – કાં તો એ ઘરેથી એની સાથે જ લઈને આવેલો. અત્યારે બધા છોકરાંઓ ગાર્ડનમાં દોડાદોડ કરી રહ્યાંં હતા, ધમાચકડી ! પણ અદ્વૈત એની બોલપેનની દુનિયામાં મગ્ન હતો. કોઇ એક બોલપેનની રીફિલને આગળથી ખોલી કાઢેલી અને એની ભૂંગળીમાં બીજી બાજુથી ફૂંક મારી મારીને એમાં રહેલી શ્યાહીને એ આગળ ધકેલી રહ્યો હતો.બોલપેન બહુ વખતથી બંધ હશે કદાચ, શ્યાહી જલ્દી આગળ વધતી નહતી. અદ્વૈત એના નાજુક ગાલ ફુલાવી ફુલાવીને એને ધક્કો મારીને આગળ ધકેલી રહ્યો હતો. એ શ્યાહી ભૂંગળીના છેક છેડાં સુધી આવી એટલે એણે બીજી અડધી ભરેલી બોલપેનની રીફિલ એની આગળ ધરી દીધી અને એક રીફિલની શ્યાહી બીજી રીફિલમાં ભરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. આ કડાકૂટમાં રીફિલની થોડી શ્યાહી એના કપડાં પર પડી અને પતી ગયું. અરુંધતીનું ધ્યાન જતાં જ બધાંની વચ્ચે એણે દીકરાને એક ઝીંકી દીધી. આખું ય ખુશનુમા વાતાવરણ બે ઘડી સ્તબધ થઈ ગયું. આરુષિએ ધીમેથી અરુંધતિના ખભા પર હાથ મૂક્યો અને બોલી,

‘જસ્ટ રીલેક્સ, તારો દીકરો તો બહુ જ ક્રીએટીવ – સ્માર્ટ છે.’

‘શું ધૂળ ને ઢેફાં સ્માર્ટ ? એનું રીપોર્ટ કાર્ડ જોજે . મેથ્સમાં ૩૦, સાયન્સમાં ૪૨, અંગ્રેજીમાં  તો માંડ ૨૫. આખો દિવસ આવું આડું અવળું કામ જ કર્યા કરશે. ભણવામાં તો એનું ચિત્ત જ નથી ચોંટતું. સાવ ડબ્બો છે. શું કરું ?’

‘અરે તારો દીકરો જે કરતો હતો એ વિશે વિચાર. એની નજર સાવ અલગ છે. એ એની રીતે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવવાની મહેનત કરે છે. ચોપડીમાં લખ્યું હોય એ પ્રમાણે એને નથી ફાવતું. વળી ચોપડીઓ તો કેટલાં વર્ષો પહેલાં છપાઈ હોય, એમાંથી અમુક અમુક વસ્તુઓ તો સમય સાથે બદલાઈ પણ જાય છે. એટ્લે પુસ્તકીયું જ્ઞાન એ જ  બુધ્ધિ કે હોંશિયારી માપવાનું સાધન નથી. સવાલ નજરનો છે.  આ જો સામે ડોઇંગરુમના ખૂણામાં વ્હીલવાળી બેગ દેખાય છે ને ? હું ખોટી ના હોઉં તો આપણે બધાંએ પહેલાં ખભે , પીઠ પર થેલાં ઉંચકીને અને હાથમાં વિશાળ બેગો લઈ લઈને સવારી કરી જ હશે.કોઇના મગજમાં એ વજન વિશે કોઇ વિચાર જ નહીં આવ્યો હોય. બધા ગધેડાંની જેમ વજન ઉંચકી ઉંચકીને દોડાદોડ કરતાં હતાં – દુનિયા આમ જ ચાલે છે ને મારે પણ એમ જ ચાલવાનું છે, કોઇ ઓપ્શન જ ક્યાં છે ? એ પછી કોઇ આવા જ ક્રીએટીવ મગજમાં વિચાર આવ્યો હશે કે આ વજન શું કામ ઉચકવાનું ? એનો કોઇક રસ્તો તો હોવો જ જોઇએ. રસ્તો ખબર તો નથી પણ શોધવાથી દરેક સમસ્યાનો ઉકેલ નીકળે જ એવી મક્ક્મ વિચારધારા વાળાએ એના વિશે વિચારવાનું શરુ કર્યું ને વિચારતાં વિચારતાં એ એના સોલ્યુશન  સુધી ગયો અને આમ બેગની નીચે વ્હીલની શોધ કરી. અત્યારે આપણે બધાંને બહારગામ જવું હોય તો આ વ્હીલના લીધે કેટલી શાંતિ થઈ ગઈ છે એ વિચાર.’

અરુંધતિ બે ઘડી અસમંજસમાં પડી ગઈ.

‘તું કહેવા શું માંગે છે આરુ?’

‘એ જ કે માનવીના સકસેસ અને એણે ભણેલા ચોપડાંને કોઇ લેવા દેવા નથી હોતું. ખરો વિજય તો સમસ્યાઓના નિરાકરણ માટેના એટીટ્યુડમાં છે. સિક્યોરીટી – સેફ્ટીના ચોકઠામાં જો ગોઠવાઈ ગયાં તો ખલાસ, દુનિયા તમને એનો ઝાંસો આપીને તમારો પૂરતો ઉપયોગ કરી લેવા તૈયાર જ બેઠી છે. પણ જે માનવીમાં સિક્યોરીટીની બહાર જઈને વિચારવાની, વર્તવાની ક્ષમતા છે એ ખરો ક્રીએટીવ છે. કોલેજમાં પહેલો નંબર આવ્યો તો ય ઠીક, સારી જોબ મળશે તો ય ઠીક નહીં તો હું મારી કાબેલિયતના બળ પર મને ગમતું કંઇક ઢંગનુ તો કરી જ લઈશ. આ એટીટ્યુડ ખૂબ જરુરી છે.તારા દીકરાનો નજરિયો સાવ અલગ છે. એક પેનની સૂકાઈ ગયેલી શ્યાહી કાઢી નાંખીને બીજી રિફિલમાં એને  પૂરીને એ એક આખી રીફિલ તૈયાર કરવાનો પ્ર્યત્ન કરે છે જે એક ચોકઠાંથી બહારનું થીન્કીંગ છે . એના આ થીંકીંગને તું પ્રોત્સાહન આપ. એકાદ કપડાંની પેર ખરાબ થાય તો થવા દે…તને ક્યાં કંઈ ફરક પડવાનો છે? દીકરાના રચનાત્મક કાર્ય આગળ એ કપડાંની કિંમત પણ શું ?  એકચ્યુઅલી સૌપ્રથમ મા બાપને એમના સંતાનોની ખૂબી – કમીની ખબર પડવી જોઇએ. એ થઈ જાય તો સંતાનના ઉછેરમાં -વિકાસમાં એ બહુ જ મદદરુપ થઇ શકે છે. છોકરાંઓને આખો દિવસ ભણ, આ કર તે કર ના ચોકઠાંઓથી મુકત કરીને થોડાં દુનિયામાં એકલા પણ મૂકવા જોઇએ જ્યાં એ પોતાની મરજી, આવડત પ્રમાણે વર્તી શકે અને પછી એમાંથી જ એક દિવસ એ પોતે સૌથી સારું કામ કયું કરી શકે એ વિશે માહિતગાર પણ થઈ શકે. બાકી રોજ રોજની બદલાતી ટેકનોલોજીમાં આ પુસ્તકો તો દર છ મહિને બદલાઈ જાય છે. પુસ્તકના આધારે જ છોકરાંઓને ઉછેરવા એ તદ્દન ખોટો અભિગમ છે.’

અને આરુષિએ બોલવાનું બંધ કયું ત્યારે એની આજુબાજુ બધાં ટોળે વળીને ઉભા હતાં, દરેકના કપાળ પર એક વિચારની પતલી સી લાઈન સ્પષ્ટપણે દેખાતી હતી.

અનબીટેબલઃ જીવનના દરેક તબક્કે આપણે કંઈક ને કંઇક ચોકક્સપણે શીખતાં જ હોઇએ છીએ, શાંતિથી વિચારતાં શું શીખ્યા ? એનો ઉત્તર ચોકક્સપણે મળી આવે છે.

-સ્નેહા પટેલ.