Antra

અંતરાઃ

રોજ રોજ

મારી પાસેથી ચમત્કૃતિની આશા ન રાખ,

હું એક સામાન્ય માનવી છું

તારું અછાંદસ કાવ્ય નહીં !’

-સ્નેહા પટેલ

અંતરા- આશરે પચાસે’ક વર્ષની વયે પહોંચેલી સ્ત્રી. ઘરમાં સૌથી મોટી હોવાના કારણે નાનપણથી જ એ મોટી થઈ ગયેલી. મમ્મીની નોકરીના કારણે એક નાનો ભાઈ ને એક નાની બેન વત્તા દાદા – દાદી- આ બધાની જવાબદારી એના માથે હતી. સવારની સ્કુલ, સ્કુલેથી આવીને જમીને સ્કુલનું ને ઘરનું ‘ઘરકામ’ પતાવીને થોડી વાર સૂઇ જતી ને પછી ઉઠીને દાદા દાદીની ચા બનાવી એમને ઉઠાડતી. એ પછી સૂકાયેલા કપડાં દોરી પરથી લઈને વાળીને દરેકના ખાનામાં વ્યવસ્થિત રીતે ગોઠવી દેતી. પછી થોડી વાર સખીઓ સાથે રમવા જતી, મમ્મીનો ઘરે આવવાનો સમય થઈ ગયો હોય એટલે સમયસર આવીને સાંજની રસોઇની થોડી ઘણી તૈયારી કરી રાખતી. મમ્મી આવે એટલે રસોઇ કરતી અને ત્યાં સુધીમાં પપ્પા ઓફિસેથી અને નાના ભાઈ બેન રમતમાંથી પરવારીને આવી જતાં ને આખું કુટુંબ સાથે બેસીને જમતું. પછી નાની બેન કચરો વાળી દેતી, ભાઈ બધા વાસણો રસોડામાં મૂકી આવતો ને અંતરા એ વાસણ ઘસવા બેસતી એના મમ્મી એ વાસણ વીંછળતા વીંછળતા રસોડું સાફ કરી દેતાં ને પછી બધા સાથે બેસીને ટીવી પર એમના પસંદના પ્રોગ્રામ જોતાં જોતાં સૂઇ જતાં. નાનપણથી જ જવાબદારીઓમાં જીવતી અંતરા આજે બે જુવાન દીકરીઓની મા હતી. એક દીકરીને પરણાવીને સાસરે મોકલી દીધી હતી અને બીજી દીકરી રમ્યાએ હમણાં જ એનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. અંતરાએ પણ છેલ્લાં થૉડા સમયથી એની નોકરીનો સમય આઠ કલાકમાંથી પાંચ કલાકનો કરી કાઢ્યો હતો. અહ્વે રમ્યાને ઓસ્ટ્રેલિયા જવું હતું – માસ્ટર કરવા.

બસ, આ દિવસથી ઘરમાં ધરતીકંપ જ આવી ગયો.

‘રમ્યા, આ તું તારી ચીજવસ્તુઓ જેમ તેમ મૂકે છે એ કેમનું ચાલે ? કાલે ઉઠીને તારે હોસ્ટેલમાં રહેવાનું થશે તો ત્યાં તું આવી રીતે જીવીશ ? ત્યાં તારી મા આવશે તારો રુમ સરખો કરવા?’

‘અરે મમ્મી, રોજ તો હું મારા કપડાં કબાટમાં ગોઠવી દઉં છુ. મારા ગેજેટ્સનું પણ પ્રોપર ધ્યાન રાખું છું, પણ તને તો ટેવ જ પડી ગઈ છે મારી દરેક વાતમાં કચ કચ કરવાની. કદી સંતોષ જ નથી થતો. હવે હું કંઈ નાની કીકલી નથી રહી. હું મારું બધું કામ જાતે કરી જ શકુ છું અને કરું પણ છું પણ તમને એની કોઇ કદર જ નથી. તમે સ્વીકારતા જ નથી.’ રમ્યાનું મગજ રોજ રોજની મમ્મીની કચકચથી ફાટ્ ફાટ થઈ જતું.’મમ્મીએ બધાંનુ બહુ કામ કર્યું છે, પોતાના ફીલ્ડમાં પણ એ સક્સેસ રહી છે. માન્યું કે એ એક સુપરપાવર ધરાવતી સ્ત્રી છે પણ એનો અર્થ એમ નહીં કે બીજા નકામા છે.’

અંતરાના પતિ વિકાસે ઘરમાં પગ મૂક્યો જ હતો અને આ બબાલ એના કાને પડી.

‘રમ્યા, આ શું છે ? મમ્મી સાથે આ રીતે વાત કરાય દીકરા ?’

એકદમ શાંત સ્વરે વિકાસે રમ્યાને ઠપકો આપ્યો.

‘પપ્પા, હવે તમે પણ મમ્મીનો પક્ષ લેશો મને ખબર છે. એનો તો ક્યારેય કોઇ વાંક હોતો જ નથી. સમાજમાં જુઓ, ઓફિસમાં જુઓ કે ઘરમાં – બધે મમ્મી ઓલવેઝ રાઈટ જ હોય છે. કોણ જાણે એ સામાન્ય માનવી નહીં પણ્ ભગવાન ના હોય ! તમે બધાએ જ એને માથે ચઢાવી દીધી છે.’

‘રમ્યા, અમે મમ્મીને માથે ચઢાવી છે એમાં કોઇ ખોટું છે?  વિચારીને બોલ.’

રમ્યા પણ વિચારમાં પડી ગઈ. એની મોમ એ એની ડ્રીમગર્લ હતી. એને પણ આગળ જઈને ‘સેમ ટુ સેમ’ એના મમ્મી જેવા જ સૂઝબૂઝવાળી અને સકસેસફુલ સાથે પ્રેમાળ વ્યક્તિ બનવું હતું. ઇંટેલીજન્સ જુઓ કે શારીરિક મહેનત અંતરા ક્યારેય કોઇ જ વહેવારમાં ક્યારેય કાચી નહતી પડતી. લોકોની એની પાસેથી હોય એ અપેક્ષા કરતાં કાયમ એ બમણું કરતી હતી. એની મમ્મી અદભુત હતી.

‘ના પપ્પા, કોઇ અતિશયોક્તિ નથી, પણ આ મારી સમજદાર મમ્મી અચાનક આવું વર્તન કેમ કરે છે એ નથી સમજાતું. આખો દિવસ નાની નાની વાતમાં એની કચકચ હોય છે. વળી એ તમારી સાથે પણ અજીબ વર્તન કરે જ છે ને, તમે ખબર નહીં કેમ એ કેવી રીતે સહન કરીને એને પ્રેમથી વાળી દો છો. તમે પણ અદભુત છો. એક તો મારે મારા વિઝા ને યુનિવર્સીટીમાં કચકચ, ઢગલો કામ છે એમાં આ નક્કામું ઝઘડયાં કરે છે એટલે અકળાઇ જવાય છે પપ્પા.’

‘દીકરા, તને ખબર છે તારી મમ્મીને હવે એવું લાગે છે કે તું જતી રહીશ પછી એને નાની નાની વાતમાં કોઇ પૂછનારું નહીં રહે. તારા ઢગલો કામ જે ઉત્સાહથી એ કરતી હતી એ પણ અચાનક જ પૂર્ણવિરામમાં પરિણમશે. આખી જીંદગી લોકોએ એની પાસેથી કામની, દરકારની અપેક્ષા રાખી છે અને એ બધાંને પૂરી કરવાની એને ટેવ પડી ગઈ છે. અચાનક જ એ આ બધાથી દૂર થઈ જશે એટલે એને કાયમ એવું લાગે છે કે એ હવે સાવ જ નક્કામી વ્યક્તિ બની ગઈ છે,કોઇને એની કશું જ જરુર નથી. એના છોકરાંઑ એમના જીવનમાં એની આંગળી છોડીને આગળ નીકળી જશે અને એ ત્યાંની ત્યાં…એટલે એ ખૂબ અકળાઈ જાય છે.’

‘પણ પપ્પા, મારી આ સેલ્ફ ડીપેડન્ટ મમ્મી આજકાલ તમારી પર વધુ ડીપેંડન્ટ થતી જાય છે એવું નથી લાગતુ. કાલે જ એ કહેતી હતી કે’તારા પપ્પાને કામમાંથી ફુરસત જ નથી મળતી અને મારે તારા માટેના શોપિંગમાં જવું છે તો જવાતું જ નથી.  પેલા રમીલાકાકીની તબિયત સારી નથી તો એમાં પણ એ તમારા ફ્રી સમયની રાહ જુવે છે કે,’તારા પપ્પા ફ્રી થાય તો એમની ખબર કાઢવા જઈએ ને ! આવું કેમ પપ્પા ?’

‘એનું કારણ એ કે એ એક સ્ત્રી છે. સ્ત્રી ભલે ગમે એટલી સ્વતંત્ર થઈ જાય, સેલ્ફ ડીપેન્ડન્ટ બની જાય પણ એને પોતાના પતિ ઉપર ડીપેંડંડેબલ થવું ગમતું જ હોય. કોઇ એવો વ્યક્તિ કે એ એની દરેક ઇચ્છાને સાંભળે, પૂરી કરે, એની કાળજી રાખે – આ કાળજી એટલે જ એને પ્રેમની લાગણીનો અનુભવ થાય. દુનિયાના કોઇ પણ છેડે જાઓ, સ્ત્રી  સ્વભાવથી તો કાયમ સ્ત્રી જ રહેવાની. એમાં પણ આ સમયે જ્યારે તમે બચ્ચાંઓ પોતાની જાતે પોતાના કામ કરતાં થઈ જાઓ એટલે એ પોતાની જાતને વધુ અસુરક્ષિત સમજે કે હવે કોઇને મારી જરુર નથી. જેને જન્મ આપ્યો અને જેની પળ પળનો હિસાબ રાખ્યો, જતન કર્યું એ સંતાનો પણ આખરે હવે પોતાનાથી દૂર થઈ જશે આ વિચાર એને ડરાવે છે. ભલે ગમે એટલી મજબૂત હોય પણ છે તો આખરે એક મા જ ને. ચિંતા ના કર બેટા સમય જતાં બધું સરખું થઈ જશે.  અત્યારે આપણે થૉડી સમજદારી દાખવીને એને સાચવી લેવાની છે અને આમાંથી બહાર નીકળવામાં આપણાથી બનતો સહકાર આપવાનો છે.’

‘ઓહ પપ્પા, તમે કેટલાં સમજુ છો,યુ આર ધ ગ્રેટ! તમે ના હોત તો હું કદાચ મમ્મીને સમજત જ નહીં ને એના પર  ગુસ્સે થયા જ કરત પણ તમે મને બચાવી લીધી. થેંક્સ..લવ યુ પપ્પા !’

સ્નેહા પટેલ.

4 comments on “Antra

  1. અદ્‍ભુત લેખ…જાણે કે તમે તમારી જ વાત કહેતા હોય એ રીતનું ઊંડાણપૂર્વકનું લખાણ અને દરેક બાબતનું એકદમ બારીક વર્ણન અને એ પણ પાછુ એકદમ સરળ શૈલીમાં…જેમ કે અંતરા, તેના મમ્મી-પપ્પા, નાના ભાઈ-બહેન તથા દાદા-દાદી એટલે કે એક પરિવારની સવારે જાગે ત્યારથી લઈને રાત્રે સુવે ત્યાં સુધીની દિનચર્યાનું પ્રભાવક વર્ણન…(મને ખ્યાલ છે કે તમે સમાજમાં બનતી ઘટનાઓ + થોડી કલ્પનાઓ ઉમેરીને માવજતભર્યા લેખ લખો છો… I know very well)…એક માઁ જેની મોટી દીકરી પરણીને સાસરે ચાલી ગઈ હતી અને નાની દીકરી થોડા સમય પછી વિદેશ ભણવા જવાની હોવાથી તે પણ પોતાનાથી દુર થઈ જશે એ વાતથી કેટલી અપસેટ થઈ જાય છે અને તેના તન-મન તથા પરિવાર પર તેની શું અસર થાય છે તેનું લાગણીભર્યુ નિરૂપણ…એક પિતા પોતાની દીકરીને કેટલી પ્રેમાળ અને સરળ ભાષામાં સમજાવીને તેની મમ્મી વિશેની ગેરસમજ દુર કરે છે, આ પિતા-પુત્રીના સમજણયુક્ત લાગણીભર્યા સંવાદો…લેખની શરૂઆતમાં લેખિકા મિત્રની પોતાની જ રચના “રોજ રોજ મારી પાસેથી ચમત્કૃતિની આશા ન રાખ, હું એક સામાન્ય માનવી છું તારું અછાંદસ કાવ્ય નહીં !” જે લેખને અનુરૂપ તથા કાબિલેદાદ છે…આ વખતે તમે લેખના અંતે “અનબીટેબલ” નથી લખ્યું, પણ કદાચ મારા ખ્યાલથી આવું હોઈ શકે, જે આ લેખની જ હાઈલાઈટ અને શબ્દો છે…”અનબીટેબલ : દુનિયાના કોઈપણ છેડે જાઓ, સ્ત્રી સ્વભાવથી તો કાયમ સ્ત્રી જ રહેવાની”…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s