Dilno avaj

Phoolchhab > navthai ni pal> 17-7-2017.

દિલનો અવાજ:

જીવન આખ્ખું ચમકી ઉઠશે,
આંગણ સાથે ‘મન’ પણ લીંપો !

– ડૉ.મનોજ જોશી ‘મન’

વિરાટ થાકેલો પાકેલો ઓફિસેથી ઘરે આવ્યો અને સોફાપર બેસીને  ટાઈની ગાંઠ ઢીલી કરીને સામેની કાચની ટિપોઇ પર પગ લાંબા કરીને સહેજ આરામથી બેઠો.

લાંબી આળસ ખેંચીને બે હાથ એકબીજામાં બાંધીને માથા પર જ ગોઠવી દીધા.

‘અરે, આજે બહુ થાકી ગયા લાગો છો ને કંઇ? મોઢું સાવ ફીક્કું ફસ્સ થઈ ગયું છે.’ રોહિણી – વિરાટની પત્નીએ પાણીનો ગ્લાસ લઈને કિચનમાંથી આવતા પૂછ્યું.

‘હા, આજે ઓફિસમાં બહુ મગજમારીનું કામ હતું. મીટીંગ પર મીટીંગ અને ધાર્યો ટારગેટ પૂરો ના થયો હોવાથી બોસની કચકચનો વરસાદ. શારીરિક કામ પહોંચી વળાય છે પણ આ માથે ઉભો રહીને જે રાસડાં લે છે ને એ નથી સહન થતું.’ પાણી પી ને ગ્લાસ ટ્રેમાં પાછો મૂકતાં  બોલ્યો,

‘એક કામ કર, તું ને છોકરાંઓ તૈયાર થઈ જાઓ, આજે આપણે બહાર ક્યાંક થાઈ – મેક્સીકન ખાવા જઈએ.’

‘પણ મેં તો રસોઇ…’પછી પતિનો મૂડ પારખીને રોહિણીએ વાક્ય અડધું જ છોડીને તૈયાર થવા ઉપડી ગઈ.

શહેરથી૧૭ કિલોમીટર દૂર હાઈવે પર આવેલી એક ૩ સ્ટાર હોટલમાં જઈને એ લોકો બેઠાં. વરસાદની સિઝન હતી ને વાતાવરણ ખુશનુમા હતું એથી એ લોકોએ રેસ્ટોરાંની બહારની

બાજુએ ગોઠવેલ ટેબલ પર બેસવાનું જ નક્કી કર્યું. સામે સ્ટેજ પર એક જુવાનિયો પાપોન – અરીજીતના સુંદર ગીતો ગાઈ રહ્યો હતો એની સાથે એક છોકરી પણ હતી જેના લહેંકામાં

સુનિધી ચૌહાણની છાંટ વર્તાતી હતી. એક જુવાનિયો ગિટાર પર એ લોકોને સાથ આપી રહ્યો હતો.વિરાટે પણ એના મનપસંદ ગીતોની ફરમાઈશ કરી અને થાઈ પ્લેટરનો

ઓર્ડર આપ્યો. છોકરાંઓએ મેક્સીકન ફૂડનું સ્ટાર્ટર મંગાવ્યું. મંદ મંદ શીતળ પવન લહેરાઈ રહ્યો હતો. ટેબલથી થોડે દૂર આવેલાં વિધ વિધ પામના  પાંદડાં હળ્વેથી પવન સંગાથે ઝૂલા ઝૂલી રહ્યાં હતાં. હોટેલવાળાઓએ કદાચ કોઇ એર ફ્રેશનર છાંટ્યુ હશે કે ખબર નહીં શું પણ એક ધીમી ધીમી માદક ખુશ્બુ આખા વાતવરણમાં વહી રહી હતી અને એમાં ટેબલ પર ગોઠવાયેલ વિધ વિધ શેઈપ – કલર – ડિઝાઈનની કેન્ડલસનું આછું અજવાળું અદભુત વાતાવરણ ઉભું કરી રહ્યું હતું. હોટેલ થોડી મોંઘી હતી પણ આ બધા કારણોથી જ વિરાટને આ જગ્યા ખૂબ પસંદ હતી. મગજનો બધો સ્ટ્રેસ નીકળી ગયો અને પોતાની જાતને એકદમ હળવો ફૂલ અનુભવી રહ્યો. એને ફેશ જોઈને રોહિણી પણ ખુશ થઈ ગઈ અને આખું ફેમિલી જમવાની મજા માણવા લાગ્યું. જમીને વિરાટે વેઈટરને એની સુંદર સર્વિસ બદલ વીસ – ત્રીસ રુપિયાના બદલે પૂરા પચાસની નોટની ટીપ આપી. વેઈટર પણ ખુશ થઈ ગયો અને બહાર નીકળતી વખતે પેલા ત્રણ ગાયક – મ્યુઝિશીયન જુવાનિયાઓને મળીને એમને અભિનંદન પણ પાઠવ્યાં.

ગાડી સ્ટાર્ટ કરતાં વિરાટના હોઠ આપોઆપ ગોળ થઈને વ્હીસલ મારવા લાગ્યાં ને એમાંથી એના મનપસંદ ગીત ‘યે રાત યે ચાંદની ફિર કહાં?’ ગીતની ધૂન વાગવા લાગી. થોડે આગળ વધ્યાં જ હતાં ને ધીમા ધીમા છાંટાં પડવા લાગ્યાં. વાતાવરણ ઓર મદહોશ થઈ ગયું. ત્યાં જ અચાનક કોઇક વ્યક્તિ હાથ લાંબો કરીને વિરાટ પાસે લિફ્ટ માંગી રહેલી દેખાઈ.

‘વિરાટ, રવિ સાથે થયેલો બનાવ યાદ છે ને ? આવી જ રીતે હાઈ વે પર એની પાસે લિફ્ટ માંગીને કોઇ વ્યક્તિએ એને લૂંટી લીધેલો. એ પછી એણે સ્પષ્ટપણે આપણને સૂચના આપેલી કે આવી રીતે ક્યારેય કોઇ અજાણ્યાંને લિફ્ટ ના જ આપવી. આ રોડ પણ એવો જોખમી છે. માટે તું ગાડી ના ઉભી રાખીશ.’ રોહિણી ત્વરાથી બોલી ઉઠી.

વિરાટે જોયું તો લિફ્ટ માંગનાર વ્યક્તિના માથામાંથી લોહી નીકળી રહેલું હતું અને બાજુમાં એની બાઈક આડી પડેલી હતી.કદાચ એનો બીજો હાથ પણ તૂટી ગતો હશે,ખભાથી

નીચે લટકતો હતો. નજીક જતાં એની સાથે નાની એવી બાળકી પણ દેખાઈ જે રોડ પર લગભગ બેહોશ હાલતમાં જ પડેલી લાગતી હતી. એ લોકોના મૉઢા જોઇને વિરાટનું દિલ એમને આમ જ

મૂકીને જવા માટે નહોતું માનતું. વળી આવા સમયને પહોંચી વળવા એ પોતાના ડેશબોર્ડમાં લાઇસન્સવાળી પિસ્તોલ પણ રાખતો હતો. જે થશે એજોયું જશે વિચારીને એણે ગાડી ઉભી રાખી અને બે ય જણને ગાડીમાં લિફ્ટ આપી. આખા રસ્તે કંઈ જ ‘ના’ બનવાનું ‘ના બન્યું’. વિરાટે નજીકની હોસ્પિટલમાં બે યને એડમીટ કરાવીને ખપપૂરતાં પૈસા પણ ભરી દીધાં ને સારવાર ચાલુ કરવાનું કહયું.

પેલા પુરુષે આભાર માનીને વિરાટનું વિઝીટીંગ કાર્ડ માંગી લીધું. ત્યારબાદ વિરાટ ઘરે પહોંચ્યો.

લગભગ દસ દિવસ પછી વિરાટ ઓફિસથી સાંજે ઘરે પહોંચ્યો ત્યારે મસમોટી નવાઈ વચ્ચે એના ઘરમાં પેલો રોડ પર એક્સીડન્ટ થયેલો અને જેને લિફ્ટ આપેલી એ યુવાન એની દીકરી સાથે એના ઘરમાં હાજર હતો. સાથે એક મોટી ગિફ્ટ, બુકે અને એક કવર પણ હતું. એમને સાજા સમા જોઇને વિરાટને ખુબ જ ખુશી થઈ.

‘અરે આ બધાની શી જરુર હતી ભાઈ? તમે બે સાજા સમા છો એ જ બહુ સારી વાત છે. હવે

સાચવીને બાઈક ચલાવજે.’

‘તમે સમયસર ના પહોંચાડ્યા હોત તો કદાચ મારી આ ઢીંગલી…’અને બોલતાં બોલતાં એ યુવાને એના બે હાથમાં વિરાટના હાથ લઈને આંખે લગાડી દીધાં. વિરાટની  આંખો પણ ચૂઇ પડી. રસોડાનાં બારણાં સુધી પહોંચેલી રોહિણી વિચારતી હતી કે, ‘રવિ સાથેનો અણબનાવ યાદ કરીને વિરાટે આ લોકોને લિફ્ટ ના આપી હોત તો…તો..’ ને એ આગળ વિચારી જ ના શકી. એનું આખું બદન ધ્રૂજી ઉઠ્યું.

અનબીટેબલઃકોઇની સલાહસૂચન કરતાં તમારા દિલનો અવાજ વધુ સ્પષ્ટ ને સાચો ઉત્તર આપી શકે છે.

Sneha patel.

3 comments on “Dilno avaj

  1. ખુબ સરસ, સરળ અને હકારાત્મક લેખ…લેખની શરૂઆતમાં ડૉ.મનોજ જોશી ‘મન’ નો ખુબ સરસ અને ભાવસભર શેર, “જીવન આખ્ખું ચમકી ઉઠશે, આંગણ સાથે ‘મન’ પણ લીંપો !”…કામ કરો પણ દિલથી કરો તો જીવન આનંદમય બનશે, જે થોડામાં ઘણુ કહી જાય છે…તમે લેખમાં વ્યક્તિના હાવભાવનું, વસ્તુ અને વાતાવરણનું એટલું બારીક અને અદ્‍ભુત વર્ણન કર્યું છે કે એક વાંચક પોતે પણ આ બધું ફીલ કરી શકે અને જાણે કે આ બધી ઘટના નજર સમક્ષ જ બની રહી હોય એવું લાગે…આ લેખમાં બે સરસ મજાના સામાજીક સંદેશાઓનો સમાવેશ થાય છે…એક કે, પતિ કામના ટેન્સનથી થાક્યો-પાક્યો ઘરે આવે છે, ત્યારે તે પોતે ફ્રેશ થવા માટે પરીવાર સાથે બહાર જમવા માટેની વાત પત્નીને કહે છે, ત્યારે અહીં પત્નીએ રસોઈ બનાવી લીધી હોવા છતાં પણ પતિના રાજીપા માટે તે કોઈપણ જાતની આનાકાની કે લપ કર્યા વગર કે રસોઈ બનાવી લીધી છે તેનું શું ? હવે ઘરે જમી લો, ફરી ક્યારેક બહાર જમવા જઈશું…એવું બહાનું કાઢ્યા વગર પોતે બાળકો સાથે બહાર જમવા માટે તૈયાર થઈ જાય છે, અહીં પતિએ પત્નીને કોઈ જોર-જબરજસ્તી કે પરાણે લઈ જવાની વાત નથી કરી, પણ પત્ની પોતે જ પોતાના પતિના મનની સ્થિતી સમજે છે માટે અહીં લેખિકા મિત્ર લેખમાં સમજણનો સંદેશો આપેલો છે કે પરીવારના કોઈપણ સભ્યને પોતાના પરીવારની જરૂર પડે ત્યારે તેને સાથ-સહકાર-પ્રેમ-હૂંફ આપવી અને તેની પડખે ઊભું રહેવું એ પરીવારના દરેક સભ્યની જવાબદારી અને ફરજ બને છે અને તો જ પરીવાર ખરા અર્થમાં પરીવાર બની રહે છે…અને બીજો સંદેશો એ છે કે, આજે જ્યારે ગાડીમાં લીફ્ટ માંગીને અમુક લોકો જે લૂટફાટ કરે છે કે બીજી ઘણી રીતે એક માણસ ?! બીજા માણસની સાથે કોઈપણ રીતે છેતરપીંડી કરે છે, ત્યારે આજે સમાજમાંથી માણસનો માણસજાત પરથી વિશ્વાસ ઉઠતો જાય છે, ત્યારે ખરેખર જ્યારે કોઈ સાચો જરૂરીયાતમંદ વ્યક્તિ હોય કે ખરા અર્થમાં જેને મદદની જરૂર હોય તો પણ આજે માણસ બીજા માણસને મદદ કરતાં ખચકાય છે કે એક જાતની બીક લાગે છે અને વિચારે છે કે, ક્યાંક “ધરમ કરવા જતાં ધાડ ન પડે”…અહીં વાર્તામાં નાયકના મિત્ર સાથે જે દુઃખદ ખટના બનેલી છે તે વાત તેની પત્ની યાદ કરાવે છે અને કહે છે કે તે મિત્રએ આપણને કહેલું કે ક્યારેય કોઈને ગાડીમાં લીફ્ટ ન આપવી, તેમ છતાં નાયકને ખરેખર સામેના વ્યક્તિને મદદની જરૂર છે એવું તેમની હાલત જોઈને લાગે છે અને તેને દિલથી એવું ફીલ થાય છે કે આ લોકોને મારે મદદ કરવી જોઈએ અને તે દિલના અવાજને અનુસરી મદદ કરીને બે જિંદગી બચાવે છે…એટલે માણસે ખરેખર લૂટફાટ કે બીજા ઘણાં ખરાબ કે ખોટા કામ-ધંધા કરવાના બંધ કરી દેવા જોઈએ અને માણસે માણસ થઈને રહેવું જોઈએ જેથી એક માણસનો બીજા માણસ પર વિશ્વાસ ટકી રહે અને એક માણસ બીજા માણસને મદદ કરતા સહેજ પણ ખચકાટ ન અનુભવે…અને છેલ્લે “અનબીટેબલ : કોઈની સલાહસૂચન કરતાં તમારા દિલનો અવાજ વધુ સ્પષ્ટ ને સાચો ઉત્તર આપી શકે છે”, આમા લેખનો “સાર” આવી જાય છે…કોમેન્ટ વધુ પડતી લાંબી થઈ ગઈ છે પણ ઉદાર મનથી સ્વીકારી લેજો…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s