Jara’k thobho ane vicharo

 

આજના લેખમાં મેં ફક્ત ઘટનાઓ જ લખી છે..એમાંથી શું તારણ કાઢવું એ સંપૂર્ણપણે વાંચકો પર 🙂

જરા’ક થોભો ને વિચારોઃ

આ હાથ કંકુ ને ચોખા,

વધુ શું જોઇએ, આવો !

-સ્નેહા પટેલ ‘અક્ષિતારક’ સંગ્રહમાંથી.

સોહાની આઠ આંગળી અને બે અંગૂઠા ફટાફટ મોબાઈલના સ્ક્રીન પર મેસેજ ફોરવર્ડ કરવામાં, રોજિંદા હાય હલો, ગુડમોર્નિંગના રીપ્લાયમાં ચાલતા હતા, સાથે સાથે લેપટોપમાં એક વીન્ડોમાં એનું એક સોફ્ટવેર ડાઉનલોડ થતું હતું, બીજામાં ટ્વીટર પર દલીલો, ત્રીજી વીન્ડોમાં ઇમેઇલ ચેકીંગ…એક સાથે કેટલાંય કામ થતાં હતાં જેમાંથી અમુક કામના હતાં અને અમુક સાવ જ નિરર્થક. મગજને થોડો થાક લાગ્યો હતો એટલે એણે બૂમ પાડીને મમ્મીને કોફી બનાવી આપવા રીકવેસ્ટ કરી. મોબાઇલ લેપટોપમાંથી નજર ઉંચી થતાં જ સામેની વોલકલોક પર નજર ગઈ અને એનું દિલ એક ધડકન ચૂકી ગયું. ઘડિયાળમાં સાડાદસનો સમય બતાવતું હતું અને એણે દસ વાગે તો સમયને મળવા કોફીશોપ પર જવાનું હતું. સમયને બધું ચાલે પણ સમયની લાપરવાહી ના ચાલે. ફટાફટ એ ઉભી થઈ અને તૈયાર થવા લાગી. મમ્મીએ આપેલી કોફી ફટાફટ પીવા જતા જીભ પણ દાઝી ગઈ અને દસમી મીનીટે એ ઘરની બહાર. કોફીશોપ પર ધારણા મુજબ જ સમય આકળવિકળ થઈને બેઠેલો મળ્યો. માંડ ચોરીને મળેલા દોઢ કલાકમાંથી પોણો કલાક તો રીસાવા મનાવામાં જ ગયો. ટેકનોલોજીનો અત્યંત વપરાશ એ મીઠડાં સંબંધને કાયમ ગ્રહણ લગાડતી હતી.

__                               x                              ____                                  x

 

સુમિરા એના પપ્પાને કહી કહીને થાકી ગઈ કે,’ પપ્પા, તમે જ્યાં જાઓ ત્યાં તમારો મોબાઈલ સાથે રાખો. તમારી ઉંમર અને આ અલ્ઝાઇમરની બિમારી – તમે ઘરની બહાર નીકળો છો ત્યારે ત્યારે અમને ચિંતા થયા કરે છે.’

‘એવું બધું સાચવી સાચવીને ફરવાનું ના ફાવે મને. વળી એમાં આખો દિવસ બેટરી ખતમ થઈ જાય એટલે ચાર્જ કરવાના લફડાં રહ્યાં કરે. છેલ્લે કોઇ ખોટું બટન દબાઈ ગયું તો ખબર નહીં શું થયું કે ફોનનું બધું બેલેન્સ ખાલી. મને હવે આ તમારો સ્ક્રીન ટચ ને ફચ બધું ના ફાવે..વળી જ્યાં જઈએ ત્યાં ફોનનું ધ્યાન રાખવાનું – રખે ને ક્યાંક વાત કરી હોય ને ત્યાં જ ભૂલી જઈએ તો…ના બાબા ના..આવા નખરાં મને પંચોતેરની આ ઉંમરે ના ફાવે. અમારા જમાનામાં વળી ક્યાં મોબાઈલ ફોબાઈલ હતાં છતાંય બધા જીવ્યાં જ છીએ ને આરામથી. આ ટેકનોલોજીએ તો નખ્ખોદ વાળ્યું છે,જેને જોઇએ એનું માથું મોબાઇલમાંથી ઉંચું હોતું જ નથી, ને તું મને એનું વળગણ ક્યાં લગાડે છે…?

સુમિરા મનમાં ને મનમાં વિચારે ચડી ગઈ કે,’એનો સાત વર્ષનો દીકરો પણ એનો જૂનો ટચસ્ક્રીનવાળો ફોન લઈને ફરે છે ને આસાનીથી હેન્ડલ કરી લે છે. મોબાઇલમાં આવતા નવા નવા પરિવર્તન પણ એ સ્વીકારીને અપડેટ થતો રહે છે. તો પપ્પાને શું તકલીફ પડે ? માન્યું કે એનો અતિવપરાશ ખોટો છે પણ એના ફાયદા પણ છે જ ને..અત્યારે પપ્પા ફોન વાપરતાં શીખી લે તો એના કેટલા બધા કામ આસાન થઈ જાય. મેસેજીસથી વાત થઈ શકે, વીડીઓ કોલિંગ થઈ શકે, એ બહાર નીકળે ત્યારે એક સીક્યોરીટી જેવું રહે, મનને થોડી ધરપત રહે પણ ના એટલે ના. પપ્પા કોઇ પણ વાતે ટસ થી મસ થતાં જ નહતાં ને સુમિરા અને એના વરને વારંવાર એમના પપ્પાને શોધવા નીકળવાની જફા ઉભી થઈને રહેતી હતી.

__                               x                              ____                                  x

 

સોનેરી ખૂબ જ પ્રેમાળ અને લાગણીશીલ યુવતી હતી. એ દરેક વાતમાં દિલથી વિચારતી અને ફટ દઈને લોકો પર વિશ્વાસ મૂકી દેતી હતી. કોઇ પણ સંબંધ બાંધતા પહેલાં એ કંઈ ખાસ વિચારતી નહી. બધા સાથે તરત જ હળીમળીને રહેતી. એના આ સ્વભાવને કારણે એ કાયમ મોટા મિત્રવર્તુળમાં ઘેરાયેલી રહેતી હતી. લોકોનો અઢળક પ્રેમ પ્રાપ્ત કરીને સોનેરી પણ ખૂબ ખુશ ખુશ જીવન જીવતી હતી. એને એક તકલીફ કાયમ રહેતી કે એના સંંબંધોમાં એના પ્રેમાળ સ્વભાવને કારણે એનો ‘મિસયૂઝ’ વધારે થતો અને એના એ અતિપ્રેમાળ – દિલની નજીકના સંબંધો બહુ લાંબા ચાલતા નહીં. કાયમ એ સંબંધોની ભાંગફોડ વચ્ચે જ જીવતી રહેતી અને અતિ લાગણીશીલ સ્વભાવ – ફટ દઈને સામેવાળામાં વિશ્વાસ મૂકી દેવાના કારણે એ કાયમ દુઃખનો સામનો કરતી હતી. એની દુનિયામાં ફકત ને ફકત દિલ..દિલ ને દિલને જ સ્થાન હતું. વિચારીને સંબંધ બાંધવા એ તો જાણે એના માટે દેશદ્રોહ હતો.

__                               x                              ____                                  x

પાંત્રીસે’ક વર્ષની સપના ખૂબ જ બુધ્ધિશાળી અને સકસેસ બિઝનેસવુમન હતી. કેરીયર ઓરીએન્ટેડ હોવાથી હજુ સુધી એણે લગ્ન નહતાં કર્યા.  પોતાના જીવનની બાગડોર બીજાના હાથમાં સોંપવાનું એને સહેજ પણ મંજૂર નહતું. ઇન્ડીપેન્ડટ અને આત્મવિશ્વાસથી છ્લોછલ સપનાના જીવનનો એક ખૂણો કાયમ ખાલી રહેતો હતો જેની સપના સિવાય બીજા કોઇને ખબર પણ નહતી પડતી. એ સ્માર્ટ યુવતી બધું પોતાની બુધ્ધિના આવરણ હેઠળ છુપાવી દેતી હતી. હકીકતે ફકત દિમાગ અને દિમાગની વાત સાંભળવા ટેવાયેલી સપના જીવનમાં હવે એ તબક્કે હતી કે એની પાસે અઢળક પૈસો હતો, સફળતા હતી પણ એ બધાની ખુશી વહેંચવા માટે કોઇ જ અંગત મિત્ર કે જીવનસાથી નહતું. સફળતાની સીડીઓ ચઢવામાં અનેક રાજકારણ રમવા પડેલાં જેના કારણે હવે એ કોઇ પણ વ્યક્તિ પર વિશ્વાસ નહતી મૂકી શકતી, પોતાના સુખ દુખ શેર નહતી કરી શકતી. ફકત દિમાગ અને દિમાગની વાત સાંભળીને અનેક તબક્કે સફળ એવી આ આધુનિકા જીવનના લાગણીના પાના પર કોઇ હૂંફાળા સથવારાનો અક્ષર નહતી માંડી શકતી. એની અતિબુધ્ધિથી એને અમુક સમય ડીપ્રેશન પણ આવી જતું હતું.

__                               x                              ____                                  x

 

અનબીટેબલઃ દરેક સ્થિતીમાં સમય રહેતાં ચેતી જઈને ‘સમતુલા’ રાખતાં શીખી લો તો જીવન બહુ સરળ ને ખુશહાલ બની રહે છે.

-સ્નેહા પટેલ

 

 

IMG_20170705_111638

 

Advertisements

7 comments on “Jara’k thobho ane vicharo

 1. તમારા લેખમાં આ વખતે તમે ખુબ જ સરસ અને નવો પ્રયોગ કર્યો…એક સાથે ચાર ઘટના લેખમાં વણી લીધી…મારા ખ્યાલથી આ પ્રયોગ તમે લેખમાં પહેલીવાર કર્યો છે…આ ચાર ઘટના (ચાર ટૂંકી વાર્તા) માંથી હું એક “વાંચક મિત્ર” તરીકે મારી રીતે આ તારણ કાઢું છું…(બની શકે કે હું યોગ્ય તારણ ન પણ કાઢી શક્યો હોય, તો ક્ષમા કરશો…)
  લેખની શરૂઆતમાં તમારી રચના “આ હાથ કંકુ ને ચોખા, વધુ શું જોઈએ, આવો..!” અદ્‍ભુત…
  ઘટના (૧) – આ સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ ખુબ જ જરૂરી છે પણ જરૂર પુરતો જ ઉપયોગ કરવો એટલી ખબર જરૂર પડવી જોઈએ…જરૂરી કામ સીવાય ગામ-ગપાટા મારવા માટે ટેકનોલોજીનો ઉપયોગ ન કરાય…અગત્યના કામ પુરા થાય પછી ટેકનોલોજીનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ…જ્યારે આજે લોકો ટેકનોલોજીને અને સોશ્યલ સાઈટના સંબંધને વધારે મહત્વ આપે છે અને અંગત સંબંધને ઓછું મહત્વ આપે છે જે યોગ્ય અને વાજબી નથી…
  ઘટના (૨) – અમુક વડીલોને મોટી ઉંમરે ટેકનોલોજીનો ઉપયોગ કરવો નથી ગમતો હોતો…જેમકે મોબાઈલ-સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર-લેપટોપ કે ઈન્ટરનેટ વગેરે એમને મન આ ઉંમરે આ બધુ શીખવું ઝંઝટ જેવું લાગે છે પણ સંતાનોને પોતાના સ્વજનની ચિંતા થાય કે રખેને રસ્તામાં કંઈ દુર્ઘટના બની જાય ને વડીલને કંઈક થઈ જાય તો ક્યાં ગોતવાં જવા અથવા તો કંઈ પ્રોબ્લેમ થાય તો ફોન કરીને વડીલ પોતાના સંતાનોનો સંપર્ક કરી શકે…માટે વડીલે પણ જીદ્દી સ્વભાવ છોડીને સંતાનો ખાતર પણ મોબાઈલ ફોન પાસે રાખવો જોઈએ. (અમુક વડીલને એમ થાય કે ફોન સાથે રાખશું તો આ લોકો ઘરે તો શાંતી નથી લેવા દેતા બહાર પણ ફોન કરી કરીને પત્તર ઠોકશે…ક્યાં છો ? શું કરો છો ? કેટલો સમય થયો ઘરે આવવાની ખબર નથી પડતી..? તમે ઘરે આવો ત્યારે આ વસ્તુ લેતાં આવજો, વગેરે વગેરે…એટલે વડીલ વિચારે કે ફોન પાસે રાખવી તો આ બધાં પત્તર ઠોકણાં થાય ને..?! આ તો વડીલોના વિચારોને પણ વાચા આપવી જોઈએને..?)
  ઘટના (૩) – પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવ હોવો એ સારી બાબત છે પરંતુ આવા સ્વભાવનો અતિરેક પણ સારી બાબત નથી…સામેની વ્યક્તિને જો ઓળખતા આવડે તો કંઈ વાંધો આવતો નથી નહીંતર મિસયૂઝ થવાનો ભય રહે છે…એટલે આ સમયમાં ફક્ત દિલથી કામ ન લેતાં દિમાગનો પણ ઉપયોગ કરવો એવું આ ઘટના પરથી સાબીત થાય છે…ટૂંકમાં સાવધાન રહેવું એવું અહીં “લેખિકા મિત્ર” કહેવા માગે છે…
  ઘટના (૪) – કોઈપણ કામ સમયસર પર થાય તો તે સારું લાગે કે તેનું મહત્વ જળવાઈ રહે…અહીં ઘટના-૩ થી ઉલ્ટું કે દરેક કામ ફક્ત દિમાગથી ન કરાય અમુક કામમાં દિમાગ સાથે દિલને જોડો તો તે કામ સારી રીતે થાય છે અને આનંદ પણ આવે છે…આજે યુવાનો અને યુવતીઓ કેરીયર ઓરીએન્ટેડ થયાં છે તે સારી બાબત છે પણ તેઓ બીજા મહત્વનાં કામો જેમકે લગ્ન ને પાછા ઠેલવતાં જાય છે તે યોગ્ય બાબત નથી…યોગ્ય ઉંમરે યોગ્ય કામો કરી લેવા જોઈએ જેથી મન ભટકે નહીં…નહીતર પછી એક સમય એવો આવે કે લગ્ન તો કરીયે પણ પછી લગ્ન ભોગવવા જેવા ન રહીયે અને રસ વગર કોઈપણ કામ કરીએ તો એમાં મજા ન આવે…(જો પુરુષ કે સ્ત્રીને લગ્ન કરીને યોગ્ય જીવનસાથી મળે તો, નહીંતર એમ થાય કે આના કરતાં તો એકલાં સારા હતાં…અહીં ક્યાં ભટકાય ગયાં..?!)
  અને છેલ્લે “અનબીટેબલ: દરેક સ્થિતિમાં સમય રહેતાં ચેતી જઈને “સમતુલા” રાખતાં શીખી લો તો જીવન બહુ સરળ ને ખુશહાલ બની રહે છે”… ખરેખર આ લેખમાં જે ચાર ઘટના રજુ કરી છે તેનો સાર આ “અનબીટેબલ”માં જ આવી જાય છે/સમાયેલો છે…
  તમે “જરા’ક થોભો ને વિચારો” એમ કહ્યું ને હું ઝાઝું થોભી ગયો ને ઝાઝું વિચારીને લખી નાખ્યું, લો બોલો આવું છે બધું… (તમારા લેખ જેટલું કે કદાચ તેનાં કરતાં પણ વધુ લખાઈ ગયું…!?! આટલી લાંબી કોમેન્ટ ને “લીમકા બુક ઓફ રેકોર્ડ” કે “ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” માં સ્થાન મળશે એવું આ રેકોર્ડ બુક વાળા કહેતા’તાં…હે હે હે…હી હી હી…ખી ખી ખી…ખો ખો ખો ને હુતુતુ…)

  Liked by 1 person

 2. પહેલા msg માં મોબાઈલ ના બિન જરૂરી ઉપયોગ થી સમય ની બરબાદી છે તે બતાવે છે સોહની ના.

  બીજા msg માં મોબાઈલ ની જરૂરિયાત નું મહત્વ બતાવાયું છે, જે આંધળા ની લાકડી જેવો બતાવ્યો છે મોબાઈલ ને જો તેનો સાચવી ને ઉપયોગ કરે તો.

  ત્રીજા msg મા સ્વભાવ વિશે જણાવ્યું છે, આ જમાના માં અત્યંત લાગણી ભર્યા દિલ થી કામ ન થાય. બધા આ નો ફાયદો ઉઠાવે અને આપણે ત્યાં ના ત્યાં જ.

  ચોથા msg માં જીવન ની કારકિર્દી નો ગ્રાફ ઉપર લઈ જવા અતિ આત્મવિશ્વાસ માં લોકો ને છેતરી પોતાની જ પ્રગતિ નું વિચારી એવી કફોડી હાલત માં મુકાઈ જાય છે આવા લોકો કે પછી તે કોઈ ના પર વિશ્વાસ મુકવા નું જોખમ ઉઠાવી નહીં શકાતું…અને બધે જ પોતે એકલતા અનુભવે છે. શુ જરૂર છે આવા પ્રતિભાશાળી વ્યક્તિ બનવા ની…કે પોતાના જ અંગત જીવન ની બરબાદી કરી…

  Liked by 1 person

 3. આ લેખમાંની ચારેય ઘટનાઓનો સાર/તારણ એ નિકળે કે કોઈપણ બાબતનો અતિરેક સારો નહીં, અતિરેક નુકશાન કરે છે…પછી તે લાગણી, વાણી, વર્તન, વલણ, વ્યવહાર, સંબંધ, ટેકનોલોજી હોય કે વસ્તુ, અતિમાં મતિ નહીં…જીવનમાં ક્યાં આગળ વધવું અને ક્યાં અટકવું, જો એ ખ્યાલ આવી જાય તો માણસને ક્યાંય ભટકવું કે લટકવું ન પડે… જીવનમાં સંતુલન (બેલેન્સ) રાખવાની જરૂર છે, જો એ રાખતા આવડી જાય તો જીવન જીવવું આસાન બની જાય…

  Liked by 1 person

 4. Very true! Excessive use of gadgets lost of sociability.As you have mentioned here that parents feel proud of their children becoming master of mobiles but they are unaware of its impact on their behaviour.They toon become dependent on mobile.A day is not far off that there will not be parents children bonding.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s