Phoolchhab > navrashni pal column > 27-9-2017
સંઘર્ષ – દુઃખ ઃ
ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને
હું જ મારૂં છું રુદન ને હું જ મુજ રણહાક છું !
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !
– વેણીભાઈ પુરોહિત
ઘરની ભીંત પર લાગેલી ગોળ કાળી ઘડિયાળમાં રાતના અઢી વાગ્યાંનો સમય થયો હતો. સેકંડ કાંટો ‘ટક ટક’ સાથે એનું કામ પૂરી પ્રામાણિકતાથી કરી રહ્યો હતો અને સમય કપાતો જતો હતો. અઢી – પોણા ત્રણ્ ત્રણ.. પણ સુમનરાવની આંખ મટકું ય નહતી મારતી. આજે આંખો સાવ કોરી ધાકોર હતી. નિંદ્રાદેવી ‘આવું આવું’ન્કરીને હાથતાળી આપી જતા હતા. જોકે વાંક નિંદ્રાદેવીનો પણ નહતો, સુમનરાવ જ હતાં કે જેમને આજની રાત આખી ઊજાગરો કરવાની જાણે નેમ લીધી હતી. સમય ભલે એનું કામ કરતો પણ એમને જ્યાં સુધી અજ્યની આઇ આઇ એસ ના કોર્સના પૈસાની સગવડ ના થઈ જાય ત્યાં સુધી એમને ઉંઘવાનો ઇરાદો જ નહતો. નિંદ્રાદેવી પણ આવ જા કરીને કંટાળી હતી અને કોપાયમાન થઈને સદંતર રવાના થઈ ગઈ.
ઘડિયાળમાં છ ના ટકોરા પડ્યાં અને એ મધ્યમવર્ગીય ઘર એક તરવરીયા જુવાનની આળસના અવાજથી ભરપૂર થઈ ગયું. અજ્ય એના નિત્યક્રમ મુજબ સવારે વહેલો ઉઠીને પરવારીને ઘરના નાના મોટાં કામ પતાવતો. નાનો હતો ત્યારે જ એની માતાનું મૃત્યુ થયું હતું. એની પાછળ એ અજય અને નીરજા બે સંતાનોની જવાબદારી સુમનરાયના માથે નાંખીને ગયેલાં જેને સુમનરાય બાખૂબીથી નિભાવતાં હતાં. નીરજા કોલેજના પ્રથમ વર્ષમાં હતી. સુમનરાય જ્યારે જ્યારે એમના ગામમાં કોઇ મોટા અફસરોને જીપ – ગાડીઓમાં ફરતો જોતો ત્યારે ત્યારે એમના દિલમાં અજય માટે પણ આવા સપનાં કોળી ઉઠતાં, એમની લાલ – થાકેલી આંખોમાં સતરંગી સપના મહોરી ઉઠતાં ને એ એમના દીકરાને પણ આવી ગાડીઓમાં ફરતાં જોતાં. તેઓ વિચારતાં કે,’ગમે તે થાય પણ મારો અજય પણ મોટો થઈને આવો સૂટ બૂટ પહેરેલો, મોટી મસ ગાડીવાળો ઓફિસર બનશે જ, હું એને એ માટે પૂરતો લાયક બનાવીશ, બહુ ભણાવીશ.’
વળી સુમનરાયનો અજ્ય પણ બહુ લાયક, ખંતીલો, આજ્ઞાકારી અને તેજસ્વી વિધ્યાર્થી હતો. એના પિતાજીની આજ્ઞા એના માટે ભગવાનનો આદેશ હતો. બાપુજીની ઇચ્છા જોઇને એણે પણ પોતાના જીવનની નૈયા ભરપૂર મહેનત સાથે એ જ દિશામાં હંકારવા માંડેલી. પરિશ્રમથી કશું જ અશક્ય નથી રહેતું. એમ અજયની ગાડી અત્યાર સુધી તો બરાબર પાટા પર ચાલતી હતી. પણ ભગવાનને બીજું જ કંઈક મંજૂર હતું. સુમનરાયના ઝૂંપડામાં અચાનક આગ લાગવાથી આખું ઘર બળી ને ખાખ થઈ ગયું અને રાખના ઢેર સિવાય કંઈ જ ના બચ્યું.
જે હતું એ હવે સુમનરાયના ખેતરોની જમીન જ.
એમાંથી નીરજાના લગ્ન કરવાના, અજયને ભણાવવાનો અને બાકીના ખર્ચા પૂરા કરવાનાં. સુમનરાય મજબૂત છાતીના ! રાખનો ઢેર સાફ કરીને ઇંટ અને ગારો લઈને સર્જન કરવા બેઠાં ત્યાં પાછળથી એક નાનો હાથ એમની સહાયમાં આવી ચડ્યો એ હતો અજયનો હાથ ! સુમનરાય ઈંટ ગોઠવતાં અને અજય એમાં ગારો ભરતો. એ દિવસથી અજય દરેક પરિસ્થિતીમાં એના પિતાના હારોહાર ઉભો રહયો હતો. પણ હવે વાત અલગ હતી. અજયને ઓફિસર બનવા માટે પરીક્ષા આપવી પડે એમ હતું અને એના કોર્સ માટે અજયને શહેરમાં ભણવા મૂકવો પડે એમ હતું. બીજું બધું તો ઠીક મારા ભાઈ પણ એ બધાની પાછળ લગભગ વર્ષનો બે લાખ રુપિયાનો ખર્ચો થાય એમ હતું અને ફુલ કોર્સના પાંચ લાખ. આટલા બધા પૈસા લાવવા કયાંથી ?
અચાનક સુમનરાયે મનોમન એક નિર્ણય કરી લીધો અને ઉભા થયા. એમને જોઇને અજય ચમક્યો.
‘પપ્પા, રાતે સૂતા નથી કે શું ? આપનું મોઢું – આંખો તો જુઓ ! મારી ફીની ચિંતા ના કરો, બહુ ભણી લીધું. હવે હું અહીં ગામમાં જ કોઇ નોકરી શોધી લઈશ ને તમને કમાવવામાં મદદ કરીશ. એક વાર મને નોકરી મળી જવા દો પછી જુઓ આપણે આપણી નીરજુના લગ્ન કેવી ધામધૂમથી કરીએ છીએ.’
‘અજય, આજે બોલ્યો એ બોલ્યો. આજ પછી ક્યારેય આવી પાછી પાનીના શબ્દો મને તારા મોઢેથી નથી સાંભળવા. ચિંતા ના કર, અત્યારે તો મને રસ્તો મળી ગયો છે. આપણી જે જમીન છે એમાંથી અડધી વેચી દઈશ તો તારી ફી જેટલા પૈસા નીકળી જ રહેશે. હું હમણાં જ ગામમાં રમણલાલ પાસે જઈને વાત કરું છું. એ તો ક્યારનાં તૈયાર છે.’
‘જમીન વેચી દેશો ?’
‘હા, એમાં શું છે ? કાલે ઉઠીને એ જમીન પર તારે હળ તો ચલાવવાનું નથી. તું આટલો મેધાવી અને મહેનતુ દીકરો છે, તારી ક્ષમતા મોટા ઓફિસર બનવાની છે તો એમાં પૈસાની કમી આડે નહીં આવવા દઉં. જરુર પડશે તો હું મારી કીડની, આંખો જે કોઇ અંગ વેચાય એ વેચીને પણ તને ઓફિસર બનાવીને છોડીશ.’
‘બાપુજી એવું ના બોલો, મારા કારણે તમે આટલા ટેન્શનમાં રહો છો. હું જ નાલાયક, કપાતર છું. મારા કારણે જ તમને આટલા દુઃખ વેઠવા પડે છે.’
‘જો દીકરા, આને દુઃખ નહીં પણ સંઘર્ષ કહેવાય અને સંઘર્ષ એ જીવનનું બીજુ નામ છે! દરેકના માનવીના જીવનમાં સંઘર્ષ તો હોય જ. કોઇને ભાગે ઓછો હોય કોઇને વધુ, કોઇને જલ્દી આવે કોઇના જીવનમાં મોડો – પણ એ તો જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે. દુઃખ કોને કહેવાય પાગલ ખબર છે ? તારી મા આપણને છોડીને જતી રહી ને એ. એની ભરપાઇ જીવનમાં ક્યારેય થઈ શકે એમ નથી. એ ખાલી જગ્યા કાયમ ખાલી જ રહેવાની, એને દુઃખ કહેવાય. બાકી સંઘર્ષ તો જીવનનું એક અનિવાર્ય અંગ છે. દરેકના હિસ્સે એ આવે જ. સંઘર્ષ કરીને તો માનવી વધુ મજબૂત અને અનુભવી બને. એ સંઘર્ષમાંથી પાર ઉતરનાર માનવીને જીવનમાં ક્યારેય પણ કોઇ મુશ્કેલી હરાવી ના શકે. તારે મોટા ઓફિસર બનવાનું છે તો બનવાનું જ છે, એના માટે તું ખાલી ભણવાનો સંઘર્ષ કર, પૈસાની જોગવાઈ હું કરી લઈશ અને ફરીથી દુઃખ બુખની વાતો મગજમાં લાવતો નહીં હાં કે.’
અને અજય પોતાના ગામડિયા, અભણ બાપાની સૂઝબૂઝ પર આફરીન થઈ ગયો, અંદરથી પોતાની જાતને મજબૂત થતી અનુભવી રહ્યો.
આજે ફરીથી એક ઘર બનતું હતું – જગ્યા હતી અજયનું દિલ ! – પાયો ફરીથી એના પિતાના હાથે નંખાતો હતો .
અનબીટેબલઃ કેટલીક ખાલી જગ્યા ખાલી રહેવા જ સર્જાઈ હોય છે.
સ્નેહા પટેલ
ખુબ સરસ અને ભાવપ્રધાન લેખ…વાર્તા કરુણ છે, પણ હકારાત્મક અભિગમ ધરાવે છે…એક પિતા પોતાના દીકરાને સંઘર્ષ અને દુઃખ વચ્ચેનો તફાવત જીવનભર યાદ રહી જાય એવી સરળ અને પોતાના ઘરનું જ ઉદાહરણ આપીને સમજાવે છે…બાપ-દીકરાનાં હકારાત્મક અને લાગણીભર્યા સંવાદો…best lines of the article : “સંઘર્ષ એ જીવનનું બીજું નામ છે ! દરેક માનવીના જીવનમાં સંઘર્ષ તો હોય જ. કોઈને ભાગે ઓછો હોય કોઈને વધુ, કોઈને જલ્દી આવે કોઈના જીવનમાં મોડો – પણ એ તો જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે. દરેકના હિસ્સે એ આવે જ. સંઘર્ષ કરીને તો માનવી વધુ મજબૂત અને અનુભવી બને. એ સંઘર્ષમાંથી પાર ઉતરનાર માનવીને જીવનમાં ક્યારેય પણ કોઈ મુશ્કેલી હરાવી ના શકે”…આ લેખ સમાજને એક સરસ મજાનો સંદેશો આપી જાય છે કે જીવનમાં ગમે તેવું દુઃખ આવે પણ એમ હારી-થાકીને કે નિરાશ થઈને પાણીમાં નથી બેસી જવાનું પણ મુશ્કેલીનો મક્કમ મનોબળ અને મહેનતથી સામનો કરીને જીત મેળવવાની છે…ત્યારે જિંદગી પણ હરખાય કે ભાઈ-ભાઈ હજી માણસમાં જોમ-જુસ્સો અને ખમીર મરી નથી પરવાર્યા…એક બાપ જ્યારે પોતાના દીકરાને એમ કહે ને કે બેટા હું હજી બેઠો છું, તારે મુંજા’વાની જરૂર નથી, ત્યારે દીકરાનું મોટાભાગનું દુઃખ ગાયબ થઈ જાય અને એને પણ જીવનમાં કંઈક કરી દેખાડવાનું જોમ ચડી જાય કે મારો બાપ મારી સાથે છે પછી મારે શું ચિંતા, જીવનમાં કોઈપણ જંગ જીતી જઈશું…લેખની શરૂઆતમાં વેણીભાઈ પુરોહિતની સરસ રચના અને “અનબીટેબલ” જીવનનું એક કડવું સત્ય…Bravo Sneha & salute to you for a wonderful article…
LikeLiked by 1 person